Siddhi Sadhna Updhan Tap – Vachana 4

1 View
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુની વેદના

સદ્ગુરુએ એવી રીતે પોતાનું હૃદય, પોતાનું મન પ્રભુને સમર્પિત કર્યું છે કે એ હૃદયમાં માત્ર અને માત્ર નિર્મળતા છે. એ નિર્મળ હૃદયવાળા ગુરુને તમારા દોષોના કીચડમાં આવવું પડે – ફરજના એક ભાગરૂપે – ત્યારે કેટલી વેદના થતી હશે! ક્યાં પ્રભુના ગુણોની અનુપ્રેક્ષા અને અનુભૂતિ કરનારા સદ્ગુરુ અને ક્યાં તમારા દોષોમાં ડોકિયું કરનાર સદ્ગુરુ…

સદ્ગુરુની એ પીડાનો તમને ખ્યાલ આવે, તો પણ તમે દોષમુક્ત બની જાઓ. તમારા માટે નહિ, અમારા માટે! તમે તો નિઃસ્પૃહ હોવ કે મોક્ષ જ્યારે મળવો હશે ત્યારે મળશે! પણ અમારી પીડાનો અહેસાસ તમને થાય અને તમે દોષમુક્ત બની જાઓ.

જો સદ્ગુરુની વેદના જ ન સ્પર્શે, તો પ્રેમ તો ક્યાંથી સ્પર્શે! સદ્ગુરુ પોતાનો પ્રેમ આપે છે ત્યારે એ પ્રેમમાં એમનું એવું સુરક્ષાચક્ર ભળેલું હોય છે કે એક સૅકન્ડ માટે પણ તમે રાગ-દ્વેષમાં, અહંકારમાં ન જઈ શકો. ગુરુચેતના અનંત જન્મોથી તમને ચાહી રહી છે પણ તમારી ચાહત પર તરફ છે. તમારી ચાહત જો ગુરુ તરફે આવી જાય, તો પછી મોક્ષ ક્યાં દૂર છે!

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

પોતાના મનને પ્રભુને સમર્પિત કરી ચુક્યા હોય. ‘વાસિત હૈ જિનગુણ મુજ દિલકો, જૈસે સુરતરૂ બાગ; ઓર વાસના લગે ન તાકો, જસ કહે તું બડભાગ’ એવી રીતે સદ્ગુરુએ પોતાનું હૃદય, પોતાનું મન પ્રભુને સમર્પિત કર્યું છે, કે એ હૃદયમાં માત્ર અને માત્ર નિર્મળતા છે. એ નિર્મળ હૃદયવાળા ગુરુને તમારા દોષોના કીચડમાં આવવું પડે, ફરજના એક ભાગ રૂપે ત્યારે કેટલી વેદના થતી હશે! ક્યાં પ્રભુના ગુણોની અનુપ્રેક્ષા અને અનુભૂતિ કરનારા સદ્ગુરુ, અને ક્યાં તમારા દોષોમાં ડોકિયું કરનાર સદ્ગુરુ!

એક મ્યુનિસિપલ કર્મચારી છે. જેને ગટરો ચોક થયેલી હોય તો સાફ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. મ્યુનિસિપલ ઓફિસમાં એ બેઠેલો હોય, ચા શીપ કરતો હોય, પેપર વાંચતો હોય, ઉપર પંખો ફરફરી રહ્યો છે, સાફ-સુથરા કપડાં પહેરીને એ બેઠેલો છે. અને એનો મોબાઈલ રણકે, એને આદેશ આપવામાં આવે, કે અમુક જગ્યાએ ગટરચોક અપ થઇ છે, જલ્દી ત્યાં પહોંચો. એ બાઈક લઈને ત્યાં જાય અને ગટરમાં ઊંડે ઉતરે. એના કપડાં બધા જ અત્યંત મેલા થઇ જાય. તો ક્યાં એ મ્યુનિસિપલ ઓફિસમાં બેઠેલો એ કર્મચારી, અને ગટરમાં ઉતરેલો એ કર્મચારી! આ જ વાત સદ્ગુરુની છે. એક ફરજના ભાગ રૂપે તમારા દોષોમાં અમારે ડોકિયું કરવું પડે છે. તમારા દોષોના કીચડમાં અમારે આવવું પડે છે. પણ એ વખતે સદ્ગુરુને કેટલી પીડા થતી હશે! એ સદ્ગુરુની પીડાનો તમને ખ્યાલ આવે; તો તમે દોષમુક્ત બની જાઓ. તમારા માટે નહિ, અમારા માટે! તમે તો નિઃસ્પૃહ હોય, મોક્ષ જ્યારે મળવો હશે ત્યારે મળશે! પણ અમારી પીડાનો અહેસાસ તમને થાય; અને તમે દોષ મુક્ત બની જાવ!

સિદ્ધસેનદિવાકરસૂરિ રાજાના કહેવાથી પાલખીમાં બેસીને રાજસભામાં જાય છે. ગુરુ વૃદ્ધવાદીસૂરિ દૂર છે. ત્યાં એમને સમાચાર મળ્યા, સમાચાર મળતાં જ એક પીડા, એક વેદના એમના હૃદયમાં થઇ. મેં જેને જાણીને, માણીને, નાણીને, ચકાસીને લીધેલો છે, એવો આ શિષ્ય શા માટે આ સ્ખલન તરફ ગયો? સૌથી પહેલાં સદ્ગુરુ પોતાના હૃદયને ટટોળે છે. તમારું કોઈ પણ સ્ખલન, તમારો કોઈ પણ દોષ અમે જોઈશું, સૌથી પહેલાં અમે અમારા હૃદયને ટટોળશું કે અમારી અંદર રહેલી કોઈ દોષવૃત્તિનો પડધો તો ત્યાં પડ્યો નથી ને? ગુરુ પોતાના હૃદયને ટટોળે છે પણ લાગ્યું કે પોતાની કોઈ ભૂલ નથી. ચાલો ભૂલ નથી, પણ મારો શિષ્ય છે. મારી જવાબદારી છે. મારે એને આ દોષના કીચડમાંથી બહાર કાઢવો જ જોઈએ. કથા તમારા ખ્યાલમાં છે એટલે કથામાં ઊંડો નથી ઉતરતો. ગુરુ આવ્યાં, ગુરુએ પાલખી ઊંચકી, હલાવી, સિદ્ધસેનજીને ખ્યાલ આવી ગયો. નીચે ઉતર્યા. ગુરુના ચરણમાં આળોટ્યા. ધ્રુસકે ધ્રુસકે રડ્યા. ગુરુદેવ! આપ મારી પાલખી ઊંચકવા માટે આવ્યાં? અને ત્યારે ગુરુની એક લાક્ષણિક ઢબ બહાર આવે છે. ગુરુ શું કરે? પહેલાં તમને પુચકારે, બુચકારે, નજીક લાવે, તમે નજીક આવો તો જ ધોલ મરાય ને? તમાચ ઠોકવી શી રીતે!

પણ એક વાત કહું; ગુરુની તમાચ મીઠી મીઠી લાગે.. પ્રભુની તમાચ મીઠી મીઠી લાગે.. મેં પ્રભુના પ્રેમને પણ અનુભવ્યો છે અને પ્રભુની તમાચ પણ ખાધી છે. પણ તમાચ પણ બહુ મીઠી હોય છે કારણ કે ‘એ’ની હોય છે! ‘मधुराधिपतेरखिलं मधुरम्’ માધુર્યના અધિપતિ પરમાત્મા એનું બધું જ મધુર હોય! બહુ જ મજાનું હોય! ગુરુ પહેલાં સિદ્ધસેનજીને કહે છે; ભાઈ આવવું પડે ને મારે! તું તો રાજાનો ગુરુ થઇ ગયો. મારે આવવું પડે ને! અને પછી જોરદાર તમાચ લગાવે છે. એટલે દેશ્ય ગુજરાતી ભાષામાં એક જ વાક્ય કહ્યું છે, વધારે કહેવાની જરૂર પડી નહિ. આખી વાચના જરૂર પડે તમને?! અડધો-પોણો કલાકવાળી? કે એક વાક્યથી ચાલી જાય..? બે-ચાર ચિટ્ઠીઓ આવી સમર્પણ માટેની કે સાહેબ આપની વેદનાથી અમે હલી ગયાં છીએ; અમે આપને સમર્પિત થઈએ છીએ! પણ બે-ચાર ચિટ્ઠીઓ જ આવી છે હજુ! વધારે નથી આવી!

દેશ્ય ગુજરાતી ભાષામાં એક વાક્ય ગુરુએ કહ્યું; “હિંડઈ કાંઈ વણાવું વણું” તને એક જંગલમાંથી બહાર કાઢ્યો – સંસારના જંગલમાંથી, તારે પ્રશંસાના જંગલમાં જાઉં છે! પ્રશંસાના કીચડમાં જાવું છે તારે! રાજા તારી પ્રશંસા કરે એટલે તારે તારા અહંકારને ઉદ્દીપ્ત કરવો છે! અહીં દીક્ષામાં તું આવ્યો છે, અહંકારને ઉત્તેજિત કરવા કે અહંકારને નામશેષ કરવા? એક અહોભાવ આવી જાય; અહંકારના લયનો હું ધીરે ધીરે delete થઇ જાય.

આપણી પરંપરાએ અહંકારને delete કરવા માટે એક સરસ મજાનો પ્રયોગ આપ્યો. ‘હું’ ના ત્રણ પ્રકાર – એક અહંકાર ના લયનો ‘હું’, બીજો અહોભાવના લયનો ‘હું’ અને ત્રીજો આનંદઘન લયનો ‘હું’. તો અહોભાવના લયના ‘હું’ નો તમને પરિચય ઘણો છે. મેં પ્રભુનો અભિષેક કર્યો; આનંદ આનંદ થઇ ગયો. ત્યાં ‘મેં’ શબ્દ છે, ત્યાં ‘હું’ છે પણ અહોભાવના લયમાં રંગાયેલો. ‘હું’ પ્રભુમાં ડૂબી જવો જોઈએ. ભક્તના વ્યાકરણમાં ત્રીજો પુરુષ એકવચનમાં તે છે. તે એટલે પરમાત્મા; બીજું કંઈ જ નહિ. અને પહેલા પુરુષ એકવચનમાં ‘હું’ છે. અને ‘હું’ ‘તે’ માં ડૂબી જાય એટલે વ્યાકરણ પૂરું થઇ ગયું. આટલું જ કરવાનું છે! ‘હું’ ને ‘તે’ માં ડુબાડી દેવાનું!

કાલે સાંજે જ વાત નીકળેલી સંગોષ્ઠીમાં, કે સદ્ગુરુ પાસે ટાંકણીઓનો જથ્થો હોય છે. તમે અહંકારનો ફુગ્ગો ફુલાવીને લાવો, એટલે ટાંકણી ઘોંચી દઈએ, એટલે ફુગ્ગો ફૂસ થઇ જાય. સદ્ગુરુ પાસે આવો, તમે ઝૂકો છો? કોણ ઝુકે? શરીર ઝુકે છે! તમે ઝૂકો છો? ‘ઇચ્છામિ ખમાસમણો’ કરો, મસ્તક ઝુકે, શરીર ઝુકે, તમે? ઝૂકો છો? તો અહોભાવના લયનો ‘હું’ એકવાર મળી ગયો તો પછી આનંદઘન લયના ‘હું’ માં જવું એ બહુ મોટી વસ્તુ નથી. એક વંદન કરો અને આંખમાંથી આંસુ નીતરે? સાદું વંદન. દ્વાદશા વંદન નહિ. સાદું કરો વંદન, આંખોમાંથી આંસુ વહે છે? સદ્ગુરુ મને મળ્યાં? અને સદ્ગુરુ મળ્યાં, હું એમના ચરણોમાં સમર્પિત થયો, હવે મારે કંઈ કરવાનું નથી! જે પણ કરવાનું છે એ સદ્ગુરુએ કરવાનું છે. એક સમર્પણ તમારી પાસે છે, પછી you have not to do anything absolutely! તમારે કશું જ કરવાનું નથી! બધું જ સદ્ગુરુ કરી આપશે!

ઉપધાનમાં તમે આવ્યાં. જે નમસ્કાર મહામંત્ર તમને નાનપણથી મળેલો છે, એને આપતાં ગુરુએ 18 દિવસ લીધાં. કેમ લીધા? તમને તૈયાર કરવા માટે! તમે ઝુકી જાવ એટલા માટે! નમો.. નમો..

આપણા યુગના સાધના મનીષી ગુરુદેવ પંન્યાસ ભદ્રંકરવિજય મ.સા. કહેતાં કે નમસ્કાર મહામંત્રમાં અરિહંતાણં, સિદ્ધાણં પાછળ છે, નમો આગળ છે. નમો, તમારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. તમે કોને ઝૂકો છો એ બે નંબરની વાત છે. પહેલાં ઝૂકો. ઝુકી જાવ. તો ઝુક્યા એટલે અહોભાવનું સ્તર મળ્યું. અહોભાવનું સ્તર મળ્યું એટલે અહંકારના લયનો ‘હું’ ગયો! તો આપણી પરંપરાએ આપણને કેટલું મજાનું આપ્યું છે!

એક જ વાક્ય! “હિંડઈ કાંઉ વણાવું વણું”. ગુરુએ કહ્યું; લાલ આંખ કરીને કે ચાલ ઉપાશ્રય પાછો ફર! રાજાને જરૂર હશે, તારા ઉપાશ્રયમાં આવશે. તારે રાજસભામાં જવાની જરૂરત નથી. અને સિદ્ધસેનસૂરિએ ગુરુના એ વાક્યને એક સમર્પિત શિષ્યની અદાથી સ્વીકારી લીધું.

તો ગુરુની વેદના સિદ્ધસેનજીને સ્પર્શી ગઈ. તમને બધાને સદ્ગુરુની વેદના સ્પર્શી છે? અને જો વેદના નહિ સ્પર્શી હોય, તો સદ્ગુરુનો પ્રેમ તો ક્યાંથી સ્પર્શશે? વેદના પહેલા સ્પર્શી જાય! જો વેદના જ ન સ્પર્શે તો પ્રેમ ક્યાંથી સ્પર્શે? સદ્ગુરુ પોતાનો પ્રેમ આપે છે ત્યારે, એમાં સુરક્ષાચક્ર ભળેલું હોય છે. સદ્ગુરુના પ્રેમમાં સદ્ગુરુનું સુરક્ષાચક્ર ભળેલું હોય છે. તમે સદ્ગુરુના પ્રેમને મેળવો એવું સુરક્ષાચક્ર તમને મળે કે એક સેકંડ માટે તમે રાગ-દ્વેષમાં ન જાઓ! તમે અહંકારમાં ન જાવ! સદ્ગુરુનો પ્રેમ આ કામ કરે! પણ સદ્ગુરુનો પ્રેમ તો વહેતો જ આવ્યો છે. આ સદ્ગુરુ ચેતનાએ આપણને કેટલી તો ચાહી છે.! આપણે ગમે એટલા દોષોથી યુક્ત હતાં, આ સદ્ગુરુ ચેતના અનંત જન્મોથી તમને ચાહી રહી છે… કારણ – પરમાત્માની આજ્ઞા.

અમારે લોકોએ અમારી ઈચ્છાથી કશું જ કરવાનું નથી. અમારે તો માત્ર પ્રભુની આજ્ઞા હોય, એ પ્રમાણે જ કરવાનું હોય છે. તો પ્રભુની આજ્ઞા છે કે તું બધા જીવો પર સ્નેહ વરસાવ. “सर्वजीवस्नेहपरिणाम: साधुत्वम्” એક મુનિ પાસે, એક સાધ્વી પાસે સર્વ આત્માઓ પ્રત્યેનો પ્રેમ હોય, તો ગુરુ ચેતના પાસે તો કેટલો પ્રેમ હોય! એ ગુરુચેતના અનંત જન્મોથી તમને ચાહી રહી છે! પણ તમારી ચાહત ‘પર’ તરફ છે. તમારી ચાહત જો ગુરુ તરફે આવી જાય, તો મારો અને તમારો મોક્ષ વહેલો થઇ ગયો હોત.

તો સદ્ગુરુ પ્રેમ આપે. સુરક્ષા ચક્ર આપે. આપણે ઝીલશું શેમાં?

વરસાદનું પાણી તો પડે. તપેલું હોય તો તપેલામાં ઝીલાય. પીપ હોય તો પીપમાં ઝીલાય. નહિતર રોડ ઉપર વહીને જતું રહે. એમ સદ્ગુરુના પ્રેમને તમે કયા પાત્રમાં ઝીલશો? એ છે સમર્પણનો પાત્ર.

અરણીક મુનિએ દીક્ષા લીધી. સંયમી મુનિરાજ છે. સ્વાધ્યાય, તપ, જપમાં ડૂબેલા છે. ગુરુ ગીતાર્થ છે. જ્ઞાની છે. ગુરુનો પ્રેમ અરણીક મુનિ પર વરસી રહ્યો છે. પણ અરણીક મુનિ ગુરુના પ્રેમને ઝીલી શકતાં નથી. શું થયું? ક્યાં ચૂક થઇ? અરણીક મુનિ એમ માને છે કે તપ મારે કરવાનો છે. એટલે ગુરુદેવ પાસે આવે, ઇચ્છકારી ભગવન્ પસાય પચ્ચક્ખાણનો આદેશ આપશોજી, સાહેબ આજે અઠ્ઠમ કરવો છે, અઠ્ઠમનું પચ્ચક્ખાણ આપી દો. એટલે જે સાધના જગતનું કર્તૃત્વ ગુરુનું હતું, એ એમણે પોતે સ્વીકારી લીધું. અને જેમને સાધના જગતના સાક્ષી બનવાનું હતું, એ કર્તા બની ગયા. એટલે કર્તાને સાક્ષી બનાવી દીધા. ગુરુ સાધના જગતના કર્તા, તમે સાક્ષી, તમે કર્તા નહિ. આપણે સવારે બોલીએ ને, ‘जह गहिअं पुव्वसूरिहिं’.

મને એક મુનિરાજે પ્રશ્ન કરેલો કે આચાર્ય ભગવંત ગોચરી વહોરવા જતાં હતાં? તો ‘जह गहिअं पुव्वसूरिहिं’ કીધું? કે જેવી રીતે આચાર્ય ભગવંતોએ ભિક્ષા લીધી, એવી રીતે તું ભિક્ષા ગ્રહણ કરજે. આચાર્ય ભગવંત ભિક્ષા નથી ગ્રહણ કરતાં, પણ શિષ્યોનું જે કાર્ય છે એનું ઉત્તરદાયિત્વ ગુરુનું છે. એટલે જ સંપ્રતિનો આત્મા ભિક્ષુક હતો. બે મુનિરાજો બહાર નીકળ્યા ઘરમાંથી, એને કહ્યું; સાહેબ મને ખાવાનું આપો. તો કહે; કે ભાઈ આ ભિક્ષાને ભેગી કરનારા અમે છીએ. Collect કરનારા છીએ. પણ આ ભિક્ષા ઉપર અધિકાર અમારો નથી. અમારા ગુરુનો છે. તમે જે પણ સાધના કરો, એ સાધનાનું ઉત્તરદાયિત્વ ગુરુ ઉપર જાય છે. અને એટલે જ profit માં અમે ભાગીદાર તો પછી નુકશાનમાં ય ભાગીદાર થવું પડે. તમે દોષ કરો તો એનું ઉત્તરદાયિત્વ અમારા તરફ આવશે, પણ તમે સમર્પિત હોવ તો. તમે સમર્પિત છો, તમારા દોષોનો જવાબદાર અમે છીએ. કારણ કે તમે અમારું કહ્યું કરો છો. અમારું કહ્યું જ બધું કરો છો અને ક્યાંક ઠેસ લાગી ગઈ અને પડી ગયાં તો અમે ઉભા કરશું. પણ તમારી ઈચ્છા મુજબ તમે ચાલો છો તો ત્યાં અમે જવાબદાર નથી. તો ભિક્ષા ખરા બપોરે તડકાની અંદર લેનાર મુનિ, પણ એના ઉપર અધિકાર કોનો? ગુરુનો…! તો સાધના જગતમાં સદ્ગુરુ કર્તા છે. તમે સાક્ષી છો. એટલે સદ્ગુરુ કહે એ પ્રમાણે તમારે કરવાનું. તમારે તમારી બુદ્ધિ ચલાવવાની નથી.

ઝેન આશ્રમોમાં તકતી લગાવે છે, બહાર. No mind please. તમારી બુદ્ધિને લઈને અંદર આવતાં નહિ. અહીંયા બુદ્ધિનું કોઈ પ્રયોજન નથી તમારે. અહીંયા તો માત્ર સમર્પણનું જ પ્રયોજન છે. માસતુષ મુનિ કેટલું ભણેલા? મારુષ અને માતુશ. એટલું પણ એ બોલી શકતા નહતા છતાં એ જ્ઞાની હતા!

એક બહુ મજાની વાત કરું, તમારે દીક્ષા લેવી છે હાલ જ, તો કેટલું જ્ઞાન જોઈએ તમારી પાસે? આવશ્યક સુત્રોનું જ્ઞાન જોઈએ. પંચ પ્રતિક્રમણ ને એ બધું. એથી વધારે શાસ્ત્રોનું જ્ઞાન તમારી પાસે ન હોય તો પણ ચાલે. પણ ક્યારે? તમે સદ્ગુરુને સમર્પિત હોવ ત્યારે. તમે સદ્ગુરુને સમર્પિત થયા તો સદ્ગુરુનું બધું જ્ઞાન તમને મળી જાય.

એક ડોક્ટર હોય. પહેલા MBBS થાય, પછી M.S. કે M.D. થાય, અને પછી સ્પેશ્યાલીસ્ટ થાય. એ સ્કુલમાં ગયો ત્યારથી ૧૬-૧૭ વર્ષ સુધી ભણ્યો. ભણ્યા પછી એનો અનુભવ થાય, એ ૪૦ વર્ષનો હોય, તો સોળ વર્ષ એને અભ્યાસ કર્યો છે અને ૧૦-૧૫ વર્ષનો એની પાસે અનુભવ છે. તમે એ ડોક્ટર પાસે જાવ, અને કહો સાહેબ આ દર્દ છે, મટાડી આપો. ડોક્ટર કહે મારી કહેલી દવા લેવી પડશે. હું કહું એ ચરી પાળવાની. તને રોગમુક્ત કરી આપું. તો ૨૫-૨૬ કે ૩૦ વર્ષનું એનું જે જ્ઞાન છે એ બેઠું તમને મળી ગયું…!  પણ તમે એની કીધેલી દવા લો નહિ, અને ચરી પાળો નહિ. તો ડોક્ટર શું કરે? એમ અમે પણ તૈયાર. તમારો જે પણ દોષ હોય એ કહી દો. અમે જોઈ લઈશું. દોષમુક્ત તમને બનાવી દઈશું. અમારો શાસ્ત્રાભ્યાસ બધો જ તમને મળી જશે. તમે એક પણ શાસ્ત્ર ભણેલા નથી, અને સમર્પિત છો તો તમે જ્ઞાની છો. અને ૧૦૦ ગ્રંથો વાંચ્યા છે, તમે સમર્પિત નથી, તમે અજ્ઞાની છો.

તો અરણીક મુનિ એમ માને છે કે હું તો સમર્પિત જ છું ને. ખાલી સારી ઈચ્છા કરવી એમાં શું વાંધો? બરોબર ને? અશુભ ઈચ્છા તમે ન કરો. શુભ ઈચ્છામાં શું વાંધો? ઈચ્છાની જોડે જ અમને વાંધો છે. એ અશુભ હોય, શુભ હોય. એટલે યોગબિંદુમાં હરીભદ્રસૂરિ મહારાજે એ કહ્યું; કે તમે સાધનાના પ્રારંભકાળમાં હોવ ત્યારે પણ તમારી પાસે નિરાગ્રહશીલતા જોઈએ. આગ્રહ ન જોઈએ – હું આમ જ કરું. હું એકાસણું જ કરું. હું આયંબિલની ઓળી જ કરું. આવો કોઈ આગ્રહ તમારી પાસે ન જોઈએ. તમને સવાલ થાય – સાહેબ આમાં શું વાંધો? હું રોજ એકાસણા કરું. હું આયંબિલની ઓળી રોજ કરું આમાં શું વાંધો? વાંધો એ કે તમે જે ‘જ’ કારપૂર્વક કહો છો ને કે હું આમ જ કરું. એમાં શુભ ઈચ્છાની પાછળ તમારો અહંકાર છે. અને અમારે અહંકારને કાઢવો છે. એટલે હું વારંવાર કહું છું કે તમારી શુભ ઈચ્છા હોય, ગુરુના ચરણમાં મુકો, ગુરુના માથે નહિ મૂકતા. ચરણોમાં મુકજો કે સાહેબ મારે આયંબિલની ઓળી કરવી છે. પછી ગુરુ કહે હા, તો હા. ના તો ના. ચરણોમાં મુકજો. પછી કારણ પૂછવા નહિ જતા હો, સાહેબ ના કેમ પાડી?

Guru is the supreme boss. ગુરુએ શું કરવું ગુરુ જાણે. ડોક્ટરને પૂછવા જાવ? ડોક્ટર કહે; આ નહિ ખાવાનું. સાહેબ કેમ નહિ ખાવાનું? ત્યાં તહત્તિ કરનારા તમે, ડોક્ટરની આજ્ઞા તહત્તિ કરનારા તમે, ગુરુની આજ્ઞા આવે ત્યારે..! સાહેબ આપની આજ્ઞા તો બરોબર પણ…! આમાં પણ ક્યાંથી આવે? પણ આવ્યું એટલે લોચો માર્યો. આજ્ઞાને, બુદ્ધિને ચાદર ઉપર ઝીલવાની નથી; સમર્પણની ચાદર ઉપર ઝીલવાની છે. કેટલા જન્મોમાં દીક્ષા લીધી હતી તમે પણ..! આ જનમમાં ભલે નથી લીધી, કેટલાય જન્મોમાં તમે દીક્ષા લીધેલી. પ્રભુની આજ્ઞા પ્રમાણે કદાચ બધું કર્યું પણ ખરું. મોક્ષ કેમ ન થયો? પ્રભુની આજ્ઞા વાયા ગુરુ તમારી પાસે આવે છે. અંગ્રેજી ભણેલો માણસ હોય, એટલે મેડીકલ બુલેટીસ વાંચીને દવા કરતો થઇ જાય? અંગ્રેજીનો ખા હોય, ભારતનું બંધારણ વાંચે, કોઈ કલમનો અર્થ કરવો હોય, એ કરે તો ચાલે? ના. સુપ્રીમ કોર્ટની છેલ્લી બેચ જે નિર્ણય કરે એ જ નિર્ણય બધાએ સ્વીકારવો પડે. કે આ કલમનો આ અર્થ થાય છે. તો સદ્ગુરુ જે છે એ જે અર્થ આપે એ જ સાચો. એટલે પ્રભુની આજ્ઞા વાયા સદ્ગુરુ તમારી પાસે આવે છે. અને એ સદ્ગુરુની આજ્ઞા અગણિત જન્મોમાં કેટલીય વાર મળી. અને છતાં આપણો મોક્ષ ન થયો. મારો પણ ન થયો. કારણ મેં પણ ગુરુની આજ્ઞા એ રીતે નહિ સ્વીકારી. આ જન્મ આપણને મળ્યો છે. હવે નક્કી કરો કે સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું.

તમારા માટે એવી વાત છે, કે એક તમારા સાધના ગુરુ જોઈએ. એ સાધના ગુરુને તમે બધી જ વાત કરો. અને પછી એ ગુરુ તમને સાધના આપે કે તારે આ સાધનામાં જવાનું. એવા ગુરુ હોય કે જે તમને લાકડી પણ ઠોકી શકે એવા હોય. કોઈ ફેક્ટરી ખોલવાની હોય, અને એમાં ભાગીદાર બનવા માટે તમને આમંત્રણ મળે, તમે સૌથી પહેલાં શું કરો? ગુરુ પાસે જાવ કે સાહેબ આ ફેક્ટરીમાં આ રીતે ભાગીદાર બનવાની વાત છે શું કરું? ત્યારે ગુરુ લાલ આંખ કરીને કહે છે, કેમ! પેટ નથી ભરાતું તારું? તારો ધંધો ચાલે છે. તારી મૂડી કેટલી એ તે મને કહેલું છે. હવે ફેક્ટરી શા માટે? હવે કર્માદાનો ધંધો નથી કરવાનો. આવા ગુરુ રાખ્યા છે કોઈ? તમને ગુરુ કેવા ગમે? પંપાળે એવા? તો ગુમડુ છે ને પંપાળવાનું નહિ એને, એનું ઓપરેશન કરવું જ પડે એનું. તમારી અપેક્ષા શું આમ? ગુરુ શું કરે તો ગમે? ગુરુએ શું કરવું જોઈએ? સીધું જ ઓપરેશન કરી દેવું જોઈએ?

હું ઘણીવાર પ્રવચનમાં કહું છું કે અમારા જેવા માણસો હોય ને, એ smiling face વાળા હોય. અને હસતો ચહેરો બહુ જરૂરી હોય. અને એક છોકરો હતો, ગુમડું થયું. પણ ડોક્ટર પાસે જવાથી ડરે, કે ડોક્ટર ચીરી નાંખશે તો. પણ એના અંકલ જે છે એ ડોક્ટર હતાં. અને બહારથી આવ્યાં અને પેલા દીકરાના પિતાએ કહ્યું કે આને સાલાને ગુમડું થયું છે પણ કોઈનું કીધું માનતો નથી. હોસ્પિટલ એ આવતો નથી. કાકા કહે વાંધો નહિ. કાકા ખુલ્લી છરી લઇ અને ગયાં. હાથ આમ પાછળ, છરી પાછળ. દીકરાને પૂછે શું ભણે છે? ઓહો તું બોર્ડમાં આવી ગયો એમ? દસમાંમાં આવી ગયો એમ? ઓહો મોટો થઇ ગયો? બોર્ડમાં પછી નંબર લાવવાનો છે ને તારે? એમ વાતો કરતાં સીધું ચપ્પુ આમ લગાવી દીધું. ગુમડું મટી ગયું. એટલે અમે પણ smiling face વાળા એટલે જ છીએ! ઓપરેશન થઇ જાય અને તમને ખબર ન પડે!

તો સદ્ગુરુ વેદના દ્વારા અને પ્રેમ દ્વારા તમને દોષમુક્ત કરે. અરણીક મુનિની વાત બહુ જ ઊંડાણમાં જાય છે. એટલું બધું ઊંડાણ છે એનું, કે આપણને પોતાને આપણી ક્યાં ચૂક થાય છે એનો ખ્યાલ આવશે. એટલે એ વાત આપણે આવતી કાલે જોઈશું. આવતી કાલે સવારે સાડા નવ વાગે. Home work કરો છો ને પાછા? Home work કરીને આવજો.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *