વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : પ્રભુમય ચિત્ત
પરમાત્મા પ્રત્યેનો પરમપ્રેમ જ્યારે ભીતર છલકાય છે, ત્યારે ભાવકની ઇન્દ્રિયો, મન અને ચિત્ત પ્રભુમય બની જાય છે. એક–એક ઇન્દ્રિય પ્રભુમય; મન અને ચિત્ત પ્રભુમય.
conscious mind ના level ઉપર તમે પ્રવચન સાંભળો છો. પણ આ શ્રવણ ચિત્તના સ્તરનું, અસ્તિત્વના સ્તરનું કયારે થાય? એક સૂત્રને તમે વારંવાર વારંવાર રટ્યા જ કરો, ઘૂંટ્યા જ કરો, તો ધીમે ધીમે એ conscious mind ના પડલોને વીંધીને અસ્તિત્વના સ્તર સુધી જશે.
સદ્ગુરુ તમારી ધારા પ્રમાણે એક ગ્રંથ તમને આપે જે તમારે વર્ષો સુધી ઘૂંટીને અસ્તિત્વના સ્તરે લઇ જવાનો. તમારો જન્મ બદલાય અને મનુષ્ય તરીકેના તમારા નવા જન્મમાં એ ગ્રંથના શબ્દો કાને પડે ત્યારે તમને જાતિસ્મરણ જ્ઞાન થઈને એ ગ્રંથના માત્ર શબ્દો જ નહિ, તત્કાલીન સાધના પણ સાથે મળી જાય.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૨
પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પરમાત્મા પ્રત્યેનો પરમપ્રેમ જ્યારે ભીતર છલકાય છે, ત્યારે ભાવકની ઇન્દ્રિયો, મન અને ચિત્ત પ્રભુમય બની જાય છે. એક – એક ઇન્દ્રિય પ્રભુમય, મન અને ચિત્ત પ્રભુમય. આજે સાંજે પ્રતિક્રમણમાં સ્નાતસ્યાની સ્તુતિ આપણે બોલીશું, એના પહેલા શ્લોકમાં એક મજાની વિભાવના છે…
પરમતારક દેવાધિદેવ પ્રભુ મહાવીરનો મેરુ અભિષેક થઇ ગયો, એ મેરુ અભિષેક પછી ઇન્દ્રાણી માતા પ્રભુના એ પ્યારા પ્યારા શરીરને લુછી રહ્યા છે, લુછવા માટે એકદમ નજીક આવવાનું થયું, પ્રભુના મુખને જોયું અને ઇન્દ્રાણી માતા પ્રભુના મુખના સંમોહનમાં પડી ગયા, આવું અદ્ભુત રૂપ! એ રૂપને જોતા આંખો અહોભાવના અશ્રુથી ભીની ભીની થઇ ગઈ, મારા ભગવાન તો આવા જ હોય. અને પછી એક મજાની વિધિ થઇ, ભીનાશ છે ઇન્દ્રાણી માં ની આંખોમાં, અને એ ભીનાશ પ્રતિબિંબિત થાય છે પ્રભુના મુખ ઉપર, એટલે ઇન્દ્રાણી માતા પ્રભુના મુખ ઉપર વસ્ત્ર ફેરવાયા કરે છે, અને છતાં એમને લાગ્યા કરે છે કે પ્રભુનું મુખ ભીનું છે, ભીનું છે, ભીનું છે… થયેલું આવું ક્યારેય…? પ્રભુના અંગલુછણા કરતા આવી feelings ક્યારે પણ થયેલી? એક – એક ઇન્દ્રિય પ્રભુમય બની જાય.
એક ઘટના મને યાદ આવે છે. દેરાસરે ગયેલો, પાર્શ્વનાથ પ્રભુ સામે બિરાજમાન હતા. હું મૂર્તિ શબ્દનો ઉપયોગ નથી કરતો, પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ મારી સામે નહોતી, સાક્ષાત્ પાર્શ્વનાથ પ્રભુ જ મારી સામે હતા. ચૈત્યવંદનમાં એક સ્તવના હું ગાતો હતો, પદ્મવિજય મ.સા. રચેલી એ સ્તવના છે, એમાં એક કડી આવે છે, “આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીને. બિલકુલ માં અને બાળકનો મજાનો આયામ પદ્મવિજય મ.સા. એ પકડ્યો છે. એક બાળક માં ની પાસે આવે, માં ના ખોળામાં બેસે ત્યારે માં શું કરે…? પોતાના કોમળ હાથથી એની પીઠ પસવારે… એ જ લય પદ્મવિજય મ.સા. એ પકડ્યો, આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીને – આ કડી બોલતા હું થંભી ગયો, મારી આંખો ભીની થઇ ગઈ, ગળેથી ડૂસકાં શરૂ થયા. હું વારંવાર કહું છું સ્તવના શરૂ થાય શબ્દોથી, પુરી થાય ડૂસકાંમાં બરોબર ને?
“બાળપણે આપણ સસ્નેહી, રમતા નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઈ”, એ સ્તવન તમે ગાતા હોવ, પ્રભુ એક સમય એવો હતો કે આપણે સાથે રમતાં હતા, સાથે જમતા હતા, સાથે બધી જ ક્રિયાઓ કરતા હતા, આજે એવું શું થયું, કે તમે અમારા સંબંધને તોડીને મોક્ષમાં જતાં રહ્યા, પ્રભુ તમે મોક્ષમાં પરમ આનંદમાં અને અમે લોકો પરમ પીડાની અંદર, પ્રભુ આ કેમ ચાલી શકે…? બોલતાં બોલતાં આંખોમાંથી આંસુની ધારા નીકળે, ગળેથી ડૂસકાં ભરાય… મારી આંખોમાં આંસુ આવ્યા, ગળે ડૂસકાં હતા, પ્રભુને મેં કહ્યું કે પ્રભુ! પદ્મવિજય મ.સા. તો મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા, અને એમણે કહ્યું પણ હશે, અને તે સ્વીકાર્યું પણ હશે, તે એમના અસ્તિત્વની પીઠ ઉપર તારો કોમળ કોમળ હાથ પસરાવ્યો પણ હશે. પણ મારું શું…? શું તું મારી પીઠ ઉપર હાથ પસરાવીશ? આંખમાં આંસુ, ગળે ડૂસકાં અને આ પ્રાર્થનાનો બોલ પ્રભુની કોર્ટમાં ફેંકી અને હું દેરાસરમાંથી નીકળ્યો, ઉપાશ્રય ગયો, મારા આસન પર બેઠો, ઈરિયાવહિયા કર્યા, એ વખતે આચારાંગજી નો મારો સ્વાધ્યાય ચાલતો હતો.
આપણા ૧૧ અંગોમાં પહેલું અંગ ગ્રંથ આચારાંગજી. મેં લગાતાર ૩૦ થી ૩૫ વર્ષ સુધી આચારાંગજી નો સ્વાધ્યાય દર વર્ષે કર્યો. દર વર્ષે એક થી દોઢ મહિનો માત્ર અને માત્ર આચારાંગજીના સ્વાધ્યાયમાં જાય. તો ૩૦ થી ૩૫ વર્ષ સુધી આ લય ચાલ્યો, પછી જયારે ધ્યાનની ધારા પકડાઈ. પછી ધ્યાનની ધારામાં વહેવાનું થયું, પણ લગભગ ૩૫ વર્ષ સુધી એવું એક પણ વર્ષ નથી ગયું જ્યારે આચારાંગજી નો સ્વાધ્યાય ન થયો હોય, આ એટલા માટે હતું કે આચારાંગજીને મારે ચિત્તના સ્તર પર ઉતરવા હતા.
મન અને ચિત્ત conscious mind ના લેવલ ઉપર તો તમે અત્યારે સાંભળી રહ્યા છો, પણ આ શ્રવણ ચિત્તના સ્તરનું ક્યારે થાય? અસ્તિત્વના સ્તરનું કયારે થાય? જ્યારે ઘૂંટાય… એક સૂત્રને તમે વારંવાર વારંવાર વારંવાર રટ્યા જ કરો, ઘૂંટ્યા જ કરો, તો ધીમે ધીમે એ conscious mind ના પડલોને વીંધીને અસ્તિત્વના સ્તર સુધી જશે. અને એટલે જ આપણે પેલી સ્તવનાની કડી જોયેલી, “ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નીરખવા” ઇન્દ્રિય, મન અને ચિત્ત ત્રણેયને પ્રભુમય બનાવવા હતા…
તો તમે પણ આ પ્રયોગ કરી શકો. વજ્રકુમારની વાત કરી હતી મેં, વજ્રસ્વામીના પૂર્વ જન્મની, ૫૦૦ વર્ષોનું દેવનું આયુષ્ય બાકી હતું, અને ગૌતમ સ્વામી ભગવાને જે સૂત્ર એમને આપ્યું, પુંડરીક કંડરિક અધ્યયન. એનો રોજ ૫૦૦ વાર એ સ્વાધ્યાય કરતા. એટલે શું થયું, એ સૂત્ર અસ્તિત્વના સ્તર ઉપર પહોંચીએ ગયું. એ સૂત્રમાં માત્ર દીક્ષાનું માહાત્મય હતું, એટલે દીક્ષા.. દીક્ષા.. અસ્તિત્વના સ્તર સુધી એ નાદ પહોંચી ગયો. અને એટલે જ પારણામાં વજ્રકુમાર રમે છે, પિતાએ દીક્ષા લઇ લીધેલી છે, ત્યારે પેલી દાસી કહે છે; કે આ છોકરાનો પિતા અત્યારે હોત, તો અત્યારે કેવા તો ઓચ્છવો અને મહોત્સવો થતાં હોત, પુત્ર જન્મનાં… અને એક – એક વર્ષ એનું પૂરું થાય, અને વાર્ષિક મહોત્સવો ઉજવાતા હોત, પણ એના પિતાએ તો દીક્ષા લઇ લીધી છે, આ દીક્ષા શબ્દ સાંભળ્યો, ફટ કરતું જાતિસ્મરણ જ્ઞાન.
હું ઘણીવાર કહું છું, એક ગ્રંથ તમારી પાસે અસ્તિત્વના સ્તરનો જોઈએ. સદ્ગુરુ તમારી ધારા પ્રમાણે એક ગ્રંથ તમને આપે જે તમારે સતત ઘૂંટવાનો હોય, ધારો કે ગુરુદેવે તમને પંચસૂત્ર આપ્યું, કે જ્ઞાનસાર આપ્યું, તમે ૫૦ એક વર્ષ સુધી એ ગ્રંથને ઘૂંટો છો, હવે શું થાય છે, જન્મ બદલાયો, તમે બીજા જન્મમાં ગયા, મનુષ્ય તરીકે કદાચ ઉત્પન્ન થયા, થોડાક સમજણા થયા, અને એ ગ્રંથના શબ્દો તમારા કાન ઉપર પડશે, તરત જ તમને ઊહાપોહ થશે, અરે આ! તરત જ જાતિસ્મરણ જ્ઞાન થશે. જાતિસ્મરણ જ્ઞાન થાય એટલે એ ગ્રંથ તો આખો ને આખો યાદ આવી જાય, એ તો બરોબર. પણ બહુ મોટી વાત બીજી એક તમને મળે છે, ૪૦ વર્ષ સુધી કે ૫૦ વર્ષ સુધી એ ગ્રંથને તમે ઘૂંટ્યો છે, એ વખતે તમારી સાધના પણ ચાલુ હતી. તો તમારી તત્કાલીન સાધનાનું પ્રતિબિંબ એ ગ્રંથના શબ્દોમાં પડેલું છે, એટલે ગ્રંથના શબ્દો અને તત્કાલીન સાધના આ બેઉ એક થઇ ગયા, એટલે બીજા જન્મમાં તમને એ ગ્રંથ તો મળે, પણ એની સાથે ગયા જન્મની ૪૦ વર્ષની બેઠી સાધના તમને આ જન્મમાં મળે છે. એટલે એક ગ્રંથ તમારી પાસે આવો હોવો જ જોઈએ. તમારે સદ્ગુરુને પૂછવાનું અને સદ્ગુરુને પૂછીને એક ગ્રંથને અસ્તિત્વના સ્તર ઉપર ઘૂંટવાનો.
તો મારો એક પ્રયોગ ચાલતો હતો, આચારાંગજીને ઘૂંટવાનો, તો એ સમયે મારો આચારાંગજીનો સ્વાધ્યાય ચાલુ હતો, હું ઈરિયાવહિયા કરીને આસન પર બેઠો, એમ ને એમ જ પાનું ખોલ્યું, અને ડાબા હાથે પહેલું જે સૂત્ર વાંચ્યું, હું નાચી ઉઠ્યો, કે અરે વાહ! પ્રભુએ તો મને શબ્દ આપી દીધો છે, પ્રભુએ મને સ્પર્શ આપી દીધો છે, મને તો ખ્યાલ પણ નથી. મેં તો પ્રભુની કોર્ટમાં બોલ ફેંક્યો પ્રાર્થનાનો કે પ્રભુ તારો કોમળ હાથ તું મારા અસ્તિત્વની પીઠ ઉપર પસવારીશ કે નહિ…? પણ પ્રભુનો હાથ તો ફરી રહ્યો છે મારી પીઠ ઉપર.
એક પ્યારું સૂત્ર હતું, “अणाणाए एगे सोवठ्ठाणा, आणाए एगे णिरूठ्ठाणा। एवं ते मा होउ।” સૂત્રના બે ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ સમુહને આશ્રય લે છે, ઉત્તરાર્ધ personally for us છે. પૂર્વાર્ધમાં પ્રભુએ કહ્યું કેટલાક સાધકો આજ્ઞાપાલનના સ્તર ઉપર આવ્યા પછી પણ આજ્ઞાપાલનમાં નિરુત્સાહી હોય છે. કેટલાક સાધકો અનાજ્ઞા પાલનમાં ઉત્સાહી હોય છે. કેટલાક આજ્ઞાપાલનમાં નિરુત્સાહી હોય છે, અને કેટલાક તો આજ્ઞાનું નિરાધાન કરતાં હોય છે, આ સૂત્ર પ્રભુએ માસ માટે આપ્યું, સમૂહ માટે… પણ એ પછી ઉત્તરાર્ધ, personally for us, personally for me, પ્રભુએ કહ્યું, એતં તે મા હોતું . પણ આ તો બધાની વાત છે, તારી વાત નથી, not for you. એટલે કે તું તો આજ્ઞાપાલનમાં ઉત્સાહી છે જ, અને તું આજ્ઞાના વિરાધનમાં ક્યારે પણ જવાનો નથી. તારા માટે આવું નથી. હું તો નાચી ઉઠ્યો, વાહ! આ પ્રભુનો શબ્દ સ્પર્શ.
જાણે કે પ્રભુ કહી રહ્યા હતા, you are my beloved one, my child. મારા દીકરા તું મારો પ્રીતિપાત્ર છે, you are my beloved one, my child. આપણે પ્રભુના પ્રીતિપાત્ર હોઈએ, એથી વધારે શું જોઈએ… આપણે દિવસોથી કહીએ છીએ કે પ્રભુનો પરમ પ્રેમ મારે જોઈએ, જોઈએ, જોઈએ… પણ એ પ્રભુએ તમને કેટલા ચાહ્યા તમને ખ્યાલ છે? આપણે તો ચાહીશું ત્યારે… પ્રભુએ આપણને કેટલા ચાહ્યા…! બેહદ…. અસીમ….. આપણે નરક અને નિગોદમાં હતા, પરમ ચેતના એટલે શું આપણને ખ્યાલ નહોતો, એ વખતે એની કરુણા, એનો પ્રેમ આપણને મળ્યો.
Tolstoy રશિયાના પ્રખ્યાત નવલકથાકાર, એમને લખેલી એક સરસ કથા છે, કે એક માં એને બે દીકરા, એક ૬ વર્ષનો, એક ૮ વર્ષનો. એકવાર આઠ વર્ષના દીકરાએ માં ને કહ્યું કે માં તારો પ્રેમ તો અમારા ઉપર ઘણો છે… માં ના પ્રેમની કોઈ તુલના થઇ શકે નહિ, પણ આજે મારે તને કહેવું છે, કે તારો અમારા બે ઉપરનો જે પ્રેમ છે, એના કરતાં અમારા બે નો તારા પરનો પ્રેમ superior છે, માં હસવા લાગી, માં એ પૂછ્યું શી રીતે? એને કહ્યું ગણિત તો સાફ સાફ છે, તારે બે દીકરા, તારો પ્રેમ અડધો અડધો વહેંચાઇ જાય અમારા બે વચ્ચે. અમારે માં એક તું છે અમારો બધો પ્રેમ તને મળે. Tolstoy ની કથા તો અહીંયા પુરી થાય છે, પણ એ કથાને આપણે આગળ વધારીએ, એ માં ને બે દીકરા હતા, આપણી પ્રભુ માં ને કેટલા દીકરા? અગણિત… અને છતાં એક – એક બાળકની એ માં personal care કરી રહી છે. personal care…
અને એટલે જ વિતરાગસ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ કહ્યું કે પ્રભુ! હું અહીંયા આવ્યો છું, સત્વની ધારા ઉપર, સાધનાની પગથારા ઉપર, એ માત્ર ને માત્ર તારા કારણે. એક તારો પ્રેમ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો છે, તો આ પ્રભુ કેટલો પ્રેમ આપણા ઉપર વહાવે છે!
આનંદધનજી ભગવંતને એક ભાવકે પૂછેલું; કે ગુરુદેવ! અમે તો પ્રભુને ચાહીએ જ છીએ, બેહદ. પણ પ્રભુ અમને ચાહે છે ખરા? કારણ કે એના મનમાં એમ કે પ્રભુ તો વિતરાગ છે. વિતરાગ અને પ્રેમ બે સાથે કેમ બને…? એટલે એને આનંદધનજી ભગવંતને પૂછ્યું કે પ્રભુ અમને ચાહે છે? આનંદધનજી ભગવંતે કહ્યું કે હા, પ્રભુ તને ચાહે છે. પેલો મનમાં થોડો શંકાવાળો છે, પ્રભુ તો વિતરાગ છે, એ કઈ રીતે ચાહે…? આપણે ત્યાં એક ખોટી સમજ આવી ગઈ. પ્રભુને વિતરાગ તો આપણે માન્યા પણ એની સાથે નિષ્ક્રિય માની લીધા, અરે! પરમ ચેતના તો પરમ સક્રિય છે, અત્યારે કોણ કામ કરી રહ્યું છે? પ્રભુ મહાવીરનું આર્હન્ત્ય. આપણે ક્યાં છીએ? પ્રભુ મહાવીરદેવના શાસનમાં, કોઈ પણ શાસન શું કરે? ગવર્મેન્ટ શું કરે, તમે એના કાનૂનોને પાળો તો તમને સુરક્ષા આપે, તમે એના કાનૂનોનો ભંગ કરો તો તમને સજા કરે, આ જ પ્રભુનું શાસન અત્યારે ચાલી રહ્યું છે, તમે આજ્ઞાનું વિરાધન કરો, દુર્ગતિ તમારા માટે છે, આજ્ઞાનું આરાધન તમે કરો તો સદ્ગતિ તમારી સામે છે.
તો પ્રભુ વિતરાગ થઇ ગયા, તો પ્રભુની જે શક્તિ છે, આજ્ઞાશક્તિ, એ આજ્ઞાશક્તિ પુરા બ્રહ્માંડની અંદર અત્યારે ઘુમરાઈ રહી છે. દેવચંદ્રજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે પ્રભુ ચેતના તત્વો નહિ, જડ તત્વો પણ તારી આજ્ઞામાં છે. ધર્માંસ્તિકાય, અધર્માંસ્તિકાય કેમ નથી બનતું, તે કહેલું છે છ પદાર્થો છે, છ તત્વો છે તો પાંચ થવાના જ નથી. એ બે ભેગા પણ ન થાય. કે ઉલટ – સુલત પણ ન થાય, કારણ તારી આજ્ઞા છે, તો જડ તત્વ પણ પ્રભુ તારી આજ્ઞામાં છે.
તો આનંદધનજી ભગવંતે કહ્યું; પ્રભુ તને ચાહે છે. પેલાએ કહ્યું સાહેબ! એનો પુરાવો શું? ત્યારે એમણે પોતાના ૧૫માં સ્તવનની એક કડી ગાઈ બતાવી, “દોડત દોડત દોડીયો, જેતી મનની રે દોડ, પ્રેમ પ્રતિત વિચારો ઢુકડી” કેટલા સ્પષ્ટ શબ્દો આપ્યા છે. પ્રેમ પ્રતિત વિચારો ઢુકડી – ઢુકડી દેશ્ય ગુજરાતી ભાષાનો શબ્દ છે. ઢુકડી એટલે નજીક. પ્રભુના પ્રેમની પ્રતીતિ બિલકુલ નજીક છે, કઈ રીતે નજીક છે? તો કહે કે સાધનામાર્ગમાં તમે જે ચાલી રહ્યા છો, એ ચાલવાનો માત્ર એની કૃપાને કારણે, માત્ર એના પ્રેમના કારણે, એને શાસન મુક્યું, પ્રભુ એ શાસન સ્થાપ્યું, એ શાસન આપણને મળ્યું, આજે આપણી પાસે જે કાંઈ પણ છે એ શાસનને કારણે છે,
હું ઘણીવાર કહેતો હોઉં છું, કે પ્રભુનું શાસન મળ્યું અને શું મળ્યું એ તમારે વિચારવું હોય ને તો એક ક્ષણ વિચારો, આ પ્રભુનું શાસન મને ન મળ્યું હોત તો હું શું કરત? પછી તમે માત્ર ને માત્ર પૈસાની પાછળ દોડતા મશીનો હોત, માણસો ન હોત. તમારું એક જ ધ્યેય હોત, વધુ ને વધુ સંપત્તિ ભેગી કરીને નાખવી. આ પ્રભુનું શાસન મળ્યું, ત્યાગની વાતો સાંભળવા મળી, આ બધી વાતો સાંભળવા મળશે… લોકો શું કહે ૨૧મી માં ચાલો, ૨૨મી માં ચાલો, ૨૩મી માં ચાલો. અમે કહીએ છીએ પાછા આવો, તો આ પ્રભુનું શાસન આપણને મળ્યું છે, એ શાસન મળ્યું આપણે ન્યાલ થઇ ગયા. તમારી પાસે જે અદ્ભુત શ્રદ્ધા છે, ભક્તિ છે, સમર્પણ છે, એ બધાનું કારણ આ શાસન છે. ગળથુંથીમાંથી એક શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણની સરવાણી આપણને મળી ગઈ છે. highly એજ્યુકેટેડ માણસ હશે, કદાચ ઉપાશ્રય ક્યારેય આવતો નહિ હોય, એના મનમાં પણ એટલી શ્રદ્ધા જરૂર છે, મુનિરાજને જોશે ઝુકી પડશે.
તો પ્રભુએ કેટલો પ્રેમ આપણને આપ્યો છે! આપણે તો હવે આ જન્મમાં શરૂઆત કરવી છે, એને પરમ પ્રેમ કરવો છે, પણ એને તો પરમ પ્રેમ અનંતા જન્મોથી આપણને કરેલો છે. તો મેં પેલું સૂત્ર વાંચ્યું,” એતં તે મા હોતુ.” બેટા! આ તો બીજા બધાની વાત છે, તારી વાત નથી હો… ઉછળી પડ્યો હું, વાહ! મારા ભગવાન મારા માટે એમ કહે, કે તું મારો પ્રીતિ પાત્ર છે, આ તો સુખની અવધિ ન આવી ગઈ…? પ્રભુ એમ કહી દે કે તું મારો પ્રીતિપાત્ર છે તો આનંદની એક અવધિ ન આવી ગઈ? તો મેં પ્રભુને કહ્યું પ્રભુ! હું કેટલો અનજાન હતો, તારો સ્પર્શ મને મળેલો જ હતો, મને ખબર નહોતી, આજે તે મને ખબર આપી, કે તું માને કેટલો ચાહી રહ્યો છે, અને મારા અસ્તિત્વની પીઠ ઉપર તારા આ પ્રેમનો હાથ સતત પસરાયા કરે છે. એક – એક ઇન્દ્રિયને પ્રભુમય બનાવવી છે.
વિનોબાજી બહુ જ મોટા પ્રભુ ભક્ત. એકવાર એ મહારાષ્ટ્રમાં આવેલા, એમના પવનાર ના આશ્રમમાં બેઠેલા. સાંજનો સમય, electricity આશ્રમમાં નહોતી, તો એક કર્મચારી, સેવક, એક દીવો પ્રગટાવી ગયેલો, અને એક યુરોપિયન વિદ્વાન પ્રોફેસર વિનોબાજી પાસે આવ્યા. વિનોબાજી એટલી મોટી વિભૂતિ હતી જ્ઞાનના ક્ષેત્રે પણ, દેશ – વિદેશથી લોકો – સાધકો એમને મળવા આવતાં, એ પ્રોફેસર વિનોબાની જોડે બેઠા. અને પ્રોફેસરે પૂછ્યું કે પ્રભુમાં તમે માનો છો? વિનોબાજી હસ્યા, એમણે કહ્યું માનવાની કોઈ વાત નથી, ઈશ્વરના અનુભવમાં જ હોઉં છું. I have experienced him. મેં પ્રભુનો અનુભવ કર્યો છે. પછી એમણે પેલા પ્રોફેસરને કહ્યું; કે અત્યારે આપણે દીવાના પ્રકાશમાં બેઠેલા છે, પ્રકાશનો અનુભવ આપણી ઇન્દ્રિયોને થાય છે, છતાં બૌદ્ધ philosophy નો સહારો હું લઉં તો હું કહી શકું કે દીવો નથી.. કારણ કે બૌદ્ધ philosophy કહે છે, દરેક વસ્તુ એક એક ક્ષણે નષ્ટ પામે છે. દીવો છે છે ને નથી. એટલે જે દીવાના પ્રકાશમાં આપણે બેઠા છીએ, એ નથી એવું માનવું પડે તો પણ મને વાંધો નથી. પણ ઈશ્વર તો છે જ કારણ કે મેં એને અનુભવ્યો છે.
એ ઈશ્વરના એમના અનુભવની એક ઘટના યાદ આવે, એ ભૂ દાન યાત્રામાં એક ગામમાં ગયેલા, ત્યાં આશ્રમ હતો. આશ્રમમાં રોકાયા. આશ્રમના સત્તાવાળાઓએ વિનોબાજીને વિનંતી કરી કે આવતી કાલે અમારો એક કાર્યક્રમ છે, અહીનું બહુ મોટું મંદિર છે, પ્રસિદ્ધ મંદિર, હિંદુ મંદિર, આસ્થાનું સ્થાન છે, હરિજનોને અત્યાર સુધી ત્યાં દર્શન માટે જવાનો અવસર મળ્યો નથી. પણ અમે લોકોએ મહેનત કરી, ટ્રસ્ટીઓએ હા પણ પાડી છે, અને આવતી કાલે એ હરિજનોને મંદિરમાં દર્શન કરવા માટે લઇ જવાના છે, સેંકડો હરિજનો પહેલી વાર પ્રભુનું દર્શન કરશે, આપ એમાં હાજર હોવ તો અમને આનંદ રહેશે. આપનો આવતી કાલનો પ્રોગ્રામ આગળ જવાનો છે, પણ કાલે સવારે આપ અહીં રોકાવો તો અમને આનંદ થશે.
વિનોબાજીએ કહ્યું એ તો બરાબર, હું તો રોકાઈ જાઉં પણ ખરેખર ટ્રસ્ટીઓની હા છે…? હું એકદમ નીરાગ્રહશીલ માણસ છું, ભગવાન તો બધે જ છે. કોઈની ના ઉપર કે સંઘર્ષ ઉપર દર્શન કરવા જવામાં હું માનતો નથી. અને ખરેખર ટ્રસ્ટીઓની સંમતિ છે? ત્યારે એમણે કહ્યું હા, ટ્રસ્ટીઓની સંમતિ છે. હકીકતમાં સત્તાવાળાઓ થોડું જુઠું બોલેલા, ૧૦ ટ્રસ્ટીઓ હતા અને ૧૧ ટ્રસ્ટી હતા, પાંચ ટ્રસ્ટીઓની હા હતી, છ ટ્રસ્ટીઓ હા પાડી નહોતી. પણ એમને બોગમ ચલાવ્યું કે ટ્રસ્ટીઓની હા આવી ગઈ. બીજી સવારે હજારો હરિજનો… આગળ વિનોબાજી.. આશ્રમથી સરકસ શરૂ થયું, મંદિર તરફ અને જે છ ટ્રસ્ટીઓને ગમતું નહોતું આ.. એ ના, અમારા મંદિરમાં હરિજનો ને પ્રવેશ ન જોઈએ. એ લોકોએ ગુંડાઓ રાખેલા. જ્યાં સરકસ નજીક આવ્યું ગુંડાઓ તૂટી પડ્યા, વિનોબાજી સૌથી આગળ, વિનોબાજી ને સીધી એક લાકડી લાગી, વિનોબાનું શરીર એકદમ સુક્લાક્ડું, લાકડી જેવી લાગી તરત એ બેભાન થઇ ગયા. સારું થયું એક – બે જણાએ પકડી લીધા નહિ તો રોડ ઉપર પડી જાત, બેભાન થઇ ગયેલા, સરઘસ તો આખું વિખેરાઈ ગયું આમેય, સ્ટ્રેચરમાં સુવડાવી વિનોબાજીને આશ્રમમાં લાવ્યા, પાટા – પિંડી કરી.
વિનોબાજી ભાનમાં આવ્યા, ભાનમાં આવ્યા ત્યારે વિનોબાજીએ સૌથી પહેલું વાક્ય શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે આપણે તો પ્રભુના દર્શન માટે જતાં હતા, પ્રભુએ સામે ચાલીને સ્પર્શ આપ્યો! આપણે તો પ્રભુના દર્શન માટે જતાં હતા, પ્રભુએ સામે ચાલીને સ્પર્શ આપ્યો. એ ગુંડાની લાકડી પડી, અને એ વખતે પણ એટલો જ સમભાવ, એ ગુંડામાં પણ એને પ્રભુ દેખાયા, અને એ પ્રભુનો સ્પર્શ મને મળ્યો. આપણને તો ગળથુંથીમાંથી આ વાત મળી છે, નમો સિદ્ધાણં. આ બધા જ ભવિષ્યના સિદ્ધાત્માઓ છે. તમને પણ ખબર નથી, મને પણ ખબર નથી કે આ અભવિનો આત્મા છે, આપણે તો બધાને ભવિ માનીએ, તો બધા મોક્ષમાં જવાના છે, બધા જ ભવિષ્યના સિદ્ધો છે. ભવિષ્યના સિદ્ધો પ્રત્યે તમારી લાગણી કઈ હોય, બોલો…?
એક જગ્યાએ મહોત્સવ હતો, બહારગામથી પણ એમની જ્ઞાતિના ઘણા બધા લોકોને આમંત્રિત કરેલા, પણ ધર્મશાળા એટલો મોટી નહોતી, થોડા હોલો હતા. એક હોલ ભાઈઓ માટે, એક હોલ બહેનો માટે. બહેનો એક હોલમાં હતી, ૩૦ – ૩૫… સવારનો પ્રોગ્રામ પતી ગયો, ૧૨ વાગ્યા સુધી, ઉપર જમણવાર કર્યો, બહેનો થોડી આરામ કરે છે, એ વખતે ૨૦ એક વર્ષની એક દીકરી એને આ બારણેથી પેલા બારણાં સુધી જવું છે, પેલી સાઈડમાં જવું છે. બધી બહેનો આમ સુતેલી, કોક આમ સુતેલું કોક આમ સુતેલું… એ સાચવી સાચવીને ચાલે છે, છતાં એક બહેનને સહેજ પગ touch થઇ ગયો, એ બહેન એકદમ ગુસ્સે થઇ ગઈ, આંખો છે કે નહિ? જુએ છે કે નહિ? પગને પાટું મારે…! અરે પાટું ક્યાં…! ખાલી પગ touch થઇ ગયો હતો….. પેલી દીકરી બે હાથ જોડીને માફી માંગે છે, કે aunty મારી ભૂલ થઇ ગઈ, હું સાચવીને ચાલવા જતી હતી પણ મારી ભૂલ થઇ ગઈ હું મિચ્છામિ દુક્કડમ્ માંગું છું. તો પણ પેલીનો ગુસ્સો ઉતરે નહિ.
પેલી દીકરી તો ગઈ પછી, એ પછી એ બહેનની પાડોશણે કહ્યું કે તને ખ્યાલ છે આ દીકરી કોણ હતી એ…? તું ઓળખે છે? તો કહે ના હું ઓળખતી નથી. તો કહે કે જો હું તને કહું કે એ દીક્ષાર્થી દીકરી છે, દીક્ષાનું મુહુર્ત એનું નીકળી ગયું છે અને આ વૈશાખ સુદમાં એની દીક્ષા છે. પેલી બહેનને એટલો અફસોસ થયો. અરે! દીક્ષાર્થી દીકરી હતી, અને મેં એને આટલું કહ્યું! ના, ના, ના, આ તો બહુ ખોટું થઇ ગયું, ભવિષ્યની સાધ્વી થનારી ને… અત્યારે ભલે દીકરી છે. ભવિષ્યમાં સાધ્વીજી બનવાની છે. એ સાધ્વીજી તો આપણા પરમ પૂજનીય ગણાય… તો એ દીકરીની મેં આશાતના કરી…! ભવિષ્યની સાધ્વીજીની આશાતના કરી. બહેન કહે છે હવે એની માફી ન માંગું ત્યાં સુધી જંપ ન થાય. આ બનેલી ઘટના છે. એ બહેનને પેલી દીકરીને શોધી, અને ૫૦ વર્ષની બેન એ ૨૦ વર્ષની દીકરીના પગમાં પડી, ધ્રુસકે ધ્રુસકે રડે છે, કે મને ખ્યાલ નહિ કે બેટા! તું સાધ્વીજી બનવાની છે, મને માફ કરી દે બેટા… મેં બહુ મોટી ભૂલ કરી. સાધુ અને સાધ્વી તો અમારા માટે તો શ્રેષ્ઠ આદર્શ. તું પ્રભુની સાધ્વી બનવા જાય છે. તું ચંદનાજી બનવા જઈ રહી છે, મેં તારી આશાતના કરી!
ભવિષ્યમાં સાધ્વીજી થવાની છે, એની આશાતના થઇ એનું એને દર્દ થાય છે, ભવિષ્યના સિદ્ધ પરમાત્મા એની આશાતના થાય તો શું થાય, બોલો…? એ બહેનનો એંગલ કેટલો મજાનો હતો… સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવતીઓ પરમ પૂજનીય. ખરેખર જૈન સંઘોની પાસે જે હૃદયની ભક્તિ છે આ ચાદર પરની, એવી ભક્તિ દુનિયામાં ક્યાંય નહિ મળે.
સ્વામી સચ્ચિદાનંદજી આજના યુગના બહુ સારા ચિંતક ગણાય, એમનું એક પુસ્તક છે મારા અનુભવો, એમાં એમણે પોતાના જીવનની કથા લખી છે. ૨૧ વર્ષની વયે એમને વૈરાગ્ય થયો, સંન્યાસી બની ગયા, પછી એકદમ અંદર ઉતરવું હતું, તો ગુરુની આજ્ઞાથી નાનકડા ગામોમાં ક્યાંક રહે. માથે ગુરુ મંદિર છે, નાનકડી ધર્મશાળા છે, કશું જ કરવું નથી એમને, માત્ર ભીતર ઉતરવું છે. એ વખતની વાતો લખતાં એ કહે છે, એક સમય હું ભોજન લેતો એ વખતે. પણ એક સમયનું ભોજન પણ રોજ મને મળી જાય એ નક્કી નહોતું. અને એની સામે એ નોંધે છે કે જૈન સંઘો જૈન સાધુઓ અને જૈન સાધ્વીજીઓની VVIP treatment કરે છે. જૈનોનું એક પણ ઘર ન હોય, અને ત્યાં પણ એમનું દેરાસર હોય, ઉપાશ્રય હોય, અને ખાવા – પીવાની સંપૂર્ણ સુવિધા જૈન સંઘો એમના માટે રાખે છે. એટલે જૈન સંઘો જૈન સાધુઓ અને જૈન સાધ્વીજીઓની VVIP treatment કરે છે.હું ઘણીવાર આ લોકોને કહું, આપને પણ કહું, કે શ્રી સંઘો કેટલી VVIP treatment તમારી કરે છે. તમારે તમારા શરીર માટે જે પણ જોઈએ છે, આહાર અને વસ્ત્રથી માંડીને, દવા સુધી બધું જ શ્રી સંઘ ભાવથી તમને આપે છે, પછી હું એ લોકોને કહું છું કે શ્રી સંઘોની જે VVIP treatment છે એનો અનુવાદ સઘન સાધનામાં કરવાનો. ૨૪ કલાક સાધનાની ધૂણી ધખાવીને બેસી જાવ, એક મિનિટ તમારી ફાજલ પડવી ન જોઈએ.
“જ્ઞાન, ધ્યાન, ક્રિયા, સાધનતા, કાલે પૂર્વ ન કોડી” પૂર્વ કોટિ વર્ષનું સંયમ આનંદ જ આનંદ. પદ્મવિજય મ.સા. પૂજામાં લખે, જ્ઞાન, ધ્યાન, ક્રિયા, સાધનતા – પ્રભુએ કેટલા મજાના યોગો અમને આપ્યા, સ્વાધ્યાય, ભક્તિ, વૈયાવચ્ચ, એક પછી એક યોગ ચાલ્યા જ કરે, જલસો છે હો અમને તો… પ્રભુએ એવું સંયમ અમને આપ્યું છે, જેમાં અમે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો આશ્રવ એક ક્ષણનો નથી. માત્ર સંવર અને નિર્જરા પ્રતિક્ષણ છે. એક સાધુ પ્રભુની આજ્ઞા પ્રમાણે એકાસણું કરશે કે આયંબિલ કરશે… અને શરીરને જોઈએ છે માટે આપી દઉં.. એ બુદ્ધિથી આહાર લેશે, તો આહાર લેવાની ક્ષણો એ પણ એની નિર્જરા ક્ષણ થશે. શું મજાની life style પ્રભુએ અમને આપી છે, એટલે કહું છું અમારી ઈર્ષ્યા આવે છે કેટલી? જવાહરનગરની દીકરી અને એનું મુહુર્ત ઉદ્ઘોષિત થયું, એ વખતે તમને શું થયું? અમારું મુહુર્ત ક્યારે નીકળશે એમ…!
તો ઇન્દ્રિયો, મન અને ચિત્ત એને પ્રભુમય બનાવજો…