Anandghanji Ne Sathvare – Vachana 49

515 Views 24 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : પ્રભુની અંતરંગ સાધના

પ્રભુની સાધનાનું બહિરંગ વર્ણન કલ્પસૂત્રની ટીકામાં છે. પણ જ્યારે પ્રભુની સાધનાની અંતરંગ કથા સાંભળીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે કે પ્રભુએ ૧૨|| વર્ષમાં શું કર્યું… આચારાંગ સૂત્રની અંદર પ્રભુની એ અંતરંગ સાધના વિસ્તૃત રૂપે આપેલી છે.

દસ મિનિટ પહેલા શરીર ઉપર ઘટિત થયેલી મોટી ઘટનાઓનું સ્મરણ પ્રભુને નથી. કેમ? જેનો અનુભવ થયો હોય, એનું જ સ્મરણ થાય. પણ ઘટના ઘટિત થઈ, ત્યારે પ્રભુ ઘટનામાં હતા જ નહિ, પ્રભુને ઘટનાનો અનુભવ જ નથી થયો; તો પછી સ્મરણ ક્યાંથી થાય!

પ્રભુ ધ્યાનમાં ઊતરી જતા, introvert થઇ જતા અને મન સૂઈ જતું; પછી બહાર શું ચાલે છે એનો ખ્યાલ પણ પ્રભુને નથી. આપણી સાધના યથાર્થ નથી થતી કારણ કે આપણે extrovert છીએ; આપણું મન બહાર રોકાયેલું છે. શરીર કોઈ ક્રિયામાં હોય, ત્યારે પણ મન બહાર ભાગેલું હોય છે.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૪

આવતી કાલથી પરમ પાવન કલ્પસૂત્રની વાચના શરૂ થશે. એક ભાઈએ એકવાર મને પૂછેલું કે ગુરુદેવ! દર વર્ષે કલ્પસૂત્ર કેમ?  મેં એણે કહ્યું, હસતાં હસતાં કે તારો પ્રશ્ન જ બરોબર નથી તો જવાબ શું આપું… પ્રશ્ન તો એ હોવો જોઈએ કે સાહેબજી દર અઠવાડિયે કલ્પસૂત્ર કેમ નહિ? એ પ્રભુનું મજાનું જીવન ચરિત્ર. મધુરાધિપતેરખિલં મધુરમ્ પરમાત્માની કથા મધુરથી પણ મધુર. એક અઠવાડિયામાં એ પુરી થાય, બીજા અઠવાડિયે ફરીથી પાછી એ જ કથા.

મૂળ વાત એ છે કે તમે કાનના અને conscious mind ના સ્તર પર એ વાચનાને ઝીલો છો કે અસ્તિત્વના સ્તર પર? કાન અને conscious mind કહેશે કંઈક નવું જોઇએ. એટલે પર્યુષણ માળાઓ ઘણી બધી ચાલી. લોકોને નવું નવું જોઈએ છે. નવું કોને જોઈએ છે; conscious mind ને. conscious mind સાંભળી પણ લેશે નવું. એ અસ્તિત્વના સ્તર સુધી નહિ જાય તો conscious mind ના level ઉપરનું શ્રવણ તમારે માટે શું કામનું રહેશે? એટલે આવતી કાલથી પરમ પાવન કલ્પસૂત્રનું શ્રવણ અસ્તિત્વના સ્તર પર થવું જોઈએ. આવતી કાલે એક મજાનો પ્રસંગ આવશે. આંખોને ભીની ભીની કરી દે એવો…

ઇન્દ્ર મહારાજ દેવાનંદા માતાની કુક્ષિમાં રહેલ પ્રભુને જુએ છે. જોતાંની સાથે જ એટલો બધો આનંદ થાય છે, સિંહાસન પરથી નીચે ઉતરી જાય છે, શક્રસ્ત્વની મુદ્રામાં બેસે છે અને નમુત્થુણં બોલે છે. તિન્નાણં તારયાણં, બુદ્ધાણં બોહયાણં, ત્રિશલા માતાની કુક્ષિમાં પછી પ્રભુ આવ્યા, પહેલા દેવાનંદા માતાની કુક્ષિમાં આવ્યા. ૮૨ દિવસ સુધીમાં ગર્ભ કેટલો પરિપુષ્ટ થયેલો હોય, અંગોપાંગ પણ પરિશ્ફુંટ ન થયેલા હોય, પણ મારા ભગવાન!

આપણી પાસે તો પ્રભુનું અપ્રતિમ રૂપ જેમાં છલકાતુ હોય એવા કેટલાય પરમાત્મા છે. પૂર્વના જ્ઞાની પુરુષોએ જેમની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી, એવા નાદિયાના, દિયાણાના ભગવંતો તમે એમની સામે જાવ, એમની પાસે બેસો; અને ભીતરની ધારા ખુલી જાય. કલ્પસૂત્રમાં પ્રભુની ૧૨|| વર્ષની સાધનાનું વર્ણન આવે છે.

આપણે ત્યાં ૨ પરંપરા છે. સાધનાની બહિરંગ કથા. અને સાધનાની અંતરંગ કથા. કલ્પસૂત્ર મૂળમાં સાધના કથા નથી. નથી એનુ કારણ એ સમજી શકાય કે આચારાંગ સૂત્રની અંદર અંતરંગ સાધના વિસ્તૃત રૂપે આપેલી છે. એટલે કલ્પસૂત્ર મૂળમાં એ અપાઈ નથી. જે આપણે સાંભળીએ છીએ… એ ટીકામાં આવેલી બહિરંગ કથા છે. સામાન્ય મનુષ્યો પણ સમજી શકે એ માટે પ્રભુની સાધનાનું બહિરંગ વર્ણન કલ્પસૂત્રની ટીકામાં છે. પ્રભુ અહીંયા ગયા ને પારણું થયું… પ્રભુએ અહીંયા ચોમાસું કર્યું. પણ જ્યારે અંતરંગ કથા સાંભળીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે કે પ્રભુએ ૧૨|| વર્ષ શું કર્યું…

પદ્મવિજય મહારાજે નવપદ પૂજામાં લખ્યું, “સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હો” સાડા બાર વર્ષમાં પ્રભુ પલોઠી મારીને ક્યારેય બેઠા નથી. ગોદોહાસન, વિરાસન, કાર્યોત્સર્ગ મુદ્રા આ બધું જ હતું, પણ પલોઠી મારીને પ્રભુ બેઠા જ નથી. આસનો પણ છે ને બહુ મજાના છે. આપણી બાહ્ય તપશ્ચર્યામાં આસનો આવે છે, કાય કષ્ટ જેને આપણે કહીએ; એમાં લોચ પણ આવે, અને આસનો પણ આવે. ગોદોહાસન, બહુ જ મજાનું આસન છે. પ્રભુ કેવલજ્ઞાન પામ્યા, ક્યાં આસને? ગોદોહાસને… ગોદોહાસન શું છે? તમારે તો રબારીને દૂધ ગાયનું લેતો જોવાનુ થયું જ નહિ હોય… અમે લોકો ગામડામાં ઉછરેલા બધું જ જોયેલું. એ રબારી ગાયને દોહતો હોય, ત્યારે એના પગની પાછળની પાની ઉંચકાયેલી હોય, અને આખા શરીરનો ભાર પગના અંગુઠા અને આંગળીઓ પર આવે. તમારે તો પાંચ મિનિટ બેસવું હોય તો પાછળ પાટલો રાખવો પડે. પણ એ ગોદોહાસન; આંતરિક સાધના માટે બહુ જ શ્રેષ્ઠ છે.

તમે ૧૦ કિ.મી. ચાલો તળિયા ઉપર વજન આવશે…. પણ અંગુઠા અને આંગળા ઉપર વજન નહિ આવે. એ ગોદોહાસન એક જ એવું છે કે જેમાં પગના અંગુઠા અને આંગળા પર વજન આવે. પગના અંગુઠા અને આંગળામાં એવી glands છે, ગ્રંથિઓ કે જે દબાય, એટલે વિષય – વાસનામાંથી તમે બહાર આવી જાઓ. એ જ રીતે ચૈત્યવંદન કરો, યા તો બે પગની પિંડી ઉપર પગનું વજન મુકો યા તો એક પગની પિંડી ઉપર… તો આ જે પગની પિંડી છે, એમાં અહોભાવને ઉભારવાની glands છે. ગ્રંથિઓ…. પણ તમે ૮ કલાક બેસો તો એના ઉપર વજન આવવાનું નથી. પણ જો ચૈત્યવંદનની મુદ્રામાં બેસો, તો એ દબાય. એમાં રહેલી glands ગ્રંથિઓ દબાય. અને દબાય એટલે અહોભાવની ધારામાં તમે વધારે ચઢો. તો ક્લ્સૂત્ર ટીકાની અંદર પ્રભુની સાધનાની બહિરંગ કથા છે. એટલા માટે કે બધા સમજી શકે.

પણ પ્રભુની સાધનાની અંતરંગ કથા પરમ પાવન આચારાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના નવમાં બ્રહ્મચર્ય અધ્યયનમાં છે. એ સાધના કથા કદાચ તમે હજી સુધી નહિ સાંભળી હોય.

એક પ્રસંગ એ અંતરંગ સાધના કથાનો કહું… પ્રભુ અનાર્ય દેશમાં, અજ્ઞાની માણસો… પ્રભુની પાછળ શિકારી કૂતરાઓ છોડે, અને એ કુતરાઓ પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે લોચા કાઢી નાંખે છે. એ અજ્ઞાની માણસો પ્રભુની પીઠ પર લાકડીઓ મારે, પ્રભુ બહાર જાય, જંગલમાં… એમને ત્યાં સાધના કરવી છે… લગભગ પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાને ગયા છે. તો હજુ કાર્યોત્સર્ગમાં ગયા નથી. જવાનું છે. એ વખતે એક સવાલ કરવામાં આવ્યો,કે આટલી મોટી ઘટના પ્રભુના શરીર પર ઘટિત થઇ તો પ્રભુને એનું સ્મરણ હોય કે નહિ..? તો બહુ સરસ સૂત્ર આચારાંગજીમાં આવ્યું… “एयाइं से उरालाइं गच्छइ णायपुत्ते असरणाए પ્રભુને આ ઘટનાનું કોઈ સ્મરણ નથી! ૧૦ – ૧૫ મિનિટ પહેલા જે ઘટના ઘટી ગઈ છે… ઘટના પણ સામાન્ય નહિ, કોઈએ ગાળોનો વરસાદ વરસાવ્યો હોય, લાકડીઓનો વરસાદ વરસાવ્યો હોય. શિકારી કુતરાઓ છોડી પ્રભુના પગની પિંડીમાંથી માંસના લોચે – લોચા કઢાવ્યા છે. આવી મોટી ઘટના ઘટી ગઈ છે અને છતાં પ્રભુને એનું સ્મરણ નથી. શિષ્યને નવાઈ લાગી. How it is possible? ૧૦ મિનિટ પહેલા ઘટના ઘટી… તમને એનું સ્મરણ પણ ન હોય… કઈ રીતે બની શકે… તો ત્યારે કહ્યું…. કે જ્યારે ઘટના ઘટી, ત્યારે પ્રભુ ઘટનામાં ક્યાં હતા…પ્રભુ સ્વમાં હતા…. પ્રભુ ઘટનામાં હોય તો ઘટનાનું સ્મરણ કરે ને… પ્રભુ ઘટનામાં હતા જ નહિ, તો સ્મરણ કોનું થાય… જેનો અનુભવ થયો હોય એનું સ્મરણ થાય, બરોબર? માણ્યું તેનું સ્મરણ. પણ તમને જેનો અનુભવ જ નથી થયો, એનું સ્મરણ શી રીતે થાય? તો પ્રભુને અનુભવ જ નથી થયો.

સ્વના આનંદમાં પ્રભુ એટલા તો મશગુલ હતા, કે શરીરના સ્તર પર શું બની રહ્યું છે…. એનો એમને ખ્યાલ જ નથી. ગજસુકુમાલ મુનિની વાત આપણે સાંભળી… કે તાજા લોચ કરાયેલા માથા ઉપર ખેરના અંગારા ધગધગતા મુકવામાં આવ્યા. શરીરનો sensitive માં sensitive portion મગજ, ત્યાં ખેરના અંગારા પોતાની દાહકતા બતાવી રહ્યા છે. પીડા કેટલી થઇ શકે… તો સામાન્યતયા એવું કહેવાય, કે એમણે સહન કર્યું અને સિદ્ધ બન્યા. સહન કરવાને અને સિદ્ધિને કોઈ સંબંધ નથી. સહન કરવું, પરિષહોને સહેવા એ બાહ્ય ચારિત્ર, વ્યવહાર ચારિત્ર.

પદ્મવિજય મહારાજે કહ્યું, “પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા, નિશ્ચય નિજ ગુણઠરણ ઉદારા” નિશ્ચય ચારિત્ર શું…? નિજ ગુણમાં સ્થિરતા. વિતરાગદશામાં એક સાધક સ્થિર થાય. પોતાના જ્ઞાતાભાવમાં એક સાધક સ્થિર થાય. પોતાના દ્રષ્ટાભાવમાં એક સાધક સ્થિર થાય. આ નિશ્ચય ચારિત્ર છે. કોઈ પણ વ્યવહાર સાધના શું કરે… નિશ્ચય સાધના સુધી તમને પહોંચાડે, તો પરિષહોનું સહન જે છે, એ તમારા દેહાધ્યાસને તોડે, દેહ પ્રત્યે જે રાગ છે, એને પરિષહ સહન તોડે. તાવ આવ્યો, આવ્યો તો ભલે આવ્યો… મારી સાધના ચાલુ છે. અને સાધનામાં ઉપયોગ મૂકી દીધો, તાવ છું! તો આ રીતે પરીષહો સહન દેહધ્યાસને દૂર કરે. એટલે ભેદજ્ઞાન અભ્યાસ થાય. શરીર અને હું ભિન્ન છીએ. હું આત્મતત્વ છું. મારું સ્વરૂપ શું…? નિર્મલ ચેતના, અખંડ ચેતના… મારા ગુણો કયા…? વિતરાગદશા…. જ્ઞાન, દર્શન, ચારિત્ર…. આનંદ.

તો ગજસુકુમાલ મુનિ નિશ્ચય ચારિત્રમાં આવી ગયેલા અને પોતાના આનંદને માણી રહ્યા હતા. એવો આનંદ તમારી ભીતર છે કે એક પણ પીડા તમને ક્યારે થાય જ નહિ. પીડા શરીરમાં છે. તમારામાં ક્યાં છે… તમે વિચારો દ્વારા, મન દ્વારા, એ બહાર રહેલી પીડાને અંદર લઇ જાવ છો. પણ એ connection તૂટી જાય તો… આજે એક રોગ થાય છે… એ રોગ એવો છે… કે nervous system ની sensitiveness ખતમ થઇ જાય છે. એ નાના બાળકો માટે બહુ જ ખતરનાક રોગ છે. કારણ કદાચ સગડી પડી જાય, અને અંગારો એના આંગળીને touch થતો હોય તો પણ એને ખબર નહિ પડે. કારણ કે જ્ઞાનતંતુઓ જે મગજને સંદેશો આપે છે. એ જ્ઞાનતંતુઓની system ખોરવાઈ ગયેલી છે.

તો સાધનાની અંદર આ જ કરી શકાય. ઉપયોગને તમારા મનને અંદર એટલો મૂકી દો, કે બહાર શું થાય છે, એની ખબર ન રહે. તો પ્રભુની આ અંતરંગ કથાનું વર્ણન પરમ પાવન આચારાંગ સૂત્રમાં નવમાં અધ્યયનમાં ચાર ઉદ્દેશામાં કરવામાં આવેલું છે. ચારે – ચાર ઉદ્દેશા પ્રભુની ૧૨|| વર્ષની સાધનાને જ રજુ કરે છે. પર્યુષણ પછી લગભગ ૧૬મી સપ્ટેમ્બરે, જે વાચના શ્રેણી ચાલુ થશે. એમાં પ્રભુની આ અંતરંગ કથાનું વર્ણન ચાલુ થશે.

થોડી તમને રિશેષ આપશું ને… સંવત્સરીક મહાપર્વ પછી અઠવાડિયાની રજા. ૧૬ તારીખથી પ્રભુની અંતરંગ સાધના કથાનું વર્ણન ચાલુ. એટલા ગજબનાક સૂત્રો છે, હું તો એના પ્રેમમાં પડેલો માણસ છું. પ્રભુના પ્રેમમાં તો છું જ… અને પ્રભુના પ્રેમમાં છું; એટલે પ્રભુના શબ્દોના પણ પ્રેમમાં છું. આચારાંગ સૂત્રના કેટલાક અધ્યયનો edit થયા વગરના છે. આમ તો શું થાય, પ્રભુ બોલે, ગણધર ભગવંતો એને લખે, અને editing થયેલું જે સ્વરૂપ છે; એ આગમ તરીકે આવે. પણ આચારાંગ સૂત્રમાં એવા ઘણા સૂત્રો છે, જે પ્રભુએ કહ્યા હોય તેમ, inverted coma માં મૂકવામાં આવેલ છે.

એક સૂત્ર છે: “आणाए मामगं धम्मं” સામાન્યતયા સુધર્માસ્વામી ભગવાન લખે તો શું લખે… “આણાએ ભાગવયં ધમ્મં” આજ્ઞામાં પ્રભુનો ધર્મ છે. પણ સૂત્ર એ રીતે આવ્યું, “आणाए मामगं धम्मं” આજ્ઞા પાલનમાં જ મારો ધર્મ સમાયેલો છે. એટલે મારો ધર્મ કોણ કહી શકે? પ્રભુ જ કહી શકે… એટલે એ સૂત્ર એકદમ edit થયા વગરનું આવ્યું… તો આવા કેટલાય સૂત્રો છે એમાં કે આપણને લાગે કે પ્રભુ પોતે બોલતા હોય તો આ રીતે બોલે.

પ્રભુની દેશના આપણે સાંભળી શકતા નથી અત્યારે, પણ એ દેશનાનું એક સંક્ષિપ્ત સ્વરૂપ આચારાંગ સૂત્રમાં આપણને મળ્યું. જો કે આજે વૈજ્ઞાનિકો માને છે, કે Theorically આ શક્ય છે. ૨૫૦૦ – ૨૬૦૦ વર્ષ પહેલાં બોલાયેલા શબ્દો ઇથરમાં, વાતાવરણમાં સંગ્રહિત થયેલા છે. અને decode કરી શકાય… એને ફરીથી પાછું લાવી શકાય- શબ્દોના સ્તરમાં… એ ધ્વનિ તરંગ રૂપે છે. પાછું એને શબ્દમાં ફેરવી શકાય. Radio માં આ જ થાય છે. શબ્દો બોલવામાં આવે છે. એ electricity દ્વારા ધ્વનિ તરંગોમાં રૂપાંતરિત થાય છે. તમારા radio સુધી એ ધ્વનિ તરંગ રૂપે આવે છે. અને એ ધ્વનિ તરંગે પાછા શબ્દોની અંદર ફેરવવામાં આવે છે.

તો વૈજ્ઞાનિકો માને છે કે આ શક્ય છે. પણ Theorically , practically હજી આવું શક્ય બન્યું નથી. પણ practically આ શક્ય બને તો આપણા માટે તો કેવો મજાનો અવસર હોય. કે પ્રભુની દેશના આપણે સાંભળી શકીએ….

આચારાંગ સૂત્ર પ્રત્યે મને એટલો બધો લગાવ કે લગભગ ૩૦ વર્ષ સુધી, દર વર્ષે એકવાર આચારાંગ સૂત્રનો હું સ્વાધ્યાય કરું. અને આ જે અધ્યયન ની વાત કરું છું – પ્રભુની સાધનાના, એનું તો વર્ણન સભા સમક્ષ પણ કરવું છે. તો આચારાંગ સૂત્ર બહુ જ મજાનું અને એમાં પ્રભુની સાધનાની આ અંતરંગ કથા આવવાની છે. બાહ્ય કોઈ વર્ણન ત્યાં નથી. કેટલા તપ કર્યા વાત નથી. પારણું કોના ત્યાં થયું એ વાત નથી. ચોમાસા ક્યાં થયા એની વાત નથી. માત્ર પ્રભુએ કાર્યોત્સર્ગ ધ્યાન કર્યું, સાધના કરી, પણ એ સાધના કેવી હતી…

એક બહુ મજાનો પ્રસંગ આવે છે એમાં જ, ભગવાન વિહાર કરે છે. વિચાર તો કરો… ભગવાને એકલા દોક્ષા લીધી… બીજા બધા તીર્થંકરો પાસે કેટલા કેટલા કેટલાએ દીક્ષા લીધેલી. શરૂઆતમાં… પ્રભુ એકલા. તો પ્રભુ વિહાર કરે છે અને વરસાદ ચાલુ થયો. વરસાદ ચાલુ થયો અને બાજુમાં એક ચોરો – મુસાફર ખાનું હતું. પ્રભુ ત્યાં ગયા કે વરસાદ બંધ રહે પછી ચાલુ… પ્રભુ ત્યાં ઉભા રહ્યા… બેસવાનું તો હતું જ નહિ એમને… હવે ગામની નજીક આવેલો એ ચોરો હતો. તો ગામમાંથી નીકળેલા, ઘણા લોકો અટવાઈ પડેલા, કેટલાક ગામ જનારા અટવાઈ પડેલા, બધા ત્યાં ભેગા થયેલા… જાત – જાતની વાતો કરતા હતા.

એ વખતે પ્રભુ શું કરતાં હતા… તો સૂત્ર આવ્યું “મિશીભાવં અહાય સે ઝાઈ” બસ પ્રભુ ધ્યાનમાં ઉતરી ગયા, introvert થઇ ગયા. અંતર્મુખ, અંતર્લીન, બહાર શું ચાલે છે એનો ખ્યાલ પ્રભુને નથી…. આપણે આંખ બંધ કરીએ ને તો દેખાય નહિ, કાન ખુલ્લા હોય ને તો સંભળાય ખરા…. પ્રભુ introvert બનતા, ત્યારે બધી જ ઇન્દ્રિયો પોતાનું કામ કરવાનું બંધ કરી દેતી હતી. કારણ કે ઇન્દ્રિયો કામ ક્યારે કરે? મન એને શક્તિ આપે ત્યારે… ઇન્દ્રિયો પોતે સક્ષમ નથી.. આંખ જે છે ને એ કેમેરાના લેન્સ જેવી જ છે. એમાં પ્રતિબિંબ પડે, પણ પ્રતિબિંબ સારું, ખરાબ કેવું; એ nervous system નક્કી કરે. એટલે અંદર જે પ્રતિબિંબ પડે, એ nervous system ને આધારે મન નક્કી કરે કે આ સારું દ્રશ્ય છે કે ખરાબ દ્રશ્ય છે. એટલે મનની શક્તિ ન મળે ત્યાં સુધી કોઈ પણ ઇન્દ્રિય કામ કરી શકે નહિ. તમે મનને સુવાડી દો ને… મનને અંદર મૂકી દો.

તો પ્રભુ અંતર્લીન બનતા; મન સૂઈ જતું. પ્રભુ પોતાના ગુણોની અંદર રહેતા. તો મન જ નથી. તો ઇન્દ્રિયો કઈ રીતે કામ કરવાની! એટલે પ્રભુ totally introvert – અંતર્લીન બની ગયા. આપણી સાધના સાર્થક અને એકદમ સરસ કેમ નથી થતી? આપણે extrovert છીએ. આપણું મન બહાર રોકાયેલું છે. શરીર ક્રિયા કરશે, એ વખતે પણ મન બહાર ભાગેલું હશે.

કલ્પસૂત્રના પ્રવચનમાં આ વાત ખાસ રાખવાની યાદ. કારણ કે આના પછી શું ને આના પછી શું તમને ખબર છે. એટલે એ વખતે મન બહાર ફરવા નીકળી જશે. અમે નવી નવી વાતો એક પછી એક કેમ રજુ કરતાં હોઈએ છીએ… કે તમારું મન પકડાઈ રહે… અને મન પકડાઈ રહે તો એટલો સમય તમે introvert – અંતર્મુખ બની શકો. પણ કલ્પસૂત્રના પ્રવચનમાં તમારી પરીક્ષા થાય છે… શું આવશે એ ખબર છે… પણ મારા પ્રભુની કથા… અને આ મારા પ્રભુની કથા મારા સદ્ગુરુના મુખે મારે સાંભળવાની. મહાપુરુષોએ કેટલી સરસ વ્યવસ્થા ગોઠવી આપી છે.

તો એ કલ્પસૂત્રનું શ્રવણ તમે કરશો. બરોબર ને… તમારા કાન નહિ… માત્ર તમારું conscious mind નહિ. તમે પોતે કલ્પસૂત્રને સાંભળશો. બરોબર…

પર્વ કૃત્યની અંદર પૌષધ આવ્યો. વાર્ષિક કૃત્યોમાં ૧૧ કૃત્યો આવ્યા. એક શ્રુત રક્ષાનું કાર્ય છે. પહેલાનાં શ્રાવકો ગ્રંથો વાંચતા અને ગ્રંથો લખતા.

L.D. institute એ એક પુસ્તક બહાર પાડ્યું છે. Treasures of Jain bhandaras. એમાં આપણા ગ્રંથાગારો પર કેમેરાને ફેરવી સરસ મજાના snaps લેવામાં આવેલા છે. હું એ પુસ્તક જોતો હતો. એમાં એક snap આવ્યું, ફોટોગ્રાફ… ઉપદેશમાળા ગ્રંથ, એનું છેલ્લું પાનું હતું. છેલ્લા પાનામાં લખેલું લિ. “ઇદં ગુરુજન અમાત્યેન વસ્તુપાલેન” વસ્તુપાળ જે ગુજરાત રાજ્યના મહામંત્રી હતા. આખા ગુજરાત રાજ્યનો ભાર રાજાએ એમના ઉપર મૂકી દીધેલો. એ વસ્તુપાળ મંત્રી પણ ગ્રંથોને લખતા.

આજે પણ એક સુવર્ણ યુગમાં છીએ. કે આપણા ગ્રંથો લખાઈ રહ્યા છે. છાપેલું પુસ્તક ૫૦ – ૬૦ વર્ષથી વધારે ટકવાનું નથી. એવા કાગળ ઉપર લખવામાં આવે છે કે જે સેંકડો વર્ષો સુધી ટકે. આજે જૂની હસ્તપ્રતો જે છે, એની antic value બહુ મોટી છે. લગભગ પહેલા દરેક ગામની અંદર કલ્પસૂત્ર તો હોય જ, ભંડારમાં… એ કલ્પસૂત્ર જેટલું પ્રાચીન એટલું એનું મૂલ્ય વધારે. એટલે antic ના વેપારીઓ જે છે ગામડે ગામડે ફરી વળ્યા. અને બધું લઇ ગયા.

શત્રુંજયનો પટ કાર્તિકી પૂનમે આપણે જુહારીએ, એ કપડાં પર પહેલા થતો… અત્યારે આપણે કેનવાસ પર કરીએ. તો કપડાં પરના એ પટો, ૪૦૦ – ૪૦૦ વર્ષ જુના મળ્યા છે. પણ દરેક ગામમાં હતા, પણ જુના થઇ ગયેલા હોય, જુના ને શું કરવાનું… ફાટી તો જાય જ… કારણ કે દર વખતે ક્યાંક લટકાવાનું હોય. પછી વાળવાનું હોય. સહેજ ફાટી ગયેલું છે, એટલે પેલા કળાના વેપારીઓ ફરતાં હોય. સાહેબ નવો પટ તમને આપીએ, જુનો પટ આપી દો.. હવે આપણા લોકોને કોઈ antic value ની ખબર નથી. નવો પટ ૨૦૦૦માં થાય. અને જુના પટની value ૨ લાખની હોય.

કલ્પસૂત્ર કાળી શાહીથી લખાયેલું હોય, અને એમાં ચિત્રો હોય, અને એ ૨૦૦ – ૩૦૦ – ૪૦૦ વર્ષ પહેલાનું હોય, તો એ કલ્પસૂત્રનું મૂલ્ય ૧૦ થી ૧૫ લાખ છે. અને સુવર્ણાક્ષરે કલ્પસૂત્ર હોય ૭૦ થી ૧ કરોડ સુધીનું મૂલ્ય છે. તો આટલું મોટું મૂલ્ય હતું… એટલે કળાના વેપારીઓ બધે ઘુસી ગયા, અને બધું સાફ કરી ગયા. અમે લોકો પણ મોડા જાગ્યા. અમને લોકોને પણ આ ખ્યાલ નહોતો. નહિતર અમારા આજુબાજુમાં જે ભક્ત ગામો હતા, એ ગામોને કહી દે કે આ વહેંચવાનું નથી. આને સાચવી રાખવાનું છે. પણ અમને પણ પહેલાં ખ્યાલ નહોતો. તો ગ્રંથો તો ચોરાય છે. ઘણી વખત તો છે ને જેને  librarian તરીકે રાખીએ, ગ્રંથભાર તરીકે… એ જ માણસને ખબર પડે કે આના ૧૦ લાખ છે. એ ગ્રંથ જે છે, વેંચી નાંખે.

રાજસ્થાનમાં એવા જીલ્લાઓ છે. સિરોહી, પાલી, ઝાલોર… એક – એક ગામમાં અદ્ભુત દેરાસર… અદ્ભુત પ્રાચીન પ્રતિમાઓ… જૈનોના ઘરો એકેય નહિ. ૩૦૦ ઘરનું ગામ હોય, ૩ ઘર ખુલ્લા હોય, એ પણ ભોજનશાળામાંથી જમે એવા હોય, રસોઈ પણ ન બનાવી શકે. દેરાસરે તો માંડ – માંડ દર્શન કરવા જાય, પૂજા એ કરી ન શકે એવા હોય, એવા ગામોમાંથી પ્રાચીન મૂર્તિઓ ચોરાઈ.

અમે ભીનમાલ ગયેલા. તો ત્યાં દેરાસર અને બાજુમાં એક નાનકડી ઓરડી. ઓરડીમાં ધાતુના કાઉસ્સગજી ભગવાન. આટલા… ૨ – અઢી ફૂટ ઊંચા… જે પુજારી બતાવતો હતો… એણે કહ્યું કે થોડા વખત પહેલાં એક બહુ નિષ્ણાંત આવેલા, અને એમણે કહ્યું કે આ તો બહુ antic છે. આની value ખુબ છે, એટલે આને બરોબર સાચવીને રાખજો. હવે આ વાત જો લિક થયા કરે, કે આ બહુ antic છે ૫૦ લાખ, ૬૦ લાખ… કરોડની આની કિંમત છે.

હિંદુ મંદિરોમાંથી તો શિલ્પો કેટલા વેચાઈ ગયા. નટરાજનું શિલ્પ, ધાતુનું… અત્યારે બનાવો તો ૨ લાખનું થાય. અને એ જુનું જે છે ૨ કરોડ, ૫ કરોડ, ૭ કરોડ… તમે કહો એ પૈસા આપું. વિદેશના મ્યુઝીયમ ના ક્રિએટર પાસે પણ ૨ – ૫ – ૧૦ લાખ ડોલરનું વેચાણ લેવાની છૂટ હોય છે. ૧૦ લાખ ડોલર સુધી કોઈ વસ્તુ એને મળી જતી હોય, તો એને ટ્રસ્ટીઓને પણ પૂછવાનું રહેતું નથી. આટલા મોટા બજેટો હોય છે. એટલે આપણી પાસે વિરાસત બહુ મોટી છે. પણ એ વિરાસતનો આપણને ખ્યાલ આવવો જોઈએ.

પાટણમાં કુમારપાળ મહારાજાના રાજ્ય પછી અજયપાળ નું શાસન આવ્યું. અજયપાળે એક જ કામ કર્યું, કુમારપાળ નું નામ ભૂંસો. હવે કુમારપાળ રાજાએ બે જ કામ કરેલા… જિનાલયો બંધાવેલાં અને ગ્રંથાલયો બનાવેલા. ગ્રંથાલયો સળગાવ્યા છે. આપણા પવિત્ર ગ્રંથોને સળગાવી દીધા. મંદિરોમાંથી મૂર્તિઓની તોડ – ફોડ કરી. અને મંદિરોને અપવિત્ર બનાવી દીધા. એ વખતે અજયપાળનું શાસન આવ્યું. જૈનોને કેવી રીતે રહેવું એની મુશ્કેલી હતી. કારણ કે જૈનો નો એ દ્વેષી હતો. આ લોકો બહુ પૈસા કમાઈને બેઠા છે. એમની પાસેથી પૈસા વસુલ કરો. એ રાજ્ય સંક્રાંતિના કાળમાં જ્યારે પોતાની સંપત્તિ કેમ સચવાશે એની વિમાસણ હતી. એ વખતે આપણા પૂર્વજોએ આપણી સંપત્તિ પર ધ્યાન નથી આપ્યું. પણ આપણા પવિત્ર ગ્રંથો પર ધ્યાન આપ્યું છે. રાતો રાત.. સાંઢણી ઉપર, ઊંટડી ઉપર હજારો ગ્રંથો પાટણથી ઠેક જેસલમેર મોકલવામાં આવ્યા. કે ભાઈ ત્યાં સુરક્ષિતતા છે. પાટણનું રાજ્ય, ગુજરાતનું રાજ્ય જ્યાં છે ત્યાં અસલામતી છે. બહાર મૂકી દો, રાજસ્થાનમાં… જો પકડાઈ જવાય તો રાજા કદાચ ફાંસીએ ચડાવી દે. પણ એ વખતે પોતાના જાનના જોખમે આપણા પૂર્વજોએ એ ગ્રંથોને જેસલમેર મોકલ્યા. આજે જેસલમેરનું જે ભંડાર છે, એ પાટણથી આવેલું છે.

તો વાર્ષિક કર્તવ્યમાં આ બતાવ્યું શ્રુતપૂજા. તમે શું કહો… પોથી ઉપર પૈસા મૂકી દીધા… ઘણા નવા સવા હોય ને … એ શ્રાવિકા જોડે આવેલા હોય …. એટલે ૧૦૦ રૂપિયાની નોટ મુકે અને વાસક્ષેપ લઇ ૧૦૦ની નોટ ઉપર પૂજન કરે. ત્યારે એને શ્રાવિકા સમજાવે ૧૦૦ની નોટ ઉપર નહિ… પોથી ઉપર પૂજન કરો. રોજ પા કલાક કે અડધો કલાક શ્રુતના અભ્યાસ માટે તમે આપો તો પણ શ્રુત પૂજા છે. એક સામાયિક ભણવા માટે રાખી શકો તો બહુ સારું… એટલું ન રાખી શકો તો એટલું નક્કી કરો કે પા કલાક, અડધો કલાક, નવું કંઈક વાંચવું છે, નવું કંઈક ભણવું છે. પ્રવચનો પણ અચૂક સાંભળવા છે. એક પ્રવચનમાં એક મહાત્મા ૫ – ૧૦ ગ્રંથોનો સાર તમને આપી દેતાં હોય છે.

એટલે બરોબર ખ્યાલ રહ્યો ને… પર્યુષણ પછી ૧૬મી સપ્ટેમ્બરે જે પ્રવચન શ્રેણી ચાલુ થશે. એમાં પ્રભુની ૧૨|| વર્ષની સાધનાની અંતરંગ કથા ચાલુ થશે. 

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *