Anandghanji Ne Sathvare – Vachana 24

1.1k Views 29 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : અનુભવ અભ્યાસી કરે

જેટલો અભ્યાસ વધશે, એટલો અનુભવ સુદ્રઢ બનશે. પહેલો અનુભવ ભેદજ્ઞાનનો અને એ પછીનો અનુભવ આત્માનુભૂતિ. જ્યાં સુધી પહેલો અનુભવ નહિ થાય, ત્યાં સુધી બીજો અનુભવ થવાનો નથી. શરીરથી, મનથી, નામથી, બધાથી હું પર છું – એ ભેદજ્ઞાનનો અનુભવ.

તમારા શરીરમાં પીડા થાય છે માટે તમને પીડાનો બોધ થાય છે – એ વાત નથી. પણ તમારો ઉપયોગ, તમારું મન ત્યાં આગળ જાય છે માટે તમને પીડા લાગે છે. પીડા થાય એ વખતે જો પીડામાંથી તમે મનને ખેંચી લો, તો પીડા જેવું કંઈ છે જ નહિ.

તમારી અનુભૂતિની ધારાને ન ચાલવા દેનાર કંઇ હોય, તો એ વિચારો છે. થોડી ક્ષણો તમે સ્થિર હોવ; પ્રભુની વીતરાગ દશા દેખાય અને અંદર એક glimpse પ્રગટે કે આવું તો મારી ભીતર પણ છે! પણ જ્યાં કોઈ વિચાર આવે અને મન એ વિચારોમાં પરોવાય, એટલે પેલી glimpse અદ્રશ્ય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૪

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”

આનંદઘનજી ભગવંતને એક જ પ્રાર્થના કરવી છે કે તમારી પાસે જે અનુભૂતિ હતી, એનો એક નાનકડો અંશ પણ અમને આપો. એક નિર્ધાર… સ્વાનુભૂતિ વિના અહીંથી જવું નથી. આ જીવનનો અવતાર કૃત્ય શું – સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ. કેવી રીતે અનુભૂતિ કરવાની… બહુ જ પ્યારું સૂત્ર ગઈ કાલે આપણી સામે હતું. “અનુભવ અભ્યાસી કરે”. ખાલી ૩ શબ્દોનું સૂત્ર. પણ એ સૂત્ર આત્મસાત્ થાય તો અનુભૂતિની દુનિયામાં તમારો પ્રવેશ થઇ જાય. પહેલા તો તમને એક glimpse મળશે. “પણ તુમ દરિસન યોગથી, થયો હ્રદયે અનુભવ પ્રકાશ.”

પ્રભુની વિતરાગ દશા દેખાઈ.. અંદર એક glimpse, એક જ્યોતિ પ્રગટી. કે આવું તો મારી ભીતર પણ છે. પણ એ glimpse સેકંડોમાં વિલીન થઇ જાય છે. અનુભૂતિ હતી. અનુભૂતિ જ હતી… પણ એ સેકંડોમાં ખતમ થઇ ગઈ. કેમ…. તમારી અનુભૂતિની ધારાને ન ચલાવવા દેનાર કોઈ પણ હોય તો એ વિચારો છે. થોડી સેકંડો તમે સ્થિર હતા.. એ glimpse મળી ગઈ. કોઈ વિચાર આવ્યો.. મન એ વિચારોમાં પરોવાયું, જ્યોતિ અદ્રશ્ય! પણ એથી હાર માનવાની નથી.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું – “હારીયે નહિ પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જીત રે.” બહુ મજાનો શબ્દ લાવ્યા, પ્રભુ બળ. “હારીયે નહિ પ્રભુ બળ થકી.. જેની પાસે પ્રભુ બળ છે, એ ક્યારે પણ હરતો નથી. અમે લોકો ક્યારે પણ નિરાશ નથી થતાં. હારવાની વાત તો બાજુમાં ગઈ. નિરાશ પણ નથી રહેતાં, કારણ શું… પ્રભુ બળ. સંપત્તિ ના બળનો અનુભવ છે. પ્રભુના બળનો અનુભવ નથી.

બાપ અને દીકરો રેલ્વે સ્ટેશન ચાલતાં જાય છે. વચ્ચે એક વહોળો આવ્યો, અઢી પોણા ત્રણ ફૂટ પહોળાઈ નો. ગંદુ પાણી હતું. પિતા આગળ ચાલે છે. પુત્ર પાછળ છે. ૬૦ વર્ષના પિતાએ એક high jump લગાવ્યો, સીધા વહોળાની પેલી બાજુ. ૩૦ વર્ષના દીકરાને થયું, મારા પિતા ૬૦ વર્ષના એ આ વહોળાને કુદી ગયા. હું કેમ કુદી ન શકું? એણે high jump લગાવ્યો. પણ થોડામાં રહી ગયો. કાદવમાં પડ્યો. શૂટ આખો કાદવથી ખરડાઈ ગયો. બહાર નીકળ્યા પછી દીકરાએ બાપને પૂછ્યું,  કે બાપા તમે ૬૦ વર્ષના, હું ૩૦ વર્ષનો, તમે આને પેલે પાર એક જ ધડાકે પહોચી ગયા, હું કેમ વચમાં લટકી ગયો. ૬૦ વર્ષની ઉંમરે તમારી પાસે કયું બળ છે…? શહેરમાં ખરીદી કરવા જતા હતા. એટલે હજારોની નોટોના બંડલ પિતાના ખિસ્સામાં હતા. એટલે પિતાએ હાથ દબાવ્યો ત્યાં… આ બળ છે કહે છે. નોટોનું… તો સંપત્તિના બળનો તમને અનુભવ છે. પ્રભુના બળનો અનુભવ કરવો છે. એક એવા અનુભૂતિવાન મહાપુરુષે કહ્યું છે, કે ‘હારીએ નહિ પ્રભુ બળ થકી.’ જેની પાસે પ્રભુ બળ છે એ જીંદગીમાં ક્યારે પણ હારે નહિ. તો એક flash, ઝબકારો થયો. અદ્રશ્ય થયો. કેમ… તમે વિચારોમાં ગયા માટે… પણ એથી હારવું નથી.

સૂત્ર બીજું આવ્યું ‘અનુભવ અભ્યાસી કરે.’ જેટલો અભ્યાસ વધારે, એટલો અનુભવ સુદ્રઢ બનશે. મંડી પડવાનું છે. સૌથી પહેલો અનુભવ- ભેદજ્ઞાન નો હોય છે. આત્માનુભુતિ ની આખી યાત્રામાં પહેલું step કયું? ભેદજ્ઞાન. શરીરથી, મનથી, નામથી બધાથી હું પર છું.

હમણાંની બનેલી એક ઘટના કહું. આપણા દેશનું વિલીનીકરણ થયું એ પહેલા અલગ – અલગ states હતા. કાશી state ના મહારાજા, એમને પેટમાં દુખાવો ઉપડ્યો. ડોકટરોની પેનલ આવી ગઈ. નક્કી કર્યું, એપેન્ડીક્સ છે. અને તાત્કાલિક operation  કરવું પડે એમ છે. મહારાજા હોસ્પિટલમાં admit થયા. બધા test થઇ ગયા. બિલકુલ normal tests છે. બીજી સવારે મહારાજા ને operation થીયેટર માં લઇ જવામાં આવે છે. Operation થીયેટર માં ગયા. સૌથી પહેલા તો anesthesia આપવાનો હોય, બેભાન કરવા માટે. પછી ડોકટરો ચીર કાપ કરે. Anesthesia આપવાની વાત આવી, તો કાશીના મહારાજા એ કહ્યું, anesthesia નહિ. મોટા ડોકટરે કહ્યું, સાહેબ તમે અહીંયા આવ્યા છો, હોસ્પીટલમાં, અમે કહીએ એમ કરવાનું. આ વિષય તમારો નથી. મહારાજાએ કહ્યું – બધું મને મંજુર છે. પણ anesthesia નહિ લઉં. હું બેભાન ક્યારે થયો નથી. અને થવાનો નથી. હું સતત હોશમાં રહેલો… awareness માં રહેલો માણસ છું. ડોકટરે કહું સાહેબ! પણ અમે પેટને ચીરવાના. એ વેદના એટલી બધી હોય, કે કોઈ સહન ન કરી શકે. એટલે અમને અમારી રીતે કામ કરવા દો. મહારાજાએ ફરીથી કહ્યું anesthesia તો નહિ જ લઉં. હવે શું કરવું… operation immediate કરવું પડે એમ હતું. મહારાજા એ કહ્યું, મારા સામાનમાંથી ભગવદ્ ગીતાનું પુસ્તક લાવો. પુસ્તક આવ્યું, સ્થિતપ્રજ્ઞ અધ્યાય ને વાંચવા લાગ્યા. પુસ્તક હાથમાંથી પડી ગયું. ઈશારો કર્યો ડોકટરો ને operation શરૂ કરો. Operation પૂરું થયું. ટાંકા લેવાઈ ગયા. ડોકટરે કહ્યું સાહેબ! Operation પૂરું થયું. તો કહે કે ચાલો હવે… મહારાજાને ભગવદ્ ગીતાનો પૂર્ણ અભ્યાસ હતો. અને ભગવદ્ ગીતા ના શ્લોકોને વારંવાર રટતા. અને એનું practical કરતા. તો સ્થિતપ્રજ્ઞ અધ્યાય જે પણ બહુ જ સરસ રીતે વાંચે, એનો શરીર પરનો attachment ખરી પડે.

બીજી એક મજાની વાત કહું – તમારા શરીરમાં પીડા થાય છે માટે તમને પીડાનો બોધ થાય છે એ વાત નથી. પણ તમારો ઉપયોગ, તમારું મન ત્યાં આગળ જાય છે માટે તમને પીડા લાગે છે. anesthesia આપીને શું કરવામાં આવે… nervous system ને બેહોશ કરી દેવામાં આવે. જે nervous system pain ના સમાચાર મગજને આપવાની હતી. એ nervous system જે છે એ નિષ્ક્રિય બની ગઈ. તો ક્યારે પણ કોઈ પણ પીડા થાય, એ વખતે જો પીડામાંથી તમે મનને ખેંચી લો તો પીડા જેવું કંઈ છે નહિ.

અમેરિકામાં એક પ્રોફેસર weekend પર પત્ની સાથે ફરવા માટે નીકળેલા. વિચાર કર્યો, એવા જંગલમાં જઈએ – ગાઢ જંગલમાં, જ્યાં ખરેખર કુદરતના સાનિધ્યનો આનંદ મળે. એવા જંગલમાં જાય છે. અચાનક steering પરનો કાબુ થોડો પ્રોફેસર ગુમાવી દે છે. એક ઝાડ સાથે કાર અથડાય છે. Steering વાગવાને કારણે પ્રોફેસર ને વાગે છે. લોહી નીકળી રહ્યું છે. સામાન્યતયા કોઈ પણ માણસ પ્રવાસે જાય first aid box તો રાખે જ. પણ આજે first aid box ભુલી ગયેલા. એટલે સારવાર માટે કોઈ સાધન નથી. ન pain killer કોઈ છે, ન રૂ છે, ન આયોડીન છે. પ્રોફેસરને પીડા બહુ થાય છે. બેઉ બહાર નીકળી ગયા. ટેલિફોન નું coverage પકડાતું નથી.. હવે તો કોઈ કાર આવે તો પોતાને lift આપે. એક વૃક્ષ નીચે બેઠા, પીડા બહુ થાય છે. એ વખતે પત્નીએ કહ્યું કે હું ધ્યાનના classes માં જાઉં છું. અને અમને પહેલી વાત આ શીખવાડવામાં આવી છે કે તમે તમારા મનને બીજી જગ્યાએ કેન્દ્રિત કરી નાંખો. તો પીડા જેવું રહેશે નહિ. First aid box હોત તો પ્રોફેસર આ વાત કરત નહિ. કશું જ નથી. કોઈ ગાડી આવતી દેખાતી નથી. આના સિવાય કોઈ છૂટકો નથી. આમ બેસી ગયા.

હવે પત્ની કહે છે, વિચાર કરો, ‘તમે તમારા class room માં છો, તમે તમારા વિદ્યાર્થીઓ સામે લેકચર આપી રહ્યા છો. તમારું લેકચર બહુ સારું ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ તાળી પાડી રહ્યા છે. આવું બધું વિચારો તમે..’ એટલે મનને સુખદ વિચારોમાં લઇ જવામાં આવ્યું, પીડા છું થઇ ગઈ. પછી lift પણ મળી. પ્રોફેસર ઘરે પણ પહોંચી ગયા. પણ પછી પ્રોફેસરી છોડી. એ ધ્યાનના આચાર્ય બની ગયા.

વિદેશમાં ભલે મનની શાંતિ માટે ધ્યાન તરફ એ લોકો વળ્યા છે. પણ એમની પાસે એક લક્ષ્ય છે. ભલે લક્ષ્ય સાચું નથી. પણ લક્ષ્ય છે. તમારું લક્ષ્ય શું?

જીવન મળ્યું છે અદ્ભુત. ઉપનિષદો તમને ‘અમૃતસ્ય પુત્રા:’ કહે છે. તમે અમૃતના પુત્રો છો! તમે ધારો તો તમારી દિવ્ય જ્યોતિનો અનુભવ તમે કરી શકો. આ માટીનું પુતળું જ છે. પણ આ માટીનું પુતળું કામનું એટલા માટે છે કે દિવ્ય જ્યોતિનું પ્રગટીકરણ આ માટીના પૂતળામાં થાય છે. સંતોના ચરણોમાં કેમ ઝુકીએ છીએ આપણે… એ સંતના પૂરા શરીરના બધા જ અંગો, પુરી ઉર્જા પવિત્ર થયેલી હોય છે. એ અંગનો તમે સ્પર્શ કરો, એ ઉર્જાનો તમે સ્પર્શ કરો. તમે purify બની જાઓ. તો તમારે શેનો અભ્યાસ કરવાનો છે બોલો..

“અનુભવ અભ્યાસી કરે”. જે અભ્યાસી છે. વારંવાર જેણે અભ્યાસ કર્યો હશે, એ જ અનુભવ કરી શકશે. તો પહેલો અનુભવ ભેદજ્ઞાન નો… અને એ પછીનો અનુભવ આત્માનુભૂતિ. ૨ અનુભવ. પહેલો અનુભવ નહિ થાય ત્યાં સુધી બીજો અનુભવ થવાનો નહિ.  રુસી અવકાશયાત્રી, પેકોવ. પહેલો જ રશિયન અવકાશયાત્રી પેકોવ. પેકોવે  પોતાની ડાયરીમાં લખ્યું છે કે મને આધ્યાત્મિકતાનો અનુભવ સૌથી પહેલા અવકાશયાત્રા માં થયો. એ લખે છે, મારું અવકાશ યાન જ્યારે ગુરુત્વાકર્ષણ પ્રદેશમાંથી બહાર નીકળ્યું ત્યારે બહુ મુશ્કેલી પડતી. ગુરુત્વાકર્ષણ ન હોવાને કારણે નીચે પકડી રાખનાર કોઈ હતું નહિ. તો શરીર સીધું જ નીચે હવામાં તરવા માંડ્યું. શરીરને બેલ્ટથી બાંધી રાખતા. શરીરને બેલ્ટથી બાંધેલું હોય. હાથ આમ હોય… અને હાથ એકદમ ઉચકાય! એ વખતે, ‘મેં’ મારા શરીરને જોયું! એટલે, મારું શરીર દ્રશ્ય હતું, હું દ્રષ્ટા હતો! એટલે ‘હું’ એટલે શરીર નહિ… આ પહેલો આધ્યાત્મિક અનુભવ. મને અવકાશયાત્રામાં થયો. એવું પેકોવે લખ્યું છે. તમે તમારી ડાયરીમાં શું લખશો. આજે નક્કી કરો અનુભૂતિ થવી જ જોઈએ.

દાદા ગુરુદેવ – ભદ્રસૂરિ દાદા, સાહેબજીને જ્યારે ૮૪ મુ વર્ષ ચાલતું હતું. ત્યારે ચોમાસું રાધનપૂરમાં, તકલીફ થઇ. Diagnosis જઠરના કેન્સરનું થયું. અને જે વખતે diagnosis થયું, એ વખતે કેન્સર third stage માં, અને એ ૬૦ – ૭૦ વર્ષ પહેલાં આવી ઔષધિઓ પણ શોધાયેલી હતી નહિ. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું, કે હવે અમારા હાથમાં કાંઈ નથી. હવે પ્રભુના હાથમાં છે. અમારી દ્રષ્ટિએ તો હવે દિવસોનો મામલો છે. ભક્તોએ અગ્નિ સંસ્કાર માટેનો પ્લોટ નક્કી કરી નાંખ્યો. ચંદનના કોથળા આવી ગયા. એ વખતે પાલનપૂરમાં સૈયદ નામના મુસ્લિમ ડોક્ટર. એમનું Diagnosis બહુ જ પાવરફૂલ. તો વિચાર થયો કે એમને પણ બોલાવીએ. એ આવ્યા. એમને રીપોર્ટસ જોયા. સાહેબજીને જોયા. પછી ડોકટરે કહ્યું – સાહેબજી ના પટ્ટ શિષ્ય કોણ છે? આપણે બહાર બેસીએ… ડોક્ટરને ખ્યાલ હતો, કે આવી વાતો પેશન્ટની હાજરીમાં ન થાય. કે તમે થોડા દિવસ હવે રહેવાના છો… હું એ વખતે રૂમ માં. ૧૮ એક વર્ષની મારી વય. પણ આજે પણ એ દ્રશ્ય આંખોની સામે તરવરે છે. ડોકટરે કહ્યું – સાહેબના પટ્ટ શિષ્ય કોણ છે, આપણે બહાર બેસીએ…. ૮૪ વર્ષનું વય, આહાર બિલકુલ બંધ થઇ ગયેલું થોડુક પ્રવાહી લેવાતું, પણ આત્મબળ કેટલું… સાહેબે કહ્યું, ડોકટર બહાર જવાની કોઈ જરૂર નથી! તમારે મૂળ કહેવું છે ને કે થોડા દિવસનો મહેમાન છું. અરે, આજે જવું પડે ને તોય તૈયારી પુરી છે… આ દેહ ક્યારેક તો છૂટવાનો જ છે. ક્યારે છૂટશે… જ્યારે છૂટે ત્યારે… પણ હું તૈયાર છું.

તમે કોઈ ગામમાં ગયેલા હોવ રાતના, અને સવારે તમારે ત્યાંથી નીકળવું છે… તમે જજમાનને પૂછ્યું – કે રીક્ષા ટેક્ષી કંઈ મળે? તો કહે કે ના આ ગામમાં તો કંઈ મળે નહિ. એક એસ. ટી છે. દૂરથી આવે છે. તો પેલાએ પૂછ્યું, શું ટાઈમ એસ.ટી નો? તો કહે કે ટાઈમ કોઈ નક્કી નથી હોતો. સવારના ૬ નો લખેલો છે. પણ ૧૦ વાગ્યા સુધીમાં પણ બસ આવી જાય. ક્યારેક ૮ વાગે આવે, ક્યારેક ૯ વાગે આવે. Driver તૈયાર થાય એ પ્રમાણે ગાડીને ચલાવે. ગાડી આવે છે એ નક્કી. ક્યારે આવે છે એ નક્કી નહિ. પેલા ભાઈને જવું જ છે. એ ૫.૩૦ વાગે દેરાસર ખોલાવી દર્શન કરી લે છે. થર્મોસ માં ચા ભરી લે છે. નાસ્તો લઇ લે છે અને બસ સ્ટેન્ડે પહોંચે છે. ૬ – ૬.૩૦, ૭ – ૭.૩૦, જ્યારે બસ આવે ત્યારે બેસી જવાનું. બરોબર ને? કેવી તૈયારી એની… નવકારશી પહેલા આવી ગઈ તો બસસ્ટેન્ડ પર નવકારશી કરી લેવાની. નવકારશી પહેલા બસ આવી તો બસમાં ગયા પછી નવકારશી કરવાની. બસ આવે છે એ નક્કી. ક્યારે આવે છે એ નક્કી નહિ. એટલે તૈયારી કેવી જોઈએ… મૃત્યુ આવે છે એ નક્કી. ક્યારે આવે છે એ નક્કી નથી. એટલે તૈયારી પુરી જોઈએ.

તો આ છે ભેદજ્ઞાન નો અભ્યાસ. એ પછી આત્માનુભૂતિ થાય.

શ્વેતકેતુની વાત આપણે જોતા હતા. શ્વેતકેતુ ગુરુ પાસે આવ્યો, અને એણે કહ્યું કે મને આત્માનુભૂતિ કરાવો. એક વાત કહું, દરેક પહોંચેલા ગુરુનો શિષ્યો માટેનો માર્ગ અલગ – અલગ હોઈ શકે. કંઈ રીતે હોય એ તમને બતાઉ… કેટલી મજાની પરંપરાઓ હતી. જે અત્યારે આપણે ખોઈ બેઠા છીએ. કલાપૂર્ણસૂરિ દાદા જેવા સદ્ગુરુ હોય, ભક્તિયોગમાં પુરેપુરા ડૂબેલા! પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચુકેલા. એમની પાસે જે વૃંદ ભેગું થશે. એ વૃંદ ભક્તોનું હશે. આ એટલા માટે કે ગુરુને કામ કરવાની સરળતા રહે. ૫ ભક્ત હોય, ૨ સાધક હોય, ૨ ક્રિયા રૂચી હોય, ૨ આજ્ઞા રૂચી હોય, તો પછી કંઈ રીતે કામ કરવું… અલગ – અલગ- અલગ દરેક ઉપર કરવું પડે. આ આખા સમૂહ ઉપર કામ થઇ શકે. Actually પહેલાના પ્રવચનો એટલે શું હતું… એક વૃંદ ઉપર થતું કામ. આજે આપણે માત્ર પ્રવચનને સાંભળવાની વસ્તુ માની બેઠા છીએ. પ્રવચન એ રીતે સાંભળવાનું જેટલું home work આપવામાં આવે છે એટલું home work કરવાનું. બીજા દિવસે આવો તમને એનાથી આગળ વધારીએ. બીજું home work આપીએ. પછી આગળ વધારીએ, ત્રીજું home work આપીએ.

ગુરુ તમારો હાથ પકડીને તમને લઇ જાય. તો આવી એક પદ્ધતિ હતી. એક ગુરુ સાધના માર્ગના આચાર્ય હોય. તો સાધનાના ઊંડાણમાં જવાનો જેમણે રસ છે એ બધા જ એ ગુરુ પાસે એકઠા થાય. અને ગુરુ એ વૃંદ ઉપર કામ કરે. તો ભક્તિયોગી ગુરુ કામ કરે છે એ અલગ રીતે છે. સાધનાચાર્ય ગુરુ કામ કરે છે એમની અલગ રીત છે. આ હજુ શરૂ થઇ શકે. કદાચ પ્રવચનમાં શરૂ ન થાય. વાચનાઓમાં શરૂ થઇ જતું હોય છે. વાચનામાં મર્યાદિત વૃંદ આવે, અને એ વૃંદ ઉપર કામ કરી શકાય. મારી ધારાનો તમને ખ્યાલ આવી ગયો. આખી જ ભક્તિની ધારા છે. અને એ ભક્તિની ધારામાં જઈને મોક્ષને પામવાનો છે. એ ભક્તિ એ જ સાધના થઇ જાય. પ્રભુની ભક્તિ એટલે શું? તમે કરો છો એ દ્રવ્ય ભક્તિ. એ પણ પ્રભુની ભક્તિ છે. અને અમે આજ્ઞા પાલન કરીએ છીએ એ પણ પ્રભુની ભક્તિ. તો એક – એક આજ્ઞાનું પાલન થાય, એ પ્રભુ ભક્તિ. તમે પણ પૌષધમાં હોવ, ઈરિયાસમિતિ પાળો, ભાષા સમિતિ પાળો.

એક જ વાત આજે સપલીમેન્ટરી માં કહું કે આજ્ઞાપાલન તમારી પાસે પણ છે. અમારી પાસે તો ‘એ જ છે’, બીજું કંઈ છે નહિ. તમારી પાસે પણ આજ્ઞાપાલન છે. પણ આજ્ઞાપાલનનો આનંદ તમારી પાસે છે? મયણાસુંદરી પ્રભુની પૂજા કરે છે. પ્રભુનો સ્પર્શ મળ્યો. એમના માટે મૂર્તિનો સ્પર્શ નથી. સાક્ષાત પરમાત્માનો સ્પર્શ છે. એ સ્પર્શ કર્યો, પછી ચૈત્યવંદન વિગેરે થયું. ઘરે જાય છે, ઘરે ગયા પછી સાસુમા ને શું કહે છે, “આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ, ખિણ ખિણ હોવે પુલક નિક્કારણો જી”. માં આજે તો પૂજામાં એટલો બધો ભાવ આવ્યો કે પ્રભુનો સ્પર્શ થયાને એક કલાક વીતી ગયો છે છતાં મારું એક પણ રુવાળું બેસવાનું નામ લેતું નથી! પ્રભુના સ્પર્શને એક કલાક વીતી ગયો છે! અને એક પણ રૂવાળું બેસતું નથી. કેવો એ આનંદ હશે…

પાલીતાણામાં ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ. પૂજ્યપાદ કલાપૂર્ણસૂરિ દાદાનું ચાતુર્માસ પણ પાલીતાણામાં. પર્યુષણ પછી M.P. થી એક પતિ પત્ની આવેલા, જે કલાપૂર્ણસૂરિ દાદાના પરમ ભક્ત હતા. દાદાએ એમને કહ્યું, કે આ વખતે તો પાલીતાણા તમે આવ્યા છો, ઘણા બધા આચાર્ય ભગવંતો છે, તમે બધાને વંદન કરી લેજો. એ ભાઈ માટે ગુરુની આજ્ઞા એટલે પ્રભુની આજ્ઞા. તહત્તિ. સીધું જ તહત્તિ. બીજી કોઈ વાત નહિ. તમારા અતિચારમાં આવે ને ગુરુ આજ્ઞા તહત્તિ કરી પડીવજ્યું નહિ.

બહુ મજાની વાત એ છે કે અમે લોકો એવી આજ્ઞા ક્યારેય નહિ આપીએ કે જે તમે ન પાળી શકો. સામાયિક લેવું છે, કેવા પ્યારથી લીલી ઝંડી આપીએ, સામાયિક સંદીસાહું? સંદીસાવેહ, ઠાઉં? ઠાએ હ … પણ સામાયિક પારવાનું હોય, મુહપત્તિ પલોવી, પછી તમે આદેશ માંગો – ઈચ્છાકારેણ સંદીસહ ભગવન સામયિક પારુ…? હવે ત્યારે હા તો પડાય નહિ અમારાથી… હા પડાય? તમે સંસારમાં જાઓ, અને જે કાંઈ આરંભ – સમારંભ કરો એની અનુંમોદનાનું પાપ અમને લાગે. હા તો ન પડાય, પણ ના કેમ ન પડાય? ભાઈ નથી પારવાનું… અહીં જ પ્રભુ શાસનની મર્યાદા છે. કોઈ પણ સદ્ગુરુ એવી આજ્ઞા તમને નથી આપતા, જેનો ભંગ તમે કરો. તમે પ્રેમથી પાળી શકો એવી જ આજ્ઞા સદ્ગુરુ તમને આપે છે. હા, આ લોકોને આજ્ઞા આપવાની હોય તો અમારે વિચાર નહિ કરવાનો. બરોબર ને… કૂવામાં પડ, તો કૂવામાં પડી જાય. તમને આજ્ઞા આપીએ ત્યારે અમારે વિચારવું પડે.

શાસ્ત્રમાં એક વાત આવે છે. ગુરુ પાટ ઉપર બિરાજમાન ઉપાશ્રયમાં, શિષ્ય સ્વાધ્યાય કરે છે, પાછળ જંગલ હતું, ઉપાશ્રયની પાછળ. એક સાપ બપોરના સમયે ઉપાશ્રયની અંદર આવે છે, એ વખતે ગુરુ શિષ્યને કહે છે કે જરા આ સાપના દાંત ગણ તો…  આ indoor patient બનવાનો લાભ આ છે. કોઈ વિચાર નહિ, કશું જ નહિ. આજ્ઞા એટલે આજ્ઞા… સાપને દાંત હોય…અને સાપને દાંત હોય તો ગણીને આપણને શું લાભ.. આપણી સાધના કંઈ રીતે ઉચકાવાની? હું આ લોકોને વારંવાર કહું કે બુદ્ધિને ઘરે મુકીને જ આવવાનું. મેધા તમને આપી દઈશું. બુદ્ધિ લઈને આવતાં નહિ. બુદ્ધિ લઈને આવી ગયા, તો કામ અમારું જે છે એ બરોબર નહિ થાય.

ગુરુ કહે છે સાપના દાંત ગણ. શિષ્યએ સાપને પકડ્યો, આમ સાપને પકડાય… ન પકડાય… પણ ગુરુની આજ્ઞા! કંઈ વિચારવાનું જ નહિ. સાપને પકડ્યો. સાપ છંછેડાયો. એટલે ડંખ માર્યો. ડંખ માર્યો, પીડા થઇ. પકડ છૂટી ગઈ, સાપ નીચે પડ્યો. શિષ્યના મનમાં એક જ વાત છે મારે સાપને પકડી એના દાંત ગણવાના છે. ફરીથી નીચે ઝુકે છે સાપને લેવા માટે, ત્યારે ગુરુ કહે છે, હવે એને જવા દે. સાપ જતો રહ્યો. શિષ્ય ભણવા માટે બેસી જાય છે. કોઈ પ્રશ્ન થતો નથી. સાપને પકડવાનું ગુરુ કહે… આપણી તો બુદ્ધિ ક્યાં આવે… ગુરુ…ગુરુ આવું કહે…? તમે હોય તો શું થયું હોત બોલો…. તમને ખરેખર વિચાર થતો હશે કે ગુરુએ કેમ આમ કર્યું..? બરોબર…. શિષ્યના શરીરમાં એક રોગ હતો, એ રોગની દવા બીજું કાંઈ જ નહોતું. આવી જાતના સાપનું ઝેર હતું. આજે પણ આપણે haffkine institute  માં એ જ કામ થાય છે. સાપના ઝેર ઉપર… સાપનું ઝેર મારક પણ છે. તારક પણ છે. તો એ રોગને દૂર કરવા માટે આ સાપનું ઝેર જરૂરી હતું. જ્યાં સાપે ડંખ માર્યો, ગુરુએ જોઈ લીધું કે જેટલું ઝેર જોઈતું હતું એટલું આવી ગયું છે. જો પહેલી વાર સાપે ડંખ ન માર્યો હોત, તો બીજીવાર સાપને પકડવા દેત. પણ પહેલી જ વારમાં કામ પતી ગયું. કહી દીધું સાપને જવા દે. શિષ્યના મનમાં કોઈ સવાલ થતો નથી. સદ્ગુરુની આજ્ઞા.

તો કલાપૂર્ણસૂરિ દાદાએ પેલા ભક્તને કહ્યું કે બધા જ આચાર્ય ભગવંતોનું દર્શન કરી આવો. ગુરુદેવ અરવિંદસૂરિ દાદાની નિશ્રામાં અમે બધા વાવ પંથક ધર્મશાળામાં હતા. તો પેલા ભાઈ ત્યાં પણ આવ્યા, પતિ – પત્ની બેઉ. એમાં પતિ કોઈની જોડે વાત કરવા બહાર ઉભા રહેલા, પત્ની મારી રૂમમાં આવ્યા, મને તો ઓળખતા નહોતા, એ M.P. ના. પણ એમને આવીને તરત કહ્યું – સાહેબ! અમારા શ્રાવકજી હમણાં આવશે. હું ઈશારો કરીશ. એમને કલાપૂર્ણસૂરિ દાદા પ્રત્યે એટલો બધો પ્રેમ છે… કે કોઈ પણ વ્યક્તિ દાદાનું નામ લે, એટલે એમના રૂવાળા ઉચકાઈ જાય. મેં વિચાર્યું, શાસ્ત્રોમાં તો સાંભળ્યું છે નજરે જોયું નથી. આજે જોઈ લઈએ… પેલા ભાઈ આવ્યા… શ્રાવિકાએ ઈશારો કર્યો. પેલા ભાઈએ વંદન કર્યું, બેઠા, તો મેં કહ્યું કે પાલીતાણામાં ચાતુર્માસ, અને એમાં પણ કલાપૂર્ણસૂરિ દાદાની મજાની વાચનાઓ સાંભળવા મળે છે. તળેટીએ જઈએ ત્યારે રોજ દાદાનું દર્શન થાય છે. જ્યાં મેં કલાપૂર્ણસૂરિ દાદાનું નામ લીધું, અડધું બાય નું શર્ટ પહેરીને આવેલા, અડધો હાથ ખુલ્લો … એક – એક રૂવાળું ઉચકાઈ ગયું. આંખમાં આંસુ, ગળે ડૂસકાં… એ તો મેરે ગુરુદેવ, એ તો મેરે ભગવાન! તો દરેક સદ્ગુરુની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. એટલે ક્યારે પણ બુદ્ધિ લઈને અહીંયા આવવું જ નથી. આને સાહેબે નવકાર મંત્ર આપ્યો અને મને લોગસ્સ આપ્યો. અલા મેં તને આપ્યો, એ ઘૂંટ ને… એના માટે એ જરૂરી હતું એ આપ્યો. તારા માટે આ જરૂરી છે.

પેલા ગુરુએ શ્વેતકેતુને કહ્યું કે આશ્રમના ગાયો વિગેરે લઈને તારે બહાર જવાનું…. બહાર કયાં? આપણા આશ્રમની બહાર જે નદી છે, એ નદી દૂરના એક પર્વતમાંથી શરૂ થાય છે. તો નદીને કિનારે કિનારે ચાલી અને તારે છેક એ પર્વત પાસે જવાનું છે. ત્યાં પાણી પુષ્કળ છે, ઘાસ પણ પુષ્કળ છે, એટલે ગાયોને ચારો પૂરતો મળી રહેશે. પાણી પૂરતું મળી રહેશે. તારા માટે જાત – જાતના ફળો ત્યાં આગળ છે. એટલે તારા માટે પણ બધું જોઈએ એ છે. પણ ત્યાં ગયા પછી તારે શું કરવાનું એ તને કહી દઉં… એક પણ પુસ્તક જોડે લઇ જવાનું નથી, તું જે ભણ્યો છે એનું revision કરવાનું નથી. બધું ભુલી જવાનું છે. અને મને ખ્યાલ આવી જાય કે તું યોગ્ય બન્યો છે એ વખતે એક શિષ્યને મોકલી તને બોલાવી લઈશ. તારે તો મારો આદેશ ન આવે ત્યાં સુધી એ પર્વત પાસે રહેવાનું. ગુરુની આજ્ઞા. ગુરુની શરતે જ્ઞાન મળે ને… ગુરુની શરતે ભણાય ને…કે તમારી શરતે..?

એકવાર એક શહેરમાં હું ગયેલો, શનિવારના મને યાદ આવ્યું મેં કહ્યું આવતી કાલે રવિવાર છે. મેં કહ્યું, આવતી કાલે કલાક નહિ દોઢ કલાકનું પ્રવચન આપું.. પણ સમય નક્કી નહિ… સવારના ૭ થી સાંજના ૭ સુધીમાં ગમે ત્યારે દોઢ કલાક આપું… કેટલા વક્તા મને મળે… શ્રોતા કેટલા મળે… ખરેખર જિજ્ઞાસા હોય એવા મળી જાય.

ગુર્જિયેફને એકવાર કહેવામાં આવ્યું કે સાહેબ રવિવાર છે બોલશો…? ગુર્જિયેફ કહે કે જોઈશું. હા નથી પાડતો. કહે છે કે જોઈશું .. ૧૦૦ કિલોમીટર સુધી સમાચાર ફેલાઈ ગયા! કદાચ, ગુરુ બોલે… કદાચ… ૪૦૦૦ માણસ ભેગું થયું પંડાલમાં… ગુરુને કહેવામાં આવ્યું કે સાહેબ ૪૦૦૦ માણસ ભેગું થયું છે તો ગુરુ કહે છે કે આજે પ્રવચન નહિ. આજે નહિ… ફરી ૨ -૩ રવિવાર પછી પૂછ્યું સાહેબ આજે આપશો પ્રવચન? જોઈએ કહે છે… ફરી સમાચાર ફેલાયા. ૨૦૦૦ માણસો આવ્યા… ત્રીજી વખતે ૧૦૦૦ માણસો આવ્યા. અને ગુર્જિયેફ જે બોલ્યા છે, એ ૧૦૦૦ માણસોને થયું કે અમારો જન્મ સફળ થઇ ગયો. તમને તો અમે ઉપરથી આપીએ… આવો… આવો… ખરેખર તો તમારી પરીક્ષા કરવી જોઈએ ને? પછી અપાય ને…

ગોવાલિયા ટેંકમાં ત્રૈલોક્યમંડનવિજયજી છે ચોમાસામાં… એમણે બહુ સરસ કર્યું છે, ગઈ સાલ બોરીવલી માં પણ એમને કરેલું. ૯ વાગે મંગલાચરણ એમનું થાય, ૯.૦૫ દરવાજા બંધ ઉપાશ્રયના… તમે ૦૯.૦૬ મિનિટે આવ્યા તો પાછા જાઓ. જેટલા ૦૯.૦૫ મિનિટ સુધી આવી ગયા એટલા જ પ્રવચન સાંભળી શકશે. તમે જ શિસ્તને પાળી શકો છો. તમે જ… તમે નક્કી કરો કે સમયસર આવવું છે. હમણાં જ્યાં પ્રવચન પૂરું થશે, ગહૂલી બોલાવાની શરૂ થઇ નથી. કેમ..? ૫ મિનિટ કેમ ન આપી શકાય.. સર્વમંગલ સાંભળીને પછી જ વિદાય થવું છે. શા માટે ન કરી શકાય…?

શ્વેતકેતુ પર્વત પાસે જાય, ઘાસ પુષ્કળ, ગાયો ચર્યા કરે આખો દિવસ, પાણી પીએ. પોતાના માટે પણ પાણી, ફળ બધું જ છે. એક મહિનો થયો.. બે મહિના થયા.. એક પણ પુસ્તક નથી પોતાની પાસે. revision કરવાનું નથી. ને બધું ભુલાતું ગયું. પણ બે મહિના થયા તો ય વિચારો તો આવે. પોતે ગુરુકુળમાં હતો ત્યારે શું કરતો. પોતાના friends કોણ કોણ હતા. એ friends આજે શું કરતા હશે. વિચારો આવે.. પણ વિચારો ૫ – ૭ – ૧૦ હતા. કારણ કે ઘટના બહુ ઘટેલી હતી નહિ… હવે ૫ – ૭ – ૧૦ વિચાર કેટલી વાર કરે? ૨ વાર – ૫ વાર – ૧૦ વાર… ૫૦ વાર – ૧૦૦ વાર… એટલે ૩ મહીને એવી હાલત થઇ કે કોઈ વિચાર જ નહિ. એક શબ્દ એને યાદ નથી. એક વિચાર એને આવતો નથી. ગુરુને ખ્યાલ છે બધો જ…  એ ૩ મહિનાની એની સાધના પછી ગુરુ એને બોલાવે છે ગુરુના ચરણોમાં એ ઢળે છે. કારણ કે અનોખો અનુભવ હતો.

તમે છે ને hill station ઉપર જાઓ કે તમારા a.c રૂમમાં એકાંતમાં બેસો. એકલા હોવ ત્યારે અંદર કેટલા બાબલા લઈને જાઓ છો? અંદર ઘમાસાણ યુદ્ધ ચાલે છે. પેલાએ આમ કીધેલું, પેલીએ આમ કીધું… અરે પણ અહીં તો મુક. એકલો બેઠો છે તો… તારી જોડે વાત કર… એક અનોખો અનુભવ. મળવાનો અનુભવ હતો. વિચારો કરવાનો અનુભવ હતો. બધું ભુલી જવાનો આનંદ. પરનું વિસ્મરણ એટલે સ્વનું સ્મરણ.

અને ગુરુએ કહ્યું – તું બેસી જા હવે… અને ગુરુએ પરમ ચેતનાની વાત કહી. પરમાત્મા આવા… આવા… આવા…. અને એ પરમાત્માની વાત કર્યા પછી છેલ્લે કહ્યું “તત્વમસિ શ્વેતકેતુ.” ઉપનિષદોના વેદોના જે ચાર મહા વાક્ય ગણાય. એ પૈકીનું એક મહાવાક્ય આ છે. ‘તત્વમસિ’ – ‘તે’ તું છે. એ પરમાત્મા જે છે, એ જ તું છે. જેવી નિર્મળ સત્તા, જેવું નિર્મળ ચૈતન્ય પરમાત્માનું છે, એવું જ તારું છે. અને શ્વેતકેતુ એ દિશામાં આગળ ડગલાં ભરે છે. અને આત્માનુભુતિને પ્રાપ્ત કરે છે.

તમે પણ એ બાજુ ચાલો..

અને આત્માનુભુતિને પ્રાપ્ત કરો…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *