વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : ભક્તિ
અનંત જન્મોથી એક પ્યાસ લઈને આપણે દોડી રહ્યા છીએ. એ પ્યાસ છે પ્રભુ મિલનની. એટલે પ્રભુ જ્યાં સુધી નહિ મળે, ત્યાં સુધી બીજું ગમે તેટલું મળશે તો પણ તમે તૃપ્ત થવાના નથી.
તમે કેટલી મિનિટો પ્રભુને કે સદ્ગુરુને આપી એ મહત્ત્વની ઘટના નથી; પણ કેવી રીતે આપી એ મહત્ત્વનું છે. There should be the totality. પ્રભુને અને સદ્ગુરુને જે પણ ક્ષણો આપો, એ સંપૂર્ણતયા પરમપ્રીતિથી ભરાયેલી હોવી જોઈએ.
નરક અને નિગોદમાંથી આપણને ઊંચકીને મનુષ્યત્વના દ્વાર સુધી, સાધનાની પગથાર સુધી લાવનાર પ્રભુ છે. પ્રભુના એ ઋણમાંથી હું કેવી રીતે મુક્ત થઉં! આ સકારણ ભક્તિ. નિષ્કારણ ભક્તિ એટલે Devotion for the devotion; ભક્તિ માટે ભક્તિ. જયારે તમારાથી ભક્તિ વિના રહેવાય નહિ, ત્યારે માનજો કે તમે નિષ્કારણ ભક્તિની પગથારે આવી ગયા છો.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૪
પૂજ્યપાદ આનંદધનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
ભક્તનું અસ્તિત્વ જ્યારે પ્રભુના પરમ પ્રેમથી તરબતર થઇ થઇ જાય છે, ત્યારે એની ભાવદશા એકદમ બદલાઈ જાય છે. એની ઇન્દ્રિયો, એનું મન, એનું ચિત્ત બધું જ પ્રભુમય બની જાય છે.
એવી વ્યક્તિ એક નાનકડું અનુષ્ઠાન કરે ને તો એ અનુષ્ઠાન પણ પ્રભુના પ્રેમથી રંગાયેલું હોય છે, આપણે ત્યાં એને જ પ્રીતિ અનુષ્ઠાન કહ્યું છે. ચાર અનુષ્ઠાનમાં સૌથી પહેલું પ્રીતિ અનુષ્ઠાન. પ્રભુના પ્રેમમાં રંગાયેલું અનુષ્ઠાન. તમે પૌષધ કર્યો છે, પડીલેહણ તમે કરી રહ્યા છો, એક નેપકીન એનું પડીલેહણ કરવાનું છે, વિધિપૂર્વક પડીલેહણ કરો તો પણ ૧૦ થી ૧૨ સેકંડ લાગે, પણ એ પડીલેહણ બે રીતે કરી શકાય… પહેલું તો એ રીતે કે જે રીતે તમે અત્યારે કરો છો; વિધિ છે, કરી લઈએ.. બીજી વાત બહુ મજાની છે એ દસ સેકંડની ક્રિયા પ્રભુના પ્રેમથી સભર હોય, મારા ભગવાને કહ્યું છે. આ પડીલેહણ હું શા માટે હું કરું છું? મારા ભગવાને કહ્યું છે. એટલે એ દસ મિનિટની ક્રિયા પ્રભુના પ્રેમમાં તરબતર થઇ ગઈ, અને એ વખતે એ ક્રિયા દ્વારા તમે પ્રભુની અંદર એકાકાર થઇ ગયા. કેટલી સેકંડ, કેટલી મિનિટ એનો આધાર નથી. તમે કેટલી હદે પ્રભુના પ્રેમમાં ઓગળી જાવ છો, એ જ વાત મહત્વની છે, ઓગળી જવું છે, ડૂબી જવું છે.
એક યુવાન સંત પાસે આવેલો, એણે પૂછ્યું, ગુરુદેવ! પ્રભુ કેવી રીતે મળે? સદ્ગુરુ face reading ના master, જોયું કે એની તડપન અસ્તિત્વના સ્તરની છે. પ્રભુ ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે… આ તડપન એની ભીતર ઘૂંટાઈ રહી છે. એ વખતે સદ્ગુરુએ એક નાનકડું સૂત્ર આપ્યું, “તુમ મીટો તો મિલના હોય” સદ્ગુરુએ કહ્યું, મિલન મિલન મિલન શું કરે છે! આ ક્ષણે મિલન કરાવી દઉં… “તુમ મીટો તો મિલના હોય” તું મિટી જા, ઓગળી જા, પીગળી જા પ્રભુમાં; પ્રભુ આ રહ્યા.. સુલસાજી પ્રભુમાં ઓગળી ગયા. રેવતીજી પ્રભુમાં ઓગળી ગયા, શ્રેણિક મહારાજા પ્રભુમાં ઓગળી ગયા. રેવતી મહાસતીના દ્વારે સિંહ અણગાર વહોરવા માટે પધાર્યા, જ્યાં ધર્મલાભનો શબ્દ ઉચ્ચાર્યો, રેવતીજીએ એ શબ્દ સાંભળ્યો, સાડા ત્રણ કરોડ રુંવાળા નાચી ઉઠ્યા…
By the way વચ્ચે એક બીજી વાત યાદ આવી. ભાભર ની પાસે તેરવાડા ગામ છે, ત્યાં દીક્ષા હતી એક દીકરીની. અમારે લોકોને ગુરુદેવ સાથે ત્યાં જવાનું થયું, એ તેરવાડા વિલીનીકરણ પહેલાં નવાવનું રાજ્ય હતું. એ જુના નવાબનો દીકરો બહુ જ ભણેલો, અને એને જૈનોલોજી જાણવી હતી. એટલે એણે વાયા – વાયા મારી પાસે સમાચાર મોકલ્યા કે એને જૈન ધર્મ વિશે જાણવું છે. મેં કીધું ok આવી જા. રોજ એ દીકરો મારી પાસે ભણવા માટે આવતો, એમાં દીક્ષાનો દિવસ આવ્યો, એને મને પૂછ્યું હું મુસ્લિમ છું, મારાથી આ દીક્ષા વિધિ જોવા આવી શકાય…? મેં કીધું ખુશીથી અવાય…
એ આવ્યો, એને આખી જ વિધિ જોઈ, બપોરે એ મારી પાસે આવ્યો, ત્યારે એણે સૌથી પહેલો એક સવાલ કર્યો, મને કહે ગુરુ મહારાજે પેલી દીકરીને આ આપેલું ત્યારે એ દીકરી નાચી પડી હતી, એણે મને પૂછ્યું, what is the ritual? એ કોઈ વિધિ વિધાન હતું? મેં કહ્યું ના, વિધિ વિધાન નહોતું, એ વિવશતા હતી. એ દીકરી બે – બે વર્ષથી ગુરુદેવની પાસે જતી અને ચોધાર આંસુએ રડતી કે ગુરુદેવ મને પ્રભુની પ્રસાદી જલ્દી જલ્દી આપો. આજે ગુરુદેવ રીઝ્યા અને પ્રભુની પ્રસાદી એને આપી, એ નાચી ઉઠી. પણ પછી મેં એને કહ્યું તે તો એને બે પગથી નાચતા જોયેલી, એ દીકરી સાડા ત્રણ કરોડ રુંવાળાથી નાચી ઉઠી. પ્રભુ મળે… આનંદ કેવો હોય? નીરઅવધી.. જ્યારે રજોહરણ સ્વીકારની વેળા આવે છે દીક્ષા વિધિમાં ત્યારે હું ખાસ કહેતો હોઉં છું, કે આ રોમે રોમે પરમ સ્પર્શ છે. આ પરમાત્માનો સ્પર્શ માત્ર હાથમાં નહિ, માત્ર મન કે ચિત્તમાં નહિ, રોમે રોમે પરમસ્પર્શ… એક એક રૂવાળું નાચી ઉઠે. રેવતીજીના સાડા ત્રણ કરોડ રૂંવાળા નાચી ઉઠ્યા. મારા પ્રભુના મુનિરાજ મારા દ્વાર પર! વેશ પરમાત્મા મારા દ્વાર પર…..!
આજના યુગમાં પણ ઘણી બધી રેવતીજી નાનકડી એસેન્સ જોઈ છે, એ માતાઓ વહોરાવતી જાય અને જે આંખમાંથી આંસુ સરતા હોય એ માતાની આંખના આંસુ અમારી આંખને પણ ભીની ભીની કરી નાંખે છે. મુનિરાજ અંદર પધાર્યા, રેવતીજીએ કહ્યું સાહેબ આ લો, સાહેબ આ લો… સાહેબ આ લો… મ.સા. એ કહ્યું તમે તમારા માટે એક ઔષધિ બનાવેલી છે, એ ઔષધિનો ખપ પ્રભુના પોતાના માટે છે અને એ હું વહોરવા માટે આવ્યો છું, એનો મને ખપ છે. હવે તો રેવતીજીના આનંદની કોઈ સીમા ન રહી! આમ તો પોતે વહોરાવે પણ એ પ્રભુ વાપરશે એ તો ખ્યાલ આવે નહિ. આ તો સ્પષ્ટ કહે છે કે પ્રભુને માટે આનો ખપ છે. એ ઔષધિ લઈને આવે, એવી ઔષધિ હતી કે એક ચમચીથી વધારે એક દિવસમાં લઇ ન શકાય. એક ચમચી ઔષધિ વહોરાવતા કેટલી સેકંડ લાગે, કેટલી? ૨ સેકંડ, ૩ સેકંડ… એ ૩ સેકંડમાં એ વહોરાવવાની ક્રિયા પ્રીતિ અનુષ્ઠાનમાં બદલાઈ ગઈ. એ ૩ સેકંડની ક્રિયા પ્રભુના પ્રેમમાં પુરેપુરી રંગાઈ ગઈ. અને એટલે એ ૩ સેકંડમાં ભાવધારા એટલી ઉચકાઈ કે રેવતીજીએ તીર્થંકર નામકર્મ બાંધી દીધું. ૩ સેકંડ… મારે વધારે નથી જોઈતી તમારી પાસે…
તમે કેટલી મિનિટો પ્રભુને આપી, કે કેટલી મિનિટો સદ્ગુરુને આપી, એ મહત્વની ઘટના નથી. તમે કેવી રીતે આપી. એટલે જ મારું એક સૂત્ર છે, there should be the totality… પ્રભુને અને સદ્ગુરુને જે પણ ક્ષણો આપો, એ સંપૂર્ણતયા પરમ પ્રીતિથી ભરાયેલી હોવી જોઈએ. એક પ્રભુના દેરાસરે તમે જાવ, તમે પગથિયાં ચડતા હોવ અને આંખમાંથી આંસુ રેલાતા હોય, પ્રભુની ભક્તિ બે રીતે થાય છે, સકારણ ભક્તિ અને નિષ્કારણ ભક્તિ.
પહેલી સકારણ ભક્તિ છે… મારા પ્રભુ… એ પ્રભુ ન હોત તો હું શું હોત! “ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો” નરક અને નિગોદમાંથી આપણને ઊંચકીને અહીં સુધી લાવનાર જો કોઈ પણ હોય તો આ પ્રભુ છે. મનુષ્યત્વના દ્વાર સુધી, સાધનાની પગથાર સુધી, ભક્તિની ભૂમિકા સુધી આપણને લાવનાર પ્રભુ છે. એ પ્રભુએ આટલો બધો ઉપકાર મારા ઉપર કર્યો! એ પ્રભુના ઋણમાંથી મુક્ત હું કંઈ રીતે થાઉં…? મારી દ્રષ્ટિએ, અમારી અને તમારી બધી જ સાધના એક માત્ર ઋણ મુક્તિનો નાનકડો આયામ છે. પણ ઘણીવાર એવું બને કે જઈએ ઋણમુક્તિ માટે અને ઋણ વધારીને આવીએ… આપણા યુગના શ્રેષ્ઠ સાધક ઋષભદાસજીએ સાધનાના આનંદની કેફિયત આપતા કહેલું કે એક ખમાસમણ દઉં છું અને એટલો આનંદ ભીતરથી છલકાય છે, કે વિમાસણ થાય કે આ નાનકડું હૃદય આ આનંદને સહન કરી શકશે કે કેમ? પ્રભુની પાસે ગયા, ખમાસમણ દે છે, ઋણમુક્તિ માટે. પ્રભુએ એટલો બધો આનંદ આપી દીધો, કે એમને થયું કે આવ્યો હતો ઋણમુક્તિ કરવા, ઋણ વધારીને જાઉં છું… આનંદ માત્ર પ્રભુ આપી શકે. પહેલાં સ્તવનમાં છેલ્લે આનંદધનજી ભગવંત કહે છે “ ચિત્ત પ્રસન્ને પૂજન ફળ કહ્યું” ચિત્તની પ્રસન્નતા માત્ર પ્રભુ જ આપી શકે. બોલો તમારો શું અનુભવ છે? કરોડો રૂપિયા ભેગા થયા, અબજો રૂપિયા ભેગા થયા. તૃપ્તિ મળી? તૃપ્તિ મળી નહિ, અને મળવાની પણ નહિ.
એક બહુ ઊંડી વાત ભક્તિયોગચાર્યો એ કહી છે… એમણે કહ્યું, અનંત જન્મથી એક પ્યાસ લઈને આપણે દોડી રહ્યા છીએ, એ પ્યાસ છે પ્રભુ મિલનની, એટલે પ્રભુ જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી ગમે એટલો બીજો મળશે તમે તૃપ્ત થવાના નથી. છે અનુભવ આ…? કરોડો મળ્યા, હજુ અબજો મેળવવના છે, બરોબર ને…? future planning તો એ જ છે ને.. પણ એક ક્ષણ વિચારવા બેસો કે આ કરોડો મળ્યા, એથી તૃપ્તિ કેટલી થઇ..? તૃપ્તિ થવાની નથી.. કારણ કે પ્યાસ અલગ છે, પ્યાસ પ્રભુ મિલનની છે. અને જ્યાં સુધી પ્રભુ નહિ મળે ત્યાં સુધી તૃપ્તિ થવાની નથી. અમારા ચહેરા ઉપર શું દેખાય છે? તૃપ્તિ દેખાય… કશું જ જોઈતું નથી, એક પ્રભુનું મિલન જોઈતું હતું, પ્રભુ મળી ગયા, દુનિયાની એક ઘટના જોડે અમારે સંબંધ નથી. દુનિયાની એક ચીજ અમારે જોઈતી નથી. અને એટલે જ એક મજાનું સાયુજ્ય દ્વન્દ્વ આપણે ત્યાં પેદા થયું. મહાત્મા બિલકુલ નિઃસ્પૃહી હોય, અને તમે ગુરુ ભક્તિથી છલકાતા હોય, તમારી ઈચ્છા છે સાહેબજીને કંઈક વહોરાવું, કંઈક વહોરાવું, કંઈક લાભ લઉં… સાહેબ કહેશે કશું જ ખપ નથી. કશું જ જોઈએ નહિ, અમે વહોરવા આવીએ ને.. તમે ઘણું બધું ખોલી નાંખો, ડબ્બા… સાહેબ આ લો. સાહેબ આ લો…અમારા મુનિના મોઢેથી એક શબ્દ વારંવાર નીકળશે કયો? ખપ નથી. બરોબર ને… આ સૂત્ર તમને મળી જાય તો તમારું કલ્યાણ થઇ જાય બોલો… ખપ નથી.
તો મજાનું સાયુજ્ય પેદા થયું; ગુરુદેવને કશું જ જોઈતું નથી, તમારી ઈચ્છા છે સાહેબનો લાભ લેવો, સાહેબની ભક્તિ કરવી… હવે એક સવાલ પૂછું? ભક્તિ તમે બહુ સરસ કરો છો, તમારી ભક્તિની પ્રશંસા હું વારંવાર કરું છું. કારણ કે ઉપબૃહણા અમારો આચાર છે, તમારી પાસે જે શ્રદ્ધા, ભક્તિ, સમર્પણ છે, અદ્ભુત છે. મ.સા. ને વહોરાવો, સારામાં સારા દ્રવ્યો…. શા માટે…? શાલિભદ્રની પેટી માટે કે ઓઘા માટે? વહોરવો શેના માટે….? ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય, જલ્દી જલ્દી મને પણ પ્રભુની પ્રસાદી મળે. એટલા માટે ને…? અમારી માતાઓ એટલી બધી ભાવુકો, એટલી ભાવુક હોય ને આમ, વહોરાવતા વહોરાવતા રડી પડે…
હવે એક ભાવ જોડવો છે, વહોરાવું છું એટલા માટે, ગુરુદેવની ભક્તિ એટલા માટે કરું છું કે મારું ચારિત્ર મોહનીય કર્મ ખપી જાય, અને જલ્દી જલ્દી મને સંયમ મળી જાય…. આમ સંયમ કેવું ગમે સાચું કહો..? ખરેખર ગમે છે… મને તો લાગે છે કે જો તમે આંતરનિરીક્ષણ કરો, અને સંસારનું સ્વરૂપ વાસ્તવિક રૂપે સમજી લો તો અમારે તમને દીક્ષા માટે પ્રેરણા પણ આપવી ન પડે, લાઈન લાગેલી હોય દીક્ષાની…
તો બે ભક્તિ – એક સકારણ ભક્તિ, બીજી નિષ્કારણ ભક્તિ. તો સકારણ ભક્તિમાં આ છે કે આ પ્રભુએ આટલું બધું મને આપ્યું, તો એ પ્રભુની હું ભક્તિ કરું. પછી એ સકારણ ભક્તિ કરતાં કરતાં તમે નિષ્કારણ ભક્તિ સુધી જઈ શકો. નિષ્કારણ ભક્તિ એટલે શું? Devotion for the devotion. Love for love. ભક્તિ માટે ભક્તિ. પ્રસાદ માટે ભક્તિ નહિ, ભક્તો તો ત્યાં સુધી કહે છે; કે મોક્ષ માટે પણ, મારા મોક્ષ માટે ભક્તિ કરવા માટે હું તૈયાર નથી. સીધી વાત છે ને.. મને મોક્ષ મળે માટે હું પ્રભુની ભક્તિ કરું મારો મોક્ષ નંબર one પર, પ્રભુની ભક્તિ નંબર two પર. મારો મોક્ષ એ સાધ્ય થયો, પ્રભુની ભક્તિ સાધન થઇ… કશાકના માટે ભક્તિ નહિ, ભક્તિ માટે ભક્તિ. Devotion for the devotion. Love for love. અને આને જ આનંદધનજી ભગવંત નિરૂપાધિક પ્રેમ કહે છે. પ્રીત સગાઇ રે, નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. – પ્રીતિ કરવી છે પણ કેવી, અત્યાર સુધી આપણા ભૂતકાળમાં આપણે પ્રભુની ભક્તિ કરી પણ હશે, પણ અજ્ઞાનદશા હોવાને કારણે એ પ્રીતિ સોપાધિક પ્રીતિ થઇ ગઈ. સોપાધિક પ્રીતિ એટલે શું? એક સોદાબાજી… પ્રભુ તું મને આ આપ, હું તને આ આપું. તું મારા દીકરાને સાજો કરી દે, હું તારી ભક્તિ કરું.
એક ગામમાં મારે વિહાર કરીને જવાનું હતું, લગભગ ગામ નજીક આવ્યું ત્યારે મને યાદ આવ્યું કે આ ગામમાં એક ભાઈ જે છે એ વારંવાર વંદન કરવા માટે આવે છે. પછી બીજું પણ યાદ આવ્યું કે આજે તો પૂનમ છે, અને એ ભાઈ દર પૂનમે શંખેશ્વર જાય છે એટલે આજે તો અહીંયા નહિ હોય. પણ વ્યાખ્યાન શરૂ થયું ભાઈ હાજર હતા. વ્યાખ્યાન પૂરું થયું, મેં પૂછ્યું આજે પૂનમ અને તમે અહીંયા? શંખેશ્વર નહિ.. મને કહે સાહેબ ૨૦૦ પૂનમ ભરી શંખેશ્વર દાદાની, દીકરાને અસાધ્ય દર્દ થયું, ભગવાનને કહ્યું કે પ્રભુ! આને સાજો કરી દે. દીકરો સાજો ન થયો, પૂનમ છોડી દીધી. મેં એને કહ્યું શંખેશ્વર પ્રભુની ભક્તિ શેના માટે કરેલી…? આ દાદો એ શું આપે? અને શું ન આપે..? કહું છું..
એક ભાઈ કહે શંખેશ્વર દાદાનું ન્હવણ આંખમાં સહેજ અડાડ્યું અને આમ આમ કર્યું ને તો મોતિયો હતો operationથી હું બિહાતો હતો, સીધો મોતિયો હાથમાં આવી ગયો. મેં એને કહ્યું મોતિયાનું operation તો ડોક્ટર કરી આપશે, તારી આંખના વિકારોનું operation કરાવવા માટે શંખેશ્વર દાદા પાસે જા. જે કોઈ ન કરી શકે એ શંખેશ્વર દાદા કરે ને…!
કોઈ specialist ડોક્ટર હોય, કેન્સરનો, એન્ક્લોજીસ્ટ, તમે એની પાસે જાવ, સાહેબ મને શરદી છે, માથું દુઃખે છે માટે આવ્યો છું આ specialist અને તમે એની પાસે જાવ આના માટે! માથું દુઃખે છે સાજો કરી આપ મને…! નિષ્કારણ ભક્તિ. Devotion for devotion.
હું ઘણીવાર કહું દૂધ કોઈ પીએ ને તો કારણ હોય, કેલરી મળે, શક્તિ મળે. કલાકે કલાકે ચા પીએ ને એમાં પૂછો એને શું કારણ… કારણ કંઈ નહિ યાર… ચા વિના રહેવાતું નથી. એમ તમારી ભક્તિ નિષ્કારણ ભક્તિ બનશે ત્યારે તમારાથી ભક્તિ વિના રહેવાશે નહિ. અને જે વખતે ભક્તિ વિના ન રહેવાય ત્યારે માનજો કે તમે નિષ્કારણ ભક્તિની પગથારે આવી ગયા છો. તો આપણને જોઈએ છે પ્રભુની પ્રીતિમાં રંગાયેલી ક્ષણો.
સાધના ભલે નાનકડી હોય, પણ એમાં પ્રભુની પ્રીતિ ઉતરેલી હોવી જોઈએ. સાધનાને આત્મસાત્ કરવા માટે ઘણા બધા ગ્રંથો આપણે ત્યાં છે. એક ગ્રંથ બહુ અદ્ભુત છે, યોગદ્રષ્ટિ સમુચ્ચય. હરિભદ્રસૂરિ મ.સા.નો. એને હું દર્પણ કહું છું. આપણા ચહેરા ઉપર ડાઘ હશે આપણને નહિ દેખાય પણ તમે દર્પણમાં જોશો તો તમને દેખાશે. એમ અમારી સાધનામાં ક્યાંક ક્યાંક ક્ષતિઓ રહી ગઈ એનો અમને ખ્યાલ નહિ આવે, એક તો અમારા ગુરુદેવ કહેશે અને બીજું આ શાસ્ત્રદ્રષ્ટિ સમુચ્ચય જે દર્પણ જેવો ગ્રંથ છે એ અમારી ક્ષતિઓને દેખાડશે.
શું અદ્ભુત ગ્રંથ છે. એકવાર તમે વાંચો ને તો ઘણી તમારી ભ્રમણાઓ પણ દૂર થઇ જાય. એમાં ૮ દ્રષ્ટિ આપી, ૧૪ ગુણસ્થાનક છે એને ૮ દ્રષ્ટિમાં સમાવેશ કરી લીધો. આપણે તો ચોથા ગુણઠાને સમ્યગ્દર્શન થાય. એમાં પાંચમી દ્રષ્ટિએ સમ્યગ્દર્શન થાય. ચાર દ્રષ્ટિ પહેલાં ની જે છે એ મિથ્યાત્વમાં છે. પણ પહેલી દ્રષ્ટિમાં જે ગુણો વર્ણવ્યા છે ને તમે વાંચો ને તો તમે હલી જાવ, કે પહેલી દ્રષ્ટિ મારી પાસે નથી. હું પહેલા એ ગ્રંથ બહુ જ વંચાવતો હતો, એ વંચાવતો ત્યારે મારી આંખો પણ ભીની થતી. વાંચનારાઓ બધા રડતા, કે ગુરુદેવ! અમે તો પહેલી દ્રષ્ટિમાં પણ નથી.
પહેલી દ્રષ્ટિનું નામ છે મિત્રા દ્રષ્ટિ. એ દ્રષ્ટિમાં આવેલો સાધક એને મૈત્ર્યયોગી કહેવામાં આવે છે. મિથ્યાત્વ છે યાદ રાખો, પણ એ યોગી છે. અન્ય દ્રષ્ટિમાં રહેલા, અન્ય દર્શનોમાં રહેલા સંતો જે હોય, એ પણ પહેલી દ્રષ્ટિમાં, બીજી દ્રષ્ટિમાં, ત્રીજીમાં, ચોથીમાં હોઈ શકે છે અને એટલે એ બધા જ ગુણો સમૃદ્ધ છે તો પહેલી દ્રષ્ટિમાં એક મૈત્રીભાવ છલકાય છે, બધાની સામે મૈત્રીભાવ. તમને ખ્યાલ હશે, પહેલાં ચરમાવર્ત આવે. ચરમાવર્ત એટલે છેલ્લું પુદ્ગલ પરાવર્ત. કે એ પુદ્ગલ પરાવર્તમાં મોક્ષમાં જવાનું છે. તો એ ચરમાવર્તમાં આત્મા આવ્યો કે નહિ, એની નિશાની શું? તો કહે કે મુક્તિ અદ્વેષ. મોક્ષ પ્રત્યેનું અદ્વેષ. હવે આપણા લોકો એમ સમજી બેઠા કે મોક્ષ પ્રત્યે દ્વેષ આપણને ક્યાં છે…?
પણ ઉપાધ્યાયજી ભગવંતે દ્વાત્રિંશત્ – દ્વાત્રિંશિકામાં સ્પષ્ટ કર્યું કે મુક્તિ અદ્વેષ એટલે મુક્તિને પામવા જનાર જે સાધકો છે એના પરનો પણ અદ્વેષ. એટલે એક પણ સાધક પ્રત્યે તમને દ્વેષ થાય તો નૈશ્ચયિક રૂપે તમે ચરમાવર્તમાં આવ્યા છો, એવું કહી ન શકાય. એક પણ સાધક પર સહેજ પણ દ્વેષ ન હોવો જોઈએ. અને પછી મિત્રા દ્રષ્ટિ મળે. મૈત્રીભાવ છલકાઈ રહ્યો છે.
હમણાં એક ઘટના વાંચેલી, અને આ દ્રષ્ટિ મને મળી છે ને એટલે હું દરેક પંથના ગુણવાન વ્યક્તિત્વો ને વાંચું છું. અને એક વાત તમને by the way કહું હિન્દી, અંગ્રેજી, યોગના, સાધનાના બધા જ પુસ્તકો, મેગેઝીન્સ મારી પાસે આવતાં હોય છે, પણ વાંચ્યા પછી એક વેદનાની ટીસ ઉપડે છે, હિંદુ યોગીઓ કે સુફી યોગીઓ જે ગુણવત્તા ને પ્રાપ્ત કરી ચુક્યા હોય છે, એ ગુણવત્તા અમારી ભીતર ન દેખાય ત્યારે અમારું હૈયું રડતું હોય છે. હું સાધુ – સાધ્વીજીઓની વાચનામાં ઘણીવાર કહું કે મારી વેદના છે, કે જેમણે લોકોત્તર શાસન નથી મળ્યું એમની પાસે આવી સાધના હોય, તો લોકોત્તર શાસન તમને મળ્યું છે તમારી સાધના કેટલી ઉચકાયેલી છે…? ખાલી આપણે સંતોષ લઇ લઈએ, લોકોત્તર શાસન મળી ગયું, એનાથી કામ થવાનું નથી. એ લોકોત્તર શાસન આપણને સ્પર્શી જવું જોઈએ.
તો એક બૌદ્ધ ભિક્ષુની વાત વાંચેલી, પહેલી જ વાર વાંચી, હું એકદમ પ્રભાવિત થઇ ગયો. તિબેટ ઉપર ચીનનું આધિપત્ય આવ્યું, દલાઈલામા બૌદ્ધોના શ્રેષ્ઠ ગુરુ. રાતોરાત તિબેટથી ભારત આવી ગયા. દલાઈલામા અત્યારે ભારતમાં છે, ધર્મશાળામાં… થોડાક ભિક્ષુઓ રહી ગયેલા, ચીની સત્તાવાળાઓએ એ ભિક્ષુઓને પકડી લીધા, કોઈ કારણ વિના એમને જેલમાં મૂકી દીધા. એક ભિક્ષુને ૧૮ વર્ષ સુધી જેલમાં રાખ્યા, કોઈ કારણ નહિ… માત્ર એ ભિક્ષુ છે એના માટે… ૧૮ વર્ષ પછી કોઈ મહોત્સવ હશે રાજ્યનો, કેદીઓને છોડાયા, એ દિવસે એને છોડી દીધો.
એ ભિક્ષુ છૂટીને ભારત આવે છે, પોતાના સર્વોચ્ચ ગુરુ દલાઈલામાની પાસે, અને દલાઈલામાના ચરણોમાં વંદન કરે છે. દલાઈલામા ને ખ્યાલ હતો કે ૧૮ વર્ષ એને જેલમાં રાખવામાં આવ્યો છે. એ ગુરુ પણ કેવા છે, ગુરુ દલાઈલામા પેલા ભિક્ષુને પૂછે છે કે ૧૮ વર્ષ તું જેલમાં રહ્યો… એમાં સૌથી અઘરામાં અઘરું શું હતું…? અઘરામાં અઘરું શું હતું? શિષ્યનો જવાબ જુઓ, એ કહે છે ગુરુદેવ! અઘરી વસ્તુ એક જ હતી, અને એ હતી કે બધા ઉપર સદ્ભાવ ટકાવી રાખવો, મૈત્રીભાવ ટકાવી રાખવો, અને એક ક્ષણ માટે પણ એમના પર તિરસ્કાર ન થવા દેવો. એ જેલમાં શારીરિક યાતનાઓ ખુબ અપાતી, ખાવાનું અપૂરતું અપાતું. એ પણ જેવુ તેવું જ હોય, કામ પુષ્કળ કરવાનું, છતાં પણ શિક્ષા રૂપે ફટકા વિગેરે પણ મારે, ૧૮ વર્ષ સુધી એ યાતનાનો દૌર ચાલુ રહ્યો. પણ એ અઘરું લાગતું નહોતું. અઘરું એક જ લાગતું હતું, કે આ સમયગાળાની અંદર મારો મૈત્રીભાવ સહજ પણ ખંડિત ન થાય. ચીની સત્તાવાળા ઉપર, જેલના સત્તાવાળા ઉપર, કે જેલના કર્મચારી ઉપર, અને પછી દલાઈલામાએ પૂછ્યું what’s the result? પરિણામ શું આવ્યું? ત્યારે એણે કહ્યું ગુરુદેવ! પ્રભુની કૃપા, આપની કૃપા. કોઈ સાધક એમ ન કહે કે મેં સાધના સારી કરી. પ્રભુની કૃપા, આપની કૃપા. મને તો એ પણ ખ્યાલ નહોતો કે કેટલા વર્ષ મને જેલમાં રાખવામાં આવશે. ૧૮ વર્ષે હું છૂટ્યો. તો સાહેબ કેવી કૃપા આપની કે ૧૮ વર્ષમાં એક સેકંડ કોઈના માટે તિરસ્કાર મને આવ્યો નથી. આ મૈત્ર્યયોગી. ઈર્ષ્યા આવે? આ મૈત્ર્યયોગીની ઈર્ષ્યા આવે?
યોગદ્રષ્ટિ સમુચ્ચય ભણી ગયા. હવે છે ને એક વાત હું કરતો હોઉં છું સાધુ -ન સાધ્વીજીઓને… તમે તો વાંચતા નથી તો તમને શું કહું..! હું કહું છું, બે વાર – ચાર વાર યોગદ્રષ્ટિ વંચાઈ ગયું, વાંધો નહિ, હવે તમે યોગદ્રષ્ટિ સમુચ્ચય ને એ રીતે લો. પહેલી દ્રષ્ટિનું વર્ણન વાંચો, એમાં કયા કયા ગુણ જોઈએ, કયા દોષ છૂટેલા હોય, એ જોઈ લો, અને એ જો તમને મળેલું હોય તો બીજી દ્રષ્ટિનું વાંચન કરો નહીતર યોગદ્રષ્ટિ સમુચ્ચય ની પુસ્તકને book self માં મૂકી દો, પહેલી દ્રષ્ટિને practically ઘૂંટો.
પહેલી દ્રષ્ટિ આવે, પછી બીજીમાં, પછી ત્રીજીમાં, પછી ચોથીમાં, પછી પાંચમીમાં.. સમ્યગ્દર્શન આ જન્મમાં મેળવવું જ છે, સ્વાનુભૂતિ થવી જ જોઈએ. પ્રભુ તૈયાર, સ્વાનુભૂતિ આપવા… પ્રભુ તો મોક્ષ આપવા તૈયાર છે. પ્રભુ તૈયાર….
ઉપાધ્યાયજી ભગવંતે સ્તવનમાં લખ્યું, “શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણે રે” શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયનું ધ્યાન કરીને પ્રભુની પાસે ગયો, પભુ કહે કે લે, તને મોક્ષ આપું છું. તો મોક્ષ આપવા પ્રભુ તૈયાર છે. તો સમ્યગ્દર્શન આપવા માટે પણ તૈયાર છે… તમારે જોઈએ છે…? જોઈએ છે કે જોઈએ જ છે….?
હિંદુ ભાઈઓમાં એક કહેવત હોય છે “ખાતે પીતે વૈકુંઠ મિલે તો હમકો કહના, ઓર ક્ષીર સાથે મિલે તો દુસરો કો કહના.” જોઈએ છે કે જોઈએ જ છે… પ્રભુની પરમ પ્રીતિમાં જયારે અસ્તિત્વ ઓળગોળ થઇ ગયું હોય ત્યારે તમારી કોઈ ઈચ્છા ન હોય, પ્રભુની જે ઈચ્છા એ તમારી ઈચ્છા. પ્રભુની જે આજ્ઞા એ જ તમારી ઈચ્છા. આ રજોહરણ લેશો ને ત્યારે totally choice less થઈને આવવાનું છે. એટલે અત્યારથી practice પાડો. Choice less થવાની… ઈચ્છા? ઈચ્છા કોઈ નથી, ઈચ્છા એક જ છે પ્રભુમિલનની બસ… બાકી કોઈ ઈચ્છા નથી.
તો સમ્યગ્દર્શન જોઈએ જ છે, એ ભૂમિકા ઉપર આવો… પહેલી દ્રષ્ટિથી સાધના શરૂ કરો, પાંચમી દ્રષ્ટિમાં આવો, it is so easy but if you desire. તમે ઈચ્છો નહિ તો અઘરું જ છે, તો એ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી જીવનને અમૃત બનાવો….