Sidhhi Sadhna Satsang Shibir – Vachana 1

2 Views
15 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુની આંતરદશા

સદ્ગુરુ મુક્ત છે; જીવનમુક્ત છે. શરીર હોવા છતાં એ મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. અને absolutely choiceless છે. એમની સહેજ પણ ઈચ્છા નથી કે ઘટના આમ ઘટે કે આમ ઘટે. એટલે જેવી પણ પરિસ્થિતિ હોય, એ यथास्थिति स्वस्थ છે; કોઈ પરિસ્થિતિ એમની સ્વસ્થતાને ડગાવી શકતી નથી.

कृतकर्तव्यनिवृत्त: એમનું કર્તૃત્વ પૂરેપૂરું ખરી પડ્યું છે. કદાચ પ્રભુ એ મહાપુરુષને નિમિત્ત બનાવીને કાર્યો કરાવે, તો પણ એ મહાપુરુષ નિમિત્તરૂપ જ હોય; કર્તૃત્વની ધારામાં ક્યારેય પણ ન હોય.

सम: सर्वत्र – સદ્ગુરુને કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ વિષમ લાગતી નથી; બધું જ સમાન લાગે છે. અને વિતૃષ્ણાના કારણે, રસના અભાવના કારણે न स्मरति अकृतं कृतं. માત્ર શરીરના સ્તર પર કાર્યો થયા કરે છે, મન એમાં જોડાતું નથી એટલે પછીથી એ કાર્યની યાદ પણ આવતી નથી.

સિદ્ધિ સાધના સત્સંગ શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ વાચના –

અષ્ટાવક્ર ઋષિ આવા સદ્ગુરુની આંતરદશાનું વર્ણન કરતાં કહે છે:

मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिर्वृतः।
समः सर्वत्र वैतृष्ण्यान्न स्मरत्यकृतं कृतम्।।

પહેલું વિશેષણ, સદ્ગુરુની આંતરદશા.

સદ્ગુરુ કેવા છે? “મુક્ત:”- એ જીવન મુક્ત છે. શરીર હોવા છતાં એ મુક્તિનો અનુભવ કરી રહ્યા છે. આ જ વાત યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞે કહી : ‘मोक्षोSस्तु माSस्तु यदि वा’ મોક્ષ હમણાં હોવ યા દૂર હોવ, એ જ્યારે મળે ત્યારે; પણ અત્યારે પણ હું મુક્તિના સુખને અનુભવી રહ્યો છું! – જીવન મુક્તદશા.

શંકરાચાર્યજીએ જીવન મુક્તદશાનું વર્ણન આપતાં કહ્યું;

“अतिताSननुसन्धानं भविष्यत् अविचारणम् औदासीन्यं अपि प्राप्ते जीवन मुक्तस्य लक्षणं”
(अतिताSननुसन्धानं भविष्यदविचारणम्, औदासिन्यमपि प्राप्ते जीवन मुक्तस्य लक्षणम् ॥)

ભૂતકાળ ગયો… એ પર્યાય વીતી ગઈ… એની વાત પુરી થઇ ગઈ.

ભવિષ્યના પર્યાયો ખુલશે, ત્યારે જોશું!

વર્તમાનની જે એક ક્ષણ છે; એને ઉદાસીનદશાથી ભરી દેવી છે.

મારી દ્રષ્ટિએ આનંદનો નજીકમાં નજીકનો પર્યાય કોઈ હોય તો એ ઉદાસીનદશા છે – ન રતિની ભરતી, ન અરતિની ઓટ, નિશ્ચલ, અફાટ સમુદ્ર મનનો, એ છે ઉદાસીનદશા.

“मुक्तो यथास्थिति स्वस्थ:”

મહોપાધ્યાય યશોવિજય મહારાજે જીવન મુક્તની વ્યાખ્યા આપણને પંચવિંશતિકામાં આપી:

जाग्रत्यात्मनी ते नित्यं, बहिर्भावेषु शेरते।
उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ॥

સતત સ્વમાં જાગૃતિ, પરભાવમાં સુષુપ્તિ, અને પરદ્રવ્યોને વિશે ઉદાસીનદશા-  આ જીવન મુક્તદશા.

આપણા સદ્ગુરુદેવ જીવન મુક્ત હતાં!

मुक्तो यथास्थिति स्वस्थ: – There is the choicelessness – Absolute choicelessness. સહેજ પણ ઈચ્છા નથી કે ઘટના આમ ઘટે કે આમ ઘટે.

यथास्थिति स्वस्थ: – જેવી પરિસ્થિતિ.

પરિસ્થિતિને બદલાવવાની છૂટ છે (પણ) એ મહાપુરુષ કહે છે, મારી સ્વસ્થતા ક્યારે પણ ડગવાની નથી. यथास्थिति स्वस्थ: અને એનું development એક શબ્દમાં આપ્યું – ‘चेष्टते शुष्क पर्ण:’

यथास्थिति स्वस्थता એટલે શું? સુકું પાંદડું જમીન પર પડ્યું છે; હવાએ આમ ફેરવ્યું તો આમ રહે, આમ ફેરવ્યું તો આમ રહે. સીધું કે ઊંધું પાંદડું એ આપણી વિચારણા છે, એની નહિ. ‘चेष्टते शुष्क पर्ण:’.

“मुक्तो यथास्थिति स्वस्थ: कृत: कर्तव्य: निवृत्त:” Doing પૂરેપૂરું ખરી ગયું છે. Doing એટલે જ સંસાર. Being એટલે સાધના.. Being એટલે જ મોક્ષ!

“कृत: कर्तव्य: निवृत्त:” કર્તૃત્વ ખરી પડ્યું છે. કદાચ પ્રભુ! એ મહાપુરુષને નિમિત્ત બનાવીને કાર્યો કરાવે પણ એ મહાપુરુષ નિમિત્તરૂપ જ હોય! કર્તૃત્વની ધારામાં ક્યારેય પણ ન હોય! ગમે એટલા પ્રવચનો એ આપે, પણ એમની પોતાની સ્પષ્ટ માન્યતા છે, કે હું sound box છું, માઈક્રોફોન ઉપરવાળાની પાસે છે. I have not to speak a single word; He has to speak! Doing ખરી પડ્યું!

એક મજાનો સવાલ કરું તમને? કે કર્તૃત્વને તમે રાખો છો ક્યાં? ક્યાં રાખી શકો? તમે ભક્ત છો; તો પ્રભુએ તમને નિમિત્ત બનાવ્યા – તમારું કર્તૃત્વ છે નહિ. તમે સાધક છો; તો ક્રમબદ્ધ પર્યાયો છે. એ ક્ષણે એ પર્યાય ખુલવાનો હતો, ખુલી ગયો. તમે શું ધાડ મારી એમાં? કર્તૃત્વનો મુગટ છે ને, રાત્રે ઊંઘમાં ય છોડતા નથી! આખો દિવસ તો પહેરીને જ રહો છો, રાત્રે સુઈ જાવ ત્યારે મુગટ કાઢતાં નથી, એ સપનામાં ય કર્તૃત્વ આવ્યાં કરે..

તમે બધા સાધકો છો. એક પ્રશ્ન તમને કરું? રાત્રે સુતાં પહેલાં, વહેલી સવારે તમે ઉઠ્યા ત્યારથી માંડીને મોડી રાત સુધીની વિચારોની શ્રુંખલાને તમે જોવો. લગભગ પા કલાકે કે અડધો કલાકે ‘હું’ આવતું હશે. મેં આમ કર્યું, પેલાને impress કર્યો. અલ્યા પેલો impress થયો કે ન થયો, તું થયો, એમ કહે! कृत: कर्तव्य: निवृत्त:. Doing ખરી પડ્યું છે. જે એ કરાવે.. જે એની ઈચ્છા હોય..

પછી કહે છે; सम: सर्वत्र – બધું સમાન લાગે છે. તમને વિષમતાઓ લાગે છે ઘણી બધી. કોઈ પણ સદ્ગુરુને કોઈ ઘટના, કોઈ પરિસ્થિતિ વિષમ લાગતી નથી. એક વાત તમને કહું; કોઈ પણ ઘટના તમને ક્યારેય પણ પીડિત કરી શકે એમ નથી; તમે જ તમને પીડા આપનારા છો. એ ઘટના અંગેના વિચારો તમે કરો છો; અને તમે જ  પીડિત થાવ છો.

એક જણાને પગે ક્રેક આવેલી. ડોકટરે પ્લાસ્ટર આપ્યું અને ૧૫ દિવસ bed rest માટે કહ્યું. ૧૦-૧૧ દિવસ થયેલા. એમાં એનો એક મિત્ર આવ્યો. મિત્રએ કહ્યું; અરે, મને તો હમણાં ખ્યાલ આવ્યો. તું પડી ગયેલો, કેવી રીતે પડી ગયેલો? પેલો ઉભો થયો અને એણે રિહર્સલ કરીને બતાવ્યું. આમ પડ્યો..! ક્રેક પહોળી થઇ. નવું પ્લાસ્ટર. ફરી કોઈ દસ દિવસે આવે, અરે મને તો હમણાં ખબર પડી કે તમે પડી ગયેલાં. કેમ કરતાં પડી ગયેલા? તમારે તો આવું નથી ને આમ? તમારે આવું નહિ ને? કોઈની જોડે ઝઘડો થયો. તમે એકદમ સદ્ગ્રહસ્થ અને પેલાએ ન બોલવા જેવી ગાળો બોલેલી. ચલચલાટી થઇ. ઘટના અંદર ગઈ? અંદર ન ગઈ હોત તો વાંધો નહતો. ઘટનાને અંદર પ્રવેશ આપ્યો એટલે પીડા થઇ. પણ દશેક દિવસ થયા એટલે વાત વિસારે પડી. તમે ભુલી ગયા. અને ત્યાં તમારો એક મિત્ર આવ્યો. અરે મને તો હમણાં ખબર પડી. પેલાએ તને આવું કીધેલું! હું તો ઉકળી ગયો ઉકળી! અલ્યા, તું ઉકલ્યો ત્યાં સુધી બરોબર, આને શું કરવા ઉકાળે છે? શું થાય? કંઈ point?

सम: सर्वत्र – ક્યાંય વિષમતા નથી. બધું જ મજાનું મજાનું છે. મને પ્રભુ મળ્યાં ને, એ ક્ષણથી એક જ ઘટના ઘટી, કે બધું જ મજાનું મજાનું લાગવા માંડ્યું. એ પછી એક પણ વ્યક્તિ ક્યારેય મને ખરાબ લાગી નથી. અને એટલે મારો એક મંત્ર છે: બધા જ સારા ‘જ’ છે, ખરાબ હોય તો એકમાત્ર હું છું – આવું તમે માનો ત્યારે જ નિશ્ચયથી પ્રભુ શાસનમાં તમારો પ્રવેશ થયેલો ગણાય. બધા જ સારા જ છે – અનંત ગુણોથી યુક્ત છે.

ઘણીવાર તમે કહેતાં હોવ છો. સાહેબ એનામાં ક્રોધ દેખાય, તો તો અમને તિરસ્કાર આવે જ ને?

ઝરીયાની કોલસાની ખાણમાં એક કર્મચારી. સાંજના સમયે એ બહાર નીકળ્યો. કોલસાની રજથી આખું શરીર રજોટાઈ ગયું છે. એનું નામ છે ચમન. આજુબાજુવાળા બધા ઓળખે છે કે ચમન એકદમ ગોરો-ગોરો છે. યુરોપિયન જેવો. હવે એ જ ચમન ખાણમાંથી અત્યારે બહાર નીકળ્યો છે. એનું શરીર હબસી જેવું દેખાય છે. તમને જો ખ્યાલ હોય, કે ચમન ગોરો-ગોરો યુરોપિયન જેવો છે, તો તમને એના ઉપર તિરસ્કાર થવાનો? સાલો કાળિયો! કેમ નહિ? તમને ખ્યાલ છે કે એ ગોરો-ગોરો છે. એમ દરેક આત્મા અનંત ગુણોથી યુક્ત છે. આ તમને ખ્યાલ હોય, તો એના ક્રોધને લઈને તમને તિરસ્કાર કેમ થાય…?

બીજી વાત – રોગ ખરાબ કે રોગી ખરાબ? કોરોના થયેલો એટલે કોરોનાવાળાને તગડી મુકતાં આપણે બધા? આઈસોલેશન ભલે કરાવીએ, પણ તગડી મુકતાં? તો રોગ ખરાબ કે રોગી ખરાબ? રોગ ખરાબ. રોગને ભગાડવાનો. ક્રોધ ખરાબ કે ક્રોધી ખરાબ? આ તમારું મન તમારી જોડે cheating કરે છે.

અને એ વખતે પંન્યાસજી ગુરુદેવ યાદ આવે કે અનંતકાળથી પ્રભુના બે અપરાધો આપણે કર્યા છે – જડ પ્રત્યે રાગ, ચેતના પ્રત્યે શત્રુતા. પ્રભુની ભયંકરમાં ભયંકર આશાતના આ બે છે. કારણ એની આજ્ઞાનું આપણે ઉલ્લંઘન કરીએ. જડ પ્રત્યે રાગ કર્યો, ચેતના પ્રત્યે શત્રુતા કરી. આ જન્મમાં શીર્ષાસન કરવાનું છે, ચેતના પ્રત્યે મૈત્રીભાવ, જડ પ્રત્યે ઉદાસીન દશા. सम: सर्वत्र.

वैतृष्ण्यान्  – બહુ મજાનો શબ્દ છે. वैतृष्ण्य – વિતૃષ્ણા – અલગાવ.

नस्मरति अकृतं कृतं – ખાધું કે ન ખાધું, ખબર નથી! તમે આ કામ કર્યું કે ન કર્યું, કંઈ ખ્યાલ નથી! ખ્યાલ ક્યારે રહે છે? જે કાર્યમાં આપણો રસ છે, એ કાર્ય આપણા મનની અંદર ચોંટી જાય છે. પણ જે કાર્ય માત્ર શરીરના સ્તર પર થયું, મન એમાં જોડાયું નહતું, પાછળથી એની યાદ આવતી નથી.

Living with the Himalayan masters માં સ્વામી રામે એક કિસ્સો લખ્યો છે; એકવાર એ નીમકરોલી બાબાની સાથે હતા. સંતોની દુનિયામાં મોટું નામ હતું. બપોરના સમયે એક ભક્ત આવ્યો. શીરો-પુરી, રોટલી- શાક બધું લઈને આવ્યો. બાબાએ યે પ્રસાદ! બાબાએ પ્રસાદ લીધો. જમ્યાં. અડધો કલાક પછી બીજો એક ભક્ત આવ્યો. બાબા યે ગુલાબ જામુન? પ્રસાદ. બાબાને ખ્યાલ નથી કે મેં હમણાં ખાધું છે. એ ગુલાબજામુન ખાય છે. પા કલાક પછી બીજો એક ભક્ત આવ્યો; બાબા યે રબડી? થોડા પ્રસાદ લો. મુજે બડભાગી બનાવો! બાબા તૈયાર થઇ ગયા! ત્યારે સ્વામી રામ કહે છે; આપને ભોજન લે લિયા. બાદ મેં આપને ગુલાબજામુન ભી ખાયે. અબ રબડી ખાની હૈ? અચ્છા, અચ્છા એસા હે? મૈને ભોજન કર લિયા હે? ફિર મૈને ગુલાબ જામુન ખાયે હે? અચ્છા એસા હે! તો નહિ ચાહિયે! જાઓ..

वैतृष्ण्यान् नस्मरति अकृतं कृतं – અને આ જ લયમાં સદ્ગુરુની ત્રિગુપ્તિ સાધનાની વાત આવે. ત્રિગુપ્તિ સાધનાની વાત ઘણી જગ્યાએ આવે છે. પણ અહીંયા જે પ્રસ્તુતિ થઇ છે, એ અદ્ભુત છે.

कायकृत्यासह: पूर्वं ततो वाग्विस्तरासह:।

अथ चिन्तासह स्तस्मादेवमेवाहमास्थित:॥

कायकृत्या सह: पूर्वं – એવી એક અવસ્થા આવી કે બોલવું, ખાવું, પીવું, વ્યર્થ લાગે… Total meaningless.. અને એટલે વ્યવહાર જગતમાં કદાચ એવું કૃત્ય કરવું પડે, તો પણ એ સહન થતું નથી! कायकृत्या सह: पूर्वं. કાયાના કૃત્યોને સહન નથી થતા.

આ જ વાત સમાધિશતકે કરી; ‘દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબ હિ અચંભ; વ્યવહારે વ્યવહારશું, નિશ્ચય મેં થિર થંભ’ એકદમ ઊંડા ઉતરી ગયેલા મહાપુરુષો, સાહેબ આ વિશિષ્ટ વ્યક્તિ આવી છે, બે-ચાર શબ્દો બોલો, આશીર્વાદ આપો. અચ્છા, અચ્છા એવું બોલવું પડે? બોલી નાંખો! સાહેબ વાસક્ષેપ જરા આપો ને. એમ જરા આપવો પડે? આપી દઈએ! દેખે ભાખે ઓર કરે, જ્ઞાની સબ હિ અચંભ – આશ્ચર્યચકિત થઇ ગયા. આ બધું કરવાનું? આનો શો અર્થ?!

તો “कायकृत्या सह: पूर्वं ततो वाग्विस्तरासह:” એમાં બે શબ્દો આવ્યાં – વિસ્તર અને અસહ. વાણીના વિસ્તારને સહન કરી શકાતો નથી. કોઈ પૂછે હા કે ના નો જવાબ આપી દઈએ. પણ સાહેબ લાંબુ કરો? એક શિષ્ય ગયેલો ગુરુ પાસે. સાહેબ, હિતશિક્ષા. હમણાં ઘણા લોકો આવે હો…! સાહેબ, હિતશિક્ષા. અરે! સાહેબ! હિતશિક્ષા નથી! તારે હિતશિક્ષા જોઈએ છે! તો ગુરુએ કહ્યું; મૌન. પણ પેલાને બે અક્ષરથી સંતોષ થાય એવું નહતું. સાહેબ જરા વધારે…? તો ગુરુ કહે મૌન એટલે મૌન. સાહેબ થોડું વધારે… મૌન એટલે મૌન એટલે મૌન. वाग्विस्तरा सह: – વાણીના વિસ્તારને સહન ન કરી શકે.

अथ चिन्ता सह: – પછી વિચારો સહન કરી શકાતાં નથી.

ઘણીવાર હું બેઠો હોઉં ને આમ, વાંચતો પણ ન હોઉં, લખતો પણ ન હોઉં, ખાલી બેઠેલો હોઉં. તો ઘણા લોકો પૂછે, સાહેબ શું વિચારતાં હતાં? ત્યારે હું કહું; કે ભાઈ વિચાર તો ગયો! ક્યારનો ય! તડકે મૂકી દીધો એને.! હવે વિચાર જેવું કંઈ છે જ નહિ! વિચાર શેનો? વિચાર યા તો તમને ભૂતકાળમાં લઇ જાય અથવા ભવિષ્યકાળમાં લઇ જાય. તમારે વર્તમાનની ક્ષણમાં જ રહેવું છે, તો વિચારની ક્યાં જરૂરિયાત છે? એટલે શબ્દ પૌદ્ગલિક. વિચાર પૌદ્ગલિક. પ્રભુનો શબ્દ કામનો. કેમ? એ તમને અશબ્દ તરફ લઇ જાય છે. જે શબ્દ અશબ્દ તરફ તમને લઇ જાય, એ શબ્દ મૂલ્યવાન. જે વિચાર તમને નિર્વિચાર તરફ લઇ જાય એ મૂલ્યવાન.

મેં હમણાં એક વાચનામાં પ્રશ્ન કરેલો; કે તમારી કોઈ ફેક્ટરી હોય તો production કેટલું કરો? Sale થતું હોય એ પ્રમાણે production કરો ને. Sale થતું જ ન હોય, અને production કર્યા જ કરે તો? ગોડાઉનો ભાડે રાખવા પડે! વિચારોની આ ફેક્ટરી સતત ચાલ્યા કરે.. માલ લેનાર કોણ? અને તમને તો કોઈ સારો વિચાર આવ્યો હોય, એટલે ઉપર માલીકીયત ઠોકી બેસાડો. મને બહુ સારો વિચાર આવ્યો! અલ્યા, તને વિચાર આવ્યો કે તે વિચારને ઝીલ્યો?

ટી.વી. નું બોક્ષ શું કરે? પ્રોગ્રામ create કરે> પ્રોગ્રામ રીલે કરે, બરોબર? – પ્રોગ્રામને પકડે. તો તમારું મન જે છે એ શું કરે? કોઈ મહાપુરુષે સરસ વિચાર કર્યો હોય, એ મનોવર્ગણાના પુદ્ગલો છુટા પડેલા હોય, એ તરતા તરતા તમારી પાસે આવે અને તમે એને પકડી લો. હવે છે વિચારો બીજાના અને તમે ઠોકી દો માલીકીયત તમારી!

લલિતવિસ્તરાની પંજિકા માં બહુ સરસ વચન આપ્યું. ‘એકોSપિ શુભોભાવ: તીર્થકર પ્રદત્ત એવ.’ એક પણ સારો વિચાર તમને આવ્યો, એક પણ સારો ભાવ તમને આવ્યો – પ્રભુએ તમને આપ્યાં છે. પ્રભુ સમવસરણમાં બોલ્યા; ગણધર ભગવંતોએ દ્વાદશાંગીમાં એ લખ્યું; અને કોઈ પણ સારો વિચાર હોય એ દ્વાદશાંગીમાંથી નીકળ્યો.

अथ चिन्ता सह: तस्मात् – વિચારો પણ હવે સહન થતાં નથી. કારણ – અનુભૂતિની દુનિયા મળી ગઈ છે. આવા સદ્ગુરુ આપણને મળેલા. એ સદ્ગુરુના ચરણોમાં પડી આપણે માંગીએ, કે અમને પણ અનુભૂતિની એક નાનકડી ગ્લીમ્સ તો આપો?

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *