વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : દોષમુક્તિ
મૂર્તિનું નહિ, આંગીનું નહિ; પ્રભુ નું દર્શન. એટલે કે વીતરાગદશા, સમભાવ આદિ પ્રભુના ગુણોનું દર્શન અથવા પ્રભુની નિર્મળ દશાનું દર્શન. રાગ-દ્વેષ-અહંકાર જ્યાં સંપૂર્ણતયા વિલીન થયેલા છે એવા પ્રભુના નિર્મળ સ્વરૂપનું દર્શન કરીને આપણે પણ નિર્મળ બનવું છે; દોષમુક્ત બનવું છે.
પ્રભુના વચનનું પાલન ન થાય અને આંખોમાંથી આંસુ વહી નીકળે; આંસુની એ ધાર તમને દોષમુક્ત બનાવે. પ્રભુપ્રેમથી હૃદય ભરાયેલું હોય, તો પણ એમાં દોષો માટે અવકાશ નહિ રહે. અને તમારું જો total surrender હોય, તો સદ્ગુરુ પણ તમને દોષમુક્ત બનાવી દે.
આંતર-નિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ – આ ત્રિપદીથી પણ તમે દોષમુક્ત બની શકો. આંતર-નિરીક્ષણ થી તમે તમારા દોષને જોઈ શકો. સંકલ્પ કરો કે આ દોષ અઠવાડિયા માટે તો જોઈએ જ નહિ. અને પછી કદાચ નિમિત્ત મળી જાય અને એમાં જવાનું થાય તો તરત જ જાગૃતિ કે મારે આમાં જવાનું નથી.
સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ – વાચના – ૨
પ્રભુએ આપેલી એક-એક વ્યવહાર સાધના, નિશ્ચય સાધનામાં રૂપાંતરિત થાય. પ્રભુનું દર્શન હોય, પ્રભુની પૂજા હોય કે સ્વાધ્યાય હોય, કોઈ પણ વ્યવહાર સાધના એવી નથી કે જે નિશ્ચય સાધનાને ન સ્પર્શે. પ્રભુનું દર્શન કરીએ, ત્યારે ખરેખર શેનું દર્શન થાય છે? આપણે શબ્દ પ્રયોગ શું કરીએ? પ્રભુનું દર્શન કરીને હું આવ્યો; મૂર્તિનું નહિ, આંગીનું નહિ; પ્રભુનું દર્શન! એટલે કે વિતરાગદશા સમભાવ આદિ પરમાત્માના ગુણોનું દર્શન કરીએ, અથવા પ્રભુની નિર્મલદશાનું દર્શન કરીએ. દર્શન પ્રભુના ગુણનું પણ થશે, પ્રભુના સ્વરૂપનું પણ થશે. પ્રભુનું સ્વરૂપ શું? નિર્મલ દશા.. રાગ-દ્વેષ, અહંકાર સંપૂર્ણતયા વિલીન થયેલા છે.
એ પ્રભુના નિર્મળ સ્વરૂપનું દર્શન કરતાં; આપણને પણ આંશિક નિર્મળતાની પ્રાપ્તિ થઇ શકે. આમ પણ તમે બધા કોમર્શીયલ mind ના માણસો તો ખરા ને! કંઈક મળવું તો જોઈએ ને? આટલા પગથિયાં ચડી પાર્શ્વનાથ દાદાનું દર્શન કરીએ, અને ખાલી હાથે પાછા ફરીએ એ કંઈ ચાલે ખરું? પ્રભુને પણ ન ગમે અને આપણને પણ ન ગમે!
તો પ્રભુની નિર્મળદશાનું દર્શન કરીને આપણે નિર્મળ બનવું છે. એના માટે પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજે સાત ચરણો આપ્યાં છે. એવા સદ્ગુરુની આંગળી પકડીને ચાલીએ તો આપણે ધર્મચક્ર તીર્થમાં છીએ ને, ત્યાં સુધીમાં જ નિર્મળદશાની પ્રાપ્તિ થઇ જાય. મારા તરફથી ગેરંટી, બોલો! If you are ready! તમે તૈયાર હોવ તો સદ્ગુરુનો કૉલ – તમને નિર્મળ બનાવી દઈએ! બનવું છે? આપણી ભીતર રાગ-દ્વેષ, અહંકાર આવે, તરત જ delete થઇ જાય; અને આપણી આ ચાદર- જીવનની ચાદર – પ્રભુએ આપેલી ચાદર સ્વચ્છ ને સ્વચ્છ રહે, એવું કરવું છે?
