Pravachan Anjan Jo Sadguru Kare – Vachana 11

197 Views
31 Min Read

વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત

Subject : વર્તમાનયોગ

આપણે ત્યાં બે ધારા છે. ભક્તિની ધારા જોઈએ, તો અનંત કેવળજ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયું છે, એમ બન્યા કરે છે. અને સાધનાની ધારા જોઈએ, તો પર્યાયો ક્રમબદ્ધ છે; જે પર્યાય જે ક્ષણે ઉદયમાં આવવાનો છે, એ જ ક્ષણે ઉદયમાં આવવાનો છે; એમાં કોઈ ફેરફાર થવાનો નથી.

તમારા ૯૯% સંઘર્ષો ભૂતકાળની ઘટનાઓ સાથે જોડાયેલા છે. પણ ભૂતકાળ ગયો. જે ઘટના ઘટી ગઈ, તમે એના માટે ગમે એટલો વિચાર કરશો, એ ઘટના બીજી રીતે repeat થવાની છે? થઇ ગઈ, એ થઇ ગઈ. એના સ્વીકાર સિવાય બીજો કયો માર્ગ છે?!

ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. પ્રભુનો ભક્ત ક્યારેય પણ ઉદાસ બને નહિ. ભૂતકાળનો વિચાર કરવો નથી. ભવિષ્યકાળમાં મારું પુણ્ય મારી સાથે છે. પછી પીડા ક્યાંથી હોય!

ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૧

પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે

પ્રભુ મારા પ્રિયતમ, પ્રભુ જ્યારે પ્રિયતમ બને છે ત્યારે ભક્તની મનોદશા કેવી હોય છે, તમારે તો એ જાણવું બહુ જરૂરી છે. કારણ? પ્રભુને પ્રિયતમ આપણે બનાવવા જ છે. તો એ ભક્તોના મનની ભાવદશા કેવી હતી કે જ્યારે પ્રભુ પ્રિયતમ થઇ ગયા…

જંબુવિજય મ.સા. આપણા યુગના ભક્તિયોગાચાર્ય, સાહેબ એકવાર શંખેશ્વરમાં હતા, આપણા ભાગ્યેશવિજયસૂરિ પણ એ વખતે શંખેશ્વરમાં, એ વખતે જંબુવિજય મ.સા. એ ભાગ્યેશવિજયને કહ્યું, કે ભાગ્યેશવિજય અમદાવાદથી એક મહાત્મા આવવાના, એમને સંશોધનમાં અને પ્રભુભક્તિમાં બહુ જ રસ છે, મારે એમને મળવું છે, તો એ આવે ને ત્યારે મને કહેજે, એમાં અચાનક ૪ એક દિવસ પછી સાહેબજીનો વિહાર ગોઠવાયો, બાજુનું જ ગામ આદરિયાણા, ત્યાં જવાનું હતું, સાંજે ૫ એક કિલોમીટર જવાનું, સવારે પેલા ગામ જવાનું.

સાહેબજી ૪ વાગે દેરાસરમાં પધારી ગયા, ૫ – ૫.૧૫ વાગે નીકળવાનું હતું, પણ પ્રભુ પાસે ગયા પછી સાહેબ ઉઠી શકતા નહોતા. રીતસર તમને લાગે કે કેવું પ્રભુનું સંમોહન છે, પછી માંડ માંડ સ્તવનો પૂરા કરે, ઉભા થાય, બહાર તો નીકળે, પણ છેલ્લી ચોકીએ જાય, પ્રભુને જોયા કરે, ફરી ખમાસમણ, નીચે ઉતરે ચોકમાં, અત્યારે તો ચોક ટાઈલ્સવાળો છે, એ વખતે ધૂળિયો ચોક હતો, પણ એ ચોકમાંથી દાદા દેખાતા હતા, ફરી પાછા ખમાસમણ, લાગ્યુ કે મોડું બહુ થઇ ગયું છે. ફટાફટ વિહાર કર્યો.

ભાગ્યેશવિજયસૂરિ ને પણ અઠવાડિયા પછી આદરિયાણા જવાનું થયું. સાહેબે પહેલો સવાલ કર્યો, ભાગ્યેશવિજય! પેલા મહાત્મા અમદાવાદથી આવવના હતા, એ અવી ગયા કે નહિ…? ભાગ્યેશવિજય નવાઈમાં પડી ગયા, એ કહે સાહેબ! આપે વિહાર નક્કી કર્યો ને એ જ દિવસે સવારે એ મહાત્મા આવી ગયેલા, પણ એમનો વિહાર લાંબો હતો, થાકી ગયેલા, એમને ખબર નહિ કે આપનો સાંજે વિહાર છે, બપોરે એમને સમાચાર મળ્યા, કે સાહેબ તો સાંજે ૪ વાગે દેરાસર પધારે છે, અને તરત એમનો વિહાર છે. એટલે એ ફટાફટ તૈયાર થઇ આપ બેઠા દેરાસરમાં પછી આપણી પાસે આવીને જ બેસી ગયેલા, આપણી જોડાજોડ ૨ કલાક બેઠેલા, ત્યારે જંબુવિજય મ.સા. કહે અચ્છા એવું હતું…

તો પૂછે છે ભાગ્યેશવિજય, સાહેબ! બે કલાક આપની જોડે બેઠેલા આપણે ખ્યાલ નથી? ત્યારે એમને કહ્યું, ભાગ્યેશવિજય! શંખેશ્વર દાદો મારો હાજરાહજૂર સામે બિરાજમાન હતો, ત્યારે બાજુમાં મારી નજર જાય ખરી? હું તો સામેવાળાને જોવું કે બાજુવાળાને જોઉં…? તમે કોને જુઓ? આ તો ભક્તિની ભાવદશા…

સાધનાના સ્તર ઉપર ભાવદશા વર્તમાન યોગની હતી, જે ક્ષણે જે બને એનો સ્વીકાર. અમે લોકો પરમ આનંદમાં છીએ, કોઈ પણ મહાત્માને પૂછો, સાહેબજી! આટલો બધો આનંદ તમારી પાસે કેમ છે? કારણ એક જ કહેશે, એક તો પ્રભુની કૃપા, અને બીજું વર્તમાનયોગ. આવતી ક્ષણની કોઈ ચિંતા નથી.

હું વિહાર કરતાં ચાણસ્મા ગયેલો, મહેસાણા થી પાટણ જઈએ એટલે ચાણસ્મા થઈને જવાય. તો અમે લોકો મહેસાણા થી ચાણસ્મા ગયા, અને તમારે ત્યાં હમણાં જ ચોમાસું કરી ગયેલા મહાત્મા યશોરત્નસૂરિજી પાટણથી ચાણસ્મા આવ્યા. મહાત્માઓનો સંગ થાય એટલે જલસો. આખો દિવસ સ્વાધ્યાય વિગેરે ચાલ્યું, એક નાના મહાત્મા હતા જે મારા પુસ્તકો બહુ વાંચતા હતા, એમણે કહ્યું સાહેબ! થોડો સમય આપનો જોઈએ છે, કેટલાક પ્રશ્નો છે, solve કરવા છે. મેં કહ્યું ok.

સાંજે અમે બેસી ગયા, એક કલાકમાં એમના બધા પ્રશ્નો solve થઇ ગયા. પછી મેં પૂછ્યું, મેં કહ્યું આવતી કાલે તમારો વિહાર છે કે અહીંયા રોકવાના છો? એ વખતે એ મહાત્મા કહે છે, સાહેબજી મને ખ્યાલ નથી. આવતી કાલે સવારે અહીંથી વિહાર છે કે નહિ, મને ખ્યાલ નથી. ગુરુદેવ જો ૪ વાગે જગાડશે, તો હું માનીશ કે વિહાર હશે, ૫ વાગે જગાડશે તો હું માનીશ કે વિહાર નથી. આવતી ક્ષણ માટે પણ એ અપ્રતિબદ્ધ. Totally uncommitted.

મારા ૪ – ૫ વર્ષના કાર્યક્રમો નક્કી છે. ૪ – ૫ વર્ષના તો એકદમ fix થયેલા, એ પછીના પણ ચોમાસા ૫ – ૭ નક્કી થયેલા છે, પણ હું વર્તમાનયોગનો માણસ છું, અને એટલે જ અમે જ્યારે ચાતુર્માસની જય બોલાય ને ત્યારે અમે કહીએ છીએ – જેવી ક્ષેત્ર સ્પર્શના. જેવું જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું હશે એમ બનશે. ગોરેગાંવમાં એ જ થયું… અમે એકદમ મજામાં… ગોરેગાંવ આવવાનું ન થયું, એનો રંજ ન હોય, આવવાનું થયું એનો આનંદ ન હોય, બસ એકસરખી ધારા ચાલ્યા કરે, તમને મારે એ વર્તમાનયોગની ભેટ આપવી છે. ભૂતકાળ ગયો, બોલો જે ઘટના ઘટી ગઈ, તમે એના માટે ગમે એટલો વિચાર કરશો, એ ઘટના બીજી રીતે repeat થવાની હતી ખરી? થઇ ગઈ એ થઇ ગઈ… સ્વીકાર સિવાય બીજો કયો માર્ગ ત્યાં રહે છે? તમારા ૯૯% સંઘર્ષો ભૂતકાળની ઘટનાઓ સાથે જોડાયેલા છે,આ, આમ કેમ થયું? આને આમ કેમ કર્યું…? થવાનું જ હતું.

આપણે ત્યાં બે ધારા છે, ભક્તિની ધારા જોઈએ તો મેં પહેલાં કહ્યું હતું એમ અનંત કેવલજ્ઞાની ભગવંતો એ જ્ઞાનમાં જોયું છે… એમ બન્યા કરે, અને સાધનાની ધારા જોઈએ તો ક્રમબદ્ધ પર્યાય. જે પર્યાય જે ક્ષણે ઉદયમાં આવવાનો છે એ જ ક્ષણે ઉદયમાં આવવાનો છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ઇન્દ્ર મહારાજાએ પ્રભુને કહ્યું કે પ્રભુ! ભસ્મગ્રહ આપની જન્મરાશિ પર બેસે છે, થોડુંક આયુષ્ય આપ વધારી દો. ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા શું કહે છે કે ઇન્દ્ર! જે પર્યાયો જે રીતે ખુલવાના હોય, એ જ રીતે ખુલે છે. પ્રભુ એમ કહે છે કે જે પર્યાય જ્યારે જે રીતે ખુલવાના છે એ રીતે ખુલે છે.

આપણે બધા પ્રભુના ભક્ત છીએ. તમારે તો બીજું કાંઈ નહિ મારા ભગવાને કહ્યું છે એટલે માની લેવાનું. ગમે તેવી ખરાબ ઘટના ઘટે, તમે એકદમ પ્રસન્ન હોવ. કોઈ મિત્ર બહારથી આવેલો હોય એને નવાઈ લાગે આટલી ખરાબ ઘટના ઘટી, તમે પ્રસન્ન છો…! તો તમારો જવાબ હોય, હા, મારા ભગવાને કહ્યું છે કે જે પર્યાય જે વખતે ખુલવાનો છે એ વખતે ખુલવાનો છે, તો આ પર્યાય આ વખતે ખુલવાનો હતો ખુલી ગયો, પ્રભુ તમારી કેટલી પીડાને લઇ લે, બોલો…? અમે એક ક્ષણ પણ પીડામાં નહિ, એનું કારણ આ વર્તમાનયોગ છે. સાધુ – સાધ્વીઓને રોગ આવે જ, રોગનો પણ સહર્ષ સ્વીકાર છે, ૪ ડીગ્રી તાવમાં મ.સા. નું શરીર શેકાતું હોય, અને તમે પૂછો સાહેબજી શાતામાં? એ જ પ્રેમથી એ જ પ્રસન્નતાથી કહેશે દેવ – ગુરુ પસાય… તમારી કોઈ શાતા પૂછે તો શું બોલવાનું…? તમારી શાતા કોઈ પૂછે તો જવાબમાં શું કહો…? લક્ષ્મીજી પસાય…? દેવ – ગુરુ પસાય જ તમે કહો ને…? તમે કહેવાના આ જ… દેવ – ગુરુ પસાય… અને બહુ મજાની વાત છે કે જે પણ શાતા, જે પણ સુખ, જે પણ આનંદ તમને મળે એ માત્ર ને માત્ર પ્રભુ અને સદ્ગુરુની કૃપાથી જ મળે છે. એક શ્રદ્ધા આ જો બરોબર જામી જાય કે પ્રભુની કૃપા, સદ્ગુરુની કૃપા છે, હું મજામાં છું, આનંદમાં છું.

 પ્રભુનો ભક્ત ક્યારે પણ ઉદાસ બને નહિ. સ્તવનામાં કહ્યું, “ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં” શું પ્યારા શબ્દો આવ્યા, ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં. જે ક્ષણે પ્રભુ તારું સમ્યક્ત્વ મળ્યું એ જ ક્ષણે દીનતા ગઈ, પીડા ગઈ, કેમ? સમ્યગ્દર્શન મળ્યું, એટલે પ્રભુ ઉપર શ્રદ્ધા આવી. પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા આવી. મારા પ્રભુ કહે છે કે જે ક્ષણે જે ઘટવાનું છે, એ ઘટવાનું જ છે. તો પછી મારે એનો સ્વીકાર કરી લેવાનો. એક પ્રભુના વચન પરની શ્રદ્ધા તમને પણ ever fresh, ever green બનાવી દે… ધંધામાં મંદી આવી તો પણ સ્વીકાર.

આપણે ત્યાં છે ને મહાપુરુષો હતા, ગીતાર્થ હોય તો ગુરુની આજ્ઞાથી એકલા પણ રહેતા હોય, અને એ મહાપુરુષો માસક્ષમણ ઉપર માસક્ષમણ કરતાં હોય. ૩૧માં દિવસે મધ્યાને ગોચરીએ નીકળે, અને એમાં પણ compromisation નહિ, નિર્દોષ ભિક્ષા મળે તો જ લેવાની, એ વહોરવા માટે જાય, ગોચરી નિર્દોષ મળી જાય તો કહેતાં, કે ચાલો સાધનાની વૃદ્ધિ થઇ. આહાર દ્વારા શરીરને પોષણ મળશે, અને શરીરની પુષ્ટિ દ્વારા મારી સાધના આગળ વધશે. અને જો આહાર ન મળે તો કહેતાં તપોવૃદ્ધિ. આ બે સૂત્રો  યાદ રહી ગયા બરોબર…? ઓફિસે ગયા કમાણી થઇ, તો પૈસા વધ્યા પણ તમારા તો નહિ ને પ્રભુના ને…? પૈસા વધ્યા ખરા પણ કોના? પ્રભુના ને..? એટલે પૈસા વધ્યા તો સુકૃત વધ્યું. અને કમાણી ન થઇ તો સૂત્ર બદલી દેવાનું. સારું થયું વધારે પડતો મોહ – આસક્તિ નહિ થાય. તમે ઓફિસે જાવ ને સૌથી પહેલું કામ શું કરો…?

૧૨ વ્રતની પૂજામાં વીરવિજય મહારાજે લખ્યું, “વિરતિ રે પ્રણામ કરીને, ઇન્દ્ર સભામાં બેસે” ઇન્દ્ર પોતાની સભામાં જાય, ઇન્દ્રાસન પર એને બેસવું છે, એ પહેલા એ શું કરે છે…? ભારતક્ષેત્રમાં રહેલા બધા જ મુનિવરોને, વિરતિધરોને વંદન કરે છે હાથ જોડીને અને પછી ઇન્દ્રાસન પર બેસે છે. તમે તમારી ખુરશી પર બેસતાં પહેલા કોને યાદ કરો છો…? એટલે આ કેટલી મજાની આ વાત થઇ ગઈ, મુનિવરોને, મુનિવરોના ત્યાગને યાદ કરીને એ ત્યાગને પ્રણામ કરીને તમે ઓફિસની ચેર પર બેસો, શું થાય પછી… બહુ કમાવાની ઈચ્છા થાય પણ નહિ, તો પૈસા મળ્યા, પણ માલિકીયત કોની? તમે કહેશો કે પુણ્યથી મળે, બરોબર…? પુણ્યના માલિક કોણ? નવતત્વ કોણે બતાવ્યા? પ્રભુએ બતાવ્યા. પુણ્યતત્વ બતાવ્યું કોણે…? પ્રભુએ… તો પૈસા તમે કમાયા માલિકીયત કોની? મેનેજર કમાય, પણ મેનેજરને તો મહિને કેટલું મળે.. ૧૦ હજાર, ૨૦ હજાર પગાર હોય એ, બાકીનું બધું શેઠનું હોય ને… કમાય એની બુદ્ધિ, પણ માલિકીયત કોની?

એક યુવાને એક પ્રવચનમાં નિયમ લીધો, રત્નસુંદરસૂરિનું પ્રવચન, અને એમાં એમણે એ જ વાત કરી કે તમારી પાસે જે કંઈ છે એ બધું પ્રભુનું છે, પ્રભુને કેટલું આપવું છે…? એ યુવાને નિયમ લીધો,  હું જે કમાવું march ending એ પ્રોફિટ જે રહે એમાંથી ૧૦% પ્રભુભક્તિમાં એટલે કે પ્રભુએ કહેલા કોઈ પણ ક્ષેત્રમાં વાપરવા. ૧૦% મારા નહિ. ત્રણેક વર્ષ પછી એ યુવાન રત્નસુંદરજીને મળ્યો, રત્નસુંદરજી ઓળખી ગયા ઓહો આ પેલો ૧૦% વાળો. એટલે એમણે પૂછ્યું, ભાઈ! નિયમ ચાલે છે કે નહિ, ૧૦%વાળો..? ત્યારે એ યુવાન કહે છે સાહેબ! નિયમ ચાલે પણ છે, નથી પણ ચાલતો… અરે ભાઈ! બેઉ તો કેવી રીતે બને…? કાં તો નિયમ ચાલતો હોય, કાં તો ન ચાલતો હોય… તું કહે છે નિયમ ચાલે પણ છે નથી પણ ચાલતો બેય શી રીતે બને…? ત્યારે એને કહ્યું સાહેબ! તમારી પાસે મેં નિયમ લીધો ત્યારે હું એવું સમજતો હતો, હું કમાઈશ અને જે નેટ પ્રોફિટ રહેશે એ પ્રભુને આપીશ. ૧૦%… ત્રણ વર્ષ થઇ ગયા, મારી feeling અત્યારે એ છે કે હું એક પૈસો પણ કમાતો નથી. પ્રભુ એટલા ઉદાર છે કે ૯૦% મને આપે છે. પહેલા હું કમાતો હતો એની speed ક્યાં અને આપની પાસેથી નિયમ લીધો પછી જે નેટ profit વધ્યો છે જેની કોઈ સીમા નથી. એટલે અત્યારે હું માનું છું કે હું કમાતો નથી, પ્રભુ મને ૯૦%આપી રહ્યા છે. હવે પ્રભુને ૧૦% આપું છું એવો ભાવ નથી. એટલે કહું છું કે નિયમ ચાલુ નથી. કેટલી મજાની ત્યાગની પરંપરા આપણી પાસે છે…

હું એક ગામમાં ગયેલો, વિહારનું ધામ હતું, ૮ મહિના વિહાર ચાલતો હોય, એ ભાઈ મારા પરિચિત હતા, બપોરે બેઠેલા, મને કહે, સાહેબ! તમે લોકો પ્રવચનમાં કહેતાં હોવ કે શાલિભદ્રના આત્માએ એકવાર મ.સા. ને વહોરાવ્યું, બીજા જન્મમાં પેટીઓની પેટીઓ ઉતરવા માંડી, મને કહે આ તો વિહારનું ધામ, ૮ મહિના વિહાર ચાલુ હોય છે, ખુબ ભક્તિથી વહોરાવું છું, હસતાં હસતાં કહે એકેય પેટી ઉતરી નહિ… એ વખતે મેં એને કહ્યું, કે બોલ તારે શાલીભદ્ર બનવું છે? તને બનાવી દઉં… હોશિયાર માણસ હતો. મને કહે શાલીભદ્ર બનવું છે, પણ દીક્ષા લીધા પહેલાના શાલિભદ્ર. તમે પાછો ઓઘો બતાવી દો… મેં કહ્યું ok ,તૈયાર… દીક્ષા પહેલાંનો શાલીભદ્ર તને બનાવી દઉં… બોલો તમારે બનવું છે…?

મેં એને કહ્યું કે શાલિભદ્રને આંગણે એકવાર શ્રેણિક મહારાજા પધાર્યા. જે રત્નકંબલ એક, એક લાખ સુવર્ણ મહોરની, મગધનો સમ્રાટ ન લઇ શક્યો, એનો જ એક પ્રજાજન બધી જ રત્નકંબલો ખરીદી લીધી અને ઉપરથી પૂછે કે ૧૬ જ છે બસ…? ભદ્રામાતાએ પૂછેલું રત્નકંબલવાળા ને ૧૬ જ છે તારી પાસે? મારી પુત્રવધુઓ તો ૩૨ છે. પણ કંઈ નહિ ૧૬ * ૨ = ૩૨ એકના બે ટુકડા કરી નાંખ્યા, અને એ પુત્રવધુઓએ પગ લુછી – લુછીને ગટરમાં બધી ફેંકી દીધી. આ સમાચાર શ્રેણિક મહારાજાને મળ્યા, એમને થયું કે મારા નગરની પ્રતિષ્ઠા આને રાખી. નહીતર એ રત્નકંબલવાળો બહાર ગયો હોત તો કહેત, શું આ નગરી રાજગૃહી! એક જાણો મારી સાલ લેવાવાળો ન નીકળ્યો, પણ આ માણસે મારી, મારી નગરની પ્રતિષ્ઠા રાખી.

શ્રેણિક મહારાજા આવ્યા, ભદ્રામાતાએ સત્કાર કર્યો, શાલીભદ્ર પણ આવ્યા, પછી ભદ્રામાતાએ કહ્યું સાહેબ! મારે ઘરે આપ પધાર્યા છો, થોડીક પ્રસાદી તો લો, કંઈક નાસ્તો, શ્રેણિક મહારાજે હા પાડી, વોસ બેશીન માં હાથ ધોયા, હાથ લૂછ્યા, નાસ્તો કર્યો… પછી ખ્યાલ આવ્યો કે એક આંગળીમાંથી વીંટી નીચે પડી ગઈ છે, હમણાં તો હતી… તો વોશ બેશીનમાં જ પડી ગઈ હશે. તો શ્રેણિક મહારાજા એ ભદ્રામાતાને કહ્યું કે વોશ બેશીનમાં મારી વીંટી પડી ગઈ છે, તરત દાસીને ને દોડાવી વોશ બેશીનનું જોડાણ હોજ સાથે હતું. દાસી હોજ પાસે ગઈ, હોજમાં ઢગલો વીંટી… દાસી ચબરાક, કરંડિયો ભરી અને વીંટી લઈને આવી… કે મહારાજ આમાં તમારી વીંટી કઈ? એ દેવતાઈ વીંટી પાસે શ્રેણિક મહારાજાની વીંટી સાવ ફીંકી લાગતી, શ્રેણિક મહારાજાએ પોતાની વીંટી લઇ લીધી પોતાની… પછી પૂછ્યું હોજમાં આટલી વીંટીઓ તમારે ત્યાં? ત્યારે ભદ્રામાતાએ કહ્યું કે સાહેબ! આપને તો ખ્યાલ છે કે ૯૯ પેટી રોજ ઉતરે છે, ૩૩ પેટી દાગીનાની હોય છે, મારો શાલિભદ્ર અને એની ૩૨ પત્નીઓ રોજ દેવતાઈ અલંકારો પહેરે, બીજી સવારે બાથરૂમમાં ન્હાવા માટે જાય, ત્યાં બધા જ અલંકારો છોડી – છોડીને આવે, ફેંકી – ફેંકીને આવે, એ બધા જ બાથરૂમમાંથી હોજમાં બધું ભેગું થાય… હવે તો અમારી મેત્રાણી પણ લેતાં લેતાં થાકી ગઈ છે. એ તો રોજ લેવા આવતી નથી. એને પણ ખ્યાલ આવી ગયો કે અહીંયા કોઈ હવે લેવાનું નથી, અઠવાડિયે આવે અને બધું ઉસેટીને લઈ જાય. એટલે આ બધું ભેગું થતું હોય છે,

મેં પેલા ભાઈને કહ્યું હવે તને શાલિભદ્રની વ્યાખ્યાનો ખ્યાલ આવ્યો…? આજનું મળેલું આવતી કાલે ફેંકી દે એનું નામ શાલિભદ્ર. બોલો ભાઈ બરોબર ને…? એક ભાઈ મને કહે સાહેબ! એ તો શાલિભદ્ર હતો, અને ઉપર એનો પિતા દેવ થયેલો હતો, એ મોકલતો હતો. અમારે કોના અંગારા ઉપર ફેંકી દેવું… મેં કહ્યું, દેવ પણ આપતો હતો ક્યારે…? ઘણાના બાપ મરી ગયા, ઘણાના દેવલોકમાં પહોંચી ગયા… કોઈએ પેટીઓ મોકલી નહિ, આ શાલિભદ્રનું પુણ્ય હતું માટે પેટી આવતી હતી, નહિ કે એનો પિતા કારણ રૂપ હતો. તો શાલિભદ્રને પોતાના પુણ્ય ઉપર વિશ્વાસ હતો. આજે ફેંકી દો, કાલે મળવાનું જ છે. તમને તમારા પુણ્ય વિશ્વાસ ખરો કે નહિ? ચાલો આજે મળેલું કાલે ફેંકી ન શકો… માર્ચ ending હિસાબ કર્યો, ખાધું, પીધું, ખર્ચ્યું તમારું… હવે જે વધ્યું એ, એ પણ નહિ, તો એમાંથી કેટલા percentage એ બોલો? તો પેલો યુવાન એના શબ્દો યાદ રાખજો, પ્રભુ મને ૯૦% આપે છે, હું પ્રભુને આપું છું એ વાત એક વર્ષ સુધી રહી, બીજા વર્ષે એ વાત ભૂંસાઈ ગઈ.

આ બધાની પાછળ એક વર્તમાનયોગ તો રહેલો જ છે. ભૂતકાળનો વિચાર કરવો નથી. ભવિષ્યકાળમાં પણ મારું પુણ્ય મારી જોડે છે. આજે તો લોકોને પૈસા ક્યાં રાખવા એ મુશ્કેલ છે. તમે તો હજી આરામથી સુવો છો. પણ પેલો અબજોપતિ હોય ને રાત્રે ઊંઘ પણ ના આવે, call bell વાગે ને IT વાળા આવ્યા છે કે ET વાળા આવ્યા છે..? કાં તો IT વાળા ને કાં તો ET વાળા… ક્યાં છુપાવું…? એ લોકોની મુશ્કેલી એ છે છુપાવું ક્યાં સાલું… એક રેડ પડશે અને એક જગ્યાએ નહિ, એક સાથે ૨૫ જગ્યાએ રેડ પાડી નાંખશે, છુપાવું ક્યાં? તો ભેગું શું કરવા કરે છે પણ… આરામથી ખા, પી ને મજા કર… હવે એટલું વધારાનું રાખે અને ૨ નંબરનું રાખે, ખાઈ પણ શકે નહિ આરામથી, સૂઈ પણ શકે નહિ આરામથી… એ પૈસા શું કરવાના બોલો…

એક વાત તમને કહું, સંપત્તિ અથવા કોઈ પણ પદાર્થ એ સુખ ન આપે, સુવિધા આપે, આટલું યાદ રાખવાનું… એ સંપત્તિ તમારી પાસે છે તમારે એકદમ નાનકડા flat માં રહેવાનું નહિ થાય, તમે મોટા flatમાં જતા રહેશો, પણ મોટો flat મળ્યો, એથી સુખ મળ્યું એવું નહિ માનતા, સુખ તો family members માં પરસ્પર સંપ હશે, તો હશે.

વાલકેશ્વરના એક ઘરની ઘટના છે, ચાર દીકરા, ત્રણ કાર આવી ગયેલી, ચોથી કાર booking માં હતી આવવાની હતી. પહેલાં છે ને કાર ઝડપથી મળતી નહોતી, અત્યારની જેમ… તો ત્રણ કાર આવી ગયેલી, ચોથી કાર બાકી હતી. એક સવારે ત્રણ ભાઈઓ ત્રણ કાર લઈને જતાં રહ્યો, ચોથો પાછળ રહ્યો, કાર નથી એટલો બગડ્યો ને એ … શું મારે ટેક્ષીમાં ફરવાનું… કહે છે….. મારા જેવો શ્રીમંત માણસ ટેક્ષીમાં જાય કહે છે…! મારું status શું? અને એ સાંજે જે લડ્યા છે બધા, ચારે ચાર…

તો સંપત્તિ કે પદાર્થ સુખ નહિ આપે, તમારા પૂર્વજોને જોવો. મેં તો જોયેલા છે, અને એ મારા ગુરુ મહારાજની આંખે એમના ય પૂર્વજોને જોયા છે. કે એ લોકો એટલા સુખી હતા, ગામડા ગામમાં રહે અને આગળ દુકાન, પાછળ ઘર કોઈ પણ ઘરાક આવ્યો, કંઈ કામ છે ઉભો રહે ભાઈ! હું જરા જઈને આવું છું, જમવાનો ટાઈમ છે તો બેસી રહે, કોઈ ટાઈમની પાબંધી નહિ, સુવો તો બે કલાક આરામથી સુવો. ઘરાક બેસી રહે છે. એટલી આરામની જિંદગી, સંપત્તિ કેટલી હોય એટલી એ જમાનામાં ૨૫ – ૫૦ હજાર હોય ત્યાં તો બહુ સુખી માણસ ગણાય એ… લખપતિ બન્યો તો ઓહો લખપતિ છે અમારા ગામમાં…! પૈસા ઓછા હતા, સુવિધાઓ ઓછી હતી, સુખ વધારે હતું. આજે પૈસા વધ્યા, સુવિધાઓ વધી, સુખ વધ્યું કે ઘટ્યું બોલો…? તમારે શું જોઈએ એ કહો… કોઈ પણ માણસની ઈચ્છા એ જ હોય, સુખી બનવું છે…

આપણે ત્યાં એક સરસ મજાની કથા આવે છે, એક ગામડામાં એક માણસ હતો, ઝુંપડામાં રહેતો, ખાવા માટે ભીખ માંગીને ખાઈ લે, કંટાળી ગયો કે આવું જીવન હોય! એમાં એન એને સમાચાર મળ્યા કે એક દેવ જંગલમાં છે, અને પ્રત્યક્ષ છે. એમની આરાધના કરીએ દેવ પ્રસન્ન થાય, વરદાન આપે, આપણે વરદાન માંગી લઈએ તો જિંદગીનું સુખ મળી જાય. એ જંગલમાં ગયો, ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો, દેવ પ્રસન્ન થયા, માંગ માંગ તારે શું જોઈએ… એ વખતે પેલો વિચારમાં પડી ગયો કે શું માંગવું? પહેલા તો પૈસા માંગી લઉં, પૈસા માંગી લઉં પણ તબિયત બરોબર ન રહે તો શું કરવાનું…? પૈસા અને તબિયત બેય સારી માંગી લઉં… પણ ઉંમર બરોબર ન હોય તો? એ પણ માંગ્યું, ગામમાં પ્રતિષ્ઠા ન હોય તો, પૈસાને શું બચકા ભરવાના…! એને એમ થયું કે થોડો વિચાર કરવો પડશે, દેવને એણે કહ્યું ૧૫ દિવસની મુદત મને આપો. પછી એણે એક કામ કર્યું ગામમાં નંબર વન, નંબર ટુ ગણાય એ બધાની મુલાકાત લેવાની શરૂઆત કરી.

બાજુમાં એક શહેર પણ હતું, એ શહેરમાં એ પહોંચી ગયો, શહેરમાં ગયો, એક મોટી પેઢી… એ શેઠનું ઘર જોયું, સાત માળની હવેલી, ઘરે પણ એકદમ સરસ મજાનું, પેઢી પણ મોટી ૨૫ – ૫૦ તો મુનિમો કામ કરે, શેઠ ગાદી તકિયે બેઠેલા, લાગ્યું કે સુખી માણસ છે, ઓટલે બેઠેલો. એ જમનાના શ્રેષ્ઠીઓ પણ કેવા હતા.. બહુ ભલા… એમને આને બોલાવ્યો, ભાઈ અહીં આવ… તારે કંઈ જોઈએ છે? જમવું હોય તો જમવાનું કરાવી દઉં. તારે કંઈ પૈસા – બૈસા જોઈએ છે? જોઈતા હોય તો મને કહી દે, પેલો કહે સાહેબ! ગઈ કાલે કીધું હોત તો બધું માંગત… હવે કંઈ માંગું એમ નથી.. મને દેવનું વરદાન મળ્યું છે, એટલે મારે તમને એ પૂછવું છે કે તમે સુખી છો ને? તો તમારા જેવું રેડીમેડ સુખ માંગી લઉં… તમારું ઘર સરસ, તમારા દીકરાઓ રમતાં જોયા, તમારી  તબિયત સારી લાગે છે, પાઠનાત્રયે પૂજાવો છો, બધી રીતે તમે સુખી લાગો છો, તો તમારા જેવું સુખ માંગી લઉં.

શેઠને ખબર પડી કે આ દેવ રાજી થયા છે, ના ના કહે છે કે મારા જેવું માંગતો નહિ કહે છે, કેમ? એ જમાનામાં ડાયાબીટીસ તો હતું જ, એને મધુપ્રમેય કહેતાં, તો કહે કે મને ડાયાબીટીસ છે, એટલે વૈદ્યની એવી ચરી મારે પાળવાની હોય છે કે કડવા ઉકાળા પીવાના, સવારે દૂધ વગરનો ખાલી ઉકાળો, અને લુખ્ખા ખાખરા ખાવાના, અને બપોરે લુખ્ખી રોટલી અને કારેલાનું શાક, સાંજે લુખ્ખી ખીચડી અને થોડુક દૂધ. આ સિવાય કંઈ ખાવા ના મળે, મારી શ્રાવિકા મારી જોડે જ બેસે, હવે મારે ત્યાં રોજ ૨૫ – ૫૦ મહેમાન હોય, સવાર – બપોરે અને સાંજ ૫ – ૧૦ મીઠાઈઓ એટલી નમકીન આ બધું ફરતું હોય અને હું આ બધું જોવું અને એક પણ મીઠાઈ મારાથી ખવાય નહિ, હાથ ખાલી લાંબો કરું શ્રાવિકા કહે કે નહિ તમારે લેવાનું નથી. એ શેઠ કહે છે કે મને લાગે છે મારા કરતાં તો કઠિયારો સુખી હોય, જંગલમાંથી લાકડાં કાપી લાવે, ૧૨ વાગે આવે, અને એ અને એની પત્ની રોટલો અને શાક ખાય અને એમાં જે મજા આવે મને ખાતા મજા નથી આવતી. ખાવાનું લુખ્ખી રોટલી અને શાક, અને જોવાની મીઠાઈ, બળી – બળીને હેરાન થઇ જાઉં છું. મારા જેવું એ માંગતો હતો, ચાલો તમારા નામ પર ચોકડી, બીજાને ત્યાં.

બીજાને ત્યાં ગયો એને પણ એ જ વાત કરી, પેલો કહે ના, ના મારા જેવું માંગતો નહિ ભાઈ, કેમ સાહેબ શું થયું, મારે દીકરો નથી પછી… દીકરો નથી ત્યાં સુધી પણ સમજે… પણ સગાં -વહાલા બધા જે છે ને એ બધા મારી સંપત્તિ ઉપર એવી નજરે જોઈ રહ્યા છે કે ક્યારે આ મરે અને ક્યારે આપણે ભાગ પડે. એટલે ૧ -૨ વાર તો મને મારવા માટે પણ પ્રયોગ થઇ ગયા છે. રસોઈયા ને ફોડીને મને ઝેર આપવાનું પણ થઇ ગયું, મારા પુણ્યે બચી ગયો, હવે તો કુતરો રાખું છું કુતરો બધું સુંઘીને ખાઈ લે પછી મારે ખાવાનું થાય. ત્રીજાને ત્યાં એ કહે મારા જેવું નહિ માંગતો, કેમ? મારે એક દીકરો છે, એ સાલો એવો આડી લાઈને ગયો છે જુગારમાં જાય, હું મહેનત કરી – કરીને કમાવું છું, પેલો જુગારની એક બેઠકમાં લાખ રૂપિયા હારીને આવે છે, સાલાને ગમે એટલું કહો, ઠીક છે મારા લાખ રૂપિયા ગયા, એની ય ચિંતા નથી. પણ આવો પ્રતિષ્ઠિત હું માણસ પાંચમાં પૂછાવું આવો અને મારા છોકરાઓ આવા કોઠીમાંથી નીકળે મારા તો આબરૂના કુચ્ચા કરી નાંખ્યા એણે … હું બધી જગ્યાએ ફર્યો.. જવાહરનગર વાંધો નહિ આવે…

૧૩ દિવસ થયા સાલું કોઈ ઠેકાણું પડતું નથી. અને ૧૫ દિવસની અવધિ છે. આ શહેરમાં લગભગ બધા જોવાઈ ગયા, બાજુમાં શહેર હતું ચાલો ત્યાં જઈએ, ૧૪ દિવસે ત્યાં જવા નીકળે છે અને એ વખતે રસ્તામાં જંગલમાં એક મુનિરાજ બેઠેલા જોયા, એ જૈન ધર્મને સમજતો નહોતો, બિચારાને હિંદુ ધર્મ શું એ પણ ખબર નહોતી પણ એને જોતા લાગ્યું કે આ માણસ શ્રીમંત છે. આનો ચહેરો કહે છે.. કારણ કે ઘણા બધા ચહેરા જોઈ લીધા. આ માણસ બહુ સુખી લાગે છે, બેસી ગયો, મ.સા. ધ્યાનમાંથી બહાર આવ્યા, મ.સા. તમે સુખી છો? સાહેબ કહે પરમ સુખી છું, લાગે જ છે તમારા ચહેરા ઉપર… સાલા આટલાના ચહેરા જોયા પણ તમારા ચહેરા જેવું સુખ ક્યાંય જોવા ન મળ્યું! એને દેખાય છે તમને દેખાય છે ખરું…?

હવે એના મનમાં ટાઈ તો પેલી જ પડેલી છે, સુખી તો કોણ હોય, પૈસાવાળો… તો મ.સા. તમે મને જરા કહો ને તમારા બંગલાઓ ક્યાં, તમારી પેઢીઓ ક્યાં ચાલે છે એ જરા હું જોઈ લઉં, સાહેબ કહે મારે કોઈ બંગલો નથી, મારે કોઈ પેઢી નથી. આ એક – બે પાત્રા છે મારી પાસે, આ કપડો ઓઢ્યો છે એ મારો છે. મારે કંઈ છે જ નહિ, શું કહો છો મ.સા. તમારૂ કંઈ નથી અને તો ય તમે સુખી છો? તમારૂ કંઈ નથી અને તો ય તમે સુખી છો? મ.સા. કહે કંઈ નથી માટે સુખી છું. અને એને ઘેડ બેસી ગઈ, સાલું જેની પાસે હતું દુઃખી હતા, જેની પાસે ન હોય એ સુખી હોય. સમીકરણ બરોબર બેસાડ્યું ને…? જેની પાસે લાખો – કરોડો હતા એ બધા દુઃખી છે, જેની પાસે કંઈ ન હોય એ સુખી હોય, હવે એને નક્કી કર્યું ક્યાંય જવું નથી હવે… આ મ.સા. જેવું સુખ આપણને જોઈએ. તો સાહેબ મને તમારા જેવો બનાવી દો, તો સાહેબ કહે એમ ન બનાવાય… અમારી જોડે રહેવું પડે, ટ્રેનીગ લેવી પડે, અભ્યાસ કરવો પડે, પછી અમને યોગ્ય લાગે, અમારા ગુરુ મહારાજને યોગ્ય લાગે તો આવું જીવન મળે, કંઈ વાંધો નહિ બધું કરવા હું તૈયાર છું, હવે દેવ પાસે જવાની જરૂર નથી. અને એને દીક્ષા લીધી, અને પરમ સુખી બન્યો.

આ ઘટના કેટલી તો મજાની છે, એને પહેલી વાર તો મ.સા. જોયા અને લાગી ગયું કે છે ખરેખર સુખી માણસ. પહેલાં તો એને શું લાગેલું કે સુખી માણસોના તરંગો ઘણા હોય છે, એટલે સુખી માણસો સાદા કપડાં પહેરી જંગલમાં ફરવા નીકળે, એમ આ પણ સાદા કપડાં પહેરી જંગલમાં ફરવા નીકળ્યા હશે. બાકી તો બંગલો ને પેઢી બધું ઘણું હશે, પણ ખબર પડી કે કંઈ નથી છતાં સુખી છે ત્યારે સમીકરણ બેસી ગયું કે જેની પાસે છે એ દુઃખી છે, જેની પાસે નથી એ સુખી હોય. તમને બેસી ગયું સમીકરણ? બેસી ગયું ભાઈ…? મને ખ્યાલ છે અનિવાર્ય અનિષ્ટ રૂપે તમારે સંપત્તિ જોઇશે, પણ તમે નક્કી કરશો કે કેટલી જોઈએ છે, એક future planning તમારી પાસે હશે.

સુરતમાં મને એક ભાઈ મળેલા, વાવપથકના અગ્રણી હતા, એમણે મને બહુ સરસ વાત કરી, ઉંમર તો ખાલી ૫૦ ની જ હતી, મને કહે સાહેબ! ઈનફ ઇસ ઈનફ. પૉશ એરિયામાં સારા ફ્લેટો છે, દીકરાઓ પણ સારું કમાય છે, હવે હું ભેગું કર્યા જ કરું, કર્યા જ કરું તો એનો તો કોઈ અંત આવાનો જ નથી, પણ આપ બધાના વચનો સાંભળ્યા છે, સંતોષ છે. આ બે વર્ષમાં હું બધું જ જે છે એ wind up કરી રહ્યો છું બધું જ દીકરાને સોંપી રહ્યો છું. પછી માત્ર પ્રભુ શાસનની સેવા. એક future planning હતું, દીકરાઓ તૈયાર થયા છે, દીકરાઓને સોંપી દઉં, હું પ્રભુ શાસન માટે, દીક્ષા લેવાય તો નંબર વન, દીક્ષા નથી લઇ શકાતી તો પણ શાસનને તમારી સેવાની કેટલી જરૂર છે. કેટલા તીર્થોની અંદર કેટલા ગેરવહીવટો ચાલે છે, કારણ કે માણસોને આધારે ચલાવવાનું હોય, આવા પ્રતિષ્ઠિત માણસો સેવા માટે મળી જાય, તો એમને જિનશાસનની સેવાનો લાભ મળે અને શાસનની અંદર શુભ વ્યવસ્થા સચવાય. એટલે એક future planning કરવાનું બરોબર…?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *