Anandghanji Ne Sathvare – Vachana 18

998 Views 28 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : તમે કોઈના નહિ, તો પ્રભુ તમારા

મહાપુરુષોની વાણી આપણને touch કરી જાય છે કારણ કે એ શબ્દોની અંદર અનુભૂતિ રેડાયેલી છે. ૩૦૦ વર્ષ થઇ ગયા પણ આનંદઘનજી ભગવંતના સ્તવનો જુના પડ્યા નથી અને પડવાના પણ નથી. એ શાશ્વતીના લયની એક મૂલ્યવાન ચીજ છે.

પરમાત્માનો અનુભવ આપણને ક્યારે થાય? ત્રણ ચરણો છે: પરમાત્માનું અલપ-ઝલપ દર્શન. પછી તીવ્ર વિરહ વ્યથા. અને પછી પરમપ્રિય તરીકે પરમાત્માનો અનુભવ.

ક્યારેક કોઈક ક્ષણે મોહનીય કર્મ શિથિલ બનેલું હોય છે અને પ્રભુની કૃપાનું અવતરણ થાય છે. camera ના flash ની જેમ અનુભવ ઝબકી ઉઠે છે – બહુ જ થોડા સમય માટે. ઝબકારો થયો અને ગયો! પણ એ અનુભવ એવો હોય છે કે પછી વારંવાર એને મેળવવાનું મન થયા કરે છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૧૮

‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે’

એક અનુભૂતિનો રણકાર છે. બે જાતની અભિવ્યક્તિઓ હોય છે. એક અનુભૂતિ યુક્ત અભિવ્યક્તિ. બીજી અનુભૂતિ વગરની અભિવ્યક્તિ.

મહાપુરુષોની વાણી આપણને touch કરી જાય છે. એનું કારણ એ શબ્દોની અંદર અનુભૂતિ રેડાયેલી છે. ૩૦૦ વર્ષ થઇ ગયા. આનંદઘનજી ભગવંતના સ્તવનો જુના પડ્યા નથી. અને પડવાના પણ નથી. એ શાશ્વતીના લયની એક મૂલ્યવાન ચીજ આપણી પાસે છે. હકીકતમાં અનુભૂતિ જ્યાં મળી ગઈ ત્યાં શબ્દો વિરામ પામતા હોય છે.

કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અનુભૂતિના શિખરે બિરાજમાન હતા. તમે જ્યારે પરમાત્મા તત્વની અનુભૂતિ કરો છો. નિર્મળ આત્મતત્વની અનુભૂતિ કરો છો, પછી શબ્દોની દુનિયામાં શી રીતે જઈ શકાય…! શબ્દ તમારો સ્વભાવ નથી. વિચાર તમારો સ્વભાવ નથી. માત્ર અનુભૂતિ એ જ તમારો સ્વભાવ છે. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અનુભૂતિ ના શિખર ઉપર બિરાજમાન હતા. એમના ગ્રંથો આપણને મળ્યા. કેમ મળ્યા? મા પાહીની ના કારણે મળ્યા. એ સાધ્વી માં ની અંતિમ ક્ષણોમાં બધા જ બધું સંભળાવી રહ્યા હતા. કે માં તારા સ્વાસ્થ્ય લાભ માટે હું ૧૦૦૦ સામાયિક કરીશ. હું ૧૦૦ સામાયિક કરીશ. એ વખતે માં ની નજર પોતાના દીકરા ઉપર ઠરી. કે મારો દીકરો મને શું આપે છે. કલિકાલ સર્વજ્ઞ માં ની આંખમાં રહેલ એ ભાવને બરોબર જોઈ ગયા. અને એમની આંખમાં આંસુ આવ્યા. જે માં એ જીવન આપ્યું, જે માં એ સંસ્કારો આપ્યા અને જે માં પ્રભુના માર્ગ સુધી મને લઇ આવી, એ માં ને શું આપી શકાય…! હું જ આખો માં નો છું તો માં ને હું શું આપું? પણ લાગ્યું કે માં ની ઈચ્છા છે… પછી વિકલ્પ નહિ કરવો જોઈએ, પણ હું આપું એ મારી માં ની ગરિમા ને અનુરૂપ હોવું જોઈએ. મારી માં ને આપવાનું છે. અને એ વખતે હેમચંદ્રાચાર્યે કહ્યું કે માં તારા સ્વાસ્થ્ય લાભ માટે સાડા ૩ કરોડ શ્લોક પ્રમાણ નવા સાહિત્યની હું રચના કરીશ! હેમચંદ્રાચાર્યના શબ્દો મળ્યા માં પાહીની ને કારણે મળ્યા. હરીભદ્રાચાર્યના શબ્દો મળ્યા, પ્રભુની આજ્ઞા ને કારણે મળ્યા. અનુભૂતિના શિખર ઉપર ગયા પછી એ ચૂપ થઇ જવાના હતા. પણ ત્યાં પ્રભુએ કહ્યું -તને સિદ્ધિ થઇ છે. તને મેં સિદ્ધિ આપી છે, બીજાને તું આપ.

કલાપૂર્ણસૂરિ દાદાનું છેલ્લું દર્શન મને રાજસ્થાન માં ઝાલોર જીલ્લામાં કલાપુરા ગામમાં થયેલું. સાંજના સમયે હું દાદાના ચરણોમાં બેઠેલો. મેં દાદાને પૂછ્યું કે – કે દાદા આટલા બધા લોકો તમારી પાસે આવે છે. આવે છે ત્યાં સુધી ઠીક છે. દર્શન કરી જાય. પણ ૫ નું group આયું, ૧૦ નું group આયું, સાહેબ જી! કંઈક હિતશિક્ષા આપો. અને આપ બધાને પ્રેમથી ૫ – ૧૦ મિનિટ ઉપદેશ પણ આપો છો. મેં પૂછ્યું કે દાદા આપને થાક નથી લાગતો. એ વખતે એમણે મને જે કહ્યું ને એ મારા માટે એક આદર્શ જેવું બની ગયું. એમણે મને કહ્યું – યશોવિજય, મારા પ્રભુએ મને જે જ્ઞાન આપ્યું છે. મારા સદ્ગુરુએ મને જે જ્ઞાન આપ્યું છે એ conditionally આપ્યું છે. શરતે… હું બીજાને ન આપું જ્ઞાન તો મારા પ્રભુનો, મારા સદ્ગુરુ નો હું અપરાધી ઠરું છું. કારણ કે મને જ્ઞાન conditionally આપવામાં આવ્યું છે. કે તારી પાસે આને રાખવાનું નથી. એ બીજાને આપવાનું છે. ઘણીવાર હું પણ મૌનમાં જવાનો વિચાર કરી લઉં, પણ દાદા સામે આવે ને ત્યારે એમ થાય કે એક ટોચની વિભૂતિ પણ શબ્દોમાં ઉતરતી હતી. તો અત્યારે મારે શબ્દોનો ઉપયોગ ટાળવો ન જોઈએ.

તો અનુભૂતિવાન મહાપુરુષોની વાણી તમે જો સહેજ ચિત્તને એકાગ્ર કરીને સાંભળો કે વાંચો તો તમારા અંતઃસ્તર ને એ વાણી છુઈ જાય, touch કરી જાય. એ શબ્દોમાં અનુભૂતિ ભરાયેલી છે. હું ઘણીવાર કહું છું, કે એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે ખાલી જગ્યા જે હોય છે ને એમાં અશબ્દ હોય છે. શબ્દોમાં બધું કહેવાતું નથી. જે આનંદ અનુભવાયો છે એની સામાન્ય વાતો કરી શકાય પણ એને જે સ્વરૂપે અનુભવ્યો છે એ સ્વરૂપે કહી નહિ શકાય. કેમ, કે આપણી દુનિયામાં એને વર્ણવા માટેના શબ્દો જ નથી.

Oxford dictionary દર વર્ષના નવા સંસ્કરણ માં સેંકડો હજારો નવા શબ્દો ઉમેરે છે. એવા શબ્દો કે જે યુરોપિયન કે અમેરિકન સંસ્કૃતિમાં નહોતા. ભારતીય સંસ્કૃતિમાં અથવા બીજા પ્રાચીન સંસ્કૃતિઓમાં હતા. એ શબ્દોને એને એ રૂપમાં oxford dictionary એ સમાવી લીધા. પછી એનો અનુવાદ આપ્યો. શબ્દને એ જ રૂપે એમને સ્વીકારી લીધા. આપણે લોકોએ પૂર્વે, પશ્ચિમને કેટલા બધા શબ્દો આપ્યા છે નવા… નિમિત્ત શબ્દ, પૂર્વે પશ્ચિમને ભેટમાં આપ્યો છે. નિમિત્ત, કોઈ પણ કાર્ય થયું, એનું કર્તૃત્વ તમારી પાસે નથી. તમે કહેશો પ્રભુએ મને નિમિત્ત બનાયો. કોઈ પણ કાર્ય આપણે કરવાનું છે જ નહિ.

ઇશાવાસ્ય ઉપનિષદ, ઉપનિષદો ની દુનિયામાં પણ પ્રમુખ સ્થાને છે. એનો પ્રારંભ થાય છે;

“ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत्।

तेन त्यक्तेन भुंजीथा मा गृधः कस्यस्विद्‍ धनम्॥”

કેટલી સરસ વાત લખી ઋષિએ, “ઇશાવાસ્યમિદં સર્વં” જે પણ તને દેખાય છે, એ બધું પ્રભુથી પ્રભાવિત થયેલું છે. દુનિયાની કોઈ ચીજ, એક વ્યક્તિ એવી નથી. કે જે પ્રભુથી આવાસિત ન હોય. પ્રભુથી પ્રભાવિત ન હોય. પછી બહુ સરસ કહ્યું – “તેન ત્યક્તેન ભુંજીથા” એણે તારા માટે જે કામ રાખેલું છે એ કામ તું કરી લે. તો ઈશ્વરે દરેક માટે કાર્યો નિયત કરેલા છે. એ કાર્ય તમારે કરવાના છે. તો આમાં તમારું કર્તૃત્વ ક્યાંથી આવે…!

એક શેઠ મુનીમ કહે ૧૦ લાખ રૂપિયાનો ચેક છે આ, ૧૦ લાખ રૂપિયા રોકડા બેન્કમાંથી લઇ આવ. મુનીમ ૧૦ લાખ રૂપિયા લઈને કારમાં આવતો હોય, ત્યારે એને થાય કે હું ૧૦ લાખ રૂપિયાનો માલિક થઇ ગયો… મારી પાસે પૈસા છે, પણ કોના છે?- શેઠના છે. એમ તમારી પાસે કાર્ય હતું પણ કોનું હતું પ્રભુનું હતું. તો “તેન ત્યક્તેન ભુંજીથા”.  તેણે તારામાં માટે જે કામ મૂકી રાખ્યું છે એ કામ તું કરી લે.

સાપુતારામાં શિબિર હતી. છેલ્લા દિવસે, આ વાતો નીકળી તો અનાયાસે જ મેં કહ્યું – કે પ્રભુનું આયોજન હતું કે સાપુતારામાં ૪૦૦ સાધકો આવે અને એમને જ્ઞાન મળે. પણ પ્રભુ, કોઈના પણ દ્વારા એ કામ કરાવી શકતા હતા. એની પાસે અગણિત sound systems છે. પણ એણે મને પસંદ કર્યો એટલે એણે મને નિમિત્ત બનાવ્યો. કે તારા કંઠેથી હું પ્રગટીશ. અને લોકોને જ્ઞાન મળશે. મેં પહેલા પણ કહેલું, તમે મૌન થઇ જાઓ, તો પ્રભુ તમારા કંઠેથી પ્રગટ થશે. અને તમે બોલતા હોવ તો પ્રભુ ચુપ થઇ જાય. હવે પ્રભુને બોલતા કરવા છે કે તમારે બોલતાં રહેવું છે. એ નક્કી તમારે કરવાનું.

તો આપણી પાસે એટલા બધા અનુભૂતિવાન મહાપુરુષોની પ્રસાદી છે. કે રોજ તમે સ્વાધ્યાય કરો, ૧૫ – ૨૦ મિનિટનું એક પુસ્તક લીધું… એને વાંચો. ૧ – ૨ પાનાં જ ભલે વંચાય, વાંધો નહિ. ધીરે… ધીરે…ધીરે … આરામથી વાંચો. અને એમાં જે કહેવાયું છે, એ ભાવને બરોબર સમજી લો. સ્તવનોની અંદર એક વિશેષતા છે, કે સ્તવનની એક કે બે પંક્તિ પર તમે આજે વાંચન કર્યું, સ્વાધ્યાય કર્યો, એ સ્તવનની પંક્તિ છે ને તમારા હૃદયનો  કબજો લઇ લેશે. પછી આખો દિવસ એ સ્તવનની પંક્તિ તમારા મનમાં ઘુમરાતી હશે. તો ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો’, આનંદઘનજી ભગવંતની અનુભૂતિ યુક્ત આ વાણી. એમણે પ્રભુનો સાક્ષાત્કાર કરેલો.

પાલીતાણામાં કલાપૂર્ણસૂરિ દાદાનું ચાતુર્માસ. એ વખતે પૂજ્યપાદ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમારું પણ ચાતુર્માસ ત્યાં જ હતું. એક વાર દાદા, કલાપૂર્ણસૂરિ દાદા પ્રવચન આપી રહ્યા છે. એક ભક્તે પૂછ્યું કે ગુરુદેવ! આપે તો પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, પ્રભુ ક્યાં છે? પ્રભુ ક્યાં છે? અમને બતાવો ને? આપ એકલા સાક્ષાત્કાર કરીને બેસી ગયા છો. એ વખતે દાદાએ, પોતાનો હાથ હવામાં ઝુલાવ્યો, કોમળ આંગળીઓને નચાવી અને કહ્યું પ્રભુ આ રહ્યા… મેં પાછળથી થોડાક ભક્તોને પૂછેલું કે દાદાએ જ્યારે હાથને ફેલાવ્યો, હથેળીને ઝુલાવી અને કહ્યું, પ્રભુ અહીંયા જ છે! ત્યારે તમે કયા જોયેલું? જો માત્ર તમે દાદા ના હાથ તરફ એ વખતે જોયેલું હોય, તો તમે ચૂકી ગયેલા છો. એ વખતે દાદા કહે ત્યારે દાદાની આંખમાં જોવાનું. દાદાની આંખમાં પ્રભુ દેખાય. પ્રભુની આંખોમાં જે નિર્વિકાર દશા હતી જે બધા પ્રત્યેનો પ્રેમ હતો. એનું એક live edition  દાદાની આંખોમાં દેખાય.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે, અભિનંદન પ્રભુના સ્તવનમાં છેલ્લે બહુ સરસ પ્રાર્થના કરી, ‘તેરે નયન કી મેરે નયન મેં, જસ કહે દીયો છબી અવતાર’ પ્રભુ મારે બીજું કાંઈ જ માંગવું નથી. એક જ વાત માંગું, તારી આંખોમાં જે છે, એ મારી આંખોમાં આવી જાય! તારી આંખોમાં જે નિર્વિકાર દશા છે, તારી આંખોમાં જે કરૂણા છે, તારી આંખોમાં જે પ્રેમ છે. એ મારી આંખોમાં આવી જાય, બસ, આટલું જ મારે જોઈએ છે. રોજ પ્રભુની પાસે જાઓ છો ને…! શેના માટે જાઓ છો? સવારે છે ને.. દર્શન કરવા જાઓ ને… ત્યારે પ્રભુ પાસે થી એક ગુણ માંગવાનો. અને પ્રભુ પાસે માંગો એટલે મળે એવું હું નથી કહેતો. માંગો એટલે મળે જ! અને એ ગુણ મળી જાય એટલે સાંજે દર્શન કરવા જવાનું. ત્યારે thanks કહેવાનું. Suppose આજથી તમારે આ યાત્રા શરૂ કરવી છે. કે રોજ પ્રભુની પાસે જવું એક ગુણ માંગવો. ભલે નાનો માંગો. કે પ્રભુ આજના દિવસે મને ગુસ્સો ન આવવો જોઈએ. પ્રભુને તમે પ્રાર્થના કરો…

એક બહુ મજાની વાત કહું, કાલે રાત્રે મુનિવરોની સંગોષ્ઠીમાં એક સરસ વાત ચર્ચાઈ. મને પૂછવામાં આવ્યું – કે શાસનપ્રભાવના, શાસનરક્ષા, આ બધા માટે આપની ઈચ્છા શું ? ત્યારે મેં કહ્યું – એક તો ઈચ્છા છે નહિ મારી પાસે, અને શાસન પ્રતિબદ્ધ હું છું તો શાસન માટે કોઈ સારી ઈચ્છા કરી શકું. પણ મારી ઈચ્છાને હું પ્રાર્થના ના સ્વરૂપમાં જ મુકું છું. મારે આમ કરવું છે. અથવા આમ થઇ જાઓ. આ વાત…. પ્રભુ તને જો ઠીક લાગતું હોય તો આ કરી દેજે. આપણને ઠીક લાગતું હોય એ એને ઠીક ન પણ લાગતું હોય. એના પર છોડી દો. તમે લોકો બધું તમારા ઉપર રાખો છો . અને પછી પ્રભુને પ્રાર્થના કરવા જાઓ છો….

તો ઈચ્છા નહિ, સંકલ્પ  નહિ. પાર્થના… બીજી એક વાત કહું: તીર્થરક્ષાનો, શાસનરક્ષાનો આપણે કાઉસ્સગ કરતા હોઈએ છે. આપણા મનમાં એવી એક ભાવના હોય છે કે હું તીર્થની રક્ષા કરું, હું શાસનની રક્ષા કરું. ભાઈ! આપણે વેતિયા માણસો! પ્રભુનું શાસન ૧૮,૦૦૦ વર્ષ સુધી રહેવાનું છે. હું પણ નહિ હોઉં, તમે પણ નહી હોવ. શાસન ચાલવાનું જ છે. એટલે શાસન રક્ષાનો કાઉસ્સગ કરવાનો પણ એનો અર્થ અલગ કરવાનો. શાસન દ્વારા મારી રક્ષા હોજો. હું શાસનની રક્ષા કરું એમ નહિ. શાસન દ્વારા મારી રક્ષા થાય. અને આ વાત નવ્વાણું પ્રકારીપૂજામાં વીરવિજયજી મહારાજે મૂકી. ‘સંવત એક અઠલંત રે, જાવડશા નો ઉદ્ધાર, ઉદ્ધર્જો મુજ સાહિબા રે.’ આપણે કહીએ કે જાવડશા એ તીર્થોદ્ધાર કર્યો. શત્રુંજય તીર્થનો. જાવડશા શું માને છે.. જાવડશા કહે છે કે ,પ્રભુ તારી કૃપાથી આ એક નાનકડું પુષ્પ, ભક્તિનું, તારા ચરણોમાં મુકું છું. અને પ્રાર્થના એટલી જ છે. ઉદ્ધર્જો મુજ સાહિબા. હું તીર્થનો ઉદ્ધાર શું કરું તું મારો ઉદ્ધાર કરજે. એટલે ક્યારે પણ હું શાસનની રક્ષા કરી નાંખું, હું આમ કરી નાંખું. આખો જ ભાવ બદલી નાંખવો છે. શાસન દ્વારા મારી રક્ષા થાઓ. આ પ્રભુનું શાસન એ આપણને એક સુરક્ષા ચક્ર આપે છે. પહેલા સ્થૂલ સુરક્ષા ચક્ર કે જૈન કૂળમાં જન્મ્યા આ થાય, ને આ ન થાય. જેમ જેમ શ્રાવકત્વ ની દિશામાં અને છેલ્લે શ્રામણ્યની દિશામાં તમે આગળ વધો એમ એવું એક સુરક્ષા ચક્ર મળે કે એક ક્ષણ માટે તમે રાગ, દ્વેષ કે અહંકારમાં ન જઈ શકો!

રાજસ્થાન પાવાપૂરીમાં કે.પી. સંઘવી ટ્રસ્ટે, પહેલા તો પાંજરાપોળ બનાવી. પછી તીર્થ બનાવ્યું. એ પાંજરાપોળના ઉદ્ઘાટન માટે મારે જવાનું થયું. હું વિહાર કરીને રાજસ્થાનની બોર્ડરમાં પહોંચ્યો. થોડા થોડા અંતરે hoarding આવ્યા જ કરે. પાવાપૂરી જીવદયા ધામ… પાવાપૂરી જીવદયા ધામ.. સેકડો hoardings.. ત્યાં ગયા પાવાપૂરીમાં, ઉદ્ઘાટન ceremony માં, બાબુભાઈ, જે કે.પી. સંઘવી ટ્રસ્ટના, પ્રમુખ હતા, એ બેઠેલા હતા. મેં કહ્યું, કે જીવદયા શબ્દ પરંપરામાં છે. પણ એનો અર્થ તમે ખોટો કરો છો. હું જીવોની દયા કરુ. મેં કીધું આ અર્થ ખોટો છે. તમે શું જીવોની દયા કરવાના, જીવદયા શબ્દનો અર્થ એ છે કે જીવો દ્વારા મારી દયા થાય!

અને વાસ્તવમાં મેં જોયું છે જુના ડીસામાં પાંજરાપોળમાં જે લોકો કામ કરતા હતા, ૮૦ વર્ષની ઉંમર થઇ મોતિયો નહિ અને શરીર એકદમ પુષ્ટ. એમને પૂછીએ કે આટલું બધું સરસ શરીર. તો કે સાહેબ આ જીવોનો પ્રભાવ. પ્રાણીઓનો પ્રભાવ. એમની સેવા દ્વારા આ મળ્યું છે. તો મેં કહ્યું યા તો જીવ મૈત્રી શબ્દ રાખો. અને જીવદયા શબ્દ રાખો તો અર્થ ફેરવી નાંખો. જીવોની દયા નહિ. જીવો દ્વારા તમારી દયા… ૨ – ૪ દિવસ પછી મારે પાછું ગુજરાતમાં ફરવાનું થયું. મેં જોયું સેકડો hoardings ફરી ગયેલા… પાવાપૂરી જીવ મૈત્રી ધામ! આપણું કર્તૃત્વ જે છે ને એ બધે ઉછળે છે. હું આમ કરી નાંખું.. હું આમ કરી નાંખું…હું આમ કરી નાંખું… આ જે કર્તૃત્વ છે એની પાછળ અહંકાર છે. અને સાધનામાં મોટામાં મોટો અવરોધ હોય, તો એ અહંકારનો છે. એટલે અનુભૂતિ યુક્ત વાણી એનો સ્વાધ્યાય રોજ કરો તો અહંકારની માટી છે ને, ધીરે ધીરે એ ઓગળી, અને જતી રહેશે.

અનુભવ,હિંદુ પરંપરામાં ઈશ્વરની અનુભૂતિવાળા ઘણા સંતો થયા. રામકૃષ્ણ પરમહંસ એવા જ સંત હતા. એકવાર રામકૃષ્ણ પરમહંસ પાસે કેશવમિશ્ર આવે છે. એ યુગના ધુરંધર તાર્કિક અને ધુરંધર નાસ્તિક. લોકો તો વિચારમાં પડી ગયા, કેશવમિશ્ર, રામકૃષ્ણ પરમહંસ પાસે જાય! સેકડો લોકો ભેગા થઇ ગયા. કે એક પ્રખર આસ્તિક અને એક પ્રખર નાસ્તિક! કેશવમિશ્ર ગયા, પ્રણામ કર્યું, બેઠા. અને કેશવમિશ્ર એ કહ્યું ઈશ્વર છે જ નહિ. ઈશ્વર જેવું તત્વ, દુનિયામાં કોઈ છે જ નહિ. ઈશ્વર હોય તો દુનિયા આટલી બેડોળ કેમ હોય? એટલી બધી ધારદાર દલીલો.. અને રામકૃષ્ણ પરમહંસ ઉભા થઇ જાય, એને ભેટી પડે… વાહ..! ખૂબ અચ્છા બોલે તુમ! લોકો પણ વિચારમાં પડી ગયા. કેશવમિશ્ર તો આશ્ચર્યચકિત થઇ ગયો. કે હું કહું છું કે ઈશ્વર નથી, અને આ માણસ મને ભેટી પડે છે એને કહે છે કે વાહ ..! ખુબ સરસ બોલ્યો. હજારો લાખો લોકો રામકૃષ્ણ પરમહંસને પૂજે છે. તો બુદ્ધિમાન તો છે જ. આટલી ખબર ન પડે એવું થોડું બને! અપેક્ષા એ હતી. કે હું જ્યાં કહીશ કે ઈશ્વર નથી. ત્યાં રામકૃષ્ણ ગર્જી ઉઠશે. ઈશ્વર છે.. ઈશ્વર છે… પણ આતો એને બદલે… એક શબ્દ બોલવાનો નહિ… તું બહુ સરસ બોલ્યો કે છે બહુ મજા આવી ગઈ. કે છે બહુ મજા આવી ગઈ. ફરી દલીલ આગળ ચાલી. ફરી રામકૃષ્ણ ઉભા થયા. વાહ! બહુ સરસ બોલ્યો! ત્યારે કેશવમિશ્ર ને કહેવું પડ્યું કે તમને કંઈ ખ્યાલ આવે છે? હું ઈશ્વરનું ખંડન કરું છું. કે ઈશ્વર નથી! અને રામકૃષ્ણ જે બોલ્યા છે. કેશવમિશ્ર ના તર્કનો આખો મહેલ તૂટી પડ્યો! રામકૃષ્ણ પરમહંસે કહ્યું – તું ક્યાં બોલે છે? ‘એ’ બોલે છે! ‘એ’ મને એમ કહે છે કે હું નથી! ઈશ્વર એમ કહે છે હું નથી! તું ક્યાં બોલે છે! પણ હું ઈશ્વરને કહીશ કે તું કોઈના શરીરમાંથી બોલે કે સાક્ષાત્ આવીને કહે, કે હું નથી, તો યે હું ક્યાં માનવાનો છું. because I have experienced him. મેં એનો અનુભવ કર્યો છે.

તમે મુંબઈમાં વર્ષોથી રહો છો, દરિયાકિનારે કેટલી વાર જઈ આવ્યા તમે… તમે દેશમાં ગયેલા હોવ અને કોઈ માણસ, જેને મુંબઈ જોયું જ નથી. અને કહી દે મુંબઈ બહુ ગરમ, બહુ ગરમ, ત્યાં તો કોઈ નદી પણ નહિ, ઝરણાં પણ નહિ. દરિયાની તો વાત જ શું. કશું જ નથી ત્યાં, પાણીના સ્ત્રોતોમાં ખાલી ૨ – ૩ તળાવ છે. બાકી કાંઈ નહિ. દરિયો તો બહુ દૂર. તમે હસવા માંડો ને, કે અલ્યા મુંબઈમાં રહું છું, દરિયાકિનારે સેકડો વાર ગયો છું. અને તું કહે છે કે દરિયો નથી ત્યાં. એ લયમાં રામકૃષ્ણ પરમહંસે કહ્યું, I have experienced him. I have realized him. મેં એનો અનુભવ કર્યો છે. અને કેશવમિશ્રનો આખો તર્કનો મહેલ તૂટી પડ્યો.

વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ સંન્યાસ લીધો એ પહેલા નરેન્દ્ર ના નામે. નાની ઉંમરથી જ ઈશ્વરના સાક્ષાત્કાર ની બહુ ઈચ્છા. એટલે સંતોની પાસે જાય, અને પહેલો સવાલ પૂછે? Have you a realized the God? તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે? કોઈ ઉપદેશ લેવાની વાત નહિ. તમે બોલો, તમે સાક્ષાત્કાર કરેલો છે? અને એમ કરતાં નરેન્દ્ર, રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા… અને પરમહંસને પણ એ જ સવાલ પૂછ્યો. Have you a realized the God? રામકૃષ્ણ હસે છે , મેં કર્યો કે નહિ એની તારે શું પંચાત.. તારે કરવો છે? તું time pass કરવા આયો છે. ખાલી દિલ બહેલાવા આયો છે…. કે તારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે. એ વખતે નરેન્દ્રની આંખમાં આંસુ. ગુરુદેવ! ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો જ છે. એના માટે જ આ જીવન છે. મને કરાવી આપો. ખ્યાલ આવી ગયો કે આ મહાપુરુષ સાક્ષાત્કારવાળા છે. રામકૃષ્ણે કહ્યું બેસી જા. વિવેકાનંદ બેઠા, નરેન્દ્ર બેઠો. એના માથા ઉપર ગુરુએ હાથ મુક્યો. સાત દિવસ સુધી નરેન્દ્ર ,સમાધિમાં ઊંડો ઉતરી ગયો. પોતાની નિર્મલ આત્મ ચેતનાનો સાક્ષાત્કાર એને થઇ ગયો. પરમાત્માની નિર્મલ ચેતના જેવી છે એવી જ આપણી નિર્મલ ચેતના છે. એ સમાધિ દશામાં એને પોતાની નિર્મલ આત્મદશા નો સાક્ષાત્કાર થયો. અનુભવ થયો. આઠમાં દિવસે રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રને સમાધિમાંથી બહાર લાવે છે. એ વખતે નરેન્દ્રના શબ્દો એ હતા, કે ગુરુદેવ! આ જન્મમાં તો નહિ, આખા ભવચક્રમાં હોંશમાં રહ્યો હોઉં એવો સમય આ જ હતો! જે આપે આપેલો! હવે મને બેહોશીની દુનિયામાં કે પટકો છો..? કેવો અનુભવ થયો હશે….? You can also experience it… કરવો છે અનુભવ?

અમે લોકો આટલી વાતો કરીએ તોય તમને આમ લલચામણ થતી નથી. કોઈ કંઈ ખાતું હોય, અને આમ મોઢા ઉપર એટલો સરસ ભાવ હોય, તો બીજાને પણ થઇ જાય, કે આ કંઈક બહુ tasty વસ્તુ લાગે છે. એમ અમે જેનો અનુભવ કર્યો છે. એ અનુભવ મુખ પર તો કેટલો દેખાય? ૧૦૦૦ માં ભાગનો, લાખમાં ભાગનો.. એમ શીલાની ટોચ હોય બહાર, એટલો… એ આનંદ પણ તમને ઘણો બધો લાગતો હોય, તો તમને ઈચ્છા ન થાય, કે સાહેબ તમે જે અનુભવ કર્યો છે એ અનુભવ મારે કરવો છે. નિર્મલ આત્મદશાનો અનુભવ, પરમાત્માનો અનુભવ કહું કે સ્વનો અનુભવ કહું. બે એક જ વસ્તુ છે.

ભક્ત જે છે એ શબ્દો વાપરશે. પરમાત્માનો મને અનુભવ થયો. સાધક કહેશે મને સ્વનો અનુભવ થયો. વાત એક જ છે. કોઈ ફરક નથી. તો એ અનુભવ કરવો છે? આનંદઘનજી ભગવંત અનુભવ કરાવવા તૈયાર છે. કારણ કે એમના શબ્દોમાં અનુભવ છે. શબ્દોમાં pack કરીને એમણે અનુભવને મુક્યો છે. શબ્દ અને બીજા શબ્દની વચ્ચે જે ખાલી જગ્યા છે, જેને અશબ્દ કહેવાય, એમાં પણ અનુભવ મુક્યો છે.

હું ઘણીવાર સાધુ – સાધ્વીજીઓને કહેતો હોઉં કે હરિભદ્રસૂરિ મહારાજના ગ્રંથો, ૨ – ૪ – ૫ વાર વાંચી લો, પછી મારી પાસે આવો. આપણે ખોલીએ… પહેલી વખતે શું થાય તમે શબ્દોની ઉલઝન માં પડી જાઓ. ૪ – ૫ વાર તમે વાંચો એટલે સ્થિર પરિપાર્ટી થઇ ગઈ. તમને બિલકુલ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. હવે અમે લોકો શું કરીએ. Between the lines, between the words, જે છે, એને ખોલી આપીએ… એક પંક્તિ અને બીજી પંક્તિ વચ્ચે અશબ્દ છે. એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે અશબ્દ છે. કારણ, હરીભદ્રસૂરિ મહારાજ જે કહેવા માંગતા હતા એ શબ્દોમાં સમાય એવું નહોતું. એ અનુભવ, એટલો પ્રગાઢ હતો કે શબ્દોમાં એ ઉતરે એમ હતો નહિ. પણ એક શબ્દ ને બીજો શબ્દ એની  વચ્ચે અનુભવ મૂકી દીધો છે. તો જેણે એ શબ્દોમાંથી અશબ્દને ખોલેલ હોય, એવા કોઈ પણ સદ્ગુરુ પાસે જાઓ તો તમે પણ અશબ્દને ખોલી શકો.

તો ૩ ચરણો આપણે જોયા… કે અનુભવ આપણને ક્યારે થાય, પરમાત્માનો?

અલપ- ઝલપ દર્શન, તીવ્ર વિરહ વ્યથા, અને પરમ પ્રિય તરીકે પરમાત્માનો અનુભવ.

તો પહેલું ચરણ છે અલપ – ઝલપ અનુભવ. ક્યારેક કોઈક ક્ષણે મોહનીય કર્મ શિથિલ બનેલું હોય છે. અને પ્રભુની કૃપાનું અવતરણ થાય છે, અને  flash ઝબકી ઉઠે, એ રીતે અનુભવ થાય છે… પણ એ અનુભવ, બહુ જ ઓછા સમયમાં.. Camera ના flash જેવો જ.. ઝબકારો થયો, અને ગયો. પણ એ ઝબકારો, એનો અનુભવ એવો હોય છે, કે પછી વારંવાર… એને મેળવવાનું મન થયા કરે છે.

અરબસ્તાનમાં રાબિયા નામના એક સંત થયા. એ સંત બન્યા કઈ રીતે…? પહેલા તો એ એક શ્રીમંત ને ત્યાં કામ કરતા હતા. બધું જ ઘરનું કામ કરવાનું… પગાર બિલકુલ નહિ, ખાવાનું ૨ time મળે. એમાં ય સાંજે મહેમાન આવી ગયા તો રાત્રે ભૂખ્યા સૂઈ જવાનું. શેઠ બહુ જ ક્રૂર હૃદયનો માણસ. સહેજ પણ કચરો ક્યાંક રહી ગયો હોય, તો સાવરણી લઈને મંડી પડે! મારે એને… ક્યારેક હન્ટર લઈને મારે! એકવાર એવું બન્યું, રાબિયા ટેબલને સાફ કરે છે, ઝાપટીયા થી, એમાં એક કાચનું flower vase હતું. શેઠને બહુ જ ગમતું હતું. ઝાપટીયું જરા જોરથી વાગ્યું ત્યાં flower vase નીચે પડ્યું ને તૂટી ગયું. રાબિયા ગભરાઈ જાય છે કે આજે તો શેઠ મને મારી નાંખશે. સામાન્ય ભૂલ થાય અને જે માણસ હન્ટર લઈને તૂટી પડે છે. આટલી મોટી ભૂલ થઇ, આજે તો જાનથી મને ખતમ કરી નાંખશે. હવે ત્યાં કોઈ રાજ્યનો કાયદો નહિ, અંધાધુંધી ચાલતી હતી.

તો રાબિયા પ્રાણને બચાવવા માટે પાછળના બારણેથી જંગલ તરફ નાસી જતી રહી. જંગલમાં પણ કેડી ઉપર તો જવાય નહિ. કેડી ઉપર પગલાંની છાપ પડે અને પાછળથી શેઠના માણસો આવીને પકડી જાય તો? અડાબીડ જંગલમાં એ જાય છે. જ્યાં ધોળા દિવસે અંધારું છે. કાંટા અને કાંકરા. ડગલે ને પગલે વાગે. પણ ઉભું રહેવાય એમ નથી. કાંટાની ઝાડીઓમાં એની સાડી એવી રીતે ખેંચાઈ કે તાર – તાર થઇ ગઈ. થાક ભયંકર લાગ્યો છે, એક ડગલું ચાલવાની હિંમત નથી. પણ ભય એટલો છે કે શેઠના નોકરો આવી જશે તો…. અને એમાં આગળ વધે છે, અંધારું ભરપૂર… એક ઊંડો ખાડો, દેખાયો નહિ. રાબિયા ખાડામાં પડે છે. સારું થયું કે માટીનો જ ખાડો હતો, નીચે માટી પથરાયેલી હતી, એટલે એટલું બધું ન વાગ્યું પણ જોશથી પછડાટ થઇ, થોડી વાર તો તમ્મર આવી ગયા.

ભાનમાં આવ્યા પછી રાબિયાને લાગ્યું કે હાથ – પગ તૂટી ગયા હશે કદાચ… અને એ વખતે એને થાય છે કે મારું કોઈ સગું – સંબંધી નથી. મારી પાસે કોઈ અભ્યાસ નથી. હાથ અને પગને ચલાવીને પેટને હું ભરતી હતી. હવે જો હાથ – પગ તૂટી ગયા હશે તો મારા પેટને હું શી રીતે ભરીશ. પણ એ ખરેખર બડભાગીની હતી. એ ક્ષણોમાં એને પ્રભુની યાદ આવે છે. એ પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ – પ્રભુ મારું કોઈ ન રહ્યું, સગાં – સંબંધીઓ મારા નહોતા. એક શરીર મારું હતું, એ શરીર પણ આજે મારું ન રહ્યું. પ્રભુ મારું કોઈ ન રહ્યું. એ જ ક્ષણે એ ખાડામાં અનુભવ ની flash ચમકે છે. એ અનુભવને આપણે શબ્દોમાં ન વર્ણવી શકીએ… કોઈ એમ કહે કે તેજનો પુંજ દેખાયો. કોઈ બીજી રીતે વાત કરે. But it was the experience. અનુભૂતિ હતી. Realization. પછી તો બુમો મારી. ખાડામાંથી બહાર નીકળાયું. પણ એ જે સેકંડોનો અનુભવ હતો એ અનુભવ એટલો બધો અદ્ભુત હતો, કે રાબિયાને થયું, જીવન હવે આના માટે જ છે. આ કઈ રીતે મળે? અને બસ પ્રભુની કૃપા ઉતરી. વિરહ વ્યથામાં ગયા. અને વિરહવ્યથામાંથી એ પ્રભુના મિલનમાં ગયા. બહુ જ મોટા સંત તરીકે એમની પ્રસિદ્ધિ થઇ. લોકો ઘણીવાર આવતાં, અને એમને પૂછતાં કે પ્રભુ શી રીતે મળે. ત્યારે એક સૂત્ર આપતા એ કે તમે કોઈના નહિ તો પ્રભુ તમારા.’અને પોતાનો અનુભવ કહેતાં હું કોઈની ન રહી, કોઈ મારું ન રહ્યું, પ્રભુ મારા રહ્યા. તમે કોઈના નહિ તો પ્રભુ તમારા.

આ જ વાત અમારા શ્રામણ્ય માં છે. પદાર્થો અમે વાપરશું પણ અમારી ચેતના પદાર્થોમાં નથી. અમે કોઈના થતાં નથી. તમારી જોડે અમે ઘાટકોપર પહોંચીએ ત્યાં સુધી બેસીશું. પણ અમે કોઈના થવાના નથી. તમે અમારા થાઓ તો વાંધો નથી. અમે તો પ્રભુના જ રહેવાના છીએ. કોઈના થવાના નથી. તો અમે કોઈના નહિ, પ્રભુ અમારા… સૂત્ર યાદ રહી ગયું…?

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *