Siddhi Sadhna Updhan Tap – Vachana 1

1 View
30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વ્યવહાર અને નિશ્ચયનું balancing

તમે સામાયિક કેટલા કર્યા એની જોડે અમારે સંબંધ નથી; તમને સમભાવ કેટલો મળ્યો એમાં અમને રસ છે. વર્ષોથી સાધના કરો છો પણ જો હજી રાગ-દ્વેષ-અહંકાર-ઈર્ષ્યા ઓછા નથી થયા, તો હવેથી નક્કી કરો કે એક સાધનાદાતા સદ્ગુરુને સમર્પિત થવું છે અને એ સદ્ગુરુ જે રીતે સાધના કરવાનું કહે એ જ રીતે સાધના કરવી છે.

વ્યવહાર અને નિશ્ચયનું અદ્ભૂત balancing પ્રભુની સાધના પદ્ધતિમાં છે. પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી, જે નિશ્ચય સાધનામાં રૂપાંતરિત ન થાય. તેમ છતાં આપણે એનો benefit લઇ શકતા નથી કારણ કે આપણે અધવચ્ચે જ અટકી જઈએ છીએ; પગથિયામાં ઘર કરીને બેસી જઈએ છીએ!

પ્રભુના દર્શનથી અહોભાવ આવ્યો એમાં અટકી નથી જવાનું; પ્રભુના મુખ પર જે ઉદાસીનદશા છે એને જોવાની છે. એ જ રીતે સ્વાધ્યાય એ પણ માત્ર સાધન છે. એમાં અટકી જવાનું નથી; ધ્યાનમાં અને કાયોત્સર્ગમાં જવાનું છે. પ્રભુની વ્યવહાર આજ્ઞામાં દર્શન, ભક્તિ, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, પંચાચારનું પાલન વગેરે આવે; પણ પ્રભુની નિશ્ચય આજ્ઞા શું? સ્વરૂપમાં સ્થિર થવું, તે.

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

અદ્ભુત સાધના પદ્ધતિ પ્રભુની આપણને મળી છે. વ્યવહાર અને નિશ્ચયનું બહુ મજાનું balancing પ્રભુની સાધના પદ્ધતિમાં છે. પ્રભુએ કહેલી એક પણ વ્યવહાર સાધના એવી નથી, જે નિશ્ચય સાધનામાં રૂપાંતરિત ન થાય.

આપણી સવાર પ્રભુના દર્શનથી ઉગે છે. પ્રભુના દર્શન માટે આપણે ગયા. દેરાસરના પગથિયાં ચડ્યા. આંખો ભીની બની – આંખો છલછલાઈ ઉઠે, કે પ્રભુ નરક અને નિગોદમાં હું સબળતો હતો, ત્યાંથી તારી કરુણા, તારો પ્રેમ મને અહીં સુધી લઈને આવ્યો.! પ્રભુ તારા આ ઋણમાંથી હું કઈ રીતે મુક્ત બની શકું?

અહોભાવથી, ભીની આંખોથી દર્શનની યાત્રા ચાલુ થઇ; પણ પછી ત્યાં અટકી જવાનું નથી. આપણી સાધના પદ્ધતિનો જે મજાનો point હતો – બલેન્સિંગનો, એને આપણે ચુકી ગયા છીએ; અને એટલે પગથિયાંમાં ઘર કરીને બેસી જઈએ છીએ. આટલી માળા ગણી, આટલો તપ કર્યો, આટલા પ્રતિક્રમણ કર્યા, પતી ગયું! પૂરું થઇ ગયું કહે છે! અરે! પૂરું નહિ, શરૂ નથી થયું! પુરાની ક્યાં માંડે છે તું?!

તો આપણી સાધના પદ્ધતિ સારામાં સારી હોવા છતાં આપણે એનો benefit લઇ શકતાં નથી. કારણ – આપણે અધવચ્ચે અટકી જઈએ છીએ!

એકવાર કોબા તપોવનમાં હું ગયેલો. સાંજના સમયે હું ગયેલો. સવારે મારો વિહાર હતો. રાત્રે પ્રતિક્રમણ પછી બધા મુનિવરો ભેગા થયાં. ત્યાં ઘણા બધા મુનિવરો હતાં; કોઈ વક્તા હતાં, કોઈ લેખકો હતાં. સંગોષ્ઠી શરૂ થઇ. પહેલો જ પ્રશ્ન આવ્યો; કે અમારી સાધના ક્યાં અટકે છે? તમે ક્યારેય પૂછ્યું સદ્ગુરુને; કે સાહેબ! મારી સાધના ક્યાં અટકે છે? સાધના કરો અને જે પૂર્ણ આનંદ મળે, એ આનંદ મને મળ્યો નથી, તો હું ક્યાંક અધવચ્ચે અટકી ગયો છું. ક્યાં અટક્યો છું? પૂછ્યું, તમે?

તો પહેલો પ્રશ્ન આવ્યો કે અમારી સાધના ક્યાં અટકે છે? મેં એમને કહ્યું; કે તમારી સાધના શબ્દ અને વિચારમાં અટકી ગઈ છે. તમે બહુ સારા પ્રવક્તાઓ છો. એક શ્લોક ઉપર દિવસો સુધી તમે પ્રવચન આપી શકો છો. શબ્દ છે તમારી પાસે, વિચાર તમારી પાસે છે; અનુભૂતિ ક્યાં છે? તો તમારી સાધના ત્યાં અટકી કે તમે શબ્દ અને વિચારને છેલ્લું સ્ટેશન માનીને બેસી ગયા. આ એક શ્લોક એના ઉપર આટલી અનુપ્રેક્ષા કરી! અરે! અનુપ્રેક્ષા તો સ્વાધ્યાય છે; ધ્યાન ક્યાં છે તમારી પાસે? કાયોત્સર્ગ તમારી પાસે ક્યાં છે?

આજે દુનિયામાં 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલી રહી છે. વિપશ્યના જેવી કો’ક સાધનામાં લાખો followers છે. કો’કમાં સેંકડો followers છે. પણ 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલે છે અને એક પણ સાધના પદ્ધતિને ધ્યાન વગર ચાલી શકે નહિ. બધી જ સાધના પદ્ધતિને પાસે ધ્યાન છે. વ્યાખ્યામાં થોડો ફેરફાર હોઈ શકે. પણ કાયોત્સર્ગ માત્ર આપણા જૈનોની પાસે છે. તો એ કાયોત્સર્ગ જે ત્રિગુપ્તિ સાધનારૂપ છે, એને આપણે સમજી ન શક્યા.

એક ભાઈ મને પૂછવા આવ્યા કે મને કહે સાહેબ! તમે ધ્યાનની વાતો કરો છો. ધ્યાન અત્યારે હોય ખરું? આ યુગમાં? મેં એને સામે પૂછ્યું; કે અષ્ટપ્રવચનમાતાની સાધના અત્યારે હોય? મેં કીધું, આ યુગમાં? તો કહે એ તો હોય જ ને સાહેબ! એના વગર ચાલે કેમ? તો મેં કહ્યું; આપણું ધ્યાન અને આપણો કાયોત્સર્ગ એ માત્ર ત્રિગુપ્તિ સાધના છે. ‘ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્પાણં વોસિરામી’ એ ગુપ્તિને જો સમજીએ તો જિનશાસન ની સાધના સમજાઈ ગઈ.

ગુપ્તિના બે પ્રકાર છે. શુભ અને શુદ્ધ. શુભ વિચારો તો શુભ મનોગુપ્તિ. વિચાર હોય જ નહી તો શુદ્ધ મનોગુપ્તિ. પ્રભુએ કહેલું હોય, એ પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે બોલો, તો શુભ વચન ગુપ્તિ અને સંપૂર્ણ મૌનમાં હોવ તો શુદ્ધ વચનગુપ્તિ. એ જ રીતે ઈર્યાસમિતિપૂર્વક ચાલો, તો શુભ કાયગુપ્તિ; અને અડોલ ઉભા રહો તો શુદ્ધ કાયગુપ્તિ.

તો મેં એ પ્રબુદ્ધ સાધકોને કહેલું; કે તમારી સાધના શબ્દમાં અને વિચારોમાં અટકી ગયી છે. અત્યારે આપણી આખી વ્યાખ્યાન પદ્ધતિ શબ્દ અને વિચાર ઉપરની જ છે. સાધનાને એક work shop ના રૂપમાં ચલાવવી જોઈએ. આજે તમને સાધના આપી. ફરી તમે આવો. તમને પૂછીએ, એ સાધનાને કેમ રહ્યું? ફરી તમને નવી સાધના આપીએ.

એટલે આપણે ત્યાં ત્રણ જાતની દીક્ષા- સાધના દીક્ષા, મંત્ર દીક્ષા અને જીવન વ્યાપીની દીક્ષા. એટલે ગુરુ પણ ત્રણ. તમે ઉપધાન કોઈ ગુરુદેવ પાસે કર્યું. એ ગુરુદેવ તમારા મંત્રદીક્ષાના દાતા ગણાય. તમે સાધના કોઈ ગુરુની પાસે તમારી નિશ્ચિત કરાવો, એ તમારા સાધના ગુરુ. સાધના fail કેમ ગઈ? પહેલીવાર પ્રભુની સાધના મળી છે, એવું છે? કેટલાંય જન્મોમાં આ સાધના મળી, છતાંય મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? આપણે સાધના આપણી બુદ્ધિથી કરવા માંડ્યા. સાધના ગુરુદત્ત જ હોય! સદ્ગુરુ તમારી જન્માન્તરીય ધારાને પણ જોઈ શકે! અને તમારી જન્માન્તરીય ધારા જે હોય, એના પ્રમાણે તમને સાધના આપે.

હું ઘણીવાર કહેતો હોઉં છું, કે એક સાધક મારી પાસે આવે. બની શકે કે બે જન્મથી ગુરુ ચેતનાએ એને વૈયાવચ્ચની ધારામાં push કર્યો હોય, મને એની જન્માન્તરીય ધારાનો ખ્યાલ ન આવે અને હું એને સ્વાધ્યાયની ધારા આપું, તો ગુરુ તરીકે હું totally fail ગયેલો માણસ છું. મારે any how એની જન્માન્તરીય ધારાનું આકલન કરવું પડે છે, અને તમારી જન્માન્તરીય ધારા જે છે એમાં તમને મુકવા જોઈએ. કોઈની વૈયાવચ્ચની ધારા હોય, કોઈની સ્વાધ્યાયની ધારા હોય, કોઈની પ્રભુ ભક્તિની ધારા હોય. તો તમારી ધારા કઈ છે, એ નક્કી કરી, અને એ જ ધારામાં અમે લોકો તમને વહાવીયે છીએ. તો તમારા સાધના દીક્ષા દાતા ગુરુ એક જ હોય. પંચમહાવ્રતધારી બધા આપણા ગુરુ, પણ સાધના દીક્ષા આપનાર ગુરુ એક. હવે એ ગુરુને ખ્યાલ છે – તમારા મનનો, તમારા હૃદયનો, તમારી સાધનાનો, વધુમાં વધુ છ મહિના થાય એ પહેલાં તમારે ગુરુ પાસે જવું જોઈએ. અને ગુરુ પાસે જઈ અને તમારી સાધના જે છે એને બરોબર અંકે સો કરાવવી જોઈએ. સદ્ગુરુ તમને પૂછશે; કે મેં આ સાધના આપેલી, તે એ સાધના કરી, તારો રાગ કંઈક ઘટ્યો? તારો દ્વેષ ઓછો થયો? અહંકાર શિથિલ બન્યો?

સામાયિક કેટલા કર્યા, એની જોડે અમારે સંબંધ નથી. તમને સમભાવ કેટલો મળ્યો, એની જોડે અમને રસ છે. ડોક્ટરને રસ શેમાં હોય? તમે વધારે ટીકડી લો એમાં? કે રોગ જાય એમાં? વર્ષોથી સાધના કરો છો.. શું result મળ્યું..? રાગ-દ્વેષ ઓછા થયા? અહંકાર ઓછો થયો? ઈર્ષ્યા ઓછી થઇ? શું ઘટ્યું? શું વધ્યું? આંતર-નિરીક્ષણ તમારે કરવાનું હવે.

આનંદમયી માઁ હિંદુ ગુરુઓની પરંપરામાં એક ઉજળું નામ હતું. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ એવા જ આનંદમયી માઁ. એ આનંદમયી માઁ પાસે એમનો એક ભક્ત એકવાર આવેલો. એ ભક્ત માઁ ના ચરણોમાં પડી રડે છે કે માઁ ૨૦-૨૦ વર્ષથી હું તમારી પાસે આવું છું, છતાં મારામાં કોઈ પરિવર્તન નથી, તો મારે શરમાવવાનું કે તમારે શરમાવવાનું? હું તો મારી પાસે આવનાર સાધકોને ગેરંટી કાર્ડ આપું છું. હું એને કહું કે તું જો સમર્પિત છે, તો અમે લોકો કામ કરવા માટે તૈયાર છીએ. આજે તે મારી પાસે સાધના લીધી છે, પાંચ વર્ષે તારી સાધના અહીંયા ઉભેલી હશે! હું લખીને આપું છું, મારું signature કરું છું; અને કહું છું કે આવું જો ન થાય, તો મને challenge મારવા માટે આ letter head લઈને આવજે કે સાહેબ તમે કહેલું કેમ ન થાય! મેં કહ્યું; જો તું સમર્પિત છે, તો પાંચ વર્ષે આ ભૂમિકા ઉપર તું પહોંચવાનો ‘જ’ છે! સવાલ જ નથી!

તો સાધના માટે એક ગુરુને સમર્પિત થઇ જાવ! તમારી શ્રદ્ધા, તમારું હૃદય જ્યાં ઝૂકતું હોય, એ ગુરુ પાસે જાવ, અને કહી દો, કે ગુરુદેવ! આજથી આપ કહો એ પ્રમાણે મારે સાધના કરવાની છે.

સપોઝ તમને ચાર કલાક મળે છે દિવસના, તો ચાર કલાકમાં તમારી સાધના કઈ હોય, એ સદ્ગુરુ નક્કી કરી આપશે; અને એ પ્રમાણે જ તમારે સાધના કરવાની; તમારી બુદ્ધિથી નહિ! મુંબઈના તમારા પ્રતિષ્ઠિત સંઘો હોય ને, તો ત્યાં બોર્ડ લગાયેલું હોય બુફે ભોજન અહીંયા નિષેધ છે. બુફેનું ગુજરાતી પર્યાય શું થાય? સ્વરૂચિ ભોજન. એટલે ભોજનમાં સ્વરૂચિ પ્રમાણે ન ચાલે; સાધનામાં ચાલે! બરોબર ને? સાધનામાં સ્વરૂચિ ભોજન ને? તમારી ઈચ્છા થાય એ પ્રમાણે કરવાનું.

તો હવેથી આ નક્કી કરો, કે સાધના દાતા સદ્ગુરુ હોય, અને એ સદ્ગુરુ જે રીતે તમને સાધના કરવાનું કહે, એ રીતે કરવાની. ચાર-પાંચ મહિના થાય, છ મહિનાથી વધુ ગાળો ન થવો જોઈએ. તમે પાછા સદ્ગુરુ પાસે જાવ. સદ્ગુરુ તમારો ચહેરો જોઇને સમજી જશે કે ભાઈસાબ કેટલા દોડ્યા છે.

એ સાધના ઘૂંટવાથી ખરેખર તમારા રાગ-દ્વેષ શિથિલ બન્યા છે તો ગુરુ કહેશે આ પ્રમાણે સાધના ચાલુ. કદાચ કોઈક નવી સાધના ઉમેરશે કે છ મહિના થયા, આટલી સાધના ઘૂંટાઈ છે, આના પછીની એક સાધના છે, એ પણ તને આપું છું, એ પણ તું ઘૂંટજે. રોગ છે એને દૂર કરવો છે તો નિષ્ણાંત ડોક્ટરનું માર્ગદર્શન જોઇશે. રાગ-દ્વેષ, અહંકારનો રોગ અનંત જન્મોથી લાગુ પડેલો છે. તમે એમ માનો છો કે સહેલાઈથી જતો રહેશે! છે વિશ્વાસ તમને, તમારી જાત ઉપર? તમારી જાત ઉપર તમને વિશ્વાસ ન હોય ને, તો એ સાધના જગતની મોટામાં મોટી ઘટના છે. કે તમારો પોતાનો તમારી સાધના ઉપર self confidence નથી. તમે કહો છો, કે ગુરુ કરાવે તે જ સાધના છે.

ઉપનિષદો તો કહે છે; ગુરુ આપે તે જ મંત્ર, ગુરુ આપે તે જ સાધના; બાકીનો મંત્ર પણ નહિ, સાધના પણ નહિ. તો અત્યાર સુધી કેટલી વાર પ્રભુનું શાસન મળ્યું? પ્રભુની સાધના કરી; પણ આપણે હતા ત્યાં ને ત્યાં રહ્યા. કારણ શું થયું? કે નિષ્ણાંત સદ્ગુરુના માર્ગદર્શનમાં જે રીતે સાધના કરવાની હતી, એ રીતે આપણે કરી શક્યા નહિ. તમે સદ્ગુરુને સમર્પિત થયા, પછી, Then you have not to do anything absolutely! પછી તમારે કશું જ કરવાનું નથી! જે પણ કરવાનું છે, એ સદ્ગુરુએ કરવાનું છે. તમને સાધના પ્રત્યેનો રસ સદ્ગુરુ કરાવે. તમારા માટેની appropriate સાધના સદ્ગુરુ તમને આપે. એ સાધનાને ઘૂંટવા માટેનું યોગ્ય વાતાવરણ સદ્ગુરુ તમને આપે. અને સાધનામાં અવરોધ આવે, તો ગુરુ એને હટાવે. એટલે સમર્પણ જો આવી ગયું ને? તો back seat journey. કારમાં પાછળની સીટ પર બેસી ગયા, સોફર ચલાવ્યા કરે.

તો અત્યાર સુધી સાધના થઇ. પ્રભુની સાધના મળી, અદ્ભુત સાધના મળી; પણ એનું result આપણને ન મળ્યું. કારણ કે વ્યવહાર અને નિશ્ચયનું તમને balancing કરીને આપવું, એ સદ્ગુરુનું કામ છે. એક સાધક મારી પાસે આવે, બહુ જ ઉંચકાયેલો હોય, તો હું એને ક્રિયામાર્ગ 10 કે 15 ટકા આપીશ, ૮૫% જ્ઞાનમાર્ગ આપીશ. એકદમ પ્રારંભિક સાધક હશે, ૮૦% ક્રિયામાર્ગ આપીશ, ૨૦% જ્ઞાનમાર્ગ આપીશ. એટલે વ્યવહાર અને નિશ્ચયનું balancing કરી, એક-એક વ્યક્તિને સાધના આપવી એ સદ્ગુરુનું કામ છે. સાધના મેળવવા માટે તમને લલચાવવા હોય, ત્યારે માસમાં-સમુહમાં લલચાવી શકાય, પણ સાધના તો personally જ આપી શકાય.

કારણ – તમે જ્યાં ઉભા છો, ત્યાં એ નથી ઉભા, એ ઉભા છે, ત્યાં આ નથી ઉભા. મુંબઈ જવું છે, પણ એક માણસ વડોદરા છે, એક પુના છે; લક્ષ્ય એ જ છે, માર્ગ જુદા થશે. તો તમે જ્યાં ઉભા છો ત્યાંથી તમારું લક્ષ્યબિંદુ જે છે, એને સાંકળી આપીએ; એનું નામ માર્ગ. અને એ માર્ગ – એ સાધના, સદ્ગુરુ તમને આપશે.

તો પ્રભુનું દર્શન કર્યું, અહોભાવથી તમે શરૂ થયા, પછી ત્યાં અટકી નહિ જવાનું! આગળ ચાલો.. પ્રભુના મુખને જુઓ! એ મુખ પર જે ઉદાસીનદશા છે એને જુઓ!

સમવસરણમાં આપણે ગયેલા ને? ગયેલા ખરા, પણ પછી શું થયું? ૬૪ ઇન્દ્રોને જોયા, હવામાં વિંઝાતા ચામરોને જોયા, દેવદુંદુભિનો નાદ સાંભળ્યો અને પાછા ફર્યા! જે જોવાનું હતું, એ જોયું નહિ! બીજું બધું જોયું! પ્રભુના રૂપને નહી જોયું! રૂપનું extreme point પરમાત્મા! ‘કોટિ દેવ મિલકર ન કર શકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ; એસો અદ્ભુત રૂપ તિહારો’ કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપના જથ્થાને એકઠ્ઠો કરે, તો પણ પ્રભુના ચરણના અંગુઠા જેટલું રૂપ એ ન કરી શકે! આવું રૂપનું extreme point પરમાત્મા! નવાઈની વાત લાગે, કે આવા પરમાત્મા આંખો માટે ઓચ્છવ થઈને આવેલા હોય, અને આપણી નજર બીજે જાય! તમે દેરાસરમાં જાવ, ભક્તિ કરીને બહાર નીકળો, કોઈ પૂછે કે સિદ્ધચક્રપૂજન આજે ભણાવવાનું હતું, તો શરૂ થઇ ગયું? તમે કહો કે મને કંઈ ખબર નથી, હું તો પ્રભુમાં જ ડૂબી ગયો હતો! ડૂબ્યા છો પ્રભુમાં ક્યારેય…? ઉપધાન તપવાળાઓને પૂછું? ધર્મચક્ર જેવું તીર્થ મળી ગયું, ઉપધાનની આરાધના, પ્રભુમાં ડૂબ્યા..? ચાલો, થઇ ગયું, તે થઇ ગયું! હવે..? હવે પ્રભુની મૂર્તિ જે છે, એ મૂર્તિ ક્યાં સુધી? જયપુરથી લાવો ત્યાં સુધી. અંજનશલાકા થઇ એટલે ભગવાન થયાં.એ ભગવાનના ચહેરા પરની ઉદાસીનદશા તમને દેખાય છે?

શંખેશ્વરમાં શિબિર હતી. દાદાનું સવારે દર્શન કર્યું. નવ વાગે પ્રવચન શરૂ થયું. મેં પહેલો જ સવાલ કર્યો; કે આજે તમે બધા જ દાદા પાસે ગયા હતાં, દાદાએ તમને કંઈ કહેલું ખરું? દાદા બોલે? ના બોલે? તમને સાંભળતા આવડતું નથી! અમે લોકો દાદાની ભાષા જ સાંભળીએ છીએ. તો મેં પૂછ્યું; દાદાએ શું કહ્યું? એક ભાઈ મારી સામે બેઠેલા. મને કહે; સાહેબે કંઈક કહ્યું તો હશે, પણ દાદાની ભાષા અમને પલ્લે પડી નથી, આપ જ કહો, દાદાએ શું કહ્યું હતું? ત્યારે મેં કહ્યું; દાદાએ કહેલું કે જો હું મારામાં બેઠેલો, તું તારામાં બેસી જા! બહાર કેમ ડાંફોળીયા મારે? દાદાએ કહ્યું; “તું તારામાં રહે!” તમે ક્યાં છો? તમે તમારામાં કેટલો સમય? અને બહાર કેટલો સમય? દેરાસરમાં જાવ તો પણ બહાર ફરો! તો પ્રભુએ કહ્યું; તું તારામાં સ્થિર થઇ જા! પ્રભુની નિશ્ચય આજ્ઞા આ જ છે! પ્રભુની આજ્ઞા બે પ્રકારની છે- વ્યવહાર આજ્ઞા અને નિશ્ચય આજ્ઞા. વ્યવહાર આજ્ઞામાં દર્શન, ભક્તિ, વૈયાવચ્ચ, સ્વાધ્યાય બધું આવે, પંચાચારનું પાલન આવે. નિશ્ચય આજ્ઞા શું? સ્વરૂપમાં સ્થિર થવું!

તો તમને પૂછું આટલાં વર્ષોથી સ્વાધ્યાય કરો છો. આટલા વર્ષોથી સાધના કરો છો. સ્વમાં સ્થિર થયા? સ્વાધ્યાય છે ને સાધન છે; ધ્યાન અને કાયોત્સર્ગ કાર્ય છે. એટલે સ્વાધ્યાયમાં અટકી જવાનું નહિ!

એકવાર શ્રીમદ્દ રાજચંદ્રમાં આશ્રમમાં જવાનું હતું. ત્યાં પ્રવચન હતું. તો પ્રવચનમાં કહ્યું; મેં તમારું schedule જોયું. તમારા schedule માં માત્ર સ્વાધ્યાય છે. તમે તો શબ્દોનું વર્તુળ બનાવી દીધું આખું! અનુપ્રેક્ષા ક્યાં છે? ક્યાં ટાઈમ છે તમારી પાસે? સવારે સાત વાગે સ્વાધ્યાય, આઠ વાગે સ્વાધ્યાય, દસ વાગે સ્વાધ્યાય, અગિયાર વાગે સ્વાધ્યાય. અનુપ્રેક્ષા ક્યાં છે? મેં કીધું. અને અનુપ્રેક્ષા જ નથી, તો અનુભૂતિ ક્યાંથી આવવાની? એટલે આપણે ત્યાં ક્રમ એવો છે – પહેલા વાંચન કે શ્રવણ, પછી ચિંતન, પછી ભાવન અને પછી ધ્યાન; આ ક્રમ છે. તમે ક્યાં સુધી પહોંચ્યા? શ્રવણ કરો છો. વાંચન પણ કરો છો. ચિંતન કેટલું? એ અમારા માટે રાખ્યું?! સાહેબ થોડું કામ તમે કરજો.. થોડું અમે. અમે સાંભળવા આવ્યા એટલે ઘણું! ચિંતને પણ અટકવાનું નથી! ભાવન – એને ઘૂંટો, ઘૂંટો, ઘૂંટો. ચિંતનમાં મન છે; ભાવનમાં તમે છો; આટલો ફરક છે. વિચાર છે ત્યાં સુધી તમે વિચાર કરી રહ્યા છો, મનોવર્ગણાના પુદ્ગલો લઇ કામ કરી રહ્યા છો.;ભાવનમાં તમારો પોતાનો રસ આવે છે, જેમ-જેમ તમે ઘૂંટતા જાવ છો, તેમ-તેમ તમને કંઈક મળતું જાય.

શાંત સુધારસમાં લખ્યું; ‘भावय रे वपुरिदमतिमलिनं’ ત્યાં એમ ન કહ્યું કે તું વિચાર કર, તું સાંભળ, કે શરીર બહુ ગંદુ છે. ખબર છે કે સો વાર સાંભળ્યું, એકસો એકમી વાર સાંભળશે, શરીર ગંદુ છે પણ એને ગંદુ લાગવાનું નથી! શરીરમાં શું છે, આપણે જાણીએ છીએ. આમ કાપો પડે એટલે શું નીકળે? દૂધ નીકળે અંદરથી? પાણી નીકળે? ગંધાતા દ્રવ્યો નીકળે. બરોબર? આ શરીરમાં કશું જ સારું નથી! છતાં એ શરીર પરનો રાગ ઓછો થયો? શરીર એટલે ઘર અને એ ઘરમાં તમારે રહેવાનું. અહીં ધર્મચક્રમાં આવ્યાં, સાંજે તમારે જવાનું હોય, રૂમ લીધી. પછી રૂમમાં પ્લાસ્ટર ઉખડી ગયેલું હોય એટલે શું કરો? નાસિક જઈને કડિયાને બોલાવી લાવો, શું કરો? નહિ, મારે તો સાંજે જવું છે. ત્યાં તો વ્યવહારથી એટલું નક્કી છે, સવારે આવ્યાં ને સાંજે જવું છે. આ ઘર છોડીને ક્યારે જવાનું છે ખબર છે? અને તો યે આ ઘરની કેટલી ચિંતા!

‘જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો નિકલના પડેગા; મૌત જબ તુમસે આવાજ દેંગી, તબ ઘર સે નિકલના હોગા’ આ ઘર છે, આ ધર્મશાળાની રૂમ છે. એટલે તમે ધર્મશાળાની રૂમની બરોબર આમ માવજત કરો, એમાં રહેનારની નહિ? ભોજનશાળા કેમ હોય બોલો? ખાલી, ધર્મશાળા હોય તો ન ચાલે? પણ ધર્મશાળામાં જે રહે છે, એને ખાવું છે તો? તો ઘરની ચિંતા તમે કરી, ઘરમાં રહેનારની ચિંતા કરી? રહેનારો કેવો છે પાછો? ‘અબ હમ અમર ભયે ન મરેંગે, નાસી જાસી હમ થિરવાસી, ચોખ્ખે વ્હૈ નીખરેંગે’ આ શરીર પડ્યું રહેશે અને હું ચાલી જઈશ, મજા…

તમને ખ્યાલ છે; કોઈ પણ ધર્મની પ્રાર્થના કરતાં આપણી પ્રાર્થના જુદી ક્યાં પડે? એક ક્રિશ્ચયન હોય તો શું કહે? God give us long life. હમ? God give us healthy body. હમ? આપણે જૈનો જ માત્ર એવા છીએ જે પ્રભુની પાસે મૃત્યુની યાચના કરીએ –‘સમાહિમરણં ચ’ મરણ તો છે જ! જીવન મળ્યું તો મૃત્યુ આવવાનું જ છે! પણ જ્યારે જવાનું થાય ત્યારે આરામથી, હસતો હસતો ચાલ્યો.

એટલે ભગવદ્દગીતાએ કહ્યું; ‘वासांसि जीर्णानि यथा विहाय’ મૃત્યુ એટલે શું? કપડું જુનું થયું તો કાઢી નાંખો, નવું કપડું પહેરી લેવાનું. સાધના માટે શરીર જર્જરિત થઇ, સાધના બરોબર થતી નથી. મૃત્યુ આવ્યું, નવું જીવન મળશે, ત્યાં સાધના શરૂ થશે. જો સાધનાને તમે માત્ર શ્રવણ અને ચિંતનના સ્તર ઉપર મૂકી હશે તો આવતાં જન્મમાં સાથે નહિ આવે. પણ એ ભાવનના સ્તર પર હશે તો આગલા જન્મમાં આવશે. Conscious mind ના સ્તર ઉપર તમે જે વાત મુકો, એ આગલા જન્મમાં યાદ નથી રહેતી.

કોઈ પ્રોફેસર હોય. ધુંઆધાર લેક્ચરર છે. મર્યો. મરીને માણસ થયો. સહેજ મોટો થયો. ABCD શીખવાડવી પડે! ગયા જનમનું ક્યાં ગયું બધું? જન્મ બદલાયો; બધું ગયું! એ પ્રોફેસર નાનકડો દીકરો છે, એને ચમચી આપો તો મોઢામાં નાંખે, રમકડું આપો તો મોઢામાં નાંખે. કેમ? આહારસંજ્ઞા અનાદિની છે. એ ભાવનના સ્તર ઉપર છે.

હું ઘણીવાર કહું છું, દુશ્મન બંકરમાં હોય; અને સૈનિક બહાર ભડાકા કરે તો શું થાય? ગોળીઓ જ બગડે ને?! રાગ-દ્વેષ જ્યાં છે, ત્યાં તમે સાધના લઇ ગયા? રાગ-દ્વેષ ક્યાં છે, ઠેઠ અંદર.. સાધના છે ઉપર.! શું થવાનું? સાધના નકામી નથી; તમે જે રીત અપનાવી છે એ રીત ખોટી છે. સાધનાને અંદર લઇ જાવ..! અંદર.. અંદર.. અંદર..

હું અમદાવાદમાં હતો. ત્યારે અમદાવાદના એક સંઘમાં ભક્તિ સંવેદનાનો કાર્યક્રમ હતો, સવારે પાંચ થી આઠ- ત્રણ કલાક. હજારેક શ્રોતાઓ. સંગીતકાર બહુ સારા. સંવેદનાકાર પણ બહુ સારા. હજાર લોકો આમ પકડાઈ ગયા. આઠ વાગે પૂરું થયું ફંક્શન. તો જાહેરાત થઇ કે બાજુના હોલમાં બધા જ નવકારશીનો લાભ આપીને જજો. એક ભાઈ બાજુના હોલમાં ગયા. ખુરશી પર બેઠા. વેઈટર આવ્યો. એને ચા કપમાં નાંખી. ઘૂંટડો ભર્યો. ચા ઠંડી. બેસ્વાદ. અને ભાઈ મુડલેસ થઇ ગયા. આવી વ્યવસ્થા! ચા નું ઠેકાણું નહિ! પણ એ જાગૃત સાધક હતો. પાંચ જ મિનિટમાં એને થયું, કે અરે! ત્રણ કલાક સુધી એ ભક્તિની ધારામાં હતો; અને ચાની એક ચુસકીએ ભક્તિની ધારા તોડી નાંખી.! મારું ઘર બાજુમાં છે, કાર લઈને આવ્યો છું, Drive કરીને જાઉં તો, બે મિનિટમાં ઘરે પહોંચી જાઉં. ઘરે મસાલાવાળી કડક ચા પી શકું એમ છું. તો પછી આ ભક્તિની ધારા તૂટી કેમ? એ ભાઈ મારી પાસે આવ્યાં. મને એમણે વાત કરી, કે સાહેબ શું થયું, શું મારી ભક્તિની ધારા ખોટી હતી? મેં કહ્યું; ભક્તિની ધારા સાચી હતી. તમારી આંખોમાં આંસુ આવ્યા એ પણ સાચા હતા. પણ તમારી ભક્તિની ધારા Conscious mind ના લેવલ સુધી હતી, અંદર નહિ ઉતરી; જયારે આહાર સંજ્ઞા એ અંદર છે, એટલે ત્રણ કલાકની ભક્તિ ઉપર બે સેકંડની આહારસંજ્ઞા હાવી થઇ ગઈ! એમણે મને પૂછ્યું; કે મારી આ ભક્તિની ધારા – સાધનાની ધારા એને અંદર લઇ જવી હોય તો શું કરવું જોઈએ?

ત્યારે મેં એમને કહ્યું; કે અષાઢ મહિને પહેલો વરસાદ આવે, બે ઇંચ પડે, ધરતી તરસી હોય, તો અડધો કલાકમાં કોરું કટ થઇ જાય. પણ વરસાદ રીપીટ થયા કરે, બે-બે કલાકે, ચાર-ચાર કલાકે એટલે અઠવાડિયા સુધી વરસાદ વરસ્યા કરે, તો પાણી નીચે ઉતરે. એમ મેં કીધું આ ક્રિયા વારંવાર થયા કરે, આદરપૂર્વક થયા કરે, બહુ જ ભાવપૂર્વક થયા કરે, તો અંદર જાય. એટલે અદ્ભુત સાધના પદ્ધતિ આપણને મળી છે!

મેં દુનિયાની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ. અને એ પછી પ્રભુની સાધના પદ્ધતિ ઉપર ઓવારી ગયેલો હું છું; કે વાહ! આવી અદ્ભુત સાધના! બીજી કો’ક સાધનામાં વ્યવહાર હોય તો નિશ્ચયનું ફોરમેટ ન હોય; નિશ્ચય હોય તો વ્યવહારનું ફોરમેટ ન હોય. આ પ્રભુની સાધના છે- જ્યાં વ્યવહાર સાથે નિશ્ચય જોડાયેલો છે. અને એક વાત તમને કહું – જે વ્યવહાર સાધના, નિશ્ચય સાધનામાં રૂપાંતરિત ન થાય; એ વ્યવહારાભાસ છે. વ્યવહાર વ્યવહાર ક્યારે રહે? એ નિશ્ચય સુધી લઇ જાય તો.

બસ જે છે, એની સીટ સારી હોય, બીજું બધું સારું છે, પણ મશીન જ કોટકાયેલું છે, અને ચાલતી નથી, એ કોઈ ગામ પહોંચાડે નહિ તો એ બસ કામની ખરી? તમારી બસ ક્યાં સુધી ગઈ બોલો? ત્યાં ને ત્યાં જ છે? બસ ઉપડી જ નથી હજી! એટલે આજે બસ start કરાવવા માટે આવ્યાં છો? ધક્કો મારે લગાવવાનો? પછી ચાલશે ને બસ પાછી! તો મળ્યું છે અદ્ભુત! આ જન્મમાં એનો લાભ લેવો છે…

મને આ સાધનાનો આનંદ મળ્યો, પ્રભુનો પ્રેમ મળ્યો. પ્રભુ વરસ્યા જ કરે છે…! પ્રભુનો પ્રેમ માણ્યો.! એમ લાગે કે આનાથી વધારે આનંદની ઘટના દુનિયામાં કોઈ હોઈ ન શકે.. હું ઘણીવાર આ લોકોને પૂછું; કે અમારા જેવાની ઈર્ષ્યા આવે? ઈર્ષ્યા થાય છે…?

ગઈકાલે સંગોષ્ઠીમાં મને પૂછેલું, સાહેબ! તમને મળ્યું છે, એનો પુરાવો શું? મેં કહ્યું; મારો ચહેરો! સતત આનંદમાં છું! 24 કલાક..! એ આનંદ પ્રભુની સાધનામાંથી આવે! આ જ સાધના તમને મળી છે. આ સાધનાને બરોબર ઘૂંટો.! પ્રભુની એવી ભક્તિ કરો, શું માંગશો પ્રભુ પાસે? પ્રભુ મને સ્વાનુભૂતિ આપ.! મને મારો પરિચય નથી.! મને મારા ભીતરના આનંદનો ખ્યાલ નથી.! તું મને મારામાં ડુબાડી દે.! તમે પ્રભુ પાસેથી આવો ને અહીંયા, એટલે પ્રભુનો કોલ મને મળી જાય, કે ભાઈ! આ કહીને આવ્યો છે, કે મને ડુબાડી દેજો; એટલે હું ડુબાડી દઉં! પણ ડૂબવું હોય એને ડુબાડાય.! બરોબર? ડૂબવું છે? કાંઠે બેસીને છબછબિયા અનંતા જન્મોમાં માર્યા.! હવે અંદર જવું છે.!

૩૦૦ વર્ષ પહેલાં આનંદઘનજી થયા. તમે કોણ છો..? તમે આનંદઘન જ છો..! વિષાદઘન કેમ થાવ છો? ઘટનાઓમાં જાવ છો માટે.! કોઈ ઘટના તમને પીડિત કરી શક્તિ નથી! ઘટનામાં કોઈ તાકાત નથી; પણ તમે તમારું મન ઘટનાને આપો છો. છેલ્લે એક સવાલ પૂછી લઉં? મન કોને આપવાનું છે? તમારું મન તમારા નિયંત્રણમાં તો નથી.? છે? તો આપી દો ને?!

અરબસ્તાનનો મુલ્લાજી. અરબસ્તાનમાં ઘોડા નહિ, ગધેડા જ હોય. તો મુલ્લાજી ગધેડા ઉપર બેઠેલા છે. બજારમાં ગધેડું ચાલતું હતું. હવે closed friend સામે મળ્યો. મુલ્લા ક્યાં ઉપડી સવારી? તો મુલ્લા કહે; ગધેડાને પૂછો. પેલો કહે; ગાંડા શું કાઢે છે? ગધેડું કંઈ બોલતું હશે! મુલ્લા કહે, વાત એવી છે, કે ગધેડાને લગામ-બગામ તો છે નહિ. ગધેડું મારું નિયંત્રણમાં નથી. હું ગધેડા ઉપર બેઠેલો છું. હવે મારે જવું હોય પૂર્વમાં અને ગધેડું ચાલે પશ્ચિમમાં. હવે ભર બજારે ગધેડા જોડે કુસ્તી કરાય? એટલે નક્કી કર્યું કે ગધેડુંને જવું હોય ત્યાં જશે; આપણે ઉપર બેસી જવાનું! હવે મને ખબર જ નથી કે ગધેડું ક્યાં જાય છે.! તમારી હાલત આવી જ છે ને?

તો મન તમારા નિયંત્રણમાં નથી. પ્રભુને આપી દો! ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું; કે તું તારું મન મને આપી દે! અને એ વખતે શ્રીકૃષ્ણએ બહુ સરસ શબ્દો વાપર્યા કે તું જો તારું મન મને આપે, તો શું થાય? ‘निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः।।’ “જો તું મને તારું મન આપી દે, તો પછી તું મારામાં જ રહીશ; તારામાં નહિ.” મન પ્રભુને આપ્યું; આપણે પ્રભુમય બની ગયા! આપવું છે મન પ્રભુને?

પેલા ડોશીમાં ગામમાં હતા. ઝુંપડામાં રહેતાં. પેટે પાટા બાંધીને પણ દીકરાને ભણાવ્યો. દીકરો ખુબ ભણ્યો. પછી તો એના મેરીટ ઉપર આગળ ગયો. બહુ મોટો ઓફિસર બન્યો. પગાર પણ લાખોનો હતો. બંગલો-કાર બધું હતું. એટલે માઁ ને બોલાવે કે માઁ ! તું મારી જોડે શહેરમાં આવી જા! માઁ કહે; હું ગામડું નહિ મુકું. દીકરાને થયું; કે માઁ એ આટલું બધું મારા માટે કર્યું છે, અને એ માઁ ગામડામાં રહે એ બરોબર નહિ. ફરી આવ્યો; કે માઁ તું મારી જોડે એકવાર શહેરમાં આવ; થોડા દિવસ રહે, તને ગમે તો પછી આવજે. માઁ કહે; નહિ. હું ગામડું છોડું જ નહિ. પછી દીકરાએ બાજુમાં એક પ્લોટ ખરીધો. મોટો બંગલો બનાવ્યો. ડોશીમાં પેલા મજુરોને પૂછે; આ બંગલો કોનો બને? આવા નાના ગામમાં બંગલો કોણ બનાવે? તો કહે; અમને ખબર નહિ. અમને તો કોન્ટ્રકટર સાહેબે અમને કોન્ટ્રક્ટ આપેલો, એ જાણે. બંગલો બની ગયો. દીકરો આવ્યો. માઁ આપણો બંગલો છે. તમારે બંગલામાં રહેવાનું છે. તમે શહેરમાં નથી આવતાં તો અહીંયા બંગલો કર્યો. વાસ્તુ પૂજા ભણાવી. માઁ ને અંદર રાખ્યાં. હવે પેલી ઝુંપડી હતી, એ તો પડી રહી અંદર. એકવાર રાત્રે ડોશીમાં જાગ્યાં. હવે ઝુંપડીમાં એકદમ આગ લાગેલી. કો’કે દીવાસળી-બીવાસળી સળગતી ફેંકી હશે. તો ઝુંપડીમાં કંઈ સાજુ હતું નહિ; અને ગામડા ગામમાં કંઈ બંબાવાળો આવવાનો નહતો. ત્યારે માજીને યાદ આવ્યું, કે કૃષ્ણ ભગવાનની ભક્તિ બહુ કરું છું. ભગવાનને આજ સુધી મેં કશું આપ્યું નથી. આજે આપી દઉં. હે કૃષ્ણ ભગવાન! આ બળતું ઘર તમને અર્પણ.!

તમે આ કરી શકો કે નહિ? આમેય તમારું નથી મન.! તો ભગવાન, લે આ મન, લઇ લે! તમારું મન અદ્ભુત છે! એ મન જો પ્રભુમય બને; તો મોક્ષ આ રહ્યો! મોક્ષ ક્યાં દૂર છે?! મોક્ષ આ રહ્યો! તો ખુબ ખુબ આશીર્વાદ. મુંબઈથી આવી ગયા છો. ભગવાન પાસે પહોંચી જજો અને ભગવાન પાસે સ્વની અનુભૂતિ માંગી લેજો.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *