Anandghanji Ne Sathvare – Vachana 37

725 Views 27 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : મંત્ર

मननात् त्राणात् च मंत्र: તમે જેનું મનન કરો, ચિંતન કરો અને જે તમને રક્ષણ આપે – તે મંત્ર. મંત્ર એટલે એક સુરક્ષાચક્ર. તમારી પાસે મંત્રનું સુરક્ષાકવચ આવી ગયું, પછી બહારની કે ભીતરની કોઈ પણ અસુવિધાઓ તમને સ્પર્શી ન શકે.

ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો આ મંત્ર છે. આપણે વિચારીએ કે પ્રભુ જો આપણને પ્રિયતમ લાગેલા હોય, તો પ્રભુની આજ્ઞા પણ એટલી જ વહાલી લાગે. અને એ આજ્ઞા નું પાલન જ્યાં આપણી પાસે આવ્યું, એક સુરક્ષાચક્ર આપણને મળી ગયું.

मननात् त्रायते इति मन्त्रः જે વિચારોને છૂ કરી નાખે, એ મંત્ર. મંત્ર જ્યારે ઝડપથી મનમાં ફરતો હોય, અને એ મંત્રે મનનો પૂરેપૂરો કબજો લઇ લીધો હોય, તો સાધના માટેની બહુ જ મહત્વની એવી નિર્વિકલ્પદશા, નિર્વિચારદશા એ મંત્રજાપથી તમને મળી જાય.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આ પંક્તિ શબ્દસમૂહ નથી. પણ મંત્ર છે. યોગી પુરુષો જે વચનને ઉચ્ચારે, એ મંત્ર બની જાય. એવી કોઈ વ્યક્તિ હોય કે જેના ભવિષ્યમાં કોઈ શક્યતા સમૃદ્ધિની ન હોય, એવી વ્યક્તિ યોગી પુરુષ પાસે જાય, અને યોગી પુરુષ કહી દે, ‘જા બચ્ચા તેરા ભલા હો જાયેગા’ એ મંત્રની તાકાત એટલી હોય છે કે પેલાના કર્મો થોડા બાજુમાં હટી જાય અને એ વ્યક્તિ સમૃદ્ધિના પથ પર આગળ દોડવા માંડે.

મંત્ર શબ્દના બે અર્થ કરવામાં આવ્યા છે. પહેલું નિરુકત છે. “मननात् त्राणात् च मंत्र:” તમે મનન કરો, ચિંતન કરો, અને જે તમને રક્ષણ આપે; એ મંત્ર. તો મંત્ર એટલે એક સુરક્ષા ચક્ર. બહારની કે ભીતરની કોઈ પણ અસુવિધાઓ તમને સ્પર્શી ન શકે. કારણ, તમારી પાસે આ સુરક્ષા કવચ છે. તો “मननात् त्राणात् च मंत्र:” મનન કરીએ, ચિંતન કરીએ. અને રક્ષણ મળે; એ મંત્ર. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”- આ મંત્ર છે. આપણે વિચારીએ કે પ્રભુ જો આપણને પ્રિયતમ લાગેલા હોય, તો પ્રભુની આજ્ઞા પણ એટલી જ વહાલી લાગે. પ્રભુનું જે પણ હોય એ આપણને પ્રિય લાગે.

સંસ્કૃત ભાષામાં એક સ્તોત્ર છે, મધુરાષ્ટક. એનું ધ્રુવ પદ છે, “मधुराधिपतेरखिलं मधुरं” માધુર્ય ના અધિપતિ પરમાત્માનું બધું જ મધુર હોય. चलनं मधुरं, वचनं मधुरं, “मधुराधिपतेरखिलं मधुरं” પ્રભુ સુવર્ણ કમળ ઉપર વિહાર કરતા હોય, એ દ્રશ્ય પણ કેટલું મનોહર લાગે. પ્રભુ સમવસરણમાં બેસીને દેશના આપતા હોય, એ દ્રશ્ય પણ કેટલું મધુરું લાગે. તો માધુર્ય ના અધિપતિ જે પરમાત્મા છે, એમનું બધું જ મધુર મધુર હોય. તો પ્રભુ મધુર છે. પ્રભુની આજ્ઞા પણ મધુર છે. અને એ આજ્ઞા નું પાલન જ્યાં આપણી પાસે આવ્યું એક સુરક્ષા ચક્ર આપણને મળી ગયું.

અમે લોકો ever green, ever fresh, કારણ શું આ સુરક્ષા ચક્ર. તમારી પાસે આ સુરક્ષાચક્ર ન હોય, તો ક્યારેક કોકની સમૃદ્ધિ જોઇને ઈર્ષ્યા આવી જાય. કોકે કંઈક કહ્યું અને તમને ગુસ્સો આવી જાય. મનગમતા પદાર્થને જોયો અને આસક્તિ મનમાં તરવરી ઉઠે. આસક્તિ મનમાં આવી; પીડા. ક્રોધ મનમાં આવ્યો; પીડા. ઈર્ષ્યા મનમાં આવી; પીડા. અમને પ્રભુએ એવું તે સુરક્ષાચક્ર આપ્યું કે ન અમને આસક્તિજન્ય પીડા હોય, ન ક્રોધજન્ય પીડા હોય, ન ઈર્ષ્યાજન્ય પીડા હોય. માત્ર ને માત્ર અમારા પોતાના આનંદને અમે લોકો માણતા હોઈએ. તમે પણ આ રક્ષાચક્રને મેળવી શકો.

તમે ચિંતન કરો, કે પ્રભુનું શાસન મને મળ્યું. કેટલો હું બડભાગી છું. શાસન મળ્યું તો પરમાત્મા મળ્યા. શાસન મળ્યું તો સદ્ગુરુ મળ્યા. શાસન મળ્યું તો પ્રભુની સાધના મળી. કેટલું બધું મને મળ્યું છે. એ જે  તમને મળ્યું છે, એના પર તમારો પ્રેમ એકદમ તીવ્ર માત્રામાં ઉભરી ઉઠે, એટલે તમને પણ સુરક્ષાચક્ર મળી જાય. “मननात् त्राणात् च मंत्र: ” અને બીજી વ્યાખ્યા છે: “मननात् त्रायते इति मंत्रः” જે વિચારોને છું કરી નાંખે, એ મંત્ર.

અજપાજપ જાપમાં તમે જ્યારે જાઓ અને એક નાનકડા ગુરુએ આપેલા પદને તમે સતત દોહરાવો ત્યારે એક વર્તુળ બને છે. એ વર્તુળ એટલી ઝડપથી ચાલતું હોય છે. કે એમાં વિચારોને પ્રવેશવાની કોઈ તક મળતી નથી. પંખો હોય, એકદમ ધીરેથી ફરતો હોય, તો તમે બે પાંખીયા વચ્ચે હાથ નાંખીને કાઢી શકો, પણ એકદમ full speed માં ફરતો હોય તો… તમે એ બે પાંખિયાની વચ્ચે તમારો હાથ નાંખી શકતા નથી. એમ મંત્ર જ્યારે ઝડપથી મનમાં ફરતો હોય, અને એ મંત્રે મનનો પુરેપુરો કબજો લઇ લીધો હોય, તો નિર્વિચાર અવસ્થા મંત્ર તમને આપી દે. સાધના માટે બહુ જ મહત્વની નિર્વિકલ્પદશા, નિર્વિચારદશા અને એ મંત્ર જાપથી તમને મળી જાય. તો એ મંત્રને આપણે ભીતર ઉતારવો છે. ભીતર ઉતરીએ વેગથી ફેરવીએ.

હું ઘણીવાર કહું છું કે સાધનાનું પણ એક વર્તુળ બનાવો અને એને ઝડપથી ફેરવો. ઘણા લોકોની ફરિયાદ હોય છે, સાધના કરીએ છીએ પણ વિચારો આવે છે. સાધનાને એટલી ઝડપથી ફેરવો કે વચ્ચે વિચાર ઘુસી ન શકે.

નિવૃતીનાથ મહારાષ્ટ્રના બહુ મોટા સંત થયા. એમને પૂછવમાં આવ્યું કે અમે સાધક છીએ, એની પારાશીશી શું? અમે માની લઈએ કે અમે સાધક છીએ. પણ ખરેખર અમે સાધક છીએ કે નહિ…એની પારાશીશી શું? ત્યારે એમણે કહેલું કે જેની સાધનાનો વેગ પોતાના મનના વેગ  કરતા વધારે હોય, એ સાધક છે. અત્યારે જેટ વિમાનો હોય છે. અવાજથી પણ વધુ ગતિએ એ દોડે છે, ઉડે છે. તો એનો પોતાનો અવાજ ત્યાં નહિ આવે. કારણ કે અવાજ એની ગતિ વધારે છે.

આનંદઘનજી ભગવંતે ૧૫માં સ્તવનમાં આજ વાત કરી “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ”  મનનો જે વેગ છે, એના કરતા પણ superior વેગથી સાધના દોડવી જોઈએ. કરી શકાય આ બોલો… મારો એક logo છે. You can do this, if you desire. કરવું છે? વર્ષોથી સાધના કરું છું. અને વર્ષોથી એક જ ફરિયાદ કર્યા કરું છું. કે શું કરીએ સાધના કરીએ છીએ અને વિચારો તો કેડો મુકતા જ નથી. એક સાધના લીધી, એનું વર્તુળ બનાવ્યું વેગથી એને ઘુમાવો. એવા વેગથી ઘુમાવો કે વિચારોનો પ્રવેશ એ વર્તુળમાં, એ વર્તુળના બે પાંખીયા વચ્ચે થઇ જશે.

તો આ મંત્ર જે છે, એમાં ચૈતન્ય ઉમેરનાર સદ્ગુરુ છે. તમે પુસ્તકમાંથી મંત્ર લઇ લીધો, તો એ મંત્ર છે, એમાં મંત્ર-ચૈતન્ય નથી. મંત્રની શક્તિ એમાં નથી. શબ્દો જ છે ખાલી…. તમે એને મંત્ર સમજી લો. સદ્ગુરુ તમારી ભૂમિકાને અનુરૂપ મંત્ર તમને આપે છે, ત્યારે એ મંત્ર તમારા માટે મંત્ર-ચૈતન્ય બની જાય છે. પછી કયો મંત્ર આપવો, એ સદ્ગુરુ નક્કી કરે. જેમ તમને સાધના કઈ આપવી, એ પણ સદ્ગુરુ નક્કી કરશે.

મારી પાસે એક સાધક આવ્યો. બની શકે કે ચાર જન્મથી સદ્ગુરુ ચેતનાએ એને વૈયાવચ્ચ ની સાધના આપેલી છે. પાંચમાં જન્મે એ મારી પાસે આવ્યો. હું જો એની જન્માંન્તારીય ધારાને નક્કી ન કરી શકું. અને એને સ્વાધ્યાયની ધારા આપી દઉં. તો ગુરુ તરીકે હું totally fail ગયેલો માણસ. સદ્ગુરુએ anyhow તમારી જન્માન્તરીય ધારાને પકડવી છે. અને જે તમારી જન્માન્તરીય ધારા છે સાધનાની, એમાં તમને પ્રવાહિત કરવા છે. એવું બને કે જન્માન્તરીય સાધનાની ધારા નથી. તો નવી ધારા કઈ આપવી, એ પણ સદ્ગુરુ તમારા ચહેરાને જોઈને નક્કી કરી લેશે કે આ વ્યક્તિ ભક્તિ ધારામાં જ જઈ શકે. આ વ્યક્તિ સ્વાધ્યાયની ધારામાં જ જઈ શકે. તો તમારા માટેની appropriate સાધના જેમ સદ્ગુરુ આપે. એમ તમારા માટેનો appropriate મંત્ર પણ સદ્ગુરુ આપે.

સાધના કરો છો. સદ્ગુરુ પાસેથી લીધેલી સાધના તમારી પાસે છે? કે જાતે નક્કી કરેલી સાધના તમારી પાસે છે? How can you judge? તમે કઈ રીતે નક્કી કરી શકો કે આ સાધનાની ધારા મારી છે. તમે નક્કી કરી શકો જ નહિ. સદ્ગુરુ જ એ નક્કી કરી શકે. એટલે કોરી સ્લેટ જેવા થઈને સદ્ગુરુ પાસે આવવાનું છે, અને કહેવાનું છે: ગુરુદેવ! મારી ધારાને અનુરૂપ સાધના મને આપો. અત્યાર સુધી સાધના કરી. ખ્યાલ નહોતો. ઈચ્છા પ્રમાણે સાધના કરી. પણ ગુરુદેવ હવે ખ્યાલ આવ્યો છે કે સાધના ગુરુદત્ત જ હોઈ શકે. તો કોરી સ્લેટ જેવો થઈને આવ્યો છું. તમે કહો તેમ કરું.

યોગબિંદુમાં હરીભદ્રસૂરિ મહારાજે પ્રારંભિક સાધકના બે ગુણો બતાવ્યા છે. નિરાગ્રહ શીલતા, અને દ્વન્દ્વાતીતતા. પ્રારંભિક સાધક નિરાગ્રહ શીલ જોઈએ. કોઈ આગ્રહ નહિ. સદ્ગુરુ કહે તે જ કરવાનું છે. દીક્ષા લીધી અને પછી એ કહી દે, સાહેબજી મારે યાવજજીવ એકાસણું જ કરવાનું છે. મેં ગ્રહસ્થપણામાં નક્કી કરેલું. કે સાધુ પણામાં એકાસણું જ હોય. એનાથી ઓછું હોય નહિ. તો ગુરુદેવ મેં નક્કી કર્યું છે કે દીક્ષામાં યાવજજીવ મારે એકાસણું કરવાનું. ગુરુ કહેશે આ ન ચાલે. દીક્ષા લેવી હોય તો તારે સંપૂર્ણતયા કોરી સ્લેટ બનવું પડશે. અમારી તકલીફ તો આ જ છે; કોરી સ્લેટ બનીને આવતાં નથી. એટલે duster મારી – મારીને બાવળા રહી જાય છે. કોરી સ્લેટ જેવા થઇ જાવ.

તો નિરાગ્રહશીલતા કેમ… એકાસણાનો વિચાર કંઈ ખોટો નથી. પણ એની પાછળ એનો હું છે. હું આમાં નીચું કંઈ કરું જ નહિ. તો ગુરુ એના એ શુભ આગ્રહને પણ તોડે. અશુભ ઈચ્છા શિષ્ય પાસે હોય નહિ. શુભ ઈચ્છા હોય. પણ ક્યારેક સદ્ગુરુને લાગે કે એ શુભ ઈચ્છાની પાછળ એનો અહંકાર પડેલો છે, તો ગુરુ એ શિષ્યની શુભ ઈચ્છાને પણ તોડશે. મારે આજે ઉપવાસ જ કરવો છે. ગુરુ તોડશે. નહિ આયંબિલ જ કરવાનું છે. How can you judge? તું કઈ રીતે નક્કી કરી શકે..? કે મારે આ જ કરવું છે…. એટલે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વાત આવે છે…. શિષ્ય આવે ગુરુ પાસે અને એ ગુરુને કહે કે ગુરુદેવ! આયંબિલ ની ઓળી કરવી છે અથવા માસક્ષમણ કરવાની ભાવના છે. ગુરુ એના ચહેરાને જોશે. અને ચહેરાને જોઇને નક્કી કરશે કે એને આજ્ઞા આપવી કે ન આપવી. જો એ ઈચ્છાની પાછળ અહંકાર દેખાશે તો ગુરુ એ ઈચ્છાને તોડશે.

એક શિષ્યે ગુરુને પૂછેલું કે સાહેબજી હું વર્ષીતપ કરું? ગુરુ એના ચહેરા સામે જોઈ રહ્યા. ગુરુએ એને પૂછ્યું કે તારી વર્ષીતપની વિભાવના શું છે? બે ઉપવાસની વચ્ચે બેસણું કે બે બેસણા વચ્ચે ઉપવાસ? હવે આમાં શું ફરક પડ્યો? બે ઉપવાસ વચ્ચે બેસણું કે બે બેસણા વચ્ચે ઉપવાસ? તારા મનની ધારણા શું છે? શિષ્ય પ્રબુદ્ધ છે, એને ખ્યાલ આવી ગયો કે સદ્ગુરુ શું કહેવા માંગે છે. આસક્તિને નબળી ન પાડવી હોય, તો એ વિચાર કરે. આજે બેસણું… સવારે પહેલા બરોબર ભોજન… સાંજે પણ બરોબર… એક ઉપવાસ વચ્ચે આવી જશે, એટલે પેટમાં પણ બધું સરખું થઇ જશે. વળી પાછું બેસણું. બે બેસણાની વચ્ચે ઉપવાસ. તો ત્યાં આસક્તિને તોડવાની વાત કરે છે. અને બે ઉપવાસ વચ્ચે બેસણું, આજે પણ ઉપવાસ, પરમ દિવસે પણ ઉપવાસ. ઠીક છે શરીરને ટેકો આપવા માટે આવતી કાલે બેસણું કે એકાસણું કરી લઈશ. વર્ષીતપ એકાસણાથી કરનાર ઘણા સાધુ – સાધ્વીજીઓ હોય છે.

અત્યારે એક સાધ્વીજી એકાસણાથી સિદ્ધિતપ કરે છે. સિદ્ધિતપ ચાલુ છે, પારણે બેસણું નહિ એકાસણું. તો આજે પણ ઉપવાસ, પરમદિવસે પણ ઉપવાસ. વચ્ચે ખાલી એકાસણું. રોટલી શાક થોડું લઇ લઈશું. કાયા ને ટેકો આપવા. બાકી ઉપવાસની મજા માણીશું. તો એ માણસ નીરાશક્તિ ની ભાવનાવાળો છે. તો પેલા મુનિને ગુરુએ પૂછ્યું કે તારે શું છે? શિષ્ય પ્રબુદ્ધ હતો એ કહે કે સાહેબ! આપ તો મોટા ડોક્ટર છો. Diagnosis બરોબર કર્યું આપે. ખરેખર આસક્તિને જરા પણ તોડવાની વાત મારા મનમાં નથી. આપે કહ્યું એમ જ બે બેસણા વચ્ચે ઉપવાસ છે. આજે પણ બેસણું. બે ટાઈમ ઠાઠ – માઠથી. પરમ દિવસે પણ બેસણું. વચ્ચે એક ખાલી ઉપવાસ. તો ગુરુએ કહ્યું, તારા માટે વર્ષીતપની આજ્ઞા નથી. તું વર્ધમાન તપની ઓળી આગળ વધાર. સદ્ગુરુ વિના તમે કેવી રીતે માર્ગ ઉપર ચાલશો.

“गुरु बिन कौन बतावे बाट” કબીરજી કહે છે, “गुरु बिन कौन बतावे बाट” સદ્ગુરુ વિના સાધના નો માર્ગ કોણ બતાવી શકે? અનંતા જન્મોથી આપણે ફરતાં આવ્યા છીએ. કેટલીવાર પ્રભુનું શાસન મળ્યું, કેટલીવાર પ્રભુની સાધના કરી… પણ રાગ, દ્વેષ, અહંકાર, નબળા પાડવાની કોઈ ઈચ્છા જ નહોતી. એટલે એ નબળા પડ્યા પણ નહિ. માસક્ષમણ કર્યું છે, એનો પણ અહંકાર હોય. એટલે એવા સાધકોને જોયા છે જે પોતાની સાધનાને ગુપ્ત રાખતા હોય છે. કોઈ જાણી જાય એ અલગ વસ્તુ છે. બાકી રોજ ઉપવાસનું પચ્ચક્ખાણ લીધા કરે. અને માસક્ષમણ તરફ આગળ વધ્યા કરે. કોઈને કહેવાનું નહિ. તો આ જન્મમાં એવી રીતે સાધના કરવી છે કે રાગ, દ્વેષ, અહંકાર ઓછા થાય.

આજથી બે વસ્તુ નક્કી કરો – ગુરુદત્ત સાધના તમારી પાસે આવી જાય અને એ સાધના કરતા જાઓ અને જોતા જાવ કે રાગ, દ્વેષ અહંકાર કે ઈર્ષ્યા કેટલા ઓછા થયા છે. અને રાગ, દ્વેષ અહંકાર ઈર્ષ્યા સહેજ પણ ઓછા ન થયેલા હોય તો સદ્ગુરુ પાસે આવો, તમારી આંખોમાં આંસુ હશે, ગળે ડૂસકાં હશે. ગુરુદેવ! આટલી સાધના કરી આપે કહેલી પણ હજુ રાગ – દ્વેષ સહેજ પણ ઓછા થતાં નથી. ક્યાં મારી ભૂલ છે. Where is my fault? મને બતાવો સાહેબ… તો આ જન્મ સાર્થક બની જાય.

આ જન્મમાં સાધના અસ્તિત્વના મૂળ સુધી પહોંચી જાય. તો આવતાં જન્મમાં આ સાધના આપણને મળવાની જ છે. એવી રીતે સાધનાનું અનુસંધાન ચાલુ રાખવું છે કે મોક્ષે ન જઈએ ત્યાં સુધી આ પ્રભુની સાધના આપણને મળતી જ જાય.

તો મંત્રચૈતન્ય. કાલે આપણે એક ઘટના જોઈ રહ્યા હતા. સ્વામી રામ અને ગુરુ જંગલમાં ગયા છે. ગુરુએ જોયું ઝાડ ઉપર એક ઔષધી હતી. ગુરુ ઉપર ચઢ્યા, એક ડાળી ઉપર બેઠા, ઔષધી ચૂંટે છે. આ તો એક હિંદુ ગુરુ હતા. પણ પહેલાના વૈદ્યો પણ કેવા હતા ખબર છે…

એક વૈદ્ય ની વાત આવે છે કે એક શ્રેષ્ઠીને એણે પડીકું આપ્યું દવાનું કે એક ચમચી આ દવા લઇ પાણીમાં એને ઉકાળવાની અને એ ઉકાળો તમારે સવાર –  સાંજ પી જવાનો. એક વાર સાંજે વૈદ્ય એમને તપાસવા માટે આવ્યા. ઉકાળો તૈયાર થયેલો, પેલા ભાઈએ મોઢે લગાયો ગ્લાસ, એટલો કડવો ઉકાળો કે સીધો જ બધો જ ઉકાળો, એમને washbasin માં ફેંકી દીધો. વૈદ્યે એ આ જોયું. વૈદ્યની આંખમાં આંસુ આવ્યા વૈદ્યની આંખમાં… એણે શ્રેષ્ઠીને કહ્યું, સાહેબ જંગલમાં અમે જઈએ છીએ. વનસ્પતિને અમે ચૂંટીએ છીએ. પણ એ વખતે અમારા મનમાં એક લાગણી હોય છે વનસ્પતિ પ્રત્યેની… માણસને સાજો કરવા માટે, એ વનસ્પતિને અમારે ચુંટવી પડે છે. પણ એ પહેલા અમે એ જીવોની માફી માંગીએ છીએ. કે લોકકલ્યાણ માટે અમારે તમને લઇ જવા પડે છે. તમને પીડા આપવી પડે છે. પણ એની તમે માફી આપજો. સાહેબ આ રીતે આ વનસ્પતિને અમે લાવ્યા જોઈએ, અને તમે એને ફેંકી દો, આ કેમ ચાલે.

આ તો હિંદુ ગુરુ છે. ઔષધી બહુ જ rarest of rare છે. ક્યારેક જ મળે એવી. અને ઘણી બધી ઔષધિઓ માં એ કામ આવે. ઘણા બધા રોગોને એ નષ્ટ કરી દે. તો ગુરુ ડાળ ઉપર બેસીને ઔષધિને પ્રેમથી ચૂંટે છે. એ જીવોની માફી માંગીને, કે લોક કલ્યાણ માટે મારે તમને પીડા આપવી પડે છે. પણ પીડા આપવાની ઈચ્છા નથી. એ વખતે સ્વામી રામે જોયું નીચેથી, ગુરુ બેઠા હતા, એની બાજુની ડાળ પર ભમરાનો મધપુડો. ભમરા સહેજ પણ છંછેડાય… તો હજારોની સંખ્યામાં તૂટી પડે. પણ ગુરુને કહેવું પણ શી રીતે? અવાજ થાય અને ભમરા જે છે એ જાગૃત થઇ જાય તો. પણ ગુરુ અંતર્યામી છે. શિષ્ય ભક્તિથી સભર હૃદયવાળો છે. અને ગુરુ અંતર્યામી છે. ગુરુએ કહ્યું, તું ચિંતા નહિ કરતો. આ બધા ભમરાને મેં મંત્ર દ્વારા અત્યારે રોકેલા છે. અને એક પણ ભમરો અત્યારે ઉડી નહિ શકે. હું નીચે ઉતરીશ અને મંત્રને છોડી દઈશ પછી બધા ઉડી શકશે.

ગુરુ નીચે ઉતર્યા, મંત્ર છોડી દીધો. એટલે ભમરા પાછા મુક્ત બની ગયા. સ્વામી રામે કહ્યું ગુરુને, કે ગુરુદેવ! આ મંત્ર મને પણ આપો ને… આવી કંઈ ઔષધી મને દેખાય તો હું પણ લાવી શકું. ગુરુએ મંત્ર આપ્યો. પણ કહ્યું કે આ personally તારા માટે જ છે. Personally for you. બીજા કોઈ માટે આ મંત્ર કામ નહિ થાય. કેવી શક્તિ ગુરુ મૂકી શકે છે. એ જ શબ્દસમૂહ, એવી શક્તિ મૂકી કે રામ બોલે તો કામ થશે. બીજા કોઈને રામ આપશે તો પણ કામ નહિ થાય. મહિનાઓ વીત્યા એ ઘટનાને…

એકવાર સ્વામી રામ એક ભક્તની સાથે જંગલમાં ગયેલા. અને સ્વામી રામે આવી ઔષધિ જોઈ. જોઈ એટલે ઉપર ચડ્યા. ત્યાં પણ બાજુમાં જ ભમરાનો મધપુડો હતો. પણ મંત્ર હતો, ભમરાઓને સ્થગિત કર્યા. ઔષધી લઇ લીધી. નીચે ઉતર્યા. ભમરાઓને મુક્ત કર્યા. પેલા ભક્તે કહ્યું હું તો ગભરાઈ ગયેલો કે તમે બેઠેલા એ બાજુની ડાળી ઉપર ભમરાનો મધપુડો. ત્યારે સ્વામી રામે કહ્યું ગુરુએ આપેલા મંત્રથી એ ભમરા બધા સ્થિર થઇ ગયેલા, હવે ઉડી શકશે. તો પેલા ભક્તે કહ્યું, મને પણ એ મંત્ર આપો. ભવિતવ્યતા કેવી કે જે માણસે શાસ્ત્રોના શાસ્ત્રો, વેદો અને ઉપનિષદો મોઢે કરેલા, એ માણસ ગુરુની આ વાત ભુલી ગયો. ગુરુએ કહેલું કે this is personally for you. સ્વામી રામે એ મંત્ર પેલાને આપ્યો.

તો પેલાને થયું કે મંત્ર મળ્યો છે તો હમણાં જ ઉપયોગ કરી લઉં. એ જ ઝાડ ઉપર એ ચડ્યો, હવે નિર્ભય છે કે મંત્ર મારી પાસે છે, ભમરા મુક્ત થઇ ગયા છે, સ્વામી રામના મંત્રમાંથી. પેલો મંત્ર બોલે છે, હવે એના મંત્રની અસર થવાની નથી. એ ડાળી ઉપર બેઠો, ઔષધી લેવાની હજુ તો શરૂઆત કરે, ત્યાં જ પેલી ડાળી સહેજ હલી, અને ભમરાઓ હજારોની સંખ્યામાં એના ઉપર તૂટી પડ્યા. આટલા બધા ભમરાઓનો એક સામટો હુમલો, ડાળ છૂટી ગઈ. પેલો ધબાક કરતો નીચે પડ્યો. હજારો ભમરા એના આખા શરીર ઉપર એકદમ આવી ગયેલા. અને ભમરા ડંખેલા હોય એમ કંઈ નીકળે નહિ.

તો સ્વામી રામ ત્યાંના આદિવાસી લોકોને લઇ આવે છે. અને આદિવાસીઓને કહ્યું, હવે શું કરવું આનું….? પેલા લોકો નિષ્ણાંત હતા. કારણ કે એ લોકો મધ લેવા માટે જાય ત્યારે એમને ઘણીવાર આવો અનુભવ થાય. તો ધીરેથી એમણે એક – એક ભમરાને છૂટો પાડ્યો. ભમરા તો નીકળી જશે. પણ સોજો આખા શરીરમાં. ભમરાનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયેલું. મોઢું તો સૂજીને દડા જેવું થઇ ગયું.

હવે એક ગાડામાં એને સુવાડ્યો. અને નજીકની હોસ્પીટલમાં એણે admit કરવામાં આવ્યો. ડોક્ટરોએ જોયું અને કહ્યું wait and watch. ૭૨ કલાક જોઈએ. અમારી દવાઓની શું અસર થાય છે. એણે બેડમાં સુવાડી દીધો. મોનીટર્સ બધા લાગી ગયા. Bottles ચડવા લાગ્યા. એક દિવસ પૂરો થયો. સોજો સહેજ પણ ઓછો થતો નથી. પેલો semi coma માં આંખ પણ ખોલતો નથી. બીજો દિવસ દવાની કોઈ અસર નહિ. ત્રીજો દિવસ ડોકટરો પણ ગભરાયા, આટલી – આટલી શ્રેષ્ઠ દવાઓ વાપરીએ છીએ સોજો બિલકુલ ઓછો થતો નથી. પેલો માણસ ભાનમાં આવતો નથી. ડોકટરોની panel મળી. પહેલા વિચાર કર્યો કે નવી નવી દવાઓ bottles માં નાંખી… injection દ્વારા. કે જોઈએ આ દવાઓથી શું થાય છે. પણ કોઈ અસર નહિ. ત્રીજી રાત્રે ૯ વાગે એ હોસ્પિટલ ની deluxe રૂમમાં, પાછળની રૂમમાં સ્વામી રામ બેઠા. અને એમણે ગુરુનું ધ્યાન કર્યું. ગુરુ ૮૦૦ કિલોમીટર દૂર છે. ગુરુનું ધ્યાન કર્યું અને ગુરુ એ રૂમમાં હાજર થયા. આને અત્યારની ભાષામાં astral body કહેવામાં આવે છે. આપણી ભાષામાં આપણે વૈક્રિય શરીર કહીએ.

હમણાં આપણે ત્યાં પણ આવી ઘટના ઘટી છે. સદીઓ પહેલા બે ગામમાં પ્રભુ પ્રતિષ્ઠા. મુહુર્ત જોવામાં આવ્યું. શ્રેષ્ઠ મુહુર્ત એક જ હતું. દિવસ એક, કલાક  એક, મિનિટ એક અને સેકંડ એક. તો આચાર્ય ભગવંતે નક્કી કર્યું કે એક જગ્યાએ હું હાજર રહીશ બીજી જગ્યાએ મારા વાસક્ષેપને લઈને મારા પટ્ટશિષ્યને હું મોકલીશ. બંને સંઘવાળા ભેગા થયા. અને બંને સંઘવાળા વચ્ચે ટાઈ પડી. બંને એ કહ્યું કે અમારે તો ગુરુ મહારાજ પોતે જ જોઈએ. એમનો વાસક્ષેપ પણ નહિ. પટ્ટશિષ્ય પણ નહિ. ગુરુ પોતે જ જોઈએ. એ વખતે ગુરુદેવે હા પાડી. લગભગ ૩ – ૪ ગાઉં દૂર ગામો બે. હા પાડી. અને પ્રતિષ્ઠા સમયે બંને જગ્યાએ ગુરુ દેખાયા. ગુરુ હાજર થયા.

બહુ મજાની વાત કરું… ગુરુ તો હાજર જ હોય. શિષ્ય ગેરહાજર હોય, એનું શું કરવાનું. ગુરુ તો હાજર જ હોય. શિષ્ય હાજર છે…. તમે અહીં છો? શરીર તો તમારું અહીં બેઠું છે, મન ક્યાં છે? અમારે તમારા મનને જક્ડવું પડે છે. નવી વાતો, નવા talks શા માટે…. તમારું મન છટકી ન જાય એના માટે.

કલ્પસૂત્રનું પારાયણ થશે. પવિત્ર કલ્પસૂત્ર. એ વખતે કેટલા હાજર રહેવાના… આના પછી આ આવશે. આના પછી આ આવશે. આના પછી આ આવશે. ખબર જ છે. નવી નવી વાતોથી તમારા મનને જક્ડવું પડે. એ ક્યારે? તમે પ્રારંભિક કક્ષામાં હોવ ત્યારે… મેં હમણાં બહુ જ પ્રતિષ્ઠિત સંઘમાં કહેલું કે તમારો સંઘ વર્ષોથી સાધના કરી રહ્યો છે. તો તમારે crowd puller auditors  ની જરૂરિયાત ક્યાં છે… સભાને ખેંચી લાવે એવા વક્તાની તમારે ક્યાં જરૂરિયાત છે. તમારે તો કોઈ પણ મ.સા. હોય, પોથી જોઇને બોલે, ભગવાને આમ કહ્યું હતું, અને તમારું મન સમવસરણમાં પહોંચી જાય. મેં ત્યાં કહેલું, અને એ જ અહીંયા કહું છું. કે crowd puller auditors ને નવા સંઘો માટે પાજળ પાડો. તમે કહી દો કે સાહેબ અમારે ત્યાં કોઈ પણ મહાત્મા ચાલી જશે. કારણ અમે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, હવે અમારા મનને પકડવાની કોઈ જરૂરિયાત નથી. અમારું મન સ્થિર થયેલું જ છે. બરોબર… બરોબર….? મન સ્થિર થયેલું છે….?

ગુરુ હાજર થયા. તમે પણ પણ હાજર રહેજો હોં. પૂરું વ્યાખ્યાન હાજર રહેવાનું મનથી. નહીતર તત્વજ્ઞાન આવે ને ત્યારે કાં તો સમાધિ લાગી જાય, કાં તો મન બહાર ફરવા જતું રહે. વાર્તા આવે એટલે મન પાછું સ્થિર થઇ જાય. એવું નહિ. તત્વજ્ઞાન જ લેવું છે.

સદ્ગુરુ ને યાદ કર્યા, સદ્ગુરુ હાજર થયા. આપણે ત્યાં મહોપાધ્યાય માનવિજય મહારાજે સ્તવનામાં બહુ સરસ વાત કરી, “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન” તમે માત્ર પ્રભુનું નામ લો, અને તમારા મનમાં પ્રભુનું અવતરણ થઇ ગયું. “નામ ગ્રહે આવી મિલે રે, મન ભીતર ભગવાન; મંત્ર બળે જિમ દેવતા રે, વાલહો કીધો આહ્વાન રે” જેમ ગારુડીક હોય, કોઈને સાપ કરડેલો છે. તમે એને બોલાવો, કે તરત જ મંત્ર બોલશે. અને જે સાપ કરડ્યો છે, એ સાપને ત્યાં આવવું પડશે, એના મંત્રોમાં તાકાત છે. અને પછી એ order કરે છે કે તે જે ઝેર નાંખ્યું છે, એ ઝેર તું જ લઇ જા. તો માત્ર નામ ગ્રહણ કરો અને પ્રભુ આવી જાય.

હવે વિચાર થાય કે નામ ગ્રહણ તો કેટલીવાર કર્યું. લોગસ્સ બોલીએ એટલે ૨૪ તીર્થંકર ભગવંતોનું નામ બોલ્યા. પણ ભગવાન તો મનમાં આવ્યા જ નહિ. પણ પહેલી વાત તમારે મનમાં પ્રભુ જોઈએ….? તમે શું કહ્યું, પ્રભુ દેરાસરમાં રહેજો… શું કહ્યું…? દેરાસરમાં રહેજો, અમે રોજ તમારી શાતા પૂછવા માટે આવી જઈશું. તમે કહેલું કે પ્રભુ તું મારા મનમાં આવ. જે ક્ષણે લાગે કે પ્રભુ મનમાં ન આવે, ત્યાં સુધી આનંદ નામની સંઘટના નો જન્મ ન થાય. અને આનંદ તો મારે જોઈએ જ છે. તો તમે પ્રભુને heartly પ્રાર્થના કરશો કે પ્રભુ તું મારા મનમાં આવ. અમારા મનમાં પ્રભુ છે; અમે આનંદમાં છીએ. તમારા મનમાં પણ પ્રભુ આવી જાય; તમે આનંદમાં આવી જાઓ. મનમાં પ્રભુ આવે સંતોષ છલકાઈ જાય.

આપણે બધા અગણિત જન્મોથી એક પ્યાસ લઈને નીકળ્યા છીએ. કરોડો રૂપિયા મળ્યા, અબજો મળ્યા… તૃપ્તિ થતી નથી. ક્યારેય વિચાર કર્યો કે કેમ તૃપ્તિ નથી થતી. કારણ એ છે કે પ્યાસ પરમાત્મા ની છે, લીધા છે પદાર્થો. તૃપ્તિ ક્યાંથી થાય? પાણી ટળવળતા હોઈએ અને ત્યારે કોઈ શ્રીખંડ આપે તો શું થાય? અરે ભાઈ પાણી આપ ને પણ… આની ક્યાં જરૂર જ છે. તરસ લાગી છે.

તો પ્યાસ અગણિત જન્મોથી પરમ ચેતનાની લાગેલી છે. ક્યારે પ્રભુ મળે? ક્યારે પ્રભુ મળે…? એટલે જ્યાં સુધી પ્રભુ નહી મળે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. તો પ્રભુ તો આવવા તૈયાર છે. “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન”

ગુરુ ત્યાં હાજર થયા. પ્રભુ પણ મનમાં આવે. આ શું છે? આની પાછળનું રહસ્ય શું છે? એની વાતો આવતી કાલે…

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *