Anandghanji Ne Sathvare – Vachana 20

574 Views 29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : ધ્યાન એટલે અનુભૂતિ

ધ્યાનનો બીજો કોઈ જ અર્થ નથી; ધ્યાન એટલે અનુભૂતિ. અને એ પણ તમારી પોતાની. અત્યારે પરનો રસ તમારા મનને પરમાં ડુબાડે છે અને પરમાં ડુબ્યા એટલે પરનો જ અનુભવ થાય છે.

પહેલા આત્મતત્ત્વ વિશે સાંભળો. પછી આત્મતત્ત્વ ઉપર અનુપ્રેક્ષા કરો. અને પછી આત્મતત્ત્વની અનુભૂતિ કરો. જેને પ્રભુ પસંદ કરે છે, એ જ આત્મતત્ત્વની આવી અનુભૂતિ કરી શકે છે. And you are selected one! You are beloved one! તમે પ્રભુના પ્રીતિપાત્ર છો.

સદ્ગુરુના તમારી તરફ ખુલતાં બે જ કાર્યો છે : જો તમને પરમાત્માની પ્યાસ નથી જાગી, તો પ્યાસ જગાવી દેવી. અને જો પ્યાસ જાગેલી છે, તો પરમાત્મા સાથે મિલન કરાવી દેવું!

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૦

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો

          આનંદઘનજી ભગવંતની આ અનુભૂતિને આપણે મેળવવી છે. શબ્દોની ભીતર અનુભૂતિને મુકવાની કોશિશ થઇ છે. આપણે શબ્દોને પેલે પાર જઈને અનુભૂતિને touch કરવી છે. કામ અઘરું છે પણ અશક્ય નથી. કામ કેટલું અઘરું છે… એની વાત પરમ તારક શાંતિનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કરી – “જિન હી પાયા, તિન હી છિપાયા, ન કહે કૌ કે કાન મેં”. જેણે મેળવ્યું એણે છુપાવી દીધું. “જિન હી પાયા, તિન હી છિપાયા, ન કહે કૌ કે કાન મેં”. અનુભૂતિ એવી ઘટના છે, જેને શબ્દોમાં મુકવી અશક્ય બની જાય. તો પછી અનુભૂતિ સુધી જવાનો માર્ગ કયો? તો ઉત્તરાર્ધ કહ્યું “તારી લાગી જબ અનુભવકી, તબ સમજે સૌ સાન મેં”. તારી રકાબી નો ‘ર’ છે. ‘ધ્યાનની તારી રે લાગી નેહશું’ ‘તારી’ સૂફી પરંપરાનો, ધ્યાનની માત્રાનો શબ્દ છે. તારી, પછી સતોરી આ બધી ધ્યાનની ભૂમિકાઓ છે. તો કહે છે – “તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સૌ સાન મેં”. જે ક્ષણે તમને અનુભવ થશે, એ ક્ષણે જ તમને ખ્યાલ આવશે. બાકી શબ્દોમાં એ વાતને પ્રસ્તુત કરી શકાતી નથી. “તારી લાગી જબ અનુભવ કી,” અનુભૂતિની ક્ષણોમાં આપણે જઈએ ત્યારે જ ખ્યાલ આવે કે શબ્દોનો પણ શું અર્થ છે. અમે લોકોએ શાસ્ત્રો એકવાર નહિ, બે વાર નહિ, ઘણીવાર વાંચ્યા. મેં પહેલીવાર શાસ્ત્રો વાંચ્યા ત્યારે હું rationalist હતો. પ્રખર બુદ્ધિવાદી. તો બુદ્ધિને પલ્લે તો એ શબ્દો પડવાના જ નહોતા. પછી મને અનુભવ થયો, એ અનુભૂતિ પછી મેં ગ્રંથોને જોયા. અનુભૂતિ પછી જ્યારે ગ્રંથોને જોયા ત્યારે હસવાનું થયું, કે હું કયો અર્થ સમજતો હતો અને ખરેખર અર્થ કયો છે. તો અનુભૂતિ આપણે કરવી છે. કઈ રીતે કરવી? એક અનુભૂતિ કરવાની રીત શ્રીપાલ રાસમાં છેડે ઉપાધ્યાયજી ભગવંતે પોતે આપી. આજ શબ્દોને થોડા ફેરફાર સાથે એમણે મુક્યા. “જિન હી પાયા, તિન હી છિપાયા, એહી એક જ ચિટ્ઠો”. જેણે મેળવ્યું એણે છુપાવ્યું એ તો ખાલી વાર્તા છે. “અનુભવ મેરૂ છીપે કિમ મોટો” તમે તણખલા ને છુપાવી શકો, મેરૂ ને કેમ છુપાવી શકો, ક્યાં છુપાવો… અનુભવનો મેરૂ એને છુપાવી ન શકાય.

એટલે આપણને એક માર્ગ આપ્યો. કે અનુભૂતિવાન સદ્ગુરુના ચરણોમાં બેસો, એમના મુખને જોયા કરો, એમના મુખ પરનો આનંદ અનુભૂતિના સમાચાર તમને આપશે. સદ્ગુરુ શબ્દો દ્વારા અનુભૂતિને હસ્તાંતરિત કરી શકતા નથી. તમને અનુભૂતિ આપવી છે. મહાપુરુષો પરમ કરૂણાવાન છે. પોતાને જે અનુભૂતિ થઇ છે એ અનુભૂતિ એમણે તમને આપવી છે. પણ શબ્દો દ્વારા એ આપી શકાતી નથી.

મારે શું કરવાનું બોલો…મેં ગઈ કાલે કહેલું કે આત્મતત્વની અનુભૂતિ તમારે કરવી છે, મારે કરાવવી છે પણ હું કઈ રીતે કરાવું… માત્ર શબ્દો દ્વારા એ શક્ય નથી. સદ્ગુરુના Aura circle માં તમે બેસો, તો પણ તમને એ અનુભૂતિની સહેજ ભનક મળે. સદ્ગુરુની આંખોને જોતા આવડે, તો પણ તમને અનુભૂતિની સુગંધ મળે.

ગઈ કાલે આપણે જોતા હતા… શ્વેતકેતુ ને એના પિતાએ કહ્યું કે જે એકને જાણીએ તો જ બધું જાણેલું કહેવાય, એ એકને તે જાણ્યો છે? તો કહે ના, આવી વાત તો કંઈ ગુરુએ કરી નથી. પિતા કહે છે તું પાછો જા. ગુરુને કહે કે આ મને શીખવાડો. પિતાની આજ્ઞા… તરત જ ગુરુદેવ પાસે ગયો. ગુરુદેવ! મારા પિતાએ કહ્યું છે – કે જે એકને જાણીએ તો બધું જ જણાઇ જાય, એ એકને મારે જાણવાનો છે. ગુરુ સમજી ગયા કે આત્માનુભૂતિની વાત છે. એ ગુરુ આત્માનુભૂતિ શ્વેતકેતુને કરાવે છે. કઈ રીતે? બહુ જ મજાની ઘટના છે.

ધ્યાન એટલે અનુભૂતિ. ધ્યાનનો બીજો કોઈ જ અર્થ નથી. ધ્યાન એટલે અનુભૂતિ. અને એ પણ તમારી પોતાની… દુનિયાનો અનુભવ તો તમને ઘણો છે, મારા કરતાય વધારે છે. ધ્યાન એટલે પોતાની અનુભૂતિ. તમે તમારામાં રહો એનું નામ ધ્યાન. તમે પરમાં રહો, રાગ -દ્વેષમાં એ સંસાર. તમે અત્યારે પરમાં છો. મન કહે છે આ સારું – આ ખરાબ, આ આવું – આ તેવું. પરચેતનાએ તમારા મનનો કબજો લઇ લીધો છે. હવે એ જ મનને આપણે ફેરવી દેવું છે. તો ધ્યાન એટલે પોતાનો અનુભવ. હવે અત્યારે પરનો અનુભવ ચાલી રહ્યો છે… પરનો અનુભવ કેમ ચાલે છે? પગેરું પકડો. પરમાં મન જાય છે માટે. પરમાં મન કેમ જાય છે? પરમાં રસ છે માટે. Flat બહુ સારો છે, એ flat પ્રત્યેનો રસ, તમારા મનને flat ની અંદર પૂરી દેશે. ખાતા હશો, પીતા હશો, ઓફિસે કામ કરતા હશો. નવો flat બહુ સરસ આવી ગયો. એકદમ premium location માં, અને 4 BHK નો અને એકદમ નવો, બહુ સરસ. રૂમ પણ મોટી – મોટી… હોલ તો બહુ મોટો.. પરનો રસ તમારા મનને પરમાં ડુબાડી દેશે. અને પરમાં ડૂબ્યા એટલે પરનો જ અનુભવ થાય. અમે સ્વમાં ડૂબ્યા છીએ તો સ્વનો અનુભવ કરીએ છીએ. તમે પરમાં ડૂબ્યા છો તો પરનો અનુભવ કરો છો.

પણ એક વાત તમને કહું. જે ક્ષણે સ્વનો અનુભવ deeply તમને થશે એ જ ક્ષણે પર છૂટી જવાનું. પર છે, પરનો રસ છે, ત્યાં સુધી સ્વનો આનંદ નથી મળવાનો. હું ઘણીવાર કહું છું ખીટી નથી, હેંગર નથી, તો માણસ ખુરશી ઉપર કોટ મુકશે. ક્યાંક તો મુકશે. તમારું મન સ્વમાં નથી જઈ શક્યું તો પરમાં… ક્યાંક તો ટેકો જોઈએ. હવે તમે જો નક્કી કરો, કે મારે સ્વાનુભૂતિ, મારે આત્માનુભૂતિ કરવી છે, It is so easy. બહુ સરળ છે. પરનો જે અનુભવ છે એને આમાં લગાડી દઈશું. ખરેખરી ઈચ્છા કેટલાને?

અને ઈચ્છા પણ ક્યારે થાય તમને કહું… પરમાં ને પરમાં તમે છો અનંત જન્મોથી, પછી સ્વનો option મનમાં આવે જ ક્યાંથી? સ્વના આનંદને મેળવવાની ઈચ્છા પણ ત્યારે થાય જ્યારે અલપ – ઝલપ પણ સ્વનો આનંદ મળ્યો હોય ત્યારે. કોઈ દેરાસરમાં ગયા, ભોંયરૂ હતું, મોટા પરમાત્મા હતા, તમે એમની ભક્તિધારામાં વહ્યા, શરૂઆતમાં આંખોમાંથી આંસુ વહ્યા, અને એ પછી પરમાત્માની વીતરાગદશા દેખાઈ…પરમાત્માના મુખ ઉપર આટલી શાંતિ કેમ… એ શાંતિનું કારણ શું… વીતરાગદશા. હું અશાંત કેમ છું? મારે આ જોઈએ છે, પેલું જોઈએ છે. પેલું પણ પાછું આવું જ જોઈએ છે. આ મારા મનની choices ને કારણે હું દુઃખી છું. Choices ને કારણે તમે પીડિત છો. તમે choiceless બનો તો આનંદમાં આવી જાઓ. આ લોકોને બધાને હું કહેતો હોઉં છું, કે દીક્ષા લીધી ત્યારે total choiceless થઈને આવવાનું હતું. કદાચ કોઈ ઈચ્છા રહી ગઈ હોય તો પણ કાઢી નાંખજો. શુભની ઈચ્છાનું વાંધો નથી. પણ રાગ – દ્વેષ તરફ તમને લઇ જનારી કોઈ પણ ઈચ્છા તમારી પાસે ન જોઈએ. સાધુ સુખી કેમ? અમે લોકો સુખી કેમ? અમારી પણ ઈચ્છા થાય કે અમારે તીર્થ બનાવવું છે, અમારે આ કરવું છે. તો અમે પણ પીડિત થઇ જઈએ, ઈચ્છાને કારણે… પણ total choiceless અમે હોઈએ. મારો તો સિદ્ધાંત છે I have not to do anything absolutely. મૌન સાધના શિબિરો શરૂ કરવાનું નક્કી થયું. પહેલી જ મીટીંગ આયોજકો સાથેની.. ત્યારે મેં સ્પષ્ટ કહ્યું કે બધો જ management નો ભાર તમારે ઉચકવાનો હોય, તો જ આ પ્રવૃત્તિ શરૂ કરજો. હું માત્ર સુધર્મા પીઠ ઉપર બેસી પ્રવચન આપીશ. સર્વમંગલ કરી અને મારા આસન ઉપર જતો રહીશ. આ શિબિર જોડે આ સિવાય મારે કોઈ જ સંબંધ નહિ હોય. અને આ રીતે તમારે શિબિરો કરવી હોય તો કરો. બાકી હું management level માં ક્યાંય પણ આવી શકું નહિ.

તમને ખ્યાલ છે, સદ્ગુરુના તમારી તરફ ખુલતાં બે કાર્યો છે. સદ્ગુરુનું પોતાના તરફ ખુલતું કાર્ય તો એક જ છે. જેની વાત પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં કરી. “સારણાદિક ગચ્છમાંહી કરતા, પણ રમતા નિજ ઘર હો”. કોઈ શિષ્યને કહ્યું તારે આ નથી કરવાનું, ના પાડી છતાં કોઈએ કર્યું, તો એને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો. પણ આ બધું કરવા છતાં એ પોતે સ્વના આનંદમાં મશગુલ છે. “સારણાદિક ગચ્છમાંહી  કરતા, પણ રમતા નિજ ઘર હો” તો સદ્ગુરુનું પોતાના તરફનું કાર્ય આ છે. કે પોતે ભીતર ડૂબેલા જ હોય.

તમારા તરફ ખુલતાં સદ્ગુરુના ૨ કાર્યો છે. તમને પરમાત્માની પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દઈએ. અને પ્યાસ જાગેલી છે તો પરમાત્મા સાથે મિલન કરાવી દઈએ. ૨ જ કામ અમારા… ઉપધાન તમારે કરાવવાના હોય તો ભાઈઓને ક્યાં રાખવા બહેનોને ક્યાં રાખવી… management વાળા ને પૂછી લો. નીવિ નું menu શું હોય management વાળાને પૂછી લો. અમારી પાસે તો માત્ર એ આરાધકો આવશે, અમે એમને ક્રિયા કરાવશું, અમે એમને વાચના આપીશું.

તો સદ્ગુરુના તમારી તરફ ખુલતા ૨ જ કાર્યો. પ્યાસ નથી જાગી તો પ્યાસ જગવી દઈએ. અને પ્યાસ જાગેલી છે તો પ્રભુ આપી દઈએ. મારે ઘાટકોપરમાં ક્યાંથી શરૂઆત કરવાની છે એ તો કહો? બધા પ્યાસવાળા હોય તો આપણે પ્રાપ્તિની વાત કરીએ. અને પ્યાસ બાકી હોય તો પ્યાસની વાત કરીએ. ખરેખર સદ્ગુરુના ચહેરાને જોતા આવડે, તો સદ્ગુરુ દ્વારા તમને પ્યાસ પણ મળી જાય, પ્રભુની પ્રાપ્તિ પણ થઇ જાય. સદ્ગુરના ચહેરા પરનો આનંદ જોવો. એ આનંદ જોતા લાગે, કે પરમાત્મા એમને મળ્યા છે. અને આટલો બધો આનંદ સદ્ગુરુ પાસે છે તો મારે પણ આવો આનંદ જોઈએ. તમારે શું જોઈએ ભાઈ… શું જોઈએ… આનંદ જોઈએ ને… સુખ તો જોઈએ ને…

એક રાજા હતો. ૫૦૦ વર્ષ પહેલાની ઘટના છે. હવે સારું એવું રાજ્ય હતું. પાણી માંગતા દૂધ મળતું હતું. રહેવા માટે મોટો રાજમહેલ હતો. પણ એ પીડિત હતો… કેમ? એની બાજુનું રાજ્ય એના કરતા મોટું હતું. તમે દુઃખી કેમ હોવ… તમારા flat નો એકે bedroom રૂમ ઓછો નથી થવાનો. પણ કોઈનો ૫ BHK નો luxurious apartment જોઇને આયા પછી શું થાય, પણ તારો એકેય bedroom ઓછો નથી થયો. તું શું કરવા દુઃખી થાય છે. તો રાજા દુઃખી હતો એમાં એક સદ્ગુરુ આવ્યા. સદ્ગુરુને રાજાએ પૂછ્યું, કે હું દુઃખી છું શું કરું? સંત સમજ્યા કે સીધી રીતે આ માણસ તો માને એમ નથી કંઈ.. હું એને કહી દઉં કે ત્યાગી થઇ જા… તો સુખ મળે તો મારી વાત કંઈ માનવાનો નથી. એટલે ગુરુએ કહ્યું કે તારા રાજ્યમાં સુખીમાં સુખી માણસ હોય એનું ખમીસ – શર્ટ લાવવાનું, ભલે રાત્રે પણ એકવાર એને પહેરવાનું… એ સુખી માણસનું પહેરણ તું પહેરીશ એટલે તારા બધા દુઃખ ગાયબ થઇ જશે. રાજાએ તો સેનાપતિને હુકમ કર્યો, ૩ – ૪ ટુકડીઓ બનાવો, રાજ્યમાં ઘૂમી વળો. સુખીમાં સુખી માણસ હોય એનું શર્ટ લઈને આવો. પેલા માણસો દોડે છે…કોઈને બી પૂછે… કેમ… તમે સુખી છો ને? શું કામ હતું? તમે જો ખરેખર સુખી હોવ તો તમારું શર્ટ એક દિવસ માટે જોઈએ છે સમ્રાટ માટે… પેલો કહે કે જો – આ વાત હોય ને તો સાચું કહી દઉં… હું સુખી નથી. કેમ પણ? મોટી હવેલી છે, મોટી દુકાન છે. હા, એ બધું ખરૂ… પણ મને ડાયાબીટીસ છે. ડાયાબીટીસ બહુ જુનું દર્દ છે. પહેલા એને મધુપ્રમેય કહેતા. તો મારે ત્યાં દર ટંકે ૫ થી ૧૦ મહેમાનો હોય છે આડતિયાઓ હોય.. ત્રણે ટાઇમ મીઠાઈ, કઢેલા દૂધ, બાસુંદી.. આ બધું આવે… હું જમાડનાર હોઉં એટલે હું પણ જોડે બેઠેલો હોઉં. પણ લુક્ખી રોટલી અને કારેલાંનું શાક સિવાય કશું હું ખાઈ શકું નહિ. મને એ વખતે થાય કે હું કઠિયારો બન્યો હોત તો સારું હતું. જંગલમાં જઈને લાકડા કાપી આવત. મારી પત્ની રોટલો અને શાક કરી આપત. અને આરામથી અમે જીવન ગુજારતા હોત. આ તો રોજ બાસુંદીને – દૂધપાક ને મીઠાઈ ને જોવાની અને એક પણ ટુકડો લઇ ન શકાય… મારા શ્રીમતીજી જોડે જ બેસે. બરોબર નજર રાખે મારા ઉપર. આમ બહુ tasty વાનગી આવેલી હોય અને ખાલી ચમચી માં લીધી હોય, ચમચી જેટલી તરત જ શ્રીમતીજી નું પુણ્ય પ્રકોપ ઉછળી પડે. માંદા થવું છે, મરી જવું છે? મૂકી દો. એટલે પેલો કહે હું સુખી નથી. બીજાની પાસે ગયા, ત્રીજાની પાસે ગયા… એમ કરતાં કરતાં એક ખેતરમાં એક માણસ મળ્યો. ખેતી કરતો હતો. બાજુમાં ઝુંપડી, એકલો રહેતો. લગ્ન કર્યા નહોતા, આરામથી ભગવાનનું ભજન કરતો. એને પૂછ્યું કે તમે સુખી છો? પેલો કહે કે “હા હું એકદમ સુખી છું.” પહેરેલું શું ખબર છે? માત્ર નાનકડી ધોતી જેવું, કેડે વીંટાળેલું, બદન ખુલ્લું. અને તડકામાં કામ કરે. “હું સુખી છું” કહે છે “મારા જેવો સુખી તો સમ્રાટ પણ ન હોય”. પેલા લોકોને થયું કે આપણી શોધ પૂરી થઇ ગઈ. સુખી માણસ મળી ગયો. હવે એનું શર્ટ લઈને જઈએ એટલે રાજાનું કામ પૂરું થઇ જાય. તો કે “એક કામ કરો. તમારું ખમીસ આપો એક દિવસ માટે. સમ્રાટને પોતાને તમારા ખામીસનું કામ છે. બીજા દિવસે અમે લોકો પાછુ આપવા આવશું, પણ એક રાત માટે તમારું ખમીસ જોઈએ છે.” પેલો કહે “પણ હું ખમીસ પહેરતો જ નથી. મારે ખમીસ જ નથી” કહે છે. “હું અહીં ખેતરમાં રહું છું. ગામના એક માણસને કીધેલું છે. સીધું સામાન બધું મારા માટે આપી જાય. ખેતરમાં રહું છું. આ ઝુંપડી છે મારી. ભગવાનની ભક્તિ કરું છું. અને એક ટાઈમ રોટલો સેકી ને ખાઈ લઉં. મારે શર્ટ જરૂર શું?” કહે છે. એટલે સુખી માણસ તો મળ્યો પણ એ સુખી માણસ કેવો હતો જેની પાસે એકેય શર્ટ નહોતું. સમજ્યા તમે કંઈ બરોબર? Wardrobe ભરીને કપડા જેને હોય એ સુખી કે દુઃખી? બહેનોને તો બહુ મુશ્કેલી થાય હો…? કયાંય reception જવાનું હોય શું પહેરૂં…શું પહેરું?

એક પતિ – પત્નીને reception માં જવાનું હતું. પતિ તૈયાર થઇ ગયો. એને શું વાર લાગે, પેન્ટ ને શર્ટ ચડાવી લીધા. પત્ની એના રૂમમાં. પતિ બુમ મારે ટાઈમ થઇ ગયો છે. ચાલ હવે…તો કહે ૫ મીનીટમાં આવું…૫ મીનીટમાં આવું… ફરી ૫ ની ૧૦ મિનિટ થઇ, ધીરેથી પૂછ્યું, હવે કેટલી વાર – ૫ મિનિટમાં આવું કહે છે. દોઢ કલાક થયો…૫ મિનિટમાં. પતિ ગરમ થયો. પણ તું ક્યારે બહાર આવે છે એ કહે ને… આપણે જવાનું છે. તો પેલી કહે કે હું પણ તમને કહ્યા કરું છું કે ૫ મિનિટમાં આવું છું. દોઢ કલાકથી કહું છું કે ૫ મિનિટમાં આવું છું. કપડાની પસંદગી થઇ જાય. પછી બહાર નીકળે ને? કયા કપડા પહેરવા….

હું માટુંગામાં હતો ને, માટુંગામાં ઉપર રહેવાનું નીચે પ્રવચન હોલ હતો. તો સવારે…આજ વહેલા સવારે પ્રવચન હોય. હું બેઠેલો હોઉં મારી પાટ પર… અને અમારા ભક્ત વિજયભાઈ આવી જાય. અહીંયા અમારા વિરેનભાઈ આવી જાય છે હાથ પકડવા. ગુરુનો હાથ પકડાઈ ગયો હવે છૂટે નહિ… ન છૂટે ને? તો વિજયભાઈ આવીને કહે સાહેબ! ચલો ચલો ચલો.. હોલ ભરાઈ ગયો નીચે.. જલ્દી ચાલો… ત્યારે હું હસતા હસતા કહું કે મને કેટલી વાર લાગવાની હતી… આ કપડો આમ પહેર્યો ને નીચે ઉતર્યો. આ એક જ આમ લપેટવાનું છે. સુખી કોણ? તમે કે અમે? સાચું કહેજો હો… સુખી કોણ?

પરંપરાથી સંસ્કારિત મન કહેવાનું કે સાધુ ભગવંતો સુખી છે. પણ ખરેખર તમારું મન શું કહે? જેની પાસે પૈસા વધારે એ વધારે સુખી. શું બોલો તમે… એક મન આમ કહે, એક મન આમ, વચ્ચે તમે પીસાઓ… ખરેખર વિચારો, મારે તમને વિચારતાં જ કરવા છે. તમે વિચારતાં થશો તો જ અનુભૂતિનો માર્ગ ખુલ્લો થશે. એટલે આપણે ત્યાં શ્રવણ પછી અનુપ્રેક્ષા, અને પછી અનુભૂતિ આ ક્રમ છે.

ઉપનિષદ પરંપરામાં યાજ્ઞવલ્ક્ય ઋષિની વાત આવે છે. એમને બે પત્નીઓ હતી. એકવાર સંન્યાસી થવાનો વિચાર કર્યો. તો બેઉ પત્નીઓને પોતાની પાસે જે હતું એનો અડધો – અડધો ભાગ વહેંચી દેવો અને પોતે સંન્યાસી થઇ જવું આવું વિચાર્યું. સંતાન હતું નહિ. બે માં એક પત્નીનું નામ હતું મૈત્રેયી, તો બંને પત્નીઓને બોલાવીને કહ્યું કે મારે સંન્યાસ લેવો છે. તમને બંને ને અડધું – અડધું વહેંચી આપું. એ વખતે મૈત્રેયી એ જે શબ્દો કહ્યા છે – પૂરા ઉપનિષદ સંસારમાં આજે એ ગુંજી રહ્યા છે. મૈત્રેયી કહે છે – ‘યેનાહં નામૃતા સ્યામ્, કિમહં તેન કુર્યામ્’ બહુ મજાના શબ્દો છે ગુજરાતી કરીશ એટલે ચાર્મ તૂટી જશે. મૂળમાં શબ્દો બહુ મજાના છે. ‘યેનાહં નામૃતા સ્યામ્, કિમહં તેન કુર્યામ’ શું આ ધનથી, તમે આપો છો એ ધનથી હું અમૃત તત્વને મેળવી શકીશ…? જેનાથી અમૃતતત્વ ન મળે, એ ચીજનું મારે કોઈ પ્રયોજન નથી. એ મૈત્રેયી પણ ઋષિની પાછળ – પાછળ સંન્યાસીની બની ગઈ. અને એણે પછી એક સૂત્ર આપ્યું છે. મૈત્રેયી ઉપનીષદમાં “આત્મા વા અરે શ્રોતવ્ય: મંતવ્ય: નિદિધ્યાસીતવ્ય: ઇતિ.” આ સૂત્ર આપ્યું. “આત્મા વા અરે શ્રોતવ્ય: મંતવ્ય: નિદિધ્યાસીતવ્ય: ઇતિ.” આત્મા જે છે પહેલા એના વિશે સાંભળો. પછી આત્મતત્વ ઉપર અનુપ્રેક્ષા કરો. અને છેલ્લે‘આત્મતત્વની અનુભૂતિ કરો. પણ એમાં ઈશાવાસ્ય અને કઠ ઉપનિષદ બહુ સરસ રીતે ચાલ્યા છે. કઠ ઉપનિષદ કહે છે –  નાય મહાત્મા પ્રવચનેન લભ્ય: ન મેધયા ન બહુના શ્રુતેન’,નાય મહાત્મા પ્રવચનેન લભ્ય: ન મેધયા ન બહુના શ્રુતેન’. પ્રવચન સાંભળવાથી, તમારી બુદ્ધિ થી કે બહુ જ વાંચવાથી આત્મતત્વ તમને મળતું નથી. તો બહુ મજાની વાત ત્યાં લખી છે. કે આત્મતત્વની અનુભૂતિ કોને થાય? બહુ પ્યારો જવાબ આપ્યો છે. ‘યમેવ એષ વૃણોતિ, તેન લભ્ય:’  ‘યમેવ એષ વૃણોતિ, તેન લભ્ય:’ જેને પ્રભુ પસંદ કરે છે. એ જ આત્મતત્વની અનુભૂતિ કરી શકે છે.  you are selected once…… you are selected once. બરોબર… અને આગળ કહું તો you are beloved once. પ્રભુના પ્રીતિ પાત્ર તમે છો. બોલો પ્રભુએ કેટલો પ્રેમ તમને કરેલો… સાચું બોલો…

અગણિત જન્મોથી પ્રેમ વરસાવ્યો, પણ છેલ્લા ૩ જન્મમાં તો અપાર પ્રેમની વર્ષા કરી. કોઈ પણ દુઃખી રહેવું ન જોઈએ. પ્રભુ દેવલોકમાં હતા, અને ઈચ્છા શું હતી? કોઈ દુઃખી રહેવું ન જોઇએ. તો સોનૈયા નો વરસાદ નહિ વરસાવ્યો… તમે હોવ તો શું કરો? પહેલા તમારા ઘર ઉપર પછી બીજે…. પણ વરસાવો તો ખરા… પ્રભુને ખ્યાલ છે કે સંપત્તિ થી કોઈ સુખી થવાનું નથી. શાસન મળે તો જ સુખ મળે. એટલે પ્રભુના મનમાં એક જ ભાવના છે કે ક્યારે મનુષ્ય જન્મમાં જાઉં, ક્યારે હું તીર્થંકર તરીકે શાસનની સ્થાપના કરું. અનેક લોકો એ શાસનની સ્પર્શના કરે, અને સુખી બને. શાસન જેને મળ્યું એ સુખી, શાસન ન મળ્યું એ દુઃખી. Actual તમે સુખી છો. તમે માની શકો કે પેલો માણસ સુખી છે. એનો flat એકદમ luxurious છે. એનું પુણ્ય સારું છે. ગયા જન્મમાં એને પુણ્ય કરેલું. અને પુણ્યની વાત આવે તો ઈર્ષ્યા આવવાની નથી.

હું એક સૂત્ર આપું છું, બીજાની સંપત્તિ કે બીજાની ગુણ સંપત્તિ જોઇને જેને સહેજ પણ ઈર્ષ્યા નથી થતી. એનો જ નિશ્ચયથી પ્રભુશાસનમાં પ્રવેશ થયેલો છે. તમે બધા તો શ્રામણ્ય માં આવી ગયા. બીજાની સંપત્તિ કે બીજાની ગુણ સંપત્તિ જોઇને જેને ઈર્ષ્યા ન થાય જેને અનુમોદનાનો ભાવ ઉઠે, પ્રમોદભાવ ઉઠે. એને પ્રભુ શાસન મળેલું કહેવાય. તો બોલો આ દ્રષ્ટિ તમારી પાસે હોય, તમે ક્યારે પણ દુઃખી હોવ ખરા?

ભાઈ પુણીયાજી સુખી કે દુઃખી..?  વાત તો સાંભળેલી છે ને? ભાઈ પુણીયાજી સુખી કે દુઃખી? ૨ જણા ખાઈ શકે એટલું જ કમાતા હતા. વધારે કમાઈ શકે પણ સામાયિકો વધારે કરવી હતી. એટલે એટલુ જ પુણી કાંતે કે બે જણા જમી શકે. પણ વિચાર એ થયો કે આપણે શ્રાવક છીએ, તો અતિથિને જે ન જમાડી શકે એ શ્રાવક કેમ કહેવાય? એક દિવસ એક જણો ઉપવાસ કરે, બીજા દિવસે બીજો ઉપવાસ કરે. પતિ – પત્ની બે માંથી એકને આજે ઉપવાસ, બીજાને કાલે ઉપવાસ. અને એકનું જે વધે એમાંથી કોઈ અતિથિને ભોજન કરાવે. અને એ જ પૂણીયાજી એટલા સુખી હતા કે મગધનો સમ્રાટ શ્રેણિક એટલો સુખી નહોતો. તમારે શું બનવું છે હવે બોલો? સુખી બનવું છે ને.. પ્રભુ શાસન મળું ગયું છે. એક વાત મને જવાબ આપશો… તમે કોના માટે કમાઓ…? તમારા માટે કે બીજા માટે…? પ્રશ્ન સમજાયો… તમે કોના માટે કમાઓ છો… ? તમારો flat સારો છે. એક નહિ પણ બે ગાડી છે. એક તમારે ઓફિસે જવા એક દીકરાઓને સ્કુલે મોકલવા, ઓફીસ ધમધમતી ચાલે છે. વ્યાજમાં પણ ખાઓ તો ખૂટે નહિ એટલું તમારી પાસે છે. હજુ વધારે કમાવું છે, હજુ વધારે કમાવું છે. આ વધારે કમાવાનો વિચાર કોના માટે? તમારા માટે તો પૂરું થઇ ગયું બધું.

એક flat છે, ગાડીઓ છે, છોકરાઓને સારામાં સારું શિક્ષણ તમે આપી શકો એવી તમારી પાસે સુવિધા છે. ધંધો સારામાં સારો ચાલી રહ્યો છે. હજુ વધારે ને વધારે ફેકટરીઓ કરવી, નવા નવા ધંધામાં જવું. આ બધુ તમે કરતા હોવ, તો તમે તમારી જાતને પૂછો કે why? શા માટે? હું મારા માટે કરું છું… કે સોસાયટી માટે કરું છું… સમાજમાં હું આગળ પડતો ગણાઉં. એક વાત કહું તમે કેટલા પરોપકારી માણસો બોલો… કેટલા પરોપકારી પણ… અંદર બનિયન પહેરો ને એ ખરબચડું હોય તો પણ ચાલે. ઉપર polyester નો ઝબ્ભો પહેરવાનો, શરીરને ચામડીને શું touch થાય, બનિયન એ જેવું તેવું હોય તો ચાલે. બીજાની આંખને ખૂંચવો ન જોઈએ. એટલે polyester નો રેશમી ઝબ્ભો. કેવા પરોપકારી તમે. એમ મારા માટે જોઈએ તે બધું આવી ગયું છે. હવે હું કમાઉં છું લોકો માટે… કેટલા પરોપકારી બોલો તમે…. આજ તમારા મનમાં એક વિચારનું બીજ મુકુ છું. હું ખાલી બોલીશ એથી કામ થવાનું નથી. તમારા મનમાં આ વિચારનું બીજ મુકું છું કે હવે હું શા માટે કમાઉ છું…? કમાવાની જરૂરિયાત જો ન હોય તો ધંધાને wind up કરીને બેસી જાઓ. આરાધનાના ક્ષેત્રે લાગી જાઓ. તો એક વિચારનું બીજ તમારી ભીતર આજે મુક્યું છે. શાસ્ત્રોએ એક વાત કરી… તમે મનમાં વિચારતાં હોવ કે પૈસા વધારે કમાઉ અને દેરાસર બનાઉં, પૈસા વધારે કમાઉ અને સંઘ કઢાવું… શાસ્ત્રોએ ના પાડી છે. દેરાસર બનાવવા પૈસા કમાવવાના નથી. સંઘ કાઢવા માટે પૈસા કમાવવાના નથી. પૈસા કમાવવાની એક ચળ ઉપડી છે. શું કહેવાય આ… ચળ ઉપદે ને કે ખણ્યા વગર રહેવાય નહિ. પૈસા કમાવાની ચળ ઉપડી હોય, અને પૈસા ભેગા થયા જ કરતા હોય… હવે શું કરવું…. સદ્ગુરુ પાસે આવો અને સદ્ગુરુ તમને માર્ગ બતાવશે. આજે શું થયું – તમારે પૈસા ખર્ચવા છે, અનુષ્ઠાનો કરવા છે. પણ તમારી રીતે અને તમારી ઈચ્છાથી કરવા છે. સાહેબ મારે ઉપધાન કરાવવા છે તમે નિશ્રા આપી દો. મારે સંઘ કઢાવવો છે તમે નિશ્રા આપી દો. ક્યારેય સદ્ગુરુ પાસે એ રીતે ગયા કે સાહેબ! આ ૫ કરોડ રૂપિયા છે. મારા મનમાં કોઈ જ નિર્ણય નથી. નામ વગર વાપરવા છે. આપ કહો એ ક્ષેત્રમાં વાપરી લઉં. આ દાન.

પંન્યાસ પ્રવર ગુરુદેવ ભદ્રંકરવિજયજી મ.સા પાસે અનુષ્ઠાન કરાવનારાઓની હોડ લાગતી. તો ગુરુદેવ એ વખતે કહેતાં કે તું ૫ કરોડ ઉપધાનમાં ખર્ચવાનો છે. તું સાડા ચાર કરોડ ખર્ચજે, ૫૦ લાખ સાધર્મિકો માં ખર્ચજે. તારા જે ગરીબ સાધર્મિકો છે એને ઊંચા લાવ તું… તમે પણ નક્કી કરો. કોઈ પણ અનુષ્ઠાન તમારે કરવું છે, ૧૦% જે ગુરુદેવની નિશ્રામાં તમે ઉપધાન કરાવો છો, કે અનુષ્ઠાન કરાવો છો, એ ગુરુદેવ કહે એ રીતે વાપરવાના. ભલે ૫ કરોડ આના માટે, પણ ૧૦% જે થયા એ ગુરુદેવ આપ કહો એવી રીતે વાપરવાના. તો શું થશે… તમારી ઈચ્છાઓ જે છે એના ઉપર ઘસરકો પહોંચશે. એ ૧૦% જે વાપરવા છે એ નામ વગર વાપરવા છે. કોઈ નામ મારું ક્યાંય હોય નહિ. આપણે આમ વિચારીએ કેવી મજાની આપણી પરંપરા. એક નાનકડી community આપણી. ભારતની વસ્તીમાં ૧% કે ૨% આપણે છીએ. કેટલા મોટા સ્થાપત્યો આપણી પાસે છે. કરોડોના નહિ, સેંકડો કરોડોનો એક સ્થાપત્ય હોય. એવા સ્થાપત્યો કેટલા? આ યુગની અંદર પણ પાવાપૂરી, ભેરૂતારક, ભીનમાલનું ૭૨ જિનાલય, અને છેલ્લે મણીલક્ષ્મી. એક – એક વ્યક્તિના આ સ્થાપત્યો. ૨૦૦ – ૨૦૦ કરોડ, ૫૦૦ – ૫૦૦ કરોડ એક તીર્થમાં વાપરનારા આજે છે. એટલે એ રીતે સુવર્ણ યુગ આવ્યો છે.

હું તો ઘણીવાર કહું છું કે પ્રાચીન ઇતિહાસને આ કાળમાં આપણે લોકો repeat કરી રહ્યા છીએ. વસ્તુપાળ અને તેજપાળે એક ભવ્ય જિનાલય બનાવ્યું. દેલવાડાનું જે વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામ્યું. વિમલમંત્રીએ દેરાસર બનાવ્યું આબુ ઉપર જે વિશ્વની અજાયબીઓમાં છે તો એવો જ કાળ આપણે repeat કર્યો. કે એક – એક વ્યક્તિ સેંકડો કરોડને ખર્ચે એક – એક તીર્થ બનાવે છે.

એટલે આપણી પાસે ઘણું બધું છે, માત્ર મારે તમને એટલું જ કહેવાનું છે કે તમે વધુ સારું શી રીતે કરી શકો? જે તીર્થો બનાવો છો, જે પણ કંઈ કરો છો, એમાં તમે વધુ સારી રીતે કઈ રીતે જઈ શકો એ તમારે જોવાનું હોય છે. ક્યારેક ક્યારેક એ બધી વાતો કરીશ.

તો આજે એક વિચાર બીજ તમારા મનમાં મુકયું કે પ્રભુ શાસન મળ્યું માટે હું સુખી છું. પ્રભુ શાસન મળ્યું માટે બીજા કોઈની સંપત્તિ ને જોઇને મને ઈર્ષ્યા નથી થતી. માટે હું સુખી છું. બીજાની સંપત્તિને જોઇને પણ મને આનંદ થાય છે. તો શ્રવણ, ચિંતન, અને અનુભૂતિ. તો શ્વેતકેતુ ગુરુ પાસે આવ્યા છે આત્મતત્વની અનુભૂતિ માટે. ગુરુ આત્મતત્વની અનુભૂતિ શ્વેતકેતુને કરાવે છે. કઈ રીતે એ આવતી કાલે… કેમ કે હજુ તમે તૈયાર થઈને આજે નથી આવ્યા ને બરોબર. એટલે આવતી કાલે…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *