Siddhi Sadhna Updhan Tap – Vachana 9

3 Views
20 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરમાત્માની પ્યાસ

આપણે બધા જ અગણિત જન્મોથી એક પ્યાસ લઈને આવ્યા છીએ. પદાર્થોનો ઢગલો કર્યો, સંપત્તિનો ઢગલો કર્યો, પણ એ પ્યાસ છીપાતી નથી. કારણ? એ પ્યાસ પરમાત્મા માટેની પ્યાસ છે. એટલે જ્યાં સુધી પરમાત્મા નહિ મળે, ત્યાં સુધી એ પ્યાસ છીપાવાની નથી.

સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ extreme point નો તમારી પાસે હોય, તો સદ્ગુરુને ગમે એ જ તમે કરશો; એમને નહિ ગમે એ તમે નહિ કરવાના. ક્યાંય તમારો અહંકાર પ્રગટ થાય એ સદ્ગુરુને ગમશે નહિ એટલે સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ તમારા પૂરા વ્યવહાર જીવનમાં તમને બધા પર પ્રેમનો વિસ્તાર કરતા શીખવશે.

ધારો કે તમને રાગ છે, પણ એ તીવ્રતાથી ડંખે છે. રાગ ત્રણ સ્તરોવાળો હોય: પદાર્થો ઉપર, વ્યક્તિઓ ઉપર અને શરીર ઉપર. આ રાગ તીવ્રતાથી ડંખે તો શું કરવાનું? પ્રભુના પ્રેમમાં પડવાનું. પ્રભુના પ્રેમમાં તમે વહી જાઓ એટલે બીજો બધો જ રાગ છૂ થઇ જશે!

સિદ્ધિ સાધના ઉપધાન તપ – શ્રી ધર્મચક્ર તીર્થ વાચના –

દોષમુક્તિ પ્રભુની કૃપાથી થાય, સદ્ગુરુની કૃપાથી થાય અને સાધકની જાગૃતિથી પણ થાય.

સદ્ગુરુ પાસે એવી એક આંતર સૂઝ હોય છે, જેના કારણે સાધકના ચહેરાને જોઇને એનામાં રહેલા દોષોને જુએ છે અને એ દોષોમાંથી એને મુક્ત કરી સાધનાના પથ ઉપર ચડાવે છે.

તિબેટમાં એક બહુ જ મોટા ગુરુ નારોપા. પુરા તિબેટમાં એ વખતે સૌથી શ્રેષ્ઠ ગુરુ તરીકે નારોપાનું નામ હતું. એ વખતે મિલારેપા નામનો એક વિદ્વાન. એટલો મોટો વિદ્વાન, એટલો સરસ વક્તા કે રાત્રે ૧૨ વાગે એને જગાડો, અને કહો, કે ૫૦૦૦ માણસ સામે છે, તારે પ્રવચન આપવાનું છે, એક પણ મિનિટની તૈયારી વિના કલાકો સુધી એ પ્રવચન આપી શકે. આવો વિદ્વાન, આવો પ્રવચનકાર, પણ એકવાર એને થયું, કે આ બધાનો બહુ અર્થ નથી. લોકો મને વિદ્વાન કહે, મને અહંકાર આવે છે. તો મારે સાધનાની પગથાર પર જવું હોય, તો સદ્ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. અને નારોપા ગુરુ પ્રસિદ્ધ હતાં. મિલારેપા ગુરુ નારોપાના ચરણોમાં જાય છે. અને કહે છે; ગુરુદેવ ! મને સાધના દીક્ષા આપો.

સદ્ગુરુને dual action કરવાનું છે. પહેલાં તમને સાધના લેવા માટે સજ્જ બનાવવાના છે અને જે ક્ષણે તમે સજ્જ બનો, એ ક્ષણે તમને સાધના આપવાની છે. તમે સાધના માટે સજ્જ બનેલા નથી, અને તમને સાધના મળી પણ ગઈ, બહુ અર્થ એનો નથી. સદ્ગુરુ એ સાધના માટે તમને સજ્જ કરે અને એ પછી સદ્ગુરુ તમને સાધના આપે. બસ, પછી તમે એને follow કરો; સિદ્ધિ આ રહી! સિદ્ધિ કોઈ દૂરની ઘટના નથી! પણ, સાધના બરોબર થવી જોઈએ.

તો મિલારેપા ગુરુ નારોપાના ચરણોમાં પડે છે. અને વિનંતી કરે છે, કે મને સાધના દીક્ષા આપો. ઉપધાનમાં તમારી બે દીક્ષા હતી. મંત્ર દીક્ષા અને સાધના દીક્ષા. પહેલાં અઢારિયામાં નમસ્કાર મહામંત્ર મળ્યો. બીજા અઢારિયામાં ઈરિયાવહી સૂત્ર મળ્યું, પાંત્રીસામાં નમુત્થુણં મળે, અઠ્ઠાવીસામાં લોગસ્સ સૂત્ર મળે;

તો આ મંત્ર દીક્ષા. અને એ મંત્ર દીક્ષા આપતાં પહેલાં અને પછી જે સાધના તમને કરાવીએ એ સાધના દીક્ષા. સદ્ગુરુ તમને સાધના આપે છે. એક નમસ્કાર મહામંત્ર લેવા માટે ૧૮ દિવસ. કેમ? જેમ-જેમ તમે મંત્ર દીક્ષા માટે સજ્જ થતાં જાવ, તેમ-તેમ તમને મંત્ર દીક્ષા મળે.

શાસ્ત્રમાં એક સરસ વાત આવે છે. ગુરુ તમારા કાનમાં જ્યારે મંત્ર આપે છે ત્યારે એ મંત્ર કાનમાંથી સીધો ઉપર સહસ્રારમાં જાય છે. સદ્ગુરુની એવી એક આંતરિક શક્તિ છે કે એમણે મંત્ર આપ્યો; એ એક કાનમાંથી બીજા બીજા કાનમાં થઈને નીકળવાનો નહિ; એ કાનમાંથી સીધો જ ઉપર પહોંચી જવાનો. અને એટલે જ પંચ કલ્યાણક પૂજામાં પાર્શ્વકુમાર અને કમઠના સંવાદમાં સરસ પંક્તિઓ આવી. ક્યાં કાન ફૂંકાયા? તેરા ગુરુ કૌન હૈ બડા, જિણે યોગ ધરાયા. ક્યાં કાન ફૂંકાયા? તે કયા ગુરુ પાસે કાન ફૂંકાયો છે? મંત્ર લીધો છે? તે જો બરોબર સદ્ગુરુ પાસે મંત્ર દીક્ષા લીધેલી હોત તો તારાથી આવું અકાર્ય ન થાત, કે સાપ બળી રહ્યો છે અને તને ખબર પડતી નથી.

તો મિલારેપા સાધના દીક્ષા માટે વિનંતી કરે છે. તમે કરી ક્યારેય? મને સાધના દીક્ષા આપો? ગુરુદેવ! મારે કઈ સાધનામાં જવાનું છે? વિનયની, વિવેકની વૈયાવચ્ચની, સ્વાધ્યાયની, ભક્તિની કઈ ધારામાં મારે જવાનું છે? કઈ સાધના મારા માટે appropriate છે? તમે પૂછ્યું?

ગુરુએ જોયું; કે મિલારેપા મારા ચરણોમાં પડ્યો છે, પણ સુક્ષ્મ અહંકાર એની પાસે છે. અહંકારના બે રૂપ : સ્થૂળ અને સુક્ષ્મ. સ્થૂળ અહંકાર તમારી પકડમાં આવશે. તમને ખ્યાલ આવશે કે મારામાં અહંકાર છે. પણ સૂક્ષ્મ અહંકાર જે છે, એ તમારા ખ્યાલમાં નહિ આવે. તો મિલારેપા પાસે સુક્ષ્મ અહંકાર છે. ગુરુએ જોયું; કે જ્યાં સુધી આ અહંકાર હોય ત્યાં સુધી હું એને સાધના દીક્ષા આપી શકું નહિ. એટલે ગુરુએ એના સુક્ષ્મ અહંકાર ઉપર બરોબર થપ્પડ લાગે એ રીતની સાધના આપી.

ગુરુએ કહ્યું; સાધના દીક્ષાની વાત તો પછી. પહેલા એક કુટીર બનાવવાની છે. નજીકમાં પહાડ છે. તું પથ્થરો તોડી-તોડીને લાવ. આશ્રમના મેનેજમેન્ટને કહેજે, તને ગાડું, બળદ, ત્રિકમ, કોદાળી, પાવડો બધા જ સાધનો આપશે. મિલારેપા નવાઈમાં પડી ગયો. ૫૦૦૦ માણસોની સામે ભાષણ કરવાની એની સજ્જતા હતી. આટલો બધો વિદ્વાન માણસ અને ગુરુ એને કહે છે; કે તું પથ્થર તોડીને લાવ. મજુરનું કામ સોંપે છે. સહેજ સુક્ષ્મ અહંકાર જે છે એ જાગ્રત થયો. પણ બીજી બાજુ થયું કે આ જ ગુરુ પાસે સાધના દીક્ષા તો લેવી જ છે તો ગુરુ કહે એ કરી લેવાનું. અને ગાડું અને બળદ લઇ પહાડમાં ગયો. પહાડમાંથી પથ્થરો તોડે છે. બાવડાની તો કોઈ દિવસ મહેનત કરેલી નહિ. પથ્થરો તોડી-તોડીને હાથ થાકી ગયા. સાંજે અડધું ગાડું પથ્થર લઈને એ આશ્રમમાં આવે છે. આશ્રમમાં પહેલી જ રૂમ ગુરુની છે. ગાડું થોભાવ્યું, ગુરુ પાસે ગયો. ગુરુના ચરણમાં પડ્યો. સાહેબ આટલા પથ્થર લઈને આવ્યો છું.

તમને ખ્યાલ છે? એક આજ્ઞા ગુરુએ આપી. તમે એ પુરી કરી, તો પુરી કર્યા પછી તમારે ગુરુને નિવેદન કરવા આવવું પડે કે સાહેબ આપે જે કાર્ય કહ્યું હતું એ મેં પૂર્ણ કર્યું છે.

તો મિલારેપાએ કહ્યું; સાહેબ આટલા પથ્થર તોડ્યા છે. ગુરુને પથ્થર જોડે સંબંધ નહતો. ગુરુએ મિલારેપાના ચહેરા સામે જોયું, અને લાગ્યું કે હજુ અહંકાર થોડો બાકી છે. એટલે કહ્યું; કાલે સવારે ફરી તું મને મળજે. ગુરુ એને પૂછતાં નથી, તું થાક્યો હોઈશ. રસોડામાં બરોબર જમી લેજે. કોઈ વાત નહિ… હોશિયાર માણસ છે ફોડી લેશે એનું. મારે તો માત્ર એને તૈયાર કરવાનો છે. બીજી સવારે આવ્યો મિલારેપા. ગુરુએ કહ્યું; ફરી જા. હજુ પથ્થર બાકી છે. છ દિવસ સુધી લગાતાર પથ્થરો ગુરુએ તોડાવ્યા.! છઠ્ઠી સાંજે મિલારેપા ગાડું લઈને આશ્રમ તરફ આવે છે, અને એને વિચાર થયો કે ગુરુ શું કરી રહ્યા છે? ઘણા લોકોને એવું થાય કે ગુરુ મારા ઉપર કામ નથી કરતાં. ગુરુનું કામ બધા ઉપર ચાલુ હોય છે પણ તમને ખ્યાલ ન આવે.

મિલારેપાને વિચાર થયો કે ગુરુ શું કરી રહ્યા છે? એક વિશ્વાસ હતો કે ગુરુ શ્રેષ્ઠ છે, અને આવા ગુરુ બીજા આ યુગમાં છે નહિ, અને એ ગુરુ કહે એ રીતે જ મારે કરવું છે. પણ ગુરુ શું કરી રહ્યા છે? મારે સાધના દીક્ષા લેવી છે, ગુરુ પથ્થર તોડાવે છે! તમે હોવ તો શું થાય, સાચું કહેજો? ત્રણ દિવસ થાય ને પૂછીએ, પેલો ક્યાં ગયો? અરે સાહેબ એ તો ભાગી ગયો, એ કંઈ રહેતો હશે! એ સાધના દીક્ષા આવેલો અને તમે પથ્થર તોડવા માટે મુક્યો, રહેતો હશે કંઈ! બરોબર ને? તમારી આ રીતે પરીક્ષા થાય તો…! સારું છે કે અમે લોકો તમારી આવી પરીક્ષા નથી કરતાં, બરોબર ને? કરીએ તો શું થાય સાચું કહો.

એ વખતે મિલારેપાને થયું, કે ગુરુ પથ્થરો તોડાવતા નથી, મારા અહંકારને તોડી રહ્યા છે. અને એને થયું કે ગુરુ પાસે મારે સાધના લેવી છે. અહંકાર મારી પાસે હોય, સાધના કઈ રીતે મળે મને? એ અહંકાર છઠ્ઠી સાંજે નીતરી ગયો! એ ગુરુના ચરણોમાં આવ્યો. ગુરુએ જોયું; કે અહંકાર નીતરી ગયો છે. ગુરુએ કહ્યું; બેસી જા, અત્યારે જ તને સાધના દીક્ષા આપી દઉં! અને ગુરુએ એ જ ક્ષણે, એ તૈયાર થયો એ જ ક્ષણે, એને સાધના દીક્ષા આપી દીધી.

તો સદ્ગુરુ કઈ રીતે તમારા ઉપર કામ કરે, એ તમને ખ્યાલ ન આવે. પણ સદ્ગુરુનું કામ તમારા ઉપર ચાલુ હોય છે. ક્યારે? તમે સમર્પિત બનેલા હોવ ત્યારે. ભલે સુક્ષ્મ અહંકાર રહ્યો, પણ સ્થૂળ અહંકાર ગયો, અને તમે સમર્પિત થયા, તો તમારા ઉપર સદ્ગુરુનું કામ ચાલુ. પછી સુક્ષ્મ અહંકારને કાઢવો, ન કાઢવો, શું કરવું, શું ન કરવું એ સદ્ગુરુ જાણે. દરેક સદ્ગુરુની theme અલગ-અલગ હોય છે. તમારે તો માત્ર સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થઇ જવાનું!

આજે એક પ્રશ્ન આવેલો. ગઈ કાલની વાચનાના સંદર્ભમાં, મેં ગઈ કાલે કહેલું; કે સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ extreme point નો તમારી પાસે હોય ત્યારે તમારો અહંકાર નીતરી જાય છે. તો આજે સવાલ એ આવ્યો; કે એ અહંકાર નીતરી ગયો, એથી વ્યવહાર જીવનમાં અમને શો લાભ થાય? કારણ – કે અહોભાવ સદ્ગુરુ પ્રત્યેનો છે, ગુરુ ભાઈઓ પરનો નથી કે ગુરુ બહેનો પરનો નથી. અહોભાવ extreme point નો પણ એ સદ્ગુરુ પર છે, તો અમારા વ્યવહારુ જીવનમાં અમારા ગુરુ ભાઈ જોડે અમારો અહંકાર સંઘર્ષમાં ન ઉતરે એવું કઈ રીતે બને? સવાલ મજાનો હતો કે અહોભાવ સદ્ગુરુ પ્રત્યે છે. તો એ સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ, સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ, એ વ્યવહાર જીવનમાં શું કામ કરે?

જવાબ મજાનો છે – સદ્ગુરુ પ્રત્યે તમારો અહોભાવ છે, ભક્તિ છે, પ્રેમ છે. તો સદ્ગુરુને ગમે એ જ તમે કરશો; એમને નહિ ગમે એ તમે નહિ કરવાના. તો તમારા ગુરુ ભાઈ જોડે, ગુરુ બહેન જોડે, કોઈ શ્રાવક જોડે, કોઈ શ્રાવિકા જોડે, ક્યાંય પણ, તમારો અહંકાર પ્રગટ નહિ થાય. કારણ – મારા સદ્ગુરુને મારો અહંકાર પ્રગટ થાય એ ગમશે નહિ. એટલે સદ્ગુરુ પ્રત્યેનો અહોભાવ તમારા પુરા વ્યવહાર જીવનમાં તમને બધા પર પ્રેમનો વિસ્તાર કરતાં શીખવશે.

ગઈ કાલે આપણે કહેલું કે દોષોમાંથી કયો દોષ તીવ્રતાથી ડંખે છે? ધારો કે રાગ તીવ્રતાથી ડંખે છે. રાગ છે, પણ એ રાગ ડંખે છે. રાગ ત્રણ સ્તરોવાળો છે – પદાર્થો ઉપર રાગ હોય, વ્યક્તિઓ પર રાગ હોય અને શરીર પર રાગ હોય. પદાર્થ ઉપર રાગ છે અને એ ડંખે છે. તો તમે શું કરો?

અમે લોકો રાજસ્થાનમાં કાલીદ્રી ગામમાં ચોમાસું હતાં, ગુરુદેવની નિશ્રામાં. બાજુમાં બલલુટ ગામ હતું. ત્યાં પૂજ્યપાદ તપસ્વી રત્ન રાજતિલકસૂરિ મ.સા. નું ચાતુર્માસ હતું. તો બલલુટમાં પણ ઘણા ઠાણા અને કાલીદ્રીમાં પણ સાધુ-સાધ્વીના ઘણા ઠાણા. બલલુટમાં એક મહાત્મા એવા હતાં, જે નિર્દોષતાના પૂર્ણ ખપી. હવે સાધુ-સાધ્વીના ઠાણા વધારે. ઘરો ઓછા ખુલેલા. તો એ મહાત્મા હિંદુ ભાઈઓને ત્યાં ગોચરી માટે જતાં. રોટલી કે રોટલો વહોરીને આવે. જે સમયે એમના ત્યાં રસોઈ વિગેરે થતી હોય, એની આજુબાજુના સમયમાં જાય. રોટલી-રોટલો પોતાને ખપ હોય એટલું વહોરી લાવે. પછી એમાં પાણી નાંખે. અને અવડ્ઢના પચ્ચક્ખાણે પચ્ચક્ખાણ પારે. અને એ રોટલો કે રોટલી, પાણી નાંખેલું હોય અંદર, એ વાપરી જાય. કારણ એક જ હતું, કે એક પણ પદાર્થ પ્રત્યે મને આસક્તિ થવી ન જોઈએ. મારું શરીર આરાધના માટે કામ આપે છે, માટે એને ખાવાનું આપી દઉં પણ મારી આસક્તિ પોષાવી ન જોઈએ. એમાં પણ એમને લાગ્યું, લુક્ખો રોટલો-રોટલી પાણીમાં કલાકો સુધી પડેલું, એ વાપરતાં પણ એમને લાગ્યું કે થોડી આસક્તિ થાય છે. હવે શું કરવું? પછી એમણે જે કર્યું આપણી કલ્પનામાં ન આવે! કડવું સુદર્શન ચૂર્ણ વહોરે થોડું, એ પેલા લોટમાં-પાત્રામાં નાંખે; એમાં પાણી, એમાં રોટલો. બે-ત્રણ-ચાર કલાક એ રોટલો સુદર્શનવાળા પાણીમાં રહે. એ રોટલાના અણુ-અણુમાં કડવાશ ફેલાઈ જાય; અને એ કડવો રોટલો પોતે વાપરી જાય.

આ શું હતું? રાગ ડંખતો હતો. આપણે અહીંયા આવ્યાં છીએ, આ જન્મમાં; પદાર્થો ઉપર રાગ કરવા નહિ, વ્યક્તિઓ ઉપર રાગ કરવા નહિ, શરીર પર રાગ કરવા નથી આવ્યાં. શેના માટે આપણે આવ્યાં છીએ? પ્રભુ સાથે રાગ કરવા.

દેવચંદ્રજી મ.સા. ને એક ભક્તે પૂછેલું કે ગુરુદેવ! આપ તો વિતરાગદશાની વાત કરો છો. અમારે ને વિતરાગદશાને કોઈ સંબંધ નથી. અમે તો રાગની ધારાના માણસ છીએ, વીતરાગતા અમે પલ્લે પડશે નહિ. ત્યારે એમને કહ્યું; વાંધો નહિ. રાગની ધારા તને ફાવે છે ને? પ્રભુ જોડે રાગ કર ચાલ. અને એ પ્રભુ પરનો પ્રેમ એવો તો મજાનો થશે કે દુનિયાના બધા રાગ છૂટી જશે!

આપણા કવિ સુન્દરમ્ નું એક ગોપી ગીત છે. એનો ઉઘાડ બહુ મજાનો છે. “હમ જમના કે તીર, ભરત નીર હમરો ઘટ ન ભરાઈ” ગોપી યમુનાને કાંઠે ગઈ છે. ગોપી ગઈ છે કે ગોપીનું શરીર ગયું છે? નીવિ કરવા કોણ જાય બોલો..? નીવિમાં બેઠા પછી ખાય કોણ? કોણ ખાય? શરીર ખાય કે તમે ખાવ? કોણ ખાય? શરીર ખાય ને, કે તમે? એવું બને કે નીવિ કરીને આવ્યાં, તમને યાદ જ ન હોય, કે શું ખાધેલું. કેમ? શરીરે ખાધું. મને ક્યાં કંઈ ખબર છે? એક સરસ practical approach આપું. ભલે આજ તો નીવિ નથી. કાલે છે. નીવિમાં તમે વાપરવા બેઠા છો. ખાવાનું શરૂ થયું. એ વખતે મનને કોઈ સ્તવનમાં મૂકી દો. સ્તવનની કોઈ પંક્તિમાં મનને મૂકી દો. શરીર ખાવાનું કામ કરશે. મન સ્તવનમાં જશે. હવે મન ત્યાં ગયું છે. શરીરે ખાધું છે. હવે ખબર ક્યાંથી પડશે, પાછળથી? શું ખાધું?

એક જગ્યાએ એક જ્ઞાની ગુરુદેવ વિહાર કરતાં પધાર્યા. બપોરના સમયે એમના એક સાધુ ભગવંત વહોરવા માટે ગયા. વહોરીને જ્યારે ઉપાશ્રયમાં આવ્યાં ત્યારે ગુરુદેવ એ મુનિને જોઈએ નવાઈમાં પડી ગયાં. ગાલ પરથી લોહી દદળી રહેલું હતું. કોઈએ પથ્થર માર્યો હશે, અને પથ્થર વાગવાને કારણે અહીંથી લોહી દદળી રહ્યું હતું. લોહી પણ વહી રહ્યું હતું. અને સ્મિત પણ વહી રહ્યું હતું. હસતાં હતા મુનિરાજ. ગુરુ જ્ઞાની છે, ગુરુ પૂછતાં નથી કે તને કોણે માર્યું? તમે શું કહો, બોલો? તમારા છોકરાને કોઈએ માર્યું હોય, તો પહેલો સવાલ શું હોય? કોણે માર્યું? એના કર્મે માર્યું! કોણે માર્યું? કોણે માર્યું? તમને કોઈ વ્યક્તિ દેખાય છે પણ એ વ્યક્તિ નિર્દોષ છે. આના કર્મને કારણે પેલાને મારવાની ઈચ્છા થઇ. ગુનેગાર કોણ? આપણું કર્મ.

એટલે ગુરુ પૂછતાં નથી કે તને કોણે માર્યું. પણ ગુરુદેવ પૂછે છે, કે તું બે-ચાર શેરીમાં ફર્યો હોઈશ, વહોરવા માટે. કંઈ શેરીમાંથી, ક્યા ઘર પાસેથી પથ્થર નીકળ્યો એ તને ખ્યાલ છે? ગુરુદેવ એટલા માટે પૂછે છે, કે આજે તો તું મુનિ છે કાલે કોઈ સાધ્વીજી વહોરવા માટે જાય અને અનાડી માણસ હોય અને એમને હેરાન કરે તો…? એટલે શ્રાવકોને આ વાત કહેવી જરૂરી છે. તો કઈ શેરીમાંથી, કયા ઘરમાંથી, પથ્થર નીકળેલો, અને તને વાગેલો? એ મુનિરાજ કહે છે; ગુરુદેવ! Please પાંચ મિનિટ આપો, હું યાદ કરી લઉં! પથ્થર કોણે માર્યો, એ તો ખબર નથી. ક્યાં ઘરમાંથી પથ્થર નીકળ્યો એ પણ યાદ નથી! ગુરુદેવ મને પાંચ મિનિટ આપો; હું જરા યાદ કરું કે પહેલી શેરીમાંથી પથ્થર નીકળેલો કે બીજી શેરીમાંથી, મને યાદ આવતું નથી. તમને યાદ રહે બરોબર?

તો ગોપીનું શરીર યમુનાને કાંઠે ગયું છે. ગોપીનું મન પ્રભુમાં છે. હવે શું થયું; મન પ્રભુમાં છે; યમુનાને કાંઠે ગઈ, પ્રવાહમાં ઘડો મુક્યો, પણ ઘડો બરોબર મુકાયો નહિ. ઘડાને આમ મુકવો જોઈએ એના બદલે સીધો રહ્યો. તો ઘડો ભરાતો નથી. ત્યારે એ ગોપી કહે છે, “હમ જમના કે તીર, ભરત નીર, હમરો ઘટ ન ભરાઈ” અને પછી ગોપી છે, એ ફરિયાદ કરે તો પણ કોને કરે? પ્રભુને કરે. તો પ્રભુને કહે છે, “એસો ઘટ કયું તુમને દિયો?” “એસો ઘટ કયું તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઇ” તમે ઘડો એવો આપ્યો, કે ઘડાને પણ તમારી જોડે સંબંધ છે, મારી જોડે  નહિ; મારા હાથમાં છે પણ ભરાતો નથી.

એ ગીત લક્ષ્મીશંકર નામના સંગીતકાર એકવાર એક સમારોહમાં આલાપી રહ્યા હતાં. અને એ જ સમારોહમાં ઓડીયન્સમાં સુન્દરમ્ પોતે બેઠેલા હતાં. સુન્દરમ્ બહુ જ ભાવુક કવિ. “એસો ઘટ કયું તુમને દિયો, હમરો ઘટ ન ભરાઈ” સુન્દરમ્ ની બાજુમાં ઉમાશંકર જોશી હતાં. તો સુન્દરમે ઉમાશંકર જોશીને પૂછ્યું; કે ભાઈ! સર્જનહારે આ ઘડા કેવા આપ્યાં – ઇન્દ્રિયો અને મનના; જે ભરાતા નથી! “હમરો ઘટ ન ભરાઈ – એસો ઘટ કયું તુમને દિયો?”. તો સુન્દરમ્ ની આંખો છલછલાઈ આવી. અને ઉમાંશંકર જોશીને પૂછ્યું એમણે કે પ્રભુએ આવું ઇન્દ્રિયોનો ઘડો, મનનો ઘડો કેમ આપ્યો? જે ભરાતો નથી! અને ત્યારે મજાનો જવાબ અંદરથી મળ્યો – કે ઇન્દ્રિયોનો ઘડો કે મનનો ઘડો પદાર્થોથી ક્યારે પણ નહિ ભરાય, એ પરમાત્માના પ્રેમથી જ ભરાશે.

આપણે બધા જ અગણિત જન્મોથી એક પ્યાસ લઈને આવ્યાં છીએ. અને એટલે જ તમને તૃપ્તિનો અહેસાસ થતો નથી. કરોડો મળ્યાં, અબજો મળ્યાં; તૃપ્તિ નથી. તૃપ્તિ કેમ નથી? પ્યાસ કેમ છીપાતી નથી? પદાર્થોનો ઢગલો કર્યો. સંપત્તિનો ઢગલો કર્યો. મોટા-મોટા બંગલાઓ લીધાં. પણ પ્યાસ છીપાતી નથી! કારણ – એ પ્યાસ  પરમાત્મા માટેની પ્યાસ છે. એટલે જ્યાં સુધી પરમાત્મા નહિ મળે, ત્યાં સુધી એ પ્યાસ છીપાવવાની નથી! એટલે રાગ તીવ્રતાથી ડંખે તો શું કરવાનું? પ્રભુના પ્રેમમાં પડવાનું. અને પ્રભુના પ્રેમમાં તમે વહી જાઓ એટલે પદાર્થોનો રાગ, વ્યક્તિઓનો રાગ અને શરીરનો રાગ છું થઇ જશે!

આજે ભાવુકોને ઉપકરણો આપવાના છે. રજોહરણ પણ આપવાનું છે. રજોહરણ મળે એટલે? પ્રભુની પરમ પ્રસાદી. ભલે અત્યારે તમે રજોહરણને વંદન માટે લઇ જાઓ છો કે ઘરે રાખીશું, વંદન કરીશું. પણ આજે એ રજોહરણ લેતી વખતે મનમાં એક સંકલ્પ હોય કે પ્રભુ! ક્યારે તું મને વાસ્તવિક રીતે રજોહરણ આપીશ અને તારા માર્ગ ઉપર મને દોડતો કરીશ. એટલે રજોહરણ લેતી વખતે ભાવુકોનો જે ભાવ હશે એને આપણે આજે જોવાનો છે.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *