Anandghanji Ne Sathvare – Vachana 16

1.1k Views 25 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : મુખ દીઠે સુખ ઊપજે, દરિશન અતિહિ આનંદ

કોઈ પણ ઇન્દ્રિય કે મન પ્રભુ સાથે જોડાય, ત્યારે સુખ નામની સંઘટનાનો જન્મ થાય છે. આંખ દ્વારા પ્રભુને જોયા અથવા કાન દ્વારા પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને સાંભળ્યા અથવા તમારી આંગળીઓ દ્વારા તમે પ્રભુનો સ્પર્શ કર્યો, એ સુખ.

અને તમે ઇન્દ્રિયોને પેલે પાર, conscious mind ને પેલે પાર જઈને પ્રભુનું દર્શન કે પ્રભુનો સ્પર્શ કરો, તે આનંદ. મન જેટલું સ્થિર થાય, એકાગ્ર થાય, એટલો જ બધી ક્રિયાઓમાં આનંદ આવે.

આ પ્રવચનો મનોરંજન માટે નથી; મનોભંજન માટે છે. કાન પ્રવચન સાંભળી લે અને કંઈક નવું હોય એને conscious mind યાદ રાખી લે – ત્યાં આપણે અટકી જવું નથી. આ શબ્દોને અસ્તિત્વના સ્તર સુધી લઇ જવા છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૬

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો.”

એક પરમાત્મા જ પ્રિય લાગે છે. પ્રેમની, ભક્તિની પૂરી ધારા વેગથી પરમાત્માની તરફ એવી રીતે વહી રહી છે કે એમાં પરની પ્રીતિ ને કોઈ સ્થાન નથી. જે આનંદ માણ્યો છે, એ આનંદને તમારી જોડે share કરવો છે. ૪૦ વર્ષથી લગાતાર બોલતો આવ્યો છું. શબ્દો હવે આપવા નથી. શબ્દોમાં વીંટાળીને મારા આનંદને મારે તમને આપવો છે. એક પરમાત્મા મળ્યા, અને લાગ્યું કે પૂરા ભવચક્રની અંદર આવો આનંદ ક્યારે પણ માણ્યો નહોતો. સુખાભાસ, અને સુખ કદાચ હતું. આનંદ તો હતો જ નહિ.

બહુ મજાની વાત સુખ અને આનંદના પૃથક્કરણ કરતી વખતે મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપી. “મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે”. તમારી ઇન્દ્રિયો, તમારું મન પ્રભુ સાથે જોડાય, ત્યારે સુખ નામની સંઘટનાનો જન્મ થાય છે. પણ આનંદ તો ક્યારે તમે ઇન્દ્રિયો ને પેલે પાર જાઓ. મનને પેલે પાર જાઓ. અને પ્રભુનું દર્શન કરો ત્યારે આનંદ છે. દેરાસરમાં જઈ આવ્યા. પ્રભુનું દર્શન કરીને આવ્યા. કોણે દર્શન કર્યું…! આંખે કર્યું. બહુ બહુ તો conscious mind એ કર્યું. તમે ક્યાં કર્યું.. તમે તો હાજર જ ક્યાં હતા? “મુખ દીઠે સુખ ઉપજે”. કોઈ પણ ઇન્દ્રિય કે મન પ્રભુ સાથે જોડાય ત્યારે સુખ નામની સંઘટનાનો જન્મ થાય છે. આંખ દ્વારા પ્રભુને જોયા, સુખ. કાન દ્વારા પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને સાંભળ્યા, સુખ. સ્પર્શેન્દ્રિય દ્વારા તમારી આંગળીઓ દ્વારા તમે પ્રભુનો સ્પર્શ કર્યો, સુખ. આનંદ ક્યારે? તમે ઇન્દ્રિયોને પેલે પાર, conscious mind ને પેલે પાર જઈ શકો અને દર્શન કરી શકો અને પ્રભુનો સ્પર્શ કરી શકો ત્યારે આનંદ થઇ શકે.

મને પ્રભુએ આવો સ્પર્શ આપેલો. એકવાર દેરાસરમાં હું ગયેલો. સ્તવના ગાઈ રહ્યો હતો. પદ્મવિજય મ.સા. એ બનાવેલી પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં પેશ થયેલી એ સ્તવના હતી. એમાં એક પંક્તિ આવી. “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીને” કોઈ પણ બાળક માઁ ની પાસે જાય ત્યારે એની એક જ અપેક્ષા હોય, માઁ પોતાની પીઠ પર પોતાનો વ્હાલ સોયો હાથ ફેરવે. પદ્મવિજય મ.સા. બાળક બનીને પ્રભુ પાસે ગયા છે. અને પ્રભુને કહે છે – “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીને” હું પણ પ્રભુ એવી ઈચ્છા લઈને આવ્યો છું, કે મારા અસ્તિત્વની પીઠ ઉપર તમારો હાથ ફરે. એટલે ઇન્દ્રિયો અને મનને પેલે પારની વાત થઇ. અસ્તિત્વની પીઠ પર પ્રભુનો હાથ પ્રસરે. એ પંક્તિ બોલતા મારી આંખો ભીની બની. મેં પ્રભુને કહ્યું, કે પ્રભુ પદ્મવિજય મ.સા તો મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા. એમણે પ્રાર્થના કરી પણ ખરી, તમે સ્વીકારી પણ હશે. પણ મારી પ્રાર્થના તમે આજે સ્વીકારશો…! આજે જ મારા અસ્તિત્વની પીઠ પર તમારો સ્પર્શ મને મળવો જોઈએ.

પ્રભુની કોર્ટમાં પ્રાર્થનાનો બોલ ફેંકી હું ઉપાશ્રય આવ્યો. એક વાત તમને કહું, કોઈ પણ સમસ્યા ક્યાંય પણ જીવનમાં આવે મૂંઝાતા નહિ. ભક્ત ક્યારે પણ મૂંઝાય નહી. ‘ધીંગ ધણી માથે કિયો રે’ પરમાત્મા મારી માઁ છે. અને એ મારી માઁ મારી સાથે છે. મારે ક્યાંય મૂંઝાવાનું નથી. જે ક્ષણે મને પ્રભુનો સાક્ષાત્કાર થયો, એ ક્ષણ પછી એવી એક પણ ક્ષણ નથી આવી કે જે ક્ષણમાં હું મૂંઝાયો હોઉં. કોઈ પણ problem છે પ્રભુને કહી દો, પ્રભુ જ્યારે જવાબ આપે, જેવો જવાબ આપે, અથવા ન પણ આપે. બધાનો સ્વીકાર. તો મેં પ્રભુના ચરણોમાં પ્રાર્થના પેશ કરી. તમે પણ આ જ કામ કરજો. કોઈ પણ સમસ્યા આવી ગઈ, એ સમસ્યાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી દેવાનો. પ્રભુ જવાબ આપશે એ મજાનો જ હશે.

હું પ્રભુને પ્રાર્થના કરી ઉપાશ્રય આવ્યો. ઈર્યાવહિયા કરી મારા આસન ઉપર બેઠો. એ વખતે આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય મારે ચાલતો હતો. લગાતાર ૩૦ વર્ષ સુધી દર વર્ષે આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય કરતો. તો હું બેઠો. ટેબલ ઉપર આચારાંગજી નું પુસ્તક પડેલું હતું. એમજ પાનું ઉથલાવ્યું, ડાબા હાથે જે સૂત્ર આવ્યું હું તો નાચી ઉઠ્યો. કે વાહ! પ્રભુ તો તૈયાર છે સ્પર્શ આપવા માટે. સૂત્ર એ હતું, “અણાણાએ એગે સોવટ્ઠાણા, આણાએ એગે નિરુવટ્ઠાણા. એતં તે માહો તુમ” સૂત્રનો પૂર્વાર્થ. કેટલાક સાધકો અનાજ્ઞા તરફ જતા હોય છે. પ્રભુ કહે છે કે મારી આજ્ઞા ને છોડી દેતાં હોય છે. કેટલાક સાધકો મારી આજ્ઞાને પોતાના પ્રાણથી પણ વધુ પ્યારી માને છે. તો કેટલાક સાધકો એવા છે, જે મારી આજ્ઞાના પાલનમાં ઉત્સાહવાળા નથી. પણ પછી ઉતરાર્ધમાં  પ્રભુ કહે છે, “એતં તે માહો તુમ”, આ તારી વાત નથી. તું તો મારી આજ્ઞાના પાલનમાં ઉત્સાહવાળો જ છે. જાણે કે પ્રભુ કહી રહ્યા છે કે You are my most beloved one! તું મારો પ્રીતિપાત્ર દીકરો છે. તું મારાથી દૂર કેમ હોઈ શકે. તું મારા આજ્ઞા દેહની નજીક છે. તું મારા આજ્ઞા દેહને સ્પર્શેલો છે. અને એ રીતે તું મને પણ સ્પર્શેલો છે વાહ…! પ્રભુનો સ્પર્શ… મારા જેવાને ૨૪ કલાક માટે મળે, કેટલી મજાની વાત. તમને મળી ગયો ને…. તમને… પ્રભુનો સ્પર્શ….! બસ આજ્ઞા પાલનની, આજ્ઞા પાલનના ઉત્સાહની ધારામાં દોડો. ૨૪ કલાક તમે પ્રભુના સ્પર્શમાં છો. અત્યારે તમે પ્રવચન સાંભળી રહ્યા છો. મેં પહેલા કહેલું, I have not to speak a single word. He has to speak. મારે એક પણ શબ્દ બોલવો નથી. એ જ બોલશે. તો અત્યારે પ્રભુના પ્યારા પ્યારા શબ્દનો સ્પર્શ તમને થાય છે.

મારે છે ને એક પ્રવચન બહુ મજાથી આપવું છે. કેવી રીતે… કોઈ પણ સંગીતકાર હોય, ભીમસેન જોશી કે ૐકારનાથ ઠાકુર. એ ગાય, ત્યારે રીધમ જોઈએ. તબલાની સોબત હોય ત્યારે જ ગાવાની મજા આવે. એક પ્રવચન મારે એવું કરવું છે, જે ડૂસકાં ની playback પર વહેતું હોય. તમારા બધા ના કંઠમાંથી ડૂસકાં વહેતા હોય અને પ્રભુના પ્યારા પ્યારા શબ્દો, આ હોલમાં ફેલાતા હોય. ડૂસકાં ની playback પર પ્રભુના પ્યારા પ્યારા શબ્દો… મારા પ્રભુના શબ્દો, મને મળી ગયા… વ્યાખ્યાન માટે ઘરેથી આવો ત્યારે આમ રણઝણાટી કેટલી હોય, આમ? મારા પ્રભુના શબ્દો.. એનો સ્પર્શ મને થશે. મારે માત્ર તમારા કાનને નહી, તમારા અસ્તિત્વને સંભળાવવું છે. કાન સાંભળી લે, conscious mind થોડુંક નવું હોય એને યાદ રાખી લે. આપણે આગળ વધવું છે. આ શબ્દો, અસ્તિત્વના સ્તર સુધી જવા જોઈએ. જો તમે ઈચ્છતા હો કે પ્રભુના શબ્દો અસ્તિત્વના સ્તર સુધી જવા જોઈએ. તો તમારે શું કરવું જોઈએ, ખ્યાલ છે… એ પ્રભુના શબ્દો પરનો તીવ્ર અહોભાવ તમારી પાસે જોઈએ.

મહાભારતની એક બહુ પ્યારી ઘટના છે, ઉદ્ધવજી વૃંદાવન આવવાના છે કોઈ કામ પ્રસંગે, ઉદ્ધવજી એટલે શ્રી કૃષ્ણના મિત્ર, ઉદ્ધવજી ને થયું કે વૃંદાવનમાં ગોપીઓ ઘણી છે. શ્રી કૃષ્ણને એ ભગવાન માને છે. શ્રી કૃષ્ણના નામ પર એ ઘેલી થયેલી ગોપીઓ છે. શ્રી કૃષ્ણ તો આજે આવવાના નથી. પણ એમનો પત્ર લઈને જઉં તો ગોપીઓને આનંદ થશે. એટલે ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને કહ્યું – એક પત્ર ગોપીઓના નામ પર લખી આપો. શ્રી કૃષ્ણએ લખી આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન આવ્યા. રથને આવતો જોયો. ગોપીઓને થયું શ્રી કૃષ્ણ આવતાં હશે. પણ, રથનો દરવાજો ખુલ્યો, ઉદ્ધવજી બહાર નીકળ્યા. બીજું તો કોઈ રથમાં છે નહિ. ૫૦ – ૬૦ ગોપીઓ એકઠી થઇ ગઈ છે. ઉદ્ધવજીએ કહ્યું – શ્રી કૃષ્ણ આજે આવી શક્યા નથી. પણ એમણે તમારા પર આ પત્ર લખીને મોકલ્યો છે. લો, વાંચો. ઉદ્ધવજીએ પોતાના હાથમાં એ પત્ર ખુલ્લો કર્યો. એક પણ ગોપી પત્ર લેવા માટે નજીક આવતી નથી. ઉદ્ધવજી નવાઈમાં પડ્યા. કૃષ્ણના નામ પર ઘેલી થયેલી આ ગોપીઓ, કૃષ્ણનો પત્ર છે અને એક પણ ગોપી નજીક નથી આવતી. ઉદ્ધવજીને ખ્યાલ ન જ આવે. કારણ ઉદ્ધવજી પંડિત હતા. ગોપીઓ ભક્ત હતી. પંડિત પ્રભુની પાસે પહોંચે કે ન પહોંચે, ભક્ત જરૂર પહોંચે. ઉદ્ધવજી માત્ર જ્ઞાની છે, ભક્ત નથી. ગોપીઓ જ્ઞાની નથી, પણ ભક્ત છે. એક ભક્તિ તમારી પાસે છે, જાણકારી વિશેષ તમારી પાસે નથી. કોઈ ચિંતા નહિ કરતાં, એક ભક્તિ તમને પેલે પાર મૂકી દેશે.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું કે શ્રુતસાગરનું મેં અવગાહન કર્યું, અને એમાંથી મને લાગ્યું કે એક ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ભક્તિ મળી ગઈ તો બધું મળી ગયું. એ નથી મળી તો કાંઈ નથી મળ્યું. ભક્તિનો એક અર્થ થાય ભાગાકાર. ભક્તિનો અર્થ ભીનાશ પણ છે. ભક્તિનો એક અર્થ છે ભાગાકાર, ૧૬ ની રકમ, ૪ થી ભાંગો, એક કર્ણ ઉપર ૪, બીજા કર્ણ ઉપર ૪, નીચે આવશે ૦, તો ૧૬ ની રકમે તમે એક બાજુ આયા પ્રભુ, એક બાજુ આયા ગુરુ, તમે થઇ ગયા સેન્ડવીચ, શૂન્ય [૦]. પણ તમે કંઈ કાચી માયા થોડી છો, હું ૧૬ની રકમ નહિ સાહેબ ૧૮ની રકમે છું… ૪ * ૪ = ૧૬ બે વધ્યા. પણ ગુરુ એ ક્યાં કાચા છે. ઉપરથી મીંડું ઉતારશે…. પણ તમને શૂન્યમાં લાવશે, લાવશે ને લાવશે…

શિષ્યની પણ એક મજાની વ્યાખ્યા છે. જે શૂન્ય બનવા રાજી છે. એ શિષ્ય. અને જે કોઈને પણ શૂન્ય બનાવી શકે, તે ગુરુ. બનવું છે શૂન્ય..? Identityless… સાહેબ એ તો કેમ ચાલે? identity મારી નથી. અમારા શિષ્યો પર અમે લોકો આ જ કામ કરીએ છીએ. Identitylessness  નું, દીક્ષા આપી એને કહીએ પેલા ખૂણામાં બેસી જા. કોઈ આવે તો મળવાનું નથી. હળવાનું નથી. બસ સ્વાધ્યાય કર, ભક્તિ કર. અમે એને identityless બનાવીએ છીએ. અને આ લોકોની પાસે જે મજા છે એ મજા identitylessness ની છે. તમે ગયા, તમારી identity ગઈ, પ્રભુ આવી ગયા. તો શૂન્ય બનવા જે રાજી. તે શિષ્ય. મને લાગે છે ભક્ત કે શિષ્ય બે માંથી એકમાં તમારો નંબર નહિ લાગે. ભક્ત એટલે ભાગાકારમાં આવેલો એક દાખલો જે શૂન્યમાં પરિણમે છે. શૂન્યમાં જવું છે, identityless બનવું છે. તો જ પ્રભુનો માર્ગ છે.

આનંદઘનજી ભગવંતે ૧૪માં સ્તવનના પ્રારંભમાં કહ્યું, “ધાર તલવારની સોહીલી દોહિલી, ચૌદમાં જિન તણી ચરણ સેવા” તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે. ચાલો.. પગમાંથી લોહીનો ફુવારો ઉડે, ૧ -૨ આંગળીઓ તૂટી જાય. પણ પ્રભુના માર્ગ ઉપર ચાલવું હોય તો તમારા પૂરા હું ને ખતમ કરી નાંખવું પડે. તમે ન રહો ત્યારે જ એ રહે. અને એ રહે ત્યારે જ સાધના શરુ થાય. તો “ધાર તલવારની સોહીલી દોહિલી, ચૌદમાં જિન તણી ચરણ સેવા” અહંકાર શૂન્ય બનવું. એ અઘરુ પણ છે. અને મજાનું પણ છે. બે વસ્તુ છે. એકવાર જો ગુરુની કૃપાથી તમે અહં શૂન્ય બની ગયા તો જે મજા છે. એ મજાની કોઈ વાત ન કરી શકાય. હું ઘણીવાર કહું કે મંઝિલ તો મજાની બધી જ હોય છે. પ્રભુના માર્ગની વિશેષતા એ છે કે અહીંયા માર્ગ પણ મજાનો છે. અમે ચાલીએ, ૧૦ કિલોમીટરનો વિહાર કરીએ અને fresh થઈએ. કેમ? કે પ્રભુની આજ્ઞાનું પાલન થયું છે.

રામાયણની પ્રસિદ્ધ ઘટના છે. રામચંદ્રજીને વનવાસ માટે જવાનું છે, લક્ષ્મણ જોડે છે. સીતા માતાની ઈચ્છા હતી, કે પોતે વનમાં પતિ સાથે જાય. જ્યાં પતિ ત્યાં સતી. તો સીતા માતાએ પતિને કહ્યું – કે મારી ઈચ્છા તમારી જોડે વનમાં આવવાની છે. રામજી કહે છે – જંગલનો મામલો,  કાંટા અને કાંકરા રસ્તા પર પથરાયેલા હોય. ન ખાવાની સુવિધા, ન રહેવાની સુવિધા, માર્ગની તકલીફ, તમારો સુકોમળ દેહ, તમે શી રીતે જંગલમાં આવી શકો. તમે મહેલમાં રહો. સીતા માતાએ કહ્યું – આપની જે આજ્ઞા હશે. એ સ્વીકારવાની છે. પ્રેમથી સ્વીકારવાની છે. પણ એક નિવેદન આપને કરું, – કે જંગલની અંદર હો, કે ક્યાંય પણ હો, આપ જ્યાં સાથે છો, ત્યાં સુખ જ સુખ છે. અને આપ જ્યાં નથી ત્યાં દુઃખ જ દુઃખ છે. રામજી કહે છે, – એ બધું બરોબર… પણ કાંટા અને કાંકરા ધરતી ઉપર બીછાવેલા હશે. રોજ ૨ – ૪ ગાઉં ચાલવાનું હોય, તમે શી રીતે ચાલો. એ વખતે સીતા માતાને જે કહ્યું છે ને એને તુલસીદાસજી રામ ચરિત માનસમાં લઇને આવેલા. શું કહે છે સીતામાતા – “મોહી મગ ચલત, ન હોહી હી હારી, ખીણ ખીણ ચરણ સરોજ નિહારી. “મોહી મગ ચલત, ન હોહી હી હારી” મને માર્ગમાં ચાલતા કોઈ તકલીફ નહિ પડે, કેમ?  ‘ખીણ ખીણ ચરણ સરોજ નિહારી.’ આપ આગળ ચાલતાં હશો. મારે કાંટા જોવા નથી. કાંકરા જોવા નથી. હું તમારા ચરણકમાલને જોતી  જોતી ચાલીશ. પછી તો મજા જ મજા છે.

પ્રભુના માર્ગમાં આ મજા છે. અમે ચાલીએ છીએ ઘાટકોપરમાં આયા પછી ભલે ચાલતા નથી. આંતર યાત્રા તો ચાલુ જ છે. પણ એ આંતરયાત્રાના એક – એક ડગલે પ્રભુ સાથે છે એનો આનંદ છે. તો એક પણ ગોપી પત્ર લેવા માટે આગળ આવતી નથી. ઉદ્ધવજી વિચારમાં પડ્યા, કેમ નથી આવતી ગોપીઓ….. સુરદાસજી ભક્ત કવિ થયા. એમણે એમના એક પદમાં ગોપીઓ કેમ નથી આવતી… એનું કારણ આપ્યું… પરસે ઝરે… સુરદાસજીના શબ્દો છે, ગોપીઓના મનમાં એ વિચાર આવ્યો કે પ્રભુ મળ્યા નથી. ભક્તની પાસે ૨ જ ભૂમિકા હોય છે. પ્રભુ મળે તો આનંદ જ આનંદ. પ્રભુ નથી મળ્યા તો તડપન, વિરહ વ્યથા. તમે ક્યાં છો? તડપનમાં આવી જાવ ને તો પણ ઘણું છે. તડપન નું જે અંતિમ બિંદુ છે, એ જ મિલનનું પ્રારંભ બિંદુ છે. પણ તડપન કેવી હોય..?

મીરાં એ કહ્યું – તડપ તડપ જીવ જાશે. પ્રભુ કેટલું તડપાવીશ તું, તડપી – તડપીને પ્રાણ ચાલ્યા જશે. આ તડપન.. તો ભક્તની પાસે ૨ જ અવસ્થાઓ છે. પ્રભુ મળ્યા છે, આનંદ જ આનંદ. પ્રભુ નથી મળ્યા, તડપન, વિરહ વ્યથા. વિરહને અગ્નિ કહેવામાં આવેલો છે, વિર્હાગ્ની. તો ગોપીઓને વિચાર એ થયો કે પ્રભુ મળ્યા નથી. વિરહની આગ આપણા શરીરમાં દોડી રહી છે. નસ – નસમાં. આપણે પત્રને હાથમાં લઈશું પત્ર બળી નહિ જાય? શું ભૂમિકા છે ભક્તિની.. પત્ર બળી નહિ જાય…ચલો, પત્રને હાથમાં ન લો… નજીક આવીને વાંચો તો ખરા… નજીક આવીને વાંચવા એક પણ ગોપી તૈયાર નથી. કેમ? વિલૌકે ભીંજે. અમે જઈશું નજીક એ પ્રાણપ્રિયના અક્ષરોને જોઈશું, આંખમાંથી આંસુની ધાર છૂટશે. અને અક્ષરો ચહેરાઈ જશે. પ્રાણ પ્રિયના શબ્દોને જોતા, વાંચતા નહિ, જોતાં… આંખમાંથી આંસુની ધાર છૂટશે, અને અક્ષરો પત્રમાંના ચહેરાઈ જશે. પ્રભુના શબ્દો વાંચતા ભીતર કંઈ હલચલ થાય છે. પ્રભુના શબ્દો સાંભળતા ભીતર કંઈ હલચલ થાય છે?

યાદ રાખો, કોઈ પણ પ્રવચન, મનોરંજન માટે નથી. પણ મનોભંજન માટે છે. Not for entertainment. કોઈ પણ મહાપુરુષનું પ્રવચન શેના માટે છે, તમે કહો કે જરા મજા આવશે જઈ આવીએ. તમે મનોરંજન નો આશય સમજો છો. ભલે એ રીતે આવો અમને વાંધો નથી. એક કલાક માટે તો મળશો. થોડું કામ કરી નાંખશું. અમે મનોભંજનના માણસો છીએ. તમારા આ મનને, સંજ્ઞાવાસિત મનને, અમારે તોડી નાંખવું છે. એટલે અમારા હાથમાં હથોડો છે, ખબર છે…..

મેં પહેલા પણ કહેલું કે અમારા જેવા જેટલા પણ માણસો હશે ને બધા જ smiling face વાળા હોવાના… સમજ્યા તમે બરોબર… અમે લોકો smiling face વાળા હોવાના… કેમ.. તો જ તમે નજીક આવો ને… નજીક આવો થોડાક બુચકારીએ, પુચકારીએ, એકદમ નજીક તમે આવો એટલે હથોડો ઠોકી દઈએ…

ઉપનિષદો તો સ્પષ્ટ કહે છે. “आचार्यो मृत्यु:”. નવજીવન ક્યારે મળે… તમારે એક નવું જીવન જોઈએ છે. Fresh life. Fresh life ક્યારે મળે? Fresh mind હોય તો. બરોબર યાદ રાખો… નવા મકાનની શોધ કરી. નવા ફર્નિચરની શોધ કરી. નવી life style ની શોધ કરી? તમારી જે life style અત્યારની છે એમાં તમે પીડિત છો.

એક વકતૃત્વ કળાનો class ચાલતો હતો. એમાં શિક્ષકે બહુ સરસ વાત કરી. શિક્ષકે કહ્યું – કે ચહેરાના હાવ – ભાવ facial expressions એ તમારા વકતૃત્વને બહુ મોટો સહયોગ આપે છે. તમારે સ્વર્ગની વાત કરવી હોય તો તમારા ચહેરા ઉપર આનંદ તરવરવો જોઈએ. તો લોકોને ખ્યાલ આવે કે સ્વર્ગ એટલે આનંદ. પણ પછી એ શિક્ષકે જે કહ્યું ને એ ધારદાર હતું. એ શિક્ષકે કહ્યું કે પણ હા, નરકની વાત કરવી હશે ને તો તમારો original face ચાલશે. બરોબર ને…

તમારા કેટલા રૂપ હોય, સાચું કહેજો…. ઘરમાં પતિ – પત્ની હોય અને કોક વાતમાં ચડસા – ચડસી થઇ ગઈ. બોલાચાલી ચાલુ હોય, call bell વાગે, કોઈ સંબંધી આવે છે. મોઢા ઉપર આખો બુરખો આવી જાય શાંતિનો… પણ અંદરથી ચટપટી થતી હોય બેય ને ક્યારે પેલો જાય અને ક્યારે fighting શરૂ કરીએ. તમારી અત્યારની life થી તમે સુખી છો? બોલો ..નહીતર નવી life આપવા અમે તૈયાર… ગભરાતા નહિ ઓઘો નહિ આપીએ… ચરવળાથી જ ચલાવશું અત્યારે… આમેય ચોમાસામાં દોક્ષા અપાય નહિ. તો તમારી અત્યારની જિંદગીથી તમે કંટાળ્યા છો.

એક સરેરાશ માણસ નું જીવન તો જુઓ.. ૨૦ – ૨૨ વર્ષે એ ભણી ગણીને તૈયાર થાય. લગ્ન થાય. એનું પોતાનું ઘર માંડે. એના ૨ – ૩ દીકરાઓ હોય. એ દીકરાઓને ભણાવી – ગણાવીને તૈયાર કરતા એ ૫૦ – ૫૫ ના થઇ જાય બેય  જણા. અને ૫૦ – ૫૫ ના એ લોકો થાય એટલે દીકરાઓ બધા ઠામ – ઠેકાણે જતાં રહે. બે જણા પાછા એકલા રહે. ૫૫ વર્ષની ફળશ્રુતિ શું? જે બે દીકરાઓને ઉછેર્યા, એ બે દીકરા સાથે રહેવા તૈયાર નથી. વારો કરવા તૈયાર નથી. પપ્પા તમારું ઘર જુદું, અમારા ઘર જુદા. આ life કંટાળ્યા છો? વિચાર કરીને આવજો કાલે… વાંધો નથી મને… પણ આ life થી કંટાળેલા હોવ તો નવી life આપું. અને એના માટે નવું mind. આખી નવી જ વિચારસરણી.

અત્યારે શું થયું છે.. તમારા ઉપર mass hypnotism થયું છે, સોસાયટીનું… તમારી એક પણ માન્યતા તમારી પોતાની ખરી? સોસાયટી કહે આવો માણસ સુખી ગણાય. એ તમે કહો સુખી. સોસાયટી આપણી. જૈન સમાજ. એક મહાત્મા જ્ઞાનમાં આગળ વધેલા હોય, તો એના માટે પણ આદરથી વાત કરે. ઓહો કેટલા બધા જ્ઞાની છે. અને એક જણો પૈસામાં આગળ વધ્યો, તો આદરથી વાત કરે ઓઓહો અબજો રૂપિયા એની પાસે થઇ ગયા. તો સોસાયટી એમ કહે છે કે જેની પાસે વધુ પૈસા એ વધુ સુખી. બોલો તમે ક્યારેય વિચાર કર્યો છે? વધારે પૈસાથી વધારે સુખ, આવું કોઈ સૂત્ર હોઈ શકે? કરોડવાળા પાસે જેટલું સુખ હોય, ૧૦ કરોડવાળા પાસે ૧૦ ગણું સુખ ખરું? Is there any ratio? કોઈ ratio નથી. કોઈ ગુણાંક નથી. પણ માત્ર સોસાયટી કહે છે કે પૈસાદાર સુખી ગણાય એટલે ઊંધું ઘાલીને હાલ્યા. તમે ભારતમાં જન્મેલા છો કડક મીઠી ચા પીવો… તિબેટની અંદર નિમક નાંખીને, મીઠું નાંખીને ચા પીવે. એમને એ ચા tasty લાગે. Tasty ની વ્યાખ્યા શું?

એકવાર હું હસ્તગિરિ હતો, પાલીતાણા ની બાજુમાં. એક રાજસ્થાની કુટુંબ પાલીતાણા યાત્રા કરવા આવેલું. અને એમને ખ્યાલ હતો કે સાહેબ હસ્તગિરિ છે. એટલે ૧૦ વાગે લગભગ હસ્તગિરિ આવ્યા. ઉપર યાત્રા કરી આવ્યા, ૧૨ વાગે મારી પાસે બેઠેલા. ત્યાં કાન્તીભાઈ પટણી, જેમણે આખું હસ્તગીરી તીર્થ પાયાથી ઉભું કર્યું. એમને ખબર પડી કે સાહેબ પાસે કોઈ મહેમાન આવ્યા છે, સાધર્મિક. એટલે એ દોડતા આવ્યા. અને પરિવારને વિનંતી કરી કે જમવા માટે પધારો. ભોજનશાળા માં… તો આ લોકોએ ના પાડી. કે અમે લોકો ત્યાં પાલીતાણા ઉતર્યા છીએ. તખતગઢ ધર્મશાળા માં અને ત્યાં અમે જમવાનું કહીને આવ્યા છીએ. એટલે અહીંયા નહિ જમીએ. કાન્તીભાઈ પાછા ગયા, ત્યાં મારી ગોચરી આવી. મેં એ લોકોને કહ્યું મારી ગોચરી આવી છે તમે જમવા ગયા હોત તો બે કામ પતી જાત હાથે… એ લોકો કહે સાહેબ આપ વાપરીને આવો, પછી આપની જેટલી અનુકૂળતા હોય અમારે બેસવું છે. આપ કહો કે આરામ કરીને પછી આવો. તો આરામ કરીને પછી બેસવા તૈયાર છીએ. તો મેં કીધું જમવા કેમ ના ગયા? મને કે સાહેબ આ ગુજરાતી taste ની ભોજનશાળા, તુવેરની દાળ અને ગોળ નાંખેલો હોય, ટમેટાનું શાક ને ગોળ નાંખેલો હોય. અમે રહ્યા રાજસ્થાની અમારે તીખું જોઈએ, મીઠું તો અમારે ચાલે નહિ. રોટલીનો ટુકડો અને દાળમાં નાંખ્યો તો રોટલીનો ટુકડો ગળે ઉતરે નહિ. હવે આ કોણ નક્કી કરે બોલો… તુવેરની દાળ મીઠી હોય તો સારી… એવું ગુજરાતીઓ કહે. રાજસ્થાનીઓ કહે એમાં ગોળ નંખાય જ નહિ. નક્કી કોણે કર્યું તમે કર્યું કે સોસાયટીએ કર્યું… એટલે સોસાયટીનું તમારા ઉપર mass hypnotism છે. સોસાયટી કહે એ પ્રમાણે તમે ચાલો છો. સુખની વ્યાખ્યા પણ તમારી પોતાની નથી. સોસાયટીએ કરી છે એને તમે વળગી રહો છો. કારણ કે તમારું મન સોસાયટીથી હિપ્નોટાઈઝ થયેલું છે.

હવે નવું મન આપી દઉં તો શું થાય? અમારું મન, અમારા જેવું મન, અમે લોકો માત્ર પ્રભુની આજ્ઞાને જોઈએ. અમારે સોસાયટી જોડે કોઈ કામ નથી. અમારે માત્ર પ્રભુને જોવા છે. માત્ર પભુની આજ્ઞાનું પાલન કરવું છે. તો fresh life, fresh mind તૈયાર હોય તો મને કહેજો. જાહેરમાં ન કહો તો કાંઈ નહિ, ખાનગીમાં આવજો. હું mind transplantation નો નિષ્ણાંત છું. ઘણા operation કરી નાંખ્યા છે. જુનું મન કાઢી નાંખવાનું, નવું મન replace કરી દેવાનું.

તો ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે… આ કોણ કહી શકે… fresh mind. તમે કહેતા હશો, પણ તમારી જીભ બોલતી હશે. હોઠ ફફડતા હશે, તમે ક્યાંય હશો… તમે બોલતા નથી. અને આનંદઘનજી ભગવંત પોતે બોલતા હતા. આટલો જ ફરક છે. એ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો બોલ્યા અને ભગવાનનો સાક્ષાત્કાર થાય. તમને ન થાય શું કારણ? તમે બોલતા નથી માટે… વ્યાખ્યાનકાર  સાંભળે, અને conscious mind સાંભળે. સ્તવન હોઠ ગાય અને conscious mind હોય. તમે તો બહાર ફરતા…

તો મનને સ્થિર કરવું છે. મનને એકાગ્ર કરવું છે. જેટલું મન એકાગ્ર થાય એટલી જ બધી જ ક્રિયાઓમાં આનંદ આવે. ભક્તિમાં પણ આનંદ આવે. સાધનામાં પણ આનંદ આવે. તો પ્રભુ પ્રિયતમ બને એના માટે ૩ ચરણો છે પ્રભુનું અલપ – ઝલપ દર્શન. વિરહ વ્યથા અને ત્રીજા ચરણે પરમ પ્રિય તરીકે પ્રિયતમ તરીકે પરમાત્માની પ્રાપ્તિ.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *