Siddhi Sadhna Updhan Tap – Vachana 5

1 View
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે

જે ક્ષણે સદ્ગુરુ તમારા હૃદયમાં અંજન આંજે – તમારી અંજનશલાકા કરે – એ જ ક્ષણે તમે હૃદયની આંખોથી પ્રભુને જોઈ શકો! અંજનશલાકા એટલે શું? પ્રાણપ્રતિષ્ઠા. તમારા પ્રાણ તમારામાં છે? તમારો ઉપયોગ તમારામાં છે? ગુરુ તમારી પ્રાણપ્રતિષ્ઠા કરે એટલે તમારા ઉપયોગને, તમારા મનને સ્વમાં સ્થિર કરી દે!

વર્ષો સુધી જેમણે સંયમની પાલના કરી છે એવા સદ્ગુરુ પાસે તમે જાવ અને એ સદ્ગુરુ તમને વાસક્ષેપ આપે એટલે પોતાની સંયમની શક્તિ – પ્રભુ દ્વારા પોતાને મળેલી શક્તિ – એ તમને આપે છે. હાથથી અપાતો વાસક્ષેપ એ શક્તિપાતની પ્રક્રિયા છે.

એ જ રીતે આંખ દ્વારા પણ સદ્ગુરુ પ્રેમ આપે. શબ્દ દ્વારા પણ આપે. અને તમે માત્ર આંખો બંધ કરીને એમની નજીક બેસી રહો – neutral બનીને, શાંત બનીને – તો સદ્ગુરુની ઊર્જાને તમે પકડી શકો અને એ ઊર્જા પણ તમને પ્રેમ આપે. સદ્ગુરુ પ્રેમ આપવા તૈયાર; તમે એ પ્રેમને ઝીલવા તૈયાર ખરા?!

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય અને આપણી જાગૃતિથી થાય. પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ, એ પ્રેમથી હૃદય ભરાઈ જાય દોષોને રહેવાની જગ્યા જ ન મળે!

એક સાધકે એકવાર મને પૂછેલું; કે ગુરુદેવ! આટલા બધા દોષો હૃદયમાં છે એમને કાઢવા શી રીતે? મેં કહ્યું; shortest cut એક જ છે. તમને આમ પણ short cut ફાવે ને! અને shortest cut હોય તો? ઓર મજા આવે! મેં કહ્યું; shortest cut એક જ છે – પ્રભુના પ્રેમથી, સદ્ગુરુના પ્રેમથી હૃદયને ભરી દેવું. પછી દોષો રહે ક્યાં? પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે.. એક ક્ષણ એવી નથી કે પ્રભુનો પ્રેમ ન વરસતો હોય!

આચારાંગ સૂત્રમાં શબ્દોના સ્તર ઉપર પણ પ્રભુનો પ્રેમ વરસ્યો છે. આચારાંગ સુત્રના સુત્રો માટે હું કહેતો હોઉં છું, કે એ સુત્રો editing વગરના છે. સામાન્ય તયા શું હોય, પભુ બોલે, ગણધર ભગવંતો પોતાની ભાષામાં એને edit કરે. પણ આચારાંગના સુત્રો જેવા પ્રભુએ કહ્યા, એવા જ મુકવામાં આવ્યાં છે. ‘Inverted coma’ ની અંદર. એટલે જ એક સૂત્ર આવ્યું – ‘आणाए मामगं धम्मं’ સુધર્મા સ્વામી ભગવાન કહી ન શકે – કે આજ્ઞામાં મારો ધર્મ છે. પ્રભુના શબ્દો inverted coma માં ગણધર ભગવંતે મુક્યા. આવું એક એક સૂત્ર છે જેમાં પ્રભુનો પ્રેમ શબ્દોના સ્તર પર આપણા ઉપર વરસ્યો છે. પ્રભુ કહે છે; “अणाणाए एगे सोवट्ठाणा, आणाए एगे णिरुवट्ठाणा. एयं ते मा होउ” પૂર્વાર્ધ તો બધાને લાગુ પડે છે. પ્રભુ કહે છે; કેટલાક સાધકો અનાજ્ઞામાં ઉદ્યમશીલ હોય છે. કેટલાક સાધકો આજ્ઞાને પામીને પણ ઉત્સાહવાળા હોતા નથી. પણ ઉત્તરાર્ધ fantastic! લાજવાબ.! ઉત્તરાર્ધ માત્ર ને માત્ર આપણા માટે છે. Personally for us! Personally for me! પ્રભુ કહે છે, આવું બીજા માટે હોય, તારા માટે આવું નથી! તું તો આજ્ઞા પામીને એના પાલનમાં ઉત્સાહવાળો છે. પ્રભુ જાણે કહી રહ્યા છે; you are my beloved one! તું મારો પ્રીતિપાત્ર છે! આ પ્રભુનો પ્રેમ શબ્દોના સ્તર પર વરસ્યો.! સદ્ગુરુનો પ્રેમ શબ્દોના સ્તર ઉપર પણ વરસશે..

સદ્ગુરુ તમને પ્રેમ ચાર રીતે આપે છે: આંખ દ્વારા પણ આપે, હાથ દ્વારા પણ આપે, શબ્દ દ્વારા આપે અને પોતાની ઉર્જા દ્વારા આપે. સદ્ગુરુ તમને વાસક્ષેપ આપે. વાસક્ષેપ આપવાની પ્રક્રિયા એ શક્તિપાતની પ્રક્રિયા છે. સદ્ગુરુ પોતાની શક્તિ તમને આપે છે. વર્ષો સુધી જેમણે સંયમની પાલના કરી છે. એવા સદ્ગુરુ પાસે તમે જાવ, અને એ સદ્ગુરુ તમને વાસક્ષેપ આપે એટલે પોતાની શક્તિ, પોતાની સંયમની શક્તિ, પ્રભુ દ્વારા પોતાને મળેલી શક્તિ એ તમને આપે છે. આંખ દ્વારા સદ્ગુરુ પ્રેમ આપે. શબ્દ દ્વારા પણ સદ્ગુરુ પ્રેમ આપે. અને તમે માત્ર આંખો બંધ કરીને એમની નજીક બેસી રહો, માત્ર ન્યુટ્રલ બનીને, શાન્ત બનીને, તો સદ્ગુરુની ઉર્જા જે છે એને તમે પકડી શકો, અને એ ઉર્જા પણ તમને પ્રેમ આપે. સદ્ગુરુ તૈયાર પ્રેમ આપવા.! તમે પ્રેમ ઝીલવા તૈયાર ખરા?

મેં ગઈકાલે કહેલું, કે સદ્ગુરુ પોતાના પ્રેમની અંદર એક સુરક્ષાચક્ર ભેળવીને તમને આપે છે. સદ્ગુરુના પ્રેમમાં એવું એક સુરક્ષા ચક્ર છે, કે એ સુરક્ષાચક્ર તમને મળી જાય, તો એક સેકંડ માટે પણ તમે રાગ-દ્વેષ કે અહંકારમાં જઈ ન શકો! એક નિર્મળ પ્રેમ.. નિર્મળતર પ્રેમ.. પહેલી વાર પ્રભુનો પ્રેમ મને મળ્યો, એકદમ નિર્મળતમ પ્રેમ; હું સ્તબ્ધ થઇ બની ગયો! કે આવો પ્રેમ હોઈ શકે! આવી રીતે કોઈ ચાહી શકે.! આપણે દોષોની ખીણમાં, પરમાત્મા સિદ્ધશિલા ઉપર, પરમાત્મા સમવસરણમાં અને એ સમવસરણમાં રહેલા પરમાત્મા આપણા ઉપર પ્રેમ વરસાવતા હોય! એક મિનિટ આંખો બંધ કરીને કલ્પના કરો કે પ્રભુનો પ્રેમ વરસી રહ્યો છે.. બસ, માત્ર એ પ્રેમ વરસી રહ્યો છે; અને આપણે એને ઝીલી રહ્યા છે…

તકલીફ ક્યાં છે એ સમજાવું? અનંતકાળથી પ્રભુનો પ્રેમ વરસતો આવ્યો; હું પણ ઝીલી ન શક્યો, તમે પણ ઝીલી ન શક્યા, માટે જ આપણો સંસાર ચાલુ છે. જો એ પ્રેમ ઝીલાઈ ગયો હોત તો આપણે મોક્ષમાં પહોંચી ગયા હોત. હજુ પણ એના પ્રેમને ન ઝીલીએ ત્યાં સુધી મુક્તિની કોઈ સંભાવના નથી. એનો પ્રેમ જે છે એ જ આપણને સાધનામાર્ગમાં આગળ વધારે છે.

આનંદઘનજી ભગવંતને કો’કે પૂછેલું; કે પ્રભુ અમને ચાહે છે? સવાલ કર્યો કે પ્રભુ અમને ચાહે છે? આનંદઘનજી ભગવંતે કહ્યું, No doubt પ્રભુ તને ચાહે છે. પેલાએ આગળ પૂછ્યું; પ્રભુ મને ચાહે છે, એની ખાતરી શી રીતે થાય? ત્યારે એમણે કહ્યું; “પ્રેમ પ્રતિત વિચારો ઢુંકડી, ગુરુગમ લેજો રે જોડ” પ્રેમ પ્રતિત વિચારો ઢુંકડી – પ્રભુનો પ્રેમ, એની પ્રતીતિ, એની સાબિતી તને આપી દઉં. શું સાબિતી? સાધનામાર્ગમાં તું એક ડગલું પણ આગળ વધી શક્યો છે, એ પ્રભુનો તારા પરનો પ્રેમ છે.! ઉપધાન માટે તમે આવી ગયા, એ પ્રભુનો તમારા પરનો પ્રેમ હતો.

ઘણા સાધકો ઘણીવાર મળે છે. સાહેબ ઉપધાનનું form pass થઇ ગયું. ઉપધાન કરવા મળશે, એનો એક થનગનાટ હતો. બિસ્તરો પેક ગયો. ચરવળો, કટાસણું, સંથારીયું બધું જ જે છે એને pack કરી લીધું. અને હવે રીક્ષાને કરી સ્ટેશને પહોંચવાનું હતું. આટલી તૈયારી થઇ ગયેલી! અને ત્યાં સમાચાર મળ્યાં, કે નજીકના સ્નેહી જે છે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, ICU માં છે, અને કટોકટીની  સ્થિતિનો એ સામનો કરી રહ્યા છે. અત્યંત નજીકના સંબંધી હતાં. બિસ્તરો ખોલી નાંખવો પડ્યો. અને હોસ્પિટલે જવાનું થયું. ઉપધાન રહી ગયા! તમે ઉપધાન માટે આવી ગયા, એ પ્રભુનો તમારા પરનો પ્રેમ છે. તમે અહીંયા આવી ગયા, એ પ્રભુનો તમારા પરનો પ્રેમ છે.

એ પ્રભુનો પ્રેમ.. એ સદ્ગુરુનો પ્રેમ… પણ એ પ્રેમને ઝીલવો શી રીતે? એ પ્રેમ જેમાં ઝીલાય, એ પાત્ર કયું? એ પાત્ર છે સમર્પણશીલતા. તમે પ્રભુની આજ્ઞાને, પ્રભુને, સદ્ગુરુને સમર્પિત થયાં એટલે પ્રેમ તમને મળવા માંડે; અને પછીનું બધું જ કામ, ઠેઠ તમને મોક્ષ સુધી પહોંચાડવાનું કામ એ પ્રેમ કરી આપે. તમારે કશું જ કરવાનું ન રહે.! એ પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ તમને મોક્ષ સુધી પહોચાડી આપે.!

અરણીક મુનિએ દીક્ષા લીધી. તપ, જપ, સંયમમાં એકદમ આગળ છે. પણ એમના મનમાં એક વસ્તુ હતી કે તપશ્ચર્યા કરવી, સાધના કરવી, તો સાધના તો મારે કરવાની છે, ગુરુની ખાલી આજ્ઞા લઇ લઉં. એટલે ગુરુદેવને કહે સાહેબ! અટ્ઠમનું પચ્ચક્ખાણ આજે આપી દો. ક્યારેક કહે અટ્ઠાઈનું પચ્ચક્ખાણ આપી દો. તો સાધના પ્રત્યેનો એક self confidence – આત્મવિશ્વાસ કે હું સાધના કરું છું, મારે સાધના કરવાની છે, ગુરુ તો માત્ર સાક્ષી છે!

આમ જુઓ તો એમના હૃદયમાં શુભ ઈચ્છા સિવાય કોઈ ઇચ્છાઓ નહતી. એક પણ અશુભ ઇચ્છાઓ નહતી એમના હૃદયમાં. માત્ર શુભ ઈચ્છાઓ હતી. ગરબડ આટલી જ થઇ કે શુભ ઇચ્છાઓ પોતાની અને એનું અમલીકરણ પણ પોતે જ કરવા માંડ્યા. વચ્ચે સદ્ગુરુ જે હોવા જોઈએ, એ સદ્ગુરુ ન રહ્યા. એટલે એક પણ તમારી સારી ઈચ્છા હોય, એને પણ સદ્ગુરુને પૂછીને જ તમે કરી શકો. પૌષધમાં તમે હોવ, તમારે નીવિ કરવા જઉં છે, તો ગુરુદેવની આજ્ઞા લો બરોબર, કેમ કે સાહેબની આજ્ઞા લઈને જઈએ ને તો નીવિ કરવા જઈએ, ઉદાર પરિવારે એટલી બધી આઈટમો બનાવેલી હોય, પણ એક પણ આઈટમમાં અમને રાગ ન થાય, કેમ? ગુરુનો આશીર્વાદ લઈને ગયા છીએ માટે! ગુરુનો આશીર્વાદ શેના માટે? ઉપધાનમાં ન હોવ, અને આશીર્વાદ લેવા આવ્યા, તો પણ ગુરુનો આશીર્વાદ શેના માટે? તમે જ્યાં છો, ત્યાં તમને રાગ ઓછો થાય, દ્વેષ ઓછો થાય, અહંકાર ઓછો થાય એના માટે ગુરુનો આશીર્વાદ.

રત્નસુંદરસૂરીજીએ એકવાર કહેલું કે શંખેશ્વર દાદાનું ન્હવણ આંખે લગાડીએ અને કદાચ મોતિયો નીકળી જાય તો એ કોઈ ચમત્કાર નથી! Eye specialist પણ કેટરેક ને કાઢી શકે છે. પાંચ હજાર રૂપિયા આપો અને ડોક્ટર જે કામ કરી શકતો હોય, એ કંઈ પ્રભુ પાસે આપણે કરાવવું નથી! પ્રભુનું ન્હવણ આંખમાં લગાડીએ અને આપણી આંખના વિકારો સમાપ્ત થઇ જાય.

લક્ષ્મણજી યાદ આવે છે? સીતામાતાનું અપહરણ થયું. એમના અલંકારો મળ્યાં. રામચંદ્રજી લક્ષ્મણને પૂછે છે, આ હાર, આ કાનના કુંડલ સીતામાતાના છે? તને તો ખબર પડે! તું રોજ એમને પ્રણામ કરવા જતો હતો. એ વખતે લક્ષ્મણજી કહે છે; ‘નાહં જાનામિ કુંડલે’ એમનો હાર, એમનું કુંડલ એ કશાને હું ઓળખતો નથી, માત્ર એમના ચરણોમાં હું વંદન કરતો, તો એમના ચરણોમાં પહેરેલા ઝાંઝરને ક્યારેક જોયેલા છે. બાકી એમના મુખને જોયું નથી. અને મુખને જોયું નથી તો કુંડલનો સવાલ ક્યાંથી આવે! આ લક્ષ્મણજી જેવી દ્રષ્ટિ માંગવાનું મન થાય? ભગવાન પાસે જાવ છો, શું માંગો છો? આ જ માંગો કે પ્રભુ! લક્ષ્મણ જેવી દ્રષ્ટિ અમને મળે! અમારી આંખોમાં વિકાર ન હોય! તો સદ્ગુરુ આ કામ કરે છે – તમારા વિકારોને લઇ લે!

અવધૂત ગીતામાં સદ્ગુરુનો મહિમા વર્ણવતાં કહ્યું;

ये दत्वा सहजानन्दं, हरन्तीन्द्रियजं सुखम् I

सेव्यास्ते गुरव: शिष्यै-रन्ये त्याज्या: प्रतारका:॥

‘ये दत्वा सहजानन्दं, हरन्तीन्द्रियजं सुखम्’ – ઇન્દ્રિય દ્વારા, બધી જ ઇન્દ્રિયો દ્વારા જે સુખની કલ્પના તમે કરેલી છે, એ સુખને ટપી જાય એવો તમારો સહજ આનંદ સદ્ગુરુ આપે છે. અને એવો આનંદ આપે છે, કે આ સુખ જે છે ઇન્દ્રિયજન્ય એ સાવ નકામા તમને લાગે છે! સદ્ગુરુ તમારા વિકારને લઇ લે.! તમારા ક્રોધને લઇ લે.! તમારી ઈર્ષ્યાને લઇ લે.! તમારા અહંકાર ને લઇ લે.! આપવો છે? તમે છે ને આમ પ્રબુદ્ધ માણસો છો. કોઈ માણસ અહંકારી હોય ને, તમને ખબર પડે છે. હવે એ તો અહંકારનું પુતળું છે, એની જોડે કોણ જાય? એટલે બીજામાં રહેલો અહંકાર તમને દેખાય છે. અહંકાર ક્યાં ન દેખાય? તમારામાં રહેલો.!

એક ફિલોસોફરે હસતાં હસતાં કહેલું કે આજના માણસ પાસે પારસમણી હોય એવું લાગે છે. કારણ – જે દોષો બીજા પાસે હોય, ત્યારે ખરાબ હોય, એ એની પાસે આવે ત્યારે સારા થઇ જાય! કેમ…? ઘણા તો કહે હો, સાહેબ થોડો ક્રોધ તો રાખવો જ પડે! શું રાખવો પડે?! મેં વચ્ચે કહેલું કે આજની દુનિયામાં લાલ આંખો હવે નકામી થઇ ગઈ છે. હવે દીકરા સામે પણ તમે લાલ આંખ કરી શકતાં નથી. એક યુગ હતો. ૫૦ વર્ષનો દીકરો હોય, ૭૦ વર્ષના એના બાપ છે. એ ૭૦ વર્ષના બાપ ૫૦ વર્ષના દીકરાને કંઈક કહે છે અને પેલાને પરસેવો છૂટે છે. એ યુગ હતો. હવે એ યુગ નથી. હવે લાલ આંખવાળાનો જમાનો પૂરો થયો. હવે smiling face વાળાનો જમાનો છે.

તો અરણીક મુનિ ગુરુના પ્રેમને સ્વીકારી શકતા નથી. વિચાર તો કરો? અશુભ ઈચ્છા એક પણ નથી, માત્ર શુભ ઇચ્છાઓ છે. ચૂક કેટલી થઇ? એ શુભ ઇચ્છા આવી એનું અમલીકરણ કર્યું. વચ્ચે ગુરુ જે જોઈતા હતાં, એ ગુરુ વચ્ચે ન રહ્યા. આટલી જ ચૂક.! એટલે કે સમર્પણ ન આવ્યું. અને total surrender ન આવ્યું એટલે ગુરુના પ્રેમને એ ઝીલી ન શક્યા. ગુરુનો પ્રેમ ન ઝીલાયો, એટલે ગુરુનું સુરક્ષાચક્ર ન મળ્યું. અને એટલે જ વેશ્યાને ત્યાં જવાની નોબત આવી. વેશ્યાને ત્યાં જવાનું અરણીક મુનિ માટે વરદાન રૂપ હતું.

સાધ્વીમાતાએ જ્યારે કહ્યું; બેટા! અરણીક તારી આ દશા! આંખોમાંથી આંસુની ધારા વરસે છે. માં મારી ભૂલ થઇ ગઈ. હવે શું કરું? હવે શું કરવાનું? ગુરુદેવ પાસે જા. એ અરણીક મુનિ ગુરુની પાસે આવે છે. કેટલો ફરક પડ્યો? વેશ્યાને ત્યાં જતાં પહેલાંના અરણીક મુનિ, અને વેશ્યાને ત્યાંથી આવ્યાં પછીના અરણીક મુનિ. ફરક કેટલો બધો છે! વેશ્યાને ત્યાં નહોતા ગયા, ત્યાં સુધી સદ્ગુરુ સમર્પણ એટલું નહતું. વેશ્યાને ત્યાં ગયા પછી ખ્યાલ આવી ગયો કે મેં સદ્ગુરુને વચ્ચે ન રાખ્યાં. મારી સાધનાનો કર્તા હું બન્યો. એના કારણે મારું આ પતન થયું. હવે એમને થયું કે સદ્ગુરુના સમર્પણ વિના એક પણ ઇંચ, એક પણ સેન્ટીમીટર, એક પણ ડગ સાધનામાર્ગમાં ભરી શકાય નહિ. અને એ અરણીક મુનિ ગુરુ પાસે આવી ગુરુના ચરણોમાં પડ્યો. ગુરુએ કશું જ કહ્યું નથી! કહેવાની જરૂર નથી પડી.! કે તે શું કર્યું? ક્યાં ગયો હતો? કશું જ નહિ.! ગુરુએ જોયું કે સમર્પિત થઈને આવેલો છે; શક્તિપાત કરી દઉં – મારો પ્રેમ એને આપી દઉં! સદ્ગુરુએ માથા ઉપર હાથ ફેરવ્યો; અને શક્તિપાત થયો.! એ શક્તિપાત થયો એટલે ભીતર તો આ મૂલચુલ ક્રાંતિ થઇ ગઈ. બહાર પણ કેટલો ફેરફાર પડ્યો? કે જે અરણીક મુનિ વૈશાખ ની બળબળતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી શકતા નહતા, એ જ અરણીક મુનિ ધકધકતી શિલા ઉપર સંથારો કરીને સુઈ જાય છે.! આ સદ્ગુરુની કૃપા.! સદ્ગુરુનું સુરક્ષાચક્ર.!

અમે તૈયાર… તમને પ્રેમ આપવા… સુરક્ષાચક્ર આપવા… તમારા બધા જ દોષોને લઇ લેવા તૈયાર! Dustbin મોટું રાખીએ છીએ હો.! જેટલા તમારા દોષો હોય ને અંદર નાંખી દઈએ. આપણે ત્યાં ગુરુ દક્ષિણાનો રીવાજ છે કે સદ્ગુરુએ આપણને ઘણું બધું આપ્યું, આપણે શું આપી શકીએ? તો ગુરુ દક્ષિણા શબ્દ આપણે ત્યાં આવે છે. કે ગુરુના ચરણોમાં કંઈક ધરવું. અમારે તમારો કચરો માત્ર જોઈએ. અમારે બીજું કાંઈ જ જોઈતું નથી. સોનામહોર મુકશો તમે ચરણોમાં, અમે કહીશું ડબ્બામાં નાંખી દે. પેટીમાં નાંખી દે. અમારે એનું કોઈ પ્રયોજન નથી. પણ તમારા દોષો, તમારો કચરો અમને આપી દો.

સ્થૂલભદ્રજી ગુરુ પાસે ગયા. સંભૂતિવિજય ગુરુના ચરણોમાં પડ્યા. અને કહ્યું ગુરુદેવ મને દીક્ષા આપો. ગુરુ શું કરે એની આ મજાની વાત છે. કેવી સરસ પરંપરા આપણને મળી છે કે આપણા પરમાત્મા પણ પ્રેમ વરસાવે. સદ્ગુરુ પણ માત્ર પ્રેમ વરસાવે. મને ઘણા બધા કહેતાં હોય કે તમે લાલ આંખ કેમ નથી કરતાં? બરોબર..? આ લોકોનો સવાલ હોય છે. પણ હું તમને પૂછું, લાલ આંખ કરવાની મારે જરૂર ખરી? જો મારા પ્રેમથી તમે દોષમુક્ત બની જતાં હોવ તો મારે લાલ આંખ કરવાની જરૂર શું…? અને મારા પ્રેમને તમે નહિ સ્વીકારી શકો તો મારી લાલ આંખને ક્યાંથી સ્વીકારી શકવાના હતાં! જે સદ્ગુરુના પ્રેમને સ્વીકારી ન શકે એ લાલ આંખને સ્વીકારશે! તો એવા સદ્ગુરુ, જે માત્ર પ્રેમ વરસાવે!

તો સ્થૂલભદ્રજી ગુરુ પાસે આવ્યાં, અને ગુરુદેવને વિનંતી કરી કે મને દીક્ષા આપો. સ્થૂલભદ્રજીનો બાયોડેટા જેમને ખ્યાલ હોય, એવા કોઈ પણ ગુરુ સામાન્ય તયા એમને દીક્ષા આપવાનું સાહસ ન કરી શકે. કે વેશ્યાને ત્યાં પડ્યો પાથર્યો રહેનારો આ માણસ, એનો સગો બાપ મરવા પડ્યો, મરણની પથારીએ છે. સમાચાર મોકલ્યાં, તો કહે કે આમાં મારે શું કરવાનું છે! વૈદ્યને બોલાવો, વૈદ્ય દવા આપશે, હું આવીને શું કરીશ? સગો બાપ મરવા પડ્યો છે, અને એ વેશ્યાને ત્યાંથી સહેજ ખસવા તૈયાર નથી! અને એ સદ્ગુરુને કહે છે; મને દીક્ષા આપો! સદ્ગુરુએ એક જ વસ્તુ જોઈ કે એ અત્યારે એટલા અહોભાવમાં આવેલો છે, કે મારા શક્તિપાતને સ્વીકારી શકે એમ છે. તો શક્તિપાત કરી દઉં.

પંદરમાં સ્તવનમાં આનંદઘનજી ભગવંતે કહ્યું; ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેંખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જગધણી’ – જે ક્ષણે સદ્ગુરુ તમારા હૃદયમાં અંજન આંજે, અંજનશલાકા કરે તમારી, એ જ ક્ષણે તમે હૃદયની આંખોથી પ્રભુને જોઈ શકો. તમારી અંજનશલાકા થઇ ગઈ બધાની આમ?

અંજનશલાકા એટલે શું? પ્રાણપ્રતિષ્ઠા. તમારા પ્રાણ તમારામાં છે? તમારો ઉપયોગ તમારામાં છે? પ્રાણપ્રતિષ્ઠા ગુરુ કરે એટલે શું કરે, તમારા ઉપયોગને, તમારા મનને સ્વમાં સ્થિર કરે! તો અંજનશલાકા બાકી છે ને કે થઇ ગઈ? આપણે એક મોટો અંજનશલાકા મહોત્સવ કરીએ! કે ભગવાનની નહિ, આ જીવતાં ભગવાન છે એમની અંજનશલાકા. તમારી પ્રાણપ્રતિષ્ઠા.

તો ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે’ – ‘જો’ મુક્યું. ‘જો’ કેમ મુક્યું? જો સદ્ગુરુ અંજનશલાકા કરે તો તમે હૃદયની આંખથી પરમાત્માને જુઓ. ‘જો’ કેમ મુક્યું? હું ઘણીવાર પૂછતો હોઉં છું કે સદ્ગુરુ conditionally ખુલી શકે? એમણે તો unconditionally વરસી જવું જોઈએ. આવી જા, અંજન આંજી દઉં! ‘જો’ કેમ મુક્યું? ‘જો’ એટલા માટે મુક્યું, કે તમે એના માટે તૈયાર હોવ તો હું અંજનશલાકા કરું. એટલે સદ્ગુરુ તમારા ઉપર dual action કરે છે. પહેલાં તમને તૈયાર કરે, અને જે ક્ષણે તમે તૈયાર થયાં, એ ક્ષણે તમારી ભીતર શક્તિપાત કરે.

તો સ્થૂલભદ્રજી ઉપર સદ્ગુરુએ શક્તિપાત કર્યો. કેવો શક્તિપાત થયો કે સદ્ગુરુ જેવા વિરાગી હતાં, એવા જ વિરાગી સ્થૂલભદ્ર બની ગયાં. રાગની ધારામાં વર્ષો સુધી રહેલા સ્થૂલભદ્ર વિરાગમૂર્તિ બની ગયા. આટલો short cut તમને ન ગમે? ખાલી અમે શક્તિપાત કરીએ, તમારો રાગ લઇ લઈએ, તમારો દ્વેષ લઇ લઈએ, તમારો અહંકાર લઇ લઈએ. ગમે કે ન ગમે? તો શક્તિપાત કરવા અમે તૈયાર. એ શક્તિપાતને ઝીલવા માટે શું જોઈએ? અત્યંત પરા કોટિનું બહુમાન. તમારું પૂરું હૃદય, પૂરું અસ્તિત્વ, સદ્ગુરુ પ્રત્યેના, પ્રભુ પ્રત્યેના બહુમાનથી ભરાયેલું હોય. આ 1% effort તમારો. 99% grace પ્રભુ તરફથી. તો અગણિત જન્મોમાં અગણિત સદ્ગુરુઓ મળ્યાં. સક્ષમ સદ્ગુરુ મળ્યાં. જે તમારા ઉપર શક્તિપાત કરી શકતા હતાં પણ કરી ન શક્યાં. કારણ – તમે ઝીલવા માટે તૈયાર ન હતાં.

આપણી પરંપરા એક સરસ ઘટના આવે છે. એક ગુરુ પોતાના શિષ્યને એક નવી જ વિદ્યા આપવા માંગે છે, શક્તિપાતના રૂપમાં; પણ શિષ્ય ઝીલવા માટે તૈયાર નથી. તો ગુરુ એની પાત્રતા વિકસે એના માટે એને ઉપદેશ આપે છે. ગુરુ વૃદ્ધ છે. એક ક્ષણ એવી આવી કે ગુરુને exit લેવાનો સમય આવી ગયો. કાળધર્મનો સમય નજીક આવી ગયો. છેલ્લી ક્ષણ સુધી ગુરુએ જોયું કે જો શિષ્ય તૈયાર હોય તો શક્તિપાત કરીને આ વિદ્યા આપીને જાઉં. પણ ગુરુની છેલ્લી ક્ષણ સુધી શિષ્ય તૈયાર ન થયો. ગુરુ દેવલોકમાં ગયાં. શિષ્યનું ધ્યાન રાખે છે. ગુરુના કાળધર્મ પછી છ મહિને શિષ્ય તૈયાર થયો. અને જે ક્ષણે તૈયાર થયો, ગુરુ ઉપરથી આવે છે, શક્તિપાત કરે છે અને એને વિદ્યા આપી દે છે.

એટલે ગુરુ તો હોય જ છે; તમે નથી હોતાં.! ગુરુ તૈયાર જ હોય છે! તમે તૈયાર નથી હોતાં! તો અનંતા જન્મો એવા ગયા કે સદ્ગુરુઓ તૈયાર હતાં, તમે તૈયાર નહતા.! આ જન્મમાં શું કરવું છે બોલો હવે? અનંતા જન્મો મારા પણ એવા ગયા કે હું સદ્ગુરુના શક્તિપાતને ઝીલી નહતો શક્યો. આ જન્મમાં જ ઝીલી શક્યો છું. તમારે શું કરવું છે બોલો? સાહેબ અનંતા ગયા તો એકનો શું હિસાબ? કેમ? અનંતા જન્મો નકામાં ગયા, એક ઔર?! કેમ…? કે આ જન્મને સાર્થક બનાવવો છે?

તો તમારા હૃદયને, તમારા અસ્તિત્વને પ્રભુ પરના બહુમાનથી, પ્રભુ પરની ભક્તિથી, સદ્ગુરુ પ્રત્યેના બહુમાનથી એવી રીતે ભરી દો કે અમે લોકો તમારા ઉપર શક્તિપાત કરી શકીએ.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *