વાચના દાતા : ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંત
Subject : અજપાજાપ
પ્રભુ મારા પ્રિયતમ. એ પ્રભુના પરમપ્રેમનો આસ્વાદ એટલો તો મધુરો હોય કે જેની તુલનામાં દુનિયાનો બીજો કોઈ આસ્વાદ આવી શકે નહિ. ઇન્દ્રિયો, મન, અને ચિત્ત પૂરેપૂરા એ પરમપ્રેમના આસ્વાદથી ભરાઈ જાય પછી બીજું કાંઈ છોડવું ન પડે; બધું છૂટી જાય.
આપણે ત્યાં ભારતમાં આપણે હૃદયને blood pumping station કહેતાં નથી. આપણે ત્યાં હૃદયનો અર્થ છે એવું એક તંત્ર જે ચોવીસ કલાક પ્રભુમય હોય. આપણી પરંપરાએ મનને પ્રભુમય બનાવવા માટે ઘણી મજાની techniques આપી છે. એમાંની એક છે અજપાજાપ.
અજપાજાપનો મતલબ એ થાય કે આવશ્યક ક્રિયા તમે કરો ત્યારે તમારું મન આવશ્યક ક્રિયામાં હોય, પણ એ સિવાયની ખાવા–પીવા આદિ કોઈ પણ ક્રિયા તમે કરો, ત્યારે તમારા મનની અંદર જાપનું એ પદ, એ મંત્ર સતત રટાયા કરે. મન પરમાં ન જાય, અને પ્રભુમાં જ રહે – એના માટેની આ best technique છે.
ગોરેગાંવ ચાતુર્માસ વાચના – ૧૬
પૂજ્યપાદ આનંદઘનજી ભગવંતની પરાવાણી – ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે
પ્રભુ મારા પ્રિયતમ. એ પ્રભુનો પરમપ્રેમ એકવાર આસ્વાદમાં આવે દુનિયા પુરી છૂટી જાય, બીજું કાંઈ છોડવું ન પડે; છૂટી જાય. એનો આસ્વાદ એટલો તો મધુરો હોય કે જેની તુલનામાં દુનિયાનો બીજો કોઈ આસ્વાદ આવી શકે નહિ; ઇન્દ્રિયો, મન, અને ચિત્ત પુરા પુરા એ પરમપ્રેમના આસ્વાદથી ભરાઈ જાય.
આપણા કવિ સુંદરમ્ નું એક ગોપી ગીત છે: ઉઘાડ બહુ જ પ્યારો છે, “હમ જમના કે તીર ભરત નીર હમરો ઘટ ન ભરાય” ગોપી યમુનાને કાંઠે ગઈ છે, જો કે ગોપી યમુનાને કાંઠે ગઈ છે એમ કહેવું એ over statement ગણાય… ગોપીનું શરીર યમુના નદીને કાંઠે ગયું છે, એનું મન તો પ્રભુમાં છે. મન પ્રભુમાં છે, ગોપી યમુનાને કાંઠે ગઈ, પ્રવાહમાં ઘડો બરોબર મુકાતો નથી અને એટલે ભરાતો નથી. એ વખતે ગોપી કહે છે, “હમ જમના કે તીર ભરત નીર હમરો ઘટ ન ભરાય” પણ આખરે ભક્ત હૃદય છે, ભક્ત ફરિયાદ કરે તો પણ પ્રભુને જ કરશે. એના માટે પ્રભુ સિવાય દુનિયામાં કંઈ છે જ નહિ તો કરે શું…? પ્રભુને કહે છે – એસો ઘટ કયું તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઇ” પ્રભુ તે ઘડો પણ એવો આપ્યો છે, કે એ ઘડો મારા હાથમાં છે ભરાતો નથી, મતલબ એ ઘડાને પણ તારી જોડે સંબંધ છે, મારી જોડે નથી.
એકવાર એવું બન્યું, લક્ષ્મીશંકર મંચ ઉપરથી આ ગીતને આલાપી રહ્યા છે અને auditorium માં સુંદરમ્ પોતે બેઠા છે અને જોડે ઉમાશંકર જોશી બેઠેલા છે. સુંદરમ્ ભક્ત હૃદય કવિ લક્ષ્મીશંકર ગીતની કડીઓને આલાપે છે. ‘હમરો ઘટ ન ભરાય, એસો ઘટ કયું તુમને દિયો’ સુંદરમ્ ની આંખો છલછલાઈ આવે છે. સુંદરમ્ ઉમાશંકર જોશીને કહે છે – ઉમાશંકરભાઈ ઇન્દ્રિયોનો આ ઘડો, મનનો અને ચિત્તનો આ ધડો જો ભરાવાનો નથી તો સર્જનહારે આપ્યો શું કામ…? આંખો મળી, દર્શન હજી પ્રભુએ આપ્યું નથી. પ્રભુએ આ ઇન્દ્રિયોનો ઘડો, મનનો ઘડો, ચિત્તનો ઘડો આપ્યો શા માટે…! જો એને ભરવો નથી તો… આંસુ આંખોમાં, તો પ્રભુ ન મળે ઇન્દ્રિયોનો શું અર્થ? આ હૃદયમાં પ્રભુ ન ઝલકે તો હ્રદયનો શું અર્થ?
આપણે ત્યાં ભારતમાં આપણે હૃદયને blood pumping station કહેતાં નથી. આપણે ત્યાં હૃદયનો અર્થ છે, એવું એક તંત્ર જે પ્રભુમય ૨૪ કલાક હોય. આજે મારે વાત કરવી છે કે આપણી પરંપરાએ મનને પ્રભુમય બનાવવા માટે કેટલી તો મજાની ટેકનીક્સ આપી છે… પહેલી ટેકનીક છે અજપાજપ. આ એક બહુ મજાની ટેકનીક છે. ગુરુ તમને એક નાનકડો મંત્ર આપે, એ અર્હમ્ પણ હોઈ શકે, નમો અરિહંતાણં પણ હોઈ શકે.. અજપાજપનો મતલબ એ થાય કે આવશ્યક ક્રિયા તમે કરો ત્યારે તમારું મન આવશ્યક ક્રિયામાં હોય, પણ એ સિવાયની ખાવા – પીવા આદિની કોઈ પણ ક્રિયા તમે કરો ત્યારે તમારા મનની અંદર એ પદ, એ મંત્ર સતત રટાયા કરે.
મને એક ઘટના યાદ આવે, લગભગ ૬૦ વર્ષ પહેલાં ગુરુદેવનું ચોમાસું મહેસાણાની પાસે જોટાણા ગામમાં હતું. જૈનોના ઘર એટલા બધા નહિ, પણ હિંદુ લોકો બહુ જ ભાવુક. પ્રવચનમાં સૌથી પહેલાં હિંદુ ભાઈઓ બેઠેલા હોય, ગામના એક અગ્રણી પટેલ હરિભાઈ સંપૂર્ણ મૌનમાં, અને એમને ગુરુએ જે મંત્ર આપેલો તેનો અજપાજપ ચાલતો હોય. એકવાર બપોરે ગુરુદેવ પાસે એ હરિભાઈ આવ્યા, હું જોડે બેઠેલો, એમને કંઈક પૂછવું હતું, પણ એ તો બોલતાં નહોતા, સંપૂર્ણ મૌનમાં હતા. નોટમાં લખીને આપતા… ગુરુદેવ એનો જવાબ આપતા…
એમના પ્રશ્નો પતી ગયા પછી ગુરુદેવે એમને પ્રશ્ન કર્યો, કે હરિભાઈ તમે સતત ગુરુએ આપેલ રામ નામનો જાપ કરો છો, કદાચ પૂરો દિવસ તમારો એ જાપ ચાલતો હશે, રાત્રે શું થાય છે…? રાત્રે શરીર સુઈ જાય ત્યારે જાપ ચાલુ હોય છે? ભક્તની નમ્રોક્તી કેવી મજાની હોય છે, એ હરિભાઈ કહે છે સાહેબ શિયાળાની રાતમાં ૨ – ૩ વાર બાથરૂમ જવા માટે ઉઠવું પડે છે પણ જે વખતે ઉઠું છું એ વખતે જાપ ચાલુ હોય છે….. એટલે માનું છું કે કદાચ ઊંઘમાં પણ ચાલુ રહેતો હશે, બાકી તો ઉપરવાળો જાણે… સૂઈ કોણ જાય બોલો ભાઈ… જે થાકે તે સુએ. શરીર થાકે એને સુવાડી દઈએ… conscious mind વિચારો કરી – કરીને થાકી જાય, એને પણ સુવાડી દઈએ, પણ તમારે ક્યાં સુવાનું છે…? સુએ કોણ? થાકે તે સુએ.
અત્યારે યોગિક ભાષામાં આ અવસ્થા માટે એક સરસ શબ્દ આવ્યો, conscious sleep. શરીર સુતેલું છે, conscious mind સુતેલું છે, તમે જાગતાં છો. Actually આપણે સાધના આ જ કરવી છે. આપણા ઉપયોગને છૂટો કરવો છે, માત્ર મન એ તમે નથી. મનને નિયંત્રણ આપનાર જે ઉપયોગ છે એ તમે છો. તો હરિભાઈ કહે છે સાહેબ! જ્યારે જાગું છું એ વખતે જાપ ચાલુ હોય છે, એટલે માનું છું કે કદાચ રાત્રે ચાલુ રહેતો હોય બાકી તો ઉપરવાળો જાણે.
થોડા સમય પહેલાં દિલ્લીમાં વિનોબાજીની પત્રકાર પરિષદ હતી, દેશના જ નહિ, વિદેશના પણ નામાંકિત પત્રકારો એ પરિષદમાં આવેલા, પ્રશ્ન પૂછવાનો ક્રમ નક્કી થઇ ગયો હતો. ત્રણ પ્રશ્નો પૂછાઈ ગયા, જવાબ અપાઈ ગયો. International સ્તરની પત્રકાર પરિષદ, એકાદ શબ્દ પણ આમથી તેમ બોલાઈ જાય તો તરત જ મીડિયાની અંદર ખોટી રીતે આખી વાત છવાઈ જાય. પણ વિનોબા સાક્ષીભાવના પુરુષ છે. જ્યાં સાક્ષીભાવ આવ્યો ને મજા જ મજા. કોઈ પરિસ્થિતિમાં ક્યાંય, ક્યારેય, કોઈ અકળામણ થતી હોતી નથી. હું ever fresh છું, ever green છું. પણ કારણ શું? પ્રભુએ આપેલો સાક્ષીભાવ. એક ક્ષણ માટે જ હું છું. આવતી ક્ષણનો વિચાર ક્યારેય કરતો નથી. અને એટલે જ મજામાં છું. અને આ જ સાક્ષીભાવ, આ જ વર્તમાનયોગ મારે તમને આપવો છે.
તમે લોકો છો ને બહુ મજાના માણસો છો. સંઘપૂજનમાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પ્રભાવનામાં આપે તો લઇ લો, પણ અમારી પ્રભાવના…? ભલે હમણાં ‘આ’ (ઓઘો) પ્રભાવનામાં અહીં આપું. સાક્ષીભાવ જે ક્ષણથી પ્રભુએ મને સાક્ષીભાવ આપ્યો, એટલો તો આનંદ છે કારણ કર્તૃત્વ totally ગયું, doing સમાપ્ત થયું, માત્ર being રહ્યું. કશું જ કરવું નથી. મુંબઈ આવ્યો, શા માટે? પ્રભુના દર્શન કરવા… અને તમારી આંખોમાં રહેલા પ્રભુના પણ દર્શન કરવા… કશું જ કરવું નથી. અને જે ક્ષણે doing છૂટી ગયું, being આવ્યું; મજા જ મજા. તમે મજામાં નથી કદાચ, એનું કારણ શું…? doing…. આ કરવું છે, આ કરવું છે… આ કરવું છે… પણ જો તમને ખ્યાલ આવી જાય કે જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયું છે એ જ રીતે પર્યાયો ખુલવાના છે તો તમે પણ આરામથી બેસી જાવ. જે ક્ષણે જે પર્યાય ખુલવાનો છે એ ખુલી જાય. સ્વીકાર કરી લો.
સુભાષચંદ્ર બોઝ એક સભામાં ભાષણ કરવા ગયેલા, એ વખતે કોગ્રેસમાં પણ બે ભાગ હતા ઉદ્દામ અને મવાડ. તો વિરોધી એક માણસ હતો, ભાષણ બરોબર અધવચ્ચે આવ્યું, પેલા વિરોધીએ પોતાનું જુત્તું હાથમાં લીધું અને જોરથી મંચ ઉપર છોડ્યું. સદ્ભાગ્યે સુભાષને વાગ્યું નહિ, એમના પગ પાસે ગયું, પણ સુભાષબોઝ એટલા સાક્ષીભાવના પુરુષ હતા, એમને સહેજ પણ અસર ન થઇ આ ઘટનાની… ભાષણ ચાલુ રાખ્યું, સહેજ નીચે ઝુક્યા, પેલા જૂત્તા ને હાથમાં લીધું… અને કહ્યું કે હું પહેરું છું ને એના કરતાં આ જુત્તું વધારે સારું છે એટલે જે સજ્જને આ એક જુત્તું ફેંક્યું છે એમને વિનંતી કરું કે બીજુ પણ ફેંકી દો, તો નવા જૂત્તા પહેરી જુના અહીંયા મુકીને હું રવાના થાઉં. ઘટના, ઘટના છે, ઘટનાને ઘટવાની સ્વતંત્રતા છે, તો તમને ઘટનાનું અર્થઘટન કરવાની સ્વતંત્રતા કેમ નહિ?
લોકમાન્ય તિલક પ્રખર રાજકરણી અને પ્રખર આધ્યાત્મિક પુરુષ. ભગવદ્દગીતા ઉપર જેલમાં જઈને લોકમાન્ય તિલકે જે પુસ્તક લખ્યું છે એ ભગવદ્દગીતા ઉપરનું એક superb પુસ્તક મનાય છે. એ તિલક એ વખતે મહારાષ્ટ્રના કેસરી અને બીજા બધા જ ન્યુઝપેપરો સવારના પહોરમાં તિલક ઉપરની ગાળોથી ઉભરાઈ રહ્યા હોય.. એક વક્તાએ કહ્યું તિલક નાલાયક છે, તો પેલા ન્યુઝ પેપરે હેડલાઈનમાં છાપ્યું છે: તિલક નાલાયક છે. રોજ તિલક ઉપરની ગાળોની હેડલાઈન ન્યુઝપેપર પર હોય. એક દિવસે સવારના પહોરમાં લોકમાન્યનો મિત્ર એમના ત્યાં આવ્યો, ચા પીતા પીતા મજાથી છાપું જોઈ રહ્યા છે. પેલા મિત્રે એ કહ્યું તમે આ છાપાં વાંચી શકો છો? આ હેડલાઈનમાં તમારા માટેની ગાળોનો વરસાદ છે. તિલક હસે છે અને કહે છે તું નાસ્તો કરીને આવ્યો કે નહિ એ તો પહેલા કહે… પેલો કહે નાસ્તો કરીને આવ્યો છું….. ભલે નાસ્તો કરીને આવ્યો ચા તો ચાલે બીજીવાર… ચાલો ભાઈ ચા લાવો… ચા આવી ગયી. પછી મિત્રને પૂછ્યું, નાસ્તામાં શું હતું? શેનો નાસ્તો કર્યો? તો કહે કે ગરમાગરમ પૌઆનો નાસ્તો કર્યો. ત્યારે લોકમાન્ય તિલકે કહ્યું કે તમે લોકો પૌઆ, ઉપમા, એ બધાનો નાસ્તો કરો છો. હું ગરમ – ગરમ ગાળોનો નાસ્તો કરું છું.
તમે પણ જો સાક્ષીભાવના સ્તર પર જાવ ગાળ અને સ્તુતિ ફરક શું છે? કોઈ તમારી સ્તુતિ કરે તો બે શેર લોહી વધી જવાનું છે? અને કોઈ નિંદા કરે તો શું થવાનું હતું? તકલીફ ક્યાં થાય..? શાસ્ત્રીય દ્રષ્ટિકોણ એ છે કે નિંદક તમારે તમારી જોડે રાખવો જોઈએ, કબીરજી એ કહ્યું, ‘નિંદક નિયરે રાખીએ, અંગ ન કુટિયા બીછાય’ તમારી સાત માળની હવેલી હોય તો વાંધો નહિ, પણ બાજુમાં એક નાનકડી ઝુંપડી રાખજો અને એમાં તમારા નિંદકને રાખજો. કારણ? જે દોષો તમારા તમને દેખાતા નથી, એની વાત એ કરશે.
Reception માં તમારે જવાનું છે, તૈયાર થઇ ગયા, દર્પણમાં મોઢું જોયું, કાનમાં સહેજ સાબુ ભરાઈ ગયેલો છે, સહેજ વાળ રહી ગયા છે દાઢીના ક્યાંક, આ જોયા પછી દર્પણની હાલત શું થાય? પટકો એને… શું કરો…? દર્પણનો ઉપકાર માનો બરોબર…? સારું થયું દર્પણમાં જોયું, નહીતર આમ ઘઘા જેવો ગયો હોત તો શું થાત…! દર્પણ તમને ગમે, દર્પણ જેવા માણસો ગમે બોલો…? દર્પણ ગમે છે, દર્પણ જેવા માણસો ગમે…?
શાસ્ત્રોએ એટલે જ કલ્યાણમિત્રની વાત કહી છે, કલ્યાણમિત્રને નજીકમાં રાખો અને એને કહી દો કે મારો જે દોષ મને દેખાતો નથી, એની તું વાત કરજે. જેથી કરીને એ દોષની ચુંગાલમાંથી મુક્ત થાઉં. મને સાક્ષીભાવ મળ્યો; મજા જ મજા આવી ગઈ, હવે ગુરુ એકલપેટા હોઈ શકે ક્યાંય…! મારે તમને આપવું છે.. તૈયાર..? પછી જુઓ તો ખરા કેવી મજા આવે છે… કોઈએ કંઈક કહ્યું તો કહ્યું. ઠીક છે…
એક માણસનું birthday હતો, એ હોલસેલ ખજુરનો વેપારી હતો, તો એણે નક્કી કર્યું કે મારો birthday આજે છે તો આજે ૧૦૦ – ૧૦૦ ગ્રામ ખજૂરના પેકેટ તૈયાર કરાવું, દુકાન પાસેથી જેટલા નીકળે એ બધાને ભેટમાં આપું.. લગભગ ૧૦૦૦ એક પેકેટ ખપી ગયા. ૧૦૦૦ લોકોને એણે ખજુર આપી. મ.સા. ને વહોરાવવાનું હોય ને ત્યારે તમે ખજુરમાંથી ઠળિયા કાઢી નાંખો પણ એ બીજાને આપવાનું છે, ત્યાં કંઈ ઠળિયા કાઢવાના હોય નહિ… ૧૦૦૦ જણાને ખજૂરના પેકેટ મળ્યા, હવે એમાંથી કેટલા લોકો આની જોડે ઝઘડો કરવા આવે, બોલો…? તમે કહેશો ઝઘડો શેનો? હું કહું છું ઝઘડો થાય જ… કેમ ઠળિયા આપ્યા…? પણ તમે ઉસ્તાદ છો… ખજુર ખજુર ખાઈ જવાના, ઠળીયો ફેંકી દેવાના. આવડે… તો આજ તો મારે કહેવું છે કે કોઈએ કંઈક કહ્યું સારું સારું લઇ લીધું અને ખરાબ ખરાબ ફેંકી દીધું બોલો… પેલા ૧૦૦૦ માંથી એક જણો ફરિયાદ કરવા ન આવે. કેમ મને ઠળિયા આપ્યા…! આવે કોઈ…? અને તમે ફરિયાદ કરો મને આવું કીધું…? હવે સારું હોય એ લઇ લે, ખરાબ હોય એ ફેંકી દે.
પ્રભુનું શાસન એટલે art of living. હું દિયાણા તીર્થમાં ગયેલો, ત્યાં એક પ્રોફેસર મને મળેલા, જૈન હતા, અને શ્રી શ્રી રવિશંકરના art of living ના courses એ ચલાવતા હતા.. મારી જોડે બેઠા, બધી વાત થઇ તો મેં કહ્યું પ્રોફેસર! શ્રી શ્રી રવિશંકરે તો હમણાં art of living ની વાત કરી, અમારા પ્રભુ મહાવીર દેવે ૨૬૦૦ વર્ષ પહેલાં art of living ની વાત કરી છે. ધર્મ બીજું કાંઈ જ નથી; art of living. ધર્મ તમારા હૃદયમાં આવે, શું થાય…? તમે મજામાં… પત્નીએ કંઈક કહ્યું lightly સ્વીકારી લો, હળવાશથી.. ગંભીરતાથી લેવાની જરૂર ક્યાં છે…!
બંગાળમાં એક પ્રોફેસર હતા, પ્રોફેસર તો હતા જ પણ જોડે જ સમાજસેવક પણ હતા. અને સમાજસેવક હોવાને કારણે કોલેજમાંથી છૂટ્યા પણ કોઈ પણ સમાજસેવાના કાર્યનું આમંત્રણ મળ્યું ત્યાં પહોંચી જાય, એટલે ઘરે આવવાનો કોઈ ટાઈમ નક્કી જ નહિ, ૨ વાગે, ૩ વાગે, ૪ વાગે, ૬ વાગે.. પત્ની કહે કે તમારે મોડા આવવાનું કમસેકમ મને જણાવી તો દો, ફોન તો કરી દો, મને ખબર પડે… એકવાર તો સાંજે ૬ વાગે પ્રોફેસર આવ્યો, અને પત્ની એકદમ ગરમાગરમ થઇ ગયેલી. જ્યાં પતિ આવ્યો, ઠંડા ભાતની થાળી આગળ હડસેલી. લો ઠંડા ભાત છે ખાવા હોય તો ખાઈ લો.. પતિ બહુ મજાનો માણસ હતો.. એને ઠંડા ભાતની થાળી હાથમાં લીધી.. અને પત્નીના માથા ઉપર મૂકી, પત્ની કહે શું કરો છો? અરે તારું માથું બરોબર તપેલું છે, બોઈલર બરોબર તપેલું છે તો મારા ભાત ગરમ થઇ જશે. પત્ની પણ ઠંડી થઇ ગઈ, હસવા માંડી. આ trick પ્રભુ તમને શીખવાડે છે.
તો વિનોબાજીની પત્રકાર પરિષદ, ત્રણ પ્રશ્નો પૂછાઈ ગયા, ચોથો પત્રકાર ઉભો થયો, એણે કહ્યું વિનોબાજી તમને ત્રણ પ્રશ્નો પૂછાઈ ગયા છે, ચોથો પ્રશ્ન મારે હવે પૂછવાનો છે પણ એ વચ્ચે થોડી સેકંડો જે ગઈ, એમાં તમે શું કર્યું એ મારે પહેલા પૂછવું છે… મારો પ્રશ્ન બાકી છે પણ આ પેટા પ્રશ્ન પુછુ છું… કે તમે એ ક્ષણોમાં કર્યું શું? વિનોબાજીએ કહ્યું, ગુરુએ આપેલો રામ – હરિ મંત્ર મારી પાસે છે, અને એનો જાપ કર્યો. હજુ તમે નહિ પૂછો ત્યાં સુધી જાપ ચાલુ રહેશે. પ્રશ્ન પૂછશો તો ઉત્તર આપવાનું ચાલુ કરીશ… આ સાક્ષીભાવની ભેટ.. ક્યાંય તમે અકળાવો નહિ, ક્યાંય નહિ, એકદમ સ્વસ્થતા…
તમને ખબર છે, એકબીજાને મળો અને પૂછો કે કેમ સ્વસ્થ છો ને… કોરોના ટાઈમમાં તો ખાસ પૂછવું પડતું.. પેલો કહે કે હા સ્વસ્થ છું. ન પૂછનારાને ખબર છે, ન ઉત્તર આપનારને ખબર છે કે સ્વસ્થ એટલે શું? બોલો તમને ખબર છે? અંગ્રેજી health શબ્દ છે, આપણે ત્યાં સ્વાસ્થ્ય શબ્દ છે, સ્વસ્થતા. તો સ્વસ્થ હોવું એટલે શું..? સ્વ એટલે આત્મા, સ્વ એટલે તમે પોતે… તમે તમારામાં હોવ એનું નામ તમે સ્વસ્થ બન્યા કહેવાય. ખ્યાલ આવ્યો હવે…? આ તો કહે હા સ્વસ્થ છું… શું સ્વસ્થ…! તું સ્વસ્થ છે કે પરસ્થ છે ભાઈ…?
એક જ વાત તમને કહી દઉં: સ્વમાં – પ્રભુમાં તમે મન મુકો તો આનંદ જ આનંદ. અને જ્યાં પરમાં તમે મન મુક્યું ત્યાં રતિ અને અરતિ… ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ. તમારું મનગમતું થયું ત્યાં સુખ. મનગમતું ન થયું ત્યાં દુઃખ. અને તમારી પાસે એવું પુણ્ય નથી કે તમે ઈચ્છો એવું થાય.. તમારા દીકરા પણ તમારા કહ્યાગરા નથી, પુણ્ય પાતળું છે, તો પુણ્ય પાતળું છે ને તો એના માટે સ્વસ્થ જીવન જીવવાનો રસ્તો આ છે સમાધાન કરી દો. દીકરાને પ્રેમથી કહો, શ્રાવિકાને પ્રેમથી કહો, અને તમે જુઓ તમારું ઘર નંદનવન બની જશે.
આપણે ત્યાં એક શબ્દ છે, ગરમાગરમ… અને તમે એનો અર્થ કરો બહુ ગરમ… પણ આમ સંસ્કૃત અને દેશ્ય ભાષા બેને આપણે લઈએ અને વ્યુત્ત્પતી કરીએ તો છુટું એવું પડે કે ગરમ + અગરમ. ગરમાગરમ એટલે શું…? ગરમ + અગરમ. તો પતિ – પત્નીમાંથી બેમાંથી કોઈ એક ગયું હોય, એક ઠંડું હોય, તો ચાલે પછી વાંધો ન આવે…સમજી ગયા? અને અહીંયા તમે આવ્યા છો… બધા ઠંડા છો તમે હવે… સાક્ષીભાવની ભેટ તો પછી સ્વીકારશો પણ આજે નાનકડી ભેટ આપી દઉં. ઠંડા રહેવાનું..
આપણે ત્યાં એક મજાની કહેવત આવતી, તો ‘પેટ નરમ, પાંવ ગરમ, ઓર શિર કો રખો ઠંડા’ પેટને નરમ રાખવાનું, ઉણોદરી કરવાની. પાંવ ગરમ, થોડું ચાલવાનું… આજે તમે ચાલવાનું બંધ કર્યું, છેવટે જીમમાં જવાનું આવી ગયું. Exercise તો કરવી જ પડશે. પેટ નરમ, પાંવ ગરમ, ઓર શિર કો રખો ઠંડા – માથાને ઠંડું રાખવાનું… ડોક્ટર તો કોઈ નથી ને પાછા અહીંયા… કારણ કે એમાં એવું આવે છે કે ‘ફિર ડોક્ટર આયે ઘર મેં ઉસકો મારો ડંડા’ ‘પાંવ ગરમ, પેટ નરમ, ઓર શિર કો રખો ઠંડા, ફિર ડોક્ટર આયે ઘર મેં, ઉસકો મારો ડંડા’ ડોક્ટર આવે જ નહિ પછી ઘરમાં, લાવવો જ ન પડે…
તો પ્રભુ શાસન જેને મળેલું છે એ ઠંડો જ હોય, એ ગરમ ક્યારેય હોય ન નહિ.. તો મારી વાત આજની એ હતી, કે મનને પ્રભુમય બનાવવા માટે જે મજાની ટેકનીક્સ આપણી પરંપરાએ આપી છે એ પૈકીની એક ટેકનીક છે આ અજપાજપ. તમે પણ આ લઇ શકો. પછી કોઈએ શું કીધું, અને શું ન કીધું એની ખબર પણ નહિ પડે, કારણ કે તમે અર્હમ.. અર્હમ… અર્હમ… એ ધૂનમાં જ હશો. મન પરમાં ન જાય, અને પ્રભુમાં જ રહે એના માટેની આ best ટેકનીક છે.
આપણે ત્યાં એક લોકકથા આવે છે: એક વાણિયો હતો, વેપારી, એક ભૂત એના ઉપર પ્રસન્ન થયું, અને ભૂતે કહ્યું તારું કામ બધું હું કરી આપીશ. વાણિયો ખુશ થઇ ગયો પહેલાં તો… એટલે એણે કહ્યું મારું ઘર જુનું છે, સાત માળની હવેલીમાં ફેરવી આપ; સાત માળની હવેલી થઇ ગઈ. મારી દુકાન નવી નાંખ; નવી થઇ ગઈ. લાખો રૂપિયાની નોટો લઇ આવ; નોટો પહેલા લઇ આવ્યો, બધું જ… પછી એણે કહ્યું, જુઓ હું પ્રસન્ન થયો છું, તમારે મને કામ સોંપતા રહેવાનું. જે ક્ષણે તમે કામ નહિ સોંપો એ દિવસે તમને હું મારી નાંખીશ. તમારે કામ મને સોંપતા રહેવાનું હું નવરો નહિ પડું… હવે પેલો વેપારી અકળાયો, આ તો ભૂત છે, એને કંઈ વાર તો લાગતી જ નથી… સાત માળની હવેલી ફટાફટ બનાવી નાંખી, દુકાન નવી તો બનાવી નાંખી… લાખો રૂપિયા લાવી દીધા… માલ – સામાન લાવી દીધો, ફર્નીચર કરી નાંખ્યું, હવે સતત મિનિટે મિનિટે કયું કામ બતાવું..? પણ વેપારી પણ હોંશિયાર હતો, એણે કહ્યું સાત માળની હવેલી બનાવી ને એવો મોટો લાકડાનો બંબો લઇ આવ.. એ તો લઇ આવ્યો જાડો લાકડાનો બંબો… હવે એને જમીનમાં ખોસી બરોબર ખોદી દે. ખોદી દીધો. પછી કહે કે જો હવે હું કામ હશે ત્યારે હું તને બોલાવીશ.. અને ત્યારે તારે મારું કામ કરવાનું, બાકી હું ન કહું ને ત્યારે કામ તારે બંબુ ઉપર ચડવાનું અને ઉતરવાનું… ચડ – ઉતર કર્યા કરજે.. પેલો ભૂત કહે, તું મને માથાનો મળ્યો. આજ સુધી ઘણા એ મળેલા, ઘણાને મારી નાંખ્યા.
આ મન ભૂત જેવું નથી? તમે એને શુભમાં રાખો, રાખી શકાય એવું, અશુભમાં જે ક્ષણે જવાનું હોય, એને કામ સોંપી દો. અજપાજપ. અર્હમ નો જાપ કર્યા કરે. એટલે મનને કંઈ રીતે diversion આપવું એ કળા આપણા મહાપુરુષોએ આપણને શીખવી છે.
પ્રેમસૂરિ દાદા વિહારમાં હતા, પ્રેમસૂરિદાદા એટલે નામ લેતાં આપણું હૈયું ગદ્ગદ્ થાય! કે એક work shop એમણે ચલાવ્યું, ૫૦ – ૧૦૦ શિષ્યો જોડે હોય અને જે ઘડતર એમને શિષ્યોનું કર્યું આ યુગમાં, ખરેખર એ અદ્ભુત હતું! તો સાહેબજી એક ગામમાં પધાર્યા, એવા સાધુઓ તૈયાર કરેલા, જૈનોના ઘર ભલે ઓછા હતા, હિંદુ ભાઈઓના ઘર ઘણા હતા, નિર્દોષ ગોચરી બધા લઇ આવ્યા. બધા એકાસણાવાળા, સાહેબજી પોતે પણ એકાસણું કરનારા, અને ગોચરીનો સમય થયો અને બધા પાત્રા આવી ગયા, સાહેબજી પોતે પધાર્યા, બધા શિષ્યો બેસી ગયા. એ વખતે સાહેબજીને વિચાર થયો, આ મારા શિષ્યો સતત જ્ઞાન અને ધ્યાનમાં રહેનારા, આજે વિહાર કર્યો, અને વિહાર કરીને થાકીને આવેલા હતા, તો પણ સુવાની વાત કોઈની પાસે નહોતી, સીધા જ સૂત્ર પોરસી, અર્થ પોરસીમાં બધા લાગી ગયેલા. એકાસણું બધા ને છે, એ લોકો વાપરવા બેસશે, પણ એવું તો નહિ થાય કે કોઈ સ્વાદિષ્ટ દ્રવ્ય હશે કે અને એમાં એ લોકો આસક્ત બની જાય? કેવી કરૂણા ગુરુની! તમારે ગુરુની કરૂણા કેવી જોઈએ..? સાચું કહેજો..? તમારો સંસાર વધે એવી કે ઘટે એવી..? કેવી જોઈએ..?
તો ગુરુદેવની આંખો છલછલાઈ આવી કે આ મારા શિષ્યો એમને આસક્તિ તો નહિ થઇ જાય ને….? એટલે અમારે ત્યાં પહેલા વાપરી શકાતું નથી. ગુરુદેવ જયારે કહે આજ્ઞા માંગો ગુરુદેવ હા પાડે પછી વપરાય… અમારી વિધિ તો એકવાર જુઓ એટલે ખબર પડે… શું વિનય! શું સમર્પણ…!અમારે ત્યાં રહ્યો છે… તો ગુરુદેવે બધા બેસી ગયેલા અને કહ્યું કે કર્મગ્રંથનો એક કોયડો છે, એ કોયડો હું તમને કહું છું એનો જવાબ સૌથી પહેલા મને કોણ આપે છે, એ મારે આજે જોવું છે… એ કોયડો કહી દીધો… પછી કહ્યું કે હવે વાપરો.. હવે શું થશે બોલો…? આ તમારા માટે practical નથી… હવે શું થાય? શરીર ગોચરી કરે, મન પેલા કોયડામાં હોય, ગોચરી પછી તરત જ એક મહાત્મા આવ્યા સાહેબ પાસે અને વંદન કર્યું, સાહેબજી મને જવાબ મળી ગયો, સાહેબજીએ એનો જવાબ સાંભળ્યો, સાહેબજી કહ્યું એકદમ સરસ તું પહેલા નંબરે આવી ગયો.. સરસ… બહુ સરસ.. આશીર્વાદ આપ્યા… અને ધન્યવાદ આપ્યો… પછી સાહેબજી મનમાં કહે, જવાબ આવડે એ પણ પાસ, ન આવડે એ પણ પાસ. કારણ કે મારી પરીક્ષાનો હેતુ એટલો જ હતો કે એ લોકો વાપરતી વખતે આસક્તિમાં ચાલ્યા ન જાય. એટલે જેને જવાબ આવડશે એ પણ પાસ, ન આવડે એ પણ પાસ.
તમને પાસ કરી દઉં…? એ ભોજનની શરૂઆત થાય અને કોઈ સ્તવનની કડી લઇ લો… વ્યાખ્યાન કે વાચનાનો કોઈ પદાર્થ લઇ લો, મનને ત્યાં divert કરી દો, શરીર ખાઈ લે, પછી શ્રાવિકાજી પૂછે કે આજે શાક – બાકમાં મીઠું ઓછું હતું ખબર પડી…? ના, ના મને તો કાંઈ ખબર પડી નથી. ખબર પડે ક્યાંથી…! મન divert થઇ ગયું…
અમારા ત્યાં એક પંડિતજીની વાત આવે, એમને ગ્રંથ લખવાનું શરૂ કર્યું… હવે ગ્રંથ લખવાનો શરૂ કર્યો એટલે સવારથી સાંજ સુધી જેટલો ટાઈમ મળે, એટલું લખ્યા કરે… પણ જમવા વિગેરે માટે આવે ત્યારે પણ મન ક્યાં હોય… આના પછી કયો શબ્દ વાપરવો, આ શબ્દને બદલે કયો શબ્દ વાપરવો… મન એમાં જ હોય, તો પહેલો જ દિવસ ગ્રંથ લેખનનો… જમવા માટે બેઠા, રોટલી અને દાળ.. દાળમાં મીઠું બિલકુલ નંખાયેલું નહિ ભૂલથી.. તો પંડિતજી જમી ગયા આરામથી.. પાછું લખવા માટે બેસી ગયા, પત્નીએ પાછળથી રોટલી – દાળ ખાધા. અરે! દાળમાં મીઠું જ નથી. અરે આતો કંઈ બોલ્યા જ નહિ, આમ તો બોલે એવા જ છે.. સહેજ ઓછું વત્તું થાય તો બોઈલર તપે એમ છે આજે શું થયું…! પછી એને પરીક્ષા કરી… સાંજે પણ દાળ મીઠા વગરની… એક મહિના સુધી ચાલ્યું આ રીતે… મીઠા વગરની દાળ પંડિતજી ખાઈ જાય રોજ… ૩૦માં દિવસે ગ્રંથ પૂરો થયો. ૩૧માં દિવસે મન થઇ ગયું નવરું…. free થઇ ગયું અને જ્યાં જમવા બેઠા, રોટલીનો ટુકડો કર્યો, અને દાળમાં ડબોળ્યો ને મોઢામાં નાંખ્યો..સીધો જ શું કર્યું છે આ…? દાળ કરી છે કે શું કર્યું છે આ…? મીઠું બિલકુલ નથી. પેલી હસવા માંડી… કે મહીને ટ્યુબલાઈટ થઇ ખરી… ત્યારે પંડિત કહે છે કે મહિના સુધી મને ખબર ક્યાંથી પડે..? હું તો ગ્રંથલેખનમાં મનને આપી ચુક્યો હતો..
બોલો મન પ્રભુને આપો તો કેટલી મજા આવે.. બરોબર…
તો ઇન્દ્રિયો, મન અને ચિત્ત એને પ્રભુમય બનાવો.