Anandghanji Ne Sathvare – Vachana 09

1.5k Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરાવાણી

ભાષાના ચાર પ્રકાર છે: વૈખરી, મધ્યમા, પશ્યન્તિ અને પરા. સામાન્ય મનુષ્યો બોલચાલની ભાષામાં જે શબ્દ પ્રયોગ કરે છે, તે વૈખરી. શબ્દોની સાથે જો અર્થનું અનુસંધાન પ્રગટે છે, તો તે મધ્યમા.

શબ્દોનું સર્જનકાર કોઈ બીજું છે (જેનો પોતાને ખ્યાલ નથી); પરંતુ ધ્યાનમાં ઊતરીને એ શબ્દો જોવાયા છે, તો તે પશ્યન્તિ ભાષા. અને જ્યાં તમારું કર્તૃત્વ પૂરેપૂરું છૂટી ગયું છે; પરમચેતના તમારા કંઠનો ઉપયોગ કરીને કંઈક મજાનું ગાન કરે છે, તે પરા ભાષા. પરાવાણી.

આનંદઘનજી ભગવંતની પરાવાણી છે. કર્તૃત્વ છૂટી ગયેલું અને શબ્દો વહ્યા છે. આનંદઘનજી બોલ્યા છે – એમ ન કહેવાય; બસ, એમના કંઠેથી શબ્દો વહ્યા! ક્રિયા થઈ; પણ કર્તા હાજર નથી!

આ વાચના આપ text format માં પણ વાંચી શકશો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના –

આનંદઘનજી ભગવંતની પરાવાણી “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”

ભાષાના ચાર પ્રકાર છે: વૈખરી, મધ્યમા, પશ્યન્તિ, અને પરા. સામાન્ય મનુષ્યો બોલચાલની ભાષામાં જે શબ્દ પ્રયોગ કરે છે એને વૈખરી ભાષા કહેવાય છે. પણ તમારા શબ્દોની સાથે અર્થનું અનુસંધાન જ્યારે પ્રગટે છે, ત્યારે વૈખરી મધ્યમામાં પલટાઈ જાય છે.

ચૈત્યવંદનમાં નમુત્થુણં તમે બોલો છો રોજ. એક નમુત્થુણં સૂત્રનો અર્થ તમારા ખ્યાલમાં હોય તો, તમારી તાકાત નથી કે કોરી આંખે તમે નમુત્થુણં સૂત્ર બોલી શકો. ડૂસકા જ ડૂસકા હોય. પ્રભુએ આટલું બધું મને આપ્યું. જે જોઈએ તે પ્રભુએ આપ્યું, બોહિદયાણં, ધમ્મદયાણં, બધુ જ પ્રભુએ આપ્યું છે. મારી પાસે જે પણ શુભ છે, એ બધું જ શુભ પ્રભુએ મને આપેલું છે.

એક સારો વિચાર તમને આવ્યો… કઈ રીતે આવ્યો? તમે ૧૭ જણા ને કહેતાં ફરો… મને આ વિચાર આવ્યો. હકીકત શું છે તમારી આજુબાજુમાં રહેલા કોઈ મહાપુરુષે એ સરસ વિચાર કરેલો. એ વિચાર પૂરો થયો એટલે વિચારના જે પુદ્ગલો હતા એ બહાર ફેંકાયા, અને એ વિચારના મનોવર્ગણાના પુદ્ગલોને તમે પકડી લીધા. એટલે કે શુભ વિચાર ઉપર તમારી માલિકીયત નથી.

ટી.વી. નું બોક્ષ પ્રોગ્રામ create નથી કરતું, એ પ્રોગ્રામને relay કરે છે. પ્રોગ્રામોનું creation studio પર થાય છે. એમ તમારા ટી.વી એ શું કર્યું! આજુબાજુમાં રહેલા સારા વિચારોને પકડી લીધા. એટલે એ વિચારો મહાપુરુષોએ છોડેલા હતા તમને મળી ગયા. તો તમારી માલિકીયત એના ઉપર કંઈ રીતે હોઈ શકે?

નમુત્થુણં બોલતાં આંખો આંસુથી ઉભરાઈ જાય, ગળે ડૂસકાં જ ડૂસકા હોય. પ્રભુ તે આટલું બધું મને આપ્યું. તારા ઋણમાંથી હું મુક્ત કેમ બનું! મારી અને તમારી બધી જ ધર્મ સાધનાની પાછળ હેતુ એક જ છે. પ્રભુના ઋણમાંથી મુક્ત થવાનો. એટલું બધું પ્રભુએ આપ્યું છે કે એ પ્રભુના ઋણમાંથી મુક્ત કઈ રીતે થવું?

તો મધ્યમાની અંદર શબ્દોની સાથે અર્થનું અનુસંધાન પ્રગટે છે. એ પછીની સૂક્ષ્મ ભાષા છે પશ્યન્તિ. પશ્યન્તિ ભાષા એટલે જોતી ભાષા. બહુ જ મજાની એની વાત છે… એક ગ્રંથને, એક આચાર્ય ભગવંત શિષ્યોને આપી રહ્યા છે. આ એ યુગની વાત છે જ્યારે પુસ્તકો લખાતાં ન હતા. ગુરુ પોતાના મુખેથી જ શિષ્યોને ગાથા સૂત્રો આપતાં. તો એક મજાનો આવો ઉપાશ્રય, એમાં આચાર્ય ભગવંત બિરાજમાન છે. અનેક શિષ્યોને એમણે આ ગ્રંથ આપ્યો. હવે આ ગ્રંથ લખાયેલો તો છે. એક સમય એવો આવે કે આચાર્ય ભગવંત પણ ન હોય, એ સૂત્રને ગોખનાર શિષ્યો પણ ન હોય. હંમેશા જ્ઞાન અધિકારીને જ આપવામાં આવતું. એટલે શિષ્યોને અધિકારી વિદ્યાર્થીઓ ન મળ્યા, તો એમણે એ સૂત્રને આગળ જવા ન દીધું. તો એ સૂત્રના જાણકાર આચાર્ય ભગવંત નથી. કોઈ શિષ્ય નથી. એટલે આપણે માનીએ કે એ ગ્રંથ વિચ્છિન્ન થયો. હવે એ ગ્રંથ આપણી પાસે નથી. પણ, ના… છે.

Ether માં, વાતાવરણમાં એ શબ્દો ગુંજેલા હતા. સેંકડો શિષ્યો એ હોલમાં બેસીને એ સૂત્રને ગોખતાં હતા. એના ધ્વની આંદોલનો ત્યાં મોજુદ છે. વર્ષો પછી જ્યારે એ ગ્રંથ જેવું કંઈ હતું એનો ખ્યાલ પણ નથી, ત્યારે એક મર્મી સાધક એ ઉપાશ્રયમાં આવે છે. આવતાં જ એને લાગે છે, કે અહીં ના vibrations કંઈક જુદા છે. તીર્થભૂમિનો મતલબ બીજો કંઈ જ નથી. જ્યાં સઘન vibrations મળ્યા એની બાજુમાં જિનાલય આપણે ખડું કર્યું. પણ બહુ મજાની વાત કે vibrations જે ધરતીમાંથી પ્રગટ થતાં હતા, ત્યાં મંદિર નથી બનાવતા આપણે, એનાથી થોડે દૂર બનાવીએ છીએ. એટલે એ જિનાલય પરિચય આપનારું બને કે આજુબાજુમાં કોઈ જગ્યા vibrations થી સભર છે. તમે આજુબાજુ ફરો, જ્યાં vibrations પકડાય ત્યાં તમે બેસી જાઓ.

હમણાં એક સાધક સમેતશિખરની યાત્રાએ જવાનો હતો. તો એણે મારી પાસે આશીર્વાદ માંગ્યા. મેં આશીર્વાદ આપ્યા. પછી મેં એને કહ્યું કે તું ઋજુવાલિકા નદીને કાંઠે જાય તો ત્યાં ધ્યાનમાં થોડીવાર માટે બેસજે. ૨૬૦૦ વર્ષ એ કોઈ મોટો સમયગાળો નથી. કાળના મહાસાગરમાં એ તો એક tiniest portion છે. એક નાનકડી ચમચી. તો ૨૬૦૦ વર્ષ પહેલાં પ્રભુ મહાવીર દેવને કૈવલ્યની પ્રાપ્તિ ત્યાં આગળ થઇ, એની ઉર્જા ત્યાં આગળ વિખેરાયેલી છે. એ ઉર્જાને પકડવાની તું કોશિશ કરજે.

ઉર્જાને પકડનાર ઘટક દ્રવ્યો બે છે. વૃક્ષ અને ધરતી. વૃક્ષનો grasping power વધારે છે ધરતી કરતાં. એટલે જ દરેક તીર્થંકર ભગવંતોનો દીક્ષા, કેવલજ્ઞાન, વૃક્ષની નીચે જ થાય. એ વખતે જે વિસ્ફોટ થાય અને ઉર્જા પ્રગટે એને વૃક્ષ પી લે. ધરતી પી લે. અને હજારો વર્ષો સુધી એ ઉર્જા તમને આપ્યા કરે.

પરમપાવન શત્રુંજય તીર્થે જઈએ, રાયણ વૃક્ષની નીચે ધ્યાન કરીએ તો શું થાય? દાદા ઋષભદેવની ધ્યાન સમયની ઉર્જાને આપણે પકડી શકીએ.

તો મેં એ ભાઈને કહ્યું કે ઋજુવાલિકા કાંઠે અડધો કલાક – કલાક તું ધ્યાનમાં બેસજે.  એ જે ઉર્જા વિખેરાયેલી છે, એનો આભાસ તને થશે.

તો પેલા હોલમાં એક મર્મી સાધક આવ્યો. એને ખ્યાલ નથી કે અહીંયા કોઈ આચાર્ય ભગવંત રહેતા હતા. એમણે સેંકડો શિષ્યોને એ ગ્રંથ આપેલો આ કોઈ વાત એમને ખબર નથી. પણ હોલમાં પ્રવેશતા જ લાગ્યું કે vibrations કંઈક અલગ છે. યાદ રાખો મહાપુરુષો જાય છે – મહાપુરુષો જાય છે એટલે એમનું શરીર જે છે એ અગ્નિને હવાલે થાય છે. ઉર્જા જે છે એ ત્યાં ને ત્યાં રહેતી હોય છે. એટલે આપણે ત્યાં સમાધિ તીર્થોનો મહિમા છે. એક ગુરુદેવ કાળ કરી ગયા, પાછળ આપણે મંદિર બનાવીએ શા માટે? કે ત્યાં ઉર્જા વધુ પ્રમાણમાં છે, ત્યાં ધ્યાન કરીએ તો ગુરુદેવની ઉર્જા સાથે આપણે સંબદ્ધ બનીએ. મને કોઈ કહે ને કે ગુરુદેવ ગયા:  હું કહું ગુરુદેવ જાય જ નહિ. ગુરુ જઈ શકે જ નહિ. ગુરુ અહીંયા જ છે. કારણ કે ગુરુની ઉર્જા, ગુરુની શક્તિ અહીંયા છે.

તો એ સાધક ધ્યાનમાં બેસી ગયો. કે vibrations સરસ પકડાય છે. ધ્યાનમાં જવું તો વધુ સૂક્ષ્મ રીતે પકડાય. Vibrations પણ છે ને જાત – જાતની માત્રાના હોય. કોઈ જગ્યાએ તીવ્ર હોય, કોઈ જગ્યાએ મંદ હોય. તીવ્ર vibrations હોય, તીવ્ર આંદોલનો તો તમને એ ધરતી ઉપર પગ માંડતા જ ખ્યાલ આવી જાય. પણ ધીમા vibrations હોય, તો તમારે ધ્યાનમાં પણ જવું પડે. તો એ સાધક ધ્યાનમાં જાય છે. અને ધ્યાનમાં પેલો આખો ગ્રંથ એની સામે દેખાય છે. પશ્યન્તિ જોતી ભાષા. એ ગ્રંથ આખો ભીંત પર લખાયેલો છે એ રીતે એને દેખાય છે. એ દેખાયો, સ્મરણશક્તિ સારી હતી… સવારે એ ગ્રંથને આખો લખી લે છે. યોગસાર, હૃદયપ્રદીપ, આવા ઘણા બધા ગ્રંથો પશ્યન્તિના લયમાં આવ્યા છે. કોઈ કર્તાનું નામ નથી. કર્તા નામ લખે પણ શી રીતે?

એ કર્તા નથી, એમને માત્ર લખી લીધું છે. સર્જનકાર તો બીજો કોઈ છે જેનો પોતાને ખ્યાલ નથી. તો આ પશ્યન્તિ ભાષા.

છેલ્લી ભાષા છે પરા ભાષા. પરા ભાષા એ છે જ્યાં તમારું કર્તૃત્વ પૂરેપૂરું છૂટી ગયું છે. અને દિવ્ય ચેતના, પરમ ચેતના તમારા કંઠનો ઉપયોગ કરી અને કંઈક મજાનું ગાન કરે છે. એ પરા ભાષા. તો આનંદઘનજી ભગવંતની આ પરા ભાષા. પરાવાણી. એ પોતે છે જ નહિ. વક્તા જ્યાં સુધી હોય, ત્યાં સુધી તમને એ પ્રવચનકાર આસ્વાદ આવે. પણ પ્રવચનકાર જતો રહે, અને પ્રભુ એના કંઠેથી પ્રગટે તો આસ્વાદ કેટલો મજાનો થઇ જાય.

પહેલા યશોવિજય નામની એક વ્યક્તિનો આસ્વાદ તમને મળતો. અને પછી પરમાત્માનો આસ્વાદ મળે કેટલી મોટી વાત થઇ ગઈ. તો આનંદઘનજી રહ્યા જ નથી. પરાવાણી. એમના કંઠેથી વાણી નીકળે છે. પણ એમનું કર્તૃત્વ નથી. આપણે તો કોઈનું બનાવેલું સ્તવન ગાતા હોઈએ, અને સહેજ કંઠ સારો હોય તો અહંકાર આવે. અલ્યા! સ્તવન તે બનાવ્યું નથી. અહંકાર શેનો કરે છે!

એક વાત બહુ મજાની આજે તમને કહું. અહંકાર ને delete કરવાની કોશિશ ક્યારે પણ નહિ કરતા. અહંકાર delete એમ થઇ શકતો પણ નથી. પણ તમારા હું ને સમજવાની કોશિશ કરો. આ એક કરો… આજથી જ.

તમે જેને ‘હું’ કહો છો એ ‘હું’ છે શું? માત – પિતાએ આપેલું શરીર, society એ આપેલું નામ, અને એના ઉપર તમે ‘હું’ નું label લગાવી દો. તમારા ‘હું’ ને સમજવાની કોશિશ કરો. તમારા ‘હું’ ઉપર હસવાનું ચાલુ થઇ જાય, પછી સાધના શરુ થશે. તમે કહેશો આ ‘હું’? માંસ અને ચરબી જ અંદર છે. ઉપર ચામડી લગાવેલી છે. ચામડી સહેજ ફાટે તો શું નીકળે? અઠવાડિયું ગુમડું થઇ જાય તો પરું નીકળે, બદબૂ વહાવે. શરીરમાં શું છે! શરીર માત – પિતા દ્વારા મળ્યું છે અને રાખમાં મળી જવાનું છે. તો શું તમારી identity આ છે?

એક કવિએ લખ્યું છે: “જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો બદલના પડેગા. જિંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો બદલના પડેગા. મૌત જબ તુમસે આવાજ દેગી, તબ ઘર સે નિકલના પડેગા”. સંત રવિદાસ  બહુ મોટા ગુરુ થયા: એમને પૂછવામાં આવ્યું કે સદ્ગુરુની વ્યાખ્યા શું? ત્યારે એમણે બહુ સરસ વ્યાખ્યા આપી: “ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર…ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર.” આ ઘરમાં રહેલા સાચા ઘરને જે બતાવી આપે તે અમારા સદ્ગુરુ.

ક્યારે પણ સદ્ગુરુ પાસે જઈને રડ્યા કે સાહેબ! આ શરીરને અને નામને ‘હું’ માનીને જીવ્યો છું. મારા ‘હું’ ને છીનવી લો. કહ્યું કોઈવાર? મારા આ ‘હું’ ને છીનવી લો અને મારા સાચા ‘હું’ ને આપો. આ તમે નથી… તમારે રહેવાનું આ ઘર છે.

કોઈ માણસ ધર્મશાળામાં જાય, પ્રભુની પૂજા એને કરવી છે. ખાલી ૩ કલાક રોકાવું છે. ધર્મશાળાની રૂમ લીધી. રૂમ ખોલી, રૂમમાં જોયું પ્લાસ્ટર, બ્લાસ્ટર ખરી ગયેલું છે. બાથરૂમમાં પણ ટાઈલ્સ ઉખડી ગયેલી છે, એ માણસ શું કરે બોલો… કડિયાને બોલાવા જાય…. એ કહે મારે ૩ કલાક તો રહેવું છે. બાથરૂમમાં નાહ્યા, ભગવાનની પૂજા કરી, અને ચાલતી પકડવી છે. તો ટાઈલ્સ ઉખડેલી હોય તો મને શું ફરક પડે, અને પ્લાસ્ટર ખરી ગયું તો મને શું ફરક પડે! બરોબર? એને તો એટલું નક્કી હતું ૩ કલાક રોકાવાનું! આ ઘરમાં કેટલું રોકાવાનું ખબર છે?

ઘણા લોકોએ સાંજે promise આપેલું હોય કે કાલે સવારે નાસ્તાના ટેબલ ઉપર મળીએ છીએ. રાત્રે ને રાત્રે ઉપર પહોંચી જાય. આ ઘરમાં કેટલું રહેવાનું? તો આ ઘરમાં કંઈક થઇ ગયું તો શું કરો તમે? સાધક તરીકે તમારી દ્રષ્ટિ શરીર માટે શું હોય એ બતાવો! પીડા જોડે તમને વાંધો નથી. અસમાધિ જોડે તમને વાંધો છે. ભગવાન પાસે પણ આપણે નથી માંગતા કે પ્રભુ! મારી પીડાને દુઃખ તું દૂર કરજે. પણ મને સમાધિ આપ. એવું આપણે માંગીએ છીએ. તો સમાધિ આપણી ખોરવાવી ન જોઈએ.

તમને ખ્યાલ છે તમારી સમાધિનું મહત્વ અમને કેટલું બધું છે. એક વ્યક્તિએ ૧૬ ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું. ૧૫મો દિવસ…દિવસ તો પસાર થઇ ગયો, રાત્રે એને તરસ લાગી. ૧૦ – ૧૦.૩૦ વાગ્યા એ કહે મને પાણી આપો. બધા એને સમજાવે કે હવે કેટલા કલાક છે, સવારે નવકારશી ના પચ્ચખાણે ગુરુદેવને પૂછીને તમને પાણી આપી દઈશું. રાત્રે તો પાણી ન પીવાય. પેલો કહે કે મારાથી રહેવાય એવું નથી. પાણી નહિ આપો તો મરી જઈશ. એ વખતે ગુરુદેવને બોલાવવામાં આવ્યા. રાત્રે. આચાર્ય ભગવંત, ગીતાર્થ ગુરુદેવ જોવે કે એની હાલત એટલી બગડેલી છે કે કદાચ પાણી ન મળે તો એના પ્રાણ જઈ શકે એમ છે. અને આ લેશ્યામાં એ મરી જાય તો અપકાયમાં જ ઉત્પન્ન થાય.

તો ગુરુદેવ કહે છે: ભાઈ ઉકાળેલું પાણી કરીને ઠારી એને પાઈ દો રાત્રે! કારણ તમારી સમાધિ મહત્વની છે. એ પાણી પીધું પેલાને સંતોષ થઇ ગયો. હવે એનું પ્રાયશ્ચિત પણ થઇ જશે, વિશેષ તપશ્ચર્યાઓ પણ કરશે. બધું જ કરશે. પણ મરી ગયો હોત તો. પણ એ ‘સવ્વસમાહિવત્તિયાગારેણં’ નો આગાર ગુરુના હાથમાં, તમારા હાથમાં નહિ. તમે ક્યારેય નક્કી ન કરી શકો. તો સદ્ગુરુને કહો કે ગુરુદેવ! આ ઘરમાં રહેલ સાચા ઘરને મને દેખાડો. એકવાર જ્યાં ખ્યાલ આવશે કે આનંદઘન તમે છો, આ શરીરનું  કોચલું જે છે ને એ છૂટી જશે. અમે લોકો પણ શરીરમાં છે, તમે પણ શરીરમાં છો.. What is the difference? ફરક ક્યાં છે? અમને આ ઘર લાગે છે. આની અંદર ‘હું’ પણાનો બોધ નથી. I am the bodyless experience, I am the mindless experience, I am the nameless experience. અને તમને બધાને પણ આ ભૂમિકા ઉપર મુકવા છે. આત્મતત્વ તે ‘હું’. તે જણાય નહિ ત્યાં સુધી સાધના કઈ? બોલો ‘હું’ એટલે શરીર. આ તમે નક્કી કરેલુ હોય, પછી gymમાં જાઓ પછી, કસરત કરો. પછી ઉપવાસ ક્યાંથી આવે? પણ ‘હું’ એટલે આત્મા છું, સત્તા રૂપે ‘હું’ નિર્મળ છું. વાસ્તવમાં હું કર્મોથી અલિપ્ત છું. રાગ – દ્વેષ વગરનો છું. પણ અત્યારે મારા અજ્ઞાનને કારણે રાગ – દ્વેષનો લેપ મારા આત્મતત્વ ઉપર થયેલો છે. તો હવે બધી જ સાધના શેના માટે? એ જે આત્મતત્વ ઉપર મેલ લાગ્યો છે એને દૂર કરવા માટે. એટલે આત્મનિર્મલીકરણ માટે આપણી બધી જ સાધના છે. પણ ‘હું’ એટલે આત્મા, આ જો નક્કી નથી થયું, તો વાસ્તવમાં તમારી સાધના પણ શરુ થઇ નથી.

તો આપણે ધીરે ધીરે આનંદઘનજીની સાથે ચાલવું છે. આપણે એમનો હાથ પકડીશું. એમણે ભગવાનનો હાથ પકડ્યો છે. એટલે આપણો હાથ via આનંદઘનજી પ્રભુને touch થશે.

આજે જેમણે દીક્ષા લીધી એ શિષ્યનો હાથ પ્રભુને touch થઇ શકે. એ શિષ્યનો હાથ એના ગુરુના હાથમાં, એના ગુરુનો હાથ એના ગુરુના હાથમાં. અને છેલ્લા ગુરુ જે છે એમનો હાથ પ્રભુના હાથમાં. પ્રભુનો સ્પર્શ. પરમ સ્પર્શ. તમને રોજ પરમ સ્પર્શ થાય છે. પૂજા કરો ત્યારે શું થાય? પરમાત્માનો સ્પર્શ. પરમાત્મા મૂર્તિ છે કે સાક્ષાત્ પરમાત્મા છે? સાક્ષાત્ પરમાત્મા છે. સાક્ષાત્ત પરમાત્માનો સ્પર્શ કરો છો ત્યારે શું થાય છે? આજથી તમારી પૂજા બદલાઈ જવી જોઈએ.

શું કરવાનું તમને સમજાવું….  તમે ગભારામાં પણ વિચારો લઈને જાઓ છો. ગભારાની બહાર તમે ઉભા છો. અને એક જ વિચાર આવે કે આ મુનિસુવ્રતદાદા ક્યાંથી આવેલા છે? જયપૂરથી નહિ. સિદ્ધશિલા ઉપરથી. સિદ્ધશિલા ઉપરથી સાત રાજલોકનો વિહાર કરીને આ મુનિસુવ્રત દાદા મારા માટે આવ્યા. પેલી શબરી માટે તો ગયેલા. મારા માટે આવી ગયા. Personal for us, personal for me. એક અહોભાવની ધારા ભીતર જન્મે. અને એ અહોભાવની ધારા એકદમ વેગવાળી બને, પછી ગભારામાં જાઓ અને પ્રભુનો સ્પર્શ કરો. કોઈ વિચાર નથી. માત્ર મારા પ્રભુ, મારા પ્રભુ, મારા પ્રભુ… એ રણકાર ચાલી રહ્યો છે. અને તમે પૂજા કરો. આખો જ નવો  અનુભવ થશે.

મારું ચોમાસું પાલનપુરમાં હતું,વર્ષો પહેલાની ઘટના છે. ભાદરવો મહિનો, બપોરના ૪ વાગેલા, હું સ્વાધ્યાય કરતો હતો. એક સાત વર્ષની લગભગ બેબી ઉપાશ્રયમાં આવી. પરિચિત ભક્તની દીકરી હતી. શું એક મજાની પરંપરા છે. તમારો અઢી વર્ષનો દીકરો અમારી પાસે આવે, અને એકદમ નજીક આવીને બેસી જાય, ચરણ દબાવા માંડે, ત્યારે લાગે કે કેવા સંસ્કાર તમે લોકોએ આપ્યા છે. જૈન કૂળમાં જન્મવું…. એ મહાન પુણ્યની નિશાની એ અહીંયા લાગે.

કાલે એક બાબો આવેલો, બે – અઢી વર્ષનો હશે, એની ભાષામાં કહે કે હું ચૌવિહાર રોજ કરું છું. તીવિહાર પણ નહિ, ચૌવિહાર રોજ કરું છું. મેં કીધું વાહ!…. એ સાત વર્ષની બેબી ઉપાશ્રયમાં આવી. એને વંદન કર્યું. પછી મને પૂછ્યું, કે મ.સા. ગરમી કેવી છે? મેં એને philosophical answer આપ્યો. કે બેટા! ગરમી, ગરમીનું કામ કરે. આપણે આપણું કામ કરવાનું. જો હું સ્વાધ્યાય કરું છું કે નહિ… પણ એ કોન્વેન્ટ kid હતું,એમ મારા answer થી પ્રભાવિત નહિ થયું. એ કે નહિ મ.સા. એ રીતે વાત નહિ કરો, હું પૂછું એનો જવાબ આપો. ગરમી છે કે નહિ. મેં કીધું ગરમી તો છે જ…. બીજો સવાલ એને કર્યો, તમને ગરમી લાગે છે? હવે આમાં તો સરસ philosophical answer અપાય એવો હતો. કે બેટા! મારા શરીરને કદાચ લાગતી હોય ગરમી, મને ક્યાંથી ગરમી લાગે? પણ હું સમજ્યો કે philosophical answer અહીંયા ચાલશે નહિ. એ કહે કે તમને ગરમી લાગે છે કે નહિ….? મેં કીધું લાગે છે. અને એણે ૩જો સવાલ કર્યો ઉપાશ્રયના બધા બારી – બારણાં ખુલ્લા છે તો ય તમને ગરમી લાગે છે. તો દેરાસરમાં ભગવાન બેઠા છે, ગભારાની અંદર ventilation નથી, કોઈ બારી નથી. હવા pass થાય એવી કોઈ સુવિધા નથી. તો ભગવાનને કેટલી ગરમી લાગતી હશે..? હું છક થઇ ગયો કે વાહ! પ્રભુને એને સપ્રાણ, જીવંત માન્યા, મને ગરમી લાગે, તમને ગરમી લાગે, તો પ્રભુને ગરમી કેમ ન લાગે. મેં એને પૂછ્યું બેટા! અત્યારે ૪ વાગે તને આ સવાલ કેવી રીતે થયો? ત્યારે એણે મને કહ્યું, કે મારી મોટી બેન, એની બહેનપણીઓ સાથે ભગવાનની આંગી કરવા માટે આવી છે. ચાંદીના ખોખા ઉપર એ લોકો આંગી  કરે છે. આંગી તૈયાર થવા આવી છે અને ભગવાનને ધરાવા જશે. તો મને સવાલ થયો કે ગભારામાં બારી નથી, ventilation નથી, હવા pass થાય એવું કંઈ છે નહિ. ભગવાનને ગરમી લાગતી હશે. આમેય અને આ ખોખુ ધરાવે પછી તો ગરમી કેટલી વધી જાય. એટલે હું તમને પૂછવા આવી છું. કે ભગવાનને કેટલી ગરમી લાગે?

મેં એને પૂછ્યું કે બેટા! તારો બેડરૂમ Ac છે કે non Ac છે? તો કહે મારો બેડરૂમ Ac છે. મેં કીધું રાત્રે ૯ વાગે તારા બેડરૂમમાં જાય. પછી તારે કેટલા બારી – બારણાં ખુલ્લા કરવા પડે? મને કહે કે સાહેબ! બારી બારણાં ખુલ્લા શેના કરવાના હોય? Switch દબાવીએ એટલે રૂમ chilled, ઠંડોગાર. ત્યારે મેં કહ્યું કે જે ભગવાન આખી દુનિયાને ઠંડક નો પૂરવઠો પૂરો પાડે, એમનો ગભારો કેવો હોય… મને કહે કે હા.. એ વાત તો બિલકુલ સાચી. તો તો central air condition હોય ત્યાં બધું, ચાલો ભગવાનને ગરમી નહિ લાગે હું જાઉં છું,મને કહે…

તમે પ્રભુને સપ્રાણ માન્યા છે? બોલો, સાક્ષાત્ મુનિસુવ્રત દાદા અહીંયા આવ્યા છે, એવું તમને લાગે છે? એ જ પરમચેતનાને અમે મૂર્તિમાં આરોપિત કરી છે જે પરમ ચેતના પૂરા બ્રહ્માંડમાં છવાયેલી છે. તો સાક્ષાત્ પરમાત્મા છે. મૂર્તિ શબ્દનું અસ્તિત્વ ભક્તની dictionary માં છે નહિ. મૂર્તિ તો ક્યાં સુધી, તમે જયપુરથી લાવ્યા ત્યાં સુધી. જે ક્ષણે પ્રાણ પ્રતિષ્ઠા થઇ, ભગવાન થઇ ગયા. સાક્ષાત્ પરમાત્મા છે. અને એ સાક્ષાત્ પરમાત્માનું દર્શન કરો.

ક્યારેક કલાપૂર્ણસૂરિ દાદા પ્રભુનું દર્શન કરતા હતા. ત્યારે વિમાસણ થતી કે પ્રભુને જોવા કે આ દાદાને જોવા…? પ્રભુને જોતા જાણે કે સાક્ષાત્ પ્રભુ સમવસરણમાં બેઠેલા છે એવો ભાવ દાદાના મુખ ઉપર ઉપજતો હતો. એક અનુષ્ઠાન સમ્યક તમારી પાસે આવી ગયું એ એક સમ્યક અનુષ્ઠાન તમને મોક્ષ અપાવવા માટે સમર્થ છે. એક પ્રભુનું દર્શન, એક પ્રભુની પૂજા, એક સામાયિક, કોઈ પણ અનુષ્ઠાન, પણ એમાં સંપૂર્ણ તયા જાઓ. There should be the totality. બધું ઉપર છલ્લું નહિ. સામાયિક તમે કરવા માટે તમે ઘરે બેઠેલા હોય, બરાબર… ૨૦ મિનિટ થઇ છે? તમને ખ્યાલ છે  સામયિકમાં શું શું ન થાય એ? ફોન ઉચકાય નહિ, કાચા પાણીને અડાય નહિ, ખબર છે ને એમ મનની અંદર પણ ગુસ્સો ન કરાય એ ખ્યાલ છે ને? ૨૦ મિનિટ પૂરી થઇ છે અને એક વ્યક્તિ તમારા રૂમમાં. એ વ્યક્તિ પ્રત્યે તમને અણગમો છે. તરત જ તમારા મનમાં વિચારો શરુ થયા, આ ક્યાંથી આવ્યો અહીંયા… આ હરામખોર એને મારા માટે કેટલી વાતો ફેલાવેલી ખોટી ખોટી…આ માણસ મારા ઘરે કેમ આવ્યો છે? ચલો અડધી મિનિટ, તમને મનમાં એ વ્યક્તિ ઉપર દ્વેષ આવી ગયો તમે પાછળથી આલોચના લેવાના? તો આલોચના શેની લેવાના? સામયિકમાં બેઠો હતો બારણાં પાસે અને જોરથી વરસાદ શરુ થઇ ગયો. અને કાચા પાણીના છાંટા અડ્યા. એટલે સામાયિક ભાંગે ત્યારે જ. ગુસ્સો કરો તો સામાયિક ભાંગે ખરું?

સામાયિકની સાધના શેના માટે? સમભાવને પુષ્ટ કરવા માટે…તો હવે શું થવું જોઈએ એ તમને કહું, ૨૦ મિનિટ સામાયિકમાં સરસ ગઈ, ૨૧મી મિનિટે એ વ્યક્તિ આવી. એને જોતા સહેજ તમારા મનમાં ગુસ્સો આવ્યો. શાસ્ત્રીય ભાષામાં કહું તો સત્તા માં પડેલો ગુસ્સો ઉદયની અંદર અંગારા રૂપે આવ્યો. હવે એ જે અંગારો છે એના પરત્વે બે કામ કરી શકાય. તમે જાગૃત થઇ જાઓ. તો અંગારા ઉપર રખિયા ફરી વળે. અને અંગારો શાંત થઇ જાય. જાગૃતિ એ આવે કે હું સામાયિકમાં છું, સમભાવની સાધનામાં છું. મારાથી ગુસ્સો થઇ જ ન શકે. સમભાવ અને વિભાવ આમને – સામને… મન જ્યારે સમભાવમાં હોય ત્યારે વિભાવમાં હોઈ શકે? રાગ, દ્વેષ, અહંકાર આ બધા વિભાવો છે. તો એકસાથે મન બે માં હોઈ શકે ખરું? ન હોઈ શકે. તો તમે સમભાવમાં છો, ત્યારે વિભાવમાં-દ્વેષમાં કેમ હોઈ શકો? આ જાગૃતિ આવી ગઈ, તો શું થયું? અંગારો શાંત થઇ ગયો. પણ સામાયિકમાં બેઠેલા છો, જાગૃતિ ન આવે તો વિચારો તમારા ચાલશે….આ માણસે મારું કેટલું નુકશાન કર્યું, આ માણસ કેવો હરામખોર છે. આ માણસ આવો છે… તો એ વિચારો શું કરશે? અંગારાને ભડકા માં ફેરવશે. એક તમારી જાગૃતિ તમારા રાગને, તમારા દ્વેષને, તમારા અહંકારને શાંત કરી શકે છે. આમ પણ તમે જાગૃત જ છો ને… અત્યારે જાગતા છો ને.. અત્યારે જાગો છો કે ઊંઘો છો? જાગો છો! આ જાગૃતિ conscious mind ના લેવલ ની છે. આપણે અસ્તિત્વના લયની, unconscious mind ને પેલે પાર જે અસ્તિત્વ છવાયેલું છે, એના સ્તરની જાગૃતિ જોઈએ છે.

તમે પૌષધ કરો. રાત્રિ પૌષધ હોય, સંથારાપોરસીમાં બોલો કે “અતરંત પમજ્જએ ભૂમિમ્” એનો અર્થ એ છે કે, રાત્રે જો શરીરને પડખું બદલવું હશે, તો શરીરના પડખાની જગ્યા, એ જ્યાં બદલાવાનું એ સંથારાની જગ્યા, ચરવળાથી હું પૂંજીશ. શરીર ઊંઘતું હોય, તમે જાગતા હોવ. આને અત્યારની યોગિક ભાષામાં conscious sleep કહેવામાં આવે છે. જાગૃત નિદ્રા. શરીર થાકેલું છે, સૂઈ જાય. conscious mind વિચારો કરીને થાકેલું છે એ સૂઈ જાય, તમારે ક્યાં સૂવાની જરૂર છે! સાધકનું શરીર સૂવે, સાધક ક્યારે પણ સૂવે નહિ. એટલે તો પ્રભુએ કહ્યું આચારાંગજી માં “સુત્તા અમુણી મુણીનો સયયં જાગ્રન્તિ” પ્રભુની એક શ્રદ્ધા મારા મુનિઓ, મારી સાધ્વીઓ સતત જાગ્રત. રજોહરણ મળી ગયું એ સતત જાગૃત હોય.

તો આનંદઘનજી ભગવંતની પરાવાણી છે. કર્તૃત્વ છૂટી ગયેલું અને શબ્દો વહ્યા છે. સાહેબ બોલ્યા છે એમ ન કહેવાય. બસ, આનંદઘનજી ભગવંતના કંઠેથી શબ્દો વહ્યા. બોલનાર એ નથી. ક્રિયા ચાલી રહી છે. કર્તા ગેરહાજર છે.

એક બહુ નાનકડી વાત છેલ્લે કહી દઉં, એક પહોચેલા સાધકને પૂછવામાં આવ્યું કે સાધનાના પ્રારંભમાં પણ આપ ખાતા હતા, પીતા હતા, સૂતા હતા, આજે આપની સાધનની ઉંચાઈ બહુ જ વધી ગઈ છે. છતાં આપ ભોજન લો છો, આપ પાણી પીઓ છો, તો આમાં ફરક શું પડ્યો? પહેલા પણ ખાતા હતા, અત્યારે પણ ખાઓ છો. એ વખતે એ સાધકે કહ્યું કે પહેલા હું ખાતો હતો, હું પીતો હતો, હું સૂતો હતો. હવે ખવાય છે, પીવાય છે, સૂવાય છે. હું ઉડી ગયું. ક્રિયા રહી. કર્તા ઉડી ગયો. તમે છે ને ખોટી જગ્યાએ કર્તા ને ઉડાડ્યો છે. પતિક્રમણની ક્રિયા કરો અને કરનારો અદ્રશ્ય હોય. અરે કર્તા ને ત્યાં નથી ઉડાડવાનું, રાગ – દ્વેષની જ્યાં ક્રિયા કરો ત્યાં કર્તા ને ઉડાડવાનું છે.

તો કર્તૃત્વ બિલકુલ ગયેલું હતું, અને પ્યારા પ્યારા શબ્દો વહ્યા છે. એ પ્યારા શબ્દોની સાથેની આપણી યાત્રા શરૂ.

Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *