વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : सन्तुष्टः येनकेनचित्
અનંત જન્મોથી આપણે એક પ્યાસ લઈને ચાલ્યા આવ્યા છીએ જે છીપાતી જ નથી. પૈસાનો, પદાર્થોનો ઢગલો કર્યો પણ પ્યાસ એની એ જ રહી. એ પ્યાસ છીપાય એમ નથી કારણ કે એ પરમચેતનાને મળવાની પ્યાસ છે.
પ્રભુની પ્રાપ્તિ વિના, પ્રભુના પ્રેમની પ્રાપ્તિ વિના એ પ્યાસ બુઝાવાની નથી. એ ન મળે ત્યાં સુધી પ્યાસ જ પ્યાસ. એ મળે પછી તૃપ્તિ જ તૃપ્તિ. તો પછી શા માટે બીજા કશામાં આપણે જઈએ? હવે પ્રભુ સિવાય, પ્રભુના પ્રેમ સિવાય બીજું કશું જ જોઈતું નથી.
सन्तुष्टः येनकेनचित्. શરીર છે તો એને રોટલી દાળ આપી દીધા. બાકી પદાર્થો મળે તો પણ ઠીક; ન મળે તો પણ ઠીક. બંનેનો સ્વીકાર છે. કારણ? એ બધું મેળવવા માટે આ જન્મ નથી લીધો. પ્રભુના પ્રેમ સિવાય બીજું કશું જ જોઈતું નથી.
સર્વ સ્વીકાર સાધના શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ દેવલાલી – વાચના – ૩ (Morning)
અગણિત જન્મોની સફરમાં એક જન્મને એવો બનાવીએ જે બીજા બધા જ જન્મો કરતાં છૂટો પડતો હોય. પ્રભુનો પ્રેમ અગણિત જન્મોથી વરસતો આવ્યો છે. પ્રભુએ કૃપા કરી, આપણે એના પ્રેમને ઝીલી શકીએ, એની સજ્જતા આપણામાં આવે એના માટે સદ્ગુરુચેતનાને એણે મોકલી અને છતાં પરિણામ શૂન્યમાં આવ્યું!
આ એક જન્મને એક માઈલ સ્ટોન કૃતિ રૂપ બનાવવો છે. પ્રભુનો પ્રેમ જે સતત વરસી રહ્યો છે, એને ઝીલવો છે. બે દિવસથી અહીંયા એક જ કામ ચાલ્યું : પ્રભુના પ્રેમને માણવાનું. પ્રભુનો પ્રેમ મણાય અને જે આનંદ આવે છે.. Beyond the words! Beyond the imagination! એ આનંદ શબ્દોને પેલે પારનો છે, કલ્પનાને પણ પેલે પારનો છે. You can experience it, but you can’t say it. તમે એ પ્રેમને અનુભવી શકો છો. એ પ્રેમને આનંદના રૂપમાં ફેરવાતો અનુભવી શકો છો. You can experience it but you can’t say it! તમે એને કહી શકતાં નથી.! આવી એક ઘટના આ જન્મની અંદર ઘટવી જ જોઈએ. પ્રભુ તૈયાર.. સદ્ગુરુ તૈયાર.. શું તમે તૈયાર નથી? એક પ્રભુનો પ્રેમ મળી જાય, એનાથી હૃદય ભરાઈ જાય, તમે બધા દોષોથી મુક્ત બની જાવ. આટલો મજાનો shortest cut તમને ન ગમે એવું બને ખરું?
મને ઘણા લોકો પૂછે છે; કે તમે કઈ રીતે સાધના કરી? સાધનાને ઘૂંટી કઈ રીતે? ત્યારે મેં કહ્યું; મેં કાંઈ જ કર્યું નથી, ‘એ’ણે બધું કર્યું છે. ૨૫ વર્ષનું મારું વય. યોગના માર્ગે, ભક્તિના માર્ગે જવાની એક તીવ્ર તડપન. પણ સાધુ જીવનની મર્યાદા. દાદા ગુરુદેવ ઉંમરલાયક હતાં. એટલે એમને છોડીને જવાનું મન ન થાય. એકવાર હું વિચારમાં પડ્યો, કે હું ક્યાંય જઈ શકતો નથી. કોઈ આવા સદ્ગુરુ, કલાપૂર્ણસૂરિદાદા જેવા કે ભદ્રંકરવિજયદાદા જેવા મારી નજીકમાં નથી. હું શું કરું? બરોબર એ દિવસ યાદ છે મને. સવારથી કામકાજ વધુ રહેલું. સંઘોનું આગમન વધારે પડતું હતું. બપોરે ઊંઘ આવી ગઈ. અને આભાસ થયો, કો’ક મને કહી રહ્યું છે કે બેટા ! તારે ક્યાં બહાર જવાની જરૂર છે? તને જે જોઈએ એ મારે આપવાનું છે. સફાળો બેઠો થઇ ગયો! પણ એ વખતે હું rationalist હતો – બુદ્ધિવાદી. Traditionalist પાછળથી બન્યો. તો મને થયું, કે આ મારું auto suggestion તો નહિ હોય ને? વિચાર કરીને સુતો હતો. તો એ વિચાર auto suggestion રૂપે બહાર આવ્યો.
પણ એ જ દિવસે સાંજે એક સાધક મારી પાસે આવ્યો. એમણે મને એક પુસ્તક આપ્યું, અને કહ્યું; કે તમે આ પુસ્તક વાંચ્યું છે? હું તો વિચારમાં પડી ગયો. અંગ્રેજીમાં આપણે જેને bookworm કહીએ, એવો પુસ્તકિયો કીડો હું હતો. મારા રસના પુસ્તકો સેંકડો હજારોની સંખ્યામાં મેં જોઈ લીધા હતાં. પણ આ પુસ્તક મેં જોયેલું જ નહતું! મેં કહ્યું આ તો બહુ સરસ છે. હું મંગાવી લઈશ. મને કહે ના, આ મારે તમને આપવાનું છે, એવો મને સંદેશ મળ્યો છે. હું તો તમને ઓળખતો પણ નહતો. પણ મને સંદેશ મળ્યો કે અમુક વ્યક્તિને જઈને તારે આ પુસ્તક આપવાનું છે. અને એ પુસ્તક મેં વાંચ્યું. મારી સાધના જ્યાં અટકી હતી, ત્યાંથી જ એ લેખકે પોતાની સાધનાને ઊંચકી લીધી. એટલે આખું જ પુસ્તક મારી સાધનામાં મને સહાયક થઇ ગયું. હવે પુસ્તક પૂરું થયું ત્યાં સુધીની સાધના મળી ગઈ. હવે? એ જ દિવસે બીજા એક ભાઈ આવ્યાં. મને કહે; તમને યોગમાં-ધ્યાનમાં રસ છે, એવું મેં સાંભળેલું છે. મેં કહ્યું; હા, મને રસ છે. મને કહે; હું તમારા માટે જ આવ્યો છું. Personally for you. મેં કહ્યું; કોણે મોકલ્યા તમને? તો મને પણ સંદેશ મળ્યો ઉપરવાળાનો, કે ત્યાં જાવ. મેં એમને પૂછ્યું; કે તમારી સાધના અત્યારે કઈ રીતે ચાલે છે?
તો પેલા પુસ્તકમાં સાધના જ્યાં અટકેલી હતી ત્યાંથી આમની સાધના શરૂ થઇ. એટલે એમણે આખી જ એમની પોતાની સાધનાની વાત કરી. મેં કહ્યું; હું અઠવાડિયું અહિયાં છું. તમે રોજ આવી શકશો? મને કહે; ચોક્કસ. એ રોજ આવવા લાગ્યાં અને અઠવાડિયાની અંદર એમની પાસે જે હતું, એ બધું જ એમણે મને આપી દીધું! યોગીઓ કેવા ઉદાર હોય છે! એ ભાઈએ પછી કહ્યું; કે બસ મ.સા. મારી સાધના અહીં અટકી ગઈ છે. તમે જો આગળ આનાથી તો મને કહેજો તો હું તમને મળવા આવીશ. મારી સાધના તમને મળી તો તમારી સાધના મને મળે.
અને એ સાધના મેં ઘૂંટી છ મહિના સુધી, અને ફરી એક સાધક આવી ગયા. તમને સાધનામાં રસ છે? મેં કીધું; હા, મને પણ રસ છે. મેં કહ્યું; બોલો આપણે વાત કરીએ. તો મારી સાધના જ્યાં અટકી હતી, ત્યાંથી એમની સાધના શરૂ થઇ. પ્રભુએ કોઈ long journey મને કરાવી નહી, અને આરામથી શિખર પર મને મૂકી દીધો. એટલે આ જન્મની અંદર માત્ર અને માત્ર એના પ્રેમને મેં અનુભવ્યો છે, મેં કશું જ કર્યું નથી.! ૧૦૦% એના પ્રેમનું કર્તૃત્વ મારા ઉપર છે.
હું આમ પણ ભક્ત છું. સાધક અને ભક્તની વ્યાખ્યા આપણે ત્યાં એવી છે કે જે 99% grace 1% effort માને એ સાધક. પણ જે એમ માને – 100% grace and I am effortless person, એ ભક્ત છે. ભક્તને કશું જ કરવું નથી! એ કહે છે; તું કરાવ. ભક્ત અસહાય છે; અને એની અસહાયતા એ જ એનું મોટામાં મોટું વરદાન છે. બાળક અસહાય બન્યો. માઁ એને ઊંચકી લેશે.
તો આ જન્મ, બધા જ જન્મો કરતાં ભિન્ન બની શકે છે, If you desire. If નું wish નહિ કહું, If you desire. પ્રબળ સંકલ્પ જોઇશે, સામાન્ય સંકલ્પ નહિ ચાલે. પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી દો કે તારું શાસન તે મને આપ્યું, તારી સાધના તે મને આપી. હવે તારે શું કરવું છે બોલ? અનંતા જન્મોની અંદર હું જેવી રીતે રાગ અને દ્વેષમાં અને અહંકારમાં પછડાયેલો રહેલો હતો, એવો જ તારે મને આ જન્મની અંદર રાખવો છે કે તારે મને ઉંચકવો છે? હું ઉંચકાવાનો નથી! તમારી જાત પ્રત્યે અશ્રદ્ધાળું બની જાવ. હું કંઈક કરી શકું છું, સાધનામાર્ગમાં એ વાત બિલકુલ ભુલી જાવ. આપણા એક પણ સાધનસૂત્રમાં આ વાત નથી કે we can do anything. આપણે કશું જ કરી શકતા નથી.! ‘He’ has to do. ‘એ’ણે જ બધું કરવાનું છે.
કલાપૂર્ણસૂરિ દાદા કહેતાં હું ક્યાં બોલું છું? ‘એ’ બોલે છે! હું નથી બોલતો, ‘એ’ બોલે છે. દાદાએ એકવાર કહેલું કે ચેન્નાઈમાં હું માંદો પડ્યો. મુહપત્તિ પડીલેહવાના બોલ પણ મને યાદ રહેતા નહતા. સાધુઓ બોલ બોલી દે અને મુહપત્તિ પલેવું. આ કક્ષામાંથી અત્યારે તમારી સામે બેઠો છું અને વાચના આપી રહ્યો છું, એ માત્ર અને માત્ર એના પ્રેમનું પરિણામ છે.
એક બહુ મજાની વાત કરું. એક મહાત્માએ મને કહેલું; કે કલાપૂર્ણસૂરિદાદા મુંબઈ નહિ ગયાં, મુંબઈની બહારથી નીકળ્યા. પણ એમને જોવા માટે લાખો લોકો ભેગા થયાં. અને પછી એ મહાત્માએ કહ્યું કે અમે ગળું ફાડી-ફાડીને મરી જઈએ, તો ય ૩૦૦૦ માણસ માંડ થાય. હું હસ્યો હતો એ વખતે. મેં કહ્યું; તમે દાદાનો પુણ્ય પ્રભાવ જોયો. પણ, એની પાછળનો પ્રભુનો પ્રેમ તમે જોયો? પ્રભુએ એમને અનહદ ચાહ્યા, દાદાએ પ્રભુને અનહદ ચાહ્યાં. દાદાએ કહ્યું હશે; કે હું તારો ભક્ત છું, અને ભક્ત તરીકે હું કંઈ કમ થોડો છું? તે મને અનહદ રીતે ચાહ્યો છે તો હું પણ તને અનહદ ચાહીશ! આપણી આ સાધના શું છે? એના પ્રેમનું પ્રતિફલન! એ ગમે છે તો એની આજ્ઞાનું પાલન ગમે છે.
અને એટલે પ્રવ્રજ્યા ની પહેલા અભિવ્રજ્યાની વાત ચોથા પંચસુત્રના પ્રારંભમાં હરીભદ્રસૂરિ મ.સા. એ કરી:
“स एवमभिपव्वइए समाणे सुविहिभावओ किरिआफलेण जुज्जइ”
अभिपव्वइए समाणे – હમણાં જેને દીક્ષા લીધી છે. એ મુનિ, એ સાધ્વી કેવી છે? અભિપ્રવ્રજિત. બે શબ્દોને છુટા પાડીએ તો અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. પહેલા ‘અભિવ્રજ્યા’ એ પરમપ્યારાનું પરમ સંમોહન. તમે એક ક્ષણ એના વિના રહી શકો નહિ.! આવું પરમ સંમોહન એ પરમપ્રિયનું જાગે ત્યારે જ પ્રવ્રજ્યા થાય! એ પહેલાં પ્રવ્રજ્યા થઇ શકે નહિ. અને કદાચ પ્રવ્રજ્યા થઇ અતિતમાં તો શું થયું result? આપણે પરમાં ફસાઈ ગયા. એનું સંમોહન નહતું. અભિવ્રજ્યા નહતી. એ ગમતો નહતો તો એની આજ્ઞાનું પાલન કઈ રીતે ગમે? એટલે પહેલાં એ ગમવો જોઈએ. અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા.
તમે લોકોએ કદાચ અભિવ્રજ્યા વિના પ્રવ્રજ્યા લીધેલી હોય તો પણ અત્યારે તમારે અભિવ્રજ્યાની ભૂમિકા ઉપર જવાનું છે. એને બેહદ રીતે ચાહો. તું જ મારું જીવન. તું છે તો હું છું. “તમારા વિનાના, અમે અમારા વિનાના.” તમે જો અમારી અંદર ન હોય તો અમે નથી! આ બાજુ પ્રાણ વિનાનું શરીર છે. ‘અભિવ્રજ્યા’ – એ પરમપ્રિયનું સંમોહન. એ સીમંધર દાદાનું સંમોહન. એ મુનિસુવ્રત દાદાનું સંમોહન. એ સંભવનાથ દાદાનું સંમોહન. બસ સંમોહન. અને એટલું બધું સંમોહન કે એ સંમોહનમાં એક પણ પર પદાર્થ, એક પણ પર વ્યક્તિ કે એક પણ પર ઘટના પ્રત્યે રાગ ન હોય.! ન રાગ, ન દ્વેષ. માત્ર સ્વીકાર.. માત્ર પ્રેમ..
You can do this! You can do this, if you desire. બસ પ્રબળ સંકલ્પ જ તમારે લાવવાનો છે, બીજું બધું પ્રભુ તરફથી.!
તો ‘સર્વસ્વીકાર’. અભિવ્રજ્યા-પ્રવ્રજ્યા. અભિવ્રજ્યાના ભાવને ઘૂંટજો.
હું ઘણીવાર કહેતો હોઉં છું તમને કે તીર્થમાં જાવ અને પરમાત્માના પ્રેમમાં સરસ રીતે વહી શકાતું હોય તો સ્વાધ્યાયને પણ ગૌણ કરી દેવો. એ ક્ષણમાં ભક્તિની ધારામાં વહી જાઓ. પણ ભક્તિ એટલે શું? અભેદાનુભૂતિ. તમે રહો નહિ, એ જ રહે. તમે ન રહો, તમારી ઈચ્છા ન રહે, કશું જ ન રહે; માત્ર એ રહે. એટલે અભિવ્રજ્યાનો સીધો અર્થ આ- તમે ન હોવ અને એ હોય. અત્યારે શું છે? એ ન હોય અને તમે છો.! બરોબર.? અત્યારે શું છે? સાહેબ આમ થયું. આ ઘટના આમ ઘટી. અરે! ઘટી તો ઘટી.! પણ પ્રભુનો પ્રેમ કેટલો છે એ તો વિચાર.! એક સામાન્ય વ્યક્તિ રફ્લી બોલી અને તને આટલું બધું ખરાબ લાગે છે, તું એના પ્રેમને ઈચ્છે છે કે પ્રભુના પ્રેમને ઈચ્છે છે? તારે કોનો પ્રેમ જોઈએ છે? પ્રભુ તને અફાટ પ્રેમ આપવા તૈયાર છે! તો ત્યાં જાને! આ પરાધીન સુખ! પેલાએ આમ કર્યું ને, પેલાએ આમ કર્યું ને, પેલાએ આમ કર્યું. જેણે જેમ કર્યું હોય એમ કર્યું. મારા ભગવાન મને બેહદ ચાહે છે. અને હું મોટામાં મોટી ભૂલ કરીને એની પાસે જઈશ તો પણ એ મને પ્રેમ જ આપવાનો છે!
એટલે સવારે મેં કહેલું કે પ્રભુએ મને આ રીત આપી છે અત્યારે કે 9૦% love, 10% words. ૯૦% માત્ર પ્રેમ આપવાનો, ૧૦% શબ્દો. શબ્દોની અપેક્ષા મારી પાસે બહુ નહિ રાખતાં. જરૂર શબ્દોને પ્રેમમાં ઘોળી-ઘોળીને આપીશ. અને એ શબ્દ છે ને, એ તો ખાલી ઉપરનું ખોખું છે નીચેનું. ગુલાબજાંબુમાં અંદર શું હોય? ખાલી ખોખું; બહાર હોય ચાસણીનું પડ. સુત્તરફેણીમાં શું હોય? એ ચાસણીમાં ન ઝબોળો ત્યાં સુધી? એમાં કોઈ સ્વાદ જ ન હોય! અને ચાસણીમાં ઝબોળો એટલે…! એ મારા શબ્દોમાં કોઈ મીઠાશ નહિ આવે. પણ પ્રભુના પ્રેમમાં ઝબોળીને આપીશ, તો મીઠાશ જ મીઠાશ! એટલે તમારા પૈકીના પણ જેટલા પણ વક્તા હોય, એ બધા વક્તાએ એકવાત આ નક્કી કરવાની કે શબ્દો થોડા મારા કંઠેથી વહેશે પણ એ શબ્દ ખાલી ખોખું છે, એના ઉપર પ્રેમનું મજાનું પડ પ્રભુએ ચડાવ્યું છે. એટલે સામી વ્યક્તિ એ પડને જ ચુસશે, અને પછી અંદરના ખોખાને ફેંકી દેશે.
તો ‘સર્વસ્વીકાર’ની સાધના પ્રભુએ આપી. અને એ સાધનાને ઘૂંટવા માટે છ ચરણો આપ્યાં. ત્રણ ચરણો આપણે ત્રણ સેશનમાં જોયા. આજે બાકીના ત્રણ ચરણો જોવાના છે.
ચોથું ચરણ- ‘अनिकेतः’ નિકેત એટલે ઘર પણ થાય. નિકેત એટલે દેહ પણ થાય. આપણા રહેવા માટેનું ઘર શું? ‘આ’. ‘अनिकेतः’ તમે દેહાધ્યાસથી મુક્ત થાવ. દેહની પ્રીતિથી મુક્ત થાવ તો જ એની પ્રીતિમાં જશોને? સવારે મોડા ઉઠ્યા. એની પાસે ગયાં. અને આમ ઘડિયાળ જુઓ, નવકારશીનો ટાઇમ થઇ ગયો. હવે ચા પીવાનો ટાઈમ થઇ ગયો. ભગવાન તો બેઠા છે અહીંયા, ચા પી આવું. દેહની પ્રીતિ શું કરશે? પ્રભુની પ્રીતિથી તમને વંચિત રાખશે. અને દેહની પ્રીતિ નથી ત્યારે, પ્રભુ પ્રત્યેનો એટલો પ્રેમ.. એટલો પ્રેમ.. કે પ્રભુ આજ્ઞાનું પાલન પ્રાણાન્તે પણ કરો.
‘समराइच्च कहा’ની એક નાનકડી ઘટના છે. જંગલમાં મુનિરાજ કાઉસ્સગ ધ્યાને છે. એ મુનિરાજને એક બહેને જોયા. જન્મોથી એ બહેન આના ઉપર વૈર ઘૂંટતી આવી છે. મુનિને જોતાંની સાથે અકારણ દ્વેષનો અગ્નિ ઉપડ્યો. આને મારી નાંખું.
દ્વેષના બે પ્રકાર હોય છે : એક કાર્યાધારિત દ્વેષ, એક વ્યક્તિ આધારિત દ્વેષ. એક પણ દ્વેષ ન જોઈએ, પણ કદાચ કાર્યાધારિત દ્વેષ હશે, તો તમે ક્યારેક છૂટી જશો.
શ્રાવિકાએ બરોબર ચા નહિ બનાવી તો કહે; જરા ગુસ્સો આવી ગયો. શું ધ્યાન રાખે છે તું? ચા એ સરખી બનાવતી નથી! પણ એ ક્યાં સુધી? બીજી નવી tasty ચા બનાવીને લાવે, અને tasty ચા પીએ, બહુ સરસ હો! કાર્યાધારિત દ્વેષ તરત delete થઇ જશે પ,ણ વ્યક્તિ આધારિત દ્વેષ હશે, એ બંધમાં નહિ, અનુબંધમાં જશે. એટલે જન્મો સુધી એની પરંપરા ચાલશે.
‘समराइच्च कहा’ માં આ જ વસ્તુ છે. જન્મો સુધી વૈરની ધારા ચાલી રહી હતી. મુનિરાજની બાજુ માત્ર અને માત્ર પ્રેમ છે. ગુણસેનની બાજુ, સમરાદીત્યની બાજુ માત્ર પ્રેમ છે; અને પેલી બાજુ માત્ર દ્વેષ છે. એ દ્વેષ કેમ થયો? પોતાની ઈચ્છા પ્રમાણે ન થયું એટલે દ્વેષ થયો.
તો આ બાઈએ નક્કી કર્યું, મુનિરાજને ખતમ કરી નાંખું. જંગલ હતું. લાકડાં લઇ આવી. મુનિરાજના ખભા સુધી લાકડા ખડક્યા. ચિનગારી પેટાવી. લાકડા ભડભડ સળગવા લાગ્યાં. સૌથી વધારે વેદના આગની હોય. એક દીવાસળી પણ ક્યારેક અડી જાય તો….? એક મીણબત્તીની ટોચ સહેજ અડી જાય તો? આ તો આખું શરીર ભડભડ અગ્નિમાં બળી રહ્યું છે! આપણે શાસ્ત્રકાર ભગવંતોના ખુબ જ ખુબ જ ઋણી છીએ કે એ વખતે મુનિના મનમાં કઈ વિચારધારા, કઈ ભાવધારા હતી એનું વર્ણન એમણે કર્યું. એ વખતે એ મુનિરાજને થયું; કે સિદ્ધ ભગવંતોને નમસ્કાર, જેમની પાસે શરીર નથી. કોણે સળગાવ્યું, શું કર્યું એ કોઈ વાત જ એમની dictionary માં નથી! એ કહે છે; કે મારું શરીર અત્યારે અગ્નિમાં બળી રહ્યું છે, એટલે તેઉકાયના જીવોની વિરાધના થાય. હવા ચાલુ છે એટલે વાઉકાયના જીવોની વિરાધના થાય છે. અને લીલા લાકડાં આવેલા હોય અને એમાં ત્રસ જીવો પણ હોઈ શકે. તો એની પણ વિરાધના થઇ રહી છે. ખરેખર સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે કે એમને શરીર નથી. ‘નમો સિદ્ધાણં’
આવી રીતે સિદ્ધ ભગવાનને ક્યારે યાદ કર્યા છે? જમવા બેસો ને સિદ્ધ ભગવાનો યાદ આવે છે? આ શરીર મળ્યું છે. ત્રણ ટાઇમ ખાવું પડે છે. પણ ખરેખર એક ટાઈમ ખાવું તો ચાલે એમ છે. તો શા માટે ત્રણ ટાઈમ ખાવું? અને એક ટાઈમ ખાવું ત્યારે પણ સિદ્ધ ભગવંતોને યાદ કરું કે તમારી પાસે શરીર નથી એટલે તમારે આ વિરાધનાનું કોઈ પાપ નથી. મારી પાસે આ શરીર છે અને પાપ છે.
એટલે ‘अनिकेतः’ – દેહાધ્યાસથી મુક્તિ, દેહની પ્રીતિ થી મુક્તિ. આમાં છે ને એક પછી એક ચરણ જે છે ને, એ પરની પ્રીતિના ત્યાગના છે; અને તો જ તમે પરમની પ્રીતિમાં આવી શકશો.!
‘भक्तिमान् मे प्रियो नरः’ ‘मे प्रियो नरः’ – મને એ માણસ વહાલો લાગે છે! ક્યારે બની શકે આ? ક્યારે બની શકે? આ સમર્પણની ધારા આવે. તો સર્વસ્વીકારની ધારા. એક બાજુ સાધનાની ધારા છે, બીજી બાજુ સમર્પણની ધારા છે.
‘अनिकेतः’ તો પહેલા ચરણથી આપણે જોઈએ. ‘तुल्यनिन्दास्तुति:’ – શબ્દોની પ્રીતિમાંથી તમને ઊંચક્યાં. તમે શબ્દોની અંદર રહેલા હતાં. ‘मौनी’ – તમને વિચારોના પાંજરામાંથી બહાર લાવે. એક પછી એક ચરણ! ‘सन्तुष्टो येनकेनचित्’ – પદાર્થોની પ્રીતિમાંથી તમને ઊંચા ઊંચક્યાં. કદાચ પદાર્થો પરની પ્રીતિ છોડી શકાય. શબ્દો પરની પ્રીતિ છોડી શકાય. પણ દેહ પરની પ્રીતિ? એટલે પ્રશમરતિમાં કહ્યું; स्वशरीरेSपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति’ ત્યાં અપિ લગાડ્યું. પોતાના શરીરમાં પણ એને રાગ નથી! બીજા બધામાંથી રાગ હટાવવો સહેલો છે પણ પોતાના શરીરમાંથી રાગ હટાવવો?! તો અનિકેત: – દેહની પ્રીતીમાંથી તમને ઊંચક્યાં.
હવે આવે છે પાંચમું ચરણ ‘स्थिरमति:’ – વિચારોના પાંજરામાંથી તમને ઊંચક્યાં. પણ તમે 24 કલાક માટે વિચારોથી મુક્ત બની શકેલા નહિ. એટલે થોડીવાર વિચારમુક્ત તમે રહી પણ શકો. વળી પાછા વિચારો આવી પણ જાય.
એક સવાલ પૂછું? વિચાર તમને ન આવતાં હોય, ૨૪ કલાકમાંથી કેટલી કલાક એવી બોલો? બિલકુલ વિચાર ન હોય એવી?
એટલે મૌની કહેવાથી વિચારો થોડા દૂર થયાં પણ સર્વાંશે દૂર નથી થયાં. એટલે પાંચમું વિશેષણ આપ્યું – ‘स्थिरमति:’. એની બુદ્ધિ સ્થિર થઇ છે એટલે કે સ્થિતપ્રજ્ઞ બની છે.
ભગવદ્ ગીતાએ બીજા અધ્યયનમાં સ્થિતપ્રજ્ઞ દશાની વાત કરી: ‘तस्य प्रज्ञा प्रतिष्ठिता’. જેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થયેલી છે, સ્થિર થયેલી છે. આ ઘટના ઘટી ને આમ દોડ્યા. આ ઘટના ઘટી ને આમ દોડ્યા. કોઈ માણસ હોય, અડધા પાગલ જેવો, આ બાજુ અવાજ આવે એટલે આમ દોડે, પછી આમ આવાજ આવે એટલે આમ દોડે. તમને કેવો લાગે? તમે શું કરો છો? વિચાર આમ આવ્યો એટલે આમ દોડો. વિચાર આમ આવે એટલે આમ દોડો.! તમે વિચારોના માલિક છો! વિચારો તમારા માલિક કે તમે વિચારોના માલિક?
હું ઘણીવાર કહું છું કે અરબસ્તાનમાં મુલ્લાજી. ગધેડા ઉપર બેઠેલા અને બજારમાંથી ગધેડું ચાલે છે. એક closed friend સામે મળ્યો. એણે પૂછ્યું; મુલ્લા ક્યાં ઉપડ્યા? મુલ્લા કહે; ગધેડાને પૂછ. અરે, યાર! ગધેડું કંઈ બોલતું હશે? તું બોલ ને પણ, ક્યાં જાય છે? મુલ્લાજી કહે; જો સાચી વાત એ છે કે ગધેડાને લગામ નથી. એટલે મારી ઈચ્છા પૂર્વમાં જવાની હોય, ગધેડું પશ્ચિમમાં હાલે. હવે ભરબજારે ગધેડા જોડે કુસ્તી કરીએ તો કંઈ સારા લાગવાના હતાં? એટલે નક્કી કર્યું છે, ગધેડાને જે બાજુ જવું હોય એ બાજુ જાય, આપણે ઉપર બેસી રહેવાનું. તમારે આવું તો નથી ને? વિચારો ઉપર સવાર થઇ જવાનું, એને જવું હોય ત્યાં જાય.
‘स्थिरमति:’ – સ્થિતપ્રજ્ઞ. પ્રજ્ઞા એકદમ નિર્મળ બની જાય. અને એથી પરમાં ક્યાંય જવાનું કોઈ પ્રયોજન રહ્યું નહિ. અનંત જન્મોમાં જે નથી મળ્યો, એ પરમાત્માનો પ્રેમ આટલો સરસ રીતે મળ્યો, અનહદ રીતે, હવે, ન તો કોઈ પદાર્થોમાં જવું છે, ન દેહમાં જવું છે, કે ન મનની માલીકીયત છોડી દેવી છે. મન પર માલિક બની જવું છે. ‘स्थिरमति:’ એટલે શું? તમે મનના માલિક. બોલો મુંબઈ જશો ને, કોઈ પૂછશે, શિબિરમાંથી શું લાવ્યાં? તો કહેવાનું, સાહેબે મને મનનો માલિક બનાવ્યો. કહેશો? અત્યાર સુધી મનનો ગુલામ હતો. આ શિબિરમાં જઈને આવ્યો; મનનો માલિક થઇ ગયો.! હવે હું કહું એમ મન દોડે.
આ પ્રભુની ચાદર જેને મળી હોય, એ ‘स्थिरमति:’ ન હોય તો ચાલે ખરું? તો મનના તમે સ્વામી છો. પૂરું મન તમારા નિયંત્રણમાં છે.
અને છેલ્લું વિશેષણ આપ્યું : ‘भक्तिमान्’. બસ, પાંચ વિશેષણ જેની પાસે છે, એ ભક્ત ભીનો ભીનો છે. એ ભક્તિની ધારામાં આવી ગયો. હવે એના માટે બીજી કોઈ ધારા નથી. ભીનાશની ધારા, પ્રભુ પ્રેમની ધારા અને એ ધારામાં એ સતત વહ્યા કરે.
‘मे प्रियो नरः’ એ મારો પ્રિય છે. તમે પરમપ્રિયના પણ પ્રિય! બોલો? આમ છાતી ફૂલે છે કઈ આમ? 56 ઇંચની છે કે 52 ઇંચની છે? છાતી ફૂલતી નથી.! ‘પરમપ્રિય’. જેને પુરી દુનિયા ચાહે છે એ મને ચાહે છે ! આપણી પાસે તો શ્રવણયોગ નથી. શ્રવણયોગ હોય અને પહેલી વાર તમે સાંભળો કે એ પરમપ્રિય તમને ચાહે છે. તમે નાચો આમ !
એ મને ચાહે છે ! મારી પાસે તો કોઈ કારણ નથી. મેં એને ચાહ્યો પણ નથી. અને એ મને આટલી ઉત્કટતાથી ચાહે છે ! બસ, એ આંખોમાંથી આંસુ નીકળે; સમર્પણ થઇ ગયું! હવે પ્રભુ તારી આજ્ઞા એ જ મારો માર્ગ.
એટલે આ છ વિશેષણોએ સર્વસ્વીકાર માટેની તૈયારી કરી, અભિવ્રજ્યા માટેની પણ તૈયારી કરી. અને અભિવ્રજ્યા પછી પ્રવ્રજ્યા આપણને મળી જાય. પ્રભુનો પ્રેમ બધા ઉપર ખુબ ખુબ ઉતરો! આશીર્વાદ!
