Anandghanji Ne Sathvare – Vachana 38

654 Views 19 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : સદ્ગુરુની સૂક્ષ્મ શક્તિ

મંત્ર ચૈતન્ય પાછળ સદ્ગુરુની સૂક્ષ્મ શક્તિ છે. ચારિત્રની શક્તિથી એ શબ્દો સપ્રાણ બનેલા હોય છે. આનંદઘનજી ભગવંતે એમની અનુભૂતિને શબ્દોમાં ઢાળી; આપણે એ શબ્દોમાંથી અનુભૂતિને પાછી લેવાની છે.

આપણે જેવી વાત કહેવી હોય, એ પ્રમાણે શબ્દોને વાપરીએ. જ્યારે મહાપુરુષો શબ્દોને વાપરે અને અર્થ એની પાછળ ઊગતો હોય. પ્રકૃતિના પરિબળોએ ફરી જવું પડે; માત્ર એમના શબ્દોને કારણે!

અંદર ગયેલા સદ્ગુરુ જ્યારે તમને અશક્ય લાગતા કામ માટે પણ કહે, ત્યારે હા જ પાડી દેવાની. કારણ કે એ કામ પછી તમારે કરવાનું નથી; સદ્ગુરુ પોતે એ કામ તમારા શરીર દ્વારા કરાવે છે. પ્રભુ તમને નિમિત્ત બનાવે એમ સદ્ગુરુ પણ તમને નિમિત્ત બનાવે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૩

“ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે”

આ પંક્તિ એટલે આપણા માટે મંત્ર. આનંદઘનજી ભગવંતની આંતરિક શક્તિ આ શબ્દોમાં નીચોવાયેલી છે. એમની અનુભૂતિ આ શબ્દોની અંદર આવેલી છે અને એટલે એ શબ્દો સપ્રાણ બનેલા છે. બહુ મજાની વાત તો એ છે કે એમણે એમની અનુભૂતિને શબ્દોમાં ઢાળી. આપણે એ શબ્દોમાંથી અનુભૂતિને પાછી લેવાની છે.

તો મંત્રચૈતન્ય અને મૂર્તિચૈતન્યની પાછળ સદ્ગુરુની સૂક્ષ્મ શક્તિ છે; ચારિત્રની શક્તિ. એ બોલે; એટલે થઈને જ રહે.

એક અનુભવેલી ઘટનાની વાત કરું. દાદા ગુરુદેવ ભદ્રસૂરી મહારાજ, સાહેબજી નું ૧૦૦મું વર્ષ ચાલી રહેલું હતું, ત્યારે ચાતુર્માસ રાધનપુરમાં સાહેબજીની જન્મભૂમિમાં નક્કી થયું. ઉનાળામાં અમે લોકો અમદાવાદથી નીકળ્યા. રાધનપુર જવા માટે…. વચ્ચે વણોદ ગામ આવ્યું. આમ વણોદ થી પંચાસર અને પછી શંખેશ્વર. પણ વણોદથી સાંજે ક્યાંક night hold કરી લઈએ, તો સવારે સીધું શંખેશ્વર પહોંચી જવાય. એટલે બધા મુનિવરોની ઈચ્છા થઇ કે શંખેશ્વર આપણે ૨ દિવસ રોકાઈ શકીએ તો પ્રભુની ભક્તિ સારી થાય. સામાન્યતયા વિહાર વિગેરેનો નિર્ણય અમે લોકો જ કરતા.

તો અમે લોકોએ નક્કી કર્યું કે સાંજે ૭ – ૮ કિલોમીટર પહોંચી જવું અને બીજી સવારે શંખેશ્વર. નક્કી કર્યું, એ જમાનામાં ટેલિફોન પણ નહિ, નાના ગામડાઓમાં. મોબાઈલ તો નહોતા. પણ land line ફોન પણ નહોતા. માણસો ત્યાં ગયા, શ્રાવકો ત્યાં ગયા. સામે ગામ… ઉપાશ્રય તો નહોતો. તો સ્કુલ, પંચાયત ઘર, આંગણવાડી. આ બધું જુદું… કાફલો અમારો મોટો હતો. નક્કી કર્યું કે ૫.૩૦ વિહાર કરીએ તો ૭.૩૦ વાગે પહોંચી જઈએ. ૫.૩૦ વાગે વિહાર કરવો હોય તો ગુરુદેવને ૫ વાગે વપરાવવુ પડે.

એ દિવસે ૫ વાગે સાહેબજી ની ગોચરી વહોરીને હું આવ્યો. મેં કહ્યું સાહેબજી વાપરવાનું છે. એમની ભીતર biological watch હતી. ઘડિયાળ જોવાની જરૂર ન પડે. અંદર જ biological watch હતી. એમણે પૂછ્યું, કેમ અત્યારે ૫ વાગે ગોચરી… ઉનાળામાં સાંજે ૭ વાગે સૂર્યાસ્ત થાય. ૫.૩૦ – ૫.૪૫ એ વાપરવાનું હોય, મેં કહ્યું, ગુરુદેવ વિહાર છે સાંજે, ૧૦ કિલોમીટર જવાનું છે. તો કાલે શંખેશ્વર પહોંચી જવાય. એ વખતે ગુરુદેવે કહ્યું, સાંજે વિહાર…! નહિ. સાંજે વિહાર નહિ થાય. અમને લોકોને તો પુરી શ્રદ્ધા કે ગુરુદેવ બોલ્યા એટલે અફર વાક્ય. પછી અમારે વિચાર કરવાનો જ નહિ. પણ અમારી સાથે અમદાવાદથી બીજા એક મહાત્મા પણ આવેલા. જેમને શંખેશ્વરમાં એમના બીજા મહાત્મા જોડે મળવાનું હતું. તો એ મહાત્માની બહુ ઈચ્છા કે સાંજે વિહાર કરી અને કાલે શંખેશ્વર પહોંચી જઈએ. એટલે એ ગુરુદેવ પાસે આવ્યા કે સાહેબજી શંખેશ્વર ૨ દિવસ રોકાવાય. ભક્તિનો લાભ મળે. સાંજે વિહાર કરી લઈએ… સવારે બહુ વિહાર કર્યો નથી. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું, સાંજે વિહાર નહિ થાય. ૧૦૦ વર્ષનું હોય, યોગી પુરુષોના શરીરમાં વય જે છે, એ ક્યાંય બાધક નીવડતી નથી. એ જ નિર્ણાયક શક્તિ; સાંજે વિહાર નહિ થાય. પછી સામે ગામ સમાચાર મોકલ્યા; ભાઈ અમે આવતાં નથી. ગુરુદેવે ત્યાં સુધી કહ્યું કે તમારે કાલે સવારે શંખેશ્વર પહોંચવું છે ને…. તો કાલે સવારે વધારે વિહાર ખેંચજો, પણ સાંજે વિહાર નહિ.

પછી એ ગોચરી બીજાએ વાપરી લીધી. ૫.૪૫ વાગે હું ગોચરી વહોરીને આવ્યો ગુરુદેવ માટે. હું વહોરીને હજુ તો ઉપાશ્રયમાં દાખલ થયો અને એવી આંધી ઉપડી. ઉપાશ્રય નળિયાવાળો.  નીચે કંતાનની છત. એવી આંધી ઉપડી હશે કે નળિયા અને કંતાનની છત સોંસરવી ધૂળ નીચે પડવા મંડી, રૂમમાં. ગુરુદેવને કેમ વપરાવવું એ સમસ્યા થઇ ગઈ. પછી બે મુનિ ભગવંતો બે બાજુ જાડી સાલ ગુરુદેવના માથે રાખીને ઉભા રહ્યા, જેથી ધૂળ એ સાલમાં પડે. ગુરુદેવ ઉપર ન પડે. અને ગુરુદેવનું વાપરવાનું પૂરું થયું. એ વખતે વિચાર કર્યો, કે ગુરુદેવને લઈને આ ૫૦ – ૧૦૦ જણા નો કાફલો ગયો હોત સાંજે અને વિહાર કર્યા ને અડધો – પોણો કલાક થઇ ગયો હોત, ન આમ પાછા ફરાય, ન આમ જવાય. તો આ આંધીમાં કરત શું…

પછી શંખેશ્વર પહોંચ્યા, ભક્તિ કરી. આગળ સમી આવ્યું. પણ રોજ સાંજે આંધી ઉપડે. ચૈત્ર વદ નો સમય. રોજ આંધી ઉપડે. રાધનપુર તો ખાલી ૫૦ કિલોમીટર હતું. એટલે વિચાર્યું કે હવે સાંજનો વિહાર બિલકુલ બંધ. સમી થી અમે બાશપા ગયા. બાશપા થી એક વિહાર અમે ગોચના, પછી રાધનપુર. તો ગુરુદેવે મને પૂછ્યું કે આપણે રાધનપુર ક્યારે પહોંચવાનું? મેં કહ્યું પરમ દિવસે… તો એમણે કહ્યું, પરમ દિવસે નહિ કાલે જ પહોંચવું છે. મેં કહ્યું, ગુરુદેવ લાંબુ પડે. અહીંથી રાધનપુર લાંબુ પડે. ૧૮ – ૨૦ કિલોમીટર થાય. તો મને કહે સાંજે વિહાર કરી લો. આજ સાંજે વિહાર કરવાનો મને કહે… એક ક્ષણ તો વિચારમાં પડ્યા, અમારા માટે નહિ, પણ ગુરુદેવને લઈને જવાનું હતું. રોજ સાંજે આંધી ઉપડે. પણ ગુરુદેવ ઉપર શ્રદ્ધા પણ એટલી જ. ગુરુદેવ કહે છે કે ચાલો સાંજે. એ સાંજે અમે નીકળ્યા. ન આંધી… ન ધૂળ, ઠંડી ઠંડી હવા. અને અમે સામે ગામ પહોંચી ગયા.

કાલિદાસ મહા કવિએ કહ્યું છે, “ऋषीणां पुनराधाना वाचोऽर्थ मनुधावति ” આપણે જેવી વાત કહેવી હોય, એ પ્રમાણે શબ્દોને વાપરીએ. મહાપુરુષો શબ્દોને વાપરીને, અર્થ એની પાછળ ઉગતો હોય. પ્રકૃતિના પરિબળોને ફેરવવો પડે. માત્ર એમના શબ્દોને કારણે.

હિંદુ પરંપરામાં આવી એક મજાની ઘટના આવે છે. નારદ ઋષિ એક ગામમાં ગયેલા, એક પટેલ બહુ જ સંતોના ભક્ત છે. એના ત્યાં નારદ ઋષિએ ભોજન લીધું. પછી પૂછ્યું – કેમ છો ભક્ત? તો કહે કે બાપજી બીજું બધું બરાબર છે, પણ એક દીકરો નથી. નારદ ઋષિ પોતે જ્ઞાની હતા, પણ એ શિષ્યની ભૂમિકામાં છે. અને એટલે ગુરુને પૂછ્યા વિના એક શબ્દ એ કહેવા માટે તૈયાર નથી. શિષ્ય સદ્ગુરુને પૂછ્યા વિના કશું કહી ન શકે, ક્યાંય ભવિષ્યકથન કરી ન શકે. નારદ ઋષિ વિષ્ણુ ભગવાન પાસે ગયા. કે પ્રભુ આ ગામનો એક ભક્ત – બહુ જ મોટો ભક્ત છે, એને એક દીકરો જોઈએ. ભગવાને કહ્યું એના નસીબમાં દીકરો નથી. નારદ ઋષિ પાછા આવ્યા કે ભાઈ ભગવાનને પૂછીને આવ્યો, ભગવાન કહે છે તારા નસીબમાં દીકરો નથી. એ પણ આખરે ભક્ત હતો. ભગવાન કહે છે અને મારા નસીબમાં નથી. તો કંઈ નહિ. જે હોય એનાથી સંતોષ માની લઈશ.

પણ અઠવાડિયા પછી જ, એક બહુ મોટા યોગી પુરુષ ભક્તને ત્યાં આવ્યા. આ તો સંતોનો ઉપાસક હતો. ખુબ ભક્તિ કરી. યોગીએ પૂછ્યું, ભક્ત! ઘરમાં તમે ૨ જ જણા છો? સંતાન નથી? યોગી પૂછે છે….. તો કહે બાપજી સંતાન નથી. ત્યારે યોગીએ કહ્યું કે જા, તને દીકરો થઇ જશે. એક વર્ષે દીકરો આવી પણ ગયો. અને નારદ ઋષિને આવવાનું થયું. ઘોડિયામાં પેલું છોકરું ઝૂલતું હોય છે. નારદ ઋષિ ચોક્યા…. પટેલ આ કોનો દીકરો?  તો કહે મારો દીકરો… અને નારદ ઋષિ તો બગડ્યા થોડા… ગયા ભગવાન પાસે… ભગવાન તમે કહેલું એના નસીબમાં નથી. તો ક્યાંથી દીકરો થયો… ત્યારે ભગવાને કહ્યું કે ખરેખર એના નસીબમાં નહોતો. પણ એ જે યોગી પુરુષ આવ્યા અને એમણે કહ્યું કે તારે દીકરો થશે. એ એમના વચનોને કારણે સંતનું- ભક્ત નું પુણ્ય જે છે તે વધી ગયું. અને એને પુત્રની પ્રાપ્તિ થઇ.

તો મંત્રચૈતન્ય. આપણને જે સૂત્રો મળ્યા છે. ચૈત્યવંદનના સૂત્રો, બે પ્રતિક્રમણના સૂત્રો એ બધા જ મંત્ર છે. પણ એ મંત્રોને ઉચ્ચારવા કેમ, એની પદ્ધતિ શીખવી પડે. કોઈ વ્યક્તિ શાંતિ પ્રતિક્રમણમાં બોલતું હોય છે, એ બોલે “ઇતિ પુર્વ સુરિદર્શિત:” બોલો આમાં ખોટું છે કંઈ? “ઇતિ પુર્વ સુરિદર્શિત:” ખોટું છે. ‘પૂ’ માં ઊ મોટું છે, ‘સૂ’ માં ઊ મોટું છે. ‘રિ’ માં ઇ નાની છે. તો જે રીતે હ્રસ્વ – દીર્ઘ હોય, એ રીતે ઉચ્ચારણ થવું જોઈએ. એટલે ઉચ્ચારણ કંઈ રીતે થાય… “ઇતિ પૂર્વ સૂરિદર્શિત:” “ઇતિ પુર્વ સુરિદર્શિત:” એમ નહિ. “ઇતિ પૂર્વ સૂરિદર્શિત:”.

તો આ બધા મંત્રો આપણને મળી ગયા છે. એ મંત્રો શું ન કરે… કોઈ મંત્ર બહારનો તમને બંધનમાંથી મુક્ત કરે. આ બધા મંત્રો સંસારના બંધનમાંથી તમને મુક્ત કરે.

આપણે ગઈ કાલે જોતા હતા: સ્વામી રામ ગુરુને યાદ કરે છે. ગુરુ એ વખતે ૮૦૦ કિલોમીટર દૂર છે. પણ જ્યાં સ્વામી રામે યાદ કર્યા, ગુરુ એ જ ક્ષણે એની રૂમમાં આવી ગયા. Astral body માં… આ astral body, સાધનાના સંદર્ભમાં બહુ જ ઉપયોગી છે. શરીર ઉપરનો રાગ ઓછો થતો નથી. આ Astral body જે છે ને, એ જો તમને ફાવે તો શરીર પરનો રાગ તમારો ઓછો થઇ જાય. Astral body માં શું થાય? બે રૂપ થઇ ગયા…. એક શરીર અહીં બેઠું છે. બીજું શરીર દૂર છે. દૂર રહેલું શરીર; તમારા શરીરને જોવે. ઓહો આમાં શું છે… માણસના અંગોને વેચવા માટે જાવ તો થોડા લાખ રૂપિયા ઉપજે. કેટલા ઉપજે… કીડની ના, આંખના…. આખિર માણસની કિંમત શું? પણ જો એ મનુષ્યમાં દિવ્ય ચેતના પ્રગટ થાય, તો એ અમુલ્ય બની જાય.

ગુરુ હાજર થયા. પ્રભુ પણ હાજર થયા. “નામ ગ્રહે આવી મિલે, મન ભીતર ભગવાન.” પ્રભુ પણ આવે. સદ્ગુરુ પણ આવે. પણ સ્મરણ કેવું… એ સ્મરણ કેવું હોય…

એક માણસ રણમાં ગયેલો છે. વોટરબેગ પુરી થઇ ગઈ છે. બપોરના ૧૨ વાગ્યા છે. રેતી રણની તપી ગઈ છે. સુરજ માથેથી એકદમ આગ વેરી રહ્યો છે. પાણીનું ટીપું એની પાસે નથી. એ વખતે એ પાણીને યાદ કરે. કેવી રીતે યાદ કરે…. એની આખી ચેતના, એનું પૂરું મન, માત્ર પાણી તરફ ફંટાયેલું.

તમે પ્રભુને યાદ કરો, સદગુરુને યાદ કરો પણ કંઈ રીતે યાદ કરો… બોલો તો… એક દિવસની અંદર પ્રભુની યાદ કેટલી વાર આવે? દુકાને જાવ, ઓફિસે, પ્રભુનો ફોટો છે. ધૂપ – દીપ કરો. પ્રભુને નમસ્કાર કરો. એ વખતે શું કહેવાનું હોય ખ્યાલ છે… કે પ્રભુ આ ઓફીસ મારી નહિ, પણ તારી. તારી premises માં હું બેઠેલો છું. એટલે અનીતિનું immorality નું સહેજ પણ વિચાર ન આવે એ તારે જોવાનું છે. આવી રીતે પ્રભુને યાદ કર્યા છે…?

અમારે ત્યાં મહામુનિઓ હતા ને માસક્ષમણ ને પારણે વહોરવા માટે મધ્યાહને નીકળે. અને એ ૩૧માં દિવસે નિર્દોષ ગોચરી મળી, તો કહેતાં સંયમવૃદ્ધિ થઇ. આહાર દ્વારા શરીરને શક્તિ મળશે અને સંયમયોગોમાં સારી રીતે જવાશે. નિર્દોષ આહાર ન મળે તો કહેતાં તપોવૃદ્ધિ. એમ તમે શું કહો. પૈસા મળ્યા, ઓફિસે ગયાં; ધંધો સારો ચાલ્યો. પૈસા ખુબ મળ્યા. પૈસા ખુબ મળ્યા તો…. ધર્મવૃદ્ધિ. કેમ… તમારે તો નક્કી હોય ને… કમાવો એમાંથી આટલા ટકા….

મને છે ને ૨% – ૩% વાળા અને ૧૦% વાળા મળ્યા છે. એ ૧૦% માર્ચ ending એ હિસાબ કરતા net profit હોય એમાંથી charity માં ખર્ચે. પણ હજુ કોઈ ૫૦% વાળો ન મળ્યો. મળે છે કોની કૃપાથી…? ભાઈ પૈસા મળ્યા મહેનતથી? બુદ્ધિથી? મેનેજરની બુદ્ધિ ઘણી હોય, પણ એનો પગાર મહીને લાખ રૂપિયા હોય, અને શેઠ જે છે એ કરોડો રૂપિયા કમાતો હોય, અને એની પાસે એટલી બુદ્ધિ પણ ન હોય.

એક શેઠ હતા ને cheque માં સહી તો કરવી પડે. ભણેલા નહિ. સહી પણ સરખી ન થાય. ક્યારેક આવી.. તો ક્યારેક…. તો બેંકના મેનેજરે, ઓફીસના મેનેજરને બોલાવ્યો. કે આ ન ચાલે… મારે મુશ્કેલી પડે ક્યારેક… એક સરખી signature જોઈએ. તમારા શેઠને બીજું કંઈ કામ તો છે નહિ. એક signature કાગળ ઉપર લખીએ આપો, એ ઘૂંટ્યા કરે. પછી શેઠ એ signature ઘૂંટે છે. મેનેજરને હસવું આવે છે. હું MBA થયેલો અને શેઠને કશું આવડતું નથી. હું MBA થયેલો, તો યે મને મહીને લાખ રૂપિયા મળે છે. અને શેઠ મહીને કરોડો રૂપિયા કમાય. શેઠ ભણેલા નહોતા, ગણેલા હતા. મેનેજરના ચહેરા પરની રેખા જોઇને એ સમજી ગયા કે એના મનમાં આ વિચાર ચાલે છે. એટલે શેઠે કહ્યું ભાઈ! બુદ્ધિ થી નથી મળતું, પુણ્યથી મળે છે. પ્રભુની કૃપાથી મળે છે. તમને શી રીતે મળ્યું..? પ્રભુની કૃપાથી… પછી એમાંથી પ્રભુનું કેટલું અને તમારું કેટલું? પ્રભુની કૃપાથી મળેલ છે. તો બધું પ્રભુનુ. જીવન જરૂરિયાતો રાખી, બીજું બધું પ્રભુને આપી દો.

એક બનેલી ઘટના છે. એક યુવાને નિયમ લીધો કે ૧૦% charity માં ખર્ચવાના. ૩ એક વર્ષ પછી જે ગુરુદેવ પાસે નિયમ લીધેલો. એમની પાસે જવાનું થયું. ગુરુદેવ ઓળખી ગયા કે આ તો ૧૦ % વાળો. પૂછ્યું, નિયમ ચાલે છે ને? એટલે પેલો કહે, નિયમ ચાલે પણ છે, નથી પણ ચાલતો. અરે ભાઈ! બેઉ સાથે કેમ ચાલે? કાં તો નિયમ ચાલે, કાં તો ન ચાલે. ત્યારે એ યુવાને જે વાત કરી, તમારી આંખો પણ ભીંજાશે. એ યુવાને કહ્યું ગુરુદેવ! તમારી પાસેથી નિયમ લીધો ત્યાં સુધી હું એમ માનતો હતો કે હું કમાવું છું. અને હું જે કમાઈશ એમાંથી ૧૦% પ્રભુને આપીશ. ૨ વર્ષ થયા. ૩ વર્ષ થયા આ નિયમને… મારું બધું ગણિત તૂટી પડ્યું. વર્ષે હું જે કમાતો હતો, ધારો કે એમાં ૫ – ૧૦% નો વધારો થાય, પણ ૨૦૦ – ૫૦૦% નો વધારો થઇ જાય… મારી કોઈ કલ્પના નહિ એટલા અનાબ – સનાબ પૈસા હું કમાવું છું. પણ અત્યારે મારા મનમાં એ ભાવ છે કે પ્રભુ કેવા કૃપાળુ છે કે ૯૦% મને આપે છે. પહેલા હું માનતો હતો ૧૦% હું પ્રભુને આપું છું. હવે માનું છું કે ૯૦% પ્રભુ મને આપે છે. એટલે સાહેબ નિયમ નથી ચાલતો એમ જ કહેવાય ને. હું ક્યાં આપું છું પ્રભુને. પ્રભુ મને ૯૦% આપે છે.

ગુરુ હાજર થયા. ગુરુએ પૂછ્યું કેમ મને યાદ કર્યો? સ્વામી રામે કહ્યું ગુરુદેવ! ભૂલ મારી હતી, આપે કહેલું કે તારા માટે જ આ મંત્ર છે. હું ભુલી ગયો… પેલા ભક્તને મેં મંત્ર આપ્યો. હવે એ તો અત્યારે જીવન – મરણ વચ્ચે ઝોલા ખાય છે. ૭૨ કલાક થયા, સોજો સહેજ ઓછો થતો નથી. આંખો એ ખોલતો નથી. ગુરુદેવ શું થશે. ભૂલ મારી અને એ મરી જશે. એ વખતે ગુરુ કહે છે; સવારે ૫ વાગે એ બિલકુલ સ્વસ્થ હશે. અને ગુરુ ગયા. સ્વામી રામ આરામથી સૂઈ ગયા. ગુરુએ કહ્યું છે કે સવારે ૫ વાગે એ સ્વસ્થ થઇ જશે; એટલે સ્વસ્થ થઇ જ જવાનો.

આપણે ક્યાં કાચા પડીએ છીએ, ખબર છે… અતિચારમાં તમે પણ બોલો ‘ગુરુ વચન તહત્તિ કરી પડિવજ્યું નહિ’ ગુરુ એક પણ વચન તમને આપે ને ત્યારે ક્યારેય વિચારતાં નહીં. આ સામાન્ય મુનિરાજની વાત નથી કરતો. સદ્ગુરુ, પ્રભાવશાળી સદ્ગુરુ, અંદર ગયેલા સદ્ગુરુ, એ જ્યારે તમને અશક્ય કહેવાતાં કામ માટે પણ કહે, ત્યારે હા જ પાડી દેવાની. કારણ; એ કામ એ પોતે કરાવશે. આપણે કરવાનું નથી. એમની શક્તિ એ કામ કરાવશે. એટલે જ્યારે પણ કોઈ સદ્ગુરુ કહે, તરત તહત્તિ કરી દેવાનું. પણ આપણે તો બુદ્ધિને લાવીએ છીએ. આ કામ મારાથી થશે ખરું? મારાથી નહિ થાય. ગુરુદેવ આ તો અઘરું છે. મારાથી નહિ થાય. ખલાસ! તમે ગયા. અશક્ય કહેવાતું કામ, સદ્ગુરુના મુખેથી નીકળ્યું સ્વીકારી લો. તહત્તિ. અને જુઓ કે સદ્ગુરુ પોતે એ કામ તમારા શરીર દ્વારા કરાવે છે. સદ્ગુરુને ખ્યાલ છે કે આને મારે નિમિત્ત બનાવવાનો છે. પ્રભુ તમને નિમિત્ત બનાવે, એમ સદ્ગુરુ પણ તમને નિમિત્ત બનાવે. કોઈ સત્કાર્ય તમારા હાથે થવાનું હોય, ગુરુ કહી દે કરી લે આ. એ વખતે હિચકિચાહટ વિના તરત સ્વીકારી લેવું. એટલે આપણી બાજુ આપણે આ ચૂકીએ; એટલે સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા આપણી ખંડિત થઇ અને ખંડિત શ્રદ્ધાથી કોઈ કામ થાય નહિ. અખંડ શ્રદ્ધા વિના કોઈ જ કામ શક્ય નથી.

સ્વામી રામને ગુરુ પર અખંડ શ્રદ્ધા છે. ગુરુદેવે કહ્યું, સવારે ૫ વાગે એ સ્વસ્થ થશે. તો સ્વસ્થ થઇ જ જવાનો. અને ખરેખર ૫ વાગ્યા, સોજો ઉતરી ગયો. પેલાએ આંખ ખોલી. નર્સો ચમકી ગઈ. મોટા ડોક્ટર ૪ વાગે આવીને ગયેલા, ત્યાં સુધી એ જ હાલત ગંભીર, એક કલાકમાં શું થયું… મોટા ડોકટર દોડતા આવ્યા, સોજો બિલકુલ ગાયબ. આંખ ખોલી અને કહે છે, મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. બિસ્કીટ અને કોફી લાવો. બિસ્કીટ ના ૨ -૩ પેકેટ ખાઈ ગયો. કોફીનો આખો મગ ઉપડાવી ગયો. અને પછી સ્વામી રામને કહે છે, ચાલો… ચાલો, આપણે જઈએ…

ડોકટર સ્વામી રામને પૂછે છે. આ ચમત્કાર, આ miracle શી રીતે થયું? ત્યારે સ્વામી રામ કહે છે, મારા ગુરુએ આ ચમત્કાર સર્જ્યો છે.

તો “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો”  એ શબ્દ સમૂહ નથી. એ મંત્ર ચૈતન્ય છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *