વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સદ્ગુરુનું કાર્ય
કદાચ તમને ખબર ન પણ હોય પણ તમારા બધા ઉપર સદ્ગુરુનું કામ ચાલી રહ્યું છે. એવું બને કે તમે એને સ્વીકારી ન શકતા હોવ. તમારી પાસે સમર્પણ ન હોય, તો તમે સદ્ગુરુના કામને સ્વીકારી ન શકો. પણ સદ્ગુરુનો પ્રેમ એટલો તો વ્યાપક છે કે બધાની ઉપર એમનું કામ ચાલુ હોય છે.
તમારી અંદર આનંદઘન ચૈતન્ય બિરાજમાન છે. માત્ર ઉપર ઉપર વધારાનો જે કચરો છે, એને કાઢી નાખવાનું કામ સદ્ગુરુ કરે. તમારા જે વિભાવો છે એને દૂર કરવા, તમારી આસક્તિને, તમારા જીવદ્વેષને દૂર કરવો, તમારા અહંકારને, દેહભાવને કાઢી નાખવો – આ કામ સદ્ગુરુ કરે છે.
અને સદ્ગુરુનો પ્રેમ કયા form માં, કયા રૂપમાં તમારી પાસે આવશે એની તમે કલ્પના પણ નહિ કરી શકો. તમારું જે દર્દ છે, જે રોગ છે, એને કાઢવા માટે ગુરુ તમારા ઉપર શું પ્રયોગ કરે છે, ગુરુનો પ્રેમ કયા રૂપમાં વરસે છે – એ તમને ખબર પણ નહિ પડે!
સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ – વાચના – ૧૩
પરમાત્માના પ્રેમનો અનુભવ એ જ આપણું અવતાર કૃત્ય. પ્રભુના પ્રેમનો અનુભવ.. સદ્ગુરુના પ્રેમનો અનુભવ..
મેઘકુમાર પહેલી જ વાર પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુના શબ્દોને પીધા એમ નહિ; પ્રભુના પ્રેમને એમણે પીધો! એવું તો સંમોહન પ્રભુના પ્રેમનું થયું, કે ઘરે આવીને ધારિણી માઁ ને મેઘકુમારે કહ્યું; માઁ ! પ્રભુ વિના એક ક્ષણ હવે હું નહિ રહી શકું. એક જ વાર, પહેલી જ વાર દેશના સાંભળવા ગયા મેઘકુમાર, અને પ્રભુના પ્રેમને ઝીલીને ક્લીન બોલ્ડ થઇ ગયા! કેવો પ્રેમ પ્રભુનો ભીતર ઉતર્યો; કે સંસાર છૂટી ગયો! બસ, માઁ પ્રભુના ચરણોમાં જ રહેવું છે, અને એમના પ્રેમને પીવો છે. વિચાર તો કરો, થોડા કલાકોનો પ્રેમ ઝીલાયો, મેઘકુમારને લાગ્યું કે આવો પ્રેમ ક્યારેય પણ મેં અનુભવ્યો નથી. મેઘકુમારને તો એવું લાગ્યું, કે આ જન્મની અંદર આવો પ્રેમ મેં ક્યારેય અનુભવ્યો નથી. પણ, હકીકતમાં અનંતા જન્મોની અંદર આવો પ્રેમ ક્યારેય આસ્વાદવા એમને મળ્યો નહતો.
માનવિજય મ.સા.એ આ જ પરમરસને પીધા પછી કહ્યું; કે અનંત જન્મોની અંદર ક્યારેય પણ આવો પ્રેમ, આવો પરમરસ મેં ક્યારેય ચાખ્યો નથી. ‘કહીએ અણચાખ્યો પણ, અનુભવ રસનો ટાણો મિલિયો’. અને પછી પોતાને મળેલા એ પ્રેમની અનુભૂતિની કેફિયત આપતાં માનવિજય મહારાજ કહે છે; ’પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ માણ્યો; માનવિજય વાચક ઇમ જંપે, હુઓ મુજ મન કામ્યો’. પ્રભુની કૃપાથી, પ્રભુનો પ્રેમ આસ્વાદવા મળ્યો, અને અંતરંગ સુખની પ્રાપ્તિ થઇ. અત્યાર સુધી ઇન્દ્રિય જન્ય વિષયોના સુખમાં, બહિરંગ સુખમાં તૃપ્તિ માણવાની વાત હતી; આ પહેલીવાર અંતરંગ સુખ મળ્યો; અને એ અંતરંગ સુખનો આસ્વાદ બધા જ બહિરંગ સુખોને રવાના કરી દે.
પ્રભુનો પ્રેમ મેઘકુમારે પીધો; સંસાર છૂ થઇ ગયો! દીક્ષા લીધી. કથા આપણા ખ્યાલમાં છે – પહેલી રાત્રે સંથારો ઠેઠ છેલ્લે બારણાં પાસે આવ્યો. રાત્રે દેહ ચર્યા માટે જનાર મુનિઓના રજથી સંથારો ભરાઈ ગયો, અને મેઘકુમાર મુનિ કહે છે; કે આ તો ન ચાલે! ભગવાનને ઓઘો સવારે આપી દઉં; મારે આ મુનિપણું જોઈતું નથી. પ્રભુની પાસે આવ્યાં, પ્રભુએ કહ્યું; મેઘ! તને જે મળ્યું છે, એ કેટલું અદ્ભુત છે! પૂર્વ જન્મની કથા કહીને પ્રભુએ એવો તો પ્રેમ આપ્યો, કે સંસાર છૂટેલો હતો, પ્રભુના આ પ્રેમે (પ્રેમથી), દેહાધ્યાસ છૂટી ગયો. દેહ પ્રત્યેની પ્રીતિ રહી ગયેલી, અને એના કારણે મુનિઓની ધૂળથી સંથારો ભરાઈ ગયો, એ ખટકેલો હતો; પ્રભુએ એવો પ્રેમ આપ્યો, કે દેહની પ્રીતિ પણ ઉડી ગઈ!
રાગના ત્રણ કોઠા છે; પદાર્થો ઉપર રાગ, વ્યક્તિઓ ઉપર રાગ, શરીર ઉપર રાગ. પદાર્થો અને વ્યક્તિઓ પરનો રાગ પહેલા પ્રેમથી ઉડી ગયો, પણ દેહ પરનો રાગ થોડો રહી ગયેલો. પ્રભુએ બીજીવાર એવા પ્રેમનો આસ્વાદ કરાવ્યો કે દેહની પ્રીતિ પણ છું થઇ ગઈ! એ વખતે મેઘકુમાર મુનિએ પ્રભુને વિનંતી કરી; કે પ્રભુ! મારી એક ઈચ્છા છે. ‘શું ઈચ્છા છે બેટા?’ પ્રભુ મારી ઈચ્છા છે કે મારા દેહમાં કોઈ પણ જાતની વ્યાધિ આવે; મારે એની ચિકિત્સા નહિ કરવાની, એની દવા નહિ કરવાની, એની સામું જોવાનું નહિ. શરીરની અંદર રોગોનો સમૂહ એકસાથે આવી જાય કદાચ તો પણ હું એનાથી બેપરવાહ રહી શકું, એવું સામર્થ્ય મને આપો. અને એ વખતે એમણે કહ્યું; કે પ્રભુ ! આંખ દ્વારા જયણા પળાય છે. આંખ જયણા માટે ઉપયોગી છે. એટલે આંખમાં કંઈ તકલીફ થાય તો એની ચિકિત્સા કરાવવાની છૂટ, બાકી શરીરના કોઈ પણ અંગમાં, કોઈ પણ વ્યાધિ આવે, એના માટે ન ઔષધ લેવું, ન ચિકિત્સા કરાવવી, પ્રભુ આ સામર્થ્ય મને આપો? દેહની પ્રીતિ ઉડી ગઈ! આપણને પણ આ જ પ્રભુનો પ્રેમ મળ્યો છે.
ધર્મચક્ર તીર્થમાં એક અદ્ભુત ઘટના છે. કાઉસગ્ગ ધ્યાને ઉભેલા પરમાત્મા આપણને ઘણી જગ્યાએ દેખાય. પદ્માસનમાં રહેલા પરમાત્મા આપણને ઠેકઠેકાણે દેખાય. પણ સોનાના કમળ ઉપર ચાલતાં ભગવાન અહીંયા જ છે. પ્રભુનો દેહ, જેટલો હતો, એટલી જ ઊંચાઈની આ પ્રતિમા છે અને એવો જ રંગ મૂર્તિને આપવામાં આવ્યો છે. અને એવી રીતે પ્રભુનો ચરણ મુકાયેલું છે કે આપણને લાગે કે પ્રભુ આપણી તરફ આવી રહ્યા છે. પહેલીવાર અહીં ઉપધાન થયા, ત્યારે કલાકો સુધી હું એ મહાવીર પ્રભુ પાસે બેસી રહેતો. .અને એ પ્રભુના પ્રેમથી મારા અસ્તિત્વને રંગી નાંખતો..
મીરાંએ બહુ મજાની વાત કરી; ‘લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, તેરે હી રંગ મેં રંગ દે ચુનરિયા’ પ્રભુ તારા રંગમાં મારા અસ્તિત્વને ઝબોળી આપો. અને પછી કહે છે; ‘એસા હી રંગ દો’ ‘એસા હી રંગ દો, કી રંગ નાહી છૂટે, ધોબિયા ધુએ ચાહે સારી ઉમરિયા’ એવો એક રંગ અસ્તિત્વના સ્તર પર લગાવી આપો કે જ્યાં સુધી હું મોક્ષમાં ન આવું ત્યાં સુધી એ રંગ જાય નહિ, એમ નહિ, ફિક્કો ન પડે! મારા અસ્તિત્વને પ્રભુ મારે તારા રંગે રંગી નાંખવું છે. સંસારના રંગે આ અસ્તિત્વને અનંતીવાર રંગ્યું; પરિણામ દુર્ગતિ, પરિણામ નરક, પરિણામ નિગોદ.
બસ, પ્રભુ આ જન્મમાં તારા રંગથી મારા અસ્તિત્વને રંગી નાંખવું છે. મેઘકુમાર મુનિએ પોતાના અસ્તિત્વને પ્રભુના રંગે રંગી નાંખ્યું. ‘માત્ર’ પ્રભુનો પ્રેમ.. અને એ પ્રભુનો પ્રેમ મળ્યો; બધું જ છૂટી ગયું! હું ઘણીવાર કહું છું, કે સંસાર છોડવાનો નથી; છૂટી જવો જોઈએ. જો તમે છોડવાની પળોજણમાં પડ્યા ને, તો સંસાર પાછળ પાછળ આવશે. મેં આટલું છોડ્યું…!
એક ભાઈએ સંન્યાસ લીધો. કરોડોપતિ માણસ અને એણે સંન્યાસ લીધો. સંન્યાસ તો લીધો. પણ કરોડ રૂપિયા છૂટ્યા નહિ. કારણ કે એને છોડવાની પળોજણ કરેલી. તો કોઈ પણ જગ્યાએ લોકોને ઉદ્ભોધન કરે તો કરોડ રૂપિયા આવી જાય. શું યાર, તમારી પાસે શું છે? આ કરોડો રૂપિયા હતાં, છોડી દીધા! એટલે કરોડ રૂપિયા મનમાંથી જાય નહિ. એમાં એક જ્ઞાની પુરુષ મળ્યાં. હોશિયાર માણસ પાછો. જ્ઞાની જોડે કેમ વાત કરવી, ખબર હતી. સાહેબ, ગુરુદેવ આપની કૃપા કરોડો રૂપિયા હતાં, સંન્યાસ લેવાઈ ગયો, આપની કૃપા. પેલા જ્ઞાની પુરુષ મજાના હતા, એ કહે; શું કીધું? સાહેબ કરોડો રૂપિયા હતા, છોડી દીધા, સંન્યાસ લઇ લીધો! તો જ્ઞાની પુરુષ હસતાં હસતાં કહે; ક્યાં છોડ્યા છે? આ તો પાછળ પાછળ આવે છે, કહે છે! તું કહે છે, કરોડ રૂપિયાને મેં લાત મારી, પણ લાત બરોબર વાગી નથી, કરોડ રૂપિયા તારી પાછળ પાછળ આવે છે. સંસાર છૂટી જવો જોઈએ! પ્રભુનો પ્રેમ મળે તો ‘જ’ સંસાર છૂટે. એટલે જ ચોથા પંચસૂત્રમાં પહેલા અભિવ્રજ્યા આપી, પછી પ્રવ્રજ્યા આપી. પરમાત્માનું એક સંમોહન, પરમાત્માના પ્રેમનું સંમોહન, પરમાત્માની આજ્ઞાનું સંમોહન એ તમને બરોબર મળી જાય પછી સંસાર છૂટી જાય.
તો પ્રભુનો પ્રેમ મળે; બધું જ છૂટી જાય.. સદ્ગુરુનો પ્રેમ મળે; તો પણ બધું છૂટી જાય! સદ્ગુરુનો પ્રેમ કયા રૂપમાં આવે, એ આપણને ખબર ન પડે.
બે વાત આજે કરવી છે. સદ્ગુરુ તમારા ઉપર કામ કરી રહ્યા છે. કદાચ તમને ખબર ન પણ હોય. તમારા બધા ઉપર સદ્ગુરુનું કામ ચાલી રહ્યું છે. એવું બને કે તમે એને સ્વીકારી ન પણ શકતાં હોવ. તમારી પાસે સમર્પણ ન હોય, તો તમે સદ્ગુરુના કામને પણ સ્વીકારી ન શકો. પણ સદ્ગુરુનો પ્રેમ એટલો તો વ્યાપક છે કે બધા જ ઉપર એમનું કામ ચાલુ હોય છે. મારે શું કરવાનું બોલો? મારે માત્ર મારો પ્રેમ તમને આપવાનો છે, અને એ પ્રેમ તમે ઝીલી લો; છોડવાનું છૂટી જશે, મેળવાનું મળી જશે. તમારે કાંઈ કરવું નથી; પ્રભુના પ્રેમથી અને સદ્ગુરુના પ્રેમથી હ્રદયને ભરી દેવું છે. તો તમારા બધા ઉપર, હમણાં તો તમે પણ indoor patient બન્યા ને, ઉપધાનવાળા? આમ તો outdoor patient હતાં, અત્યારે indoor patient છો. એટલે તમારા ઉપર પણ અમારું કામ ચાલુ છે. તમે કેટલું સ્વીકારી શકશો? જેટલું તમારું સમર્પણ – એટલી અંશે સદ્ગુરુના પ્રેમને તમે સ્વીકારી શકશો, સદ્ગુરુ તમારા ઉપર જ કામ કરવા માંગે છે, એને તમે સ્વીકારી શકશો.
સદ્ગુરુ શું કરે ખબર છે?
માઈકલ એન્જેલોની એક બહુ જ સરસ શિલ્પકૃતિ છે; પીએટા. ઇસુ ખ્રિસ્તનો મૃતદેહ વધસ્તંભેથી ઉતારાયેલો છે. માઁ મેરી એ ઈસુના દેહને પોતાના ખોળામાં લઈને બેઠેલી છે. આ શિલ્પ માઈકલ એન્જેલોએ કોર્યું છે. પણ એમાં facial expression એટલા સરસ મુક્યા છે કે ૨૦૦૦ વર્ષ થઇ ગયાં, પણ એ શિલ્પ કૃતિ હજુ પણ અજોડ ગણાય છે. ઈસુના ચહેરા ઉપર કરુણાનો ભાવ છે. લોકોએ – અજ્ઞાની લોકોએ, એમને વધસ્તંભ ઉપર મુક્યા. પણ એ વખતે એ પ્રભુને કહે છે કે પ્રભુ! આ બધાને માફ કરજો. કારણ – એમનો કોઈ વાંક નથી. એમના અજ્ઞાનને કારણે એ લોકો આ કામ કરી રહ્યા છે. ઇસુ ખ્રિસ્તના ચહેરા ઉપર પરમ કરુણાનો ભાવ છે. માઁ મેરી પોતાના પુત્રને પ્રેમથી જોઈ રહ્યા છે. કે મારો દીકરો કેટલો બધો ઉત્કૃષ્ટ ભાવવાળો કે મરતી વખતે પણ એના ચહેરા ઉપર કોઈ દીનતાનો ભાવ નથી, કોઈ પીડાનો ભાવ નથી, માત્ર કરુણાનો ભાવ છે! આ શિલ્પ એ વખતે પણ અજોડ ગણાતું. આજે પણ અજોડ છે.
તો કેટલાક મિત્રોએ માઈકલ એન્જેલો એન્જેલોને પૂછ્યું; કે તમે આ શિલ્પ કઈ રીતે કોર્યું? માઈકલે કહ્યું; મારા મનની અંદર આ શિલ્પ ઘણા વખતથી ઘુમરાતું હતું. કે આવું શિલ્પ મારે કોરવું. પણ એવો પથ્થર મને મળતો નહતો. એકવાર એક આરસના વેપારીના ગોડાઉન પાસેથી હું પસાર થતો હતો. ત્યારે મને આવો આરસ દેખાણો. મેં વેપારીને પૂછ્યું, ભાવ કર્યો, મારા સ્ટુડિયોમાં એ આરસનો પથ્થર આવી ગયો. મારા મનમાં ચિત્ર તૈયાર હતું. શિલ્પ તૈયાર હતું, એટલે મેં શું કર્યું? બિનજરૂરી ભાગને તોડ્યો, શિલ્પ અંદર હતું જ. મારા મનમાં શિલ્પ હતું.
સદ્ગુરુ આ કામ કરે છે.. તમારી અંદર આનંદઘન ચૈતન્ય બિરાજમાન છે. એ વધારાનો કચરો હોય એને અમે કાઢી નાંખીએ. દેહભાવ તમારી ભીતર છે, તો એને ઉડાડી મુકીએ. બાકી શિલ્પ તો મજાનું અંદર છે જ. એક-એકની અંદર. બોલો અમારે શું કરવાનું કામ? બહુ ઓછું કામ છે. બિનજરૂરી પથ્થર કાઢી નાંખવાનો, શિલ્પ તૈયાર.!
તો સદ્ગુરુ આ રીતે તમારા ઉપર કામ કરે છે – કે તમારા જે વિભાવો છે, એને દૂર કરવા; તમારી આસક્તિ દૂર કરવી; તમારા જીવદ્વેષને દૂર કરવો; તમારા અહંકારને કાઢી નાંખવો
તો સદ્ગુરુ તમારા ઉપર કામ કરી રહ્યા છે. લાગે છે એવું આમ? સદ્ગુરુનું કામ તમારા ઉપર ચાલુ છે. લાગે છે? અનુભવ થાય છે કંઈ? તો એક વાત આ.
બીજી વાત એ કહેવી છે; કે સદ્ગુરુનો પ્રેમ ક્યાં ફોર્મમાં, ક્યાં રૂપમાં તમારી પાસે આવશે એની તમે કલ્પના પણ નહિ કરી શકો. બુદ્ધના જીવનની એક ઘટના છે. કે બુદ્ધ દેવદત્ત નામના શિષ્ય પર ગુસ્સે થયા. બુદ્ધ ક્યારેય ગુસ્સે ન થાય. પહેલીવાર દેવદત્ત ઉપર ગુસ્સે થયા. પટ્ટશિષ્ય આનંદ બુદ્ધને જોઈ રહ્યા. વાહ! મારા ભગવાન ગુસ્સો પણ કરી શકે છે! આનંદને હતું, કે ભગવાન ક્યારેય ગુસ્સે થાય જ નહિ. આજે ગુસ્સે થતાં જોયા. તો પાછળથી આનંદે પૂછ્યું બુદ્ધને, કહે કે ભગવાન અપ ગુસ્સે થયા? મારી તો કલ્પનામાં ઉતરતું નથી કે તમે ગુસ્સે થાવ! ત્યારે બુદ્ધ કહે છે; હું ક્યાં ગુસ્સે થયો હતો?! બુદ્ધ કહે છે, હું ગુસ્સે ક્યાં થયો હતો? મેં તો ગુસ્સાનો ઉપયોગ કર્યો હતો. મેં ક્રોધનો ઉપયોગ કર્યો. અને પછી બુદ્ધે સમજાવ્યું; કે એક વૈદ્ય હોય, અને એની પાસે ડાયાબીટીસનો દર્દી આવે. અને વૈદ્ય કારેલાંનો જ્યુસ એને પીવડાવે. તો વૈદ્ય કડવો થાય. વૈદ્યે આપ્યું શું? કારેલાંનો જ્યુસ, કડવો કડવો. પણ એ શા માટે? ડાયાબીટીસને કાઢવા માટે. એમ હું ગુસ્સે થયો નહતો. મેં ક્રોધનો ઉપયોગ કર્યો હતો. પેલો શિષ્ય મારા ગુસ્સા વિના ઠેકાણે આવે એમ નહતો. એટલે એના દર્દને સમાવવા માટે કારેલાંનો રસ મેં આપ્યો. તો કારેલાંનો રસ પીવડાવે એટલે વૈદ્ય કડવો થાય નહિ. એમ ક્રોધનો ઉપયોગ મેં કર્યો, તો હું ગુસ્સે ક્યાં થયો…!
ગુરુનો પ્રેમ તમારા પર આ રીતે પણ આવે. તમારું જે દર્દ છે, એ દર્દને કાઢવા માટે ગુરુ આ રીતે પણ તમારા ઉપર પ્રયોગ કરે. એટલે ગુરુનો પ્રેમ કયા રૂપમાં આવે એ તમને ખબર ન પડે.
બહુ પ્યારી એક ઘટના છે. એક સંત બહુ જ મજાના નિર્મલ હૃદયના, આમ સંતની વ્યાખ્યા જ આ છે – જેનું હૃદય નિર્મલ એ સંત. તમારું હૃદય નિર્મલ થયું; તમે સંત બની ગયા. એ સંત નિર્મલ હૃદયના હતા. અને એક વાત તમને કહું, નિર્મલ હૃદય એ મોટામાં મોટો ચમત્કાર છે. દુનિયાના કોઈ પણ ચમત્કારો નિર્મલ હૃદયમાંથી જન્મે છે. જે સાત્વિક ચમત્કારો છે એ.
તો સંતને એક ભક્તે વિનંતી કરી; કે આપ મારે ત્યાં પધારો, ભિક્ષા માટે. સંતે કહ્યું; જોઈશું. આપણે ત્યાં કેટલો સરસ શબ્દ છે. તમને કોઈ કહે; સાહેબ મારા ત્યાં વહોરવા પધારજો. તમે commitment ન આપો (કે) હા, હું આવીશ; તમે શું કહેશો? વર્તમાનયોગ. મને વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. હું ભવિષ્યનો કોઈ commitment આપી શકું નહિ. સંતે કહ્યું; જોઉં છું. પેલાએ રાહ જોઈ, ૧૨, ૧૨.૩૦, ૧, ૧.૩૦, ૨ વાગ્યા અને એ વખતે એક માણસ ત્યાં આવે છે. કોઢથી એની કાયા આખી ઘેરાયેલી, માખીઓ ઉપર બણબણતી હતી. લોહી અને પરૂ બહાર આવેલું. એ માણસ એના ઘર પાસે આવ્યો. આને તો જોયું – કોઢીયો, માખીઓ બણબણે છે, લોહી અને પરું બહાર આવ્યું છે. એ કહે, get out, get out, બહાર નીકળ, બહાર નીકળ. અહીં કેમ આવ્યો છે મારા ઘરે? Get out કીધું, પેલો જતો રહ્યો.
બીજી સવારે ભક્ત આવ્યો સંત પાસે. સાહેબ કાલે તો આપ મારા ઘરે પધાર્યા નહિ. અરે, હું તો આવ્યો હતો, તે ના પાડી હતી ને. તમે આવ્યાં હતાં? ક્યારે આવ્યાં હતાં? હું તો ૧૨ થી ૨-૨.૩૦ સુધી રાહ જોતો હતો. તમે આવ્યાં જ નથી! તો કહે કે; તું યાદ કર. બે વાગે એક કોઢીયો આવ્યો હતો? હા, તો કહે કે કોણ હતું એ? ઓહો એ તમે હતા? ભક્તે માફી માંગી. કે આજે તો સાહેબ પધારજો જ, કોઈ પણ રૂપમાં. હવે એને આજે થયું, કે આજે કોઢીયો આવે કે કોઢિયાનો બાપ આવે.. આજે બધાને ભિક્ષા આપવી. કારણ કે બાપજી કયું રૂપ લઈને આવશે, ખબર નથી. ૧૨, ૧૨.૩૦, ૧, ૧.૩૦, કોઈ નહિ. ચકલું એ ન ફરકે. બે-સવા બે, એક કુતરું આવે છે, સવા બે વાગે. કુતરાને જોયું, સીધી જ લાકડી ઠોકી. એ કુતરું ભાગી ગયું. ફરી બીજી સવારે ગયો. સાહેબ, કાલે તમે પગલાં ન કર્યા. હવે પગલાં કર્યા ને તારા ત્યાં મેં. અને તે મને ગુરુ દક્ષિણા આપી.. હજુ અહીંયા વાગે છે, કહે છે. હજુ અહીં દુઃખે છે! ઓહો મેં તો કુતરાને લાકડી મારી હતી. તો કુતરું કોણ હતું, કહે છે?
એ ગુરુએ એ સમજાવ્યું કે ચૈતન્ય કોઈ પણ રૂપમાં હોય એ ચૈતન્ય જ છે! એટલે આ જ વાત નમસ્કાર મહામંત્રમાં છે, ‘નમો સિદ્ધાણં’. ભવિષ્યના સિદ્ધો, ભૂતકાળના સિદ્ધો અને વર્તમાનના સિદ્ધો; બધાને આપણો નમસ્કાર! એક કુતરું પણ ભવિષ્યનું સિદ્ધ છે. તમે કોઈનો પણ તિરસ્કાર ક્યારે પણ ન કરી શકો! કારણ કે એ ભવિષ્યનો સિદ્ધાત્મા એ હોઈ શકે છે.
તો સદ્ગુરુનો પ્રેમ કોઈ પણ રૂપમાં આવે. પણ સદ્ગુરુ તરફતી વરસે છે ને, તમારે પ્રેમથી ઝીલવાનું છે. અને સદ્ગુરુનું કામ તમારા ઉપર ચાલુ ‘જ’ છે, Indoor patient જેટલા છે એ બધા ઉપર. ચાલુ છે કામ. નામથી સમર્પણ. ભાવથી સમર્પણ. સદ્ગુરુનું કામ આ છે.
તો પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે.. સદ્ગુરુનો પ્રેમ સતત વરસી રહ્યો છે.. અને એ પ્રેમ ઝીલાય, એટલે આપણે દોષમુક્ત બની જઈએ..
