વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સંજોગા વિપ્પમુક્કસ
ભાગવતી સાધનાનું composition છે : સાક્ષીભાવ + સમર્પણ. સાક્ષીભાવની અલિપ્તતા જ્યાં સુધી તમારી પાસે નહિ આવે, ત્યાં સુધી તમારી પાસેનું સમર્પણ સાચું સમર્પણ નથી. સાક્ષીભાવની અલિપ્તતા વગર સમર્પણમાં અપેક્ષા હોવા છતાં, અહંકાર હોવા છતાં સાધક માનશે કે હું સમર્પિત થઇ ગયો.
સાક્ષીભાવનું પહેલું ચરણ – સંજોગા વિપ્પમુક્કસ. સંયોગ વિપ્રમુક્તિ. સંયોગ વિમુક્તિ નથી કહેતા. સંયોગ પ્રમુક્તિ નથી કહેતા. સંયોગ વિપ્ર મુક્તિ. પદાર્થોના અને વ્યક્તિઓના સંયોગોથી તમે એટલા બધા દૂર ગયેલા હોવ કે તમને એની યાદ પણ ન આવે!
પરનો અસંગ = પરમનો સંગ. પરમનો સંગ કરવા માટે આપણે નીકળ્યા છીએ. પરનો પણ સંગ રાખવો છે અને પરમનો પણ સંગ રાખવો છે – એ શક્ય નથી. પરનો અસંગ – સંજોગા વિપ્પમુક્કસ્સ – થશે, તો જ પરમનો સંગ થશે.
સિદ્ધિ સાધના સત્સંગ શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ – વાચના – ૩
ભાગવતી સાધનાનો composition છે : સાક્ષીભાવ + સમર્પણ.
એકલો સાક્ષીભાવ ક્યારેક કોરો પડી જાય છે. સમર્પણની ભીનાશ, સમર્પણનું લચીલાપણું એનામાં હોતું નથી, અને એને કારણે સાક્ષીભાવ કોરો પડી જાય છે અને પાછળને બારણેથી અહંકારનો પ્રવેશ થાય છે કે હું સાક્ષીભાવના શિખર ઉપર પહોંચી ગયો છું.
એકલા સમર્પણની અંદર પણ માત્ર લચીલાપણું હોવાને કારણે ખ્યાલ નથી આવતો કે એ સમર્પણ વાસ્તવિક છે કે કેમ? સદ્ગુરુ તમને પ્રેમથી બોલાવે, અને તમે સદ્ગુરુના ચરણોમાં સમર્પિત થાવ, પણ એ સમર્પણ તમારા અહંકારને પંપાળવામાં આવ્યું, એનું હતું? કે ખરેખર સદ્ગુરુ ચરણો ઉપર કેન્દ્રિત થયેલું હતું? સાક્ષીભાવની અલિપ્તતા સમર્પણમાં નથી એટલે સમર્પણ એકદમ લચીલું બની જવાનું; અને એ સમર્પણમાં અપેક્ષા હોવા છતાં, અહંકાર હોવા છતાં, સાધક માનશે કે હું સમર્પિત થઇ ગયો.!
એટલે પ્રભુએ પોતાની સાધનાનું composition આ રીતે આપ્યું કે સાક્ષીભાવ + સમર્પણ.
પરમપાવન ઉત્તરાધ્યયન સુત્રના પહેલા અધ્યયનના પહેલા ગાથાસૂત્રમાં પ્રભુએ પોતે આ વાત કરી:
‘संजोगा विप्पमुक्कस्स, अणगारस्स भिक्खुणो’
તું જો સાક્ષીભાવના ત્રણ ચરણોને પામી ચુક્યો હોય તો હું તને સમર્પિતતાના પાઠો શીખવીશ. ‘विणयं पाउकरिस्सामि’. અને પછી બહુ સરસ પંક્તિ આવી, ‘आणुपुव्विं सुणेह मे’ તું મને ક્રમસર બરોબર સાંભળજે!
બે વાત પર ભાર છે – એક તો ક્રમસર મને સાંભળજે. ‘आणुपुव्विं’ – એટલે કે તને ફાવતું ફાવતું હોય એ વચ્ચેથી લઇ લીધું, અને બીજું બાજુમાં મુક્યું એવું નહિ કરતો.! આ કારેલાંનું શાક છે એને બાજુમાં મૂકી દો, આવું નહિ કરતો. અને મહત્વની વાત તો એ છે; કે ‘सुणेह मे’ – મને સાંભળ! આપણે કોને સાંભળીએ છીએ? ખરેખર પ્રવચનકારને આપણે સાંભળતા હોઈએ છીએ કે આપણી જાતને સાંભળતા હોઈએ છીએ? તમને અનુકુળ હોય એવી વાત પ્રવક્તાએ કહી, તમે બાજુવાળાને કહો છો, સાંભળ્યું? હું આમ જ કહેતો હતો! એટલે હું માનું છું, એવું જ મ.સા. માને છે.
ભગવાન કહે છે; “सुणेह मे” – તું ‘મને‘ સાંભળજે, તને નહિ સાંભળતો!
તો સાક્ષીભાવના ત્રણ ચરણો પ્રભુએ આપ્યાં. અને કહ્યું; કે ‘આ ત્રણ ચરણો તને મળેલાં હોય, તો જ હું સમર્પિતતાના પાઠો તને શીખવીશ’ શા માટે પ્રભુ આમ કહે છે? પ્રભુ વાતને conditionally કેમ મુકે છે? એટલા માટે કે સાક્ષીભાવની અલિપ્તતા જ્યાં સુધી તમારી પાસે નહિ આવે, ત્યાં સુધી તમારી પાસેનું સમર્પણ સાચું સમર્પણ નહિ હોય. અત્યાર સુધીમાં કયા ગુરુને તમે સમર્પિત થયાં?
હું ઘણીવાર કહું છું, ‘અરિહંતે શરણં પવજ્જામિ’ સરળ છે. ‘સાહુ શરણં પવજ્જામિ’ બહુ અઘરું છે. સદ્ગુરુ તમારો હાથ પકડશે. Pin point કરીને તમારા દોષોને બતાવશે – જો, અહીંયા તું ચુક્યો. તમને એ ગમશે?
ઉપનિષદોએ કહ્યું; ‘આચાર્યો હિ મૃત્યુ:’. તમારા અહંકાર માટે અમે લોકો હથોડો લઈને બેઠા છીએ. Smiling face શેના માટે ખબર છે? અમારા જેવા બધા ગુરુઓનું smiling face જ રહે. કારણ કે પાછળ હથોડો છે, હાથમાં.! આ smiling face હોય તમે નજીક આવો, તમે નજીક આવો તો ઠોકાય ને.!
સદ્ગુરુ તમને પુચકારે, બુચકારે, નજીક બોલાવે પણ શું કરવા? ગાલ પર ચમચમતી ઠોકવા માટે. ખાધી છે તમાચ ગુરુની? સદ્ગુરુ તમારા અહંકારને ચકનાચૂર કરશે. કરવું જ પડશે. એના વિના તો સાધના શરૂ પણ નહિ થાય. તો સાક્ષીભાવના ત્રણ ચરણ. પહેલું ચરણ – ‘संजोगा विप्पमुक्कस्स’ સંયોગ વિ-પ્ર-મુક્તિ. સંયોગ વિમુક્તિ નથી કહેતાં, સંયોગ પ્રમુક્તિ નથી કહેતાં, સંયોગ વિ-પ્ર-મુક્તિ. પદાર્થોના અને વ્યક્તિઓના સંયોગોથી તમે એટલા બધા દૂર ગયેલા હોવ, કે તમને એની યાદ પણ ન આવે.!
અષ્ટાવક્ર ઋષિ કહે છે તેમ; ‘वैतृष्ण्यान् न स्मरति’ વિતૃષ્ણા. અલગાવ. Non-attachment. સંયોગો અટેચ્ડ થયા છે. ક્યાં સ્તર ઉપર? મનના સ્તર ઉપર થયા.
બહુ પ્યારી ઘટના આચારાંગ સૂત્રમાં આવે છે. આચારાંગ સુત્રના પહેલા શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં પ્રભુની સાધનાની વાત આવે છે. પ્રભુ અનાર્ય દેશમાં ગયાં. અનાડી લોકોએ પ્રભુની પાછળ શિકારી કુતરાઓ છોડ્યા. જેમણે પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચેલોચા કાઢી નાંખ્યા. એ અનાડી લોકોએ ભગવાનની પીઠ પર લાકડીઓનો વરસાદ વરસાવ્યો. પ્રભુ ગામની બહાર જાય. જંગલ શરૂ થયું. પ્રભુ કાયોત્સર્ગ ધ્યાનમાં જવા માટે તૈયાર થયાં. એ વખતે ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે આચારાંગ સૂત્રમાં, કે આટલી મોટી ઘટના ઘટી ગઈ, પ્રભુને એનું સ્મરણ હોય કે નહિ? કોઈના ઉપર દ્વેષ ન હોય એ તો વાત બરોબર. પણ, આ ઘટનાનું સ્મરણ હોય કે નહિ? તો કહ્યું; गच्छइ णायपुत्ते असरणाए. પ્રભુને આ ઘટનાનું સ્મરણ હોતું નથી! અરે પણ! હમણાં તો ઘટના ઘટી છે! હમણાં તો પ્રભુની પીઠ પર લાકડીઓનો વરસાદ વરસ્યો છે! હમણાં તો પ્રભુની પિંડીમાંથી માંસના લોચે-લોચા કુતરાઓએ કાઢ્યા છે! અને પ્રભુને એ ઘટનાનું સ્મરણ નથી! જવાબ એટલો સરસ અપાયો છે, કે જ્યારે ઘટના ઘટી ત્યારે પ્રભુ ઘટનામાં નહતા, સ્વમાં હતાં.! તમારે તમારા ઉપયોગને ક્યાં રાખવો એ માટે તમે સ્વતંત્ર નહિ? ઘટનામાં ઉપયોગ રાખવો? પૌદ્ગલિક ઘટનામાં? કે સ્વની અંદર? તમે તમારા ઉપયોગને ક્યાં રાખો? આ પ્રભુની ચાદર પહેરી, 24 કલાક ઉપયોગને સ્વની અંદર રાખવાનો છે. ઉપયોગ પરમાં જાય એ આપણે કરેલી પ્રભુની આશાતના; ઉપયોગ સ્વમાં રહે એ આપણે કરેલી પ્રભુની પૂજા.
તો ‘संजोगा विप्पमुक्कस्स’ સંયોગ વિ-પ્ર-મુક્તિ. બે જાતના સાધકો હોય: એક પ્રારંભિક કક્ષાના, એક ઊંચકાયેલા. પ્રારંભિક કક્ષાના જે સાધકો હોય, એમનું મન સાદા દર્પણ જેવું હોય છે. દર્પણની સામે કોલસાને મુક્યો, તો કોલસાનું પ્રતિબિંબ ઉપસાવશે, કોલસાની કાળાશ નહિ. કોલસાને લઇ લીધો, દર્પણ કોરું કટ. પ્રારંભિક કક્ષાનો સાધુ, પ્રારંભિક કક્ષાની સાધ્વીજી આવી હોય. કોઈ આવ્યું, ધર્મલાભ. ગયા, દર્પણ કોરું કટ.! પણ, તમે બીજાને કહો, આ આવ્યાં હતા એ કોણ હતા ખબર છે? મોટા મિલ માલિક, અબજોપતિ, નામ સાંભળ્યું છે એમનું…! ખલાશ.. દર્પણમાં કાળાશ આવી ગઈ. પ્રારંભિક કક્ષાના સાધકનું મન સાદા દર્પણ જેવું છે. અને કલાપૂર્ણસૂરિ દાદા જેવા ઊંચકાયેલા સાધકનું મન કેવું હોય? જાદુઈ દર્પણ જેવું. એવું જાદુઈ દર્પણ કે જેની સામે ગમે તેટલા પદાર્થો કે ગમે એટલી વ્યક્તિઓ હોય એનું પ્રતિબિંબ એમાં પડે નહી. એ દર્પણ જેની પાસે છે એ વ્યક્તિ ઈચ્છે એનું જ પ્રતિબિંબ દર્પણમાં પડે. કલાપૂર્ણસૂરિ દાદાની સામે સેંકડો, હજારો ભાવુકો હોય, એકેય ભાવુકનું પ્રતિબિંબ સાહેબના મનમાં પડે નહિ; સાહેબના મનમાં પ્રભુનું જ પ્રતિબિંબ પડે! – આ જાદુઈ દર્પણ.
પ્રભુ કહે છે હો.! આ પ્રભુના શબ્દો છે.! પ્રભુએ છેલ્લી દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્ર આપેલું. આ પ્રભુના શબ્દો છે, કે ‘મારો સાધક આવો હોય – એક પણ સંયોગ તમારા મનમાં રહી ન શકે!’ સંયોગ ઉપાશ્રયને થયો. કોઈ વ્યક્તિનો સંયોગ આ હોલને થયો. મારે શું? મારે ક્યાં સંગ કરવાનો છે? છે આ ભૂમિકા? લાવવી છે આ ભૂમિકા?
પ્રભુએ તો વ્યવહારનું માળખું એવું આપ્યું; કે તમારે પરમાં જવું જ ન પડે. સમજો કે પાંચ મહાસતીજી, સાધ્વીજી એક ગામમાં ગયાં. માસકલ્પ કરવો છે. ઉપાશ્રયમાં રજા માંગીને ઉતરે છે. ભક્તિ કરે, સ્વાધ્યાય કરે ઉપાશ્રયમાં. બહેનો આવે તો પ્રવચન આપી દે. પોતે પોતાનામાં રહે. એકાસણું હોય, આયંબિલ હોય. વહોરવા માટે જાય. લોકો ભાવથી વહોરાવી દે. એક મહિનો એ ત્યાં ગામમાં રહે. સંઘના પ્રમુખ કોણ એને જાણવાની જરૂરિયાત ખરી? પ્રભુ કહે છે – મારી ચાદર ઉપર હું તને બધું આપું છું, તું બીજાનો પરિચય કરવા કેમ જાય છે? આ પ્રભુની ચાદર, શું ન મળે એ કહો? બધું જ મળે! શરીરને જોઈએ એ બધું જ પ્રભુની ચાદર આપે છે. પછી આપણે પ્રભુમાં ઉતરી જઈએ! પરનો પરિચય કેમ?
એકવાર ૧૫૦-૨૦૦ સાધ્વીજીઓ હતાં. મુનિવરો પણ હતાં. મેં એક કલાક પ્રવચન આપ્યું. કે તમારે પરનો પરિચય શા માટે? Address book તમારી પાસે શા માટે હોય? ફોન નંબર તમારે કોનો જોઈએ? કોનો જોઈએ? ભગવાનનો.! બીજા કોનો?
એકવાર કદંબગિરિથી પાલીતાણાનો સંઘ હતો. એમાં પહેલો જ દિવસ. બપોરે પ્રવચન શરૂ થવાનું હતું. એટલે ઉદ્ઘોષકે કહ્યું; કે ભાઈ બધાના મોબાઈલ off કરી દેજો. પ્રવચન શરૂ થયું. કોઈનો ને કોઈનો રીંગટોન વાગી ઉઠે. લોકો અકળાય. આમ… આમ… હું કહું, કે આ પાલીતાણા જવા માટે નીકળેલ યાત્રિક છે, એને ફોન આવ્યો હશે તો આદેશ્વર દાદાનો આવ્યો હશે.! બીજી સવારે હું ચાલતો હતો. એક ભાઈ મને મળ્યાં. મને કહે; સાહેબ! કાલની વાત તમારી બહુ touchy હતી. મારા ઉપર તો ભગવાનનો ફોન નથી આવ્યો પણ મારે ભગવાનને ફોન કરવો છે. નંબર આપો? મેં કહ્યું; ભાઈ ! તારે તારા મોબાઈલના બધા નંબર delete કરવા પડે પહેલા. તું જે ફોનથી સામાન્ય માણસ જોડે વાત કરે, એ ફોનથી તારે આદેશ્વર દાદા જોડે વાત કરવી છે? તો એ પણ ખોપરી હતી. મને કહે; નવો મોબાઈલ લઇ આવું આજે જ! અને એમાં દાદાનો નંબર જ save કરીશ, બીજા કોઈનો નહિ. હવે બોલો, નંબર. મેં એને કહ્યું; કે નંબર યાદ રાખવો તો બહુ સહેલો છે, પણ લગાડવો અઘરો છે. મને કહે; કહો તો ખરા. હું try કરીશ. મેં કીધું દાદાનો નંબર એકદમ સરળ છે – Ten time zero.
Bodyless experience. Nameless experience. Mindless experience. Zero, zero, zero, zero, less, less, less, less થતો જાય. એટલે એને માથું ખંજવાળ્યું પાછું.
એ જે મેં પ્રવચન આપ્યું, લગભગ ૧૫૦-૨૦૦ જેટલા સાધુ-સાધ્વી હતાં. બધાની address book પરઠવાઈ ગઈ! અને તમે પાછા ચમત્કારીક માણસો, મહિનામાં પાછી નવી ઉભી થઇ ગઈ! શા માટે સંયોગ..?
સૂત્ર મજાનું છે : પરનો અસંગ = પરમનો સંગ. પરમનો સંગ કરવા માટે આપણે નીકળ્યા છીએ. પરનો અસંગ થશે તો જ પરમનો સંગ થશે. પરનો પણ સંગ રાખવો છે, અને પરમનો પણ સંગ રાખવો છે – એ શક્ય નથી! It is quite impossible!
તો સાક્ષીભાવનું પહેલું ચરણ : ‘संजोगा विप्पमुक्कस्स’. આજે આટલું રાખું? હજુ બે ચરણ બાકી છે. તમારે પાકું કરવું પડશે ને પાછું? ઘણાની પાસે address book છે. ઘણાની પાસે ઘણાના ફોન નંબર છે. આ બધું delete કરવું પડશે ને હજી? કોઈનો પરિચય નહિ! ગ્રહસ્થનો પરિચય એ શ્રમણ અને શ્રમણી માટે ધધકતા અંગારા જેવો છે. ધધકતો અંગારો કપડાં ઉપર પડે તો શું થાય? આ શ્રામણ્યનું આપણું વસ્ત્ર, એના ઉપર આ ધધકતો અંગારો કેમ સહન થાય?
બૌદ્ધ ભિક્ષુઓ ઉપર એક મજાનો સર્વેક્ષણ બહાર આવ્યો છે. હજારેક પાનાંનો છે. હું આખું તો વાંચી નથી શક્યો. પણ પાનાં મેં ફેરવ્યા, એમાં છેલ્લે જે conclusion હતું એ બહુ મજાનું હતું. લેખકે લખ્યું, કે પહેલાં બૌદ્ધ ભિક્ષુઓ માટે ૧૦૦ વર્ષ પહેલાં ફરિયાદ એ હતી, કે એ લોકો સોસાયટીથી અતડા રહ્યા. અને પછીનું જે વાક્ય હતું ને, હલાવી નાંખે એવું હતું, “Now they are too much involved. Now they are too much involved.!” “અત્યારે એ લોકો સમાજની સાથે અત્યંત હળી-મળી ગયા છે!” એક ભિક્ષુએ જે સમાજથી થોડું દૂરત્વ રાખવું જોઈએ, એ દૂરત્વ એમની પાસે રહ્યું નથી! એ વખતે મારી આંખમાંથી આંસુ પડેલા, કે અમારી હાલત પણ આ જ છે!
અંતરીક્ષજી ગયેલા. અને ઈલોરાના ગુફા સમૂહને જોયો, બૌદ્ધ ગુફા સમૂહ, હિંદુ ગુફા સમૂહ અને જૈન ગુફા સમૂહ. એ જૈન ગુફા સમૂહ જોયો ત્યારે આંખો ભીની બને કે આવા અમારા પૂર્વજો હતાં.! જે ગામથી દૂર જંગલમાં આવેલા પર્વતમાં સાધના કરતાં હતાં.! ગુફાઓમાં સાધના કરતાં હતાં.!
ધન્નાજી અને શાલિભદ્ર મુનિ યાદ આવે. વૈભારગિરિની ગુફામાં સાધના કરતાં. આપણને વૈભારગિરિ ન મળે તો કાંઈ નહિ, આપણી રૂમ હોય એને વૈભારગિરિ બનાવી દેવાનો. ઉપાશ્રયો આપણા વિશાળ હોય છે. એક રૂમ આપણા માટે લઇ લેવાની, રૂમ અંદરથી lock કરી દેવાની, આપણી વૈભારગિરિ થઇ ગઈ.
પ્રભુ રાજગૃહી પધાર્યા. અને પ્રભુનું સમવસરણ રાજગૃહીમાં હોય ત્યારે ધન્નામુનિ અને શાલિભદ્ર મુનિ સમવસરણમાં આવે. ઈરિયાવહિયા કરે. પ્રભુને વંદના કરે. પ્રભુને પીએ. દેશના પુરી થાય એટલે બંને ચાલવા માંડે. હજારો આંખો એમની સામે તકાયેલી હોય. ઘણા બધાને ખ્યાલ હોય, કે ધન્ના મુનિ, શાલિભદ્ર મુનિ ગુફામાં રહે છે. પણ પહેલીવાર જોતા હોય તો પરિચિત ને પૂછે કે આ બે જણા જાય છે એમાં ધન્નામુનિ કોણ? શાલિભદ્ર મુનિ કોણ? હજારો આંખો એમના તરફ તકાયેલી હોય. હજારો આંગળીઓ એમના તરફ તકાયેલી હોય. એ બધાથી બેપરવાહ ઈરિયાસમિતિનું પાલન કરતાં પોતાની ગુફામાં આવે. ઈરિયાવહિયા કરીને આસન ઉપર બેસે. અને પછી સૌથી પહેલું કામ શું કરે?
આ આજની તમારા માટેની practical સાધના. એ ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ ઈરિયાવહિયા કરીને આસન ઉપર બેસે અને પ્રભુએ થીયરીકલ ફોર્મમાં જે કહ્યું, એને practical form માં કેમ ફેરવવું એનું ચિંતન શરૂ કરે. પ્રભુએ જે કહ્યું થીયરીકલ ફોર્મમાં – સિદ્ધાંતના રૂપમાં, એને practical ફોર્મમાં કેમ ફેરવવું એનું ચિંતન કરે. ૧૨ વાગે પૂરું થાય પ્રવચન એટલે તમે શું કરવાના? આમ નહિ! શરીર તો રોજ છે જ.. આ થીયરીકલ ફોર્મમાં સાંભળો, એને practical ફોર્મમાં કઈ રીતે લઇ જવું એની વિચારણા કરો.!
બે ચરણો બાકી છે. કાલે જોઈએ.
