Anandghanji Ne Sathvare – Vachana 27

893 Views 21 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પર સંગ ત્યાગ, લાગ નિજ રંગે

આપણા અવતારનું લક્ષ્યાંક આ જ છે : આપણા અસ્તિત્વને આપણે પૂરેપૂરું સમજીએ અને આપણા અસ્તિત્વને પૂરેપૂરું પામીએ. લાગ નિજ રંગે – પોતાના સ્વભાવમાં ડૂબવું છે. એના માટેનો માર્ગ કયો? પર સંગ ત્યાગ.

સવાલ થાય કે પર ના સંગનો ત્યાગ કયા સ્તર ઉપર? શરીરના સ્તરે પર નો સંગ હોય, તો વાંધો નથી; સાધકના મનના સ્તરે એક પણ પર નો સંગ ન હોય.

પહેલા તો તમારા માટે આવશ્યક એવા પર કયા અને અનાવશ્યક એવા પર કયા – એ નક્કી કરો. અને પછી નક્કી કરો, કે આવશ્યક એવા પર માં જ જવું છે; અનાવશ્યક પરનો ત્યાગ કરવો છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૨૭

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદધનજી ભગવંતની જે અનુભૂતિ હતી, એ અનુભૂતિના એક નાનકડા અંશને પણ પામવો જ છે. અનુભૂતિની એ ક્ષણો કેવી હોય, એનું માર્મિક વર્ણન મહોપાધ્યાય યશોવિજય મહારાજે એક પદમાં આપ્યું. બહુ મજાનું પદ છે – “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકુરા, નિજ અનુભવ રસ, લાગે મીઠા જિમ ઘેબર મેં છુરા” પહેલી જ વાત; ભીતર ડૂબવું છે. ‘લાગ નિજ રંગે’- પોતાનો જે સ્વભાવ છે; એ સ્વભાવને પામવો છે. આપણા અવતારનું લક્ષ્યાંક આ જ છે. આપણા અસ્તિત્વને આપણે પૂરેપૂરું સમજીએ અને આપણા અસ્તિત્વને પૂરેપૂરું પામીએ.

‘લાગ નિજ રંગે’- પોતાના સ્વભાવમાં ડૂબવું છે…

એના માટેનો માર્ગ કયો? – ‘પરસંગ ત્યાગ’. પરના સંગનો ત્યાગ અને સ્વભાવદશાની પ્રાપ્તિ. હવે વાત એ છે કે પરના સંગનો ત્યાગ કયા સ્તર ઉપર…. અમે પ્રભુના મુનિ બન્યા, છતાં અમારી પાસે વસ્ત્રો છે. પ્રભુની આ ચાદર અમારી પાસે છે. પાત્રો પણ અમારી પાસે છે. તો પરપદાર્થો અમારી પાસે છે. બહુ જ મજાનો અર્થ એ છે ઊંડાણમાં કે પરપદાર્થ, પરવ્યક્તિ કે શરીરનો સંગ મનમાં ન રહેવો જોઈએ. શરીરના સ્તર પર સંગ હોય તો વાંધો નથી. વસ્ત્ર હું પહેરું ત્યાં સુધી હું પ્રભુનો ગુનેગાર નથી; પણ પ્રભુનો સેવક છું. કારણ; પ્રભુએ જ કહ્યું છે કે આવો uniform તારે પહેરવાનો છે. પણ એ વસ્ત્ર ઉપર મને ગમો પેદા થાય યા અણગમો પેદા થાય તો હું પ્રભુનો ગુનેગાર થઇ ગયો.

પ્રભુ અમને કહે છે કે બેટા! તને પરપદાર્થોનો સંગ શરીરના સ્તર પર કરવાની છૂટ આપી છે. મનના સ્તર પર નહિ. તો એક સાધકના મનના સ્તર પર એક પણ પદાર્થનો સંગ ન હોય. સાધના જ્યારે ઉચકાય છે, અને એક મુનિ સાતમાં ગુણઠાણે જાય છે; ત્યારે એની દશા કેવી હોય, એનું વર્ણન અધ્યાત્મસારના યોગાધિકારમાં આપ્યું. એ મુનિ ગીતાર્થ છે. કોઈ ગુફામાં રહે છે, કે જંગલમાં રહે છે. સાધનાને ગાઢ બનાવે છે. અઠવાડિયે ૧૦ દિવસે લાગે કે શરીરને ખોરાક આપવો પડે એમ છે. તો વહોરવા જાય, વ્હોરીને આવે, વાપરે, પણ ત્યાં સ્પષ્ટ કહ્યું કે એમની વાપરવાની ક્રિયા પણ ધ્યાન હતી. ગોચરી વપરાય છે. અને એ ક્ષણો ધ્યાનની ક્ષણો છે. કારણ; ગોચરી શરીર વાપરે છે. શરીરનો સંગ રોટલી અને દાળનો છે; મનને સંગ નથી. આ પ્રક્રિયા નાનકડા સ્તર પર તમે કરી શકો? જો white and white ઝબ્ભો અને પાયજામો તમે પહેરતા હોવ તો વસ્ત્રો પરનો રાગ ઓછો થઇ જાય. ભોજનમાં માત્ર રોટલી અને શાક તમે લેતા હોવ તો એ ભોજનના દ્રવ્યોનો મનનો સંગ ઓછો થઇ જશે. સૂત્ર આટલું જ છે. “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે,” પરનો સંગ છોડીને પોતાના રંગમાં જવું છે. પોતાના સંગમાં નથી કહેતાં, નિજ રંગ કહે છે. નિજ રંગનો આસ્વાદ એકવાર થઇ જાય, એ ગમી જાય; તો પરનો સંગ છોડવો નહિ પડે, છૂટી જશે.

તમે કોઈ પણ દુકાને જાવ, ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતની એક વસ્તુ તમારે લેવી છે. Check book લઈને તમે ગયા છો. એ વસ્તુ તમે લઇ લીધી. ૧૦,૦૦૦ નો check તમે લખીને આપી દીધો. તો ૧૦,૦૦૦ નું દાન કર્યું કહેવાય કે નહિ…. કેમ દાન કેમ ન કહેવાય. કે સામે એ વસ્તુ લઇ લીધી છે. એમ પરનો સંગ છોડવાની વાત જ નથી. છૂટી જાય… કારણ; સામે શું મળે છે?- પોતાનો આનંદ મળે છે.

તો સંગ અને રંગ; બે શબ્દો આવ્યા. તમારો કોઈ પણ પદાર્થ જોડે સંયોગ સંબંધ છે. હું મારા આસન પર બેઠો છું; પણ આસન પર મારું શરીર બેઠેલું છે. શરીરનો સ્પર્શ આસન જોડે છે, તો સંગ છે; પણ એક પદાર્થ સાથે છે. ‘નિજ રંગની અંદર તમારે તમારી ભીતર જવાનું છે. તમારે તમારી સાથે એકરૂપ થવાનું છે. અને એક વાત સમજજો. પરની સાથે તમે એકાકાર ક્યારે પણ ન થઇ શકો. એક philosopher એ કહેલું કે જોડો પહેરીને તમે જતા હોવ જૂત્તા પહેરીને, જૂત્તા ક્યાંક મંદિરની બહાર કાઢ્યા, ફરી પહેર્યા, ફરી બીજા મંદિરે ગયા, ફરી કાઢ્યા, જૂત્તા પહેર્યા છે એની ખબર ખરેખર ક્યારે પડે… જૂત્તા ડંખે ત્યારે. બાકી તો જૂત્તા પહેરેલા છે. એમ પરપદાર્થ જે છે. એનો સંગ જે ક્ષણે તમને ખૂંચવા લાગે એ ક્ષણે પરસંગ ત્યાગની એક ભૂમિકા સર્જાઈ ગઈ. તો હવે આપણે જોતા હતા, કે મનના સંગ ઉપર, મનના સ્તર ઉપર, તમે પરનો સંગ છોડી શકો કે ન છોડી શકો.

વ્યાખ્યાનમાં આવ્યા તો સંપૂર્ણતયા હાજર રહ્યા. નાસ્તો કરવા બેઠા તો partially હાજર રહ્યા. કેમ બરોબર… હું પહેલી વાર સુધર્મા પીઠ ઉપર આવ્યો, ત્યારે મારે સૌથી મોટી મૂંઝવણ એ થયેલી, કે મારા એકાંતનું શું થશે? ૩૦ – ૩૦ વર્ષ સુધી હું એકાંતમાં રહેલો છું. એ મારા એકાંતનું શું થશે…? આ શબ્દોની દુનિયામાં હું કેવી રીતે જઈ શકીશ… પછી… ખ્યાલ આવ્યો કે મારા પ્રભુની આજ્ઞા છે. મારે ભલે બોલવું નથી. પણ મારા પ્રભુની આજ્ઞા છે. માટે મારે બોલવું જોઈએ.

થોડા સમય પહેલા મને hyper tension ની તકલીફ બહુ વધી ગઈ હતી. નીચેનું પ્રેશર જે ૮૦ – ૮૫ લગભગ રહે એ ૧૩૦ ઉપર પહોંચી ગયું. ડોકટરો ચિંતાતૂર હતા. એવા વખતે એક ડોક્ટર પ્રવચન આપતા પહેલાનું મારું પ્રેશર માપે છે. અને હું પ્રવચન આપી રહું છું પછી તરત મારું પ્રેશર માપે છે. તો ૧૦ point વધી ગયા છે. ડોકટરે મને કહ્યું – સાહેબ હું તમારી ધારાને સમજુ છું. તમે સંપૂર્ણતયા સાક્ષીભાવમાં છો. Being જ તમારી પાસે છે, doing તમારી પાસે છે જ નહિ. એટલે તમારા મનમાં કોઈ વિકલ્પો થાય, એવી તો કોઈ શક્યતા નથી. પણ પ્રવચન આપતા પહેલા જે પ્રેશર હતું, એ પ્રવચન આપ્યા પછી ૧૦ point વધી ગયું. એટલે body નું reaction જે છે, એ પણ પ્રેશરને વધારવામાં કામ કરે. એટલે ડોકટરે suggest કર્યું કે તમે પ્રવચન છોડી દો.

મેં ડોક્ટરને કહ્યું કે ડોક્ટર મેં તો છોડેલું જ છે, મારા તરફથી. હું તો શબ્દોનો યાત્રી છું જ નહિ. હું તો અશબ્દનો યાત્રી છું. પણ જ્યાં સુધી લોકોને મારા શબ્દો જોઈએ, ત્યાં સુધી મારા પ્રભુની આજ્ઞા છે કે તને સિદ્ધિ થયેલી છે.તારે વિનિયોગ કરવો પડશે. એટલે મારા પ્રભુની આજ્ઞા હોવાને કારણે હું બોલીશ. પછી ડોકટરે કહ્યું – અનુભવી ડોકટર હતા… કે સાહેબ એક કામ તમે કરો… પ્રવચન આપીને તમે રૂમમાં જતા રહો… વસ્ત્ર વિગેરે change કરી, અને સવાસન માં જતા રહો. ૨૦ એક મિનિટ તમે સવાસનમાં રહેશો એટલે પ્રેશર automatically પહેલા હતું એ ભૂમિકાએ આવી જશે. કારણ કે body ના reaction ને કારણે એ પ્રેશર વધેલું હતું. શરીર એકદમ શાંત…. મન એકદમ શાંત થઇ જશે, એટલે આપોઆપ પ્રેશર ઘટી જશે. અને મેં એ પ્રયોગ કર્યો તો ખરેખર એ પ્રયોગ success ગયો.

તો પરનો સંગ તમે કેટલો છોડી શકો. અને એના માટે મેં ૨ શબ્દોની વાત કરેલી. અનાવશ્યક પર અને આવશ્યક પર. તમે ૨ ખાના બનાવો- એક કાગળ પર ૨ ખાના, ૨ tables દોરો. એક આવશ્યક પરનું ખાનું, એક અનાવશ્યક પરનું ખાનું. પત્ની એનું બધું કામ કરતી હોય, તો તમારે એમાં માથું મારવાની જરૂર ન હોય. તમારા business માં પણ, જે તમારો business છે, એની રુખ તમે જોઈ લો. બીજા business માં શું ચાલે છે, એ જાણવાની તમારે જરૂરિયાત ન હોય.

એક પતિ – પત્ની વચ્ચે બહુ જ શાંતિ રહેતી. ક્યારેય એ લોકો ઝઘડતા નહિ. એકવાર મિત્રે પેલા પતિને પૂછ્યું – કે તમારા બે વચ્ચે ક્યારેય ઝઘડો નથી થતો. કારણ શું? તો પતિ કહે, અમે બંને એ કામ વહેંચી નાંખ્યા છે, મોટું મોટું કામ હું જોવું, નાનું –  નાનું કામ એ જોવે. એના કામમાં હું દખલ ન લગાવું, મારા કામમાં એ દખલ ન મારે. હવે પેલાને ખાસ ઈચ્છા હતી કે મારા ઘરમાં પણ શાંતિ રહે એટલે એણે પૂછ્યું, કે નાની બાબતો કઈ ને મોટી કઈ? તો કે ઘર બદલવું તો કયા AREA માં જવું, એ નાની બાબત, છોકરાને કઈ સ્કુલમાં મોકલવો એ નાની બાબત. ઘરની અંદર interior decoration શું કરાવવું એ નાની બાબત. આ બધું પત્ની જોવે. તો પેલો કહે મોટી બાબત કઈ? તો કે રશિયાના પ્રમુખે શું કરવું… અમેરિકા ના પ્રમુખે શું કરવું…? ભારતના વડાપ્રધાને શું કરવું? એ બધી બાબતો હું સંભાળું. બોલો તમે આવું સંભાળો તો…? બધું સોંપી દો ત્યાં… તમારે પણ સંઘર્ષ ન રહે. તો અનાવશ્યક પરમાં તમે ઘણા જાવ છો. હવે એ નક્કી કરો, કે તમારા માટે કેટલા પરમાં જવું જરૂરી છે. એટલામાં જ જાઓ.

તો “પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદવેલી અંકુરા” એ સ્વભાવ દશાને પામવું; એ શું છે… આનંદવેલી અંકુરા – આનંદની વેલડી માટે અંકુરા છે. પછી કહે છે, “નિજ અનુભવ રસ, લાગે મીઠા જિમ ઘેબર મેં છુરા.” નિજ અનુભવ રસ લાગે મીઠા; પોતાનો અનુભવ – સ્વનો અનુભવ – સ્વાનુભૂતિ, મીઠી મીઠી લાગે છે. જેણે સ્વાનુભુતિનો અનુભવ નથી કર્યો, એ પૂછે છે કે મીઠી તો ખરી… પણ કેવી મીઠી… અહીંયા મૂંઝવણ થાય… એ અનુભવ; એટલો તો superior, એટલો તો મજાનો હોય છે કે શબ્દોમાં એને મુકવો શી રીતે..?! એ ઘટના જ… beyond the words… Beyond the imagination છે. તો એ ઘટનાની વાત શબ્દોમાં કઈ રીતે કરવી?

પણ પેલો કહે છે કે જરા મને વાત તો કરો… કેવો મીઠો લાગે,અનુભવ રસ? ત્યારે એમણે કહ્યું – “જિમ ઘેબર મેં છુરા.” ઘેબર હોય અને એને કાપવા માટે છરી વપરાય. એ છરી ચાસણી થી કેવી લતબત થઇ જાય. એવી રીતે તમે પોતાના અનુભવ રસથી એટલા લતબત થઇ જાઓ. કે બસ મીઠાશ જ મીઠાશ… આનંદ જ આનંદ…

તમને પણ જે ક્ષણે આ અનુભૂતિ લેવાની ઈચ્છા થશે; પરનો સંગ છૂટી જશે. મેં કહ્યું ને ૧૦,૦૦૦ ની વસ્તુ લીધી. અને ૧૦,૦૦૦ આપ્યા તો આપ્યા એ ભાવ નથી આવતો. કારણ કે સામે મળ્યું છે. એમ પદાર્થોનો સંગ મેં છોડ્યો. એ ભાવ નથી આવતો. મને પરમાત્મા મળ્યા છે એ ભાવ આવે છે.

કોઈ પણ દીક્ષા લેનાર વ્યક્તિ ક્યારેય પણ એમ વિચારે નહિ કે હું સંસારને છોડીને જાઉં છું. એ કહે છે, હું પરમાત્મા ને મેળવવા માટે જાઉં છું. તો જીવન પરમાત્માના અનુભવ માટે છે… સ્વના અનુભવ માટે છે…  એ અનુભવ કેમ કરવો; એના માટે આપણી સામે સૂત્ર આવ્યુ- ‘અનુભવ અભ્યાસી કરે.’ હવે જો તમે નક્કી થઇ ગયા, કે પરનો સંગ છૂટી જવો જોઈએ, સ્વનો આનંદ મળવો જોઈએ; તો પરનો સંગ છૂટે. એના માટે અભ્યાસ ચાલુ કરવાનો. એ અભ્યાસ કઈ રીતે થાય? એની મજાની વાત કરું.

રશિયામાં હમણાં જ યોગાચાર્ય ગુર્જિયેફ થયા. ગુર્જિયેફ સેંકડો સાધકોને યોગ સાધના, ધ્યાન સાધના શીખવાડતા. ક્યારેક અઠવાડિયાની ક્યારેક દશ દિવસની. એકવાર એમણે સઘન સાધના કરવવાનું વિચાર્યું. અને એના માટે ૩૦ સાધકોને પોતે select કર્યા. એક મોટો hall -આવડો. એમાં એ ૩૦ સાધકોએ રહેવાનું. બાજુમાં બીજી બધી જ વ્યવસ્થા – જમવાની, ન્હાવાની, ધોવાની. સાધના શરૂ થવાની હતી. એની આગળની સાંજે ગુર્જિયેફે ૩૦ સાધકોને પોતાની સામે બેસાડ્યા. અને કહ્યું કે આ સાધના આ વખતની તમને સઘન ઊંડાણમાં લઇ જવા માટેની છે. તમારે ધ્યાન તો કરવાનું જ છે. પણ ૨૪ કલાક તમારી આંખો બંધ રહેવાની નથી. આંખો ખુલ્લી હોય તો પણ વાંધો નથી ક્યારેક. પણ આંખ ખુલ્લી હોય ત્યારે પણ તમારા સિવાયના ૨૯ સાધકો પૈકીનો એક પણ સાધક આ કરે છે. આ ક્રિયા કરે છે એ બરોબર નથી કરતો. આવું જો મનમાં આવે તો તમારે hall છોડી દેવાનો. તમારી સાધના પુરી થઇ ગઈ. એટલે ગુર્જિયેફ એ સાધકોને એવો સઘન અભ્યાસ કરાવવા માંગે છે કે એમના મનની અંદર પણ બીજા કોઈની નોંધ ન લેવાય. આ કેટલી મજાની સાધના થઇ. તમે અહીંયા બેઠા છો. કાયા સ્થિર નથી. બરોબર? ચહેરો સ્થિર નથી. આંખો સ્થિર નથી. કોઈ આવ્યું, કોઈ ગયું. તરત એની નોંધ લેવાય છે. તમને ખબર છે, અમારું કામ કેટલું અઘરું?

અર્જુને રાધાવેધ કરેલો, એમાં શું હોય… રાધા નામની પુતળી હોય, એ ચક્કર ચક્કર ફરતી હોય, એની નીચે બે – ચાર ચક્રો હોય, એક આમ ફરે, એક આમ ફરે.. એક ધીમું ફરે, એક વેગથી ફરે. એવી એક સેકંડ મળવી જોઈએ કે બધા જ ચક્રો ખુલેલા હોય, બધા જ ચક્રો જે છે એનો પોલાણ વાળો ભાગ ખુલેલો હોય, અને પુતળીની આંખ પણ ત્યાં આવેલી હોય. અને એ સેકંડને સાધી લેવામાં આવે. અને પૂતળી ની આંખ વીંધાઈ જાય. તો રાધાવેધ કર્યો કહેવાય. એ વખતે પણ નજર ક્યાં રાખવાની; નીચે પાણી ભરેલા હોજમાં.

એકવાર અર્જુને કૃષ્ણને પૂછેલું કે ધનુષ્ય બાણ મારી પાસે, ચક્ર સમાંતર ક્યારે ખુલે એ મારે જોવાનું, પુતળીની આંખ ક્યારે આવે, એ મારે જોવાનું, બાણ મારે લાગવાનું, તો તમે શું કરશો? શ્રી કૃષ્ણ એટલે ગુરુ ચેતના. અર્જુન એટલે શિષ્ય ચેતના. બહુ મજાની વાત છે; શિષ્ય ચેતના ગુરુચેતનાને પૂછે છે, હું આટલું કરીશ તમે શું કરશો… એ વખતે શ્રી કૃષ્ણ કહે છે કે હવાનો ઝપાટો ન આવે, અને હોજનું પાણી સહેજ પણ તરંગીત ન થાય એ હું જોઇશ. કોઈ પણ ક્ષણ તારી પાસે આવી પણ એ વખતે હવાનો ઝપાટો આવ્યો, અને હોજનું પાણી આમ થી આમ થઇ ગયું, તો તને શી રીતે ખબર પડશે.

તો સદ્ગુરુ તમારા મનના જડને સ્થિર કરી દે, પછીની પ્રક્રિયા તમે શરૂ કરી દો. તો અમારું કામ છે ને રાધાવેધ થી એ અઘરું. ત્યાં તો ૩ – ૪ ચક્રો હતા. અહીંયા કેટલા ચક્રો છે… Conscious mind ક્યાંય બીજે હોય, subconscious બીજે હોય, Unconscious ત્રીજે હોય, અને આ ૩ મન તો મોટા – મોટા થયા. એક અને બીજાની વચ્ચે અવાંતર મન પણ ઘણા છે. તો એ બધા મન ગુરુની દિશામાં ખુલેલા હોય અને અમારો એક શબ્દ ત્યાં જાય, તો કંઈક કામ થાય. એટલે એક કલાક મહેનત કરીએ અને એક શબ્દ જાય ને ત્યાં તો અમે માનીએ કે અમારો પરિશ્રમ સફળ થયો. બરોબર…?

તમે કહો ને સાહેબ એક શબ્દ નહિ ઘણા શબ્દ જાય છે. પણ ક્યાં સુધી….ક્યાં સુધી? એ શબ્દો conscious mind સુધી જાય છે. Unconscious mind સુધી એ શબ્દોને તમે લઇ જતાં નથી. અને Unconscious mind જે છે એ બદલાશે નહિ. અસ્તિત્વનું સ્તર બદલાશે નહિ; ત્યાં સુધી સાધના શરૂ નહિ થાય. conscious mind કેટલું ખબર છે? હિમશિલા તરતી હોય દરિયામાં, એનું ટોપચુ બહાર દેખાતું હોય, આખી ને આખી હિમશિલા દરિયામાં હોય. તો એ ટોપચા જેટલું conscious mind છે. બાકીનો ભાગ બધો Unconscious mind નો છે.

ઘણીવાર છે ને ભોયરું હોય, પાણી આવતું હોય, બહેન ભોયરાને સાફ કરી નાંખે, બિલકુલ કોરું કરી નાંખે, દશ મિનિટમાં પાછું પાણી લીક થવા માંડે, કેમ… આજુબાજુમાં વરસાદ બહુ પડેલો હોવાને કારણે પાણી ખૂબ ભરાયેલું છે, એ પાણી ત્યાં આગળ આવે છે. એમ Unconscious mind માં જે સંસ્કારો પડેલા છે, એ conscious mind માં આવે છે.

હું અમદાવાદમાં હતો અને એ વખતે એક સંઘની અંદર ભક્તિ સંવેદના નો કાર્યક્રમ હતો. સવારે ૫ થી ૮ સુધી ભક્તિ અને સંવેદના ચાલી. હજારેક લોકો પકડાઈ રહેલા. ૮ વાગે પ્રોગ્રામ પૂરો થયો. અને જાહેરાત થઇ કે બધાએ નવકારશી નો લાભ આપીને જ જવાનું. એક ભાઈ બાજુના હોલમાં ગયા, ખુરશી પર બેઠા. વેઈટર આવ્યો, એને ચા નાંખી કપમાં, ચા નો કપ હોઠે લગાવ્યો, એક ઘૂંટડો પીધો, ચા ઠંડી, બેસ્વાદ; અને એકદમ મનમાં વિચાર આવ્યો, કે આવું આ લોકોનું management, ચા માં એ ઠેકાણું નહિ. અડધી મિનિટ માત્ર આ વિચાર આવ્યો. પણ એ ખરેખર સાધક હતો. એ ધુજી ગયો. કે ૩ કલાક સુધી મારું મન ભક્તિની ધારામાં રહેલું, ભક્તિની ધારામાં વહેલું, એમાં આ એક ઘૂંટડો ચાયે, એ ધારાને તોડી નાંખી! એ વિચારમાં પડી ગયો… How it is possible? ત્રણ કલાકની ધારાને એક સેકંડમાં લેવાયેલ ચા નો ઘૂંટડો તોડી કેમ શકે?

એ મારી પાસે ભાઈ આવ્યા. મને એમણે આ વાત પૂછી. ત્યારે મેં કહ્યું કે ભક્તિમાં વહેલું હતું એ તમારું conscious mind હતું. આ યાદ રાખો બરોબર. વ્યાખ્યાન સાંભળો છો, conscious mind થી… Unconscious mind માં એને જવા નથી દેતાં. જ્યાં રાગ છે, જ્યાં દ્વેષ છે, જ્યાં અહંકાર છે; એ Unconscious mind માં આ બધી વાતોને મુકવાની છે. Lamp ક્યાં મુકવાનો હોય; જ્યાં અંધારું છે ગુફામાં ત્યાં. અજવાળું છે, ત્યાં lamp મુકવાની જરૂર નથી. તો મેં કહ્યું ભક્તિની ધારામાં વહ્યું; એ તમારું conscious mind હતું. પણ Unconscious mind માં તો આહાર સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આ બધી સંજ્ઞાઓ જ બેઠેલી હતી. એટલે ૩ કલાકની ભક્તિધારા ઉપર ૨ સેકંડ ની આ સંજ્ઞામાં એ પ્રવૃત્તિ જે છે એણે કબજો જમાવી લીધો. Unconscious માં રહેલા સંસ્કારો કેટલા પ્રબળ હોય છે. આપણે સાધનાને માત્ર conscious mind ના સ્તર સુધી લઇ ગયા. આ ચાલી નહિ શકે. Unconscious સુધી સાધનાને ઉતારવી પડશે.

મેં અને તમે, કેટલી વાર ભૂતકાળની અંદર આ પ્રભુની સાધનાને કરેલી. આ જન્મમાં તમે શ્રમણ નથી. પણ ગયા જન્મમાં ક્યારેક તમે શ્રમણ પણ બનેલા. આ બધું થયું, પ્રભુની સાધના મળી. એ સાધના ઘૂંટાઈ, અને છતાં સંસાર ચાલુ રહ્યો કેમ..? કારણ એક જ કે એ સાધના conscious mind ના સ્તર સુધી જ રહી. Unconscious માં રહેલ રાગ, દ્વેષ ને અહંકાર એવા ને એવા સાબૂત રહ્યા. તમે આ જન્મનો વિચાર કરો, આટલા વર્ષથી સાધના કરું છું. રાગ, દ્વેષ અહંકાર માં કોઈ ફરક પડ્યો..?

એટલે એવી રીતે સાધના કરવી છે કે રાગ, દ્વેષ અને અહંકાર આપણા શિથિલ થતાં જાય. એટલે જ મેં કહેલું એક ગુરુ પાસેથી સાધનાને લો. દર ૪ કે ૬ મહીને એ સદ્ગુરુ પાસે જાઓ અને એમણે આપેલી સાધના દ્વારા તમારામાં શું પરિવર્તન આવ્યું એની વાત કરો. પછી ગુરુ તમને આગળની સાધના સુધારી વધારીને આપશે. અને એ રીતે સદ્ગુરુ તમને result આપશે. અમે તૈયાર.. અમે તૈયાર.. તમે જો તૈયાર હોવ તો અમે તૈયાર.

મેં તો વચ્ચે કહેલું કે હું guarantee card લખીને આપું. કે તું જો પ્રભુની આજ્ઞાને સમર્પિત હોય, તો તારી સાધના ૫ વર્ષે આ મુકામ પર આવીને ઉભેલી હશે.

તો આજે આ વિચારને મનમાં સ્થિર કરો. કે સાધના માત્ર conscious mind માં હશે એ ચાલશે નહિ. અસ્તિત્વના સ્તર સુધી સાધના ને લઇ જવી પડશે.

એના માટે અભ્યાસ. ‘અનુભવ અભ્યાસી કરે.’

ગુર્જિયેફ એ ૩૦ સાધકોને કેવી રીતે સાધના ઘૂંટાવે છે એની વાત આવતી કાલે..

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *