વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સદ્ગુરુ તમને દોષમુક્ત કરે
અગણિત જન્મોની શ્રુંખલામાં કેટલા બધા પ્રેમાવતાર, કરુણામય સદ્ગુરુઓ મળ્યા પણ આપણને દોષમુક્ત ન બનાવી શક્યા; કારણ? આપણે એમને સમર્પિત ન થયા, માટે. જો એકવાર તમે સમર્પિત થઇ ગયા, Then you have not to do anything absolutely. સદ્ગુરુ ચેતનાનો કૉલ છે કે જો તમે એને સમર્પિત થયા, તો એ તમને દોષમુક્ત બનાવીને જ રહેશે.
અત્યાર સુધી તમે એક જ સૂત્ર રટ્યું છે કે મને આ ગમે, મને આ ફાવે, મને આ ન ગમે. પણ સદ્ગુરુ પ્રત્યે પ્રેમ આવે, total surrender આવે એટલે શું થાય? તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ; એ જ અમારી ભક્તિ.
આમ અમે લોકો આનંદથી પૂર્ણ છીએ પણ તમારામાં દોષ હોય, એની વેદના અમને છે. એ દોષને ધોવાની કોશિશ કરીએ; પણ ફરી-ફરી એ જ દોષમાં તમે જાવ અને ક્યારેક લાગે કે તમારા દોષને કેમ દૂર કરવો એ સમજાતું નથી – ત્યારે અમને અત્યંત વેદના થાય છે. એ વેદનાનો સ્પર્શ તમને થાય, તો પણ તમે દોષમુક્ત બની જાઓ.
સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ – વાચના – ૩
દોષમુક્તિ ત્રણ પ્રકારે થાય – પ્રભુ આપણને દોષમુક્ત બનાવે, સદ્ગુરુ પણ આપણને દોષમુક્ત બનાવે, અને આપણી જાગૃતિ પણ આપણને દોષમુક્ત બનાવી શકે.
રોજ પ્રભુની પાસે જઈએ છીએ.. પ્રભુની પાસે જઈએ છીએ, આંખોમાંથી આંસુની ધાર રેલાય છે કે પ્રભુ! તારો હું ભક્ત, અને મારામાં આટલા બધા દોષો હોય, એ તને મંજુર છે? પ્રભુને અને સદ્ગુરુને તમે challenge મારી શકો છો, તમે કહી શકો છો કે ગુરુદેવ! હું તમારો ભક્ત, મારામાં આટલા બધા દોષો છે તો મારે શરમાવવાનું કે તમારે શરમાવવાનું?
તમે જો સમર્પિત છો, અને તમે દોષમુક્ત ન થયા, તો જવાબદારી ગુરુ ચેતનાની છે. જેટલા વ્યક્તિત્વો સદ્ગુરુ ચેતનાને સમર્પિત થાય; સદ્ગુરુ ચેતનાનો કૉલ છે – હું તને દોષમુક્ત બનાવીને જ રહીશ!
અગણિત જન્મોની શ્રુંખલામાં કેટલા બધા સદ્ગુરુઓ મળ્યાં! કરુણામય સદ્ગુરુઓ, પ્રેમાવતાર સદ્ગુરુઓ મળ્યાં. પણ એ આપણને દોષમુક્ત ન બનાવી શક્યાં. કારણ – આપણે એમને સમર્પિત થયા ન હતાં. તમે હોસ્પિટલમાં એડમીટ જ ન થાવ તો નિષ્ણાંત ડોક્ટર પણ શું કરે? એકવાર તમે સમર્પિત થઇ ગયાં; તમે નિશ્ચિત બની ગયા. Then you have not to do anything absolutely. પછી તમારે કશું કરવું નથી! જે પણ કરવું છે અમે કરીશું. સદ્ગુરુઓની આપણને દોષમુક્ત બનાવવા માટેની ઘણી બધી themes હોય છે.
મારા પર સદ્ગુરુએ શું પ્રયોગ કર્યો, એની વાત કરું. મને દોષમુક્ત બનાવવા માટે સદ્ગુરુએ મને ગ્રંથગુરુ આપ્યાં અને ગ્રંથગુરુ દ્વારા મારા દોષમાંથી મને મુક્તિ અપાવી. 25 એક વર્ષની મારી ઉંમર. સ્વાધ્યાયનો રસ ખુબ. પૂર્વનું-પશ્ચિમનું વાંચ્યા જ કરતો હોઉં. મારા ટેબલ ઉપર ઢગલાબંધ પુસ્તકો ખડકાયેલા હોય. પણ જેમ જેમ વાંચતો ગયો, તેમ અહંકાર પ્રબળ બનતો ગયો. એક પ્રવચન આપું, અને દસ પુસ્તકોને રિફર કરું. એટલાં માટે કે મેં કેટલું બધું વાંચ્યું છે એનો લોકોને ખ્યાલ આવે!
ગુરુદેવ બહુ જ પ્રેમાળ હતાં, મારા માટે. અત્યંત પ્રેમાળ.. એમણે જોયું; કે યશોવિજય અહંકારની ગર્તામાં જઈ રહ્યો છે. ગુરુનો પ્રેમ અભિવ્યક્ત થયો. ગુરુદેવે મને બોલાવ્યો. મને પૂછ્યું; કે તું આટલા બધા પુસ્તકો વાંચે છે તો હરીભદ્રસૂરિ મ.સા.ને તે વાંચ્યા? મેં કહ્યું; ના સાહેબ! મેં વાંચ્યા નથી. એમણે મને આજ્ઞા કરી, “એ ગ્રંથોને તું વાંચ!” સમર્પણ તો હતું જ. ગુરુદેવની આજ્ઞાને સ્વીકારી. ફરી મેં પૂછ્યું; સાહેબજી! એમના ગ્રંથો તો ઘણા બધા છે. પહેલો ગ્રંથ કયો વાંચું? ત્યારે ગુરુદેવે કહ્યું; સૌથી પહેલાં તું યોગબિંદુને વાંચ. તમને અત્યારે ખબર છે કે યોગના ગ્રંથો વાંચવાનો ક્રમ આખો અલગ છે. યોગશતક, યોગદ્રષ્ટિ, યોગવિંશિકા, અને છેલ્લે યોગબિંદુ આવે.
મને ગુરુદેવે સૌથી પહેલો યોગબિંદુ ગ્રંથ આપ્યો. અને એ ગ્રંથમાં છેલ્લે આવ્યું; ‘विदुषां शास्त्रसंसार: सद्योगरहितात्मनाम्’. યોગનું ચક્ષુ તમારું ખુલ્યું નથી; તો શાસ્ત્રોનો પણ સંસાર તમારી પાસે છે. હું ધ્રુજી ઉઠ્યો. મને થયું કે મારી પાસે શાસ્ત્રોનો સંસાર જ છે. એ એક અડધો શ્લોક, પણ એને મારી દ્રષ્ટિ આખી ખોલી નાંખી. હવે શબ્દોનો સંસાર ઉભો નથી કરવો, વિચારનો સંસાર ઉભો નથી કરવો; અનુભૂતિની દુનિયામાં જવું છે, એ વાત ત્યાં નિશ્ચિત થઇ. કે માત્ર શબ્દ, કે માત્ર વિચાર એ મારો વિષય નથી; મારો વિષય માત્ર અનુભૂતિ છે. એક જન્મ મને મળ્યો છે, એ જન્મની અંદર મારે મારી અનુભૂતિ કરવાની છે.
હરીભદ્રસૂરિ મ.સા. આજે પણ મારા ગ્રંથગુરુ છે. આપણે ત્યાં ગુરુઓની બે પરંપરા. જીવંત સદ્ગુરુ અને ગ્રંથ સદ્ગુરુ. તમને બધાને પણ તમારી સજ્જતા પ્રમાણે તમારી જન્માન્તરીય સાધનાના સંદર્ભમાં એ ગ્રંથગુરુ આપે. અને એ ગ્રંથને તમે ઘૂંટો, એવી રીતે તમે ઘૂંટો કે જન્મો સુધી એ ગ્રંથ તમારી જોડે રહે.
એક સદ્ગુરુ વાચના આપતાં હતાં. ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર. ક્યારેક અધ્યાત્મસાર. ક્યારેક અધ્યાત્મબિંદુ. એકવાર વાચના આપતાં આપતાં ગુરુદેવે શિષ્યોને પ્રશ્ન કર્યો કે આ બધા જ ગ્રંથો એક જ કક્ષાના છે; અને બધા ગ્રંથોએ એક જ વાત કહેવાની છે કે પરમાં ન જાવ, સ્વમાં જાવ. તો પછી હું તમારી સામે વાચના આપું છું ત્યારે ભિન્ન ભિન્ન ગ્રંથોને કેમ પસંદ કરું છું? એક જ ગ્રંથના ઊંડાણમાં તમને કેમ નથી લઇ જતો?
તો વાત તો બરોબર હતી. દરેક ગ્રંથો જે ઉંચી કક્ષાના છે. એણે કહેવાનું એક જ છે : સ્વની અનુભૂતિ કરો. તો ભિન્ન ભિન્ન ગ્રંથો ઉપર વાચના શા માટે? શિષ્યોને થયું કે પ્રશ્ન મજાનો છે, પણ જવાબ આપણી પાસે નથી. એટલે શિષ્યો ગુરુના મુખ સામે જુએ છે. અને ત્યારે ગુરુએ કહ્યું; કે તમે બધા નવા નિશાળિયા નથી, જુના જોગી છો. આ તમને પણ હું કહું છું, યાદ રાખો. ઉપધાન કરવા આવ્યાં છો. શ્રામણ્યને પાળી રહ્યા છો. તમે કોઈ નવા નિશાળિયા નથી. જન્મોની તમારી સાધના છે તો જ આ સાધના તમને ગમે છે. તમે કેવી કરો છો સાધના એ બે નંબરની વાત છે. સાધના તમને ગમે છે. એ તમારી જન્માન્તરીય સાધનાની મૂડી છે.
સાધના ગમી ગઈ એટલે પાસ થઇ ગયાં! કરાવવાની પછી અમારે છે ને! તમને જો પ્રભુની સાધના ખરેખર ગમે છે? તમે બધા ૧૦૦% એ પાસ! બોલો…! ગમે છે? સાબુ કેમ ગમે? ડીટરજન્ટ પાવડર કેમ ગમે? કે એનો રંગ સારો હોય છે માટે નહિ. એનો સ્વાદ કંઈ સારો હોય છે? સાબુ ને ખાવ છો? સારો કેમ? એ કપડાંને શુદ્ધ કરે છે. પ્રભુની સાધના શું કરે? તમને દોષોથી મુક્ત બનાવે! તો સાધના ગમે છે? ગમે છે? રાગ-દ્વેષ વધારે ગમે? કે સાધના વધારે ગમે? સાધના એટલે આજ્ઞા બરોબર. આજ્ઞા વધારે ગમે કે ઈચ્છા વધારે ગમે? હવે બોલો? તમને ખબર છે કે આ પ્રભુની આજ્ઞા છે. છતાં એ આજ્ઞાની વિરુદ્ધ ઈચ્છાની પૂર્તિમાં જાવ છો, એનું કારણ શું થયું કે આજ્ઞા કરતાં ઈચ્છા વધારે ગમે છે. એટલે સાધના ગમી કહેવાય? ‘આણાએ ધમ્મો’ ધર્મ એટલે શું? આજ્ઞા. સાધના એટલે શું? આજ્ઞાપાલન.
તો તમને સાધના ગમી. ૧૦૦% તમે પાસ. પછી સાધના કઈ રીતે ઘૂંટાવવી એ અમારો વિષય છે. ગમી ગઈ તમે સદ્ગુરુ પાસે જવાનાં. સદ્ગુરુ appropriate સાધના તમને આપશે. એ સાધના ઘૂંટાવરાવશે. બધું કરશે સદ્ગુરુ. ૧% effort તમારો છે કે સાધના તમને ગમી; ૯૯% grace પ્રભુની બાજુથી છે. દુનિયામાં કોઈ એવી offer આવે, કે એક લાખ તારા અને નવ્વાણું લાખ મારા, તું કરોડપતિ! પ્રભુની આ offer છે. ૯૯% grace ૧% effort. તો સાધના ગમી ગઈ, તમે સાધનાને મન આપ્યું, પ્રભુને મન આપ્યું એટલે તમે પાસ થઇ ગયા. મન પ્રભુને અપાઈ ગયું ને? મન પ્રભુને અપાઈ ગયું છે? કે ઇચ્છાઓને અપાયું છે? મન પ્રભુને આપવું છે. શરીર પ્રભુને આપી શકાય, પ્રભુની આજ્ઞાને આપી શકાય, સરળ છે.
ઉપધાનમાં પણ લાગ્યું ને, કે આ બધું સરળ છે. કાળ વખતે કામળી ઓઢવી. આ રીતે બહાર જવું. આ બધું સરળ છે. અઘરામાં અઘરું શું છે? મન પ્રભુને આપવું છે. આજે નક્કી કરો, મન સમર્પિત પ્રભુને, સદ્ગુરુદેવને. કારણ કે પ્રભુની આજ્ઞા સદ્ગુરુ દ્વારા તમને મળે.
તો ગુરુદેવે મને ગ્રંથ ગુરુ આપ્યાં. અને કલાપૂર્ણસૂરિ દાદાએ મને બીજા ગ્રંથગુરુ આપ્યાં, દેવચંદ્રજી મહારાજ. રાજસ્થાનમાં ઝાલોર જીલ્લામાં જશવંતપુરાની બાજુમાં કલાપુરા ગામમાં સાહેબનું છેલ્લું વંદન થયું. સાંજે ગુરુદેવના ચરણોમાં બેઠેલો. મેં કહ્યું;સાહેબ! મારા માટે યોગ્ય હોય એ મને આપો. ત્યારે એમણે કહેલું; યશોવિજય! માત્ર દેવચંદ્ર ચોવીસીને તું ઘૂંટજે. ભગવાનની પુરી સાધનાનું હાર્દ તને એમાંથી મળી જશે. એટલે એક મહાન ગુરુએ મને બીજા ગ્રંથ ગુરુ આપ્યાં – દેવચંદ્રજી મહારાજ. આજે મારી પાસે બે ગ્રંથગુરુઓ છે. હરીભદ્રાચાર્ય અને દેવચંદ્રજી મહારાજ. અને એ બંને પ્રભુનો માર્ગ એટલો તો ખોલીને સ્પષ્ટ રૂપે બતાવ્યો છે કે દુનિયાની બધી સાધનાઓ જોવા છતાં હું માત્ર અને માત્ર પ્રભુની સાધના ઉપર ઓવારી ગયેલો છું.
તો પ્રભુ દોષમુક્ત કરે. સદ્ગુરુ પણ દોષમુક્ત કરે. મારી પણ ટ્રીક આ જ છે. હું કોઈને પંચસૂત્ર આપું. કોઈને જ્ઞાનસાર આપું, ગ્રંથગુરુ તરીકે. મને લાગે કે એનામાં અહંકાર વધારે છે, તો એવો ગ્રંથ આપું, જેનાથી એનો અહંકાર ખરી જાય. મને એમ લાગે કે એનામાં રાગ વધારે છે, તો એવા ગ્રંથો હું આપું કે જેનાથી એનો રાગ ખરી જાય. એને ઉત્તરાધ્યયનનું એકાદ અધ્યયન આપી દઉં, કાપિલીવ અધ્યયન. જેનું પ્રસિદ્ધ સૂત્ર છે; ‘असिणेह सिणेह करेहिं’ જેટલા સ્નેહકર તત્વો છે, એ બધાની સામે અસ્નેહ. તલવાર રાખવાની. સંયમની તલવાર હાથમાં રાખવાની. જ્યાં સ્નેહ થાય એવો છે, તલવાર ચલાવો.
રામકૃષ્ણ પરમહંસના ગુરુ હતાં તોતાસ્વામી. રામકૃષ્ણ પરમહંસ માઁ ના ભક્ત હતાં; માઁ ની પૂજા કરતાં, કાલી માઁ ની. હવે ગુરુની ઈચ્છા થઇ કે આલંબન યોગમાંથી એને અનાલંબન યોગમાં લઇ જવો છે. આલંબન યોગમાં પ્રભુનો શબ્દ, પ્રભુનું રૂપ આપણી સામે હોય છે અને આપણે નિર્મળ થવાની કોશિશ કરીએ છીએ. એ આલંબન ધ્યાન ઘૂંટાઈ જાય પછી તમે બેસો, અને ધ્યાનમાં હોવ છો. વિશેષ આલંબનની તમારે જરૂર પડતી નથી એ અનાલંબન ધ્યાન. તો તોતાસ્વામીની ઈચ્છા હતી, કે આલંબન યોગ એનો પરિપક્વ થઇ ગયો છે, હવે મારે એને અનાલંબનમાં મુકવો છે. તો અનાલંબનમાં મૂર્તિનું આલંબન નહિ આવે. તો રામકૃષ્ણ પરમહંસ કહે છે કે કાલી માઁ ની મૂર્તિ એટલી બધી મારા મનની અંદર છવાઈ ગયેલી છે, કે હું કંઈ પણ વિચાર કરું; ધ્યાનમાં બેસું. એટલે કાલી માઁ ની મૂર્તિ સામે આવી જાય. તોતાસ્વામી કહે આ નહિ ચાલે. અનાલંબનમાં તારે જવાનું છે. હવે મૂર્તિનું આલંબન નહિ. પણ પરમહંસ કહે છે, પણ આવી જાય છે એ મૂર્તિ! શું કરું? ત્યારે તોતાસ્વામીએ કહ્યું, તલવાર રાખ; અને મૂર્તિ આવે તો ઉડાવી દે! તો કહે તલવાર ક્યાંથી લાવું? તો કહે; મૂર્તિ ક્યાંથી લાવે છે?
તો તમારે પણ એક તલવાર રાખવાની. ‘असिणेह सिणेह करेहिं’ જ્યાં પણ સ્નેહ થાય એવું છે, તલવાર લગાવો. ચશ્માં ગમે છે, ગોલ્ડન ફ્રેમના છે, ફેંકી દો! ન જોઈએ! પ્લાસ્ટિકની ફ્રેમવાળા લાવો. ડાંડિયો તૂટી ગયો તો દોરી બાંધો.
ડહેલાવાળા રામસૂરી મ.સા. બહુ જ મોટા ગીતાર્થ આચાર્ય ભગવંત. એકવાર એક ભક્ત સાહેબ પાસે આવ્યો. એણે જોયું; સાહેબના ચશ્માની એક દાંડી નીકળી ગઈ છે. તો સાહેબે ત્યાં દોરી બાંધી, અને દોરીને આમ કાન પર વીંટાળેલી. પેલો ભક્ત તો છક થઇ ગયો. આટલા મોટા આચાર્ય ભગવંત અને એમની ચશ્માની ફ્રેમ આવી ! સાહેબ છે ને એવા સંયમમૂર્તિ હતાં, કે એમના શિષ્યોની પણ હિંમત નહતી કે સાહેબને કહે કે નવી ફ્રેમ લાવવી. ઝાટકી કાઢે! કેમ? આ ફ્રેમ ઉપર રાગ કરવાનો છે? આ કાચ બે જરૂરી છે જોવા માટે. ફ્રેમનું શું કામ છે? ફ્રેમ ઉપર રાગ કરવો છે. એટલે એક પણ શિષ્ય બોલી શકતો નહતો કે સાહેબ નવી ફ્રેમ. આ ભક્તે જોયું, છક થઇ ગયો.
