વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : भवत्प्रसादेन
સાધકને પોતાની અંદર રહેલા દોષો ખટકે છે; આંખમાંથી આંસુ પણ વહે છે કે પ્રભુ! આ રાગ અને દ્વેષ તેં મને આપેલી રત્નત્રયીને રફે-દફે કરી રહ્યા છે તો પણ તું માત્ર જોઈ કેમ રહ્યો છે? જે તારા હાથથી તેં મને ઊંચકીને નરક અને નિગોદમાંથી બહાર કાઢેલો, એ તારો રક્ષામય હાથ ક્યાં અદ્રશ્ય થઇ ગયો?
સદ્ગુરુ આનું કારણ બતાવે છે કે સાધનાના કર્તા પ્રભુ અને સદ્ગુરુ જ છે; તમે માત્ર સાક્ષી છો. પણ જે ક્ષણે તમે સાધનાના કર્તા બની જાવ, પ્રભુ અને સદ્ગુરુ કહેશે કે હવે અમારું કામ ક્યાં રહ્યું; આ પોતે જ કર્તા બની ગયો છે! તમે કર્તા ન બનો, સાક્ષી હોવ, તો જ પ્રભુ અને સદ્ગુરુ તમારા પર કામ કરી શકે.
પ્રભુની ઊર્જાથી પણ દોષમુક્તિ મળે. એ ઊર્જાને પકડવાની રીત શું? મંદિરમાં ચૈત્યવંદન કરો, ભક્તિ કરો, પછી આંખો બંધ કરી શાંત ચિત્તે બેસી જાઓ. કોઈ વિચાર ન હોય એવું તમારું ચિત્ત શાંત હોય, એ વખતે પ્રભુની ઊર્જા પકડાશે. એ ઊર્જાની ધારામાં તમે રહો, એટલે દોષમુક્ત!
સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ – વાચના – ૮
દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુના પ્રેમથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય. ગઈ કાલે home work આપેલું કે, કયા દોષો ડંખે છે? ઘણા બધા સાધકો ચિટ્ઠી લઈને આવેલા કે એમને કયા કયા દોષ ડંખે છે? દોષો ડંખે અને જાય એની વચ્ચે શું હોય, એની મજાની વાત વિતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યએ કરી.
વિતરાગ સ્તોત્રમાં બે statement છે. પહેલી નજરે પરસ્પર વિરોધી લાગે એવા. એક જગ્યાએ કલિકાલ સર્વજ્ઞ કહે છે; “भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्” પ્રભુ માત્ર અને માત્ર તારી કૃપાથી, તારા પ્રેમથી તારું શાસન મને મળ્યું, તારી સાધના પદ્ધતિ મને મળી, તારું શ્રામણ્ય પણ મને મળ્યું; માત્ર તારી કૃપાથી, માત્ર તારા પ્રેમથી. એ જ વિતરાગ સ્તોત્રમાં બીજું statement આવ્યું; ‘रत्नत्रयं मे ह्रियते’. પ્રભુ તારી કૃપાથી શ્રામણ્ય મળ્યું. તારી અદ્ભુત સાધના મળી અને છતાં એ સાધનાની પગથારે ચાલુ છું ત્યારે પણ, રાગ અને દ્વેષ મને હેરાન કરે છે, અહંકાર મને પરેશાન કરે છે. એ વખતે ભક્ત કહે છે; કે પ્રભુ તારો જે હાથ નરક અને નિગોદમાં મને મળેલો, તે તારા હાથથી મને ઊંચકીને નરક અને નિગોદમાંથી બહાર કાઢેલો. એ તારો હાથ ક્યાં ગયો? એ તારું રક્ષાકવચ ક્યાં ગયું? કે તારી કૃપાથી તારું શ્રામણ્ય મળ્યું અને છતાં રાગ અને દ્વેષ મને પરેશાન કરે!
તો અહીંયા સાધકને પોતાની અંદર રહેલા દોષો ખટકે છે. આંખમાંથી આંસુ વહે છે. रत्नत्रयं मे ह्रियते – પ્રભુ આ રાગ અને દ્વેષ મારી રત્નત્રયીને સાફ કરી રહ્યા છે. તે આપેલી રત્નત્રયી! અને એને રફે-દફે આ રાગ અને દ્વેષ કરી કાઢે, પ્રભુ! તું કેમ જોઈ રહ્યો છે? તારો રક્ષામય હાથ ક્યાં ગયો? ક્યાં અદ્રશ્ય થઇ ગયો? પુરા વિતરાગ સ્તોત્રમાં શબ્દના સ્તર પર આનો ઉત્તર નથી. પણ, અશબ્દના સ્તર પર ઉત્તર છે. એટલે જ હું ઘણીવાર કહું છું, કે અમારા જેવા પાસે તમે ગ્રંથો વાંચો ત્યારે શું થાય? Between the lines. Between the words. જે છે એને અમે ખોલી આપીએ. શબ્દોની અંદર વધુ કહી શકાતું નથી. અને અનુભૂતિને તો શબ્દોમાં ક્યારે પણ મૂકી શકાતી નથી! શબ્દો તો છે ને, તમને ખેંચવાનું એક બહાનું છે. માત્ર શબ્દોમાં સમાઈ ન જતાં તમે. સદ્ગુરુની ઉર્જા સુધી તમારે જવાનું છે. શબ્દ તો તમને ખેંચવા માટેનું એક માધ્યમ છે. હું એમ કહું કે આ હોલમાં પોણો કલાક હું બેસીશ, મૌનમાં; તમે બધા આવજો; તમે એકેય નહિ આવો! અત્યારે પણ આવો છો કેમ? શબ્દોના પ્રલોભથી કે સાહેબ હમણાં બહુ સારું બોલે છે. કેમ?
એક જણો મને કહે; હમણાં વાચના સારી ચાલે છે. એટલે તમે શબ્દોના પ્રલોભનથી આવો છો? તમારે સદ્ગુરુની એ ઉર્જા સુધી જવું છે જે અત્યંત નિર્મળ છે; અને એ ઉર્જા તમને નિર્મળ બનાવી દે. ખરેખર તો મારી દ્રષ્ટિએ વાચના સાંભળવાની રીત કઈ હોય? તમે બેઠેલા હોય, આંખો તમારી બંધ હોય અને તમે સદ્ગુરુને પુરેપુરા enjoy કરતાં હોય. અત્યારે તમારી દોડ માત્ર સદ્ગુરુના શબ્દો સુધી છે.
એક મજાની ઘટના આવે છે, પૂનમની રાત્રિ. 12 વાગેલા. ચંદ્રમાં ચાંદનીને વેરી રહ્યો હતો. ઉપાશ્રયમાં ગુરુ અને શિષ્ય બેય હતા. ગુરુ જાગ્યાં. નાનકડું ગામ. એ જમાનામાં electricity નહિ. કોઈ બીજો પ્રકાશ નહિ. આખું ગામ અંધારાની ચાદરમાં. અને ચંદ્રમાંની ચાંદની એના ઉપર ફરી વળેલી. એ ચાંદનીમાં ગુરુને નવો જ અનુભવ થયો. સદ્ગુરુને થયું શિષ્યને પણ આ અનુભવ આપું. એમણે શિષ્યને જગાડ્યો, અને ચંદ્રમાં તરફ આંગળી તાકી, કે ત્યાં તારી દ્રષ્ટિ સ્થિર કર. શિષ્ય ગુરુની આંગળીને જુએ છે; અને કહે છે ગુરુદેવ તમારી આંગળી તો બહુ ચમકે અત્યારે. ગુરુ કહે; ડફોળ, અડધી રાત્રે તને જગાડ્યો, મારી આંગળી જોવા માટે? આંગળી તકાય છે એ બાજુ જો! મારી આંગળી પ્રભુ તરફ તકાય છે; એટલે તમારે ત્યાં જોવાનું છે! શબ્દોના પ્રલોભનમાં નહિ! એ શબ્દો જે દિશા તરફ ઈંગિત કરી રહ્યા છે, એ દિશા તરફ તમારે તાકવાનું છે. તો પુરા વિતરાગ સ્તોત્રમાં શબ્દોના સ્તર પર આનો જવાબ નથી. પણ, between the lines ઉત્તર છે. અને એ ઉત્તર એ છે. પ્રભુ કહે છે; કે બેટા! તારી સાધના પર તારો self confidence થયો. તને એમ થયું કે હું સાધના કરું છું અને એ સાધનાનું કર્તૃત્વ તે તારા હાથમાં લીધું એટલે મારી આંગળી છૂટી ગઈ! સમજ્યા?
સાધનાના કર્તા પ્રભુ જ છે, સદ્ગુરુ જ છે! તમે માત્ર સાક્ષી છો.! પણ જે ક્ષણે તમે સાધનાના કર્તા બની જાવ, સદ્ગુરુ સમજે કે હવે મારું કામ ક્યાં રહ્યું? પ્રભુ પણ કહેશે હવે મારું કામ ક્યાં રહ્યું? આ જ કર્તા બની ગયો છે! તમે કર્તા ન બનો, સાક્ષી જ હોવ, તો પ્રભુ રહે કર્તા તરીકે, સદ્ગુરુ પણ રહે!
નાનો દીકરો એના પગ પર ચાલતો થઇ જાય તો માં આંગળી છોડી દે. અત્યાર સુધીમાં આંગળી પકડીને ફરતી હતી. કેમ, નાનકડું બચ્ચું હતું. પણ દીકરો મોટો થઇ ગયો. હવે? એના પગ પર ચાલે. પણ, અહીંયા તો મોટો loss થયો. તમે તમારા ઉપર કર્તૃત્વને મુક્યું; પ્રભુ અને સદ્ગુરુની આંગળી છૂટી ગઈ. પ્રભુ અને સદ્ગુરુને તમારી સાથે રાખવા હોય, તો તમારે તમારું કર્તૃત્વ છોડવું પડશે. છો તૈયાર? તૈયાર? એટલે ઘણી ચિટ્ઠીઓમાં કાલે આવેલું, અહંકાર નડે છે.. આ અહંકાર આવ્યો એટલે સાધનાનું કર્તૃત્વ આવી ગયું.. મેં વર્ષીતપ કર્યો!
વ્યવહારની ભાષામાં તમે બોલો તો વાંધો નથી. પણ તમારા મનમાં એ સ્પષ્ટ હોવું જોઈએ, કે વર્ષીતપની વાત તો જવા દો, એક બેસણું પણ હું મારી તાકાતથી કરી શકું નહિ! ઉપવાસ કરાવે, પ્રભુ કરાવે. બેસણું કરાવે, પ્રભુ કરાવે. વર્ષીતપ પ્રભુ કરાવે.
હું એક વાત ઘણીવાર કહેતો હોઉં છું. રૂપક કથા છે, એક હાથી રોડ ઉપર ચાલતો હતો. વચ્ચે નદી આવી. નદી પર પુલ હતો. પુલ પર હાથીભાઈની સવારી ચાલે, ધમધમ. પુલ જુનો થઇ ગયેલો. પુલ ધ્રુજવા લાગ્યો. પણ સદ્ભાગ્યે તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો. હાથી રોડ ઉપર ચાલે છે. હાથીને તો ખબર પણ નહતી, એક માખી હાથીના કાન પાસે બેઠેલી. અને માખીએ કહ્યું; હાથીભાઈ, હાથીભાઈ આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવ્યો?! બોલો? પણ માખી આપણા કરતાં વધુ પ્રમાણિક હતી. એને credit હાથીને પણ આપી. એકલી credit પોતાના પર ન લઇ લીધી! આ માખીઓ શું કહે? મેં માસક્ષમણ કર્યું.!
તો અશબ્દમાં મળેલો ઉત્તર આ છે, કે બેટા! તે સાધનાનું કર્તૃત્વ જે વખતે તારા ઉપર લઇ લીધું, એ વખતે મારી આંગળી મેં છોડી દીધી. કારણ કે સાધનાનો કર્તા હું હતો; હવે કર્તા તું થઇ ગયો, પછી મારા હાથની જરૂર ક્યાં હતી…! તો દોષો ખટકે, અને જાય. એની વચ્ચે આ પોકાર આવ્યો. આ ભક્તની વેદના આવી. કે પ્રભુ! તારા જેવો નાથ મળ્યો અને છતાં મારી ભીતર દોષો હોય એ કેમ ચાલે? પ્રભુને ક્યારેય કહ્યું…? પ્રભુ તું નિર્મળ થઈને બેસી ગયો છે; મને તો નિર્મળ કર.!
આનંદઘનજીએ સ્પષ્ટ કહ્યું; ‘આનંદઘન કહે મારું આણો, તો સાચું કરી જાણો’ તમે મારા મનને સ્થિર કરો, તો હું માનું તો તમે ખરા જાદુગર છો. તમે પ્રભુને કહી શકો કે પ્રભુ મને નિર્મળ બનાવી દે! પ્રભુની પાસે માત્ર બેસો. એ પરમાત્માના દેહમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જા તમને purify બનાવી દેશે.
પરંપરાની એક સરસ ઘટના કહું. કે પ્રભુની અને સદ્ગુરુની ઉર્જા શું કામ કરે? તમારે દોષમુક્ત બનવું જ છે, તો એના માટે કેટલા-કેટલા ઉપાયો છે, એની ચર્ચા આજે આપણે કરીએ. પહેલી ચર્ચા તો આ કરી; કે પ્રભુની પાસે આપણે રડી પડીએ કે પ્રભુ તારો ભક્ત, તારો દાસ, મારી અંદર દોષો હશે તો શરમાવવાનું મારે નથી, તારે છે! પ્રભુ માં છે. આપણે એનું બાળક છીએ. બાળકનું શર્ટ જમતી વખતે કદાચ સહેજ ડાઘ-ડુંઘવાળું થઇ પણ ગયું, બાળકને શું? એની માં શર્ટ બદલાવી નાંખશે. શર્ટના ડાઘ કાઢી આપશે.
તો પ્રભુને કહી દઈએ, પ્રભુ! હું તો ગંદો છું જ, પણ તું માં છે! તારે મને નિર્મળ કરવાનો છે! એક સતાવન કડીઓની બહુ મજાની સ્તવના છે. એમાં વિનયવિજય મહારાજ લખે છે; કે પ્રભુ! તું કદાચ મને કહી દે, કે તું ગંદો છે, મારી પાસે નહિ આવતો. તો પ્રભુ હું તને કહું છું, કે દુનિયાની કોઈ માં એ પોતાના બાળકને કહ્યું હશે, કે તું ગંદો છે, નાહીને પછી આવ. અને એ રીતે જો માં કહે તો એનું માતૃત્વ લજવાય. હું ગંદો છું તો તારે નિર્મળ કરવાની ફરજ છે. તો પહેલો ઉપાય આ.
હવે બીજા ઉપાયની ચર્ચા કરીએ. બહુ જ પ્યારી ઘટના છે ૨૦૦ વર્ષ પહેલાંની. એક અબજોપતિ માણસ, એ જમાનાના. બહુ જ ધનાઢ્ય. એટલા બધા ધંધામાં એ રચ્યો-પચ્યો રહેતો, કે એને એક મિનિટ કોઈ સંતો પાસે જવા માટેનો સમય નહતો. સતત ૨૪ કલાક ધંધાની પળોજણમાં એ રહેતો. એકવાર એના એક મિત્રએ કહ્યું; કે અહીંથી ૫૦ કિલોમીટર દૂર જંગલમાં એક સંત છે. એમને તું ખાસ મળ. એમની પાસે બેસ. પણ, આને ક્યાં ટાઈમ હતો કે સંતની પાસે જાય? પણ, પેલો કલ્યાણમિત્ર હતો. એ વારંવાર કહ્યા કરતો. એકવાર તો એને ultimatum આપ્યું કે હવે તું નહિ જાય ને, તો તારા ત્યાં હું નહિ આવું. એટલે પેલાને થયું, હવે જઉં પડશે. એ ઘોડાઘાડીમાં પહોંચી ગયો આશ્રમમાં. નાનકડો આશ્રમ. એક ઝુંપડીમાં ગુરુ. બીજી ઝુંપડીઓમાં શિષ્ય. ગુરુની ઝુંપડીમાં એ જાય છે. ગુરુ મૌનમાં છે. ધ્યાનમાં છે. આંખો બંધ છે એમની. અને પેલો અબજોપતિ એમની જોડે બેઠો. નાનકડી ઝુંપડી. ગુરુ અહીં છે, પેલો અહીં છે. હવે પેલાને તો એક-એક મિનિટની કિંમત છે. એટલે એણે વિચાર્યું કે દસ-પંદર મિનિટ બેસું, ગુરુની આંખ ખુલે, તો બે શબ્દ બોલે એ સાંભળીને રવાના થઇ જાઉં. એ બેઠો.
ઉર્જાને પકડવાની એક રીત હોય છે. તમારે પ્રભુની ઉર્જા મંદિરમાં પકડવી છે તો શું કરવું પડે? ચૈત્યવંદન કરો, ભક્તિ કરો, અને પછી આંખો બંધ કરી શાંત ચિત્તે બેસી જાવ. કોઈ વિચાર ન હોય; અને એ તમારું ચિત્ત શાંત હોય એ વખતે પેલી ઉર્જા પકડાશે.
આ અબજોપતિ પાંચ મિનિટ માટે શાંત થઈને બેઠો; અને ગુરુની ઉર્જા પકડાવા લાગી. ગુરુની ઉર્જામાં એકદમ આનંદ આપવાની તાકાત હતી. કારણ કે ગુરુ માત્ર આનંદમાં હતાં. ૨૪ કલાક આનંદમાં. એ આનંદની ઉર્જા એને મળી. પાંચ મિનિટમાં તો એને બહુ સારું લાગ્યું.! દસ મિનિટ.. પંદર મિનિટ… એ પોતે શાંત થઇ ગયો! આવી શાંતિ અને આવો આનંદ એને ક્યારેય મેળવેલો નહિ. પછી તો એણે નક્કી કર્યું કે હવે ગુરુ આંખ ખોલે નહિ ત્યાં સુધી અહીં જ બેસી રહેવું. અડધો કલાક, પોણો કલાક, કલાક, એક કલાક સુધી બેઠો રહ્યો.! અને એવી ઉર્જા પકડાઈ, આંખી જીંદગીમાં એને આવો અનુભવ થયો નહતો.
ગુરુએ આંખ ખોલી. આ માણસ શું કરે છે? ગુરુ બે શબ્દ કહે એ પહેલાં એ ચરણોમાં પડે છે! અને કહે છે, ગુરુદેવ! તમે જો મને સ્વીકારતાં હોવ, તો મારે સંન્યાસ લેવો છે! તમારી જોડે રહેવા મળે! આવો આનંદ..! અબજો રૂપિયા ભેગા કર્યા પણ આવો આનંદ મળ્યો નથી. તમે જો મને સ્વીકારવા તૈયાર હોવ, તો મારે તમારા સંન્યાસી બની જવું છે. ગુરુએ કહ્યું; બધું છોડીને આવી જા! બધું છોડીને, આવી જા! પેલો ગુરુને વંદના કરીને તરત નીકળ્યો.
શું કામ કરે છે ગુરુની ઉર્જા…! આને નક્કી કર્યું કે હવે અબજો રૂપિયા જોઈએ નહિ. હવે માત્ર આ ગુરુના શિષ્ય બનવું છે અને એમની જોડે રહેવું છે. આવો આનંદ જો જીવનમાં મળતો હોય તો બીજું શું જોઈએ?! એ પહોંચ્યો. એક-બે દિવસની અંદર પોતાની સંપત્તિ એને સારા ટ્રસ્ટોમાં આપી દીધી. દીકરો હતો નહિ. પત્ની expired થયેલી. એકલો જ હતો. પૈસા બધા જ આ રીતે આપી દીધા. પોતાની સાત માળની હવેલી એ પણ એક ટ્રસ્ટને આપી દીધી કે તમે લોક કલ્યાણકારી યોજનાઓ આમાં કરજો. માત્ર ઝબ્ભો અને લેઘો, બે જ એની પાસે રહ્યા, એક પૈસો પણ એના ખિસ્સામાં નથી! અને સાંજના ટાઈમે એ ગુરુના આશ્રમે પહોંચ્યો. આશ્રમમાં ગયો. ગુરુની ઝુંપડી પાસે જાય છે. ગુરુદેવ હું આવી ગયો છું આપનો શિષ્ય થવા માટે. બધું છોડીને આવ્યો છું. અને એ વખતે ગુરુ કહે છે; get out! મારા આશ્રમમાંથી બહાર નીકળી જા! અરે, અબજો રૂપિયા છોડીને તમારી પાસે આવું છું, તમે get out બોલો છો.! આશ્રમની બહાર નીકળી ગયો. ‘અબ જાયે તો જાયે કહાં’? થોડે દૂર એક મુસાફર ખાનું હતું. ત્યાં ગયો. બાંકડા પર બેઠો. ભૂખ લાગી છે. બિસ્કીટ કે મમરા ખાવા માટે પાંચ પૈસા એની પાસે નથી.
વિચાર કરો, આપણે હોઈએ કે કોઈ પણ હોય, શું વિચાર આવે? આ કંઈ ગુરુ છે?! મેં પહેલાં કહ્યું હતું ને સદ્ગુરુનું શરણ સ્વીકારવું બહુ જ અઘરું છે. કારણ – આપણી દોષદ્રષ્ટિ જે છે એ સદ્ગુરુની અંદર પણ દોષોને જોશે. એટલે ચશ્માંમાં ડાઘ છે તો બધા ઉપર ડાઘ દેખાવાના. આ માણસ પાસે એવી શ્રદ્ધા છે, એ માને છે કે જેની ઉર્જા મેં માણી છે- આનંદમયી ઉર્જા, પવિત્ર ઉર્જા એ ગુરુ કોઈ ભૂલ ક્યારેય પણ કરે જ નહિ! ગુરુએ get out કહ્યું છે, અને છતાં એને ગુરુની ભૂલ દેખાતી નથી! આપણને શું થાય?
બાંકડા પર સૂઈ ગયો; ભૂખ લાગેલી, ઊંઘ ન આવે. રાત્રે ત્રણ-સાડા ત્રણે જાગી ગયો. જાગ્યા પછી વિચાર કરે છે, કે ગુરુએ ના કેમ પાડી? ગુરુએ કહેલું હતું; બધું છોડીને આવ. તો હું બધું છોડીને ગયેલો, ના કેમ પાડી? અને એ રાત્રે ૪ વાગે એને સમજાયું કે મેં અહંકારને ક્યાં છોડ્યો છે? મનમાં એક વસ્તુ હતી – ગુરુનો બાયોડેટા જાણેલો કે લક્ષ્યાધિપતિ કે કરોડપતિ પણ એમના શિષ્યો બનેલા, પણ અબજોપતિ એક પણ શિષ્ય હતો નહિ. એટલે હું અબજો રૂપિયા છોડી અને ગુરુ પાસે જાઉં છું. હું અબજોપતિ હતો; છું, એનો અહંકાર.. બસ એ ચાર વાગે અહંકાર નીતરી ગયો કે ગુરુના ચરણોની સેવા જ કરવાની છે. ત્યારે ‘હું’ કોણ? ‘હું’ નીતરી ગયું.!
અહંકારને નીતરતા વાર લાગે? લગભગ બધાને અહંકાર નડે છે ને? ‘હું’. ‘હું’ ને નીતરતા વાર લાગે? શું વાર લાગે? અહોભાવ પરાકાષ્ઠાનો આવે; ‘હું’ નીતરી જાય. આનો ગુરુ પ્રત્યેનો અહોભાવ પરાકાષ્ઠાનો હતો. આ ગુરુમાં તો કોઈ ફેરફાર હોય જ નહિ. એમણે કહ્યું, એ જ એ કરે; સમજણ મારી કંઈક બરોબર નથી.
અતિતની યાત્રામાં ઘણા બધા સદ્ગુરુઓ મળ્યાં. પણ, આ જ આપણી ચુક થઇ. સદ્ગુરુ એ કહ્યું; આપણે પૂરું સમજ્યા નહિ. અને સદ્ગુરુ આવા હોય? એમણે આમ કહ્યું ને, આમ વર્તે છે; આ આપણા મનમાં આવ્યું. એના કારણે સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ પરાકાષ્ઠાનો ન થયો. એક વાત સમજો. પરમાત્મા પરની ભક્તિ તમારી પરાકાષ્ઠાની થવાની. પણ સદ્ગુરુ પ્રત્યેની ભક્તિ પરાકાષ્ઠાની ક્યારે થાય? ભગવાન પાસે તમારી કોઈ અપેક્ષા નથી કે ભગવાન મને બોલાવે. બરોબર? ભગવાન સ્મિત કરે એવી પણ તમારી અપેક્ષા નથી. ગુરુ પાસે તમે અપેક્ષા લઈને આવો. હું જાઉં એટલે ગુરુ મારી સામે જોવે, ગુરુ મને બોલાવે, ગુરુ મારી જોડે વાતો કરે. આ અપેક્ષા લઈને આવો; અને એ અપેક્ષા પુરી ન થાય એટલે… તમારા ‘હું’ ને ઈજા પહોંચે!
મજાની વાત એ છે, કે ગુરુને આપણે નંબર વન પર નહિ, ક્યાં રાખ્યાં?
ગાંધીજી round table conference માટે લંડન ગયેલા. ગાંધી ભક્તો પણ જોડે ઘણા હતાં. લંડનમાં બહુ સારા સાહિત્યકારો. એમાં Bertrand Russell બહુ સારા સાહિત્યકાર અને મજાના વિનોદી માણસ. એક ગાંધી ભક્તે Bertrand Russell ને પૂછ્યું; કે તમે ગાંધીજીને નજીકથી જોયા. તમને પણ લાગ્યું હશે કે ગાંધીજી મોટા ગુરુ છે. ત્યારે Russell એ કહ્યું; કે હા, ગાંધીજીને નંબર બે ઉપર જરૂર મૂકી શકું. એટલે પેલાએ વિચાર્યું કે એ ક્રિશ્ચયન છે તો એના ભગવાન ઇસુ ખ્રિસ્તને પહેલા નંબરે મુકે અને મારા ગાંધીજીને બીજા નંબરે મુકે, બહુ સારી વાત કહેવાય; એના ભગવાન પછી તરત મારા ગુરુ.! પણ એને જરા પૂછવાની ઈચ્છા થઇ કે ગાંધીજી બીજા નંબરે તો પહેલા નંબરે કોણ? Russell કહે; પહેલો નંબર હું મારા માટે જ રાખું છું! બીજા નંબરથી શરૂઆત કરું છું. તમારે શું છે બોલો…? ગુરુ સારા ક્યારે?
કેન્દ્રમાં તમે છો, પરિઘમાં તમે ગુરુને રાખ્યાં. તો ગણિતનો નિયમ શું છે? પરિઘે કેન્દ્રને અનુસરવું પડે. તો તમને ગમે એ સદ્ગુરુ સારા. તમને પંપાળે એ સદ્ગુરુ સારા. તમારા અહંકારના છોતરાં કાઢે એ ગુરુ…? તો તમારો અહંકાર એવો છે કે કેન્દ્રમાં તમે બેસી જાવ છો અને ગુરુને પણ પરિઘમાં રાખો છો! કબીરજીએ એટલે જ કહ્યું; ‘પહલે હમ થે, ગુરુ નહી’. પહેલા કેન્દ્રમાં ‘હું’ જ હતો. પછી ગુરુ પરિઘમાં ક્યાંથી રહે? ‘પહલે હમ થે, ગુરુ નાહી’. હવે? ‘ગુરુ હૈ, હમ નાહી’ કેમ? ‘પ્રેમ ગલી અતિ સાંકળી, તામે દો ન સમાય’. તમારે બે ને ભેગા રાખવા છે કેમ? ‘હું’ ને ય રાખવું છે અને ગુરુ તમે ય રહો! ગુરુ નવરાં છે કે એમાં રહેશે? સાહેબ મારું ‘હું’ તો રાખવાનું જ છે! તમારે જોડે રહેવું હોય તો રહો!
પેલાને ખ્યાલ આવ્યો કે ગુરુએ કહેલું બધું છોડીને આવ. મારા અહંકારને તો મેં છોડ્યો નથી! એ અહંકાર એનો નીતરી ગયો. પાંચ-સાડા પાંચે એ આ ફરી આશ્રમ તરફ આવે છે. જ્યાં એ આશ્રમમાં પેઠો, ગુરુ સામે આવે છે અને એને બાહોમાં લે છે. વાહ! હવે તું મારો શિષ્ય ખરો. બધું છોડીને આવ્યો.
એક સદ્ગુરુની ઉર્જા લીધી; અને એનો અનુભવ થયો, પછી પોતાની જાત પણ એને બરોબર ન લાગી! આપણને સદ્ગુરુનો, પ્રભુનો આવો અનુભવ ન થયો. એટલે એ અનુભવ કરવો છે. અને એ અનુભવ થઇ જાય, એ ઉર્જાની ધારામાં તમે રહો; દોષમુક્ત (થઇ જાઓ).
તો ગઈકાલે પૂછેલું; કેટલા દોષો ડંખે છે? ઘણાની ચિટ્ઠી એવી આવી, કે સાહેબ દોષો તો છે પણ ડંખતા નથી. દોષો તો ઘણા બધા છે, પણ ડંખતા નથી. હવે ડંખે નહિ તો જવાના ક્યાંથી? પ્રભુ પાસે તમે રડો, એ વાસ્તવિક ઘટના છે? પ્રભુ તું આટલો નિર્મળ, હું આટલો ગંદો કેમ ચાલે પ્રભુ? તું મને નિર્મળ બનાવી દે.
તો પ્રભુ આપણને નિર્મળ બનાવવા તૈયાર. સદ્ગુરુ આપણને નિર્મળ બનાવવા તૈયાર, દોષમુક્ત બનાવવા તૈયાર.
દોષો ડંખે છે કે નહિ, આ મહત્વની વાત છે. કેમ ન ડંખે એ તમને પૂછું? મોક્ષ જોઈએ તમારે બધાને? જ્યાં સુધી દોષો હશે, મોક્ષ મળવાનો છે? મોક્ષ પણ જોઈએ, દોષો પણ જોઈએ…? મોક્ષ જોઈએ? હમણાં તરત જોઈએ આમ? અહીંથી મહાવિદેહ અને મહાવિદેહમાંથી મોક્ષ એમ…? મોક્ષ તરત જોઈએ?
હું એક ગામમાં ગયેલો. દેરાસરે દર્શન કરતો હતો, ત્યાં એક ભાઈ સ્તવન ગાતાં હતા, ‘શિવગામી ભવથી ઉગારજો’. કંઠ પણ સરસ. અને ‘શિવગામી ભવથી ઉગારજો’ બોલે ને ત્યારે આંખમાંથી આંસુ પડે એના! મને લાગ્યું આ તો સાચો રડે છે. એટલે મેં એના કાનમાં કીધું; કે જો તારે મોક્ષમાં જવું હોય ને તો દીક્ષા લેવી પડે; ઉપાશ્રયમાં આવી જજે, ઓઘો સ્પેરમાં છે આપી દઈશ. પેલો તો અડધા સ્તવને ભાગ્યો ત્યાંથી! હું બહાર નીકળ્યો; અને કોઈ જોડે વાતો કરતો ઉભો હતો. મેં કહ્યું; કેમ ભાઈ! તું ભગવાનને કહેતો હતો, ‘શિવગામી ભવથી ઉગારજો’ અને મેં કહ્યું, તને દીક્ષા આપું તો ભાગ્યો કેમ? હોશિયાર માણસ, મને કહે; તમે દીક્ષા આપશો, આ જન્મમાં મોક્ષ ખરો? મેં કહ્યું; આ જનમમાં તો મોક્ષ ક્યાંથી મળે? મને કહે; હું તો હોલસેલનો વેપારી છું; એટલે આ જનમમાં કાંઈ નહિ. આપણે આવતાં જનમમાં મહાવિદેહમાં અવતાર, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ બધું એક સાથે મારે.
તમારે મોક્ષ જોઈએ? તો દોષો ડંખવા જોઈએ.
આજે ફરીથી home work – ક્યાં દોષો તીવ્રતાથી ડંખે છે? બરોબર…?