કબીરજીએ બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે પ્રભુ! જીવનની ચાદર તે મને સોંપેલી, નિર્મળ-નિર્મળ; એવી જ નિર્મળ ડાઘડૂઘ વગરની ચાદર તને હું સોંપું છું. બહુ પ્યારા શબ્દો આવ્યાં; ‘સો ચાદર સુરનર મુનિ ઓઢી, ઓઢી કે મેલી કીની ચદરિયા’ ઘણા બધાએ ઓઢી આ ચાદર, મેલી થઇ ગઈ! ‘દાસ કબીર જતન સે ઓઢી, જ્યું કી ત્યું ધરી દિની ચદરિયા’ પ્રભુ નિર્મળ નિર્મળ ચાદર ( જીવનની ) તારા ચરણોમાં હું સમર્પિત કરું છું. ‘દાસ કબીર જતન સે ઓઢી’..! આ ચાદરને એવી રીતે ઓઢવી છે, કે ડાઘડૂઘ લાગે નહિ, અને ડાઘ લાગે તો તરત જ એને દૂર કરી દેવાય.
તમે ચા પીતાં હોવ, શર્ટ પર ચાનો ડાઘ પડ્યો, તમને ખ્યાલ છે, કે ચા નો ડાઘ પાણીથી તરત જતો રહે, અને સુકાઈ ગયા પછી એને કાઢવામાં તકલીફ પડે છે. અડધો કપ ચા પીવાઈ ગઈ છે, અડધો કપ ચા બાકી છે; તમે એ કપને ટેબલ ઉપર મૂકી સીધા વોશ બેસીન પાસે જાવ છો, અને ડાઘ કાઢી નાંખો છો. “દાસ કબીર ‘જતન’ સે ઓઢી” જતન નો અર્થ આ છે- એવી તમારી જાગૃતિ હોય, એવી તમારી સાવધાની હોય, કે સહેજ રાગ કે દ્વેષનો ડાઘ લાગ્યો, તરત જ તમે એને ધોઈ નાંખો. તમે ધુઓ તો પણ વાંધો નથી. નાનું બાળક હોય, એનું શર્ટ મેલું થયું, ડાઘડૂઘવાળું થયું, એને ધોતાં ન આવડે; મમ્મી ધોઈ આપે. તમને ધોતાં ન ફાવે, તો સદ્ગુરુ પાસે જાવ. ગુરુમાઁ તમારા બધા જ દોષોમાંથી તમને મુક્તિ આપશે.
દોષમુક્તિ ત્રણ પ્રકારે થાય છે – પ્રભુ આપણને દોષમુક્ત કરે, સદ્ગુરૂમાઁ પણ આપણને દોષમુક્ત કરે, અને પછી તમારી જાગૃતિ એ પણ તમને દોષમુક્ત બનાવે.
પ્રભુ તમને દોષમુક્ત બનાવે. એક વચન પ્રભુનું હોય, આંખમાંથી આંસુ નીકળે; ડાઘ ધોવાઇ જાય! ભગવાને આચારાંગ સૂત્રમાં કહ્યું; ‘एत्थ अगुत्ते अणाणाए’ જે સંયમી અને જે ઉપધાનનો આરાધક ગુપ્તિ વગરનો હોય, એ મારી આજ્ઞાની બહાર છે! પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, આ અષ્ટપ્રવચનમાતા. તમે પૌષધમાં હોવ, અમે સંયમમાં છીએ; અષ્ટપ્રવચનમાતા વિના આપણને એક ડગલું પણ ચાલવાનું પોષાય નહિ. આપણે એ માતાની આંગળી પકડીને જ ચાલવાનું છે.
તો ભગવાને કહ્યું; ‘एत्थ अगुत्ते अणाणाए’ – જેની પાસે મન, વચન, અને કાયા ઉપર નિયંત્રણ નથી, ગુપ્તિ નથી એ મારી આજ્ઞાની બહાર છે. પ્રભુનું વચન આંખોમાંથી આંસુની ધાર નીતરે! પ્રભુ! એક પણ ગુપ્તિ મારી પાસે સાજી નથી! હું શું કરું? બસ, એ આંખમાંથી આંસુ નીકળ્યા; પ્રભુએ તમને દોષમુક્ત બનાવ્યાં!
પ્રભુ પણ તમને દોષ મુક્ત બનાવે, સદ્ગુરુ પણ તમને દોષ મુક્ત બનાવે. ફરક કેટલો તમને સમજાવું. ચાર વાગે ઊઠવાનું છે સવારે, એટલે અલાર્મ ક્લોર્કમાં સાડા ત્રણનો ટાઇમ તમે મુક્યો. સાડા ત્રણ વાગે અલાર્મ ક્લોર્ક જે છે એ રણઝણી ઉઠ્યું; પણ તમારે ઊંઘવું જ છે તો તમે બટન દાબી દો છો, અને સૂઈ જાવ છો. પણ સદ્ગુરુ તો હાથ પકડીને તમને ખેંચશે.. કહેશે – નહિ ચાલે આ! હું નહિ ચલાવું આ! તમારે શું કરવાનું છે? માત્ર સદ્ગુરુને કોરો ચેક આપવાનો છે! ઉપધાનમાં આવ્યાં ને, એટલે શું થયું? ઇન્ડોર પેશન્ટ બન્યાં! સુરતમાં હતાં ત્યારે આઉટડોર પેશન્ટ હતાં. વ્યાખ્યાનમાં આવ્યાં શરૂ થયાં પછી અધવચ્ચે, સર્વમંગલ પહેલાં તો રવાના! આઉટડોર પેશન્ટ હતાં; હવે ઇન્ડોર પેશન્ટ બન્યાં, ૨૪ કલાક અમારા સુપર વિઝનમાં. સુપર વિઝનમાં તો આવ્યાં, તમે પણ આવ્યાં. મુનિવરો પણ આવ્યાં. સાધકો પણ આવ્યાં. પણ, સદ્ગુરુને કોરો ચેક આપ્યો? સાહેબ! તમારી જે આજ્ઞા હોય એ, મારે વિચાર કરવાનો છે જ નહિ.
એક પ્રોફેસર હતાં. એમને એક પ્રતિષ્ઠાનું બહુ સરસ ભાષણ આપવા માટે એક જગ્યાએ જવાનું હતું. સવારે ચાર વાગ્યાની ટ્રેન હતી. રીઝર્વેશન કરાવી નાંખ્યું. હવે ત્રણ વાગે ઉઠે, સ્નાન કરી લે, ચા વિગેરે પી લે, ટેક્ષી તૈયાર હોય, સ્ટેશને પહોંચી જાય અને ચારની ટ્રેન સવારે પકડી લે. પણ પ્રોફેસરને ઊંઘ બહુ આવતી હતી, એટલે સવારે એમને જગાડવા એ બહુ મુશ્કેલીનું કામ. એમનો નોકર હતો. Morning કોલેજ હોય પ્રોફેસરની, ત્યારે ઉઠાડતા નાકે દમ આવી જતો. સાહેબ ઉઠે જ નહિ! હવે આ ચાર વાગે જવાનું છે ટ્રેનમાં. ત્રણ વાગે ઊઠવાનું છે. નોકરને કહ્યું; તારે મને ત્રણ વાગે ઉઠાડી દેવાનો. બાથરૂમમાં જઈશ. સ્નાન કરીને આવું. ચા તૈયાર હોય, ચા પી લઉં. ટેક્ષી તૈયાર રાખવાની. ટેક્ષીમાં બેસીને પોણા ચાર સુધીમાં હું સ્ટેશને પહોંચી જાઉં. પેલો કહે; સાહેબ! બીજું બધું હું કરી લઈશ! ચા તૈયાર. ટેક્ષી તૈયાર. બધું તૈયાર. પણ તમને જગાડવા શી રીતે?