એક નાના મ.સા. પાસે બેઠો. એટલે વાતમાં વાત કાઢી કે સાહેબના ચશ્માનો નંબર શું? ચશ્માનો નંબર મળી ગયો. પેલો ભક્ત ચશ્માવાળાને ત્યાં ગયો, અને સરસ મજાની ગોલ્ડન ફ્રેમ લીધી, અને એમાં ચશ્માં ગ્લાસ ભીડાવી લઇને આવ્યો. શિષ્યોએ કહેલું; આ સાહેબ છે ને, એ આવું કંઈ સ્વીકારતાં નથી. તું ભાગ્યશાળી હોય અને તારા ચશ્મા સ્વીકારે તો ભલે બાકી સાહેબ reject કરી દેશે, એટલે પેલો ગભરાતો હતો. ગભરાતો ગભરાતો આવ્યો. બોક્ષમાં ફ્રેમ મુકેલી. સાહેબને અર્પણ કરી. સાહેબ કહે, શું છે? “સાહેબ આપના ચશ્મા છે આ નવાં.” બોક્ષ ખોલ્યું. ગોલ્ડન ફ્રેમ! કેમ? સાધુને તારે નીચા પાડવા છે? આ મારી ફ્રેમ શું ખોટી છે? તારી ફ્રેમ લઇ જા! મારે નથી જોઈતાં. આટલી જાગૃતિ!
તો હું પણ રાગદશા જેની પાસે હોય, એને આવા સુત્રો આપું. દ્વેષ હોય જેનામાં એને અલગ સુત્રો આપું. અને એક વાત by the way કહું; તમારી સ્વાધ્યાયની ડાયરીમાં આવા સુત્રો લખો. કદાચ રાગદશા આવી પણ જાય, તો રાગદશાને નીતારે એવા શ્લોકોનો એક સંપૂટ હોય. દ્વેષ ક્યારેક આવી જાય, તિરસ્કાર કે ઈર્ષ્યા આવી જાય, ત્યારે એને કાઢે એવો એક શ્લોકોનો સંપૂટ હોય. અહંકાર આવે ત્યારે એને કાઢે, એવો એક શ્લોકોનો સંપૂટ હોય. તો સદ્ગુરુ તમને દોષમુક્ત આ રીતે પણ કરી શકે. સીધી રીતે પણ કરી શકે. પણ મારા જેવો માણસ હોય ને, ગુસ્સે તો થવાનું નથી મારે, માત્ર પ્રેમથી કામ કરવાનું છે. અને એક વાત કહું; મને મારા પ્રેમ ઉપર બહુ શ્રદ્ધા છે.
હું ઘણીવાર કહું કે સદ્ગુરુ પ્રત્યે તમને પ્રેમ છે. પ્રભુ પર તમને પ્રેમ છે. તો પ્રેમની નિશાની શું? નિશાની એક જ, એને ગમે તે કરવું, એને ન ગમે તો ન કરવું. અત્યાર સુધી તમે એક સૂત્ર રટ્યા છો – મને આ ગમે! મને આ ફાવે! મને આ નહિ ગમે! હવે કાનો ઉમેરી નાંખો. માઁ ને આ નહિ ગમે. સમજી ગયા? નિમિત્ત મળી ગયું. ગુસ્સો મનમાં આવે એવું છે. તરત જ યાદ આવે, માઁ ને આ ગમશે? પ્રભુ માઁ ને? ગુરુ માઁ ને? હું ગુસ્સો કરું એ ગમે? માઁ ને નહિ ગમે તો નહિ કરવાનું.
આપણા કવિ ઉશનસ બહુ સારા કવિ થયાં. એમણે પ્રાર્થનામાં લખ્યું; ‘તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ’. પ્રભુ ભક્તિ એટલે total surrender. પણ એ total surrender એ મારી પાસે નથી. મારી પાસે ભક્તિ આટલી જ છે – ‘તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ, એ જ અમારી ભક્તિ’. બોલો આટલું નક્કી છે? પ્રભુ માઁ ને, ગુરુ માઁ ને ન ગમે એ ન કરવું. ગમે એ કરવાનું. ન ગમે એ નહિ કરવાનું.
તો સદ્ગુરુ તમને દોષમુક્ત કરે. મને આ પ્રેમ પર વિશ્વાસ છે કે એવો પ્રેમ તમને મળે પ્રભુનો, એવો પ્રેમ મળે સદ્ગુરુ ચેતનાનો અને એનાથી હૃદય ભરાઈ જાય, દોષો રહે ક્યાં? ક્યાં રહેશે દોષો? તમે જગ્યા જ નહિ રાખી હોય તો? પણ તમે પણ ઉસ્તાદ છો. સાહેબ વાંધો નહિ, પ્રભુનો પ્રેમ થોડો રાખશું. થોડો તમારો પ્રેમ પણ રાખશું. બાકી ૮૦%-૯૦% તો પેલું છે જ પાછું. બરોબર…! પ્રભુના કેટલા ટકા? કેટલા ટકા? પાંચ-દસ. ગુરુના કેટલા? અને રાગ-દ્વેષના કેટલા? તો એક સદ્ગુરુનો પ્રેમ મળી ગયો, પ્રભુનો પ્રેમ મળી ગયો. પ્રભુને ન ગમે એવું ન કરીએ. તો પ્રભુ પણ તમને દોષમુક્ત બનાવે. ગુરુ પણ તમને દોષમુક્ત બનાવે.
એક વાત હું વારંવાર કહેતો હોઉં છું, કે સદ્ગુરુની વેદનાનો તમને ખ્યાલ આવે છે? તાવ દીકરાને હોય, ચિંતા માઁ ને હોય. દીકરાને કોઈ ચિંતા નથી. ટાઈફોઈડ છે કે મલેરિયા છે, જે હોય તે, દીકરાને કોઈ ચિંતા નથી. તાવ દીકરાને છે, ચિંતા માઁ ને છે. એમ દોષ તમારામાં છે, વેદના અમને છે. આ ગુરુની વેદનાનો સ્પર્શ થયો? બોલો? થયો? તમારા કારણે ગુરુ પીડિત હોય એવું બને? બોલો? તમારા પ્રત્યે પ્રેમ છે. અને એટલે તમારી ભીતર આ દોષોનો તાવ આવેલો છે એની ચિંતા અમને છે. એની વેદના અમને છે. એની પીડા અમને છે. તો ગુરુની વેદનાનો તમને ખ્યાલ આવે ને, તો પણ તમે દોષમુક્ત બની જાવ.
આમ અમે લોકો આનંદથી પૂર્ણ છીએ. પણ બીજી બાજુ વેદના પણ એટલી છે. તમને લીધા, તમારી જવાબદારી છે. અને એથી કરીને તમારામાં દોષ હોય, એની વેદના અમને છે. દોષને ધોવાની પણ કોશિશ કરીએ છીએ. પણ ફરી-ફરી એ જ દોષમાં તમે જાવ, અને ક્યારેક લાગે કે તમારા દોષને કેમ દૂર કરવો એ સમજાતું નથી. ત્યારે અમારી વેદના એકદમ પૂર બહાર ખીલે. અત્યંત વેદના હોય છે, એ વેદનાનો સ્પર્શ થાય તમને. પ્રેમનો સ્પર્શ થાય તો ય વાંધો નહિ અને ગુરુની વેદનાનો સ્પર્શ થાય તો પણ વાંધો નહિ. પણ, આ બંને સ્પર્શો તમને દોષમુક્ત બનાવે છે. એટલે અમારી બાજુથી પુરી તૈયારી છે. તમારી બાજુ શું છે બોલો? આજે વિચારજો. આજે રાત્રે ઊંઘ ન આવવી જોઈએ. વિચારો. રડો. કાલે આપણે આના ઉપર વધારે ચિંતન કરીએ કે ગુરુનો પ્રેમ, ગુરુની વેદના આ બંને ઉપર કાલે આપણે ફરીથી વિચારીશું.
