વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : तुल्यनिन्दास्तुतिः, मौनी
જે વખતે ઘટના જે રીતે ઘટવાની છે એ જ રીતે ઘટિત થવાની છે. એક ઘટના ઘટી ગઈ પછી તમે એના વિશે ગમે એટલા વિચારો કરો, એ બીજે રીતે ઘટિત થવાની છે નહિ; તમારે એનો સ્વીકાર જ કરવો પડે. સ્વીકાર સિવાય બીજો કોઈ માર્ગ છે નહિ. આવા સર્વસ્વીકાર ને જીવનમાં લાવવા માટેનાં છ ચરણો છે.
પહેલું ચરણ तुल्यनिन्दास्तुतिः. નિંદા અને સ્તુતિ બંનેના શબ્દો સરખા જ લાગે છે. કારણ? શબ્દો તો પૌદ્ગલિક ઘટના છે; તમે અપૌદ્ગલિક, જ્યોતિર્મય ઘટના છો. માટે નિંદા સાંભળીને કોઈ પીડા નથી અને સ્તુતિ સાંભળીને રતિભાવના આંદોલનો નથી. બંનેનો એક સમાન સ્વીકાર છે.
બીજું ચરણ मौनी. માત્ર શબ્દો ન બોલ્યા એ મૌન નથી; મન બહિર્ભાવમાં ન જાય, એ સાચું મૌન. શબ્દોનું મૌન તો વિચારોના મૌનમાં જવા માટેનું એક સાધનમાત્ર છે. વિચારો તમને માત્ર અને માત્ર પર તરફ લઇ જાય છે. માટે જ્યાં સુધી વિચારોનું મૌન ન આવે, ત્યાં સુધી ઘટનાઓનો અસ્વીકાર રહેવાનો જ.
સર્વ સ્વીકાર સાધના શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ દેવલાલી – વાચના – ૨ (Afternoon)
પરમાત્માની સાધનાને એક શબ્દમાં મુકવી હોય તો એ એક શબ્દ છે : ‘સર્વસ્વીકાર’.
પ્રભુએ ઉત્તરાધ્યયન સુત્રના પંદરમાં અધ્યયનમાં ફરમાવ્યું; ‘जो कसिणं अहिआसए स भिक्खू’ જે બધે બધાનો સ્વીકાર કરે છે; એ મારો ભિક્ષુ – એ મારી સાધ્વી – એ મારા સાધક-સાધિકા.
સર્વસ્વીકાર. ઘટના આમ ઘટી તો પણ શો ફરક પડે? આમ ઘટી તો પણ શો ફરક પડે? જે વખતે ઘટના જે રીતે ઘટવાની છે એ જ રીતે ઘટિત થવાની છે. આપણા માટે સ્વીકાર સિવાય બીજો કોઈ માર્ગ છે નહિ.
એક ઘટના ઘટી ગઈ. તમને નહતી ગમતી. ઘણા બધા વિચારો કર્યા. આણે કેમ આમ કર્યું? શા માટે આમ થયું? પણ ગમે એટલા વિચારો કરવામાં આવે, જે ઘટના ઘટિત થઈ ગઈ એ બીજી રીતે થવાની છે નહિ, તમારે એનો સ્વીકાર જ કરવો પડે!
એ ‘સર્વસ્વીકાર’ને જીવનમાં લાવવા માટે છ ચરણોની વાત આપણે સવારે જોતા હતા.
“तुल्यनिन्दा स्तुतिर्मौनी सन्तुष्टो येनकेनचित् अनिकेतः स्थिरमतिर्भक्तिमान् मे प्रियो नरः”
પરમચેતનાએ આપણને કહ્યું; કે તું મને બહુ વહાલો છે! અગણિત અતિતથી પરમચેતના આપણને પ્રેમ આપતી જ રહી, આપતી જ રહી, આપતી જ રહી. પણ આ પહેલી વાર અવસર છે કદાચ કે પરમ ચેતનાના શબ્દો આપણને સંભાળવા મળે છે કે તું મને પ્રિય છે!
આગળ કહે છે: ‘प्रतिजाने प्रियोऽसि मे” તું નક્કી મનમાં સ્થિર કરી રાખ કે તું મને બહુ વહાલો છે! એમ લાગે કે હવેનું અવતાર કૃત્ય એ જ ન હોઈ શકે, કે એને ગમતું હોય એ આપણે કરીએ. એને કહેવું પડે કે તું મારો પ્રિય, અતિપ્રિય, અત્યંત પ્રિય છે.
શું કરવાનું?
પહેલું ચરણ આપે છે : ‘तुल्यनिन्दा स्तुति:’ નિંદા અને સ્તુતિ બંનેના શબ્દો સરખા જ લાગે છે. There is no difference. કારણ – શબ્દો તો પૌદ્ગલિક ઘટના છે. તમે અપૌદ્ગલિક જ્યોતિર્મય ઘટના છો. પુદ્ગલો ગમે તેમ ખુલે એની જોડે તમારે શું નિસ્બત? પ્રભુ તમને પ્રિય કહે; એ જો તમને ગમતું હોય, તો તમારે પુદ્ગલોની પ્રીત છોડીને પરમની પ્રીતમાં આવવું પડશે. પરનો અસંગ=પરમનો સંગ.
મીરાં યાદ આવે. ‘કોઈ નિંદે, કોઈ બંદે, મેં અપની ચાલ ચલુંગી’. કોઈ નિંદા કરે; તો કરે. કોઈ સ્તુતિ કરે; તો કરે. ‘મેં અપની ચાલ ચલુંગી’. મારી સાધનાની ગતિમાં, મારી પ્રભુ તરફની ગતિમાં કોઈ ફરક પડવાનો નથી.
કબીરજી તો એનાથી પણ આગળ વધ્યા. એમણે કહ્યું, ‘નિંદક નિયરે રાખીએ, અંગ ન કુટિયા બીછાય’. સાત માળની તમારી હવેલી હોય તો વાંધો નથી. પણ એક નાનકડી ઝુંપડી compound માં બનાવી રાખજો અને એમાં તમારા નિંદકને રાખજો. તમે બની-ઠનીને ક્યાંક જતા હોવ અને પેલા ભાઈ તૈયાર થઈને બેઠેલાં હોય. અરે, વાહ! આ તો બની-ઠનીને ભગવાનને છેતરવા માટે ઉપડ્યો.
તમારે reception માં જવું હોય. દર્પણમાં મોઢું જોયું. કાનમાં થોડોક સાબુ ભરાઈ ગયો. Razer થી વાળ કાપતાં થોડા દાઢીના વાળ રહી ગયા હોય. દર્પણ બતાવે છે. પછી શું કરો? દર્પણને પટકોને? હરામખોર! મારા મોઢા ઉપર છે ડાઘ. તો તારે શું છે એમાં? કહો? તમે વિચાર કરો સારું થયું કે દર્પણમાં જોઈ લીધું નહિતર ત્યાં ગયો હોત ઘઘા જેવો લાગત. સાબુ કાઢી નાંખો. Razer થી ફરી વાળ લઇ પણ લો. એટલે તમને દર્પણ ગમે બરોબરને.?
હવે બીજો સવાલ. દર્પણ ગમે તો દર્પણ જેવા માણસો ગમે કે નહિ? બોલો હવે. દર્પણ ગમે, દર્પણ જેવા માણસો ગમે કે કેમ? નિંદક એટલે શું? દર્પણ. આપણી આંખમાં, આપણા મનમાં એક ત્રુટી છે કે આપણી આંખ આપણા ચહેરા પરના ડાઘને જોઈ નથી શકતી. સામે રહેલા કેટલાય લોકોના ચહેરા ઉપર ડાઘ હોય આપણે જોઈ શકીએ છીએ. પણ આપણા ચહેરા પરના ડાઘ આપણે જોઈ શકીએ નહિ. એવી જ તકલીફ આપણા મનની છે. તમે પ્રબુદ્ધ માણસો. તમે કહી દો, હવે પેલો તો અહંકારનું પુતળું છે. એની પાસે જવાતું હશે.! પેલો તો સાલો ક્રોધિયો છે. એના ઘરે કોણ જાય? બીજો ક્રોધિયો છે એ તમને ખબર પડે છે. બીજો અહંકારી છે એ તમને ખબર પડે છે. માત્ર કેમેરા આ બાજુ ઘુમાવવાનો છે. આ બાજુ જ ઘુમાયેલો રહે છે. નિંદક ગમે ને; જલસો પડી જાય.! આપણા ડાઘ એક પછી એક દુર થતાં જાય.
તમે સદ્ગુરુ પાસે આવો. શા માટે આવો? સદ્ગુરુ તમારી પ્રસંશા કરે માટે તમે સદ્ગુરુ પાસે આવો? કે સદ્ગુરુ તમારા દોષોને પ્રગટ કરે માટે તમે સદ્ગુરુ પાસે આવો? ઘણા સાધકો મારી પાસે આવતા હોય છે. એ કહે; ગુરુદેવ આપની પાસે હું એટલાં માટે આવ્યો છું કે આપ મારી સાધનામાં ત્રુટી ક્યાં છે? Fault ક્યાં છે? એ બતાવી આપો. એ કહે છે કે ગુરુદેવ રોજના ચાર-પાંચ સામાયિક કરું છું. અને એ પણ દસ વરસથી લગાતાર ચાલુ છે, અને છતાં સહેજ નિમિત્ત મળતાં મારું boiler ઉકળે છે. તો ગુરુદેવ મને એવો માર્ગ આપો. મને એવી સાધના આપો. મને એવો ઉપાય આપો કે હું સામાયિક કરું અને સમભાવ મારો પુષ્ટ થાય.
આનંદમયી માઁ પાસે એક ભક્ત આવ્યો. ૨૦ વરસથી દર મહિને એ આનંદમયી માઁ પાસે આવે. માઁ પાસે આવવાના ૨૦ વરસ એના પુરા થયા. એ દિવસે માઁ ના ચરણોમાં પડીને એ ધ્રુસકે-ધ્રુસકે રડે છે. એ કહે છે કે માઁ ૨૦-૨૦ વરસથી દર મહિને એકવાર તારી પાસે આવું છું,અને છતાં મારામાં દોષો રહે છે, તો મારે શરમાવાનું કે તારે શરમાવાનું? આનંદમયી માઁ એ કહ્યું; કે મેં તને પહેલા દિવસે કહેલું કે તું તારા ‘હું’ ને તડકે મુક. તારા ‘હું’ ને તું શિથિલ કરતો જા. પણ તું તારા ‘હું’ ને સહેજપણ નીચું મુકતો નથી, હું શું કરું?
એક વાત હું વારંવાર કહું છું. કે તમે જો સદ્ગુરુને સમર્પિત થઈ શકો છો, તો તમારા બધા જ દોષોને કાઢવાની અને સાધનાના શિખર ઉપર લઇ જવાની જવાબદારી ગુરુ ચેતનાની છે. Guru is ready. એક તમારું સમર્પણ; સદ્ગુરુ કહી દે, “લે, તને મોક્ષ આપી દઉં.” ‘आयओ गुरुबहुमाणो’. એક માત્ર તમારું સમર્પણ, total surrender; મોક્ષ આ રહ્યો.! તમારા એક-એક દોષને દુર કરવાની જવાબદારી અમારી. તમને સાધનાના એક પછી એક પગથિયાં ચડાવવાની જવાબદારી અમારી. તમને મોક્ષ સુધી લઇ જવાની જવાબદારી ગુરુચેતનાની. માત્ર તમે સમર્પિત થયા નથી, અને તમે સમર્પિત ન હોવ તો ગમે તેવા પહોંચેલા સદ્ગુરુ એમના હાથ બંધાયેલા છે. એ કશું જ કરી શકતા નથી તમારા માટે. અનંત અતિતમાં કેટલા સદ્ગુરુઓ આપણને મળ્યા?! હેમચંદ્રાચાર્ય જેવા, હરિભદ્રાચાર્ય જેવા.! પણ આપણે એવા ને એવા રહ્યાં. કેમ? આપણે સમર્પિત ન થઈ શક્યા.! આ જન્મમાં પણ એક જ અવતાર કૃત્ય તમારું છે. સમર્પિત થઈ જાઓ. તમે સમર્પિત થઈ ગયા. You have not to do anything absolutely. તમારે કશું જ કરવાનું નથી, જે પણ કરવાનું છે. એ સદ્ગુરુ ચેતનાએ કરવાનું છે.
આપણે ત્યાં ત્રણ શબ્દો છે. સદ્ગુરુ વ્યક્તિ, સદ્ગુરુ ચેતના ને પરમચેતના. તમે જેમને સદ્ગુરુ વ્યક્તિ તરીકે ઓળખો છો એ એમની બાજુ સદ્ગુરુ ચેતના છે. કલાપૂર્ણસૂરી દાદાને આપણે ગુરુ વ્યક્તિ તરીકે ઓળખતા હતાં. આપણને એ ગુરુ વ્યક્તિ લાગતા હતાં પણ એ ગુરુ ચેતના હતાં.
ગુરુ ચેતનાની વ્યાખ્યા શું? જેમનું હૃદય સંપૂર્ણતયા વિભાવશૂન્ય બનેલું હોય, અને જેમના એ વિભાવશૂન્ય હૃદયમાં પરમચેતનાનું અવતરણ થયેલું હોય એ ગુરુચેતના. અને એટલે જ આપણે કહેતા હોઈએ છીએ. ‘તિત્થયર સમોસૂરી’. એક વાત હું વારંવાર કહેતો હોઉં છું. There is the same fragrance and same taste in all the respected gurus. દરેક પહોંચેલા સદ્ગુરુમાં એક જ સરખી સુગંધ અને એક જ સરખો આસ્વાદ છે. કારણ કે સુગંધ પણ પરમચેતનાની છે. આસ્વાદ પણ પરમચેતનાનો છે. તમે બેઠા છો ગુરુ વ્યક્તિ પાસે.,પણ તમને એ વખતે પરમચેતનાની સુગંધ અને પરમચેતનાનો આસ્વાદ મળે છે. કારણ કે ગુરુચેતના અને પરમચેતના એક અપેક્ષાએ એકાકાર થયેલી સંઘટના છે.
અને એટલે જ મુનિસુવ્રતસ્વામિ ભગવંતના સ્તવનમાં મહોપાધ્યાયજીએ આ વાત લખી; ‘જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે’. ઈશારો એ છે કે સદ્ગુરુએ આજ્ઞાચક્રને દબાવ્યું. યૌગિક પરિભાષામાં આજ્ઞાચક્રની નીચે સંસાર છે. આજ્ઞાચક્રની ઉપર મોક્ષ છે. સદ્ગુરુ આજ્ઞાચક્ર દબાવે, અને એ પછી તમે ધીરે-ધીરે સહસ્ત્રાર તરફ ખસી શકો. તો સદ્ગુરુ અહીંયા કપાળે અંગુઠો દબાવે છે. એ જગ્યાને third eye કહેવામાં આવે છે, ત્રીજી આંખ.
તિબેટમાં તો આ ત્રીજી આંખ ખોલવાની આખી વિધિ છે. એક પ્રસિદ્ધ લામાએ third eye નામનું પુસ્તક લખ્યું છે. એ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે કેવી રહસ્યમય વિધિઓ ત્યાં છે. તો સદ્ગુરુ એ તમારા કપાળ ઉપર અંગુઠો દબાવે. આજ્ઞાચક્રને push કરે. એ વખતનો આનંદ અપૂર્વ હોય છે. તો દબાવ્યું છે આજ્ઞાચક્ર સદ્ગુરુએ. શબ્દો શું આવે? ‘જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથ’. સાહેબે-પ્રભુએ મારા કપાળમાં મુક્તિનું તિલક કર્યું. એટલે ત્યાં પરમચેતના અને ગુરુચેતનાને એકાકાર થયેલી સંઘટના રૂપે માન્યા.
તો ગુરુવ્યક્તિ જે છે એ શરીરમાં હોય ત્યાં સુધી શારીરિક મર્યાદાઓ હોય. ગુરુચેતના શરીરમાંથી છૂટી પડે છે પછી કોઈ limitations હોતા નથી. અને આ જ સંદર્ભમાં આપણે ત્યાં સમાધિ તીર્થો રચાયા. સમાધિ તીર્થોનો અર્થ આ જ હતો કે સદ્ગુરુની ઉર્જા જે છે એને સાચવી રાખવી. એટલે હું ઘણીવાર કહું છુ કે સદ્ગુરુ ક્યારેય જતા જ નથી. સમજો કે ૧૦૦-૧૦૫ વરસના સદ્ગુરુ છે. માંગલિક સંભળાવી શકતા નથી, વાસક્ષેપ આપી શકતા નથી; છતાં લાઈન લાગે છે એમની પાસે. બસ, એમના ચરણનો સ્પર્શ થઈ જાય, બડભાગી બની જઈએ, ઉર્જા મળી જાય. તો શરીર દ્વારા કશું આપણને મળતું નથી, ઉર્જા દ્વારા મળે છે. તો એ જ ઉર્જાને સાચવી રાખો. શરીર ગયું. ઉર્જા રહે.
હું શંખેશ્વર જાઉં. એકદમ વ્યસ્ત કાર્યક્રમ હોય. તો પણ લગભગ મારે મારી જન્મભૂમિ ઝીંઝુવાડાથી આવવાનું થાય. એટલે બોલેરા બાજુથી હું આવું. એટલે પહેલું જ કલાપૂર્ણસૂરિ ગુરુમંદિર આવે. સમય ન હોય તો ઉપર ગુરુમંદિર જ્યાં ગુરુદેવની મૂર્તિ છે ત્યાં હું નથી જતો. પણ નીચે ચરણપાદુકા છે, ત્યાં માથું જરૂર ટેકવીને જ આગળ જાઉં. કારણ કે સદ્ગુરુની ઉર્જા ત્યાં એકઠ્ઠી થઈને પડેલી છે. અને એ ઉર્જાને આપણે ઝીલવી છે. એટલે ગુરુ વ્યક્તિ ભલે જાય, ગુરુ ચેતના હાજર જ હોય. ગુરુ ક્યારેય જતાં જ નથી. ગુરુ અહીંયા જ હોય છે.
તો સદ્ગુરુ ચેતના દોષમુક્ત કરવાનું વચન આપે છે; વ્યક્તિ નહિ, ચેતના. વ્યક્તિ ગઈ પણ ચેતના છે, અને એ ચેતના તમારા ઉપર કામ કર્યા કરશે. આજે ઘણા સાધકો એવા છે કે કોઈને બાપજી મ.સા., કોઈને કલાપૂર્ણસૂરિ દાદા, કોઈને બીજા દાદા, સ્વપ્નમાં આવતાં હોય છે. એક પ્રતિષ્ઠિત સાધકે તો મને ત્યાં સુધી કહ્યું; કે હું સામાયિક લેવાનું શરૂ કરું. ઇચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી – કહીને હું ઉભો રહું છું. હું એકલો જ હોઉં છું મારા રૂમમાં. અને એ વખતે મને સિદ્ધિસૂરિ મ.સા. નો અવાજ સંભળાય ‘કરેમિ ભંતે સામાઈઅં’. દાદા પોતે મને કરેમિ ભંતે આપે.! It is possible. આમાં કંઈ અશક્ય નથી. ગુરુ ચેતના દેવલોકમાં જ છે. અને એ આવી શકે. કામ કરી શકે.
તો ‘તુલ્ય નિંદા સ્તુતિ:’ પહેલું ચરણ. ગુર્જિયેફ હમણાંના યોગાચાર્ય થયાં. યોગાચાર્ય – યોગમાં, ધ્યાનમાં ડૂબેલો માણસ એનું મન પ્રભુ સમર્પિત થયેલું જ છે. એના મનમાં વિકારો કે વિચારો કે વિકલ્પો વધુ પડતી ભીડ જમાવી શકે નહિ. તમે લોકોએ તમારા મનને અને હૃદયને ધર્મશાળા બનાવી નાંખ્યું છે. રાગ આવ્યો તો ઉતર ભાઈ, બિસ્તરો મુક તારો. અહંકાર આવ્યો ને બિસ્તરો મુક તારો. શું પણ માંડ્યું છે આ.! ધર્મશાળા છે તમારું ઘર.?
તો ગુર્જિયેફને એક વ્યક્તિએ કહ્યું; કે મિસ્ટર એક્સ તમારી બહુ નિંદા કરે છે. એટલા ખરાબ શબ્દોમાં કે અમે લોકો સાંભળી શકીએ નહિ. ગુર્જિયેફ હસતાં હતાં. ગુર્જિયેફ હસતાં હસતાં કહે; મિસ્ટર એક્સને તો મેં સાંભળ્યા નથી. પણ મિસ્ટર વાયને મેં સાંભળ્યા છે. મારી નિંદા શું લિજ્જતથી કરે છે.! શું એની અભિવ્યક્તિ છે.! એકવાર મિસ્ટર વાયને સાંભળો. ગુર્જિયેફ કહે છે. એકવાર હું કૉફી હાઉસમાં હતો. અંધારામાં બેઠેલો, ચિંતન કરતો ત્યારે મિસ્ટર વાય અને એમના મિત્રો બધા આવ્યાં. કૉફી પીતાં પીતાં મિસ્ટર વાયે મારી છોલવા માંડી. પુરા બે કલાક સુધી. પણ શું એની અભિવ્યક્તિ.! શું એની કહેવાની કળા.! હું તો ખુશ ખુશ થઇ ગયો. તમે ખુશ થાવ? કેમ? એમાં શું વાંધો છે? આટલી સરસ રીતે કોઈ માણસ કહેતો હોય આપણે રાજી ન થઈએ કે વાહ શું કળા છે એની પાસે.! તો ગુર્જિયેફ કહે છે કે ક્યારેક મિસ્ટર વાયને સાંભળજો. તમે મિસ્ટર એક્સની વાત કરી ને, ક્યારેક એવો મને જોગ મળી જશે તો મિસ્ટર એક્સને પણ સાંભળીશ. મને તો બહુ મજા આવે. તમને આવી મજા આવે?
ચિદાનંદજી મહારાજે કહ્યું; “નિંદા, સ્તુતિ, શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે; તે જગ મેં જોગીશ્વર પુરા, નિત્ય ચડતે ગુણઠાણે” નિંદા સાંભળીએ તો કોઈ પીડા નથી. સ્તુતિ સાંભળી કોઈ રતિભાવના આંદોલનો નથી. શબ્દ પુદ્ગલ છે. પુદ્ગલ અને મારે શું લેવા-દેવા? આવશ્યક પુદ્ગલો ગ્રહણ કરવા પડે. કારણ કે આ મોટું પુદ્ગલ લઈને બેઠા છો. એટલે આવશ્યક નાના પુદ્ગલો લેવા પડે. તો પણ દ્રષ્ટિ કઈ હોય? નિંદાના શબ્દો સાંભળવા કે સ્તુતિના શબ્દો સાંભળવા એ આ પુદ્ગલ માટે જરૂરી છે?
તો સાધકનો તો નિયમ એટલો જ છે – આ પુદ્ગલ છે અને એનાથી સાધના થાય છે. તો આ પુદ્ગલને ખાવાનું આપી દો. સાંજે તમે જશો. ડીનર પર બેસશો. પછી ચા પણ પીશો. કૉફી પીશો. ચા કોણ પીએ? ચા કોણ પીએ? તમારું શરીર.! તમારે કંઈ ચા પીવાનો છે? તમે તો ચૈતન્યઘન અરૂપી આત્મા. રૂપ જ નથી, પીએ શી રીતે? તો શરીરને ખાવાનું છે. તો શરીરને ખાવા દો. એમાં તમે શું કરવા ત્યાં જાઓ છો? નોકરને કહ્યું; પાણી લઇ આવ. એ ફ્રીજ તરફ જાય, તમે પાછળ જાવ? નોકરની પાછળ? કેમ? એ નોકરનું કામ છે, નોકર કરે. તો ખાવાનું કામ કોનું? શરીરને ખાવા દો; તમે છુટા પડી જાવ.
આજ સાંજે એક પ્રયોગ કરો. ડીનર ચાલુ હોય. અને મનની અંદર કોઈ સ્તવનની કડી ઘૂંટવી. એટલે મનને ક્યાં મુકવાનું? સ્તવનની કડીમાં. શરીર શું કરશે? ડીનર લેવાનું કામ. હવે સાચી પ્રક્રિયા આ થઇ છે કે નહિ ખબર શું પડે? ખબર એ રીતે પડે, કે તમે ડીનર કરીને ઉભા થયા. કોઈ પૂછે; તમે ધર્મશાળાની રૂમમાં આવ્યાં. આજે શું બનાવ્યું છે? મને તો કંઈ યાદ નથી. શું હતું.? હું ગયો ત્યારે મુક્યું મેં ખાઈ લીધું. મને કંઈ યાદ નથી. આવું બને કે ન બને? પણ તમે ક્યાં ખાધું છે તો તમને યાદ રહે.!
પ્રેમસૂરી દાદા બહુ જ મોટા ગુરુ. અને મુનિવરોને, યુવાન મુનિવરોને ભણાંવાની, એક ટેકનીક શ્રેષ્ઠતમ એમની પાસે હતી. સાહેબ વિહારમાં હોય. ૫૦ ઠાણા મુનિવરો સાથે હોય. અને બને ત્યાં સુધી નિર્દોષ ગોચરી બધા લઇ આવે. એક દિવસ બપોરનો સમય. ગુરુદેવને પણ એકાસણું હતું. 12 વાગ્યાં ગોચરી આવી ગઈ. બધી ઝોળીઓ આવી ગઈ. સાહેબ પધાર્યા. ગોચરી વહેંચાવા માંડી. સાહેબની આંખોમાં એ બધા યુવાન મુનિવરો પ્રત્યેનો જે પ્રેમ, મારા આ યુવાન મુનિવરો, એમણે પૂરો સંસારને છોડી દીધો અને પ્રભુના શરણે એ આવ્યાં.! એમને પૂરેપૂરું રીઝલ્ટ મળવું જ જોઈએ. વિહાર કરીને આવ્યાં છે આજે ૧૫ કિલોમીટર. થાકેલા હશે. સ્વાધ્યાય કર્યો છે. ભૂખ પણ કકડીને લાગેલી હશે. અને કદાચ સારી આઈટમ આવેલી હશે, અથવા ગમે તેવી આઈટમ હશે, આસક્તિને થતાં વાર લાગતી નથી. આસક્તિને મહેલ જોડે સંબંધ નથી. એને ઝુંપડી ઉપર પણ આસક્તિ થાય અને ફૂટપાથ ઉપર પણ આસક્તિ થાય.
તો ગુરુદેવે વિચાર્યું કે આ લોકોનું મન છુટું પડે એના માટે શું કરવું જોઈએ? બધાને ગોચરી વહેંચાઇ ગઈ. પછી ગુરુદેવની આજ્ઞા માંગવાની હતી. સાહેબ વાપરીએ? પછી વાપરવાનું શરૂ થાય. તો એ વખતે સાહેબે કહ્યું; કર્મગ્રંથનો એક કોયડો છે. અત્યારે તમને પૂછું, સૌથી પહેલું જે જવાબ લઈને મારી પાસે આવશે, એને હું સરસ મજાની ગીફ્ટ આપીશ. અને ગુરુદેવે કોયડો કીધો. અને પછી વાપરવાની આજ્ઞા મળી. બધા વાપરવા માંડ્યા. હવે શું થાય બોલો.? શરીર વાપરવામાં હોય, અને મન? કોયડામાં. બધાની ગોચરી પુરી થઇ ગઈ. એક મ.સા. ૧૨.૩૦ , ૧, ૧.૩૦ વાગે આવ્યાં સાહેબજી ઉત્તર મળી ગયો. સાહેબે ઉત્તર જોયો, સાચો હતો. ગીફ્ટ પણ આપી દીધી. પછી બીજો આવ્યો. ત્રીજો આવ્યો. ખુબ પ્રસન્ન થયા સાહેબ. પછી સાહેબ મનમાં કહે; જેને જવાબ આવડ્યો એ પણ પાસ. અને ન જવાબ આવડ્યો એ પણ પાસ. મારે જવાબ જોડે ક્યાં સંબંધ હતો.! મારે તો એ લોકોનું મન ખાદ્ય પદાર્થોમાં ન જાય એ કરાવવું હતું.
તો તમે જુઓ, અને એ દ્રશ્યની અસર તમારા ઉપર ન થાય, એનું નામ દ્રષ્ટાભાવ. આપણી આખી આ સાધના દ્રષ્ટાભાવની પ્રભુએ આપી છે, એ દ્રષ્ટાભાવની સાધના એટલે કોઈએ નિંદાના શબ્દો કહ્યા તો જોઈ લીધું, કોઈએ પ્રશંષાના સારા શબ્દો કહ્યા, જોઈ લીધા; એની કોઈ અસર ન થાય. અત્યાર સુધી પણ તમે જાણતા હતાં ને જોતાં હતાં. તો ફરક શું પડ્યો? તમે જાણતાં હતાં અને પદાર્થોની અસરમાં હતાં. તમે જોતાં હતા અને પદાર્થોની અસરમાં હતાં. આ ટી.વી. બહુ સારું છે હો. ફ્લેટ છે એકદમ. આપણે તો ડોઘલા જેવું છે, આ ફ્લેટ ટી.વી. લાવી દીધું. જોવું એટલે શું થાય? પણ તમે ગમે તે જુઓ, એ દ્રશ્યની તમારા મન પર કોઈ અસર જ ન થાય; સિવાય કે પ્રભુને જોવાના હોય, ત્યાં તો પ્રભુની વિતરાગદશાને જોઈ, પોતાની વિતરાગદશાને અનુભવવાની છે, એટલે એમાં વાંધો નથી. બાકી દુનિયાની કોઈ પણ ઘટના જે છે, એની અસર તમારા ઉપર ન થાય.તમે ઘટનાના માત્ર જાણનાર અને જોનાર. અને ઘટનાના જાણનાર અને જોનાર થયાં પછી તમારે માત્ર સ્વના જાણનાર થવાનું છે. એક માત્ર સ્વને જાણ્યો – આત્માને જાણ્યો; આખી દુનિયા જણાઈ ગઈ. પછી કંઈ જોવાનું બાકી રહેતું નથી. જાણવાનું બાકી રહેતું નથી. તો સ્તુલ્ય, નિંદા, સ્તુતિ: પહેલું ચરણ.
બીજું ચરણ – મૌની. એ સાધક મૌનમાં ડૂબેલો હોય. એકવાર મૌનની મજા તો માણો. બોલવાનું ગમશે નહિ. અમારે લોકોએ બોલવું પડે છે. બોલવું પડે છે. મેં એકવાર શ્રોતાવૃંદને કહેલું; કે તમે લોકો શબ્દોનો આગ્રહ ક્યાં સુધી રાખશો? હું ક્યાં સુધી બોલ્યાં કરીશ…! મારી પણ limit આવશે; અંદર જવાની, મૌનમાં ડૂબવાની. તો અત્યારથી તમે અશબ્દ વાચના લો. ગુરુની ચિંતા જાય. બસ, ગુરુ જોડે બેસો. ગુરુની ઉર્જાને પકડો બસ. ગુરુ શબ્દ બોલે એ જરૂરી નથી.
આમાં શું થાય છે; અપેક્ષાનું એક સામ્રાજ્ય ખુલ્યું. ભક્તિ પહેલા એવી હોય કે સદ્ગુરુનું દર્શન મળે રાજી-રાજી. પછી બીજું step આવશે. નીચે ઉતરવાનું હો.! ઉપર જવાનું નહી.! ગુરુ મને જુએ તો સારું.! હું તો ગુરુને જોઉ છું, ગુરુ મને જોતાં નથી.! પછી ત્રીજું પગથિયું – ગુરુ મારી સામે જોઇને હસે તો સારું. પછી ચોથું પગથિયું – ગુરુ મારી સામે જોઇને બે શબ્દો બોલે તો સારું. પછી બે શબ્દોમાંથી ઘણા શબ્દો. અને પછી કોઈ અંત જ નહિ.
તમે પણ મૌનમાં ડૂબો. અમે પણ મૌનમાં ડૂબી જઈએ. પછી મજા જ મજા. કારણ – શબ્દોનું મૌન નહિ થાય ત્યાં સુધી વિચારોનું મૌન આવવાનું નથી. અને વિચારોનું મૌન એ જ ધ્યાનની પૂર્વ ભૂમિકા. જ્યાં સુધી વિચારોનું મૌન ન આવે, ત્યાં સુધી ધ્યાન થઇ શકે નહિ.
ધ્યાન એટલે શું? ઉપયોગને સ્વમાં મુકવું. અને તમારી પાસે વિચારો એવા છે કે માત્ર અને માત્ર પર તરફ લઇ જશે. એટલે વિચારો તમારા મનને, તમારા ઉપયોગને પર તરફ લઇ જાય છે, એ જ વાત મનને થાય. તમે પરમાં ન હોવ તો સ્વમાં હોવ – સીધી વાત છે. કેટલું નાનકડું ગણિત છે.! તમે પરમાં નથી તો ક્યાં છો પછી? સ્વમાં. ૨૪ કલાક શેમાં બોલો? પરમાં કે સ્વમાં?
હું એક આલોચના પોથીમાં લખવાનું કહેતો હોઉં છું કે તમારા મનમાં રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષ્યા, આ રીતે પરભાવ, વિભાવ કેટલી ક્ષણો આવે એની નોંધ તમે રાખો. જો આ નોંધ તમે રાખશો, તો તમને ખ્યાલ આવશે કે મારા આટલા બધા કલાક તો નકામા ગયા.! અને સાધક તરીકે મને આ પાલવી શકે નહિ. નાનકડી જિંદગીમાં અને અનંત જન્મોમાં જે નથી થયું એ પ્રભુ આપણા દ્વારા આ જન્મમાં કરાવવા માંગે છે. પ્રભુ કરાવવા માંગે છે, સદ્ગુરુ કરાવવા માંગે છે. તમારે કરવું છે? જિંદગી થોડી છે. કેટલી છે આપણને ખબર નથી. કેટલા દિવસો આપણે અહીંયા રહીશું આપણને ખબર નથી. આ દિવસોની અંદર ઉપયોગને જેટલો બને એટલો સ્વમાં રાખો. પ્રભુએ શુભના માધ્યમો કેટલા બધા આપ્યાં.! તમે પરમાં જઈ શકો ને, આમ તમારી છાતી છપ્પનની કહેવાય.! જઈ શકાય પરમાં? ભગવાને આટલા બધા માધ્યમો આપ્યાં, સ્વાધ્યાય, ભક્તિ, જાપ, વૈયાવચ્ચ, આટલા બધા મિષ્ટાન્નો ભગવાને આપ્યાં. આટલા બધા નમકીન આપ્યા અને તમે ત્યાં જાવ જમવા માટે.!
તો ઉપયોગ પરમાં કેટલી ક્ષણો જાય છે એની નોંધ કરો. માત્ર શબ્દોના મૌનથી નહિ ચાલશે. અને તમારું શબ્દોનું મૌન પણ સાચું નથી. શબ્દોના મૌનની સાચી વ્યાખ્યા એ છે કે તમે બે કલાકનું મૌન કરો. બે કલાક પુરા થઇ ગયા. પછી પા કલાક, ઉપર અડધો કલાક, પોણો કલાક જેવું તમે બોલી શકો નહિ.! બોલતાં જીભ ખેંચાય. મનમાં વિચાર આવે કે કેમ શબ્દને વાપરી શકાય.! – આ સાચું મૌન.
આમ બે કલાકનું મૌન હોય. દોઢ કલાક થયેલો હોય. અને કો;કે કંઈક કહ્યું, એટલે મનમાં ચટપટી ઉપડી. બરોબર સંભળાવે. અડધો કલાક બાકી. ઓહો, એ અડધો કલાક શું ચાલે? પેલાને શું સંભળાવું, એ જ ચાલે. એટલે અહીંયા તાળું અને અહીંયા દરવાજા ખુલ્લાં. વિચારોના દરવાજા ખુલ્લા રાખે. વિચારોના ઘોડાને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ. અને તમે કહો મૌનમાં.! આ મૌન.?!
જ્ઞાનસારના મૌનાષ્ટકમાં વ્યાખ્યા આપી : ‘पुद्गलेष्व प्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम्’ બહિર્ભાવમાં આપણે નથી એ યોગીઓનું મૌન છે. તમે બહિર્ભાવમાં ન જવાય એ મૌન. માત્ર શબ્દો ન બોલ્યાં એ મૌન નથી. એ મારું મન વિભાવોમાં ન ગયું એ સાચું મૌન. જ્ઞાનસાર બધાએ કરેલું છે લગભગ. પણ એ જ્ઞાનસારની એ touchy પંક્તિઓ છે. એ diary માં લખી નાંખો અને એનો રોજ સ્વાધ્યાય કરો. ‘पुद्गलेष्व प्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम्’
તો સર્વસ્વીકારની સાધના માટે છ ચરણો આપ્યાં. પહેલું ચરણ – તુલ્ય નિંદા સ્તુતિ. બીજું ચરણ – મૌન, એટલે કે બહિર્ભાવમાં ન જવું તે.
