Siddhi Sadhna Updhan Tap – Vachana 14

1 View
19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વો સદ્ગુરુ હમાર

સદ્ગુરુ એ છે જે દેહરૂપી ઘરમાં રહેલ આત્માને બતાવી આપે છે; આત્માનો જે અનુભવ કરાવી આપે છે. ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર. સદ્ગુરુ તરફથી ગૅરન્ટી કે તમને તમારા ઘરમાં પ્રવેશ કરાવી દેવો; આત્મઘરની અનુભૂતિ તમને કરાવવી. સદ્ગુરુ તૈયાર છે. તમે તૈયાર?

આ જન્મ સ્વાનુભૂતિ માટે જ છે. તમારે તમારો પોતાનો અનુભવ કરવાનો – એ કંઈ મોટી વસ્તુ છે! ગુરુ તમને steps બતાવશે. એ steps પર ચાલો; તમને તમારો અનુભવ થઇ જાય.

તમે આનંદઘન છો. દેહને પેલે પાર જાઓ, મનને પેલે પાર જાઓ એટલે એ આનંદ તમને મળી જાય. જ્યાં સુધી મન છે, ત્યાં સુધી રતિ-અરતિ; સુખ-દુઃખ. મનને પેલે પાર ગયા; આનંદઘન ચૈતન્ય સુધી, પછી આનંદ જ આનંદ.

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુકૃપાથી થાય, સદ્ગુરુ કૃપાથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય.

સદ્ગુરુનું કામ તમારા પર સતત ચાલી રહ્યું છે. સદ્ગુરુ કઈ રીતે કામ કરે છે? સદ્ગુરુની એક બહુ મજાની વ્યાખ્યા પરંપરામાં આવી છે. સદ્ગુરુ એટલે શું? ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’ અમારા સદ્ગુરુ આ છે – જે દેહ રૂપી ઘરમાં રહેલ આત્માને બતાવી આપે છે, આત્માનો જે અનુભવ કરાવી આપે છે. ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’. સદ્ગુરુના ચરણોમાં તમે આવો – સદ્ગુરુના પ્રેમને તમે મેળવો, સદ્ગુરુની ઉર્જાને તમે પ્રાપ્ત કરો; એક નવી યાત્રા શરૂ થઇ જાય. અનંતા જન્મોની અંદર જે યાત્રા ચાલુ નથી થઇ, એ યાત્રા સદ્ગુરુના ચરણોમાં સમર્પણ દ્વારા શરૂ થાય.

અનંતા જન્મોની અંદર સાધના થઇ, ભક્તિ થઇ, પણ હું એટલે આ શરીર આ વાત અકબંધ રહી. આ જન્મમાં એવું સદ્ગુરુ સમર્પણ આપણને મળી જાય, કે દેહ તે હું નહિ, દેહમાં રહેલ ચૈતન્ય જે છે, તે હું છું. હું આનંદઘન ચૈતન્ય છું. આ દેહ, આ મન સતત રતિ અને અરતિમાં ઝૂમ્યા કરે છે. મનની પાસે આનંદ જેવી કોઈ ઘટના છે નહિ. મન – અનુકુળ પરિસ્થિતિમાં રતિભાવમાં આવશે, પ્રતિકુળ પરિસ્થિતિમાં અરતિભાવમાં આવશે. આનંદ તમને ક્યારે મળે? તમે મનને પેલે પાર જાવ ત્યારે. જ્યાં સુધી મન છે; ત્યાં સુધી રતિ-અરતિ, સુખ-દુઃખ. મનને પેલે પાર ગયા; આનંદઘન ચૈતન્ય સુધી આનંદ જ આનંદ.

હું ઘણીવાર કહેતો હોઉં છું, કે પ્રભુના આનંદને કદાચ તમે નથી જોઈ શકતાં. સદ્ગુરુના ચહેરા ઉપર જે આનંદ હોય છે, એને તમે જોયો છે? ક્યારેય પૂછવાનું મન થયું, કે સાહેબ! આટલો બધો આનંદ તમારી પાસે કઈ રીતે છે? તો અમે કહીશું, કે એવા સદ્ગુરુ અમને મળ્યા, કે જે સદ્ગુરુએ દેહમાં રહેલ નિર્મલ ચૈતન્યનું દર્શન કરાવ્યું, અને એની અનુભૂતિ કરાવી. તો સદ્ગુરુ આ રીતે કામ કરવા માંગે છે. સદ્ગુરુ પોતાનો આનંદ તમને બતાવીને કહે છે, કે આ આનંદ તારે જોઈએ છે બેટા? જોઈએ છે..? અમારી પાસે જે આનંદ છે, એ આનંદ જોઈએ છે? આપી દઈએ..! We are ready.! તમે દેહને પેલે પાર જાવ, મનને પેલે પાર જાવ – આ આનંદ તમને મળી જાય. યશોવિજયની કોઈ monopoly આ આનંદ ઉપર નથી. તમે બધા આ આનંદને મેળવી શકો છો. તો સદ્ગુરુ આ કામ કરવા માંગે છે.

બહુ મજાની એક ઝેન કથા છે. જોતાન નામનો એક સાધક ગુરુ પાસે આવ્યો, અને ગુરુ પાસે આવીને એણે આત્મસાધનાની દીક્ષાની યાચના કરી. ગુરુ તૈયાર હતાં. ગુરુએ મંત્રો આપ્યાં – ‘You are the bodyless experience. You are the nameless experience. You are the mindless experience. તું શરીરને પેલે પારની ઘટના છે. તું નામને પેલે પારની ઘટના છે. તું મનને પણ પેલે પારની ઘટના છે.’ આ સુત્રો આપ્યાં, સાધના દીક્ષા આપી, અને એને ઘૂંટવાનું કહ્યું. દસ વર્ષ પછી એ સાધક ગુરુ પાસે આવ્યો. ત્યારે ગુરુ એને પૂછે છે, તું કોણ? તારું નામ શું એમ નથી પૂછતાં. ગુરુ પૂછે છે; તું કોણ? અને પેલો કહે સાહેબ! મને નહિ ઓળખ્યો, હું જોતાન.! ત્યારે ગુરુ કહે છે; દસ વર્ષ પહેલાં પણ તું જોતાન હતો, આજે પણ જોતાન છે? તારા nameless experience નું શું થયું? ગુરુ સાધના દીક્ષા પણ આપશે, એને ઘૂંટાવશે પણ ખરા.

એક શિષ્ય ગુરુ પાસે આવ્યો. રમ્યઘોષ એનું નામ. એણે સાધના દીક્ષા માંગી. ગુરુએ એને સાધના આપી – ‘તું તારું નામ નથી.’ સાધના શું આપી? ‘તું તારું નામ નથી’ તું એટલે સુરેશ, તું એટલે રમેશ; એ નહિ. તું નામને પેલે પારની ઘટના છે. એટલે ગુરુએ સૂત્ર ઘૂંટવા માટે આપ્યું કે તું તારું નામ નથી. પછી કહ્યું; આ સુત્રને ઘૂંટ હવે. પેલો ઘૂંટે છે. અઠવાડિયા પછી એ જ સુત્રને શિષ્ય ઘૂંટે છે કે ‘હું મારું નથી. હું મારું નામ નથી. મારા નામથી હું અલગ છું.’ અને ગુરુ પરીક્ષા કરે છે. સહેજ દૂર શિષ્ય બેઠેલો, એટલે ગુરુએ બુમ મારી, ‘રમ્યઘોષ.’ પેલો કહે; જી. એ જી બોલ્યો.;ગુરુ હસ્યાં. ગુરુ હસ્યાં. પેલો સમજી ગયો, કે ગુરુએ પરીક્ષા લીધી અને હું Totally fail ગયો. મારી સાધના અત્યારની આ છે કે હું મારું નામ નથી. હું નામને પેલે પારની ઘટના છું. તો ગુરુએ રમ્યઘોષ કહ્યું, તો રમ્યઘોષ હું થોડો છું? હું તો નામને પેલે પારની ઘટના છું! હું ‘જી’ બોલ્યો એટલે હું totally fail થઇ ગયો. નામ માત-પિતાએ આપેલું એવું તો આપણા મનની અંદર જકડાઈ જાય છે કે નામ એટલે હું, આ વસ્તુ થઇ જાય છે. પછી શું થાય? નામ સાથે હું જોડાઈ ગયું. પછી કોઈક તમારા નામ માટે એમ કહે, આ ભાઈ આવા છે. એટલે તમને તરત લાગે, મારા માટે કહ્યું.!

હું નાનો હતો ને, ત્યારે કોઈક કહેતું; કે યશોવિજય તો ભણેલા છે પણ ગણેલા નથી. એમની પાસે ખાલી soft corner છે, બાકી બીજું કોઈ એમની પાસે નથી. આવું કોઈ કહેતું, મને કોઈ અસર થતી નહિ! કારણ કે યશોવિજય એ નામની ઘટના છે અને હું નામને પેલે પાર ગયેલી ઘટના છું. સદ્ગુરુના ચરણોમાં, ભદ્રસૂરિ દાદાના ચરણોમાં જ્યારથી રહેવાનું મળ્યું, દાદાએ એવો શક્તિપાત કર્યો, કે મને વગર મહેનતે સાધનાનું ફળ મળી ગયું.! અનાયાસ…! સદ્ગુરુએ એવી કૃપા વરસાવી, કે યશોવિજયને કોઈ આયાસ કરવો જ નથી પડ્યો.! ન ધ્યાન, ન જાપ, ન કાંઈ અને સાધનાનું શિખર મળી ગયું.!

તો એ સદ્ગુરુએ મારા ઉપર કઈ રીતે કામ કર્યું, આજે પણ મને ખ્યાલમાં નથી આવતું. હું સાવ અબોધ, અજ્ઞાની; માત્ર એમના ચરણોમાં રહેતો. એમણે એક સૌભાગ્ય આપ્યું, એમના ચરણોમાં રહેવાનું; અને એમના શ્રી ચરણોએ બધું જ મને આપી દીધું! સદ્ગુરુ પોતાની પાસે જે છે, એ બધું જ આપણને આપી દેવા તૈયાર છે. મારે પણ, મારી પાસે જે છે, એ બધું જ તમને આપવું છે. મારો આનંદ, મારે તમને આપવો છે. પ્રભુનો સાધુ, પ્રભુની સાધ્વી કે પ્રભુનો સાધક કે સાધિકા ક્યારેય mood less હોય ખરા? તમે આમ લમણે હાથ દઈને બેઠેલા હોવ ક્યારેય? તમે mood less હોવ? પ્રભુની સાધ્વી કેવા તો આનંદમાં હોય?! પ્રભુએ આ ચાદર સદ્ગુરુ દ્વારા આપણને આપી; અને આ ચાદર એટલે ચમત્કાર. આ ચાદર જેને મળે, એ ક્યારેય પણ mood less ન હોય.! આ ચાદરનો મહિમા છે..

તો સદ્ગુરુ આપણા ઉપર કામ કરે છે. એક બહુ જ પ્યારી ઘટના આજે કહું. ૧૦૦ વર્ષ પહેલાંની છે. ૧૦૦ વર્ષ પહેલાં છાણીમાં એક સદ્ગુરુ ચાતુર્માસ માટે બિરાજમાન. છાણી એટલે દીક્ષાની પીઠ. દીક્ષાનું hub. છાણી ધર્મનગરી કહેવાતી. એ સદ્ગુરુ મુક્તિવિજય મહારાજ. મૂળ- મૂલચંદજી મહારાજ, સ્થાનકવાસી પરંપરામાં. આપણી દીક્ષા લીધી, મુક્તિવિજય નામ. એ છાણીમાં ચાતુર્માસ. એમના શિષ્ય વિનોદવિજયજી વડોદરા ચોમાસું.

મારે એ બતાવવું છે, કે સદ્ગુરુ તમારા પર કઈ રીતે કામ કરે છે. તમારા ‘હું’ ને અમારે પડાવવું છે. તમને અમારે નિરપેક્ષ બનાવવા છે. સદ્ગુરુની સેવા પણ, સદ્ગુરુની ભક્તિ પણ કેવી રીતે કરવાની? નિરપેક્ષ રૂપે. 

પંચસુત્રે કહ્યું; ‘અસંગ પ્રતિપત્તિ’. સદ્ગુરુની ભક્તિ કરો, અને અપેક્ષા હોય, સદ્ગુરુ મને ભણાવે એવી, તો પણ ગયા. કોઈ અપેક્ષા નથી. સદ્ગુરુ માત્ર સદ્ગુરુ છે. બસ એમની સેવા કરી લઉં, જે મળશે, એ સેવાથી મળશે, તમારી ભક્તિથી મળશે. કારણ – સદ્ગુરુ તો આપશે. તમે કયા પાત્રમાં લેશો? પાત્ર તૈયાર છે? હું તો આજે આપી દઉં બોલો…! તમારી પાત્રતા પણ અમે તૈયાર કરવા માટે રાજી.

એક મજાની ઘટના આવે છે, એક માણસ ક્યાંક ગયેલો, મહેમાન થઈને. જજમાને એની ખુબ ભક્તિ કરી. પણ એ જજમાનને ત્યાં બહુ સારા પુસ્તકો છુટા છવાયા પડેલા. કોઈ ટેબલ પર, ને કોઈ ખાટલા પર, ને કોઈ પલંગ પર ને. તો મહેમાને કહ્યું; આટલા સરસ પુસ્તકો તમારી પાસે છે, તો એક કબાટ લાવી અને કબાટમાં સરસ રીતે પુસ્તકોને મુકી દો ને? એટલે પેલો કહે; તમારી વાત તો બરોબર છે, પણ જેમની પાસેથી પુસ્તકો માંગીને લાવ્યો છું, એમની પાસેથી કબાટ માંગવાની હિંમત હજુ આવી નથી; પણ તમારે હિંમત રાખવાની છે.! પાત્રતા નથી તો શું થયું? ગુરુને કહી દો. તમારે આપવું છે ને, તો અમે લઇ શકીએ એવું પાત્ર આપી દો; પાત્ર પણ આપી દઈએ.! અમે બધી રીતે તૈયાર, તમારા ઉપર કામ કરવા.!

મુશ્કેલી ક્યાં છે, કહું તમને? શિલ્પી હોય ને, એને કોઈ પુતળું બનાવવાનો order મળે. એટલે પહેલાં એ માટીનું મોડલ બનાવે. પછી પોતાના ગ્રાહકને બતાવે કે આ તમારા પપ્પાનો શિલ્પ બરોબર લાગે છે? પેલો કહે; ના. એમને અહીંયા સહેજ આમ ખાડો પડતો હતો. તો માટીનું છે તો આમ કરીને સહેજ કાળો પાડી દે, ગાલ ઉપર. હવે? હવે ઠીક છે પણ થોડું આ બાજુ ગાલ વધારે ફૂલેલો લાગે છે. તો ચાલો થોડી માટી આમ લઇ લે. હવે? તો પહેલા માટીનું મોડલ બને, પછી પ્લાસ્ટરનું બનાવે અને પછી આરસનું કે ધાતુનું બનાવવાનું. હવે માટીનું મોડલ બનાવતો હોય, શિલ્પી અને અધવચ્ચે એને ક્યાંક જવું પડે, તો એ શું કરે? માટીના પુતળા ઉપર લુંઘડું ઢાંકી દે, ભીનું લુંઘડું. અને પોતાના માણસને કહી દે, કે આના ઉપર આ  રીતે છાંટા નાંખવાના, પાણીના. કારણ – માટી પર પાણી નાંખો તો રેખાઓ ભૂંસાઈ જાય, પણ ભીનું કપડું હોય તો માટી એવી ને એવી રહે. પાણી ન નાંખો તો તિરાડો પડી જાય, સુકાય એટલે. એટલે શિલ્પીને સગવડ કે જેવું માટીનું પુતળું મુક્યું હોય, એવું પંદર દિવસ પછી એને મળે. બરોબર…? અમારી તકલીફ ક્યાં છે, સમજી ગયા હવે? એક ચોમાસામાં માટીનું મોડલ બનાવ્યું. અડધું મોડલ થયું. થોડી રેખાઓ આપવાની બાકી છે. તમારો વિહાર થાય, અમારો વિહાર થાય. આઠ મહિને મળો ત્યારે નવેસરથી કામ કરવું પડે. બરોબર.?

તો ગુરુ છાણીમાં. શિષ્ય વડોદરામાં. હવે ગુરુ કામ કઈ રીતે કરે છે તે જુઓ. પર્યુષણ પતી ગયા. ભાદરવા વદ ચાલે. તડકો ભયંકર પડે. ભાદરવા વદમાં વ્યાખ્યાન પૂરું થયું છાણીમાં દસ વાગે. અને એક ભાઈ સાહેબ પાસે આવ્યો. સાહેબ વડોદરા જાઉં છું, કંઈક કામ? ત્યારે ગુરુ કહે છે; કે મારો શિષ્ય ત્યાં છે, એને કહેજો કે ગુરુ મહારાજ તને યાદ કરે છે. આજે જ તારે આવી જવાનું છે. પેલા ભાઈ ૧૧ વાગે વડોદરા પહોંચ્યા. નિઝામપુરામાં ઉપાશ્રયમાં મ.સા.. વંદન કરીને કહ્યું; કે ગુરુદેવ આપને યાદ કરે છે. એકાસણું હતું. તરસ લાગેલી હતી, પણ સાઢપોરસી પચ્ચક્ખાણ આવવાની તૈયારી હતી. પણ, ગુરુની આજ્ઞા આવી, હવે પચ્ચક્ખાણ પારવાનું નહિ. એક શિષ્યને લઈને તરત જ રવાના થયા, છાણી તરફ. બાર-સવા બારે છાણી આવ્યાં. દર્શન કર્યા. ગુરુ મહારાજને દ્વાદશાવર્ત વંદન કર્યું. પચ્ચક્ખાણ માંગ્યું. હવે પુરિમડ્ઢ એકાસણું. પચ્ચક્ખાણ લીધું. ગુરુદેવની આજ્ઞાથી પચ્ચક્ખાણ પાર્યું. પાણી વાપર્યું. ગોચરી વાપરી. પડીલેહણ થયું. ત્રણ વાગે ગુરુદેવની વાચના હતી. ત્રણથી ચાર વાચના ચાલી. ચાર વાગ્યા એટલે ગુરુદેવે વિનોદવિજયજીને કહ્યું; હવે તું વડોદરા જા. તારા પણ શિષ્યો ત્યાં છે, અને સાંજે તું ત્યાં પહોંચી જાય, લોકોને પ્રતિક્રમણ વિગેરે પણ કરાવી શકે. ખરા બપોરે બાર વાગે બોલાવ્યાં છે. ગુરુ કોઈ કામ સોંપતા નથી. આવ્યાં, વાપર્યું, પડીલેહણ, વાચના, જાવ. અને એ શિષ્ય એવો છે, ગુરુ કહે; આવ; આવી ગયો. ગુરુ કહે, જા; જવાનું. અઠવાડિયા પછી બીજીવાર એ જ રીતે બોલાવ્યા. કારણ કે ત્યાં વ્યાખ્યાન વાંચનાર બીજો ન હતું વડોદરામાં. વિનોદવિજય વ્યાખ્યાન વાંચતા. અને વ્યાખ્યાન પછી બોલાવે. બીજીવાર આવ્યાં. એ જ રીતે પુરિમડ્ઢનું પચ્ચક્ખાણ લીધું, પાર્યુ, વાપર્યું, પડીલેહણ, વાચના. ગુરુ કહે; હવે જા. શું થાય? સાહેબ ખરા બપોરે બોલાવો એનો વાંધો નહિ. પણ કંઈક કામ તો હશે ને મારું? કંઈક કામ સેવા ફરમાવો. આવું પણ એ કહેતાં નથી.! એક જ વાત ગુરુ કહે; આવ, તો આવી જવાનું. ગુરુ કહે; જા, તો જવાનું. ત્રીજીવાર બોલાવ્યાં. ત્રીજીવાર પણ વાચના પુરી થઇ. ગુરુદેવ કહે; જા. ત્યારે એમનાથી બોલાઈ ગયું કે ગુરુદેવ! આપ મને બોલાવો છો, હું તો શિષ્ય છું, આપ કહો ત્યારે આવી જાઉં. પણ મને લાગે છે કે કોઈક કામ માટે આપ મને બોલાવતાં હશો. પણ શું કામ કોઈ એવું અઘરું છે, કે હું ન કરી શકું. અરે આપની કૃપાથી, આપ જ કરાવશો કામ. મને સોંપો ને સેવાનો લાભ. આપ મને બોલાવો છો તો કંઈક કામ તો હશે જ. ત્રીજી વખતે આ બોલ્યાં. ત્યારે ગુરુએ કહ્યું; મારી પરીક્ષામાં તું નાપાસ થયો. મેં નક્કી કરેલું; કે ભગવતીના યોગ તને કરાવવા અને ગણી પદવી તને આપવી. પણ મેં નક્કી કરેલું, કે ત્રણ વખત બોલાવું, અને એકેય વખત તું પૂછે નહિ, હું કહું આવ, તો આવી જવાનું. હું કહું જા, તો જવાનું. આવી રીતે ત્રણ વખત થાય, તો હું તને યોગ કરાવું. પણ ત્રીજી વખત તે પૂછી લીધું, એટલે તું fail ગયો. ગુરુએ આટલું કહ્યું; શિષ્યની આંખમાં આંસુ આવે છે. કે ગુરુદેવ! આપે તો મને ખરેખર પાઠ આપ્યો. મારો ધર્મ તો એટલો જ હતો, આપ બોલાવો ત્યારે આવવાનું. આપ કહો જા, તો જવાનું. આ પૂછવાની વાત શિષ્યના શબ્દકોશમાં આવતી જ નથી, પણ હું ભુલી ગયો. શિષ્યત્વનો જે ધર્મ હતો, એને હું ચુકી ગયો હતો, આપે મને યાદ અપાવ્યો; ગુરુદેવ! આપના ચરણોમાં વંદન.

શું કર્યું સદ્ગુરુએ? નાનકડી અપેક્ષા રહી ગઈ હોય, સુક્ષ્મ ‘હું’ રહી ગયું હોય તો પણ નીકળી જાય. એ સદ્ગુરુ, આવા કોઈ પણ સદ્ગુરુ દીક્ષા આપે; તમારું સ્થૂળ ‘હું’ નીકળી જ જાય.! હું આમ કરું ને, હું આમ કરું, એ વાત તો હોય જ નહિ.! પણ સુક્ષ્મ ‘હું’ રહી ગયેલું હોય, એટલે દીક્ષા વખતે સ્થૂળ ‘હું’ ને કાઢ્યું, પછી ગુરુ તમારા ઉપર કામ કરે, અને તમારા સુક્ષ્મ ‘હું’ ને પણ કાઢી નાંખે. અને અહંકાર જાય તો જ આનંદઘન લયનો ‘હું’ પકડાય. અહંકારવાળું ‘હું’ જ્યાં સુધી હોય ત્યાં સુધી આનંદઘન લયનું ‘હું’ પકડી કેમ શકાય? હવે પહેલાં એને કાઢવો જ પડે.!

તો સદ્ગુરુએ સુક્ષ્મ ‘હું’ ને પણ કાઢી લીધો. ‘તું છે જ નહિ!’ આ પૂછનાર કોણ? આ પૂછનાર ‘હું’ આવ્યું હતું. નહિતર ગુરુ કહે – આવ, તો આવવાનું. ગુરુ કહે – જા, તો જવાનું. પૂછવાની વાત કેમ આવી! સાહેબ મને કેમ બોલાવો છો? ખ્યાલ આવ્યો? આ પૂછ્યું, એ પૂછનાર તરીકેનું જે સુક્ષ્મ હું હતું, એને પણ ગુરુએ કાઢ્યું. આ કામ મારે પણ તમારા બધા ઉપર કરવું છે. બોલો…? સ્થૂળ ‘હું’ નીકળી ગયું? કે એ ય નથી નીકળ્યું?! સ્થૂળ હું નીકળી ગયું? આગ્રહવાળું? હું આમ કરું, હું આમ કરું. હું આમ કરું. એ નીકળી ગયું? એ પછી આ સુક્ષ્મ ‘હું’ ને પણ કાઢી નાંખવાનું છે.

તો શું થાય – ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’ અમારા સદ્ગુરુ આ છે – જે આ દેહના ઘરમાં રહેલ ચૈતન્ય રૂપી ઘર ને બતાવી આપે છે, એની અનુભૂતિ કરાવી આપે છે.

અનુભૂતિ કરાવી આપીએ, એમાં શું છે? અનુભવ કોઈ મોટી વસ્તુ છે? તમારે તમારો અનુભવ કરવાનો. ગુરુ તમને Steps બતાવશે. એ steps પર ચાલો, તમને તમારો અનુભવ થઇ જાય. એટલે આ જન્મ સ્વાનુભૂતિ માટે છે. તમે વિષાદઘન નથી; તમે બધા આનંદઘન છો! આનંદઘન પાસે અરતિ નામની ચીજ ન હોય, પીડા હોય નહિ.! કોઈ ઈચ્છા નથી.! સુક્ષ્મ ‘હું’ નીકળી ગયું ને! કોઈ ઈચ્છા નથી.!

ત્યાં સુધી કહ્યું કુમારપાળ મહારાજાએ; ‘मोक्षेप्यनिच्छो भवितास्मि नाथ:?’ પ્રભુ એવો સમય ક્યારે આવશે કે મોક્ષની પણ ઈચ્છા નહિ હોય. મોક્ષ થવાનો છે, થશે; પણ એની ઈચ્છા નહિ હોય! દુન્યવી પદાર્થોને પ્રાપ્ત કરવાની ઈચ્છા તો નહિ હોય. મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ઈચ્છા નહિ હોય. એ યથાખ્યાત ચારિત્ર વખતે આવે. અત્યારે ન આવે. પણ, એવી એક ભૂમિકા પણ આવે છે જ્યારે મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી.

આપણા કવિ ઉશનસ. એમણે એક સરસ પ્રાર્થના કરી; પ્રભુને. મને કોઈ ઈચ્છાનું વળગણ ન હોવું. પ્રાર્થનાનો પૂર્વાર્ધ. મને કોઈ ઈચ્છાનું વળગણ ન હોવું. પછી ઉત્તરાર્ધ – આ પણ ઈચ્છા છે એ પણ ન હોવું. મને કોઈ ઈચ્છાનું વળગણ ન હોવું, એ પણ ઈચ્છા થઇ ગઈ; એ ઈચ્છા પણ ન હોય.

તો સદ્ગુરુ તમારા ઉપર કામ કરે છે. ઊંડું કામ કરવા માંગે છે. સદ્ગુરુ તરફથી ગેરંટી કે તમને તમારા ઘરમાં પ્રવેશ કરાવવો. આત્મઘરની અનુભૂતિ તમને કરાવવી. સદ્ગુરુ તૈયાર છે, તમે તૈયાર થઈને કાલે આવજો.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *