વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : આણા પાલે સાહિબ તુસે
પ્રભુનો અને સદ્ગુરુનો પ્રેમ ઝીલાય ક્યારે? બધી જ આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર હોય અને શક્ય એટલી આજ્ઞાનું પાલન હોય, ત્યારે તમે એ પ્રેમને ઝીલી શકો છો.
કદાચ આજ્ઞાપાલનના સ્તર પર ક્યારેક આપણે ચૂકતા પણ હોઈએ – શરીરની નબળાઈને કારણે, સંકલ્પના અભાવને કારણે; પણ આજ્ઞા પ્રત્યેના આદરના મામલે તો કોઈ જ બાંધછોડ ન જોઈએ. આદર તો પ્રભુની એક-એક આજ્ઞા ઉપર સંપૂર્ણતયા હોવો જ જોઈએ.
એ પ્રેમ ઝીલાયો એની ખાતરી બે રીતે થાય. સાધનામાં આનંદ આવે, ત્યારે સમજજો કે પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ મારા ઉપર વરસી રહ્યો છે. અને જો તમારું હૃદય નિર્મળ થયું, રાગ-દ્વેષ-અહંકાર ઓછા થયા, તો પણ તમે માની શકો કે પ્રભુ અને ગુરુના પ્રેમને કારણે આ નિર્મળતા મને મળી છે.
સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ – વાચના – ૧૨
દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય, અને સાધકની જાગૃતિથી પણ થાય. પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. એ પ્રેમને ઝીલવા માટેની સજ્જતા કઈ?
મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કહ્યું; ‘આણા પાલે સાહિબ તુસે’. આજ્ઞાનું પાલન હોય, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો તીવ્ર આદર હોય, ત્યારે તમે પ્રભુના પ્રેમને ઝીલી શકો છો. બે વસ્તુ છે; પ્રભુની આજ્ઞા પ્રત્યેનો આદર સંપૂર્ણતયા હોવો જોઈએ. એક-એક આજ્ઞા પ્રત્યે આપણી સમર્પિતતા હોય. પાલનના સ્તર પર, ક્યારેક આપણે ચુકતા પણ હોઈએ, શરીરની નબળાઈને કારણે, સંકલ્પના અભાવને કારણે; પણ આદરના મામલે તો કોઈ કોમ્પ્રોમાઈઝેશન નથી, કોઈ બાંધ-છોડ નથી; આદર તો પ્રભુની એક-એક આજ્ઞા ઉપર સંપૂર્ણ તયા હોવો જોઈએ. આ ભૂમિકા આપણી પાસે હોય એટલે આપણે પ્રભુના પ્રેમને ઝીલવા માટેના અધિકારી થઇ ગયા.
મહોપાધ્યાયજીએ જ કહ્યું છે; ‘અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અખય ખજાન વે’ હવે તો પ્રભુનો આખો જ ખજાનો, એનો અધિકારી હું છું. એ ખજાનો એટલે પ્રેમ.
તો પ્રભુનો પ્રેમ અને સદ્ગુરુનો પ્રેમ આપણે ઝીલી શકીએ આ પૃષ્ઠ ભૂમિકા ઉપર. એ ઝીલાય; તો એ પ્રેમ બે રીતે convert થાય છે. પ્રભુનો અને સદ્ગુરુનો પ્રેમ – આનંદમાં પણ convert થાય, નિર્મળતામાં પણ convert થાય. તમે બે રીતે એ પ્રેમનો અનુભવ કરી શકો. સાધનામાં તીવ્ર આનંદ તમને આવે. તમે વિચારી શકો કે પ્રભુના પ્રેમનું આ પ્રતિફલન છે. તમારું હૃદય એકદમ નિર્મળ બની ગયું. તમે નક્કી કરી શકો, કે પ્રભુના પ્રેમનું આ પ્રતિફલન છે.
આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીએ પ્રભુનો પ્રેમ સાધનાના આનંદમાં કઈ રીતે convert થાય છે એની અભિવ્યક્તિ આપેલી. એમણે કહેલું કે એક ખમાસમણ આપું છું, અને એટલો બધો આનંદ ભીતર છલકાય છે, કે મારું નાનકડું હૃદય એ આનંદના આવેગને સહન કરી શકશે કે કેમ એની એની વિમાસણ થાય છે. એક ખમાસમણ દેતાં આટલો આનંદ આવી શકતો હોય, તો સો ખમાસમણમાં કેટલો આનંદ આવે! Beyond the words.. Beyond the expectation.. શબ્દોને પણ પાર, કલ્પના પણ પેલે પાર, એક ખમાસમણ દેતાં આટલો બધો આનંદ..! પ્રભુનો પ્રેમ ઝીલાયો; અને એ સાધનાના આનંદ રૂપે પ્રગટ થયો. તો આનંદ રૂપે પણ પ્રેમ પ્રગટ થાય, નિર્મળતા રૂપે પણ પ્રગટ થાય.
પંન્યાસજી ગુરુદેવના ભક્તો; હિંમતભાઈ બેડાવાલા, પ્રાણભાઈ દોશી, ચન્દ્રકાન્તભાઈ આ બધા બદ્રીની યાત્રાએ જતાં હતા. વચ્ચે-વચ્ચે જ્યાં પણ સંતો આવે, ત્યાં સત્સંગ કરતાં જતાં. એક જગ્યાએ રોડથી ૧૦૦ ફૂટ અંદર એક ગુફામાં એક સંત રહેતા હતા, એ ખ્યાલ આવ્યો. ગાડી થોભાવી. એ લોકો સંતના દર્શન માટે નીકળ્યા. બીજા બધા આગળ પહોંચી ગયા. સંતના ચરણોમાં નમસ્કાર કરીને બેઠા અને કહ્યું; કે અમારા અગ્રણી હિંમતભાઈ પાછળ આવી રહ્યા છે. એ આવે પછી સત્સંગ કરીએ. હિંમતભાઈ ધીમે ધીમે ચાલે. જ્યાં એ હિંમતભાઈ ગુફામાં enter થયાં, પેલા સંત ઉભા થઇ ગયા! સંત હિંમતભાઈની સામે આવ્યાં. એમનો હાથ પકડ્યો, અને કહ્યું કે ‘આપ કયું યહાં આયે?’ ‘આપ કયું યહાં આયે?, આપ તો મુજસે ભી બડે સંત હો!’ હિંમતભાઈ ગુફામાં enter થયાં, અને એમની નિર્મળતાની ઉર્જાને સંતે પકડી લીધી. એક સેકંડમાં.! ખ્યાલ અવી ગયો, કે એકદમ નિર્મળ ઉર્જાના આ માલિક છે. સંત ઉભા થઇ ગયા અને સામે આવ્યા. તો હિંમતભાઈએ પ્રભુના પ્રેમને, નિર્મળતાની અંદર convert કર્યો હતો.
હિંમતભાઈ બેડાવાલાના જીવનની એક ઘટના કહું; જે મેં પોતે જોયેલી છે. અનુભવેલી છે. અમે લોકો પરમપાવન પાલીતાણામાં ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં ચાતુર્માસ હતાં. વડેચા પરિવાર આયોજિત ચાતુર્માસ. રત્નસુંદરસૂરીજી પણ એ વખતે સાથે હતાં. એ ચાતુર્માસમાં સેંકડો આરાધકોમાં એક હિંમતભાઈ બેડાવાલા પણ હતાં. પર્યુષણ પછી એમની લગભગ ૭૮મી ઓળી પુરી થઇ. આપણે તો ઓળી પુરી થાય ને, એ પહેલાં દિવસ ગણીએ, ક્યારે પારણું આવે છે?
જો કે તમારો સાધનાનો આનંદ મજાનો છે. આજે અઠ્ઠાવીસાવાળા છૂટ્યા. પણ એ બધાના હૃદયમાં સાધનાનો આનંદ એવો ઘેરાયેલો છે કે એમને થાય છે કે હવે અહીંથી જવું પડશે? અઢારિયાવાળા સાધકો નીકળ્યા, ત્યારે એમની આંખોમાં પણ આંસુ હતાં કે આટલી સરસ આરાધના અને એ દિવસો ગયા અમારા!
તો હિંમતભાઈની ૭૮મી ઓળી પુરી થતી હતી. પણ એમને લાગ્યું કે મારું સ્વાસ્થ્ય બરોબર છે તો શા માટે પારણું કરું? લાગટ ૭૯મી ઓળી શરૂ કરી દઉં. તો જે દિવસે નવી ઓળીનો પ્રારંભ હતો, એ દિવસે એમણે પ્રભુને પ્રાર્થના કરી; કે પ્રભુ! શરૂ તો હું કરું છું, સાધના; પુરી તારે કરાવવાની છે.
મને યાદ આવે પિતાજી મહારાજ, જિનચંદ્રવિજય મ.સા.. આખું જીવન એમનું આરાધનામય અને આરાધનાનો આનંદ એમના ચહેરા ઉપર દેખાય. છેલ્લું ચોમાસું સુરત અઠવાલાઈન્સ સંઘમાં. એકવાર મને કહે; મારે ઓળી શરૂ કરવી છે. મેં કહ્યું; હવે શરીર તો ઉંમર પ્રમાણે શિથિલ બન્યું જ છે તમારું, અને તમારી ક્રિયા વગેરે બહુ જ અપ્રમત્ત રૂપે હજુ થઇ રહી છે. તો શરીરને થોડું આપવું જરૂરી છે. બેસણું બરોબર છે તમારા માટે. આયંબિલની ઓળી તમે કરશો? શરીર સાથ આપશે? ત્યારે એમણે મને કહેલું; કે શરૂઆત હું કરીશ, પૂરું પ્રભુ કરાવશે. મારે તો એક જ આયંબિલ કરવાનું છે, બસ. પ્રભુની ઈચ્છા નહિ હોય તો કાલે પારણું કરી લઈશ અને પ્રભુ કરાવશે તો ઓળી પુરી થશે. અને એ જૈફ વયની અંદર એમણે ઓળી પુરી કરી! એક જ શ્રદ્ધા, મારે ક્યાં કરવાનું છે? પ્રભુ કરાવશે.
સાધના આપણે નથી કરવાની; પ્રભુ કરાવે છે. અને એટલે જ હું સાધનાને હું easiest કહું છું, સરળમાં સરળ..! તમારો સંસાર અઘરો છે, સાધના સરળ છે. સંસારમાં તમારે તમારી રીતે આગળ વધવું પડે છે. સાધનામાં પ્રભુ આપણી સાથે હોય છે. અને પ્રભુ સાથે હોય પછી…! મજા જ મજા..
હિંમતભાઈએ પ્રભુને પ્રાર્થના કરી, કે ઓળી શરૂ કરું છું, તારા બળ ઉપર, મારા બળ ઉપર નહિ. પ્રભુ તારા બળ ઉપર ઓળી શરૂ કરું છું; તારે પુરી કરાવવી હોય તો કરાવજે. ભક્ત છે ને નિરાગ્રહશીલ હોય છે. એનો કોઈ આગ્રહ નથી હોતો, મારે આમ કરવું. એટલે જ મેં વચ્ચે કહેલું, કે તમારો કોઈ આગ્રહ હશે ને તો અમે દંડો હાથમાં લઈશું. તમારો સારો આગ્રહ છે. પણ, એ આગ્રહની પાછળ તમારો અહંકાર છે. સારા આગ્રહ પ્રત્યે અમને કોઈ વાંધો નથી. પણ તમારા અહંકાર પ્રત્યે અમને બરોબર વાંધો છે. એટલે આગ્રહની પાછળ જો અહંકાર હશે તો અહંકારને અમે કાઢીશું. ભક્ત નિરાગ્રહશીલ હોય – કોઈ આગ્રહ એની પાસે નથી, આમ કરવું જ. “હું તો આમ જ કરું”, એ કોણ બોલે? અભક્ત બોલે, ભક્ત ન બોલે. ભક્ત તો કહેશે; જેવી એની મરજી!.
એક મજાની ઘટના વચ્ચે યાદ આવી. એક સંત હતા. બહુ જ નિર્મળ હૃદયના અને પ્રભુ સમર્પિત ચેતનાવાળા. એકવાર એ નદીના કિનારે ગયા. આખા પ્રદેશમાં એ સંત બહુ પ્રસિદ્ધ હતાં. એમની નામના હતી. એ સંતને જોયાં. એક હોડીવાળો રાજી રાજી થઇ ગયો. કે જો ગુરુદેવને સામે કાંઠે જવાનું હોય, અને મારી હોડીને પાવન કરે તો હું ધન્ય બની જાઉં. એણે સંતને વિનંતી કરી; સાહેબ! સામે પાર જાઉં છે આપને? તો મારી હોડીમાં બેસી જાવ. સંત હોડીમાં બેઠા. નદીનો પટ બહુ જ વિશાળ હતો. હોડી થોડીક આગળ ગઈ. કાપડ થોડું જુનું હતું. કાણું પડ્યું. કાણું પડ્યું એટલે પાણી અંદર આવવા માંડ્યું, હોડીમાં. હવે આટલા મોટા ગુરુ, એમને થોડું કહેવાય કે તમે પાણી ઉલેચો. એ નાવિક એક હાથે હલેસાં મારે, બીજા હાથે પાણીને ઉલેચે છે. પણ એ વખતે સંતે શું કર્યું? છત્રી એમની પાસે હતી. છત્રીની પાછળની અણીથી હોડીની બીજું બાજુ કાણું પાડ્યું. બે કાણા થયા. બે કાણામાંથી પાણી વધારે આવવા માંડ્યું. પેલો વધારે જોરથી પાણીને ઉલેચે છે. અને એમાં હોડી કિનારાની નજીક આવવા લાગી. ડૂબી નહિ. કારણ કે પાણી પેલો બહાર કાઢી નાંખતો હતો. એ વખતે સંતે પેલા હાથમાંથી વાટકી લઇ લીધી અને પોતે ઉલેચવા માંડ્યા. હોડી કિનારે આવી ગઈ. સંત ઉતર્યા. બાજુમાં એક બાંકડો હતો ત્યાં બેઠા. હોડીવાળો એમના ચરણમાં પડ્યો. કે આપે મારી હોડીને પાવન કરી. પણ પછી એણે પૂછ્યું કે સાહેબ! આપ બહુ મોટા ગુરુ છો. અને આપની એક નાનકડી ક્રિયા હોય એમાં પણ રહસ્ય સમાયેલું હોય. તો આપ મને સમજાવો કે આપે કાણું કેમ પાડ્યું? અને છેલ્લે પાણી ઉલેચવા કેમ માંડ્યા? એ સંતે જે જવાબ આપ્યો, યાદ રાખવા જેવો છે.
સંતે કહ્યું, કે કાણું પડ્યું પહેલું ત્યારે મેં માન્યું કે પ્રભુ આપણને ડૂબાડવા માંગે છે. અને જો પ્રભુ ડૂબાડવા માંગતા હોય, તો તરનારા આપણે કોણ? જે પ્રભુની ઈચ્છા હોય! પ્રભુની ઈચ્છા ડૂબાડવાની હોય, તો ડૂબવા માટે તૈયાર હતા. તો જલ્દી ડૂબી જવું જોઈએ, એટલે બીજું કાણું પાડ્યું. પણ હોડી કિનારાની નજીક આવી. ત્યારે મને થયું કે પ્રભુ તો તારવા માંગે છે. અને પ્રભુ તારવા માંગતા હોય, તો ડૂબનારા આપણે કોણ? એટલે હાથમાંથી તારી વાટકી મેં છીનવી લીધી અને હું પાણી ઉલેચવા માંડ્યો. કેવી પ્રભુ સમર્પિતતા.!
આપણે સ્તવનમાં જઈ લઈએ; ‘તું તારે કે ડુબાડે…!’ તરવા તૈયાર છો.. ડૂબવા તૈયાર છો?
હિંમતભાઈએ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ ! આજે પહેલું આયંબિલ છે. તારે ઓળી કરાવવી હોય તો કરાવજે, તારા ઉપર છોડું છું. ભક્તનો એક logo છે : I have not to do anything absolutely. મારે કશું કરવાનું નથી. જે પણ કરવાનું હોય એ તારે કરવાનું. હું ઘણીવાર મારી વાચનામાં કહું, I have not to speak a single word. He has to speak! મારે બોલવું નથી, એને બોલવું હોય તો મારા કંઠનો ઉપયોગ કરે.! હું તો મૌનમાં છું! એ પછી હિંમતભાઈએ ગુરુદેવો પાસે વાસક્ષેપ લીધો. કે આપ આશીર્વાદ આપો. શક્તિપાત કરો કે મારી આયંબિલની ઓળી આગળ ચાલે. આપણે પણ આ બે વસ્તુ તો કરીએ કદાચ. કરો ને?
કોઈ પણ સાધના શરૂ કરવાની હોય, પ્રભુને ભળાવી દેવાનું કે હું શરૂ કરનારો નથી; શરૂ પણ તું કરાવ, પુરી પણ તારે કરાવવી હોય તો કરાવજે, નહીતર કાંઈ નહિ. તમને ખ્યાલ છે? તમે એના ઉપર જ્યારે છોડી દો છો ત્યારે જ એ સક્રિય બને છે.
શત્રુંજય ગિરિરાજ પર માઁ અને બાળક જતાં હોય. બાળક કહે, “માઁ મારે ચડવું છે.” માઁ એને ચડવા દે. જે વખતે બાળક થાકી જાય. “મમ્મા હું થાકી ગયો”; મમ્મા એને ઉપાડી લેશે. તમારી અસહાય દશા એ તમારા માટે વરદાન છે. ભક્ત હંમેશા અસહાય જોઈએ. પ્રભુ હું કાંઈ જ કરી શકું એમ નથી.!
સંત હરિદાસે વ્રજભાષામાં એક પદમાં કહ્યું; ‘તિનકા બુયારી કે બસ’. એક તણખલું સાવરણીને અધીન હોય છે. એ રીતે પ્રભુ હું તને અધીન છું. તણખલું સાવરણીને અધીન હોય, એ રીતે હું તને અધીન છું. ભક્ત ગૌરાંગ એક ડગ આગળ વધ્યા, એમણે કહ્યું; તણખલું તો ક્યારેક હવાના ઝોકામાં પણ વહી જાય. માત્ર સાવરણીને અધીન ન પણ રહે, એટલે પ્રભુ! હું તણખલાં પણ નીચો છું. “તૃણાદSપી શુનીચેન ભવિતવ્ય “. ભક્ત અસહાય છે. કબીરજીએ પણ કહ્યું; ‘નિરાધાર ભયે પાર.’ જેણે પોતાના ઉપર આધાર ન રાખ્યો, એ પેલે પાર પહોંચી ગયો; અને પોતાના પર આધાર રાખ્યો એ અધવચ્ચે ડૂબી ગયો. આપણે બધાએ અસહાય બનવાનું છે. પ્રભુ હું કશું જ ન કરી શકું; તારે જ બધું કરવાનું છે. અને જે ક્ષણે પ્રભુને સોંપ્યું; પરમ ચેતના તૈયાર છે, તમે ઊંચકી લેશે. પણ પેલો બાળક જ્યાં સુધી કહે કે મમ્મા મારે ચડવું છે તો મમ્મા એને ચડવા દે. એમ તમે કહો મારે સાધના કરવી છે. ભગવાન કહે, કર બેટા. હમણાં થાકવાનો છે! અને થાકીશ એટલે મારી પાસે આવવાનો છે.
અગણિત જન્મોમાં સાધના કરી પણ પોતાની જાત પર આધાર રાખ્યો. હું કરું.! એટલે સાધના આટલી નાનકડી; અહંકાર હતો મોટો.! આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત હતી; ‘કમાડ કરતાં ઉલાળો ભારે’. હવેના લોકોને તો ખબર પણ ન પડે. ઉલાળો એટલે શું? પણ તમને લોકોને ખબર છે.
તો સાધના હોય નાનકડી! અહંકાર હોય લાંબો-પહોળો…! તો શું થાય? અહંકારના ઓછાયા નીચે સાધના દબાઈ જાય. અને જે ક્ષણે તમે અહંકાર મુક્ત બન્યા, હું કશું જ કરી શકું નહિ, પ્રભુ તારે જ બધું કરવાનું છે, પ્રભુ તૈયાર છે! ગુરુ પણ તૈયાર છે! સદ્ગુરુ ચેતના તૈયાર છે, પણ તમે અસહાય હોવ ત્યારે.
તો આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ, પણ એ શબ્દોમાં કરીએ. બરોબર…? તમારી પ્રાર્થના શબ્દોમાં હોય ને? એક જગ્યાએ હું ગયેલો. દેરાસર-ઉપાશ્રય બાજુબાજુમાં. લગભગ સાડા અગિયાર વાગે એક ભક્ત પૂજા કરવા આવ્યો. એક જ હતો સાડા અગિયાર વાગે. પૂજા કર્યા પછી ચૈત્યવંદન શરૂ કર્યું. મહાવીર સ્વામી દાદા હતાં એટલે એણે સ્તવન ઉપાડ્યું, ‘સિદ્ધારથના રે નંદન વિનવું’. અને પછી જ્યાં કડી આવી; ‘ત્રણ રતન મુજ આપો તાતજી’ કડી repeat કરી-કરીને ગાય.! હું સાંભળતો હતો. મારો તો માયલો હલી ગયો. મેં કીધું મારા કરતાં મોક્ષે વહેલો હાલ્યો આ તો.! એટલે ૧૨ વાગે ઉપાશ્રયમાં આવ્યો. વંદન કર્યું. મેં કહ્યું; ભગતજી તૈયાર? એટલે ઘડિયાળ સામું જોયું. હા, સાહેબ તૈયાર. ગોચરી માટે પધારો. મેં કીધું ગોચરીની વાત નથી કરતો, દીક્ષા માટે તૈયાર ને તમે? એટલે ભડક્યા. સાહેબ આ ગામમાં ચૌદસીયા ઘણા છે કહે છે. હું ખાલી ભગવાનની ભક્તિ કરું, તો એ લોકોએ ઠોકી બેસાડ્યું કે આ દીક્ષા લેવાનો, દીક્ષા લેવાનો, દીક્ષા લેવાનો. મારે ક્યાં દીક્ષા લેવાની છે! મેં કહ્યું, હું તો આજે વિહાર કરીને આવ્યો. ગામમાં કેટલા ચૌદસીયા કે પૂનમિયા મને કંઈ ખબર નથી. પણ હમણાં તમે પ્રભુ પાસે ગાતાં હતાં ને, ‘ત્રણ રતન મુજ આપો’ એ ત્રણ રત્ન એટલે દીક્ષા જ થઇ ને? રત્નત્રયી. કે સાહેબ એ તો બોલવાનું હોય. સ્તવનમાં લખ્યું એટલે બોલવાનું. એટલે વિનયવિજય મહારાજે સ્તવન લખ્યું. એટલે એમને દીક્ષા જોઈતી હતી તો લઇ લીધી એમને. મારે ક્યાં લેવાની છે? તમારી પ્રાર્થના શબ્દોમાં હોય છે.
તો હિંમતભાઈની પ્રાર્થના અંદરથી હતી, કે પ્રભુ મારે કંઈ જ કરવાનું નથી, તારે જ કરવાનું છે. સાધના જગતમાં એક ઇંચ, એક સેન્ટીમીટર, એક ડગલું હું ભરી શકીશ નહિ, તારે ભરાવવાનું છે. સદ્ગુરુઓ પાસે વાસક્ષેપ લીધો. વાસક્ષેપ એટલે શું ખબર છે? સદ્ગુરુનો શક્તિપાત! અમે શું કહીએ : ‘नित्थार पारगाहो’. સંસારને પેલે પાર તું પહોંચી જા! એટલે રાગ, દ્વેષ, અહંકાર તારા શિથિલ બની જાય. આ વાસક્ષેપ કેટલીવાર લીધો? કેટલીવાર લીધો? દીક્ષા તિથી, સાહેબ વાસક્ષેપ. વડી દીક્ષા તિથી, સાહેબ વાસક્ષેપ. આયંબિલની ઓળી શરૂ કરું, સાહેબ વાસક્ષેપ. અમે શું કહીએ? ‘नित्थार पारगाहो’. તારા રાગ, દ્વેષ, અહંકાર શિથિલ બનો! આ શક્તિપાત સ્વીકાર્યો તમે? તમારા મનમાં પણ થયું કે ગુરુદેવે આશીર્વાદ એ આપ્યો છે, કે મારા રાગ-દ્વેષ ઓછા થાય, મારો અહંકાર ઓછો થાય. આ વિચાર પણ આવે છે?
તો પ્રભુની પ્રાર્થના અને ગુરૂદેવનો આશીર્વાદ લીધા પછી હિંમતભાઈએ, જેટલા આરાધકો ત્યાં પન્નારૂપા યાત્રિક ભવનમાં સાધના કરતાં હતાં, એ બધાને પોતાને ત્યાં બપોરે એકાસણા માટે નિમંત્ર્યા. મોટા હોલમાં બધાને બેસાડ્યા. પોતે પીરસે છે! મોટી ઉંમર. ૭૮ આયંબિલ, ૭૯મો ઉપવાસ થયો છે. આજે ૮૦માં દિવસે આયંબિલ કરવાનું બાકી છે અને હિંમતભાઈ પોતે પીરસે છે.! જમવાનું પતી ગયું, સંઘપૂજન થઇ ગયું. પછી હિંમતભાઈ ઉભા થયા. એમણે કહ્યું; આજથી મારી નવી ઓળી શરૂ થાય છે. તમે બધા મને આશીર્વાદ આપો.!
પહેલા બે તો તમે કરો છો. પ્રભુની પ્રાર્થના, ગુરુનો વાસક્ષેપ. આ એક નવી વાત હતી. બધા જ આરાધકો પાસેથી હિંમતભાઈ આશીર્વાદ ઈચ્છે છે કે તમે બધા મને આશીર્વાદ આપો, કે મારી ઓળી જે આજથી શરૂ થાય છે, એ મંગળમય રીતે પૂર્ણ થાય. અગ્રણી શ્રાવક જયંતિભાઈ વડેચા જેવા હતાં. એમણે કહ્યું, સાહેબ! તમે અમને આશીર્વાદ આપો.! અમે તમને કઈ રીતે આશીર્વાદ આપીએ?! તમારી સાધનાની પ્રશંસા આચાર્ય ભગવંતો સુધર્મા પીઠ ઉપરથી કરે છે. આવી નિર્મળ તમારી સાધના, શ્રેષ્ઠ કોટિના તમે શ્રાવક, તમે અમને આશીર્વાદ આપો! અમે તમને શી રીતે આપીએ? પણ એ વખતે શું એમની નમ્રતા, હિંમતભાઈની! એમણે કહ્યું; તમે એટલે? તમે બધા અનુષ્ઠાન પરમાત્મા છો! તમે કોઈ સામાન્ય વ્યક્તિત્વો નથી; ભગવાને કહેલી ક્રિયાને-સાધનાને કરનારા તમે છો. તમે બધા અનુષ્ઠાન પરમાત્મા છો. તમારા આશીર્વાદ વિના મને ચાલે નહિ! આ નિર્મળતા પ્રભુના અને સદ્ગુરુના પ્રેમથી એમને મળેલી.
એટલે પ્રભુનો અને સદ્ગુરુનો પ્રેમઝીલાય ક્યારે? આજ્ઞા પ્રત્યેનો આદર અને શક્ય આજ્ઞાનું પાલન હોય ત્યારે. અને એ પ્રેમ ઝીલાયો એની ખાતરી શું થાય? બે રીતે થાય. સાધનામાં આનંદ આવે ત્યારે સમજો કે પ્રભુ નો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ મારા ઉપર વરસી રહ્યો છે. તમારું હૃદય નિર્મળ થયું, રાગ-દ્વેષ, અહંકાર ઓછા થયા, તમે માની શકો કે પ્રભુ અને ગુરુના પ્રેમને કારણે આ નિર્મળતા મને મળી છે.
તો આ પ્રેમ સાધનાનો આનંદ આપે, હૃદયની નિર્મળતા આપે.
આજ વાતને થોડી વધારે ખોલી આવતીકાલે જોઈશું.
