વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : શ્વાસની લયબધ્ધતા
બે જાતની એકાગ્રતા. સાધન એકાગ્રતા અને સાધ્ય એકાગ્રતા. સાધ્ય એકાગ્રતા એટલે સ્વરૂપમાં ડૂબી જવું. તમે તમારો અનુભવ કરો એ સાધ્ય એકાગ્રતાને કારણે. જપના એક નાનકડા પદમાં મનને પરોવી દીધું એટલે મન એ એક પદમાં એકાગ્ર બની ગયું – આ સાધન એકાગ્રતા.
જપ લેવા છતાં જો વિચારો ચાલુ રહેતા હોય, તો એવા સાધક માટે શ્વાસોચ્છવાસને લયબદ્ધ કરવાની પ્રક્રિયા બહુ સારી છે. ધીરે ધીરે શ્વાસ લેવાનો, ધીરે ધીરે શ્વાસ મુકવાનો. ૫-૧૦ મિનિટ તમે શ્વાસ પર આ રીતે ધ્યાન આપો એટલે શ્વાસની લયબદ્ધતા ચાલુ થઇ જાય અને વિચારો લગભગ જતા રહેશે.
પહેલા નિર્વિકલ્પદશાનો અભ્યાસ અને એ પછી ઉપયોગને સ્વમાં લઇ જવાનો. વિકલ્પો તમારા ઉપયોગને પરમાં જ ખેંચી જાય. વિકલ્પો થોડા પણ ઓછા થઇ જાય, એટલે તમે તમારા ઉપયોગને સ્વમાં લઇ જઈ શકો.
આત્મ તત્વનું અનુસંધાન વાચના – ૨
કાયોત્સર્ગનો આજે પહેલો દિવસ.
મનને શાંત કરવું આમ બહુ મુશ્કેલ છે, પણ એની ટેકનીક આપણે શીખી લઈએ, તો એ એકદમ સરળ છે. નાનકડું એક પદ, ‘નમો અરિહંતાણં’ અથવા ‘તિત્થયરા મેં પસીયંતુ’ એના ઉપર ધ્યાન એવું કેન્દ્રિત કરીએ, કે મન એ વખતે એમાં જ પરોવાયેલું હોય. હું બે જાતની એકાગ્રતાની વાત કરું છું, એક સાધન એકાગ્રતા, એક સાધ્ય એકાગ્રતા. સાધ્ય એકાગ્રતા એટલે સ્વરૂપમાં ડૂબી જવું. તમે તમારો અનુભવ કરો એ સાધ્ય એકાગ્રતાને કારણે. એટલે આપણું ultimate goal તો નક્કી જ છે. કે મારે મારા સ્વરૂપનો અનુભવ કરવાનો છે. એના માટે સાધનરૂપ એકાગ્રતા આ છે, કે જપના એક નાનકડા પદમાં મનને પરોવી દીધું. એટલે મન એક પદમાં એકાગ્ર બની ગયું. હવે એકાગ્રતા એમની એમ રહેશે. પદને બદલે સ્વમાં એકાગ્રતા રાખવી છે.
આવો જ એક પ્રયોગ બીજો શ્વાસનો છે, શ્વાસ અનિયમિત. તો મન જે છે એ વિચારોમાં ગુંથાયેલું રહેશે. તમે શ્વાસને સ્થિર – શાંત કરી દો, તો અંદર જવામાં તમને બહુ સરળતા રહે. એટલે જ આપણો કાયોત્સર્ગ શ્વાસ ઉપર જ આધારિત છે. પહેલાંની પરંપરા આ જ હતી, કે આટલા શ્વાસોશ્વાસ અને એ પણ લયબદ્ધ રીતે થવા જોઈએ. પછી લયબદ્ધતા આવી ગઈ. તો શ્વાસ તરફ નજર રાખવાની જરૂર નહિ. તમે પદ બોલો, એ શ્વાસોશ્વાસ પ્રમાણે જ હોય. એ ટેવ પડી ગઈ. એટલે જ શાસ્ત્ર વચન આવ્યું, ‘પાયસમાં ઉસાસા’ આપણે એનો અર્થ એમ કરી લીધો કે ‘નમો અરિહંતાણં’ બોલીએ એટલે ઉચ્છવાસ થઇ ગયો. મૂળ વાત આ છે, તો કાયોત્સર્ગમાં વિભાવો ઉપર વિજય મેળવવા માટે શ્વાસને શાંત, સ્થિર કરવાની આખી વાત છે. આપણે અત્યારે અધૂરા શ્વાસે જીવીએ છીએ.
વચ્ચે એક સવાલ આવેલો, કે હિંદુ યોગીઓ ૫૦૦-૬૦૦ વર્ષ સુધી જીવે છે, ધુરંધરવિજય મહારાજ કહેતા કે ઈકબાલગઢ પાસે જે ડુંગર છે, એના ઉપર એક સંત રહેતાં, તો અત્યારે જે માણસો છે એના દાદા કહે કે મેં જોયા ત્યારે આવા હતા, અને એના દાદાએ સાંભળેલું હોય, કે પોતાના દાદાએ આવું કહેલું, કે આ સંત આવા જ હતા. છ-છ, સાત-સાત પેઢીઓનો તો આંકડો મળી જાય. તો શાસ્ત્રમાં સૌથી વધુ ૧૨૦ વર્ષનું આયુષ્ય કહેલું છે, તો આ આયુષ્ય કઈ રીતે? ત્યાં લોક્પ્રકાશમાં વિનયવિજય મહારાજે કહ્યું, કે કાળનો એકમ ઘડી કે પળ નથી શ્વાસ છે. તમે શ્વાસને જેટલો શાંત કરો એટલી તમારી મિનિટ મોટી થઇ જાય. બીજાનો એક કલાક હોય ને તમારી એક મિનિટ હોય. પણ આયુષ્ય વધારવું એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. પણ શ્વાસને લયબદ્ધ કરીને ભીતર જવું એ બહુ મોટી મજાની વાત છે. એટલે જેમણે પણ જપ દ્વારા થતું હોય, મન સ્થિર તો એ જપ દ્વારા જઈ શકે. જપ દ્વારા નથી થતું,
આજે જ એક સાધકે અત્યારે કીધું કે જપ કરીએ તો પણ વિચારો ચાલુ, જપ છોડીએ તો તો વિચારોનો હુમલો જ થઇ જાય. ફરી પાછો જપ લઈએ, તો પણ વિચારો ચાલુ રહે, તો એમના માટે આ શ્વાસોશ્વાસ જે છે, એને લયબદ્ધ કરવાની પ્રક્રિયા બહુ સારી છે. ધીરે ધીરે ધીરે શ્વાસ લેવાનો, ધીરે ધીરે ધીરે શ્વાસ મુકવાનો. ક્યાંય ઉતાવળ નહિ કરવાની, અને ૫-૧૦ મિનિટ તમે ધ્યાન આપો, એટલે શ્વાસની લયબદ્ધતા ચાલુ થઇ જશે. અને એ શ્વાસની સ્થિરતા આવી તો વિચારો જે છે એ લગભગ જતા રહેશે.
ગુર્જિએફ હમણાંના યોગાચાર્ય થયા, એક પ્રોફેસર એક વિષય લઈને પુસ્તક લખવા માંગતા હતા કે ગુર્જિએફને કોણે શીખવ્યું? આજે અમેરિકામાં અને ભારતમાં પણ એક ચોક્કસ વિષય લઈને પુસ્તક તૈયાર કરવામાં આવે છે. એક પુસ્તક તૈયાર કરતાં બે થી પાંચ વર્ષ લાગે છે. સારો લેખક હોય તો પ્રકાશક એને પહેલેથી બે-પાંચ લાખનો ચેક આપી દેતાં હોય છે. તિથલમાં અશ્વિન મહેતા મળેલા, બહુ સારા પુસ્તકો એમનાં આવતાં, તો એકવાર ભારતના સાગરકાંઠા ઉપર પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો. ફોટોગ્રાફ સાથેનો. તો ઇંગ્લેન્ડ ની એક સંસ્થા સાથે કરાર થયો, તો બે-ત્રણ વર્ષ લાગ્યા, તો બે ત્રણ વર્ષ સુધી five star hotel માં રહે, જમે, first class માંથી flight માં પ્રવાસ કરે. એ બધો જ ખર્ચ પ્રકાશકનો. એટલે પહેલેથી પાંચ-સાત-દસ લાખનો ચેક આપી દે. કે તમે મહેનત કરો અને કામ કરો.
તો એક પ્રોફેસર આ વિષય ઉપર કામ કરતાં હતા, કે ગુર્જિએફ આટલા મોટા યોગાચાર્ય થયા, તો ગુર્જીએફ્ને શીખવ્યું કોને? એટલે પુસ્તકનું શીર્ષક રાખ્યું, Teachers of the Gurdjieff. હવે ઘણા બધા શિક્ષકોને મળી લેવાયું, પછી ખ્યાલ આવ્યો, કે ઈજિપ્તના પાટનગર Cairo – કેરો માં એક મસ્જિદ છે, અને એના મૌલવી પાસે ગુર્જિએફ ઘણો સમય રહેલા. એટલે હવે છેલ્લે ખ્યાલ આવ્યો, પણ મૌલવી એને મળે નહિ, તો પુસ્તક પૂરું થાય નહિ. કેરો ગયા, એરપોર્ટ પર ઉતર્યા, five star hotel માં ગયા, પછી એમને try કર્યો, કે મૌલવીને મારે મળવું છે, કઈ રીતે મળાય? તો બધા જ સંશાધનોએ કહ્યું; કે મૌલવી કોઈને મળવા માંગતા નથી. ચિટ્ઠી લખી કે સાહેબ મારું આ એક પુસ્તક છે, અને તમને ન મળું, તમારો interview ન લઉં તો મારું પુસ્તક અધૂરું રહી જશે. કોઈ જવાબ નહિ. મૌલવી એટલા અંદર ઉતરી ગયેલા, કે ન પ્રશંસાની ઈચ્છા હતી, કે ન કંઈ બોલવાની ઈચ્છા હતી, ન કંઈ કરવાની ઈચ્છા હતી. મસ્જિદમાં શુક્રવારે પ્રવચન માટે પણ મૌલવીએ બીજા એક મૌલવીને તૈયાર કરી દીધેલા. અનુભૂતિની કક્ષામાં કોઈ પણ માણસ જાય, પછી એને બોલવાનું ગમતું નથી, કંઈ કરવાનું ગમતું નથી. માત્ર અનુભૂતિની ધારામાં રહેવાનું ગમે છે.
એક વખત મને એક સવાલ પુછાયેલો કે આપણા હજારો આચાર્ય ભગવંતો થયા, પણ ગ્રંથો પાંચ- દસ આચાર્ય ભગવંતો ના જ મળે છે, એનું શું કારણ? આટલા ઓછા ગ્રંથો કેમ? મેં કહ્યું; આટલા મળે છે એ ય નવાઈ છે. મેં કહ્યું; આ બધા આચાર્ય ભગવંતો અનુભૂતિની ટોચ પર પહોંચેલા. હવે અભિવ્યક્તિમાં આવી ક્યાંથી શકે? અને જે અભિવ્યક્તિમાં આવ્યા, એ પણ એટલા માટે આવ્યા, કે મારા પ્રભુની આજ્ઞા છે. સિદ્ધિ થઇ છે તો વિનિયોગ મારે કરવો જોઈએ. એમ દશવૈકાલિક સૂત્ર તો શય્યંભવસૂરિએ મનકમુનિ માટે લખ્યું, આપણને જલસો પડી ગયો. તો મૌલવી અંદરની દુનિયાના માણસ હતા. ન કોઈને મળવાની ઈચ્છા છે, ન કંઈ કરવાની ઈચ્છા છે, છેવટે પેલા પ્રોફેસરે જોયું કે આ હોટલનું બીલ તો ચડતું જાય છે રોજ, પંદર દિવસ થયા, અને મૌલવીના interview નું ઠેકાણું પડતું નથી. તો મૌલવીની જોડે નજીકમાં કોણ? એ શોધ કરી, એ માણસને પકડ્યો. અને એને કહ્યું કે તમે ગમે તેમ રીતે મૌલવી સાથે મારો મેળાપ કરાવી આપો. પેલો કહે અશક્ય છે. એ કોઈને મળવા જ નથી માંગતા. એ માત્ર એક રૂમમાં બેઠા હોય છે, ખાવાનું કોઈ આપે તો ખાઈ લેશે નહિતર ખાવાની પણ જે છે એ એમને ખ્યાલ નથી હોતો. આણે કહ્યું કે ગમે એમ કરો મારું પુસ્તક એમને મળ્યા વગર અધૂરું રહેશે. તમે મિત્ર છો, તો ગમે એમ કરીને એમને interview માટે તૈયાર કરો. છેવટે એના કારણે મૌલવી તૈયાર થયા. ક્યાં મળવું? તો કહે કે એક સાદામાં સાદી હોટલમાં મળવાનું. Five star હોટલમાં નહિ. સાદી હોટલમાં રૂમ બુક કરાવી. પ્રોફેસર તો time પહેલા આવીને બેસી ગયા. મૌલવી આવ્યા, પ્રોફેસરે હાથ જોડ્યા, પ્રણામ કર્યા, મૌલવી બેઠા, એ પણ બેઠા… પહેલો જ પ્રશ્ન પ્રોફેસરે કર્યો, કારણ કે એને ખ્યાલ હતો કે મૌલવી વધુ સમય પાછા બેસશે નહિ પાછા, તો પહેલો જ પ્રશ્ન કર્યો; ગુર્જિએફ આપની જોડે કેટલા વર્ષ રહેલાં? તો કહે કે ૨૦ વર્ષ રહ્યા. ૨૦ વર્ષમાં આપે એમને શું શીખવ્યું? તો મૌલવી કહે છે કે શ્વાસ કેમ લેવો અને શ્વાસ કેમ છોડવો એ મેં એને શીખવાડ્યું. એટલે પેલા પ્રોફેસરને થયું આ તો પહેલાં સમજાવી ગયું, પછી શું? Then after What? પછી શું? તો કહે પછી કાંઈ નહિ… ૨૦ વર્ષ સુધી માત્ર શ્વાસ કેમ લેવો? અને શ્વાસ કેમ છોડવો, એ મેં એને સમજાવ્યું. પ્રોફેસર તો અચંભામાં, ૨૦ વર્ષ??? આના માટે? મૌલવી હસ્યા, કે તમારે આ પાઠ કરવો હોય તો ૩૦ વર્ષ લાગશે. એ તો ગુર્જિએફ હતા કે ૨૦ વર્ષમાં પતી ગયું. એટલે એ વખતે મૌલવીએ કહ્યું; કે તમે લોકો શ્વાસ લેવાનો અર્થ એ સમજો છો કે શરીરને ઓક્સિજન મળે. એનાથી વધુ લોહીનો સંચરણ થાય. હૃદય ધબકતું રહે. અમે એ રીતે શીખવીએ છીએ, કે કોસ્મિક એનર્જી જે છે એને ખેંચવાની. અને તમારા અસ્તિત્વના છેલ્લામાં છેલ્લા પ્રદેશ સુધી એને પહોંચાડવાની. આખા કોસ્મોસમાં પુરા બ્રહ્માંડમાં એક એનર્જી છે. પછી મુસ્લિમ હોય એને અલ્લાહ કહે, ક્રિશ્ચનો ઇસુ ખ્રિસ્ત કહે, આપણે પ્રભુ કહીએ, પરમાત્મા, તો એક કોસ્મિક એનર્જી છે. એ કોસ્મિક એનર્જીને તમારે ખેંચવી છે. અને કોસ્મિક એનર્જીને તમારી ભીતર તમારે લઇ જવી છે. અને શ્વાસ છોડો ત્યારે તમારી અંદર રહેલો કચરો બહાર નીકળી જવો જોઈએ. એટલે તમે પણ શ્વાસને આધારમાં રાખીને આ કામ કરી શકો. પાલીતાણામાં વાચના હતી ને તો મેં કહ્યું; કે શ્વાસ પર આધાર રાખી અને અંદર જવાય. એટલે મુક્તિચંદ્ર-મુનીચંદ્રસૂરિ ત્યાં આવ્યા. અને મને કહે આ તો વિપશ્યના થઇ ગઈ. મેં કહ્યું: શ્વાસ કોઈના બાપની ચીજ છે કે એ બૌદ્ધોની થઇ જાય. તમારો શ્વાસ તમારો છે. એને વિપશ્યના જોડે શું લેવા-દેવા છે. તો જાપથી પણ અંદર જવાશે, કાયોત્સર્ગ દ્વારા પણ અંદર જવાશે. આપણે આજથી એવી સાધના શરૂ કરીશું, કે પહેલું તો આપણને નિર્વિકલ્પદશાનો અભ્યાસ થઇ જાય. એવો અભ્યાસ થઇ જાય કે તમે switch off કરી શકો. આજે તમારા વિચારોની switch on ને on જ રહે છે. Off તમે કરી શકતા નથી. આ નિર્વિકલ્પદશાનો અભ્યાસ કરો, આમ બેસી જાવ, તરત જ વિચારો સાથેનું connection તૂટી જશે. સાધના શિબિરોમાં જે લોકો આવ્યા એમાંના ઘણાએ કહ્યું, કે સાહેબ માત્ર અમે ધ્યાનમાં જઈએ છીએ, વિકલ્પોથી એકદમ રહિત બની જઈએ છીએ. આ અનુભવ રોજિંદા જીવનમાં બહુ કામનો આવે છે. એમ લાગે કોઈ રફ્લી બોલી રહ્યું છે, અને મનમાં ગુસ્સો થશે, ગુસ્સો થશે ને હું કંઈ બોલીશ, સામેવાળો કંઈક બોલશે. આખું ચક્ર ચાલશે એ વખતે માત્ર આમ કરીને બેસી જાવ. આ મુદ્રા અને વિચારો off થઇ જાય. તો શ્રાવકો ને, જે લોકો સંસારમાં રહે છે, એમને પણ આ સાધના આટલી સરસ રીતે મળી જાય તો તમને કેમ ન મળે… એટલે પહેલું નિર્વિકલ્પદશાનો અભ્યાસ. અને એ પછી ઉપયોગને સ્વમાં લઇ જાવ. જ્યાં સુધી વિકલ્પો છે, ત્યાં સુધી વિકલ્પોને પરમાં જ જવાની ટેવ છે. એટલે કારણ નહિ હોય, નિમિત્ત ન હોય તો સ્મરણમાં ય લાવશે કઈક… પેલાએ મને આમ કહ્યું. અને એમ કરીને ગુસ્સો કરશે. એટલે વિકલ્પો તમને પરમાં જ લઇ જતા હતા. વિકલ્પો થોડા પણ ઓછા થઇ જાય, એટલે તમે તમારા ઉપયોગને સ્વમાં લઇ જઈ શકો. સંપૂર્ણ નિર્વિકલ્પદશા ૧૩માં ગુણઠાણે જ છે. જ્યારે રાગ પણ ક્ષીણ થઇ જાય છે. પણ મોટા-મોટા વિકલ્પોથી આપણે પર થઇ જઈએ, એ અત્યારે મળી શકે છે. તમારે સૂક્ષ્મ નહિ, સ્થૂળ વિકલ્પો જોવા ને અત્યારે… પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું. સાધુની દ્રષ્ટિ નીચે જ હોય. એક સાધ્વીજીની દ્રષ્ટિ નીચે જ હોય. સ્વાધ્યાય કરતી હોય આમ જોતી હોય, તમને ખબર શું પડે, કોણે શું કર્યું, કોણે નહિ… ણ ય દિટ્ઠમ્ સોયં સવ્વં, સાહુ અક્ખાઉ… કોઈ પૂછે પેલા ભાઈ અહીંથી ગયેલા, તમે જોયા હતા? સાહેબ મને ખબર નથી. ઉપયોગ નહોતો તો ખબર નહોતી. તમારી જોડે પેલા બે જણા બેઠા હતા, કંઈક વાતચીત કરતાં હતાં, શું વાત હતી? સાહેબ મારું મન તો આમાં હતું સ્વાધ્યાયમાં… મને કંઈ ખબર નથી. ણ ય દિટ્ઠમ્ સોયં સવ્વં, સાહુ અક્ખાઉ… બધું જ કંઈ પણ તમે કહી ન શકો, એ ક્યારે બને? એટલે પ્રભુના શ્રામણ્યને જો આપણે બરોબર સ્વીકારી લઈએ, આત્મસાત્ કરી લઈએ તો આ બધું તો આપણને મળેલું જ… પરમાં તમારો ઉપયોગ જાય જ નહિ. માત્ર શુભમાં જાય. એ શુભમાંથી શુદ્ધમાં divert કેમ કરવો, એટલું જ પછી શીખવાનું રહે, પણ અત્યારે જે ઉપયોગ સતત પરમાં જાય છે એ જાય જ નહિ.
તો આપણે આ કામ કરવું છે, કે નિર્વિકલ્પદશાના અભ્યાસથી ઉપયોગને પરમાં જતો અટકાવવો છે. અને એકવાર પરમાં જતો અટકી જાય તો ઉપયોગને સ્વમાં મુકવો એ સરળ બની જાય. એટલે આ આપણો ultimate goal છે. અને એ goal ને પકડીને આપણે ચાલવાનું છે. બરોબર….