વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ચિત્તમેં શ્રુત ઐસે બસે
પ્રભુનો પરમપ્રેમ અસ્તિત્વના સ્તરે જ્યારે છલકાય છે, ત્યારે ઇન્દ્રિયો, મન અને ચિત્ત બધું જ પ્રભુમય બની જાય છે. ચિત્તની અંદર પ્રભુના શબ્દો એ રીતે એકાકાર બની જાય છે જૈસે જલ મીના રે. ૨૪ કલાક પ્રભુના એ પ્યારા પ્યારા શબ્દોનું અનુપ્રેક્ષણ થયા કરે છે.
આપણે ત્યાં સ્વાધ્યાયનો ક્રમ બહુ મજાનો છે: શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ. જો તમે આ proper ક્રમથી સ્વાધ્યાય કરો, તો તમારા ચિત્તમાં, તમારા અસ્તિત્વમાં પ્રભુના શબ્દો ફેલાઈ જાય. પહેલા શબ્દો, પછી અર્થની અનુપ્રેક્ષા અને એ પછી અનુભૂતિ.
જ્ઞાન થોડું હોય તો પણ ચાલશે પણ એ પરિપક્વ થયેલું હોવું જોઈએ. એક અહોભાવ તમારી પાસે હોય, ભીનાશની ધારા હોય, એ ધારા ઉપર પ્રભુના શબ્દો સાંભળો. પછી ભલે હજારો શબ્દોમાંથી થોડાંક જ શબ્દો યાદ રહે, એ થોડાંક શબ્દો પણ તમારી અંદર જઈને તમને પૂરેપૂરા બદલી નાંખશે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૩
પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુનો પરમ પ્રેમ અસ્તિત્વના સ્તરે જ્યારે છલકાય છે ત્યારે ઇન્દ્રિયો, મન અને ચિત્ત બધું જ પ્રભુમય બની જાય છે. ચિત્ત પ્રભુમય બને ત્યારે ભાવકની ભાવદશા કેવી હોય એનું વર્ણન સંત કબીરજીએ કર્યું. “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” ચિત્તની અંદર પ્રભુના શબ્દો, એ રીતે એકાકાર બની જાય છે કે ૨૪ કલાક એ પ્રભુના પ્યારા પ્યારા શબ્દોનું અનુપ્રેક્ષણ થયા કરે છે.
આપણે ત્યાં સ્વાધ્યાયનો ક્રમ બહુ મજાનો છે: શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને અનુભૂતિ. જો તમે આ proper ક્રમથી સ્વાધ્યાય કરો તો તમારા ચિત્તમાં, તમારા અસ્તિત્વમાં પ્રભુના શબ્દો ફેલાઈ જાય. પહેલા શબ્દાનુપ્રેક્ષા એ પછી અર્થાનુપ્રેક્ષા, અને એ પછી અનુભૂતિ.
એક નાનકડું example આજે બતાવું: મહોપાધ્યાય યશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં ૪૫ આગમ ગ્રંથોનો સાર અડધી કડીમાં ગુજરાતી ભાષામાં આપ્યો. “આગમ નોઆગમ તણો ભાવ તે જાણો સાચો રે, આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” ૪૫ આગમ ગ્રંથોનો સાર અને પુરી સાધના પદ્ધતિનો નિચોડ ગુજરાતી ભાષમાં માત્ર અડધી કડીમાં. “આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે” હવે પહેલી સાધના આવશે શબ્દાનુપ્રેક્ષા. તો શબ્દમાં તમે થોડા આગળ વધો, બે સાધના અપાઈ છે, આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં જવું નહિ, હવે એના પછી અર્થાનુપ્રેક્ષા ચાલુ થશે, કે બે સાધના છે: એમાં સાધ્ય શું અને સાધન શું… ખ્યાલ આવે કે પરભાવને છોડવો એ સાધન છે અને જેમ જેમ પરભાવ છૂટતો જાય, તેમ તેમ આત્મભાવમાં આપણે સ્થિર થતાં જઈએ. આ અર્થાનુપ્રેક્ષા.
હવે નક્કી કરીએ કે પરભાવની અંદર ક્યાં ક્યાં જઈએ છીએ. આજે રાત્રે બેસી જાવ… આજે વહેલી સવારે ઉઠ્યા, અને રાત્રે સુવા માટે તૈયાર થયા છો, એ વખતે note – pen લઈને બેસી જાવ. આજે દિવસ દરમિયાન રાગમાં – દ્વેષમાં – અહંકારમાં કેટલી વાર ગયેલા એ જોઈ લો… પછી એમાંથી division પાડો કે ખરેખર જરૂરી હતું? અને તમે પરભાવમાં ગયેલા, કે અનાદિની સંજ્ઞાને વશ તમે ગયેલા. તમને લાગે કે ખરેખર પરભાવમાં જવાની જરૂર હતો જ નહિ. હું ઘણીવાર કહું આજનો યુગ છે ને આમ પણ લાલ આંખવાળા નો રહ્યો નથી. એ યુગ હતો, ૭૦ વર્ષનો બાપ ૫૦ વર્ષના એના દીકરા સામે લાલ આંખ કરે અને ૫૦ વર્ષના એ દીકરાને પરસેવો થઇ જાય… એક યુગ હતો એ લાલ આંખવાળાઓનો… આજે એ યુગ સમાપ્ત થઇ ગયો છે. હવે હસતાં ચહેરાવાળાઓનો યુગ આવ્યો… તમારા દીકરાને પણ તમે ગરમ થઈને કહેશો, આજે નહિ ચાલે… તમારે એને પ્રેમથી જ કહેવાનું છે,
એક મજાની ઘટના વચ્ચે યાદ આવી ગઈ, રાજસ્થાનમાં એક ગામમાં મારે જવાનું થયું, મારા માટે એ ગામ એકદમ નવું હતું. હું પહેલી જ વાર હું જતો હતો. એ ગામમાં સંઘમાં dispute પડેલો, એટલે સંઘવાળાની ઈચ્છા કે સાહેબ આવે અને અમારો ઝઘડો નીકળી જાય. સાંજે હું ત્યાં ગયો, મંગલાચરણ સંભળાવ્યું, પ્રતિક્રમણ થયું રાત્રે, એ પછી એ લોકોની સંઘની મીટીંગ મળી. ઉપાશ્રયની બાજુમાં જ પંચની બેઠક હતી, રાત્રે ૯ વાગ્યે મીટીંગ શરૂ થઇ, સવારના ૫ સુધી મીટીંગ ચાલી. ૫.૩૦ વાગે એ ભાઈ મારી પાસે આવ્યો, કે સાહેબ આખી રાત મીટીંગ ચાલી છે પણ કોઈ નિવેડો આવ્યો નથી, ઉલટું ઝઘડો tight થયો છે, એટલે મને બીક લાગે છે કે આપના પગલાં થયા છે અને કદાચ dispute વધી જાય અને સીધું જ પાર્ટીશન સંઘમાં પડી ન જાય.
હવે મારે તો કંઈ કરવાનું હોતું નથી. યશોવિજય નામની સંઘટના જ નથી તો યશોવિજય કરે શું….? મારે કંઈ કરવાનું હોતું નથી, મારે કંઈ બોલવાનું હોતું નથી. તો મેં કહ્યું ભાઈ! પ્રભુને જે પસંદ હશે તે થશે આપણે કોણ….! હું માનું છું કે સૌથી મોટી કૃપા પ્રભુની મારા ઉપર જે થઇ એ આ થઇ… પ્રભુએ મારા અહંકારને પડાવી લીધો, છીનવી લીધો.. તમે તૈયાર…? લઇ લઉં આજે..? તમારો હું આપવા તૈયાર છો…? તમે જો જાગૃત સાધક હશો ને તો તમે જોશો, કે દર કલાક – દોઢ કલાકે તમારું હું પડદા પાછળથી બહાર આવે છે, મેં આમ કહ્યું અને પેલો impress થયો, મેં આમ કર્યું અને પેલા લોકો છક થઇ ગયા. પેલો તો impress થયો કે ન થયો તું impress થયો એમ બોલ ને… કોઈ તમારાથી impress થાય છે?
આજના એક philosopher એ બહુ સરસ વાત લખેલી કે લોકો reception જાય ને એકદમ નવા કપડાં પહેરીને જાય, શેના માટે? કપડાં બીજા જુએ એના માટે… ઘરે બેડરૂમમાં તો કપડાં ઠઠાઈને ન બેસે…! લોકો મારા કપડાં જુએ એના માટે reception માં નવા નવા કપડાં પહેરીને જાય, પણ એ philosopher એ લખ્યું કે બધાને પોતાના કપડાં દેખાડવા હોય છે, કોઈને બીજાનું કપડું જોવું નથી હોતું…! તમારી ચશ્માની ફ્રેમ કંઈ છે એ તમને ખબર છે, સાચું બોલો તમારો close friend હોય, એના ત્યાં નાસ્તો કરીને આવ્યા, પૂછું કે એના ચશ્માની ફ્રેમ કેવી હતી…? સાહેબ એ તો ખબર નથી. એટલે તમે બીજાને જોતા નથી, બીજો તમને જોતો નથી. આ કપડાનો ઠઠારો કોના માટે?
તો કલાક – દોઢ કલાકે તમારો હું બહાર નીકળ્યા કરે છે, પણ એ હું થી થાય શું…? હવે આગળ વધીએ… એ હું તમને આનંદ આપી શકે છે? હું ના ત્રણ રૂપ છે, એક અહંકારના લયનો હું, બીજું અહોભાવના લયનો હું અને ત્રીજું શુદ્ધ લયનો હું એટલે કે આનંદઘન હું. અહંકારના લયનો હું ક્યારે પણ તમને આનંદ ન આપી શકે. એમાં તો એક જ વાત હોય બસ પેલાએ મારી વાત નહિ માને, પેલાએ આમ કર્યું, પેલાએ આમ કર્યું. અહંકારનો હું, તમને ક્યારે પણ જંપીને બેસવા નહિ દે, અહોભાવનું લય આવી ગયું, અહોભાવનો હું.. મજા જ મજા… અને આનંદઘન હું મળ્યું તો ઓર મજા. એટલે જ વારંવાર પુછુ છું કે અમારી ઈર્ષ્યા આવે છે કે નહિ….?
તો પેલા ભાઈએ કહ્યું સાહેબ થોડી થોડી પાર્ટી જેવું તો પડેલું છે, તમારા પગલાં થયા છે, રાતનો દેખાવ તો એવો છે કે સીધી જ પાર્ટી આજે પડી જશે. મને જરાય ગભરામણ નહિ, સહેજ પણ ચિંતા નહિ, એક ક્ષણ ક્યારે પણ ચિંતા મને થઇ જ નથી. મારે કંઈ કરાવનું છે જ નહિ મારે વળી ચિંતા શાની? જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હશે એમ બનવાનું છે, અને ત્યાં ચિંતા થાય કદાચ, પીડા પણ થાય પણ એ હું હોય તો થાય… હું.. આટલું મોટું મારું નામ…! લોકો મને લઈને આવ્યા અને આમ થાય તો મારા નામનું શું…? એટલે પ્રભુએ હું જ લઇ લીધું. પ્રભુએ કહ્યું કે આ યશોવિજય દુઃખી ત્યાં સુધી છે જ્યાં સુધી એની પાસે હું છે, ચાલો એને મારે સુખી બનાવવો છે એનું હું પડાવી લઉં.. પ્રભુએ મારું હું છીનવી લીધું. તમને ખબર નથી, તમારું હું પણ પ્રભુએ છીનવી લીધેલું; ફરી પાછા તમે લઈને આવી ગયા. પ્રભુએ પણ લીધું.. અમે પણ લીધું!
એક ભક્ત હતો, પ્રભુને પ્રાર્થના કરે; પ્રભુ તું તો કરુણાનો મેઘ છે પણ તું સતત વરસી રહ્યો હોવા છતાં મને તારી કરુણાનો એક પણ બિંદુ સ્પર્શતું નથી. ભગવાન એ વખતે હસે છે, કે સાલો હરામખોર, રેઈનકોટ ઠઠાવીને બેઠો છે અને ઉપર ટોપી લગાવી છે, અને કહે છે ભગવાન તારી કરુણાનું વર્ષાનું બિંદુ એક પણ મને સ્પર્શતું નથી. એટલે પરમચેતના ગુરુચેતનાને કહે કે ભાઈ! આનો રેઇનકોટ ઉઠાવી લો. અમે તમારો રેઇનકોટ ઉઠાવી પણ લઈએ, અને અમારા સંમોહનમાં હોવ ને ત્યારે કોટ આપી એ દો, પણ જ્યાં બહાર નીકળ્યા ત્યાં શોધ ચાલે ભાઈ રેઇનકોટ નવો ક્યાં મળે છે…
હું એકદમ મજામાં, પ્રભુના દર્શને ગયો ૬ વાગે, પ્રભુને પણ મેં એ પ્રાર્થના નથી કરી કે પ્રભુ હું આવ્યો છું અને કામ થઇ જાય. પ્રભુ બધાને સન્મતિ મળે એટલી પ્રાર્થના કરી, પણ એમાં મારો હું ન આવે એની બરોબર તકેદારી રાખી. ૯ વાગે વ્યાખ્યાનમાં બધા આવી ગયા, હવે એ લોકોને મારો પહેલો જ પરિચય હતો. મેં પ્રવચન શરૂ કરતાં કહ્યું કે ભાઈ! મારું પ્રવચન તો હમણાં શરૂ થશે, પણ તમારું પ્રવચન મેં આખી રાત સાંભળ્યું મેં કીધું… પણ મેં કહ્યું મને નવાઈ લાગી નથી, કારણ તમે દુકાને ગ્રાહક સામે ગુસ્સે થઇ શકો નહિ, ઘરમાં શ્રાવિકા સામે ગુસ્સો થઇ શકો નહિ, તો ગુસ્સાને કાઢો ક્યાં? મેં કીધું, પંચની બેઠકમાં… ખરેખર તમે કેવા ક્ષમાના અવતાર બની શકો છો, સાચું કહો મને… એક ઘરાક આવ્યો, તમે કાપડના વેપારી છો, તમે એક કાપડ બતાવ્યું, શું ભાવ…? ૨૦૦ રૂપિયા મીટર, છેતરવા બેઠા છો, ચીટીંગ કરવા બેઠા છો, આવો ભાવ કંઈ હોતો હશે, ગામડામાં આમ જ ચાલે… એ વખતે પેલો વેપારી સહેજ પણ ગુસ્સે ન થાય, શું કહે તારે કેવું જોઈએ એ બોલ… તને સસ્તા ભાવમાં આપી દઉં… બોલ ૧૦૦ રૂપિયા મીટરનું જોઈએ… ૫૦ રૂપિયા મીટરનું જોઈએ… કેવું જોઈએ બોલ ને… જરાય ગુસ્સો આવે ત્યાં…? એટલે તમને ખ્યાલ આવ્યો, એક સૂત્ર મળ્યું જ્યાં તમારો સ્વાર્થ જોખમાય એવું તમને લાગે ત્યાં તમે ગુસ્સે નહિ થાવ… બરોબર…? હવે અહીંયા તમને લાગે કે હું ક્રોધ કરું અને મારે દુર્ગતિમાં જવું પડે, મારો સ્વાર્થ જોખમાય તો તમે ગુસ્સે થાવ ખરા…!
તો શબ્દાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા અને પછી અનુભૂતિ. પરભાવમાં જવાનું ઓછું થતું જાય, સ્વમાં તમે જતાં જાવ, અનુભૂતિ થવા માંડી. એક મજાની ઘટના યાદ આવે છે, ગઈ કાલે કહ્યું હતું એમ આચારાંગ સૂત્રજીનો સ્વાધ્યાય ૩૦ – ૩૫ વર્ષ સુધી લગાતાર મેં કર્યો, એમાં શરૂઆતની અંદર ૨ થી ૩ વર્ષ સુધી એક જિજ્ઞાસુ તરીકે, એક જ્ઞાની તરીકે સૂત્રનો અભ્યાસ કર્યો. ભક્ત તરીકે નહિ, actually મારે જો એ સૂત્રમાં ડૂબવાનું હતું તો મારે ભક્ત તરીકે ભક્તિની ધારામાં એ ગ્રંથનો અભ્યાસ કરવાનો હતો. મારા પ્રભુના પ્યારા પ્યારા શબ્દો… પ્રવચનમાં ભલે છેલ્લે ૧૦ મિનિટ તમે આવી ગયા, શું થાય સાંભળતા? મારા પ્રભુના પ્યારા પ્યારા શબ્દો… એક અહોભાવ, આ ભીનાશ પ્રભુના શબ્દો માટે તમારી પાસે હોય એ ભીનાશ બધું જ કામ કરી આપશે. પ્રભુના શબ્દોને સાંભળવા છે, પ્રભુના શબ્દોનો સ્વાધ્યાય કરવો છે, પણ એ હૃદયની ભીનાશની ધારા ઉપર…
તો ૨ – ૩ વર્ષ સુધી સ્વાધ્યાય થયો, પણ માત્ર સૂત્રોના અર્થ સુધી જવાયું, અંદર ઉતરવાનું થયું નહિ. પણ કેટલું મારું સદ્ભાગ્ય! પ્રભુની કૃપા એ વખતે ઉતરી આવેલી અને મહાભારતની એક ઘટના મારા વાંચવામાં આવી. એ ઘટના વંચાઈ અને મને સ્ટ્રાઈક થયું કે મારે આચારાંગજી કેવી રીતે વાંચવું છે. ઘટના બહુ જ પ્યારી હતી, ઉદ્ધવજી વૃંદાવન જવાના હતા. ઉદ્ધવજી કોઈ કામ પ્રસંગે વૃંદાવન જાય છે, શ્રી કૃષ્ણ આવવાના નથી, ત્યારે ઉદ્ધવજીને થયું કે વૃંદાવનમાં ગોપીઓ છે, કૃષ્ણના નામ પર ઘેલી થયેલી, શ્રી કૃષ્ણ તો આવતાં નથી, પણ શ્રી કૃષ્ણનો પત્ર લઈને જાઉં તો ગોપીઓ રાજી થશે, ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને કહ્યું, એક પત્ર લખી આપો ગોપીઓના નામ પર… લખી આપ્યો…
ઉદ્ધવજી એ પત્રને લઈને વૃંદાવન આવ્યા, રથ જ્યાં ઉભો રહ્યો ગોપીઓને એ જ લાગ્યું કે શ્રી કૃષ્ણ આવ્યા હશે, ૫૦ – ૬૦ ગોપીઓ ભેગી થઇ ગઈ. ઉદ્ધવજી બહાર નીકળ્યા, પોતાના હાથમાં એમણે ખુલ્લો કરીને રાખ્યો અને કહ્યું શ્રીકૃષ્ણ આવી શક્યા નથી પણ એમણે ખાસ તમારા નામ પર પત્ર લખ્યો છે, લો વાંચો. એક પણ ગોપી પત્ર લેવા માટે આગળ આવતી નથી. ૬૦ – ૫૦ ગોપીઓ સામે ઉભી છે, બે ડગલાં આગળ એક ગોપી વધતી નથી. ઉદ્ધવજી જ્ઞાની છે, ગોપીઓ ભક્ત છે. જ્ઞાની જો માત્ર બુદ્ધિવાદી હોય તો એના માટે મોક્ષ બહુ દુષ્કર છે, પણ ભક્ત માટે મોક્ષ આ રહ્યો. ઉદ્ધવજી જ્ઞાની છે, ભક્ત નથી… અને એટલે જ ભક્તના હૃદયની વાત એમને સમજાતી નથી. પાછળથી એમને ખ્યાલ આવ્યો, ગોપીઓએ કહ્યું ત્યારે… ગોપીઓના હૃદયમાં વાત એ હતી કે શ્રી કૃષ્ણ ઘણા સમયથી મળ્યા નથી, અને મળ્યા નથી એટલે શું થાય…? યા તો પ્રભુનું મિલન યા તો પ્રભુનો વિરહ… બે જ અવસ્થા હોય ને.. યા તો પ્રભુનું મિલન ય તો પ્રભુનો વિરહ.. તો શ્રી કૃષ્ણ મળ્યા નથી, વિરહની વેદના અમારી ભીતર ચાલી રહી છે, એ વિરહને અગ્નિ કહેવામાં આવેલો છે. તો વિરહની આગ અમારા શરીરની અંદર ધધુકી રહી છે, અમે પત્રને હાથમાં લઈએ પત્ર બળી ન જાય..!
By the way એક વાત તમને કહું, પ્રભુ મિલનનો આનંદ તમારે લેવો હોય તો એના માટે એક જ શરત છે; વિરહની અનુભૂતિ. મને એવા દર્શનાર્થીઓ ગમે જે સવારે બેડરૂમમાંથી નીકળે, સીધા જ દેરાસર તરફ દોડે, કોઈને હડફેટમાં લેતા લેતા… પેલો સામેવાળો પૂછે, આટલી ઝડપથી ક્યાં દોડ્યા? ત્યારે એ કહે કે ગઈ કાલે રાત્રે આરતી વખતે પર્ભુનું દર્શન કરેલું પછીની આખી રાત પ્રભુના દર્શન વગર ગઈ છે, જલ્દી જલ્દી મારે દર્શન કરવા છે. વિરહની વ્યથા જેટલી વધુ ઘૂંટાયેલી હોય; મિલનનો આનંદ એટલો મળે. રોજ ધર્મનાથ દાદાને મળો, રોજ આનંદ આવે છે…?
એક ભાઈ મને કહે સાહેબ! રોજ એકના એક ભગવાન અને એકની એક દર્શનની વિધિ કરવાની તો આમાં આનંદ આવે પણ કેમ? મેં એને પૂછ્યું કે ભાઈ આપણે ગુજરાતી મેનુ છે ને એમાં સવાર અને સાંજનું ફરતું રહે છે, પણ બપોરનું મેનુ ફિક્સ છે રોટલી, દાળ, શાક, ભાત. મેં કીધું તું જમવા માટે બપોરે બેસે અને શ્રાવિકા રોટલી અને શાક પીરસે ને તો તું થાળી પટકે ને….? શું માંડ્યું છે આ… રોજ રોટલી અને શાક…! બીજું કંઈ આવડે છે કે નથી આવડતું…? મેં કહ્યું રોજ એનું એ છે રોટલી અને શાક છે તને કેમ ભાવે છે…? એ કહે સાહેબ ભૂખ લાગેલી હોય માટે ભાવે છે. તો મેં કહ્યું બસ, આ જ સૂત્ર છે. પ્રભુના દર્શનમાં તને આનંદ કેમ નથી આવતો? ભૂખ લાગેલી નથી માટે… શાસ્ત્રકારોએ કહ્યું શ્રાવક ઘરમાં બેઠેલો હોય, અને વિચાર કરે કે પ્રભુના દર્શન માટે જઈશ, હજુ પલંગ પર બેઠેલો છે, અને વિચાર કરે કે પ્રભુના દર્શને જઈશ.. ત્યાં એને ઉપવાસનું ફળ મળી જાય. અને ઠેક દેરાસરે પહોંચે ત્યારે ૬ મહિનાના ઉપવાસનું ફળ એને મળે છે. એ જ દર્શન તમે વિધિપૂર્વક તમે કરો, તો વિરહની વ્યથા… પ્રભુ ક્યારે મળે.. ક્યારે મળે… ક્યારે મળે…
By the way એક બીજી વાત કરું, વિરહ વ્યથા, વિરહ વેદના એવો તો એક શબ્દ છે જ પણ નારદઋષિએ વિરહાસક્તિ. વિરહની આસક્તિ, વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ. પહેલીવાર એ શબ્દ વાંચ્યો, હું વિચારમાં પડી ગયો, વિરહની પીડા હોય, વિરહની આસક્તિ! વિરહનું આકર્ષણ! વિરહનું ખેંચાણ..! પછી ખ્યાલ આવ્યો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગમતી વ્યક્તિને મળો, અને જે સુખ મળે એના કરતાં પ્રભુના વિરહમાં અનેક ગણું સુખ મળે છે. કારણ? વિરહ પણ કોનો? પ્રભુનો … એટલે વિરહની ક્ષણોમાં તમે પ્રભુ સાથે associate થયેલા છો. પ્રભુ સાથે જોડાઈ જાવ..
તો ગોપીઓને થયું, વિરહની આગ શરીરમાં ધધુકી રહી છે, પત્રને હાથમાં લઈશું; બળી જશે. ચલો પત્રને હાથમાં ન લો, ઉદ્ધવજીના હાથમાં ખુલ્લો છે પત્ર, નજીક આવીને વાંચી તો લો, એમાં તો વાંધો નહિ ને…? પણ એક પણ ગોપી નજીક આવીને પત્ર વાંચવા તૈયાર નથી. કેમ…? શું કારણ…? કારણ બહુ પ્યારું હતું… અમે નજીક આવીએ અને એકદમ નજીકથી એ પરમપ્રિયના અક્ષરોને જોઈએ, પરમપ્રિયના શબ્દોને જોઈએ, આંખમાંથી આંસુની ધાર વહેશે અને એ પત્ર ઉપર આંસુ પડશે, તો અક્ષરો ચહેરાઈ જશે. નજીક આવીને પત્રને જોઈ નહિ શકીએ… કારણ? એ અક્ષરો, એ શબ્દો.. કોના? પરમપ્રિયના… અને એ પરમપ્રિયના શબ્દોને વાંચીશું, આંખમાંથી આંસુની ધારા વહેશે, એ આંસુ કાગળ ઉપર પડશે અક્ષરો ચહેરાઈ જશે.
હું ઘણીવાર કહેતો હોઉં છું, એક પ્રવચન મારે ડૂસકાંની play back પર આપવું છે, મને પણ મજા ત્યારે જ આવે. આખો auditorium ડૂસકાં ભરતું હોય, અને મારા શબ્દો ચાલી રહેલા હોય પ્રભુની ભક્તિ પરના, મને પણ મજા આવી જાય, અને તમને પણ મજા આવી જાય. પ્રભુના શબ્દોને આંખોની કોરી સપાટી ઉપર કે હૃદયની કોરી સપાટી ઉપર આપણે ઝીલી શકીએ ખરા? મારા પરમપ્રિયના આ શબ્દો છે. આ એક ઘટના મેં વાંચી, આચારાંગજીના સ્વાધ્યાયનો મારો આખો લય બદલાઈ ગયો. પછીની ઘટના એ હતી, કે આચારાંગજી નો સ્વાધ્યાય વર્ષમાં એક મહિનો ચાલતો, અને એ એક મહિનો પૂરો મારી આંખ ભીની ને ભીની રહે… કોઈ આવે તો વિચારમાં પડે, મ.સા. કેમ રડે છે…! એ પ્રભુના પ્યારા શબ્દો… personally for me લખાયેલા શબ્દો… વાંચતો જાઉં, રડતો જાઉં, આગળ વધતો જાઉં… અને એ ભીનાશની ધારા ઉપર શબ્દો લેવાયેલા હોય તો એ શબ્દો ભીતર ભીતર ભીતર ઉતરે, અને પુરા તમારા અસ્તિત્વને પરિવર્તિત કરી દે.
૧૦૦ વર્ષ પહેલાંની એક ઘટના કહું, ખંભાતની અંદર, ભરૂચની અંદર અનુપચંદ શેઠ, બહુ જ જ્ઞાની, કોઈ પણ મહાત્મા પધારે તો વિનંતી કરે, સાહેબજી વાચના આપશો… ૨૦ – ૨૫ – ૩૦ સાધકો એવા હતા કે ઊંડામાં ઊંડા શાસ્ત્રોનો સ્વાધ્યાય ગુરુ મહારાજ કરાવે તો પણ એને ઝીલી શકે. એમાં એક મહાત્મા પધાર્યા, અનુપચંદભાઈએ વિનંતી કરી, સાહેબજી પહેલા તો અમારી વિનંતી છે માસકલ્પ, અહીં સ્થિરતા કરો. ભરૂચ મુનિસુવ્રતદાદાનું તીર્થ, આપ અહીંયા સ્થિરતા કરો, અને બીજી વિનંતી એ કે માસકલ્પની આપ વિનંતી અમારી સ્વીકારો તો અમને વાચના પણ ફરમાવો… સાહેબે હા પાડી… વાચના શરૂ… રોજ બે કલાક વાચના ચાલે, વાચનાના સમય પહેલા બધા જ આવી જાય, અહીંયા પણ તમે બધા પહેલા આવી જાવ છો. એ એક તમારા હૃદયમાં રહેલ પ્રભુ પરની ભક્તિ બતાવે છે, મારે તમને છે ને થોડા આગળ લઇ જવા છે, માત્ર શ્રવણ રસ નહિ, પ્રવચનકાર મહાત્માના પ્રવચનમાં મજા આવે છે, માટે સાંભળું, માટે દોડીને જાવું, એ વાત હવે આપણે ભુલી જવી છે, મારા પ્રભુને સાંભળવા માટે મારે આવવું છે.
તો રોજ બે – બે કલાક વાચના ચાલે, એમાં એકવાર એક પદાર્થ આવ્યો, સાહેબે એનો અર્થ કર્યો, કેટલા અનુપચંદભાઈ વિવેકી શ્રાવક, એ વખતે કાંઈ ન બોલ્યા… વાચના પુરી થઇ, સાહેબ આસન પર બિરાજમાન થયા, ત્યાં ગયા અનુપચંદભાઈ, વંદન કર્યું અને પછી પૂછ્યું સાહેબજી, પાંચ વર્ષ પહેલાં આ જ ગ્રંથ એક આચાર્ય ભગવંતના મુખે સાંભળેલો, અને એ વખતે આ પંક્તિઓનો અર્થ બીજી રીતે સાંભળેલો, એવો મને ખ્યાલ છે. મારી શરત ચૂક પણ હોઈ શકે. પણ મને એવો ખ્યાલ છે, કે આચાર્ય ભગવંતે અર્થ આવો કરેલો હતો. સાહેબે કહ્યું ના, એ નહિ, મેં કર્યો એ અર્થ બરોબર છે, અનુપચંદભાઈએ તરત તહત્તિ કરીને સ્વીકાર કર્યો. No argument. પ્રભુની વાણી જ્યારે અંદર ઉતરે. તમે એટલા ભીના હોવ, એટલો વિનય અને વિવેક તમારી પાસે હોય, argument નો કોઈ સવાલ નથી રહેતો. ગુરુજીની વાતને સ્વીકારી પણ લીધી. પણ રાતના સમયે સાહેબને પોતાને વિચાર થયો, કે મેં કરેલો અર્થ પણ મને બરોબર લાગે છે, અને અનુપચંદભાઈએ જે અર્થ કહ્યો ને એ પણ આમ તો બેસે એવો જ છે. એટલે સાહેબને મૂંઝવણ થઇ કે કયો પાઠ ખરો…? ભવભીરુ હતા, અહંકાર બિલકુલ નહોતો, કે મેં કર્યો એ અર્થ જ સાચો હોવો જોઈએ. શાસ્ત્રોનો અભ્યાસ કરેલો અહંકાર તો રહે જ ક્યાંથી…!
એ રાત્રે સાહેબને એક સ્ફૂરણા થઇ, અને એમને બીજી સવારે વાચનાની શરૂઆતમાં કહ્યું કે ગઈ કાલનો જે પદાર્થ હતો, એનો એક અર્થ મને સ્ફૂરેલો, એક અર્થ અનુપચંદભાઈએ કહ્યો, મને લાગે છે બંને સાચા હોઈ શકે… મને પોતાને ખ્યાલ આવતો નથી, તો આપણે એક કામ કરીએ. મુનિસુવ્રત દાદાના અધિષ્ઠાયક એકદમ જાગૃત છે, તો વાચનામાં જેટલા લોકો બેસે છે, એ આવતી કાલથી ૩ દિવસનો કાં તો અટ્ઠમ, ન ફાવે તો ૩ આયંબિલ, ન ફાવે તો ૩ એકાસણા અને એની સાથે મુનિસુવ્રતદાદાનો આ જાપ કરે… અને એ જાપની પહેલાં સંકલ્પ મુકવાનો કે આ બે અર્થમાંથી કયો અર્થ સાચો… એની સુચના અમને આપો. તો ત્રીજા દિવસે શાસનદેવ તમને સ્વપ્નની અંદર સુચના આપશે. બીજા દિવસથી બધાએ એ રીતે સાધના શરૂ કરી.
એક દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ… ત્રીજા દિવસની રાત્રે સ્વપ્નમાં બધાને એકસરખી સુચના મળી કે અનુપચંદભાઈએ કરેલો અર્થ સાચો છે. સાહેબને પણ અને બીજા બધા વાચનાર્થીઓને પણ… સવારે બધા જ શ્રાવકો દેરાસરે ભેગા થયા, બધાની કક્ષા ઉચકાયેલી હોતી નથી, એક – બે જણાએ કહ્યું અનુપચંદભાઈ તમારો અર્થ સાચો છે. અનુપચંદભાઈ કહે ભાઈ! આવું બોલાય નહિ, મારી બુદ્ધિ શાસ્ત્રની અંદર સહેજ પણ જઈ શકે એમ નથી. આ તો જ્ઞાની ગુરુ ભગવંતો કહે અને એ યાદ રહે એની વાત છે, આપણી બુદ્ધિ વળી શાસ્ત્રોમાં ક્યારે જઈ શકે! એ અનુપચંદભાઈ એટલા અહંકારથી પર બનેલા. પેલો ભાઈ કહે મને સપનું આવ્યું, પેલા કહે મને સપનું આવ્યું.. અનુપચંદભાઈ કહે જુઓ પ્રભુના દર્શન કરવા જઈએ છીએ, પછી ગુરુદેવ પાસે જઈશું, વંદન કરવા માટે, ગુરુદેવને વંદન કરીશું, પચ્ચક્ખાણ લઈશું, એક પણ વ્યક્તિએ કહેવાનું નથી કે અમને આ સ્વપ્ન આવ્યું હતું.
જ્ઞાન થોડું હોય તો પણ ચાલશે, પણ એ પરિપક્વ થયેલું હોવું જોઈએ. એટલે આપણે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ભીનાશની ધારા હોવી જોઈએ. એવો એક અહોભાવ તમારી પાસે હોય, પ્રભુના શબ્દોને સાંભળવા છે, અને એ તમારી પાસે ભીનાશની ધારા હોય, અને એ ધારા ઉપર આ શબ્દો પડે, ભલે હજારો શબ્દોમાંથી દસ શબ્દો યાદ રહે, મને કોઈ વાંધો નથી. પણ એ દસ શબ્દો પણ અંદર જશે, તો તમને પુરા ને પુરા બદલી નાંખશે.
સાહેબ પાસે ગયા, વંદન કર્યું, અનુપચંદભાઈના મનમાં સહેજ પણ અહંકાર નથી. મારો અર્થ સાચો… ગુરુ ભગવંતે કહ્યું અનુપચંદભાઈ તમારો અર્થ સાચો છે. અરે સાહેબજી! મારો અર્થ કેમ કહો છો? જ્ઞાની ભગવંતે કરેલો અર્થ સાચો. મારી બુદ્ધિ તો વળી શાસ્ત્રના એક પણ શબ્દમાં અંદર જઈ શકે ખરી..!. આ તો આપના જેવા ભગવંતોની કૃપા છે, કે આપ અમને બોધ આપો છો. શું શબ્દો છે! આપ અમને બોધ આપો છે… આપ આપના અમૂલ્ય સમયનો ભોગ આપીને અમને આટલો બધો બોધ આપો છો. ખરેખર આપના ઉપકારના ઋણમાંથી અમે ક્યારે પણ મુક્ત ન થઇ શકીએ…
આ શું થયું?- “ચિત્ત મેં શ્રુત એસે બસે, જૈસે જલ મીના રે” શબ્દાનુપ્રેક્ષા અને અર્થાનુપ્રેક્ષા પછી અનુપચંદભાઈને અનુભૂતિની કક્ષા મળેલી હતી, આપણે પણ અનુભૂતિની કક્ષામાં જવાનું છે…