આપણે ત્યાં કહેવત છે ને; ‘ઊંઘતો જાગે, પણ જાગતો જાગે નહિ’. તમે જાગતા છો બરોબર ને? એટલે તમારા માટે વધારે મુશ્કેલી પડી! અમે ગામડામાં જઈએ ને, એક પ્રવચન આપીએ ને, ૫૦ જણા ઉભા થાય, બાપજી બીડીની બાધા આપો, સિગરેટની બાધા આપો. પણ શહેરમાં ચોમાસું કરીએ, તો મહિનામાં પણ એટલું result ન મળે! પેલા ઊંઘેલા હતા; તરત જાગી જાય!
નોકર કહે; સાહેબ તમને જગાડવા શી રીતે? પ્રોફેસર કહે; જો any how, મારે જાગવું જરૂરી છે. તને કોરો ચેક આપું, બે ધોલ મારવી હોય તો ધોલ મારજે, હું ન ઉઠું તો. એથી ય ન ઉઠું તો ઠંડા પાણીની બાલટી તૈયાર રાખજે, મારા ઉપર ઢોળજે. જે કરવું હોય એ કરવાની તને છૂટ આપું છું. કોરો ચેક. પણ ત્રણ વાગે તારે મને બાથરૂમમાં મૂકી દેવાનો. પેલો કહે, સાહેબ હવે વાંધો નહિ! તમારે કોરો ચેક છે? કોરો ચેક? સંપૂર્ણ સમર્પણ? એક વાત યાદ રાખો, સંપૂર્ણ સમર્પણ જ્યાં સુધી નથી, total surrender જ્યાં સુધી નથી, ત્યાં સુધી સાધના શરૂ નથી થતી! સમર્પણ એ જ સાધનાનું પ્રવેશ દ્વાર છે; અને સમર્પણ એ જ સાધનાની શિખરાનુભૂતિ છે. અત્યાર સુધીમાં તમે સાધના નહિ કરી, એવું છે? કેટલાય જન્મોમાં સાધના કરી, પણ સમર્પણ નહતું ગુરુ પ્રત્યેનું; એથી તમારી ઈચ્છાથી તમે સાધના કરી. ઈચ્છાપૂર્વકની સાધના, એ સાધના નથી! તમને સાધના જગતનો અભ્યાસ નથી. તમે સાધના જગતમાં એક પણ ડગલું સદ્ગુરુની સહાય વિના, સદ્ગુરુના total માર્ગદર્શન વિના શી રીતે ભરી શકો? એટલે જ પેલું ગીત બહુ મજાનું છે; ‘ગુરુ એવા મળ્યા, આંગળી ઝાલીને મારી સાથે ડગલાં ભર્યા’. સદ્ગુરુ તૈયાર છે.. તમે હાથ પકડશો? કે એ હાથ પકડે? બોલો…?
સદ્ગુરુનો હાથ તમે પકડશો કે સદ્ગુરુ પકડે તમારો હાથ?
મેળામાં માઁ અને દીકરો જતાં હતાં. માઁ એ કહ્યું; બેટા! મારી આંગળી પકડી લે. દીકરાએ ના પાડી. માઁ હું તારી આંગળી નહિ પકડું. કેમ? કંઈક સરસ જોવાનું આવ્યું, હું એ જોવામાં રોકાયો અને આંગળી છૂટી ગઈ તો? તું મારો હાથ પકડ! હું તારો હાથ નહિ પકડું; તું મારો હાથ પકડ! સદ્ગુરુ માટે શું કરવું છે બોલો? તમારે એમની આંગળી પકડવી છે કે સદ્ગુરુ તમારો હાથ પકડે? સદ્ગુરુ હાથ પકડે એમ ને…? છોડશે નહિ પછી હો..! સદ્ગુરુ એવી રીતે તમારો હાથ પકડવા તૈયાર છે કે તમે મોક્ષમાં ન જાવ ત્યાં સુધી તમારો હાથ પકડી રાખે! We are ready! ગુરુ ચેતના ready છે. Are you ready? તૈયાર છો? ગુર હાથ પકડી લે; પછી હાથ ગયો તમારો! પછી બીજા કોઈને હાથ નહિ અપાય હો! તો સદ્ગુરુ તમારો હાથ પકડે; અને હાથ પકડી, અને ડગ ભરાવે! સદ્ગુરુ તૈયાર….
પેલા પ્રોફેસરે કોરો ચેક આપી દીધો- તારે કરવું હોય એ કરજે. પેલો કહે, હવે વાંધો નહ;. હવે તમને ઉઠાડી જ દઉં. ઢોલ બાંધવાનો વાંધો નથી. ઠંડી બાલટી પાણી ઢોળવાનો ય વાંધો નથી. હવે તમને જગાડે છૂટકો. એમ તમારો કોરો ચેક હોય તો અમને પણ કામ કરવાની મજા આવે.
તો દોષમુક્તિ પ્રભુ કરે, દોષમુક્તિ સદ્ગુરુ કરે. ક્યારે કરે..? ક્યારે કરે..?
ગઈકાલે મેં વાત કરેલી. આનંદમયી માઁ નો એક શિષ્ય. આનંદમયી માઁ ના ચરણોમાં પડ્યો. અને એણે કહ્યું; માઁ! ૨૦-૨૦ વર્ષથી તારી પાસે આવું છું, અને છતાં મારામાં પરિવર્તન નથી, તારે શરમાવવાનું કે મારે શરમાવવાનું? તમે ગુરુને કહી શકો, ગુરુદેવ તમારા શરણમાં આવ્યાં, અમારામાં પરિવર્તન ન દેખાય તો તમારે શરમાવવાનું, અમારે શું? જરૂર તમારી વાત અમે સ્વીકારીએ. પણ ક્યારે? તમે totally surrender હોવ ત્યારે!
આનંદમયી માઁ એ જ વાત કરી, કે બેટા! તું પહેલી વાર આવ્યો. ત્યારે મેં તને કહેલું કે તારો ગુસ્સો વધારે છે, ગુસ્સાને ઓછો કર! તારો ગુસ્સો એવો ને એવો જ છે! તું મને સમર્પિત ન હોય, તારી સંજ્ઞાઓને સમર્પિત હોય, તો હું કામ કઈ રીતે કરું?
તમે કોને સમર્પિત..? સદ્ગુરુને સમર્પિત? પ્રભુને સમર્પિત? કે તમારી ઈચ્છાઓને સમર્પિત? બોલો..? અમે તૈયાર..! તમારો હાથ પકડી તમને બહાર કાઢવા માટે તૈયાર..(વિભાવોના ખાડામાંથી) તમે તૈયાર છો? તમે સમર્પિત ન હોવ ત્યાં સુધી સમર્થ ગુરુના હાથ પણ બંધાયેલા છે. We can’t do anything for you. પણ જો તમે total surrender થયા, તો મોક્ષ આ રહ્યો! મોક્ષ ક્યાં દૂર છે? માત્ર તમારો અહંકાર જે છે, એ કચરો, આપી દો ગુરુને! અમારે બીજું કંઈ જોઈતું નથી તમારું. સોનામહોર તમારી પાસે રાખજો! તમારો કચરો અમને આપી દો! અમારે તમારો કચરો જ જોઈએ છે!
તો સદ્ગુરુ તમને દોષમુક્ત કરે, પણ ક્યારે?
બોલો તમારું કામ કેટલું સહેલું?! ખાલી એક સમર્પણ આવ્યું, તમારામાં હજાર દોષ હોય, હજાર દોષને અમે કાઢી આપશું! તમે નિશ્ચિંત!
એક રોગી હોય એ શું કરે? નિષ્ણાંત ડોક્ટર છે, ડોક્ટર પાસે એ જાય, અને કહે કે સાહેબ તમે કહો તે કરવા તૈયાર છું; મને રોગમુક્ત કરો. ડોક્ટર કહે; ok કરી દઉં. તમે બધાએ ઘણા બધા ડોક્ટરોની આજ્ઞા માની છે, બરોબર ને? માત્ર ગુરુની આજ્ઞા જ નથી માની!
ડોક્ટર કહે એટલે તહત્તિ..! ગુરુ કહે તો..? સાહેબ! વાત તો બરોબર, પણ હવે… શું પણ.?!! Total surrender માં ‘પણ’ ક્યાંથી આવે? તો કેટલું સરળ છે, બોલો? ગેરંટી સાથે કહું છું, કે તમને દોષમુક્ત બનાવી દઉં! હું તૈયાર છું! કેટલા દોષ છે, એની જોડે વાંધો નથી. 17 દોષ હોય કે 18 દોષ હોય, કે 50 દોષ હોય. અમે તૈયાર..! પણ તમને દોષો ખટક્યા છે ખરેખર?
ઘણા સાધકો મને કહે; સાહેબ! ગુસ્સો તો ખટકે, દ્વેષ ખટકે, પણ રાગ ખટકતો નથી! રાગ સુંવાળી ભૂમિ છે, લપસણી ભૂમિ છે, એટલે એમાં તમને સરવાનું ગમે છે. અહંકાર તમને સારો લાગે છે! કોઈ કહે તમે બહુ સારા; એટલે તમે એકદમ આમ ઠેકડો મારીને ઉંચે ચડી જાવ! કોનું સર્ટીફિકેટ તમારે જોઈએ? રસ્તામાં ચાલતાં માણસનું, કે પ્રભુ અને સદ્ગુરુનું? સર્ટીફિકેટ કોનું જોઈએ? અમારું સર્ટીફિકેટ જોઈએ ને? સંપૂર્ણ ઉપધાન મૌન સાથે જેણે કરેલાં હોય; એને અમારું સર્ટીફિકેટ મળે!
અહીંયા પણ સાધકો છે, જેમણે સંપૂર્ણ ઉપધાન મૌનમાં કરવાનું નક્કી કર્યું છે. એક સાધક મારી પાસે આવેલો કે સાહેબ સંપૂર્ણ મૌનમાં ઉપધાન કરવાનું નક્કી કરેલું, પણ દાદીમાં આવ્યાં છે અને દાદીમાંની બહુ ઈચ્છા છે કે પાંચ મિનિટ એમની જોડે બોલું, તો મારી પાસે રજા માંગી; મેં કહ્યું, પાંચ મિનિટ બોલજે, વાંધો નથી. તો આવી રીતે આરાધના કરનાર સાધકો અહીંયા છે!
તો પ્રભુ અને સદ્ગુરુનું સર્ટીફિકેટ તમારે જોઈએ ને? તો સદ્ગુરુ તમને દોષમુક્ત બનાવે, પ્રભુ તમને દોષમુક્ત બનાવે, અને તમે જાગૃત બની જાવ, તો તમારી જાગૃતિ દ્વારા પણ તમે દોષમુક્તિ તરફ જઈ શકો.
દોષમાંથી મુક્ત થવા માટે તમને એક ત્રિપદી આપું : આંતર-નિરીક્ષણ, જાગૃતિ અને સંકલ્પ. આ ત્રણ તત્વો એવા છે કે તમારી પાસે આવી જાય તો તમે ધીરે ધીરે દોષમુક્ત બનો.
પહેલું આંતર-નિરીક્ષણ. રોજ રાત્રે તમારી જોડે બેસો. કેટલાની જોડે બેસો છો રાત્રે? હવે કોઈની જોડે નહિ; તમારી જોડે બેસજો. અને તમારી જાતને પુછજો, આજે બપોરે ગુસ્સો કરેલો એ બરોબર હતું? તમને પોતાને સમજાશે કે એ બરોબર નહતું.
હું ઘણીવાર કહું છું કે આમ પણ હવે લાલ આંખવાળાનો જમાનો પૂરો થયો. હવે તો હસતાં ચહેરાવાળાનો જ જમાનો છે. તમે તમારા દીકરાને પણ હવે ગુસ્સાથી કહી શકતાં નથી, પણ પ્રેમથી સમજાવો.
એક વાત વચ્ચે કહી દઉં. પ્રેમનું એક સામ્રાજ્ય છે. પ્રભુ પ્રેમ વરસાવી રહ્યા છે. એક-એક ક્ષણે એનો પ્રેમ વરસી રહ્યો છે, એ પ્રેમ આપણે ઝીલવાનો છે, અને ઝીલીને બીજાને આપવાનો છે. અત્યારે હું એક જ કામ કરું છું – પ્રભુના પ્રેમને ઝીલું છું, અને એ પ્રેમ તમને આપું છું! મને ઘણા બધા કહે; તમે ગુસ્સો કેમ નથી કરતાં કોઈના ઉપર? મેં કહ્યું; પ્રેમથી કામ થઇ જતું હોય તો ગુસ્સાની જરૂર ક્યાં છે? દરેક સદ્ગુરુ પાસે પોતાની એક નવી theme હોય છે. મારી theme આ જ પહેલાંથી રહી છે, કે પ્રેમથી જ બીજાઓને સુધારવાના.
દોષમુક્ત થવા માટેનો એક shortest cut વચ્ચે બતાવી દઉં. એક સાધ્વીજી આવેલાં. સાહેબ આટલા બધા દોષ છે. આમ છે, તેમ છે. મેં કહ્યું; એક કામ કર! પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દે! તારું હૃદય ભરાયેલું હશે તો પછી દોષો માટે અવકાશ જ ક્યાં છે! No vacancy for others! અત્યાર સુધી શું કરેલું? કચરાથી હૃદય ભર્યું; અને ભગવાન માટે બોર્ડ લગાડેલું : No vacancy for you! હવે પ્રભુથી હૃદયને ભરી દો! પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દો; અને બોર્ડ લગાડો : No vacancy for others! હવે કોઈના માટે જગ્યા નથી અંદર! પ્રભુના પ્રેમથી હૃદય ભરાઈ ગયું છે! તો આ shortest cut કે પ્રભુના પ્રેમથી હૃદય ભરી દો! દીકરા પ્રત્યે પણ પ્રેમ! પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે પ્રેમ, બધા પ્રત્યે પ્રેમ! ઘરથી શરૂઆત કરો પ્રેમની! તમારું ઘર જે છે ને એ પ્રભુના શાસનના ભક્તનું ઘર બની જશે; એ સામાન્ય ઘર નહિ રહે. જ્યાં પ્રેમની છોડો ઉછળતી હશે.
તો દોષમુક્ત પ્રભુ કરે, સદ્ગુરુ કરે અને તમારી જાગૃતિ દ્વારા પણ તમે દોષ મુક્ત બની શકો, તો આંતર-નિરીક્ષણ હોય, એટલે તમે તમારા દોષને જોઈ શકો. પછી સંકલ્પ કરો કે આ દોષ અઠવાડિયા માટે તો જોઈએ જ નહિ જ! અને એ સંકલ્પ કર્યા પછી કદાચ નિમિત્ત મળી જાય, અને એમાં જવાનું થાય તો તરત જ જાગૃતિ આવે, ના મારે આમાં જવાનું નથી.
તો આંતર-નિરીક્ષણ, જાગૃતિ અને સંકલ્પ; આ ત્રિપદી તમારી પાસે હોય, તો તમે પણ દોષમુક્ત બની શકો.
તો પ્રભુ તૈયાર.. અમે પણ તૈયાર.. તો દોષોની ચિંતા હવે કરતાં નહિ; હોલસેલમાં ધોઈ નાંખશું..! વોશિંગ મશીન એવું છે ને, કપડાં નાંખ્યા ને, સાફ થઈને બહાર.!
તો દોષોમાંથી મુક્તિ માટે પ્રભુને પણ પ્રાર્થના કરીશું, પ્રભુ પાસે જઈને રડીશું કે પ્રભુ! હું તારો ભક્ત, અને મારામાં આવા દોષો હોય કેમ ચાલે!
તો પ્રભુના દર્શનથી, પ્રભુના નિર્મલ સ્વરૂપના દર્શનથી; આપણા નિર્મલ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય, એના માટે સાત ચરણો દેવચંદ્રજી મ.સા. એ આપ્યાં છે, એ ચરણોની વાત આપણે રોજ ધીરે ધીરે કરશું. કારણ, તમને સાથે લઇ જવા છે ને! એમનેમ મારે સ્વાધ્યાય કરવો હોય તો પા કલાકમાં કરી લઉં, સાતે ચરણોનો. પણ તમને જોડે રાખવા છે આ વખતે.. તમે સાંભળી-સાંભળીને છટકી જાવ છો! આ વખતે છટકવા દેવા નથી તમને..! બરોબર પકડવા છે.! પકડાશો ને બરોબર?
