Anandghanji Ne Sathvare – Vachana 31

1.2k Views 26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : अगम घाणी को तेल सिंचायो

પૂર્ણ મન એટલે ઉદાર મન, કોમળ મન, નિર્મળ મન. જ્યાં મારા કે પરાયા નો કોઈ ભેદભાવ ના હોય, તે ઉદાર મન. કોઈ પણ વ્યક્તિના આંસુને ક્યારેય જોઈ ન શકે, તે કોમળ મન. જેની આરપાર રહેલું બધું જ જોઈ શકાય, તે નિર્મળ મન.

अगम घाणी को तेल એટલે પ્રભુની કૃપા. એ કૃપાને ઝીલવા માટે receptivity જોઈએ. પ્રભુ! સંસારની અંદર ભલે હું ગમે તે કરી શકતો હોઉં, પણ સાધના માર્ગમાં હું સંપૂર્ણ અસહાય છું; તારે જે કરવું હોય તે કર. તમારું doing નષ્ટ થાય, એ receptivity.

પ્રભુની કૃપા બે સ્વરૂપે વરસે. પ્રભુ પોતાના કોમળ હાથોમાં તમને ઊંચકે અને લાંબી સફર કરાવે, તે અનુગ્રહ કૃપા. અને જ્યારે તમારો અહંકાર ફાલીને–ફૂલીને ફાળકો થયેલો હોય, ત્યારે ટાંકણી લઈને પ્રભુ એ ફુગ્ગાને ફોડી નાંખે, તે નિગ્રહ કૃપા.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩૧

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આનંદઘનજી ભગવંત પાસે એક અનુભૂતિ હતી. પરમ ચૈતન્યની – પોતાના નિર્મળ ચૈતન્યની; એ અનુભૂતિ આપણે પ્રાપ્ત કરવી છે. એ માટે ગઈ કાલે આપણે મીરાં એ ભીતરના દીપની જે વાત કરી હતી, એ જોતા હતા. ભીતર દીપ પ્રગટે; ઉજાસ જ ઉજાસ. જ્યારે યાત્રા અંદર છે, ત્યારે પ્રકાશ બહારનો કઈ રીતે ચાલે… ભીતરનો જ પ્રકાશ જોઈએ. 

તો મીરાં એ કહ્યું, “सुरत निरत को दिवलो जोयो, मनसा पूरन बाती। अगम घाणि को तेल सिंचायो, बाल रही दिन-राती।” કોડિયું; નિરંતર પ્રભુ સમરણ નું. વાટ; પૂર્ણ મનની… અને આગળ કહ્યું – “सुरत निरत को दिवलो जोयो, मनसा पूरन बाती। अगम घाणि को तेल सिंचायो” પરમાત્માનો પ્રસાદ; એ છે તેલ. બસ, ભીતરનો દીપ, એકવાર સદ્ગુરુ પ્રગટાવી આપે, એ નિરંતર ચાલશે. કારણ; વાટ ખતમ થવાની નથી, તેલ ખતમ થવાનું નથી, કોડિયું એમનેમ રહેવાનું છે. એકવાર સદ્ગુરુએ તમારા આંતર દીપને પ્રગટાવી આપ્યો. એ આંતર દીપ, શાશ્વત કાળ સુધી ચાલુ રહી શકે. 

મનસા પૂરન બાતી – પૂર્ણ મન. પૂર્ણ મન એટલે શું… ઉદાર મન, નિર્મલ મન, કોમલ મન. તમારું મન એટલું તો ઉદાર હોય, કે જ્યાં મારા કે પરાયા નો કોઈ ભેદભાવ ના હોય. એ એટલું તો કોમળ હોય, કે એક પણ વ્યક્તિના આંસુને એ ક્યારેય જોઈ ન શકે. એ એટલું તો નિર્મલ crystal clean હોય, કે તમે એ વ્યક્તિમાં રહેલ બધું જ આરપાર જોઈ શકો. અઘરામાં અઘરું હોય તો આ ‘વાટ’ છે. 

નિરંતર સ્મરણ નું કોડિયું મળી જાય, પ્રભુનો પ્રસાદ ચાલુ છે. તમારે જે ખાસ મેળવવાનું છે, એ પૂર્ણ મનની ‘વાટ’. પૂર્ણ મન.. અને મન પૂર્ણ થાય ત્યારે શું થાય? “पूरन मन पूरन सब दीसे” પછી, આખી દુનિયા પૂર્ણ – પૂર્ણ દેખાય છે. 

પ્રભુએ મને એક દ્રષ્ટિ આપી. સદ્ગુરુએ મારા ભીતરી દીપને જલાવી આપ્યો. એક ક્ષણ એવી નથી આવી. કે કોઈ વ્યક્તિ ઉપર તિરસ્કાર થયો હોય. હું ઘણીવાર કહું છું, રાત્રે કોઈ આવી જાય, કે તમને ઉડાડી દેવાના છે, તો હસતાં હસતાં કહી શકો, કે ભાઈ પ્રેમથી. તો જે ક્ષણે, તમને પૂર્ણ મન મળ્યું, બધું જ પૂર્ણ. પત્ની પણ પૂર્ણ. દીકરાઓ પણ પૂર્ણ. તમારું ઘર સ્વર્ગ બની જાય. કારણ; સંઘર્ષની કોઈ વાત જ ન રહી. માત્ર પ્રેમ… માત્ર પ્રેમ…. માત્ર પ્રેમ…. 

એકવાર try તો કરો. Charity begins from home. ઘરથી શરૂઆત કરો. પત્નીને પ્રેમ આપો આજે. દીકરાઓને પ્રેમથી રમાડો. પછી જુઓ, તમને પ્રતિસાદ કેટલો મજાનો મળે છે. સાવ સાદામાં સાદી વાત. પ્રેમ આપો, પ્રેમ મેળવો. લોકોને પ્રેમ જોઈએ છે, બીજા પાસેથી. આપવો છે ધિક્કાર, આપવો છે તિરસ્કાર. કઈ રીતે ચાલે…? પ્રકૃતિમાં પણ નિયમોનું balancing છે. તમે પ્રેમ આપો; પ્રેમ તમને મળે. 

એક સંતને પૂછવામાં આવેલું કે હજારો લોકો તમને ચાહે છે. તમારી પાછળ પાગલ થઈને ફરતાં હોય છે. એ વખતે તમારી feeling શું હોય છે? એ વખતે એમણે કહ્યું કે – પ્રભુએ મને અપાર પ્રેમ આપ્યો. એ અપાર પ્રેમમાંથી થોડો પ્રેમ મેં બીજાને આપ્યો. એ પ્રેમનો આ પ્રતિસાદ છે. એટલે આમાં મારું કંઈ પણ doing નથી, પ્રભુનું doing છે. પ્રભુએ પ્રેમ આપ્યો. એને મેં બીજાને આપ્યો છે. હું તો ખિસ્સા ખાલી માણસ હતો. પ્રભુએ મને પ્રેમથી ભરી દીધો. પ્રભુ એ સંતને પોતાના પ્રેમથી ભરી દે, તો તમને ન ભરે? પ્રભુ વરસી જ રહ્યા છે. પ્રભુનો પ્રેમ ક્ષણે ક્ષણે વરસી રહ્યો છે. 

તો પહેલા આપણે એ વાત કરીએ, કે પ્રભુના પ્રેમને receive કરવાની પદ્ધતિ કઈ? જો પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે. અને અમારો અનુભવ છે. અમે લોકોએ પ્રભુના એ પ્રેમને ભરપેટ માણ્યો છે. એ પ્રભુનો પ્રેમ, તમારા ઉપર પણ વરસી રહ્યો છે. માત્ર તમારી પાસે receptivity હોવી જોઈએ. અગણિત સમયથી પ્રભુનો પ્રેમ આપણા પર વરસી રહ્યો છે. પણ આપણે એને receive ન કરી શક્યા. આ જન્મમાં નહિ, આ ક્ષણથી… from this very moment. પ્રભુનો પ્રેમ ઝીલાય, એવું આપણે કરીએ. હવેની એક ક્ષણ, એના પ્રેમના અનુભવ વિના જાય, એ ચાલી શકશે ખરું? 

તો receptivity શું છે… receptivity તમારી બીજી કોઈ નથી, માત્ર અહોભાવ! પ્રભુ! તું ખુબ વરસી રહ્યો છે, મારા ઉપર. તારી કૃપાને ઝીલી શકું, એવુ બળ પણ તારે આપવાનું છે. Receptivity માં, ‘હું’ ને કેન્દ્રમાંથી ખસાડી નાંખવું છે. પ્રેમને વરસાવનાર પ્રભુ, અને ઝીલનાર હું; આ પરિભાષા પણ ભક્તની નથી. પ્રેમ વરસાવે એ…ઝીલાવે પણ એ… મારી કઈ શક્તિ છે… કે એના આ પ્રચંડ વરદાનને હું ઝીલી શકું. આપણે બિલકુલ અસહાય થઇ જઈએ; એ આપણી receptivity. પ્રભુ હું કશું જ કરી શકું એમ નથી; તારે જ બધું કરવાનું છે. 

સંત હરિદાસે, વ્રજ ભાષામાં એક ભજન આપ્યું, એની એક પંક્તિ છે, “तिनका बुयारी के बस”. એક તણખલું સાવરણી ને આધીન હોય છે; એમ પ્રભુ હું તારે આધીન છું. તારે મારું જે કરવું હોય તે કર. સાવરણી તણખલા ને આમ પણ ઉડાડે, કે આમ પણ ઉડાડે… તણખલા પાસે માત્ર સ્વીકાર છે. એમ હરિદાસ કહે છે, કે પ્રભુ હું માત્ર તણખલું છું. તને આધીન છું. તારે મને જ્યાં મુકવો હોય ત્યાં મુક. તું મને નરકમાં મોકલીશ તો નરક પણ મને મીઠી લાગશે. તો અસહાય દશા, એ આપણી receptivity છે. પ્રભુ સાધના માર્ગમાં, ભક્તિ માર્ગમાં એક ઇંચ, એક સેન્ટીમીટર હું ચાલી શકું એમ નથી. તું મને ચલાવ. પ્રભુ માઁ છે. 

એક માઁ નાનકડા દીકરાને લઈને શત્રુંજય ગિરિરાજે ગઈ. દીકરાએ હોંશમાં ને હોંશમાં ૨૦ – ૩૦ પગથિયા તો ચડી નાંખ્યા. પછી એ થાકી ગયો એણે કહ્યું, મમ્મા હવે એક પગથિયું પણ મારાથી નહિ ચડાય. મમ્મા એ એને ઉચકી લીધો. જે ક્ષણે તમે કહો કે પ્રભુ હું અસહાય છું. સંસારની અંદર ભલે હું ગમે તે કરી શકતો હોઉં; સાધના માર્ગમાં હું સંપૂર્ણ અસહાય છું. તારે જે કરવું હોય તે કર. તમારું doing સંપૂર્ણ તયા નષ્ટ થાય. તમારો હું કેન્દ્રમાંથી નષ્ટ થાય; receptivity આવી ગઈ. અને એ કૃપા પણ પ્રભુ કરે છે. ક્યારેક આપણા હું ને ફટકો લગાવવાનું કામ પ્રભુ કરે છે. 

એટલે આપણે ત્યાં પ્રભુની કૃપાના ૨ સ્વરૂપ આવ્યા. અનુગ્રહ કૃપા અને નિગ્રહ કૃપા. 

અનુગ્રહ કૃપા એ કે પ્રભુ પોતાના કોમળ હાથોમાં તમને ઉચકે અને લાંબી સફર કરાવે. નિગ્રહ  કૃપા – જ્યારે આપણો અહંકાર ફાલીને – ફૂલીને ફાળકો થયેલો હોય, ત્યારે પ્રભુ ટાંકણી લઈને આવે છે. અને ફુગ્ગાને ફોડી નાંખે છે. આ નિગ્રહ કૃપા. 

હું જુના ડીસા માં હતો. વર્ષો પહેલાં ચાતુર્માસ. પર્યુષણા પર્વ પછી શ્રી સંઘે નક્કી કર્યું, કે ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકોની એક પરિષદ આપણે ત્યાં બોલાવીએ.  એ જ્ઞાન દાતાઓનું સન્માન પણ થાય, અને એ લોકો સાહેબ પાસેથી શિક્ષા પણ મેળવે. માત્ર ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકો પુરતું એ મર્યાદિત હતું. પણ ચેન્નાઈથી, બંગલુંરું થી, મુંબઈ થી પ્રસિદ્ધ પંડિતો આવેલા ત્યાં. સત્ર જે દિવસે ભરાવવાનું હતું, એના આગળના દિવસે ખ્યાલ આવી ગયો કે આટલા આટલા મોટા પંડિતો આવ્યા છે. અને યશોવિજય ને અહંકાર આવ્યો, મને અહંકાર આવ્યો… કે મારું નામ કેટલું મોટું થઇ ગયું છે. કે ઉત્તર ગુજરાતના ધાર્મિક શિક્ષકો પુરતું મર્યાદિત આ સંમેલન, ભારતભરના પંડિતો આમાં આવી ગયા. પ્રભુ તૈયાર હતા. એવી નિગ્રહ કૃપા પ્રભુએ કરી. કે સવારે હું ઉઠ્યો, ગળું ઠપ્પ. કોઈ કારણ વિના. એવી કોઈ ઠંડી પણ નહોતી. બસ ગળું ઠપ્પ થઇ ગયું. અવાજ જ ન નીકળે. મારી એકદમ નજીક રહેલો માણસ એ પણ સમજી ન શકે કે હું શું કહેવા માંગું છું. પણ હું ખુબ રાજી થયેલો. તમને એટલા માટે કહું છું કે પ્રભુની કૃપા કોઈ પણ રૂપે ઉતરે; રાજી થજો. 

કોઈ ધંધામાં એકદમ આગળ ગયેલા, અને એકદમ અહંકાર વધી ગયેલો, ભગવાન એક લાત મારે- એક રાતમાં કરોડો રૂપિયા પાણીમાં. આ પણ પ્રભુની નિગ્રહ કૃપા છે. તો એ દિવસે તો મારું લિખિત પ્રવચન મુખ્ય પંડિતજી વાંચી ગયા. પૂરો દિવસ આંખો ભીની ને ભીની રહી. કે પ્રભુ! તું અખિલ બ્રહ્માંડેશ્વર! ત્રિલોકેશ્વર! અને તું! મારા જેવા નાચીજ માણસનો પણ આટલો ખ્યાલ રાખે છે! મારો અહંકાર સહેજ વધી ગયો, તું તરત આવી ગયો… પ્રભુ તારા ચરણોમાં વંદન. આખો દિવસ આંખો ભીની રહી. ચિંતા કોઈ નહોતી. ૩ દિવસનું મિલન હતું. કાલે બોલાશે કે નહિ… કોઈ ચિંતા નહોતી. સૂઈ ગયો. સવારે ઉઠ્યો. ગળું એકદમ ખુલ્લું. તો પ્રભુ અનુગ્રહ કૃપા પણ કરે, નિગ્રહ કૃપા પણ કરે. 

લગભગ ૩૫ – ૪૦ વર્ષ પહેલાં અમદાવાદમાં મારું ચોમાસું હતું. એ વખતે હું પ્રાણાયામ વિગેરે શીખતો હતો. તો યોગના પ્રશિક્ષક મને શીખવવા માટે આવતાં હતા. મારું પ્રવચન પૂરું થાય ૧૦ વાગે. ૧૦.૩૦ – ૧૧ એ આવતાં. એકવાર એ વહેલા આવી ગયા. પ્રવચનમાં બેઠા. પછી અમે બે ઉપર ગયા, હું સ્વસ્થ થઈને બેઠો. એમણે મને પહેલો સવાલ કર્યો. યોગના પ્રશિક્ષકે કે તમારું પ્રવચન બહુ સરસ ગયેલું હોય, તો તમારી feeling શું હોય, એકદમ નવો નિશાળિયો હું હતો. નવો વક્તા. મેં કહ્યું કે પ્રવચન એકદમ સરસ ગયેલું હોય તો અહંકાર ની લાગણી આવે. બીજો સવાલ એમણે કર્યો – પ્રવચન ફ્લોપ જાય તો શું થાય. મેં કહ્યું તો ગ્લાની ની થોડી feelings આવે. 

એ વખતે, એ યોગના પ્રશિક્ષક મને કહે છે કે તમારા અહંકારનું કોઈ સ્ટેટસ ખરું? મને પૂછે છે કે તમારા અહંકારનું કોઈ status ખરું? મેં કહ્યું, મને ખ્યાલ નહિ આવ્યો.. શું પૂછો છો તમે? ત્યારે એમણે કહ્યું કે મોરારી બાપુ જેવા કથાકાર હોય, લાખો લોકોને પોતાના શબ્દો દ્વારા નચાવી શકતા હોય, હસાવી શકતા હોય, રડાવી શકતા હોય, એવું વ્યક્તિત્વ અહંકાર કરે તો ય વ્યાજબી. મોરારી બાપુ તો આ બધાથી પર છે. પણ બીજો કોઈ આવો વક્તા હોય, અને એનામાં આવી શક્તિ હોય, કે લાખો લોકોને પોતાની speech થી એ હલબલાવી શકે છે. તો એ માણસ અહંકાર રાખે તો ય વ્યાજબી. તમારી સભામાં ૨૦૦ – ૫૦૦ જણા હોય, એ રાજી થયા તો ય શું ફરક પડે, નારાજ થયા તો પણ શો ફરક પડે… 

પાછળથી મને ખ્યાલ આવેલો કે આ પ્રશ્નો એ યોગ પ્રશિક્ષકના પોતાના નહોતા. એ પ્રભુના હતા. કારણ; હું એ યોગ પ્રશિક્ષક ને જાણતો હતો. એમની હેસિયત આટલી ઉંચી નહોતી. એટલે મેં સ્પષ્ટ કર્યું કે અનુભવ્યું કે એમના રૂપે પ્રભુ જ નિગ્રહ કૃપા કરવા માટે મારી પાસે આવી ગયા. મારા અહંકારના ફુગ્ગાને ફોડવા માટે. અમે લોકો પણ છીએ ને, ટાંકણીઓનો જથ્થો રાખીએ છીએ હો… તમારા ફુગ્ગાને ટાંકણી ઘોંચી અને ઓલવી દેવાનું. 

તો પ્રભુની અનુગ્રહ કૃપા પણ enjoyable. પ્રભુની નિગ્રહ કૃપા પણ માણવા જેવી. આપણી વાત એ હતી કે પ્રભુની એ કૃપા, પ્રભુનો એ પ્રેમ નિરંતર વરસી રહ્યો છે. તમે એને ક્યારે ઝીલી શકો… ઝીલાયો છે ભાઈ….? પ્રભુનો પ્રેમ ઝીલાયો છે…? જો ઝિલાયેલો હોય, તો તમે બધાને પ્રેમ આપતા હોય. ઘરમાં ને બહાર બધે. ઘણા માણસો બહાર પ્રેમ આપી શકે. પણ ઘરમાં ન આપી શકે. એટલે એ બહારનો પ્રેમ દેખાડો કે સાચો પ્રેમ! જો એ ઘરમાં પ્રેમ નથી આપી શકતો, તો એનો બહારનો પ્રેમ દેખાડો છે. શરૂઆત ઘરથી કરો. 

આ તમે જો એકદમ શાંત થઇ ગયા ને, તો આ બધી શ્રાવિકાઓ આશીર્વાદ આપશે મને… કે મ.સા. બહુ સારું કરી દીધું. સંસ્કૃતમાં ઘણા બધા શબ્દો હોય છે, કેટલાક શબ્દો ગુજરાતીમાં હોય, પણ એની સંસ્કૃત વ્યુત્પત્તિ કરીએ તો અર્થ મજાનો હોય, એક શબ્દ છે; ગરમાગરમ… તમે એનો અર્થ શું કરો છે… બહુ જ ગરમ. હકીકતમાં તમે શબ્દને છોડો, તો ગરમ + અગરમ = ગરમાગરમ. એટલે બે માંથી એક ગરમ હોય, પણ બીજું ઠંડું હોય એટલે વાંધો ન આવે. બરોબર. બે ઠંડા હોય તો ઓર મજા આવે. પણ એક ઠંડું ને એક ગરમ હોય, ત્યાં સુધી એ ચાલે. પણ બે ગરમ ભેગા થઇ ગયા તો.. 

તો અસહાયદશામાં જઈને પ્રભુના પ્રેમને આપણે ઝીલવો છે. એક વસ્તુ આજે તમને કહું, આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય અત્યારે શું? આપણું અવતાર કૃત્ય શું? અત્યારે આપણું અવતાર કૃત્ય એક જ; પ્રભુના પ્રેમથી હૃદયને ભરી દેવું. હું પ્રેમ હજારો લોકોને આપું છું. પણ એ પ્રેમ મારો પોતાનો નથી. પ્રભુએ આપેલો છે. અહીંથી પાસ થાય છે એટલું જ. ઝરણું આગળથી વહેલું છે. પણ એ ઝરણું આ પત્થરમાં થઈને પાસ થાય છે. તો અવતાર કૃત્ય એક જ છે. પ્રભુના પ્રેમને પામવો. 

આજનું વ્યાખ્યાન પણ રોજની જેમ માત્ર સાંભળવાના… કે આમ કંઈ ખલબલાટી થાય છે અંદર..? સાલું ,ભગવાનના પ્રેમને ઝીલવા માટે આ જન્મમાં આવેલા, આટલા વર્ષ થઇ ગયા, અને એ કામ તો કર્યું જ નહિ. તમારી ભીતર એક ખલબલાટી મચે. તો આ ક્ષણથી – from this very moment. તમે પ્રભુના પ્રેમને ઝીલવા લાગો. 

મારું જીવન બીજું કશું જ નથી, એનો પ્રેમ. બે જ શબ્દોમાં મારી પૂરી autobiography આવી જાય- ‘એનો પ્રેમ’. His love, his grace. એનો પ્રેમ ન મળ્યો; યશોવિજય અલગ હતો, એક અહંકારી ચેતના રૂપે. એનો પ્રેમ મળ્યો. બસ, એનો પ્રેમ પૂરા હૃદયમાં ફેલાઈ ગયો; અહંકાર ને રહેવાની જગ્યા જ ન રાખી પ્રભુએ. શરૂઆતમાં તો લાગ્યું કે પ્રભુએ તકલીફ કરી નાંખી. બીજા એકે માટે જગ્યા ન રાખી. પ્રભુ પોતે જ આવી ગયા આખા ને આખા. 

તો પ્રભુના પ્રેમને ઝીલવો છે? બસ, અસહાયદશામાં આવી જાઓ… પ્રભુ! હું કાંઈ જ કરું શકું એમ નથી. તું કર. મારી કોઈ શક્તિ નથી. મારી કોઈ હેસિયત નથી. મારી કોઈ પાત્રતા નથી. અમે લોકો સવારના પહોરમાં ઉઠીએ, ત્યારે સૌથી પહેલા આ રજોહરણને મસ્તકે લગાવીએ. એ વખતે અમારી આંખો ભીની બને; કે પ્રભુ મારી કોઈ સજ્જતા નહોતી, હેસિયત નહોતી, પાત્રતા નહોતી, અને તારું આવું પવિત્ર વરદાન તે મને આપ્યું. આ શું છે ખબર છે? શું છે? Antenna કે એરિયલ છે, આ. ખ્યાલ આવ્યો…. રેડિયોના તરંગોને લેવા માટે એરિયલ હોય. ટી.વી. ના તરંગોને પકડવા માટે antenna ગોઠવેલો હોય. આ antenna છે. પ્રભુના પ્રેમના તરંગોને ઝીલવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે આ. આને હાથમાં રાખો. આંખો ભીની હોય, બસ antenna ચાલુ થઇ ગઈ. પ્રભુનો પ્રેમ ઉતરવા માંડ્યો, અને ઝીલાવા માંડ્યો. 

તમે લોકો આજે નક્કી કરવા તૈયાર છો? કે પ્રભુના પ્રેમથી જ હૃદય ભરાઈ જવું જોઈએ. no vacancy for others. બીજા કોઈ માટે જગ્યા નથી. માત્ર આ હૃદય એના માટે જ છે. પરમ ચેતનાનું એક વચન આવ્યું, empty thy vessel and I fill it. તું તારા પાત્રને ખાલી કરી દે, હૃદયના… હું એને ભરી આપીશ. પણ હું તો એનાથી આગળ જવા માંગું છું. તમારા હૃદયને તમે ખાલી ન કરી શકો, તો ખાલી કરવાનું કામ અમે કરીએ બોલો… ભરવાનું કામ તો પ્રભુ જ કરવાના છે. એ અમારે કરવાનું નથી. પણ તમને રાગ – દ્વેષ અહંકાર થી ખાલી કરવાનું કામ અમે કરીએ… તમારાથી થાય તો તમે જ કરી લેજો. ન થાય તો અમને કહેજો. અત્યારે અમે શું કરીએ છીએ… બોલો… અત્યારે અમે ખાલી કરીએ થોડા તમને… નીચે ઉતરો, એટલે પાછા ભરાઈ જાઓ. એનું કારણ શું છે, કે આ શબ્દોને અંદર સ્થિર થવા માટે તમે કોઈ કોશિશ નથી કરી. 

સામાન્યતયા શું હોય છે; શિબિર વિગેરેમાં.. કે પ્રવચન ચાલુ થાય, એની અડધો કલાક પહેલા બધા જ સાધકો ધ્યાનમાં બેસી જાય. એટલે ધ્યાનની ભૂમિકા ઉપર એ શબ્દો ચાલુ થાય, અને પ્રવચન પૂરું થાય. હું સુધર્મા પીઠને છોડી દઉં, એ લોકો બધા જ ત્યાં બેઠેલા રહે. ફરી અડધો કલાક બેસે. અને સદ્ગુરુ એ પ્રભુના જે શબ્દો આપ્યા છે, એ શબ્દોને ભીતર કેવી રીતે લઇ જવા એની કોશિશ કરે. તમારે આ તકલીફ થાય છે. અમારી મહેનત ઘણી.. અમારી મહેનત ઘણી.. પણ તમારું home work નહિ… ચલો અત્યારે સમય નથી તમને… ઓફીસે ગયા સમય છે, આ જ પ્રવચન ફરીથી સાંભળો. અથવા પ્રવચનનો એકાદ મુદ્દો આજનો… નોંધી રાખેલો હોય એના ઉપર વિચાર કરો. આજે તો એક જ વાત છે. પ્રભુના પ્રેમને કઈ રીતે ઝીલવો?  પણ ઝીલવો છે કે નહિ, એ તો પહેલા નક્કી કરો. હું તો આગળનું બતાવવા માંડ્યો. કઈ રીતે ઝીલવો… દવા કેમ લેવી… પણ પેલો કહે કે દવા જ નથી લેવી તો… 

પ્રભુનો પ્રેમ ઝીલવો છે…? અત્યારે જો બીજાને પ્રેમ તમે ન આપી શકતા હોવ, તો એનું કારણ એક જ છે. કે પ્રભુના પ્રેમને તમે ઝીલ્યો નથી. બસ, પ્રભુના પ્રેમને ઝીલો. એ પ્રેમ બહાર નીકળવા લાગશે. તમે છૂટથી વહેચો એને પછી … પછી કંજુસાઈ નહિ કરતા… છૂટથી વહેચો. તો પ્રભુનો પ્રેમ ઝીલવો છે..? લાગે છે, તૈયાર તો થયા છો થોડા… 

એક સાધક હોય ને એ દર્પણ જેવો હોય, દર્પણ જેવો એટલે શું..? દર્પણ સામે કોલસો મુક્યો હોય, તો કોલસાનું પ્રતિબિંબ પાડે, પણ કાંઈ ડાઘ – બાઘ કંઈ પડે નહિ. કોલસો આમ ગયો, દર્પણ clean. સામે હીરો મુક્યો, તો હીરાનું પ્રતિબિંબ. એમ સાધકો કેવા હોય, સામે જે પ્રતિબિંબ પડે, તે પ્રતિબિંબ પાડ્યા કરે. તમારી પાસે પણ આવું જાદુઈ મન છે. વ્યાખ્યાનમાં બરોબર સાંભળી લો, નીચે જાઓ એટલે બરોબર નીચેનું જોવા માંડો. પ્રવચનની અસર કેટલા કલાક રહે….

તમે બપોરે જમો ને… સાંજ સુધી ચાલે ને…. હવે કોઈ એકાસણા રોજ કરતું હોય, બપોરે જમે તો આવતી બપોરે પછી… આ પ્રવચન કેટલા કલાક ચાલે બોલો… કે કેટલી મિનિટ…. કેટલા કલાક કે કેટલી મિનિટ..? બોલો … પ્રવચન ઉઠે, તમે દોડી જાવ છો. પણ એ બરોબર નથી. તમે કહેતાં હોય તો આપણે પા કલાક વ્યાખ્યાન ઓછું કરીએ, એનો વાંધો નહિ… પણ એ પછી તમે જે અહીંયા આવો છો ને, એમાં ચરણ સ્પર્શ એ પણ એક કારણ છે. અને બીજું કારણ એ છે કે ગુરુદેવ આપ અમારા પર વરસ્યા છો. એવી કૃપા કરજો કે આજની આપની વર્ષા અંદર ઝીલાય જાય. આપે ખુબ આપ્યું.. આપનો આભાર… પણ આ અંદર ઉતરી જાય, એવી પણ કૃપા કરજો. આના માટે આવવાનું છે. આ તો વ્યાખ્યાન પૂરું થયું ને, આમ… નહિ. આભાર માનવો છે, અને તો જ ભીતર જશે. આવી જો પ્રાર્થના પણ નહિ હોય તો ભીતર પણ કેમ જશે! 

કેટલા વ્યાખ્યાન સંભળાયા બોલો…? હજારો… ખરેખર તમારી ધીરજને ધન્યવાદ છે હો…  કોઈ ડોક્ટર પાસે કોઈ જાય… ડોકટર કહે, ૧૦૦ ટીકડી ખાઓ; દર્દ મટી જશે. ૧૦૦ દિવસમાં ૧૦૦ ટીકડી ખવાઈ ગઈ… દર્દ મચક નથી આપતું… ડોક્ટર કહે બીજી ૧૦૦, ત્રીજી ૧૦૦, ચોથી ૧૦૦… ૧૦૦૦ થઇ, હવે ૨૦૦૦ કરો આપણે … તમે ત્યાં ધીરજવાળા હોવ ને ત્યાં… સારું આ તો કંઈ ચાલતું હશે પણ… દવા લઈએ ને દર્દ ન મટે. તો પ્રવચન સાંભળો અને રાગ – દ્વેષ ઓછા ન થાય, એ ચાલે ખરું..? 

અમે લોકો એ રીતે પ્રવચન આપવા માંગીએ છીએ… કે તમારા unconscious માં એ ઉતરે. અમારી કોશિશ આ છે. જ્યારે અનુભૂતિવાન વ્યક્તિ તમને શબ્દો આપે છે, ત્યારે શબ્દોમાં તાકાત હોય છે, કે શબ્દો ભીતર ઉતરી જાય. પણ ભીતર ઉતરેલા એ શબ્દોને પણ તમે ફરીથી વાંચવા, જોવા, એના પર અનુપ્રેક્ષા કરવા તૈયાર નથી. 

તો આજે નક્કી થયું; પ્રભુનો પ્રેમ ઝીલવો છે. ઘરે પૂછશે ને કોઈ, શું આવ્યું વ્યાખ્યાનમાં? તો આજે હાથ માથે ન ફેરવતાં પાછા… સાલું કંઈક મજાનું મજાનું હતું, પણ હવે શું હતું, એ તો મ.સા ને ખબર. 

બુદ્ધ ભગવાન એક વાતને ત્રણ વાર repeat કરતા, ત્રણ વાર. તો પટ્ટ શિષ્યે આનંદે પૂછ્યું, કે સાહેબ તમે એક વાત ત્રણ વાર કેમ કહો છો? બુદ્ધ હસ્યા, એમણે કહ્યું – તમારા જેવા શ્રોતાઓ માટે એક વાત ત્રણવાર નહિ ૩૦૦ વાર કહેવી પડે. કારણ કે અંદર જવા દો તો ને… કેટલા સમવસરણમાં જઈ આવ્યા બોલો…. કેટલા પ્રભુના સમવસરણમાં જઈને આવ્યા… સાક્ષાત્ પ્રભુની દેશના સાંભળીને આપણે આવ્યા. 

એટલે જ જિનવિજય મહારાજે સ્તવનમાં કહ્યું – “મારે તો દુષમાંથી સુષમો, અવસર પુણ્ય નિધાન જી” પ્રભુ સુષમ કાળ કરતાં દુષમ કાળ મારા માટે સારો છે. કેમ કે સુષમ કાળમાં સાક્ષાત્ પ્રભુ હતા. સાક્ષાત્ પ્રભુનું સમવસરણ, એમાં હું જઈ શકતો હતો. પ્રભુનું દર્શન થતું. પ્રભુના વચનો મળતાં . પણ મારું ઉપાદાન શુદ્ધ નહોતું, મારું હૃદય નિર્મળ નહોતું. એટલે માત્ર શબ્દોથી કાનને પવિત્ર કરી અને હું આવી જતો. આ દુષમ કાળ જ્યાં પ્રભુ તમે નથી. અનંત જ્ઞાનીઓ પણ નથી. એ કાળ મારા માટે સારો છે, કારણ; દેરાસરમાં તમારા સામે આવું છું, મને લાગે છે કે હું સમવસરણ માં છું. અને સમવસરણ માં જે ભાવ મને નહોતો આવ્યો, એ ભાવ અત્યારે મને આવે છે. કારણ; મારું હૃદય તે નિર્મળ બનાવી આપ્યું છે. 

એટલે કાળનો વાંક ક્યારેય પણ કાઢતા નહિ. તમે ઉસ્તાદ માણસો છો. સાહેબ શું કરીએ હવે.. હુડા અવસર્પિણી કાળ… એમાં જન્મ્યા છીએ… બધું અમારું સાંભળેલું, અમને સંભળાવે…!!! હવે આવા કાળમાં, ધર્મ થાય શી રીતે ? અમને સંભળાવે…!!! કાળ સારામાં સારો છે. અને હું તો કહું છું, છેલ્લા ૩૦૦ વર્ષના ગાળામાં; આપણો કાળ સુવર્ણ યુગ છે. Golden time. વચલા ૩૦૦ વર્ષના ગાળામાં શ્રીપૂજ્યો, અને યતિઓનું સામ્રાજ્ય હતું. મુનિવરો બહુ ઓછા હતા, અને મુનિવરોનો પણ પ્રભાવ સમાજ પર નહોતો. તો એ વખતે ધ્યાન, જ્ઞાન બધું જે છે, એના પ્રવાહો ભીતર ડૂબી ગયેલા… 

આપણા કાળમાં, આપણે ખરેખર બડભાગી છીએ.. કે ધ્યાનની ૭૦૦ સાધના પદ્ધતિઓ, આજે already જીવંત છે. ૭૦૦ સાધના પદ્ધતિ. અને એક પણ સાધના પદ્ધતિને ધ્યાન વગર ચાલી શકે એ નહિ. એ ધ્યાન સાથેની ૭૦૦ સાધના પદ્ધતિઓ અત્યારે છે. અને આપણી જૈન સાધના પદ્ધતિ, સર્વજ્ઞ પ્રભુએ બતાવેલી, એ તો શીર્મોશ જેવી છે. એટલે ધ્યાનના સંદર્ભમાં, જ્ઞાનના સંદર્ભમાં આજનો કાળ સુવર્ણ યુગ છે. 

હું જ્યારે અભ્યાસ કરતો ૫૦ વર્ષ પહેલા, ત્યારે ભણવાના ગ્રંથો જે મળતા; અશુદ્ધ print થયેલા, કોઈ editing નું ઠેકાણું નહિ. શુદ્ધ કરવા માટેનું કોઈ સ્થાન નહિ. આજે એક – એક ગ્રંથો શુદ્ધ થઈને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અનુવાદ સાથે એટલા સરસ રીતે બહાર પડ્યા છે. કે સામાન્ય સાધુ કે સાધ્વી પણ પોતાની જાતે એ ગ્રંથને વાંચી શકે. એટલે ધ્યાન અને જ્ઞાન બેવના ક્ષેત્રે સુવર્ણ યુગ છે. તમે પણ જો નક્કી કરો… રોજ અડધો કલાક, કલાક સ્વાધ્યાય કરવો… પહેલા તમે આવશ્યક સૂત્રો કરી લો… બે પ્રતિક્રમણ, પાંચ પ્રતિક્રમણ એના અર્થ કરી લો… એ પછી જીવવિચાર, નવ તત્વ, ભાષ્ય, આ બધું કરી લો. અને એ પછી પણ વાંચવાનું ચાલુ જ રાખો. કલાપૂર્ણ સૂરિ દાદાના, પંન્યાસ ભદ્રંકરવિજય ગુરુદેવના એટલા બધા પુસ્તકો બહાર પડ્યા છે કે જિંદગી ઓછી પડે. એટલે જ્ઞાન અને ધ્યાનના ક્ષેત્રે સુવર્ણ યુગ આપણો છે. 

પણ સુવર્ણ યુગ તો કોના માટે… જે ઉતરે એના માટે…ભોજનશાળા સરસ, પણ તમારે ઉપવાસ હોય તો… 

જ્ઞાન અને ધ્યાનમાં, તમે બધા ઉપવાસ વાળા છો ને ..? સાહેબ જ્ઞાન અને ધ્યાન કરે, અનુમોદના. મારે તો ઉપવાસ જ કરવાનો… તો આજની વાત બરોબર સમજાઈ..? પ્રભુનો પ્રેમ સતત વરસી રહ્યો છે… એને ઝીલવાનો છે… ઝીલીને એને spread out કરવાનો છે… આ આખી જ પ્રક્રિયા જે છે એના ઊંડાણમાં આપણે આવતી કાલે જઈશું.

Share This Article
1 Comment
  • Received this Vykhyan of Gurudev Param Pujya Yashovijaji Mah Saheb through my Bhabhi staying in Ghatkoper અને મને પણ સાહેબજી નું.અનુગ્રહ મળે અને મારા અહંકાર ના ચૂરેચૂરા થય જાય

    હું જાણું છું, હું કશું જ નથી, છતાં આ મનુષ્ય પ્રાણી એવું છે કે ક્યારે પોતાના અહંકાર ને છોડી.નથી સકતો, કોશિશ જ નથી કરવી ગમતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *