વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : સુહગુરુજોગો
અગણિત જન્મો આપણે ચૂકી ગયા. જે જન્મોને માત્ર પરમાત્માથી ભરવાના હતા, એ જન્મોને વિષય–કષાયથી આપણે ભરી દીધા. અગણિત જન્મો પછી એક અવસર મળ્યો છે કે પ્રભુથી, સદ્ગુરુથી પૂરા હૃદયને, મનને, ચિત્તને, અસ્તિત્વને ભરી દઈએ.
જન્મોની યાત્રામાં અનેક સદ્ગુરુઓ મળ્યા. અગણિત જન્મોમાં એ અવસર હતો કે સુહગુરુજોગો દ્વારા આપણે સીધા જ મોક્ષમાં પહોંચી શકત. પણ બુદ્ધિ અને અહંકારની જુગલબંધીને કારણે આપણો મોક્ષ અટકી ગયો.
જો એક સદ્ગુરુ સમર્પણ તમારી પાસે આવી જાય, તો સદ્ગુરુ સતત તમારી સાથે રહે. તમારા હૃદયમાં રહેલી એ ગુરુચેતના જે શબ્દો તમને મળ્યા, એ શબ્દોને અનુપ્રેક્ષામાં લઇ જવાનું કામ કરે. એ શબ્દોનું અનુપ્રેક્ષણ થાય પછી ક્યારેક અકાર્યમાં જવાનું થાય, ત્યારે એ ભીતર રહેલી સદ્ગુરુ ચેતના તમને રોકે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૫
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
એકવાર એના પરમ પ્રેમમાં આપણે પડ્યા પછી બીજા કોઈના પ્રેમમાં આપણે પડી શકતા નથી. એકવાર માત્ર એકવાર એનો આસ્વાદ મળી જાય, દુનિયાની બધી જ વસ્તુઓ ફીકી ફીકી લાગશે.
સંત કબીરજીએ એક સરસ પદ આપ્યું છે; પદનો ઉઘાડ બહુ મજાનો છે, “મેરો મન અનત કહાં ઉડ જાવે” પદના ઉઘાડમાં કહે છે: “મેરો મન અનત કહાં ઉડ જાવે” – એકવાર આ પ્રભુનો આસ્વાદ લીધો; હવે મારું મન બીજે ક્યાં જઈ શકે! “મેરો મન અનત કહાં ઉડ જાવે”. પછી એક મજાનું ઉદાહરણ આપે છે: “જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે” જુના જમાનામાં જ્યારે હોકાયંત્રો નહોતા, અને વહાણ વટુ તો આપણા દેશમાં સદીઓથી ચાલતું આવ્યું છે. તો જ્યારે હોકાયંત્રો નહોતા, અને વાદળાંથી ઢંકાયેલો દિવસ હોય, દિશાનો ખ્યાલ આવે નહિ, વહાણ ક્યાંક ભટકી પડે. કદાચ એ મધદરિયે પણ પહોંચી જાય, અને એ પછી ત્યાં ને ત્યાં અટવાયા કરે. ઘણા દિવસોથી વહાણ યાત્રાએ નીકળેલું હોય, મીઠા પાણીનો પુરવઠો ખલાસ થવા આવ્યો હોય, રાશન પૂરું થવા આવ્યું હોય, યાત્રિકો કંટાળી ગયેલા હોય, એ વખતે કપ્તાન વિચારે કે ચાલો ભૂલા તો પડ્યા જ છીએ પણ કોઈ પણ બેટ આવી જાય તો સારું. ખલાસીઓ થોડા મોકળા મને ફરી શકે, યાત્રિકો ફરી શકે, મીઠું પાણી બેટ ઉપર મળી જાય, ફળ પણ મળી જાય, પણ બેટ કંઈ બાજુ હશે ખબર શું પડે…?
એ વખતે એ લોકો કબૂતરને પાંજરામાં રાખતા, આવે વખતે કબૂતરને છોડે, કબૂતર સીધા જ આકાશમાં ઉડે, ઉંચે ગયા પછી ક્યાંય પણ બેટ લાગે, તો એ ત્યાં જ જતા રહે, પાંજરામાં આવે નહિ. એ વખતે કપ્તાન બરોબર જુવે, કે આ દિશામાં ગયા અને પાછા આવતાં નથી તો એ દિશામાં બેટ હોવું જોઈએ. પણ ક્યારેક એવું બને, મધ દરિયે વહાણ છે, એકે બાજુ બેટ નથી, કબૂતર ઊંચું ચડે એને દેખાય પણ કેટલું? આખરે ૨૦ – ૨૫ – ૩૦ કિલોમીટર… ત્યાં સુધી એક પણ બેટ નથી. માત્ર પાણી જ પાણી છે તો કબૂતર શું કરે…? વળી પાછું જહાજ ઉપર આવી જાય. એને લાગે છે કે બીજે ક્યાંય આશ્રય મળે એમ નથી તો આ જ આશ્રય બરોબર છે.
તો કબીરજી કહે છે: “મેરો મન અનત કહાં ઉડ જાવે, જૈસે પંખી જહાજ સે ઉડી, ફિર જહાજ પે આવે…” પ્રભુ તારા વિના કોઈ શરણ નથી, અને એટલે હું તારા ચરણોમાં જ રહેવાનો. “અન્યથા શરણં નાસ્તિ, ત્વમેવ શરણં મમ” રોજ તમે કદાચ બોલતા હશો, પણ એ વખતે આ feeling ક્યારેય થઇ…? પ્રભુ હું એકલો અને અટૂલો છું. આ દુનિયાની અંદર મારા માટે કોઈ પણ આધારરૂપ નથી. તું જ એક માત્ર છે જે આધાર આપી શકે. અન્યથા શરણં નાસ્તિ – પ્રભુ તારા ચરણો વિના ક્યાંય પણ સુખ ન મળી શકે, ક્યાંય પણ આનંદ ન મળી શકે.
એકવાર પરમપ્રેમમાં તમે ડૂબ્યા, ડૂબ્યા એટલે ડૂબ્યા… પછી તમને બીજે કયાંય ગમી શકતું નથી. રહેવું પડે એ અલગ વાત છે. સંસારમાં તમે છો, રહેવું પડે છે, રહો છો એ અલગ બાબત છે. પણ તમને ગમે શું? અને એટલે જ આપણે division પાડવું છે, શરીર સંસારમાં, મન પ્રભુમાં. બરોબર? division ગમી ગયું…? અને જો ખરેખર તમે આ કરી શકો ને તો તમારો સંસાર એકદમ ઓછો થઇ જાય. મન સંસારમાં નથી, મન પ્રભુમાં છે તો સંસારમાં તમે જે કાર્યો કરશો એમાં અત્યંત રાગ કે અત્યંત દ્વેષ ભળેલો નહિ હોય.
વંદિતુ સૂત્રમાં આ જ વાત આવી – ‘અપ્પો સિ હોઈ બંધો જેણ ન નિદ્ધંધસં કુણઈ’ મન પ્રભુમાં છે એનું, ગમે છે માત્ર પ્રભુ, ગમે છે માત્ર પ્રભુની આજ્ઞા. રહેવું પડે છે સંસારમાં તો જે સંસારના કાર્યો થશે એ રાચી માચીને નહિ થાય. અને એથી નિર્ધ્વંસતાપૂર્વક કાર્યો ન થવાને કારણે કર્મબંધ અલ્પ થઇ જશે. મન પ્રભુને આપી દો. છો તૈયાર…? આમાં કોઈ મુશ્કેલી નથી… કોઈ માસક્ષમણ તમારે કરવાનું નથી. કરવું હોય તો કરો, આરામથી કરો… ત્રણ ટાઈમ ખાઓ… માત્ર મન પ્રભુને આપી દેવાનું.. પછી તમે છે ને અડધા સાધુ બની જવાના… બનવું છે? અમે લોકોએ શરીર પણ પ્રભુને આપ્યું, મન પણ પ્રભુને આપ્યું, અને તમે મન પ્રભુને આપી દો, તો હિંગળાજ ના હડે પહોંચી ગયા.
એક હિંદુ સંતની બહુ જ પ્યારી ઘટના યાદ આવે છે, એટલા બધા એ નિઃસ્પૃહી કે એક શિષ્ય કરવાની એમણે ઈચ્છા નથી કરી. By the way એક વાત કહું, કયા ગુરુઓ તમને સ્વીકારે, કયા ગુરુઓ તમને ન સ્વીકારે… એવા પણ સદ્ગુરુઓ છે જેમણે માત્ર ભીતર ડૂબવાનું છે. તમે એમની પાસે જાવ, અને કહો સાહેબજી મારે આપના શિષ્ય બનવું છે… એ ગુરુ ના પાડશે. એ સદ્ગુરુ કહી દેશે કે હું તને નામ આપું ત્યાં તું પહોંચી જા. અને એ વ્યક્તિને ગુરુ પદે સ્થાપી દે, હું એટલો ભીતર પહોંચી ગયો છું કે બહાર આવીને તારું યોગ અને ક્ષેમ પણ હું કરી શકું એમ નથી.
ભગવદ્ ગીતાએ બે મજાના સૂત્રો આપ્યા: એક સૂત્ર શિષ્યનું છે, એક ગુરુનું છે. અર્જુન શિષ્ય છે, એ કહે છે ‘करिष्ये वचनम् तव’ ગુરુદેવ! તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. કોઈ વિચાર મને નહિ આવે. અમારે ત્યાં કહ્યું છે: ગુરુની આજ્ઞા આવે અને શિષ્ય વિચારે કે આ મને અનુકુળ છે અને તહત્તિ કરે, તો એ શિષ્ય શિષ્યત્વમાંથી બાકાત થઇ ગયો. એક જ વાત: करिष्ये वचनम् तव’. ગુરુદેવ તમારી જે આજ્ઞા હશે…એને હું માથે ચડાવીશ. અને એ વખતે ગુરુ ચેતના કોલ આપે છે: योगक्षेमं वहाम्यहम् – તારા યોગ અને ક્ષેમની જવાબદારી મારી.. અને એક વાત યાદ રાખજો કોઈ પણ સદ્ગુરુ યોગ અને ક્ષેમ કરવાની જવાબદારી લે છે, પુરેપુરી જવાબદારી લે છે, પણ conditionally છે, શરતે છે. તમે જ્યારે કહો છો, करिष्ये वचनम् तव – ગુરુદેવ આપની આજ્ઞા એ જ મારે માટે પ્રમાણરૂપ છે, અને એ રીતે તમે સદ્ગુરુને સંપૂર્ણતયા હોવ છો, ત્યારે તમારા યોગ અને ક્ષેમની પુરી જવાબદારી ગુરુ ચેતનાની છે.
હું તો ત્યાં સુધી કહું છું કે તમારી પાસે જો સમર્પણ છે તો ગુરુ ચેતના તમને કહે છે કે મોક્ષ આપવા માટે તને હું બંધાયેલો છું. ગુરુ ચેતના તૈયાર… તમે તૈયાર…? મોક્ષ… આપી દઈએ… બોલો… જોઈએ…? એક જ માત્ર વાત છે: ‘આણાએ ધમ્મો’ શાસ્ત્રમાં એક બહુ જ પ્યારી ઘટના આવે છે. ગુરુ ભગવંત પાટ ઉપર બિરાજમાન, શિષ્ય બાજુમાં બેઠેલો… અમારે ત્યાં શિષ્યની એક બહુ મજાની સજ્જતાની વાત આચારાંગ સૂત્રમાં કરાઈ છે. તમને કહેવા માંડું ને પાછો, temporary માંથી permanent બનાવવાના છે ને પાછા.
તો આચારાંગ સૂત્રમાં કહ્યું ‘તદ્દ દિટ્ઠીએ’ શિષ્યની દ્રષ્ટિ માત્ર ને માત્ર ગુરુ તરફ હોય. ગુરુદેવ શું મને કહે છે… અને એટલે ગુરુને ક્યારેય શબ્દોમાં પણ ઉતરવું પડતું નથી. ગુરૂદેવનો એક ઈશારો અને શિષ્ય એને ડીકોડ કરી દે છે. ગુરુના ચહેરા પરનો હાવભાવ, facial expression અને શિષ્ય સમજી જાય છે કે ગુરુ શું કહેવા માંગે છે. તો શિષ્ય તદ્ દ્રષ્ટિક બનીને બેઠેલો એમાં એક સાપ નીકળે છે, ગામડાનો ઉપાશ્રય, બાજુમાં જંગલ હતું. એક સાપ નીકળ્યો, ઉપાશ્રયમાં આવ્યો, ગુરુદેવે સાપને જોયો અને શિષ્યને કહ્યું પકડ… સાપને પકડાય…? ગુરુ કહે છે; સાપને પકડ, એના દાંત ગણ…ભાઈ સાપના દાંત ગણીને શું કરવાનું…? સાધના ઉંચે જવાની…? તમે હોય તો આ જ વિચાર કરો ને..? પણ આ શિષ્ય ગુરુની આજ્ઞા આવી, સાપને પકડ, એના દાંત ગણ… કોઈ વિચાર નહિ, સાપને પકડવાની કોશિશ કરી… પકડ્યો, હાથમાં આવી પણ ગયો, પણ સાપે ડંખ માર્યો. સીધો જ હાથ પર ડંખ માર્યો, એ ડંખની વેદનાથી પકડ છૂટી ગઈ, સાપ નીચે પડ્યો. સાપે ડંખ માર્યો છે, વેદના એની ચાલુ છે, પણ ગુરુની આજ્ઞા છે સાપને પકડવાનો, દાંત ગણવાના, ફરીથી એ સાપને પકડવા માટે જાય છે. ગુરુ કહે છે નહિ, હવે જવા દે એને… શિષ્ય આસન પર જઈને બેસી ગયો. વિચાર નથી આવતો, પહેલા કહો છો સાપને પકડ, દાંત ગણ… હવે કહો છો જવા દો…
આ મારું અને તમારું ઠેકાણું કેમ ન પડ્યું ખબર છે..? આ બુદ્ધિને કારણે.. બુદ્ધિ અને અહંકારની જુગલબંધી છે, એ બુદ્ધિ અને અહંકારની જુગલબંધીને કારણે મારો પણ મોક્ષ અટકી ગયો, તમારો પણ મોક્ષ અટકી ગયો… આવા સદ્ગુરુઓ આપણને મળેલા અતિતની યાત્રામાં, પણ આપણે બુદ્ધિવાદી માણસો, કેમ ભાઈ પહેલી વાત તો એક જ સાપના દાંત ગણવાથી સાધનામાર્ગમાં કઈ રીતે આગળ જવાય એનું સ્પષ્ટીકરણ કરો બસ… હું અહીંયા સાધના કરવા આવ્યો છું, સાપના દાંત ગણવા આવ્યો છું… મારા બાપે મને એટલા માટે મોકલ્યો છે.. આ બુદ્ધિ… એ બુદ્ધિને છોડવી છે? અગણિત જન્મોમાં સદ્ગુરુઓ મળ્યા. અગણિત જન્મોમાં એ અવસર હતો, કે એ ‘સુહગુરુજોગો’ દ્વારા આપણે સીધા જ મોક્ષમાં પહોંચી શકત. આપણા મોક્ષને રોકનાર એ બુદ્ધિને છોડવી છે હવે…? કે હજુ પંપાળવી છે…?
સંસ્કૃતમાં એક મજાનું સુભાષિત આવે છે, “અહંકારો દીયમ્ બૃતે મયનં સુત્ત મુત્થાપહા” અહંકાર બુદ્ધિને કહે છે, કે આત્મા સુઈ ગયો છે ને, એને જગાડીશ નહિ, જો એ જાગી ગયો ને તો ‘નત્વં નાSહં’ તું પણ નહિ અને હું પણ નહિ… એટલે તમે સુતેલા છો, તમે અજાગૃત છો એટલે બુદ્ધિ અને અહંકારનું ચડી વાગ્યું છે. જાગૃત બનો…. મારી કલ્યાણની યાત્રાને રોકનાર જે પણ તત્વ હોય એને હું મારા ઘરમાં સ્થાન આપું? તો એવા સદ્ગુરુઓ હોય જેમને માત્ર ભીતર જવું છે, તમે એમની પાસે આવ્યા તમે કહ્યું, સાહેબજી! આપના જ શિષ્ય મારે બનવું છે, ગુરુ ના પાડશે, હું તારું યોગક્ષેમ કરી શકું એમ નથી, મારે માત્ર મારી ભીતર જવાનું છે.
પેલા સદ્ગુરુ પણ એવા હતા અને એટલે શિષ્યોને એમણે ક્યારેય કર્યા નથી. હિંદુ ગુરુ હતા, એક આશ્રમ સ્થાપ્યો નથી. એક રાજા એમનો ભક્ત છે, એકવાર રાજાના બહુ જ આગ્રહથી રાજાની પાટનગરીમાં જવાનું થયું, રાજાએ સ્વાગતયાત્રા સરસ રીતે કાઢી. હજારો લોકો ભેગા થયા, ગુરુએ પ્રવચન આપ્યું, પ્રવચન પૂરું થયું, લોકો વિખેરાયા.
પ્રવચન પૂરું થાય, તમે વિખેરાઓ પણ ગુરુને સાથે લઈને કેમ? કેમ ભાઈ બરોબર… દેરાસરમાંથી નીકળવું પડે ત્યારે શું કરો…? પ્રભુને કહો કે નહિ… કે પ્રભુ તારી જોડે રહેવું બહુ ગમે છે પણ હવે મારે બીજા કામ પણ છે, અને એટલે મારે જવું પડે એમ છે, તો હું તારા દેરાસરમાં રહી શકતો નથી, હું તારી સાથે રહી શકતો નથી, પણ તું મારી સાથે રહેજે કહો છો કે નહિ.. એવું જ વ્યાખ્યાન પૂરું થયું જવું જ પડે એમ છે, તમે નીકળો પણ ખરા.. પણ એ વખતે ગુરુ ચેતનાને તમે કહી શકો કે સાહેબ! તમે મારી જોડે રહેજો…..
એ ગુરુ ચેતના તમારા હૃદયમાં રહેલી શું કરે… પહેલું કામ તો કરે, જે શબ્દો તમને મળ્યા, એ શબ્દોને અનુપ્રેક્ષામાં લઇ જવાનું કામ કરે… તમને ભલે એકાદ point જ યાદ રહે, મને કોઈ વાંધો નથી… ઘણા લોકો કહેતા હોય સાહેબ! લખવા જઈએ ને તો મજા નથી આવતી, હું કહું છું લખવાનું નહિ, ખાલી ગુરુને જોયા કરો… એકાદ point યાદ રહ્યો તો પણ ઠીક છે, ન રહ્યો તો પણ વાંધો નથી. અમારું throwing એવું છે ને કે તમારા unconscious સુધી અમારો પેશારો થઇ જવાનો છે. અમે માનીએ છીએ કે ભલે કલાક માટે, કે પોણો કલાક માટે તમે અમને મન તો આપ્યું.. એ મન આપ્યું તો પૂરેપૂરું એને કવર કરી નાંખીએ અમે…
તો સાચું કહેજો એક કલાક અહીંયા બેસો, શરીર તો તમારું બેઠેલું દેખાય જ છે, મન… મન અહીંયા જ… કે વચ્ચે વચ્ચે બહાર ભાગી આવે… ક્યારેક સમાધિ પણ લાગી જાય… હું છે ને બહુ ઊંડાણમાં એટલા માટે જતો નથી… કે તમને સમાધિ લાગી જાય તો મારે શું કરવાનું… તો સદ્ગુરુ તમારી સાથે રહે, તમે ખાલી પ્રાર્થના કરો, સદ્ગુરુ ચેતના તમારી જોડે રહે… એ શબ્દોનું અનુપ્રેક્ષણ થાય… અને ક્યારેક અકાર્યમાં જવાનું થાય, ત્યારે એ ભીતર રહેલી સદ્ગુરુ ચેતના તમને રોકે…
ભાગવત્ ભક્તિનો બહુ મજાનો ગ્રંથ છે, એ ભાગવત્ ની એક બહુ સરસ પંક્તિ છે, “ત્વયા ઋષિકેષ હૃદયે સ્થિતેન યથા નિયોકતોસ્મિ તથા કરોમિ” હે પ્રભુ! તું મારા હૃદયમાં છે, તું અંતર્યામી છે, તું મને જે રીતે સુચના આપે છે, એ જ રીતે હું કરું છું, એ જ રીતે મારે કરવું છે. પ્રભુ અંતર્યામી, સદ્ગુરુ અંતર્યામી… એ ગુરુ આવ્યા, પ્રવચન પૂરું થયું, લોકો વિખેરાયા. રાજા પાછળથી બેઠેલો, રાજાએ પૂછ્યું ગુરુદેવ! હું તો આપને રોજ યાદ કરું છું, આપ મને યાદ કરો છો ખરા..? એ વખતે ગુરુએ કહ્યું, કોક નબળી પળે મને તારી યાદ આવે છે, ક્યારેક વિચાર આવે કે શરીર શરીરનો ભાગ ભજવશે, વૃદ્ધાવસ્થા આવશે, હું ચાલી પણ નહિ શકું, આશ્રમ છે નહિ મારી પાસે, ક્યાં રહીશ… એ વખતે યાદ આવે એક રાજા મારો ભક્ત છે એના guest house માં આખી જિંદગી પુરી કરીશ તો પણ વાંધો નથી. એટલે કોક નબળી પળોમાં મને તારી યાદ આવતી, પણ એ પછી પ્રભુની પાસે પોશ પોશ આંસુએ હું રડતો… કે પ્રભુ! એ રાજાની યાદ મને આવી, એનો મતલબ એ થયો કે એ ક્ષણોમાં હું તારી સાથે નહોતો. મારે ૨૪ કલાક તારી સાથે રહેવું છે. એક ક્ષણ હું તારાથી વિખુટો કેમ રહી શકું…! અમારો જે આનંદ છે ને, એ ‘એ’ની સાથે હોવાનો છે… અને કેવી મજાની વાત ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા… આપણે વિનંતી કરી અને આપણા હૃદયમાં પધારી જાય. આનાથી મોટી ઘટના કઈ હોઈ શકે?
તો આ સંતની એક ભૂમિકા હતી, મજાની ભૂમિકા… તમારી પાસે પણ આવી ભૂમિકા છે, તમારી ભીતર હું જ્યારે ઝાકું છું ત્યારે મને દેખાય છે કે પ્રભુ પરની જે શ્રદ્ધા તમારી પાસે છે એ તમને પણ પ્રભુમય બનાવી શકે છે. તમારા મનને ૨૪ કલાક પ્રભુમય બનાવી શકે એવું રો- મટીરીયલ તમારી પાસે છે. અને રો- મટીરીયલ તમારી પાસે હોય ને તો અમે કામ કરીને તમને પ્રભુમય બનાવી પણ દઈએ.
સ્થૂલભદ્રજી ગુરુ સંભૂતિવિજય મહારાજ પાસે ગયા અને કહ્યું ગુરુદેવ! મને દીક્ષા આપો. ગીતાર્થ ગુરુ એટલે શું તમને ખ્યાલ આવશે. સામાન્ય કોઈ પણ ગુરુ હોય, અને જેને સ્થૂલભદ્રનો biodata ખ્યાલ હોય એ દીક્ષા આપવાનો વિચાર પણ કરી શકે…? આ માણસ…! એનો સગો બાપ મરવા પડ્યો, અને એને સંદેશ મોકલ્યો તો પણ એ વેશ્યાને ત્યાંથી આવવા તૈયાર નથી, એ કહે છે મારે શું કરવાનું આમાં, વૈદ્યને બોલાવો. સગો બાપ મરવા પડ્યો છે, વેશ્યાને ત્યાંથી ૫ મિનિટ માટે બાપને મળવા જવા જે તૈયાર નથી, એ માણસ કહે છે મને દીક્ષા આપો. સામાન્ય સદ્ગુરુ ન આપે, પણ સંભૂતિવિજય ગુરુ ગીતાર્થ ગુરુ છે. અને એમને જોયું કે વાંધો નથી. મારા શક્તિપાતને એ ઝીલી શકે એમ છે…
કોઈ પણ ડોક્ટર શું જોવે? કોઈ પણ patient ને કોઈ પણ હોસ્પિટલમાં લઇ ગયા, તો ડોક્ટર કહેશે કે ભાઈ આ કેસને ફોરવર્ડ કરો, આ હૃદયની તકલીફ છે, અને એના માટે અમારે ત્યાં કોઈ વ્યવસ્થા નથી. પણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ છે બધું જ ત્યાં છે તો એ કહી દે ચાલો મૂકી દો દર્દીને અહીંયા, અમે એને સ્વસ્થ કરીને બહાર આપશું.
ગુરુએ જોયું, શક્તિપાત મારે કરવાનો છે, એ ઝીલી શકે એમ છે, વાત પુરી થઇ ગઈ.
એ ગુરુએ કરેમિ ભંતે આપ્યો, શક્તિપાત કર્યો છે, તમે બધા પણ કેટલા બડભાગી છો, સામાયિક માં હોવ કરેમિ ભંતે મળે એટલે શું થયું… ગુરુનું શબ્દ શક્તિપાત મળ્યો… હું કહેતો હોઉં છું એ શક્તિપાત મળ્યા પછી તમે રાગ – દ્વેષમાં ન જાઓ એમ નહિ, જઈ શકો નહિ. બરોબર ને…શક્તિપાત થઇ ગયો છે ને…રાગ અને દ્વેષમાં, અહંકારમાં એક ક્ષણ તમે જઈ ન શકો… કારણ કે સદ્ગુરુનો શક્તિપાત તમને મળ્યો છે.
જે કરેમિ ભંતે સંભૂતિવિજય ગુરુએ સ્થૂલભદ્રજીને આપ્યું એ જ કરેમિ ભંતે અમે તમને આપ્યું છે, કોઈ ફરક નથી. અને એવા જ શક્તિપાતથી આપ્યું છે. મેં વચ્ચે કહેલું ગરબડ ક્યાં થઇ…? ઝીલાયું નહિ… એટલે સદ્ગુરુ duel action કરે છે, તમને શક્તિપાતને ઝીલવા માટે પહેલા તૈયાર કરવા છે. બાકી એક વાત કહું આ ચાર મહિનાના પ્રવચન ને આ બધું કાંઈ જોઈએ નહિ, એક સેકંડ તમારી ને શક્તિપાત…. પણ શક્તિપાત ઝીલવા માટે તમે તૈયાર થાવ એના માટે વર્ષો સુધી નહિ, જન્મોથી ગુરુ ચેતના તમારા ઉપર કામ કરી રહી છે. જન્મોથી… કેટલી રાહ જોવડાવાની છે હવે… જન્મોથી તમારા ઉપર ગુરુ ચેતના તમારા ઉપર કામ કરી રહી છે. ક્યારે આ તૈયાર થાય અને ક્યારે શક્તિપાત કરી દઉં…
સ્થૂલભદ્રજી ઉપર શક્તિપાત થયો. પૂરું મન, હૃદય, ચિત્ત, વ્યક્તિત્વ બદલાઈ ગયું. ગુરુ જે રીતે એના મનને, એના ચિત્તને, એના અસ્તિત્વને વળાંક આપવા માંગતા હતા, એ વળાંક એક સેકંડમાં મળી ગયો. ક્યાં સુધીની વાત થઇ…! ચોમાસું આવ્યું અને સ્થૂલભદ્રજી કહે છે સાહેબ! વેશ્યાને ત્યાં જાઉં ચોમાસું કરવા? જા.. વિશ્વાસ છે… ગુરુનો તમારા ઉપર વિશ્વાસ હોય, ગુરુની તમારા ઉપર શ્રદ્ધા હોય, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘટના છે.
શાસ્ત્રએ કહ્યું કે આપણા હૃદયમાં સદ્ગુરુ તો હોય જ છે, પણ સદ્ગુરુના હૃદયમાં જ્યારે આપણો વાસ થાય ત્યારે આપણે માનવાનું કે આપણે ધન્યથી પણ અતિધન્ય બની ગયા. ગુરુએ કહ્યું જા, કોઈ વાંધો નથી. સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાં ગયા એમ તમે સમજો છો, હું કહીશ સ્થૂલભદ્રજી એ ગુરુના ઓરા ફિલ્ડમાં જ હતા. ઉપાશ્રયમાં રહ્યા અને ગુરુના ઓરા ફિલ્ડમાં હતા, ગુરુના ચરણોમાં હતા, એ જ રીતે એ વેશ્યાને ત્યાં ગયા પછી પણ ગુરુના ઓરા ફિલ્ડમાં છે, ગુરુના ચરણોમાં છે. એમને એક ક્ષણ એવું નથી લાગ્યું કે હું ગુરુ વગરનો છું. ગુરુ મારી જોડે જ છે. અને ગુરુ મારું યોગક્ષેમ કરી રહ્યા છે. આ અનુભવ મારે તમને કરાવવો છે.
એક સમર્પણ તમારું અને તમને અનુભવ થાય કે સદ્ગુરુ ચેતના યોગ અને ક્ષેમ કરી રહી છે. ગુરુ દૂર હોય ભૌતિક રૂપે એ કાંઈ મોટી વાત નથી. તમે એ સદ્ગુરુની ઉર્જાને કંઈ રીતે લઇ શકો છો એની ક્ષમતાની વાત છે, મારી શિબિરના પ્રવચનમાં એકવાર મેં કહેલું કે ગુરુ ગમે એટલા દૂર હોય ને તમને શું વાંધો આવે… આજના યુગમાં ગમે એટલો દૂર રહેલો માણસ હોય તમે એની જોડે વિડીયો કોલથી આમને – સામને વાત કરી શકો છો… અમારે ત્યાં તો પહેલેથી આ વ્યવસ્થા છે. ગુરુ ગમે એટલા દૂર રહ્યા તમે યાદ કરો; તમે ગુરુની સાથે છો.
એક શિબિરના પ્રવચનોમાં અમેરિકાના ઘણા બધા ભક્તો આવેલા, એ ભક્તો એટલા બધા રાજી થયા એ કહે કે સાહેબ! અમારા મનમાં એક અફસોસ હતો કે અમારે અમેરિકા રહેવું પડે છે, ઈચ્છા તો છે ક્યારે ભારત આવી જઈએ.. પણ ધંધો સમેટતા વાર લાગે એમ છે, પણ અમારા મનમાં એક વસવસો હતો કે અમે ગુરુથી દૂર છીએ, પણ આજે આપે કહી દીધું, વચન આપી દીધું ગુરુ નજીક છે, તો હવે અમને ક્યારેય પણ નહિ લાગે કે ગુરુ અમારાથી દૂર છે.
સ્થૂલભદ્રજી ગુરુની સાથે જ છે, વેશ્યાની જોડે નથી. તમે અહીંથી સંસારમાં જવાના, તમે કોની જોડે…? દર્પણ બે જાતના હોય, એક સાદું દર્પણ જેમાં સામે હોય એનું પ્રતિબિંબ પડે, પણ મારે તમારા મનને જાદુઈ દર્પણ માં ફેરવવું છે, એ જાદુઈ દર્પણ એવું હોય કે જેમાં તમે ઈચ્છો એનું જ પ્રતિબિંબ પડે.
કલાપૂર્ણસૂરિ દાદા હતા ને આવી રીતે પ્રવચન આપતા, હજાર – બે હજાર લોકો સામે હોય, સાહેબની સામે એકેય માણસ નહોતો. એકેય શ્રોતા સાહેબની સામે નહોતો રહેતો. સાહેબ ની સામે માત્ર ભગવાન જ રહેતા. એક જાદુઈ દર્પણ હતું. તમને આજે ભેટ આપી દઉં… કે જે સામે જુએ એની છબી નહિ પાડો. પ્રભુની જ છબી પાડ્યા કરો…
એ જ સ્થૂલભદ્રજી વેશ્યાને ત્યાંથી આવ્યા, એ પહેલા સિંહ ગુફાવાસી મુનિ આવી ગયા, સાપના રાફડા પાસે રહેનારા મુનિ આવી ગયા, ગુરુએ બધાને શાબાશી આપી, ઉપબૃંહણા કરેલી, દુષ્કર કારજ કર્યું. સ્થૂલભદ્રજી આવ્યા, અને ગુરુએ જોરથી પીઠ થાબડી, અને કહ્યું દુષ્કર દુષ્કર કારજ થયું.
પરંપરામાં એક મજાનો અર્થ છે, કે પ્રતિકૂળતામાં સાધના કરવી એ દુષ્કર કામ હતું. પણ અનુકૂળતાની વચ્ચે સાધના કરવી એ તો વધુ દુષ્કર હતું. એટલે તે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું. બીજો પણ એક એંગલ છે, એ એંગલ પણ મજાનો છે, એ એંગલ એવો છે કે ગુરુ એમ કહે છે કે તે બે દુષ્કર કાર્યો કર્યા… પહેલું દુષ્કર કાર્ય તો એ કે ગુરુના શક્તિપાતને તે ઝીલ્યો, ગુરુ કહેતાં કે શક્તિપાત કરવા માટે બધા ઉપર હું તૈયાર છું. ઝીલનાર ક્યાં મળે છે…? તો ગુરુ કહે છે, કે પહેલું દુષ્કર કાર્ય તે એ કર્યું કે ગુરુના શક્તિપાતને તે ઝીલ્યો… આમાં દુષ્કરતા એ આવી સંપૂર્ણ સમર્પણની… જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ તમારી પાસે હોતું નથી ત્યાં સુધી કોઈ પણ સદ્ગુરુ શક્તિપાત કરી શકતા નથી. અને એટલે જ હું કહું છું કે ૯૯% grace, ૧% effort. તમારે માત્ર સમર્પણ કરવાનું છે. બાકીનું બધું જ કામ પ્રભુની અને સદ્ગુરુની કૃપા કરી દેશે.
તો સંપૂર્ણ સમર્પણ સ્થૂલભદ્રજીનું ગુરુ ચરણોમાં હતું. તો ગુરુએ કહ્યું કે પહેલું દુષ્કર કામ તે એ કર્યું કે મારા શક્તિપાતને ઝીલ્યો. અને બીજું દુષ્કર કાર્ય એ કર્યું, આટલી દૂર ગયો અને છતાં તું મારા ઓરા ફિલ્ડમાં જ રહ્યો. તમારે આ બે કામ કરવાના, મેં પહેલા કહ્યું ને કે ગુરુને સાથે લઈને જવાનું, આ સાથે આવી ગયા… પણ એના માટે બે કામ કરવાના.. સદ્ગુરુ સમર્પણ. એટલે જ્યાં પણ તમે હોય ત્યાં તમને લાગે કે તમે સદ્ગુરુના ઓરા ફિલ્ડમાં છો. સદ્ગુરુના ઉર્જા ક્ષેત્રમાં છો. પ્રભુ તૈયાર… સદ્ગુરુ તૈયાર… તમે તૈયાર…? બીજથી આપણે શરૂઆત કરી… આજે બીજ આવી ગઈ… તૈયાર…?
અનંતકાળની અંદર જે તક નથી મળી એ અવસર આ જન્મમાં મળ્યો છે. અગણિત જન્મોને આપણે ચુકી ગયા, જે જન્મોને માત્ર પરમાત્માથી ભરવાના હતા, એ જન્મોને વિષય – કષાયથી આપણે ભરી દીધા. અગણિત જન્મો પછી એક અવસર મળ્યો છે કે પ્રભુથી, સદ્ગુરુથી પૂરા હૃદયને, મનને, ચિત્તને, અસ્તિત્વને ભરી દઈએ.
એકવાર પરમપ્રેમ પ્રભુ સાથે થઇ જાય, એકવાર એનો આસ્વાદ મણાય જાય તમે બીજે ક્યાંય જઈ શકશો નહિ.