Siddhi Sadhna Updhan Tap – Vachana 11

3 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : प्रसीद परमेश्वर

પ્રભુનો પ્રેમ ઝીલાઈ ગયો then you have not to do anything absolutely. એ પ્રેમ જ બધું કરી લેશે; પ્રભુનો એ પ્રેમ તમને ઊંચકી લેશે. તમે સાધના કરો એમ નહિ – સાધના કરાવે. મેં પોતે કોઈ સાધના નથી કરી, એવું કોઈ ધ્યાન, કોઈ જાપ મેં કર્યા નથી. માત્ર પ્રભુનો વરસતો પ્રેમ ઝીલાઈ ગયો અને સાધના ઊંચકાઈ ગઈ!

પ્રભુએ મને વર્તમાનકાળમાં રાખ્યો છે અને એના કારણે મજા જ મજા છે. આવતી ક્ષણ માટે મનમાં કોઈ વિચાર નથી. જે ક્ષણ જેવી આવશે, એ ક્ષણનો સ્વીકાર છે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયેલા છે, એ પ્રમાણે ક્રમબદ્ધ પર્યાયો ખૂલ્યા કરશે; એ પર્યાયોને સ્વીકારી લેવાના.

હવે મારે પ્રવચનો નથી આપવા; મારે માત્ર પ્રેમ આપવો છે. પ્રભુનો જે પ્રેમ મેં આસ્વાદ્યો છે એનો આસ્વાદ તમને આપવો છે. ગુરુનું કામ શું? તમને પ્રભુ સાથે જોડી દેવાનું. તમે પ્રભુ સાથે જોડાઈ ગયા, પ્રભુના પ્રેમમાં ડૂબી ગયા; ગુરુ કહેશે કે બસ, મારું કામ પૂરું થઇ ગયું!

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય.

પ્રભુની કૃપા.. કૃપા માટે એક શબ્દ છે : અનુગ્રહ. ગ્રહ એટલે સ્વીકાર. પરમાત્મા તરફથી ભક્તનો સ્વીકાર. પણ એ સ્વીકાર ક્યારે થાય? ભક્તની ભક્તિ પછી – ભક્તની શરણાગતિ પછી – ભક્તના સમર્પણ પછી. એટલે કહ્યું; અનુગ્રહ. સ્વીકાર છે, પ્રભુ દ્વારા ભક્તનો; પણ ભક્તની ભક્તિ પછી ભક્તના સમર્પણ પછી. ભક્તની જે ભક્તિ છે, એના માટે શબ્દ છે અનુરાગ. ભક્તને રાગ છે, પ્રેમ છે, ભક્તિ છે, પ્રભુ ઉપર; પણ એ પણ પ્રભુના પ્રસાદ પછી. તો સવાલ એ થયો કે શરૂઆત ક્યાંથી થાય? ભક્ત શરૂઆત કરે કે પ્રભુ શરૂઆત કરે?

વિતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય આ દ્રષ્ટિબિંદુ ને બહુ જ સરસ રીતે ઉઘાડે છે.

मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुन: ।

इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् मयि ॥

એમને બહુ મજાની વાત કરી કે કે પ્રભુ! જો શરૂઆત મારે કરવાની હોય, તો એ વાત બરોબર જામશે નહિ. મારી ભક્તિ બહુ જ નાનકડી હશે; અને એ ભક્તિને જોઇને તું પ્રસાદ આપીશ તો એ પ્રસાદ પણ કેવો હશે! એટલે મને આ માફક નહિ આવે કે હું તારી ભક્તિ શરૂઆતમાં કરું, એ ભક્તિ જોઇને તું પ્રસાદ વરસાવે, આ વાત મને મંજુર નથી. ‘પ્રસીદ પરમેશ્વર !’ તું તો પરમાત્મા છે! તું મારી માઁ છે! તું અખિલ બ્રહ્માંડેશ્વર છે! તારે તો વરસી જવાનું છે! બસ, મારા ઉપર એકધારી રીતે તું વરસી જા! મારી ભક્તિ સામે તારે જોવાનું નથી; તારે તો માત્ર તારો પ્રસાદ મારા ઉપર મૂકી દેવાનો છે.

કલિકાલ સર્વજ્ઞ જેવા ભક્તિયોગચાર્યે કહ્યું હોય; તો પ્રભુ સ્વીકારી પણ લે. પ્રભુ ના પાડે કંઈ? તમે પણ કહો ને તો પ્રભુ ના ન પાડે. તો આવા મોટા ગજાના ભક્તિયોગચાર્ય કહે; ત્યારે પ્રભુની ના તો ક્યાંથી હોય! પ્રભુ વરસી ગયેલા. પણ, એમના ઉપર વરસી ગયેલા. આપણું શું? એકવાર સ્તવનાની અંદર એક પંક્તિ આવી. હું પ્રભુની આગળ સ્તવના ગાતો હતો. એક પંક્તિ આવી – “આશ ધરીને હું પણ આવ્યો, નિજકર પીઠ થપેટીને” એક બાળક માઁ ની પાસે જાય, ત્યારે બાળકની અપેક્ષા હોય કે માઁ પોતાની પીઠ પસવારશે. માઁ નો પ્યારો પ્યારો સ્પર્શ હાથનો, પોતાને મળશે.

એ જ લયમાં પદ્મવિજય મહારાજે કહ્યું; “આશ ધરીને હું પણ આવ્યો, નિજકર પીઠ થપેટીને” પ્રભુ હું પણ એવી જ અપેક્ષા રાખીને આવ્યો છું કે તારો હાથ મારી પીઠ ઉપર સ્પર્શે. એ પંક્તિ ગાતાં ગાતાં મારી આંખોમાંથી આંસુની ધારા વહે. મેં પ્રભુને કહ્યું; કે પ્રભુ! પદ્મવિજય મહારાજ તો મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા. એમણે કહ્યું પણ હશે, તે સ્વીકાર્યું પણ હશે. એમના અસ્તિત્વની પીઠ પર તારો કોમળ કોમળ હાથ પસવારાયો હશે. પણ મારું શું? મને તારો સ્પર્શ મળે? મળે.!

પ્રભુની કોર્ટમાં બોલ ફેંકી હું ઉપાશ્રય આવ્યો. ઈરિયાવહિયા કરી આસન ઉપર બેઠો. આચારાંગજીનો સ્વાધ્યાય ચાલતો હતો. એમજ મેં પુસ્તક ખોલ્યું, અને ડાબી બાજુ જે પહેલું સૂત્ર આવ્યું, હું નાચી ઉઠ્યો. કે વાહ! પ્રભુ તો સ્પર્શ આપવા તૈયાર બેઠા છે. પ્રભુ મારા અસ્તિત્વની પીઠને પસવારવા માટે તૈયાર છે. સૂત્ર એ હતું કે અનાજ્ઞામાં કેટલાક ઉદ્યમશીલ છે. કેટલાક લોકો આજ્ઞાપાલનની અંદર હતોત્સાહ છે. પછી પ્રભુ કહે છે; ‘एयं ते मा होउ’. પણ આ બીજાની વાત છે, તારી વાત નથી હો.! જાણે કે પ્રભુ મને કહી રહ્યા હતા, “You are my beloved one. તું મારો પ્રીતિપાત્ર છે.” મેં કહ્યું; વાહ! પ્રભુ તમે તો આ શબ્દનો સ્પર્શ મને તરત જ આપી દીધો. પ્રભુ તૈયાર છે. પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે. અગણિત અતિતથી આ પ્રેમ વરસી રહ્યો છે. પણ આપણી પાસે એ પ્રેમને ઝીલવાની સજ્જતા નહતી. એકવાર પ્રભુનો પ્રેમ ઝીલાય જાય – તમારી સાધના શિખર ઉપર પહોંચી જાય. સવાલ થાય કે પ્રભુનો પ્રેમ વરસી જ રહ્યો છે. અમારે ઝીલવો છે. શી રીતે ઝીલવો?

કલાપૂર્ણસૂરિ દાદાને આપણે જોયેલાં. એ વારંવાર કહેતાં; હું બોલતો નથી, પ્રભુ બોલે છે. મારે કશું જ કરવાનું નથી, બધું જ પ્રભુ કરી રહ્યા છે. પ્રભુનો પ્રેમ એમણે ઝીલેલો. તમને પણ કહું પ્રભુનો પ્રેમ ઝીલાઈ ગયો, then you have not to do anything absolutely – તમારે કશું જ કરવાનું નથી, એ પ્રેમ બધું કરી લેશે. એ પ્રભુનો પ્રેમ તમને ઊંચકી લેશે! તમે સાધના કરો એમ નહિ; એ સાધના કરાવે, તમને ઊંચકી લે.

મારી પોતાની વાત કરું, મેં કોઈ સાધના નથી કરી. એવું કોઈ ધ્યાન મેં કર્યું નથી. એવો કોઈ જાપ પણ મેં કર્યો નથી. માત્ર પ્રભુનો વરસતો પ્રેમ ઝીલાય ગયો; સાધના ઊંચકાઈ ગઈ. સાક્ષીભાવ પ્રભુએ મને આપ્યો, અને એ સાક્ષીભાવ મળ્યાં પછી આનંદ જ આનંદ છે. કારણ – વર્તમાનમાં જ રહેવાનું થાય છે.

તમે ક્યાં રહો છો બોલો? વર્તમાન ક્ષણમાં ક્યારેય રહો છો? તમારું મન યા તો તમને ભૂતકાળમાં લઇ જાય યા તો ભવિષ્યમાં લઇ જાય.

એક પ્રોફેસરને એક ભાષણ માટે આમંત્રણ આવ્યું. આમંત્રણ બહુ જ પ્રતિષ્ઠિત સંસ્થાનું હતું અને એ સંસ્થા દ્વારા ભાષણનું આમંત્રણ મળે, એ એક મોટી ઉપલબ્ધિ ગણાતી. પ્રોફેસરે આમંત્રણ સ્વીકારી લીધું. થોડી દૂરની journey હતી. Reservation કરાવી લીધું. સમયસર પ્લેટફોર્મ ઉપર આવી ગયા. ગાડી આવી ગઈ. કૂપેમાં Reservation હતું. અંદર દાખલ થયાં. ચાર સીટવાળું કૂપે હતું. પણ બે યાત્રિકો આવ્યાં નહતાં. એક બેન હતાં નીચે. તો પ્રોફેસરને થયું કે ઉપર જઈ આરામથી મારા પુસ્તકો ખોલી અને દસ બાર કલાક જે journey ના મળ્યાં છે, એમાં ફરી પાછી ભાષણની તૈયારી કરી લઉં. પ્રોફેસર ઉપર ગયાં, પુસ્તકો બધા ખોલ્યાં. ત્યાં નીચેથી પેલા બેનની બુમો શરૂ થઇ ગઈ, “બાથરૂમમાં પાણી નથી આવતું. તરસ લાગી છે. હે ભગવાન! કેવી તરસ લાગી છે!” એટલે પ્રોફેસરને થયું કે આ અવાજ આવ્યાં કરશે, તો કઈ મારું મન બરોબર જામશે નહિ. પ્રોફેસર નીચે ઉતર્યા. એક સ્ટેશને ગાડી ઉભી રહી. બેનની વોટરબેગ લીધી. ભરી આવ્યાં. બેનને આપી દીધી કે લો આ વોટરબેગ તમારી. હવે પ્રોફેસરને થયું કે આરામથી પુસ્તકો વાંચીશ. એ ઉપર ગયા. બેને પાણી પણ પીધું. અને પછી રેકોર્ડ શરૂ થઇ, “હે ભગવાન! કેવી તરસ લાગી હતી.! હે ભગવાન! કેવી તરસ લાગી હતી.!” પ્રોફેસરે માથું પટક્યું કે હવે આનો કોઈ ઈલાજ નથી. તરસ લાગી છે એનો ઉપાય હતો. પણ તરસ કેવી લાગી હતી, હવે એનો કોઈ ઉપાય નથી.

વર્તમાનકાળમાં પ્રભુએ મને રાખ્યો છે અને એને કારણે મજા જ મજા છે. આવતી ક્ષણ માટે મનમાં કોઈ વિચાર નથી. જે ક્ષણ જેવી આવશે, એ ક્ષણનો સ્વીકાર છે.

હું તમને એક વાત પૂછું. કોઈ પણ ઘટના ઘટી ગઈ. તમે એના માટે ગમે એટલા વિચારો કરો. ઘટના ફરવાની હતી? જે ઘટના ઘટી ગઈ છે, એના માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ નથી.! અને છતાં આપણે સ્વીકારને બદલે વિકલ્પોમાં જઈએ છીએ. “કેમ આ થયું?” અરે! થવાનું હતું ને થઇ ગયું.! કેમ થયું, એવો કોઈ પ્રશ્ન જ નથી આવતો. ક્રમબદ્ધ પર્યાયો છે, અને એ પર્યાયો કર્મથી ખુલવાના છે. જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયેલા છે, એ પ્રમાણે પર્યાયો ખુલશે. એ ખુલે તમારે જોવાનાં, તમારે એ પર્યાયોને સ્વીકારવાના.

તો પ્રભુનો પ્રેમ એટલો બધો વરસી રહ્યો છે, કે તમે એને ઝીલો. મારી દ્રષ્ટિએ તમારું અવતાર કૃત્ય માત્ર એક છે, પ્રભુના એ પ્રેમને ઝીલવો તે. જેમણે જેમણે પ્રભુના એ પ્રેમને ઝીલ્યો, એ evergreen, ever fresh થઇ ગયા. હું આ લોકોને ઘણીવાર કહું, કે તમે એવી પરમ શાતામાં હોવ કે તમને શાતા પૂછવા આવનાર શરમાઈ જાય. તમારા મોઢા ઉપર એવો એક દિવ્ય આનંદ હોય, કે એ જોઇને શાતા પૂછનારને થાય કે આમને શાતા શું પૂછવાની? આ તો પરમ શાતામાં છે.! ચહેરા ઉપર આનંદ છલકાતો હોય, પ્રભુનો પ્રેમ મળી ગયો છે, હવે બીજું કંઈ જોઈતું નથી. એકવાર એ પ્રેમ મળી જાય પછી?

હું ઘણીવાર કહું છું કે અગણિત જન્મોથી એક પ્યાસ લઈને આપણે બધા આવ્યાં છીએ. પણ એ ખ્યાલ ન આવ્યો કે આ પ્યાસ છીપાશે કઈ રીતે? પછી અગણિત જન્મોમાં આપણે શું કર્યું? પદાર્થોને ભેગા કર્યા. સંપત્તિ ભેગી કરી. એ ઈચ્છાએ કે આનાથી મારી પ્યાસ છીપાશે. પ્યાસ છીપાઈ? કરોડો રૂપિયા ભેગા થયા. પ્યાસ છીપાઈ? અનુભવ શું છે બોલો? સંપત્તિથી પ્યાસ છીપાય? પદાર્થોનો ઢગલો કર્યો, પ્યાસ છીપાઈ? એમાં તૃપ્તિ નથી મળતી, તમારા અહંકારની ખાલી તૃપ્તિ થાય છે. વાલકેશ્વરમાં મોટો ફ્લેટ છે મારો, એ અહંકારની તૃપ્તિ છે, તમારી તૃપ્તિ નથી. જ્યાં સુધી પરમાત્માનો પ્રેમ તમને નહિ મળે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી.

અમારા ચહેરા ઉપર તૃપ્તિ દેખાય? તમે આવો કે સાહેબ કંઈ ખપ? અરે ભાઈ કંઈ ખપ નથી, બધું મળી ગયું છે. અમે લોકો સ્વયં સંપૂર્ણ છીએ. એક આ શરીરને રોટલી-દાળ જોઈએ, એ મળ્યા કરે છે, બાકી અમારે કશું જ જોઈતું નથી, અને જેને કંઈ પણ ન જોઈએ એ દુનિયાનો બાદશાહ. તો પરમાત્માનો પ્રેમ મળી ગયો, આનંદ જ આનંદ.

મેં એકવાર કહેલું, કે કલાપૂર્ણસૂરિ દાદા જેવા વ્યક્તિત્વો પ્રભુનું sales sample હતાં. sales sample. પ્રભુ કહેતાં કે જે મને મળે, જેને મારો પ્રેમ મળે, એને બહારથી અને ભીતરથી કેવો ચમકાવું છું, જોઈ લેજો.! હવે પ્યાસ જાગી, પરમાત્માના પ્રેમની?

૫૦૦ જણા તમને સાંભળવા આવે કે ૫૦૦૦ સાંભળવા આવે શું ફરક પડે? એમાં તમારા અહંકારની તૃપ્તિ થાય છે, તમને તૃપ્તિ થવાની નથી. તમને તૃપ્તિ એક જ વાતે થઇ શકે છે – પરમાત્માનો પ્રેમ મળે ત્યારે. પરમાત્મા તૈયાર છે પ્રેમ આપવા, આપણે ઝીલવા માટે તૈયાર થવાનું છે. સદ્ગુરુ પણ પ્રેમ આપવા તૈયાર છે. પ્રભુનો જે પ્રેમ અમે લીધો છે, એ પ્રેમ જ અમારે તમને આપવો છે.

હું ઘણીવાર કહું છું કે હવે મારે કોઈ પ્રવચનો આપવા નથી, કોઈ વાચનાઓ આપવી નથી; મારે માત્ર પ્રેમ આપવો છે. પ્રભુનો જે પ્રેમ મેં આસ્વાદ્યો છે, એનો આસ્વાદ તમને આપવો છે. અને એકવાર તમે પ્રભુ સાથે જોડાઈ જાવ, પછી ગુરુ છુટ્ટા.! ગુરુનું કામ શું? તમને પ્રભુ સાથે જોડી દેવાનું. તમે પ્રભુ સાથે જોડાઈ ગયાં, પ્રભુના પ્રેમમાં ડૂબી ગયાં. ગુરુ કહેશે કે બસ મારું કામ પૂરું થઇ ગયું.

અહીંયા હું લગભગ બધા સાધકોને કહું છું કે એટલું સરસ વાતાવરણ છે, શાંત વાતાવરણ, કે એટલું સરસ વાતાવરણ છે, શાન્ત વાતાવરણ, પ્રકૃતિ રમ્ય વાતાવરણ અને દિવ્ય પરમાત્મા. બસ, એ પરમાત્મામાં ડૂબી જાવ.! એના પ્રેમમાં ડૂબી જાવ.!

શશીકાંતભાઈ મહેતા આપણા એક ચિંતક હતાં. અને પંન્યાસ ગુરુદેવ ભદ્રંકરવિજય મ.સા. ના ગ્રહસ્થ શિષ્ય હતાં. એ અમેરિકા પ્રવચનો આપવા માટે ગયેલાં. એમાં છાતીનો દુઃખાવો થયો. એન્જ્યોગ્રાફી થઇ. તો ખ્યાલ આવ્યો કે બે-ત્રણ નળીઓ ચોક-અપ થયેલી છે, હ્રદયની. એટલે બાયપાસ સર્જરી હાર્ટની કરાવવી પડશે. એ જમાનામાં ૪૦-૫૦ વર્ષ પહેલાં, open હાર્ટ સર્જરી રિસ્કી ગણાતી. પણ, ડોકટરોએ કહ્યું; કે આના વિના કોઈ ઈલાજ નથી, કરાવવી જ પડશે. એ હોસ્પિટલમાં એડમીટ થયા. એટલા બધા પ્રભુના પ્રેમમાં એ રંગાઈ ગયેલા કે ઓપરેશન સફળ થાય કે નિષ્ફળ; કોઈ વાંધો નહિ, બેયમાં મજા છે. એટલે ઓપરેશન થીયેટરમાં જ્યારે એમને લઇ જવામાં આવે છે, ત્યારે એમણે પ્રભુને કહ્યું, “If I die, I am coming to you. If I die, I am coming to you. જો ઓપરેશન નિષ્ફળ ગયું તો તારી પાસે આવું છું. ઉપર આવું છું. અને ઓપરેશન સફળ થયું તો અહીંયા બેઠો બેઠો તારી વાતો કર્યા કરીશ.” ઓપરેશન સફળ થયું. પછી પોતાના પ્રવચનમાં એ કહેતાં; કે મેં તો ભગવાનને કહ્યું હતું; કે ઓપરેશન નિષ્ફળ થાય તો તારી પાસે આવી જાઉં, પણ ભગવાનને થયું હશે કે આ બખાળીયો ઉપર આવશે તો મારા કાન દુખાડશે, એના કરતાં નીચે જ ભલે રહ્યો.

પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ. પાક્ષિક ખામણામાં તમે બોલો; ‘सारिओ, वारिओ चोइओ, पडिचोइओ चियत्तामे पडिचोयणा’ ગુરુદેવ આપે ક્યારેક મને યાદ કરાવ્યું કે બેટા! તારો સ્વાધ્યાય થઇ ગયો? ક્યારેક આપે ના પાડેલી કે બેટા! આ કામ નથી કરવાનું. આપે ના પાડી અને છતાં મેં કોઈ કામ કર્યું, તો આપ કડક શબ્દોમાં બોલ્યાં પણ ખરા. કડક શબ્દોમાં આપ બોલ્યાં, છતાં હું એ અકાર્યમાંથી ન અટક્યો. તો આપે લાફો પણ ઠોકી દીધો. ને પછી શું થયું…? चियत्तामे पडिचोयणा – તમારો લાફો મને બહુ ગમ્યો. ગુરુએ પ્રેમથી કહ્યું એ તો ગમે જ. પણ ગુરુનો લાફો પણ ગમે.

મને ગુરુનો લાફો નથી મળ્યો પણ, પરમાત્માની તમાચ મેં ખાધી છે. પણ, પરમાત્માની તમાચ મીઠી મીઠી હોય.. મજા આવે.. આપણા અહંકારનો ફુગ્ગો ક્યારેક ફુલાઈ જાય, ત્યારે પ્રભુ અથવા સદ્ગુરુ એમાં ટાંકણી ઘોંચે, અને ફુગ્ગાને ફોડી નાંખે. અમારી પાસે ટાંકણીઓનો જથ્થો છે હો.! મેં આમને કહેલું; તમારા અહંકારના ફુગ્ગાને ફુલાવો હોય એટલો ફુલાવો.. અમારે ખાલી pin જ ઠોકવાની છે.!

તો પ્રભુની તમાચ… સદ્ગુરુની તમાચ… મીઠી મીઠી લાગે…. એ પ્રભુની તમાચને આપણે ત્યાં નિગ્રહ કૃપા કહેવામાં આવે છે. અનુગ્રહ કૃપા, અને નિગ્રહ કૃપા. ક્યારેક અહંકારનો ફુગ્ગો ફુલાઈ જાય તો પ્રભુ ટાંકણી ઘોંચી દે.

હું જુના ડીસામાં હતો. ચોમાસું અને સંઘે નક્કી કર્યું કે ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોનું સંમેલન બોલાવવું બે દિવસ માટે. આગળની સાંજે ખબર પડી કે ઉત્તર ગુજરાતના પંડિતો તો આવ્યાં છે પણ ચેન્નાઈથી  અને બેંગલુરૂથી પણ પંડિતો મને સાંભળવા માટે આવ્યાં છે. એટલે યશોવિજયનો અહંકાર જે છે ને ફૂલ્યો. તો પ્રભુ તૈયાર હતાં. બીજી સવારે મારે ચાર-પાંચ કલાક પ્રવચનો આપવાના હતા, પંડિતોની સમક્ષ. અને સવારે ઉઠ્યો, ગળું ચોક-અપ. બે ફૂટ દૂર કોઈ માણસ બેઠેલો હોય, એને પણ મારો અવાજ સંભળાય નહિ. એવું ગળું ચોક-અપ થઇ ગયું. પણ મને મજા આવેલી. મેં એ પ્રભુની તમાચને પણ પ્રેમથી ખાધેલી.. કે પ્રભુ! તારો આભાર, મારા અહંકારના ફુગ્ગાને તે ફોડી નાંખ્યો.! એટલે પહેલા દિવસે હું પ્રવચન ન આપી શક્યો. પંડિતોએ પ્રવચનો આપ્યા. બીજી સવારે ભગવાને ગળું ખોલી નાંખ્યું. જ્યાં અહંકાર તિરોહિત થયો, ભગવાને અનુગ્રહ કૃપા કરી. તો चियत्तामे पडिचोयणा. ગુરુની તમાચ પણ પ્યારી પ્યારી લાગે.

સ્વામી દયાનંદજીના ગુરુ બીરજાનંદજી હતાં. બીરજાનંદજી ગુસ્સે થઇ જતાં. શિષ્યોની ભૂલ સહન ના કરી શકે. પણ ગુરુના ક્રોધને આપણે ક્રોધ નથી કહેતાં, પુણ્યપ્રકોપ કહીએ છીએ. કારણ કે ગુરુનો ક્રોધ છે. આપણને આપણા દોષોમાંથી મુક્ત કરે, ગુરુનો ક્રોધ – ગુરુનો પુણ્યપ્રકોપ. ડોકટરે પણ ઓપરેશન કરવું જ પડે ને, તમારું પેટ ચીરી નાંખે કે નહિ, એપેન્ડીક્સ થયું હોય તો…? પણ એ પેટ ચીરી નાંખનારો ડોક્ટર ઉપકારી છે. ગુરુ તમારું પેટ ચીરતાં નથી, ગુરુ ખાલી કડવા શબ્દો તમને કહે છે. તમને કેવા લાગે? કેવા લાગે?

હું ઘણીવાર કહેતો હોઉં છું, ડોક્ટર કેવો ગમે? ડોક્ટર handsome હોવો જોઈએ એવું? ડોક્ટર મીઠું મીઠું બોલનારા હોય એવું? ડોક્ટર એના વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ. એમ ગુરુ માટે તમે શું માનો? તમારા અહંકારને પંપાળે એ ગુરુ સારા કે તમારા અહંકારના ગુમડાને ચીરી નાંખે એ ગુરુ સારા? ક્યાં ગુરુ સારા? હા, દીપકભાઈ તમે તો બહુ સરસ આરાધના કરો છો. બહુ સરસ છો. આવું કહે એ ગુરુ ગમે? કે તમારા અહંકારને ચીરી નાંખે એવા ગુરુ ગમે?

તો બીરજાનંદજી પુણ્યપ્રકોપના ગુરુ. એકવાર નદીએ સ્નાન કરી અને આશ્રમમાં આવ્યાં. આશ્રમના શિષ્યો જે હતાં, એમનો વારાફરતી વારો હતો. આશ્રમના રૂમોને સાફ કરવાનો. ગુરુ આવ્યાં; પહેલો જ રૂમ જે જોયો, એમાં ખુણામાં સહેજ કચરો રહી ગયેલો. ગુરુને કચરો તરત દેખાય હો…! કારણ કે તમારા કચરાને જોવો પડે ને અમારે. ગુરુએ કચરો જોયો, પૂછ્યું; આજે કોણે સાફ કર્યો આશ્રમ? તો કહે; દયાનંદજી. બોલાવો એને. દયાનંદજી આવ્યાં, સાવરણી હાથમાં જ હતી હજુ. ગુરુ કહે; લાવ સાવરણી મારી પાસે. એટલે એમ લાગ્યું કે કદાચ ગુરુ પોતે એ કચરાને કાઢશે. પણ ગુરુએ તો સાવરણી ઉંધી પકડી. અને દયાનંદની પીઠ ઉપર સીધી ઠોકવા માંડ્યા. એવી ઠોકી કે પીઠ લોહી ઝરતી થઇ ગઈ. પણ સામે દયાનંદજી હતા. કોઈ પણ શિષ્ય સફળ કયારે થાય છે? એ ગુરુની તમાચ ખાય છે ત્યારે. એ ગુરુનો ઠપકો ખાય છે ત્યારે. દયાનંદનું નામ છે આજે. પણ એ નામ કેમ થયું? એના પાયામાં આ વસ્તુ છે. પંદર દિવસ સુધી ઘા રુઝાતો નથી. અને દયાનંદજી પોતાના ખેસને ઉંચો કરી, ગુરુ ભાઈઓને બતાવે છે, જુઓ, ગુરુની પ્રસાદી! હસતાં હસતાં કહે છે; આ ગુરુની પ્રસાદી.

મૃગાવતીજી સાધ્વીજી પ્રભુના સમવસરણમાંથી ઉપાશ્રય આવ્યાં. એ દિવસે સૂર્ય ચંદ્ર મૂળ વિમાને ત્યાં આવેલા. એટલે પ્રકાશ ઝળાહળા હતો. પણ સાંજ પડી ગઈ. સુર્યાસ્ત થઇ ગયો. ખબર તો પડી નહિ કઈ. પછી મૃગાવતીજી ઉપાશ્રય આવ્યા. ગુરુ છે ચંદનાજી. ચંદનાજીએ મૃગાવતીજીને આડે હાથ લીધા. તમારા જેવી સાધ્વી, આટલી મોડી ઉપાશ્રયમાં આવે? તમને કઈ ખ્યાલ પડે છે કે નહિ? એ વખતે મૃગાવતીજીની આંખમાંથી આંસુ સરે છે. પણ શેના? ગુરુના પ્રેમને માણ્યા હતાં. વાહ! કેવા સદ્ગુરુણી મને મળ્યા છે કે મારી આટલી બધી ખબર રાખે છે!

એટલે હું ઘણીવાર કહું છું. કે બુદ્ધિ અને અહંકાર મૃગાવતીજી પાસે નહતા; એમને કેવલજ્ઞાન થઇ ગયું. ચંદનાજીને પછી થાય છે, શિષ્યાએ કેવલજ્ઞાન પહેલા થઇ જાય. બુદ્ધિ અને અહંકાર બેઉ નહતા. આપણું કેવલજ્ઞાન ક્યાં રહી ગયું? આમાં રહી ગયું – બુદ્ધિ અને અહંકારમાં! પહેલા

તો બુદ્ધિ આવે, આમાં મારો શું વાંક? તમે મને આ રીતે કહો છો, મારો વાંક ખરો કંઈ? સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને; પ્રકાશ ઝળાહળા. મારી પાસે થોડી ઘડિયાળ હતી, કે મને ખબર પડે કેટલા વાગ્યા? બરોબર ને? પહેલા argument-બુદ્ધિ. ક્યારેક રંગેલા હાથે પકડાઈ જઈએ, ત્યારે અહંકાર આવે. હા, તમે મને કહો, પણ ખાનગીમાં કહો. જાહેરમાં બધાની વચ્ચે કહો છો!

આ બુદ્ધિ અને અહંકાર બેય આપણી પાસે હતાં, એટલે કેવલજ્ઞાન ન થયું. સમજ્યા? અને મૃગાવતીજી પાસે સમર્પણ હતું, માટે કેવલજ્ઞાન થઇ ગયું. એમણે ચંદનાજીના ઠપકાને ગુરુના પ્રેમ તરીકે જોયો. ગુરુ તમારા ઉપર ગુસ્સે થાય કે ઠપકો આપે, ત્યારે તમને શું થાય આમ? ગુરુના પ્રેમનો અનુભવ થાય? કે આ ગુરુ, જેમનું પ્રભુમય અસ્તિત્વ હોય, જે પ્રભુમાં જ રહેતા હોય, પ્રભુના ગુણોમાં જે રહેતા હોય, એમને મારા દોષોમાં ડોકિયું કરવું પડ્યું? પણ, ગુરુનો પ્રેમ કેવો છે! કે મારા દોષ સુધી ગુરુનો પ્રેમ ઉતર્યો!

તો આવી રીતે પ્રભુના પ્રેમને અને ગુરુના પ્રેમને માણવો છે.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *