વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અણગારસ્સ ભિક્ખુણો
જ્યાં સુધી પરની દુનિયા પ્રત્યે લગાવ છે, ત્યાં સુધી પ્રભુની આજ્ઞા પ્રત્યે સમર્પિતતા નહિ આવે. તમે પરથી અલિપ્ત થતા જાઓ, non-attachment ઘેરું બનતું જાય, પછી જ પ્રભુના ચરણોમાં સમર્પિત થઈ શકો.
અનંતા જન્મોની અંદર આપણું મન સંજ્ઞા-પ્રભાવિત રહ્યું; આ જન્મની અંદર એ મનને આજ્ઞા-પ્રભાવિત બનાવવું છે. એ માટે સાક્ષીભાવના ત્રણ ચરણો. પહેલું ચરણ હતું સંયોગા વિપ્પમુક્કસ્સ. પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી મુક્તિ.
બીજું ચરણ છે અણગારસ્સ. દેહાધ્યાસ-મુક્તિ. આ શરીરને રહેવા માટેનું ઘર એ મકાન છે; પણ આત્માને રહેવાનું ઘર આ દેહ છે. અણગાર એટલે દેહાધ્યાસથી વિમુક્ત સાધક. અને ત્રીજું ચરણ છે ભિક્ખુણો. ભિક્ષુત્વ એટલે અહંમુક્તિ; જ્યાં અહંકાર જેવું કંઇ રહ્યું નથી.
સિદ્ધિ સાધના સત્સંગ શિબિર – શ્રી ડલાપૂર્ણમ્ તીર્થ – વાચના – ૪
પ્રભુની સાધનાનું પ્રારૂપ શું છે? સાક્ષીભાવ+સમર્પણ.
સાક્ષીભાવ – તમે પરથી અલિપ્ત થતા જાઓ. અલગાવ…. એક non-attachment ઘેરું બનતું જાય; અને પછી પ્રભુના ચરણોમાં આપણે સમર્પિત થઈ જઈએ.
જ્યાં સુધી પરની દુનિયા પ્રત્યે લગાવ છે. ત્યાં સુધી પ્રભુની આજ્ઞા પ્રત્યે આપણે સમર્પિત નહિ થઈ શકીએ. સંજ્ઞા અને આજ્ઞા. અનંતા જન્મોની અંદર આપણું મન સંજ્ઞા પ્રભાવિત રહ્યું; આ જન્મની અંદર એ મનને આજ્ઞા પ્રભાવિત બનાવવું છે. મનના ઘણા બધા પ્રકાર છે. Conscious mind, subconscious mind, unconscious mind, આપણી પરંપરામાં લબ્ધિ મન. પણ મારી દ્રષ્ટિએ આપણે મનને બે જ વિભાગોમાં વહેંચીએ – સંજ્ઞા પ્રભાવિત મન, આજ્ઞા પ્રભાવિત મન.
એક સવાલ તમને પુછું. તમે કદાચ સંજ્ઞા પ્રભાવિત મનવાળા છો. છો તો શાતામાં ને આમ? અમે લોકો ever- fresh… Evergreen… કારણ શું? અમારી પાસે આજ્ઞા પ્રભાવિત મન છે. આજનો સામાન્ય મનુષ્ય ક્યારે પણ સુખી નથી હોતો. એને પોતાના haves કરતા have nots વધુ દેખાય છે. એ haves તરફ નજર નાંખી નથી શકતો, Have nots તરફ નજર નાંખે છે. મારી પાસે આ નથી, આ નથી, આ નથી. અને અમે કહીશું કે કંઇ જોઈતું નથી! વહોરવા આવીએ. તમે કહેશો સાહેબ લો, સાહેબ લો, સાહેબ લો. અમે કહીશું ખપ નથી. એટલે અમારો મંત્ર આ – ખપ નથી. તમારો મંત્ર કયો? આવવા દો, આવવા દો, આવવા દો. પણ સંજ્ઞા પ્રભાવિત મનમાં સુખ ક્યારેય પણ ન મળે, આનંદની તો સંભાવના જ નથી! આવતીકાલે મને લાગે છે કે આ વિષયને હું વધારે છેડીશ.
આજે તો વાત એ કરવી છે કે આજ્ઞા પ્રભાવિત મન એ ક્યારે બની શકે? જ્યારે સાક્ષીભાવના ત્રણ ચરણો મળેલાં હોય ત્યારે. પહેલું ચરણ હતું. ‘संजोगा विप्पमुक्कस्स’. પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી એકદમ અળગાવ.
બીજું ચરણ છે- ‘દેહાધ્યાસ મુક્તિ’. અણગારસ્સ. આ શરીરને રહેવા માટે અગાર, ઘર એ મકાન છે. પણ આત્માને રહેવાનું અગાર-ઘર આ દેહ છે. અણગારસ્સ – દેહાધ્યાસથી વિમુક્ત સાધક.
સંત રવિદાસજીને એક પ્રશ્ન પુછાયેલો કે સદ્ગુરુની identity શું? સદ્ગુરુના ચરણોમાં ઝૂકવું છે. પણ સદ્ગુરુની વ્યાખ્યા શું? ત્યારે એમણે મજાની વ્યાખ્યા આપેલી. ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’. ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર.’ આ દેહના ઘરમાં રહેલ વાસ્તવિક ઘરને, નિર્મળ ચૈતન્યને જે બતાવી આપે એ સદ્ગુરુ. સદ્ગુરુનું કામ જ આ છે.
સદ્ગુરુ બે કામ કરે છે- પહેલા તમારા અસ્તિત્વ માટેની પ્યાસ જગવે છે; અને એ પ્યાસ જાગી ગઈ પછી, તમારા અસ્તિત્વની અનુભૂતિ સદ્ગુરુ કરાવે. સદ્ગુરુના બે જ કાર્ય – પ્યાસ જગવવી, અનુભૂતિ કરાવવી. બાકીના બધા કામ તમારા. ઉપધાન કરાવવા છે. ભાઈઓને ક્યાં રાખવા? બહેનોને ક્યાં રાખવી? Management નો સવાલ છે, તમે સંભાળો. અમારે એની જોડે કોઈ સંબંધ નથી. અમારા તો બે જ કામ છે. તમને પ્યાસ નથી જાગી તમારા સ્વરૂપની તો પ્યાસ જગવી દઈએ; અને પ્યાસ જાગી ગઈ તો સ્વરૂપની અનુભૂતિ કરાવી દઈએ. ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’.
તમારી સદ્ગુરુ પાસે અપેક્ષા કઈ હોય બોલો? હું તો ગયેલો સાહેબ પાસે, સાહેબે મને જોયો નહિ! એટલે તમે તમારા અહંકારને પુષ્ટ કરાવવા માટે અહિયાં આવો છો? તમારો આ ‘હું’ દુર નહિ થાય ત્યાં સુધી સાચો ‘હું’ ક્યાંથી મળશે? ‘હું’ ના ત્રણ રૂપો. બે રૂપથી તમે પરિચિત છો. અને એમાં પણ પહેલાથી તો અત્યંત પરિચિત. પહેલું ‘હું’ – અહંકાર ના લયમાં ઝબોળાયેલું. ‘હું’ એટલે આમ ને, ‘હું’ એટલે આમ! બીજું ‘હું’ છે – અહોભાવના લયમાં ઝબોળાયેલું. આંખમાં આંસુ હોય. આજે મેં પ્રભુને સાંભળ્યા.! યાદ રાખો ! આજના આ છેલ્લાં સેશનમાં કે આવતીકાલથી શરૂ થતા બે દિવસમાં, ન તો મને સાંભળવા આવશો, ન આચાર્ય રાજરત્નસૂરિને સાંભળવા આવજો, પ્રભુને સાંભળવા આવજો. We have not to speak a single word.
અમેરિકામાં એક બહુ સારા પ્રવચનકાર થયા. એટલું મોટું એમનું નામ કે એ ભાષણ આપવાના છે એ ખ્યાલ આવે એટલે ઓડીટોરીયમ ચિક્કાર થઈ જાય. બહાર screen ગોઠવવા પડે, અને બહાર (ઓડીટોરીયમની બહાર) ખુરશીઓ મુકવી પડે. એ પ્રવચનકાર પ્રવચનની શરૂઆત કરે ત્યારે હાથ આમ હિલોળે, ડાબી બાજુનો. પ્રવચન પૂરું થાય એટલે જમણીબાજુ હાથ આમ હિલોળે. એકવાર એક મિત્રએ પૂછ્યું; કે તમે આમ શું કરો છો? ત્યારે એમણે કહ્યું કે હું ઉદ્ધરણ ચિહ્નો દોરું છુ. મારે તો કાંઈ કહેવાનું છે નહિ. અવતરણ ચિહ્ન દોરું છું. બધા જ પ્રભુના શબ્દો, અને એ પુરા થાય, એટલે ઉદ્ધરણ ચિહ્ન પૂરું થયું. મારે કશું બોલવાનું છે જ નહિ! પહેલા હું બોલતો હતો. પણ હું બોલતો હતો ને ત્યાં સુધી મને પણ મજા નહતી આવતી. તો શ્રોતાઓને ક્યાંથી આવે?
પછી મેં કીધું ચાલો ‘હું’ બોલવાનું બંધ કરી દઉં, તું બોલ! એ કહે; ‘હું’ તૈયાર છું. હું તો રાહ જ જોતો હતો ક્યારે તું ચુપ થાય! હું ચુપ થઈ ગયો; એ બોલવા માંડ્યો! હવે મારા પ્રવચનોનો હું શ્રોતા હોઉં. ક્યારેક મેં લખેલું પુસ્તક મારા હાથમાં હોય છે, અને એના પાનાં હું ફેરવતો હોઉં ત્યારે સામેની વ્યક્તિને નવાઈ લાગે કે સાહેબે લખેલું પુસ્તક છે, એમણે લખેલું પુસ્તક છે અને એ કેમ એનાં પાનાં ફેરવે? પછી મને પૂછે. ત્યારે હું કહું મેં ક્યાં લખ્યું છે? ઉપરવાળાએ લખાવ્યું હતું. મને ક્યાંથી ખબર હોય? અત્યારે જોવું એટલે યાદ આવે કે હા, ઉપરવાળાએ આ લખાવ્યું હતું.
એકવાર મેં મારા મિત્ર. ગાઢમિત્ર. પ્રદ્યુમ્નસૂરિ મહારાજને લખેલું કે પ્રભુ લખાવે છે. આપણે તો ખાલી લહિયા છીએ. એટલે પુસ્તક ઉપર નામ આવે છે ને એ મને ડંખે છે. લખનાર એ છે તો લેખક તરીકે મારું નામ ક્યાંથી આવ્યુ? જે દિવસે તમે પણ ચુપ થવાના; તમારા કંઠેથી એ પ્રગટ થાય. અને તમારા માટે તો હું ઘણીવાર કહેતો હોઉં છું વાચનામાં કે તમારા કંઠેથી તો પ્રભુ જ પ્રગટે! અને પ્રભુ બોલે એ કેવું મીઠું-મીઠું બોલે આમ? તમે બધા બોલો, કેટલું મીઠું લાગે આમ? ધીરે – ધીરે, એકદમ sweet-sweet તમે બોલતા હોવ! કેવા cute લાગો એ વખતે? ‘ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર’.
તો અણગાર એટલે દેહાધ્યાસથી મુક્તિ. ‘જિંદગી એક કિરાયે કા ઘર હે, જિંદગી એક કિરાયે કા ઘર હે, એક દિન તો નિકલના પડેગા; મોત જબ તુમ સે આવાજ દેગી, તબ ઘર સે નિકલના હોગા’. આ ઘરને છોડવાનું જ છે. એકવાર મારો એક શિષ્ય મને કહે; સાહેબ ! પેલા મહાત્માએ મને રફલી આવું કહ્યું. મેં કહ્યું, કોઇ પણ મુનિ રફલી બોલી શકે નહિ, હું એને કહી દઈશ. પણ મેં કહ્યું, તું મિથ્યાત્વી થઈ ગયો એનું હવે શું કરવું? એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો! હું મિથ્યાત્વી? મેં કહ્યું, હા. મને કહે શી રીતે? મેં કીધું, તે એમ કહ્યું કે મને આમ કહ્યું હતું. તને એટલે તારા આત્માને કહેલું કે તારા શરીરને કહેલું? અને શરીરને ‘હું’ માને એ સમકિતી કે મિથ્યાત્વી? પરમાં સ્વપણાની બુદ્ધિ એ મિથ્યાત્વ. બરોબર? આ તમે છો? હવે ક્યારેય કહેવાના મને આમ કહ્યું! તાવ આવે ને તોયે ભાષા બદલાયેલી હોય. આ ને તાવ આવ્યો છે, મને નહિ.
પૂજ્યપાદ નેમિસૂરિ મ.સા. વિદ્વાન આચાર્ય ધર્મધુરંધરસૂરી મહારાજ સાહેબ. એમને કેન્સર થયેલું. સાહેબ અમદાવાદ હતાં. હું અમદાવાદ આવેલો. પહેલાં જ સાહેબની શાતા પૂછવા માટે ગયો. સાડા આઠ-નવ વાગેલા. હું સાહેબ પાસે બેઠેલો. એટલી બધી પીડા હતી સાહેબને કે સાંજે ચોવિહાર વખતે painkiller લે. એ જમાનામાં પેઈન કિલરો પણ એટલા સારા નહિ. દવાઓ પણ એટલી સારી નહિ. તો Painkiller ની અસર ચાર-પાંચ કલાક રહે, પછી જે દુખાવો ઉપડે, માથું ભીંત સાથે અફાળવું પડે.! આટલી પીડા.! સાહેબે સવારે નવકારશી કરેલી. Painkiller લીધેલી. સ્વસ્થ બેઠેલાં. વાતચીત ચાલી. મેં કીધું સાહેબ આપને કેન્સર હમણાં detect થયું. મને કહે; ઉભો રે, ઉભો રે. શું બોલ્યો? મને કેન્સર?! કેન્સર મને થયું છે કે આ ને થયું છે? હું તો આનંદઘન છું.! કેન્સર આને થયું છે, અને આ તો આમેય વિનાશી છે જ. ‘નાશી જાશી હમ થિરવાસી, ચોખ્ખે વ્હૈં નિખરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે’. નાશી જાશી – નાશવંત છે એ પડ્યું રહેશે. હમ થિરવાસી, ચોખ્ખે વ્હૈં નિખરેંગે. દેહના પાંજરામાં હતા. પીડા જ પીડા હતી. આ બધું જ છોડી અને અમે નીકળી ગયા. ‘અબ હમ અમર ભયે ન મરેંગે’,
તો સાધક દેહાધ્યાસથી વિમુક્ત હોય – આ બીજું ચરણ. અને ત્રીજું ચરણ – અહંમુક્તિ. ભિક્ખુણો. ગાથા સૂત્ર યાદ આવે.
ण मे देति ण कुप्पेज्जा, थोवं लद्धुं ण खिंसए।
पडिसेहितो परिणमेज्जा।
આ ભિક્ષુત્વ. જ્યાં અહંકાર જેવું કંઇ છે જ નહી. ‘ण मे देति ण कुप्पेज्जा’ કોઈ નથી આપતું તો પણ કોઈ સવાલ નહિ. ભિક્ષાએ ગયા છે, થોડી જ ભિક્ષા મળી, મસ્તી એટલી ને એટલી જ છે. ‘पडिसेहितो परिणमेज्जा’. ના પાડી; ચાલો મસ્તીથી પાછા. તમારી મસ્તીને કઈ ઘટના દુર કરી શકે? અમારી જે મસ્તી છે. પ્રભુ મળ્યાંની મસ્તી.! પ્રભુનું શ્રામણ્ય મળ્યાંની મસ્તી.! પ્રભુનું શાસન મળ્યાંની મસ્તી.!
એક પ્યારી કથા કહું. એક ગામમાં આચાર્ય ભગવંત પધારેલાં. બપોરના સમયે એક મુનિરાજ વહોરવા માટે એક ગલીમાં ગયા. એ વહોરીને પાછા આવ્યા ત્યારે એમના કપાળમાંથી અને ગાલમાંથી લોહી દદળતું હતું. લોહી પણ દદળતું હતું પણ સ્મિત અકબંધ હતું.! સ્મિત પણ વેરાતું હતું. મુનિવરોએ લોહી લુછી નાંખ્યું. ગોચરી આલોચવાની વિધિ થઈ. પાત્રા મુકાઇ ગયા. ગુરુદેવ પાસે એ શિષ્ય આવે છે. ગુરુદેવને ખ્યાલ આવી ગયો કે કોઈએ આને પથ્થર માર્યો છે. તમે શું પૂછો આમ? ધારો કે તમે ગુરુ છો, અને તમારી શિષ્યાને આવું થયું, તમે શું પૂછો? કોણે પથ્થર માર્યો? અરે કોણે માર્યો! એના કર્મે માર્યો.! બીજી વ્યક્તિ તો હોળીનું નારિયેળ બની ગઈ. એ ક્યાં ગુનેગાર જ છે? આના કર્મને કારણે પેલાને પથ્થર મારવો પડ્યો. તો ગુરુ પૂછતા નથી કે તને કોણે માર્યો?
પણ ગુરુ શાસનના નાયક છે. ગુરુને વિચાર થયો. આજે સાધુ છે. કાલે કોઈ સાધ્વીજી હોય. અને વહોરવા માટે ગયેલાં હોય. અને આવો અનાડી માણસ હોય. અને સાધ્વીજીને હેરાન-પરેશાન કરે. એટલે મારે શ્રાવકોને સુચના આપવી જ જોઈએ. એટલે ગુરુ પૂછે છે કે તું ત્રણ-ચાર ગલીઓ ફર્યો હોઈશ વહોરવા માટે. કઈ ગલીમાં, કયા ઘર પાસેથી પથ્થર નીકળેલો, એ તું મને કહીશ? યાદ જ હોય ને આ તો? ક્યાંથી પથ્થર છૂટ્યો યાદ હોય.? એ શિષ્ય કહે છે ગુરુદેવ ! please પાંચ મિનીટ આપો. જરા યાદ કરી લઉં કે ક્યાંથી પથ્થર છુટેલો. પાંચ મિનીટ યાદ કરતાં થાય છે. પહેલી ગલીમાં ફરેલો ત્યારે? ના પહેલી ગલીમાં નહતો. બીજી ગલીમાં? બીજી ગલીમાં ક્યાં? વિચાર કરે છે. પથ્થર મારવાની ઘટના… પથ્થર લાગવાની ઘટનાથી… પોતાને બેખબર રાખે એ મસ્તી કેવી હશે?! એ મસ્તી જેની પાસે હોય એ પ્રભુનો સાધક. ભિક્ખુણો. તો સાક્ષીભાવના ત્રણ ચરણ થયાં. પહેલું ચરણ પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી મુક્ત. બીજું ચરણ દેહાધ્યાસથી મુક્ત, દેહની પ્રીતિથી મુક્ત. અને ત્રીજું ‘અહં મુક્ત’. ભગવાન કહે છે કે સાક્ષીભાવના આ ત્રણ ચરણ તને મળેલાં હોય તો હું તને સમર્પણના પાઠો શીખવાડું. ભગવાન શીખવવા માટે તૈયાર બેઠા છે. ભગવાન તૈયાર. Are you ready? He is ready. We are also ready. But are you ready? તૈયાર હોવ તો જેટલા દેવલાલીમાં હોવ એ કાલે આવી જજો.
