Siddhi Sadhna Updhan Tap – Vachana 10

2 Views
17 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વિરહાસક્તિ

સામાન્યતયા ભક્તના મનોભાવ બે જાતના હોય: પ્રભુ મળે, સદ્ગુરુ મળે તો આનંદ જ આનંદ. અને એમનો વિરહ હોય, તો પીડા જ પીડા. પણ વિરહની આસક્તિ? વિરહનું ખેંચાણ? એ કેવી રીતે હોઈ શકે!

વિરહાસક્તિ. કારણ કે એ વિરહ પણ પરમાત્માનો છે. વિરહની એ ક્ષણોમાં પણ તમે પ્રભુ સાથે જ જોડાઓ છો અને એટલે વિરહની ક્ષણો પણ મધુર, આનંદમય હોય. દુનિયાના કોઈ પણ પદાર્થના કે કોઈ પણ વ્યક્તિના મિલનથી જે સુખ ન મળે, એનાથી વધુ સુખ પરમાત્માના વિરહમાં મળે!

વિરહ ઘૂંટાતો હોય કે પ્રભુનું વાસ્તવિક દર્શન ક્યારે થાય? પ્રભુ ક્યારે મળે? ક્યારે મળે? આવું વિરહનું extreme point જે છે, એ જ મિલનનું starting point બની જાય છે. અત્યારે તમને પ્રભુનું મિલન કેમ નથી થતું? તમે વિરહની ભૂમિકામાં નથી એટલે.

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય. દોષમુક્તિ પણ સદ્ગુરુ કરાવે, સાધનાની પગથાર ઉપર પણ સદ્ગુરુ આપણને ચડાવે અને એટલે જ આપણી સાધના પરની માલીકીયત પ્રભુની અને સદ્ગુરુની છે.

પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદાનું અંતિમ દર્શન રાજસ્થાનમાં થયેલું. સાંજના સમયે દાદાના ચરણોમાં હું બેઠેલો. મેં દાદાને પૂછ્યું, કે દાદા! સતત આપની પાસે વંદનાર્થીઓ આવ્યા કરે. આવે એટલું જ નહિ, દરેકની ઈચ્છા હોય કે સાહેબ બે શબ્દ અમને કહે. અને આપ સવારથી સાંજ સુધી જે આવે એને હિતશિક્ષા આપો પણ ખરા. તો આપને થાક ન લાગે? એ વખતે દાદાએ કહેલું; યશોવિજય! મને મારા પ્રભુએ અને મારા સદ્ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ conditionally આપ્યું છે. હું એ જ્ઞાન બીજાઓને ન આપું તો મારા પ્રભુનો અને મારા ગુરુનો હું અપરાધી ઠરું. કેવો સદ્ગુરુનો પ્રેમ..! સવારથી સાંજ સુધી લોકો આવ્યા કરે… સાહેબ બે શબ્દ આપ્યાં કરે.!

સદ્ગુરુના એક અદ્ભુત પ્રેમની વાત આચાર્ય મહાબોધિસૂરિજીએ લખી છે. મેં એ પુસ્તક વાંચ્યું અને એમાં આ ઘટના વાંચી, હું પણ ભાવવિભોર બની ગયો. મહાબોધિસૂરિજીએ જયઘોષસૂરિ દાદાને પૂછ્યું; કે આપ શ્રાવકોને વાસક્ષેપ આપો, ત્યારે આપના હૃદયમાં કયો ભાવ હોય? એ સદ્ગુરુનો જે જવાબ હતો, આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ. જયઘોષસૂરિ દાદાએ કહ્યું; કે મહાબોધિ! શ્રાવકો વ્યવહારથી સમ્યગ્દ્રષ્ટિ ગણાય. એટલે હું એ લોકોને વાસક્ષેપ આપું, ત્યારે મારા મનમાં એક જ ભાવ હોય છે, કે હું નવપદજીની પૂજામાં સમ્યગ્દર્શન પદની પૂજા કરું અને જે ભાવ મારા હૃદયમાં હોય એ જ ભાવ શ્રાવકોને વાસક્ષેપ આપતાં મને થાય છે. સમ્યગ્દર્શન પદની પૂજા કરીએ, કેટલો બધો ભાવ છલકાય, કે આ સમ્યગ્દર્શન મને ક્યારે મળશે? અથવા મળી ગયું છે તો હું આગળ યાત્રા ક્યારે લંબાવીશ? એ સમ્યગ્દર્શનપદની પૂજા કરતી વખતે જે ભાવ હોય એ ભાવ એ સદ્ગુરુને તમને વાસક્ષેપ આપતાં થતો હતો.

આવા જ સદ્ગુરુના પ્રેમની એક મજાની વાત કલાપૂર્ણસૂરિ દાદાએ લખી છે. એમણે એમના એક પ્રવચનમાં કહેલું; કે ક્યારેક દર્શનાર્થીઓની ભીડ વધી જાય, ત્યારે મને સહેજ કંટાળો આવતો કે આ ભીડ ક્યારે પુરી થશે? અને ક્યારે હું આરામ કરીશ? પણ એ અરસામાં પૂજ્યપાદ ગુરુદેવ પંન્યાસ ભદ્રંકરવિજય મ.સા.ના જીવનની એક ઘટના એમના સાંભળવામાં આવી. અને એ ઘટના સાંભળતા કલાપૂર્ણસૂરિદાદા કહે છે કે ભીડ પ્રત્યે સહેજ અણગમો જે મારા મનમાં હતો, એ નીકળી ગયો.

એકવાર એવું બન્યું કે પંન્યાસજી ગુરુદેવનું સ્વાસ્થ્ય બરોબર નહતું. થોડાક ભક્તો દૂરથી આવેલા. ખાસ ગુરુદેવના દર્શન માટે, એમના સત્સંગ માટે. વજ્રસેનવિજય મ.સા. એ કહી દીધું કે સાહેબનું સ્વાસ્થ્ય બરોબર નથી, એટલે તમને દર્શન નહિ થઇ શકે, તમે સાહેબની રૂમમાં નહિ જઈ શકો. પેલા લોકોએ એક દિવસ રાહ જોઈ કે દૂરથી આવ્યાં છીએ, કમસેકમ સાહેબનું દર્શન તો થઇ જાય. પણ સાહેબ સ્વસ્થ નહતા, એટલે વજ્રસેનવિજય મહારાજે ના પાડી દીધી. બીજા દિવસે પણ કહી દીધું કે આજે પણ દર્શન નહિ થાય. પેલા લોકો પાછા ગયાં. પાછળથી ગુરુદેવને ખ્યાલ આવ્યો કે આટલે દૂરથી ભક્તો આવેલાં અને મારા શિષ્યએ દર્શન માટે પણ ના પાડી દીધી! ત્યારે ગુરુદેવે વજ્રસેનવિજય મ.સા. ને કીધેલું; કે એ જે ભક્તો આવેલા, એમને પ્રભુએ મોકલ્યા હતા. મારી પાસે કેમ આવ્યાં? બીજે ક્યાંય ન ગયા, મારી પાસે આવ્યા, પ્રભુએ એ ભક્તોને મારી પાસે મોકલેલા હતાં. ભગવાને જેમને  મોકલ્યા, એ ભક્તોને તે મારું દર્શન કરવા ન દીધું, એટલે તું ભગવાનની આજ્ઞાની આશાતના કરનારો થયો. ભગવાને એમને મોકલ્યા હતાં. કલાપૂર્ણસૂરિ દાદાએ આ પ્રસંગ સાંભળ્યો અને એમના મનમાં થયું કે હું આ લોકોને ભીડ કહું છે. આ બધા તો પ્રભુએ મારી પાસે મોકલેલા ભક્તો છે અને પ્રભુએ જેમને મોકલ્યા હોય, એમના પ્રત્યે સહેજ પણ નારાજગીનો ભાવ મને કેમ આવી શકે?!

કોરોના કાળમાં સુરત પાલમાં હું હતો. ચોથા માળે હું રહેતો. લગભગ ૯૦ પગથિયાં થાય. Lift એ વખતે નહતી. ક્યારેક ૮૦ વર્ષના કોઈ વૃદ્ધ ૯૦ પગથિયા ચડીને મારી પાસે આવે, એકમાત્ર દર્શન માટે, અને વાસક્ષેપ માટે. ત્યારે મારી આંખો ભીંજાતી.. કે આટલો બધો ભાવ આમની પાસે છે! ક્યારેક મારે ગોચરીનો સમય થયેલો હોય, ગોચરી આવી ગયેલી હોય, અને આ લોકો કહે; સાહેબ પધારો. અને સામે લોકો હોય, તો હું કહી દઉં કે પહેલા આમને વાસક્ષેપ આપીશ, પછી આવીશ હું.

પ્રભુનો, સદ્ગુરુનો પ્રેમ આપણા ઉપર ખુબ વરસ્યો છે. અને એ પ્રેમ વરસે એટલે શું થાય? એ પ્રેમથી હૃદય ભરાઈ જાય! પછી અહંકાર ક્યાં રહે? આ બધાને તકલીફ છે, અહંકાર…! પણ અહંકારને રાખો ક્યાં તમે? પ્રભુના પ્રેમથી, સદ્ગુરુના પ્રેમથી જો હૃદય ભરાઈ ગયું, તો અહંકારને રહેવાની જગ્યા ક્યાં રહી? મારી પાસે જે કાંઈ છે, એ બધું જ પ્રભુએ આપેલું, સદ્ગુરુએ આપેલું છે. ખરેખર આ જન્મમાં મેં કોઈ એવી સાધના કરી નથી. માત્ર પ્રભુના પ્રેમે, સદ્ગુરુના પ્રેમે મને ઊંચકી લીધો.!

મેં એકવાર કહેલું; કે મને હેલીકોપ્ટરથી સાધના શિખર ઉપર સદ્ગુરુએ મુકેલો છે. હું તો શિખર ઉપર આવી ગયો. પણ નીચે જે લોકો હતાં, એમને ઉપર કઈ રીતે લાવવા? એના માટેના માર્ગો શાસ્ત્રોમાંથી પછી મેં શોધ્યાં. તમને ખ્યાલ છે સદ્ગુરુનો પ્રેમ શું કરે છે? તમે તલાટી ઉપર આવી ગયા સમજો કે, તમારે શિખર ઉપર ચડવાનું છે. સદ્ગુરુ એક ભક્તને આંગળીએ વળગાળી ઉપર પહોંચે છે. સદ્ગુરુ ઉપર પહોંચ્યા; ભક્તને ઉપર મૂકી દીધો. પણ પછી પ્રભુની આજ્ઞા છે કે તું ફરી તલેટીએ જા, અને બીજાને લઈને આવ. એટલે તમે તો ઉપર રહી જાવ, સદ્ગુરુને નીચે ઉતરવું પડે, તમારા માટે.

આચારાંગ સૂત્ર જ્યારે વાંચ્યું; મારી આંખો વરસતી હતી.. કે personally for me, પ્રભુએ આટલી બધી વાતો કરી છે.! ક્યાં પ્રભુ! ક્યાં હું! ત્રિલોકેશ્વર! અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા! આપણા જેવા નાચીજ મનુષ્યો માટે આટલી સરસ વાતો કરે.!

તમે આચારાંગ સૂત્ર વાંચી શકો છો? કોરી આંખે કે ભીની આંખે બોલો? કેવી રીતે વાંચો? આચારાંગજીનો સ્વાધ્યાય લગભગ ત્રીસેક વર્ષ સુધી દર વર્ષે હું કરતો, પણ ભીની આંખે. એ દિવસોમાં આંખો ચૂહ્યા કરતી હોય. એક જ વાત મારા પ્રભુએ, મારા માટે આવો સંદેશ આપેલો છે.! અને એ વખતે મને, મહાભારતની એક કથા યાદ આવતી. બહુ જ પ્યારી કથા છે. કે તમે પ્રભુના શબ્દો કઈ રીતે વાંચો?

ઉદ્ધવજી વૃંદાવન જવાના હતાં. ઉદ્ધવજી એટલે કૃષ્ણના મિત્ર. એ વૃંદાવન જવાના હતાં, તો ઉદ્ધવજીને થયું; કે ગોપીઓ વૃંદાવનમાં ઘણી છે. શ્રીકૃષ્ણના હાથે લખાયેલો પત્ર લઈને ત્યાં જાઉં તો ગોપીઓ રાજી થશે. ઉદ્ધવજીએ શ્રીકૃષ્ણને કહ્યું; એક પત્ર ગોપીઓને નામે તમે લખી આપો. શ્રીકૃષ્ણએ લખી આપ્યો.

તમારા ઉપર સદ્ગુરુનો પત્ર આવે. તમારી ભાવાભિવ્યક્તિ શું હોય? આમ પરબીડિયું ખોલો અને ડૂસકાં ભરતા હોવ? કવરના અક્ષર પરથી ખ્યાલ આવી ગયો કે સદ્ગુરુનો પત્ર છે. એ કવર ખોલતાં શું થાય? સદ્ગુરુનો તમારા પર અત્યંત પ્રેમ છે. તમારો સદ્ગુરુ પર કેટલો પ્રેમ છે? તમે સદ્ગુરુના પ્રેમને ઝીલી ક્યારે શકશો? સદ્ગુરુઓનો પ્રેમ સતત વરસી રહ્યો છે.. આપણે એને ક્યારે ઝીલી શકીએ? આપણી પાસે એમના પ્રત્યેની અતુટ ભક્તિ છે ત્યારે. પછી એમનો એક-એક શબ્દ અને એક ડૂસકો. તમે સદ્ગુરુને સાંભળો છો કોરી-કોરી આંખે. કોરી આંખે સદ્ગુરુને પીવાનાં કે ભીની આંખે?

અને એ ભીનાશ બે રીતે આવે. પહેલી વાત તો એ કે સદ્ગુરુ મારા પર આ રીતે વરસી રહ્યા છે.! જેમનું અસ્તિત્વ પ્રભુમય હોય, એ સદ્ગુરુ. સદ્ગુરુની વ્યાખ્યા શું? જેમનું વ્યક્તિત્વ, વ્યક્તિત્વ મીટીને અસ્તિત્વ બની ગયું. જેમના જીવનનું બિંદુ પરમના સિંધુમાં ભળી ગયું એ સદ્ગુરુ. એ સદ્ગુરુ મને આટલો પ્રેમ આપે છે.! તમારી આંખમાં આંસુ આવે. અને બીજા આંસુ વેદનાના હોય, કે સદ્ગુરુ આટલો બધો પ્રેમ મારા ઉપર વરસાવે છે, એ પ્રેમને હું ઝીલી શકતો કેમ નથી? એ પ્રેમ ઝીલાય તો શું થાય? તમે આખા ને આખા બદલાય જાવ.! પૂરું જીવન પરિવર્તન થઇ જાય. તો સદ્ગુરુને આપણે પીતાં હોઈએ, સાંભળવાનું નહિ હવે. સદ્ગુરુને પીવાના.! પીવો તો શું થાય?

એક શરાબી મયખાનામાંથી ચકાચક શરાબ પીને નીકળેલો હોય, આપણે એને પૂછવું ન પડે, કે ભઈલા કેટલો પીધો છે? એની લડથડાતી ચાલ કહી આપે, કે ચકાચક પીને નીકળ્યો છે.! તમે પીને નીકળો એટલે શું થાય? તમારો ચહેરો બદલાઈ જાય. ચહેરા પર એક પારિતોષ, સદ્ગુરુને મેં પીધા. પીધા એટલે શું થયું? તમારા હૃદયમાં, તમારા મનમાં સદ્ગુરુનો વાસ થઇ ગયો. સદ્ગુરુ માત્ર શબ્દો આપવા નથી માંગતા. પ્રેમના ચાસણીની અંદર ડુબાડેલા આ શબ્દો છે. આ શબ્દો સામાન્ય શબ્દો નથી. સદ્ગુરુના પ્રેમના દ્રાવણમાં ભીંજાયેલા આ શબ્દો છે. એ સાંભળો, પીવો, સદ્ગુરુનો પ્રેમ પીવાય; ચેતનાની કાયા પલટ થઇ જાય.!

શ્રીકૃષ્ણએ પત્ર લખી આપ્યો. ઉદ્ધવજી પત્ર લઈને રથમાં બેઠા. રથ વૃંદાવન પહોંચ્યો. વૃંદાવનમાં રથને આવતો જોયો. ગોપીઓ એકઠી થઇ ગઈ કે રથમાં બીજું કોણ આવે? શ્રીકૃષ્ણ આવે. ૫૦-૬૦ ગોપીઓ ભેગી થઇ ગઈ. રથ ઉભો રહ્યો. પણ શ્રીકૃષ્ણ તો અંદર હતા નહિ. ઉદ્ધવજી બહાર નીકળ્યા. અને ઉદ્ધવજીએ કહ્યું; નિરાશ નહિ થતાં, શ્રીકૃષ્ણ નથી આવ્યાં, પણ એમનો પત્ર હું લઈને આવ્યો છું. અને એ પત્ર હાથમાં રાખ્યો. ૬૦-૭૦ ગોપીઓ સામે છે. એક પણ ગોપી આગળ આવતી નથી, પત્રને લેવા માટે.! ઉદ્ધવજી વિચારમાં પડી ગયા. વાત શી છે? આ બધી ગોપીઓ શ્રીકૃષ્ણના નામે ઘેલી થયેલી છે અને એ પત્ર લેવા આવતી નથી.

સુરદાસજીએ પોતાના એક પદમાં આની વાત કરી છે. અને સુરદાસજીએ શબ્દો વાપર્યા છે; “પરસે ઝરે બિલૌકે ભીંજે” ગોપીઓ કેમ આગળ નથી આવતી, પત્ર લેવા માટે? ગોપીઓના મનમાં એક ભાવ છે – કે શ્રીકૃષ્ણ મળ્યાં નથી અને એટલે પૂરું અસ્તિત્વ વિરહની અંદર સેકાઈ રહ્યું છે.

ભક્તના મનોભાવ બે જાતના હોય. પ્રભુ મળે, સદ્ગુરુ મળે તો આનંદ જ આનંદ. અને એમનો વિરહ હોય તો પીડા જ પીડા. તમે બધા મિલનમાં છો ને? કે વિરહમાં?

નારદઋષિનું ભક્તિસૂત્ર ભક્તિના ક્ષેત્રે માઈલસ્ટોન કૃતિ છે. એમાં નારદઋષિએ એક સરસ શબ્દ આપ્યો; “વિરહાસક્તિ’ પહેલીવાર મેં એમને વાંચ્યા, હું પણ નવાઈમાં પડી ગયો. ‘વિરહાસક્તિ’ – વિરહની આસક્તિ, વિરહનું ખેંચાણ.. અરે ભાઈ! વિરહની પીડા હોય! પણ પછી ખ્યાલ આવ્યો કે નારદઋષિ શું કહેવા માંગે છે?

દુનિયાના કોઈ પણ પદાર્થના મિલનથી કે કોઈ પણ વ્યક્તિના મિલનથી જે સુખ ન મળે એનાથી વધારે સુખ પરમાત્માના વિરહમાં છે. વિરહમાં.. કારણ – વિરહની ક્ષણોમાં તમે પ્રભુ સાથે જોડાઓ છો. વિરહ પણ કોનો? પરમાત્માનો. તો વિરહની ક્ષણોમાં તમે પરમાત્મા સાથે જોડાયા. એટલે વિરહની ક્ષણો પણ મધુમય હોઈ શકે, આનંદમય હોઈ શકે. આમ પણ છે ને પરમાત્માનું બધું જ મધુરું હોય. ‘मधुराधिपतेरखिलं मधुरम्’ માધુર્યના અધિપતિ પરમાત્મા, એમનું બધું જ મધુરું.! પ્રભુ સુવર્ણ કમલ ઉપર ચાલે, એ દ્રશ્ય પણ મધુર. પ્રભુ સમવસરણમાં બેસી  દેશના આપતાં હોય એ દ્રશ્ય પણ મધુર. અને દેવછંદામાં બેસી આરામ કરતાં હોય એ દ્રશ્ય પણ મધુર. બધું જ મધુર.! ‘मधुराधिपतेरखिलं मधुरम्’ તો પરમાત્માનો વિરહ પણ મધુરો હોય. વિરહનો આસ્વાદ કયો છે? મેં કર્યો છે.

ગુરુદેવ સાથે કચ્છની યાત્રાએ ગયેલાં. કચ્છની અંદર બે-બે, ચાર-ચાર કિલોમીટરના અંતરે ગામ. સરસ મજાના દેરાસરો. અમે લોકો સવારે નીકળીએ. દર્શન કરતાં જઈએ. વચ્ચે કોઈ ગામમાં નવકારશી પણ કરી લઈએ. દસ-સાડા દસ સુધી ચાલીએ, શિયાળો હતો. દસ – સાડા દસે જે ગામ આવે ત્યાં અમે સ્થિરતા કરીએ. કચ્છની એક મજાની સંસ્કૃતિ છે. નાનકડા ગામોમાં પણ સેનેટોરિયમ- ધર્મશાળા બહુ મોટી હોય, ભોજનશાળા. લોકો ફ્રી જમે નહિ; ટોકન એક રૂપિયો, એક સમયનો ખાલી અને સારામાં સારું જમાડવાનું. તો દસ – સાડા દસે સ્થિરતા કરીએ. થાકેલો હોઉં. શરીરથી, મનથી નહિ. શરીરથી થાકેલો હોઉં. ઉપાશ્રયમાં ગયા, કાજો લીધો, પહેલું જ કામ સંથારો કરીને સૂઈ જવાનું. હું સુતો પણ એટલા માટે, દિવસે ન સુવાય એ પ્રભુની આજ્ઞા છે. છતાં હું સૂઈ રહેતો. કારણ – એક benefit મેળવવા. કે એક કલાક સુઈ જાઉં તો આખો દિવસ પછી સ્વાધ્યાય કરી શકું. એ હું સૂતેલો હોઉં, એ વખતે હું પુસ્તક લખતો હતો. ‘બિછુરત જાયે પ્રાણ’ એટલે નોટ બાજુમાં પડેલી હોય, પેન બાજુમાં હોય. સહેજ થાક ઓછો થાય લખવા માંડું. પણ, એટલો તો વિરહ ઘૂંટાતો હોય, કે પ્રભુ તારું દર્શન થયું, પણ ખરેખરનું દર્શન ક્યાં થયું છે? તારું વાસ્તવિક દર્શન મારાથી દૂર છે. હવે તું ઉતાવળ કર ! જલ્દી કર ! મને દર્શન આપ ! એ મનોભૂમિકા લખવાનું ચાલુ હોય. આંખમાંથી આંસુ ટપકતાં હોય. એ નોટ પુસ્તક છપાયા પછી મળી નહિ. પ્રેસમાં ક્યાંક ખોવાઈ ગઈ. પણ એ નોટ મારા માટે અમૂલ્ય હતી. ક્યાંક ક્યાંક અક્ષરો ચહેરાઈ ગયેલા આંસુને કારણે. એક મહિનો કચ્છની યાત્રામાં ગયો. પણ પુરેપુરો મહિનો વિરહનો. પ્રભુ ક્યારે મળે? ક્યારે મળે? ક્યારે મળે? અને એક વાત તમને કહું, વિરહનું extreme point જે છે, એ જ મિલનનું starting point છે. વિરહની શિખરભૂમિ ઉપર તમે પહોંચ્યા, એટલે મિલન. અત્યારે મિલન કેમ નથી થતું? તમે વિરહની ભૂમિકામાં નથી માટે.

પ્રભુ અમે ધર્મચક્ર તીર્થમાં આવ્યાં, તારી શરણમાં આવ્યાં; તું અમને દર્શન આપ! તારો આનંદ અમારે આંશિક રૂપે માણવો છે. તારી વિતરાગદશાને અમારે આંશિક રૂપે માણવી છે.

તો ગોપીઓને થયું; કે શ્રીકૃષ્ણ મળ્યાં નથી. વિરહની ભૂમિકા છે. અને વિરહને અગ્નિ કહ્યો છે. તો વિરહની અગ્નિ અમારા શરીરમાં દોડી રહી છે, અમે કાગળને પકડ્શું તો બળી નહિ જાય? શું ભૂમિકા છે! ચાલો કાગળને touch ન કરો, નજીક આવી કાગળને જુઓ તો ખરા ! નજીક આવીને કાગળ વાંચવા કોઈ તૈયાર નહિ. કેમ? નજીક આવશું, એ પરમપ્રિયના અક્ષરોને જોઈશું, આંખમાંથી આંસુનો ધોધ વહેશે. એ પત્ર ઉપર પડશે અને અક્ષરો ચહેરાઈ જશે.!

હું આચારાંગ સૂત્ર આ રીતે વાંચતો હતો કે મારા પરમપ્રિયના અક્ષરો, મારા પરમપ્રિય પ્રભુના શબ્દો અને એ મને મળી ગયા.! ભગવાને personally for me આ શબ્દો કહ્યાં.! આંખમાંથી આંસુનો ધોધ વહે.. એ જ પ્રભુના શબ્દો અમારે તમને કહેવાના છે, અમારે અમારા ઘરનું કંઈ કહેવાનું નથી.

અમેરિકામાં એક બહુ સારા પ્રવચનકાર થયાં. એટલું મોટું નામ હતું એમનું કે એ પ્રવચન આપવાના છે ખબર પડે એટલે ઓડીટોરીયમ આખું ભરાઈ જાય. બહાર વિડિયો સ્ક્રીન મૂકી બહાર ખુરશીઓ મુકવી પડે. એ પ્રવચનકાર પ્રવચન શરૂ કરે ત્યારે ડાબો હાથ હવામાં ઉંચો કરે. પ્રવચન પૂરું થાય એટલે જમણો હાથ ઉંચો કરે. કો’કે પૂછેલું કે તમે આ શું કરો છો? તો કહે; હું inverted comma ને દોરું છું. પ્રવચન શરૂ કરતાં પહેલા આ બાજુ હાથને હલાવું એટલે inverted comma નું comma નું ચિહ્ન કરું છું. પૂરું થાય એટલે આ બાજુ inverted comma નું ચિહ્ન. બે ઉદ્ધરણ ચિહ્નની વચ્ચે પ્રભુના શબ્દો; મારા ઘરનું કાંઈ જ નથી; માત્ર પ્રભુનું જ મારે બોલવાનું.

તો એ પ્રભુના શબ્દો તમને મળે. તમને બધાને મળ્યાં અને આજે તમારી મોક્ષમાળાનું આરોપણ. દસ મહાનુભાવોને આજે મોક્ષમાળા અર્પિત કરવામાં આવશે. નામ જ કેટલું સરસ-મોક્ષમાળા! આ માળા પહેરી એટલે મોક્ષ નજીકમાં હવે. તો હવેનો કાર્યક્રમ મોક્ષમાળા પરિધાપનનો છે અને એ આપણે શરૂ કરીએ.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *