Anandghanji Ne Sathvare – Vachana 07

1.5k Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુ સમર્પણ

જે ક્ષણે તમે સદ્ગુરને સમર્પિત થયા, then you have not to do anything absolutely. પછી જે પણ કરવાનું છે, એ સદ્ગુરુએ કરવાનું છે. 

અને તમે જ્યાં સુધી ઝુકી ન શકો, ત્યાં સુધી સદ્ગુરુ કામ શરુ કરી શકતા નથી; સદ્ગુરુના હાથ બંધાયેલા છે. જે ક્ષણે તમે સમર્પિત થયા, એ જ ક્ષણે સદ્ગુરુ ચેતનાનો કૉલ છે તમને – કે તને મોક્ષમાં લઇ જવાની જવાબદારી મારી છે! 

સદ્ગુરુ પાસે તો ઘણીવાર ગયેલા છો; પણ ખાલી થઈને કેટલી વાર ગયા? સંપૂર્ણતયા ખાલી થઈને… નિરપેક્ષ થઈને… કોઈ ઈચ્છા ન જોઈએ કે ગુરુદેવ આમ કરે, તો સારું… Totally choice less. જ્યાં સુધી આવું સદ્ગુરુ સમર્પણ નહિ થાય, ત્યાં સુધી સાધનાની શરૂઆત નહિ થાય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૦૭

એક બહુ મજાનું પુસ્તક છે – “living with the Himalayan Masters.” સ્વામી રામે એ પુસ્તક લખેલું. એ પુસ્તકમાં એક મજાની ઘટનાનું વર્ણન છે. એકવાર સદ્ગુરુ સ્વામી રામને પૂછે છે, “જ્યારે આપણે સદ્ગુરુ પાસે જઈએ, ત્યારે માત્ર ને માત્ર એમના ચરણોને સ્પર્શ કેમ કરીએ છીએ? હાથ નહિ, મસ્તિસ્ક નહિ, માત્ર ચરણો!”

સ્વામી રામે કહ્યું : “ગુરુદેવ! મને કંઈ ખ્યાલ આવતો નથી, આપ જ સમજાવો. કે સદ્ગુરુના ચરણોનો જ સ્પર્શ કેમ?” એ વખતે સદ્ગુરુએ કહ્યું : “સદ્ગુરુ એટલે શું? પ્રભુના ચરણોમાં વિલીન થયેલું વ્યક્તિત્વ.”

 સદ્ગુરુ પોતે વિલીન થયેલા છે – પરમચેતનામાં – અને એટલે જ સદ્ગુરુનું વ્યક્તિત્વ અસ્તિત્વમાં ફેરવાઈ ગયું છે. સદ્ગુરુ પોતાના જીવન દ્વારા એક સંદેશ આપે છે, કે જે વ્યક્તિ પરમચેતનાના સમંદરમાં બુંદ થઈને મળી જાય, ભળી જાય, વિલીન થઇ જાય, એને અસ્તિત્વનો દરજ્જો પ્રાપ્ત થાય.

તો સ્વામી રામને ગુરુ સમજાવે છે કે સદ્ગુરુ એટલે શું? સદ્ગુરુ કોઈ ઘટના છે જ નહિ. જે ક્ષણે તમે દીક્ષા લો છો, એ જ ક્ષણે તમે જતાં રહો છો. તમે હોતાં નથી. માત્ર પ્રભુ હોય છે. દીક્ષાનો મતલબ જ આ છે. કે પરમચેતના કેન્દ્રમાં આવી જાય. તો સદ્ગુરુ સમજાવે છે કે સદ્ગુરુ એટલે પરમચેતનામાં વિલીન થયેલું વ્યક્તિત્વ.

એક સદ્ગુરુ – કલાપૂર્ણસૂરિ દાદા – શંખેશ્વર પ્રભુના દરબારમાં ભક્તિ કરતાં હોય,  આપણે પાછળ બેઠેલા હોઈએ, ત્યારે સદ્ગુરુનું આપણી તરફ લંબાતું અંગ કયું હોય? માત્ર ચરણો. પણ એ બે ચરણોનો સ્પર્શ તમને પ્રભુના ચરણના સ્પર્શ સુધી લઇ જાય છે.

એક વાત હું વારંવાર કહેતો હોઉં છું, જે ક્ષણે તમે સદ્ગુરને સમર્પિત થયા, then you have not to do anything absolutely. પછી તમારે કશું જ કરવું નથી. પછી જે પણ કરવાનું છે, એ સદ્ગુરુએ  કરવાનું છે.

અગણિત જન્મોમાં સદ્ગુરુ મળ્યા. પણ સદ્ગુરુ સમર્પણ નહોતું. હેમચંદ્રાચાર્ય, હરીભદ્રાચાર્ય, અને વિજય હીરસૂરિ જેવા સદ્ગુરુઓ કદાચ આપણને અતિતની યાત્રામાં મળેલા. પણ આપણે એમના ચરણોમાં ઝુકી શક્યા નહિ. અને તમે જ્યાં સુધી ઝુકી ન શકો ત્યાં સુધી સદ્ગુરુ કામ શરુ કરી શકતા નથી. સદ્ગુરુના હાથ બંધાયેલા છે. જે ક્ષણે તમે સમર્પિત થયા, એ જ ક્ષણે સદ્ગુરુ ચેતનાનો કૉલ છે તમને, કે તને મોક્ષમાં લઇ જવાની જવાબદારી મારી છે!

ગુરુ વ્યક્તિ અને ગુરુ ચેતના બે શબ્દો આપણી પરંપરામાં છે. અગણિત જન્મોથી આપણા ઉપર કામ કરનાર ગુરુ ચેતના છે. ગુરુ વ્યક્તિ બદલાયા કરે…

બિલકુલ કલેકટરની post જેવું છે. Mr shah આવ્યા, પછી એ ગયા. mr. Vyas આવ્યા. પછી એ ગયા. mr. Tripaathi આવ્યા. વ્યક્તિ બદલાય છે, પણ એની આખી ધારા છે એ બદલાતી નથી.

સદ્ગુરુ વ્યક્તિ દ્વારા આ જન્મમાં initial સ્ટેજમાં તમે કામ શરુ કરી શકો. તમે સદ્ગુરુના ચરણોમાં ઝુકી શકો. અને જ્યાં ઝૂકવાનું થયું, પછી ગુરુચેતના તમારો હવાલો સંભાળી લે છે. પછી આવતા જન્મમાં એ જ ગુરુ વ્યક્તિ મળે એવું જરૂરી નથી. પણ, કોઈ પણ ગુરુ ચેતના હશે, એ તમને સીધા જ ઉપાડી લેશે. અને જ્યાંથી તમારી સાધના ગયા જન્મમાં અટકેલી હતી, ત્યાંથી આગળ શરુ કરાવશે. એક માત્ર સમર્પણ થઇ ગયું. બસ, પછીનું કામ એકદમ સરળ છે.

આજે એકલવ્ય યાદ આવે. ભીલનો એ દીકરો. ગુરુદ્રૌણ અર્જુન વિગેરે રાજકુમારોને શસ્ત્રોની તાલીમ આપવા માટે જંગલમાં આવેલા. એકલવ્યની ઝુંપડી બાજુમાં હતી. એને થયું, કે આટલા મોટા ગુરુ મારી નજીકમાં આવ્યા છે, હું એમના ચરણોમાં જાઉં અને જો એ મને ધનુર્વિદ્યા શીખવે તો હું બડભાગી બની જાઉં. એકલવ્ય ગુરુદ્રૌણ પાસે આવ્યો. ચરણોમાં ઝૂક્યો અને કહ્યું ગુરુદેવ! મને આપ શીખવાડો. આપના શિષ્ય તરીકે મને સ્વીકારો. ગુરુએ ના પાડી. એકલવ્યની ભૂમિકા કેટલી બધી ઉંચી છે… આપણે હોઈએ તો એક જ વિચાર આવે, કે ગુરુદ્રૌણ ભીલના છોકરાને શા માટે ભણાવે? રાજકુમારોને ભણાવે તો સન્માન મળે, પ્રતિષ્ઠા મળે. ભીલના દીકરાને ભણાવવામાં શું મળવાનું…? માટે ગુરુએ ના પાડી.

એક સવાલ તમને પૂછું…. સદ્ગુરુ પાસે તમે ઘણીવાર ગયેલા છો; એકવાર નહિ, બે વાર નહિ, અનેકવાર. પણ સદ્ગુરુના ચરણોમાં ખાલી થઈને કેટલી વાર ગયેલા? સંપૂર્ણ તયા ખાલી થઈને…. સદ્ગુરુ જે પણ આજ્ઞા આપે એનો સ્વીકાર થઇ શકે કે નહિ? મારો પણ સંસાર ચાલુ રહ્યો એની પાછળનું કારણ એક જ છે કે અતિતની યાત્રામાં સદ્ગુરુ ચેતનાને હું સમર્પિત થયો નહોતો.

બુદ્ધિ અને અહંકાર બે આવી જાય. કેમ મને ના પાડી??? એકલવ્ય પાસે તમારા જેવી બુદ્ધિ હોત તો શું વિચારત..? કેમ મને ના પાડી?  ના જ પાડે ને. ભીલના દીકરાને ભણાવવામાં એમને શું મળે?

એકલવ્યએ ગુરુની ના નો સ્વીકાર કર્યો. તમે સદ્ગુરુ પાસે જાઓ; મનમાં ઈચ્છા હોય કે સદ્ગુરુ આના માટે હા પાડી દેશે. મારે શત્રુંજયમાં નવ્વાણું કરાવવું છે, કે મારે ચોમાસું કરાવવું છે – ગુરુદેવ પાસે હું જઈશ હા પાડી દેશે. પણ, સદ્ગુરુ પાસે આવ્યા વિનંતી કરી, ત્યાં સુધી વાંધો નહિ. એ પછી સદ્ગુરુ કહે હમણાં અનુકૂળતા નથી, હમણાં હું આવી શકું એમ નથી. તો એ ના નો પણ તમે પ્રેમથી સ્વીકાર કરી શકો?

સદ્ગુરુ કંઈક કહે, અને આપણા મનમાં થાય કે ગુરુએ આમ કહેવું નહોતું જોઈતું, સદ્ગુરુએ આમ કરવું નહોતું જોઈતું…. તો એ વ્યક્તિને હું પરમગુરુની પદવી આપું છું! ગુરુનો પણ ગુરુ! ક્યારે પણ વિચાર ન આવે, કે સદ્ગુરુએ શું કરવું જોઈએ, કે શું ન કરવું જોઈએ. Sadguru is the supreme boss. જ્યાં સુધી આ સમર્પણ નહિ આવે ત્યાં સુધી સાધના શરુ થવાની નથી.

એક ડોક્ટર પર તમને વિશ્વાસ નથી તો એની પાસે તમે surgery કરાવવાના ખરા? તમને સંપૂર્ણ શ્રદ્ધા છે ત્યારે જ તમે એની હોસ્પિટલમાં એડમીટ થાઓ છો. સદ્ગુરુ પાસે તમે આવો. સદ્ગુરુનો તમે સ્વીકાર કરો. પણ એ સ્વીકાર સંપૂર્ણતયા હૃદયથી થવો જોઈએ.

એટલે જ સમર્પણમાં એક વિશેષણ ઉમેર્યું. નિરપેક્ષતા. તમારા સમર્પણમાં કોઈ અપેક્ષા ન જોઈએ. કોઈ ઈચ્છા ન જોઈએ કે ગુરુદેવ આમ કરે તો સારું… તમે બિલકુલ નિરપેક્ષ થઈને આવો… totally choice less થઈને આવો, ખાલી થઈને આવો. આ વાત એટલા માટે જરૂરી છે કે અનંતા જન્મો થયા, પ્રભુની સાધના પણ મળી. અને છતાં આપણો સંસાર ચાલુ રહ્યો.

એ જ પ્રભુની સાધના આ જન્મમાં મળી છે. હજી સંસાર ચાલુ રાખવો છે? કે મોક્ષ તરફ પ્રયાણ કરવું છે?! તો જ્યાં સુધી સદ્ગુરુ સમર્પણ નહિ થાય, ત્યાં સુધી સાધનાની શરૂઆત નહિ થાય.

તમારું હૃદય જે સદ્ગુરુના ચરણોની અંદર આળોટતું હોય, એ સદ્ગુરુ તમારા સદ્ગુરુ છે. પહોંચેલા સદ્ગુરુઓની એક જ range હોય છે. There is the same fragrance, and same taste in all the gurus. દરેક સદ્ગુરૂમાં એકસરખો આસ્વાદ, એકસરખી સુગંધ હોય છે. પણ જન્માંતરિય ધારાને કારણે કોઈ સદ્ગુરુ પાસે તમે જાઓ, અને તમારું હૃદય નાચી ઉઠે, તો એ સદ્ગુરુ તમારા સદ્ગુરુ છે.

એક સદ્ગુરુ કેવા હોવા જોઈએ ખબર છે? મેં પહેલા કહેલું, એવા સદ્ગુરુ હોય તમારે માથે જે તમને લાકડી પણ ઠોકી શકે, તમાચ લગાવી શકે. કોઈ ફેક્ટરીમાં partnership ની offer આવી, offer તમને સારી લાગી. પણ તમે કહેશો મારા સદ્ગુરુને પૂછ્યા વિના હું કોઈ કામ કરી શકું નહિ. છે આવું સમર્પણ? અને તમે સદ્ગુરુ પાસે જાઓ, સદ્ગુરુના ચરણોમાં વંદના કરો અને કહો… કે સાહેબ! આવી રીતે ફેક્ટરીમાં partnership ની offer આવી છે. મારા માટે સારી છે, આપ શું કહો છો..? એ વખતે ગુરુ કહી દે, તારું પેટ ભરાઈ ગયું, પટારો ભરાઈ ગયો, હવે આ કર્માદાનનો ધંધો તારે કરવો છે? નથી કરવાનો. અને તમે કહી દો “તહત્તિ”. આવા સદ્ગુરુ રાખ્યા છે? કે સ્વામી શાતા છે જી! અમે દાદર ઉતરીએ છીએ!

સદ્ગુરુ સમર્પણ… અમારી પાસે પણ એ સમર્પણ ન હોય, તો પ્રભુની ચાદર ભલે મળી ગઈ અમને, પણ ખરેખર એ પ્રભુની સાધના અમને પણ ન મળે. એવું નહિ માનતા કે આ ચાદર મળી એટલે મોક્ષ થઇ ગયો. આ ચાદર એ તો બાહ્ય એક તમને આપેલું પ્રતિક છે કે પ્રભુના થઇ ગયા. પણ ખરેખર તમે પ્રભુના થયા છો? તમે ખરેખર સદ્ગુરુના થયા છો..? કે તમે તમારા છો?

હું પ્રભુ તારો કે હું પ્રભુ મારો – સાચું કહેજો! તું પ્રભુ તારો ને હું પ્રભુ મારો – આ જ છે ને?! પૂરું જીવન, જીવનની એક – એક ક્ષણ સદ્ગુરુના ચરણે અમારે સમર્પિત કરવાની હોય છે. એક સેકંડ એવું કૃત્ય એક મુનિ કે એક સાધ્વીજી નથી કરી શકતા જે સદ્ગુરુ દ્વારા ન અપાયેલું હોય. અમારી એક – એક ક્ષણ પ્રભુ દત્ત અને ગુરુ દત્ત હોય છે. તમે નક્કી કરો! તમારું એક – એક કાર્ય, એક – એક સાધના ગુરુ દત્ત હોય. તમારા માટે ક્ષણ – ક્ષણની વાત નહિ રાખીએ. એ અમારા માટે. પણ કોઈ પણ કાર્ય કરવાનું છે – સદ્ગુરુને પૂછી લો.

સાધના સદ્ગુરુ પાસેથી લીધી. ૬ મહીને પાછા આવ્યા. સાધનામાં કેટલા તમે આગળ વધ્યા, સદ્ગુરુ જોઈ લેશે અને પછી એમાં સુધારો – વધારો કરી આપશે. આવી રીતે સદ્ગુરુ પાસે જવાનું થાય… ધારો કે ૫ – ૧૦ વર્ષ વીતી ગયા, દર ૬ મહીને તમે સદ્ગુરુ પાસે જાઓ છો, દશ વર્ષ થઇ ગયા, અને તમારામાં કોઈ રૂપાંતરણ ન થાય, તમારો રાગ – દ્વેષ ઓછો ન થાય. તો તમે સદ્ગુરુ પાસે આવો, ધ્રુસકે ધ્રુસકે રડો, અને કહી દો, ગુરુદેવ! હું તમને સમર્પિત થઇ ગયો છું; હવે મારા રાગ – દ્વેષ ઓછા ન થાય તો શરમાવાનું કોને? તમારે કે મારે?

તમે અમને challenge મારી શકો. We are ready. તમે જો સમર્પિત છો, તો તમારી સાધનાને સંપૂર્ણતયા uplifted કરવા માટે અમે લોકો તૈયાર છીએ. તમને આજે સાધના આપી, કે ભાઈ તને ૩ કલાક રોજના મળે છે, ૩ કલાક તારે આ સાધના કરવાની, તમે એ સાધનાને કરી, ઘૂંટી, ૬ મહીને પાછા અમારી પાસે આવ્યા, અમે જોઈશું… કે કેટલું રૂપાંતરણ થયું… અને એ પ્રમાણે સાધનામાં સુધારો વધારો કરીશું…. અમારા તરફથી અમે committed છીએ. Totally committed. પ્રતિબદ્ધ. કે તમને result આપ્યા વગર રહીએ નહિ. એક જ શરત છે અમારી, total surrender. આ લોકોનું surrender total હોય, તમારું કેવું હોય? તમારા મનનું સંપૂર્ણતયા સમર્પણ પ્રભુ અને સદ્ગુરુના ચરણોમાં…

શરીરના સ્તર પર વિરાધના ચાલુ છે. એનો ડંખ છે. અને ડંખ છે એટલે મન પ્રભુને અને સદ્ગુરુને સમર્પિત થયેલું છે. વિરાધના કરવી પડે છે, પણ એ વિરાધનાની વેદના છે. માતાઓ, બહેનો ઘરે જશે, ગેસ ચાલુ કરશે, તેઉકાયની વિરાધના, વાઉકાયની વિરાધના…. શું થાય એ વખતે માતાઓને? કે સાધ્વીજી થયા હોત તો કેટલું સારું હતું…

તો, વિરાધના છે પણ એ વખતે વિરાધનાની વેદના પણ છે. તો વિરાધનાની વેદના હોવાને કારણે તમે મન પ્રભુને, સદ્ગુરુને સમર્પિત કર્યું કહેવાય. તો આમાં તો કંઈ વાંધો આવે નહિ તમને… ધંધો કરી શકાય, સંસારમાં રહી શકાય, મન totally પ્રભુ અને સદ્ગુરુની આજ્ઞાને સમર્પિત થયેલું હોય… ભાઈ! તૈયાર!

એટલા માટે કહું છું, કે આ તૈયારીમાં આપણે ઉણા ઉતર્યા માટે જ આપણો સંસાર ચાલુ રહ્યો. મારે માત્ર તમને શબ્દો નથી આપવા. મારી અનુભૂતિ, મારી વેદના, મારો આનંદ બધું તમને આપવું છે. પ્રભુ મળ્યા અને જે આનંદ મળ્યો છે એ આનંદ મારે તમને આપવો છે. વિરાધનાની વેદના જે મેં અનુભવી છે એ મારે તમને આપવી છે. અને આત્માનુભૂતિ જે રીતે મને થઇ છે એ તમારા સુધી મારે પહોંચાડવી છે. તૈયાર?!

વિદેશમાં એક lecture સાંભળવું હોય તો કેટલી મોટી fees હોય… ત્યાં આપણા ભારતના યોગીઓ ગયા છે – અમેરિકામાં, યુરોપમાં – એક – એક યોગનું session હોય છે અઠવાડિયાનું. ૧૦ – ૧૦ હજાર, ૧૫ – ૧૫ હજાર ડોલરની fee હોય છે. અને એમાં registration કરાવવા માટે દરોડો પડે છે. એમને ભૂખ છે; તમારી ભૂખ મારે જગાડવી છે.

મારા હમણાં ના પ્રવચનો appetizer જેવા, બરાબર! તમારી ભૂખ જાગે. તમને થાય આ જન્મને મારે બીજા જન્મો જે ગયા, એના જેવું શૂન્યમાં ગણતરી થાય એવું કરવું નથી. આ જન્મમાં સાધનાનું બીજ તમને એવું મળી જાય, સદ્ગુરુ ચેતના એને પાણી પાયા જ કરે. અને જન્મોની અંદર એ બીજ વૃક્ષમાં પરિણમે. અને તમે મુક્તિના સુખના ભાગી બનો.

હું તો છે ને, બીજ છીડકનારો માણસ છું! ડીસા પાસે જેસોરનો પર્વત છે. પહેલા એકદમ હરિયાળો હતો પણ અત્યારે એકદમ લીલોતરી વગરનો થઇ ગયો છે. ડીસાના કેટલાક પ્રબુદ્ધ લોકોને વિચાર થયો કે આપણે કંઈક કરીએ. તો ૧૫ – ૨૦ જણા બે બગલ થેલામાં બીજો ભરીને ગયા – લગભગ જેઠ મહીને – અને હજારો અને લાખો બીજો એમણે પહાડ ઉપર વેર્યા કે વરસાદ આવે, આમાંથી જેટલા અંકુરિત થાય એટલા આગળ ને આગળ વધે, અને પર્વત આખો હરિયાળો બને. હું તો છીડકનારો માણસ છું, પાણી પણ પાવવા માટે આવીશ!

તમારી કેટલી તૈયારી છે; મારે પૂછવું છે. આવતી કાલથી પ્રવચનમાં આવવાની તૈયારી… એનાથી વધારે કોઈ ખરી? તમારી તૈયારી કેટલી? આવતી કાલે સવારે ૭ થી ૮.૩૦ પ્રવચન રોજની જેમ. રવિવારે ૯ થી ૧૦.૩૦ રહેશે.

તો ફરી મૂળ વાત પર જઈએ. આ જન્મને સાર્થક બનાવવો છે. સદ્ગુરુ સમર્પણ વિના આપણે સાધનાનો એકડો ઘૂંટી શકીએ એમ નથી. અત્યાર સુધી માત્ર મીંડા કર્યા છે; આગળ ૧ થાય તો મીંડા બધા કામના! પણ આગળ ૧ થાય તો; નહીતર એ શૂન્યની કોઈ ગણતરી નહિ.

સદ્ગુરુ સમર્પણ. લોકો મને પૂછે કે સાહેબ! સમર્પણ બહુ અઘરું છે; આખી જાત સોંપી દેવાની! ત્યારે હું હસવા લાગુ. હું પૂછું કે તમારે સમર્પણ શેનું કરવાનું? શું છે તમારી પાસે? સંપત્તિ પુણ્યના ઉદયે મળી છે. તમારી પાસે એક શરીર છે. એક મન છે. Lux અને Liril થી નવડાવી નવડાવીને સાફ કરો, તો પણ બદબૂ વહાવે એવું શરીર તમારી પાસે છે. અને રાગ – દ્વેષ અને અહંકારથી છલકાતું મન તમારી પાસે છે. એ શરીર અને મન. એમાંથી પણ તમારે (ગૃહસ્થોએ) તો માત્ર મન (સમર્પિત કરવાનું છે)… એ મન તમે સદ્ગુરુને સમર્પિત કરી શકો કે નહિ…

તમારી સંપત્તિ અમારે નથી જોઈતી. તમારું મન અમને આપી દેશો?! છો તૈયાર?! આમાં બીજું કંઈ નથી. મન આપવું એટલે? સદ્ગુરુની આજ્ઞા પ્રભુની આજ્ઞા પ્રમાણેની જ હશે. એ આજ્ઞા પ્રમાણે કાર્યો થાય, ત્યારે આનંદ થાય મનમાં. અને આજ્ઞા થી વિરુદ્ધ કામ થાય ત્યારે ડંખ થાય.

ઘરે જાઓ કે ઓફિસે જાઓ… પંખો કે a.c ચાલુ થાય, શરીર વાઉકાયની વિરાધનામાં હોય, એ વખતે તમને થાય કે મારા પ્રભુની આજ્ઞાનું વિરાધન સુખશીલપણાને કારણે હું કરું છું. એક શરીરની સુખાકારીતાની ઈચ્છા – એના કારણે મારા પ્રભુની આજ્ઞાની વિરાધના હું કરી રહ્યો છું. આવી રીતે તમારા મનમાં વિચારો આવે, તો તમે મન પ્રભુને અને સદ્ગુરુને સમર્પિત કરેલું કહેવાય. બોલો તૈયાર આમાં?!

એકલવ્યે ગુરુની ના નો સ્વીકાર કર્યો. ગુરુ હા કહે કે ના કહે – એ ગુરુ તરફ ખુલતી વાત છે; મારા તરફ ખુલતી વાત થોડી છે! ગુરુએ હા જ કહેવી – એવું હું નક્કી કરું તો કેમ ચાલી શકે? ઘરે ગયો. માટીના દ્રૌણગુરુ બનાવ્યા. રોજ સવારે ફૂલ ચઢાવે. અને કહે ગુરુદેવ! આપની આજ્ઞાથી હું શીખવા માંડું છું. મહિનાઓની અંદર એકલવ્ય એવી ધનુર્વિદ્યા શીખી ગયો, કે એકવાર એણે એક નિશાન સાધેલું.

અર્જુન ફરતો ફરતો ત્યાં આવ્યો. અર્જુન વિચારમાં પડી ગયો કે આ નિશાન મેં સાધેલું નથી; મારા કોઈ ભાઈઓ આવું નિશાન સાધી શકે એમ નથી. મેં સાધ્યું નથી તો કોણે નિશાન સાધ્યું? ગુરુને પૂછ્યું. ગુરુએ કહ્યું એકલવ્યએ નિશાન સાધેલું છે.

અત્યાર સુધી તમે મહાભારત જોયું, પણ ગુરુ દ્રૌણને તમે બરાબર સમજ્યા નથી. લગભગ લોકોના મનમાં છાપ એ છે કે અર્જુન આગળ આવે અને એકલવ્ય પાછળ રહે માટે ગુરુએ ના પાડેલી. હકીકત એ નથી. ગુરુ અર્જુનને પણ એ બતાવવા માંગતા હતા અને બીજાઓને પણ એ બતાવવા માંગતા હતા કે સાક્ષાત ગુરુ પાસેથી જે ન મળી શકે, એ ગુરુભક્તિથી મળી શકે.

તમે સાક્ષાત ગુરુ પાસે હોવ, પણ તમારી પાસે એ સમર્પણ નથી તો તમે કંઈ પામી ના શકો. દૂર છો; ગુરુની આજ્ઞાથી ગયા છો. ૨૦૦ કિલોમીટર દૂર, ૪૦૦ કિલોમીટર દૂર – તમે ગુરુની આજ્ઞામાં છો. સંસ્કૃત શબ્દ વાપરું, તો ચિન્મય દ્રૌણ પાસેથી અર્જુનને જે ન મળ્યું, એ મૃણમય – માટીના – દ્રૌણ પાસેથી એકલવ્યને મળ્યું.

પછીની ઘટના તો કેવી છે! ગુરુ દ્રૌણ એકલવ્યની ઝુંપડીએ આવે છે. એકલવ્ય નાચી ઉઠ્યો; મારા ગુરુદેવ મારી ઝુંપડીએ. આ સમર્પણ છે. બુદ્ધિ હોત, તો શું થાત. ગુરુએ તો ના જ પાડેલી હતી. આ તો મેં મારી બુદ્ધિથી અને મારા કૌશલ્યથી આટલી વિદ્યાને આગળ ધપાવી. ગુરુએ એમાં શું કર્યું…

ગુરુ શું કરે – એમ નહિ; ગુરુ જ બધું કરે. You can’t do anything absolutely. સદ્ગુરુ જ બધું કરી શકે. સાધનાના એક – એક પડાવે તમને મુકવાનું કામ માત્ર સદ્ગુરુ જ કરી શકે. બીજું કોઈ નહિ.

ગુરુદેવ મારે આંગણે… એકલવ્ય નાચી ઉઠ્યો. ગુરુને આસન ઉપર બેસાડ્યા; ગુરુના ચરણોમાં ઢળી પડ્યો. આંખમાંથી આંસુ નીકળે છે. સદ્ગુરુ મારા આંગણે… અને પછી ગુરુએ કહ્યું, કે હું તારા ત્યાં આવ્યો છું; ગુરુદક્ષિણા લેવા માટે આવ્યો છું. તારા જમણા હાથનો અંગુઠો કાપીને મને આપી દે. ધનુર્ધરને આ રીતે ધનુષ્યબાણ પકડવાનું હોય, આ અંગુઠો ગયો એટલે એની ધનુર્વિદ્યા ગઈ. પણ કેવું સમર્પણ એકલવ્ય પાસે! એક સેકંડ વિચાર નથી કર્યો. એક સેકંડ પણ નહિ! ભીલનો દીકરો હતો, ચપ્પુ કેડે જ હોય, સીધું ચપ્પુ લીધું હાથમા, અંગુઠો કાપી ગુરુના ચરણે મૂકી દીધો. આ સમર્પણ.

અને ગુરુ દ્રૌણ શું વિચારતાં હતા? ગુરુ દ્રૌણ ગુરુ છે. ગુરુ હંમેશા શિષ્યનું હિત જ ઈચ્છે. અંગુઠો ગયા પછી પણ આંગળીઓ દ્વારા ધનુર્વિદ્યા એટલી સરસ એકલવ્યને ફાવી ગઈ, કે એ પછી પણ એ અર્જુન કરતા શ્રેષ્ઠ બન્યો. સદ્ગુરુ એ કહેવા માંગતા હતા કે કોઈ સાધન દ્વારા જ તમે આગળ વધી શકો – એમ માનતા નહિ. સદ્ગુરુની કૃપા દ્વારા જ આગળ વધી શકાય. આ સદ્ગુરુ ભક્તિ એકલવ્ય પાસે હતી. એક ભીલના દીકરા પાસે હતી. મને લાગે છે કે જન્માંતરની સાધના વિના આટલું સમર્પણ સંભવિત નથી.

અમારે ત્યાં આટલા સાધુ – સાધ્વીજીઓ આવે છે. પણ જેનું સંપૂર્ણ સમર્પણ હોય, એવા આંગળીના વેઢે ગણાય એટલા મળતા હોય છે. અને આ ભીલનો દીકરો જેને કોઈ સંસ્કાર મળેલા નહિ, જેને કોઈ શિક્ષણ મળેલું નહિ, એ સીધો જ સમર્પણની આટલી ઉંચી ધારામાં આવી ગયો!

તો ફરીથી રીપીટ કરું કે સદ્ગુરુ સમર્પણ વિના સાધના શરુ થતી નથી. આજના આ ગુરુપૂર્ણિમાના દિવસે તમને આશીર્વાદ કે બધા જ સદ્ગુરુભક્તિમાં આગળ વધો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *