Siddhi Sadhna Updhan Tap – Vachana 6

1 View
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુનો પ્રેમ

હજારો જન્મ પહેલા જ્યારે આપણે બિલકુલ કોરી slate જેવા હતા; પ્રભુ એટલે શું એ આપણને ખ્યાલ પણ નહતો, એ વખતે કોઈ સદ્ગુરુ પાસેથી પહેલી જ વાર પરમચેતના વિશે આપણે સાંભળ્યું. અને એક ક્ષણ માટે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ! તું શું મને ન મળે?!

એક ક્ષણની આપણી પ્રાર્થના. અને એ પ્રાર્થના પર પ્રભુએ આપણને select કર્યા. પણ initial stage નું જે કામ હતું, એ સદ્ગુરુચેતનાએ કરવાનું હતું. એટલે પરમચેતનાએ સદ્ગુરુચેતનાને કહ્યું કે મેં આને સ્વીકાર્યો છે; એના ઉપર તમે કામ શરૂ કરો!

આપણું હૃદય રાગ, દ્વેષ અને અહંકારથી છલોછલ ભરાયેલું; એમાં પ્રભુનો પ્રેમ ક્યાંથી ઝીલાય? એટલે સદ્ગુરુનું કામ એ હતું કે આપણા હૃદયમાં રહેલા એ રાગ, દ્વેષ, અહંકારને શિથિલ બનાવવા. હૃદય નિર્મળ બને એટલે પ્રભુની કરુણા, પ્રભુનો પ્રેમ આપણા હૃદયમાં અવતરિત થાય. તમે ભૂલી ગયા છો; પણ તમારા જ જીવનની આ વાત છે!

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય. પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ આપણને દોષમુક્ત બનાવે. મને સદ્ગુરુના પ્રેમે દોષમુક્ત બનાવ્યો અને મારી સાધનાની ધારા પણ સદ્ગુરુ દ્વારા મને મળી.

દાદા ગુરુદેવ ભદ્રસૂરીદાદા આપણા યુગના ભક્તિયોગાચાર્ય, આપણા યુગના સાધનાચાર્ય એમના ચરણોમાં મારું બાળપણ વીત્યું. એમણે જ મને ઊંચક્યો. દોષમુક્ત બનાવ્યો, અને સાધનાની પગથાર પર દોડતો કર્યો. 11 વર્ષની વયે મારી દીક્ષા થઇ. દીક્ષાને બે એક વર્ષ થયાં હશે. દાદા ગુરુદેવ જુના ડીસામાં બિરાજમાન. મારું આસન દાદા ગુરુદેવની બાજુમાં હોય. સતત એમનો પ્રેમ મારા પર વરસ્યા કરતો હોય. એ ખાલી યશોવિજય બોલે, એ પાંચ અક્ષરોમાં પણ એટલો પ્રેમ ભરીને આપતાં કે આપણે નાચી ઉઠીએ!

તો સવારના દસેક વાગેલા. દાદા ગુરુદેવ પોતાના ધ્યાનમાં છે. હું બાજુમાં બેઠેલો. અને ગામના એક ભાઈ આવ્યાં. અને એમણે ગામના જ એક અગ્રણી માટે નિંદાની વાતો કરી, કે બહારથી તો ભભકો બહુ રાખે છે, અંદરથી પોલમપોલ છે. મેં સાંભળ્યું ત્યાં સુધી તો ઠીક હતું. પણ હું પણ એની ગાડીમાં બેસી ગયો. મેં કહ્યું; હા, મેં પણ આવું સાંભળ્યું છે. એ ભાઈ ગયા. રૂમમાં બીજું કોઈ હતું નહિ. દાદા ગુરુદેવે મને પ્રેમથી બોલાવ્યો. યશોવિજય અહીં આવ. હું દાદાના ચરણોમાં ગયો. વંદના કરી. પૂછ્યું; ફરમાવો. ત્યારે એમણે મને કહ્યું, કે દીક્ષા પહેલાં તું વેપારીનો દીકરો હતો ને? મેં કહ્યું; હા. મને કહે, વેપારીનો દીકરો ખોટનો ધંધો કરે ખરો? મેં કહ્યું, ના કરે. મને કહે; તે શું કર્યું હમણાં? પેલો ભાઈ તો સંસારી હતો. એ ગમે તેમ બોલે. તું સાધુ છે. તારાથી કોઈની નિંદા કરાય ખરી?! આ નિંદા એ તો ખોટનો ધંધો છે. હવે પછી ક્યારેય કરતો નહિ.

એ એવા ગુરુદેવ હતાં, કે જેમના સામાન્ય શબ્દો પણ શક્તિપાત જેવા થઇ જતા. એવો શક્તિપાત ગુરુદેવે એ વખતે કર્યો કે જીંદગીમાં નિંદા નામનો શબ્દ મારા જીવનકોશમાંથી લુપ્ત થઇ ગયો. પછી ગુરુદેવે મને સમજાવેલો, મને કહે, કોઈ મહાપુરુષ હોય, અને બની શકે કે એ ગુસ્સે થઇ જતાં હોય. હકીકતમાં છે ને ગુરુનો ક્રોધ એ ક્રોધ નથી. શું છે? પુણ્યપ્રકોપ. બરોબર…? પણ ધારો કે કોઈ શ્રાવક છે, એના બીજા બધા જ ગુણો સરસ છે. અગ્રણી શ્રાવક છે. અને એ ગુસ્સે થઇ જાય છે વારંવાર. તમને એ ખ્યાલ આવે, તમે કહી દો, કે આવો અગ્રણી માણસ એ પણ આટલો ગુસ્સો કરતો હોય, તો હું ગુસ્સો કરું એમાં નવાઈ શું? આ બીજાના દોષ જોઇને તમે શું કર્યું? તમે તમારા ક્રોધને પુષ્ટ કર્યો. તો દાદા ગુરુદેવે એવો શક્તિપાત કર્યો મારા ઉપર કે તે દિવસથી નિંદા બિલકુલ બંધ!

સદ્ગુરુના શક્તિપાતને હું lift કહું છું. મુંબઈ ગયા. ૩૫મા માળે તમારો કોઈ સંબંધી છે. તમારે ૩૫માં માળે જવું છે. લીફ્ટમાં બેઠા. બટન દબાવ્યું. Lift ૩૫માં માળે જશે. પણ electricity fail હોય, અને દાદર ચડવા પડે તો…! એમ રાગ-દ્વેષ અને અહંકારમાં ડૂબેલા આપણે કઈ રીતે ઊંચકાઈ શકીએ? સદ્ગુરુનો શક્તિપાત એ લિફટનું કામ કરે; આપણને ઊંચકી લે!

એ સદ્ગુરુના શક્તિપાતને મેળવવા માટે શું કરવાનું? Total surrender. સંપૂર્ણ સમર્પણ.

સ્થૂલભદ્રજી ઉપર સંભૂતિવિજય ગુરુએ શક્તિપાત કર્યો. સ્થૂલભદ્રજી રાગની ધારામાં એટલા ઊંડા વહી ગયેલા કે એ વિરાગની ધારામાં આવે એ ખરેખર ચમત્કાર હતો અને એ સદ્ગુરુના શક્તિપાતનો ચમત્કાર હતો. પણ સ્થૂલભદ્રજીની વિશેષતા એ રહી કે એમણે સદ્ગુરુના શક્તિપાતને ઝીલ્યો. હું ઘણીવાર કહું છું, શક્તિપાત કરવા જ અમે બેઠા છીએ. પણ ઝીલનારો ક્યાં છે? શક્તિપાત કરી દઈએ. શક્તિપાત કરતાં એક સેકંડ લાગે. પણ એ શક્તિપાતને ઝીલવા માટે તમને તૈયાર કરતાં નાકે દમ આવી જાય. સદ્ગુરુ ચેતના કેટલાય જન્મોથી તમારા ઉપર કામ કરી રહી છે. તમે હજી સુધી સદ્ગુરુ ચેતનાને મોકો આપ્યો નથી. સદ્ગુરુ ચેતના તૈયાર હતી તમને ઉચકવા માટે. કેટલા જન્મોથી? અગણિત જન્મોથી! પણ તમે તૈયાર નહતા! આ વખતે તૈયાર છો? શક્તિપાતને ઝીલી લેવો છે? સદ્ગુરુ ચેતના હંમેશ માટે તૈયાર હોય છે.

એક તમારા જીવનની વાત કરું. મારા અને તમારા જીવનની વાત છે. હજાર જનમ પહેલાં, આપણે બિલકુલ કોરી સ્લેટ જેવા હતાં. પ્રભુ એટલે શું, એ આપણને ખ્યાલ નહતો. અને એ વખતે આપણું એક સૌભાગ્ય રહ્યું કે આપણે એક સદ્ગુરુના ચરણોમાં બેઠા. સદ્ગુરુએ પરમ ચેતનાની મોહક વાતો કરી. પહેલી જ વાર પરમચેતના વિશે આપણે સાંભળ્યું. અને એક ક્ષણ માટે આપણે પ્રાર્થના કરી કે પ્રભુ! તું આટલો શક્તિશાળી છે. પહેલી જ વાર મેં જાણ્યું. પણ, તું મને મળે કે ન મળે? તું શું મને ન મળે?! એક ક્ષણની આપણી પ્રાર્થના. એ પ્રાર્થના પર પ્રભુએ આપણને select કર્યા. પ્રભુએ select કર્યા આપણને. પછી એ નિશ્ચલ સ્ટેજનું જે કામ હતું, એ સદ્ગુરુ ચેતનાએ કરવાનું હતું. એટલે પરમચેતનાએ સદ્ગુરુ ચેતનાને કહ્યું; કે મેં આને સ્વીકાર્યો છે. એના ઉપર તમે કામ શરૂ કરો. સદ્ગુરુ ચેતનાને ખ્યાલ હતો કે મારે શું કરવાનું છે. આપણા હૃદયને નિર્મળ બનાવવાનું કામ સદ્ગુરુ કરે છે. અને હૃદય નિર્મળ બને એટલે પરમાત્માની કરુણા આપણા હૃદયમાં પ્રવેશે છે, પરમાત્માનો પ્રેમ આપણા હૃદયમાં અવતરિત થાય છે.

એક ગ્લાસ હોય, ટોચ સુધી ધૂળથી ભરાયેલો હોય, એમાં પાણી પડે તો કીચડ સિવાય શું થાય? એમ આપણું હૃદય રાગ-દ્વેષ અને અહંકારથી છલોછલ ભરાયેલું, એમાં પ્રભુની કરુણા ટપકે તો પણ શું થાય? એટલે સદ્ગુરુનું કામ એ હતું કે આપણા હૃદયમાં રહેલા રાગને, દ્વેષને, અહંકારને શિથિલ બનાવવા. અને એ કામ સદ્ગુરુ ચેતનાએ શરૂ કર્યું. આ તમે ભુલી ગયા છો પણ તમારા જ જીવનની આ વાત છે. સદ્ગુરુ ચેતનાએ કહ્યું; કે બેટા! તું ગુસ્સે કેમ થાય છે? આપણે કહ્યું; સાહેબ ગુસ્સે ન થાઉં તો શું કરું? પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું. તો મને ગુસ્સો આવે જ ને? એ વખતે ગુરુદેવ કહે છે; કે કોઈ નિમિત્ત તને ગુસ્સે ન કરી શકે; તારું હૃદય નિર્મળ નથી માટે તું ગુસ્સે થાય છે. બોલો અત્યારે પણ તમારી સમજ શું? તમને ગુસ્સો આવ્યો. તમે શું કહેશો? પેલાએ આમ કર્યું. એણે આવા શબ્દો વાપર્યા, તો ગુસ્સો આવે જ ને? એટલે હું ઘણીવાર કહું છું, કે તમને સામાની દીવાસળી દેખાય, તમારો પેટ્રોલપંપ દેખાતો નથી.

એક માણસ પેટ્રોલપંપમાં ગયો. એના માલિકની મુલાકાત લેવી હતી. પેટ્રોલપંપમાં લખેલું; no smoking please. પેલાએ વાંચ્યું પણ ખરું, પણ સિગરેટ પીવાની તલપ એવી લાગી, બાકસ કાઢ્યું, દીવાસળી સળગાવી. એનાથી સિગરેટ સળગાવી. ત્યાં સુધી એ ઠીક હતું. પછી સળગતી દીવાસળી ફેંકી. રોજની ટેવ, એ પ્રમાણે દીવાસળી ફેંકી. ફેંકી અને પેટ્રોલપંપ ભડકે બળ્યો. પેટ્રોલપંપ ભડકે બળ્યો. તમને દીવાસળીનો વાંક દેખાય ને? વાંક કોનો દેખાય બોલો? દીવાસળીનો ને? એ જ દીવાસળી લઈને પેલો પાણી ભરેલા હોજ પાસે જાય, અને પાણી ભરેલા હોજમાં સળગતી દીવાસળી નાંખે તો શું થાય? એટલે દીવાસળીને આપણે કશું જ કરી શકતા નથી. પણ આપણા પેટ્રોલપંપને આપણે હોજમાં ફેરવવું જોઈએ. સદ્ગુરુ ચેતનાએ આપણને આ સમજાવ્યું. વાત ગળે ઉતરી ગઈ ને આમ તો…? એ વખતે ઉતરી ગયેલી. પણ ક્યાં સુધી? ગુરુ પાસે હતા ત્યાં સુધી. બહાર નીકળ્યા, એક ચંપલ કુતરું લઇ ગયેલું, સીધો જ પેટ્રોલપંપ ભડકે બળ્યો. તો હજાર હજાર જન્મથી ગુરુચેતના તમારા ઉપર કામ કરી રહી છે.

અમે લોકો અંજનશલાકા માટે જઈએ ને, રાત્રે, સોનાની વાટકીમાં અંજન હોય. સોનાની સળી અમારા હાથમાં હોય. સળીને અંજનમાં ડબોળી અને પ્રભુના નેત્રમાં અમે અંજન કરી લઈએ. અત્યારે અમે અંજન માટે તૈયાર છીએ. ભગવાનને અંજન કરવું હોય ને, એક મિનિટ અમને લાગતી નથી! પણ તમને અંજન કરવું હોય તો…!

તો સદ્ગુરુ ચેતનાનો પ્રેમ આપણને ઊંચકી લે. ગુરુદેવે કહ્યું; નિંદા નહિ કરવાની! Accepted. એ જ સમયે એ વાત સ્વીકારાઈ ગઈ. કારણ – સદગુરુનો એ શક્તિપાત હતો.

હું ઘણીવાર કહું છું; કોઈ પણ સદ્ગુરુ અઘરામાં અઘરું કામ તમને ભળાવે તો પણ ક્યારેય ના નહિ પાડવી. કેમ? અઘરું કામ સદ્ગુરુ ભળાવે એટલું જ નહી, એ કામ સદ્ગુરુ કરી આપવાના છે. આપણે કરવાનું નથી. ગુરુદેવ ૐકારસૂરિ મ.સા. બાલમુનિ તરીકે. સંસ્કૃત બુકનો અભ્યાસ થયેલો અને વર્ધમાન દેશના વાંચતા હતાં. એ સમયે દાદા ગુરુદેવની એક આંખે ઝામરો ઉતરેલો, અને બીજા આંખે મોતિયાનું ઓપરેશન fail થયું. બંને આંખોમાંથી રોશની બંધ થઇ ગઈ. એ યુગમાં ચોમાસાના પ્રવચનો પણ પોથી સામે રાખીને અપાતાં. અત્યારે જેમ કલ્પસૂત્ર વાંચીએ ને આપણે, એ જ રીતે ચોમાસાના પ્રવચનો અપાતાં.બધા વિચારમાં પડી ગયા, કે દાદા ગુરુદેવની બંને આંખે રોશની નથી. બાલમુનિ નાનકડા છે. બીજા કોઈ મુનિરાજ વ્યાખ્યાન આપે એવા છે નહિ. અને નવા ડીસામાં ચોમાસું નક્કી થયેલું. તો વ્યાખ્યાન કોણ વાંચશે? બધાને ચિંતા હતી. દાદા ગુરુદેવ નિશ્ચિંત હતાં. કેમ નિશ્ચિંત હતા? એમણે બધું જ પ્રભુને ભળાવી દીધેલું. અમે લોકો એકદમ નિર્ભાર હો! નિશ્ચિંત… કોઈ ચિંતા નથી! આગળની ક્ષણની ચિંતા નથી! પ્રભુએ જ્ઞાનમાં જે રીતે જોયું હશે એ રીતે પર્યાયો ખુલશે; અને જે પણ પર્યાય ખુલે એને સ્વીકારવા તૈયાર છે. તમે લોકો ઘટનાને face કરો છો; ઘટનાને સ્વીકારતાં નથી. કોઈ પણ ઘટના ઘટી, સ્વીકારી લો! પછી પીડા જ ક્યાં છે? પણ તમે ધારો છો, કે આમ ઘટના ઘટિત થવી જોઈએ, અને એ પ્રમાણે ઘટના ઘટી નહિ, તમે મૂડલેસ થઇ જાઓ છો. અરે! ઘટનાને એની રીતે ઘટવા દો! એનું અર્થઘટન કેમ કરવું, એ તમે નક્કી કરો. હું ઘણીવાર કહું, ઘટનાને ઘટિત થવાની સ્વતંત્રતા છે. તો એનું અર્થઘટન કેમ કરવું, એની સ્વતંત્રતા આપણી પાસે નહિ?

લોકમાન્ય તિલક આપણા સ્વાતંત્ર્ય સેનાની. એમના યુગમાં કોંગ્રેસમાં બે ભાગ. મવાડ અને ઉદ્દામ. વિરોધીઓ લોકમાન્ય તિલક ઉપર ગાળોનો વરસાદ વરસાવતાં. એ યુગના જે newspaper આવતાં, એ લગભગ newspapers હેડિંગની અંદર લોકમાન્ય તિલક પરની ગાળોને ચમકાવતાં. એક સવારે એક મિત્ર તિલક મહારાજને ત્યાં ગયો. તિલકજી ચા પીતાં હતાં. છાપું વાંચતા હતાં. અને હેડિંગમાં જ તિલક પરની ગાળો. પેલો મિત્ર કહે છે; તમે આ newspaper વાંચી કઈ રીતે શકો છો? તમારા પરની ગાળો જ ગાળો છે. તમે નાલાયક છો. તમે સુંવરના બચ્ચાં છો. આવી ગાળો અને એ તમે વાંચી શકો છો? તિલક હસતાં હતાં. તિલક કહે; એ તો ઠીક. તું નાસ્તો કરીને આવ્યો છે કે એમને એમ? પેલો કહે; નાસ્તો કરીને આવ્યો છું. ચાલો, નાસ્તો કરીને આવ્યો છે ને, ચા તો ચાલે. ચા મંગાવી. પછી પૂછ્યું; તે નાસ્તામાં શું લીધેલું? તો કહે; પૌઆ. ગરમ પૌઆ. તો તિલકજીએ કહ્યું; તું ગરમ પૌઆથી નાસ્તો કરે છે, હું ગરમ-ગરમ ગાળોથી નાસ્તો કરું છું. મારે ચા જોડે બીજો કોઈ નાસ્તો નહિ જોઈએ. આ ગાળો વાંચી લઉં, મજા આવી જાય. મજા આવે? પોતાના માટેની ગાળો મસ્તીથી વાંચે છે. કેમ? બોલનારને બોલવું હોય એ બોલે. હું શું છું એ હું જાણું છું. તો તમે ઘટનાથી પ્રભાવિત થાવ છો.

અત્યારે ઉપધાનમાં તમે આવ્યાં ને, તમે ઘટના અપ્રભાવિત બન્યાં. બરોબર ને! અત્યારે કેવા છો? પ્રભુ પ્રભાવિત. ઘટના પ્રભાવિત નહિ ને? અમે લોકો આનંદમાં કેમ છીએ? Ever fresh.. ever green… કેમ? કોઈ ઘટનાની કોઈ અસર થતી નથી. રોગ આવ્યો, તો આવ્યો, ભલે આવ્યો.

દાદા ગુરુદેવ ૧૦૩ વર્ષનું આયું. ચત્તા ને ચત્તા સુઈ રહેવાનું. થાપાનું ફેકચર થયેલું. પડખું બદલાય નહિ. અને કોઈ પૂછે; કે સાહેબ શાતામાં? તો કહે દેવ-ગુરુ પસાય. અરે પણ સાહેબ આપને તકલીફ કેટલી બધી છે? ત્યારે સાહેબ હસતાં, અને કહેતા, પ્રભુનો માર્ગ જ શાતાનો માર્ગ છે પછી અશાતા ક્યાંથી આવે!

તો એ સદ્ગુરુના પ્રેમે મને દોષમુક્ત બનાવ્યો. એ વખતે મને ખ્યાલ નહતો કે દાદા ગુરુદેવ સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ છે. એ દેહાધ્યાસથી પર હતાં. શરીરમાં કંઈ થાય તો એની જોડે એમને કોઈ સંબંધ નહતો. શરીરથી, દેહભાવથી એ અલગ થઇ ગયેલા હતાં. પણ એમના ચરણોમાં રહેવાનું મળ્યું, એ નાની વયની અંદર એવા સંસ્કારો પડ્યા કે જે સંસ્કારોએ સાક્ષીભાવ બન્યા.

મારા જીવનમાં જે-જે તબક્કે જે-જે જોઈતું હતું. એ પ્રભુ અને ગુરુના પ્રેમે આપી દીધું. પહેલા હું બહુ જ સંવેદનશીલ. લાગણીશીલ. લાગણીશીલ હોવાના કારણે પીડા બહુ થતી. લોકોના દુઃખ જોઈએ, એ દુઃખને સમાવવાનો કોઈ તરીકો આમ મારી પાસે હતો નહિ. પણ લોકોના દુઃખને જોઇને હું અત્યંત પીડિત થતો. એ વખતે પ્રભુએ મને સાક્ષીભાવ આપ્યો. અલિપ્ત દશા આપી. એટલે સંવેદનશીલતા આજની ક્ષણે એવી જ છે. પણ સાક્ષીભાવ હોવાને કારણે સંવેદનશીલતાને કારણે જે પીડા થતી હતી, એ પીડામાંથી મને મુક્તિ આપી દીધી.

એકવાર મને વિચાર થયો કે મારે યોગની  દુનિયામાં જવું છે. મને ગાઈડ કોણ કરશે? દાદા ગુરુદેવ જ્યારે હતા નહિ, ત્યારે વિચાર એ થયો કે હું નાનો હતો, દાદા ગુરુદેવ હતાં. આજે હું સમજણો થયો છું, દાદા ગુરુદેવ નથી. તો મને યોગમાર્ગમાં ગાઈડ કોણ કરશે? એ વિચારમાં હતો, એ દિવસે કામ વધારે હતું, થાકી ગયેલો, બપોરે સહેજ ઊંઘ આવી. અને એ નિદ્રામાં એક અહેસાસ થયો કે મને કહેવામાં આવી રહ્યું છે, કે બેટા! તારે ક્યાં બહાર જવાની જરૂર છે? તને ગાઈડ હું જ કરી રહ્યો છું. હું ઉઠ્યો. પહેલાં તો મને થયું કે આ auto suggestion હશે. પણ એ જ દિવસે એક ભાઈ મને મળવા આવ્યાં. એમની પાસે એક પુસ્તક. મને કહે આ પુસ્તક તમે વાંચ્યું છે? એ વખતે અંગ્રજીમાં જેને પુસ્તકિયો કીડો કહે, એવો હું હતો. મારા રસના લગભગ પુસ્તકો મેં વાંચી કાઢેલા હોય. પણ આ પુસ્તક મેં જોયેલું જ નહતું! મેં કહ્યું; લાવો. એ પુસ્તક વાંચ્યું, તો જ્યાં હું અટકતો હતો, ત્યાંથી મને ગાઇડન્સ મળી ગયું. અઠવાડિયા પછી એક ભાઈ મને મળવા આવ્યાં કે તમને યોગમાં રસ છે, મને પણ યોગમાં રસ છે. મેં એમને પૂછ્યું; કે તમારી સાધના ક્યાં સુધી આવી? ત્યારે એમણે કહ્યું, કે હું અહીં સુધી પહોંચ્યો છું. અને એમણે જે વાત કરી, એમાંથી હું અટકતો હતો એના અવરોધોનો મને ખ્યાલ આવી ગયો.

તો આ રીતે જ્યાં જ્યાં હું અટકતો હતો, ત્યાં ત્યાં મને ગાઇડન્સ આપવામાં આવ્યું. એટલે માત્ર પ્રભુના પ્રેમે, માત્ર સદ્ગુરુના પ્રેમે મને ઊંચકી લીધો. પણ આ બને ક્યારે? તમે એને સમર્પિત થયા હોવ ત્યારે. મારી પાસે કર્તૃત્વ હતું જ નહિ. Doing ની વાત મારી પાસે હતી જ નહિ. કશું જ કરવાનો વિચાર નહતો. આજે પણ આ જ ભૂમિકામાં છું. કશું કરવાનું મારે નથી. જે થયા કરે છે, એનો હું સાક્ષી છું. પ્રભુની કૃપા કામ કરે. સદ્ગુરુનો પ્રેમ કામ કરે. મારે કશું જ કરવાનું રહ્યું નથી. હું માત્ર અને માત્ર being ની ધારામાં છું. અને એમાં એટલો બધો આનંદ છે કે મારે તમને એ આનંદ આપવો છે. હું ઘણીવાર કહું છું કે હવે મારે શબ્દોને વહેંચવા નથી. મારો આનંદ તમારી જોડે share કરવો છે. એવો આનંદ.. 24 કલાકનો આનંદ..! એક ક્ષણ માટે કોઈ વિષાદ નથી! અને એનું કારણ છે વર્તમાનયોગ. ભૂતકાળનો કોઈ વિચાર નથી. ભવિષ્યકાળનો કોઈ વિચાર નથી. માત્ર વર્તમાનક્ષણમાં હું છું.

અંગ્રેજીમાં એક સરસ પુસ્તક હમણાં આવ્યું છે; Power Of Now. વર્તમાનની શક્તિ. 20 લાખ ઉપરાંત પુસ્તકો વેચાઈ ગયા છે. લોકોને યોગ અને ધ્યાન કેટલું ગમે છે, એની પારાશીશી માત્ર એક પુસ્તક આપી દે. કે એક યોગનું પુસ્તક અને એની 20 લાખ નકલો વેચાઈ જાય! એટલે કે એકાદ કરોડ લોકોએ એ પુસ્તક વાંચ્યું હશે. ગુજરાતીમાં પણ એનું version આવી ગયું છે. વર્તમાનની શક્તિ. તો એ લેખક કહે છે; જે આપણા ભગવાને કહ્યું તે કે વર્તમાન ક્ષણમાં તમે રહો. એક જ મિનિટ તમારી પાસે છે અને એ મિનિટને તમારે આનંદથી ભરી દેવાની છે. અને એક મિનિટ આનંદથી ભરાઈ એટલે બીજી મિનિટ કેવી આવવાની? એવી જ. એની ફોટો કોપી.

એક ગુરુએ પોતાના શિષ્યને કહેલું; કે તું જો એક શુદ્ધ ક્ષણ આપે, તો અશુદ્ધમાં તું જઈ ન શકે. એક શુદ્ધ ક્ષણ – રાગ, દ્વેષ, અહંકાર વગરની એક મિનિટ. એ જો તું મને આપે તો હું તને ગેરંટી આપું, કે અશુભ વિચારમાં તું ક્યારેય પણ ન જાય. શિષ્યને પણ અનુભવ હતો, શિષ્યએ કહ્યું; ગુરુદેવ! એક મિનિટ નહિ. પા-પા કલાક સુધી શુદ્ધમાં રહ્યો છું અને નિમિત્ત મળતાં ઉંધા માથે પટકાયો પણ છું. ગુરુ અનુભવી હતાં. ગુરુએ કહ્યું; તું જેને શુદ્ધ ક્ષણ માનતો હતો, એ શુદ્ધ નહતી; એ શુભ ક્ષણ હતી. અને શુભ અને અશુભનું મિશ્રણ ત્યાં હતું. તો ૬૦% શુભ હોય. ૪૦% અશુભ હોય. રેસીયો પલટાઈ જાય તો ૬૦% અશુભ આવી જાય. પણ શુદ્ધ ક્ષણ તારી પાસે નહતી. પણ એક શુદ્ધ તું આપે તો એના પછીની ક્ષણો એની ફોટોકોપી જેવી આવવાની. બોલો, કેટલી સરસ વાત! એક મિનિટ આપી શકો કે નહિ? અને એક મિનિટ આપો એટલે ગેરંટી કે અશુભમાં જાવ નહિ!

તો આજે home work માં કરજો એક મિનિટ ૬૦ સેકંડ સુધી રાગ, દ્વેષ, અહંકારનો વિચાર ન આવે. ૫૯ સેકંડ શુદ્ધ ગઈ અને ૬૦મી સેકંડે કોઈ વ્યક્તિ આવી, અને રાગ કે દ્વેષ છલકાણો તો એ મિનિટ કચરાટોપલીમાં. ૫૮ સેકંડ સારી ગઈ અને છેલ્લી બે સેકંડમાં અહંકાર આવી ગયો; કચરાટોપલીમાં. કેટલી મિનિટ શુદ્ધની તમને મળે છે એ મને સાંજે કહેજો અથવા કાલે કહેજો. બરોબર…?

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *