Anandghanji Na Sathvare – Vachana 02

322 Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુયોગ

અતીતની યાત્રામાં કેટલાય સદ્ગુરુઓ આપણને મળ્યા, પણ આપણે સમર્પિત ન થયા એ સદ્ગુરુઓને; એટલે એ સદ્ગુરુઓ આપણા ઉપર કોઈ કામ કરી શક્યા નહિ.

રોજ પ્રભુની પાસે આપણે માંગીએ છીએ સુહગુરુજોગો. પ્રભુ! તું માત્ર સદ્ગુરુ આપીને છૂટી જઈ શકતો નથી; એ સદ્ગુરુના ચરણોમાં તારે મને ઝૂકાવવાનો પણ છે!

સદ્ગુરુના ચરણોમાં ઝૂકવું એટલે તમારા મનનું સમર્પણ કરવું. મન સતત ગુરુની આજ્ઞામાં હોય; મનમાં ગુરુની આજ્ઞા પ્રત્યે સતત બહુમાન રહેતું હોય…

ઘાટકોપર ચાતુર્માસ વાચના –

પરમાત્માનો પ્રેમ સતત આપણા ઉપર વરસી રહ્યો છે. એક સેકંડ એવી નથી કે જ્યારે પરમાત્માનો પ્રેમ આપણા ઉપર ન વરસતો હોય.

એકવાર એક ભાવકે મને પૂછેલું કે ગુરુદેવ! પ્રભુ તો વિતરાગ છે; એ પ્રેમ કેવી રીતે વરસાવે? એ વખતે મેં આનંદઘનજી ભગવંતના ૧૫માં સ્તવનની એક કડી એને કહેલી.. જેમણે પ્રભુનો સાક્ષાત્કાર કરેલો, એવા આનંદઘનજી ભગવંતની આ પરાવાણી…    “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, પ્રેમ પ્રતિત વિચારો ઢુંકડી, ગુરુગમ લેજો રે જોડ.” બહુ જ પ્યારા શબ્દો આવ્યા: પ્રેમ પ્રતિત વિચારો ઢુંકડી. ઢુંકડી એટલે નજીક. પ્રભુના પ્રેમની પ્રતીતિ હમણાં જ તમને થઇ જાય. કઈ રીતે? પ્રભુનો પ્રેમ મને મળેલો છે – એની પ્રતીતિ કઈ રીતે થાય? “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, આનંદઘનજી ભગવંત કહે છે કે ભાઈ! સાધના માર્ગ પર તું એક ઇંચ, એક સેન્ટીમીટર, કે એક ડગ આગળ ભરી શકતો હોય તો એ પ્રભુના પ્રેમના કારણે છે. પ્રભુનો પ્રેમ આપણને મળે; સાધના માર્ગે આપણી ગતિ શરુ થાય.

પહેલો જ પડાવ છે મિત્રાદ્રષ્ટિ. તમે બધાના મિત્ર બની જાવ. અને તમારી ભીતર મૈત્રીની, પ્રેમની ધારા શરુ થાય, ત્યારે તમે માની શકો કે પ્રભુનો પ્રેમ તમારા ઉપર વરસ્યો છે. કેવો હતો પ્રભુનો  પ્રેમ! દેવલોકમાં જયારે પરમાત્માનો આત્મા હતો, ત્યારે દેવલોકમાં એમને ચેન નથી પડ્યું. એક જ વાત… ક્યારે તીર્થની સ્થાપના કરું અને ક્યારે બધા જ આત્માઓને કલ્યાણનો માર્ગ હું દેખાડું… એ પ્રભુનો પ્રેમ સિંહ અણગારે માણ્યો. આપણે પણ માણવો છે.

બે શબ્દો આપણી પરંપરામાં છે – અરિહંત અને આર્હન્ત્ય. સક્લાર્હતમાં આપણે બોલીએ… “ભુર્ભુવઃ સ્વસ્ત્રયીશાનમાર્હન્ત્યં પ્રણિદધ્મહે” અરિહંત પ્રભુ એટલે પરમાત્મા; તીર્થંકર ભગવંત. આર્હન્ત્ય એટલે પરમચેતના; એ પ્રભુની શક્તિ. ઉપાધ્યાય યશોવિજય મહારાજે પંચવિશતીકા માં કહ્યું “વ્યક્તા શિવપદસ્થોSસૌ, શક્ત્યા જયતિ સર્વગઃ” પ્રભુ વ્યક્તિરૂપે અત્યારે સિદ્ધશિલા ઉપર. સીમંધર પરમાત્મા વિગેરે અત્યારે મહાવિદેહમાં. પણ શક્તિ રૂપે પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં છવાયેલા છે. પરમ ચેતના પૂરા બ્રહ્માંડ છવાયેલી છે. બ્રહ્માંડનો એક tiniest portion એવો નથી કે જ્યાં પ્રભુના હસ્તાક્ષર ન હોય.

અમે લોકો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ – અંજનશલાકા… એ પ્રાણ પ્રતિષ્ઠાની મૂળ વિધિ શું છે? બ્રહ્માંડ વ્યાપી આ પરમ ચેતનાને અમે લોકો મૂર્તિની અંદર અવતરિત કરીએ. જયપુરથી તમે લાવ્યા ત્યાં સુધી મૂર્તિ; અમે પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ભગવાન. તો પ્રાણ પ્રતિષ્ઠા એટલે શું? ચૈતન્યની પ્રતિષ્ઠા… તો પૂરા બ્રહ્માંડની અંદર પરમ ચૈતન્ય વ્યાપક છે. પરમાત્માની શક્તિ. આર્હન્ત્ય. એ પરમ ચેતનાને અમે લોકો મૂર્તિની અંદર અવતરિત કરીએ. જે ખાસ વિધિ રાત્રે થાય છે અને જેમાં તમને કોઈને પણ આવવાનો રસ્તો મળતો નથી – એ જે ગુહ્ય વિધિ છે, એમાં આ વસ્તુ થાય છે, કે પરમ ચૈતન્યની અમે લોકો મૂર્તિની અંદર પ્રતિષ્ઠા કરીએ.

એકવાર સુરતમાં પ્રાણ પ્રતિષ્ઠા હતી. જે રાત્રે મારે પ્રાણ પ્રતિષ્ઠા માટે જવાનું હતું, એ સાંજે હું મારી પાટ ઉપર બેઠેલો. એ વખતે એક ભાવકે મને પૂછ્યું ‘સાહેબ! રાત્રે આપ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ માટે જશો ત્યારે તો અમને પ્રવેશ મળવાનો નથી. પણ મારે પૂછવું છે કે જે ક્ષણે તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો, એ વખતે તમારા મનમાં શું વિચાર આવતો હશે અને તમે કઈ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરશો?’ એ વખતે મારા હોઠેથી અનાયાસ ઉત્તર સરેલો કે ભાઈ! પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા પ્રભુ જ કરે; મારી કોઈ હેસિયત નથી! યશોવિજયને માત્ર એ દ્રશ્ય જોવા મળશે. પ્રભુની પ્રતિષ્ઠા પ્રભુ જ કરી શકે.

જ્યારે આચાર્ય પોતાની ચેતનાને પરમાત્મમય બનાવી દે છે, ત્યારે જ એ પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે છે. હમણાંના એક બહુ જ ઉંચી કક્ષાના ગુરુની વાત કરું… એમના હાથે એક બહુ મોટા સ્થળે ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠા થવાની હતી. સાહેબની પધરામણી પણ થઇ ગઈ. એક જ વ્યક્તિએ દેરાસર બનાવેલું. પ્રતિષ્ઠા મહોત્સવ પણ એ જ વ્યક્તિનો હતો. ૧૦ – ૧૫ હજાર માણસ રોજ આવતા. બસો રાખેલી – સેંકડો. ગામોમાંથી આવો અને ગામોમાં પાછા જાઓ…; આખો દિવસ અહીંયા રહો. જે દિવસે રાત્રે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જવાનું હતું, એ દિવસે બપોરે એ ભાઈ વંદન કરવા માટે આવ્યા – જેમણે જિનાલય બનાવેલું, જેમના તરફથી મહોત્સવ હતો. એ વખતે એ ગુરુદેવે એની બહુ જ ઉપબૃંહણા કરી. કે બહુ સરસ જિનાલય તમે બનાવ્યું. બહુ સરસ તમે મહોત્સવ કર્યો, હજારો લોકોને ભક્તિના પ્રવાહમાં તમે જોડ્યા… પેલા ભાઈ ગયા. એ પછી સાહેબના પટ્ટશિષ્યે સાહેબને પૂછ્યું, કે સાહેબ! આપની ધારા તો એ છે કે કોઈએ કરોડ ખર્ચ્યા કે ૧૦ કરોડ ખર્ચ્યા કે ૨૦ કરોડ ખર્ચ્યા – આપની નિશ્રામાં… આપ ખાલી આશીર્વાદ આપી દો છો. પણ ક્યારે પણ આવી રીતે કોઈની પ્રશંસા આપ કરતા નથી. આજે આની પ્રશંસા કરી એની પાછળનું શું કારણ?

તમે કારણ જાણશો ને તમને એકદમ અહોભાવ થશે કે આવી આપણી પરંપરા છે! આવા આપણા સદ્ગુરુઓ છે! ગુરુદેવે કહ્યું, કે પહેલા દિવસે હું આવેલો અને એ ભાઈ મને વંદન કરવા આવેલા, ત્યારે મેં એમને સુચના કરેલી કે મહોત્સવમાં બહુ ધામ – ધૂમ નહિ કરતા; મહોત્સવ સાદાઈથી પતાવજો. અને તમારે જેટલી રકમ ખર્ચવી હોય, એ સાધર્મિક ભક્તિ આદિમાં ખર્ચજો. પણ એ ભાઈએ મારી વાત માની નહોતી. હવે રાત્રે મારે અંજનશલાકા કરવા જવાનું હતું. મને થયું કે મારા conscious mind માં તો એ વ્યક્તિ પ્રત્યે સહેજ પણ તિરસ્કાર નથી; પણ કદાચ unconscious mind માં એક વાત આવી ગઈ હોય, કે મારી વાત આણે કેમ ના માની… આટલો પણ સૂક્ષ્મ તિરસ્કાર મારી ચેતનામાં રહેલો હોય, તો મારી ચેતના પ્રાણ પ્રતિષ્ઠા કરી શકે નહિ. હું ખૂબ ઉલ્લાસથી એના કાર્યોની અનુમોદના કરી શક્યો એટલે મને લાગ્યું કે un conscious mind માં પણ એના પ્રત્યેનો તિરસ્કાર મારા મનમાં નથી. હવે હું રાત્રે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકીશ.

તો ફરી આપણે મૂળ વાતમાં જઈએ. બે શબ્દો – અરિહંત અને આર્હન્ત્ય. અત્યારે પ્રભુ મહાવીરનું આર્હન્ત્ય જે છે, એ પણ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. દિક્ષાઓ આટલી થાય છે, આટલા બધા શ્રેષ્ઠ અનુષ્ઠાનો થાય છે, એની પાછળ શક્તિ પ્રભુની છે. પ્રભુનું આર્હન્ત્ય સક્રિય છે. જે ક્ષણે પ્રભુનું આર્હન્ત્ય નિષ્ક્રિય બનશે, એ ક્ષણે સાધના નહિ હોય. છટ્ઠો આરો આવશે; સાધના નહિ હોય. કારણ? પ્રભુ મહાવીરનું આર્હન્ત્ય એ વખતે સક્રિય નથી.

આપણે કહીએ ને શાસન… પ્રભુ મહાવીરનું શાસન… શાસન એટલે શું? અત્યારે શક્તિ  ભારતમાં છીએ. તો ભારત સરકારના શાસનમાં આપણે છીએ. તમે ભારત સરકારના કાનૂનોને તોડો તો સરકાર તમને દંડિત કરે અને તમે સરકારના કાનૂનોને પાળો તો તમને સરકાર તરફથી પોલીસ વિગેરેની સુરક્ષા મળે. આજ વાત પ્રભુ શાસનની છે. એટલે વિતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ કહ્યું “આજ્ઞારાદ્ધા વિરાદ્ધા ચ, શિવાય ચ ભવાય ચ” પ્રભુના શાસનમાં આપણે છીએ. પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ આપણે કર્યું કાંઈ તો આપણે દુર્ગતિમાં ફેંકાઈ જઈશું, અને પ્રભુની આજ્ઞા પ્રમાણે જો આપણે ચાલીશું તો મોક્ષ આ રહ્યો!

તો, આર્હન્ત્ય બ્રહ્માંડ વ્યાપી છે. આજે છે ને એક નવો પાઠ શીખો. સ્કુલમાં વિજ્ઞાનમાં તમે ભણેલા છો કે ઓક્સિજનના મહાસાગરમાં આપણે છીએ. આજે એક વાત તમે ઉમેરી લો… કે પરમ ચેતનાના મહાસાગરમાં પણ આપણે છીએ! આપણી આસપાસ, ચોપાસ પરમ ચેતનાનો મહાસાગર રેલાઈ રહ્યો છે.

આપણે ત્યાં ૩ શબ્દો છે – ગુરુવ્યક્તિ, ગુરુચેતના, અને પરમચેતના. આજે આપણે પરમાત્માના પ્રેમને અનુભવવો છે. પણ પરમચેતના એટલે શું? તો ૩ પડાવ થયા – ગુરુવ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના.

જે પણ ગુરુદેવ દ્વારા તમે તમારી સાધનાને લીધી, એ ગુરુ વ્યક્તિ. તમારા સદ્ગુરુ. એક વાત પૂછું? ગુરુ કેવા ગમે? તમને પંપાળે એવા કે ઠોકે એવા..?! ડોક્ટર કેવો ગમે? Handsome ડોક્ટર જોઈએ, મીઠું બોલનારો ડોક્ટર જોઈએ, આવી કોઈ ડોક્ટરની વ્યાખ્યા ખરી…? ડોક્ટર એના વિષયમાં નિષ્ણાંત જોઈએ. સદ્ગુરુ કેવા જોઈએ? તમને પંપાળે એવા! એવા સદ્ગુરુ માથે હોવા જોઈએ કે જે તમને ખખડાવી શકે, ભલે ને તમે કરોડપતિ અને અબજોપતિ રહ્યા…. ગુરુ તમને ખખડાવી શકે. અને તમે પણ સાધક તરીકે એવા સમર્પિત હોવ કે સદ્ગુરુને બધી જ વાત તમે જણાવેલી હોય. સંસારની પણ….

અને એમાં એકવાર કોઈ ફેકટરીમાં partnership ની offer આવી. તમને offer ગમી ગઈ. પેલાએ કહ્યું કે ok કરીએ..? ‘ના ok નહી.’ મારે ગુરુ મહારાજને પૂછવું પડશે. રાખ્યું છે આવું? ગુરુ મહારાજને મારે પૂછવું પડશે. ગુરુ પાસે ગયો. વંદન કર્યું. સાહેબજી! આ નવી ફેકટરીમાં partnership ની offer છે, આમ બહુ સારી offer લાગે છે, પણ આપની આજ્ઞા વિના હું એક ડગ પણ ભરવાનો નથી. અને સાહેબ લાલ આંખ કરે: તારું પેટ ભરાઈ ગયું, પટારો ભરાઈ ગયો, હવે શેના માટે આ કર્માદાનનો ધંધો કરવો છે? નથી કરવાનો. છે આવા સદ્ગુરુ?

સદ્ગુરુ તમારી પૂરેપૂરી બાંહેધરી  લેવા તૈયાર છે. જો તમે સદ્ગુરુને સમર્પિત થયા તો સદ્ગુરુ કહેશે, કે મોક્ષ સુધી તને પહોંચાડવાની જવાબદારી મારી છે. પણ તમે સમર્પિત ન હો, તો અમારા હાથ બંધાયેલા છે. we can’t do anything absolutely.

તો, ગુરુવ્યક્તિ, ગુરુચેતના, પરમચેતના. તો જે સદ્ગુરુદેવ દ્વારા તમને સાધના મળી, એ તમારા સદ્ગુરુ ગુરુવ્યક્તિ. તમારે એમને એવી રીતે સમર્પિત થવું છે… કે એમની આજ્ઞા વિના કોઈ કાર્ય તમારે કરવું નથી. સંસારની વાત સાહેબને ન પૂછાય…આવું માનતા નહી. કારણ સંસારની વાત જાણવામાં, તમારી સંસારની વાત જાણવામાં અમને બિલકુલ રસ નથી. પણ જો તમે સમર્પિત થયેલા છો, તો તમે વધુ કર્મબંધમાં ન જાઓ, એ જોવાની અમારી એક જાતની ફરજ છે. એટલે અમે અમારી ફરજ બજાવવા તૈયાર છીએ. We are ready, Are you ready? ભાઈ તૈયાર? “સાહેબજી વ્યાખ્યાન આપો સાંભળી લઈશું તૈયાર..”!

સદ્ગુરુસમર્પણ. આપણે ‘જયવીયરાય” સૂત્રમાં પ્રભુ પાસે સદ્ગુરુયોગ માંગીએ છીએ… ‘સુહગુરુજોગો’. સદ્ગુરુ કેમ નથી માંગતા? સદ્ગુરુયોગ કેમ માંગ્યો? પ્રભુ તું મને સદ્ગુરુ આપ – એવી પ્રાર્થના કેમ ન કરી? એનું કારણ છે. અતિતની યાત્રામાં કેટલાય સદ્ગુરુ આપણને મળ્યા – હરિભદ્રસૂરિ મહારાજ જેવા, હીરસૂરિ મહારાજ જેવા, હેમચંદ્રાચાર્ય જેવા…. પણ આપણે સમર્પિત ન થયા એ સદ્ગુરુઓને; એટલે એ સદ્ગુરુઓ આપણા ઉપર કોઈ કામ કરી શક્યા નહિ.  તમે હોસ્પીટલમાં જ ન જાઓ તો ડોક્ટર operation ક્યાંથી કરે? તમે સમર્પિત ન થાવ, તો ગુરુ કામ શી રીતે શરુ કરે તમારા ઉપર…? તો અતિતની યાત્રામાં કેટલાય સદ્ગુરુઓ મળ્યા… સદ્ગુરુઓ તૈયાર હતા, આપણે તૈયાર નહોતા. અને એથી આવા શ્રેષ્ઠ સદ્ગુરુઓ મળ્યા અને છતાં આપણે એવા ને એવા રહ્યા. આ જન્મની અંદર સદ્ગુરુયોગ થયો છે? એક સદ્ગુરુ સમર્પણ થયું પછી backseat journey…. સાધનાની. પછી મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી સદ્ગુરુની. તમને appropriate સાધના સદ્ગુરુ આપે. એ સાધનાને કેમ ઘૂંટવી… એ સદ્ગુરુ સમજાવે. એ સાધનાને યોગ્ય appropriate atmosphere સદ્ગુરુ આપે. અને એ સાધના માં કોઈ અવરોધ આવે તો સદ્ગુરુ હટાવે. સદ્ગુરુ તૈયાર છે. અમે સાધના આપવા તૈયાર… સાધના ઘૂંટાવવા તૈયાર… સાધન માટે યોગ્ય વાતાવરણ આપવા તૈયાર… અને તમારી સાધનામાં અવરોધ આવે તો અવરોધને હટાવા તૈયાર.

હું ઘણીવાર તમને લોકોને નિરૂપદ્રવી શિષ્ય કહું છું. આમ temporary શિષ્ય તો ગણાવો ને..? permanent નહિ… કલાક માટે તો ખરા…. તો તમે બધા નિરૂપદ્રવી શિષ્યો છો. ઉપદ્રવી શિષ્ય કેવો હોય ખબર છે? એને સાધના આપી ગુરુએ…. એ ઘૂંટે…. ક્યાંક તો અવરોધ આવવાનો જ છે, સદ્ગુરુ પાસે આવે… સાહેબજી! આ રીતે સાધના ઘૂંટી, પણ આગળ વધાતું નથી. ગુરુ ફરી એને સમજાવે. ફરી પેલો જાય… ફરી સમજણ ન પડે… ફરી ગુરુ પાસે આવે. એ ઉપદ્રવી શિષ્ય. તમે બધા જ નિરુપદ્રવી શિષ્યો! એક કલાક – દોઢ કલાક બરાબર સાંભળી ઘરે જઈને ઊંઘી જવાનું! 

વાચનાનું homework કરવું છે. રાજગૃહીમાં પરમાત્માનું સમવસરણ જ્યારે મંડાતું ત્યારે ધન્ના મુનિ, અને શાલીભદ્ર મુનિ વૈભારગિરિની ગુફામાંથી સમવસરણમાં આવતાં. પ્રભુને વંદન કરતા, પ્રભુને પીતા… તમે સાંભળો છો કે પીવો છો? પીવો; મજા આવી જશે! પ્રભુની દેશના પૂરી થાય, વંદન કરીને ધન્ના મુનિ અને શાલીભદ્ર મુનિ પાછા વૈભારગિરિ ની ગુફામાં આવે. ગુફામાં આવે, ઈરિયાવહિયા કરે, આસન પર બેસે; પછી શું કરે…. ? પ્રભુએ theoretical form માં જે આપ્યું છે એને practical form માં કેવી રીતે ફેરવવું એનું ચિંતન કરે. તમે ભલે અત્યારે સમય તાત્કાલિક ન આપી શકો. આ પદાર્થ આજના તમારા ખ્યાલમાં હોય, રાત્રે પણ તમે થોડુક ચિંતન કરો…. કે સદ્ગુરુ સમર્પણ કેમ મેં કર્યું નહિ?

અનંતા જન્મોની અંદર ક્યારે પણ સદ્ગુરુ સમર્પણ થયું નથી. અને એનો પુરાવો એ કે આપણે સંસારમાં છીએ. સમર્પણ થયેલું હોત તો મોક્ષમાં પહોંચી ગયા હોત. તો તમે એ વિચારી શકો આજે રાત્રે કે સમર્પણ અઘરું કેમ છે?

એક સદ્ગુરુ તમારા સાધના દીક્ષા દાતા હોય. એમને ખ્યાલ હોય કે તમે ક્યા છો? તમારું અત્યારનું સાધનાનું stand point કયું છે… એ સદ્ગુરુ જાણી લે છે. તમે કહો એ તમારા તરફ ખુલતી વાત છે. સદ્ગુરુ તમારા ચહેરાને જોઇને તમારી સાધનાનું અત્યારનું stand point નક્કી કરી લે છે. અને એ પછી આ જન્મના છેવાડા સુધીમાં તમને ક્યાં સુધી પહોંચાડી શકાય એમ છે… એ પણ જોવે છે.

એટલે બધું જ ગુરુચેતના અને પરમચેતના કરે છે. એકવાર પ્રવચનમાં હું આ વાત કરતો હતો. મારી સામે એક ભાઈ બેઠેલો. મને કહે બધું જ પ્રભુ અને ગુરુ કરી લે, તો અમારે શું કરવાનું…? હું પણ હળવા મુડમાં હતો, મેં કહ્યું ભાઈ! પ્રભુ અને ગુરુનું કામ તો અનંતા જન્મોથી ચાલે છે. પણ એ જે પ્રેમનું ઝરણું ચાલતું હતું, પ્રભુના પ્રેમનું, અને સદ્ગુરુના પ્રેમનું ઝરણું, એમાં આપણે બુદ્ધિ અને અહંકારના પત્થર જ નાંખ્યા છે! એટલે મેં કીધું તારે કામ એક જ કરવાનું; હવે પત્થર નહિ ફેંકવાના.

તમે બુદ્ધિજીવી કે શ્રદ્ધાજીવી સાચું કહેજો? વીરવિજય મહારાજે નવ્વાણું પ્રકારની પૂજામાં કહ્યું છે કે ‘શ્રદ્ધા વિણ કુણ ઇહાં આવે રે’ શ્રદ્ધા વગર અહીંયા કોણ આવે? શત્રુંજય ગિરિરાજ પર અને પ્રભુ શાસનમાં… અને કદાચ શ્રદ્ધાજીવી ન હોય તો? એમણે બહુ સરસ વાત લખી કે ‘લઘુ જળમાં કિમ તે નાવે રે’ ખાબોચિયામાં કેમ કરીને નાહી શકાય? બુદ્ધિનું ખાબોચિયું, અહંકારનું ખાબોચિયું… અત્યાર સુધી તમે સદ્ગુરુને પણ બુદ્ધિની ફૂટપટ્ટીથી માપ્યા. તમારી બુદ્ધિની frame, અવધારણાની frame, વિચારણાની frame. એ frame માં તમારે સદ્ગુરુનું ચિત્ર મુકવું છે. ચિત્ર મોટું છે, frame નાની છે; ચિત્ર કાપી નાંખો! આ જ કામ કર્યું છે અત્યાર સુધી…

તો મેં પેલા ભાઈને કહ્યું કે ભાઈ! બુદ્ધિ અને અહંકારના પત્થર પ્રભુ પ્રેમના ઝરણામાં ફેંકવાના નહી. આટલું જ કામ આપણે કરવાનું છે. બુદ્ધિથી શું થાય? બુદ્ધિથી પૈસા મળે. પ્રભુ તો મળે નહિ ને… અને આપણને તો પ્રભુ જ જોઈએ ને…..

એક ખેડૂત રેલ્વે compartment માં હતો. એક પ્રોફેસર પણ એ compartment માં હતો. ખેડૂતે પ્રોફેસરને કહ્યું કે, ‘સાહેબ! તમારે ક્યાં જવાનું છે?’ તો કે અહીંયા…

“ઓહ! મારે પણ ત્યાં જ જવાનું છે. આપણા બેનો પ્રવાસ લાંબો છે – તો એવું કંઈક કરીએ મજાનું કે કંઈક રમત કરીએ, તમે મને પૂછો હું તમને પૂછું…

પ્રોફેસર મનમાં વિચાર કરે… હું કેટલો જ્ઞાની માણસ અને અને સાવ ડફોળ. એ મને શું પૂછવાનો…

ખેડૂતે વાત આગળ વધારી. સાહેબ! ખાલી ખાલી પૂછશું ને, તો મજા નહિ આવે. થોડી હાર જીત રાખીએ ને, તો મજા આવે. અને તમે તો જ્ઞાનના સાગર છો! પ્રોફેસર તો અહંકારથી ફૂલી ગયો! 

તમે જ્ઞાનના સાગર છો; હું તો ખાબોચિયું છું. તો એવું કરીએ કે હું તમને પૂછું અને જવાબ તમને ન આવડે, તો તમારે મને ૧૦૦ રૂપિયા આપવના…. અને તમે મને પૂછો અને હું જવાબ ન આપી શકું, તો મારે તમને ૧૦ રૂપિયા આપવાના…કારણ કે જ્ઞાનમાં આટલો ફરક છે, તો પૈસામાં ફરક ને…!

પ્રોફેસર વિચારે આ ગામડિયો મને પૂછે ને મને આવડે નહિ એવું બને…?! પણ પેલો ખેડૂત ભણેલો નહિ પણ ગણેલો બહુ હતો.

પ્રોફેસર કહે પહેલો પ્રશ્ન તું પૂછ. તો કે સાહેબ! એક પંખી છે, એને ૩ પગ છે, બે ચાંચ છે, એની કલગી લાલ છે, એના પીંછા લીલા છે. આ પંખી કયું?

કુદરતી રીતે પ્રોફેસરને bird watching નો શોખ હતો, અને આપણે ત્યાં bird  encyclopedia સલીમ અલીનો છે જે વિશ્વ પ્રસિદ્ધ છે. તો સલીમ અલીના bird  encyclopedia ના પાનેપાનાં પ્રોફેસરે ફેંદી નાંખેલા, અને બે મિનિટ એ વિચાર કરે કે સાલું ૩ પગવાળું, બે ચાંચવાળું, આવું તો કોઈ પંખી છે જ નહિ. ૫ – ૧૦ મિનિટ વિચાર કર્યો, પણ આવું કોઈ પંખી નજરે ચડ્યું નહિ. એણે ૧૦૦ ની નોટ કાઢીને ખેડૂતને આપી કે લે ભાઈ! મને આવડતું નથી આ.

પેલાએ વટથી ૧૦૦ ની નોટ ખીસામાં મૂકી દીધી. પ્રોફેસર કહે મારો પ્રશ્ન આ જ છે આ પંખી કયું હતું બોલ હવે તું?

પેલો કહે સાહેબ મને પણ ખબર નથી; લો સાહેબ દશ રૂપિયા!

બુદ્ધિથી પૈસા મળે, પ્રભુ મળે? તો તમે શ્રદ્ધાજીવી છો ને… બુદ્ધિજીવી નથી. અને એથી કરીને તમારી આગળ મારે માત્ર શ્રદ્ધાની વાતો કરવી છે. તો મેં પેલા ભાઈને કહેલું અત્યાર સુધી આપણે બુદ્ધિ અને અહંકારના પત્થરો પ્રભુ પ્રેમના ઝરણામાં ફેંકેલા છે, હવે એ ફેંકવા નથી. તો આજે રાત્રે તમારે home work જે કરવાનું છે, એની વાત ફરીથી કહી દઉં.

સદ્ગુરુ સમર્પણ કરવું છે, બરાબર? કારણ કે એના વિના સાધના શરૂ જ નથી થતી. તમે અત્યારે બધાએ સાધના લીધી છે એ ગુરુ પાસેથી કે તમારા મન પાસેથી? આઠમ છે; આયંબિલ કરી લો, ચૌદસ છે; ઉપવાસ કરી લો…. કોઈ પણ સાધના તમે લો એ તમારી સાધના ગુરદત્ત હોય છે? કે તમારી ઈચ્છાથી ઉભી થયેલી હોય છે?

પ્રતિષ્ઠિત સંઘો હોય ને એમાં એક board હોય છે. કે બુફે અહીં નિષિદ્ધ છે. બુફેનો ગુજરાતી પર્યાય શું? સ્વરૂચી ભોજન. એટલે ભોજનમાં ઈચ્છા પ્રમાણેનું ભોજન ન ચાલે; બરાબર? સાધનામાં ઈચ્છા પ્રમાણેની સાધના ચાલે! હવે બીજું એક board લગાડવું પડશે, સ્વરુચિ ભોજન અહીંયા નિષિદ્ધ છે, સ્વરુચિ સાધના પણ અહીંયા નિષિદ્ધ છે! 

તો, સમર્પણ કરવું છે, બરાબર? શેનું સમર્પણ કરવું છે? હકીકતમાં મનનું સમર્પણ કરવું છે. મન ગુરુની આજ્ઞામાં સતત હોય, મનમાં ગુરુની આજ્ઞા પ્રત્યે સતત બહુમાન રહેતું હોય… જે મન તમારી પાસે અત્યારે છે એ રાગ, દ્વેષ, અહંકારથી ખરડાયેલું છે. ગંદુ થયેલું છે. એ ગંદા મનને બદલે તમને fresh મન આપીએ તો ગમે કે ન ગમે બોલો? મેં પહેલા કહેલું ને કે હું mind transplantation નો નિષ્ણાત છું. મનને બદલી આપુ.

તો સમર્પણ અઘરું કેમ છે? તમારું ધન તમારે આપવાનું નથી અહીંયા… ધન અહીં જોઈતું નથી. શરીર તમારું સંસારમાં હોય અને પ્રભુએ કહેલી આવશ્યક ક્રિયાઓ તમે કરતા હોવ, તો ગુરુ એને ચલાવી લે છે. મન સદ્ગુરુને આપવું છે. આમાં કંઈ અઘરું ખરું? પ્રભુને મન આપવું હોય, કે સદ્ગુરુને મન આપવું હોય, અઘરું ખરું? અઘરું લાગે છે? ઘણા મને કહે…. સાહેબ તમે તો એટલી આસનીથી વાત કરો કે સમર્પિત થઇ જાવ, પણ સમર્પણ કેવી રીતે કરવું? ત્યારે હું હસવા માંડું કે અલ્યા! તારે શેનું સમર્પણ કરવાનું? એ તો મને કહે…. ગંદુ મન. એ ગુરુના ચરણે ધરવું છે, અને ગુરુ તને fresh mind આપે, તો આ સમર્પણ મજાનું નહિ…! આવી grand exchange offer કોઈએ કરી હશે…. કે જુનું દોગલું ટી.વી. નું આપી જાઓ અને નવું લઇ જાઓ… અમારી આ grand exchange offer… બધા માટે. જુનું મન આપી જાઓ, નવું મન લઇ જાઓ fresh.

એટલે હું મનના બે પ્રકાર પાડું છું, આજ્ઞાવાસિત મન, અને સંજ્ઞાવાસિત મન. ક્યારેય તમે લોકો પૂછતાં નથી, કે સાહેબ તમે આટલા બધા મજામાં છો! અને મારી વાત છોડો, મારા કોઈ શિષ્યને પૂછો… અરે તમે ભાઈઓ રાત્રે દશ વાગે આવો, કોઈ પણ મુનિ લમણે હાથ દઈને બેઠેલો હોય તો રંગે હાથે પકડો! બધા મુનિઓ, બધી સાધ્વીઓ ever fresh. Ever green. તો તમે પૂછતા નથી કે સાહેબ આટલી બધી freshness તમારી પાસે છે, આટલો બધો આનંદ તમારી પાસે શી રીતે છે..? વંદન અને વિધિ કરી એટલે રવાના. એક વાત પૂછું…? કેટલા મહાત્માના ચહેરાને વાસ્તવિક રૂપે જોયો છે?

એક છોકરો હોય અને મુંબઈ જાય ગામડેથી… અને પૈસા કમાઈ લે કોઈ ધંધામાં, પછી એ ગામમાં આવે, કાર લઇ લે, શૂટ – બુટ થઈને તો એને જોતા જ લોકો સમજી જાય કે કમાઈને આવ્યો છે. એમ અમારા ચહેરા પરથી લાગે કે અત્યંત આનંદ, અત્યંત આનંદ…છે. તો તમને પૂછવાનું મન ન થાય કે સાહેબજી! તમારી પાસે છે શું? કે આટલા આનંદમાં છો… તમે અમને પૂછો ને સાહેબજી શાતામાં? અમે શું કહીએ? દેવ – ગુરુ પસાય… તમને કોઈ પૂછે મજામાં? તો શું કહો…? લક્ષ્મીજી પસાય! પેલા હીરાવાળા આવે ને વંદન કરવા… સાહેબ આ વર્ષ તો હવે નકામું ગયું ફેલ…. કે મજા જ નહિ આવી. હીરો મજામાં ના હોય, એમાં આ  હીરો પણ મજામાં ન હોય. અલ્યા! પેલો જડ હીરો મજામાં ન હોય એ તો સમજ્યા, તું ચેતન હીરો છે. તું કેમ મજામાં નથી!

તો રોજ પ્રભુની પાસે આપણે માંગીએ છીએ ‘સુહગુરુજોગો’. પ્રભુ! તું માત્ર સદ્ગુરુ આપીને છૂટી જઈ શકતો નથી. એ સદ્ગુરુના ચરણોમાં તારે મને ઝુકાવવાનો છે. એટલે પ્રભુને આપણે કહ્યું કે પ્રભુ સદ્ગુરુ પણ આપ, અને સદ્ગુરુના ચરણોમાં તું ઝુકાવી પણ આપ. એટલે પ્રભુની શક્તિ તો  સક્રિય છે, પણ એ જે પ્રભુ શક્તિ સક્રિય છે એની સક્રિયતાને તમે ઝીલી નહિ. પરમ ચેતના વરસી રહી છે. પણ તમે ઝીલી શક્યા નહી. મારી દ્રષ્ટિએ આપણી સાધનાનું મુખ્ય બિંદુ receptivity છે. તમારી સજ્જતા, પાત્રતા. તમે કેવી રીતે receive કરો છો – સદ્ગુરુની કૃપા અને પ્રભુના પેમને. 

સદ્ગુરુયોગની મારી વ્યાખ્યા છે, one + one = one.  ગુરુ અને શિષ્ય. પછી કોણ રહે? ગુરુ જ રહે; શિષ્ય રહે જ નહી. જે ક્ષણે દીક્ષા થઇ, એ ક્ષણે શિષ્ય ગયો, એનો હું ગયો, કેન્દ્રમાં હું હોય, ત્યાં સુધી સંસાર. અને કેન્દ્રમાં પ્રભુ આવ્યા, એટલે દીક્ષા. મારો કોઈ શિષ્ય ક્યારેક કહે કે સાહેબ! આમાં મારો અભિપ્રાય આવો છે. એટલે હું હસવા માંડું! હું હસવા માંડું એટલે એને થાય કે કંઈક ભાંગરો વટાઈ ગયો… એટલે પૂછે કે સાહેબ શું થયું?

ત્યારે હું કહું કે તારો અભિપ્રાય તું કહે છે. પણ તું છે? જો તું જ ન હોય, તો તારો અભિપ્રાય ક્યાંથી આવ્યો! દીક્ષા આપી એ દિવસે તારા હું ને ખતમ કરી નાંખ્યું. હવે તું જ નથી, તારો અભિપ્રાય ક્યાંથી આવ્યો…  ન રહે બાંસ, ન રહે બાંસુરી, વાંસ જ નથી, વાંસળી ક્યાંથી આવી… તું જ નથી તારી ઈચ્છા ક્યાંથી આવી?

સાધુ જીવનમાં જે મજા છે, એ મજા આ છે. એ લોકો totally choice less છે, આવતી ક્ષણે શું કરવું એનો કોઈ વિચાર એમના મનમાં નથી. શેષ કાળ હોય, અને કોઈ પૂછે વિહાર છે કે નહિ? તો એ કહી દે ગુરુદેવ જાણે. અમે લોકો ચાણસ્મા માં હતા અને યશોરત્નસૂરિજી આદિ આવેલા, સાંજના સમયે એમના એક મુનિરાજ મારી જોડે બેઠેલા. એમને પૂછવાનું હતું એ બધું પૂછી લીધું…. પછી મેં એમને પૂછ્યું કે આવતી કાલે તમારો વિહાર છે? કે આવતી કાલે તમે અહીં રોકવાના છો? એ વખતે એ મુનિરાજે કહ્યું કે સાહેબજી! મને કંઈ ખબર નથી.

સાંજ પડી ગઈ છે; પ્રતિક્રમણનો સમય થવા આવ્યો છે (એવા સમયે) મેં કહ્યું સવારે વિહાર છે કે નહિ… કહે છે કે સાહેબજી ખબર નથી મને. ગુરુદેવ જો ૪ વાગ્યે જગાડશે, તો હું માનીશ કે વિહાર હશે, અને ૫ વાગ્યે જગાડશે, તો હું માનીશ કે વિહાર નથી!

તમે વિચાર કરી – કરીને હેરાન થાઓ છો! સોંપી દો ને બધું ગુરુને… આમ પણ ક્યાંક તો સોંપ્યું છે. હવે સદ્ગુરુને સોંપી દો.

તો, ત્રણ શબ્દો આપણે જોઈ રહ્યા છે. એટલા માટે જોઈ રહ્યા છીએ કે પ્રભુનો પ્રેમ જે સતત આપણા ઉપર વરસી રહ્યો છે, એને આપણે ઝીલવો છે. પ્રભુ મને ચાહે છે આ વસ્તુ કેટલી મોટી છે! મને થોડાક દિવસ પહેલા મારા એક શિષ્યએ પૂછેલું, કે સાહેબ આટલા બધા લોકો આપની પાછળ દોડતા હોય, લોકો આપને ચાહતા હોય, આપને શું વિચાર આવે? મેં કહ્યું વિચાર શેનો આવે? કોઈ વિચાર ન આવે. વિચાર આવે તો એક જ આવે, કે પ્રભુ મને ચાહી રહ્યા છે. શું પ્રભુની ચાહત… પ્રભુ એવું સુરક્ષાચક્ર મને અને તમને આપી શકે છે કે એક સેકંડ માટે તમે રાગ – દ્વેષમાં ન જાવ, તીવ્રતાથી. પ્રભુ આવું સુરક્ષાચક્ર મને અને તમને આપી શકે છે, પણ એના માટેનું એક સૂત્ર છે, surrender ની સામે care તમારું જેટલું સમર્પણ વધુ, એટલું જ પ્રભુનું સુરક્ષાચક્ર જોરદાર.

તો પ્રભુનો પ્રેમ સતત સતત વરસી રહ્યો છે, એ પ્રેમને માણ્યો છે મેં, મેં શું કર્યું આખી જીંદગીમાં… બીજું કાંઈ જ કર્યું નથી. પ્રભુના પ્રેમને માણ્યો છે. એની વર્ષા ના બુંદ – બુંદને માણ્યું છે, અને મારી ઈચ્છા છે કે તમે બધા પણ પ્રભુના પ્રેમની એ વર્ષામાં ભીંજાઓ, ખુબ જ ભીંજાઓ…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *