વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સદ્ગુરુ શરણ સ્વીકાર
અરિહંત ભગવાન કે સિદ્ધ ભગવાનનું શરણું સ્વીકારવામાં તમને વાંધો નથી આવતો પણ તકલીફ પડે છે સદ્ગુરુનું શરણ સ્વીકારવામાં. કારણ? એક તો કારણ એ છે કે સદ્ગુરુ pin-point કરીને તમારા દોષો તમને બતાવે છે અને તમને, તમારા અહંકારને એ ગમતું નથી.
અને બીજી વાત એ છે કે અનંત જન્મોથી આપણને દોષદ્રષ્ટિ મળેલી છે. બધા જ આત્માઓ અનંત ગુણોથી યુક્ત છે પણ આપણી દોષદ્રષ્ટિ દરેકની અંદર દોષને જોઈ શકે છે. એ દોષદ્રષ્ટિને કારણે છદ્મસ્થ ગુરુની અંદર પણ તમને દોષો દેખાશે અને એટલે પણ તમે એમના શરણનો સ્વીકાર નહિ કરી શકો.
પણ વાંધો નહિ. તમારી પાસે જો આજે સમર્પણ નથી, તો પણ ગભરાતા નહિ! સમર્પણની સંભાવના જો છે તમારી ભીતર, તો એ સંભાવનાઓને સદ્ગુરુ ખોલી આપશે. પ્રભુ અને સદ્ગુરુ તો તમારા પર કામ કરવા તૈયાર જ છે. જેવા તમે તૈયાર થયા કે સાહેબ! આ સંસારના દર્દમાંથી મને મુક્ત કરો; બસ, વાત પૂરી થઇ ગઈ.
સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ – વાચના – ૭
દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય.
પ્રભુની કૃપા, પ્રભુનો પ્રેમ અનરાધાર વરસી રહ્યો છે. સદ્ગુરુનો પ્રેમ પણ તમારા ઉપર વરસી રહ્યો છે. મને તો નવાઈ લાગે કે તમારામાં એક પણ દોષ રહે શી રીતે? વરસાદ ધોધમાર વરસે ત્યારે રસ્તામાં પડેલી ધૂળ છું થઇ જાય! રસ્તા ચોખ્ખા ચળક થઇ જાય! એમ પ્રભુની કૃપા, સદ્ગુરુ પ્રેમ આટલો બધો તમને મળ્યો તો દોષ રહે કઈ રીતે? તમે જાદુગર લાગો છો…! કે એ પ્રેમ વરસે ત્યારે દોષોને ખુણામાં છુપાવી દેતાં હશો..! કે મારા દોષોને ગુરુ લઇ ન જાય પાછા..!
સદ્ગુરુ પલકવારમાં તમારા દોષોને છીનવી શકે છે. પરંપરામાં એક મજાની ઘટના આવે છે. બાયજીદ નામના એક ચમત્કારિક સંત હતાં. મંત્ર અને તંત્રની શક્તિ એમની પાસે ઘણી બધી હતી. મંત્ર છે ને, એના બે અર્થો છે, મંત્ર શબ્દના. ‘मननात् त्राणात् च मन्त्र’. પહેલું નિરૂક્ત આ – ‘मननात् त्राणात् च मन्त्र’. તમે મનન કરો અને જે તમારું રક્ષણ આપે; એ મંત્ર. ‘નમો અરિહંતાણં’ વિચાર કર્યો, મનન કર્યું કે મારું ઝૂકવું ઘટિત થવું જોઈએ. તમે ઝુકી ગયા, સદ્ગુરુના ચરણોમાં, પ્રભુના ચરણોમાં; રક્ષાકવચ તમને મળી ગયું. તો ‘मननात् त्राणात् च मन्त्र’.
બીજું નિરૂક્ત છે – ‘मननात् त्रायते इति मन्त्र’. જે વિચારમાંથી તમને મુક્તિ આપે; તે મંત્ર. મંત્રનું એક rotation ચાલે. વર્તુળ. અને એ ધ્વનીનું વર્તુળ એટલું ઝડપથી ચાલે કે વચ્ચે વિચારને પ્રવેશવાની કોઈ તક ન મળે. માત્ર એ મંત્ર અને એનું rotation ચાલ્યા કરે; અને એમાં તમે એકાગ્ર બનો, એમાંથી તમે સ્વરૂપદશાની એકાગ્રતા તરફ જઈ શકો.
તો બાયજીદ મંત્ર અને તંત્રોના જાણકાર. પણ એમના માટે ‘मननात् त्राणात् च मन्त्र’ એવું નહતું. મંત્રો જેમ વધારે જાણ્યા, વિદ્યાઓ જેમ વધારે જાણી, એમ એમનો અહંકાર પુષ્ટ બન્યો. તમારો અહંકાર છે ને પુષ્ટ બનાવો ને, ગમે એટલો પુષ્ટ બનાવો, એક જ સેકંડ એવી આવશે કે બધા જ અહંકારને, સંપૂર્ણ અહંકારને ગુરુ લઇ લેશે. તમારી તાકાત હોય એટલો અહંકાર કરો.. એક ક્ષણ એવી આવશે, ભીની ક્ષણ, સમર્પણનો સહેજ વિચાર તમારી ભીતર આવશે, અને ગુરુ તમારા અહંકારને છીનવી લેશે.
બાયજીદ એકવાર જંગલમાંથી જઈ રહ્યા હોય છે. રસ્તાની ધારે એક વૃક્ષ નીચે એક સંત બેઠેલા છે. સ્ત્રી સંત છે, પણ સાધનાની ઉચ્ચ દશામાં ગયેલા છે. આપણે ત્યાં ગુરુઓની બે પરંપરા આવે છે. એક પરંપરા ગુરુઓની એવી કે જેમને શિષ્યો પર, સાધકો પર કામ કરવાનું છે. એવા સદ્ગુરુઓ પોતાના આજ્ઞાચક્રને સતેજ બનાવશે. આજ્ઞાચક્ર સતેજ બન્યું એટલે એમની વાણીમાં આજ્ઞાપકતા આવશે. પછી એ આજ્ઞા આપે, તમારે એને ઉઠાવવી જ પડે. અને બીજા સદ્ગુરુ એવા છે કે જેમણે પોતાનો ભાર પોતાના ઉત્તરાધિકારીને સોંપી દીધો, પોતે નિવૃત્ત થઇ ગયા, તો સીધા જ ભીતર ઉતરી જાય, સહસ્રાર સુધી. જેમ આપણા અરવિંદસૂરિ દાદા હતાં. બધો જ ભાર એમણે સોંપી દીધો. અને એમણે કહ્યું; મારે માત્ર અને માત્ર આ જન્મમાં સાધનાની ઉચ્ચ દશાને પામવાની છે. મને કહે, “તું બધું સંભાળ, હું કંઈ સંભાળવાનો નથી.”
તો શિષ્યો પર જેમને કામ કરવાનું છે. એ ગુરુ આજ્ઞાચક્રને સતેજ બનાવે. જેમને માત્ર ભીતર જવું છે, એ સીધા ઉપર જતાં રહે સહસ્રારમાં.
તો સ્ત્રી સંત જે હતાં એમનું આજ્ઞાચક્ર બહુ જ સતેજ હતું. આપણા બે ભવાની વચ્ચે, બે eyebrow ની વચ્ચે આજ્ઞાચક્ર છે, જ્યાં આપણે તિલક કરીએ છીએ. ચંદનનું તિલક અહીં કેમ કરવામાં આવે છે? આજ્ઞાચક્ર સતેજ બને ત્યારે તમને ગરમી જેવું લાગે, અને એટલે એ આજ્ઞાચક્ર સતેજ થાય અને એની ગરમીની અસર ન થાય માટે અહીં ચંદન મુકવા માટે આવે છે. ચંદન ઠંડું છે.
તો આ સંતની આજ્ઞાપકતા જોરદાર હતી. બાયજીદને ત્યાંથી પસાર થતાં એમણે જોયા. જોતાંની સાથે ખ્યાલ આવી ગયો કે આ અહંકારની મૂર્તિ છે. ગુરુ face reading ના master. તમે તમારી સાધનાની કેફિયત વર્ણવો એ તમારી તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ તો તમારા ચહેરાને જોઇને તમે ક્યાં છો એ નક્કી કરી લે છે. તમે ક્યાં છો એ પણ નક્કી કરી શકાય અને આ જન્મના છેવાડા સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે એ પણ સદ્ગુરુ જાણે. જાણે એટલું જ નહિ, તમારી ભીતર એવી સંભાવનાઓ હોય, તો સંભાવનાઓને પ્રગટ કરે; અને સંભાવના ન હોય તો સંભાવનાને પેદા કરે.
એકવાર પ્રવચનમાં હું આ વાત કરતો હતો. કે સદ્ગુરુ બધું કરી આપે! ત્યારે એક ભાઈએ મને પૂછ્યું; કે તો સાહેબ અમારે શું કરવાનું? સદ્ગુરુ બધું કરી આપે તો અમારે શું કરવાનું? હું જરા હળવા મૂડમાં હતો, મેં કહ્યું; કે સદ્ગુરુનું કામ અગણિત જન્મોથી ચાલુ છે. સદ્ગુરુના પ્રેમનું ઝરણું સતત ચાલી રહ્યું છે. પણ, આપણે વચ્ચે બુદ્ધિ અને અહંકારના પથ્થર નાંખી એ ઝરણાંને રોકી દઈએ છીએ. પેલો કહે મારે શું કરવાનું? મેં કહ્યું; તારે છે ને પથ્થર નહિ ફેંકવાના. બુદ્ધિ અને અહંકારના પથ્થર-રોળા એ ઝરણામાં નાંખવામાં નહિ. એ ઝરણાને કામ કરવા દેવાનું.
તો અત્યાર સુધી સદ્ગુરુને આપણે કામ કરવા દીધું નથી. હવે શું કરવાનું છે બોલો? હવે શું કરવાનું છે? અગણિત જન્મોમાં શ્રેષ્ઠ કક્ષાના સદ્ગુરુઓ મળ્યાં. એ સદ્ગુરુ તમારા ઉપર કામ કરવા માટે તૈયાર હતાં. પણ તમે એમને મોકો આપ્યો જ નહિ! સદ્ગુરુ કહે; હું હાથ પકડું. પેલો કહે; હું આપું તો પકડશો ને! હું આપું જ નહિ તો..! આ જન્મની અંદર સદ્ગુરુને કામ કરવા દઈએ. સદ્ગુરુને કહી દઈએ; આપને જે કરવું હોય એ કરો, result મારે જોઈએ. અમે તૈયાર.. અમારી ગેરંટી.! Result તમને આપીએ.! તમને અહંકારથી પર બનાવી સાધનાના શિખર ઉપર ચડાવી દઈએ.
તો સ્ત્રી સંતે જોયું; બાયજીદને અહંકારની મૂર્તિ રૂપે. પણ એ વખતે ગુરુની કરુણા, ગુરુનો પ્રેમ ઉભરાઈ આવ્યો. અને એ ગુરુને થયું; કે આજ આના અહંકારમાંથી એને મુક્તિ અપાઈ દઉં. એટલે એ બાઈએ બાયજીદને કહ્યું; અહીં આવ! શબ્દોમાં આજ્ઞા હતી. બાયજીદ અહંકારી માણસ. એક બાઈ બોલાવે અને એ જાય? પણ, એવી આજ્ઞાપકતા હતી સ્વરમાં, કે સાપને જેમ મદારી પાસે ખેંચાઈને આવવું પડે એમ ખેંચાઈને ગયો. શિષ્ટાચાર રૂપે પગમાં પડ્યો. અને એ વખતે એ બાઈએ કહ્યું; કે આ પોટકું પૂર્વ દિશાના આશ્રમમાં જઈને આપી આવ. અહંકારી માણસ આ કામ કરે? પોટલું ઊંચકીને કોઈને આપવા જવાનું?! પણ એને લેવું પડ્યું.! સદ્ગુરુનો પ્રભાવ એવો હતો. એણે પોટલું હાથમાં લીધું. થોડે દૂર ગયો. પાછો અહંકાર ઉભરી આવ્યો. હું આટલો મોટો ચમત્કારિક સંત! અને મજુરની જેમ પોટકું આપવા જાઉં?!
એવું જંગલ હતું કે જ્યાં ધોળે દિવસે વાઘ અને સિંહ ફરતા હતાં. એક વાઘ ત્યાંથી નીકળ્યો. બાયજીદની તાકાત એવી હતી, એણે વાઘને સંમોહિત કર્યો. વાઘ કુતરા જેવો થઇ ગયો પછી. વાઘ ઉભો રહ્યો. બાયજીદે શું કર્યું? વાઘની પીઠ ઉપર પેલું પોટકું બાંધી દીધું. અને ઈશારો કર્યો કે આવા કપડાં હોય આ બાજુ આપી આવ. વાઘ ચાલ્યો. બાયજીદને હતું કે મારી આ શક્તિ જોઇ અને પેલા ગુરુ આભા થઇ જશે. પણ, એ ગુરુએ તો ફરી બોલાવ્યો બાયજીદને. અને પછી કહ્યું; તારા જેવો નાલાયક, હરામ હાડકાંનો માણસ જોયો નહિ! નાલાયક! મારી પાસે, મારી સમક્ષ તારી શક્તિનું તું પ્રદર્શન કરે છે! અને હરામ હાડકાંનો.! તું ચાલી શકતો નથી! વાઘને હેરાન કરે છે! તારા જેવો નાલાયક! હરામ હાડકાંનો માણસ જોયો નહિ! બસ, આ શબ્દો; શક્તિપાત.! પેલો ઝુકી ગયો! એ એક ક્ષણ એવી આવી કે એને પણ લાગ્યું કે અહંકારનો કોઈ અર્થ નથી. જે શરણાગતિથી મળે, સમર્પણથી મળે, એ અહંકારથી મળવાનું નથી. આપણી ભાષામાં કહીએ, મોહનીયનો ક્ષયોપશમ થયો; અહંકાર શિથિલ બન્યો, સદ્ગુરુનો શક્તિપાત થયો અને એ ઝુકી ગયો.
આપણે રોજ બોલીએ; ‘અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ’. અરિહંત ભગવાન કે સિદ્ધ ભગવાનનું શરણું સ્વીકારવું એમાં કોઈ વાંધો નથી. તકલીફ ક્યાં છે? સદ્ગુરુનું શરણ સ્વીકારવામાં.! ત્યાં બે વસ્તુ છે – સદ્ગુરુનું શરણ તમે કેમ સ્વીકારી શકતા નથી? There are two reasons. બે કારણ છે. પહેલી વાત તો એ છે, કે સદ્ગુરુ pin point કરીને તમારા દોષો બતાવશે અને તમને એ નહિ ગમે. એટલે જ હું આંતર-નિરીક્ષણની વાત કરું છું કે તમારા દોષને તમે પકડો. સદ્ગુરુ એ દોષોને બતાવશે. તમારો અહંકાર જીવંત હશે તો અહંકારને નહી ગમે.
આમ તમે ને અહંકાર બે જુદા? આમ ભેગા – mix? અહંકાર તો મોહ છે, ઉદય છે અને તમારી શુદ્ધ સત્તા છે. તમારી શુદ્ધ સત્તાને કોઈ કર્મનો ઉદય કશું જ કરી શકે એમ નથી! તમે છુટા પડી જાવ! રાગ, દ્વેષ અને અહંકાર ક્યાં છે? તમારા મનમાં, તમારા ચિત્તમાં, તમારી લેશ્યામાં; તમારા શુદ્ધ સ્વરૂપમાં નથી રાગ, નથી દ્વેષ, નથી અહંકાર. અને એટલે જ જ્ઞાનસારે કહ્યું; ‘अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारत:’ નિશ્ચય દ્રષ્ટિએ આત્મા અલિપ્ત છે. કોઈ કર્મના અણુઓ તમને લાગુ પડી શકે નહિ; એ પુદ્ગલ છે, તમે ચેતના છો. ચેતના અને પુદ્ગલનો સંયોગ થઇ શકે નહિ. અને સંયોગ હોય તો સંયોગ સંબંધ છે. તમારા ગુણો તમારામાં તાદાત્મ્ય સંબંધથી રહેલા છે. અને કર્મ જે છે તે સંયોગ સંબંધી છે.
સંયોગ સંબંધ એટલે? અહીં કોઈ વસ્તુ પડેલી છે. આમ કરીને ઊંચકી લેવાય. પણ આ પાટની અંદર જે લાકડાના ટુકડાઓ છે એ તાદાત્મ્ય સંબંધથી છે. તમે એને છુટા તરત પાડી શકતા નથી. તો તમારા ગુણો તમારામાં તાદાત્મ્ય સંબંધથી છે અને કર્મ સંયોગ સંબંધી છે. તો છુટું પાડી દો તો કોઈ વાંધો ન આવે. આ બાજુ દોષ, આ બાજુ તમે, વચ્ચે ગુરુ. મજા આવી જાય ને?
તો સદ્ગુરુ શરણ સ્વીકારમાં બે તકલીફ છે. પહેલી તકલીફ આ કે સદ્ગુરુ દોષોને pin point કરીને બતાવશે, એ નહિ ગમે. બીજી વાત અનંત જન્મોથી દોષદ્રષ્ટિ આપણને મળેલી છે અને એ દોષદ્રષ્ટિને કારણે છદ્મસ્થ ગુરુની અંદર પણ તમને દોષો દેખાશે. આ બહુ મોટી વાત છે. કોઈનામાં પણ દોષ છે નહિ. બધા અનંત ગુણોથી યુક્ત છે. પણ આપણી દોષદ્રષ્ટિ દરેક વ્યક્તિની અંદર દોષને જોઈ શકે છે. એટલે તમારે સામી વ્યક્તિના દોષને દૂર કરવા જવાનું કે તમારી દોષદ્રષ્ટિને દૂર કરવાની…?
મારા ચશ્માંના ગ્લાસમાં ડાઘ છે તો મને તમારા કપડાં ઉપર ડાઘ દેખાશે. પણ ખરેખર ડાઘ ક્યાં છે? મારા ચશ્માંના ગ્લાસમાં છે. તો મારે ગ્લાસ સાફ કરવા જોઈએ. અનંત જન્મોથી દોષદ્રષ્ટિ લઈને આપણે આવેલા છીએ અને એથી દરેક વ્યક્તિમાં આપણને દોષ દેખાય છે. અને એ દોષદ્રષ્ટિ કદાચ આગળ વધશે તો સદ્ગુરુની અંદર પણ તમને દોષો દેખાશે. આ બે કારણસર સદ્ગુરુના શરણનો સ્વીકાર થતો નથી. બાકી સમર્પણ થયું; બસ, તમારા તરફની વાત પુરી થઇ ગઈ. પછી અમારા તરફની વાત શરૂ થશે. તમારે કાંઈ જ કરવાનું નથી. અમારે જ બધું કરવાનું છે. પણ તમારે તમારી જાત સદ્ગુરુને સમર્પિત કરવી પડશે.
તમે હોસ્પિટલમાં જાવ જ નહિ તો ડોક્ટર શું કરશે? એમ તમે સદ્ગુરુના શરણે જ ન જાવ, તો પણ સદ્ગુરુની કરુણા, સદગુરુનો પ્રેમ ઘણો છે. અને આપણે આ કથામાં જોયું; બાયજીદ સમર્પિત નહતો. તો આવા તો અહંકારની મૂર્તિ ઘણી બધી હોય! ગુરુ બધા ઉપર કામ કરે? ના. જેના ઉપર result મળવાની સંભાવના હોય એના ઉપર કામ કરે. એટલે પહેલાં કહ્યું તેમ, સદ્ગુરુ તમારી ભીતર સંભાવના હોય તો એને પ્રગટ પણ કરે, સંભાવના નથી તો એ સંભાવનાઓને પેદા પણ કરે. સદ્ગુરુ આટલી હદે કામ કરવા તૈયાર છે.! તમારે માત્ર તમારી જાત એમને સોંપવી છે!
ઓપરેશન ટેબલ ઉપર તમે જવા તૈયાર જ ન થાવ, તમે કહો મારે OTમાં જવું જ નથી, ઓપરેશન થીયેટરમાં. ભલે ડોક્ટર મારું એપેન્ડીક્સનું આંતરડું કાપી નાંખે. પણ ભાઈ તું ઓપરેશન થીયેટરમાં ન જાય, ત્યાં સુધી કામ શી રીતે થાય! તો પેલા ગુરુ બાયજીદ પર કામ કરી શક્યાં. કેમ? લાગ્યું કે સંભાવના છે. એટલે જ્યાં-જ્યાં સંભાવના લાગશે ત્યાં ગુરુનો પ્રેમ ઉતરી જશે. એટલે તમારી પાસે આજે સમર્પણ નથી તો પણ ગભરાતા નથી. સમર્પણની સંભાવના જો છે તમારી ભીતર તો એ સંભાવનાઓને પણ ગુરુ ખોલી આપશે.
તો પ્રભુ તૈયાર… સદ્ગુરુ તૈયાર… તમે તૈયાર? Are you ready? બસ આટલી જે છે ને જરૂરિયાત છે. તમે તૈયાર થયા કે સાહેબ આ સંસારના દર્દમાંથી મને મુક્ત કરો. બસ, તમારા તરફની વાત પુરી થઇ ગઈ. તમારા રાગને, દ્વેષને, અહંકારને કેમ ઘટાડવું એ ગુરુ કામ કરશે.
ગુરુ કેમ કામ કરી શકશે? કારણ – તમે સમર્પિત છો. તો સદ્ગુરુ જે આજ્ઞા આપશે એને તમે follow કરશો. અત્યારે શું છે આમ, સાંભળવામાં મજા આવે. મજા શેમાં આવે? વાચના સાંભળવામાં મજા આવે ને..? તો સાંભળવામાં આટલી મજા આવે, તો કરવામાં કેટલી મજા આવે.!
તો પ્રભુનો પ્રેમ, સદ્ગુરુનો પ્રેમ સતત વરસી રહ્યો છે…. એ પ્રેમને ઝીલવાનો છે..
ગઈ કાલે હું વાત કરતો હતો કે દાદા ગુરુદેવની આંખની રોશની ચુકાઈ ગઈ. બીજું કોઈ વ્યાખ્યાન આપે એવું હતું નહિ. અને ગુરુદેવ ૐકારસૂરિ મ.સા., ૐકારવિજય એ વખતે, બાલમુનિ રૂપે. તો બધા વિચારમાં પડ્યા કે વ્યાખ્યાન કોણ આપશે? ગુરુદેવ તો વાંચી શકતાં નથી. પણ, દાદા ગુરુદેવ બિલકુલ નિશ્ચિંત હતા. નિર્ભાર. પ્રભુ જેના હૃદયમાં હોય ને એ નિર્ભાર હોય.
એક ગામના પાદરથી એક આચાર્ય ભગવંત ડોળીમાં વિહાર કરી રહ્યા હતા. ગામને પાદર બે દીકરાઓ રમી રહ્યા હતાં. એક છ વર્ષનો. એક આઠ વર્ષનો. બંને દીકરાઓએ જોયું; ગુરુ મહારાજ છે. દોડતાં ગયા. ચરણ સ્પર્શ કર્યો. ડોળી આગળ નીકળી. સાહેબને આગળ જવાનું હતું. તો એ વખતે છ વર્ષના નાના ભાઈએ આઠ વર્ષના મોટા ભાઈને પૂછ્યું; કે ભાઈ! આ બે ડોળીવાળા મ.સા. ને ઊંચકીને જતાં હતાં. કેટલા ફટાફટ ચાલતાં હતાં! તો એમને ભાર ન લાગે? છ વર્ષના દીકરાને આ સવાલ થઇ શકે. પણ આઠ વર્ષના દીકરાએ જે જવાબ આપ્યો, આપણને લાગે કે ગળથુંથીમાં જેને આપણી સંસ્કૃતિને પીધી હોય, એના હોઠેથી જ આ જવાબ નીકળી શકે. આઠ વર્ષના દીકરાએ કહ્યું; કે ભાઈ! મ.સા. ડોળીમાં બેઠેલા હતાં. મ.સા. ના હૃદયમાં ભગવાન હોય અને જેના હૃદયમાં ભગવાન હોય એ નિર્ભાર હોય, એનો ભાર હોય જ નહિ. એ ડોળીવાળા તો પચાસ અને પંચાવન વર્ષના લાગતા હતાં. આપણે છ અને આઠના છીએ. આપણે એ ડોળી ઊંચકીએ તો પણ વાંધો ન આવે. કારણ મ.સા. નો ભાર ન હોય.! જેના હૃદયમાં ભગવાન હોય, એ નિર્ભાર હોય.
દાદા ગુરુદેવ નિર્ભાર હતાં. જે દિવસે પ્રવચન શરૂ થવાના હતાં. દાદા ગુરુદેવે બુમ પાડી, ૐકારવિજય ! ગુરુદેવ આવ્યાં. વંદન કર્યું. સાહેબ ફરમાવો. આજે વ્યાખ્યાન તારે વાંચવાનું છે. આ જ વર્ધમાન દેશના. આ પોથી લઈને બેસવાનું. પોથી વાંચવાની. એનો અર્થ કરવાનો. હું બાજુમાં હોઈશ. હું તને હાથથી આમ ઈશારો કરું ત્યારે તારે રોકાઈ જવાનું. હું મોઢે પછી વ્યાખ્યાન આપીશ. એ તેર-ચૌદ વર્ષના બાલમુનિ કહેતાં નથી, સાહેબ! વ્યાખ્યાન વાંચવાનું? આટલી મોટી ડીસાની સભામાં, મારાથી કેમ શક્ય બને? તમે આવું કહી દો ને!. પણ ગુરુદેવને એ નાની વયમાં ખ્યાલ હતો કે દાદા ગુરુદેવ મહાન ગુરુ છે. અને ગુરુ જ્યારે કહે છે કે તું કર! ત્યારે ગુરુ જ કરાવવાના છે, મારે કરવાનું નથી! અને એ દિવસથી ગુરુદેવની પ્રવચનધારા ચાલી ઠેઠ શ્રમણ સંમેલનના ફળશ્રુતિ, સભાશ્રુતિ.
સદ્ગુરુ જ્યારે કહે છે; તું કર! બસ, આપણે ઝીલી લેવાનું છે! એ વખતે ના પાડવાની નથી, સાહેબ આ તો મારાથી કેમ બને ! ગુરુદેવ કહેતાં; કે દાદા ગુરુદેવ કહે કે અહીં ચોમાસું કરવાનું છે. મને વિકલ્પ ન થાય. દસ ઘરનું ગામ હોય અને ગુરુદેવ કહે અહીં ચોમાસું કરવું છે. તહત્તિ ગુરુદેવ. અને દસ ઘરના ગામમાં એટલી બધી તપશ્ચર્યા થાય જેનો કોઈ હિસાબ ન હોય! કારણ, સદ્ગુરુનું વચન. જય વીયરાયમાં રોજ આપણે બોલીએ છીએ, ‘સુહગુરુજોગો, તવ્વયણસેવણા’. સદ્ગુરુના વચનોની સેવા મને મળો.
તો હવે બોલો દોષમુક્તિ અઘરી કે સહેલી? તમારે ક્યાં કંઈ કરવું છે? તમારે કરવું હોય તો અઘરું પડે! તમારે કંઈ કરવાનું જ નથી!
હોસ્પિટલમાં ગયાં. ઓપરેશન તમારે કરવાનું? ઇન્જેક્શન તમારે આપવાનું? બધું હોસ્પિટલનું તંત્ર કરે. તમારે બેડ પર સુઈ જવાનું. અહીંયા પણ એ જ વાત છે, તમે નિશ્ચિંત. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે દોષો ખટક્યા છે? એક સૂત્ર છે; દોષો ડંખે – ખટકે; તો ગયા. ગુણો ગમે; તો મળ્યાં.
ગઈ કાલે home work આપેલું ને, ઘણા બધાએ home work કરેલું. ચિટ્ઠીઓ પણ આવેલી કે સાહેબ મહામહેનતે થોડી ક્ષણો શુદ્ધની મળી. આજનું home work આ – કે તમને કયો દોષ ખટકે છે? ઘણાને શું થાય, ગુસ્સો ખટકતો હોય, રાગ ન ખટકે. એકદમ ગુસ્સો આવી જતો હોય. આમ લમણા દુઃખવા આવી જતાં હોય એટલે ગુસ્સો ખટકે. પણ રાગની સુંવાળી ધારા હોય એ ખટકતી નથી.
તો આજનું home work આ કે તમને કયા દોષો ખટકે છે? એ તમારે જોવાનું. અત્યાર સુધી દોષો ખટક્યા નથી. ખટક્યા હોત તો જતાં રહ્યા હોત.! કારણ – હોસ્પિટલ તૈયાર. ડોક્ટરો તૈયાર. દર્દ રહે ક્યાં? પણ પેલાને દર્દની ખબર જ નથી તો? અથવા દર્દ ડંખતો જ નથી તો..? તો આજનું home work આ.. ક્યાં દોષો કેટલા ખટકે છે? એ જોવાનું.
