Sidhhi Sadhna Satsang Shibir – Vachana 2

1 View
12 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા

પ્રભુની નિશ્ચય આજ્ઞા આટલી જ છે: તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એટલે કે નિજગુણની કે નિજસ્વરૂપની સ્થિરતા – એ પ્રભુની નિશ્ચય આજ્ઞા. પંચાચાર પાલન, પંચમહાવ્રત પાલન, કે બીજી કોઈ પણ વ્યવહાર આજ્ઞા પ્રભુની આ નિશ્ચય આજ્ઞાને પુષ્ટ કરવા માટે જ છે.

પરિષહ સહન કરવો એ વ્યવહાર સાધના. અને નિજગુણની સ્થિરતા એ નિશ્ચય સાધના. તાજા લોચ કરાયેલા મસ્તકમાં ખેરના અંગારા પોતાની દાહકતા પ્રસારી રહ્યા છે, extreme કક્ષાની પીડા છે પણ ત્યાં ગજસુકુમાલ મુનિએ પોતાના ઉપયોગને એ પીડામાંથી ઊંચકીને પોતાના આનંદમાં મૂકી દીધો. આ થયું વ્યવહાર અને નિશ્ચય સાધનાનું balancing.

કોઈ પણ વ્યવહાર સાધના જો નિશ્ચય સાધનામાં પર્યવસિત થાય, તો જ એ વ્યવહાર સાધના રહે; નહિતર વ્યવહારાભાસ થઇ જાય.

સિદ્ધિ સાધના સત્સંગ શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ વાચના –

એક અમેરિકન પ્રોફેસર weekend પર પત્ની સાથે જંગલના destination તરફ જાય છે. કાર પ્રોફેસર પોતે drive કરી રહ્યા છે. એકદમ અંદર જંગલમાં ગયા પછી એક ક્ષણે પ્રોફેસરનો સ્ટેરીંગ પરનો કાબુ ઓછો થયો. કાર એક ઝાડ સાથે અથડાઈ. પ્રોફેસરને સ્ટેરીંગ વાગ્યું. નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. કપાળ લોહી ઝનર થઇ ગયું. સામાન્ય તયા ફર્સ્ટ એડ બોક્સ તો લગભગ કારમાં રહેતું જ હોય. પણ, આજે ફર્સ્ટ એડ બોક્સ લેવાનું ભુલી ગયા. કાર બંધ પડી. બંને જણા નીચે ઉતર્યા. નેપકીનથી લોહી તો લુછ્યું. પણ પીડા અત્યંત છે પ્રોફેસરને. Painkiller છે નહિ. Painkiller હોત ને તો બહુ મોટી શોધ ન થઇ શકત. પણ આજે painkiller નથી. એ વખતે પત્નીએ કહ્યું; કે હું meditation classes માં જાઉં છું. હજુ તો મારી શરૂઆત છે. પણ એક વાત મને શીખવવામાં આવી છે, કે પીડાની ક્ષણોમાં વિચારને બદલી કાઢવો. તમારું મન અત્યારે પીડામાં છે. એ મનને ઊંચકીને તમારા ક્લાસરૂમમાં લઇ જાઓ. તમે તમારા students સામે પ્રભાવશાળી લેક્ચર આપી રહ્યા છો એવો વિચાર કરો, અને તમારા શબ્દોના સંમોહનમાં આખી શ્રોતા વૃંદ જકડાયેલું છે આવો વિચાર કરો.

Painkiller હોત તો પ્રોફેસર આ વિચારમાં જાત નહિ. પણ painkiller છે નહિ. પ્રોફેસર એ વિચારમાં ગયા. થોડી ક્ષણોમાં તો એ ભુલી ગયા કે પોતે જંગલમાં આવ્યા છે, Accident થયો છે, પોતાને વાગ્યું છે, આ બધું જ ભુલી ગયા! બસ, students ની સામે હું લેક્ચર આપી રહ્યો છું. પછી lift મળી. ઘરે પહોચી પણ ગયા. પણ એ પ્રોફેસર meditation ને બરોબર સમજીને પ્રોફેસરી છોડી, ધ્યાનના આચાર્ય બની ગયા.

ત્યાં વિચારને એક પરમાંથી ઉઠાવી બીજા પરમાં મુકવામાં આવે. આપણું ધ્યાન એ છે કે જ્યાં ઉપયોગને-વિચારને આપણે પરમાંથી ઊંચકી સ્વમાં મુકવું છે. ગજસુકુમાલ મુનિ તાજું લોચ કરાયેલું માથું. અને એ મસ્તકમાં ખેરના અંગારા પોતાની દાહકતા પ્રસારી રહ્યા છે. શરીરનો અત્યંત sensitive portion અને ત્યાં ખેરના અંગારાની બળતરા. પીડા extreme કક્ષાની ગણાય. એ વખતે ગજસુકુમાલ મુનિએ શું કર્યું? પોતાના ઉપયોગને એ પીડામાંથી ઊંચકીને પોતાના આનંદમાં મૂકી દીધો. આ એમણે કરેલી વ્યવહાર સાધના અને નિશ્ચય સાધનાનું balancing હતું.

પદ્મવિજય મહારાજે બહુ સરસ મજાની બેઉ સાધનાના balancing ની વાત કરી. ‘પરિષહ સહનાદિક પરકારા, યે સબ હે વ્યવહારા; નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા’ પરિષહ સહન એ વ્યવહાર સાધના. અને નિજગુણની સ્થિરતા એ નિશ્ચય સાધના. સંબંધ એ છે કે કોઈ પણ વ્યવહાર સાધના નિશ્ચયમાં પર્યવસિત થાય તો જ એ વ્યવહાર સાધના રહે; નહિતર વ્યવહારાભાસ થઇ જાય.

પ્રભુએ આપેલી શ્રેષ્ઠ વ્યવહાર સાધનાઓ આપણી પાસે છે. પણ, એ વ્યવહાર સાધનાઓ જો નિશ્ચય સાધનાઓને touch ન થઇ, તો એ વ્યવહારા ભાસમાં જતી રહેશે.

પ્રભુએ બે જાતની સાધના આપી. નિશ્ચય સાધનામાં પ્રભુએ કહ્યું; કે મારી નિશ્ચય આજ્ઞા આટલી જ છે – “તું તારા સ્વરૂપમાં સ્થિર થા” એટલે નિજગુણની સ્થિરતા કે નિજસ્વરૂપની સ્થિરતા – એ પ્રભુની નિશ્ચય આજ્ઞા. અને એ નિશ્ચય આજ્ઞાને પુષ્ટ કરવા માટે આપણને મળેલી બધી જ વ્યવહાર આજ્ઞા છે. એ પંચાચાર પાલન હોય, પંચમહાવ્રત પાલન હોય, કે બીજી કોઈ પણ વ્યવહાર સાધના હોય, એ વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પર્યવસિત થવી જ જોઈએ.

વિદ્વાનોની સંગોષ્ઠીમાં હું ઘણીવાર કહેતો હોઉં છું કે નિશ્ચયાભાસ વાળાની આપણે ટીકા કરીએ છીએ. પણ એ ટીકા કરતાં પહેલાં આપણે જોઉં પડે કે આપણે તો વ્યવહારાભાસમાં બેઠા નથી ને? પ્રભુએ કહેલો વ્યવહાર તમારી પાસે છે? દીક્ષા ને ૧૦ વર્ષ થયાં. ૨૦ વર્ષ થયાં. ૨૫ વર્ષ થયાં. તમે સ્વરૂપમાં સ્થિર કેટલા થયાં? વિતરાગદશાનું વેદન તમારી પાસે છે? સમત્વનું વેદન તમારી પાસે છે? દીક્ષા વખતે આપણને કરેમિ ભંતે સૂત્ર આપવામાં આવે.

હું ઘણીવાર કહું છું કે એ કરેમિ ભંતે સૂત્ર સદ્ગુરુનો શક્તિપાત હતો. અને એ શક્તિપાત ઝીલાય, તો તમે વિભાવમાં ન જાવ એમ હું કહેતો નથી. તમે વિભાવમાં જઈ શકો જ નહિ! તાકાત છે તમારી, વિભાવમાં જાવ? તમે એક ક્ષણ માટે સમભાવને છોડી ન શકો. કારણ – સદ્ગુરુનો શક્તિપાત ઝીલાયો.

મજાની વાત એ છે, કે શક્તિપાત કરવા અમે તૈયાર છીએ. તમે એને ઝીલવા તૈયાર ખરા? ૧૫માં સ્તવનમાં આનંદઘનજી ભગવંતે કહ્યું; ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન’ જે ક્ષણે સદ્ગુરુ તમારા હૃદયમાં પ્રવચન અંજન આંજે, એ જ ક્ષણે – on that very moment, તમે પ્રભુનું દર્શન કરો! પણ એ કડીના પહેલા ચરણમાં ‘જો’ શબ્દ મુકાયો છે. પ્રવચન અંજન ‘જો’ સદ્ગુરુ કરે. સદ્ગુરુ કદાચ શક્તિપાત કરે, ન પણ કરે.

હું ઘણીવાર મારા શ્રોતાવૃંદને પૂછતો હોઉં છું. કે સદ્ગુરુ conditionally ખુલી શકે ખરા? સદ્ગુરુએ તો unconditionally વરસી જવું જોઈએ. આવી જા, શક્તિપાત કરી દઉં! પણ, નહિ. જ્યાં સુધી તમે સમર્પિત નથી, ત્યાં સુધી અમારા હાથ પણ બંધાયેલા છે. We can’t do anything for you. તમે સમર્પિત થયાં, સદ્ગુરુ તૈયાર છે.! એક સેકંડ, શક્તિપાત.! હાથથી કરે, આંખથી કરે, શબ્દથી કરે, ઉર્જાથી કરે. એક સેકંડ! પણ એક સેકંડનો શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરવામાં એક જનમ નહિ, અગણિત જન્મો લાગે!

હું ઘણીવાર કહેતો હોઉં કે પ્રભુની અંજનશલાકા માટે અમે જઈએ ને, રેશમી વસ્ત્રો પહેરેલા હોય, સોનાની વાટકીમાં અંજન હોય, સોનાની સળી અમારા હાથમાં હોય. એક ક્ષણ આવે, અને અમે સોનાની સળી ઉપર અંજન લઇ પ્રભુની આંખમાં આંજી દઈએ. પ્રભુનું અંજન તો બહુ ઝડપથી થઇ જાય. તમારા અંજનમાં નાકે દમ આવી જાય.! વાટકી લઈને ઉભા જ રહીએ! એક હાથમાં વાટકી, બીજા હાથમાં સળી. ભગવાન તો સ્થિર છે, એટલે થઇ જાય; અને તમને સ્થિર કરવામાં જન્મો લાગી જાય..

એક સવાલ આજે કરું, સદ્ગુરુ ચેતનાને અનંતા જન્મો સુધી તમે રાહ જોવડાવી છે. સદ્ગુરુ તમારી પ્રતિક્ષા કરતાં જ રહ્યા. ક્યારે આ પરિપક્વ થાય, અને ક્યારે અંજન આંજી દઉં..

ચાલો ગઈ તિથી જોષીએ નહી વાંચે, અમે ય નહિ વાંચીએ. હવે શું? What next? હવે શું? હવે તૈયાર? Are you totally surrendered? સંપૂર્ણ સમર્પણ આવ્યું, એ જ ક્ષણે શક્તિપાત.

પ્રભુની આગળ પણ તમે જાવ ને, કે પ્રભુ ૯૯% તમારી આજ્ઞા પાળીશ, ૧% મારી ઈચ્છા પ્રમાણે કરીશ. તો ભગવાન કહે રવાના થઇ જા. હમણાં ભીડ ઉભી નહિ કરતો હમણાં. ઘર ભેગો થઇ જા. અહીં તો total surrender જોઈએ છે.

સ્થૂલભદ્રજી સદ્ગુરુ પાસે આવ્યાં. અને સંભૂતિવિજય ગુરુને કહ્યું; ગુરુદેવ મને દીક્ષા આપો. સ્થૂલભદ્રજીની બાયોડેટા જે ગુરુને ખબર હોય એ સાહસ કરી શકે? હું તો ન જ કરી શકું. તમે કરી શકો તો અલગ વાત છે. પણ, સંભૂતિવિજય ગુરુ ગીતાર્થ ગુરુ હતાં. સ્થૂલભદ્રજીની બાયોડેટા એમને ખ્યાલમાં હતી. કે સગો બાપ મરવા પડ્યો, અને આ માણસ વેશ્યાને ત્યાંથી બાપને મળવા માટે જવા તૈયાર નથી. સમાચાર મળ્યાં કે પિતાજી મરણ પથારીએ છે, તો જવાબ આપે છે કે એ કામ વૈદ્યનું છે, મારુ નથી. વૈદ્યને બોલાવી દો, દવા કરાવી દો. આ માણસ સદ્ગુરુ પાસે આવ્યો; અને કહે છે, મને દીક્ષા આપો. સદ્ગુરુએ એટલું જ જોયું; કે મારા શક્તિપાતને ઝીલી શકે એમ છે. કહ્યું; આવી જા. બેસી જા. એ જ ક્ષણે શક્તિપાત! કરેમિ ભંતે. પછી મહાવ્રતો. અને ચોમાસાના સમયે સ્થૂલભદ્રજી કહે છે; ગુરુદેવ! પેલી વેશ્યાને ત્યાં ચોમાસા માટે જાઉં? તો કહે; જા.! અને ચાર મહિના સ્થૂલભદ્રજી એ કોશા-વેશ્યાને ત્યાં નહતા; સદ્ગુરુના ઓરા-ફિલ્ડમાં હતાં!

તો ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે’ – લાગે એમ કે સદ્ગુરુ conditionally વાત કરી રહ્યા છે. પણ એ ‘જો’ ઉછળીને તમારી તરફ આવે છે. તમે total surrender થઇ ગયા, સદ્ગુરુ તૈયાર છે.

શક્તિપાતની પરંપરા આપણી બહુ જૂની છે. ગણિ પદવી વખતે, તમારા આચાર્ય પદ વખતે તમારા કાનમાં મંત્ર આપે – એ શબ્દ શક્તિપાત હતો.

પંચ કલ્યાણકની પૂજામાં વીરવિજય મહારાજ આ વાત લઈને આવ્યાં. પાર્શ્વકુમાર અને કમઠના સંવાદમાં આ વાતો આવે છે. ‘ક્યાં કાન ફૂંકાયા? તેરા ગુરુ કૌન હૈ બડા, જિને યોગ ધરાયા?’ પાર્શ્વકુમાર પૂછે છે; કોણ છે તારા ગુરુ? તે કોની પાસે કાન ફૂંકાયો છે? સદ્ગુરુ મંત્ર દીક્ષા આપે ને ત્યારે શું થાય ખ્યાલ છે? એ શબ્દ સીધો સહસ્રારમાં જાય. સામાન્ય શબ્દો તમારા મસ્તિષ્ક સુધી જાય છે. સદ્ગુરુએ આપેલો શબ્દ તમારા સહસ્રારમાં જાય છે અને સહસ્રારને ખોલી નાંખે છે. તમારા મસ્તિષ્કમાં હજાર પાંખડીવાળું એક કમળ છે. જન્મો-જન્મોથી એ બીડાયેલું છે. એ ક્યારે-ક્યારે ખીલે? સદ્ગુરુ આમ શક્તિપાત કરે; અને એ સહસ્રાર ખીલે. સદ્ગુરુ મંત્ર દીક્ષા આપે; અને એ સહસ્રાર ખીલે. મૂલાધારમાંથી કુંડલીની ઉઠે આજ્ઞાચક્રને પસાર કરી, અને સહસ્રારમાં જાય અને સહસ્રાર ખીલે.

હું ઘણીવાર કહું છું કે આપણા જેવા માણસો રાગ અને દ્વેષમાં આથડનાર, અહંકારમાં લીન રહેનારા, આપણે સાધનામાં કઈ રીતે જઈએ? સદ્ગુરુનો શક્તિપાત એ લીફ્ટ છે. મુંબઈમાં ગયાં. ૩૫માં માળે કો’ક સંબંધીને ત્યાં જવું છે. લીફ્ટ ચાલુ છે. બટન દબાવ્યું. લીફ્ટ ૩૫માં માળે. પણ, electricity fail હોય અને ૩૫ દાદરા ચડવા પડે તો…? સદ્ગુરુનો શક્તિપાત એ લીફ્ટ છે. એ તમને સીધા જ ઊંચકી લે. રાગ અને દ્વેષની ધારામાંથી તમને સીધા જ ઊંચકી લે! ગજસુકુમાલ મુનિની સાધના આટલી ઊંચકાઈ ગઈ, એની પાછળનું કારણ નેમિનાથ દાદાનો શક્તિપાત હતો. પ્રભુને પૂછેલું; ગજસુકુમાલ મુનિએ. સાહેબ સ્મશાનમાં જાઉં સાધના કરવા? ભાઈ! ઉપસર્ગ આવવાનો છે. સાહેબ ! આપ હાજર છો ને, પછી મને ક્યાં વાંધો છે ! 

પ્રભુના પ્રેમને લઈને, પ્રભુના શક્તિપાતને લઈને ગજસુકુમાલ મુનિ ગયાં છે. અને એમની વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં પરિણત થઇ છે. “પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા; નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા”

બોલો તમારા માટે કેટલું સરસ?! તમારે અમેરિકન president ના કે અમરિકન પેલા પ્રોફેસરના meditation class માં નહિ જઉં પડે. અમેરિકન president એટલા યાદ આવ્યો, કે પેપર ખોલીએ એટલે ટ્રમ્પ આવે જ. એ ટ્રમ્પના પણ classes ભરવા જેવા છે હો! તો તમારે અમેરિકન પ્રોફેસરના meditation classes માં નહિ જઉં પડે. ઉપયોગને આમથી આમ કરતાં શીખી જાવ. આપણી આખી આ સાધના સાવ સરળ છે. ઉપયોગને આમથી આમ ફેરવવો. હવે આમાં શું અઘરું છે? એટલે હું ઘણીવાર કહું છું. It is sooooo easy. It is easy નથી કહેતો, it is sooooo easy! બહુ જ સરળ છે…

પ્રભુએ આપેલી સાધના, એ સાધનાની પ્રસ્તુતિ આચાર્ય રાજરત્નસૂરિજી કરી રહ્યા છે. એમાં ડૂબો, આગળ વધો.

TAGGED:
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *