Siddhi Sadhna Updhan Tap – Vachana 15

1 View
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુનું કાર્ય – સામૂહિક અને વ્યક્તિગત

સદ્ગુરુ સમૂહ ઉપર પણ કામ કરે, વ્યક્તિ ઉપર પણ કામ કરે. સદ્ગુરુ એક સમૂહ ઉપર પ્રાર્થનાથી, પ્રેમથી અને શબ્દોથી કામ કરે છે. પ્રભુ! બધાને નિર્મળ હૃદયની ભેટ તારા તરફથી મળવી જોઈએ – આ પ્રાર્થના મારી રોજ ચાલુ છે. અને જ્યારે પણ તમે આવો, મારા પ્રેમ થી તમારું હૃદય ભરાઈ જાય, એવી એક વિચારધારા-ભાવધારા મારી પાસે હોય છે.

અને મારા પ્રવચનો દ્વારા, વાચના દ્વારા તમારી ભીતર સાધના માટેની, પ્રભુના પ્રેમ માટેની એક ભૂખ જાગે, તો હું માનું કે મારા શબ્દો તમારા સુધી પહોંચી ગયા. સમૂહમાં આ ત્રણ રીતે હું સાધના માટેની, ભક્તિ માટેની એક પાત્રતા માત્ર જગાવું છું; એમાં તમે totally surrender ન હોવ તો પણ ચાલે.

પણ જ્યારે હું તમને personal સાધના આપું અને એને તમારે ઘૂંટવાની છે, ત્યારે સદ્ગુરુ પ્રત્યેનું તમારું સંપૂર્ણ સમર્પણ જોઈએ. અધિકારી વ્યક્તિત્વો હોય, તે Personal સાધના મેળવી શકે. એક જ શરત છે – એ totally surrendered હોવો જોઈએ; સંપૂર્ણ સમર્પિત.

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુ કૃપા કરે, સદ્ગુરુ દોષમાંથી મુક્તિ અપાવે અને તમારી જાગૃતિથી પણ દોષમુક્તિ થઈ શકે છે. સદ્ગુરુનું કામ તમારા પર ચાલુ છે. સદ્ગુરુ તમને દોષમુક્ત પણ બનાવે, સાધનાની પગથાર ઉપર ચલાવે પણ ખરા.

સદ્ગુરુ બે રીતે કામ કરે છે – સમૂહ ઉપર પણ કામ કરે, વ્યક્તિ ઉપર પણ કામ કરે. સદ્ગુરુ એક સમૂહ ઉપર પ્રાર્થનાથી, પ્રેમથી અને શબ્દોથી કામ કરે છે. અત્યારે મારું કામ તમારા ઉપર ત્રણ રીતે થઈ રહ્યું છે. પહેલી વાત પ્રાર્થના. રોજ પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ બધાને નિર્મળ હૃદયની ભેટ તારા તરફથી મળવી જોઈએ.

અહીંયા ધર્મચક્ર તીર્થમાં સાધના કરવા માટે જે પણ વ્યક્તિત્વો આવેલા છે, એ બધા જ વ્યક્તિત્વોને પ્રભુ તારા તરફથી નિર્મળ હૃદયની ભેટ મળવી જોઈએ – આ પ્રાર્થના મારી રોજ ચાલુ છે. બીજું સદ્ગુરુનો પ્રેમ. શબ્દો તો પાછળથી આપીશ, પણ ચોવીસ કલાક મારે તમને પ્રેમ આપવો છે. જ્યારે પણ તમે આવો; મારા પ્રેમથી તમારું હૃદય ભરાઈ જાય એવી એક વિચારધારા-ભાવધારા મારી પાસે હોય છે. અને ત્રીજી વાત શબ્દો. પ્રવચનો દ્વારા, વાચના દ્વારા તમારી ભૂખને ઉઘાડવામાં આવે.

કોઇ પણ જગ્યાએ રીસેપ્શન હોય, ભોજન હોય ત્યાં પહેલા એપીટાઈઝર આપવામાં આવે છે – સફરજનનો રસ, બીજા કોઈ જ્યુસ, એટલાં માટે કે એ ભૂખ ઉઘાડે. મારા શબ્દો તમારી ભીતર સાધના માટેની, પ્રભુના પ્રેમ માટેની એક ભૂખ જગાડે તો હું માનું કે આ શબ્દો તમારી સુધી પહોંચી ગયા. તો સમૂહો ઉપર, એક સમૂહ ચેતના ઉપર સદ્ગુરુ ત્રણ રીતે કામ કરે છે – પ્રાર્થનાથી, પ્રેમથી અને શબ્દોથી.

પ્રાર્થના એટલાં માટે કે સદ્ગુરુને પોતાની શક્તિ પર ઓછો વિશ્વાસ છે. કહો કે વિશ્વાસ છે જ નહિ. સદ્ગુરુને માત્ર પરમાત્મા પર જ શ્રદ્ધા છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે પરમચેતના પરમસક્રિય, પણ ગુરુચેતના પરમનિષ્ક્રિય. કારણ – અમારે અમારી ઈચ્છાથી કશું જ કરવાનું નથી. અમને તો જે આજ્ઞા મળે એ પ્રમાણે અમે કામ કરવાના. પ્રભુ કહેશે કે ભાઈ જાઓ આ લોકો આવ્યા છે, એમને કંઇક આપો. બસ, પ્રભુની આજ્ઞા થાય; આપી દઈએ. પણ સદ્ગુરુ ચેતના પોતાના તરફથી પરમ નિષ્ક્રિય છે. સદ્ગુરુચેતના માને છે કે પરમચેતના જ પરમસક્રિય છે. સદ્ગુરુ ચેતના એણે કશું જ કરવાનું નથી પોતાની ઈચ્છાથી. અમારી પાસે કોઈ ઈચ્છા નથી. માત્ર એની આજ્ઞા, માત્ર એની ઈચ્છા. અમે કામ કરીએ; પણ કર્તૃત્વ તો પ્રભુનું છે, અને કર્તૃત્વ પ્રભુનું હોવાને કારણે અમે કાર્ય કરવા છતાં નિષ્ક્રિય છીએ. કારણ, કાર્યનો કોઈ બોજ નથી, બોજ બધો એના ઉપર.

હું ઘણીવાર કહેતો હોઉં. એક ભાઈ હતા. નાનકડા ગામના. ખેતરમાં રહે. ઘરે પણ ગાય-ભેંસ હતા. તો ખેતરમાં ઘાસ થયેલું હોય. ઘરમાં ગાય-ભેંસ છે. એના માટે એકવાર ઘાસ લઇ જવાનું હતું. પાંચ મણ ઘાસનો લગભગ ભારો બાંધ્યો. ખેતરેથી ઘરે જવા માટે ઘોડો રાખેલો. એ ભાઈ ઘોડા ઉપર બેઠાં. અને પછી પોતાના માથા ઉપર ઘાસનો ભારો મુક્યો. જે મળે એ પૂછે, અરે પણ! તે માથા ઉપર ભારો કેમ લીધો? તો પેલો શું કહે? કેમ, બધો ભાર કંઇ ઘોડો ઉપાડે? મારી પાંચ મણની કાયા એનો ભાર પણ ઘોડો ઉપાડે અને ઘાસનો ભાર પણ ઘોડો ઉપાડે? હું થોડું ઉપાડું ને! પણ તું ઉપાડે, તું ઘોડા ઉપર બેઠેલો છે, ભાર ક્યાં જવાનો? તો સદ્ગુરુ ચેતના આ સમજે છે. તમે પણ આ સમજી જાઓને તો કામ થઈ જાય! ઘોડા ઉપર બેઠા છીએ, પછી માથા ઉપર ઘાસનો ભારો શા માટે? ઘોડા ઉપર જ મૂકી દો.! પરમચેતના બધું જ કરી દે છે. તમે શેની ચિંતા કરો છો? બધો જ ભાર પરમચેતના ઉપર મૂકી દો.!

આજે તો પુરા વિશ્વમાં પ્રાર્થનાનું એક વાવાઝોડું જામ્યું છે. અમેરિકા અને યુરોપમાં ક્રીસ્ચિયાનીટી ને કારણે પ્રભુ પરની શ્રદ્ધા બહુ જ વધેલી છે. આપણી હિંદુ સંસ્કૃતિ પાસે પણ, પરમાત્મા પ્રત્યેની માત્ર શ્રદ્ધા છે. આફ્રિકા જેવા દેશોની અંદર પણ પ્રાર્થનાનું વાવાઝોડું ફુંકાયું છે. એક બહુ સરસ પુસ્તક બહાર આવ્યું છે : Opening doors within. ગુજરાતી version પણ એનું આવ્યું, “ઉઘડતા દ્વાર અંતરના.” પ્રાર્થનાનું પુસ્તક છે. પણ આપણને લાગે કે એમાં human touch નથી, Divine touch છે – પરાવાણી તમને લાગે. એ પુસ્તક એઈલન કેડી નામની લેખિકા એ લખ્યું છે. એ લેખિકા ઇઝરાયેલમાં ગયેલી. ઇઝરાયેલમાં એક વસાહત છે. કીબુત્સો. એ લોકો એકદમ પ્રાચીન પદ્ધત્તિથી જીવે છે. electricity નહિ. કોઇ પણ યંત્રો નહિ. ખેતી પણ હળથી. ઘરોની અંદર નાનકડા ફાનસ. ચુલાથી રસોઈ. તો એ સંસ્કૃતિને જાણવા માટે લેખિકા ત્યાં ગઈ. અને લેખકને તો શું હોય? એક વસ્તુ જાણે એટલે આખું પુસ્તક લખાઈ જાય. વિદેશની અંદર એક સારો લેખક, સારું પુસ્તક લખવાનો હોય તો પ્રકાશક પહેલેથી એને લાખ-બે લાખ ડોલર આપી દે છે.

અમે તીથલ ગયેલા. ત્યાં ઓશિયન મહેતા નામના બહુ સારા એક લેખક મળેલાં. એ લેખકે કહ્યું; કે વિદેશની એક પ્રકાશન સંસ્થા મારા પુસ્તકને પ્રકાશિત કરવાની હતી. પુસ્તકનો વિષય હતો. ભારતના બંદરો. એટલે મારે મુખ્ય-મુખ્ય બંદરો જે છે એની મુલાકાત લેવાની હતી, એના ફોટોગ્રાફસ લેવાના હતા અને પછી પુસ્તક લખવાનું હતું. તો પ્રકાશકે સૌથી પહેલાં મને પચાસ હજાર ડોલર આપી દીધા. એટલા માટે કે તમે જે પણ બંદર ઉપર જાઓ, ત્યાં five star હોટલમાં રહો, અને જે ખર્ચ આવે એ, અને તમારી મુસાફરીનો, ફ્લાઈટમાં જાઓ એનો ખર્ચ આવે એ બધું પહેલાથી આપી દે; અને પછી પુસ્તક બહાર પડે,એની રોયલ્ટી મળ્યાં કરે.

તો એલિયન કેડી કિબુત્સોમાં ગયા. બહુ જ સરસ લાગ્યું. ચુલાથી રસોઈ બને ને એનો સ્વાદ આખો અલગ હોય. એ taste એમને માણ્યો. ખેતીની પદ્ધત્તિ જોઈ. માટીના મજાના ઘરો જોયા. રાતના નવેક વાગેલા. ફાનસો બુઝાઈ ગયાં. લોકો વહેલા સુઈ જાય અને વહેલા ઉઠે. અને એ વખતે લેખિકાના મનમાં ઉપરથી એક વિચારોનો પ્રવાહ આવવા લાગ્યો. નવાઈમાં પડી ગયા. એમની પાસે ભક્તિની કોઈ ધારા હતી નહિ. આ શું થઈ રહ્યું છે? પણ એટલાં સરસ વિચારો હતા કે એમને થયું કે આ અત્યારે લખી નહિ લઉં તો સવારે મને યાદ નહિ રહે. પણ અંધારામાં લખવાની પ્રેક્ટીસ નહિ. ફાનસો બધા બુઝાઈ ગયેલા. અડધો કિલોમીટર દૂર public toilet હતું. એની બહાર લાઈટ હતી. એ લાઈટમાં જઈને ઉભા-ઉભા એમણે આ પુસ્તક લખ્યું. પ્રસ્તાવનામાં એ લખે છે કે આ પુસ્તક પ્રભુએ લખાવડાવ્યું છે, મેં લખ્યું નથી.

તો સદ્ગુરુ તમારાં માટે પ્રાર્થના કરે છે કે પ્રભુ આ બધાને નિર્મળ હૃદય તું આપી દે. પછી પ્રભુએ શું કહ્યું ખબર છે? કહું? પ્રભુએ કહ્યું; હું તો તૈયાર છું, લેનાર જોઈએ ને એમાં! લેનાર તૈયાર છે?

તો પ્રાર્થનાથી, પોતાના પ્રેમથી અને શબ્દોથી સદ્ગુરુ સમૂહ ચેતના ઉપર કામ કરે છે. અને એ પછી વ્યક્તિગત ચેતના ઉપર કામ કરે છે. એક વ્યક્તિ – એક સાધક સદ્ગુરુ પાસે આવ્યો, સદ્ગુરુને લાગે કે એની જન્માન્તરીય ધારા ભક્તિની છે. તો સદ્ગુરુ એને કહેશે કે તારે આ પુસ્તકો વાંચવાના; આ જ વાંચવાના, બીજા નહિ વાંચવાના, મને પૂછ્યા વિના આના સિવાયનો કોઈ ગ્રંથ તારે વાંચવાનો નહિ! લલિતવિસ્તરા વાંચવાનું, નારદનું ભક્તિસૂત્ર વાંચવાનું, પણ આ સિવાય બીજું કાંઈ તારે વાંચવાનું નહિ. સદ્ગુરુની બે-ત્રણ-ચાર વાચનાઓ ચાલતી હોય, તો પણ કહી દે કે મારી લલિતવિસ્તરા પરની વાચનામાં તારે આવવાનું, બીજી વાચનામાં નહિ આવવાનું. એથી પણ પછી આગળ વધીને સદ્ગુરુ શું કરે?

કલાપૂર્ણસુરિદાદા જેવા ભક્તિયોગાચાર્ય નજીકમાં હોય તો ગુરુ પોતાના એ શિષ્યને કલાપૂર્ણસુરિદાદા જોડે મોકલે; કે ત્યાનું વાતાવરણ આખું ભક્તિનું છે, અને તારી ધારા જે છે એ ત્યાં આગળ પુષ્ટ થશે. સદ્ગુરુઓમાં કોઈ ભક્તિયોગને લઈને આગળ ચાલે, કોઈ સાધનાને લઈને આગળ ચાલે. શા માટે? કે જે સાધક ભક્તિયોગની ધારાવાળો છે એ ભક્તિયોગાચાર્ય પાસે જાય અને ત્યાં આખું વાતાવરણ ભક્તિનું હોય; બધા જ શિષ્યો ભક્તિની ધારામાં ઝૂમી રહ્યા હોય. સાધનાચાર્ય કોઈ છે તો એમની પાસે પ્રભુની મજાની સાધનાનું એક વાતાવરણ હોય – વૈરાગ્ય, વિતરાગદશા એની વાતો ચાલતી હોય; અને બધા જ શિષ્યો પણ વિતરાગદશા તરફ યાત્રા કરી રહેલા હોય. તો વ્યક્તિગત રૂપે personal સાધના આ રીતે તમને અપાય છે.

તો સદ્ગુરુનું કામ અત્યારે સમૂહચેતના ઉપર ચાલુ છે. દિવસોથી વાચના આપી રહ્યો છું એટલે એક સમૂહચેતના ઉપર મારું કામ ચાલી રહ્યું છે. Personal સાધના અધિકારી વ્યક્તિત્વો જરૂર મેળવી શકે. પણ એક શરત – totally surrender હોવો જોઈએ, સંપૂર્ણ સમર્પિત. અહીંયા તો હું શું કરું છું? સાધના માટેની, ભક્તિ માટેની એક પાત્રતા જગાવું છું, અત્યારે હું કામ આ કરું છું. અને એટલે એમાં તમે totally surrender ન હોવ તો પણ ચાલે. પણ જ્યારે હું તમને personal સાધના આપું, અને એને ઘૂંટવાની છે ત્યારે સદ્ગુરુ પ્રત્યેનું તમારું સંપૂર્ણ સમર્પણ જોઈએ.

સદ્ગુરુ કઈ રીતે તમારા ઉપર નજર રાખે છે એની એક મજાની ઘટના કહું. એક ગુરુએ શિષ્યને એક સાધના આપી. રાગ-દ્વેષ-અહંકાર શિથિલ બને એવી એક મજાની સાધના હતી. પંચસૂત્રની સાધના ત્રિપદી. જે સાધના ત્રિપદી અહંકારને શિથિલ કરે; અને અહંકાર શિથિલ બને એટલે રાગ અને દ્વેષ પણ શિથિલ બને. તો આ સાધના ત્રિપદી ગુરુએ શિષ્યને આપી, અને એને કહ્યું કે દસ વરસ સુધી તું આને ઘૂંટ. તમને કહ્યું હોય તો? પહેલું પંચસૂત્ર – દસ વરસ ઘૂંટવાનું. સાહેબ બીજું શું? બીજું કંઈ નહિ! બીજું કંઈ વાંચવાનું નહિ, બીજું કંઈ વિચારવાનું નહિ, માત્ર એ સાધના ત્રિપદીને ઘૂંટવાની. દસ વરસ, એ શિષ્યે, સાધનાને ઘૂંટી, અને એ ગુરુ પાસે આવે છે. ગુરુએ એને એક એકાંત તીર્થમાં મોકલેલો કે જ્યાં એના શરીર માટેની બધી સુવિધા હતી, અને એકાંતને કારણે પ્રભુની ભક્તિ અને સાધનામાં એ પૂરો સમય આપી શકતો. દસ વરસ થયા! ગુરુ પાસે આવ્યો. ગુરુએ એના ચહેરાને જોયો. ચહેરાને જોતાં ગુરુ બે વાત સમજી ગયા. પહેલી વાત એ કે શિષ્યના મનમાં એવો એક ભ્રમ થયો કે આ સાધના મેં ખરેખર ઘૂંટી લીધી છે. ગુરુને ખ્યાલ આવી ગયો કે સાધના વિચારના સ્તર ઉપર ઘૂંટાઈ છે, ભાવનના સ્તર ઉપર ઘૂંટાઈ નથી.

સાધના જગતમાં વિચારોનું બહુ મુલ્ય નથી. ભાવના અને ધ્યાન. ભાવન કરો – ઘૂંટો..ઘૂંટો..ઘૂંટો… નમસ્કાર ભાવને – શરણાગતિને એવી રીતે ઘૂંટો કે તમારો અહંકાર નીકળી જાય.

સાધના ત્રિપદીમાં પહેલું શું આવે? શરણસ્વીકાર. બોલો, તમને પૂછું? પ્રભુના શરણનો સ્વીકાર, થઈ જાય ને? અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. થઈ જાય? તકલીફ ક્યાં પડે? સાહુ શરણં પવજ્જામિ. સદ્ગુરુનું શરણ સ્વીકાર બહુ મોટી વસ્તુ છે. ભગવાન તમને લાફો ઠોકવાના નથી, ભગવાન કડક શબ્દો કહેવાના નથી. ભગવાન કહે, એ કામ ગુરુ કરે, હું ન કરું! અગણિત જન્મોમાં સાધના મળી. ચુક્યા ક્યાં? અહીંયા ચુક્યા – સદ્ગુરુનું શરણસ્વીકાર ન થઈ શક્યું! સદ્ગુરુએ પોતાને ફાવતી આજ્ઞા આપી તો સ્વીકાર, તમારી ઈચ્છાની વિરુદ્ધની આજ્ઞા આપી અસ્વીકાર. કદાચ શરીરના સ્તર ઉપર એ આજ્ઞાને તમે સ્વીકારી પણ લો, પણ મનનું સ્તર? બસ, આ ચૂકને કારણે અગણિત જન્મોની સાધના નિષ્ફળ ગઈ.

આ જનમમાં શું કરવું છે, બોલો હવે? આ જનમમાં શું કરવું છે? તમારી સાધના ઓછી નથી. ઉપધાનના સાધકોની પણ સાધના ઓછી નથી, પણ આ સાધનાનું result મળવું જોઈએ. એ Result ક્યારે મળે? શરણ સ્વીકાર હોય ત્યારે. શરણસ્વીકાર આવે એટલે અહંકાર જાય.

ઘણીવાર છે ને ઘણા લોકો પત્રમાં છેલ્લે લખે આપનો ચરણરજ ફલાણો, ફલાણો. હવે હું એને ઓળખતો હોઉં. અહંકારનું પુતળું હોય અને લખે ચરણરજ. ત્યારે મને થાય કે આ રજ છ બાય દોઢની! મારા પગ નીચે આવે તો હું ઉથલી પડું! ચરણરજ કેવી છે બધી?

ભાગવતમાં એક સરસ પ્રસંગ આવે છે. જેમાં ભક્ત કહે છે; ‘आसामहो चरणरेणुजुषामहं स्यां’.  ભક્ત કહે છે કે વૃંદાવનની અંદર ભક્ત બનવું, ગોપી તરીકે જનમવું એ તો બહુ મોટી વાત છે. પણ હું તો ઈચ્છું છું કે વૃંદાવનની અંદર એક વેલડી રૂપે, એક છોડ રૂપે, કે એક ઝાડ રૂપે મારો જન્મ થાય; અને એ ગોપીઓ જે પ્રભુના દર્શન માટે જતી હોય એમની ચરણરજ મને મળે! ‘आसामहो चरणरेणुजुषामहं स्यां’

તો સદ્ગુરુના શરણનો સ્વીકાર અઘરો છે.. અઘરો છે ને? સદ્ગુરુએ તમને પૂછવું પડે છે કે ભાઈ આ કામ ફાવશે તને? અહીંયા જવાનું છે આમની સાથે, તને ફાવશે? એ વખતે તમારી આંખમાંથી આંસુ નીકળવા જોઈએ! કે ગુરુદેવ! તમે મને પૂછો છો કે ફાવશે? અરે આપની આજ્ઞા જોઈએ, બીજું કાંઈ જ મારે ન જોઈએ. મારી પાસે કોઈ જ બીજો વિચાર નથી. આપે કહ્યું અહી જવાનું; એટલે જવાનું. મારા મનમાં કોઈ જ વિચાર નથી, કોઈ દુવિધા નથી. સદ્ગુરુએ કારણ આપવું પડે એ પણ શિષ્યની અપાત્રતા છે.

પરંપરામાં ઘટના આવે છે. ગુરુદેવે સાંજે બે સાધુઓને કહ્યું કે તમારે એક જગ્યાએ એક મહાત્મા વૃદ્ધ છે, એમની સેવા માટે જવાનું છે. સવારે એ બંને મહાત્મા ભેટ બાંધી, તૈયાર થઈ ગુરુદેવ પાસે આવ્યા. દ્વાદ્શાવર્ત વંદન કર્યું અને ગુરુ કહે છે કે તમારે નથી જવાનું. ત્યાં સુધી એ વાંધો નહિ. કદાચ રાત્રે સમાચાર આવ્યા હોય કે એ મહાત્મા કાળ કરી ગયા છે તો પછી જવાનો કોઈ મતલબ નથી. ગુરુએ કહ્યું; તમારે જવાનું નથી. એ બંને જણા ભેટ છોડી, આસન ઉપર બેસી સ્વાધ્યાય કરવા માંડ્યા. અને એ વખતે ગુરુ બીજા બે સાધુઓને બોલાવે છે; અને કહે ચાલો તૈયાર થાઓ, તમારે જવાનું છે. પેલા બે જુવે છે કે ગુરુએ અમને ના પાડી અને પેલા બે ને મોકલી રહ્યા છે. શું થાય એ વખતે? બોલો. એક સુક્ષ્મ અહંકાર હોય તો પણ શું થાય? શું અમે કાંઈ ખોટા હતા? અમે સેવા ન કરત! ગુરુએ સાંજે કીધું. અમે સ્વીકારી લીધું. અમે તૈયાર થઈને ગયા. તો કહે તમારે નથી જવાનું અને બીજાને મોકલ્યા. થઈ જાય આવું? પણ આ બે મુનિઓને કોઈ વિકલ્પ થતો નથી! વિચાર નથી આવતો! ગુરુ – Guru is the supreme boss. ગુરુને લાગ્યું કે આમને મોકલવા છે તો આમને મોકલે, અમારે તો માત્ર ગુરુની આજ્ઞા સ્વીકારવાની છે, એ આજ્ઞા પ્રત્યે કોઈ વિકલ્પ કરવાનો નથી. માત્ર આજ્ઞાનો સ્વીકાર.! અને એટલે શરણ – સ્વીકાર અઘરો છે. અમે લોકો એવી આજ્ઞા આપવા ઈચ્છીએ છીએ, જેથી તમારી ઈચ્છા ખતમ થાય. બોલો બરાબરને? Personal કામ આ રીતે થશે. તમારી ઈચ્છા કદાચ હશે તો ઈચ્છાનો ખાત્મો બોલાવી દેવાનો. આ રીતે personal base ઉપર કામ થશે.

પેલો શિષ્ય દસ વરસ સાધના કરીને આવે છે. ગુરુએ જોયું કે એ એમ માને છે કે હું સાધનાના શિખર ઉપર ચડી ગયો. સાલું તળેટીનું ઠેકાણું નથી, અને કહે છે હું શિખર ઉપર પહોંચી ગયો! એ આવ્યો. વંદન કર્યું. ગુરુએ સીધું જ કહ્યું, તું એમ માને છે કે તારી સાધનાની નાવ વહેતી થઈ ગઈ. ભાઈ એટલું પાણી જ નથી આવ્યું, સાધનાની નાવ ચાલે કેમ? પાણી ન હોય તળાવમાં કે નદીમાં. તો નાવ ચાલે? તારા મનની અંદર ભાવનાનું કે ધ્યાનનું એવું પાણી જ નથી કે સાધનાની નાવ ચાલી શકે. જા ફરીથી. બીજા દસ વરસ, આ સાધનાને ઘૂંટવા માટે એ જાય છે. છે આટલું ધૈર્ય પણ? આટલી ધીરજ છે?

અનંતકાળની સંજ્ઞાઓને કાઢવાની છે; ધીરજ તો જોઇશે જ! સંજ્ઞાઓને કાઢવી અઘરી કેમ પડે છે? અનંતકાળની છે માટે તો ખરું જ; પણ બીજું કારણ એ છે કે સંજ્ઞા જોડે તમે છો, તમે આજ્ઞા જોડે નથી. તમે કોની સાથે? કોની સાથે? બોલો? સંજ્ઞાની સાથે કે આજ્ઞાની સાથે? ઈચ્છાની સાથે કે પ્રભુની આજ્ઞા સાથે? જ્યાં સુધી ઈચ્છા છે, ત્યાં સુધી અહંકાર છે; અને અહંકાર છે ત્યાં સુધી સાધના ત્રિપદી ઘૂંટાઈ નથી. ફરી દસ વરસ, એ સાધનાને ઘૂંટી, શિષ્ય ગુરુ પાસે આવ્યો. ગુરુએ એનો ચહેરો જોઈ લીધો; અને કહ્યું કે તે ભાવન કર્યું છે; અને ભાવન કર્યું છે માટે એટલું પાણી જરૂર આવ્યું છે કે નાનકડી નાવ તરી શકે,પણ આપણે તો સ્ટીમર તરાવવી છે. નાનકડી હોડી તરે એથી આપણું કામ થાય એમ નથી, આપણે સ્ટીમર તરાવવાની છે! જા ફરીથી! ફરી દસ વરસ.! અને એ દસ વરસ એવા ગયા કે એ ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો. ત્રીસ વરસે એની સાધના ઘૂંટાઈ અને ગુરુ પાસે આવે છે. ગુરુ ઉપાશ્રયમાં બેઠેલા આ રીતે. અને શિષ્ય આમ આવે છે. શિષ્યનો ચહેરો જોયો. ગુરુ સમજી ગયા. પામી ગયો આ! ગુરુ પોતે પાટ ઉપરથી નીચે ઉતરી સામે જાય છે, અને એને બાહોમાં લે છે. કે વાહ! હવે તું ખરેખર પામી ગયો!

સદ્ગુરુ આ રીતે તમારાં ઉપર personally કામ કરવા ઈચ્છે છે. બરોબર? સમુહમાં તો ઘણું થઈ ગયું. સમૂહચેતના ઉપર કામ ચાલુ જ રહેવાનું છે, પણ વ્યક્તિગત ચેતના ઉપર આ રીતે ધ્યાન આપીને કામ કરી શકાય છે. ત્રીસ વરસ સુધી એક સાધનાને ઘૂંટવી સહેલું કામ લાગે છે? સાહેબ કંઇક નવું આપો ને? નવાની ઈચ્છા કેમ રહે છે? કારણ કે મન છે! મનને નવીનતા જોઈએ છે, પણ નવું-નવું વિચારવાથી કંઇ કામ થતું નથી. આપણે તો વિચારોને પેલે પાર ભાવન અને ધ્યાન સુધી જવાનું છે, અને એ રીતે જઈને આપણે આપણી સાધનાને પુષ્ટ કરવાની છે. 

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *