Aatmatatvanu Anusandhan – Vachana 1

186 Views
21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : કાયોત્સર્ગ

જાપ એ પૂર્વભૂમિકા છે. જાપમાં તન્મયતા રહે, તો તમે ધ્યાન અને કાયોત્સર્ગમાં જઈ શકશો. જાપની અંદર સચરાચરમાં ફરતા તમારા મનને તમે જાપના એક પદ ઉપર સ્થિર કરો છો. જાપના એ પદ સિવાયની કોઈ ઘટના તમારા માટે ત્યાં હોતી નથી.

જ્યારે લાગે કે જપના પદની અંદર મન બરોબર આવી ગયું છે, ત્યારે પદને છોડી દો અને શાંત ચિત્તે બેઠેલા રહો. શાંત ચિત્તે બેસો – એ ત્રિગુપ્તિ સાધના. મન વિચાર નથી કરતું, વચનયોગ છે નહિ, કાયયોગ સ્થિર છે. એટલે શુદ્ધ ત્રિગુપ્તિ એ વખતે મળે.

ચેષ્ટા કાયોત્સર્ગમાં મનમાં chanting ચાલતું હોય છે; એટલે કાયગુપ્તિ શુદ્ધની હોય પણ મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુભની હોય છે. ત્રણેય ગુપ્તિ શુદ્ધની હોય, એ અભિભવ કાયોત્સર્ગ. ધ્યાન માં પણ ત્રણેય ગુપ્તિ શુદ્ધની હોય; પણ ધ્યાન અને કાયોત્સર્ગમાં એટલો ફરક કે ધ્યાનમાં કાયગુપ્તિ શુભની હોય, તો પણ ચાલી શકે.

આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૧

નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં
નમો આયરિઆણં
નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વ સાહૂણં
એસો પંચ નમુક્કારો
સવ્વ પાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢમં હવઈ મંગલં

આદિમં પૃથિવીનાથ, માદિમં નિષ્પરિગ્રહ:
આદિમં તીર્થનાથ ચ, ઋષભસ્વામિનં સ્તુમ:
કૃતાપરાધેSપિ જને, કૃપામંથરતારયો:
ઇષદ્દબાષ્પાર્દ્રયોર્ભદ્રં, શ્રી વીર જિન નેત્રયો:
યસ્યાભિધાનં મુનયોSપિ સર્વે:, ગ્રુહ્નોતી ભિક્ષા ભ્રમણસ્ય કાલે,
મિષ્ટાન્નાપાનાંમ્બર પૂર્ણકામા:, સ ગૌતમો યચ્છતુ વાન્છીતમે:
જ્ઞાનધ્યાનક્રિયાધિકાર્ય કુશલ:, પ્રધુમ્ન જેતા ગુરુ, 
આંતરલોચનમેકમસ્તિ સુતરાં, પૃદભાષિતં યસ્ય વૈ,
ૐકારેણ સુસેવિતોSપિ સતતં, ૐકાર સેવા પરઃ
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી સિદ્ધિસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ભદ્રસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, શ્રી ૐકારસૂરીશ્વર:
સોયં સૌમ્યમના: સદા વિ જયતે, અરવિંદસૂરીશ્વર:

ભગવાને આપણને આબુ તીર્થ પર બોલાવ્યા છે. આવતી કાલથી આપણી બધાની સાધના શરૂ થશે. દેરાસરમાં ચાર સાધના કરવાની છે. ભક્તિ, જાપ, ધ્યાન, અને કાયોત્સર્ગ. ભક્તિ કે જાપમાં એકાગ્ર બની જવું છે. બે દિવસથી આપણે વાત કરતાં હતા, વિકલ્પોના અભાવવાળી શાંતિ સૌથી પહેલા મળવી જોઈએ. એ વિકલ્પોના અભાવવાળી શાંતિ ભક્તિ અને જાપમાં એકાગ્ર તમે થશો, તો તમને મળશે. ભક્તિમાં કલાક થાય, દોઢ કલાક થાય, જે સ્તવનો ચાલતાં હોય અને એ સ્તવન તમને આવડતાં હોય, તો મનની અંદર એ સ્તવનોને તમે ગણગણાવો. એટલા માટે કે મન ત્યાં રહેશે તો બીજે નહિ જાય.

આપણા મનને નાનકડા તોફાની બાળકની જેમ સતત ફરતાં રહેવાની ટેવ છે. એને શાંત કેમ કરવું? બહુ સહેલું છે. તમે તો પ્રભુના પ્યારા શ્રમણ અને શ્રમણીઓ છો. જેમને પ્રભુનું લોકોત્તર શાસન મળ્યું નથી એવા હિંદુ સાધના પદ્ધતિમાં રહેલા લોકો, સુફી સાધના પદ્ધતિમાં રહેલા લોકો, મનને બિલકુલ શાંત કરી શકે છે.

સુરેશ દલાલે એકવાર કહેલું, કે હું ધ્યાનમાં જાઉં ત્યારે એવી શાંતિ મળે, કે મોટા શહેરમાં કર્ફ્યું નોંધાયેલો હોય, એકાદ-બે પોલીસ આમથી આમ ફરતી હોય, બાકી બિલકુલ ચુપ્પી, ગહન શાંતિ હોય, એવી શાંતિ મારા મનમાં છે. તમે પણ આનો અનુભવ કરી શકો. અઘરું નથી કાંઈ. પણ શું? Step by step જે જવું જોઈએ એ તમે જતાં નથી. આપણને તો સૂત્ર, અર્થ, મુદ્રા, આલંબન, ચાર આલંબનો આપેલા જ છે. નમુત્થુણં બોલો સંપદાપૂર્વક, એનો અર્થ મનમાં ઘૂંટાતો હોય. મુદ્રા પણ એ પ્રમાણેની હોય, અને આલંબન રૂપે પ્રભુ છે, પ્રભુ સામે નેત્રો આપણા પુરેપુરા સ્થિર થયેલા હોય. આવી શરીરની અને મનની હાલત હોય, ત્યારે શાંતિ મળવી અઘરી નથી. મુદ્રાઓ પણ બહુ મહત્વની છે. નમુત્થુણં તમે કરો, એક ઢીંચણ નીચે રાખો, અથવા બેઉ ઢીંચણને નીચે રાખો. તો એ વખતે આ બંને પગની પાછળની જે પિંડીઓ છે, એના ઉપર પુરા શરીરનું વજન આવે છે. અને એમાં જે glands છે, ગ્રંથિઓ જે છે એ સક્રિય બને છે, અને એ ગ્રંથિઓ અહોભાવની ગ્રંથિઓ છે.

ગોદોહાસન અઘરામાં અઘરું છે. પણ આપણે ત્યાં વારંવાર આવશે. આ પરમાત્મા ગોદોહાસને નિર્વાણ પામ્યા. ગોદોહાસન એટલે શું? ગાયને દોહતી વખતે ભરવાડ જે આસનમાં હોય, એ આસનમાં રહેવું. ભરવાડના પગના આંગળા અને અંગુઠા જમીન સરસા હોય, પણ પગનો પાછળનો ભાગ ઉંચકાયેલો હોય. એટલે પુરા શરીરનું વજન પગની આંગળીઓ અને અંગુઠા ઉપર છે. તમે દસ કિલોમીટર ચાલો. તો પણ જે વજન આવે એ તળિયા ઉપર આવે. પણ આંગળા અને અંગુઠા ઉપર તો નહિ આવે. તો ગોદોહાસન જે છે એ કામનિવૃત્તિ માટે બહુ જ મહત્વનું છે. તમારી કામની ભાવનાને એ બિલકુલ તિરોહિત કરી નાંખે. તો આપણા દરેક આસનો જે છે, આ રીતે મહત્વપૂર્ણ છે. તો એ મુદ્રામાં આપણો ખ્યાલ હોય, સૂત્રમાં ખ્યાલ હોય, એનો અર્થ ખ્યાલમાં હોય, અને પ્રભુ તરફ આપણી નજર હોય, મન જાય તો જાય ક્યાં?

તો આવતીકાલથી ભક્તિમાં મન એકાગ્ર રહેવું જોઈએ. સમુહમાં ભક્તિ કરો તો પણ વાંધો નહિ. એકલા કરો તો પણ વાંધો નહિ. કોઈને એકલા ભક્તિ કરતાં હોય, અને એ રીતે સ્થિરતા રહેતી હોય, તો એકલા પણ ભક્તિ કરી શકાશે. જાપમાં તન્મયતા બહુ સારી રહે તો તમે ધ્યાન અને કાયોત્સર્ગમાં જઈ શકશો. જાપ જે છે એને એ ધ્યાન અને કાયોત્સર્ગની પૂર્વ ભૂમિકા છે. જાપની અંદર તમે એક પદ ઉપર મનને સ્થિર કરો છો. એટલે સચરાચરમાં ફરતું મન એક પદ ઉપર સ્થિર થઇ જાય છે. ‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’ તમારા માટે એ વસ્તુ ‘નમો અરિહંતાણં’ સિવાયની કોઈ ઘટના હોતી નથી. એક જ ઘટના, અને એમાં તમારે મન સોંપી દેવાનું. એટલે આપણે ત્યાં ગુરુદત્ત મંત્રની આખી જ વ્યવસ્થા હતી. ‘ક્યાં કાન ફૂંકાયા’, ‘તેરા ગુરુ કૌન હૈ બડા, જિણે યોગ ધરાયા’ કોઈ પણ હિંદુ સાધક હોય એને પૂછવામાં આવે, તારા ગુરુ કોણ છે? કોણે તને યોગની દીક્ષા આપી? એટલે ક્યાં કાન ફૂંકાયા, સાલા તારું મન એકાગ્ર નથી. તો તે ગુરુ પાસે કાન શું ફૂંકાયો? અત્યારે આપણે ત્યાં ગણી પદવી, પંન્યાસ પદવી, આચાર્ય પદવી વખતે આચાર્ય ભગવંત શિષ્યના કાનમાં મંત્ર આપે છે. તો ગુરુ તમારી સાધનાને ઉંચકાય એ માટે તમે જે ભૂમિકા ઉપર છો, એ ભૂમિકા ઉપર તમે ઊંચકાવો એટલા માટે એક મંત્ર આપે. એ મંત્ર એ તમારા માટે એક જીવનવ્યાપી મહામૂલી સંપદા થઇ જાય.

યોગશાસ્ત્રો કહે છે, કે ગુરુ જ્યારે તમારા કાનમાં મંત્ર આપે, એ વખતે એ મંત્રના શબ્દો આ કાનમાંથી પેલે કાનમાં નથી જતા. આ કાનમાંથી સીધા ઉપર જાય છે. અને સહસ્રાર જે છે ત્યાં સુધી પહોંચી જાય છે. સહસ્રારનો તમને ખ્યાલ છે, કે હજાર પાંખડીવાળું કમળ છે અહીંયા, એ જન્મો-જન્મોથી બીડાયેલું પડેલું છે. એ કઈ રીતે ખુલે? તો પહેલી વાત આ, કે ગુરુ તમારા કાનમાં મંત્ર આપે, એ મંત્રના શબ્દો સીધા જ ઉપર જાય, અને સહસ્રાર ખુલી જાય. એ જ રીતે ગુરુ વાસક્ષેપ આપે, બ્રહ્મરંદ્ર ખોલે અને સહસ્રાર ખુલી જાય. ત્રીજી વાત છે, સદ્ગુરુ મૂલાધારમાંથી કુંડલીની શક્તિને ઉઠાવે અને સીધી પાછળ થઇ અને આજ્ઞાચક્ર પાસે થઇ સહસ્રારમાં જાય. આપણા શરીરને આપણે જાણતાં નથી.

હું જ્યારે યોગના પુસ્તકો વાંચું ને ત્યારે મારી આંખો ભીની થાય. ભીની એટલા માટે થાય… કે લોકોત્તર શાસન નથી મળ્યું એ લોકો જો યોગની અંદર આટલા આગળ જઈ શકતા હોય, કે એ કહી દે, કે મને વિચાર આવતો જ નથી. વિચાર નામની સંઘટના મારા માટે ખતમ થઇ ગઈ છે. હું માત્ર વર્તમાનયોગમાં છું. ન અતિતની ચિંતા છે, ન ભવિષ્યની હું માત્ર એક વર્તમાન ક્ષણમાં બેઠો છું. આવું જ્યારે હિંદુ યોગીઓ કહે, સુફી યોગીઓ કહે, ત્યારે આંખો ભીની બને, કે આપણે ત્યાં આવું કેમ નહિ! તમારા બધામાં એ  તાકાત છે, you can do this, but if you desire. જો તમારી સંકલ્પ શક્તિ તીવ્ર હોય તો… જે કાયોત્સર્ગ આપણી પોતાની સંપદા છે, ધ્યાન બધી જ સાધનાધારામાં છે. એક પણ સાધનાધારા એવી નથી કે જેમાં ધ્યાન ન હોય. પણ કાયોત્સર્ગ માત્ર જૈન સાધના પદ્ધતિમાં છે. હવે એ કાયોત્સર્ગને આપણે ન સમજીએ, ન કરીએ તો આપણે પ્રભુના અપરાધી ન ઠરીએ? લોકોનો આટલો બધો ભાવ આપણા ઉપર, લોકો આટલી બધી વૈયાવચ્ચ આપણી કરે, એ બધું આપણે સ્વીકારીએ, સામે પ્રભુની સેવા જે કરવાની છે, એ ન કરીએ તો કેમ ચાલે?

એટલે ધ્યાન + કાયોત્સર્ગ આવી જાય એના માટે આવતીકાલથી શક્ય હોય તો બધાએ અડધો કલાક કાયોત્સર્ગ કરવો. અહીં તો દેરાસરમાં શાંતિ જ શાંતિ હોય. તો કઈ રીતે કરવાનું, ઈરિયાવહિયા કરવાના અને ઇચ્છાકારેણ સંદીસહ ભગવન આત્મનીર્મલી કરણાર્થં કરેમિ કાઉસ્સગમ્ એ પદ બોલી અને સીધું અન્નથ બોલી, વંદણવત્તિઆએ નહિ, અન્નથ, અને કાઉસ્સગ શરૂ કરવાનો. અને એ કાઉસ્સગ જે તમારો જે છે, એ ૨૫ કે ૫૦ લોગસ્સનો નહિ, એ ૫૦ કે ૧૦૦ નવકારમંત્ર નો નહિ, પણ એ કાયોત્સર્ગ જે છે, એ કાયોત્સર્ગ નીર્યુક્તીમાં બતાવ્યો છે એ, આપણે કરીએ છીએ એ ચેષ્ટા કાયોત્સર્ગ. ઈરિયાવહિયા, ગમનાગમન કર્યું, ચેષ્ટા કરી, તો ઈરિયાવહિયા કરી લીધા. તો આ કાઉસ્સગમાં શું થશે? કે તમારા મનને સ્થિર કરવા માટે નવકારમંત્ર ગણો. નવકારમંત્રનું એક પદ લો, લોગસ્સ ગણો, અથવા લોગસ્સ્સનું એક પદ લો, “તિત્થયરા મેં પસીયંતુ” અને તમારા મનને તમે એમાં પરોવી દો. પછી એમ લાગે કે જપના પદની અંદર મન બરોબર આવી ગયું છે, ત્યારે પદ છોડી દો. અને શાંત ચિત્તે બેઠેલા રહો. ઉભા ઉભા કાઉસ્સગ કરો, સ્થિરતા ન હોય તો કોઈ વાંધો નહિ, બેઠા બેઠા પણ આરામથી થશે. તો શાંત ચિત્તે બેસવાનું. શાંત ચિત્તે બેસો એટલે શું થાય? ત્રિગુપ્તિ સાધના. મન વિચાર નથી કરતું, વચનયોગ છે નહિ, કાયયોગ સ્થિર છે. એટલે શુદ્ધ ત્રિગુપ્તિ આપણને એ વખતે મળે. કાયોત્સર્ગ એટલે શુદ્ધ ત્રિગુપ્તિ. આ અભિભવ કાયોત્સર્ગ.

ચેષ્ટા કાયોત્સર્ગમાં શું હોય છે? કે કાયગુપ્તિ શુદ્ધની હોય, પણ મનોગુપ્તિ અને વચનગુપ્તિ શુભની હોય છે. કારણ કે અંદર chanting તમે કરો છો, મનનો ઉપયોગ એ વખતે એમાં હોય છે. આગળ શબ્દોમાં હોય છે ને, શબ્દ તો પર છે. ઉપયોગ તમારી અંદર હોય તો જ તમે શુદ્ધમાં ગયેલા કહેવાય. શુદ્ધની વ્યાખ્યા આટલી જ છે. તમે તમારામાં હોય એનું નામ શુદ્ધ. અને તમને તમારા તરફ લઇ જાય એ શુભ. અને તમને બહાર લઇ જાય એ અશુભ. બરોબર… તમે કેટલો ટાઇમ શુભમાં રહો છો બોલો… માત્ર શુભ વિચારો ચાલતા હોય, અશુભ વિચાર આવે જ કેમ?આવે જ કેમ? ભગવાને તો કોઈ કારણ રાખ્યું નથી કે તમને અશુભ વિચાર આવે. તમે ક્યાંથી ચાલાકી લઈને આવ્યા કે અશુભ વિચાર તમને આવે… ભગવાન તો કહે છે, આત્માર્થી હોય એ સાધક. અને એ સાધક જ દીક્ષા લે. જે આત્માર્થી છે. તમે શરીરાર્થી છો ત્યાં સુધી તમને દીક્ષા ન મળી શકે. માત્ર આત્માર્થી છો.

મારો આત્મા સત્તા એ શુદ્ધ જ છે પણ અત્યારે રાગ, દ્વેષ, અહંકારથી ખરડાયેલો છે, તો એને મારે સ્વચ્છ કરવો છે. આવો ભાવ જેનામાં હોય એ આત્માર્થી સાધક કહેવાય. અને એવો આત્માર્થી સાધક દીક્ષા લે, પછી એને શરીરની કોઈ પડી જ ન હોય. પતરાવાળું મકાન મળ્યું તો પણ કોઈ વાંધો નથી. શરીરાર્થી નથી ને તમે… ઉનાળામાં પતરાવાળો ઉપાશ્રય મળે, તો રાજી, રાજી થઇ જાઓ… કેમ કે આમ તો ગ્રીષ્મ પરિષહ સહન કરવા જવાનો નથી. આ ભગવાને એક નિમિત્ત આપી દીધું. શિયાળામાં ક્યાંક ગયા, સ્કૂલનો કમરો ખોલી ના આપ્યો, બહાર પરસાળમાં સૂઈ જવું પડ્યું, પાછળની રાત્રે ઠંડી બહુ લાગી, તો એ વખતે કાઉસ્સગમાં ઉભા થઇ જવાનું. કાઉસ્સગમાં બેસી જવાનું.

તો જ્યાં કાયોત્સર્ગમાં જાવ, એટલે દેહાભાવથી છુટા થઇ જાવ. કાયોત્સર્ગ એટલે શું? કાયા + ઉત્સર્ગ. બહિર્ભાવ જે છે, એનાથી આપણે છુટા પડી જવાનું. અને અંતર્ભાવમાં, આત્મભાવમાં સ્થિર થવાનું. તો અભિભવ કાયોત્સર્ગ જે છે, એમાં ત્રણે ગુપ્તિ શુદ્ધની મળે છે, તો એમાં અપેક્ષાએ ધ્યાન પણ આવી ગયું. ધ્યાનમાં પણ શું હોય છે? ધ્યાન અને કાયોત્સર્ગના composition માં ફરક આટલો જ છે, કે કાયોત્સર્ગમાં ત્રિગુપ્તિ શુદ્ધ છે. જ્યારે કાયોત્સર્ગમાં, ધ્યાનમાં કાયગુપ્તિ શુભની હોય તો પણ ચાલી શકે. એક મુનિરાજ ઈર્યાસમિતિપૂર્વક જતાં હોય, મન એકદમ સ્થિર છે, વચનયોગ તો છે જ નહિ એ વખતે, એટલે મનોગુપ્તિ શુદ્ધની, વચનગુપ્તિ શુદ્ધની, પણ કાયગુપ્તિ શુભની છે. પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે છે, એટલે કાયગુપ્તિ શુભની છે. પણ તમે બેઠા બેઠા ધ્યાન કરો તો ત્યાં પણ ત્રણે ગુપ્તિ શુદ્ધની થઇ જાય. એટલે માત્ર આવી જગ્યાએ ફરક પડે કે ધ્યાન અને કાયોત્સર્ગના composition માં. તો આવતીકાલથી શરૂ કરો. તમને લાગશે કે પ્રભુએ એક અદ્ભુત સાધના આપવા માટે અમને અહીં બોલાવ્યા હતા. કાયોત્સર્ગ પ્રતિક્રમણમાં વારંવાર કરતાં. પણ એકેય ગુપ્તિનું ઠેકાણું રહેતું નહોતું. શુભમાં ય ઠેકાણું નહિ.

પણ પ્રભુ અમને અહીંયા કાયોત્સર્ગ દીક્ષા આપવા માટે લાવ્યા છે. એટલે આ રીતે ઉભા રહેવાનું કે બેસી જવાનું. શરૂઆતમાં જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી જાપ. પછી મન સ્થિર થઇ જાય, એટલે એકદમ શાંત થઇ જાવ, એ શાંત થશો ને તો તમને અંદર જવાનો માર્ગ મળશે. જ્યાં સુધી વિકલ્પો ચાલુ છે, ત્યાં સુધી વિકલ્પોની આદત એક જ છે, રાગમાં જવું, દ્વેષમાં જવું,, અહંકારમાં જવું. એ તમને બીજે કયાંય લઇ જશે નહિ. પણ અહીં તમે શાંત ચિત્તે બેઠા છો, તો નિર્વિકલ્પતા સધાઈ ગઈ. નિર્વિકલ્પતા સધાઈ એટલે મોટો plus point એ થયો કે જે સતત મન વિભાવોમાં રહેતું હતું, એ વિભાવમાં જતું બંધ થઇ ગયું. પછી હવે આપણે એને સ્વભાવમાં લઇ જઈશું. પણ પહેલા વિભાવોમાં જતું આપણે બંધ તો કરવું પડે.

એટલે કાયોત્સર્ગમાં શું છે, આવેગની સામે શ્વાસ. ‘પાયસમાં ઉચ્છાસા’ જે સંપદા કહી, એ સંપદા શ્વાસોશ્વાસ પ્રમાણે જ છે. આપણને ખ્યાલ છે. તો એ સંપદા અને શ્વાસ કેમ લીધા. તો કહે કે તમે આવેગને, ક્રોધને કે ભયંકર રાગના આવેગને રોકી શકતા નથી. શ્વાસને સ્થિર કરો. ગુસ્સો આવતો હોય ને બહુ, તો આમ શાંત બેસી જાવ, ગુસ્સો હવે આવે છે ? ગુસ્સામાં શ્વાસોશ્વાસ ઝડપી જ ચાલે. અને ગુસ્સાને રોકી ન શકો પણ શ્વાસને રોકી શકો. તો એ જ કામ થઇ ગયું. એ જ રીતે અહીંયા કહ્યું, કે વિભાવોને રોકી નથી શકતા તમે, વિકલ્પોને રોકો. અને વિકલ્પોને રોક્યા, પરમાં જવાનું બંધ થયું, હવે સ્વમાં જવાનું દ્વાર ખુલશે.

હવે શરૂઆતમાં શું થશે? પાંચ-સાત મિનિટ તો શાંત રહેશે, પાછા વિકલ્પો આવશે, જો કે સવારના પહોરમાં અથવા નવકારશી કરીને કે તમને જ્યારે ફાવે ત્યારે કાયોત્સર્ગ કરો, પણ એક વસ્તુ મહત્વની એ છે, કે જેટલો વહેલો કાયોત્સર્ગ થાય એટલો સારો. એટલા માટે કે તમે ઉઠ્યા હોવ, પ્રતિક્રમણ, પ્રતિલેખન, નિત્ય ક્રિયા કરેલી હોય, કોઈ ઘટના તો એ વખતે ઘટતી ન હોય, સવારના પહોરમાં, તો એ ઘટનાના વિકલ્પો નહિ આવે. અને જો કોઈ ઘટના ઘટી ગઈ, અને કાઉસ્સગ કરવા ગયા, તો કાઉસ્સગમાં નહિ રહેવાનું. એ ઘટનાના વિકલ્પોમાં જ રહેવાનું. તો મન એકદમ fresh હોય, તાજું હોય, ત્યારે કાયોત્સર્ગ કરવાનો. અત્યારે કાયોત્સર્ગ દ્વારા આપણે બીજું કાંઈ જ હમણાં જોઈતું જ નથી. નિર્વિકલ્પદશાનો અભ્યાસ થાય એ મહત્વનું છે. એટલે તમારે તમારા મન પરની એક ચોકી જોઈએ, watch. જ્યાં મન વિચારોમાં સર્યું, તરત જ ‘નમો અરિહંતાણં’ ‘નમો અરિહંતાણં’ સહેજ મોટેથી બોલો ભાષ્ય જાપ, અને વિચારો શમે, પાછા શાંતિથી બેસી જાવ. મન ચંચળ છે એ બરોબર… Wavering છે એ બરોબર, પણ એને સ્થિર કરી શકાય છે.

આનંદઘનજી મહારાજે કહ્યું ને, ‘આનંદઘન કહે માહરું આણો તો સાચું કરી જાણો’ મારું મન સ્થિર કરી આપો તો જાણું તમે જાદુગર છો. પ્રભુને challenge ફેંકી, ‘આનંદઘન કહે, માહરું કરી આણો, તો સાચું કરી જાણો’ અને એ સ્તવનમાં એક સરસ કડી છે, ‘સાપ ખાય ને મુખડું થોથું’ આપણે કહીએ ને કોઈને ડંખ માર્યો હોય ને સાપે, તો શું કહે સાપે ખાધો, સાપે કરડ્યો, તો સાપને તો કંઈ મળે જ નહિ આમાં, ડંખ માર્યો, લોહી પણ પીતો નથી કંઈ, ખાલી ડંખ મારીને જતો રહે છે, તો ‘સાપ ખાય મુખડું થોથું’ એટલે ખાલી એમ આટલા વિકલ્પો કર્યા મળ્યું શું? શું મળ્યું? બોલો જે વસ્તુ નિરર્થક હોય, બુદ્ધિશાળી માણસ એમાં આગળ વધે? રણની રેતમાં જઈ અને કોઈ મશીનો લગાવી દે? તેલ કાઢવું છે અત્યારે, અલ્યા રેતમાંથી તેલ ક્યાંથી નીકળે, એમ વિકલ્પો ગમે એટલા કરો, વિકલ્પોથી શું થાય? એક ઘટના ઘટી જ ગઈ, તમે ગમે એટલા વિકલ્પો કરશો, એ વિકલ્પોથી શું થશે, પણ તોય વિકલ્પો થાય છે. કરો છો કહીએ, થાય છે કહીએ, કરો છો કે થાય છે? (કરીએ છીએ.) બેઉમાં ફરક છે. તમે ઊંઘતા ઝડપાઈ ગયા, અને સહેજ વિકલ્પો આવી ગયા, તો થાય છે કહેવાય. અને પછી એ જ ધારામાં તમે આગળ વધો આમણે તો આમ કર્યું, અને આ આમ બોલ્યા, ને આમ બોલ્યા, તો તમે વિકલ્પો કરો છો કહેવાય. સમજ્યા? અડધી મિનિટ સુધી વિકલ્પો થાય છે, પણ પાંચ મિનિટ સુધી ચાલે તો? વિકલ્પો તમે કરો છો. તો આ સાધનાથી શું થશે? કે જ્યારે મન વિકલ્પોમાં જાય, વિકલ્પોને કારણે પીડામાં જાય, તમે એને off કરી શકશો.

અત્યાર સુધી મનની switch ને off કરવાની કોઈ સુવિધા તમારી પાસે નથી. On ને On જ રહે છે. રાત્રે સુતેલા હોય ને સપનું આવે. સપનામાં આમ કેવું લાગે એ વખતે, સાચે જ તમે કરતાં હોય એવું લાગે ને બધું… તો આ સ્વપ્ન નથી લાગતું?

એક રાજા હતો, સમ્રાટ. એના ચાર દીકરા. મોટા દીકરાને જીવલેણ રોગ લાગુ પડ્યો. વૈદ્યોની પેનલ આવી ગઈ. ઘણી દવાઓ આપી. પણ અસર થતી નથી. છતાં એ ગુજરી ગયો. એ જ રાજાના નગરમાં એક ખેડૂત છે, ખેડૂત ખેતરમાં સૂતેલો, અને એને સપનું આવ્યું, રાજાનો દીકરો હમણાં જ મરી ગયેલો, એટલે એ જ વાત મનમાં ચાલતી હતી, એટલે પોતાનો મોટો દીકરો માંદો પડ્યો છે, મરી ગયો છે, બીજો દીકરો માંદો પડ્યો મરી ગયો, ત્રીજો દીકરો માંદો પડ્યો, મરી ગયો, ચોથો દીકરો માંદો પડ્યો મરી ગયો, અને ત્યાં એની ઘરવાળીએ જગાડ્યો, ઉભા થાવ, ઉભા થાવ કહે છે, શું થયું, અરે ગજબ થઇ ગયું. શું થયું કહે છે, આપણા દીકરાને સર્પ કરડ્યો છે, જલ્દી-જલ્દી દવાખાને પહોંચાડો. ઝોળીમાં દીકરાને નાંખીને દવાખાને લઇ ગયા પણ ત્યાં પહોંચતા પહેલા ખતમ થઇ ગયો. એકનો એક દીકરો ખતમ થઇ ગયો. ખેડૂત એ વખતે હજી પેલા સ્વપ્નની હજુ પકડમાં છે, સ્વપ્નમાં ચાર દીકરા હતા એના, પહેલો ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો. હવે આવો આઘાત લાગે ને ત્યારે માણસ રડે નહિ ને તો પાગલ થઇ જાય. Shock જે છે ને અંદરનો એ બહાર કાઢવો જોઈએ. અંદર ને અંદર રહી જાય તો પાગલ થઇ જાય. લોકો ખેડૂતને રડાવવા માટે કોશિશ કરે, રડતો નથી.  કેમ, તો કહે કે પેલા ચાર મરી ગયા એને રડું કે આને રડું? એને સ્વપ્ન અને સત્ય બે માં કોઈ ફરક નથી લાગતો. તમને આ જીવન સ્વપ્ન જેવું લાગે? કે વાસ્તવ લાગે?

અને એ જ લયમાં બુદ્ધ કહેતાં કે જીવન તો એક પરપોટો છે. ક્યારે ફૂટી જાય ખબર જ ન પડે. અને ઘટનાઓ તો પરપોટાના પણ પરપોટાઓ છે. એક-એક ઘટનાઓ માં મનને આપશું તો પ્રભુમાં મન ક્યાં હશે? ક્યારે આવશે? તો મનને ઘટનાઓમાંથી મુક્ત કરવા માટે, પરમાંથી મુક્ત કરવા માટે, કાયોત્સર્ગ આપણે આવતીકાલથી કરવો છે બધાએ, સમય તમને જે અનુકૂળ હોય એ, પણ બધા કરો. અને એક સરસ અનુભવ લઈને આપણે અહીંથી જઈએ. લાગે કે દાદાએ બોલાવ્યા. અને દાદાએ આપેલું લીધું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *