Anandghanji Na Sathvare – Vachana 04

1.7k Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : લક્ષ્યાનુસંધાન

વીતરાગ પરમાત્માની ભક્તિ કરો અને તમારો રાગ ઓછો થાય. સામયિકની સાધના કરો અને તમારો ક્રોધ ઓછો થાય. સદ્ગુરના ચરણોમાં પડો અને તમારો અહંકાર ઓછો થાય…

તમારી સાધના લક્ષ્ય સાથે થાય છે? રોજના એક કે બે સામાયિક કરતા હોવ અને સહેજ પણ ગુસ્સો તમારો ઓછો ન થાય, તો તમે આંખમાં આંસુ સાથે સદ્ગુરુ પાસે ક્યારેય આવ્યા ખરા? કે ગુરુદેવ! રોજ સામાયિક કરું છું – દશ-દશ વર્ષથી – અને છતાં મારો ગુસ્સો નિયંત્રિત કેમ નથી થતો?!

અત્યાર સુધી પ્રવચનો એટલા માટે સાંભળ્યા કે જિનવાણી શ્રવણ જરૂરી છે. હવે એક નવો આયામ ઊમેરી દો કે એક પ્રવચનમાંથી એક નાનકડી સાધના તો મળવી જ જોઈએ. અને એ સાધનાને દિવસભર ઘૂંટીને બીજા દિવસે તમારે આવવાનું છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૦૪

પરમાત્માનો પ્રેમ સાધનાના રસમાં ફેરવાય. સાધના કરવાની ઈચ્છા પણ પ્રભુના પ્રેમથી જ થાય છે. એ જે સાધનાનો રસ છે એને પરમરસ કહેવાય. આ જન્મમાં આપણે એ પરમરસને પીવો છે.

માનવિજય મ.સા.ને એક ભક્તે પૂછેલું, કે ગુરુદેવ! આ પરમરસ આપે પીધો; કેવો લાગ્યો? તમે અમને પૂછી શકો…  ત્યારે એમણે કહ્યું: “પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો”’. પ્રભુની કૃપા થઇ ગઈ, પરમરસ મણાઈ ગયો; પરમરસ ચખાઈ ગયો. અને એ પછી અંતરંગ સુખને મેં પ્રાપ્ત કર્યું.

બે જાતના સુખ. એક બહિરંગ સુખ; એક અંતરંગ સુખ. ઇન્દ્રિયો અને મનને અનુકૂળ પદાર્થો કે વિષયો મળે અને જે સુખની પ્રાપ્તિ થાય, તે બહિરંગ સુખ. માત્ર ને માત્ર ભીતરમાં રહેલ સુખને તમે માણી શકો – ઇન્દ્રિયોની સહાય વગર, મનની સહાય વગર – એ અંતરંગ સુખ. અંતરંગ સુખ beyond the mind છે; મનને પેલે પાર. જ્યાં સુધી conscious mind અને unconscious mind જાગૃત છે, ત્યાં સુધી આપણે એ અંતરંગ સુખને માણી શકતા નથી. ધ્યાનમાં જ એવી ક્ષણો આવે છે, જ્યારે તમે beyond the mind પહોંચી જાઓ છો.

મારે તમને ધ્યાન પણ શીખવવું છે. ધ્યાન જો તમને ફાવી જાય, તો આ અંતરંગ સુખ તમને મળી જાય. અમે લોકો બેઠા હોઈએ અહીંયા કે ત્યાં, અંતરંગ સુખની ધારા સતત ચાલતી હોય છે. ધ્યાનના પ્રારંભમાં આંખો પણ મીંચાવીએ, શરીર ટટ્ટાર રાખવાનું કહીએ; પણ ૨૪ કલાકનું ધ્યાન જ્યારે આવે છે ત્યારે એ ધ્યાન માત્ર જાગૃતિ રૂપ, awareness રૂપ હોય છે. એક જાગૃતિ… (કે) આ પર છે; (અને) આ સ્વ છે. પરમાં મારે જવાનું નથી; સ્વમાં મારે જવાનું છે. સ્વમાં જવાનું કહું કે પરમમાં જવાનું કહું – વાત એકની એક જ છે. ભક્ત કહેશે કે હું પરમમાં જાઉં છું, પરમની અનુભૂતિ હું કરું છું. સાધક કહેશે કે હું સ્વાનુભૂતિ કરું છું. પણ વાત તો એક જ છે. પરમની અનુભૂતિ કરનારો ભક્ત પરમની નિર્મલ ચેતનાનો અનુભવ કરીને પોતાની નિર્મલ ચેતનાનો અનુભવ કરે છે.

તો, પરમરસ મળે ત્યારે એવો આનંદ મળે કે તમે એને કહી ન શકો. You can’t say it. Yes, you can experience it! તમે એને કહી શકતા નથી; પણ અનુભવી જરૂર શકો છો! અને આ જન્મ એ આનંદની, એ અંતરંગ સુખની અનુભૂતિ માટે જ છે.

તૈતરીય ઉપનિષદમાં ઋષિ કહે છે : “રસૌ વૈ સ:” રસ માત્ર એક છે – ભીતરનો રસ. સવાલ એક મજાનો થાય…

મારે તમારી સાથે આવવું છે અંદર. સદ્ગુરુ છે ને, એમની એક ferry સર્વિસ ચાલતી હોય છે! સદ્ગુરુ સાધનાના શિખર ઉપર જાય. પણ શિખર ઉપર એમને વધારે રહેવા મળતું નથી! પ્રભુ કહે છે : તું નીચે ઉતર – તળેટીએ, અને બે – ચાર જણાને લઈને પાછો ઉપર આવ! એ બે – ચાર જણાને જે લઈને જઈએ ને, એ તો ઉપર રહે અને ગુરુને પાછું નીચે ઉતરવું પડે! મારે તમારી સાથે વાતો કરવી છે. તમારા મનમાં કંઈક પ્રત્યારોપણ કરવું છે. એક તમને લાલસા થાય…

કાલે મેં તમને પૂછ્યું હતું કે અમારી ઈર્ષ્યા તમને આવે કે નહિ…? આવે છે? સાહેબ ૨૪ કલાક મજામાં હોય છે, તો આપણને આવી મજા ક્યારે મળે? ઈર્ષ્યા થાય છે? એ ઈર્ષ્યા ઝંખનામાં ફેરવાશે અને પછી તમે કહેશો, કે ગુરુદેવ! તમારી પાસે જે આનંદ છે એ આનંદ અમને મળે કે ન મળે? ચોક્કસ મળે! guarantee! હું તો સાધકોને guarantee card આપું છું. જે સાધક સંપૂર્ણતયા પ્રભુની આજ્ઞાને, સદ્ગુરુની આજ્ઞાને સમર્પિત હોય, એ મારી પાસે આવે; હું એના ચહેરાને જોઉં; એની સાધનાના stand point ને જોઉં અને ૫ વર્ષમાં, ૧૦ વર્ષમાં એ કયા પડાવે ઉભો હશે, એ પણ નક્કી કરી લઉં. અને પછી મારા letter-head ઉપર લખી આપું કે ૫ વર્ષે તારી સાધના આ મુકામે આવીને ઉભેલી હશે. અને એને કહું કે આ letter-head મારો સાચવીને રાખજે. પાંચ વર્ષે તું ત્યાં ન પહોંચ્યો હોય, તો મારી પાસે આવજે કે સાહેબ! આ તમારો letter-head! તમે લખ્યું છે કે તારી સાધના ૫ વર્ષે આ મુકામે આવીને ઉભી રહેશે; મારી સાધના ત્યાં નથી આવી.

અમે લોકો પ્રતિબદ્ધ છીએ… તમારી સાધનાને ઊંચકવા માટે, અમે લોકો પ્રતિબદ્ધ છીએ, committed છીએ. માત્ર એક જ શરત છે કે પ્રભુની આજ્ઞાને, સદ્ગુરુની આજ્ઞાને સમર્પિત થઈને તમારે રહેવાનું.

કોઈ પણ નિષ્ણાંત ડોકટર કહી શકે, કે આટલા દિવસ મારી દવા તું લે, તારો રોગ જડમૂળથી નીકળી જ જાય; છાતી ઠોકીને કહે. તમે મહિના પછી જાઓ : સાહેબ! એવું ને એવું જ છે. ડોક્ટર પૂછે : દવા તો બરાબર લીધી હતી ને… એટલે પેલો માથું ખંજવાળે : સાહેબ! દવા તો લીધી જ નથી!

અમે કહીએ એ પ્રમાણે પ્રભુની સાધનાને તમે ઘૂંટો. અમે તમને promise આપીએ, કે આ વર્ષે તમારી સાધના આ મુકામ પર આવીને ઉભેલી હશે. તમને બધાને પણ guarantee card આપવા તૈયાર છું. તમને પણ… પણ મારી શરત એક જ છે. પ્રભુની આજ્ઞાને, સદ્ગુરુની આજ્ઞાને સંપૂર્ણતયા તમે સમર્પિત હોવ, તો સદ્ગુરુ તમારા ઉપર કામ કરી શકે.

સદ્ગુરુ કેવી રીતે કામ કરે છે? સદ્ગુરુ શક્તિપાત કરે. આંખથી પણ કરે, હાથથી પણ કરે, શબ્દથી પણ કરે, અને પોતાની ઉર્જાથી પણ કરે. અરણીક મુનિની વાત આપણી પરંપરામાં પ્રસિદ્ધ છે. અરણીક મુનિ વેશ્યાને ત્યાંથી ગુરુદેવ પાસે આવે છે. સાધ્વી માતાએ કહ્યું : બેટા! તે શું કર્યું આ… ગુરુદેવે તને પ્રભુની પ્રસાદી આપી અને તે એ પ્રસાદીને ધૂળમાં નાંખી!

પશ્ચાતાપ થયો. એ પૂછે છે : માઁ શું કરું? હવે શું કરું?

અને એ વખતે માઁ એ કહ્યું : ચાલ બેટા! ગુરુદેવ પાસે.

સદ્ગુરુનો પ્રેમ અરણીક મુનિએ એટલો બધો પામેલો, એટલો બધો મેળવેલો કે ગુરુદેવનું નામ આવ્યું; ચાલો ગુરુદેવ પાસે. નાની – મોટી ઘણી ભૂલ અત્યાર સુધીમાં થયેલી મુનિ અવસ્થામાં – પણ ગુરુએ પ્રેમથી જ એના બધા દોષો કાઢેલા.

By the way તમને પૂછું : પ્રભુના પ્રેમને અનુભવ્યો નથી; પણ સદ્ગુરુના પ્રેમને અનુભવ્યો?

આજની યોગિક દુનિયામાં યોગાનંદજીનું મોટું નામ છે. એમનું પુસ્તક An autobiography of a Yogi દરેક સાધકો માટે text book જેવું છે. એ યોગાનંદજી પોતાના ગુરુ – કુટુંબના ગુરુ – યુક્તિશ્વરગિરિ પાસે ગયા. ગુરુના ચરણોમાં પડ્યા, અને ગુરુદેવને કહ્યું : ગુરુદેવ! મને સાધના આપો.

તમે વ્યાખ્યાનમાં શેના માટે આવો? સદ્ગુરુના શબ્દો લેવા? કે સદ્ગુરુ પાસેથી સાધના લેવા? તમે શેના માટે આવો છો? એક પ્રવચનમાંથી એક નાનકડી સાધના તો મળવી જ જોઈએ. અને એ સાધનાને દિવસભર ઘૂંટીને બીજા દિવસે તમારે આવવાનું છે. બીજા દિવસે બીજી સાધના મળે; ફરી એને તમે ઘૂંટો.

યોગાનંદજીએ કહ્યું : ગુરુદેવ! મને સાધના દીક્ષા આપો. ગુરુએ સાધના દીક્ષા આપી, અને ગ્રંથ ભણાવવાનું ચાલુ કર્યું. અઠવાડિયું થયું. યોગાનંદજી બહુ talented. એમને થયું ગુરુ તો બહુ જ ધીમી ગતિએ ભણાવે છે. અને આવી રીતે મને ભણાવે તો હું સાધનાના શિખર ઉપર ક્યારે પહોંચીશ! એક રાત્રે ગુરુના આશ્રમને છોડી બીજા ગુરુના આશ્રમમાં. ત્યાં પણ બરાબર ન લાગ્યું, ત્રીજા ગુરુના આશ્રમમાં. બે મહિનામાં પાંચ ગુરુ ફેરવી નાંખ્યા. પણ પછી લાગ્યું કે મારા ગુરુ પાસે હું હતો એ જ બરાબર હતો. એટલે એક રાત્રે ચૂપચાપ પોતાના ગુરુના આશ્રમમાં આવી ગયા. બીજી સવારે ગુરુના ચરણોમાં. અપેક્ષા તો એ હતી કે ગુરુ લડશે : સાલા હરામખોર! ક્યાં ભાગી ગયો હતો? (પણ) ગુરુ એક શબ્દ બોલતા નથી. પ્રેમથી એના માથા ઉપર હાથ ફેરવે છે અને જ્યાંથી ગ્રંથ અધૂરો હતો, ત્યાંથી ગ્રંથ ભણાવવાની શરૂઆત કરે છે.

યોગાનંદજી ને થયું કે આજે પહેલો દિવસ છે, એટલે ગુરુ બોલ્યા નથી; કાલે તો બરાબર છોતરાં કાઢી નાંખશે. બીજો દિવસ. એ જ પ્રેમ ગુરુનો… ત્રીજો દિવસ. એ જ પ્રેમ ગુરુનો… યોગાનંદજી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે, કે ગુરુદેવ! મેં આપની પાસે સાધના દીક્ષા લીધેલી. આપને પૂછ્યા વિના હું કશું જ કરી શકું નહિ અને છતાં આપને પૂછ્યા વિના હું ભાગી ગયો, બે મહીને પાછો આવ્યો; આપ મને લડતાં કેમ નથી? અને એ વખતે ગુરુએ કહ્યું કે બેટા! ગુરુના પ્રેમની નદીને કિનારા નથી હોતા.

સદ્ગુરુઓની કિનારા વગરની પ્રેમની નદીમાં ખૂબ વહેવાનું હોય છે. અને મને સાધના આપી હોય તો માત્ર સદ્ગુરુના પ્રેમે આપી છે. ગુરુદેવ ભદ્રસૂરિદાદા આજના યુગના શ્રેષ્ઠ સાધક, શ્રેષ્ઠ ભક્તિયોગાચાર્ય. એમના ચરણોમાં હું બેસતો. સાહેબજી મારા માથે હાથ ફેરવતા. બસ એ સદ્ગુરુનો પ્રેમ; સાધના મને મળી ગઈ. સાધના લેવી અઘરી નથી; સાધનાને મેળવવાની ઝંખના થવી – એ અઘરું છે. અત્યાર સુધી હજારો પ્રવચનો તમે સાંભળ્યા હશે. એ સાંભળ્યા, બહુ સરસ; પણ તમારો સાધના ક્રમ કોઈ નક્કી થયો ખરો?

આપણી પરંપરા એ છે કે ધારો કે તમને રોજના  ૩ – ૩.૩૦ કલાક સાધના માટે મળે છે, તો એ ૩.૩૦ કલાકમાં તમારે શું કરવું એ તમારે નક્કી નથી કરવાનું, સદ્ગુરુએ નક્કી કરવાનું છે. સદ્ગુરુ તમારી જન્માન્તરીય ધારાને પણ જોશે. એક સાધક ભક્તિની ધારામાં વહીને આવેલો છે, તો હું એને ૨ – ૨.૩૦ કલાક ભક્તિની ધારામાં વહેવાનું કહીશ. અને બે કલાક પ્રતિક્રમણ, સામાયિક આદિ ક્રિયાઓ કરવાનું કહીશ. કોઈની સ્વાધ્યાયની ધારા છે, તો હું એને સ્વાધ્યાય આપીશ. તમને તો તમારી ધારાનો ખ્યાલ આવવાનો નથી. આવે છે, પણ ક્યારેક… અને એ ઘટના Rarest of the rare હોય છે. એ ઘટના ક્યારે ઘટે, તમને સમજાવું…

તમારે જીવનવ્યાપી સાધના સદ્ગુરુ પાસેથી લેવાની હોય છે, એમ એક ગ્રંથ – અસ્તિત્વના સ્તરનો – તમારે સદ્ગુરુ પાસેથી લેવાનો હોય છે. પછી એ સદ્ગુરુ નક્કી કરે કે આનંદઘન ચોવીશી તમારા માટે ગ્રંથ છે કે જ્ઞાનસાર તમારા માટે ગ્રંથ છે. ગુરુ નક્કી કરે. એ ગ્રંથ તમને આપે, તમે ૪૦ – ૫૦ વર્ષ સુધી એ ગ્રંથને ઘૂંટો. બીજો ગ્રંથ વાંચી શકાય, પણ એક કલાક તો એ ગ્રંથને ઘૂંટવાનો જ. ૪૦ – ૫૦ વર્ષ તમે એ ગ્રંથને ઘૂંટ્યો. જીવન પૂરું થયું. ફરી મનુષ્યલોકમાં તમે આવ્યા. ૫ – ૬ વર્ષના તમે થયા અને તમારા કાન ઉપર જ્ઞાનસારનો એક શ્લોક પડ્યો. તરત જ થાય કે આ તો સાંભળેલું છે! ક્યાં સાંભળેલું? ઊંડા ઉતરો; જાતિસ્મરણ જ્ઞાન થાય. જાતિસ્મરણ જ્ઞાન થયા પછી પૂર્વ જન્મમાં ઘૂંટેલો આખો ને આખો ગ્રંથ તમને મળે. પણ એથીય મહત્વની ઘટના બીજી છે. ૪૦ વર્ષ, ૫૦ વર્ષ તમે એ ગ્રંથને ઘૂંટેલો, એ વખતે તમારી સાધના પણ ચાલુ હતી. તો શું થયું કે એ ગ્રંથનું પ્રતિબિંબ સાધનામાં પડ્યું; સાધનાનું પ્રતિબિંબ ગ્રંથમાં પડ્યું. એટલે જાતિસ્મરણ દ્વારા એ ગ્રંથ યાદ આવ્યો એટલું નહિ, પ૦ વર્ષની ગયા જન્મની સાધના તમને બેઠી ને બેઠી મળી ગઈ! તો આવી રીતે તમને ક્યારેક તમને ખ્યાલ આવે છે કે તમારી ગત જન્મની સાધના કઈ હતી… પણ આ ઘટના Rarest of rare થતી હોય છે. પણ તમારે આ ઘટનાને ઘટિત કરવી હોય તો તમે કરી શકો છો. આ જન્મમાં એક ગ્રંથ લો; એને ઘૂંટો બરાબર. આવતાં જન્મમાં ગયા જન્મની પૂરી સાધના ખુલી જશે.

તો તમારી પાસે ૪ કલાક છે, એ ૪ કલાકમાં તમારે શું કરવું એ સદ્ગુરુ નક્કી કરે. પછી વધુમાં વધુ છ મહીને, ઓછામાં ઓછા ૧૫ દિવસે – મહીને તમારે એ સદ્ગુરુ પાસે જવાનું. અને આ સાધના ઘૂંટ્યા પછી તમારી ચિત્તવૃત્તિઓમાં કેટલો ફેરફાર થયો એ વાત તમારે સદ્ગુરુને કહેવાની. રાગ ઘટ્યો? દ્વેષ ઘટ્યો? અહંકાર ઘટ્યો? તમે એની નોંધ લઇ ગુરુ પાસે જાઓ. અને ગુરુદેવને કહો કે સાહેબજી! ગુસ્સો તો થોડોક ઓછો થયો છે, પણ રાગ ઓછો થતો નથી. એકેક પદાર્થ ઉપર જે રાગ છે, એ રાગ તો અકબંધ છે. ગુરુ પછી તમને સાધનામાં આગળ વધારશે કે પ્રભુની પાસે જાય ભક્તિ કરવા, ત્યારે અડધો કલાક માત્ર પ્રભુને જોવાના… એ પ્રભુના ચહેરા ઉપર જે વિતરાગદશા છે, એ વિતરાગ દશાને તું જો. તારી ભીતર રહેલી એ વિતરાગદશાનો આંશિક રૂપે તું અનુભવ કર; રાગ તારો શિથિલ બનશે. અત્યાર સુધી પ્રવચનો સાંભળ્યા એટલા માટે કે જિનવાણી શ્રવણ જરૂરી છે. હવે એક નવો આયામ ઉમેરી દઉં કે જિનવાણી શ્રવણ એ રીતે કરવું છે કે મારી સાધના આગળ ને આગળ વધે.

એક વાત તમને કહું… hyper tension કોઈને છે, diabetes છે; ડોકટરે એને કહ્યું રોજ ૫ કિલોમીટર ચાલવાનું. એ માણસ શું કરે? ઘરેથી અઢી કિલોમીટર જાય. પણ કઈ દિશામાં જવું એ તો નક્કી નથી. રોડની surface જે બાજુ સારી, એ બાજુ મારી મૂકે. અઢી કિલોમીટર જવાનું. અઢી કિલોમીટર back to home. સાધનામાં આપણે આવું તો કર્યું નથી ને?! તમારી સાધના લક્ષ્ય સાથે જાય છે? રોજનું તમે એક સામાયિક કે બે સામાયિક કરતા હોવ અને સહેજ પણ ગુસ્સો તમારો ઓછો ન થાય, તો તમે આંખમાં આંસુ સાથે સદ્ગુરુ પાસે ક્યારેય આવ્યા ખરા? કે ગુરુદેવ! રોજનું સામાયિક કરું છું, દશ – દશ વર્ષથી, અને છતાં મારો ગુસ્સો નિયંત્રિત કેમ નથી થતો?

માઁ આનંદમયી હિંદુ ગુરુ પરંપરામાં મોટું નામ છે. આનંદમયી માઁ નો એક ભક્ત હતો. વીશ વર્ષથી લગાતાર દર મહીને એકવાર આવતો. વીશ વર્ષ સુધી લગાતાર આવ્યો. દર મહીને એકવાર. ગમે ત્યાં માઁ હોય, ત્યાં પહોંચી જવાનું. માઁ પાસે આવવાનું શરુ કર્યા ને વીશ વર્ષ થયા છે. અને એ આવ્યો, માઁ ના ચરણોમાં પડ્યો. અને ધ્રુસકે ધ્રુસકે રડે છે : માઁ! વીશ – વીશ વર્ષથી હું તારી પાસે આવું છું, મારામાં કોઈ પરિવર્તન નથી. રાગ – દ્વેષ – અહંકાર કશું જ ઓછું થયું નથી. માઁ મારે શરમાવાનું? કે તારે શરમાવાનું?!

શું મજાની વાત કરી! મારે શરમાવાનું? કે તારે શરમાવાનું?! તમે સદ્ગુરુને સમર્પિત હોવ, તો તમે પણ આ જ લયમાં સદ્ગુરને કહી શકો કે સાહેબ! હું તમારો ભક્ત; તમારી આજ્ઞા પ્રમાણે દોડનારો. મારા રાગ – દ્વેષ ઓછા ન થયા, તો શરમાવાનું મારે નથી, તમારે છે.

પણ તમારી સાધના morning walk જેવી જ છે ને! ચૌદસ છે; આયંબિલ કરી લઉં. આઠમ છે; એકાસણું કરી લઉં. આજે બે સામાયિક કરી લઉં!

એ સાધના દ્વારા શું મેળવવું છે એ તમે નક્કી કર્યું? વિતરાગ પરમાત્માની ભક્તિ કરો; રાગ ઓછો થાય. સામયિકની સાધના કરો અને તમારો ક્રોધ ઓછો થાય. સદ્ગુરના ચરણોમાં પડો; અહંકાર તમારો ઓછો થાય.

ગાંધીજી round table conference માટે London ગયેલા. ઘણા ગાંધી ભક્તો પણ જોડે હતા. એ વખતે બ્રિટનમાં – આમ ગણો તો સાહિત્યની દુનિયામાં પૂરા વિશ્વમાં – એક નામ બહુ જ જાણીતું હતું. Bertrand Russell. Bertrand Russell બહુ મોટા સાહિત્યકાર; પણ આમ મજાના માણસ. એકવાર એક ગાંધી ભક્તે Bertrand Russell ને પૂછ્યું કે તમે ગાંધીજીને નજીકથી જોયા; તમને લાગતું હશે કે ગાંધીજી શ્રેષ્ઠ મહાત્મા છે. Bertrand Russell એ કહ્યું કે ગાંધીજી ને બીજા નંબરનું સ્થાન જરૂર આપી શકાય; મહાત્મા તરીકે. તો પેલા ગાંધી ભક્તને થયું કે આ ખ્રિસ્તી માણસ. એના ભગવાન ઇસુ ખ્રિસ્ત ને પહેલા નંબરે માને અને ગાંધીજીને બીજા નંબરે માને – એ બહુ મોટી વાત કહેવાય ને… એના ભગવાન પછી તરત જ સ્થાન આપ્યું!

પણ એણે પૂછી લીધું કે બીજા નંબરે ગાંધીજી તો પહેલા નંબરે કોણ? Bertrand Russell કહે છે પહેલો નંબર હું મારા માટે જ રાખું છું; બીજા નંબરથી શરૂઆત કરું છું!

આટલા સદ્ગુરુઓ મળ્યા, તમારું કેન્દ્ર તૂટ્યું નથી. કેન્દ્રમાં હું છે. અહંકાર બેઠેલો છે. સદ્ગુરુના ચરણોમાં જઈએ; અહંકાર તૂટી જવો જોઈએ. તમારો અહંકાર તુટ્યો નથી. બનવું શું જોઈએ? સદ્ગુરુ કેન્દ્રમાં હોય; તમે પરિઘમાં હોવ. અત્યારે શું છે ભાઈ? તમે કેન્દ્રમાં છો. તમારો હું કેન્દ્રમાં છે; સદ્ગુરુ પરિઘમાં છે. એટલે ગણિતનો નિયમ એ આવે કે પરિઘે કેન્દ્રને અનુસરવું જોઈએ! તો પછી શું થાય? આ કેન્દ્ર જે છે – એમાં હું બેઠેલો છે – તો સદ્ગુરુ ક્યાં સારા લાગશે? તમારા કેન્દ્રને પંપાળે એવા; તમારા હું ને પંપાળે એવા. “તારી સાધના બહુ જ સરસ છે, હોં! તું તો સેવા કરે છે કાંઈ! અદ્ભુત સેવા કરે છે!”

કેન્દ્રમાં તમે છો, તમારો હું છે; ત્યાં સુધી સાધનાનો પ્રારંભ નથી. એટલે અમે લોકો તો દંડો લઈને બેઠા જ છીએ – તમારા હું ને કાઢવા માટે. પણ તમે બહુ હોશિયાર માણસો છો. અમે કહીએ તો હું આપી પણ દો, બહાર જઈને પાછો લઇ લો!

કબીરજીએ કહ્યું : ‘પહલે હમ થે, પ્રભુ નાહી’. પહેલા મારા કેન્દ્રમાં હું હતો, પ્રભુ નહિ. હવે શું થયું? ‘અબ પ્રભુ હૈ, હમ નાહી’. હવે કેન્દ્રમાં પ્રભુ છે. પ્રભુ જ છે; હું ગયો. તો કોકે પૂછ્યું કે બે સાથે ન રહે?!

તમારી કોશિશ પણ એ જ ને! ભગવાન પણ રહે અને હું પણ રહું. તમારી બુદ્ધિ શું કરે? તમારો અહંકાર શું કરે? બુદ્ધિ અહંકારને સાચવે. અહંકાર બુદ્ધિને સાચવે. અને તમારી બુદ્ધિ કહી દે, કે એમાં શું છે? કેન્દ્રમાં પ્રભુને રાખીએ અને કેન્દ્રમાં આપણે પણ રહેવાનું!

કબીરજીએ કહ્યું : ‘પ્રેમ ગલી અતિ સાંકડી, તામેં દો ન સમાય’ પ્રેમની ગલી, ભક્તિની ગલી સાંકડી ગલી છે. એમાં બે નો સમાવેશ શક્ય નથી. કાં તો તમે રહો; કાં તો પ્રભુ રહે. Now choice is yours.

અનંતા જન્મોમાં કેન્દ્રમાં હું ને રાખ્યું. આ જન્મમાં પ્રભુને કેન્દ્રમાં રાખી દો. સંતોની પાસે જઈને આ જ વસ્તુ તમારે જોવી છે. કે પ્રભુ જેમના કેન્દ્રમાં આવ્યા એમનો આનંદ જો અપાર હોય, તો કંઈક વિચારવું તો જોઈએ. આટલા પદાર્થો ભેગા કર્યા, આટલી સંપતિ ભેગી કરી – હજી ઓછું લાગે છે. મીડિયાવાળા અંબાણીની મૂડીની વાત કરે… પેલા અનંત અંબાણીના લગ્નની વાત કરે… એટલે તમે વિચાર કરો… એક લગ્નમાં કરોડો રૂપિયા, અબજો રૂપિયા ખર્ચી નાંખ્યા, સાલું આપણી પાસે તો હજી ૧૦ કરોડ જ છે. તમારી દુનિયામાં સુખ કયાંય શક્ય નથી. પૈસાથી સુવિધા કદાચ મળે; સુખ તો ભીતરથી જ મળે.

તો અગણિત જન્મોમાં હું ને કેન્દ્રમાં રાખ્યું, આ જન્મમાં પ્રભુને અને સદ્ગુરુને કેન્દ્રમાં રાખો. અમારા કેન્દ્રમાં પ્રભુ અને સદ્ગુરુ છે. મજા જ મજા! એટલી બધી મજા છે કે જેને શબ્દોમાં મૂકી ન શકાય. શરીર છે, રોગ આવે; કોઈ પણ ઘટના ઘટે; કોઈ ઘટનાની અસર જ ન થાય. જે ક્ષણે જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે, ઘટી ગઈ. તો સ્વીકાર કરી લો! એક ઘટના ઘટી ગઈ. જ્યાં સુધી એની યાદ રહેશે, ત્યાં સુધી પીડા રહેવાની. હકીકતમાં ઘટના તમને પીડા નથી આપતી. ઘટનાના વિચારો તમને પીડા આપે છે. તો જ્યાં સુધી ઘટના યાદ રહે, ત્યાં સુધી પીડા રહેવાની.

એક ભાઈ હતો. ચાલતા ચાલતા પડી ગયો. crack આવી ગઈ. x – ray થી ખ્યાલ આવી ગયો. ડોકટરે bandage લગાવી આપ્યો. અને કહ્યું ૧૫ દિવસ bed rest કરજો. અઠવાડિયું થયું. bed rest માં જ છે. ત્યાં એક એનો મિત્ર આવ્યો. મિત્રએ કહ્યું અરે! મને તો આજે જ ખબર પડી કે તમે પડી ગયેલા; તમને વાગેલું. કેમ કરતા પડી ગયા? એટલે પેલો ઉભો થયો. rehearsal કરીને બતાવ્યું કે આમ પડ્યો. શું થાય…? crack ફરી પહોળી થઇ. ફરી bandage વીશ દિવસનો આવ્યો. ફરી કોઈ મિત્ર આવે; પૂછે કેમ કરતા પડી ગયા?

ઘટના એક ઘટી ગઈ, બરોબર? તમને કોઈએ ખરાબમાં ખરાબ શબ્દો કહ્યા. ગાળોનો વરસાદ તમારા ઉપર વરસાવ્યો. અઠવાડિયું થયું. ઘટના ભૂલાઈ ગઈ, એટલે શાંતિ થઇ ગઈ. ત્યાં કોઈ આવે : “અરે! મને તો હમણાં ખબર પડી… પેલો માણસ, સાવ ઉત્તાર માણસ – એ તમને આવું બોલી ગયો? હું તો સાંભળીને સળગી ગયો!”

અલ્યા! તું સળગ્યો ત્યાં સુધી ઠીક છે; આને શું કરવા સળગાવે છે!

એટલે યાદ આવે એટલે પાછું શું થાય? crack પહોળી પાછી! અમને લોકોને કોઈ પણ ઘટનાની અસર નથી થતી. ઘટના આમ ઘટે કે આમ ઘટે શું ફરક પડે? કોઈ ફરક પડતો નથી. આજે સાંજે ૪ વાગ્યે ધારો કે તમે પડી ગયા. સામાન્ય વાગ્યું. કદાચ એવું બને કે કોઈ પ્રસંગમાં ગયેલા. ધક્કા મુક્કી થઇ; પાછળવાળાનો ધક્કો લાગ્યો અને તમે પડી ગયા. એ વખતે પેલા પાછળવાળા ઉપર કેટલો ગુસ્સો આવે? આવે કે નહિ ગુસ્સો? પણ એ વખતે તમે વિચાર કરો કે અનંત કેવલજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં આ ઘટનાને ઘટિત થયેલી જોઈ હતી કે નહોતી જોઈ? તમને ખબર નહોતી; મને ખબર નહોતી પણ કેવલજ્ઞાનીઓને તો ખબર હતી! તો, એ ઘટનાનો તમે અસ્વીકાર કરો, તો અનંત કેવલજ્ઞાનીઓના જ્ઞાનનો તમે અસ્વીકાર કર્યો કહેવાય.

સાધ્વીમાતાએ અરણીક મુનિને કહ્યું કે બેટા! ચાલ ગુરુદેવ પાસે… અરણીક મુનિ ગુરુદેવ પાસે આવ્યા. ગુરુના ચરણોમાં પડ્યા. ગુરુ પ્રેમથી માથા ઉપર હાથ ફેરવે છે…

આપણે ત્યાં એક પરંપરા હતી. કોઈ પણ શિષ્ય કોઈ પણ ગુનો કરીને આવે, સૌથી પહેલા એ કામ શું કરે… ગુરુના ચરણોમાં માથાને ટેકવવાનું. ગુરુના ચરણમાંથી – ચરણની આંગળીઓ અને અંગુઠામાંથી – દિવ્ય શક્તિ, ઉર્જા નીકળી રહી છે, અને એ ઉર્જા તમને purify બનાવી નાંખે. ગુરુ પ્રાયશ્ચિત આપે એ પાછળની વાત. પણ તમારે દોષની વૃત્તિ માત્ર સદ્ગુરુની ઉર્જાથી ખતમ થઇ જાય. પશ્ચાતાપ તો એટલા માટે કે આ દોષ કર્યો એ વખતે એની જે મનોવૃત્તિ હતી એમાંથી એ બહાર આવે. પણ, સદ્ગુરુના ચરણ પર જ્યારે એણે માથું ટેકવ્યું, ત્યારે એવી ઉર્જા એને મળી કે દોષ કરવાનો કે એ દોષમાં જવાનો વિચાર સુદ્ધા એને નહિ આવે.

ગુરુ પ્રેમથી માથા ઉપર હાથ ફેરવે છે. એક વાક્ય ગુરુએ કહ્યું નથી કે તું ક્યાં ગયો હતો… કેવા એ ગીતાર્થ ગુરુ હશે! એમણે જોયું અત્યારે શબ્દની જરૂરિયાત નથી. શબ્દથી તો આપણે એના ગુનાને પ્રગટ કરીએ છીએ… વેશ્યાને ત્યાં ગયો તું, આમ કર્યું, તેમ કર્યું…. એક પણ શબ્દ નહી. માત્ર માથા ઉપર હાથ ફેરવ્યા કર્યો. અને અરણીક મુનિ purify થઇ ગયા. સદ્ગુરુનો હાથ માથે પડ્યો; શક્તિપાત થઇ ગયો.

શક્તિપાતને હું લિફટનું પાંજરું કહું છું. ૩૫મા માળે જવું છે મુંબઈમાં. electricity fail હોય તો? સીડીઓ ચડતા દમ આવી જાય. પણ electricity છે. લીફ્ટમાં બેઠા; બટન દબાવ્યું; પહોંચી ગયા!

રાગ – દ્વેષમાં સતત આથડતા આપણા જેવા વ્યક્તિઓ સાધનાના શિખર ઉપર કઈ રીતે પહોંચે? સદ્ગુરુના શક્તિપાત વિના, સદ્ગુરુના આશીર્વાદ વિના, સદ્ગુરુના ચરણસ્પર્શ વિના સાધનાના શિખર ઉપર જવા માટેનો આપણા માટે કોઈ રસ્તો નથી. There is only one way for us. એક જ માર્ગ છે.

કેટલો ફરક પડ્યો શક્તિપાત મળ્યા પછી! જે અરણીક મુનિ વૈશાખ અને જેઠની બળબળતી બપોરે ખુલ્લી શેરીઓમાં ચાલી નહોતા શકતા, એ અરણીક મુનિ એ ધખધખતી શિલા ઉપર સંથારો કર્યો. આ તો બહાર આવેલું રૂપાંતરણ હતું. ભીતર તો આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે. આ તો પ્રવૃત્તિના સ્તર ઉપર આપણે જોયું. વૃત્તિના સ્તર ઉપર તો ઉર્ધ્વીકરણ થઇ ગયું. બધા જ વિચારો એકદમ પવિત્ર પવિત્ર બની ગયા.

સવાલ એ થાય… તમે અરણીક મુનિની વાત ઘણીવાર વાંચી, સાંભળી, આ એક સવાલ થવો જોઈએ… સવાલ એ થાય કે અરણીક મુનિ એ હતા, સદ્ગુરુ પણ એ હતા, તો ગુરુએ અરણીક મુનિ ઉપર પહેલા શક્તિપાત કેમ નહિ કર્યો…? પહેલા શક્તિપાત કર્યો હોત તો વેશ્યાને ત્યાં જવાની નોબત ન આવત.

તો ત્યાં એક વાત ખુલે છે કે ગુરુને શક્તિપાત કરતા એક સેકંડ લાગે છે. પણ તમે શક્તિપાત ઝીલી શકો એ માટે તમને તૈયાર કરતા વર્ષો નહિ, જન્મો લાગે છે.

હું ઘણીવાર કહેતો હોઉં છું… સદ્ગુરુચેતનાને ખૂબ રાહ જોવડાવી. ગુરુ વ્યક્તિ, પછી ગુરુ ચેતના આવે. હરિભદ્રસૂરિ મહારાજ કામ કરે, કે હેમચંદ્રસૂરિ કરે, કે હીરસૂરિ મહારાજ કરે…. ગુરુચેતનાએ કરેલું કામ થયું. શરીરમાં છે ત્યાં સુધી ગુરુ વ્યક્તિ; વિદેહ થઇ એટલે ગુરુ ચેતના. શરીરમાં હતી ત્યાં સુધી ગુરુની શક્તિ સીમિત હતી. શરીરમાંથી બહાર ગયા પછી એ શક્તિ બહુ જ વિકસી. તો ગુરુ ચેતના અગણિત જન્મોથી આપણા ઉપર એક કામ કરે છે અને એ કામ છે તમને ગુરુના શક્તિપાતને ઝીલવા માટે તૈયાર કરવાના. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું કે સદ્ગુરુચેતનાને બહુ જ રાહ જોવડાવી, હવે કેટલી રાહ જોવડાવાની છે? હવે આ જન્મમાં? કે આ ચોમાસામાં? કે પર્યુષણ પહેલા? કે ક્યારે?

અમે તૈયાર. તમે તૈયાર? કાલે તૈયાર થઈને આવી જજો!

Share This Article
1 Comment
  • સમજાવવાની અદભુત શૈલી
    ભક્તિયોગાચાર્ય – સર્વનામ ધન્ય –
    ભક્તિ -પ્રભુ ની અને સદ્ગુરુ ની અનિવાર્યતા ની – ની સચોટ
    સમજણ
    મત્થેણમ વંદામી ગુરુદેવ 🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *