Anandghanji Ne Sathvare – Vachana 25

751 Views 30 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : દેહ, મન, વચન, પુદ્ગલ થકી; કર્મથી ભિન્ન મુજ રૂપ રે

અલપ-ઝલપ અનુભૂતિ પણ ક્યારે થાય? સૌથી પહેલા તમારા સ્વરૂપનો તમને ખ્યાલ હોવો જોઈએ. તમારા ચિત્તમાં, મનમાં રાગ-દ્વેષ-અહંકાર હોઈ શકે. પણ તમારી ચેતનામાં, તમારા શુદ્ધ સ્વરૂપમાં નથી રાગ, નથી દ્વેષ, નથી અહંકાર.

જેમ શરીરના સ્તર પર નક્કી થયું કે શરીર એ હું નહિ, એ જ લયમાં આગળ વધો. મન એ હું નહિ. ચિત્ત એ હું નહિ. વિચારોને ગ્રહણ કરવા અને વિચારોને ફેંકવા એ તમારું કાર્ય નથી; મનનું કાર્ય છે.

તમે ચિદાકાશમાં છો. તમારું મન ચિત્તાકાશમાં છે. મન અનાદિથી રાગ, દ્વેષ અને અહંકારમાં વહેતું આવેલું છે. એવા મનમાં ક્રોધ થયો; તમે એ ક્રોધને જુઓ. ક્રોધ દ્રશ્ય છે; તમે દ્રષ્ટા છો. દ્રશ્ય અલગ છે; દ્રષ્ટા અલગ છે. તમારા શુદ્ધ સ્વરૂપમાં ક્રોધ છે નહિ; હોઇ શકે નહિ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૫

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંતની આ અનુભૂતિ છે. આપણે પણ આવી અનુભૂતિ કરી શકીએ કે કેમ? If you desire… જો તમારી પ્રબળ ઝંખના હોય તો આવી અનુભૂતિ દૂર નથી. પહેલા અલપ – ઝલપ અનુભૂતિ થશે. અને પછી થોડીક લાંબી અનુભૂતિ થશે.

પહેલી અનુભૂતિ ક્યારે થાય? સૌથી પહેલા તમારા સ્વરૂપનું તમને ખ્યાલ હોવો જોઈએ. આપણું મન રાગ – દ્વેષથી ઘેરાયેલું છે. પણ આપણી ચેતના રાગ – દ્વેષથી મુક્ત છે. ચિત્તમાં, મનમાં રાગ – દ્વેષ અહંકાર હોઈ શકે. તમારી ચેતનામાં – તમારા શુદ્ધ સ્વરૂપમાં નથી રાગ, નથી દ્વેષ, નથી અહંકાર… તો જ્યારે પણ તમને ક્રોધ આવે છે. તમે કહો છો, મને ક્રોધ આવ્યો. હકીકતમાં તમને ક્રોધ નથી આવતો. જેમ તાવ આવ્યો તો આપણે શું કહીએ; મારા શરીરને તાવ આવ્યો. પણ શરીરની સાથે હું ને એકાકાર કર્યું હોય, તો તમે કહેશો મને તાવ આવ્યો. એ જ રીતે ક્રોધ આવ્યો. કોને આવ્યો? મારા મનને આવ્યો હતો. મને નહિ! એટલે એકવાર તમારું શુદ્ધ સ્વરૂપ જે છે એને તમે સમજશો; પછી જ અલપ – ઝલપ અનુભૂતિ પણ થશે. તો આ વાત જડબેસલાક થવી જોઈએ. જેમ શરીરના સ્તર પર થયું કે શરીર હું નહિ. એ જ લયમાં આગળ વધો. મન હું નહિ. ચિત્ત હું નહિ.

વિચારોને ગ્રહણ કરવા અને વિચારોને ફેંકવા એ ‘તમારું’ કાર્ય નથી. એ મનનું કાર્ય છે. હું ઘણીવાર કહું કે તમારી ફેકટરીએ કોઈ હોય, તમે માલ કેટલો produce કરો? Sale થતું હોય એટલો… Sale થતું જ ન હોય… અને production કર્યા જ કરો, કર્યા જ કરો, એવું બને? તમારા મનના વિચારો; એને લેનાર કોણ? અને production કેટલા કલાક ચાલુ? ગાઢ ઊંઘમાં હોવ ત્યારે બંધ થાય, બાકી અડધી ઊંઘમાં પણ ચાલુ રહે… તો વિચાર એ તમારો સ્વભાવ નથી. તમે ચિદાકાશમાં છો. વિચારો ચિત્તાકાશમાં છે. આકાશમાં વાદળાં હોય અત્યારે, વરસાદ વરસતો પણ હોય, હું ધાબાની નીચે બેઠો છું. મને શું અસર થવાની… એમ તમે ચિદાકાશમાં છો. ચિત્તાકાશમાં તમારું મન છે. તમે નહિ. તમે તો આનંદઘન છો. તમે ક્યાં હોવ? ચિદાકાશમાં… તો ક્રોધ આવ્યો તો કોને આવ્યો… મનને આવ્યો… કારણ કે એ મન અનાદિથી રાગ, દ્વેષ અને અહંકારમાં વહેતું આવેલું છે. તો મનમાં ક્રોધ થયો. હવે થોડી વાતને આગળ વધારીએ… ક્રોધ મનમાં છે. તો તમે એને જુઓ. આ હોલમાં બધા બેઠેલા છે, હું જોઉં છું. હું દ્રષ્ટા છું, બીજા બધા દ્રશ્યો છે. એમ ચિત્તમાં મનમાં રહેલ રાગ, વગેરે દ્રશ્ય છે. હું એમનો દ્રષ્ટા છું. દ્રશ્યો અને દ્રષ્ટા; ૨ શબ્દો આવ્યા, એટલે અલગાવ થઇ ગયો. દ્રશ્ય અલગ છે. દ્રષ્ટા અલગ છે. તમે માત્ર દ્રષ્ટા છો. અને આ જન્મનો call એ છે કે ભીતરના આનંદને એકવાર માણવો.

મહારાષ્ટ્રમાં નિસર્ગદત્ત સંત થયા. એમનું પુસ્તક I m that. બહુ સરસ છે. એનું હિન્દી version પણ આવી ગયું. અહં બ્રહ્માસ્મિ. તો એ પુસ્તક માં એમને પૂછવામાં આવ્યુ કે તમે અંદર છો, અમે બહાર છીએ. તમે સ્વની અંદર છો, અમે પરમાં છીએ. તો બહારથી અંદર આવવાનો માર્ગ કયો? એટલો સરસ એમણે જવાબ આપ્યો છે, એમણે કહ્યું, બહાર જેવું કંઈ છે જ નહિ. તો રસ્તાની વાત ક્યાં કરો છો…! આ એક ભૂમિકા આવે છે. દ્રષ્ટાનો રસ, દ્રશ્ય જગતમાંથી ઉઠ્યો; ત્યારે દ્રશ્ય જગત જેવું કંઈ રહેતું નથી!

તમે ખૂબ ઉંચે જઈ શકો એમ છો. કેમ અહીં બેસી ગયા છો પલાઠી વાળીને… સાહેબ બે સામાયિક કરીએ, એકાસણું કરીએ, બિયાસણું કરીએ… તિથીએ પૌષધ કરીએ… સરસ.. કરો છો બહુ સરસ… પ્રભુએ કહેલી બધી જ વ્યવહાર ક્રિયાઓ શ્રેષ્ઠતમ છે. પણ એના હાર્દ સુધી જવું પડશે. સામાયિક જેમાં તમે સમભાવને પ્રગાઢ બનાવેલો… એવો સમભાવ તમારો પ્રગાઢ સામયિકમાં બને… કે સામાયિક પાર્યા પછી અડધો કલાક સુધી તમે ગુસ્સો કરી ન શકો… ગમે એવું નિમિત્ત મળે તો પણ… ઘી નો ડબ્બો કદાચ કોઈના હાથે ઉંધો વળી ગયો. તો યે તમે ગુસ્સો ન કરી શકો… બહુ જ ઉંચે તમે જઈ શકો છો. સમભાવમાં જવું; એટલે તમારામાં જવું. આનંદમાં જવું; એટલે તમારામાં જવું…વિતરાગદશામાં જવું; એટલે તમારામાં જવું…. તો તમે અંદર જઈ શકો છો… અંદર રહી શકો છો… હવે આવી ક્ષમતા તમારી છે. અને તમે બહાર રહેતા હોવ! AC જેના ઘરના એક – એક bedroom માં છે, હોલ પણ air condition છે; એ માણસ બહાર ઓટલા ઉપર ૫૦ ડીગ્રી ગરમીમાં શેકાતો હોય, આવું બની શકે? બની શકે… બને છે ને. અંદરનું AC કેટલું મજાનું છે, ભગવાને આપેલું… અને એને બદલે રાગ અને દ્વેષના તડકામાં તમે રહો છો…

એક સરસ વાત તમારા માટે કહું… practically approach.  ‘પર’ના બે વિભાગ પાડો; આવશ્યક પર અને અનાવશ્યક પર. બિનજરૂરી ‘પર’માં તમારે જવું નથી. તમારા મનને જવા દેવું નથી. આવું તમે નક્કી કરો. તમે એક ધંધામાં છો. તો તમારા ધંધાની રૂપ તમે જાણી લીધી… બીજા બીઝનેસ માં શું થાય છે એ જાણવાનું તમારે જરૂરી નથી. તો એ બિનજરૂરી પરમાં તમે ન જાઓ. કોઈ વ્યક્તિ કેવી રીતે સાધના કરે છે… એ જોવાનું કામ તમારું નથી. આને ખમાસમણ બરાબર ન દીધું, આને કટાસણું બરોબર નહિ પાથર્યું. No. That’s not your subjects. આ તમારો વિષય નથી. બિનજરૂરી પર થયું. બિનજરૂરી પર એટલે શું? બીજામાં માથું મારવાનું… અને માથું મારો એટલે વાગે જ… તો આટલું નક્કી કરો. બિનજરૂરી પરમાં જવું નથી. મોબાઈલ બીઝનેસ માટે તમારે use કરવો પડે. બહુ, બહુ તો news થોડા જોઈ લો. એ સિવાયની કોઈ પણ apps, film જોવી નહિ. નક્કી કરી નાંખો. બિનજરૂરી પરમાં જવું નથી.

એક આ નાનકડો નિયમ તમે લઇ લો. તમે પરમાં જવાથી ઘણા અંશે બચી જશો. અને થોડું બાકી રહે તો અમને કહેજો પછી. તો તમારું સ્વરૂપ કેવું? ખ્યાલ આવી ગયો.. વિચારો કરે છે; એ મન. રાગ અને દ્વેષ કરે છે; એ મન. અહંકાર કરે છે; એ મન. તમે નહિ. એમાં પણ એક સરસ practically approach આપું. રાગ કે દ્વેષ મનમાં ઉઠ્યો, તમે ઈચ્છો છો કે એ ધારા ચાલવી ન જોઈએ. રાગ અને દ્વેષની ધારા ચાલવી ન જોઈએ. તો તમારી પાસે એક switch off કરવાનું સાધન છે. નિર્વિકલ્પ દશા, નિર્વિચાર દશા. રાગ અને દ્વેષ, ચાલશે કંઈ રીતે..? વિચારોની પાંખ પાર જ સવાર થઈને ઉડવાના છે. તમે રૂમમાં બેઠા હોવ, એક વ્યક્તિ આવી, અણગમતી છે, તમારા મનમાં એક વિચાર આવ્યો; આ માણસ કેમ અહીંયા આવ્યો..? એટલે દ્વેષનો અંકુરો તમારા મનમાં પેઠો. હવે ત્યાં વિચારો આવે તો શું થાય? વિચારો એ અંગારાને ભડકામાં ફેરવે. આ માણસ નાલાયક, હરામખોર, એણે મારી કેટલી ખરાબ વાતો કરેલી. આ વિચારો જેટલા વધે એમ વિભાવ spread out થાય. વિભાવોને; રાગ, દ્વેષ, અહંકારને spread out થવા માટે વિચારો જોઈએ છે. તમે વિભાવોને દૂર ન કરી શકો; તો વિચારોને દૂર કરી દો.

કાર્યોત્સર્ગ માં આપણે શું કરીએ છીએ…પહેલાંની પદ્ધતિ પ્રમાણે શ્વાસ પ્રમાણે આપણે પદો બોલતાં. તો એમાં આપણે કામ એ કર્યું કે આવેગની સામે શ્વાસને મૂક્યો. તમે ગુસ્સો કરો છો. એ વખતે શ્વાસ ઝડપથી ચાલશે. હવે ગુસ્સો control માં નથી આવતો. શ્વાસ ને control માં લાવો. શ્વાસ ઢીલા પાડી દો. ગુસ્સો છું થઇ જશે. તો કાર્યોત્સર્ગ માં આ વાત છે. પૌષધમાં તમે હતા, બહાર જઈને આવ્યા, બની શકે કે મનમાં કોઈ ઘટનાને કારણે, રાગ – દ્વેષ ઉત્પન્ન થયા હોય; તો એ રાગ – દ્વેષને દૂર કરવા માટે ૨૫ શ્વાસોશ્વાસ નો કાઉસ્સગ. લોગસ્સ પૂરો નહિ, ચંદેસુ નિમ્મલયરા સુધી, કેમ…. એક ભાઈ મને કહે, પૂરો કેમ ન ગણાય…. કારણ કે ગાડી સીધી ચાલતી હોય ને, અટકે શી રીતે…? મન હોય બહાર અને લોગસ્સ ની ગાડી ચાલતી હોય. તો સિદ્ધા સિદ્ધીં સુધી આવી જાય. મને કહે કે આખો લોગસ્સ ગણાય તો શું વાંધો…? મેં કહ્યું મોટો વાંધો. કે તું બેખબર રહ્યો, ગાફેલ  રહ્યો. તને ખ્યાલ આવતો જોઈતો હતો. અને બીજું શ્વાસ એટલા ધીરા તારે લેવાના હતા. કે જે આવેગ જે છે તે સમી જાય. તો આવેગની સામે શ્વાસ. આવેગની સામે નીર્વિચારતા. તો વિચાર તમારું સ્વરૂપ નહિ. શબ્દો તમારું સ્વરૂપ નહિ.

એક બહુ સરસ કડી છે; અમૃતવેલની સજ્ઝાય માં, રોજ રટવા જેવી. “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે.” “દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન મુજ રૂપ રે, અક્ષય, અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ ભરપૂર રે” તો હું દેહથી પર, મનથી પર, વચનથી પર, બધા જ પુદ્ગલોથી પર, અને કર્મથી પણ પર… કર્મ કોને લાગે બોલો… સિદ્ધ પરમાત્માને કર્મ નથી લાગતા કેમ… એમની નિર્મલ ચેતના છે. આપણને કર્મ લાગે છે. પણ આપણને એટલે કોને? આપણા શુદ્ધ સ્વરૂપને નહિ. આપણા શુદ્ધ સ્વરૂપને, નથી રાગ – દ્વેષ; તો કર્મ ક્યાંથી લાગે. મન જે છે એ રાગ દ્વેષ કરે છે. એને કર્મ લાગે…

એટલે અધ્યાત્મ બિંદુમાં કહ્યું…

बंधोदयोदीरणसत्वमुख्या:।।
भावा: प्रबन्ध: खलु कर्मणां स्यात्।

બંધ, ઉદય, ઉદીરણા, ને સત્તા એ કર્મને મને શું… કર્મનો બંધ દરેક સમયે થઇ રહ્યો છે. આયુષ્ય કર્મનો બંધ એકવાર થાય. સાત કર્મનો બંધ ક્ષણે ક્ષણે થયા કરે. બરોબર… હવે એ બંધમાં ફરક ક્યાં પડે કે રાગ – દ્વેષ યુક્ત ભૂમિકા હોય, તો કર્મના પરમાણુઓ વધારે આવે. ચીકણી ભૂમિકા હોય તો ધૂળ વધારે ચોંટે. અને ભીંત જે છે એ બિલકુલ સ્વચ્છ છે, તો થોડીક ધૂળ ચડશે અને ખરી પણ પડશે. તો પુદ્ગલો કર્મ છે. કર્મ પુદ્ગલ છે. આત્મા જ્યોતિર્મય છે. જ્યોતિર્મય આત્માને પુદ્ગલનો સંગ ક્યાંથી હોય…? આપણે આપણા સંગમાં હોઈએ, પરના સંગમાં નહિ. તો હવે બંધને આપણે ઓછો કરવો છે, તો શું કરવું…  એના માટે ગુજરાતી ભાષામાં સૂત્ર આપ્યું, “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો” તમે વિચારોને ઓછા કરી નાંખો. તો કર્મનો બંધ ઓછો થશે. કારણ કે વિચારો બંધ તો રાગ – દ્વેષ ઓછા. રાગ – દ્વેષ ઓછા તો કર્મનો બંધ ઓછો. હવે સત્તા માં જે છે એ ઉદયમાં આવશે. એ કર્મ ઉદયમાં આવે, તમે ખાલી પ્રેમથી એને જોઈ લો; તો નિર્જરામાં જાય. અને એને તમે સ્વીકારો નહિ, એની સામે પડો; તો નવો બંધ કરો તમે.

અશાતાવેદનીયનો ઉદય થયો. શરીરમાં પીડા થઇ. એક મુનિરાજ છે કોઈ પૂછે સાહેબ પીડા… અરે પીડા ‘આ’ને છે હું તો આનંદમાં છું. તો એ અશાતા વેદનીયની નિર્જરા કરે છે. અને અજ્ઞાની માણસ હોય, હાય – હોય કરતો હોય, એમાં કોક ભૂઆએ કહ્યું હોય કે કોકે કંઈક કરાવેલું છે. તો, તો  આણે કરાવેલું હશે. આને કરાવેલું હશે. આણે કરાવ્યું હશે. ભૂઆઓ છે ને બહુ જ હોશિયાર હોય છે. એ શું કહે, તમારી આજુબાજુવાળાએ કરાવ્યું. મને દેખાય છે, તમારી આજુબાજુ વાળો જ છે. કારણ કે એને ખબર છે. કે માણસને સૌથી વધારે તકલીફ કોની જોડે છે. આજુબાજુવાળા જોડે… તમારે વધારે ઝઘડો કોની જોડે… આજુબાજુવાળા જોડે.

બોલો આફ્રિકામાં કોઈ રહે છે, તમારે એમની જોડે દ્વેષ ખરો કોઈ? અમેરિકામાં રહે છે, તમે એને ઓળખતા પણ નથી. તમારે દ્વેષ ખરો? તમારું દ્વેષનું વર્તુળ કયું..? જાણીતાઓનું.  હવે એક મજાની વાત કરું, કે જાણીતાઓ પ્રત્યે પણ દ્વેષ કેમ થાય છે? એ દ્વેષ થવાનું કારણ તમે છે. તમારી અપેક્ષા છે. તમારી અપેક્ષા છે કે પેલાએ આ રીતે મને નમસ્કાર કરવો જોઈએ. પેલાએ મારી વાત સ્વીકારવી જોઈએ. હું બહુ મોટો માણસ છું. એ તો નાનો છે, એણે મારું કહ્યું માનવું જોઈએ. આ અપેક્ષા તમારી ભીતર આવી. અને એ અપેક્ષાને સામેવાળાએ તોડી. તમને એના પર ગુસ્સો આવ્યો. તો એ વ્યક્તિ ઉપર દ્વેષ આવ્યો તમને; એમાં ગૂનેગાર કોણ? કોણ ગૂનેગાર? તમે ગૂનેગાર છો.

પેટ્રોલ પંપ હતો. No smoking please લખેલું હતું. તો એક માણસ ત્યાં ગયેલો સિગરેટ ની બહુ તલપ લાગી. દીવાસળી સળગાવી. સિગરેટ સળગાવી. ત્યાં સુધીએ ઠીક હતું. પણ દીવાસળી ઓલવી અને બહાર ફેકવાની હતી. સળગતી દીવાસળી અંદર નાંખી. પેટ્રોલ પંપ ભડકે બળ્યો. તમને શું લાગે આમ… દીવાસળીએ પેટ્રોલપંપને ભડકે બાળ્યો. આજ માનો ને તમે… પણ એ પેટ્રોલ હતું એનો કોઈ વાંક ખરો? હવે એજ માણસ હોય, આખું બાકસ લઈને જાય પાણી ભરેલા હોજના કાંઠે, અને દીવાસળી સળગાવી – સળગાવીને હોજમાં નાંખે. શું થાય?  જો દીવાસળીની તાકાત હતી, તો હોજમાં પણ તાકાત આવવી જોઈએ ને… પેલો પેટ્રોલ પંપ હતો; માટે દીવાસળી એને સળગાવી શકી.

તમારું ઉપાદાન શુદ્ધ હોય તો ગમે તેવું નિમિત્ત ન મળે… તમને નિમિત્ત ની અસર શું થવાની..? એટલે ઘણા માણસો બહુ મજાના હોય, એકવાર હું કંડલા highway ઉપર વિહાર કરતો હતો. ઓઈલ ટેન્કર્સ ઘણા જાય. એમાં છેડે લખેલું હોય. Highly inflammable અત્યંત જ્વલનશીલ. એટલે એની બાજુમાંથી પસાર થાઓ અને સળગતી દીવાસળી ફેંકો તો ખલાસ. Highly inflammable. મને એ વખતે વિચાર આવેલો. કે ઘણા માણસો એવા હોય, તમે એને પૂછો, કેમ મજામાં છો? શું મજામાં નથી લાગતો તને હું?? તો આવા માણસોએ શર્ટની પાછળ એક સ્ટીકર ન લગાડવું જોઈએ; Highly inflammable….

એક પણ નિમિત્ત તમને ક્રોધમાં ધકેલી શકે નહિ. તમારો પેટ્રોલ પંપ જે છે એ જ જવાબદાર છે. તમે દીવાસળી ઉપર જ દોષનો ટોપલો ઢાળતા આવ્યા છો, એટલે તમે નિશ્ચિંત થઇ ગયા.

મેતાર્ય મુનિને.. ખંધક મુનિને.. નિમિત્ત ઓછું મળેલું…? પેલો કહે તમારી ચામડી ઉતારી નાંખવાની… તો કે ભાઈ હું તપશ્ચર્યા બહુ કરું છું, મારી ચામડી એકદમ સુકાઈ ગયેલી છે. તને ઉતારવાનું ફાવે એવી રીતે હું ઉભો રહું. રોષ તો નહિ પણ એના પરનો પ્રેમ… ચામડી ઉતરવા આવ્યો છે એના પરનો પ્રેમ! અને તમને કોઈ ૨ – ૪ ગાળો આપે તો તમે પ્રેમ ન આપો સામે… એક વાત કહું… જે માણસ પાસે જે હોય તે બીજાને આપે. તમે શું આપો છો એના પરથી નક્કી થાય કે તમારી પાસે શું છે…!

બુદ્ધ ભગવાનની વાત આવે; એકવાર એ બેઠેલા,  એક અનાડી માણસ, તમે અહીં કેમ બેઠા છો? મારા ખેતરમાં જવાનો રસ્તો છે, ઉભા થઇ જાઓ. ઉભા થઇ ગયા. બીજી જગ્યાએ ગયા. ત્યાં એ પેલો આવ્યો. ગાળોનો વરસાદ વરસાવ્યો. મોઢા ઉપરથી  સજ્જન લાગો છો, બુદ્ધિશાળી લાગો છો. એટલી ખબર ન પડી… મારા ખેતરમાં જવાનો રસ્તો હતો. ભાઈ, તારું ખેતર ગયું અને રસ્તો એ ગયો, હવે…? એ તો ગયો કારણ? Action અને reaction બે શબ્દો છે. Action ની સામે reaction આપ્યું તો વરઘોડો ચાલ્યો તમારો… નાના છોકરાઓ હોય ને એ જુના ટાયરને ફેરવે… પણ ટાયર ફરે ક્યારે…. આખુ હોય ત્યારે. અડધું કપાયેલું હોય તો.. કોઈએ action આપ્યું, તમે non action માં હોવ; તો શું થાય? પેલો કેટલું આગળ વધે? પણ તમે reaction આપો તો? ચાલ્યું… એટલે action ની સામે reaction એ સંસારનો માર્ગ છે. Action ની સામે non action એ પ્રભુની સાધનાનો માર્ગ છે. તમારી પાસે કયો માર્ગ છે … બોલો…  action ની સામે reaction કે non action. એકવાર try તો કરો.

action ની સામે non action. હસતા રહેવાનું, બોલવાનું નહિ. પેલાને ઠંડું પડે જ છૂટકો. કેટલું બોલ બોલ કરે… તો બુદ્ધ બિલકુલ શાંત… action ની સામે non action હતું. પેલો થાક્યો. ગયો. પટ્ટ શિષ્ય આનંદે પૂછ્યું – કે આપ ગુસ્સે કેમ ન થયા… ત્યારે બુદ્ધે કહ્યું કે એક કૂવો હોય, પાણી એમાં ખલાસ થઇ ગયું. નપાણીયો કૂવો. એમાં ગમે એટલી બાલટી નાંખો, રેત સિવાય શું મળે તમને?  એમ અહીંયા પણ કૂવો નાપાણીયો. છે. પેલા એ બાલટી બહુ હલાવી… પણ ગુસ્સો છે જ નહિ તો નીકળે ક્યાંથી? તો આપણે આજે તમારા સ્વરૂપની વાત કરીએ છીએ. તમારી વાત તમારી સાથે. હોય જ ને… ડોક્ટર તમારા શરીરની વાત ન કરે…

તમે ક્યારે કીધું, ડોક્ટર સાહેબ, બેસો બેસો હવે… શરીર મારું છે તો મને ખબર પડે કે તમને ખબર પડે.. એમ મન તમારું છે પણ ખબર જ્ઞાનીને પડે…… તો મનમાં ક્રોધ આવી ગયો. મનમાં રાગ આવી ગયો. મનમાં અહંકાર આવી ગયો. પણ તમારામાં નહિ. તમે મન નથી. તમે મનની પેલે પારની ઘટના છો. Beyond the mind, beyond the body, beyond the name. beyond the mind. તો મનમાં રાગ – દ્વેષ થાય તમારા માને. તો આ તમારું સ્વરૂપ એટલે એકદમ નિર્મળ સ્વરૂપ. આ સ્વરૂપ કેવું થયું? નિર્મળ. જેમાં એક પણ ડાઘ નથી. તમારી અંદરની ચાદર એવી છે, જેમાં એક પણ ડાઘ નથી. અને બહારની ચાદર ઉપર ડાઘ જ ડાઘ છે. બહારની ચાદર ઉપર ડાઘ લાગે શું કરો તમે..?

એક માણસ ચા પીતો હોય, સહેજ ચા શર્ટ પર પડે, એને ખ્યાલ હોય કે ચા નો ડાઘ પાણીથી તરત નીકળી જાય. પણ સુકાઈ ગયા પછી એને કાઢવામાં તકલીફ પડે છે. અડધો કપ ચા નો ટેબલ ઉપર મૂકી, wash-basin પાસે જાય અને શર્ટને ધોઈ નાંખે. દોષો પ્રત્યે તમારી આટલી જાગૃતિ ખરી? બોલો…..

ઉદાર માણસો છો… કેમ, ઉદાર છો ને, જે આવે એને ઉતરો મારા ઘરમાં…. રાગ આવ્યો તો હા અહીંયા… દ્વેષ આવે તો કહે કે આવી જા… શું આવી જા પણ… તો મારા શુદ્ધ સ્વરૂપમાં રાગ – દ્વેષ અહંકાર નથી. એ વાતથી શું થશે. મનની અંદર રહેલ રાગ – દ્વેષ પણ ઓછા થશે.

તો એ જે નિર્મલ સ્વરૂપ આપણું છે એનો આપણને સતત ખ્યાલ હોય, અને પછી પ્રભુ પાસે ગયા. અને ત્યાં આ સૂત્ર આવ્યું…. “પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ” પ્રભુનું એકદમ નિર્મલ ચૈતન્ય દેખાણું અને એ ક્ષણ ઝબકારો થાય, કારણ કે વારંવાર ચિંતન કર્યું છે. અનુભૂતિ નથી થઇ. પણ ચિંતન વારંવાર કર્યું છે. કે હું નિર્મળ છું. હું નિર્મળ છું. હું નિર્મળ છું. તો એ ચિંતન જે છે એ અનુભૂતિ તરફ જાય છે.

પ્રભુનું નિર્મળ ચૈતન્ય જોયું અને થાય છે કે મારી ભીતર પણ આ જ છે. મારી ભીતર પણ આ જ છે. એક ક્ષણ માટે એ ઝબકારો રહે છે. ફરી વિચારો શરૂ થઇ ગયા. એટલે ઝબકારો ગયો. પણ એ ઝબકારો થોડી સેકંડો નો હોય, તો પણ એમાં એટલો બધો આનંદ આવતો હોય છે કે આપણને લાગે કે આ જન્મમાં તો નહિ, પણ આખા ભવચક્રમાં આવો આનંદ નહિ માણ્યો હોય. પછી એ આનંદને વારંવાર રીપીટ કરવાનું મન થાય છે. પણ એ અનુભવ થઇ ગયો એ થઇ ગયો. પછી થતો નથી.

ભક્તના જીવનની કે સાધકના જીવનની મહત્વ પૂર્ણ ક્ષણો આ છે. અનુભવ થઇ ગયો છે. પરમાત્મ ચેતનાનો – નિર્મળ ચેતનાનો – પોતાની નિર્મળ ચેતનાનો. અનુભવ થઇ ગયો છે પણ એ મળતું નથી. મારું છે મને મળતું નથી. એ ક્ષણો વિરહ વ્યથા ની છે. ભક્ત જે રડે છે એ આ ક્ષણોમાં… કે પ્રભુ તારા વિના રહેવાતું નથી. અને તું મળતો નથી.

એક ભક્તની વાત આવે છે Augustine. પ્રભુને મળવાની બહુ જ ઈચ્છા. પ્રભુ મળતા નથી. તમે તો આરામથી નાસ્તો કરવાના ને…. પ્રભુ નથી મળ્યા એની ચિંતા થવાની… આમ. ઉપમા બરોબર નથી કહે છે… અરે પણ હમણાં પ્રવચન સાંભળીને આવ્યો. તારું મન ઉપમા માં ક્યાં રાખે છે પણ… પૌઆમાં મન રાખે છે… કમસેકમ અડધો કલાક, કલાક તો તારા નિર્મળ સ્વરૂપમાં જા. પ્રભુ મળતા નથી.

એક વખત તો એની વિરહ વ્યથા એટલી ઉછળી, એણે પ્રભુને કહ્યું કે પ્રભુ! અત્યારે સવારના ૮ વાગ્યા છે. આવતી કાલના સવારના ૮ વાગ્યા સુધીનો સમય તને આપું છું. તું મને મળીશ તો બરોબર છે. નહિ મળે તો શરીરને નજીકમાં રહેલ દરિયામાં ડૂબાડી દઈશ. તું ન મળે તો જીવવાનો શો અર્થ. જે હૃદયમાં તું નથી, એ હૃદય ધડકે કે ન ધડકે. શું ફરક પડે…! તમે પ્રભુને challenge આપી ક્યારેય????

એટલે કહું છું ને પલાઠી મારીને આરામથી બેઠા છીએ. આપણે તો વ્યાખ્યાન સાંભળી લઈએ. તિથીએ બિયાસણું, એકાસણું કરી લઈએ… સામાયિક, પ્રતિક્રમણ કરીએ… ચૌવીહાર કરીએ… ચૌવીહાર ક્યાં સુધી હોય..? ભાદરવા સુદ ૪ સુધી. તમારું ચોમાસું તમે નાનું કરી નાંખ્યું… હો… દોઢ મહિનાનું. આ સભા દેખાય છે. એ પણ આ દિવસોનો મહિમા છે. આ દિવસો જ એવા હોય છે કે તમારું હૃદય ધર્મથી ભાવિત થયેલું હોય છે. પણ તમે અહીંયા ને અહીંયા વર્ષોથી પલાઠી મારીને બેઠા છો. મને વેદના ન થાય… ક્ષમતા હોવા છતાં….

એક દીકરો તમે ઓળખો છો એને આપણા ગામમાં છે. ૫ – ૧૦ કરોડ એના પિતા મૂકી ગયા છે. એ માણસ નાનકડી દુકાન કરીને રહે છે. અને મહીને ખાઈ શકાય એટલું કમાય છે. તમે એને ઘણી વાર કહ્યું કે મુંબઈ આવી જા, તારી પાસે ૧૦ કરોડ રૂપિયા છે. શું તું નહિ કરી શકે. ૧૦ ના ૧૦૦ કરોડ કરી શકે… પણ પેલો પલોઠી મારીને એ ગામડામાં પડ્યો રહે તમને શું થાય…

એમ અમને વેદના થાય છે. ૫ વર્ષ પહેલા તમે ક્યાં હતા, આજ વ્યાખ્યાનમાં હતા. ક્યારેક સમાધિ લાગતી. સમાધિ સૌથી વધારે ક્યાં લાગે? વ્યાખ્યાનમાં… વાતો કરવાની હોય કોઈની જોડે તો ૨ કલાક તડાકા મારે. એમાં ઊંઘ ન આવે. પણ વ્યાખ્યાનમાં ઊંઘ આવે. તો ૫ વર્ષ પહેલા, ૧૦ વર્ષ પહેલા, ૧૫ વર્ષ પહેલા તમે જ્યાં હતા ત્યાં જ બેઠા છો ને… એ પૂજા કરો છો, એ પ્રતિક્રમણ કરો છો, એ સામાયિક કરો છો. તમારી મનોદશામાં ક્યાં ફરક પડ્યો..! પ્રભુએ કહ્યું – “તહ તહ પવ્વટીઅવ્વં, રાગદોષાવિલીજ્જન્તી” સાધના તમે કરો છો એની પરીક્ષા એ રીતે થાય કે રાગ – દ્વેષ અહંકાર કેટલા ઓછા થાય. વિતરાગપરમાત્માની પૂજા કરી. રાગ ઓછો થયો?

તો હવે તમે જો નક્કી કરી શકો ને, કે હવે પણ અનુભૂતિ કરવી છે. અત્યાર સુધી તમે માત્ર શબ્દો, બહુ-બહુ તો વિચારો સર્જી રહ્યા. અનુભૂતિમાં ક્યારેય ગયા નથી. મારે તમને તમારો અનુભવ કરાવવો છે. મારી ઈચ્છા છે પણ તાળી બે હાથે વાગે. એક હાથે તાળી પડે નહિ. તમે તૈયાર હોવ તો આ શક્ય બને. અને તમે સંતુષ્ટ હોવ, વ્યાખ્યાન સાંભળી લીધું. આ કરી લીધું.. આ કરી લીધું.. જિનવાણી શ્રવણ કરવું જોઈએ, કરી લીધું. ઘણીવાર તો શ્રાવિકાજી આવ્યા ન હોય ને કદાચ કામ હોય, પૂછે શ્રાવકજી ને વ્યાખ્યાન માં શું આવ્યું? એ તો કહે બહુ સરસ આવ્યું હતું. અરે બહુ સરસ તો બરોબર પણ શું આવ્યું હતું? વિષય કયો હતો? Topics ક્યાં હતા? માથું ખંજવાળે, હવે એ તો મ.સા જાણે હું ક્યાંથી જાણું. આ હાલત છે આપણી. ક્યારેય home work કર્યું છે? બોલો… આ એક જ કદી 2-3 દિવસથી આપણે ઘૂંટીએ છીએ.

“પણ તુમ દરિશન યોગથી, થયો હૃદયે અનુભવ પ્રકાશ” પ્રભુનું દર્શન થાય તો સ્વનો અનુભવ થવો જ જોઈએ. અને સ્વનો અનુભવ ન થાય ત્યાં સુધી પ્રભુનું દર્શન વાસ્તવિક થયું નથી. તો home work કરો છો? કંઈક home work થાય તો તમને પણ મજા આવશે. કંઈ પ્રાપ્તિ થશે ને.. Achievement. તો મજા આવશે.

ઘણીવાર લોકો મને કહે કે સાહેબ વ્યાખ્યાનમાં આટલા બધા લોકો આવે છે, મેં કહ્યું આટલા બધા લોકો આવે છે બરોબર છે, પણ achievement જે છે એની જોડે મારે સંબંધ છે. શું મળ્યું? ઓફીસ ૧૦ કલાક ખુલી રાખી એનું મહત્વ તમારે નથી હોતું. શું મળ્યું એની સાથે તમારે મનનું જોડાણ હોય છે.

પ્રભુને challenge આપી. કાલે સવારે ૮ વાગ્યા સુધીમાં મને મળી જા. આખી રાત વીતી.. પ્રભુ મળતાં નથી. સવારે ૬ વાગ્યે નજીકમાં દરિયાકાંઠો હતો ત્યાં જાય છે. કે દરિયાકાંઠે નિરવ શાંતિમાં પ્રભુનું ધ્યાન કરું. ૬.૩૦ – ૭.૦૦, ૭.૩૦ – ૭.૪૫… ૭.૪૫ એ ભક્તે કહ્યું – શું એનો નિર્ધાર હશે… પ્રભુ તારી પાસે હવે ૧૫ મિનિટ છે, મળી જા. નહીતર આ દરિયો છે અને હું છું. એક મિલનની તડપન કેટલી? અને ૭.૪૫ વાગે એ ભક્તના કાન પર એક નાનકડા દીકરાના રડવાનો અવાજ આવે છે. ભક્તનું હ્રદય કેવું હોય, માખણ જેવું.

તુલસીદાસજી એ લખ્યું – “સંત હૃદય નવનીત સમાના” તમારું હૃદય કેવું? કોમળ કોમળ. આંખ ખોલી, જોયું.. ૭ એક વર્ષનો દીકરો, હાથમાં ગ્લાસ, રડે છે. નજીક બોલાવ્યો. બેટા! કેમ રડે છે? તો કહે કે uncle હું નજીકમાં જ રહું છું… પણ મમ્મા મને દરિયા કાંઠે એકલો મોકલતી નહિ, પણ આજે તો હું ૭માં વર્ષમાં પ્રવેશ્યો. એટલે મોટો થઇ ગયો આજે. એટલે આજે મમ્મીએ મને દરિયાકાંઠે આવવાની હા પાડી. મને તો દરિયો બહુ ગમી ગયો છે. પણ હવે નાસ્તાનો ટાઈમ થયો. નાસ્તો તો દરિયો નહિ આપે. મમ્મા આપશે. પણ મારે દરિયાને લઈને ઘરે જવું છે. કેટલી સરસ વાત… તમે દેરાસરમાં રહી શકતા નથી. ઓફિસે જવાનું છે. ભગવાનને કહ્યું – કે ભગવાન હું નથી રહી શકતો તારી સાથે તું મારી જોડે ચાલ. કીધું?

ત્યારે એ ભક્તે એ દીકરાને સમજાવ્યું કે બેટા! આ દરિયો કેટલો મોટો. તારે શું કરવું છે એ કહે… તો કહે કે દરિયો નાસ્તો નહિ આપે, મમ્મા નાસ્તો આપશે. પણ મારે દરિયાને લઈને ઘરે જવું છે. હવે ગ્લાસમાં દરિયો સમાતો નથી. તો કહે કે બેટા! આ ગ્લાસમાં તો નહિ, મોટા તપેલા માં નહિ, આપણા આખા ગામની લાપસી કરવા માટે મોટું કડાઈયું વપરાય છે એમાં પણ દરિયો ક્યાંથી સમાય? બેટા! તારો ગ્લાસ નાનો છે તો દરિયો ક્યાંથી સમાય? પેલો દીકરો કહે હા uncle તમારી વાત સાચી. મારો ગ્લાસ નાનો છે. એ ગયો અને અચાનક ભક્તને STRIKE થઇ. અરે, આ તો કોઈ બાળક આવ્યો હતો, કે સદ્ગુરુ પોતે આવેલા કે ભગવાન આવેલા…! હૃદયનું પાત્ર મારું નાનકડું છે. અને હું પ્રભુને કહું છું પ્રભુ તું આવ. માત્ર મારા કુટુંબના કલ્યાણની અત્યાર સુધી મેં વિચારણા કરી છે. આજુબાજુવાળાનું પણ મેં જોયું નથી કંઈ.. તો હૃદયનું પાત્ર મારું નાનકડું હોય તો પ્રભુ શી રીતે આવે?

એ ઘરે જાય છે. ૨ – ૩ વર્ષ સાધના કરે છે. હૃદયને એકદમ એ નિર્મળ અને ઉદાર બનાવે છે. કે જે હૃદયમાં આખા વિશ્વના કલ્યાણની વાતો હતી. અને આવું એનું હૃદય ઉદાર થાય છે. ત્યારે વગર આમંત્રણે પ્રભુ આવી જાય છે.

તમે પણ હ્રદયને તૈયાર કરો.

પ્રભુ આવી જશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *