Anandghanji Ne Sathvare – Vachana 11

1.2k Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પરાવાણીના શ્રવણ માટેની સજ્જતા

પરાવાણીનું ગાન આનંદઘનજી ભગવંત જેવું વિરલ વ્યક્તિત્વ જ કરી શકે અને આવી પરાવાણીનું શ્રવણ કરવા માટે સાધકની બે સજ્જતા જોઈએ.

પહેલી સજ્જતા _સબ તન ભયે શ્રવણ_. પૂરું શરીર કાન બની જાય; બીજી કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ એ સમયે ન હોય. માત્ર કાન ખુલ્લા હોય અને એમાંથી પરાવાણી ભીતર જઈ અસ્તિત્વને ભીંજવી દે.

બીજી સજ્જતા _અભિવ્રજ્યા_. પ્રભુના પરમ સંમોહનમાં આવી જવું – એ અભિવ્રજ્યા. પ્રભુ સિવાય બીજું કંઈ ગમે નહિ – એ અભિવ્રજ્યા. પૂરું મન, પૂરું હૃદય, પૂરું વ્યક્તિત્વ પ્રભુ અને સદ્ગુરુના પ્રેમથી રંગાયેલું હોય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૧

આનંદઘનજી ભગવંતની પરાવાણી. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” પરાવાણીનું ગાન વિરલ વ્યક્તિત્વો જ કરી શકે. પણ એનું શ્રવણ પણ વિરલ વ્યક્તિત્વો જ કરી શકે. પરાવાણીને ક્યારે સાંભળી શકાય?

બે સજ્જતાની વાત આવે છે. એક સજ્જતાની વાત સંત કબીરજી એ કીધી, ‘એમણે કહ્યું ‘સબ તન શ્રવણ’ પૂરું શરીર કાન બની જાય. આ પહેલી સજ્જતા. મતલબ એ થયો કે એ વખતે બીજી કોઈ ઇન્દ્રિયોનો ઉપયોગ નથી. આંખો બંધ કરીને માત્ર તમે એ પરાવાણી ને પી રહ્યા છો. તો બીજી કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ એ સમયે ન હોય. માત્ર કાન ખુલ્લા હોય, અને એમાંથી પરાવાણી ભીતર જઈ અસ્તિત્વને ભીંજવી દે. બીજી સજ્જતા એ છે, કે પૂરું મન, પૂરું હૃદય, પૂરું વ્યક્તિત્વ, પ્રભુ અને સદ્ગુરુના પ્રેમથી રંગાયેલું રહે.

મીરાંએ બહુ મજાની વાત કરી. ‘લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા.’ લાલ રંગ રાગનો છે, લીલો રંગ દ્વેષનો છે. મીરાંનો એક નિર્ધાર થયો કે અનંતા જન્મોની અંદર મારા વ્યક્તિત્વની ચુંદડી, મારા વ્યક્તિત્વની ચાદર રાગથી રંગાયેલી હતી. દ્વેષથી રંગાયેલી હતી. આ જન્મમાં મારી ચુંદડી માત્ર પ્રભુના રંગેથી રંગાવી જોઈએ. મીરાંના અંતઃ સ્તરની આ ઝંખના હતી.

એક વાત તમને કહું: તમારી પ્રાર્થના ભીતરથી જ્યારે ઉગે છે, ત્યારે on that very moment એ પ્રાર્થના activate થાય છે. On that very moment! બીજી ક્ષણની વાત નથી, એ જ ક્ષણે તમારી પ્રાર્થના સાકાર બને છે. પણ એ પ્રાર્થના હૃદયના સ્તરથી, ભીતરના સ્તરથી નીકળેલી હોવી જોઈએ.

તો મીરાં એ કહ્યું: ‘લાલ ન રંગાવું, હરિ ન રંગાવું, અપને હી રંગ મેં રંગ દે ચુનરિયા.’ અને પછી કહે છે – ‘એસા હી રંગ દો, કે રંગ નાહી છૂટે, ધોબીયા ધુએ ચાહે સારી ઉમરિયા.’ મીરાં આ કડી દ્વારા કહે છે. કે પ્રભુ મારા વ્યક્તિત્વની ચુંદડી ઉપર તારો રંગ લાગે એ તો બરાબર, પણ એ માત્ર આ જન્મમાં હશે તો ચાલશે નહી. જન્મોજન્મની અંદર તારો જ રંગ મારે જોઇશે. ‘એસા હી રંગ દો, કે રંગ નાહી છૂટે, ધોબીયા ધુએ ચાહે સારી ઉમરિયા.’ નીમિત્તોના ધોબી આવી જાય, અને ગમે એટલી ધોબી પછાડ કરે પરંતુ મારા વ્યક્તિત્વની ચુંદડી પરનો રંગ સહેજ આછો પણ પડવો ન જોઈએ.

મીરાંએ પ્રાર્થના કરી. પ્રભુએ એની પ્રાર્થના સ્વીકારી. તમે પ્રાર્થના કરો તો શું તમારી પ્રાર્થના પ્રભુ ન સ્વીકારે? આજે લાગે છે કે આજ પ્રાર્થના પ્રભુને કરવા જેવી છે. પણ તમે એ ક્યારે કરી શકશો… રાગમાં જવાય છે. આસક્તિને વશ. દ્વેષમાં જવાય છે આવેગને વશ. સમજ્યા…. રાગ અને  દ્વેષમાં જવાય છે ત્યાં સુધી સમજ્યા, પણ એ રાગ અને એ દ્વેષ તમને ખરાબ લાગ્યા?

પદાર્થો પરનો રાગ તમારા મનમાં હોય, આ ઘડિયાળ સારી છે. આ ચાંદીનું ભગવાનને મુકવાનું ફૂલ બહુ સારું છે. કોઈ પણ જડ પદાર્થ પ્રત્યે તમે રાગ કરો એથી તમને શું મળે એ મારે પૂછવું છે? એની પાસે સુખ નથી, એની પાસે સુખ છે? તો એ તમને સુખ ક્યાંથી આપી શકે. મકાન ગમે એટલું સારું. સુવિધા આપે, ઠંડીમાં હૂંફ આપે, ગરમીમાં ઠંડક આપે, પણ સુખ ક્યાંથી આપે? હવે વ્યક્તિઓનો રાગ. વ્યક્તિઓ પ્રત્યેનો રાગ તમને શું આપે?

દેવચંદ્રજી મ.સા. ને એક ભક્તે પૂછેલું કે ગુરુદેવ! આપ તો વૈરાગ્યની અને વિતરાગદશાની વાતો કરો છો. અમારે પલ્લે એ વાતો પડે નહી. અમે તો રાગની ધારાના આદિ માણસો છીએ. કોઈ પણ સદ્ગુરુ હોય ને એ મનોવિજ્ઞાનના ઊંડા આયામના જાણકાર હોય છે. ગુરુએ કહ્યું અચ્છા! તને રાગ ગમે ને. તો ચલો આપણે રાગની ધારામાં. પ્રભુ સાથે રાગ કર. તમારે રાગ કરવો છે ને…

અમારી દીક્ષા કેમ થઇ ખબર છે? હરિભદ્રસૂરિ મહારાજે ચોથા પંચસૂત્રમાં બે શબ્દો આપ્યા, અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. પહેલો શબ્દ છે અભિવ્રજ્યા. બીજો શબ્દ છે પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યાનો અર્થ તમારા ખ્યાલમાં છે કદાચ, દીક્ષા. અભિવ્રજ્યા એટલે શું? અભિ એટલે સામે, સન્મુખ. પ્રભુની તરફ જવું એ અભિવ્રજ્યા. પ્રભુના પરમ સંમોહનમાં આવી જવું એ અભિવ્રજ્યા. પ્રભુ સિવાય બીજું કંઈ ગમે નહિ એ અભિવ્રજ્યા.

તમારી પણ ઈચ્છા હોય, અને future planning માં દીક્ષા તો છે જ ને? આ જ છે ને? future planning માં તો આ જ છે ને… હમણાં નહિ પણ ક્યારે? ભવિષ્યમાં. હું એક જગ્યાએ દેરાસરમાં ગયેલો સીમંધર દાદા બિરાજમાન, એક ભક્ત સ્તુતિ ગાય, ‘આઠ વર્ષની નાની વયમાં સંયમ લેવું સ્વામી કને.’ પ્રભુ મહાવિદેહમાં મને બોલાવી લે. આવતાં જન્મમાં મહાવિદેહમાં આવતાં આઠ વર્ષની નાની વયમાં તારા હાથે દીક્ષા અને સીધું કેવલજ્ઞાન. એ ભાઈ બહાર નીકળ્યા. હું પણ દેરાસરમાંથી બહાર નીકળ્યો. મેં એમને કહ્યું – કે તમારું future planning તો બહુ મજાનું છે. હમણાં શું? આ જન્મમાં? મને કહે આ જન્મમાં દીક્ષા બીક્ષા કાંઈ નહિ. મેં કીધું કેમ? મને કહે હું હોલસેલનો વેપારી છું. અત્યારે તમારી પાસે દીક્ષા લઉં, તમે કેવલજ્ઞાન આપવાના છો મને..? મારે તો હોલસેલમાં બધું જોઈએ. એટલે આવતાં જન્મમાં દીક્ષા, કેવલજ્ઞાન, અને મોક્ષ. બધું જ સાથે, આ જન્મમાં કાંઈ નહિ. એટલે તમારું future planning આ જન્મનું કે આવતાં જન્મનું…! તો એ પ્રવ્રજ્યા તમારે લેવી છે તો એની પહેલા અભિવ્રજ્યા આવવી જ જોઇશે.

પ્રભુ પ્રત્યેનું પરમ સંમોહન ન આવે, મીરાં એ કહ્યું છે એવો રાગ પ્રભુ પ્રત્યેનો ન આવે. તો પ્રવ્રજ્યા fully success જતી નથી. અહીંયા આવ્યા પછી એક પણ પદાર્થ પર રાગ હોય, એક પણ વ્યક્તિ પર રાગ હોય, કે આ શરીર પર રાગ હોય ચાલી શકે નહિ. પણ એ ક્યારે બને?  જ્યારે રાગ નામની પૂરી સંઘટના પ્રભુમાં ડૂબેલી હોય.

રામકૃષ્ણ પરમહંસ બહુ જ મોટા સંત હતા. પ્રભુના પરમ ભક્ત. ગળાનું કેન્સર થયું. એક સદ્ગુરુ માટે કેન્સર હોય કે બીજું કોઈ દર્દ હોય એનો કોઈ મતલબ હોતો નથી. આ જન્મ પૂરો થાય, આવતાં જન્મમાં સાધનાનો દૌર આ જ રીતે પાછો ચાલુ રાખીશું. જન્મ બદલાય એથી કોઈ ફરક પડતો નથી. કારણ કે આ શરીર જોડે કોઈ attachment નથી. કે આ શરીર જતું રહેશે. Attachment સાધના જોડે છે. તમારું attachment ક્યાં છે? શરીર પર કે સાધના પર?

સાહેબ! થોડો માંદો પડ્યો ને, આમ તો ચૌવિહાર કરતો હતો પણ ડોકટર કહે કે આ દવા લેવી પડશે. એટલે રાત્રે દવા લીધી. આઠ વર્ષનો એક દીકરો દીક્ષા લે છે. એ ગુરુદેવને કહેવાનો કે ગુરુદેવ! તમારો સમય જુદો હતો. તમારા વખતનું શરીરનું સંઘયણ અલગ હતું. અમારું શરીર તકલાદી છે. તમે રાત્રિભોજન વ્રત પણ અમને જોડે આપી દો છો. પણ કેવી ખુમારી હોય છે. મરી જવું તો મરી જવું પણ રાત્રે ટીકડી ન જ લઉં.

તો રામકૃષ્ણ પરમહંસ ગળાનું કેન્સર, મજામાં…? પણ શિષ્યોની ભૂમિકા જુદી છે, શિષ્યો માટે સદ્ગુરુનું શરીર બહુ જ મહત્વનું છે. સદ્ગુરુના એ પાવન દેહમાંથી ઉર્જા નીકળતી હોય છે. સવારના પહોરમાં શિષ્ય આવે, સદ્ગુરુના ચરણ ઉપર મસ્તકને ટેકવે અને એ purify થઇ જાય. તો શિષ્યો માટે સદ્ગુરુની ઉપસ્થિતિ, સદ્ગુરુનું રહેવું એ જરૂરી છે. જરૂર, સદ્ગુરુ કાળધર્મ પામે પછી પણ એમની ઉર્જા રહે છે. પણ એ ઉર્જાને પકડવા માટે તમારે વિશેષ વિધિઓ જાણવી પડે.

જ્યારે શરીરમાંથી ઉર્જા નીકળે છે ત્યારે તમે (એને) સીધી લઇ શકો છો. તો ગુરુ માટે કેન્સરનો કોઈ અર્થ નહતો. કેન્સર હોય કે કોઈ પણ દર્દ હોય. જવાનું છે ત્યારે જવાનું છે. મજાથી જઈશું. પણ શિષ્યો માટે ગુરુનું રહેવું એ જરૂરી છે. તો શિષ્યોએ વિનંતી કરી, કે ગુરુદેવ! આપ તો પ્રભુના બહુ મોટા ભક્ત છો. આપ ખાલી ઈચ્છા વ્યક્ત કરો કે આ દર્દ મટી જાય, તો મટી જવાનું છે. ઈચ્છા સિદ્ધ યોગીઓ હોય છે. બહુ મજાની વાત છે. ઈચ્છા સિદ્ધ યોગીઓ. જે ઈચ્છા કરે એ ઈચ્છા તાત્કાલિક કાર્યમાં ફેરવાઈ જાય. પણ મજાની વાત એ હોય છે, એ ઈચ્છા સિદ્ધ જ્યારે થાય ત્યારે કોઈ ઈચ્છા રહેતી જ નથી.

રામકૃષ્ણ પરમહંસ ઈચ્છા સિદ્ધ યોગી છે. ઈચ્છા કરે ને કેન્સર નાબૂદ થઇ જાય. ઘણાના કેન્સર એમનાથી નાબૂદ થયા છે. પણ પોતાનું કેન્સર નાબૂદ કરવા એ તૈયાર નથી. કોઈ ઈચ્છા જ નથી, કે શરીર વધારે ટકે. જ્યારે પણ જવાનું હોય ત્યારે જાય. તો શિષ્યોએ કહ્યું – સાહેબ આપ જરા ઈચ્છા મૂકજો પ્રભુ પાસે જેથી કેન્સર મટી જાય. તો પાંચ દિવસ પછી ફરી શિષ્યોએ પૂછ્યું કે સાહેબ! પ્રભુને આપે કહ્યું હતું..? આપે ઈચ્છા વ્યક્ત કરેલી…? એ વખતે એમણે કહ્યું. કે મારું મન ૨૪ કલાક પ્રભુમાં જ ડૂબેલું હોય છે, એને હું શરીર ઉપર લઉં શી રીતે? How it is possible? ૨૪ કલાક જે મન પ્રભુમાં ડૂબેલું છે, એ મનને હું શરીર ઉપર લાઉં શી રીતે? How is it possible?

પણ એ ક્ષણોનો જે આનંદ હોય છે એ આનંદ અદ્ભુત હોય છે. અને તમે એવી થોડીક ક્ષણો માણી શકો ને તો પણ તમારું જીવન સફળ છે. આ જીવન આના માટે જ છે. તો તમારે બધાને પ્રવ્રજ્યા લેવાની છે બરોબર… future planning તો એ જ છે. બરોબર ને.. તો એના માટેની તૈયારી શું? અભિવ્રજ્યા. કે પરમાત્મા સિવાય બીજું કંઈ ગમે જ નહિ.

સંસારમાં છો, પરિવાર છે, પરિવારને સારામાં સારું તમે ખવડાવો, પીવડાવો, દીકરાઓને સારામાં સારું શિક્ષણ આપો. સમાજમાં મોભાદાર વ્યક્તિ તરીકે તમે રહી શકો. વાંધો નથી, એક શ્રેષ્ઠ શ્રાવક તરીકે તમે જીવી શકો. પણ ગઈ કાલે કહ્યું હતું એમ, નજર haves પર કે have nots પર? 

આજે આ સંદર્ભમાં એક સરસ સૂત્ર આપું, તમે આખો દિવસ એને મમળાવી શકો એવું છે. આજના યુગના બહુ મોટા philosopher Bertrand Russell એ આ સૂત્ર આપ્યું છે સૂત્ર નાનકડું જ છે યાદ રહી જાય એવું છે – The less I have, the more I am. જેટલું મારી પાસે ઓછું હોય એટલો હું વધુ સુખી હોઉં. The less I have, the more I am.

તમે તમારી સંપત્તિ બીજાને આપો ત્યારે આપવાનો જે આનંદ છે એને એકવાર માણો. તમને લાગશે કે અત્યાર સુધી ખાવાનો, પીવાનો, લેવાનો આનંદ માણ્યો. પણ આપવાનો આનંદ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે.

ભારતના એક લેખક વિદેશમાં ગયેલા. વિદેશની એક બહુ સારી હોટેલમાં કોફી પીવા માટે ગયેલા. એ કોફી પી રહ્યા છે ત્યારે બે જણા આવ્યા. બે જણા આવ્યા અને એમણે ૩ કપ કોફીનો order આપ્યો. અને કહ્યું ૨ કપ અમારા માટે, એ કપ કોફી ભીંત ઉપર. પેલા ભારતીય લેખક તો વિચારમાં પડી ગયા, કે પેલા લોકોએ કોફી પી લીધી. બે જણાએ બે કોફી, ૩ કોફીના પૈસા ચૂકવીને રવાના થયા. બીજો એક માણસ આવ્યો એણે ૨ કપ કોફીનો order આપ્યો અને કહ્યું, એક કપ કોફી મારા માટે, એક કપ કોફી ભીંત ઉપર. પેલા ભારતીય લેખકને જરા રસ લાગ્યો કે આ શું છે? પછી ખબર પડી કે એક માણસનો એક સરસ વિચાર અને એ સરસ વિચારને હજારો લોકોએ ઝીલી લીધો. એના કારણે કેટલી સરસ વ્યવસ્થા ત્યાં થયેલી હતી. જ્યારે એક વ્યક્તિ કહે – એક કપ કોફી ભીંત ઉપર, એટલે હોટેલનો કર્મચારી એક સ્લીપ એક ભીંત ઉપર લગાવી દે. ૧ કપ કોફી free. બીજો માણસ આવ્યો એને ૨ કપ ભીંત ઉપર લખાવ્યા તો ૨ સ્લીપ લાગવી દેશે. અને થોડીવાર પછી એક માણસ આવે છે લગર – વગર કપડાં, દાઢી વધેલી. ભારતમાં તો આવી હોટલમાં પ્રવેશવા પણ ન દે. પણ શાનથી હોટેલમાં પ્રવેશ્યો. એણે ભીંત સામે જોયું અને કહ્યું એક કપ કોફી ભીંત ઉપરથી.

હોટેલના કર્મચારીએ પાણીનો ગ્લાસ આપ્યો, કોફીનો કપ આપ્યો. આદર પૂર્વક એને બરોબર સર્વિસ પૂરી પાડી. અને પેલો માણસ શાનથી કોફી પી પૈસા ચૂકવ્યા વગર ગયો. એટલે જે માણસ કોફી પીવા આવે અને એને થાય મારે પણ કોફી કોકને પાવી છે. એ પીનાર કોણ હશે એ પણ મારે જાણવું નથી. તો કહી દે, એક કપ કોફી ભીંત ઉપર. અને પેલા માણસો આવે જોઈ લે ભીંત ઉપર કે સ્લીપ ચોંટેલી છે, લાવો ભીંત ઉપરથી એક કપ કોફી લાવો.

તો આપણે આજે બે વસ્તુ જોવી છે. કે પરાવાણીને ઝીલી કેમ શકાય? મારે તમને તૈયાર કરવા છે. આનંદઘનજી ની વાણી પરાવાણી છે. હું પણ ધ્યાનમાં જઈને જ એને ઝીલું છું. ધ્યાન માં ગયા વિના હું પણ એને ખોલી ન શકું. તમારા માટે છૂટ રાખી. શિબિરમાં તો આગ્રહ રાખું કે મારા પ્રવચન પહેલા અડધો કલાક આવી જવાનું, ધ્યાનમાં બેસી જવાનું. મન એકદમ શાંત થયેલું હોય. પછી આ શબ્દો ધીરે ધીરે ઉતરે. સાચું કહેજો અત્યારે મન ક્યાં છે? મેં સૂત્ર આપેલું છે, there should be the totality. સંપૂર્ણ મન અહીંયા છે? અને પાછળ કોઈ ધમાકો થાય તો શું થાય? અને પ્લાસ્ટીકનો સાપ કોઈ ઉપરથી છોડે તો શું થાય? હું એકલો બેઠો રહું.. (બાકી) બધા ….

આનંદઘનજીને ઝીલવાની એક સજ્જતા પહેલા કરવી છે, પછી જે તમને મજા આવશે. એક શિસ્ત, પ્રવચન પહેલા આપણે આવી જઈએ, ૫ – ૧૦ આપણે ધ્યાનમાં બેસી જઈએ. પ્રવચન પૂરું થાય, પછી ઉદ્ઘોષક ભાઈએ શું ઉદઘોષણા કરી એ પણ તમને ખબર ન હોય. તમે અંદર ડૂબી જાવ. ઉભા નહિ થવાનું, સર્વ મંગલ થાય પછી જ ઉભા થવાનું. આ તો મેં એકદમ discount કરી આપ્યું. કેવું DISCOUNT? ૯૦% DISCOUNT. તમે કેટલા ટકા DISCOUNT આપો? ૧૦ – ૨૦ – ૩૦ % મેં ૯૦% discount આપી દીધું બોલો… આમાં પણ તૈયાર ખરા કે નહિ? તો બે સજ્જતાની વાત કરેલી પહેલી સજ્જતા ‘સબ તન ભયે શ્રવણ’. કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ નથી.

આંખ ખુલ્લી હોય કદાચ, આંખ બંધ રાખો ને સમાધિ આવી જતી હોય. ઘણાને વ્યાખ્યાનમાં સમાધિ આવે… એટલે ઊંઘ આવી જતી હોય તો ભલે આંખ ખુલ્લી રાખો. પણ એ ખુલ્લી આંખ માત્ર પ્રભુને, માત્ર સદ્ગુરુને જોતી હોય. તો ‘સબ તન ભયે શ્રવણ’ આ પહેલી સજ્જતા. અને બીજી સજ્જતા પૂરું તમારું વ્યક્તિત્વ પ્રભુના રંગે રંગાયેલું હોવું જોઈએ. આ જન્મમાં એક નક્કી કરી લો, રંગ તો એનો જ ચઢશે. બીજા કોઈનો નહિ. અને તમારી સામે હજારો દ્રષ્ટાંતો છે. આ બધા પ્રભુના sales sample છે. તમે વેચાણ કરો ત્યારે sales sample આપો ને, ભાઈ આ જૂઓ. એમ આ બધા પ્રભુના sales sample છે. પ્રભુ કહે છે જૂઓ, જે મારા રંગે રંગાય, એને હું કેવા મજામાં મૂકી દઉં છું. એટલે તો હું પૂછું છું કે અમારા આનંદની ઈર્ષ્યા આવે છે? બોલો તો? મ.સા. સુખી, બરોબર છે. મ.સા. સુખી જ હોય. પણ એ મ.સા. સુખી છે, એમના સુખની ઈર્ષ્યા તમને આવી? 

ઈર્ષ્યા ક્યાં આવે, કોઈનો મોટો બંગલો જોવો ત્યાં. અમને વંદન કરવા આવેલો હોય કોઈ ટાઉનમાં, અને કોઈ એને ચા પીવા લઇ જાય…. અને એનો બંગલો જોવે. પછી અમારી પાસે આવીને અમને કહે સાહેબ! બંગલો એનો બહુ ગમી ગયો, હું બનાવીશ ત્યારે આવો જ બનાવીશ. ત્યારે હું એને કહું કે ભાઈ! આટલો લાંબો તું થયો કે ગુરુને વંદન કરવા કે બંગલાને વંદન કરવા…!

સદ્ગુરને જોયા છે? સવાલ ? સદ્ગુરુના આનંદને જોયો છે? સદ્ગુરુની આંખમાં રહેલા પ્રભુને જોયા છે? શું જોયું છે તમે? સદ્ગુરુને એવી રીતે જૂઓ કે એમને ચહેરા ઉપરનો આનંદ તમને સ્પર્શી જાય. પછી તમે પૂછો કે સાહેબ! તમારી પાસે આટલો બધો આનંદ ક્યાંથી? પૂછ્યું કોઈવાર?

એ માર્ગે જવાનું હોય તો પૂછીએ ને કાંઈ.. બરોબર ને? આપણે તો બાપજીને વંદન કરી લેવાના, બાકી બાપજીનો માર્ગ અલગ અને આપણો માર્ગ અલગ. તમે જેને ઉપાસ્ય માનો છો, એ મુનિ ભગવંતો, એ સાધ્વીજી ભગવતીઓ એક પૈસો ન રાખે. અમે બિલકુલ ત્યાગી. આ ઉપાશ્રય પણ તમારો, અમારો નહિ. અમે ત્યાગી. અને ત્યાગમાં અમને મજા આવે છે.

તમે સમીકરણ શું બાંધ્યું… મારે એમ પૂછવું છે, ભલે સંસારમાં હોવ. પણ જેટલો ત્યાગ એટલું સુખ આ સમીકરણ તમારી પાસે છે? કે જેટલા પૈસા વધારે એટલું સુખ. આ સમીકરણ છે સાચું કહેજો કયું સમીકરણ છે તમારી પાસે છે અત્યારે? જેટલો ત્યાગ વધુ એટલું સુખ વધુ? કે જેટલા પૈસા વધુ એટલું સુખ વધુ? સુખ તમારી ભીતર જ છે. સુખ ક્યાંય બહાર નથી.

આનંદઘનજી ભગવંત ૩૦૦ વર્ષ પહેલાં થયા, પણ તમે બધા પણ આનંદઘન છો. તમે કોણ છો બધા? આનંદઘન. સતત ચહેરા ઉપર મુસ્કાન હોય, હું તમને બધાને smiling nuns કહું છું. અને smiling monks. હસતા ને હસતા… તો તમે ક્યારેય વિચારમાં પડ્યા, વિચારમાં સાલું મ.સા. પાસે કાંઈ નથી તો ય સુખી. આપણી પાસે લાખો – કરોડો છે તો ય સુખી નથી. તો ક્યાં ગરબડ છે? આટલો વિચાર કરવા થોભ્યા ખરા?

Where is the fault? તો બે સજ્જતા: પહેલી સજ્જતા ‘ સબ તન ભયે શ્રવણ’. પૂરું તમારું શરીર એક કાન બની જાય. બીજે ક્યાંય તમારો ઉપયોગ નથી. મેં selected સાધકોની વાચનામાં ઘણીવાર એવું જોયું છે, ‘કે મંગલાચરણ શરુ થાય, અને એક જ આસને એ લોકો બેસી રહે. સુખાસને બેસે, વિરાસને બેસે. આંખો બંધ હોય, અને માત્ર સદ્ગુરુને પીતા હોય.

એક વાત તમને સમજાવું, શરીર જ તમારું જે છે, એ હાલી રહ્યું છે, ડોલી રહ્યું છે. તો મન સ્થિર ક્યાંથી રહેવાનું? બોલો તો? શરીરને તમે સ્થિર નથી કરી શક્યા તો મન કઈ રીતે સ્થિર થશે? શરીરને પહેલા સાધો, કાયગુપ્તિ.

ચંદ્રગુપ્તે પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો. આખી ઐતિહાસિક ઘટના છે. પણ એ વખતના શાસક નંદરાજાએ એવી રીતે સામે હુમલો કર્યો, કે ચંદ્રગુપ્તનું પૂરું સૈન્ય વિખેરાઈ ગયું. અડધા ખતમ થઇ ગયા, અડધા નાસી ગયા. ચંદ્રગુપ્ત પોતાને પણ ઘોડા ઉપર બેસીને ભાગી જવું પડ્યું. ચંદ્રગુપ્તનો ઘોડો દોડે છે, દોડે છે કારણ કે પાછળ દુશ્મનોના સૈનિક પડેલા છે. એટલો ઘોડો દોડાયો કે ઘોડો થાકના કારણે ખતમ થઇ ગયો. હવે ચંદ્રગુપ્ત એકલો જંગલમાં ફરે છે. ભૂખ લાગી છે. કપડા મેલા દાટ થઇ ગયા છે, દાઢી વધી ગયેલી છે. નજીકમાં એક ગામ આવ્યું, એ ગામમાં એ ગયો. બપોરના ૧૨ વાગેલા. એક માજી ઘરની બહાર બેઠેલા. પૂર્વનો એ કાળ. કોઈ પણ અજાણ્યા ને જૂઓ એટલે તરત જ ચાલો ભાઈ જમવા માટે બેસી જાઓ. તો માજીએ પણ જોયું અજાણ્યો માણસ, અતિથિ… કોઈ પૂછપરછ હોય જ નહિ. આવો ચાલો ભાઈ જમવા. ચંદ્રગુપ્તને ભૂખ લાગેલી જ હતી. માજી ને ત્યાં બીજું કંઈ નહોતું. માત્ર ઘેસ હતી, બાજરીની ઘેસ. ગરમાગરમ ઘેસ થાળીમાં નાંખી. ચંદ્રગુપ્તને એટલી બધી ભૂખ લાગેલી કે એને સીધો જ વચ્ચે હાથ નાંખ્યો, હાથ દાઝી ગયો. ત્યારે પેલા માજીએ કહ્યું તું પણ પેલા ચંદ્રગુપ્ત જેવો જ લાગે છે. માજીને ખબર નથી કે આ ચંદ્રગુપ્ત પોતે જ છે. તો ચંદ્રગુપ્તને થયું કે મારી હાર કેમ થઇ એનું કારણ માજીની અનુભવ વાણીમાંથી જોવા મળશે. એને કહ્યું: માજી ચંદ્રગુપ્તે શું કર્યું? તો કે તારા જેવું જ કર્યું. તું ભૂખ્યો હતો બરોબર છે. ઘેસ ગરમ હતી ખબર પડે આપણને તો ઘેસ કોરે કોરેથી ખવાય. કોરે – કોરેથી ખાઓ, ઠંડી થતી જાય, ખાતાં જાઓ ઠંડી થતી જાય. ખાતા જાવ.

એમ ચંદ્રગુપ્તે પણ આજુબાજુના ગામડાઓને વિશ્વાસમાં લેવાના હતા, એ ગામડાઓને જીતવાના હતા. નાના – નાના રાજ્યો હતા, એમને પોતાના કબજામાં  કરવાના હતા. પોતાનું બળ વધારવાનું હતું. પછી પાટલીપુત્ર ઉપર હુમલો કરવાનો હતો. આ તો સીધો હુમલો કરી નાંખ્યો. તારી જેમ.

આજ વાત છે સીધું તમે મનને સાધવા માટે જાઓ શી રીતે સધાશે? એક વ્યાખ્યાનમાં એકવાર તમારો VEDIO તમારો લેવાય ને એટલે check તમે કરો ને એટલે ખબર પડે કે એક કલાકના વ્યાખ્યાનમાં મોઢું કેટલી વાર હલ્યું, શરીર કેટલી વાર ડોલ્યું. તો શરીર સ્થિર નથી તો મન સ્થિર કેમ થશે.

બીજી એક વાત કરું યોગશાસ્ત્રએ ટટ્ટાર બેસવા ઉપર બહુ જ બહાર આપ્યો છે. સુખાસન હોય, પદ્માસન હોય, અર્ધ પદ્માસન હોય, પગની SITUATION માં ફરક પડશે. અહીંયા કોઈ ફરક નહિ પડે. આ તો આમ જ રહેશે. કુંડલિની શક્તિ મૂલાધાર થી ઠેઠ ઉપર જાય છે. એ પાછળથી જાય છે. એના માટે પણ એનો માર્ગ clear રહે એટલા માટે પણ આ જ રીતે બેસવાનું છે.

તો બે સજ્જતા આપણી પાસે હોવી જોઈએ, ‘સબ તન ભયે શ્રવણ’ આંખથી કાંઈ જોવું નથી બીજું, આજુબાજુ કોઈ અવાજ થાય તો પણ એના તરફ ધ્યાન નથી આપવું. માત્ર પ્રભુના શબ્દોને પીવા છે. આ પહેલી સજ્જતા. અને બીજી સજ્જતા એ કે મન પ્રભુના, સદ્ગુરુના રંગે રંગાયેલું હોવું જોઈએ. એટલી તો અદ્ભુત પરંપરા આપણને મળી કે આ પરંપરા જેને મળી છે એ ભીંજાયેલો જ હોય. એક કોરો ક્યારે પણ હોઈ શકે નહિ. તમારી પાસે અહોભાવ ખુબ છે. પણ એ અહોભાવ અહોભાવના પગથિયે અટકી જાય એ ચાલે નહિ. અહોભાવ તો પહેલું STEP છે. આગળના STEP જે છે એ પણ આપણે ચડવાના છે. અને એ STEPS ચડીશું તો જ આનંદધનજીને સમજી શકાશે. તો આજે બે વાત બરોબર સમજી લીધી. કે કાનનો પૂરો ઉપયોગ પ્રભુના શબ્દોમાં અને મનને પ્રભુના રંગે રંગીએ.  

Share This Article
1 Comment
  • Excellant pl continue to send pravachans
    આ વાણી દુરલભ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *