વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : વર્તમાનયોગ
પ્રભુએ આપેલી શ્રેષ્ઠ સાધનાઓ પૈકીની એક સાધના છે: વર્તમાનયોગ. ભૂતકાળ ગયો, એનો છેડો ફાડી નાંખો. ભવિષ્યકાળ આવશે ત્યારે. વર્તમાનની એક ક્ષણ છે એને પ્રભુની આજ્ઞાથી ભરી દઈએ; આનંદથી ભરી દઈએ.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૦
પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુ મારા પ્રિયતમ, પ્રભુ પર મારો પરમ પ્રેમ વિસ્તરાયેલો છે, એક પરમપ્રેમ મળે ત્યારે શું થાય, એની વાત ચિદાનંદજી ભગવંતે એક પદમાં કરી, “જિણે એક પ્યાલા પિયા તીનકું, ઓર કેફ રતિ કેસી” જેણે આ પરમરસના પ્યાલા ના પ્યાલા પીધા એના માટે દુનિયામાં બીજો કોઈ આનંદ છે નહિ, હોઈ શકે નહિ,
એક ઘટના યાદ આવે, હિંમતભાઈ બેડાવાલા, શશીકાંતભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ પ્રાણલાલ દોશી, આ બધા જ ભક્તો બદ્રીની યાત્રાએ જતાં હતા, બદ્રી એટલે ઋષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણક જ્યાં થયું છે. એક જગ્યાએ મોટર ઉભી રહી અને ખ્યાલ આવ્યો કે બાજુમાં થોડે દૂર એક ગુફામાં એક સંત છે, બધા ભક્તો ત્યાં ગયા, શાતા પૂછી, એ વખતે એ સંત એક નાનકડી ગુફામાં બિરાજમાન હતા, એવી નાનકડી ગુફા કે પોતે પગ લાંબા કરીને સૂઈ પણ ન શકે, તૂટયું વાળીને એમને સુવું પડે, હિમાલયમાં ગુફાનો તો કોઈ તોટો નથી, સહેજે સવાલ થયો કે આટલી નાનકડી ગુફામાં સંત શા માટે છે, પ્રેમથી, વિનયથી પૂછ્યું કે, આપ ઇતની સંકરી ગુહાઁ મેં કયો હો? શું એ મસ્ત સંત હશે, એમણે કહ્યું સામે… ક્યોં બડી ગુહાઁ કા ક્યાં કામ હૈ, મૈ ઓર મેરે ભગવાન દો તો યહાઁ રહતે હૈ ફિર તીસરે કા કામ ભી ક્યાં હૈ…! હમ દોનો યહાઁ આરામ સે રહતે હૈ, ફિર બડી ગુહાઁ કા ક્યાં કામ હૈ…? તીસરે કા કોઈ કામ હૈ હિ નહી, હમ દોનો મજેમે હૈ…
બદ્રી પહોંચ્યા, બદ્રીમાં એક સંત છે, એમને તાટબાબા કહેવાય છે, હિન્દી માં કંતાન માટે તાટ શબ્દ છે, એ બાબા ત્યાંની અપાર ઠંડીમાં એકમાત્ર કંતાન નું ટોવેલ જેવું પહેરે છે, ઉપરનો ભાગ ખુલ્લો, અને બારે મહિના ત્યાં રહે છે. બદ્રીમાં તો ૬ મહિના મંદિરો પણ બંધ થઇ જાય, પુજારીઓ પણ નીચે ઉતરી જાય, કોઈ મનુષ્ય લગભગ ત્યાં ન હોય, અને તાટબાબા બારે મહિના એ બદ્રીમાં આરામથી રહે છે. તો સવાલ થયો કે જ્યારે કોઈ પણ માણસ ન હોય અહીંયા, ત્યારે સંતના ભોજનનો પ્રબંધ કઈ રીતે થાય…? એટલે પૂછ્યું કે જબ કોઈ યહાઁ નહિ હોતા હૈ, તો આપ કે ભોજન કા પ્રબંધ કૈસે હોતા હૈ? સંત હસ્યા, સંત કહે છે, કી ક્યાં આપ ભોજન દેનેવાલે હોતે હો? ભોજન દેનેવાલા તો ઉપરવાલા હૈ… કભી સોચના નહિ કે હમ સંતો કો ભોજન દેંતે હૈ… કેવી એ મસ્તી હશે… પ્રભુ નિર્ભરતા.
અમારે ત્યાં દશવૈકાલિક સૂત્રમાં પહેલા જ અધ્યયનમાં અમને એક મજાની આજ્ઞા આપવામાં આવી, જે ભવન્તિ અણીસીઆ….પ્રભુનો સાધુ, પ્રભુની સાધ્વી કેવી હોય, બહુ મજાનું વર્ણન આપ્યું, જે ભવન્તિ અણીસીઆ, પરની નિશ્રામાં જે છે જ નહિ, જે માત્ર પ્રભુની નિશ્રામાં છે, જે પ્રભુથી પ્રભાવિત છે, એ પ્રભુનો સાધુ, એ પ્રભુની સાધ્વી.. અમારો જે આનંદ છે, એ આનંદ આના કારણે છે.
એ જ લયમાં ગઈ કાલે વાત કરતો હતો, વર્તમાનયોગની…. પ્રભુએ આપેલી કેટલીક શ્રેષ્ઠ સાધનાઓ પૈકીની આ એક છે. વર્તમાનયોગ. ભૂતકાળ ગયો, એનો છેડો ફાડી નાંખો, ભવિષ્યકાળ આવશે ત્યારે, વર્તમાનની એક ક્ષણ અને એને પ્રભુની આજ્ઞાથી ભરી દઈએ, આનંદથી ભરી દઈએ.
મારા દાદા ગુરુ ભદ્રસૂરિ દાદા, સાહેબજીને લગભગ ૮૮ વર્ષ થયેલા, એ ૮૮ વર્ષની ઉંમર જ્યારે સાહેબજીની હતી, ત્યારે અમારું ચોમાસું રાધનપુરમાં. ચોમાસામાં સાહેબજીને તકલીફ થઇ, પગેરું શોધતાં શોધતાં કેન્સર detect થયું. લીવરનું કેન્સર. એ જમાનામાં કેન્સર માટેની એટલી શ્રેષ્ઠ દવાઓ શોધાયેલી પણ નહિ, અને જ્યારે કેન્સર detect થયું ત્યારે 3rd stage માં હતું, ડોક્ટરોએ કહ્યું દવા અમે આપીશું, પણ એ દવા માત્ર પીડાને દૂર કરી શકશે. રોગને દૂર નહિ કરી શકે. થોડા દિવસો, થોડા મહિના સાહેબજી છે. એટલી હદની તૈયારી થઇ કે અંતિમ સંસ્કાર માટે પ્લોટ ખરીદાઈ ગયો, ચંદનના કોથળા આવી ગયા. ડોક્ટરોએ કહ્યું હવે માત્ર થોડા દિવસો.
એ વખતે અમે રાધનપુરમાં, પાલનપુરના એક ડોક્ટર હતા સૈયદ, એ બહુ નિષ્ણાંત ગણાતા. લોકો ક્યાં ક્યાંથી એમની પાસે ડાયોગ્નોસીસ માટે આવતાં, તો થયું નજીકમાં જ છે તો એમને પણ બોલાવીએ, ઓપીનીયન તો લઈએ, સૈયદ ડોક્ટર આવ્યા, એમને reports જોયા, સાહેબજીને જોયા. એમને પણ ખ્યાલ આવી ગયો થોડા દિવસોનો મામલો છે, પણ ડોક્ટર તરીકે એમને ખ્યાલ હતો કે દર્દીની હાજરીમાં આ વાત થાય નહિ એટલે ડોકટરે કહ્યું સાહેબજીના મુખ્ય શિષ્ય કોણ છે, આપણે જરાક બહાર બેસીએ, હું એ વખતે ત્યાં જ, એ જ રૂમમાં, આજે પણ એ દ્રશ્ય મને યાદ આવે છે, ૮૮ વર્ષની સાહેબજીની વય, દિવસોથી ખોરાક લેવાતો નથી, માત્ર થોડું લીક્વીડ જાય છે પેટમાં, પણ મનોબળ કેટલું… આત્મબળ કેટલું… એ વર્તમાનયોગની સાધના કેટલી તો ઘૂંટાયેલી હશે, એક રણકા ભર્યા અવાજ સાથે દાદા ગુરુદેવે કહ્યું કે ડોક્ટર! બહાર જવાની જરૂર નથી. અવાજ ક્ષીણ નહિ હો… જોરદાર… ડોક્ટર બહાર જવાની કોઈ જરૂર નથી. તમારે કહેવું હશે કે થોડા દિવસોનો મામલો છે, અહીં પુરી તૈયારી છે, આવતી કાલે જવું પડે તો પણ તૈયારી છે. ડોક્ટર તો પ્રભાવિત થઇ ગયા, ડોક્ટર કહે ગુરુજી! તમારી વાત સાચી છે, તમે જ્ઞાની પુરુષ છો, અને તમે તમારા જ્ઞાનથી જાણેલું પણ હશે. અમે તો ડોક્ટર, અમારું જ્ઞાન તો બહુ થોડું છે. હા, અમારા જ્ઞાનથી અમે જરૂર કહી શકીએ કે થોડા દિવસનો મામલો છે. પણ તમે તો આટલા મોટા જ્ઞાની પુરુષ છો એટલે મને લાગે છે કે મારે કાંઈ પણ તમને કહેવાની જરૂર નથી.
ડોક્ટર નીચે ઉતર્યા, રાધનપુરના નવાબ એમના મિત્ર હતા. આપણા શ્રાવકો જોડે, તો શ્રાવકોને કહ્યું મારે નવાબ સાહેબના ત્યાં જવું છે. નવાબને ત્યાં ગયા, શ્રાવકો પણ જોડે હતા, નવાબને ત્યાં બેઠા પછી એ ડોકટરે કહ્યું, આખી જીંદગીમાં હજારો પેસન્ટોને તપાસ્યા, આવો પેસન્ટ એક પણ મળ્યો નથી. ખ્યાલ છે કે થોડા દિવસોમાં જવાનું છે, અને એ કહે છે કે ડોક્ટર કોઈ વાંધો નથી, હું તૈયાર છું. પણ પછીની વાત તો એટલી મજાની થઇ, અમે લોકો વધુ ઉદાસ બની ગયા, છેલ્લો એક સહારો હતો કે પાલનપુરના ડોક્ટર આવે અને કદાચ એમ કહે કે એક રામબાણ દવા છે અને એનાથી સારું થઇ જાય. પણ એને પણ હાથ ધોઈ નાંખ્યા. અમે લોકો બધા નિસ્તેજ. ઉદાસ થઇ ગયા, ત્યારે દાદા ગુરુદેવે કહ્યું ડોકટરે કહ્યું છે અને હું તૈયાર છું, એટલે બીજો કોઈ વાંધો નથી. પણ મારું આંતર મન કહે છે કે હું હમણાં જવાનો નથી. ભીલડીયાજી દાદાનું મેં ઉત્થાપન કરેલું છે, અને એ ભીલડીયાજી દાદાની પ્રતિષ્ઠા મારા હાથે જ થવાની છે અને પછી હું જવાનો છું. આ ઘટના ૨૦૧૮ની રાધનપુરવાળી. ૨૦૨૭માં ભીલડીયાજી દાદાની પ્રતિષ્ઠા સાહેબજી એ કરી, અને ૨૦૩૩માં જુના ડીસામાં સાહેબજીએ મહાપ્રયાણ કર્યું.
એક મજા, એક આનંદ, વર્તમાનયોગ. મેં ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. નાનપણમાં ભણવાનો ચોર હતો. પણ મારે ભણવાની એટલી જરૂર પણ ન રહી, એ મહાપુરુષની સેવામાં હું હતો, ૨૪ કલાક એમની જોડે રહેતો, એમણે બધું જ મને આપી દીધું. મહાપુરુષોની ઉર્જા અદ્ભુત હોય છે. એ ઉર્જામાં આપણે થોડો સમય રહીએ ખલાસ… આપણે બદલાઈ ગયા.
એક બહુ પ્યારી ઘટના યાદ આવે છે, એક અબજોપતિ માણસ, ધંધામાં રચ્યો – પચ્યો રહેનારો માણસ, રવિવારે પણ એને એક મિનિટનો સમય ન હોય. મજાની વાત તો એ હતી કે પત્ની expired થયેલી હતી, દીકરો હતો નહિ, અને છતાં કમાવાનું ચાલુ ને ચાલુ હતું. કોના માટે કમાતો હતો એ જાણે. આ બહેનો અને માતાઓ પાસે એક calculation હોય છે, ઘરમાં પાંચ જણા છે તો ૨૫ રોટલી બનાવે, કારણ સંતોનો લાભ મળે, સાધ્વીજી ભગવતીઓનો લાભ મળે, કોઈ સાધર્મિક પણ આવી જાય, એટલા માટે એ થોડી વધારે બનાવે, પણ સવારથી સાંજ સુધી કોઈ માતા રોટલી વણ – વણ કરે કે રોટલી બનાવ – બનાવ કરે… એવું બને…? એમની પાસે calculation છે, આટલું જોઈએ આટલું બનાવો, અને વધી રોટલી હોય તો સેકેલી રોટલી બનાવી નાંખે, સવારે નાસ્તમાં કામ આવે, તો એમનું જે calculation છે એના પાયામાં શું આવ્યું, જેટલી જરૂરિયાત એટલું ઉત્પાદન. બરોબર..? તમારી પાસે એ જ ગણિત છે ને…? તમે 2BHK ના apartment માંથી 3BHK ના – 4BHK કે 5BHKના apartment માં જાવ, પણ એ કોના માટે… મારે પૂછવું છે… ધારો કે તમે અને તમારો દીકરો બે જ જણા છે, તો 2BHK નો apartment તમારા માટે પૂરતો છે, હવે 3BHKનો – 4BHKનો કે 5BHKનો કોના માટે? society માટે… એ society ને રહેવા માટે કે દેખાડવા માટે…? દેખાડવા માટે કે દઝાડવા માટે? હવે બોલો… તમે બુદ્ધિશાળી છો ને… વિચાર તો કરો… why? શા માટે…?
અમદાવાદમાં એક ભાઈએ એકદમ luxurious એરિયામાં વૈભવી apartment લીધું, ૩ – ૪ હજાર ફૂટનો લગભગ જે છે એવું apartment હતું. વાસ્તુપૂજા ભણાવી. અને બધા જ પોતાના સંબંધીઓને બોલાવ્યા, કહેવાય એમ કે બધા વાસ્તુપૂજામાં બધા પધારજો, પણ મનમાં એ હોય કે મારો flat તમે બરોબર જોજો. બધાએ flat જોયો અને કહ્યું વાહ! આ માણસ કમાઈ તો જાણ્યો, આટલા luxurious એરિયામાં આટલું મોટું apartment, બધાએ સર્ટિફિકેટ આપ્યું, પેલો ખુશ થઇ ગયો.
પછી ત્યાં રહેવાનું શરૂ કર્યું, ડોકટરે કહેલું રોજ morning walk કરવાની. રોજ morning walk નવા એપાર્ટમેન્ટથી શરૂ કરી, એક કિલોમીટર દૂર એક બહુ જ મોટો બંગલો બની રહ્યો હતો, ૨૦ – ૩૦ હજાર ફૂટનો કદાચ બંગલો હશે, બહાર મોટો બગીચો, થયું તો હશે કોઈનો… એકવાર એ બંગલા પાસેથી નીકળે છે, એ જ વખતે એક કાર આવીને ઉભી રહી ગઈ, અને કારમાંથી એનો સ્કૂલમૅટ, બેચમૅટ છગન નીકળ્યો. બેય ભેટી પડ્યા, છગન મુંબઈ રહે છે, છગને કહ્યું આ બંગલો મારો છે ચાલ આપણે જોઈએ. તું તો મુંબઈ રહે છે પણ. હા મુંબઈ છું. ધંધો મુંબઈ છે તો દીકરા ધંધો ચલાવે છે, આપણે આરામથી અહીંયા રહેવું છે, એટલે બંગલો આપણો બને છે, ચાલ આપણે જોઈએ.. ૧૦ થી ૧૨ રૂમનો બંગલો. અંદરનો હોલ તો એટલો મોટો આનાથી પણ મોટો. અને પછી એને કહ્યું છગને કે ૧૦ કરોડમાં interior decoration કરાવવાનું છે, હવે પેલાને શું થાય સાચું કહેજો…?
એટલે કહું અમારા આનંદને જુઓ ને… આજે પથરા વાળો ઉપાશ્રય હોય, પૂનમ પછી વિહાર કરીએ, તો છાપરાવાળો જ ઉપાશ્રય હોય. શાતા પૂછવા આવજો ખબર પડશે, એ જ જલસાથી રહીશું અમે…
અબજોપતિ માણસ એના કેટલા પૈસા છે ખરેખર એને પણ ખબર નથી. પણ નવા ને નવા ધંધા કર્યા જ કરે છે. સાચું કહેજો, મુકેશ અંબાણીની તમને આમ દયા આવે…? અમને તો આવે, તમને આવે ભાઈ…? શાકનો ધંધો શરૂ કરે, શાકભાજીનો ય કાછીયાનો ય… ના કંઈક તો જોઈએ.. અમને એવાઓની દયા આવે, તો તમને એની ઈર્ષ્યા આવે છે. મીડિયાવાળા છે ને એ બધાની પૈસાના આકડા ગણાવે, આની પાસે આટલા લાખ કરોડ, આની પાસે આટલા લાખ કરોડ, એટલે ૫ – ૧૦ કરોડ મળે તો સારું આમાં તો હવે ક્યાં કંઈક થવાનું.. પાંચ લાખ કરોડ એની પાસે છે, આની પાસે ૫૦ લાખ કરોડ છે, આપણે ૫૦ કરોડ હોય તો ય શું… પણ સવાલ એ છે કે બહેનોની પાસે જે calculation છે એ તમારી પાસે છે..? જરૂરિયાત છે એટલું વાપરો, એટલું રાખો.
એ અબજોપતિ પૈસા કમાવાનું મશીન હતું, ભેગા કર્યા જ કરતો. એકવાર એના એક મિત્રએ કહ્યું કે તું ક્યારેય કોઈ સંતો પાસે જતો નથી, પણ એક સંત પાસે તારે ખાસ જવા જેવું છે. અહીંથી ૬૦ કીલોમીટર દૂર જંગલમાં એક આશ્રમ છે, અને એમાં એક સંત છે, એ સંતને તારે ખાસ મળવું જોઈએ, એમના દર્શન તારે કરવા જોઈએ. પેલો કહે જોઈશું, અઠવાડિયા પછી ફરી મિત્રે યાદ કરાવ્યું કેમ ભાઈ! તું સંત પાસે જઈ આવ્યો… ના, ના, ના ટાઇમ જ ક્યાં મળે છે. મિત્ર પાછળ પડી ગયો, અને એક દિવસ એને નક્કી કર્યું, ચાલો જઈ આવીએ. કારમાં ઉપડ્યો, આશ્રમ આવી ગયો. સાદો આશ્રમ હતો, ૫ – ૭ – ૧૦ ઝુપડીઓ હતી, પૂછ્યું ગુરુ ક્યાં છે? તો કહે કે પેલી ઝુંપડીમાં છે.
એ ત્યાં ગયો, નાનકડી ઝુંપડી. ગુરુ બેઠેલા, એ જઈને બેઠો. વંદન કર્યા. પણ ગુરુ ધ્યાનમાં છે, આંખો બંધ છે, અને ધ્યાનમાં ડૂબી ગયેલા છે. આની પાસે તો સમયની મારામારી છે. પેલા મિત્રએ કહ્યું એટલે જ તો આવ્યો છે આ, નક્કી કર્યું ૧૦ – ૧૫ મિનિટ જોઈ લઉં સંત આંખ ખોલે તો બરોબર નહિટર રવાના. ૧૫ મિનિટ બેસવાનું નક્કી કર્યું, ૧૫ મિનિટ બેઠો. એ નાનકડી ઝુંપડી અને એમાં એ અને સંત બે જ. તો સંતના દેહમાંથી જે પવિત્ર ઉર્જા નીકળતી હતી, એનો સ્પર્શ એને એને થવા લાગ્યો, એ ખાલી ન્યુટ્રલ થઈને આવેલો, શાંત થઈને બેઠેલો, પેલી ઉર્જા છે એ પકડાવા લાગી, એટલી તો અદ્ભુત લાગી એ. આવી અનુભૂતિ શાંતિની ક્યારે પણ એને માણેલી નહિ. ૧૫ મિનિટ એ ગુરુની ઉર્જા મળી, એ ગુરુની body માંથી જે ઉર્જા નીકળતી હતી એને લેવાનું થયું, અને એ માણસ પરમ શાંતિનો અનુભવ કરે છે. એને થયું કે આ એક જુદી જ વિભૂતિ છે કોઈ… એક શબ્દ એમને બોલ્યો નથી, માત્ર એ ધ્યાનમાં બેઠેલા છે, અને એમની ઉર્જા એટલું કામ કરે છે.
હવે તો એણે નક્કી કર્યું, જેટલો સમય જાય એટલો ભલે જાય. બીજા બધા કામ પડ્યા રહેશે. બેઠો જ રહ્યો, બેઠો જ રહ્યો, બેઠો જ રહ્યો, એક કલાક સુધી.. પણ એ એક કલાકમાં એને જે અનુભવ થયો એ અવર્ણનીય. Beyond the words. Beyond the imagination. અને એ ઉર્જા મળ્યા પછી એટલી હદે એ બદલાઈ ગયો, કે ગુરુએ આંખ ખોલી, આશીર્વાદ આપ્યો. એક શબ્દ ગુરુએ ઉપદેશ હજી આપ્યો નથી. અને આને કહ્યું ગુરુદેવ! જો તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારતાં હોવ, તો હું આજે તમને સમર્પિત થવા તૈયાર છું. બૌદ્ધિકતા છે ને… અને એ બૌદ્ધિકતા દ્વારા એને જોયું કે અબજો રૂપિયા કમાવું છું, પૈસા વધ્યા જ કરે છે, પણ જે તૃપ્તિ, જે શાંતિ નથી મળી, એના કરતાં હજાર ગણી, લાખ ગણી શાંતિ ગુરુના ચરણોમાં હોય છે. તો આખરે પૈસા પણ શાના માટે? પૈસા શાના માટે… society માટે…. સદ્ગુરુને એણે કહી દીધું, આપ મને સ્વીકારતાં હોવ તો હું આપને સમર્પિત છું, મને દીક્ષા આપી દો. ગુરુએ કહ્યું, ખાલી થઈને આવી જા. ખાલી થઈને આવી જા. હું તારો સ્વીકાર કરી લઈશ.
પેલો ઘરે ગયો, કરોડો નહિ, અબજો રૂપિયા છે અને હવે એટલી તડપન લાગી છે, કે એક દિવસની અંદર બધું સમાપ્ત કરી દેવું છે. પત્ની નથી, દીકરો નથી, સંબંધીઓને જોઈતા હતા એટલા પૈસા આપી દીધા. એ પછી ચેરીટેબલ ટ્રસ્ટોવાળાને બોલાવી દીધા. બધાને બધું આપી દીધું, પોતાની મોટી હવેલી એ પણ એક સંસ્થાને આપી દીધી. સાંજ પડે એક ઝભ્ભો અને એક લેઘો એની પાસે હતો, એક પૈસો પણ એની પાસે નથી. રૂપિયાની વાત નથી. ગુરુએ કહ્યું છે બિલકુલ ખાલી થઈને આવ. એ સાંજના ગુરુ પાસે ગયો, ટેક્ષીમાં, કાર તો આપી દીધી છે પોતાની બીજાને… ગુરુના આશ્રમે ગયો, પૈસા બધા જ ખતમ. મિલકતો બધી જ ખતમ. ટેક્ષીના ભાડાના પૈસા છેલ્લા હતા એ આપી દીધા. હવે એક પૈસો એની પાસે નથી. અને એ ગુરુ પાસે ગયો, ગુરુની ઝુંપડીમાં ગયો, એને હતું બધું જ ખાલી કરીને ગયો છું, ગુરુ મને બાહોમાં લઇ લેશે. ગુરુ પાસે બેઠો, ગુરુ શું કહે છે; gate out, બહાર નીકળી જા. અબ જાયે તો જાયે કહાઁ…? બધું તો આપી દીધું છે..
આ બનેલી ઘટના છે… પેલાને ખ્યાલ નથી આવતો ગુરુ ના કેમ પાડે છે, એ સાંજે ગુરુએ ના પાડી, હવે ક્યાં જાઉં… એ રેલ્વે ના સ્ટેશન પર જાય, પ્લેટફોર્મ ઉપર, બાંકડા ઉપર આરામ કરે છે. આખો દિવસ વહીવટમાં કાઢેલો એટલે ખાવાનો સમય રહેલો નહિ, ભૂખ લાગી છે પણ ચણા અને મમરા ફાંકવા માટે પૈસા નથી. એ સૂઈ જાય છે. રાતના એને વિચાર આવે છે, કે જે ગુરુની ઉર્જા મેં માણી, એ ઉર્જાના આધારે હું કહી શકું કે એ ગુરુ પરમ નિષ્ઠાવાન, અને પ્રભુને પુરેપુરા સમર્પિત હતા, સત્યને પણ પુરેપુરા સમર્પિત છે. એ ગુરુ ક્યારેય ખોટું બોલે જ નહિ, એમણે કહ્યું કે ખાલી થઈને આવી જા, હું ખાલી થઈને ગયો, એમણે મારો સ્વીકાર કર્યો નથી, ક્યાંક ભૂલ મારી છે. લગભગ વિચાર શું આમ… આવી સ્થિતિમાં…? આવા તો કંઈ સદ્ગુરુ હોતા હશે કાંઈ…! પહેલા તો કહે ખાલી થઈને આવી જા… તને દીક્ષિત કરી દઉં, ખાલી થઈને ગયો, અબજો રૂપિયા એક સાથે છોડી દીધા, અને ગુરુદેવ કહે છે gate out. આવા ગુરુ હોય…!
પણ એક ગુરુની જે ઉર્જા, એક કલાક જે માણી છે, એના આધાર ઉપર એ કહે છે, કે આ ગુરુ પરમ સત્યમાં જ પ્રતિષ્ઠિત હોય, આ ગુરુ કોઈ પણ સંયોગોમાં ક્યારેય પણ જુઠું બોલી શકે નહિ, તો એમણે કહ્યું ખાલી થઈને આવ, ખરેખર હું ખાલી થઈને નથી ગયો એવું કહેવાય… તો હજુ મારામાં શું બાકી રહ્યું છે એ મારે જોવું છે, અને ઊંડું ઉતરતા એને ખ્યાલ આવ્યો કે ઓહોહો મારા મનમાં એક વાત તો હજુ છે જ… કે આ ગુરુ પાસે લખપતિ કે કરોડપતિ શિષ્યો છે પણ અબજોપતિ શિષ્ય એક પણ નથી. એટલે હું ત્યાં દીક્ષા લઈશ એટલે અબજોપતિ શિષ્ય તરીકે મારી પ્રતિષ્ઠા થશે. આ અહંક્રાર તો મેં છોડ્યો નથી. હું અબજોપતિ છું એ વાત હજુ મારા મનમાંથી ગઈ નથી. તો અબજો રૂપિયા છોડે શું થાય…? બસ એ અહંકાર છૂટી ગયો. સવારે ૫ વાગે એ સ્ટેશનથી ગુરુના આશ્રમે ગયો. ગુરુ બહાર બેઠેલા ધ્યાન કરવા માટે, એને આવતો જોયો, જ્યાં એ નજીક આવ્યો ગુરુએ એને બાહોમાં લઇ લીધો. વાહ! તું મારો ખરો શિષ્ય!
એણે આંતરનિરીક્ષણ કર્યું, એણે ભૂલ પકડાઈ, એ સામાન્ય વસ્તુ છે. એક ઉર્જાના આધાર ઉપર અબજો રૂપિયા છોડી દેવા, અને ગુરુને સમર્પિત થવા તૈયાર થઇ જવું એ કઈ વાત હતી…? જયઘોષસૂરિ દાદાના ચરણોમાં તમે બધા ઘણીવાર બેઠા હશો, કેવી પરમ શાંતિ મળે..! હું પણ એમના ચરણોમાં બેઠેલો છું, થોડી વાર, થોડી મિનિટો બેસીએ અને પરમ શાંતિ આપણને મળે. એવા મહાપુરુષો શબ્દો દ્વારા નહિ, પોતાની ઉર્જા દ્વારા આપણને બધું જ આપી દેતાં હોય છે,
હિંમતભાઈ બેડાવાલાને એ બધા જ બદ્રી ગયા એની વાત કરી, વળતાં એ લોકો આવે છે ત્યાં એક જગ્યાએ કાર ઉભી રહી, અને આ તો હિમાલય. સંતો તો ઠેકઠેકાણે હોય , તો સમાચાર મળ્યા કે અહીંયા પણ થોડેક દૂર એક ગુફા છે અને એમાં એક સંત છે. તો બધા ચાલ્યા, પ્રાણલાલભાઈ, શશીકાંતભાઈ એ બધા આગળ પહોંચી ગયા, સંતના ચરણોમાં બેઠા. હિંમતભાઈ ધીરે ધીરે ચાલે, તો એમની બધા રાહ જોતા હતા, એ આવે એટલે સત્સંગ શરું કરીએ… એમાં એ નાનકડી ગુફા હતી, જે ક્ષણે હિંમતભાઈ બેડાવાલા એ ગુફામાં enter થયા, સંત ઉભા થઇ ગયા, સંત સામે આવ્યા, હિંમતભાઈના હાથ પકડ્યા અને કહ્યું આપ યહાઁ કયું આયે? આપ યહાઁ કયું આયે? આપ તો મુજસે બડે સંત હો… હજી ગુફામાં enter થયા છે, પણ ગુફા હતી નાની, એને કારણે હિંમતભાઈની ઉર્જા તરત પકડાઈ ગઈ. આપ યહાઁ કયું આયે આપ તો મુજસે ભી બડે સંત હો, એ પ્રભુની ઉર્જા, સદ્ગુરુની ઉર્જા, આ ઉર્જાનું આખું તંત્ર આપણી પાસે હતું.
હું ઉના – અજાહરા ગયેલો, એકાદ દિવસ રોકાવાનો હતો. ઉનામાં અમે ગયા, પ્રવચન પૂરું થયું એ પછી એક અગ્રણી ગ્રહસ્થ શ્રાવકજી મને મળવા માટે આવેલા. એમણે વંદન કર્યું, હું તો એ બાજુ પહેલી વાર જતો હતો. પણ એ શ્રાવક મારા પુસ્તકોથી પરિચિત હતા, એટલે એમણે મને કહ્યું કે સાહેબ! તમે એકદમ flying visit માં છો ખ્યાલ છે પણ તમારે બે કામ કરવા જોઈએ, મેં કહ્યું શું? મને કહે કે સાહેબ! આ ઉપાશ્રય જેમાં તમે અત્યારે બિરાજમાન છો, એ નવો બનાવેલો છે, પણ હીરસૂરિ દાદા ૪૦૦ વર્ષ પહેલા જે ઉપાશ્રયમાં રહેલા એ ઉપાશ્રયને અમે અકબંધ રાખ્યો છે, એક રાત આપે એ ઉપાશ્રયમાં ગાળવી જોઈએ. મેં કીધું ok. મને ખ્યાલ આવી ગયો… હીરસૂરિ દાદાના મજાના આંદોલનો શરીરના તે ઉપાશ્રયમાં હોય જ. અને બીજું એમણે કહ્યું કે સાહેબજીનો અગ્નિ સંસ્કાર અહીંથી એક કિલોમીટર દૂર શાહબાગમાં કરેલો છે, મોટો બગીચો છે, એ વખતના બાદશાહે આપેલો, અને એમાં ગુરૂદેવનો અગ્નિ સંસ્કાર થયેલો. જ્યાં ગુરુ મંદિર છે. ત્યાં ઉપાશ્રય વિગેરે પણ છે, એક રાત આપે ત્યાં રોકાવું જોઈએ. મેં કીધું accepted.
પહેલી રાતે હીરસૂરિદાદા વાળા ઉપાશ્રયમાં હું રહ્યો, મને લાગ્યું કે ખરેખર એ લોકો જાણકાર. એ ઉપાશ્રયને એ લોકોએ એવો ને એવો રાખેલો. અત્યંત જુનો કોઈ ભાગ થાય, થોડું રીપેરીંગ કરવું પડે, એને બાદ કરતાં ૪૦૦ વર્ષ પછી પણ સ્ટ્રક્ચર એનું એ રાખેલું. હું તો રાત્રે સુતો જ નહિ, આખી રાત બસ હીરસૂરિદાદાની ઉર્જા મને મળ્યા કરી. પહેલાના ઉપાશ્રય તમે નહિ જોયા હોય? પહેલાં આપણા દેશમાં ઠંડક પણ ઘણી હતી, વનસ્પતિ પણ એટલી બધી હતી, જંગલો એટલા હતા, તો ઉપાશ્રય એવા રહેતા, કે એક બારણું હોય, બાકી ચારે બાજુ ભીંત હોય, કોઈ બારીઓ નહિ, કશું જ નહિ. અંદર વચ્ચે ચોક હોય, અને એમાં ઉપરથી હવા આવતી હોય, તો આ વ્યવસ્થા એના માટે હતી કે વિશિષ્ટ કક્ષાના સદ્ગુરુ આવે, અને એમના દેહમાંથી જે ઉર્જા નીકળે, એ બારીઓ વિગેરે હોય તો બહાર નીકળી જાય, અને એથી માત્ર ભીંતો જ ભીંતો ચારેય બાજુ.
તમને એક સવાલ પૂછું.. ૧૦૦ વર્ષ પહેલાનું એક દેરાસર મને બતાવશો જેમાં બારીઓ હોય? no. બારીઓ હોય જ નહિ, ગર્ભગૃહમાં એક દ્વાર, મંડપમાં પણ એ રીતે દ્વાર મુકવા પડે એ, બારી નહિ, વેન્ટીલેશન પણ નહિ. કારણ? ભક્ત મંડપમાં હોય, અંધારામાં. પાલીતાણા જાવ, દાદાનો ગૂઢ મંડપ પણ કેટલો અંધારા વાળો છે..? ભક્ત અંધારામાં બેઠેલો હોય, પ્રભુના ગભારામાં ઘી નો દીવો ટીમટીમાતો હોય, તો અંધકારમાંથી પ્રકાશમાં જવાની યાત્રાનું એક પ્રતિક ત્યાં હોય છે. મંદિરો તો તંત્ર છે,
હમણાં એક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આવેલા, ૨૦ કરોડના ખર્ચે દેરાસર બનાવવાનું હતું, મેં જોયું નકશો. બારીઓ જ બારીઓ… મેં કહ્યું તમારા માટે જેવું બનાવવું હોય એવું દેરસર બનાવો, અમારા માટે એક નાનકડું ભોંયરું બનાવજો. મેં કીધું. જે ભોંયરામાં રહી અમે સાધના કરી શકશું. કારણ કે એ ભોંયરામાં પ્રભુની ઉર્જા જે ક્ષણે ક્ષણે નીકળે છે એ ઘુમરાશે. એ ઘૂંટાશે અને અમે જ્યાં જઈશું ત્યાં તરત જ એ ઉર્જા અમને મળશે.
એક રાત હું ઉનાના ઉપાશ્રયમાં હું રહ્યો, એક રાત શાહબાગમાં રહ્યો. એક બહુ મજાની વાત કહું આપણા બહુ જ ઉંચી કક્ષાના ગુરુ હોય, શરીર – બળ એમનું ક્ષીણ થઇ ગયેલું હોય, વાસક્ષેપ પણ આપી ન શકે, માંગલિક પણ સંભળાવી ન શકે, આપણે એમનો ચરણ સ્પર્શ કરવાના કારણ એમની ઉર્જા મળે, તો ગુરુદેવ હયાત હોય ત્યારે પણ કામ શેનાથી કરે છે, ઉર્જાથી… ન વાસક્ષેપ આપે, ન માંગલિક સંભળાવે, પ્રવચનની વાત તો છે જ નહિ. માત્ર એમની ઉર્જા લેવા માટે આપણે જઈએ. હવે એ ગુરુ કાળધર્મ પામે, એમનો અગ્નિ સંસ્કાર થાય, દેહ જે છે એ રાખમાં ભળી જાય, ઉર્જા ક્યાં જાય? ઉર્જા ત્યાં રહે. એટલે જ આપણા ત્યાં સમાધિ તીર્થો રચાય.
આજે હું શંખેશ્વર જાઉં, તો મારે ગમે એટલી ઉતાવળ હોય તો પણ કલાપૂર્ણસૂરિ દાદાના સમાધિ મંદિરે હું અચૂક જાઉં. એટલો હું ઝડપી કાર્યક્રમમાં હોઉં તો ઉપરના ગૃહમંદિરમાં ન જાઉં, પણ જ્યાં સાહેબનો અગ્નિ સંસ્કાર થયેલો છે એ નીચેના ગર્ભગૃહમાં એમની ચરણ પાદુકા પાસે માથું ઝુકાવીને જાઉં, સીધા પરમાણુઓ મળી જાય. વાત બહુ મજાની છે, ક્યારેક ક્યારેક આને ફરીથી repeat કરીશું, કે આપણે કેટલું ગુમાવી બેઠા છીએ. આપણી પરંપરા પાસે કેટલું બધી હતું અને એકમાત્ર અજ્ઞાનને કારણે આપણે કેટલું બધું ગુમાવી બેઠા છીએ.
તો વર્તમાનયોગ… આનંદ જ આનંદ… પ્રભુનો પરમપ્રેમ….. પ્રભુનો વર્તમાનયોગ…. આનંદ જ આનંદ…..