Anandghanji Ne Sathvare – Vachana 08

1.8k Views 14 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : નિર્મળ ચિત્ત

૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી પ્રભુની આજ્ઞાનો સાર શું? આજ્ઞા તુ નિર્મલં ચિત્તમ્, કર્તવ્યમ્ સ્ફટિકોપમમ્. ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ, પારદર્શી બનાવી દો – આ જ પ્રભુની આજ્ઞાનો સાર છે.

જ્યાં સુધી નિર્મળ હૃદય પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી યોગ સાધના પણ તમારી પાસે નથી. તમે માત્ર પ્રાણાયામ, માત્ર શારીરિક exercise કરો છો; યોગસાધના તમારી પાસે નથી.

યોગનું પહેલું સૂત્ર છે કે “તમે જ્યાં છો, ત્યાં જ જીવો.” There should be the totality. દેરાસરમાં પ્રવેશ પહેલા નિસીહી બોલો, ત્યારે ઘરના વિચારો, ઓફીસના વિચારો – બધાનું પોટલું વાળીને બહાર મૂકી દો! નિર્વિચાર બનીને અંદર પ્રવેશો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના –

યોગસાર ગ્રંથના પ્રારંભમાં શિષ્યે સદગુરૂને એક મજાનો સવાલ પૂછ્યો, ક્યારેક પ્રશ્નો એટલા મજાના હોય, કે અમારી પણ તબિયત ખુશ થઇ જાય. કઠોપનિષદમાં યમે નચિકેતા ને કહ્યું, “त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा” નચિકેતા તારા જેવો પ્રશ્ન પૂછનારો દુર્લભ છે. બહુ જ મજાનો પ્રશ્ન શિષ્યનો છે: કે ગુરુદેવ! ૪૫ આગમ ગ્રંથોની અંદર પ્રભુની આજ્ઞા વિસ્તરાઈને રહેલી છે. ૪૫ આગમ ગ્રંથો ક્યારે ગુરુ મુખે જાણીશું એ તો ભવિષ્યની વાત છે, પણ આપ કૃપા કરીને ૪૫ આગમ ગ્રંથોમાં ફેલાઈને રહેલી પ્રભુની આજ્ઞાનો સાર, નિચોડ મને આપો ને. સદ્ગુરુ તૈયાર છે, માત્ર ૧૬ અક્ષરોમાં, ૧૬ શબ્દો નહિ.. ૧૬ અક્ષરોમાં ૪૫ આગમ ગ્રંથોમાં ફેલાયેલી પ્રભુની આજ્ઞાનો સાર સદ્ગુરુએ બતાવ્યો. “આજ્ઞા તું નિર્મલં ચિત્તમ્, કર્તવ્યમ્ સ્ફટિકોપમમ્” ચિત્તને સ્ફટિક જેવું નિર્મલ, પારદર્શી તમે બનાવી દો, આ જ પ્રભુની આજ્ઞાનો સાર છે. કેટલી મજાની સાધના આપી.

ચિત્તને નિર્મળ બનાવવાની. આપણા આ જીવનનું કોઈ પણ અવતાર કૃત્ય હોય, તો પહેલું અવતાર કૃત્ય આ છે, ચિત્તને, હૃદયને નિર્મળ બનાવવું. પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદા કહેતાં કે જ્યાં સુધી હૃદય નિર્મળ નથી બન્યું, ત્યાં સુધી યોગ સાધના પણ તમારી પાસે નથી. તમે માત્ર પ્રાણાયામ, માત્ર શારીરિક exercise કરો છો, યોગસાધના તમારી પાસે નથી. જ્યાં સુધી નિર્મળ હૃદય પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાધનાનો પ્રારંભ નથી.

એ નિર્મળ ચિત્ત કેવી રીતે થાય એની વાતો પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત બતાવે છે. આનંદઘન ચોવીશી. પરાવાણી. એક દેરાસરમાં પૂજ્યપાદ આનંદઘનજી ભગવંત ગયા છે, ઋષભદેવ દાદાની અપ્રતિમ મૂર્તિ દેરાસરમાં બિરાજમાન છે, બસ પ્રભુને જોયા, પ્રભુનું દર્શન થયું, અને આનંદધનજી ભગવંતના કંઠમાંથી પરાવાણી નીકળી પડી, “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત” સદ્ભાગ્ય આપણું કે પૂજ્યપાદ જ્ઞાનવિમલસૂરિ મ.સા. એ વખતે અચાનક ત્યાં આવી ગયા. એમણે આ શબ્દો સાંભળ્યા, આશ્ચર્ય ચકિત થઇ ગયા! આ પરાવાણી. એમણે એ સ્તવનો નોંધી લીધા અને એ સ્તવનો આપણી પાસે આવ્યા.

એ પછીની એક મજાની ઘટના છે: સ્તવનો મળી ગયા પણ સ્તવનોનો અર્થ સામાન્ય ભક્તો માટે થોડોક અઘરો પડે એમ હતો. તો જ્ઞાનવિમલસૂરિ મહારાજે વિચાર્યું કે એના ઉપર ગુજરાતી ભાષામાં સરળ વિવેચન લખું. એ પોતે પણ ભક્તિયોગાચાર્ય હતા. પહેલા સ્તવન ઉપર વિવેચના એમને લખી. પણ એમને પોતાને લાગ્યું કે ક્યાં આનંદઘનજીની સ્તવના, ક્યાં એ પરાવાણી અને ક્યાં આ વિવેચન. પણ ભક્ત હતા. ખ્યાલ આવી ગયો કે શું ખૂટે છે. ખ્યાલ આવી ગયો કે આનંદધનજી તો સતત ભક્તિની ધારામાં રહેતા હતા અને એમના કંઠેથી પરાવાણી વહી. મારે પણ સતત ભક્તિની ધારામાં રહેવું જોઈએ, લખવાની વાત પછી.

સુરતમાં એ વખતે જ્ઞાનવિમલસૂરિ મ.સા. બિરાજમાન હતા. સૂરજમંડન પાર્શ્વનાથના ભોંયરામાં ૬ મહિના સુધી લગાતાર સવારથી સાંજ સુધી એમણે ભક્તિ કરી છે. ૬ -૬ મહિના સુધી પ્રભુની ભક્તિની ધારામાં જ્ઞાનવિમલસૂરિ મ.સા. રહ્યા. પછી એમને કલમ ઉપાડી. અને વિવેચના પણ મજાની થઇ. જ્યાં સુધી પૂરું મન ભક્તિમાં તરબોળ ન બનેલું હોય, ત્યાં સુધી ભક્તિની વાત લખી ન શકાય. ભક્તિની વાત કરી ન શકાય. અને ભક્તિની વાત સાંભળી પણ ન શકાય.

બહુ મજાનો પ્રયોગ હમણાં પોંડીચેરી આશ્રમમાં થયો. શ્રી અરવિંદના ગયા પછી, શ્રી માતાજી આશ્રમનું સંચાલન કરતા હતા. બહુ જ વિદુષી હતા, એકવાર એમણે અરવિંદના સાવિત્રી ઉપર બોલવાનું નક્કી કર્યું. સાવિત્રી બહુ જ tough છે. માતાજીએ કહ્યું કે નવ વાગે auditorium ના બધા જ દરવાજા બંધ થઇ જશે. સવારે નવ વાગે હું આવી જઈશ. જેટલા શ્રોતાઓ આવ્યા હશે એટલા… પણ નવના ટકોરે auditorium ના બધા જ દરવાજા બંધ થઇ જશે. પછી કોઈને પ્રવેશ નહિ. ૯ થી ૯.૩૦ માતાજી પણ ધ્યાનમાં જાય. આખું જ audience ધ્યાનમાં. આમ પણ ત્યાં બધા સાધકો જ હતા. ૯ થી ૯.૩૦ સુધી બધા જ ધ્યાનમાં હોય. ૯.૩૧ મિનિટે માતાજી આંખ ખોલે, સાવિત્રીનું પુસ્તક એમની સામે પડ્યું છે. એમ જ એ પુસ્તકને ખોલે છે. અને ડાબા હાથ ઉપર જે પહેલો ફકરો આવે એને વાંચે છે. અને વાંચ્યા પછી ૩૦ મિનિટ એના ઉપર બોલે છે. બે આશય હતા, બધા જ શ્રોતાઓ ધ્યાનમાં ગયેલા હોય, એટલે નિર્વિચારતા એમને મળેલી હોય. વિચારો બિલકુલ શાંત થયેલા હોય અને એ નિર્વિચારતાની પૃષ્ઠ ભૂમિકા ઉપર પ્યારા પ્યારા શબ્દો લે. સાધકોના માટે તો ઓચ્છવ. અને માતાજીએ કહેલું કે ૧૦ ના ટકોરે પ્રવચન પૂરું થશે. પણ auditorium ના દરવાજા ખુલશે નહિ. ૧૦.૩૦ એ auditorium ના દરવાજા ખુલશે. એટલે ૧૦ થી ૧૦.૩૦ સુધી ફરી પાછું પૂરું audience ધ્યાનમાં જતું રહે.

આપણે ત્યાં જો આવો પ્રયોગ કરીએ ને, કરી શકાય છે. તો ખરેખર તમને લાગે કે આ પ્રવચનો સીધા જ તમારા અંત:સ્તર ને સ્પર્શી ગયા. સીધા ભીતર જતા રહે. અત્યારે તો મારી મુશ્કેલી એ કે વિચારોનું આખું જાળ તમે ફેલાયેલું છે. તમારા મનમાં… હવે જાળને ભેદીને મારે મારા શબ્દો અંદર કેમ મૂકવા….

અહીંયા પણ તમે બેઠા છો, વિચારો ચાલુ જ છે. તો શ્રોતાઓ માટે ધ્યાનની પૃષ્ઠ ભૂમિકા ઉપર શબ્દો લેવાના અને એ શબ્દો અંદર ગયા એને સ્થિર કરવાના. દોઢ કલાક auditorium માં બેસવાનું, ૩૦ મિનિટનું પ્રવચન મળે. માતાજી માટે શું હતું… કે એમને પહેલા વિચારેલું કશું જ નથી. ખ્યાલ પણ નથી કે આજે કયા ફકરા ઉપર બોલવાનું છે. એમ જ પુસ્તકને ખોલવાનું છે. ડાબા હાથે જે પહેલો ફકરો આવ્યો એના ઉપર બોલવાનું. આશય એ હતો કે પોતાની બુદ્ધિ એમાં વચ્ચે ન આવે. વક્તા વિચાર કરીને આવેને ત્યારે એની બુદ્ધિ વચ્ચે હોય છે. એણે વિચારેલું હોય છે કે આ points પર બોલીશ. પણ જ્યારે વિચારેલું જ ન હોય ત્યારે, ત્યારે પરાવાણી આવે છે.

તમારું કર્તૃત્વ બિલકુલ નથી. અને દિવ્ય ચેતનાનું, પરમ ચેતનાનું કર્તૃત્વ ચાલુ થયું એટલે પરાવાણી. આપણે કશું જ કરવાનું નથી. આપણા પ્રખ્યાત કવિ એમની એક સરસ કવિતા છે, રાજેન્દ્ર શાહની “હું ક્યાં કંઈ કરવા માટે આવ્યો છું. હું ક્યાં કઈ કરવા માટે આવ્યો છું, હું તો કેવલ ફરવા માટે આવ્યો છું.” કર્તૃત્વ છૂટી જાય, doing છૂટી જાય, being માત્ર રહે છે. એકવાર being નો વૈભવ તો માણો. કર્તૃત્વમાં પીડા જ પીડા છે.

દીકરીનું લગ્ન છે. સારામાં સારી રીતે મારે કરવું છે, લોકો મોમાં આંગળી નાંખી જાય એવી રીતે, પછી પેલા લોકોની ફરિયાદ આવે કે અમને જે હોટેલમાં ઉતાર્યા ત્યાં કોઈ વ્યવસ્થા બરાબર નથી. એ ઠેકાણું પડે ને પડે ત્યાં બીજો ફોન આવે, તમે લોકોએ શું કર્યું છે, કોઈ વ્યવસ્થાનું અહીંયા ઠેકાણું નથી. જાનૈયાઓ બધા મજામાં હોય અને કન્યાનો બાપ મૂંઝવણમાં હોય, પીડામાં હોય, શું કારણ? જાનૈયાઓ પાસે doing નથી, being છે. જલસો કરી લઈએ. Doing જેની પાસે છે એ પીડામાં હોય.

એકવાર being ની ધારામાં વહો. મારે બીજું કાંઈ જ કરવું નથી આ ચોમાસામાં… તમારું doing પડાવી લેવું છે. ગુરુદક્ષિણામાં કંઈક તો આપશો. મારે બીજું કંઈ જોઈતું નથી. તમારો doing આપી દો. તો આ પરાવાણી હતી કે જ્યાં તમે નથી, તમારી બુદ્ધિ નથી અને દિવ્ય ચેતનાનો સંસ્પર્શ છે.

એ જે શ્રી માતાજીના પ્રવચનો છે, ‘About Savitri’ નામના પુસ્તકમાં, એ નોંધાયેલા છે. મેં એ પ્રવચનો વાંચ્યા છે. વાંચતા જ લાગે કે આમાં કોઈ human touch નથી. માનવીય સ્પર્શ આમાં નથી, divine touch છે.

તો આનંદઘનજી ભગવંતની વાણીમાં આ દિવ્ય સંસ્પર્શ છે. ૩૦૦ – ૩૦૦ વર્ષ થયા, એ સ્તવનો જૂના પડ્યા નથી, અને જૂના પડવાના પણ નથી. હમણાં ૨ વર્ષ પહેલા રચાયેલું કોઈ સ્તવન હોય ને જુનું થઇ જાય. કે હવે જવા દો આ… પણ આનંદઘનજી ક્યારે પણ જુના થવાના નથી. એ “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો, ઔર ન ચાહું રે કંત” તમે બોલશો અને તમારી ભીતરથી એક મજાનું ગાન ફૂટી નીકળશે. પણ તમે બોલશો કંઈ રીતે…. 

આમે મંદિરમાં જાવ, ત્યારે તો વિચારોનું પોટલું તો બહાર મુકીને જાવ ને… નિસીહી એટલે શું? પહેલી નિસીહી બોલો એટલે શું કરો? ઘરના બધા વિચારો જે છે, ઓફીસના બધા વિચારો જે છે, એનું પોટલું મારીને બહાર મૂકી દો. વળતાં લઇ જવાની છૂટ. તમારું લઇ જાઓ, બીજાનું લઇ જાઓ. જેનું લઇ જવું હોય એનું લઇ જાઓ. પણ દેરાસરમાં જાવ ત્યારે નિર્વિચાર બનીને જાઓ.

ગુરુદેવ અરવિંદસૂરિ મ.સા. ની જન્મભૂમિ મનફરા. જે આજે શાંતિનિકેતન તરીકે ઓળખાય છે. ગુરુદેવની જન્મભૂમિને કારણે ખૂબ લોકોનો આગ્રહ અને અમારું ચાતુર્માસ ગુરુદેવની નિશ્રામાં શાંતિનિકેતનમાં નક્કી થયું. અમે કચ્છમાં યાત્રા શરુ કરી. કટારિયાજી ગયા. ત્યાંથી અમારે સામખિયાળી આવવાનું હતું, સામખિયાળી ગામની એકાદ કિલોમીટર પહેલા પાલનપુરના એક ભાઈની ફેક્ટરી હતી. ભક્ત હતો એ… એને ખ્યાલ આવ્યો કે અરવિંદસૂરિ દાદા બહુ જ મોટા કાફલા સાથે કટારીયાજી પધાર્યા છે અને સામખિયાળી પધારવાના છે. એ દોડતા કટારિયાજી આવ્યા, અને કહે, “સાહેબ ગમે તેમ કરો. સામખિયાળીમાં અમે પૂછી લીધું. ૯ – ૯.૩૦ વાગે સામૈયું છે. એટલે મારી ફેકટરીમાં પધારવું જ પડશે. એક હજાર કર્મચારીઓ મારે ત્યાં છે. બધાનું ભોજન પણ ત્યાં જ બને છે. એટલે નિર્દોષ ગોચરી આપના માટેની છે. નવકારશીનો  લાભ મને આપો.”

ભક્તની ભક્તિમાં કેટલી તાકાત હોય. માનવિજય ઉપાધ્યાયે કહ્યું, “સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભક્તે અમ મનમાંહે પેઠા.” પ્રભુ તમે દૂર જઈને કેટલા દૂર જશો. સાત રાજલોક દૂર, મારી ભક્તિમાં એ તાકાત છે, કે તમને મારા હૃદયમાં લાવીને જ રહીશ. ભક્તની તાકાત…..  અમે હા પાડી. એમની ફેક્ટરીમાં ગયા. કટારિયાજી ભક્તિ કરીને – દર્શન કરીને નીકળેલા. ૭ – ૭.૧૫ પહોંચ્યા. સ્વાગત થયું, માંગલિક થયું. પછી નવકારશી વાપરવાની હતી. હું નવકારશી વાપરીને બહાર આવ્યો.. બીજા બધા વાપરી રહેલા હતા. ત્યારે એ ફેકટરીના માલિક મારી પાસે બેઠા, મને કહે, “સાહેબ! અત્યારે યોગાના એક બહુ સરસ માસ્ટર અહીંયા આવેલ છે. હમણાં આપની પાસે પણ આવશે. ૧૦૦૦ કર્મચારીઓને એ યોગ શીખવાડે છે.”

આજે business management માં અને સૈન્યમાં પણ યોગાનો પ્રવેશ થઇ ગયો છે. એક કર્મચારી દક્ષતાથી અને નિષ્ઠાથી કામ ક્યારે કરશે? એનામાં યોગ હશે તો…. એટલે એ ભાઈએ કહ્યું કે દર વર્ષે આ યોગના પ્રશિક્ષકને હું બોલાવું છું, ૧૦૦૦ કર્મચારીઓને ફરજીયાત એમના યોગના classes ભરવાના. એ કહે કે સાહેબ! એનાથી એમના જીવનો સુધરી જાય, અને મને તો લાભ છે જ. એ લોકો દક્ષતાથી કામ કરશે. તો આજે business management માં, સૈન્યમાં બધે જ યોગનો પ્રવેશ થયો છે. આજના મનોવૈજ્ઞાનિકો એના માટે પહેલું એક સૂત્ર આપે છે. સૂત્ર કયા સંદર્ભમાં છે, એ સમજાવું.

આજનો માણસ ઓફિસેથી ઘરે આવે છે, ત્યારે ઓફિસની ફાઈલ બંધ કર્યા વગર આવે છે. આવે છે ઘરે પણ એના દીકરા જોડે એ પ્રેમથી વાત કરી શકતો નથી. નાના દીકરાને રમાડી શકતો નથી. પત્ની સાથે બે મીઠી વાતો કરી શકતો નથી. કારણ એ ઓફિસની અંદર એનું મન ઘુમરાયેલું છે. ઘરેથી ઓફીસે જાય છે, ત્યારે ઘરની ફાઈલ બંધ કર્યા વગર જાય છે. એટલે ઓફીસના કામમાં પણ ઠેકાણું પડતું નથી.

તો યોગનું પહેલું સૂત્ર એ આવે છે: કે “તમે જ્યાં છો ત્યાં જ જીવો.” ઘરે છો તો ઘરે જ રહો, મનને પણ ઘરે બેસાડી દો. ઓફિસમાં છો તો ઓફીસમાં મનને રાખો, અને ઉપાશ્રયમાં છો તો… ઉપાશ્રયમાં હોવ ત્યારે મન ક્યાં હોય? તો સૂત્ર એ આવ્યું there should be the totality, there should be the totality. તમારું મન તમે સમગ્રતયાએ આપી દો. વ્યાખ્યાન સાંભળ્યું પૂરેપૂરું, દેરાસરે ગયા તમે પૂરેપૂરા હાજર છો. અધૂરા હાજર ન રહો.. બરોબર? આવતી કાલથી શરુ થઇ જશે આ? મંગલાચરણ પહેલા આવવું જોઈએ અને સર્વમંગલ પછી જવું જોઈએ. હકીકતમાં હું તો એ રીતે કરાવું છું શિબિરોમાં કે મારું પ્રવચન ૯.૩૦ હોય, તો ૯ વાગે બધા આવી જાય, કેટલાક તો ૮.૩૦ વાગે આવીને બેસી જાય. એક કલાક ધ્યાનમાં રહે, અને પછી જ્યારે સાંભળે છે ત્યારે આખી જ નવી દ્રષ્ટિ મળે છે. અને પ્રવચન પૂરું થાય ૧૦ વાગે, ૧૦.૩૦ – ૧૧ સુધી ફરી બેસવાનું છે. તમે આટલું તો કરી શકતા નથી. પણ કમસેકમ સાતમાં દશ ઓછી એ આવો અને સર્વ મંગલ પછી જાઓ. ઘરે ગયા પછી, ઓફિસે ગયા પછી થોડો પણ સમય જ્યારે મળે ત્યારે વ્યાખ્યાનમાં આવેલ પદાર્થોને જરાક ઘુમરાવજો. અને એ રીતે આનંદઘનજી જોડે આપણે યાત્રા કરીશું. યશોવિજય નહિ રહે…. યશોવિજય ગેરહાજર, તમારે હાજર રહેવાનું. અને આનંદઘનજી ભગવંત આવી જશે. અને એ આનંદઘનજી ભગવંતને સથવારે આપણે ચાલીશું.  

Share This Article
1 Comment
  • With this divine lecture we will definitely make atleast small yatra of our અંતર આત્મા. ગુરુદેવ ના ચરણોમા કોટી કોટી વંદના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *