Sarva Swikar Sadhna Shibir – Vachana 1

1 View
26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સર્વસ્વીકાર

જ્યાં અસ્વીકારની ભાવના આવે એટલે પીડા થાય. મનની અંદર નક્કી કર્યું કે આ સારું અને આ ખરાબ. પછી ખરાબ જોડે રહેવાનું થાય અથવા સારાનો વિયોગ થાય એટલે સ્વીકાર થતો નથી. અને માટે પીડા જ પીડા છે.

સર્વસ્વીકાર. આ એક શબ્દ એવો છે જે પ્રભુની પૂરી સાધનાને પરિભાષિત કરે છે. જો પ્રભુએ આપેલા આ સર્વસ્વીકારના મંત્રને આત્મસાત્ કરી લઈએ, તો મજા જ મજા; આનંદ જ આનંદ. ૨૪ કલાક આનંદ.

તમે આનંદઘન જ છો. પણ ઘટનાઓમાં જશો, સર્વસ્વીકાર નહિ કરી શકો, તો વિષાદઘન બની જવાના. સર્વસ્વીકાર થયો, તો આનંદઘન. અસ્વીકાર થયો, તો વિષાદઘન. Now choice is yours. તમારે શું કરવું એ તમે નક્કી કરો!

સર્વ સ્વીકાર સાધના શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ દેવલાલી વાચના – (Morning)

એકવાર પ્રવચન સભામાં મને પૂછવામાં આવેલું કે એક શબ્દ એવો છે જે પ્રભુની પુરી સાધનાને પરિભાસિત કરી શકે? મેં કહ્યું કે સર્વસ્વીકાર; એ એક શબ્દ એવો છે જે પુરી પ્રભુની સાધનાને પરિભાસિત કરે.

ભગવાને પોતે ઉત્તરાધ્યયન સુત્રના પંદરમાં અધ્યયનમાં “जो कसिणं अहिआसए स भिक्खू” જે બધે બધાનો સ્વીકાર કરે છે – એ મારો ભિક્ષુ, એ મારો સાધક.

પીડા ક્યારે થાય? અસ્વીકારની ભાવના આવે ત્યારે. મનની અંદર નક્કી કર્યું – આ સારું, આ ખરાબ. પછી ખરાબ જોડે રહેવાનું થાય છે, સારાનો વિયોગ થાય છે. એકેય વસ્તુનો સ્વીકાર કરી શકાતો નથી; અને માટે પીડા જ પીડા છે.

આપણા અગણિત અતિતનો ઈતિહાસ એક જ છે. માત્ર પીડા.. માત્ર પીડા.. માત્ર પીડા.. આ જન્મમાં પ્રભુએ આપેલા આ સર્વસ્વીકારના મંત્રને આત્મસાત્ કરી લઈએ મજા જ મજા. તમે લોકો અમારી શાતા પૂછો, બરોબર? અમે તો શાતામાં જ છીએ! Ever green.. Ever fresh.. અને અમે શાતામાં છીએ, એનું કારણ છે – આ સર્વસ્વીકારનો મંત્ર. સદ્ગુરુએ એક મંત્ર દીક્ષા આપી, સર્વસ્વીકારની; પ્રભુની કૃપાથી, પ્રભુના પ્રેમથી એ મંત્ર દીક્ષા ઝીલાઈ ગઈ, આત્મસાત્ થઇ ગઈ; અને હવે મજા જ મજા! આનંદ જ આનંદ.! ૨૪ કલાક આનંદ.!

એક ક્ષણ વિષાદમાં ન જાય.!

એક બહુ પ્યારી ઘટના યાદ આવે. એક બૌદ્ધ ભિક્ષુ એક ઉપાસિકાને ત્યાં ભિક્ષા લેવા માટે ગયાં. ભારતના કોઈ ગામમાં કે કોઈ ઘરમાં ન બની શકે એવી ઘટના ત્યાં ઘટિત થઇ. ઉપાસિકાએ ના પાડી! મારા ઘરે આવવાનું નહિ, અહીંયા કોઈ ભિક્ષા-બીક્ષા મળવાની નથી, ક્યારેય પણ અહીંયા તમારે આવવાનું નહિ. સ્વીકાર હતો, ‘ના’ નો પણ સ્વીકાર હતો. ‘હા’નો પણ સ્વીકાર, ‘ના’ નો પણ સ્વીકાર; એને કોણ દુઃખી કરી શકે? સામેવાળાએ વાત accept કરી તો પણ મજા, Accept ન કરી તો પણ મજા!

ભિક્ષુ પાછા ફર્યા. બીજા દિવસે એ ભિક્ષુ ફરીથી એ ઉપાસિકાને દ્વારે આવે છે. શું કારણ? ભિક્ષુના મનને વાંચીએ તો આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ. ભિક્ષુના મનમાં એક જ વાત હતી, કે હું અસજ્જ હતો, હું અપાત્ર હતો, તો પણ પ્રભુએ અપાર પ્રેમ મારા પર વરસાવ્યો…! અને એના પ્રેમથી હૃદય ભરાઈ ગયું.! હવે પેલી વ્યક્તિ અપાત્ર છે, એટલે શું મારા પ્રેમની કે પ્રભુના પ્રેમની એ હકદારણ નહિ? જો મારા જેવા અપાત્ર માણસને પ્રભુનો આટલો બધો પ્રેમ મળી શકતો હોય, તો એને પ્રભુનો પ્રેમ કેમ ન મળે?

હમણાં હમણાં આ વાત મારા મનમાં બહુ સ્પષ્ટ થઇ છે. પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે. પહેલાં હું કૃપા શબ્દ વાપરતો હતો, હવે કૃપા શબ્દ વાપરતો નથી. પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે આપણા ઉપર વરસી રહ્યો છે. એક ક્ષણ એવી નથી, એક ક્ષણાર્ધ એવું નથી કે એનો પ્રેમ ન વરસતો હોય! એનો પ્રેમ, વરસાવે પણ એ! એ પ્રેમને ઝીલવા માટે આપણને સજ્જ બનાવે પણ એ.! સદ્ગુરુ ચેતનાને આપણી પાસે મોકલનાર કોઈ પણ હોય, તો એ પરમચેતના છે.

મારા અને તમારા જીવનની અતિતની એક મજાની ઘટના કહું. ૮૦૦ જન્મ પહેલાં, કે ૧૦૦૦ જન્મ પહેલાં, કે ૨૦૦૦ જન્મ પહેલાં એક જન્મ આપણો એવો હતો, જેમાં આપણે બિલકુલ કોરા હતાં. પ્રભુના નામનો આપણને ખ્યાલ પણ હતો નહિ. પ્રભુના માહાત્મ્યનો આપણને ખ્યાલ હતો જ નહિ. અને એ વખતે એક સદ્ગુરુના ચરણોમાં બેસવાનું આપણને સૌભાગ્ય મળ્યું. સદ્ગુરુએ પરમાત્માના મહિમાની વાત કરી. પરમાત્માના અપાર પ્રેમની વાત કરી. એ જ ક્ષણે આપણે દિગ્મૂઢ બની ગયાં. આપણે પ્રભુને પ્રાર્થના કરી, કે પ્રભુ! તારો પ્રેમ આટલો નિર્મળ, આટલો સુંદર આ મહાત્માને મળે, તો શું મને ન મળે? એક ક્ષણની આપણી પ્રાર્થના પર પ્રભુએ આપણને select કર્યા.! અને પ્રભુએ ગુરુ ચેતનાને સંદેશો આપ્યો, “He is selected by me. She is selected by me.”

Initial stageનું કામ સદ્ગુરુ ચેતનાએ કરવાનું હોય છે. સદ્ગુરુએ આપણા હ્રદયને ખાલી કરવાનું હતું, રાગ-દ્વેષથી, અહંકારથી; અને એ ખાલી હૃદયમાં પરમાત્માનો પ્રેમ ભરાવાનો હતો. તો પ્રભુનો સંદેશ મળ્યો; સદ્ગુરુ ચેતના સક્રિય બની. હું ઘણીવાર કહું છું, પરમચેતના પરમસક્રિય, સદ્ગુરુ ચેતના પરમનિષ્ક્રિય; અને વચલી જે ચેતનાઓ છે, એ સક્રિય હોય કે નિષ્ક્રિય એનો કોઈ બહુ અર્થ નથી. સદ્ગુરુ ચેતના પરમ નિષ્ક્રિય છે.! પરમ ચેતનાનો આદેશ મળે, ત્યારે જ એ સક્રિય બને છે. આજ્ઞાને ઉઠાવવાની છે, ઈચ્છાથી કશું જ કરવાનું નથી.! આ મારા અને તમારા જીવનમાં ઘટેલી ઘટના છે. સદ્ગુરુ ચેતનાએ Initial stageનું કામ શરૂ કર્યું – આપણા હૃદયને ખાલી કરવાનું હતું.

બાઈબલમાં ઇસુ ખ્રિસ્તે કહ્યું; Empty thy vessel and I’ll fill it. Empty thy vessel and I’ll fill it. પણ આપણી પરંપરામાં તો પ્રભુ ‘જ’ આપણા હૃદયને રાગ-દ્વેષથી મુક્ત કરાવવા તૈયાર છે, કરવા તૈયાર છે; અને એ ખાલી થયેલા હૃદયમાં પોતાનો નિર્મળ પ્રેમ ભરવા માટે તૈયાર છે.!

આપણે શું કરવાનું?

એકવાર હું પ્રવચન આપતો હતો. મેં કહ્યું; બધું પરમાત્મા કરે, પરમચેતના બધું કરે, અને એમના આદેશથી ગુરુ ચેતના પણ થોડું કામ કરે. એક ભાઈ મને કહે; સાહેબ ! બધું પરમચેતના અને ગુરુ ચેતના કરે. તો અમારે શું કરવાનું? હું જરા હળવા મૂડમાં હતો. મેં કહ્યું કે ભાઈ આપણે વચ્ચે પથરાં નહિ નાંખવાના, આટલું જ કરવાનું! પરમચેતનાનું ઝરણું ચાલુ જ હોય છે; પણ આપણે બુદ્ધિ અને અહંકારના પથ્થર એ ઝરણાંમાં નાંખીએ, ઝરણાને અટકાવીએ છીએ. એટલે આપણે આટલું જ કરવાનું છે કે બુદ્ધિ અને અહંકાર જે છે એને બાજુમાં રાખી દેવાના.

આ હોલની બહાર તકતી લગાડી નથી. પણ ઝેન મઠોમાં તો બહાર તકતી લગાડેલી હોય છે : કે તમારા મનને બહાર મુકીને આવજો. તમારી બુદ્ધિને લઈને અંદર નહિ આવતાં! જૂત્તા પણ બહાર રાખો, બુદ્ધિને પણ બહાર રાખો.! તમે બુદ્ધિ લઇ અને અહીં આવેલા હોય તો શું થાય? હું વ્યાખ્યાન આપું. પછી રાજરત્નસૂરિજી આપશે. બપોરે બીજા મહાત્મા આપશે. તમારી બુદ્ધિ જે છે ને એ બધાને માર્ક્સ આપવા માટે મંડી પડશે. આ મહાત્મા બહુ સરસ બોલ્યાં. આ જરાક ઠીક ઠીક હતા. આમનામાં કંઈ મજા નહિ આવી.

શ્રવણયોગ ક્યાં છે આપણી પાસે? પ્રભુને સાંભળીએ. આમ આંખોમાંથી આંસુ વહેતાં હોય.. મારા પ્રભુ! મારા નાથ!

મહાભારતની એક ઘટના કહું. ઉદ્ધવજીને વૃંદાવન જવાનું હતું. શ્રીકૃષ્ણ આવવાનાં નહતા. તો ઉદ્ધવજીને થયું; કે વૃંદાવનમાં ગોપીઓ કૃષ્ણના નામ પર ઘેલી થયેલી. કૃષ્ણ તો આવતાં નથી પણ એમનો પત્ર લઈને જાઉં. ઉદ્ધવજીએ કહ્યું શ્રીકૃષ્ણને, ગોપીઓના નામ પર એક પત્ર લખી આપો. શ્રીકૃષ્ણએ લખી આપ્યો. ઉદ્ધવજી એ લઈને વૃંદાવન ગયાં. રથ ઉભો રહ્યો. ૫૦-૬૦ ગોપીઓ એકઠી થઇ ગઈ. ઉદ્ધવજી બહાર નીકળ્યાં. અને કહ્યું; શ્રીકૃષ્ણ આજે આવી શક્યાં નથી પણ એમનો પત્ર લઈને હું આવ્યો છું. લો, આ પત્ર. ૫૦-૬૦ ગોપીઓ સામે ઉભેલી. એક પણ ગોપી પત્ર લેવા માટે નજીક આવતી નથી. ઉદ્ધવજી જ્ઞાની માણસ છે. પંડિત છે. એમને ખ્યાલ નથી આવતો કે શ્રીકૃષ્ણના નામ પર ઘેલી થયેલી આ ગોપીઓ શ્રીકૃષ્ણનો પત્ર સામે ઘરુ છું, લેવા આવતી નથી.! સુરદાસજીએ પોતાના પદમાં આ વાતને ખોલી. “પરસે ઝરે”. ગોપીઓ કેમ નથી આવતી પત્ર લેવા? ગોપીઓના હૃદયમાં એક વાત છે : ભક્તનું હૃદય પ્રભુનું મિલન થાય, ત્યારે આનંદમાં ગરકાવ હોય; અને પ્રભુનો વિરહ હોય ત્યારે વિરહાગ્નિથી એ બળતું હોય.!

ભક્તના હૃદય માટે બે જ અવસ્થાઓ છે : પ્રભુનું મિલન થયું આનંદ જ આનંદ.! અને પ્રભુ નથી મળ્યાં, વિરહના અગ્નિથી આખું શરીર, હૃદય, અસ્તિત્વ બળતું હોય.! તો ગોપીઓને થયું; અમારું શરીર આ વિરહના અગ્નિથી બળી રહ્યું છે. અમે પત્ર લેવા જઈશું પત્ર બળી નહિ જાય? ચાલો પત્રને અડો નહિ. સ્પર્શ ન કરો. નજીક આવીને વાંચો તો ખરા કે તમારા માટે શું લખ્યું છે? એક પણ ગોપી નજીક આવીને વાંચવા તૈયાર નથી. કેમ? સુરદાસજીએ લખ્યું; ‘બિલૌકે ભીંજે’. નજીક આવશું, એ પરમ પ્યારાના અક્ષરોને જોઈશું, આંખમાંથી આંસુનો ધોધ વહેશે, અને પત્રમાં રહેલા અક્ષરો ચહેરાઈ જશે, ભૂંસાઈ જશે.!

મને પોતાને આગમગ્રંથો વાંચવા માટેનો એક સરસ મજાનો ઉપાય આ ઘટનામાંથી મળ્યો કે ગોપીઓ એમના ભગવાનના પત્ર માટે આટલો બધો આદર રાખી શક્તિ હોય, તો આચારાંગ સૂત્રમાં મારા ભગવાને કહેલું છે; મારા ભગવાનના શબ્દો આવેલા છે. તો એ શબ્દોને હું કેવી રીતે જોઉં? શું કોરી કોરી આંખે આચારાંગજી વાંચી શકું? કે ડૂસકાંની playback પર આચારાંગ ગોખું? આચારાંગ સૂત્ર ગોખ્યું, કઈ રીતે ગોખ્યું? ડૂસકાંની playback પર?

તો Initial stageનું કામ સદ્ગુરુને કરવાનું હોય. સદ્ગુરુએ કહ્યું; બેટા! તું ગુસ્સે કેમ થાય છે? તું કહે છે, પેલાએ આમ કર્યું માટે મને ગુસ્સો આવ્યો. તું પેલાને જુએ છે, પણ તારી જાતને જોવે છે? નિમિત્ત તરફ તારી નજર જાય છે, તારા ઉપાદાન તરફ તો નજર કર.!

હું ઘણીવાર આ વાતને explain કરતો હું છું કે એક માણસ ગયો મોટરમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપમાં. પેટ્રોલપંપનો માલિક એનો પરિચિત હતો. એને થયું માલિકને મળતો જાઉં. પણ માલિકની ચેમ્બર બંધ હતી. બહાર ઉભો રહ્યો. ૫-૧૦ મિનિટ થઇ. ચેઈન સ્મોકર હતો. એને સિગરેટની તલપ લાગી. No smoking please લખેલું હતું, છતાં એને સિગરેટ કાઢી. દીવાસળી સળગાવી. સિગરેટ સળગાવી ત્યાં સુધી એ ઠીક હતું. સળગતી દીવાસળી પેટ્રોલપંપમાં ફેંકી. પેટ્રોલપંપ ભડકે બળ્યો. હવે તમને શું લાગે આમાં? આ માણસને દીવાસળી ફેંકી એટલે પેટ્રોલપંપ સળગ્યો. બરોબર? તમને સામાની દીવાસળી દેખાય. તમારો પેટ્રોલપંપ દેખાય બોલો? એ જ માણસ દીવાસળીનું બાકસ લઇ, અને પાણી ભરેલા હોજ પાસે જાય, અને દીવાસળી સળગાવી-સળગાવી અને પાણી ભરેલા હોજમાં નાંખે, શું થાય બોલો? દીવાસળીની તાકાત કેમ વધી? પેટ્રોલપંપ હતો માટે. આપણે પેટ્રોલપંપ ન હોઈએ, આપણે પાણી ભરેલા હોજ હોઈએ, દીવાસળીની તાકાત કોઈ છે જ નહિ!

એકવાર હું કંડલા હાઈવે ઉપર વિહાર કરતો હતો. તો ઓઈલ ટેન્કરો ઘણા બધા નીકળે. અને દરેકની પાછળ લખેલું હોય, highly inflammable. અત્યંત જ્વલંતશીલ. મને વિચાર આવ્યો કે એવા કોઈ માણસો હોય છે, કે એમને પૂછો કે કેમ છો? મજામાં? શું તને મજામાં નથી લાગતો હું?! તબિયત ઠીક છે ને? તારે મને માંદો પાડવો છે, એમ? આવા માણસો હોય, એમણે ઝબ્ભાની પાછળ એક સ્ટીકર લગાડવું ન જોઈએ? “Highly inflammable – અત્યંત જ્વલંતશીલ.” ભાઈ દીવાસળી નજીક આવ્યાં તો ભડકો થઇ જવાનો છે.

તો સદ્ગુરુએ આપણને રાગ- દ્વેષ અહંકારથી થોડા શિથિલ બનાવ્યાં; અને પરમાત્માનો પ્રેમ વરસવા લાગ્યો.

મને તો પોતાને લાગે છે કે મારું અવતાર કૃત્ય હવે એક જ છે : પ્રભુએ જે પ્રેમ આપ્યો છે, એ પ્રેમનો આસ્વાદ બધાને આપું. બીજું કશું જ કરવું નથી. મને હમણાં ધર્મચક્રમાં એક વાચનામાં પૂછવામાં આવ્યું; કે સાહેબ દોષો ઘણા બધા છે. કઈ રીતે દોષોથી મુક્ત થવું? ત્યારે મેં કહ્યું; કે તમને હું shortest cut બતાવું? ગમશે..? એ કહે, ગમે જ ને! મેં કહ્યું; પ્રભુના પ્રેમથી તું હૃદયને ભરી દે, પછી જગ્યા જ નહિ હોય. No vacancy for others. કોઈ માટે જગ્યા જ નથી રહી, દોષો આવશે ક્યાં અને રહેશે ક્યાં? આ એક વાત મારે આજે બરોબર સ્થિર કરવી છે કે પ્રભુનો પ્રેમ સતત સતત સતત વરસી રહ્યો છે. મારી સાધના ચાલે છે એ પ્રભુના પ્રેમને કારણે. તમને પ્રભુ શાસન મળ્યું, પ્રભુની સાધના મળી, એ પ્રભુના પ્રેમને કારણે.

સભા – સાહેબજી અમે દ્રમક જેવા છીએ, એઠવાડ લઈને ફરીએ છીએ.

એવું કંઈ વિચારવાનું જ નથી! Negativity નું સ્થાન આપણે ત્યાં છે જ નહિ.! અને મારી પાસે તો માત્ર positivity છે. મારી શ્રદ્ધા એટલી બધી છે, એકેક માણસ ઉપર, કે મારી શ્રદ્ધા ક્યારેય ડગે એમ નહિ. જ્યારથી પ્રભુ મને મળ્યાં, ત્યારથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ મને ખરાબ લાગી નથી. એનામાં દોષ છે, એના અજ્ઞાનને કારણે, એ વ્યક્તિ તો સર્વાંગ-સંપૂર્ણ છે. એ વ્યક્તિ અનંત ગુણોથી સંપૂર્ણ છે. શ્રીપાળ કુમારે ધવલ શેઠમાં શું જોયું? આ જ તો જોયું.! એના સિદ્ધત્વને જોયું.!

નવકાર મંત્ર તો આવડે ને આપણે બધાને? ‘નમો સિદ્ધાણં’ જે સિદ્ધ ભગવંતો ભૂતકાળમાં થઇ ગયા, એમને નમસ્કાર કરો ને? ભાઈ કરો ને? વાંધો નહિ ને..?

વર્તમાનકાળમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી જે ભગવંતો સિદ્ધિપદને પામે એમને પણ આપણો નમસ્કાર ને? વાંધો ખરો? અને ભવિષ્યના જેટલા સિદ્ધો છે એ બધાને પણ નમસ્કાર ને…? બોલો હવે? આ બધા ભવિષ્યના સિદ્ધો! આ નહિ, જેટલા દેખાય એટલા બધા.! મુંબઈમાં રહેતા હોય ને, મુંબઈમાં જેટલા તમને દેખાય, એ મજુર હોય, કુલી હોય, તમારા ઘરનો ઘાટી હોય, બધા સિદ્ધ છે. તમારા ઘરના ઘાટીને પૂછ્યું ક્યારેય? કેમ છે ભાઈ? મજામાં છે ને? તારે કંઈ કામકાજ હોય તો મને કહેજે. તારા દીકરાને લાઈને લગાડવો હોય, તારી દીકરીનું લગ્ન હોય, ક્યાંય મુંઝાતો નહિ. કહ્યું છે એવું? અહીંયા બે કરોડનો ખર્ચ નહિ કરો તો ચાલશે તમને. સંઘ નહિ કાઢો તો ચાલશે, પણ એવા બે કરોડ તમે આ રીતે વાપરી કાઢો. તમારી ફેક્ટરી હોય, અને એમાં રહેલા અમારા બધા માણસોને તમે ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા, ૧૦,૦૦૦-૧૦,૦૦૦ રૂપિયા આપી દો, એકસાથે. મારો birthday છે આજે, ચાલો આજે બધા ખુશ થઇ જાવ. આ વિચાર પ્રભુ આપે છે.

ઈશાવાસ્યનો ઉપનિષદનો પ્રારંભ થાય.

ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्।
तेन त्यक्तेन भुञ्जीथा: मा गृधः कस्यस्विद्धनम् ॥ 

‘ईशावास्यमिदं सर्वं’ – આ બધું જ ઇશથી સ્પર્શેલું છે. તમે બધા કોણ છો? ઈશથી સ્પર્શિત! ઇષના પ્રેમથી સ્પર્શિત! તમને જોઇને પણ હાથ જોડું, કે તમારી અંદર પણ એ જ પરમાત્માનો પ્રેમ ઉતર્યો છે! તમે પણ ઈશના પ્રેમથી તમારા હૃદયને આવાસિત કર્યું છે! ईशावास्यमिदं सर्वं – ઉપનિષદના ઋષિની દ્રષ્ટિ કેટલી વિશાળ બની છે! એ નથી કહેતો કે આ ગુંડો છે તો એનામાં ‘ઈશ’ નો સ્પર્શ નથી. નહિ! ‘ईशावास्यमिदं सर्वं’ જે પણ છે એ બધું જ ‘ઈશ’ થી આવાસિત છે.! ‘ઈશ’નો આવાસ….! ઈશનો-પ્રેમનો આવાસ દરેક હ્રદયમાં છે.! કોઈ હૃદય એવું નથી, જેમાં એનો પ્રેમ ન હોય.! હા, તમે એને માણી ન શક્યા હોવ એ અલગ વાત છે. તમારું મન, તમારો વિચાર, તમારો ઉપયોગ સતત પરમાં હોય, તો તમે આ સ્વને – પરમાત્માના પ્રેમને માણી શક્યા ન હોવ એ બની શકે નહિ. બાકી પ્રભુએ તો પ્રેમ ખુબ ખુબ ખુબ આપ્યો. તીર્થંકર બન્યા એ પહેલાં ત્રણ જન્મોની અંદર એક જ વાત – ‘સવિ જીવ કરું શાસન રસી’ ‘સવિ જીવ’ – એક પણ આત્માને પ્રભુએ બાકાત નથી રાખ્યો પોતાના પ્રેમમાં.! ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् – બધું જ, બધું જ ‘ઈશ’થી આવાસિત છે!

તો આ વાત પેલા બૌદ્ધ ભિક્ષુના હ્રદયમાં હતી. અને એટલે એને થયું કે પ્રભુએ હું અસજ્જ હતો, અપાત્ર હતો, તો પણ પ્રેમ આપ્યો. અને હું જોવા જાઉં કે સામી વ્યક્તિ અસજ્જ છે, અપાત્ર છે માટે પ્રેમ ન આપું.! તમે આવું કરો? એ મારી સાથે બોલતો નથી, હું કેમ બોલું? તમે એના શરીરને જોવો છો; તમે એનામાં રહેલા નિર્મલ ચૈતન્યને જોઈ શકતાં નથી.

જીવવિચાર, નવતત્વ, ભાષ્ય, છ કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ્મપયડી ભણ્યાં અને છતાં આત્મા એટલે નિર્મલ ચૈતન્ય એનો સ્વીકાર તમે કરી શક્યાં નહિ! સામી વ્યક્તિ એટલે એનું શરીર; અને ‘હું’ એટલે પણ મારું શરીર.! તમે એટલે કોણ? તમે એટલે કોણ? You are the nameless experience. આ નામ તો આને મળેલું છે. સમાજે એક વ્યવસ્થા માટે નામ આપ્યું છે. અને હોસ્પિટલમાં જાવ તો નંબરમાં ફેરવાઈ જાવ. એક વ્યવસ્થા છે કે દસ જણા છે તો એકને બોલાવવો હોય તો કઈ રીતે બોલાવવો? એ કહે; પેલો આવ, પણ પેલો એટલે કોણ? એટલે નામ. એ નામ, જે સમાજે આપ્યું. આ શરીર, જે માત-પિતાએ આપ્યું. એના ઉપર તમે તમારું ‘હું’ ઠોકી બેસાડ્યું.! તમે એટલે કોણ? તમે એટલે નિર્મલ ચૈતન્ય. તમે એટલે આનંદઘન ચૈતન્ય. તમે બધા આનંદઘન છો.

૩૦૦ વર્ષ પહેલાં આનંદઘનજી થયાં એ તો બરોબર. તમે કોણ છો? તમે આનંદઘન જ છો. પણ ઘટનાઓમાં જશો, સર્વસ્વીકાર નહિ કરી શકો, તો વિષાદઘન બની જવાના. એટલે સીધી વાત છે, સર્વસ્વીકાર થયો તો આનંદઘન; અસ્વીકાર થયો તો વિષાદઘન. પીડાઘન. દુઃખઘન. Now choice is yours! તમારે શું બનવું એ તમે નક્કી કરો. આનંદઘન બનવું હોય તો પ્રભુ પાસે આવી જાવ. કારણ કે દુનિયા તો બેઠી જ છે, તમને પીડા આપવા માટે.

ભિક્ષુ એ વિચારે છે કે હું અપાત્ર હતો તો પણ પ્રભુએ મને પ્રેમ આપ્યો; અને એના પ્રેમથી મારા હ્રદયને ભરી કાઢ્યું તો બીજાને પ્રેમ આપતી વખતે હું કઈ રીતે વિચારી શકું કે એ સજ્જ નથી, એ પાત્ર નથી. અને એટલે એ બીજા દિવસે પણ એ જ ઉપાસિકાને દ્વારે જાય છે. અને પેલી કહે છે, કેમ આવ્યાં? કાલે ના પાડી હતી, નહિ આવવાનું. મારા ઘેર નહિ આવવાનું. ભિક્ષુનો ચહેરો પ્રસન્ન છે. એ અસ્વીકાર કરે મારા પ્રેમનો, એ એના તરફ ખુલતી વાત છે. મારે તો મારો પ્રેમ આપવાનો જ છે. પેલી બાઈનો ક્રોધ extreme લેવલ પર ગયો. એ કહે, જોઈએ છે ને તમારે? કંઈક લેવા આવ્યાં છો ને? લો આપું તમને. ઘર સાફ કરેલું. કચરો ભેગો થયેલો ડીશમાં, એ કચરાવાળી ડીશ ઉપાડી, લો ખોલો તમારું પાત્ર. ભિક્ષુએ પાત્ર ખોલ્યું પ્રેમથી. પેલીએ કચરો નાંખ્યો અંદર. ભિક્ષુએ કહ્યું; આભાર.. Thanks to you. હવે પેલી વિચારમાં પડી, કારણ કે નિયમ એવો હતો, action ની સામે re-action આવે. તમારી દુનિયામાં શું થાય બોલો? Action ની સામે re-action. ઈંટ કા જવાબ પથ્થર સે દો. પણ અમારી દુનિયા કઈ છે એ કહું; action ની સામે non-action. Action કરી લો, તમે કરી લો; આ બાજુ non-action – સ્વીકાર..

ભગવાન બુદ્ધના જીવનની એક ઘટના આવે છે. કે બુદ્ધ અને આનંદ જંગલમાં એક વૃક્ષ નીચે ધ્યાન કરવા માટે બેસે છે. હજી ધ્યાનની શરૂઆત થાય એ પહેલાં એક અનાડી માણસ આવે છે અને એ કહે છે; ઉભા થાવ ઉભા, શરમ નથી આવતી? આ મારા ખેતરમાં જવાનો રસ્તો છે. ઉભા થઇ જાવ! બુદ્ધ હતાં, action ની સામે re-action કોઈ વાત હતી જ નહિ! Non-action. ઉભા થઇ ગયા. જંગલનો મામલો હતો. ગમે ત્યાંથી એના ખેતરમાં જવાય એવું હતું. પણ અનાડી માણસ કોને કહેવાય? બુદ્ધે વિચાર કર્યો, કંઈ નહિ એને પીડા થાય છે તો આપણે અહીંયા ધ્યાન કરવાની જરૂર શું? ૫૦ મીટર દૂર બીજું વૃક્ષ હતું. ત્યાં જઈને બેઠા. હજુ ધ્યાનની શરૂઆત કરે ત્યાં પેલો માણસ આવી ગયો. બેઠો. તમે ચહેરા પરથી બુદ્ધિમાન માણસો લાગો છો. તો તમને એટલી ખબર ના પડે, કે મારા ખેતરમાં જવાના રસ્તો હતો ને બેસી ગયેલાં. અલ્યાં બાપા પણ તારું ખેતર એ ગયું. અને તારા ખેતરનો રસ્તો એ ગયો. હવે શું છે? દસ-બાર-તેર-ચૌદ મિનિટ non-stop.. બુદ્ધ હસ્યાં કરે. આવું તો પહેલી જ વાર જોયું.. કે ગાળોનો વરસાદ વરસાવીએ અને સામેથી આમ મોઢું હસતું હોય. પંદર મિનિટે તો loose થઇ ગયો.! ગયો. થાકી ગયો.! આ મંત્ર અપનાવવા જેવો છે હો – “Action ની સામે non-action.”

આનંદે પૂછ્યું બુદ્ધને કે ભગવાન ! તમારી પાસે કઈ master key છે? આ માણસ કોઈ કારણ નહિ. આપણો કોઈ અપરાધ નહિ. આટલો ગાળોનો વરસાદ વરસાવે. તમે હસતાં રહ્યાં. તમારે જોઈએ master key? આપી દઉં? પછી ઉપયોગ કરવાના કે આમ બેગમાં રાખી મુકવાનાં? તમારું તો ભલું પૂછવું પાછું! સાહેબે આપી છે ને, પૂજા કરો.! રોજ વાસક્ષેપથી પૂજા કરો..!

બુદ્ધ કહે છે કે આનંદ ! તું ભિક્ષા માટે ગયેલો. તો તારે આઠ રોટલી અને શાક લાવવાનું હતું. આઠ રોટલી આવી ગઈ ને શાક આવી ગયું. આજની ભિક્ષા આપણા બે ની પુરી થઇ ગઈ. તો આપણા સ્થાન તરફ પાછો આવતો હતો. એ વખતે વચમાં એક ભક્ત મળ્યો. મારા ત્યાં તો આવવું જ પડે. પગલાં કરવા જ પડશે. ભાઈ આજની ભિક્ષા પુરી થઇ ગઈ. પુરી થઇ કે અધુરી રહી, મારા ઘેર આવ્યા વગર નહિ ચાલે. તો બુદ્ધ કહે છે; કે આનંદ તું એના ઘરે ગયો. એ તો ભક્ત માણસ હતો. એને તો રોટલીનો જથ્થો આખો offer કર્યો. થપ્પો. તે કહ્યું; ભાઈ એક રોટલી પણ નહિ, અડધી પણ નહિ, અને પા પણ નહિ. તારું મન રાખવા આવ્યો છું. ગોળની કાંકરી લઇ લે. તે ગોળની કાંકરી લીધી, અને તું રવાના થયો. એણે રોટલીનો થપ્પો offer કર્યો, તે લીધો નહિ, હવે ક્યાં રહ્યો? તારા પાત્રમાં કે એના વાસણમાં? તો સાહેબ સીધું છે ને, મેં લીધો નહિ, તો મારા પાત્રમાં ક્યાંથી આવે? એના વાસણમાં જ રહે ને! તો બુદ્ધ કહે; આ જ વાત હતી. કે આ માણસ જે આવેલો, હવે એની પાસ હતું એ offer કરે ને. જે હોય એ offer કરે માણસ. તો એની પાસે હતું એને offer કર્યું. મેં મનમાં કહ્યું કે ભાઈ મારે જોઈતું નથી. હવે પછી મારા પાત્રમાં આવે જ ક્યાંથી? મારા મનમાં કયાંથી આવે? એટલે આ એક સરસ મંત્ર છે. કોઈ ગાળોનો વરસાદ વરસાવે, મનમાં કહી દેવાનું, ‘no please.’ ઉતાવળે નહિ કહેવાનું હો પાછું, નહિતર ભડકો વધે પાછો.! તું શું સમજે છે મને? No please, તું મને કહેનારી કોણ? પણ મનમાં કહી દેવું, no please. આ મારે જોઈતું નથી, તું તારી પાસે રાખજે.

તો સર્વસ્વીકાર.. અને એ સર્વસ્વીકાર આવે ત્યારે શું થાય, એની બહુ મજાની વાત ભગવદ્ ગીતાના એક શ્લોકમાં છે. શ્લોકનો અંત બહુ મજાનો છે. ‘मे प्रियो नरः’ આવો માણસ મને ભાવે. આમ તો પ્રભુએ આપણા પર પ્રેમ કર્યો. ખુબ કર્યો… ખુબ કર્યો… ખુબ કર્યો… કોઈ પાત્રતા જોઈ નહિ. પણ પ્રભુને પૂછવામાં આવે કે પ્રભુ તમને કેવા ભક્તો ગમે? ત્યારે પ્રભુએ જે કહ્યું; એ વાત આપણા માટે બહુ જ મહત્વની બને. એટલા માટે કે આપણે પ્રભુનો જે અપાર પ્રેમ મળ્યો, એના ઋણમાંથી કંઈક અંશે મુક્ત બની શકીએ.

તો બહુ મજાનો શ્લોક છે :

तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येनकेनचित्।
अनिकेतः स्थिरमतिर्भक्तिमान्मे प्रियो नरः।।

છ વિશેષણો આપ્યાં છે. તમને પણ થશે; કે પ્રભુએ આટલો બધો પ્રેમ આપ્યો. પ્રભુએ મને આટલો બધો ચાહ્યો. તો પ્રભુના ઋણમાંથી હું મુક્ત કઈ રીતે થાઉં?

અમારું આ સંયમ ઋણમુક્તિ છે. સિવાય ઋણમુક્તિ આ કશું જ નથી! એક જ વાત થઇ – પ્રભુએ આટલું બધું આપ્યું! આટલો બધો પ્રેમ આપ્યો! તો પ્રભુના ઋણમાંથી મુક્ત કેમ થાઉં? ત્યારે થયું કે પ્રભુને જે ગમે છે, એ સ્વીકારી લઉં.

એક નાનકડું સૂત્ર આપી અત્યારની મારી વાચના પુરી કરું. અને બપોરથી, કાલે સાંજથી આપણે આ છ વિશેષણોને ખોલવા લાગશું. નાનકડી વાત એટલી જ છે : કે મને આ ગમે. મને આ ગમે. મને આ ન ફાવે. આ record અનંતા જન્મોથી વાગ્યા કરે છે. હવે ગુરુ દક્ષિણામાં છે ને મારે એક ‘કાનો’ આપવો છે, ‘કાનો’. માઁ ને ગમે એ કરવું. જન્મદાત્રી માઁ. ગુરુ માઁ. પ્રભુ માઁ. આ બધી માઁ ને જે ગમે; ‘મને ગમે તે કરવું’ એ ક્યાં સુધી હતું, આ હોલમાં આવ્યાં ત્યાં સુધી. હોલમાંથી જશો ત્યારે શું હશે? માઁ ને ગમે તે કરવું. બરોબર…!

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *