Anandghanji Ne Sathvare – Vachana 15

644 Views 33 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ઔર આશરો નહિ જગમાંહી

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો આ એવી ભૂમિકા છે, જ્યાં પ્રભુ સિવાયના બીજા બધા જ આધારો છીનવાઈ ગયેલા છે. તમારી નજર માત્ર પ્રભુ પર, પ્રભુની આજ્ઞા પર છે. પછી લોકો શું કહેશે?

એ વાત જ તમારા શબ્દકોશમાં નથી. પછી તો બસ, રીઝવવો એક સાંઈ. આણા પાળે સાહિબ તુસે. તમે આજ્ઞાનું પાલન કરો અને પ્રભુ તમારા પર રીઝી જાય. જો કે પ્રભુનો પ્રસાદ, પ્રભુનો પ્રેમ તો સતત વરસી જ રહ્યો છે; પણ જેની પાસે આજ્ઞાપાલનની પૃષ્ઠભૂમિકા છે, એ જ વ્યક્તિત્વ પ્રભુના એ પ્રસાદને ઝીલી શકે છે. પ્રભુનું અલપ-ઝલપ દર્શન કરવા માટેનો short-cut…

દેરાસરમાં પ્રભુનું અપરૂપ રૂપ જોતી વખતે તમારું મન જો એકદમ સ્થિર બનેલું હોય, મનમાં કોઈ જ વિચારો ચાલતા ન હોય, તો પ્રભુનું પ્રતિબિંબ તમારા મનમાં આવી જશે. મનમાં પર ન હોય, તો મનમાં પરમ હોય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૫

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો” આ એવી ભૂમિકા છે, જ્યાં પ્રભુ સિવાયના બીજા બધા જ આધારો છીનવાઈ ગયેલા છે. જીવનનો આધાર સેતુ એક જ રહ્યો છે, માત્ર પરમાત્મા. મીરાં એ આજ ઘટનાની વાત કરી, “ઔર આશરો નહિ જગમાંહી” પ્રભુ સિવાય કોઈ આધાર સેતુ હવે ન રહ્યું. માત્ર એના તરફ જ દ્રષ્ટિ છે.

આચારાંગ સૂત્રમાં અમને એક મજાની સાધના આપવામાં આવી. તમને એ સાધનાની વાત સાંભળીને અમારી ઈર્ષ્યા આવશે. એ સાધના પરમ પાવન આચારાંગજી માં પ્રભુએ પોતે આપી. કે મારો સાધક, મારો મુનિ, કે મારી સાધ્વી મારા તરફ જ દ્રષ્ટિવાળા હોય. “તદ્દદિટ્ઠીએ”, અમારી નજર ક્યાં? માત્ર પ્રભુ ઉપર. માત્ર પ્રભુની આજ્ઞા ઉપર. અમારા જીવનમાં જે આનંદ છલકાઈ રહ્યો છે, એની પાછળનું કારણ આ છે, તદદ્રષ્ટિતા. પ્રભુની સામે જ અમારી નજર છે. આ uniform પહેર્યો છે, લોકો શું કહેશે? લોકોની વાત અમારા શબ્દકોશમાં આવતી જ નથી. અમારી તો એક જ વાત છે, ‘રીઝવવો એક સાહિબ’. એક મારા પરમાત્માને મારે રીઝ્વવો છે. પ્રભુ રીઝે ક્યારે? મહોપાધ્યાયજી એ કહ્યું ‘આણા પાળે સાહિબ તુસે’. તમે આજ્ઞાનું પાલન કરો, પ્રભુ તમારા પર રીઝી જાય. પ્રભુ રીઝી જાય… પ્રભુનો પ્રસાદ તમને મળે. એ કહેવાની પાછળ પણ એક ઊંડો અર્થ છે. પ્રભુ તો બધા ઉપર રીઝેલા છે. કેમ કહ્યું, ‘આણા પાળે સાહિબ તુસે’, જે આજ્ઞાનું પાલન કરે એના ઉપર જ ભગવાન ખુશ થાય આવું કેમ કહ્યું? વાત એ છે કે પ્રભુનો પ્રસાદ, પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે… પણ એને ઝીલી કોણ શકે? જેની પાસે આજ્ઞા પાલનની પૃષ્ટ ભૂમિકા છે એ જ વ્યક્તિત્વ પ્રભુના પ્રસાદને, પ્રભુના પ્રેમને ઝીલી શકે છે.

નમુત્થુણં સૂત્રમાં એક પદ આવ્યું ‘લોગનાહાણં’. પ્રભુ લોકના નાથ છે. લલિતવિસ્તરામાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજ એ પદનો અર્થ કરતા કહે છે કે પ્રભુ ભવ્ય લોકના નાથ છે. પ્રભુ નાથ છે તો નાથ શું કરે? બે વાત કરી. યોગ અને ક્ષેમ. જે સાધના, જે ગુણો તમને નથી મળ્યા, એ પ્રભુ મેળવી આપે. અને જે સાધના, જે ગુણો મળેલા હતા… પણ થોડા ઝાંખા થઇ ગયેલા હતા. એને ઉદીપ્ત પણ પ્રભુ કરી આપે. તો પ્રભુ ભવ્ય લોકના નાથ છે, એમ કેમ કહ્યું..! શું અભવ્ય ઉપર પ્રભુની કરુણા ન ઉતરે. પ્રભુનો પ્રેમ એટલો નાનકડો છે, કે ભવ્ય લોકમાં સીમિત થઇ જાય. અભવ્ય ઉપર પ્રભુનો પ્રેમ કેમ ન વરસે? જવાબ એ અપાયો છે કે પ્રભુનો પ્રેમ તો એમના ઉપર વરસે છે પણ એ અભવ્ય હોવાને કારણે એમની પાસે એવી સજ્જતા નથી કે એ પ્રભુના પ્રેમને ઝીલી શકે.

આ વાતને થોડીક આગળ વધારીએ. આપણે ભવ્ય છીએ બરોબર… વ્યવહારથી આપણે માની શકીએ કે આ બધું આપણને ગમે છે. માટે આપણે ભવ્ય છીએ. પણ ભવ્ય હોવા છતાં પ્રભુના પ્રેમને તમે કેવી રીતે ઝીલી શક્યા. મારા અને તમારા અગણિત જન્મો એવા ગયા, જ્યાં પ્રભુના પ્રેમને આપણે બિલકુલ ઝીલી ન શક્યા. પ્રભુનું નાથત્વ સતત સક્રિય છે. એવી એક ક્ષણ નથી કે પ્રભુનું નાથત્વ સક્રિય ન હોય. તો પ્રભુનું નાથત્વ સક્રિય હતું છતાં આપણા અગણિત જન્મો પ્રભુના પ્રેમને ઝીલ્યા વગરના થયા એનું કારણ શું?

એક વાત કહું ને…. એક એવી ઘટનાથી આપણે બેખબર રહ્યા કે જે ઘટનાથી બેખબર રહેવું આપણને પાલવી શકે નહિ. સાક્ષાત્ પરમાત્માનો પ્રેમ આપણા ઉપર વરસી રહ્યો હતો અને આપણે આમ હાથ કરવાને બદલે આમ હાથ કરીને બેઠા રહ્યા. હવે એક જ વાત પ્રભુના પ્રેમનું એક પણ બિંદુ નીચે પડવું ન જોઈએ. એને મારે ઝીલવું છે, એને મારે આત્મસાત્ કરવું છે. એ પ્રેમ આનંદના રૂપમાં ફેરવાશે. કોઈ પણ સાધકને પૂછો ! શાતામાં ? એ શાતામાં જ છે. શાતામાં નહિ પરમ શાતામાં છે. પણ પરમ શાતામાં કેમ છે? પરમ આનંદમાં કેમ છે? પ્રભુનો પ્રેમ ઝીલાયો છે માટે. તો આ જન્મનું અવતારકૃત્ય એક જ છે. પ્રભુના પ્રેમને ઝીલવું. અગણિત જન્મો આ પ્રચંડ ઘટનાથી આપણે બેખબર રહ્યા.

બીજી એક મજાની ઘટના, લગભગ દર ૬ મહીને એક કેવલી ભગવંત મહાવિદેહમાં કેવલી સમોદ્ઘાત કરતા હોય. કેવલી સમોદ્ઘાત કરે ત્યારે શું થાય. કે પોતાના આત્મ પ્રદેશોને એક સમયે પૂરા બ્રહ્માંડની અંદર છાઈ દે. બ્રહ્માંડનું એક tiniest portion એવું ન હોય કે જ્યાં સિદ્ધ ભગવંતના એ આત્મપ્રદેશો નથી. તો દર ૬ મહીને આ ઘટના ઘટે છે. સિદ્ધ ભગવંતના નિર્મળ આત્મપ્રદેશો આપણા આત્મપ્રદેશો સાથે ટકરાય છે. પણ આ ઘટનાથી આપણે બેખબર છીએ.

કલાપૂર્ણસૂરિ દાદા કહેતાં કે આ કેવલી સમોદ્ઘાત એટલે શું? ભગવાન તમને મળવા આવે છે. તમે તો ભગવાનને મળવા જાઓ કે ન જાઓ…. ભગવાન તમને મળવા માટે આવે. તો એ પ્રેમ જ્યારે આપણે બરોબર ઝીલીએ છીએ ત્યારે આ ભૂમિકા ભીતર આવે છે. ‘ઓર આશરો નહી જગમાંહી’. પ્રભુ સિવાય કોઈ આધાર સેતુ હવે નથી. નરક અને નિગોદમાંથી જે મને અહીં સુધી લઇ આવ્યો, એ જ મને મોક્ષમાં લઇ જવાનો છે. મારો મોક્ષ માત્ર ને માત્ર એનાથી જ થવાનો છે. એની કૃપાથી, એના પ્રેમથી, એની કરુણાથી. તો મોક્ષ જોઈએ છે મારે, તો મારા માટે આધાર સેતુ કોણ? માત્ર પ્રભુ…

કબીરજીએ આ જ વાત બહુ મજાના અંદાજમાં છેડી છે. કબીરજી એક પદમાં કહે છે, ‘મેરો મન અનત કહા ઉડ જાવે’…. મારું મન પ્રભુને છોડીને બીજે ક્યાં જઈ શકે? આ ભૂમિકા આ જીવનમાં લાવી શકાય છે. એવું નહિ માનતા કે મહાપુરુષો માટે જ આ બન્યું છે. આપણે છે ને એક વચ્ચે દીવાલ બાંધી દીધી, ભાઈ એ તો મહાપુરુષ હતા, એ કરી શકે, એમના પેગળામાં આપણો પગ ન પડે. એમ કરીને આપણે છૂટી ગયા. અગણિત જન્મોથી તમે આ જ કામ કર્યું છે. બચી – બચીને ચાલવાનું. કિનારે પહોંચી ગયેલા, સાગરના કિનારે પહોંચી ગયેલા. અમારા જેવા તૈયાર હતા, એક ધક્કો મારવા માટે… પણ તમે બચી – બચીને ચાલનારા હતા. હું દરિયામાં પડીશ મારી identity ખત્મ થઇ જશે. એનું શું? અરે તારી identity ખતમ થશે એમ નહિ તને પ્રભુ પૂરા મળશે.

એક મુનિ દીક્ષા લે ત્યારે શું કરે છે? પોતાની સંપૂર્ણ identity ને ખતમ કરે છે. નામ બદલાઈ ગયું. Uniform બદલાઈ ગયો. બધું જ બદલાઈ ગયું. મન બદલાઈ ગયું. તો શું થયું? એમણે જ્યારે બધું જ બદલી કાઢ્યું. બધું જ પ્રભુને આપી દીધું. પ્રભુ એમના થઇ ગયા. Identity એમણે ખતમ કરી. એમણે પોતાનું સત્વ ગુમાવ્યું એમ નહિ. પરમાત્માને મેળવી લીધા.

કબીરજીને કોકે પૂછેલું : કે પ્રભુ મળ્યા? એક વાત તમને કહું, તમારો સંબંધી હોય અને એ દીક્ષા લઇ રહ્યો છે. તમારા મનમાં એ ખ્યાલ હોવો જોઈએ, કે જે છોડી રહ્યો છે એ તો સામાન્ય છે. પણ જે મેળવવાનું છે એ અસામાન્ય છે. એ પ્રભુને મેળવવા માટે જાય છે. એટલે ૬ મહીને – ૧૨ મહીને શાતા પૂછવા જાઓ ત્યારે પૂછવાનું સાહેબ! પ્રભુ કેટલા મળ્યા?

તમારી નજર એને શું છોડ્યું એના ઉપર જાય છે. કરોડોપતિ હતો, અબજોપતિ હતો અને દીક્ષા લીધી. અરે પણ એમાં જ કાંકરા હતા, હતું શું? વધારે કાંકરા ભેગા કરે, એ વધારે હોંશિયાર, કે વધારે ડફોળ. પૈસા ને કાંકરા માનીને એણે છોડ્યા. બરોબર… પૈસા કાંકરા જ છે. તો વધારે કાંકરા ભેગા કરે એ હોંશિયાર કે ડફોળ..! પણ તમારી નજર એણે શું છોડ્યું એ તરફ જાય છે. શું મેળવવા જઈ રહ્યો છે, એના તરફ તમારી નજર નથી. એટલે કોઈ પણ દીક્ષાર્થીનું બહુમાન સમારંભ હોય ને એક પછી એક વક્તા મંડી પડે, ભાઈ બધું છોડીને જાય છે. ભાઈ બધું છોડીને જાય છે. અરે પભુને મેળવવા જાય છે એમ બોલ.

તો કબીરજીને પૂછાયું કે પ્રભુ મળ્યા? શું મજાની એમની કેફિયત છે, ‘કહે કબીર મેં પૂરો પાયો’… ‘કહે કબીર મેં પૂરો પાયો’.. ભગવાન થોડા – થોડા મળ્યા એમ નહિ. પૂરા મળી ગયા છે. મારી પૂરી જાત, મારું પૂરું વ્યક્તિત્વ મેં પ્રભુના ચરણોમાં સમર્પિત કર્યું. અને આખા ને આખા પ્રભુને મેળવી લીધા. જોઈએ છે પ્રભુ? જોઈએ છે…! થોડા – થોડા કે આખા..! થોડા – થોડા જોઈએ કે આખા જોઈએ? થોડું છૂટ્યું છે, તો થોડા ભગવાન મળવાના. અને હું જો કાયમ રહી ગયું, હું આમ, હું ભણેલો, હું ધ્યાની,  હું આ, હું આ… તો પ્રભુ દૂર છે … આજે નક્કી કરો, પ્રભુ જોઈએ છે? જોઈએ છે? કહો ને કે સાહેબ! પ્રભુ મેળવવા માટે તો અહીં આવ્યા છીએ. આવ્યા તા પ્રભુને મેળવવા માટે પણ પછી…! ક્યાં પહોંચી ગયા…

તો identity તમારી સંપૂર્ણ ખતમ કરી દો, પૂરા ભગવાન મળી જાય. તમે ન રહો તો એ રહે, અને તમે રહો તો એ ન રહે, બોલો આટલું જ સૂત્ર છે. તમારે રહેવું છે, તમારા કેન્દ્રમાં? તો પ્રભુ ના પાડશે મને ફુરસદ નથી. તમે તમારું કેન્દ્ર totally vacant કરી નાંખો. પ્રભુ તૈયાર છે આ ક્ષણે આવી જાય. અને કોઈ પૂછે કે હું આટલું કરું અને પ્રભુ ન આવે તો?

તુલસીદાસજી ને કોકે પૂછેલું, કે તમે કહો છો એમ હું કરી દઉં, પણ ભગવાન ન મળે તો? ત્યારે તુલસીદાસ ગર્જે છે. ‘ઇતને સે હરિ ન મિલે, તુલસીદાસ જબાન’. ‘ઇતને સે હરિ ન મિલે, તુલસીદાસ જબાન’, તું આટલું કરે હું કહું છું એ પ્રમાણે, અને તને ભગવાન ન મળે તો હું વચ્ચે છું. ભગવાનને કહી દઉં કેમ નથી મળતા…

તો કબીરજી કહે છે – ‘મેરો મન અનત કહા ઉડ જાવે.’ મારું મન પ્રભુને છોડીને બીજે ક્યાં જાય. પછી appropriate ઉદાહરણ આપે છે. ‘જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે’. સેંકડો વર્ષો પહેલાં વહાણવટુ તો ચાલતું જ હતું, પણ એ વહાણોમાં દિશા સૂચક યંત્રો નહોતા. માત્ર હલેસાં મારી – મારીને વહાણોને, નાવને ચલાવવામાં આવતી. એવું એક વહાણ રસ્તો ભુલી ગયું. દિશા સૂચક યંત્ર નથી. અને સૂર્ય વાદળાંથી ઢંકાઈ ગયો છે. દિશાનો ખ્યાલ આવતો નથી. અને એમાં એવા ખોટા રસ્તે વહાણ ચડી ગયું કે કિનારો ક્યાં નો કયાં રહ્યો. હવે તો આડેધડ વહાણ ચાલે જ જાય છે. આમ કિનારો આવશે કે આમ કિનારો આવશે. રેશન ખતમ થવા આયું. મીઠું પાણી ખતમ થવા આયું. હવે એ વખતે થાય છે કે બીજું કાંઈ નહિ, ક્યાંક પેટ – બેટ મળી જાય. તો મીઠું પાણી મળે. ફળ – ફલાદિ મળે. એ વખતે એ લોકો વહાણની અંદર પાંજરામાં કબૂતરને લઇ જતા. આવી વખતે કબૂતરને પાંજરામાંથી છોડે. કબૂતર ઉંચે ઉડે. ઉચે ઊડે ૧૦ – ૨૦ – ૨૫ કીલોમીટર એની દ્રષ્ટિની રેન્જમાં જો જમીન દેખાતી હોય, તો એ જમીન ઉપર જતો રહે. પાંજરામાં રહેલો હોય એટલે કંટાળ્યો હોય… સીધું વૃક્ષ ઉપર જતું રહે. અને જો કબૂતરો એ બાજુ જાય, તો વહાણનો કપ્તાન માને કે એ બાજુ કોઈ જમીન છે. બેટ હોય કે યા કોઈ પણ કિનારો હોય, પણ જમીન છે એ નક્કી. અને એ બાજુ વહાણ ચલાવે. પણ જો ચારે બાજુ પાણી જ પાણી હોય તો કબૂતર શું કરે….! ‘જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે’. ક્યાંય એને આશ્રય સ્થાન મળતું નથી. એટલે ફરી પાછુ વહાણ ઉપર આવી જાય છે.

એમ કબીરજી કહે છે કે મારું મન પ્રભુને છોડીને બીજે ક્યાં જઈ શકે? કલાપૂર્ણસૂરિ દાદાને આપણે જોયેલા – સાહેબ જ્યારે ચૈત્યવંદન કરતા હોય ને ત્યારે એક મૂંઝવણ થાય કે પ્રભુને જોવા કે આ દાદાને જોવા. શું એમના ચહેરા ઉપરનો ભાવ હોય. નમુત્થુણં નું એક એક વિશેષણ બોલતાં હોય લોગનાહાણં, લોગહિઆણં, લોગપઈવાણં, અને આમ અંદરનો જે આનંદ છલકાતો હોય, આપણે જોઈ જ રહીએ. પણ એ કલાપૂર્ણસૂરિ દાદા દેરાસરમાં હોય ત્યારે જ એમની ચેતના ભગવનમયી હતી એમ નહિ. એ ઉપાશ્રયમાં હોય, વાસક્ષેપ આપતાં હોય, તો પણ એમનું મન ભગવાનમાં. અને વાપરતા હોય તો પણ એમનું મન ભગવાનમાં.

બોલો એક નાનકડો practical approach તમને આજે આપું…! નાસ્તો કરવા બેસશો, ગરબડ થવાની જ. Tasty ચા હશે તો રાગ, untasty હશે તો અણગમો. નાસ્તો બરોબર હશે તો રાગ. બરોબર નહિ હોય તો આ શું બનાવ્યું છે આજે…? પણ તમે નાસ્તો લેવાનું શરૂ કરો. એ વખતે કોઈ સ્તવનની મજાની કડીઓને મનમાં ગુનગુનાવો. તો બે track પડી જશે. એક શરીરનો track, એક મનનો track. શરીર નાસ્તો કરે છે. મન જે છે એ સ્તવનામાં છે.

સરદારજી મહેસાણાના સ્ટેશને ઉભેલા, એમને અમદાવાદ જવાનું હતું. ટિકિટ પણ લઇ લીધેલી. પ્લેટફોર્મ ઉપર ઉભેલા ત્યાં એક ગાડી અમદાવાદ બાજુથી આવી. દિલ્લી જવાની હતી. સરદારજી એ કોક ને પૂછ્યું – કે આ ગાડી ક્યાં જાય છે. પેલો કંઈ ધૂનમાં હશે. અથવા એને ખબર નહિ હોય, કે ગાડી અમદાવાદ જાય છે. જતી ‘તિ ગાડી દિલ્લી, સરદારજી બેસી ગયા ગાડીમાં, નીચેની બર્થ પર આરામથી બધું જમાવ્યું. પછી આજુબાજુ જોયું તો ઉપરની બર્થ ઉપર પણ સરદારજી. જાતિ ભાઈ મળે તો આનંદ થાય. એટલે નીચેવાળા એ પૂછ્યું, અજી કહાં જા રહે હો? ઉપરવાળો તો દિલ્લી જતો હતો. ‘હમ તો દિલ્લી જા રહે હૈ’. નીચેવાળો વિચારમાં પડી ગયો. મારે જવું છે અમદાવાદ… અમદાવાદ આયું આમ, દિલ્લી આયું આમ. તો નીચેવાળા સરદારજી એ કહ્યું, દેખો! વિજ્ઞાન કિતની તરક્કી કર ગયા હૈ, કે નીચેવાલી berth અમદાવાદ જાતી હૈ, ઓર ઉપરવાલી દિલ્લી. આપણે આવું કરશું..! શરીર નાસ્તો કરે, કરવા દો. મનને પ્રભુની સ્તવના માં આજની વાચના ના કોઈ point માં મૂકી દો. એવું બની શકે નાસ્તો કરીને ઉભા થયા, કોઈ પૂછે – શું હતું નાસ્તામાં? યાર કંઈ ખબર નથી. હું તો સ્તવનાની અંદર મશગુલ હતો.

તો કબીરજી કહે છે – ‘મેરો મન અનત કહાં ઉડ જાવે, જૈસે પંખી જહાજ સે ઉડી ફિર જહાજ પે આવે’, આધાર સે એક માત્ર પ્રભુ. આ ભૂમિકાએ પહોંચવા માટે ૩ ચરણો છે. પહેલું ચરણ – પ્રભુનું અલપ -ઝલપ દર્શન. બીજું ચરણ – વિરહ વ્યથા. અને ત્રીજા ચરણે- પ્રભુ પરમ પ્રિય તરીકે, પ્રિયતમ તરીકે મળી જશે.

અલપ -ઝલપ દર્શન કેમ થાય? એની ૨ વાતો કરેલી. આ ત્રીજી વાત કરું એકદમ સરળ…. દેરાસરે તમે ગયા છો. દશ મિનિટ પ્રભુને આપી શકો ને, ભાઈ… અમને કેટલી મિનિટ આપશો, સાચું કહેશો… શરીર તો કલાક બેસે અહીંયા… દોઢ કલાક… મન કેટલો સમય… અમને કેટલો સમય તમે આપો.. મારી તો ઈચ્છા તો એવી છે કે ૨૪ કલાક તમારું મન પ્રભુમય હોય. કારણ કે અમે લોકો છીએ ને ઉદાર હોઈએ. અમને જે મળેલું હોય એ તમને આપવાની કોશિશ કરીએ. તકલીફ એ છે કે તમને આપવા માટે લલચાવવા પડે છે. તમે તૈયાર નથી લેવા માટે. તમને સમજાવવું પડે આ લે ને… બહુ મજા આવશે. બહુ સારું રહેશે. ના… ના…. ના…. પછી મારો સંસાર છૂટી જાય. રહે તો નહિ. થોડો સમય તો ઠીક છે ૨૪ કલાક મન કેમ અપાય? પણ અમે પ્રભુને મન આપ્યું. અને પ્રભુએ જે આનંદથી અમને  ભરી દીધા છે એ જોઇને અમને થાય કે તમે બધા પણ એ આનંદવાળા હોવા જ જોઈએ. જોઈએ છે આનંદ? ભાઈ પાછળવાળાઓને પૂછું? અમારા જેવો આનંદ જોઈએ?

રાત્રે ૧૦ વાગે, પુરુષોને અમારા ઉપાશ્રયમાં આવવાની છૂટ. કોઈ પણ સાધુ લમણે હાથ દઈને બેઠો હોય, mood less થઈને તો રંગેલા હાથે પકડજો. ખાતરી સાથે કહું કે આ લોકો પરમ આનંદમાં ડૂબેલા છે, એમની મસ્તી અદ્ભુત છે. એ લોકો ક્યારેય પણ ઉદાસ નહિ હોય.

મીરાં ઉછળી હતી, ‘પાયોજી મૈને રામ રતન ધન પાયો’, અને પછી કહે છે, ‘વસ્તુ અમુલક દિ મેરે સદ્ગુરુ’. આ સદ્ગુરુની કૃપા કે પૂરા ને પૂરા પ્રભુ મને આપી દીધા. કોઈ કહે ને પ્રભુ જોઈએ. હું તરત જ કહું લે પ્રભુ લઇ જા ભાઈ. મૂર્તિ નહિ સાચા ભગવાન. જોઈએ? પ્રભુ જોઈએ…! આ સભા નો જવાબ કેવો હોય, જોઈએ જ. Must. સાહેબ પ્રભુ વિના એક ક્ષણ ચાલે એમ નથી. જલ્દી – જલ્દી પ્રભુનું દર્શન કરાવો. તો આજે એક short cut અલપ – ઝલપ દર્શનનું. કે દેરાસરમાં ગયા છીએ, પ્રભુનું અપૂર્વ રૂપ એને જોવાનું છે. મન સ્થિર બનેલું છે. બસ તમારી સજ્જતા આટલી જ. એ વખતે મનમાં બીજા કોઈ જ વિચારો નહિ ચાલતા હોય તો પ્રભુનું પ્રતિબિંબ તમારા મનમાં આવી જશે. ૧૦ મિનિટ પ્રભુને જોઈ રહો. એમના ચહેરા પર કેવી પરમ શાંતિ છે.

શંખેશ્વરમાં શિબિર હતો. એકવાર મેં શિબીરાર્થીઓને પૂછ્યું કે આજે સવારે આપણે શંખેશ્વરા દાદા પાસે ગયેલા. દાદાએ કંઈ કહેલું ખરૂ? એટલે એક ભાઈ કહે, સાહેબ દાદાએ કંઈ કહ્યું તો હશે. પણ એમની ભાષા કંઈ પલ્લે પડી નથી. મેં કહ્યું, દાદા પોતાની મુખ મુદ્રા દ્વારા, શરીરની મુદ્રા દ્વારા કહેતાં હતા, કે હું જો કેટલો પ્રસન્ન છું. કેટલો આનંદમાં છું. કારણ હું સ્વમાં છું. મારામાં છું. તારું મન સતત પરમાં જાય છે માટે તું દુઃખી છે. આ પ્રભુ કહે છે રોજ. આવી રીતે પ્રભુનું દર્શન કર્યું… થોડી ક્ષણો એવું થાય કે તમારું મન પરમાંથી નીકળી જાય, અને સીધી વાત છે, મનમાં પર ન હોય તો પરમ હોય. મનમાં પર ન હોય તો સ્વ હોય. પરને કાઢી નાંખો પરમ આવી જ જશે. તો એવી ક્ષણો મળી કે વિચારો કોઈ હતા નહિ. અને દાદાનો આ સંદેશ સાંભળ્યો કે હું સુખી છું કારણ હું સ્વમાં છું. તું પણ સ્વમાં તારા પોતાનામાં આવી જા. મનને ક્યાંય તું બહાર ન મોકલ. પેલો માણસ આવો છે ને પેલી બહેન આવી છે. હવે એથી તમને શું મળે… બોલો, હેરાન જ થવાના ધંધા છે ને આ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, ‘ભેંસના શિંગડા ભેંસને ભારે’. ભેંસના શિંગડા જોરદાર હોય, પણ ઉચકવાના કોને છે.. ભેંસને.. તું શું કરવા ચિંતા કરે છે ભાઈ. કે આટલા બધા જોરદાર શિંગડા છે. એમ કોઈનામાં કંઈક દોષ છે તો એને માથે પણ ગુરુ હશે, એ ગુરુ જોઈ લેશે. તું શું કરવા ચિંતા કરે છે… મનને ક્યાં ક્યાં મૂકો છો. અને હેરાન થાઓ છો. બોલો માથું મારો તો વાગે કે નહિ… બોલો ભીંત સામે માથું મારો તો શું થાય… એમ કોઈની વાતમાં માથું મારો તો શું થાય? હવે નક્કી કરવું છે, કે કોઈની વાતમાં ક્યારેય માથું નહિ મારવું.

શાર્ત્ર આજના યુગના પાશ્ચાત્ય તત્વજ્ઞાની છે. અલબેલ કામુ, શાર્ત્ર આ બધા વિખ્યાત તત્વજ્ઞાનીઓ છે. શાર્ત્રે એક સૂત્ર આપ્યું – the other is hell. શાર્ત્રે આ મઝાનું સૂત્ર આપ્યું – the other is hell.  બીજો એ જ  નરક. અને આ જ વાત શાંત સુધારસમાં વિનયવિજય મહારાજે કરી, ‘પર: પ્રવિષ્ટ કુરુ તે વિનાશી.’ જ્યાં પરનો પ્રવેશ તમારી ચેતનામાં થયો ત્યાં પીડા જ પીડા. એટલે જ, અમે લોકો અપરિગ્રહી. અપરિગ્રહીનો મતલબ શું? બહારથી એમ કહીએ કે ઓછો પરિગ્રહ. ઓછા વસ્ત્રો, ઓછા પાત્ર. પણ નિશ્ચયથી અપરિગ્રહી હોવું એટલે શું? ત્યાં પરિગ્રહની વ્યાખ્યા એ છે કે તમારું મન, તમારી ચેતના, તમારો ઉપયોગ પરમાં જાય એ પરિગ્રહ. એટલે તમારા મનનું પરમાં ન જવું એ અપરિગ્રહ. બધા અપરિગ્રહી છો ને… મનને ક્યાંય બહાર મોકલતા નથી. બિચારું રખડી – રખડીને થાકી જાય મન.

એક વાત મજાની કહું, અમે લોકો એકદમ તરોતાજા, ever fresh હોય છે. ક્યારે પણ આવો… હવે શરીર તો એ જ છે, જે તમને મળ્યું છે. પણ conscious mind અમારું જે છે એ પરમાં નથી જતું. ઘટનાઓમાં નથી જતું. માટે freshness આવે છે. મન તમારું પ્રસન્ન હોય તો શરીરના રોગો જે છે ને એ પણ બહુ જ ઓછી અસર કરનારા થાય. મારા પગથી માથા સુધીમાં મેજર બધા અંગોમાં operation થઇ ગયું છે. અને છતાં હું એ જ મસ્તીમાં છું. Operation હોય કે રોગ હોય, મારી મસ્તીને કોણ તોડી શકે. પ્રભુએ જે મસ્તી આપી છે, એને તોડનાર કોઈ નથી. તો અમે લોકો ever fresh છીએ. એનું કારણ આ છે. કે કોઈ ઘટનામાં મન જતું નથી. મેં હમણાં સંગોષ્ઠીમાં કહેલું કે સવા આઠ વાગે રાત્રે કોઈ સમાચાર સાંભળેલા હોય, બરોબર સમાચાર ન પણ હોય. અને ૮.૨૨ હું ઘસઘસાટ ઊંઘતો હોઉં. ઘટના સાંભળી. ઘટના થઇ ગઈ છે. હવે જે થઇ ગઈ છે, એ ઘટના એનું નિરાકરણ શક્ય નથી. પ્રભુને સોંપી દો. આપણે નિશ્ચિત. તમે પ્રભુને સોંપવા તૈયાર નથી ને એટલે ચિંતાનો બોજ માથે લઈને ફરો છો. પ્રભુને સોંપી દો…

પેલા ભાઈની વાત હું ઘણી વાર કરું. ખેતરેથી ઘરે આવે છે. પોતે ઘોડા ઉપર બેઠા છે. અને પાંચ મણ ઘાસનો પૂળો માથા ઉપર ઊંચક્યો છે. જે મળે એ પૂછે આ ભારો માથા ઉપર કેમ છે! તો એ ભાઈ કહે શું બધો ભાર ઘોડો ઉચકે? મારા શરીરનો ભાર તો ઘોડો ઉચકે, પછી ઘાસનો ભાર પણ ઘોડો ઉચકે. થોડો તો હું ઉચકું ને.. અલ્યા તું ઉચકે તો પણ તું ઘોડા ઉપર બેઠેલો છે, ભાર કયા જવાનો…! તમે ગમે એટલી ચિંતા કરો, આખરે ક્યાં જવાનું છે બધું… પરમ ચેતના ઉપર. તો અત્યારથી પરમ ચેતનાને સોંપી દો. પ્રભુ તું જાણે.

આજે તો ભારત કરતા પણ વિદેશની અંદર પ્રાર્થનાનો નાદ બહુ જ વેગથી વહી રહ્યો છે. એમ કહું કે પ્રાર્થનાનું એક વાવાઝોડું ચાલે છે. હમણાં એક સરસ પ્રાર્થના પરનું પુસ્તક લખાયું છે – opening doors within. એનો ગુજરાતી અનુવાદ કુંદનિકા કાપડિયા એ કર્યો – ઉઘડતાં દ્વાર અંતરના. એ opening doors within ના જે લેખિકા હતા એ ઇઝરાયલના પ્રવાસે ગયેલા. ઈઝરાયલમાં kibbutz છે કે એવી વસાહતો કે જે લોકો યંત્રવાદથી બિલકુલ વિરોધી છે. Electricity નહિ, એટલે કશું જ નહિ હળથી જ ખેતરોને જે છે એ હાંકવાના. અને એકદમ આદિમ સંસ્કૃતિમાં રહેવાનું. એ બેન ત્યાં ગયેલા. રાતનો સમય. રાત્રે ૮ વાગ્યા સુધી ફાનસ પણ રાખે એ લોકો. ૮ પછી ફાનસ પણ બુઝાવી નાંખે. સૂઈ જાઓ. સવારે વહેલા ઉઠી જાઓ. તો ફાનસ પણ નહિ. અનેરાત્રે ૮.૩૦ – ૯ વાગે પ્રભુનો સંદેશ ઉપરથી ઉતરવા લાગ્યો. લખવા માટે મજબુર થવું પડ્યું. પણ અંધારામાં લખવાની ટેવ નહિ. એક કિલોમીટર દૂર રોડ પર public toilet હતું. એની બહારની જે લાઈટ હતી. એના પ્રકાશમાં જઈ એ લખવા લાગ્યા. રાત્રે ૯ થી ૧૨, ૧ – ૨ વાગ્યા સુધી… એ પુસ્તકની પ્રસ્તાવના બહુ મજાની છે. એ પ્રસ્તાવનામાં એ બહેન લખે છે કે આ પુસ્તક મેં લખ્યું નથી. પરમ ચેતનાએ લખાવ્યું છે. માત્ર મારા હાથ છે. કલમ મારી છે. બાકી બધું એનું છે.

તો આવી રીતે ઈશ્વર કર્તૃત્વનો, પ્રાર્થનાનો નાદ પશ્ચિમમાં પણ આજે ઝડપથી ચાલી રહ્યો છે. કારણ કે ક્રિશ્ચનીટી જે છે ને ક્રિશ્ચનીટી નો બેસ પ્રાર્થના છે. એટલે જ્યાં ક્રિશ્ચન લોકો છે ત્યાં પ્રાર્થનાનો આખો બેસ વધી ગયો. આપણી પાસે તો ગળથુંથી માંથી પ્રાર્થના હતી. તમે પ્રાર્થના કરો એ જ ક્ષણે કામ activate થાય. અહીંયા પ્રાર્થના કરો, અહીંયા કામ થઇ જાય. પ્રાર્થનાની ક્ષણોમાં તમે નથી હોતા. અને તમે ન હોવ ત્યારે પરમચેતનાનું અવતરણ થાય. આ સૂત્ર બરોબર સમજી લો. તમારા કેન્દ્રમાં હું જ્યારે ન હોય, ત્યારે જ પરમ ચેતનાનું અવતરણ તમારામાં થાય.

તો પ્રાર્થનાની ક્ષણોમાં આપણો હું નથી રહેતો. હે પ્રભુ! તારા ચરણોમાં આવ્યો છું. તું બધું કરી દે. ને આજે એક નહિ, બે નહિ, હજારો અનુભવો છે કે પ્રભુને પ્રાર્થના કરી કામ પૂરું થઇ ગયું. કેન્સર third stage નું ડોકટરે કહ્યું કીમો કરાવો કે ન કરાવો હવે કોઈ ફાયદો નથી. અને પ્રાર્થના કરી કે માણસ સ્વસ્થ બને. ડોક્ટર પાસે જાય. ડોક્ટર નવાઈમાં પડે. આ મિરેકલ, આ આશ્ચર્ય, કોને કર્યો આ જાદુ… ત્યારે કહે છે કે પરમ પિતાએ, પરમાત્માએ આ જાદુ કર્યો છે. પ્રાર્થના દ્વારા કોઈ કાર્ય એવું નથી કે જે અસંભવ હોય. મારું બળ માત્ર પ્રાર્થના છે.

જંબુવિજય મ.સાની જીવનની એક ઘટના વાંચી લઉં. સાહેબ એક નાનકડા ગામમાં, અને માસક્ષમણ ઘણી સંખ્યામાં થયેલા. એક બહેન, એમની તબિયત થોડી નાજુક છતાં બધા માસક્ષમણ કરતા હતા, એટલે એમને પણ ભાવ થઇ ગયો. પણ ૨૨ માં ઉપવાસે રાત્રે એમની તબિયત લથડી. નાનકડું ગામ હતું. હોસ્પીટલની સુવિધા નથી. ગાડીમાં લઇ જાઓ તો પણ ૧ – ૨ કલાક થાય. તો ગુરુ મહારાજને કહ્યું -કે સાહેબ! આ બેન આ રીતે માંદા પડ્યા છે. જંબુવિજય મ.સા શું કરે છે… હાથમાં માળા લે છે, અને પ્રભુને પ્રાર્થના કરે છે. એ બેનને સારું કરી દે. બેનને સારું કરી દે… એક માળા એ રીતે ગણી લે. પછી વાસક્ષેપ લઈને જાય. પછી સમજે કે વાસક્ષેપ તો ખાલી બહાનું છે બાકી પરમ ચેતના આવી જશે. અને પરમ ચેતના બેનને સ્વસ્થ કરી નાંખશે. અને ખરેખર સાહેબ જાય વાસક્ષેપ પડે અને બેન એકદમ સ્વસ્થ.

એક સાધકને એક દેવે ખુશ થઈને વરદાન આપ્યું કે તમે જ્યાં પણ જશો જ્યાં તમારો પડછાયો પડશે ત્યાંથી રોગો દૂર થઇ જશે. સાધકે કહ્યું કે મારા દ્વારા બીજાની પીડા દૂર થતી હોય તો એમાં મને કોઈ વાંધો નથી. પણ સાધકે દેવને કહ્યું વરદાનમાં થોડો ઉમેરો કરવો પડશે. ઉમેરો એ કરવો છે કે જે માણસ સ્વસ્થ થયો એને એ ખબર ન પડે કે મારા ત્યાંથી જવાના કારણે મારા પડછાયા ને કારણે એ સ્વસ્થ બન્યો છે. નહીતર મારી પાછળ એટલી લાંબી લાઈન લાગશે કે હું થાકી જઈશ. કેટલા નિસ્પૃહી બોલો…. પોતાના કારણે કોઈ સ્વસ્થ થાય તો વાંધો નથી. પણ પોતાનું નામ ન આવવું જોઈએ. આજે તો આપણે સહેજ નાનકડું કામ કરીએ, અને નામ ન બોલાય તો… સંઘની મીટીંગોમાં આમાં શું થાય. એક ભાઈનું નામ રહી ગયું તો શું થાય પછી… અરે ભાઈ! તે સેવા કરી તિ. સેવા થોડી નામ માટે કરી હતી…

એટલે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું – ‘सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः’. સેવા ધર્મ બહુ જ ઉંચો છે. યોગીઓ માટે પણ એ થોડો અઘરો છે. યોગસાધના કરવી સહેલી છે.. સેવા કરવી અઘરી છે. કારણ કે સેવા કરવી અને પોતાનું નામ ન આવે એની તકેદારી રાખવી. સહેજ પણ અહંકારથી લેપાવું નહિ. આ અઘરું છે. તમે સેવા કરશો, અને નામની સ્પુહા નહિ રાખો, તો નિર્જરા કરશો. અને સેવા કરશો અને મારું બોર્ડ આટલા બાય આટલાનું જોઈએ. આવું તમે નક્કી કરશો તો બોર્ડમાં જ બધું આવી ગયું પછી… આગળ કંઈ ચાલશે નહિ.

ઇગતપૂરી વિપશ્યના કેન્દ્રે બુદ્ધ ભગવાનના ત્રિપિટકો છપાયા. ૧૨૦ volumes છપાયા. અને વિદ્વાનોને ભેટ આપ્યા. મહાત્માઓને પણ, મારી પાસે આખો set આવ્યો. ૧૨૦ પુસ્તકોનો well edited, well bound, well printed, મેં સરસરી આમ નજર નાંખી. તો મને થયું કે આ પ્રોજેક્ટની પાછળ ૫ – ૭ કરોડ રૂપિયા વપરાયા હશે. પણ એક પણ પુસ્તકમાં એક પણ વ્યક્તિનું નામ નથી. મને નવાઈ લાગી, મેં કીધું આ ભંડોળ શી રીતે ઉભું કર્યું? તો એક ભાઈ વિપશ્યના કરવા માટે ઇગતપૂરી જતા હતા મેં એમને પૂછ્યું, મને કે સાહેબ! મને ખ્યાલ છે. એ લોકોએ જ્યારે નક્કી કર્યું કે ત્રિપિટકો છપાવવા છે. ત્યારે એક ભંડાર મૂકી દીધો. કે ભગવાન બુદ્ધની વાણી લોકો સુધી પહોંચાય એના માટે વ્યવસ્થા કરવાની છે. જેને દાન આપવું હોય એ આમાં નાંખી દો. કોઈનું પણ નામ નહિ. નામ વગરનું દાન. તો આપણને ઉદાત્ત પરંપરાઓ મળી છે. આપણે એ ભૂમિકાએ જવું છે કે બસ આપણા જીવનનો આધાર સેતુ માત્ર ને માત્ર પરમાત્મા હોય, ને માત્ર આધાર સેતુ પરમાત્મા હશે આખું જીવન બદલાઈ જશે. પછી તમે ગમે એટલી સેવા કરશો તમે ક્યાંય નામ લેશો નહિ.

ધાનેરાની બાજુમાં એક ગામ છે ધાખા. ત્યાં મેં પ્રતિષ્ઠા કરેલી. ચોમાસું પણ મેં કર્યું. તો પ્રતિષ્ઠામાં બહુ સારી ઉપજ થઇ. અને દેરાસર તો એ લોકોએ સ્વદ્રવ્યથી બનાવેલું. ગામના પૈસાથી. તો દેવદ્રવ્યના ૧૮ – ૧૮ કરોડ એમને બહાર આપી દેવા તા. તો એ લોકોએ કમિટી નીમી. એ લોકો જાય કોઈ પણ અરજી આવી હોય ત્યાં અને જુએ કે ૨૫ લાખનું કામ બાકી છે. ૨૫ લાખના અભાવે દેરાસરનું કામ રોકાય નહિ ૨૫ લાખ આપી દે. દેરાસરનું કામ પૂરું. બીજી જગ્યાએ ગયા ૫૦ લાખના અભાવે કામ અધૂરું છે. ૫૦ લાખ આપી દીધા. હવે આટલી મોટી રકમ એકી સાથે આપે એટલે સંઘવાળાએ એમનું સન્માન કર્યું. તો ધાખા સંઘના પ્રમુખ મારી પાસે આવ્યા. મને કે સાહેબ મારે રાજીનામું આપવું છે. મેં કહ્યું શું થયું? સાહેબ આ ચાલે નહિ. ભગવાનના પૈસા, ભગવાનને આપવાના, એમાં અમારું સન્માન લોકો કરે, તો હું તો પાપમાં પડું. ભગવાનના પૈસા, ભગવાનને આપવાના છે એમાં અમારું સન્માન કંઈ રીતે હોય…! મને કે સાહેબ કાં તો રાજીનામું આપવાની છૂટ આપો, નહીતર નિયમ આપો કે તિલક પણ કરાવવાનો નહિ. તો અદ્ભુત શાસન મળ્યું છે. એ શાસનની અંદર જઈએ તો પણ પરમાત્માને પામીએ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *