Anandghanji Ne Sathvare – Vachana 30

854 Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પૂરન મન પૂરન સબ દીસે

सूरत निरत को दीवड़ो – મનની એવી ભૂમિકા બનેલી હોય, કે જ્યાં નિરંતર પ્રભુનું સ્મરણ છે. માત્ર દુઃખની ક્ષણોમાં જ નહિ, પણ સુખની પણ એક-એક ક્ષણમાં પ્રભુનું સ્મરણ હોવું જોઈએ.

કયું મન પૂર્ણ હોઇ શકે? જે આજ્ઞાવાસિત છે, તે. અનાદિકાળની સંજ્ઞાઓ મન પર એવી હાવી થયેલી છે કે જેના કારણે તમારું મન અત્યારે અપૂર્ણ છે; માટે તમને બધે અપૂર્ણતા જ દેખાય છે. એ સંજ્ઞાવાસિત મનને આજ્ઞાવાસિત મનમાં ફેરવી દઈએ, પછી પૂરન મન પૂરન સબ દીસે.

તમે કાં તો પસાર થઈ ગયેલા દુઃખદાયક પર્યાયોને વાગોળી રહ્યા છો અથવા ભવિષ્યના પર્યાયો કેવા આવશે – એની ચિંતામાં છો. ક્રમબદ્ધ પર્યાયો પસાર થઇ રહ્યા છે; એમને માત્ર જોવાના છે. જે પણ પર્યાય ખુલે, એને માત્ર જોતાં જો તમને આવડી જાય, તો પછી નહિ દુવિધા કો લાગ.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩૦

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

એક અનુભૂતિ. થોડા દિવસથી આપણે એક મજાની યાત્રા કરી રહ્યા છીએ, અનુભૂતિ તરફની… There should be the experience. ચા ને માત્ર જોવાથી તમે સંતુષ્ટ બનતા નથી. ચા ને પીવો છો. સાધના ને પીવી છે.. ભક્તિને પીવી છે… પી ક્યારે શકાય…. જ્યારે એ જ્યુસ જેવી પ્રવાહી થઇ ગયેલી હોય, ત્યારે તમે પી શકો. ગટગટાવી શકો. સાધના શબ્દોમાં છે કે વિચારોમાં છે; ત્યાં સુધી જ્યુસ બની શક્તિ નથી, ઓગળી શકતી નથી. જે ક્ષણે સાધના કે ભક્તિ ઓગળી ગયા; અનુભૂતિની રસધાર તમારી ભીતર વહેશે.

ચિદાનંદજી મહારાજની બહુ જ મજાની પ્રસ્તુતિ છે, એમને પૂછવામાં આવ્યું કે અનુભૂતિ એટલે શું? અનુભૂતિ તમે કોને કહો છો? ત્યારે એમણે કહ્યું, “આપોઆપ વિચારતાં, મન પામે વિસરામ. રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ.” બહુ મજાની વાત કરી – “આપોઆપ વિચારતાં, મન પામે વિસરામ” સાધનાને, મનની પેલે પાર જઈને તમારે અનુભવવી છે. શબ્દ છે; ત્યાં સુધી મન છે. વિચાર છે; ત્યાં સુધી મન છે. શબ્દો અને વિચારને પેલે પાર તમે છો. અત્યારે તો તમને કાર્યો નો થાક લાગે. અમને લોકોને શબ્દોનો થાક લાગે. વિચારોનો થાક લાગે. કારણ શબ્દ પર છે. વિચાર પર છે. સ્વના આનંદને છોડીને પરમાં જવું પડે; એ ડંખે છે. તમારા સુધી પ્રભુની વાત વિસ્તારવા માટે શબ્દોનો ઉપયોગ અમારે કરવો પડે છે.

પણ બે – ત્રણ – ચાર કલાક એક દિવસમાં બોલવાનું થાય તો થાક લાગે છે. થાક બોલવાની પ્રક્રિયા નો નહિ, શરીરના થાકનો નહિ. પણ ભીતરના થાકનો. પરમાં જવું પડે; એ જ ન ગમે. તો આવી એક ભૂમિકા છે. જ્યાં શબ્દોનો થાક લાગે, વિચારોનો થાક લાગે. અમે લોકો વિચારો તો કરીએ નહિ, પણ શબ્દો વાપરવા પડે છે. મેં એકવાર વાચના માં કહેલું, કે ક્યાં સુધી હું શબ્દો આપતો રહીશ, તમે સદ્ગુરુના મૌનને પીતા થાઓ. બસ સદ્ગુરુની પાસે બેઠા, સદ્ગુરુ મૌનમાં છે. માત્ર એમની ઉર્જાથી તમારું ચિત્તતંત્ર, તમારૂ પૂરું અસ્તિત્વ ભરાઈ જાય.

ભગવાન બુદ્ધ પાસે એક વ્યક્તિ આવેલી, બુદ્ધ ધ્યાનમાં છે, આંખો બંધ છે. પેલો ભાઈ આવ્યો, ૧૦ એક મિનિટ બુદ્ધની ઉપનિષદ માં બેઠો. પછી એને જવાનું હતું. એ ઉભો થયો. અને એણે કહ્યું, ભગવાન તમે મને ખુબ આપ્યું, તમારો ખુબ આભાર. બુદ્ધ ધ્યાનમાં જ હતા, બુદ્ધ મૌનમાં જ હતા. એક શબ્દ બુદ્ધે એને આપ્યો નથી. અને એ વ્યક્તિ કહે છે, ભગવાન તમે મને ખુબ આપ્યું. તમારો આભાર.

પાછળથી પટ્ટશિષ્ય આનંદે પૂછેલું કે ભગવાન તમે તો ધ્યાનમાં હતા, મૌનમાં હતા, એને તમે કંઈ આપ્યું નથી, એણે આભાર શેનો માન્યો… ??? ઠીક છે તમે મૌનમાં હોત, આંખો તમારી ખુલ્લી હોત, તમે ચહેરા પરના સ્મિતથી એને આવકાર્યો હોત તો પણ એ આભાર માને. પણ તમારી આંખો બંધ હતી. તમે એને જોયો પણ નથી. એ વખતે બુદ્ધે બહુ સરસ વાત કરી, બુદ્ધે કહ્યું – કોઈ વ્યક્તિની પાસે કોડિયું છે, એમાં ઘી પૂરેલું છે, રૂ ની વાટ પણ મુકાયેલી છે, હવે એને શું જોઈએ… યા તો દીવાસળી, યા તો જીવંત દીપ. એ માણસનું કોડિયું, ઘી, દિવેટ બધું જ બરોબર હતું. એને માત્ર જીવંત દીપની જરૂરિયાત હતી. કે દીવાની વાટ સાથે પોતાની વાટ ને touch કરી દે, એટલે પોતાનો દીપ પ્રજલી ઉઠે. ૧૦ મીનીટમાં એનો દીપ પ્રજલી ઉઠ્યો, એણે આભાર માની લીધો.

મીરાંએ એક બહુ મજાના દીપકની વાત કઈ છે. ભીતરના દીપકની, – “સૂરત નિરત કો દિવલો જોયો, મનસા પૂરન બાતી, અગમ ઘાણી કો તેલ સિંચાયો, બાલ રહી દિનરાતી.” કોડિયું કયું… તમે ભલે ચાંદીનું ફાનસ લઈને આવો. વાત તો એકની એક જ છે – દિવેટ ને મુકવાનું સ્થાન.

તો “સૂરત નિરત કો દિવલો જોયો” સૂરતિ અને નિરતિ યોગ પરંપરાના મજાના શબ્દો છે. પાછળથી સૂરતિ અને નિરતિ નો અર્થ આખો બદલાય જાય છે; પણ અનુભૂતિ થયા પછી. અનુભૂતિ થયા પહેલા, સૂરતિ એટલે સ્મૃતિ, નિરતિ એટલે નિરંતર. કોડિયું એવું હોય; મનની ભુમિકા એક એવી બનેલી હોય, કે જ્યાં નિરંતર પ્રભુનું સ્મરણ છે.

તમે પ્રભુ ક્યારે યાદ આવે બોલો..? સુખની એક – એક ક્ષણમાં પ્રભુ તમને યાદ આવે..? લોકો પહેલા કહેતાં; સુખે સમરે સોની, દુઃખે સમરે રામ. સુખની ક્ષણો આવે, એટલે ભાઈ હવે સોનાના દાગીના ઘડાવો. સોની પાસે જાઓ. દુઃખ આવ્યું, તો ભગવાનને યાદ કરો. તમારા વ્યવહારો પણ કેટલા મજાના હોય છે. કોઈ પણ દીકરાનો જન્મ થાય, ત્યારે શું લખાય જન્મપત્રિકામાં; અખંડ સૌભાગ્યવતી, ફલાણી ફલાણી બાઈએ દીકરાને જન્મ આપ્યો છે. કોઈ expired થાય, ત્યારે લખવામાં આવે કે ફલાણા ભાઈ દેવલોક પામ્યા છે, ભગવાનને ગમ્યું તે ખરૂ.. કેમ ભાઈ… જન્મ આપ્યો તો અમે આપ્યો. લઇ લીધો તો ભગવાને લઇ લીધો.

પ્રભુનું સ્મરણ સુખની એક – એક ક્ષણમાં થવું જોઈએ. ગુરુદેવનું સ્મરણ ક્યારે થાય…? કોઈ પણ મુનિ ભગવંત કે સાધ્વીજી ભગવતીનું સ્મરણ ક્યારે થાય…? ઉનાળાનો સમય હોય, ક્યાંક ગયા, ત્યાં a.c. નથી. ગરમી એટલી બધી છે કે પંખો પણ ગરમ હવા ફેંકી રહ્યો છે. એ વખતે a.c. યાદ આવે કે મ.સા. યાદ આવે…? કોણ યાદ આવે…? યાદ કોણ આવે…? a.c. યાદ આવે…? મ.સા. યાદ આવે …! વાહ!

સાહેબ શી રીતે રહેતા હશે… એમને તો પંખો પણ use નથી કરવો. અને સાહેબની યાદ આવે તો શું થાય… તમારું દુઃખ ગાયબ. અને a.c. ને યાદ કરો તો દુઃખ હાજર. a.c. નું સ્મરણ તમને દુઃખ આપે; તો a.c. શું આપે. બોલો… જેનું સ્મરણ દુઃખ આપે… એ પદાર્થ શું આપે.

તો “સૂરત નિરત કો દિવલો જોયો, મનસા પૂરન બાતી, વાટ કહી છે; પૂર્ણ મન… પૂર્ણ મન કઈ રીતે થાય… પ્રભુ આપણા મનમાં આવે; આપણું મન પૂર્ણ.

મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ વાત કરી “મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂરણ રાગ…” એ પછી શું થયું… “પૂરન મન પૂરન સબ દિશે, નહિ દુવિધા કોઈ કમ” પૂરન મન – પ્રભુ આવ્યા; મન પૂર્ણ થઇ ગયું. પ્રભુ આવી જાય, પ્રભુ મળી જાય, પછી બીજું જોઈએ શું…? પૂરન મન…જે ક્ષણે અમારા મનમાં પણ પરમાત્મા, એમની આજ્ઞા પૂર્ણ તયા આવે છે; એ ક્ષણે અમે પૂર્ણ આનંદમાં હોઈએ છીએ. કશું જ કરવાનું નથી.

પરમાત્મા અંદર આવી ગયા; કર્તૃત્વ પ્રભુને સોંપી દો, Being તમારી પાસે રાખો. ૨ ભાગ પાડી નાંખો. અત્યાર સુધી doing નો ભાર ઉચકીને ચાલતા હતા. હવે પ્રભુ આવી ગયા મનમાં, બધું જ doing પ્રભુને સોંપી દો. મારા ૩ – ૪ વર્ષના ચાતુર્માસ નક્કી હોય, એટલા કાર્યક્રમો નક્કી હોય, પણ આવતી ક્ષણ માટે હું non – committed છું. આવતી ક્ષણ; જેવી પણ હશે, સ્વીકારવાની છે મજાથી.

ક્રમબદ્ધ પર્યાય એક બહુ સરસ સાધનાનો શબ્દ છે. પર્યાયો ક્રમની અંદર બંધાયેલી છે. એ ક્રમ પૂર્વક પસાર થવાની જ છે. તમે રોકવા જાઓ તો રોકાવાની નથી. રેલ્વે જતી હોય, તમે હાથથી એને રોકશો… ડબ્બા પાસે હાથ મુકો તો શું થાય..? એમ ક્રમબદ્ધ પર્યાય. પર્યાયોની આ ગાડી સતત ચાલવાની છે. તો તમે શું કરી શકો? તમે અત્યારે જે પર્યાયો ગયા, એ દુઃખદાયક હતા, તો એ પર્યાયોને મનમાં રાખીને એ દુઃખને વાગોળી રહ્યા છે. અને જે પર્યાયો આવ્યા નથી. એ કેવા આવશે… એની અનિશ્ચિતતા ની ચિંતામાં તમે ઝૂમો છો. પર્યાય જે પણ ખુલે; તમારે જોવાનો છે.

સાધના કેવી છે આમ; આત્મદ્રવ્યની અંદર જવાનું, અને પર્યાયો ને માત્ર જોવાના. તમે શું કર્યું, એક – એક પર્યાયમાં involve થયા અને આત્મદ્રવ્યને માત્ર જોઈ લીધું શબ્દોથી. જ્યાં જવાનું હતું, ત્યાં જોવાનું કર્યું. જોવાનું હતું, ત્યાં જવાનું કર્યું. પર્યાયોને માત્ર જોવાના છે. પસાર થઇ રહ્યા છે, અને એ જોતા આવડે ને તો પર્યાયોનું પણ એક સૌંદર્ય છે. માત્ર greenery નું સૌંદર્ય હોય છે એમ નહિ. રણ ની પાસે પણ એક સૌંદર્ય છે.

આપણે જેસલમેર જઈએ, પણ ત્યાં સુધી અસલ રણનો પરિચય આપણને થતો નથી. જેસલમેર થી ૪૨ કિ.મી. દૂર સામ નામનું સ્થળ છે. જ્યાં આ લોકો રણ ફેસ્ટીવલ યોજે છે. ત્યાં કણે વાસ્તવિક રણ તમને દેખાય. પણ એ રણને જોઇને લોકો મુગ્ધ થઇ જાય છે. એના આરોહ, અવરોહ, એની ખીણો, એના ચડાવો, તો પર્યાયોને જુઓ. તો ઉપાધ્યાયજી ભગવંત કહે છે, ‘પૂરન મન’ – મન પૂર્ણ થયું તો શું થયું… પૂરન સબ દિશે. બધું જ પૂર્ણ દેખાય છે, હવે… કોઈ પણ વ્યક્તિ દોષયુક્ત તમને દેખાતી નથી. એનામાં આ ગુણ છે, આમનામાં આ ગુણ, આમનામાં આ ગુણ… દરેક વ્યક્તિ તમને પૂર્ણ દેખાય છે. એટલે તમારી બધી ફરિયાદ ગઈ.

ખરેખર તો ફરિયાદ શેની હોવી જોઈએ. સાહેબ! સદ્ગુરુ મળ્યા, પ્રભુનું શાસન મળ્યું, છતાં મારા દોષો જતા નથી. એ ફરિયાદ હોવી જોઈએ ને… તમારા મનમાં સાચો-સાચ ફરિયાદ શેની છે… પેલો આમ છે ને પેલો આમ છે. પેલો આમ છે ને પેલો આમ છે. આ ભાઈ આમ ધર્મ કરે, અષ્ટપ્રકારી પૂજા કરે અને દુકાને જાય ત્યારે…. બીજાના દોષ જોવાથી પીડા થાય છે? થાય છે…. તો શા માટે કરો છો?

એક બહુ મજાની ઘટના કહું, જો યાદ રાખશો ને તો તમારું જીવન બદલાઈ જશે. એક ગુરુ પાસે એક શિષ્ય આવે છે. પણ ગુરુ જોડે લોકો બેઠેલા હોય છે. એટલે શિષ્ય પાછો જાય છે. બીજીવાર, ત્રીજીવાર, ચોથીવાર, એ ગુરુ પાસે આવે છે. પણ ગુરુની ચેમ્બર ભરાયેલી જ હોય છે. અને એટલે એને જે વાત કહેવી છે ખાનગીમાં, એ કહી શકતો નથી. પાંચમી વખત એ આવ્યો, ત્યારે ગુરુ એકલા હતા. એને એક વાત કરવી હતી, શિષ્ય હતો, અને એટલે એને પોતાના સમુદાય પ્રત્યે મારાપણું હતું. અમારે લોકોને કોઈ સમુદાય નથી. કોઈ ગચ્છ નથી. પંચ મહાવ્રત જ્યાં છે ત્યાં નમન. હું ક્યારે પણ કોઈ વાત મારા સમુદાયને આશ્રયીને કરતો નથી. પૂરું જિનશાસન. અને પૂરા જિનશાસનના શ્રમણો અને શ્રમણીઓ. પ્રભુએ જ આ દ્રષ્ટિ મને આપી છે.

પેલો શિષ્ય, પ્રારંભિક કક્ષાનો હતો. એટલે પોતાના સમુદાય પ્રત્યે એને રાગ હતો. બીજા સમુદાય પ્રત્યે સહેજ પેલી દ્રષ્ટિ હતી. બીજા સમુદાયના એક સાધુએ મોટી ભૂલ કરેલી. અને એનો ખ્યાલ એને આવેલો. અને એ વાત એને ગુરુને કહેવી હતી. કે જો સાહેબ આપણો સમુદાય કેટલો સારો, પેલામાં તો આવું છે… ગુરુએ એનો ચહેરો જોયો, સમજી ગયા. ગુરુ પાસે વાત આવી ગયેલી હતી. ગુરુએ કહ્યું કે – તારી વાત પછી સાંભળીશ. પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ. તું જે વાત મારી પાસે રજુ કરવા માંગે છે, એ તે સાંભળેલી છે કે જોયેલી છે? તો કહે કે સાહેબ સાંભળેલી છે. સાંભળેલી વાત ખોટી ન હોઈ શકે… કોઈએ કોઈના દ્વેષથી ઉછાળી હોય વાત… તો કહે સાહેબ ખોટી હોઈ પણ શકે. અચ્છા બીજો સવાલ…. એ તું મને કહે અથવા કોઈને પણ કહે તો એ સંભાળનારા ને શું લાભ થાય, એ મને કહે….? જિનશાસનના એક મુનિ આવો દોષ સેવ્યો છે. એ વાત તું બીજાને કહે, એથી બીજાને શું મળશે..? બીજાની શ્રદ્ધા ઓછી થશે. મળવાનું શું હતું…. તો બીજાને કંઈ મળે? તો કહે કે ના સાહેબ ના મળે … ત્રીજો પ્રશ્ન – એ વાત કરવાથી તને શું મળે? તું એક મહાત્માની નિંદા કરે, વેશ પરમાત્માની નિંદા કરે, તો એથી તને શું મળે… તો કહે કે સાહેબ આમાં કંઈ મળે નહિ.

તો ગાંડાભાઈ જે વસ્તુ ખોટી પણ હોઈ શકે, even સાચી હોય તો પણ, સાંભળનાર ને લાભ નથી. બોલનાર ને લાભ નથી. તો એ વાત તું કેમ રજુ કરવા માંગે છે? બરોબર જચી ગઈ આ વાત.. ગમી… ગમી.. સાંભળવામાં ગમી? અંદર ઉતારવામાં ગમી….?

આજે તમારો યુગ મીડિયા નો છે. કેટલાક અસંતુષ્ટ વ્યક્તિ એવા હોઈ શકે, કે જેને જિનશાસનની ગરિમા ને ખંડિત કરવામાં રસ હોય, એવા માણસો ખોટી વાતો પણ રજુ કરશે. તમે જેને પૂજ્ય તરીકે જોતા હોવ, એના માટે પણ ખરાબ વાતો મુકશે. પણ એથી તમે શું કરશો. તમે નક્કી કરો, એવી કન્ટેન્ટ જોવાની જ નહિ. કોઈને કહેવાની પણ નહિ. અને પ્રભુને પ્રાર્થના કરવાની કે પેલા લોકોની બુદ્ધિ સુધરે. તમે કોને અટકાવા જાઓ… કોણ છે એ ખબર પડવાની નથી. તો પ્રભુને પ્રાર્થના કરવાની. કે એ લોકોની પણ સદ્બુદ્ધિ ઉગે. અને એ લોકો આવું અકાર્ય કરતા અટકે.

તો ગઈ કાલે મેં કહેલું કે જિનશાસનનો અનુરાગ તમારા conscious mind ના level સુધી છે. કે unconscious mind ના level સુધી ઉતરેલો છે. એની ખબર અહીંયા પડે… તમે જો બીજાને ફોન કરીને કહો, આ જરા જોવા જેવું છે. તો ખલાસ તમે ગયા. જિનશાસનની ગરિમાને ખંડિત કરતું એક પણ દ્રશ્ય તમે સાંભળી કેમ શકો. જોઈ કેમ શકો? અને જોઈ જો શકતા હોવ રસથી, તો માનવું પડે કે શાસનનો રાગ માત્ર conscious mind ના level પર છે. વાજા વાગે ત્યારે ઉપાશ્રયમાં આવી જઈએ, અને દુકાને બેઠા હોય તો આવી કન્ટેન્ટ જોયા પણ કરીએ. એ ન ચાલે. આવો જો શાસનનો અનુરાગ હશે ને તો એ આવતાં જનમમાં પ્રભુ શાસન મેળવવામાં આપણને સહયોગી નહી નીવડે. આવતાં જન્મમાં આપણને પ્રભુ શાસન જોઈએ છે. ‘ભવે ભવે તુમ્હ ચલણાણં’ જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રભુ તારું શાસન મળવું જોઈએ. રોજ બોલતા હશો; ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા, પણ એમાં હૃદય ભળે છે? પ્રાર્થના વાસ્તવિક ત્યારે છે, જ્યારે એમાં તમારું પૂરું હૃદય ભળેલું હોય.

તમે કોને પ્રાર્થના કરો… ભગવાનને. સર્વજ્ઞ પરમાત્માને. એ તમારા મનને ન જાણે?! કે સારો આ અહીંયા પોપટપાઠ કરવા આવ્યો છે? તમે કોઈને પણ કદાચ ઉલટું સુલટુ સમજાવી શકો. ભગવાનને કેમ સમજાવી શકો. એ તો હ્રદયની પ્રાર્થના ને જ માનવાનો છે. એટલે હેમચંદ્રાચાર્ય એ કહ્યું, વિતરાગ સ્તોત્રમાં, – विश्रृंङ्खलापि वाग्वृत्तिः, श्रध्दानस्य शोभते તમારી પાસે સારો કંઠ નથી, કોઈ વાંધો નથી. સારા શબ્દો નથી, કોઈ વાંધો નથી. તમારી પાસે ભાવ છે, તો તમારી પ્રાર્થના પ્રભુ સ્વીકારવા તૈયાર છે. પ્રભુની પાસે કેવી રીતે જવાનું, એની વાત હેમચન્દ્રાચાર્ય આપણને બતાવે છે; क्वाऽहं पशोरपि पशु-र्वीतरागस्तवः क्वच ?।હેમચંદ્રાચાર્ય જેવા કહે છે કે પ્રભુ પશુથી પણ હીન એવો હું ક્યાં… અને તારું સ્તવન ક્યાં? હું તારું સ્તવન કંઈ રીતે ગાઈ શકું? પશુથી પણ પોતાની જાતને હીન, કલિકાલ સર્વજ્ઞ કહી રહ્યા છે! આપણે તો ક્યાં હોઈએ…

તો પ્રભુ પાસે જાઓ ભલે ૧૦ મિનિટ વધારે નહિ..  પણ જે પ્રાર્થના કરો, heartly કરો. હૃદયથી ઉગે. તમે મોટી – મોટી પ્રાર્થના નહિ કરો. તમે એવી જ પ્રાર્થના કરો કે તમે જે પડાવ ઉપર છો, એનાથી આગળના પડાવ ઉપર તમે જઈ શકો.

હું એક ગામમાં ગયેલો, દેરાસર – ઉપાશ્રય આજુ – બાજુમાં… ૧૧.૩૦ વાગે એક ભાઈ આવ્યા, દેરાસરમાં અષ્ટપ્રકારી પૂજા કરી. પછી ચૈત્યવંદન કર્યું. પ્રભુ મહાવીરદેવ બિરાજમાન હતા. તો સિદ્ધારથના રે નંદન વિનવું, એ સ્તવન લીધું એમણે… એમાં પેલી પંક્તિ આવી – “ત્રણ રતન મુજ આપો તાતજી” એ ભાઈ એ ડૂસકાં ભર્યા… એ પંક્તિને repeat કરી – કરીને ગાય. “ત્રણ રતન મુજ આપો તાતજી” પછી એ ઉપાશ્રયમાં આવ્યા. વંદન કર્યું. એટલે મેં પૂછ્યું? કેમ તૈયાર? એટલે એમણે ઘડિયાળ સામે જોયું… ૧૨.૧૫ થયેલા. અને કહે સાહેબ હા તૈયાર, પધારો ગોચરી માટે. મેં કહ્યું, હું ગોચરીની વાત નથી કરતો. તમે ભગવાનને કહેતાં હતા ને  “ત્રણ રતન મુજ આપો તાતજી”. અત્યારે જ ઓઘો આપી દઉં બોલો તૈયાર છો. એટલે એ તો બગડ્યા… મને કહે ગામમાં ચૌદસીયા ઘણા છે. હું પ્રભુની ભક્તિ કરું, એટલે એ લોકો છાપ લગાવી કે આ દીક્ષા લેવાનો છે. મેં કયા કહ્યું કે હું દીક્ષા લેવાનો છું. મેં કહ્યું, હું તો વિહાર કરતો આજે ગામમાં આવ્યો. ગામમાં ચૌદસીયા કેટલા ને પૂનમિયા કેટલા મને કંઈ ખબર નથી. પણ તમે ભગવાનને કહેતાં હતા ને કે  “ત્રણ રતન મુજ આપો તાતજી” એટલે કહે કે સાહેબ એ તો હવે બોલવાનું હોય….  તમારે તો આવું નથી ને…

એવી સ્તવના કરો, એવી પ્રાર્થના કરો… કે તમે જે પડાવ પર છો, એ પડાવથી આગળ વધો. દા.ત. તમારા માટે એક પ્રાર્થના બહુ સારી છે.

નંદિષેણ મુનિએ અજીતશાંતિમાં છેડે પ્રાર્થના આપી. “મમ ય દિસઉ સંજમે નંદીમ્” પ્રભુ રત્નત્રયી તે આપી. હવે રત્નત્રયીના પાલનનો આનંદ પણ ક્ષણે ક્ષણે તારે આપવાનો છે. એક શબ્દ ફેરવીને તમારા માટે ની પ્રાર્થના બનાવી શકું… “મમ ય દિસઉ સાહણાએ નંદીમ્” પ્રભુ તારી સાધના મને મળી છે. તારી સાધના થોડી ઘણી હું કરું પણ છું. પણ જે સાધના હું કરું છું. એનો પુરેપુરો આનંદ મને મળવો જોઈએ. આ તમારી પ્રાર્થના હોવી જોઈએ. પૂજા કરો છો, પૂજાનો આનંદ ક્યાં છે તમારી પાસે… પૂજા કરીને દેરાસરથી નીચે ઉતરો, આમ ચહેરો બદલાયેલો હોય કંઈ…. દેરાસરે ગયા ત્યારે ચહેરો અલગ હતો. પૂજા કરીને નીચે ઉતર્યા, ત્યારે ચહેરો અલગ હતો એવું બને કંઈ? ભૂખ લાગી હોય, તીર્થમાં ગયા હોવ, ભોજનશાળામાં જાવ, જતી વખતે ચહેરો અલગ હોય, બરોબર જમીને બહાર નીકળો ત્યારે ચહેરો અલગ હોય ને…

સવારે bed માંથી સીધા નીકળ્યા આંખો ચોળતા ચોળતા તો ચહેરો અલગ છે. બાથરૂમ માંથી fresh થઈને નીકળ્યા તો… ચહેરો અલગ છે. તો પ્રભુનો સ્પર્શ કર્યો. અને એવો તો આનંદ થાય હ્રદયમાં કે જે આનંદ ચહેરા ઉપર તરવરતો હોય. ભોજનમાં તો શું છે, શરીરમાં કંઈ નાંખી દીધું. સ્નાન પણ શું છે, શરીરને નવડાવી નાંખ્યું. આ પ્રભુનો સ્પર્શ એટલે; ભીતરી સ્નાન. તમે પ્રભુનો અભિષેક કરો છો ને, પ્રભુ તમારો અભિષેક કરે છે, ખબર છે? છે ખબર?

હું શંખેશ્વરમાં હતો, સવાર તો પ્રભુની ભક્તિમાં ગઈ. બપોરે ઉપાશ્રયમાં બેઠેલો ૩ એક વાગે. એક ભાઈ આવ્યા, વંદન કર્યું. આંખમાં આંસુ… મેં પૂછ્યું શું થયું? ત્યારે એમણે કહ્યું કે સાહેબ ૧૦ વર્ષથી દર મહીને શંખેશ્વર આવું છું. દશમ પૂનમ એવું નક્કી નહિ. પણ મહિનામાં એક દિવસ જરૂર આવવાનું. પહેલી વખત આવ્યો, ત્યારથી ઈચ્છા હતી કે દાદાના અભિષેકનો ચડાવો મળે.. શરૂ કરું પણ મારા બજેટની બહાર જાય ત્યારે છોડી દઉં. આજે દાદાના અભિષેકનો ચડાવો મળ્યો. દાદાનો અભિષેક મેં કર્યો. મેં એને કહ્યું કે તે તો દાદાનો અભિષેક ૧૦ મિનિટ ૧૫ મિનિટ કર્યો હશે. દાદાએ તારો અભિષેક કેટલો કર્યો… મેં કીધું. જો અત્યારે તારી આંખમાંથી આંસુ નીકળે છે. એ દાદાએ કરેલો તારો અભિષેક છે. કોઈ પણ સારું કાર્ય કરો, આંખો ભીની બને, એ પ્રભુએ કરેલો તમારો અભિષેક છે. અને એટલે જ પૂજામાં લખ્યું વીરવિજય મહારાજે ‘પ્રભુ નવરાવીને મેલ નીવારશું.’ અભિષેક પ્રભુનો કરીશું, નિર્મળ અમે થઈશું.

તો ‘મનસા પૂરન બાતી.’ વાટ કહી છે; પૂર્ણ મન. તમારું મન અત્યારે અપૂર્ણ છે; માટે તમને બધે જ તકલીફ દેખાય છે. પેલો આમ… પેલો આમ…. પેલો આમ… કોઈની પણ વાત નીકળે ને જવા દો હવે… એ તો અહંકારનું પૂતળું છે. પેલાની વાત અરે મુકો ને એની વાત હવે. એને હવે સામાન્ય વાત કરીએ તો ગુસ્સો જ ગુસ્સો. ભાઈ પેલામાં અહંકાર છે. પેલામાં ગુસ્સો છે, પેલામાં રાગ છે, પણ તારામાં બધું છે. તો તારી સાથે જો ને.. કે તારી ભીતર શું છે. તો આપણી જાતને આપણે ક્યારે પણ જોઈ નથી. આપણા દોષોને આપણે ક્યારેય જોયા નથી. તમારે દોષોને દૂર કરવા છે?

એના માટે એક ત્રિપદી છે. આંતરનિરીક્ષણ, સંકલ્પ અને જાગૃતિ.

પહેલું આંતરનિરીક્ષણ – રાત્રે તમારી જોડે, એકલા તમે બેઠેલા હોવ, ત્યારે દિવસ દરમ્યાનમાં કઈ – કઈ ભૂલ થઇ એ શોધો. આંતરનિરીક્ષણ દ્વારા દોષો પકડાશે. કે પેલાની જોડે આટલી રફલી વાત મેં કરી એનાથી શું થયું, એને દુઃખ લાગ્યું. અને કોઈ કામ તો થયું નહિ. મેં પ્રેમથી કહ્યું હોત, તો મારું કામ પણ થઇ જાત. એને દુઃખ પણ ન લાગત. આંતરનિરીક્ષણ થી દોષ પકડાય, પછી સંકલ્પ કરો. કે આ દોષ એક અઠવાડિયા સુધી repeat ન થવો જોઈએ. અઠવાડિયા માટે જ. પછી શું થશે, એક self confidence આવશે, કે અઠવાડિયા સુધી હું રોકી શક્યો. તો કાયમાં માટે કેમ ન રોકી શકું. પણ પહેલા ચરણમાં અઠવાડિયું. તો સંકલ્પ; એક અઠવાડિયા સુધી આ દોષ repeat થવો ન જોઈએ. અને ત્રીજી વાત, જાગૃતિ. જ્યારે એવો અવસર મળી જાય. જ્યારે એવું નિમિત્ત મળી જાય. અને મનમાં ગુસ્સો આવવાની તૈયારી થાય. ત્યારે પેલી જાગૃતિ તમને રોકે કે ઉભો રહે, તે સંકલ્પ લીધેલો છે. તારાથી ગુસ્સો નહિ થાય. આ એક ત્રિપદી તમારી પાસે આવી ગઈ… દોષો ભાગવા માંડે.

મારું એક સૂત્ર છે. દોષો ડંખ્યા તો ગયા, ગુણો ગમ્યા તો મળ્યા. દોષો ડંખ્યા તો ગયા, ગુણો ગમ્યા તો મળ્યા. – અત્યાર સુધી સાચું કહો કેટલા ગુણો તમને ગમ્યા છે? બીજાના….. તમારા નહિ… શું થાય છે ખબર છે? તમને કોઈ વ્યક્તિ ગમે છે. એટલે એનામાં રહેલા ગુણોની તમે વાત કરો. ઓ ઓ…. ભલાણા ભાઈ શું એમની નમ્રતા, શું એમનો સમભાવ. આ રીતે તમે વર્ણન કરો. તમને વહેમ પણ થાય, કે હું ગુણાનુરાગી છું. પણ પગેરું પકડો. આવા જ ગુણો બીજામાં હોય, બાજુવાળામાં તમે એની સામે જોવા ય તૈયાર નથી. આના જ ગુણો તમને ગમે છે શું કારણ? કે એ ભાઈ તમારા અહંકારને થાબડે છે. વાહ! તમે તો બહુ સારા… તમે તો બહુ સારા… એટલે એ ગુણાનુરાગ હતો કે તમારા અહંકાર પ્રત્યેનો અનુરાગ હતો… શું હતું… હજુ સુધી બીજાના ગુણો, એ રીતે નથી ગમ્યા કે મારે આ જોઈએ છે.

મ.સા. બહુ સારા ને બોલો … કોઈ પણ સાધુ ભગવંત હોય, કોઈ પણ સાધ્વીજી ભગવતી હોય, એ સારા જ કહેવાય ને…. મ.સા. સારા… મ.સા. બનવું…. કોઈ મ.સા. બને તો બહુ સારું… તમારે મ.સા. બનવું… વિચાર જ નથી કર્યો હજી…

બંગલો કોઈનો ગમી ગયો. તો નક્કી કરો છો કે જ્યારે આટલા પૈસા થાય હું બંગલો આ જ design નો બનાવું. એમ મુનિરાજ માં પણ કોઈ મુનિરાજ નહિ, સાધના ગમી ગઈ તમે નક્કી કરો, કે ૫ વર્ષે – ૭ વર્ષે ધંધો wind up થાય એમ છે. અથવા દીકરાઓ સાંભળી લે એમ છે. હું નિવૃત્ત થાઉં છું. શરીર સશક્ત છે અને જો ગુરુદેવની રજા મળે, અને દીક્ષા માર્ગે હું જઈ શકું તો આવું જીવન હું જીવું. આવું ક્યારે વિચાર્યું છે…

અનાદિકાળની સંજ્ઞાઓ મન પર એવી હાવી થયેલી છે. કે સંજ્ઞા વાસિત વિચારો તરત આવી જાય, આ મને ગમે, આ મને ન ગમે. પણ આજ્ઞા વાસિત મન થયું નથી. એટલે “પૂરન મન, પૂરન સબ દીશે” મન પૂર્ણ કયું? જે આજ્ઞા વાસિત છે એ… કોઈ પણ મુનિનું મન આનંદમય હોવાનું. કેમ… કેમ એ મન આજ્ઞા વાસિત છે. તમારું મન સંજ્ઞા વાસિત છે. એ સંજ્ઞા વાસિત મનને આજ્ઞા વાસિત મનમાં ફેરવી દઈએ, તો તમે પણ કહી શકો. “પૂરણ મન પૂરણ સબ દિસે, નહિ દુવિધા કો લાગ”

તો મીરાં એક મજાની વાત કરે છે કે નિરંતર સ્મૃતિનું કોડિયું મારી પાસે છે. પૂર્ણ મનની વાટ મારી પાસે છે. અને અગમ્ય ઘાણીનું – પરમાત્મા તરફથી આવેલી પ્રસાદી, એ તેલ રૂપે છે. પ્રભુની પ્રસાદી વરસ્યા કરે છે. એ પ્રસાદી એ તેલ છે. તો હવે શું કરવાનું… બાલ રહી દિન – રાતી. દિવસ અને રાત, એ પ્રકાશ જે છે, એ ઝળ્યા કરે છે.

પણ “પૂરણ મન, પૂરણ સબ દિસે”, એના ઉપર વધુ વિશ્લેષણ કરવું છે, એ આવતી કાલે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *