Anandghanji Ne Sathvare – Vachana 50

510 Views 26 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : કલ્પસૂત્ર

કલ્પ એટલે આચાર. સાધુ ભગવંતોનો આચાર. સાધ્વીજી ભગવતીઓનો આચાર. એ આચાર છેલ્લા નવમા વ્યાખ્યાનમાં આવે છે. પણ નવમું વ્યાખ્યાન અર્થથી સંભળાવાતું નથી. એ સાંવત્સરિક મહાપર્વના દિવસે મૂળની અંદર કહેવામાં આવે છે.

એક મુનિનું, એક સાધ્વીજીનું લક્ષ્ય એક જ છે : પ્રભુની આજ્ઞાનું પૂર્ણતયા પાલન. પ્રભુની નિશ્ચય આજ્ઞા છે : તું તારા સ્વરૂપમાં સ્થિર થા. દશવિધ મુનિ આચાર – જે પ્રભુની વ્યવહાર આજ્ઞા છે; એ આપણને પ્રભુની નિશ્ચય આજ્ઞા તરફ લઇ જાય. એક મુનિની કે એક સાધ્વીના જીવનની એક–એક ક્ષણ ઉપર પ્રભુનું signature જોઈએ; એક–એક ક્ષણ પ્રભુદત્ત હોવી જોઈએ.

तेणं कालेणं तेणं समएणं કલ્યાણકો દર વર્ષે આવે. દર વર્ષે જ્યારે આ સમય આવે છે, ચંદ્ર જે-તે નક્ષત્રમાં જાય, લગભગ એ અથવા એની આગળ–પાછળનો દિવસ. કલ્યાણકના સમયે જે પરમાણુઓ વિખેરાયેલા, એવા જ પરમાણુઓ એ સમયે દર વર્ષે વિખેરાય અને તમે એકદમ એકાગ્ર બનીને એ પરમાણુઓને પ્રાપ્ત કરી શકો.

ઘાટકોપર ચાતુર્માસ વાચના – ૫૦

 પરમ પાવન કલ્પસૂત્રનો આજથી મંગળ પ્રારંભ.

એવું આ સૂત્ર છે કે જેનો શબ્દ શબ્દ નહિ, અક્ષર અક્ષર મંત્રની જેમ અત્યંત પવિત્ર છે. એ કલ્પસૂત્ર ૨૧ વાર સંભળાય; શાસ્ત્રકાર ભગવંતો કહે છે, કે એનો મોક્ષ નક્કી થઇ ગયો. કલ્પ એટલે આચાર. સાધુ ભગવંતોનો આચાર. સાધ્વીજી ભગવતીઓનો આચાર. એ આચાર છેલ્લા નવમાં વ્યાખ્યાનમાં આવે છે. પણ નવમું વ્યાખ્યાન અર્થથી સંભળાવાતું નથી. એ સંવત્સરીક મહાપર્વના દિવસે મૂળની અંદર કહેવામાં આવે છે.

એટલે ટીકાકાર વિનયવિજય મહારાજ દશવિધ મુનિ આચારની વાત પહેલાં કરે છે. એક મુનિનું, એક સાધ્વીજીનું લક્ષ્ય એક જ છે. પ્રભુની આજ્ઞાનું પૂર્ણતયા પાલન. પ્રભુની નિશ્ચય આજ્ઞા છે; તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એ નિશ્ચય આજ્ઞા તરફ; વ્યવહાર આજ્ઞા આપણને લઇ જાય. એટલે આ દશવિધ આચાર, જે પ્રભુની વ્યવહાર આજ્ઞા છે; એ આપણને પ્રભુની નિશ્ચય આજ્ઞા તરફ લઇ જાય.

દેહ છે તો વસ્ત્ર જોઇશે. પણ એક સાધક વસ્ત્ર માટે કેવી દ્રષ્ટિ ધરાવે… અલ્પ મૂલ્યના સાદા સફેદ વસ્ત્રો પહેરી લેવાના… વસ્ત્ર ઉપર રાગ ન થાય એના માટે પ્રભુએ પહેલો આચાર વસ્ત્ર સંબંધી બતાવ્યો. બીજો આચાર ગોચરી સંબંધી છે. સાધુ ભગવંત કે સાધ્વીજી ભગવતી, કેવી ગોચરી વ્હોરે…? નિર્દોષ ગોચરી વહોરે.

પહેલાંના મહામુનિઓ ગુરુની આજ્ઞાથી એકલા ગુફામાં કે જંગલમાં રહેતા હોય, ૨ – ૪ – ૫ દિવસે એમ થાય કે શરીર શિથિલ બન્યું છે… તો વહોરવા માટે નીકળે અને નિર્દોષ જે મળે તે વહોરી લે. ક્યારેક એમ લાગે કે ઉપવાસ ઉપર ઉપવાસ થાય છે, પણ સાધના બરોબર થાય છે, તો માસક્ષમણ કરી લે. ૩૧માં દિવસે મધ્યાહ્ને વહોરવા માટે જાય. નિર્દોષ ગોચરી મળી તો વહોરી. ન મળી તો પાછા આવવાનું. ગોચરી મળી તો એ કહેતાં સંયમવૃદ્ધિ. આ આહાર વપરાશે અને એના એક – એક કણનો ઉપયોગ સાધનામાં ફેરવાશે. તમે લોકો અમને વહોરાવો ત્યારે આ જ તમારો ભાવ હોય છે. કે આ મુનિ ભગવંતો, આ સાધ્વીજી ભગવતીઓ વાપરશે, અને અન્ન ના એક – એક કણને સાધનામાં ફેરવશે. વહોરાવતી વખતે તમારો ભાવ અત્યંત ઉચકાઈ જાય છે. એનુ કારણ આ છે.

 તો ૩૧માં દિવસે ભિક્ષા મળી તો કહે છે સંયમવૃદ્ધિ. ન મળી તો કહે છે તપોવૃદ્ધિ. અમને પણ આવા મહામીનીઓની ઈર્ષ્યા આવે. અમે લોકો વાપરવા બેસીએ ને ત્યારે એક ગાથા સૂત્ર અમારા મનમાં રટાતું હોય. તમારું પણ future planning તો આ જ છે. એટલે ગોચરી વાપરતાં વાપરતા એક મુનિ શું વિચારે… મજાનું ગાથા સૂત્ર છે. “अहो! जिणेहिं असावज्जा वित्ती साहूण देसिया । मुक्खसाहणहेउस्स साहुदेहस्स धारणा” એકદમ અહોભાવની ધારામાં વાપરતી વખતે ડૂબી જાય છે. એવી તો અહોભાવની ધારા, વાપરતી વખતે ચાલતી હોય કે શું ખાધું, શું ન ખાધું એ પણ ખબર ન હોય. આસક્તિની તો વાત જ ક્યાં રહી! એકદમ અહોભાવની ધારા ચાલે છે. મારા ભગવાને કેવી નિર્દોષ દીક્ષાવૃત્તિ મને બતાવી છે. મોક્ષના સાધનરૂપ આ દેહનું પોષણ થાય અને કોઈ પણ જીવની વિરાધના ન થાય… એવી મજાની ભિક્ષાવૃત્તિ મારા પ્રભુએ મને બતાવી છે. વાપરતી વખતે અહોભાવ, વાપરતી વખતે આંખમાંથી આંસુ ચાલતા હોય. વાપરતી વખતે માસક્ષમણ ના તપસ્વી એ મુનિરાજોને અમે લોકો યાદ  કરતા હોય.

પૂરું જીવન સાધનાને સમર્પિત કરવાનું હોય. એક મુનિની એક સાધ્વીની જીવનની એક – એક ક્ષણ ઉપર પ્રભુનું signature જોઈએ. એક – એક ક્ષણ પ્રભુદત્ત હોય. પ્રભુની આજ્ઞામાં રંગાયેલી એ ક્ષણ. અમે લોકો એકદમ મજામાં છીએ, કારણ શું… કારણ એક જ અમારા જીવનની એક – એક ક્ષણ પ્રભુની આજ્ઞાના રંગમાં ઝબોળાયેલી છે. તમારી પાસે પણ આ આજ્ઞાનો રંગ આવી જાય તો તમારા જીવનની પણ એક – એક ક્ષણ આનંદમાં વીતે. કોઈ ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ. જોઈ લીધી; વાત પુરી થઇ. એ રીતે તમે પ્રભુની આજ્ઞામાં આવી શકો; તમે એકદમ આનંદમાં હોવ.

૩જો આચાર છે વસતીનો… પહેલાના યુગમાં મહામુનિવરો ગુફામાં રહેતાં, જંગલોમાં રહેતા. મોટું નગર હોય ત્યારે ઉપાશ્રય ન પણ હોય, તો કોઈ મોટો શ્રીમંત હોય અને એનું મોટું ઘર હોય, તો એ ઘરનો એકાદ ભાગ માંગીને – યાચીને એમાં ઉતરતા. અમારા પૂર્વજોના જીવનને જોઈએ તો અમને લાગે કે અમારા જીવનમાં કોઈ કષ્ટો છે જ નહિ. બસ, અમારી એક – એક ક્ષણ પ્રભુની આજ્ઞામાં રંગાયેલી હોય, એટલું જ પ્રભુ પાસે અમે રોજ માંગતા હોઈએ છીએ… તમે શું માંગશો…? પ્રભુ સાધના તે આપી… એ સાધનાનો આનંદ દિન – પ્રતિદિન મારો વધતો જાય એવી તું કૃપા કરજે; તમે આ પ્રભુની પાસે માંગી શકો. તો વસતી એટલે કે સ્થાન ઉતરવા માટે જે આપે એને શય્યાતર કહેતાં. શય્યા એટલે સ્થાન. શય્યા એટલે પથારી પણ થાય. શય્યા એટલે સ્થાન પણ થાય. તો મુનિ ભગવંતોને સ્થાન આપીને જે ભવસાગરને તરી જાય એ શય્યાતર. शय्याया तरति इति शय्यातर।

એક ઉપાશ્રય તમે બનાવ્યો, એમાં જેટલી સાધના થાય, એનો છટ્ઠો ભાગ તમને નિયમિત મળતો રહે. તમને મળે. તમારા પરિવારને મળે. સુરતમાં એક ભાઈ છે. આપણી પાસે એવા લોકોનો તો ખ્યાલ હોય કે જેમણે સ્વદ્રવ્યથી એક નહીં, પણ ૫ – ૧૦ દેરાસર બનાવ્યા હોય. આ ભાઈનો નિયમ છે… ૧૦૮ ઉપાશ્રય બનાવવા… ૫૦ ઉપર ઉપાશ્રયો એમણે બનાવી દીધા છે. પણ આવા જે દાનવીરો હોય છે, એમના મનની ભૂમિકા કઈ હોય છે. આવા જ એક દાનવીર હતા… જીરાવલા તીર્થમાં એમણે અટ્ઠમ કરાવ્યો. દેખીતી રીતે પેઢીએ એમને સન્માનપત્ર આપ્યું. સન્માનપત્રના જવાબમાં એ ભાઈએ કહ્યું – કે તમે મને ઉદાર કહો છો. હું બહુ મોટો કંજૂસ માણસ છું. મારી સંપત્તિમાંથી ૧% પણ મેં પ્રભુ શાસનને અર્પિત કર્યો નથી. સંપત્તિનો લોભ મને એટલો બધો છે કે હું ગણી – ગણીને ખર્ચું છું. કેવી ઉદાત્ત ભાવના.

તો શય્યાતર માટે નિયમ એવો છે કે રાત્રે રહ્યા હોઈએ ત્યાં, તો એના ત્યાં બીજા દિવસે વહોરાય નહિ… શા માટે ન વહોરાય…? તો એના ૨ કારણો આપ્યા. કદાચ એ શ્રાવક મુનિરાજનો ગુણોને કારણે ઉપાસક બની જાય. અને એને એક જ વાત આવે કે મ.સા. ની ભક્તિ કરવી. તો કદાચ દોષિત ગોચરી પણ વહોરાવી દે. માટે બીજા દિવસે ત્યાંથી ગોચરી વહોરવાની નહિ. બીજું કારણ એ છે કે જો ત્યાં ને ત્યાં વહોરવાનું થાય અને માસકલ્પ ત્યાં કરવાનો હોય, તો પેલાને થાય કે મ.સા. ને રાખીશું તો ખરા… પણ રોજ પાછું વહોરાવવું પડશે. એટલે વસતી દુર્લભ ન બને એના માટે પ્રભુએ આ નિયમ આપ્યો.

કેવા મજાના નિયમો છે… એકેક નિયમનું પાલન કરીએ ને ત્યારે અમારી આંખોમાં આંસુ આવે.

મારે લગભગ કારતક સુદી પૂનમના જ વિહાર થતો હોય છે. સુરતમાં અઠવાલાઇન્સમાં ચોમાસું. કારતક સુદી પૂનમની સાંજે વિહાર… સેંકડો ભાવુકો મુકવા માટે આવેલા… એ બધાની આંખ તો ભીની હોય…  મેં એ વખતે ૫ મિનિટ હિતશિક્ષા આપેલી. અને એમાં મેં કહેલું, કે તમારી આંખો તો ભીની છે. કે સાહેબ જઈ રહ્યા છે પણ મારી આંખો ય ભીની છે. પણ એનું કારણ એ છે, કે મારા પ્રભુએ કેવા સરસ નિયમો બતાવ્યા છે. ચોમાસું પૂરું થયું…. ચાલો… નીકળો…. એક ક્ષેત્ર પ્રત્યે તમને મમત્વ થવું ન જોઈએ! શું ભગવાને અમારી personal care લીધી છે! આ આચારોને સાંભળતા તમારી આંખો પણ ભીની બને કે પ્રભુએ જે રીતે સાધ્વાચાર આપ્યા. એમ શ્રાવકના પણ આચારો આપ્યા છે. પણ એ આચારોને અમે કેવી રીતે પાળીએ છીએ!

મારી એક જ વાત રહી છે ૪૦ – ૪૫ દિવસોમાં: જે કરો; ભીની ભીની આંખે કરો. એ પ્રભુની પૂજા કરતાં હોવ અને આંખો ભીની બને. દર્શન કરતાં હોવ ને આંખો ભીની બને.

પછી આવે છે રાજપિંડ. મુકુટ બદ્ધ જે રાજા હોય, એના ત્યાં ભિક્ષાએ નહિ જવાનું. કારણો કેટલા સરસ છે. અમારા સંયમની રક્ષા થાય અને અમારા જીવનને કારણે બીજા કોઈને સહેજ પણ પ્રભુ શાસન પ્રત્યેનો ભાવ ઘટે નહિ. આ વાત આ એકેક નિયમમાં છે. રાજાને ત્યાં જવાનું થાય વહોરવા, રાજાને ત્યાં ઘણી બધી ભીડ જતી હોય, સંઘટો વિગેરે થઇ જાય, અમારું સંયમ દુષિત થાય. બીજી વાત લોકો પણ વિચારે કે વાહ! સાધુ મહારાજને જલસો છે. રાજાને ત્યાં જઈ આવે અને મજાનું ભોજન લઇ આવે, બાવાજીને મજા… મજા… આવી રીતે જિનશાસનના સાધુઓની અવહેલના ન થાય એના માટે આ નિયમ છે.

મેં વચ્ચે કહેલું કે જૈન શાસનના એક પણ અંગની નિંદા ન કરવી, આ નિયમ તમારી પાસે ગળથુંથી થી હોવો જોઈએ. કોઈ કહે ફલાણા મ.સા. એમાં આમ છે, તમે હાથ જોડીને કહેજો please મારે સાંભળવું નથી. કોઈના પણ ગુણની વાત હોય તો મને જરૂર કહેજો. કોઈના દોષ સાંભળી, મારે શું કરવાનું…? હું ઘણીવાર કહેતો હોઉં છું… એક બેને ઘરને સાફ કર્યું, કચરો સુપડીમાં લીધો, પછી એ કચરાને ક્યાં નાંખે..? કચરાપેટીમાં… પણ એને બદલે પાડોશી જે છે એના flat માં નાંખી આવે તો… ધમાલ થઇ જાય ને… એમ આખા ગામનો કચરો ફલાણો બદમાશ, ફલાણો આવો, ઢીકનો આવો… એ કચરો તમારા કાનમાં નાંખવા આવે તમે ખુશ ખુશ હોવ?! આખા ગામનો કચરો… આ મોબાઈલ, પેલું મ્યુનિસિપાર્ટીનું વાહન છે ગંદકીને લઇ જનારૂ? આજથી નિયમ કરો; એક પણ મહાત્માની, અને એક પણ શ્રાવક કે શ્રાવિકાની કે એક પણ વ્યક્તિની નિંદા કરવી તો નહિ, નિંદા સાંભળવાની પણ નહિ.

પાંચમું છે વંદન. આમ ક્રમ પ્રમાણે વંદન હોય. વડી દીક્ષા જે દિવસે થઇ, એ દિવસથી દીક્ષા પર્યાય ગણાય આપણે ત્યાં…. ૨૨ તીર્થંકર સાધુ ભગવંત હોય ત્યાં નિયમ અલગ છે. ત્યાં પહેલા જ દિવસથી દીક્ષા પર્યાય ગણાય. કારણ આપણે ત્યાં દીક્ષા વખતે માત્ર ‘કરેમિ ભંતે’ આપવામાં આવે છે. એટલે માત્ર સર્વવિરતિ સામાયિક આપવામાં આવે છે. પાંચ મહાવ્રતો આપવામાં નથી આવતાં… ગુરુદેવ યોગોદ્વહન ની ક્રિયા કરાવે. અને પછી એમણે યોગ્ય લાગે ત્યારે વડી દીક્ષા આપે. એ વડી દીક્ષાથી ક્રમ ગણાય. પણ એમાં સાધુ – સાધ્વીમાં નિયમ એવો છે કે ૧૦૦ વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજી ભગવતી હોય તો પણ એ સાધુ ભગવંતને વંદન કરે.

પણ એક વાત છે અમારે પણ પાછું વંદન કરવાનું હોય છે હો… અનુવંદન…. અમે પણ નમસ્કાર મહામંત્રમાં ‘નમો લોએ સવ્વસાહુણં’ બોલીએ, એટલે અઢીદ્વીપમાં રહેલા તમામ સાધુ – સાધ્વીજીઓને વંદન હું પણ કરું છું. એમને પણ વંદન હું રોજ કરું છું. જ્યાં પ્રભુના મહાવ્રતો ત્યાં ઝુકી જાવ. માત્ર ઝૂકવાનું રાખો. નમસ્કાર મહામંત્ર શું કહ્યું… ‘નમો લોએ સવ્વસાહુણં’ પંચમહાવ્રત ધારી સાધુ ભગવંત હોય એને વંદન કરવાનું… એક તિથી, બે તીથી, ત્રણ થોય કંઈ લખ્યું નથી. પંચમહાવ્રત જ્યાં પુરેપુરા પળાતા હોય, ત્યાં વંદન… ક્યાંક તમને લાગે કે શિથીલાચારી મહાત્મા છે.. જરૂર શીથીલાચાર અમારામાં પણ હોય છે. પણ એવો શિથીલાચાર કે જે સમ્યક્ ગણી ન શકાય. એવો શિથીલાચાર હોય તો આપણે દૂર જતા રહીએ… એમને પ્રેમથી તમે કહી શકો… કે સાહેબ અમને નથી મળ્યું એ શ્રામણ્ય તમને મળ્યું છે. હવે શા માટે તમે શિથિલ બનો છો… તમે પ્રેમથી કહી શકો. તો દરેક સાધુ ભગવંતોને – સાધ્વીજી ભગવતીઓને વંદન. કાયાથી વંદન નથી કરી શકતા રોજ બધાને… મનથી રોજ વંદન કરો. “જાવંત કેવિ સાહુ, ભરહેરવય મહાવિદેહે અ” ભરત, ઐરાવત અને મહાવિદેહ જ્યાં જ્યાં સાધુ ભગવંતો છે એ બધાને ત્રિવિધે ત્રિવિધે; એટલે મન, વચન, કાયાથી હું વંદન કરું છું. તો વંદન કરવાથી અહંકાર શિથિલ બને છે. અને અહંકારને ઓછો કરવો, એ સાધનામાર્ગમાં સૌથી વધારે જરૂરી છે.

હું નાનો હતો ને ત્યારે વિહારમાં મહાત્માઓ ભેગા થાય, હું ક્યારેય કોઈને પૂછતો નહિ… કે તમારી દીક્ષા – વડી દીક્ષા ક્યારે થઇ છે… હું એમ જ માનતો કે મારા માટે બધા વંદનીય જ છે. કોઈ પણ મહાત્મા હોય વંદન કરવા લાગી જાઉં. પછી એમને ખબર પડે, એ રોકે અરે તમે મારાથી દીક્ષા પર્યાયમાં મોટા છો. મારે તમને વંદન કરવાનું… તમે ન કરો… એ ના પાડે તો આપણે અટકવું પડે, બાકી મેં નક્કી રાખેલું બધાને વંદન કરવું. ઝૂકવું બસ… ઝૂકવું; એ જ સાધનાનો મૂળ મંત્ર છે.

મહાવ્રત…. આપણે ત્યાં પાંચ મહાવ્રતો છે. ૨૨ તીર્થંકર ભગવંતોમાં ૪ મહાવ્રતો છે. કારણ કે પરિગ્રહમાં જ ચોથા મહાવ્રતનો સમાવેશ કરી દે. કે કોઈ વ્યક્તિનો પરિગ્રહ નથી કરવાનો. કોઈ પદાર્થનો નથી કરવાનો… તો આસક્તિનો મૂળ કારણ જે છે એ વિજાતીય પરિચય તો કરવાનો જ નથી. એટલે એ લોકો પ્રાજ્ઞ, પ્રબુદ્ધ હોવાને કારણે એમના માટે ૪ મહાવ્રત છે. આપણે ત્યાં પ્રભુએ કૃપા કરી, અને ચોથા મહાવ્રતને અલગ કાઢી આપ્યું. કે બસ તારી નજર નીચી જ હોવી જોઈએ.

કૈલાસસાગરસૂરિ દાદાને જોયેલા, એ આમ જ બેઠેલા હોય, મુહપત્તિ કાયમ હાથમાં આમ, અને માથું ઝુકેલું… આપણે ૨ ફૂટ દૂર હોઈએ.. વાતો કરતા હોઈએ… તો પણ આપણી સામે આંખ નહિ મિલાવે… આંખ નીચી જ રહેશે. આ દ્રષ્ટિ સંયમની…. પ્રભુએ અમને ૫ મહાવ્રતો આપીને આ દ્રષ્ટિ સંયમ આપ્યો છે. કે ક્યાંય વિજાતીય તરફ દ્રષ્ટિ ન જાય. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું “भक्खरं पि व दट्ठुणं” સૂર્યને જોઇને જેમ આંખો મીંચાઈ જાય, એ રીતે વિજાતીયને જોઇને સાધુની આંખો બંધ થઇ જાય. ક્યાંય પરમાં જવું જ નથી. એક જ વાત છે: શ્રામણ્ય મળ્યું ત્યારથી સ્વાનુભૂતિની યાત્રા ચાલુ થઇ છે… મારે માત્ર અને માત્ર સ્વમાં જવાનું છે.

જ્યેષ્ઠ કલ્પ. એમાં પણ બહુ મજાની લૌકિક પરંપરાનો પણ સમાવેશ કર્યો. પિતા અને પુત્ર બેઉએ દીક્ષા લીધી… પિતાનો અભ્યાસ બહુ ઓછો છે. ધીરે ધીરે ભણે છે. પુત્રો એકદમ talented છે. હવે બીજા મુનિઓની વડી દીક્ષા થવાની છે… પણ દીકરાની વડી દીક્ષા પિતાથી આગળ કરો તો પિતાને મનદુઃખ થાય. એટલે ગુરુદેવ શું કરે? પિતાને બોલાવે…. કે તમારો દીકરો આગળ જઈ શકે એમ છે. અને બહુ જ આગળ વધી શકે એમ છે… પણ એના માટે દીક્ષા પર્યાયની વૃદ્ધિ પણ જરૂરી છે. જેમ કે ગણિપદ છે તો ૨૦ વર્ષે જ મળે…. ૨૦ વર્ષ પહેલા નથી અપાતી. તો ગુરુદેવે કહ્યું પિતા મહારાજને કે તમારો દીકરો આગળ જાય એમાં તમારી શોભા છે. પણ તમારી ઈચ્છા હોય, તમારી અનુમતિ હોય, તો જ તમારી આગળ એમને દીક્ષા આપીએ… વડી દીક્ષા આપીએ. નહીતર તમારી જોડે જ આપશું. અને પિતા કહે, નહિ નહિ મારો દીકરો આગળ વધે.. એમાં તો છાતી ગજ ગજ ઉછળે. સાહેબ આપી દો વડી દીક્ષા. તો આપે. નહીતર નહિ… એટલે લૌકિક પરંપરા પણ જાળવી, અને કોઈને પણ દીક્ષા લીધા પછી આર્તધ્યાન ન થાય એ ગુરુએ જોવાનું છે. એવી કોઈ situation પેદા ન થાય, કે જેના કારણે દીક્ષિત મહાત્માને સહેજ પણ આર્તધ્યાન થાય.

હું ઘણીવાર કહું છું કે તમારા દીકરાને તમે શું પ્રેમ આપો છો…? અમે લોકો એટલો બધો છાતીફાટ પ્રેમ આપીએ કે તમને લાગે કે આટલો પ્રેમ તો અમે પણ આપી શકીએ એમ નથી. નિઃસ્વાર્થ પ્રેમ. મારો શિષ્ય છે માટે પ્રેમ નહિ, પ્રભુના શાસનનો એક સૈનિક છે. મારા પ્રભુશાસનનો સાધુ.સમુદાય નાનકડી વસ્તુ છે. ગચ્છ નાનકડી વસ્તુ છે. ગુરુભગવંતો આપણા છે. અને પૂજનીય છે… પણ જિનશાસન સર્વોપરી છે. એટલે પ્રભુશાસન મારું છે. ક્યારે પણ વાડામાં વહેંચાઇ ન જતા… પ્રભુ મારા… પછી એ પ્રભુનો માર્ગ મને કલાપૂર્ણસૂરિ દાદાએ બતાવ્યો, તો હું એમની ઉપાસના કરું તો એમાં કંઈ ખોટું નથી પણ એથી હું બીજા મહાત્માઓને સહેજ પણ ઓછા સમજવાનો નથી. એટલે જિનશાસન સર્વોપરી હોવું જોઈએ.

પંન્યાસ પ્રવર ચન્દ્રશેખર મ.સા. ની મોટામાં મોટી વિશેષતા આ હતી. એ કહેતાં કે મારા માટે જિનશાસન એ જ સર્વોપરિ છે. અને જિનશાસન ઉપર ક્યાંય પણ આક્રમણ થાય… તો સૌથી પહેલા હું ઘસી જઈશ. કોઈ મારી પાછળ આવે કે ન આવે… હું શહીદ થઇ જઈશ…. મારા શાસન માટે… આ શાસનરાગ સૌથી પહેલાં જોઇશે.

માસકલ્પ. બહુ મજાની વાત. શેષકાળના ૮ મહિનામાં, ચોમાસા સિવાયના સમયમાં એક જગ્યાએ અમે કેટલું રહી શકીએ… વધારેમાં વધારે…. માસકલ્પ… એક મહિનો … વધારે નહિ. એટલે એવા જ્ઞાની ભગવંતોને જોયા છે કે જંઘાબળ ક્ષીણ થયું છે. પગેથી ચાલી શકાતું નથી. ડોળીમાં વિહાર કરવો નથી. એક મોટા ઉપાશ્રયમાં રહે છે. દર મહીને રૂમ બદલી નાંખે છે. પ્રેમસૂરિદાદા ખંભાતમાં. અને જે દિવસે કાળધર્મ હતો…. એ દિવસે એમણે કહ્યું આજે ઘર બદલીએ… આજે ઘર બદલીએ… એટલે સાધુ ભગવંતો શું સમજ્યા… કે દર મહીને આપણે ઘર બદલીએ છીએ. રૂમ બદલીએ છીએ… એમ આજે પણ રૂમ બદલવાની છે. પણ એ ખબર નહોતી… કે દાદા આ ઘરને છોડીને જતા રહ્યા…

તો માસકલ્પ એક મહિનાથી વધારે રહેવાનું નહિ… શા માટે…. કારણ એક જ, કે એ ક્ષેત્ર સાથે અમારૂ attachment ન થઇ જાય. ક્ષેત્ર પ્રત્યે, ક્ષેત્રના લોકો પ્રત્યે, અમારૂ attachment ન થાય. ક્યાંય અમારે જોડાણ કરવાનું નથી. ક્યાંય લગાવ રાખવાનો નથી. તમે છે ને અમારી તરફ નજર નાંખો એ બરોબર… અમે તમારી તરફ નજર નથી નાંખવાના. અમારી નજર પ્રભુની સામે છે. અમારી નજર તમારી સામે ક્યારે પણ નહિ હોય. ઘણા એકદમ પરિચિત ભક્તોના દીકરા આવે, સાહેબ મને ઓળખ્યો… શું મારું નામ… ત્યારે મારે કહેવું પડે કે ભાઈ તારી પરીક્ષામાં હું નાપાસ છું. અલગાવ. none attachment. પ્રભુ સિવાય, પ્રભુની આજ્ઞા સિવાય ક્યાંય અમારે જોડાવું નથી. અલગાવ. તમારી પાસે લગાવ છે. ધર્મ ક્રિયાઓ કરો છો… લગાવ છે સંસાર પ્રત્યેનો… અલગાવ લાવવો છે . અલગાવ એ જ ચારિત્ર. ક્યાંય જોડાવવું નથી. પ્રભુ જેવા પ્રભુ મને આટલો પ્રેમ આપતા હોય, હું બીજાના પ્રેમ માટે ક્યાં જઈ શકું!

પછી પ્રતિક્રમણ. પ્રભુ ઋષભદેવના અને પ્રભુ મહાવીરસ્વામીના સાધુ – સાધ્વીઓને પાંચે પ્રતિક્રમણ કરવાના… દેવસી, રાઈ, પક્ખી, ચૌમાસી, સંવત્સરી. ૨૨ તીર્થંકર ભગવંતના સાધુઓ પ્રબુદ્ધ છે; એટલે જે દિવસે અતિચાર લાગ્યો હોય, એ દિવસે પ્રતિક્રમણ કરે. તમે ક્યાં કલ્પમાં આવો સાચું કહેજો… ચૌથ સુધી પ્રતિક્રમણ કરવાના. પાંચમથી તમારું પ્રતિક્રમણ…. ઘણાનું રહી જવાનું …. કેમ અતિચાર ન લાગે માટે… કેવી પ્રભુએ અમૃત ક્રિયા બતાવી! દિવસ દરમ્યાન અજાણતા જે પણ પાપો થઇ ગયા હોય, એ બધાનું તમેં મિચ્છામિ દુક્કડમ્ દો અને એ પાપના બોજમાંથી મહદ્અંશે તમે નિવૃત્ત થઇ જાઓ. દોષ આટલો મોટો દંડ કેટલો… કોઈ ફટકા ખાવાના નહિ. કોઈ હન્ટર ખાવાના નહિ. પ્રતિક્રમણ ની ક્રિયા કરવાની… પ્રતિક્રમણ આવશ્યક છે હો… આવશ્યક એટલે રોજ કરવું જ પડે…

અને પર્યુષણા કલ્પ. સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કારતક ચૌમાસી સુધી ૭૦ દિવસ સુધી એક જગ્યાએ રહેવું એ જઘન્ય પર્યુષણ. પહેલાં શું હતું, કોઈ ગામમાં ચોમાસાની જય બોલાઈ… વરસાદ બહુ વરસ્યો… અને જીવોત્પત્તિ બહુ થઇ ગઈ એ ગામમાં… અષાઢ સુદ ચૌદસ, પૂનમ, એકમ, બીજ, પણ જીવોત્પત્તિ વધતી જ જાય છે. આમ એક ડગલું માંડવું હોય તો પણ વિચાર થાય કે એક કીડી ઉપર એક મંકોડા ઉપર પગ આવી જશે. તો સંયમ જે છે એ દુરારાધ્ય બની જાય. તો એ વખતે ચોમાસાની અંદર પણ વિહાર કરે. પણ સંવત્સરી જે દિવસે પ્રતિક્રમણ થાય, એ પછી ૭૦ દિવસ તો રહેવું જ પડે. અત્યારે તો ૧૨૦ દિવસનું ચોમાસું છે. એટલે પહેલાં શું હતું… મુનિઓનું ચોમાસું ૭૦ દિવસનું નક્કી હતું… અત્યારે પણ આવું જ છે.. ૫૦ દિવસ તમારું ને ૭૦ દિવસ અમારું… બરોબર ને… સાહેબ સંવત્સરી સુધી આવશું પછી તો અમે શોધ્યા એ નહિ જડીએ …

તો જઘન્ય પર્યુષણા એ હતી. ઉત્કૃષ્ટ પર્યુષણા ૧૨૦ દિવસની. ચોમાસું ક્યાં કરવું એના માટે ત્યારે ઘણા બધા નિયમો હતા… પણ અત્યારે તો ગુરુ ભગવંત જ્યાં આદેશ કરે ત્યાં મુનિને રહેવાનું હોય છે. શું એક આજ્ઞાની પરંપરા અમારે ત્યાં છે. એવા શિષ્યો આજે છે… કોરો ચેક… હું નક્કી કરું નાંખું કે આ ચોમાસું અહીંયા આનું છે. એને ખબર ન હોય. કલ્પજ્ઞવિજયસૂરિને ખબર ન હોય, કે એનું ચોમાસું ક્યાં છે. હું એના ચોમાસાની જય બોલાઈ દઉં, પછી એને કહું કે તારું ચોમાસું અહીંયા છે. આ એક આજ્ઞાની કેટલી મજાની પરંપરા છે. ગુરુ ભગવંત નક્કી કરે, દીક્ષા લીધી એ વખતથી. we have not to think absolutely. અમારે કશું જ વિચારવાનું નથી. ગુરુદેવ વિચારે… ગુરુદેવ કહે.

આ પર્યુષણમાં એટલે કે ચાતુર્માસમાં ગુરુદેવો કલ્પસૂત્રની વાચના કરે. પહેલાં તો કલ્પસૂત્રને સંભાળનારા માત્ર સાધુ – સાધ્વીજીઓ હતા. શ્રાવક – શ્રાવિકા વર્ગને આ સંભળાવામાં નહોતું આવતું. પણ આનંદપુર નગર અત્યારના વડનગરમાં ધ્રુવસેન રાજાનો પુત્ર નાની ઉંમરમાં મરી ગયો. આખા નગરમાં શોક અને આ પર્વ આવ્યું. તો ગુરુદેવે વિચાર કર્યો કે આખા નગરનો શોક કઈ રીતે દૂર કરવો. એ વખતે ગુરુદેવે સભા સમક્ષ કલ્પસૂત્ર વાંચવાનું શરૂ કર્યું. આ કલ્પસૂત્રનો ધ્વનિ એવો છે કે તમારા કાનમાં જાય, અને આનંદ આનંદ થઇ જાય. એટલે એ કલ્પસૂત્ર મૂળથી અને અર્થથી ત્રીજની સાંજ સુધી ચાલશે. અને ચૌથના દિવસે આખું જ કલ્પસૂત્ર જેના આઠ પ્રવચનો થયા છે અને નવમું પ્રવચન થયું નથી. એ નવે નવ પ્રવચનો કલ્પસૂત્રના તમને બારસાસૂત્રમાં સંભળાવામાં આવશે. મૂળ કલ્પસૂત્ર જ છે … બારસાસૂત્ર કેમ કહીએ છીએ… કે ૧૨૦૦ શ્લોક પ્રમાણ એનું સાહિત્ય છે.

આવતી કાલનો દિવસ તો મહામાંગલિક છે. પ્રભુના જન્મનો દિવસ. જન્મ કલ્યાણક. કેટલા નાચીશું… આપણે. એ પ્રભુનો જન્મ થયો. ગુરુદેવના મુખેથી સાંભળીએ… આનંદ આનંદ થઇ જાય. મારા ભગવાન પધાર્યા. મારા ભગવાન મારી ચેતનામાં પધાર્યા. તો એ કલ્પસૂત્ર ભદ્રબાહુસ્વામી મહારાજે રચેલું છે. ચૌદ પૂર્વધર એ હતા. એ કલ્પસૂત્રનો મહિમા બતાવ્યો. કે બધી નદીઓના પાણી સાગરમાં છલકાય, એ રીતે બધા જ સૂત્રોનો સાર કલ્પસૂત્રની અંદર આવી જાય છે. અને ૨૧ વાર એ કલ્પસૂત્ર સંભળાય તો મોક્ષ દૂર હોતો નથી. એ કલ્પસૂત્ર શરૂ થાય છે.

નવકાર …..

કલ્પસૂત્ર પઠન…

નમસ્કાર મહામંત્રનું પઠન પહેલા કર્યું… અને પહેલા સૂત્રમાં કહ્યું કે ભગવાન મહાવીરના પાંચ વસ્તુઓ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થઇ. અને સ્વાતી નક્ષત્રમાં પ્રભુનું નિર્વાણ થયું. સૂત્ર શરું થાય છે. ‘तेणं कालेणं तेणं समएणं’ કાલ એટલે સમયનો બહુ મોટો ખંડ. અને સમય એટલે કાળનો બહુ નાનકડો ખંડ. તો કાળ એટલે ઉત્સર્પિણી અવસર્પિણી ના આરાની વાત આવશે. અને સમય એટલે આ દિવસ, જે દિવસે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવેલો હતો ત્યારે પરમાત્માનો જન્મ થયો, ચ્યવન થયું.

અહીંયા સાલ, સંવત છે જ નહિ. આ સંવત વીર સંવત પણ નથી. પાર્શ્વ સંવત પણ નથી. એક પણ સંવત નથી. અને બહુ મજાની વાત છે, કાળનો મોટો ખંડ જાણવો જરૂરી છે. કે ક્યારે બન્યો… અને પછી actually એ કલ્યાણક proper કયા સમયે થયું એ જાણવું છે. એટલા માટે જાણવું છે કે દર વર્ષે કલ્યાણકની આરાધના કરીએ ત્યારે એ proper સમયને આપણે સાચવી શકીએ. અત્યારે દિવાળી જે છે આપણે એ રીતે જ કરીએ છીએ કે સ્વાતિ નક્ષત્રની અંદર ચંદ્રનો યોગ આવે. ક્યારેક પછી લોકોની સાથે રહેવા માટે અપવાદ પણ કરાતો હોય છે. પણ મુખ્યતયા આ રીતે દિવાળી થાય છે.

તો આ રીતે કલ્યાણકો દર વર્ષે આવે, અને એ જ દર વર્ષે જ્યારે આ સમય આવે છે; ચંદ્ર એ નક્ષત્રમાં જાય, લગભગ એ અથવા એની આગળ – પાછળનો દિવસ અને એ વખતે જે પરમાણુઓ વિખેરાયેલા એવા જ પરમાણુઓ વિખેરાય અને તમે એકદમ એકાગ્ર બનો તો એ પરમાણુઓને પ્રાપ્ત કરી શકો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *